Showing posts with label વી. શાંતારામ. Show all posts
Showing posts with label વી. શાંતારામ. Show all posts

Saturday, October 14, 2023

'શકુંતલા' પાસે એકાદ ગીત ગવડાવી લઉં

 

- વી. શાંતારામ
ફિલ્મ સમાપ્ત થઈ અને હું બહાર આવ્યો. પરસાળમાં અનેક લોકો અમારી રાહ જોઈ રહ્યા હતા. એમને મેં કહ્યું, 'ફિકર કરવા જેવું નથી. 'શકુંતલા' ઓછામાં ઓછાં પચીસ સપ્તાહ અવશ્ય ચાલશે!' મારી વાતથી સૌને હાશ થઈ.
થિયેટરની બહાર જે લોકો ખોટ ખાઈને ઓછી કિંમતે ટિકીટો કાળા બજારમાં વેચતા હતા એ કોણ હતા એ જાણવા માટે મેં મારા કેટલાક માણસોને મોકલ્યા. એ બધાંને ચાપાણી કરાવ્યાં. એ પછી જે માહિતી મળી એ આંચકો આપનારી હતી. એક સમયે મારા સહયોગી રહી ચૂકેલા બાબુરાવ પૈની 'ફેમ્સ પિક્ચર્સ'ના માણસો જ આ વાહિયાત કામમાં લાગેલા.
'શકુંતલા' બીજા સપ્તાહમાં પ્રવેશી. શરૂ શરૂમાંનું તોફાન હવે ઓસરવા લાગ્યું હતું. 'શકુંતલા' હાઉસફૂલ ભીડ જમાવી રહ્યું હતું. અમારી કંપનીમાં જે ચિંતાજનક વાતાવરણ હતું એ ધીમે ધીમે હળવું થવા લાગ્યું હતું. ફરી એક વાર મેં પ્રેક્ષકો વચ્ચે બેસીને 'શકુંતલા' જોઈ. મને એ વખતે લાગ્યું કે મધ્યાન્તર પછી ફિલ્મની ગંભીર ઘટનાઓને લઈને દર્શકો મનમાં કદાચ સહેજ વધુ પડતી તાણ અનુભવે છે. એને ઘટાડવા માટે મેં નક્કી કર્યું કે શકુંતલા પાસે એકાદ ગીત ગવડાવી દઉં. એ માટેનું યોગ્ય સ્થાન પણ મને ફિલ્મના ઉત્તરાર્ધમાં મળી ગયું: શકુંતલાએ ભરતને જન્મ આપ્યો છે. સુદૃઢ બાંધાનો ભરત ઘૂંટણીયાં ભરી રહ્યો છે અને શકુંતલા પોતાના બાળકની બાળલીલા તૃપ્ત નજરે નિહાળી રહી છે. વસંત દેસાઈએ અગાઉના એક પ્રસંગે આપેલા પાર્શ્વસંગીતની એક ધૂન મને બહુ ગમી હતી. તેની સંગીતરચના બહુ સરસ હતી. એ જ ધૂન પર કવિએ શબ્દરચના કરી:
જીવન કી નાવ ના ડોલે
હાં યહ હૈ તેરે હવાલે.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: દીવાન શરરે લખેલું, જયશ્રી પર ચિત્રીત આ ગીત અહીં સાંભળી શકાશે.

Friday, October 13, 2023

વિભિન્ન ભાષા છતાં એકતા શક્ય ખરી?

 

