Showing posts with label Actor. Show all posts
Showing posts with label Actor. Show all posts

Wednesday, May 28, 2025

તેઓ પૂછપૂછ કરે છે કે મોર ક્યારે લાવવાના છે?

 - અમોલ પાલેકર


'ચિત્તચોર'નાં બધાં ગીતોનું ફિલ્માંકન બાસુદાએ કોરિયોગ્રાફર વિના, પોતાની નૈસર્ગિક કથનાત્મક શૈલી થકી કર્યું. એ સમયે ગીતનું ફિલ્માંકન કોરિયોગ્રાફર સંભાળતા હોવા છતાં મોટે ભાગે તેમનો નામોલ્લેખ આજની જેમ જોવા મળતો નહીં. આજે તો કોરિયોગ્રાફર પોતાના ક્ષેત્રના સ્ટાર છે અને તેમને પૂરતો યશ અપાય છે. બીમલ રોયની ફિલ્મ 'દો બીઘા જમીન'નાં ગીતોને મહાન નૃત્યકાર સચીન શંકરે કોરિયોગ્રાફ કરેલાં, અને ડોન'નું 'ખઈ કે પાન બનારસવાલા' પી.એલ.રાજે કોરિયોગ્રાફ કરેલું. ગોપી કૃષ્ણના નાના ભાઈ માધો કૃષ્ણ પણ ખ્યાતનામ કોરિયોગ્રાફર હતા. આ પ્રથાને ધ્યાનમાં લઈને 'ચિત્તચોર'ના નિર્માતા રાજાબાબુ (રાજકુમાર બડજાત્યા)એ બાસુદાને ગીતોના ફિલ્માંકનમાં શક્ય તમામ સહાય પૂરી પાડવા પ્રયત્ન કરેલો.
એક સાંજે 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા' ગીતનું ફિલ્માંકન શરૂ થયું કે બાસુદાએ મલકાઈને કહ્યું, 'પ્રોડક્શન આસિસ્ટન્‍ટો સવારથી મારી પાછળ પડ્યા છે. તેઓ પૂછ પૂછ કરે છે કે તેમણે મોર ક્યારે લાવવાના છે? ગીતની પંક્તિ 'જી કરતા હૈ, મોર કે પાંવ મેં પાયલિયા પહના દૂં' માટે રાજાબાબુએ મોરને દેખાડવાની તડામાર તૈયારીઓ કરી દીધેલી. બાસુદાએ મક્કમપણે ઈન્કાર કર્યો અને થોડા સમય માટે પ્રોડક્શન ટીમમાં અસંતોષ વ્યાપી ગયો. અન્ય ગીત 'તુ જો મેરે સૂર મેં સૂર મિલા લે'ની એક પંક્તિ 'ચાંદની રાતોં મેં, હાથ લિયે હાથોં મેં' માટે સ્ટુડિયોમાં આકાશે લટકતા ચાંદ અને એની નીચે નાનકડા બ્રીજની કેડીવાળો સેટ ઊભો કરાયેલો, જે બાસુદાની શૈલીથી સદંતર વિપરીત હતું. મેં એમને આના વિશે પૂછ્યું ત્યારે તેમણે કશો પ્રતિભાવ ન આપ્યો. જો કે, ત્યાં સુધીમાં પોતાની કળાત્મકતા જાળવી રાખીને પણ નિર્માતાની માગને અનુકૂળ થવાની તેમની પ્રતિભા વિશે મને ખ્યાલ આવી ગયો હતો. આવા મામલે તેઓ પોતાના અભિગમમાં સૂક્ષ્મ રીતે ફેરફાર કરીને વચલો રસ્તો શોધી કાઢતા.
'ચિત્તચોર'ના નિર્માણ દરમિયાન નિર્માતા રાજાબાબુ સ્ક્રીપ્ટમાંના પ્રત્યેક દૃશ્યને ન્યાય મળે એ સુનિશ્ચિત કરતા. રાજશ્રી પિક્ચર્સ અને રાજાબાબુ માટે મારા મનમાં વિશેષ આદરનો ભાવ હતો. 'કભી કભી', 'દસ નંબરી' અને 'લૈલા મજનૂ' જેવી મુખ્ય ધારાની અતિશય ખર્ચાળ ફિલ્મોની સરખામણીએ રાજાબાબુ અને તેમના ભાઈ કમલબાબુ (કમલકુમાર બડજાત્યા) સામાન્ય બજેટમાં સ્વસ્થ મનોરંજન માટે પ્રતિબદ્ધ હતા. તેમણે સતત એવી ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કર્યું કે જે નૈતિકતાનું ઉર્ધ્વગમન કરે અને પરિવાર માણી શકે. આ તેમની મુદ્રા હતી. અલબત્ત, વિતરક તરીકેનો તેમનો બહોળો અનુભવ અને અનેક થિયેટરોની માલિકી પણ નિર્માતા તરીકેના તેમના કાર્યની મહત્ત્વની મૂડી હતી.
ફિલ્મ પૂર્ણ થયા પછી કેવળ કલાકાર અને કસબીઓને ટ્રાયલ સ્ક્રિનિંગ માટે આમંત્રવામાં આવ્યા. સૌને ફિલ્મ ગમી, અને બાસુદા પણ રાજી હતા. જો કે, અમને બન્નેને એ સાંભળીને મજા ન આવી કે ફિલ્મ મુંબઈના એક જ થિયેટરમાં રજૂઆત પામવાની છે. બાસુદા મને બડજાત્યાની ઑફિસે લઈ ગયા. બાસુદાની નિસ્બત માટે પૂરતો આદર દર્શાવતાં રાજાબાબુ અને કમલબાબુએ જે સમજૂતિ આપી એ સાંભળીને હું છક થઈ ગયો. તેમણે કહ્યું, 'ફિલ્મ જબ્બર હીટ થવાની છે, સુપર હીટ. પણ અમે એને સામાન્ય રીતે રજૂ કરવા નથી માગતા. ખૂણેખૂણે આસાનીથી ટિકિટ મળી જાય એને બદલે આ ફિલ્મ જોવા માટે લોકોએ પ્રયત્ન કરવો જોઈએ અને દૂર સુધી જવું જોઈએ. એક વાર અનન્યતાનો આ માહોલ ઊભો થશે એ પછી અમે એને બધે રજૂ કરીશું.' એમની વ્યૂહરચના સફળ પુરવાર થઈ. અંધેરીના એક થિયેટરમાં 10 જાન્યુઆરી, 1976ના રોજ કશી તડકભડક વિના 'ચિત્તચોર' રજૂ થઈ અને સો દિવસ સુધી 'હાઉસફૂલ' ચાલી. આ સફળતાને પગલે, ધીમે ધીમે તે સમગ્ર ભારતમાં રજૂ કરવામાં આવી અને 'અમોલ પાલેકર' ઘરઘરાઉ નામ બની ગયું. ફિલ્મે મને ચીલો ચાતરનાર હીરો તરીકેની પ્રતિષ્ઠા અપાવી. એવો હીરો જેની કારકિર્દી ત્રણ ત્રણ સિલ્વર જ્યુબિલી ફિલ્મોથી શરૂ થઈ, જેને પરિણામે નિર્માતાઓ મારી સાથે કામ કરવા પડાપડી કરવા લાગ્યા.
મેં બહુ જલદી મારી બૅન્કિંગની કારકિર્દીમાંથી રાજીનામું આપીને મારી જાતને સંપૂર્ણપણે કળાજગતને સમર્પી દેવાનો સાહસિક નિર્ણય કરી લીધો.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

(નોંંધ: અહીં ઉલ્લેખાયેલું ગીત 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા' આ લીન્ક પર તેમજ 'તૂ જો મેરે સૂર મેં સૂર મિલા લે' આ લીન્ક પર જોઈ શકાશે.)

