દાભોલના માર્ગે એસ.ટી. બસોની ફ્રીક્વન્સી ઘણી છે. એસ.ટી.ના વિકલ્પે અહીં ‘ડમડમ’ તરીકે ઓળખાતી છ સીટવાળી ઓટોરીક્ષા જોવા મળે છે, જેમાં ટુરીસ્ટો પણ સ્થાનિક લોકોની જેમ, તેમના જેટલા જ ભાડામાં, તેમના જેટલી જ અગવડો સાથે મુસાફરી કરી શકે છે. દાભોલથી દસેક કિલોમીટર પહેલાં ચીખલગાંવ નામનું સાવ નાનકડું ગામ છે. લોકમાન્ય ટિળકનું બાળપણ આ ગામમાં ગુજર્યું હતું એમ કહેવાય છે. જો કે, બાળપણના કયા વરસો દરમ્યાન તેઓ અહીં રહ્યા હતા એ વિશે અધિકૃત માહિતી મળતી નથી. તેમના દાદાનું મકાન અહીં હતું એટલે ક્યારેક તો તેઓ અહીં રજાઓમાં આવ્યા જ હશે, એવુંય એક જણે ખાતરીપૂર્વક કહ્યું. છેલ્લા પચીસેક વરસથી આ વિસ્તારમાં કામ કરી એક સંસ્થાએ અહીં ટીળકજીનું સ્મૃતિમંદીર બંધાવીને તેમની બસ્ટ સાઇઝની પ્રતિમા મૂકી છે, જેની મુલાકાતે રડ્યા ખડ્યા પ્રવાસીઓ ઉપરાંત ટીળક જ્ઞાતિના લોકો આવે છે.
આ સ્મૃતિમંદીરની બાજુમાં જ પ્રાથમિક શાળા ચાલે છે, જેમાં આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એકથી ત્રણ ધોરણના આ વિદ્યાર્થીઓ મુલાકાતીને ‘ગુડ આફ્ટરનૂન સર’,’વેલકમ સર’ કહીને આવકારે ત્યારે આશ્ચર્યની સાથે આનંદ પણ થાય છે. આ શાળાના પાડોશી છે એકનાથ ચાંદોરકર. પગપાળા શાળા સુધી આવતી વિદ્યાર્થીનીઓ શાળા શરૂ થાય એ પહેલાં એકનાથજીના કૂવેથી પાણી ખેંચીને દેગડાઓ ભરી દે છે. શાળામાં થતી પ્રાર્થના જેવો જ આ નિત્યક્રમ છે. ઘરથી સાવ નજીક આવેલા બસસ્ટોપ સુધી પણ પોતાના સંતાનોને બાઇક પર મૂકવા જનાર મા-બાપ પર્વતીય વિસ્તારની અગવડયુક્ત આ શાળા જુએ તો તેમને ખ્યાલ આવે કે પોતાનું બાળક કેવા રાજાશાહી ઠાઠમાં રહે છે.
સાગરકિનારે
| ગુહાગરનો દરિયાકિનારો |
કોંકણ વિસ્તારમાં બધે વિવિધ પ્રકારની મરાઠી બોલીનું ચલણ છે. ‘કોંકણી’ તરીકે ઓળખાતી બોલીનું અહીં નામનિશાન નથી. કોંકણી મુખ્યત્વે ગોવાની બોલી છે. અહીંના લોકો હિન્દી સમજી શકે છે ખરા (થેન્ક્સ ટુ હિન્દી ફિલ્મ્સ), પણ હિન્દી બોલવામાં તેમને ઘણી તકલીફ પડે છે. ગુહાગર તાલુકાનું મુખ્ય મથક છે અને અહીંનું બજાર મુખ્યત્વે બસ સ્ટેશનની આસપાસ વિકસેલું છે. વેદ્લોરથી અંજનવેલ થઇને ગુહાગરમાં પ્રવેશતી બસ આખું ગામ પાર કરીને બસ સ્ટેશનમાં પ્રવેશે છે. આ આખા રસ્તાની પહોળાઇ ફક્ત એક જ મોટું વાહન જઇ શકે એટલી છે, પણ અહીં ટ્રાફિક જામની સમસ્યા ખાસ નડતી નથી. ગુહાગરના મુખ્ય રોડથી દરિયાકાંઠો ફક્ત ચાર મિનીટના અંતરે છે.
| ચલ અકેલા |
ફળોથી ‘ફૂલ’
| ચક્કર ઘુમાવો એટલે પાણી |
વિસ્તારમાં શિક્ષણ અને લોકસેવાની ધૂણી ધખાવીને બેઠેલા દાંડેકર દંપતિમાંના ડો. રાજા દાંડેકર કહે છે એમ કોંકણવાસી જલદી કોઇનો ભરોસો કરતો નથી. પણ એક વખત ભરોસો મૂકે પછી તે પાછું વાળીને જોતો નથી. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં તો બન્યું છે એવું કે જેમના પર ભરોસો મૂકાયો એ લોકોએ પાછું વાળીને જોયું નથી. આના પરથી એમ પણ સાબિત કરી શકાય કે અતિશય વિકાસ અને અવિકાસ બન્ને સમાન અવસ્થાઓ છે.
| લચેલાં લીલાં મરી |
| ફણસનો ફાલ |
| અનાનસ |
પશ્ચીમ ઘાટનો ઉચ્ચ પ્રદેશ |
| (ડાબે) ટીળક સ્મૃતિમંદીરની બાજુમાં શાળા |
ટીળક સ્મૃતિમંદીર |
(તા.ક.: કોંકણ વિસ્તારમાં ફરવા જવાની શ્રેષ્ઠ મોસમ ચોમાસાને બાદ કરતા શિયાળો છે. ગુહાગર, વેલનેશ્વર ઉપરાંત બીજા અનેક વર્જિન દરિયાકિનારા છે. આ વર્ણન એક ચોક્કસ વિસ્તાર પૂરતું છે. ઘણા નગરોમાં પેઈગ ગેસ્ટ તરીકે રહેવાની સુવિધા પણ છે.)
(તમામ તસવીરો: બીરેન કોઠારી)