- વી. શાંતારામ
એ દિવસોમાં 'ભાષાવાર પ્રાંતરચના થઈને રહેશે'ના નારાને કારણે વાતાવરણ ગરમ હતું. સ્વાર્થી રાજકારણીઓ દ્વારા ઉશ્કેરણીને લઈને વિભિન્ન પ્રાંતના લોકોમાં તણાવ વધી ગયેલો. આવા સમયમાં મારી ફિલ્મ દ્વારા હું એ બાબતનો ખુલ્લેઆમ સમર્થક બનું કે દેશનું આ વધુ વિભાજન બરાબર નથી, તો લોકોને મારી ફિલ્મ ન ગમે. આથી મેં આ ફિલ્મમાં વ્યંગ્ય અને વિનોદની રીતે વિકસીત કરવાનો નિર્ણય કર્યો. ભાવના એવી કે હસતાંરમતાં લોકોને મારી વાત સમજાવું અને એ પણ એવી રીતે કે આસાનીથી હજમ થઈ શકે.
આ સમસ્યાની સાથે શ્યામવણી છોકરીઓના લગ્નની સમસ્યા પણ આ વાર્તામાં સાંકળી લીધી. મારું હંમેશાં માનવું રહ્યું છે કે વિભિન્ન ભાષાઓ બોલનારાઓને મનથી નજદીક લાવવા માટે એક સર્વસામાન્ય ભાષા હોવી અત્યંત જરૂરી છે, અને મારી માન્યતા છે કે આવી ભાષા કેવળ હિન્‍દી જ હોઈ શકે. દુનિયાની તમામ ભાષાઓના શબ્દોને અંગ્રેજીમાં સમાવીને તેને ખરા અર્થમાં એક સંપન્ન ભાષા બનાવીને અંગ્રેજીના વિદ્વાનો જેવું કરી રહ્યા હતા એ જ રીતે રાષ્ટ્રભાષા હિન્‍દીને પણ આપણી અન્ય ભાષાઓના શબ્દોથી આપણે સંપન્ન કરીએ તો થોડા સમય પછી એવી હિન્‍દીનો વધુ વિરોધ ક્યાંય નહીં થાય- એમ પણ હું માનતો હતો. પણ કટ્ટરપંથી હિન્દી ભાષાભિમાની પંડિતો શુદ્ધ હિ‍ન્દીના એટલા પ્રચંડ સમર્થક હતા કે એમનો આગ્રહ રહેતો કે હિન્દીને સહેજ પણ દૂષિત ન કરવી અને તેને શુદ્ધરૂપે જ વાપરવી. આ જ કારણે દક્ષિણ ભારતના એવા કેટલાક લોકો જે હિન્દીને આત્મસાત કરી ચૂક્યા હતા તેઓ પણ હિન્દીનો બરાબર વિરોધ કરી રહ્યા છે.
આ વિરોધને ધ્યાને લઈને મેં મારી આ ફિલ્મમાં નાયકને હિન્દીનો એક વ્યાપક શબ્દકોશ તૈયાર કરવાના કામ સાથે સંકળાયેલો હોવાનું નક્કી કર્યું. નાયક પર આવો શબ્દકોશ બનાવવાનું ભૂત સવાર હોય છે. તેના ઘરનું વાતાવરણ પણ આના માટે પૂરક હોય છે. ફિલ્મની શ્યામવર્ણી નાયિકા ભારતની વિભિન્ન ભાષાઓથી સારી રીતે પરિચીત છે, પરિણામે તેઓ પરસ્પર આકર્ષિત થાય છે. આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પોતાની ભાષા અને રીતરિવાજો, વેશભૂષા વગેરેનું વધુ પડતું વળગણ હોય છે, આથી દરેક વાત પર મતભેદ ઊભા થાય છે. તેને કારણે બહુ રોચક નાટ્યાત્મક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દીવાન શરર ઘડાયેલા લેખક હતા. તેમણે મારી તમામ કલ્પનાઓને મૂર્ત કરી આપતી વાર્તા લખી દીધી. આ ફિલ્મનું નામ પણ મજાનું રાખ્યું: 'તીન બત્તી ચાર રાસ્તા'. મુંબઈના એક રસ્તાનું આ નામ છે. વિભિન્ન પ્રાંતની મહિલાઓની ભૂમિકા માટે જે તે પ્રાંતની અભિનેત્રીઓની પસંદગી કરી. હવે મને એક જ પ્રશ્ન સતાવતો હતો કે પેલી શ્યામવર્ણી યુવતીના પાત્રમાં કોની પસંદગી કરવી. પરંતુ સંધ્યાએ ખુશીથી પોતે જ એ કામ કરવાનું સ્વીકાર્યું.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્‍ડ સન્‍સ, દિલ્હી)