Tuesday, February 11, 2025

મારા જીવનનો આ બીજો અકસ્માત કે જેનાથી હું અભિનેતા બની ગયો

 - અમોલ પાલેકર

1966માં હું બૅન્ક ઑફ ઈન્ડિયામાં કામ કરતો હતો અને મારાથી ત્રણ વર્ષ નાની બહેન ઉન્નતિ મુંબઈની સેન્ટ ઝેવિયર કૉલેજમાં ભણતી હતી. તેની કૉલેજના વાર્ષિકોત્સવના ભાગરૂપે તે એક નાટકમાં કામ કરી રહી હતી. એક રીહર્સલમાં હાજરી આપવા માટે તેણે મને નોંતર્યો. ત્યાં તેની સાથે કામ કરતી મિત્ર ચિત્રા મુર્દેશ્વરને હું મળ્યો. તેનો સ્વાવલંબી અને ઊર્જાવાન અભિગમ મને ગમ્યો. અમે નજીક આવ્યા અને આજીવન સંબંધનો પાયો નંખાયો. એ અરસામાં 'ફિલ્મ ફોરમ' નામે સમાંતર સિનેમાના આંદોલને એમ.એસ.સથ્યુ, બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટરજી અને શ્યામ બેનેગલને હોલીવુડની મુખ્ય ધારાની ફિલ્મોથી અલગ વિવિધ વિદેશી ફિલ્મો દર્શાવવા માટે પ્રેર્યા. મરીન ડ્રાઈવ પર આવેલા તારાબાઈ હૉલ થિયેટરમાં એ દર્શાવાતી. ચિત્રાએ અને મેં નિયમીતપણે એ સાંજના શોમાં હાજરી આપવા માંડી.
એક દિવસ સત્યદેવ દુબે ચિત્રાને મળવા સેન્ટ ઝેવિયર કૉલેજ પર આવ્યા. પોતાના નાટક 'યયાતિ'માં તેમણે ચિત્રાને ભૂમિકાની દરખાસ્ત કરી. આ ભૂમિકા માટે ચિત્રાનું નામ જાણીતાં અભિનેત્રી સુલભા દેશપાંડેએ સૂચવેલું. પેડર રોડ પર મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા ઈન્‍ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી.)ના વેરહાઉસમાં દુબે પોતાના નાટકોનાં રીહર્સલ કરાવતા. પહેલી વાર ચિત્રા સાથે હું રીહર્સલમાં ગયો ત્યારે સખત વરસાદ વરસી રહ્યો હતો. ટીશર્ટ અને ચડ્ડી પહેરેલા એક બટકા માણસને મેં જોયો. એના વાંકડિયા વાળ સત્ય સાંઈબાબાની યાદ અપાવે એવા હતા. ચિત્રા મારા કાનમાં ગણગણી, 'પેલા છે એ દુબે.' પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને એમણે કહ્યું, 'તું પાંચ મિનીટ વહેલી આવી એ સારી વાત છે.' ચિત્રાએ મારો પરિચય 'મિત્ર' તરીકે કરાવ્યો. એ ફર્યા એટલે મેં એમના હાથમાં એક મોટી લાકડી જોઈ. 'અમારું રીહર્સલ બે કલાક ચાલશે.' તેમણે મને જણાવ્યું, મતલબ કે મારે ત્યાં હાજર રહેવાનું નહોતું. ભવિષ્યમાં મને તેમનો વધુ પરિચય થતો ગયો એમ મેં તેમને અલગ અલગ મૂડ અને અવતારમાં જોયા. દર વખતે લાકડી તેમના હાથમાં રહેતી, જેનો તેઓ વિવિધ મુદ્રાઓ માટે ઊપયોગ કરતા.
થોડા દિવસ પછી એક દિવસ રીહર્સલ પતાવીને ચિત્રા બહાર નીકળી ત્યારે દુબે તેની પાછળ આવ્યા. મારા વિશે ટૂંકી પણ સઘન પૂછતાછ પછી સાવ અણધાર્યા તેમણે મને નાટકમાં અભિનય કરવા બાબતે પૂછ્યું. તેમણે તરત ઉમેર્યું, 'એમ ન માનતો કે મેં તારામાં કોઈ મોટી અભિનયપ્રતિભા જોઈ લીધી છે. આ તો તારી પાસે પુષ્કળ સમય હોય છે એટલે હું પૂછું છું.' આમ, 'ચૂપ! કોર્ટ ચાલુ આહે'માં પોંક્શેની ભૂમિકામાં મને નીમવામાં આવ્યો.
મારા જીવનનો આ 'બીજો અકસ્માત', જેના પ્રતાપે 'અભિનેતા'ના કશા લેબલ કે અપેક્ષા વિના હું અભિનેતા બની ગયો. ત્રેવીસની વયે અચાનક જ 'ચિત્રકાર અમોલ પાલેકર' બની ગયો 'અભિનેતા અમોલ પાલેકર'. એક વાર મુંબઈના તેજપાલ ઓડિટોરીયમમાં મારા સૌ પ્રથમ નાટકનો શો પત્યો કે હું વાલચંદ ટેરેસ હૉલમાં ગયો, ત્યાં બેઠો અને સુખદ ક્ષણો વાગોળી રહ્યો હતો. દુબે આવ્યા અને મારા હાથમાં 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ની નકલ થમાવી. નાટકના ખ્યાતનામ સમીક્ષક જ્ઞાનેશ્વર નાડકર્ણીએ એમાં લખેલી નાટકની સમીક્ષા એમણે મને મોટેથી વાંચવા કહ્યું. નાડકર્ણીના લેખમાં મારી રજૂઆતને 'શિષ્ટ' તરીકે બિરદાવવામાં આવી હતી. એમના શબ્દોને સમજવા મને મુશ્કેલ લાગ્યા. દુબેએ કહ્યું, 'હવે તું અભિનય શીખવા તૈયાર છું, પણ સૌથી પહેલાં મૂળભૂત બાબતો શીખ. મંચ પરની તારી ઉપસ્થિતિ પર કામ કર. તું આટલો અક્કડ કેમ ઊભો રહે છે? તારા ખભાને રીલેક્સ કર. તાણને ઓછી કર.' આરંભિક સૂચનાઓ આપ્યા પછી તેમણે વધારાનો આદેશ છોડ્યો, 'એક પગ પર ઊભો રહેવા પ્રયત્ન કર.' મારા કામને બીરદાવવાની એમની આ રીત હતી. વાલચંદ ટેરેસ હૉલમાં એક થાંભલા પછવાડે ઊભેલા યુવાન દુબેની છબિ મારી સ્મૃતિમાં જડાઈ ગઈ છે.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Saturday, February 1, 2025

