Monday, October 2, 2023

લક્ષ્મણના ગાંધી એવા કેમ?

કાર્ટૂનિસ્ટો પોતાના કાર્ટૂનમાં દોરાતાં કેરિકેચર માટે મોટા ભાગે પોતાની 'પિક્ચર ગેલરી'નો ઉપયોગ કરતા હોય છે. એટલે કે સામાન્યપણે તેઓ પોતાના સંગ્રહમાં રહેલી તસવીર પરથી કેરિકેચર બનાવતા હોય છે. ગાંધીજીનું કેરિકેચર ચીતરવું પ્રમાણમાં ઘણું સહેલું છે. તેમનો ચહેરો દોરવો એટલો સરળ છે કે આસાનીથી કોઈ પણ એ દોરી શકે. આમ છતાં વિવિધ કાર્ટૂનિસ્ટો એ ચહેરાને પોતાની શૈલીએ ચીતરતા આવ્યા છે. જેમ કે, મારીઓ ગાંધીજીનું કેરિકેચર બનાવે તો એ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ મારીઓના ગાંધીજી છે. શંકર ગાંધીજીને પોતાની રીતે ચીતરે છે, તો ડેવિડ લો પોતાની રીતે. પણ એ ગાંધીજી જોઈને ખ્યાલ આવી જાય કે એ કયા કાર્ટૂનિસ્ટે ચીતરેલા છે.

આ બધામાં આર.કે.લક્ષ્મણના ગાંધીજી સાવ અલગ પડે છે. આર.કે.લક્ષ્મણના ગાંધીજીના ગાલ ભરેલા અને હોઠ જાડા છે. તેમનું નાક પણ પહોળું હોય છે. આ બધું સમજ્યા કે કાર્ટૂનિસ્ટે પોતાની રીતે છૂટછાટ લીધેલી હોય. સૌથી અલગ પડી આવતી વાત એ છે કે આર.કે.લક્ષ્મણના ગાંધીજીના કપાળમાં મોટો, ગોળ ચાંલ્લો (તિલક) હોય છે. ગાંધીજીએ કદી કપાળે આવું કશું કર્યું હોય એવું જાણમાં નથી. તો પછી લક્ષ્મણ શાથી આમ બતાવતા હશે? આ સવાલ મને દર વખતે થાય છે.
મને સૂઝેલો જવાબ કંઈક આવો છે. એ કદાચ યોગ્ય ન પણ હોય એમ બને. લક્ષ્મણે ગાંધીજીના ચહેરાની લાક્ષણિકતાઓ એક દક્ષિણ ભારતીય પુરુષની (દ્રવિડ?) હોય એમ જણાય છે. ખાસ કરીને ભરાયેલા ગાલ અને જાડા હોઠ. ચાંલ્લો પણ કદાચ એનો હિસ્સો હોઈ શકે.
લક્ષ્મણ તો હવે હયાત નથી. તેમણે ક્યાંય આ બાબત નોંધી હોવાનો ખ્યાલ નથી. કદાચ તેમણે સહજપણે જ આમ કર્યું હોય એમ બને યા એમ ન પણ હોય.
આથી હવે આપણે માત્ર ધારણા પર જ આધાર રાખવાનો રહે છે.





No comments:

Post a Comment