Thursday, October 12, 2023

તાકિ હંસતે હુએ નિકલે દમ


- વી. શાંતારામ
કેદીઓના મન પર સારા સંસ્કાર પાડવા માટે આદિનાથ રોજ કામ શરૂ કરતી વખતે અને ભોજન પહેલાં તેમને પ્રાર્થના કરવાની આદત પાડે છે. મારો મત હતો કે પ્રાર્થનાનું આ ગીત ન ભજન જેવું હોય કે ન 'આમ કરો, આવું આચરણ કરો' જેવા આદેશવાળું હોય. પંડિત ભરત વ્યાસ અને વસંત દેસાઈ બન્ને આ પ્રાર્થના-ગીત મંજૂર કરાવવા માટે કોલ્હાપુર આવ્યા. ભરતજી રચિત ગીત પરમાત્માની સ્તુતિ કરતું હતું. એક ગીત તરીકે એ સરસ હતું, પણ પ્રાર્થના-ગીતની મારી જે કલ્પના હતી એ તેમાં વ્યક્ત થતી ન હતી.
મેં ભરતજીને કહ્યું, 'જુઓ, જીવન બાબતે મારા અમુક આદર્શ છે કે 'માણસે જીવનભર સત્કર્મો કરતાં રહેવું જોઈએ કે જેથી મૃત્યુ વેળા તેના ચહેરા પર સંતોષની લહેર આવી જાય. આ જ વાત પ્રાર્થના-ગીતમાં આવવી જોઈએ. એમ ન લાગવું જોઈએ કે આ પ્રાર્થના કોઈ એક ધર્મની છે. દરેકને લાગવું જોઈએ કે એ એના પોતાના ઈશ્વરની- તમામ ધર્મના શ્રેષ્ઠ મૂલ્યની- એટલે કે માનવધર્મની પ્રાર્થના હોય.
ભરતજી આ સાંભળીને ગંભીર થઈ ગયા. તેમના મનમાં ચાલી રહેલી મથામણ તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
બીજા દિવસે ભરતજીએ નવી પ્રાર્થના સંભળાવી:
'એ માલિક તેરે બન્દે હમ.'
'વાહ! ભરતજી વાહ! કહેવું પડે! 'માલિક' અને 'બન્‍દે' શબ્દ એટલા અદ્‍ભૂત છે કે શું કહું! બસ, તમારા કાવ્યની આ પહેલી પંક્તિથી જ મારું મન સંતુષ્ટ થઈ ગયું.'
ભરત વ્યાસના ચહેરા પર ઉત્સાહ જણાયો. તેમણે કહ્યું, 'કાલે તમે મને કહ્યું ત્યારથી મન બેચેન હતું, તરફડી રહ્યો હતો. આખી રાત કશું લખી ન શક્યો અચાનક મને જમીન મળી ગઈ. આગળ સાંભળો:
એ માલિક તેરે બન્દે હમ!
ઐસે હોં હમારે કરમ!
નેકી પર ચલેં, ઔર બદી સે ટલેંં,
તાકિ હંસતે હુએ નીકલે દમ.
કવિના માનસની શી રીતે પ્રશંસા કરું એ મને સમજાતું નહોતું. મને જે અર્થ અભિપ્રેત હતો એ તેમણે એટલા અદ્‍ભૂત શબ્દોમાં વ્યક્ત કર્યો હતો કે મેં તત્ક્ષણ કહી દીધું, 'તમારું આ ગીત અમર થનારું છે.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: આ ગીત ફિલ્મ 'દો આંખે બારહ હાથ'માં લતા મંગેશકરના કંઠે ગવાયું હતું. જો કે, અંગત રીતે માત્ર કોરસમાં ગવાયેલું વર્ઝન વધુ પસંદ છે. અહીં એ સાંભળી શકાશે.