'ગોલમાલ'માં મારી ત્રણ ભૂમિકાઓ હતી

 - અમોલ પાલેકર

'ગોલમાલ'નો અડધોઅડધ હિસ્સો હૃષિદાના બંગલે અને બાકીનો સહનિર્માતા એન.સી.સીપ્પીના બંગલે ફિલ્માવાયો હતો. પોતાના વકરતા જતા આર્થરાઈટિસને લઈને કદાચ હૃષિદાએ આ શૈલીનું ફિલ્માંકન સ્વીકાર્યું હશે. જે હોય એ, પણ તેમને ભવ્ય સેટ ડિઝાઈનને બદલે સાદા સેટિંગમાં સીધી ને સટ રીતે કહેવાયેલી કથનશૈલી પસંદ હતી. 'ગોલમાલ'માં કામ કરતી વેળાએ મને આનો ખ્યાલ આવ્યો. હૃષિદાના સૂક્ષ્મ દિગ્દર્શનને કારણે 'ગોલમાલ'ની મારી ત્રણ ભૂમિકામાં હું સહેલાઈથી આવનજાવન કરી શકેલો, જે અન્યથા બહુ પડકારજનક બની રહ્યું હોત. મોટા ભાગના લોકો માને છે કે હું બેવડી ભૂમિકામાં હતો. રામપ્રસાદ અને લક્ષ્મણપ્રસાદને જોતાં પ્રેક્ષકો ભૂલી જાય છે કે મુખ્ય પાત્ર તો નોકરીની શોધ કરતો 'રામ' છે. ઈન્‍ટરવ્યૂ દરમિયાન પોતાના તરંગી બૉસને પ્રભાવિત કરવા માટે તે પોતાને રામપ્રસાદ તરીકે રજૂ કરે છે, અને પછી મુસીબતમાં મૂકાતાં તે લક્ષ્મણપ્રસાદ નામનું એક બીજું પાત્ર ઊભું કરે છે. પોતાનો જોડિયો ભાઈ હોવાનું જૂઠાણું તેની કોટે વળગે છે. 'રામ'ને આ બન્ને વ્યક્તિત્વો વચ્ચે અટવાતો જોઈને પ્રેક્ષકો અસલ 'રામ'ને ભૂલી જાય છે. અનેક ભૂમિકાઓ નિભાવવાનો મારો ઈતિહાસ હતો. આથી 'ગોલમાલ'માં ત્રણ ભૂમિકાઓ ભજવવા બાબતે હું ખાસ ચિંતીત નહોતો. હૃષિદાની સ્ક્રીપ્ટમાં જ પાત્રો વચ્ચેનો ભેદ સમાવિષ્ટ હતો. જો કે, બન્ને પાત્રો વચ્ચેના ભેદને અસરકારક રીતે ઉજાગર કરવા માટે મેં એમાં મારી પોતાની ઢબછબ ઉમેરેલી- જેમ કે, મારા શર્ટને ચુસ્ત રીતે બંધ કરવું, વારેઘડીયે કુર્તો નીચેની તરફ ખેંચ્યે રાખવો કે આંગળી ફરતે ચાવી ગોળગોળ ફેરવવી.
ઉત્પલદા (ઉત્પલ દત્ત) અને દીનાબેન (પાઠક) સાથે કામ કરવાનો બહુ આનંદ આવ્યો. રીહર્સલ દરમિયાન અમે એકમેકને ઉપયોગી સૂચનો આપતાં. એક વાર હૃષિદાએ દૃશ્યની કોરિઓગ્રાફી સમજાવી અને પ્રેક્ષકોની ઈચ્છિત પ્રતિક્રિયા મેળવવા માટેની અગણિત સંભાવનાઓ પર કામ કરવાનું અમારી પર છોડી દીધું. ત્રણ કે ચાર રીહર્સલ પછી એ નક્કી કરતા કે શું રાખવું અને શું કાઢી નાખવું, અને પછી અમે આખરી રીહર્સલ અને/અથવા 'ટેક' કરતા. જે દૃશ્યોમાં હું નહોતો એમાં પણ ઉત્પલદા અને દીનાબેન મને સેટ પર રહીને સૂચનો આપવાનો આગ્રહ રાખતા. એક પાર્ટીમાં તેઓ મળે છે એ દૃશ્ય દરમિયાન મેં એક નાનકડું સૂચન કર્યું, જેથી એ દૃશ્ય વધુ અસરકારક બને. ઉત્પલદાના હીંચકા પર બેસવાના પ્રયત્નો અને બે-ત્રણ વાર એમાં મળતી નિષ્ફળતાને કારણે એ તનાવપૂર્ણ દૃશ્યમાં પણ ઘણી રમૂજ ઊમેરાઈ. તેમણે પણ મને કેટલીક અદ્‍ભુત ટીપ્સ આપી. જેમ કે, લક્ષ્મણપ્રસાદના પ્રવેશ વખતે તેમણે મને કાંસકાને ચપ્પાની જેમ પકડવાનું મસ્ત સૂચન કર્યું, જેણે મારા વરણાગી પાત્રમાં ઊમેરો કર્યો. રીહર્સલમાં સુધારા કરતા જવાની આ શૈલી બહુ જલ્દી ફાવી ગઈ અને દેવેન વર્મા તેમજ શુભા ખોટે પણ જોડાયાં. મારી બહેનની ભૂમિકા કરતી ટી.વી.પ્રેઝન્‍ટર મંજુ સીંઘ, ધુરંધર અભિનેતા ડેવિડસા'બ અને બાકીના કલાકારો કેવળ કલાકારોને બદલે એક સંયુક્ત ટીમ બની રહ્યા. દિગ્દર્શક તરીકેની મારી કારકિર્દી દરમિયાન ફિલ્મનિર્માણ વેળા આવી પરિચીતતા અને એકરૂપતાનો માહોલ જળવાયેલો રહે એ માટે હું સતત પ્રયત્નશીલ રહ્યો છું.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Friday, January 31, 2025

આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા

 - અમોલ પાલેકર


'છોટી સી બાત'નું સમાપન થયું એટલે 'ચિત્તચોર'ની તૈયારીઓ આરંભાઈ. મારો પરિચય એફ.ટી.આઈ.આઈ.ની તાજી ગ્રેજ્યુએટ થયેલી ઝરીના વહાબ સાથે કરાવાયો. રાજશ્રી પિક્ચર્સની ઓફિસમાં મને ઉષ્માભર્યો આવકાર મળ્યો. રવીન્દ્ર જૈને સંગીતબદ્ધ કરેલાં તેમજ હેમલતા અને યેસુદાસે ગાયેલાં સુંદર ગીતોના રેકોર્ડિંગ સેશનમાં ઉપસ્થિત રહેવા મને જણાવાયું. બાસુદાની સ્ક્રીપ્ટ અને સંવાદોની ચર્ચા કરવાના ચારથી પાંચ દિવસના સેશનમાં પણ મને આમંત્રણ મળ્યું અને શહેરની બહાર મને લઈ જવા તેમજ લાવવા માટે ખાસ કારની વ્યવસ્થા કરવામાં આવી. આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા.
મોટા ભાગનું શૂટિંગ પંચગની અને મહાબળેશ્વરમાં થયું. બાસુદાએ 'રજનીગંધા'માં વિદ્યા (સિંહા)ને સહાય કરવા મને સૂચવેલું એમ જ આ વખતે તેમણે ખુશમિજાજ અભિનેતા વિજયેન્‍દ્ર ઘાટગેને એના કૌશલ્યની ધાર કાઢવામાં મદદ કરવા મને જણાવ્યું. ગેસ્ટ હાઉસમાં મારા રૂમમાં વિજયેન્‍દ્રને ઊતારો અપાયો. એક સવારે હું જાગ્યો અને મેં જોયું કે તે અરીસા સામે વિવિધ હાવભાવની પ્રેક્ટિસ કરી રહ્યો છે. હું તેને જિજ્ઞાસાપૂર્વક જોતો રહ્યો. એ પછી તરત જ એણે મને પોતે એફ.ટી.આઈ.આઈ.માં મેળવેલી અભિનયની તાલિમ વિશે સમજાવ્યું. મેં પછી બાસુદાને જણાવ્યું, 'એને વિશ્વાસ છે કે પોતે અભિનય વિશે બધું જાણે છે, એટલે હવે મને એમાં સંડોવશો નહીં.' બાસુદા હસ્યા અને વિજયેન્દ્ર માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરી. શૂટ દરમિયાન, બાસુદા પોતાની સામાન્ય આદતથી વિપરીત વિજયેન્‍દ્રને સવાલ પૂછતા: 'શું ચાલી રહ્યું છે? તું અભિનય કરે છે? આ તું કેમ કરે છે?' એફ.ટી.આઈ.આઈ.માંથી જ આવેલી ઝરીના નૈસર્ગિક અને સહજ અભિનેત્રી હતી. મેથડ એક્ટિંગ તરફ તેનો ઝુકાવ નહોતો. રિહર્સલ દરમિયાન તેના અભિનય બદલ જ્યારે પણ હું તેની પ્રશંસા કરતો ત્યારે તે નિર્દોષતાપૂર્વક પૂછતી, 'મેં એવું તે શું મોટું કામ કર્યું છે?' તેની જીવંત પ્રકૃતિની જ્યોતે અમારા બન્ને વચ્ચે એક સાહજિક કેમિસ્ટ્રી રચી અને કેમેરા સામે અમે આવતા બંધ થયા પછી પણ અમારી વચ્ચે સ્થપાયેલી મૈત્રી ચાલુ રહી.
'ચિત્તચોર'માં પહેલવહેલી વાર બાસુદાએ અભિનેતાઓના લીપ-સિન્ક સાથે ગીતોનું ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. મારી ગાયકીના ત્વરિત મૂલ્યાંકન પછી તેમણે જાહેર કર્યું, 'અમોલ, તું સારું ગાય છે અને સંગીતની તને સારી સમજ છે. મારી ચિંતા ઓછી થઈ.' રાગ યમન પર આધારિત ગીત 'જબ દીપ જલે આના' ગાતા મારા ક્લોઝ અપ તેમણે લીધા એ મને સમર્થન આપવાની એમની આગવી રીત હતી. હું રાજી થયો. મને રજૂઆત કરવા મળેલી એ અદ્‍ભુત ધૂન ખજાના સમી હતી. પાંચ પાંચ દાયકા પછી પણ મારા સહિત યુવા પેઢીના લોકોને પણ એ સાંભળવું ગમે છે, જેનો મને વિશેષ આનંદ છે. ભારતીય ફિલ્મોમાં પાર્શ્વગાયકોએ હીરોની છબિને વિશેષ રીતે ઉજાગર કરી છે. રાજકપૂર-મુકેશ, રાજેશ ખન્ના- કિશોરકુમાર અને શમ્મી કપૂર- રફીની જોડી દંતકથા સમી બની રહી એ જ રીતે અમોલ પાલેકર- યેસુદાસે હિન્‍દી ફિલ્મસંગીતમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

(નોંંધ: અહીં ઉલ્લેખાયેલું ગીત 'જબ દીપ જલે આના' આ લીન્ક પર જોઈ શકાશે.)