Wednesday, October 11, 2023

એ ફિલ્મ અને તેની ટીકાનું કાળું ટપકું

 

- વી. શાંતારામ
સિનેમાઘરમાં એકે દર્શક એવો નહોતો કે જેની આંખો ભિંજાઈ ન હોય. ફિલ્મના અંતિમ પ્રસંગમાં પુનરુક્તિ કરવા છતાં લોકોને જકડી રાખવામાં હું સફળ થયો હતો. મારી જીત થઈ હતી. કેટલાય દર્શકો સુન્ન થઈને પોતાની બેઠક પર જ બેસી રહ્યા. ધીમે ધીમે ભીડ ઓસરવા લાગી. અનેક પરિચીતો ગળું રુંધાઈ જવાને કારણે બોલી શકતા ન હતા, પણ કેવળ ઈશારાથી જણાવતા હતા કે ફિલ્મ એકદમ ઉત્કૃષ્ટ બની છે.
અન્ય દર્શકોની સાથોસાથ 'રણજિત ફિલ્મ કંપની'ના માલિક ચંદુલાલ શાહ અને ગૌહરબાઈ પણ બહાર આવ્યાં. મને જોઈને ગૌહરબાઈએ ભરાયેલા કંઠે કહ્યું, 'ફિલ્મ કેવી છે એ આની પરથી સમજી જાવ.' આમ કહીને તેમણે રડી રડીને લાલચોળ થઈ ગયેલી પોતાની આંખો તરફ ઈશારો કર્યો. મેં જોયું કે એમની આંખોમાં ફરીથી આંસું ધસી આવ્યાં હતાં.
'ડૉ. કોટનીસ કી અમર કહાની' ભારતભરમાં પ્રદર્શિત થઈ અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી. પત્રકારો અને સમીક્ષકોએ આ ફિલ્મને ખૂબ વખાણી. ફક્ત બાબુરાવ પટેલ એવા હતા કે જેમણે પોતાના માસિક 'ફિલ્મ ઈન્‍ડિયા'માં અધમ ટીપ્પણી કરતાં લખેલું, 'ડૉ. કોટનીસ કી અમર કહાની' ફિલ્મ ઊભી બજારે સળગાવી દેવા જેવી છે.'
આ ટીપ્પણી તેમના માસિકમાં પ્રકાશિત થઈ. 'ડૉ. કોટનીસ..' લાહોરમાં પ્રદર્શિત થઈ ચૂક્યું હતું અને ત્યાંના લોકોને એટલું પસંદ પડ્યું હતું કે ત્યાંના યુવકોએ લાહોરમાં આવેલા એ માસિકના તમામ અંક ભરબજારે સળગાવી માર્યા. લાહોરમાં તો 'ડૉ. કોટનીસ...' જોવા આવેલા લોકોએ ભારતના તમામ સિનેમાઘરોની ભીડ અને આવકના વિક્રમ તોડી દીધા. એટલું જ નહીં, લાહોર એન્‍જિનિયરીંગ કૉલેજના પચાસ-સાઠ વિદ્યાર્થીઓએ મને એક પત્ર પણ મોકલેલો. એમાં લખેલું:
'એન્‍જિનિયરીંગ કૉલેજમાં પ્રવેશ લેતાં અગાઉ અમે તમારી આ ફિલ્મ જોઈ હોત તો આજે અમે સહુ વિદ્યાર્થીઓ મેડીકલ કૉલેજમાં જ હોત, ડૉક્ટર બનત અને ડૉક્ટર કોટનીસની જેમ માનવોની સેવામાં લાગી ગયા હોત.'
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

Tuesday, October 10, 2023

એમાં શરમ શાની?