Monday, January 27, 2025

ફિલ્મ ન પણ ચાલી તો આપણે એમાંથી બે એડ ફિલ્મ બનાવી શકીશું

 - અમોલ પાલેકર

સપ્ટેમ્બર, 1974માં 'રજનીગંધા'નું પ્રિમીયર મંત્રાલયની સામે આવેલા આકાશવાણી થિયેટરમાં યોજાયું. સુરેશ (જિંદાલ- નિર્માતા), બાસુદા (ચેટરજી- દિગ્દર્શક), સિનેમેટોગ્રાફર કે.કે.મહાજન, દિનેશ (ઠાકુર- અભિનેતા) અને હું સવારના અગિયારના સૌ પ્રથમ શો વખતે ફોયરમાં ઊભેલા. પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ફિલ્મની કેટલીક ઝલક જ જોઈ હોવાથી રૂપેરી પડદે આખી ફિલ્મ જોવા હું ઉત્સુક હતો. જો કે, બાસુદાએ મને બહાર ઊભા રહીને પ્રતીક્ષા કરવા સૂચવ્યું. નિષ્ફળતા કે અસલામતિનો કોઈ ડર ન હોવા છતાં બાસુદા થોડી વાર અંદર ડોકિયું કરી આવ્યા અને સંતોષકારક સ્મિત સાથે કહ્યું, 'લોકો હસે છે, યાર. બધાને મજા આવી રહી છે.' એ પછી કે.કે. હૉલમાં પ્રવેશ્યા, આસપાસ જોયું, સિગરેટ સળગાવી અને અમને 'થમ્બ્સ અપ'નો ઈશારો કર્યો. મધ્યાંતર દરમિયાન શ્રોતાઓના સકારાત્મક પ્રતિભાવે અમને આશ્વસ્ત કર્યા. બેચેન જણાતા સુરેશે મને પૂછ્યું, 'શું લાગે છે, અમોલ? ફિલ્મ ચાલશે?' સિગરેટનો કશ લેતાં મેં કહ્યું, 'તું શું કામ ફિકર કરે છે? ફિલ્મ ન પણ ચાલી તો આપણે એમાંથી બે એડ ફિલ્મ બનાવી શકીશું- દિનેશના કોઈ પણ દૃશ્યમાંથી સિગરેટની જાહેરખબર, અને મારા કોઈ પણ દૃશ્યમાંથી ટૂથપેસ્ટની જાહેરખબર.' મારા જવાબથી સુરેશ એટલો ગુસ્સે ભરાયો કે ત્યાંથી ચાલી ગયો. એ પછીની અમારી મુલાકાતોમાં પણ એનો ગુસ્સો શાંત ન પડ્યો. મારી વક્રોક્તિયુક્ત રમૂજ એને ફાવી નહોતી. જાતનું અવમૂલ્યન અને કોઈના કામનું હેતુલક્ષી મૂલ્યાંકન ફિલ્મઉદ્યોગમાં અસામાન્ય બાબતો છે. પણ કશુંક નવું કરવાના સુરેશના અથાક જુસ્સા માટે મને બહુ માન છે. તેણે કરેલું 'શતરંજ કે ખિલાડી'નું નિર્માણ અસાધારણ સિદ્ધિ હતી, જે પ્રશંસા અને ગૌરવને પાત્ર હતી.

મને ખાતરી હતી કે માસ્ટર સંગીતકાર સલિલ ચૌધરી દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં 'રજનીગંધા'નાં ગીતો અમર બની રહેશે. જો કે, 'કઈ બાર યૂંહી દેખા હૈ' ગીત માટે મુકેશનો સ્વર લેવાના તેમના નિર્ણય બાબતે હું અનિશ્ચિત હતો. પણ મારે એની પર લીપ- સિન્ક કરવાનું ન હતું એટલે મેં એ બાબત અવગણી. આ ગીત માટે મુકેશે એ વર્ષનો 'શ્રેષ્ઠ પાર્શ્વગાયક' તરીકેનો રાષ્ટ્રિય એવોર્ડ પણ મેળવ્યો. મારી માન્યતા એવી છે કે સાદી કથાને સરળ શૈલીએ કહેવાથી દર્શકો સાથે મજબૂત અનુબંધ રચાય છે, અને 'રજનીગંધા'ની સફળતાથી એ માન્યતા પુરવાર થઈ. અગિયાર વાગ્યાનો સૌ પ્રથમ શો પૂરો થયા પછી દર્શકો દિનેશને અને મને ઘેરી વળ્યા. મરાઠી દર્શકો મારી સાથે ખાસ હાથ મિલાવવા આવતા ત્યારે તેમની આંખોમાં પ્રેમ અને ગૌરવની એક જુદી જ ચમક હું જોતો. પ્રશંસાની આ વર્ષાથી હું તૃપ્ત થયો.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Monday, June 27, 2022

ગિરીશ કર્નાડના શબ્દોમાં...

 "એફ.ટી.આઈ.આઈ. (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા)ના નિદેશક બન્યા પછી મેં લીધેલો પહેલવહેલો મોટો નિર્ણય સ્ક્રીન ટેસ્ટ રદ કરવા અંગેનો હતો. અભિનયના અભ્યાસક્રમમાં પ્રવેશ ઈચ્છનાર પ્રત્યેક ઉમેદવાર પાસેથી અપેક્ષા રખાતી કે તેઓ સ્ક્રીન ટેસ્ટ આપે. આથી તેને રદ કરવાનો નિર્ણય ક્રાંતિકારી કહી શકાય એવો હતો, કેમ કે, અત્યાર સુધી આ સંસ્થામાં અપાતા શિક્ષણ પાછળ એ વિચાર હતો કે આનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાવસાયિક હિન્દી ફિલ્મ ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવાનો છે. સ્ક્રીન ટેસ્ટનો હેતુ 'સિનેમેટીક દેખાવવાળા' ઉમેદવારને પસંદ કરવામાં પસંદગીકર્તાઓને મદદરૂપ થવાનો હતો. 'સિનેમેટીક દેખાવ'ની સાથે અભિનયની થોડીઘણી પ્રતિભા અને નૃત્યની આવડત હોય તો બીજું શું જોઈએ!

હરીફરીને આલા દરજ્જાના સ્ટાર મટિરીયલની તલાશ રહેતી: સારા દેખાવવાળા અને સહેજ ગ્લેમરસ લોકોની. હિન્દી સિનેમાનું ઘર મુમ્બઈ અને પ્રાદેશિક ફિલ્મોનાં મદ્રાસ તેમજ કલકત્તા જેવાં અન્ય કેન્દ્રો પહેલેથી જ 'ચોકલેટી' યુવા પ્રતિભાઓથી ઠાંસીને ભરેલાં હતાં. આ સંસ્થાએ પોતાની પસંદગીની વ્યક્તિને પસંદ કરીને તેને પ્રશિક્ષિત કરી, તેને આકાર આપવાનો હતો અને ફિલ્મી મોગલો સમક્ષ તેને પેશ કરવાનો હતો; વિદ્યાર્થીઓનું સંસ્થા પ્રત્યે કશું દાયિત્વ નહોતું. મને લાગ્યું કે આ તો બહુ હાસ્યાસ્પદ છે."
"સ્વાભાવિક હતું કે આ પરિવર્તનને કારણે પ્રોફેસર રોશન તનેજા નારાજ થયા. મને એ અંદાજ નહોતો કે મારા આ નિર્ણયનાં પરિણામ તત્કાળ જોવા મળશે. એ વર્ષે અભિનયના અભ્યાસક્રમમાં એક સાવ અલગ દેખાતો વિદ્યાર્થી આવેલો, જે એન.એસ.ડી. (નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા)માં ભણીને આવેલો. લાંબો, અતિશય દુબળો અને બાળપણમાં કુપોષિત હોવાને કારણે ચહેરા પર શીળીનાં ચાઠાંથી આખો ચહેરો ભરેલો. સ્ક્રીન ટેસ્ટની પ્રથા હજી ચાલુ હોત તો પહેલા જ તબક્કામાં તેને કાઢી મૂકવામાં આવત. પણ ઈન્ટરવ્યૂમાં તેણે કમાલનો અભિનય કરીને દેખાડી દીધું કે એ એક અસાધારણ પ્રતિભાશાળી અભિનેતા છે."
"પસંદગી માટે આમંત્રિત જ્યૂરીએ એને તરત નાપસંદ કરી દીધો. એમનું કહેવું હતું કે એ શાનદાર અભિનેતા અવશ્ય છે, પણ એનો દેખાવ ફિલ્મઉદ્યોગમાં કામ કરવા લાયક નથી. હું એ લોકો સાથે અસંમત હતો. મેં કહ્યું, 'એનો દેખાવ એ એની સમસ્યા છે. પણ એનામાં જરા અમથી પણ પ્રતિભા હોય તો આપણું કામ એને પ્રશિક્ષણ આપવાનું છે.' જ્યુરીના સભ્ય અભિનેતા જયરાજે એકલાએ મારી વાતને ટેકો આપ્યો."
"અન્ય સભ્યો પોતાના મત પર મક્કમ રહ્યા કે ફિલ્મઉદ્યોગમાં એનું અપમાન થશે, આપણે એ વિદ્યાર્થીને ધીમે ધીમે સમજાવવો જોઈએ કે એ થિયેટરને જ પોતાની કારકિર્દી તરીકે સ્વીકારે. મારી કારકિર્દીમાં કેવળ એક વાર જ્યૂરીના સભ્યોના મતને અવગણીને મેં એ યુવકને અભિનયના અભ્યાસક્રમમાં લીધો.

પોતાની પેઢીના એક મુખ્ય અભિનેતા તરીકે ઊભરી આવેલા ઓમ પુરીએ પોતાની ક્ષમતામાં મારા વિશ્વાસને સાચો ઠેરવ્યો. આગળ ઉપર 'ગાંધી' અને 'ઈસ્ટ ઈઝ ઈસ્ટ' જેવી ફિલ્મોમાં કામ કરીને તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. વીસ વરસ પછી 'ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ' સ્વીકારતાં તેમણે કહેલું, 'ગિરીશે પરંપરાને હડસેલીને મને સંસ્થામાં પ્રવેશ ન આપ્યો હોત તો આજે હું અહીં ઊભો ન હોત.' તેની આ વાત મને સ્પર્શી ગઈ."

(यह जीवन खेल में: ગિરીશ કર્નાડનાં સંસ્મરણો, મૂળ અંગ્રેજી પુસ્તક 'This life at play'નો હિન્દી અનુવાદ: મધુ બી. જોશી, ૨૦૨૨ )

Monday, October 24, 2016

ગુઝરા હુઆ ઝમાના: કે.કે.ની વિદાય અને કેટલીક અંગત સ્મૃતિઓ

કૃષ્ણકાન્‍ત ભૂખણવાલા (કે.કે.) 

૧૫-૯-૧૯૨૨ થી ૨૪-૧૦-૨૦૧૬ 

આજે સાંજે આઠેક વાગ્યાના સુમારે કે.કે.સાહેબની વિદાયના સમાચાર વારાફરતી સુરતના હરીશ રઘુવંશી, રોહિત મારફતીયા અને બકુલ ટેલરે આપ્યા એ સાથે જ કેટકેટલી સ્મૃતિઓ એકસામટી ધસી આવી અને ફિલ્મની પટ્ટીની જેમ ફરી ગઈ. ગયા મહિને જ તેમણે ૯૪ વરસ પૂરાં કરીને ૯૫ માં પ્રવેશ કર્યો હતો. આરંભે પરિચય, ત્યાર પછી નિકટતા અને પછી આત્મીયતામાં ફેરવાયેલો આ એક વિશિષ્ટ સંબંધ હતો. ૨૦૧૨ના જૂનમાં તેમણે 'ગુજરાતમિત્ર'માં સાપ્તાહિક કોલમરૂપે પ્રકાશિત થયેલાં સંભારણાં 'ગુઝરા હુઆ ઝમાના'ને પુસ્તકરૂપે આલેખવાની મંજૂરી આપી એ અગાઉ ત્રણેક મહિના સુધી અમારી વચ્ચે મીઠી ખેંચતાણ ચાલી હતી. આખરે તેમની પ્રત્યેક શંકાઓનું સમાધાન, અને આગ્રહોને માન આપ્યા પછી એ કામ શરૂ થયું. 
એકાદ મહિના સુધી દરરોજ બપોરે સાડા ચારે તેમનો ફોન આવે અને ફોન પર તેમની મેન્યુસ્ક્રીપ્ટ તેઓ વાંચતા જાય. વચ્ચે હું સવાલો પૂછું, નોંધ ટપકાવું, અને પ્રકરણોમાં ક્યાં તોડજોડ કરવી છે એ ચર્ચા કરું. માત્ર અંગત યાદગીરી માટે ઉતારેલી આ નાનકડી ક્લીપમાં સ્વાભાવિકપણે જ કે.કે.સાહેબ સદેહે ઉપસ્થિત નથી, પણ ફોનમાં તેમનો ગૂંજતો અવાજ સાંભળી શકાય છે.



બહુ વિશિષ્ટ કાર્યપદ્ધતિ દ્વારા થયેલું આ સંપાદન પૂરું થયા પછી તેના પુસ્તકની વાત આવી. 'સાર્થક પ્રકાશન'નો જન્મ ત્યારે થયો ન હતો. તેથી આ મેન્યુસ્ક્રીપ્ટ વિવિધ પ્રકાશકોને બતાવવી એમ નક્કી થયું. એ અગાઉ મેન્યુસ્ક્રીપ્ટના અમુક મુદ્દાની ચર્ચાઓ, પુસ્તકનું કદ, લે-આઉટ વગેરે ચર્ચવા માટે અમે મળ્યાં. અપૂર્વ આશરે ડિઝાઈન કરેલું કેપ્ટન નરેન્‍દ્ર ફણસેનું અદ્‍ભુત પુસ્તક 'જિપ્સીની ડાયરી' રૂપરંગ અને કદની રીતે તેમની નજરમાં વસ્યું હતું. 



ત્યાર પછી સુરત જ્યારે પણ જવાનું થાય એટલી વાર તેમને મળવાનું નક્કી જ હોય. પછી એમ બનતું કે હરીશભાઈ પણ તેમને ત્યાં જ આવી જતા. રજનીકુમાર પંડ્યા (ડાબે) સાથે લીધેલી સુરતની એક મુલાકાત દરમિયાન લીધેલી આ તસવીર.  


સુરતની એક મુલાકાત દરમિયાન ઉર્વીશ- હરીશભાઈ- કે.કે. 



સુરતના મિત્રો પણ કે.કે.ને એટલો જ આદર આપે. તેમને જ્યારે મળવા જઈએ ત્યારે હસીમજાક ચાલતી રહે અને બીજી ઘણી વાતો પણ. આવી એક મુલાકાત દરમિયાન બકુલ ટેલર (ડાબે) અને હરીશ રઘુવંશી (જમણે)ની વચ્ચે કે.કે. 