- વી. શાંતારામ
બીજા દિવસે દિલ્હીના રીગલ થિયેટરમાં 'તૂફાન ઔર દિયા'નો પહેલો શો શરૂ થયો. નારાજ દર્શકોનો સામનો શી રીતે કરીશું એમ વિચારીને અમારા દિલ્હીના વિતરક ઘેર જ બેસી રહ્યા. થોડા થોડા સમયે તેઓ થિયેટર પર ફોન કરીને ફિલ્મની સ્થિતિ પૂછી લેતા:
"ભીડ કેવી છે?"
"હાઉસફૂલ." થિયેટરના મેનેજરે કહ્યું.
મધ્યાંતર વખતે વિતરકનો વધુ એક ફોન.
"લોકોએ ધમાલબમાલ કરી?"
"હજી સુધી તો નહીં."
ફિલ્મ પૂરી થઈ એટલે ફરી ફોન.
'લોકો શું કહે છે? ગાળો ભાંડે છે?"
"જરાય નહીં."
'શું વાત કરો છો! સાચું કહો છો ને?"
"હા, સાહેબ. થિયેટરમાંથી બહાર નીકળતાં બધા એમ જ કહે છે કે શાંતારામે કેવી સુંદર ફિલ્મ બનાવી છે!"
થોડી મિનીટોમાં વિતરકની ગાડી ઠાઠમાઠથી રીગલની પોર્ચમાં આવી. અગાઉ થયેલી વાતોનો કશો અણસાર તેમના ચહેરા પર નહોતો. રામ હજારેએ તેમની તરફ જોઈને તોફાની હાસ્ય કર્યું. વિતરકે સંકોચાઈને તેમની સાથે હાથ મિલાવ્યા.
આ ફિલ્મની એક બહુ હૃદયસ્પર્શી યાદ: લિબર્ટી સિનેમાના માલિક મહેબૂબ ખાનને મળવા ગુજરાતના બીલીમોરા ગયેલા. મહેબૂબની 'મધર ઈન્‍ડિયા'નું ફિલ્માંકન ત્યાં ચાલતું હતું. બીલીમોરા સ્ટેશને ઉતરતાં જ આઠ-નવ વર્ષનો એક સ્ફૂર્તિલો છોકરો દોડીને એમની પાસે આવ્યો અને કહ્યું, 'સાહેબ, હું તમારી બેગ લઈને તમને સ્ટેશનની બહાર લઈ જાઉંં?' હબીબે એની પ્રશંસા કરતાં કહ્યું, 'અરે! તું તો બહુ નાનો છો! તું આવી જાતનું કામ શું કામ કરે છે?'
'સાહેબ, અમે ગરીબ છીએ. મારા બાપ ગુજરી ગયા. મારી બા પણ કંઈ ને કંઈ કામકાજ કરે છે. મને જે થોડુંઘણું મળે એ હું મારી માને આપી દઉં છું.'
'પણ દીકરા, તું તો સારા ઘરનો લાગે છે અને તમને આવું હલકું કામ કરવામાં શરમ નથી આવતી?'
આ સાંભળીને છોકરાએ ગર્વભેર કહ્યું, 'એમાં શરમ શાની? તમે વી. શાંતારામની 'તૂફાન ઔર દિયા' ફિલ્મ જોયેલી છે? એમાં પણ મારા જેવો એક નાનો છોકરો પોતાની બહેન માટે કેટલી બધી મહેનત કરે છે. એને જોઈને મારી હિંમત વધી ગઈ. કોઈ પણ કામ ઈમાનદારીથી કરવામાં શરમ શાની?'
મુંબઈ આવીને મને ફોન પર આ આખો કિસ્સો કહેતાં હબીબનું ગળું ભરાઈ આવ્યું. મને પણ એ સાંભળીને સારું લાગ્યું.
(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)

Monday, October 9, 2023

જીવન જીવવા માટે છે, નહીં કે ટૂંકાવવા માટે!

 