સાર્થક પ્રકાશનનો આરંભ થયો અને ૬ એપ્રિલ, ૨૦૧૩ના રોજ યોજાયેલા વિમોચન સમારંભમાં 'સાર્થક'નાં સૌ પ્રથમ ચાર પુસ્તક પૈકીના એકમાં 'ગુઝરા હુઆ ઝમાના'નો સમાવેશ થતો હતો. ત્યાર પછી તરત ૨૦ એપ્રિલ,૨૦૧૩ના રોજ 'ગુઝરા હુઆ ઝમાના'નું વિમોચન સુરતમાં યોજાયું. આ કાર્યક્રમ અગાઉ અમે તેમના ઘરે ગયા અને 'તેરા તુજકો અર્પણ'ના ભાવ સાથે તેમને હાથોહાથ 'ગુઝરા હુઆ ઝમાના'ની પ્રતિ ભેટ આપી. ત્યારની સૌની ખુશખુશાલ મુદ્રા. વચ્ચે ઉભેલા તેમના પુત્ર સુપ્રતિમભાઈ.  



પુસ્તકની પ્રત તેમને હાથોહાથ આપ્યા પછી યાદગીરીરૂપે તેની પર લીધેલા તેમના હસ્તાક્ષર. બીજી રીતે કહીએ તો લેખકે સંપાદકને આપેલા હસ્તાક્ષર. 


 ત્યારે એક અભિનેતા ઉપરાંત એક ઉમદા માનવ તરીકે સુરતની જનતામાં તેમનો કેટલો આદર છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ જોવા મળ્યું. તેમના આગમન સમયે સૌએ કોઈની પૂર્વસૂચના વિના સહજતાથી ઉભા થઈને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. 


સુરતના મિત્રોને મળવાનું કાયમી ઠેકાણું એટલે 'વીન્‍ટેજ વેટેરન્‍સ' ક્લબ. કે.કે.સાહેબ અને હરીશભાઈ અહીંના માનદ્‍ સભ્યો. દર મહિનાના પહેલા રવિવારે ફિલ્મની સાથે સાથે મોટે ભાગે સુરતી ભોજનની રંગત હોય. પણ એ બધાથી ટપે એવું રોહીતભાઈ મારફતિયાનું નિમંંત્રણ-કમ-આગ્રહ-કમ-વિનંતી-કમ-ધમકી. આ સ્થળ એવું કે અહીં હરીશભાઈ, બકુલભાઈ, રોહીતભાઈ, કે.કે.સાહેબ, શાંતિભાઈ મિસ્ત્રી, હર્ષવદન ભગતજી જેવા અનેક રસિકો એક સાથે અને એક સ્થળે મળી જાય. ગપશપ, ફિલ્મ અને ભોજનના આ દૌરમાં કે.કે.સાહેબ મોટે ભાગે હોય અને આ ત્રણેય ચીજોનો બરાબર આસ્વાદ માણે.
આવા એક કાર્યક્રમમાં (જમણેથી) રોહીતભાઈ, હરીશભાઈ, કે.કે. શાંતિભાઈ.



સપ્ટેમ્બરની ૧૫મીએ તેમનો ૯૪ મો જન્મદિન હતો, અને યોગાનુયોગે એ દિવસે ગુરુવાર આવતો હતો, જે મારી 'ગુજરાતમિત્ર'ની કોલમનો દિવસ હતો. સુરતના મિત્રો સવારે કેક લઈને તેમને ત્યાં પહોંચી ગયા, એટલું જ નહીં, ત્યાંથી ફોન પર મારી સાથે વાત કરાવી અને તેઓ વાત કરતા હોય એવી તસવીર પણ લઈને મને મોકલાવી. એ વખતે મેં ફોનમાં કરેલી 'કેક વીથ કે.કે.' ની મજાક તેમણે પણ માણી. 

 


પરિચિતોને કે.કે. યાદ રહેશે પોતાના ગરવા, સૌજન્યશીલ અને સાલસ સ્વભાવથી. તેમનાં આલેખેલાં ફિલ્મી જગતનાં આ સંભારણારૂપે તેઓ અક્ષરદેહે પણ આપણી વચ્ચે રહેશે. 


આવા સ્વજન ગુમાવવાનું દુ:ખ સૌને હોય એ સમજાય એમ છે, છતાં કુદરતના કાનૂનને માન્ય રાખવો રહ્યો. આશ્વાસન કેવળ એટલું કે તેમને જરાય પથારીવશ રહેવું ન પડ્યું, જેનો તેમને બહુ ડર લાગતો. 
તેમનાં પરિવારજનો પુત્ર સુપ્રતિમભાઈ, પુત્રવધૂ રેણુકાબેન અને પ્રપૌત્રી પરીશીએ તેમની ઉત્તરાવસ્થામાં બરાબર દરકાર લીધી અને કે.કે.ના મિત્રોને હસતે મોંએ આવકારીને આગતાસ્વાગતા કરતા રહ્યા. 
કે.કે.ના પૌત્ર સુદીપભાઈ દુબઈ છે. તેઓ આવતી કાલે બપોરે આવે એવી સંભાવના છે. આવતી કાલે (૨૫ ઓક્ટોબરે) બપોર પછી કે.કે.ની અંતિમ યાત્રા નીકળશે. 

(કે.કે. વિશે વિવિધ સમયે લખેલી  વિવિધ બ્લૉગપોસ્ટ આ લીન્‍ક પર  વાંચી શકાશે. ) 