- વી. શાંતારામ
નવાં ચિત્રપટોનું નિર્માણ જ મારું કામ છે! આ કામ જ જીવન છે! એને યથાર્થમાં જીવવું જોઈએ! મારું ચિંતન કંઈક આ રીતે પરિપક્વ થતું જતું હતું.
અને એ સમયે નિરાશાવાદને ઉજાગર કરતી એક ફિલ્મ 'દેવદાસ' લોકોને ખૂબ પ્રભાવિત કરી રહી હતી. કલકત્તાની 'ન્યૂ થિયેટર્સ ફિલ્મ કંપની દ્વારા નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક પ્રમથેશ બરૂઆ હતા. એક ફિલ્મ તરીકે એ બહુ સુંદર હતી. તેમાં સાયગલે ગાયેલું એક ગીત 'દુ:ખ કે અબ દિન બીતત નાહી' અતિ સુંદર હતું. આજે પણ એ ગીત મને બહુ ગમે છે. પણ આ નિરાશાવાદી ફિલ્મ યુવા પેઢીના મનમાં એક જાતની હતાશા પેદા કરી રહી હતી. દેવદાસ શરાબનો હેવાયો બની જાય છે, વેશ્યાને ત્યાં જવા લાગે છે અને આખરે પ્રેમને ખાતર પોતાની જાતને શરાબમાં ડૂબાડી દે છે. એમાં જ એનો અંત આવી જાય છે. આ ફિલ્મ જોતી વખતે યુવાનો રડવા લાગતા. ખરેખરા પ્રેમ માટે મરી પડવું જોઈએ, આત્મહત્યા પણ કરવી જોઈએ- આવો ખોખલો આદર્શવાદ તરુણ પેઢીના મન પર હાવી થઈ રહ્યો હતો. પણ આપણા સમાજને આવા હતાશ, નિષ્ક્રીય તરુણોની આવશ્યકતા ન હતી. એને જરૂર હતી એવા યુવાઓ, જે દુ:ખમાં પણ રસ્તો કાઢીને બહાદુરની જેમ જીવનની કઠિન રાહ પર પણ ઉમંગ અને ઉલ્લાસથી આગળ વધે. પ્રેમની વિફળતાને કારણે દુ:ખી થઈને મરી જવાનું નામ જીવન નથી. જીવન તો એને કહેવાય કે જે પોતાના પ્રેમની સ્મૃતિને હૃદયમાં જાળવીને જીવનપર્યંત કર્તવ્ય બજાવે. યુવકોને આ નિષ્કર્ષ પર પહોંચાડવા માટે મેં ધ્યેયવાદી અને આશાવાદી ફિલ્મ બનાવવાનો નિર્ધાર કર્યો. 'દેવદાસ'ને કારણે નિરાશાવાદની જે લહેર પ્રસરેલી એને અટકાવવી સમાજહિત માટે નિતાંત આવશ્યક હતી.
આ વિચાર થકી મેં મારા સહાયક ભાસ્કરરાવ એમેમ્બલને મારી કલ્પના જણાવી અને એને આધારે એક વાર્તાની રૂપરેખા તૈયાર કરવા કહ્યું. એ રૂપરેખા અનુસાર નવી ફિલ્મની અમારી કલ્પના ધીમે ધીમે સ્પષ્ટ થતી ગઈ. 'દેવદાસ'ની મૂળ કથા સુપ્રસિદ્ધ બંગાળી લેખક શરદચંદ્ર ચેટર્જીની હતી. એ અતિ સશક્ત કલમના માલિક હતા. એમના નિરાશાવાદી ચિંતનને બરાબર જવાબ આપતી વાર્તા તૈયાર કરવાનો પડકાર મેં જાતે જ પહેલ કરીને ઊપાડ્યો.
સ્પષ્ટ છે કે માત્ર સુભાષિતો અને રૂઢિપયોગોથી ભરપૂર સંવાદો આવો પ્રભાવ ન ઊભો કરી શકે. વાર્તા એવા લોકોની હોવી જોઈએ કે જે સાવ સાદું અને સામાન્ય જીવન જીવતા હોય. જે લોકો નાના હોય એમનાં સુખદુ:ખ પણ સામાન્ય હોય. ભય, સાહસ, ગુણ, દોષ વગેરેને કારણે જ એ લોકો 'આદમી' કહેવાય છે. અને આદમી લાગે પણ છે. અમારો પ્રયાસ હતો કે એમના જીવન પર આધારિત વાર્તા હોય. આમ, જાણ્યેઅજાણ્યે નવી ફિલ્મનું નામ 'આદમી' નક્કી થઈ ગયું.


(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
નોંધ: 'દેવદાસ' (1935)ના જવાબરૂપે તૈયાર કરાયેલી ફિલ્મ 'આદમી'ના પોસ્ટરમાં જ લખાયું હતું 'Life is for living.'