Saturday, September 15, 2012

કૃષ્ણકાન્‍ત: છ દાયકાનાં સંભારણાં હવે બે પૂંઠાંની વચ્ચે




વાત બહુ જૂની નથી. 
એપ્રિલ, ૨૦૦૯માં તેમની વિશેષ મુલાકાત સુરત ખાતે લીધી હતી. અને તે મુલાકાત પર આધારિત લેખ ‘અહા!જિંદગી’ના મે, ૨૦૦૯ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ લેખના અંતમાં તેમની છ દાયકાની ફિલ્મકારકિર્દીને સંભારણારૂપે ગ્રંથસ્થ કરવાનું સૂચન કરેલું. એ લેખ વાંચ્યા પછી તેમનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું, “તમે આ લખ્યું એ બરાબર છે, પણ ‘ગુજરાતમિત્ર’માં મારાં સંભારણાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂક્યાં છે.” કૃષ્ણકાન્‍ત ઉર્ફે કે.કે.એ આમ જણાવીને એ સંભારણા અંગે વાત કરી ત્યારનો મારા મનમાં સળવળાટ ચાલી રહ્યો હતો કે તેને ગ્રંથસ્થ કરવાનું કામ કરવા જેવું છે.
"આ વાત ક્લીયર થઈ ગઈ. હવે આગળ..." 
આ કામ માટે સૌ પ્રથમ અને સ્વાભાવિક પસંદગી સુરતનિવાસી મિત્ર બકુલ ટેલર જ હોય. બકુલભાઈએ એક તબક્કે આ કામ શરૂ પણ કરેલું. થોડું આગળ વધાર્યું. દરમ્યાન એકાદ પ્રકાશક સાથે આ લખાણને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની વાત શરૂ થઈ અને આગળ વધે એ પહેલાં જ અમુક કારણોસર પડી ભાંગી. બસ, એ પછી કે.કે.સાહેબે પણ મનોમન એ કામ અભરાઈ પર ચડાવી દીધું. કે.કે. સાથે નજીકથી સંકળાયેલા અને લેખનક્ષેત્રના હોય એવા અમારા સૌની એક જ લાગણી કે આ કામ આપણામાંથી કોઈ પણ કરે, પણ કામ થવું જોઈએ. 
સમય વીતતો ગયો અને એક યા બીજા કારણસર વાત ઠેલાતી ગઈ. પણ ‘સાગર મુવીટોન’ અંગેના પુસ્તક (એની વાત વખત આવ્યે) માટેના મારા સંશોધન દરમ્યાન એક વાર ખાસ કે.કે.ને મળવા માટે જ સુરત જવાનું બન્યું અને ફરીથી આ વાત ઉખળી. પછી તો રીતસર તેમની પાછળ પડીને કહ્યા કર્યું કે- તમારા મનમાં જે ગૂંચવણ, મૂંઝવણ, શંકા-કુશંકા હોય એ જણાવો, તેનું નિરાકરણ કરીએ, પણ આ પુસ્તક કરીએ. એક તબક્કે એવી મીઠી ધમકી પણ આપી કે તમે કશું નહીં કરો તો અમે તેને તમારી મંજૂરી વિના છપાવી દઈશું. ફોન, રૂબરૂ મુલાકાત આ સૌએ અસર કરી. અને છેવટે આ વરસના જૂલાઈમાં કે.કે.એ ‘ગુજરાતમિત્ર’માં પ્રકાશિત થયેલાં પોતાનાં લખાણો પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવા મંજૂરી આપી.
એક નકલ મને વડોદરા મોકલી આપી એ પછી શરૂ થયું તેનું વાંચન. કે.કે. રોજ બપોરે સાડા ચારે ફોન કરે, તે સુરતમાં અને હું વડોદરામાં લખાણની ફાઈલ લઈને બેસીએ, કે.કે. એકે એક લીટી વાંચતા જાય, છાપભૂલો સુધરાવતા જાય, હું મારી નકલમાં તે સુધારતો જાઉં અને અન્ય માહિતી પૂછતો જાઉં. રોજ લગભગ કલાક-સવા કલાક સુધી આ બેઠક ચાલે. આમ, વીસેક દિવસમાં પ્રાથમિક વાંચન પૂરું થયું. કે.કે.નો આગ્રહ એવો કે પુસ્તક પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે, અને પોતે સાવ સરળ ભાષામાં તે લખ્યું છે, માટે ભાષા સાથે છેડછાડ ન કરવી. પ્રથમ વાંચન દરમ્યાન જ ખ્યાલ આવ્યો કે આખા પુસ્તકની ગોઠવણી નવેસરથી કરવી પડશે, કેમ કે એ લખાણ ધારાવાહિકરૂપે હતું, જ્યારે પુસ્તકની જરૂરિયાત અલગ હોય છે.
એકાદ પ્રકરણનું પુન:આયોજન અને પૂરક લેખન નમૂનારૂપે કરીને કે.કે.ને મોકલ્યું અને બે-ચાર નાના સુધારાને બાદ કરતાં તેમણે તે સહર્ષ મંજૂર રાખ્યું. એ પછી વાસ્તવિક કામ શરૂ થયું. જુલાઈના છેલ્લા સપ્તાહમાં સમગ્ર લખાણનું ટાઈપીંગ શરૂ થઈ શક્યું. ટાઈપીંગ શરૂ કરતાં પહેલાં મનોમન વિચાર્યું કે ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૨ પહેલાં મેન્યુસ્ક્રીપ્ટ ફાઈનલ થઈ જાય તો ઉત્તમ, કેમ કે એ દિવસનું વિશેષ મહત્વ છે. આના માટે સમયસર અને સુઘડ ટાઈપીંગ થાય, તેને હું વાંચતો જાઉં, પુન:ગોઠવણ કરતો જાઉં, એ કરીને તેની પ્રિન્‍ટ કે.કે.ને મોકલું, તે લખાણ વાંચે અને જરૂરી સુધારા ફોન પર જણાવે. આ સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે જેમાં વાસ્તવિક સમય આપવો પડે. એટલે ટાઈપીંગ બહારના કોઈ વ્યક્તિને આપવાને બદલે એવી સમર્પિત વ્યક્તિ કરે કે જે આ કામની અગ્રતા સમજે, અને નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરે.
સુરતની મુલાકાત દરમ્યાન: (ડાબેથી) પરેશ પ્રજાપતિ, કે,કે,
ભરતકુમાર ઝાલા 
મિત્ર ભરતકુમાર ઝાલા અને પરેશ પ્રજાપતિ સાથે આ બાબતે વાત થઈ અને તેમણે નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરી આપવાની ખાતરી આપી. આ બન્ને મિત્રો પાછા કે.કે.સાહેબના ચાહક પણ ખરા,એટલે તેમણે આનંદપૂર્વક કામ ઉપાડી લીધું. અમારી પાસે આશરે દોઢ મહિનો હતો, જેમાં ટાઈપીંગ, સુધારા, પુન:આયોજન વગેરે બધું જ કરતાં જવાનું હતું. બન્ને મિત્રોએ અતિશય ઝડપે કામ કરવા માંડ્યું. મારી પાસે ટાઈપ થયેલું મેટર આવવા લાગ્યું એટલે મેં પણ બીજાં કામોને હડસેલીને (બ્લોગનું પણ) આ કામને અગ્રતા આપી અને તેને સરખું કરીને કે.કે.ને મોકલવા માંડ્યું. અમે સૌ આ રીતે મચી પડ્યા, પછી કે.કે. પાછળ રહે? અમારા બધામાં સૌથી જુવાન તો એ જ. છેલ્લા ચાર-પાંચ મહિનાથી તેમને વધી ગયેલી મણકાની તકલીફ છતાં એક બેઠકે તે વાંચી લે અને ફોન પર સુધારા સૂચવતા જાય. તેમની સાબૂત સ્મૃતિને કારણે બીજી અનેક આનુષંગિક વાતો યાદ આવે તે ઉમેરતા જઈએ અને કામ આગળ ચાલે. આ કામ પતાવવાનું સૌ પર જાણે કે ઝનૂન સવાર હતું. અમને ત્રણેયને એમ હતું કે મહિનામાં એ પૂરું થાય તો દોઢ મહિનો પણ નથી કરવો.
અને ખરેખર, બધાની મહેનત રંગ લાવી. ઓગસ્ટ મહિનામાં તો જોતજોતાંમાં આ કામ સંપન્ન થઈ ગયું. કે.કે.એ પણ સમગ્ર વાંચન પૂરું કર્યું અને ગુણવત્તા બાબતે સંતોષ વ્યક્ત કર્યો. એ પછી એક વાર સુરતની મુલાકાત લઈને વિવિધ બાબતો અંગે રૂબરૂ ચર્ચા પણ કરી લીધી. 
આ આખી કથા આજે માંડવાની જરૂર એટલા માટે છે કે આજે ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ કે.કે.સાહેબ નેવું વર્ષ પૂરાં કરીને એકાણુમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે સૌ ચાહકો વતી જન્મદિનની આ ભેટ તેમને પાઠવતાં અતિશય આનંદ થાય છે. આ ભેટ ભલે અત્યારે આપણે કે.કે.ને પાઠવીએ છીએ, પણ હકીકતમાં આપણને સૌને કે.કે.તરફથી મળનારી આ અણમોલ ભેટ બની રહેશે એ નક્કી છે.
કેવા મોટા ગજાના ફિલ્મરસિયાઓનો આમાં સહયોગ મળ્યો! ભગવતીકુમાર શર્માની દૃષ્ટિની તકલીફ એટલી બધી છે કે હવે તો તે સાવ નહીંવત જોઈ શકે છે, છતાં કે.કે. માટેના ભાવને લઈને તેમણે આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સહર્ષ સ્વીકાર્યું, તો આવકારવચન લખવા માટે સ્વાભાવિક પસંદગી રજનીકુમાર પંડ્યા હતા. આ બન્ને સાહિત્યકારો પોતાના ફિલ્મપ્રેમ માટે જાણીતા છે. ફિલ્મઉદ્યોગમાં કુલ છ દાયકાની પ્રલંબ કારકિર્દી પછી પોતાનાં સંભારણાં પહેલા પુરુષમાં લખી રહ્યા હોય એવા કે.કે. સંભવત: પ્રથમ ગુજરાતી અભિનેતા- દિગ્દર્શક છે. એ રીતે આ પુસ્તકનું ઐતિહાસિક મહત્વ પણ છે. અનેક અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શકો તેમજ અન્ય લોકો સાથેનાં અંગત સંભારણા વાંચવાનો કોઈ પણ ફિલ્મરસિયાને જલસો પડશે એ નક્કી છે.
કે.કે.ના અભિનયની, તેમની કારકિર્દીનો લાંબો પટ દર્શાવતી કેટલીક વીડીયો ક્લીપ્સ તેમજ કે.કે.નું પ્રદાન દર્શાવતી ફિલ્મોગ્રાફી ગયે વરસે આ જ દિવસે મૂકી હતી. અહીં http://birenkothari.blogspot.in/2011/09/blog-post_14.html પર ક્લીક કરવાથી તે જોઈ શકાશે. આજે આ પુસ્તકના પ્રકરણમાંથી લીધેલો એક અંશ અહીં કેવળ આસ્વાદ માટે મૂકવાનો ઈરાદો છે, જેથી સમગ્ર પુસ્તકની સામગ્રીનો કંઈક અંદાજ મળી શકે.
એક તો કે.કે.ની પોતાની સ્મૃતિ ટકોરાબંધ, એમાં હરીશ રઘુવંશી જેવા સહૃદયી અને અમારા સૌના માનદ્‍ વીજીલન્‍સ ઓફિસર (ફિલ્મલેખન પૂરતા)ની ચાંપતી નજર, રજનીકુમારની હૂંફ, ઉર્વીશની સતત અપડેટ્સ, બકુલ ટેલરનો સદ્‍ભાવ, ભરત અને પરેશનો આદરયુક્ત પ્રેમ અને તત્પરતા.. આ બધાનો સ્વાદ આ પુસ્તકમાં ભળેલો છે.
આ પુસ્તક 'ગુઝરા હુઆ ઝમાના' હાલ મેન્યુસ્ક્રીપ્ટના સ્તરે તૈયાર છે. બીજા તબક્કાના ભાગરૂપે હવે તેના માટે પ્રકાશકનો સંપર્ક કરવાનો છે. બધું સમુંસૂતરું પાર ઉતરે તો આ વરસના અંત સુધીમાં આ પુસ્તક સૌના હાથમાં આવી જશે એવી ધારણા છે. એ વખતે તેના આગમનની વધાઈ પણ અહીં જ આપવામાં આવશે.
દરમ્યાન પુસ્તકના એક પ્રકરણ ‘પોસ્ટ બોક્સ ૯૯૯: મેરે દિલમેં હૈ એક બાત’નો એક અંશ અહીં આસ્વાદરૂપે.
**** **** ****
     “શૂટીંગ દરમ્યાન એક દિવસ સુનીલ દત્ત સવારથી જરા ગંભીર જણાયો. ચોક્કસપણે કહું તો એ દિવસ હતો ૧૧મી માર્ચ,૧૯૫૮નો. તેને કારણ પૂછતાં સંતોષકારક જવાબ ન મળ્યો. તેણે કામ ચાલુ કર્યું. સાંજે પાંચ વાગે અચાનક સુનિલે શૂટિંગ ‘પેક-અપ’ કરાવડાવ્યું. સૌ દ્વિધામાં પડી ગયા કે શું થઈ ગયું હશે સુનિલને? સુનિલે મને કહ્યું, “ હીરો, તુમ મેકઅપ ઉતાર કે તૈયાર રહો. તુમ્હેં મેરે સાથ ચલના હૈ.” હું કંઈ સમજ્યો નહીં. મને અંદાજ પણ નહોતો કે વાત શી હતી. સુનિલે કહ્યા મુજબ હું તો દસ મિનીટમાં તૈયાર થઈ ગયો. તેની કાર પાસે પહોંચ્યો. પણ ઓચિંતો એનો વિચાર બદલાયો. મને કહે,  “હિરો, તુમકો સાથ નહીં લે જા રહા હૂં, અકેલા હી જા રહા હૂં.” હું કંઈ કહું, સમજું એ પહેલાં એ કારમાં ગોઠવાઈ ગયો અને સડસડાટ સ્ટુડિયોની બહાર નીકળી ગયો. રવિન્દ્રભાઈ મને પૂછતા રહ્યા કે શું થયું ? હીરોઈન શકીલા સહિત આખું યુનિટ વિચારમાં પડી ગયું. પણ કોઈની પાસે આનો જવાબ નહોતો. અને જવાબ હોય પણ ક્યાંથી? કેમ કે, એ તો બીજે દિવસે મળવાનો હતો.

સુનિલ દત્ત સાથે કૃષ્ણકાન્‍ત (ડાબે ચશ્માવાળા) 

   બીજે દિવસે સવારે તો સુનીલદત્ત- નરગીસના લગ્નના સમાચાર વાયુવેગે આખા હિન્દુસ્તાનમાં  પ્રસરી ગયા હતા. સૌ મોં વકાસીને જોતા જ રહી ગયા. નરગીસનો રાજ કપૂર સાથેનો પ્રણયસંબંધ જગજાહેર હતો. પણ ‘મધર ઈન્ડીયા’ના શૂટિંગ વખતે એક દૃશ્યમાં લગાવાયેલી આગમાં નરગીસ સાચેસાચ ફસાઈ ગયેલી. ફિલ્મમાં નરગીસનો દીકરો બનતા સુનિલદત્તે જાનના જોખમે નરગીસને બચાવી લીધી હતી. એ બનાવ પછી નરગીસ સુનિલદત્ત તરફ ઢળી હતી. જો કે, ‘મધર ઈન્ડીયા’(૧૯૫૭) રજૂ થઈ ત્યારે આ વાત ગુપ્ત રાખવામાં આવેલી. પરદા પર મા-દીકરાની ભૂમિકા કરતા કલાકારોને વાસ્તવ જીવનમાં પતિ-પત્ની તરીકે લોકો કદાચ સ્વીકારી ન શકે તો ફિલ્મ પર અવળી અસર થાય. ‘મધર ઈન્‍ડીયા’ના પ્રિમીયરમાં પણ સુનિલ દત્ત ગેરહાજર રહ્યો હતો. તેમણે લગ્ન તો ત્યાર પછી ૧૧ માર્ચ, ૧૯૫૮ના દિવસે કર્યા.
બીજા દિવસે એટલે કે ૧૨મી માર્ચ,૧૯૫૮ના દિવસે શૂટીંગ રાબેતા મુજબ અંધેરીના ‘મોડર્ન સ્ટુડિયો’માં રાખવામાં આવેલું જ હતું. રવિન્‍દ્રભાઈ સહિત સૌને હતું કે સુનીલ તે દિવસે શૂટીંગ માટે નહીં જ આવે. મનોમન શૂટીંગ કેન્‍સલ કરવાની તૈયારી રવીન્‍દ્રભાઈએ રાખેલી. પણ આ શું? સૌના આશ્ચર્ય વચ્ચે સુનીલ સવારે બરાબર નવ વાગે રોજની જેમ શૂટીંગ માટે હાજર થઈ ગયો. બધાએ તેને અભિનંદન આપ્યા. મેં પણ તેને અભિનંદન આપ્યાં. તેણે ફોડ પાડતાં કહ્યું, “ગઈ કાલે બહુ ટેન્‍શન હતું. એટલે પહેલાં તને લઈ જવાનો વિચાર કર્યા પછી મેં તને સાથે આવવાની ના પાડી.”
થોડા દિવસ પછી સુનીલે મને અને સી.એમ.ઠક્કરને પોતાના નેપીયન સી રોડના ફક્ત એક રૂમ- કીચનના ફ્લેટ પર નિમંત્ર્યા. અમે સૌ નરગીસના હાથનું બનાવેલું સ્વાદિષ્ટ ડીનર જમ્યા.
સુનિલ દત્ત અને નરગીસનું લગ્ન ખરા અર્થમાં ઐતિહાસિક અને તેમનું લગ્નજીવન દંતકથારૂપ બની રહ્યું હતું.”  
**** **** ****

આવી તો અનેક ફર્સ્ટ હેન્‍ડ વાતો, કિસ્સાઓ, આડમાહિતીઓ અને ઐતિહાસિક વિગતો આ પુસ્તકનું આકર્ષણ બની રહે એમ છે.
હાલ સુરતમાં નિવાસ કરતા ગુજરાતના ખરા અર્થમાં ગૌરવરૂપ આ અભિનેતા-દિગ્દર્શકને આજે એકાણુમા વરસમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
તેમને  ફોન દ્વારા શુભેચ્છા પાઠવવા ઈચ્છતા મિત્રો-શુભેચ્છકો +૯૧- ૨૬૧- ૨૨૫૯ ૩૦૯ (ભારતમાંથી ફોન કરનાર મિત્રો માટે ફક્ત ૦૨૬૧- ૨૨૫૯ ૩૦૯) પર પાઠવી શકે.