Sunday, October 8, 2023

વિજયા દેશમુખનું રૂપેરી પડદે નામકરણ થયું સંધ્યા

 

- વી. શાંતારામ
હોનાજીની ભૂમિકા માટે કોઈએ મને રંગમંચના ગાયક-અભિનેતા પંડિતરાવ નગરકરનું નામ સૂચવ્યું. મેં પંડિતરાવનું ગાયન સાંભળ્યું. એમને બરાબર જોયા- પારખ્યા. તેમનો સ્વર બહુ મધુર હતો. હોનાજીની ભૂમિકામાં તેઓ બરાબર બંધબેસતા હતા.
હવે નાયિકા માટે એક સરસ યુવતીની જરૂર હતી. તલાશ આરંભાઈ. અમારા સ્ટુડિયોના વ્યવસ્થાપક વાસુ દેસાઈના કોઈ મિત્રે એક નાનકડી તસવીર દેખાડી. તસવીર બહુ સ્પષ્ટ નહોતી, છતાં મને એ છોકરીનો નાકનક્શો સારો લાગ્યો. તેની આંખો એકદમ બોલકી જણાતી હતી. મેં તરત એને કહેણ મોકલ્યું.
બીજા દિવસે હું મારી ઑફિસમાં બેસીને 'હોનાજી'ની પટકથા વાંચી રહ્યો હતો કે વાસુ દેસાઈ અંદર આવ્યો. તેની પાછળ સત્તર-અઢાર વરસની, ઠીક ઠીક ઊંચી, સુડોળ દેહલતાવાળી ગોરી યુવતી અંદર આવી. તેણે કપાળે મોટી બિંદી લગાવેલી અને પાલવ માથે મૂકેલો, જે સૂચવતું હતું કે એ કોલ્હાપુરના કોઈ ઉચ્ચ મરાઠા ખાનદાનની યુવતી છે. ચહેરા પર સ્નો-પાઉડર વગેરે કશું નહોતુ, આથી તેનો કુદરતી ગૌર વર્ણ અને ગુલાબી હોઠ બહુ સુંદર જણાતા હતા. આંખો ખાસ્સી મોટી હતી અને નજર એકદમ તીક્ષ્ણ. તેની સાથે તેના પિતાજી પણ આવેલા. મેં તેમને બેસવા જણાવ્યું. છોકરી તો માથું નમાવીને જ બેઠેલી. તેના પિતાજીએ પોતાનું નામ શ્રીધર દેશમુખ હોવાનું જણાવ્યું. એક સમયે તેઓ મરાઠી રંગમંચના શ્રેષ્ઠ ગાયક-અભિનેતા કેશવરાવ ભોસલેની 'લલિત કલાદર્શ' કંપનીમાં અભિનેતા રહી ચૂક્યા હતા.
યુવતીને મેં નામ પૂછતાં તેણે 'વિજયા' કહ્યું. તેની સાથે વાત કરતાં કરતાં મેં તેને સારી રીતે પિછાણી. પછી તેને પોતાનો ચહેરો અલગ અલગ ખૂણે ઘુમાવવાનું જણાવીને એનું નિરીક્ષણ પણ કર્યું. તેનું નાક મોગલકાલીન મહિલાઓના નાક જેવું હતું. તેનો અવાજ પારખવા માટે મેં તેની સાથે વાત કરી. મહારાષ્ટ્રીય હોવા છતાં તે ગુજરાતી સંગીત નાટકોની સુપ્રસિદ્ધ કંપની 'દેશી નાટક સમાજ'માં નાયિકાને ભૂમિકાઓ કરતી હતી. એ નાટકોમાં તે પોતે ગાતી હતી. મેં તેને એકાદ ગુજરાતી ગીત ગાવા માટે કહ્યું. એ શરમાઈ ગઈ અને બોલી, 'મને સંગીતનો ઘણો શોખ છે. પણ મેં શાસ્ત્રી સંગીતનો અભ્યાસ બિલકુલ કર્યો નથી. નાટકમાં કામ કરતી વખતે ઓર્ગન વગેરેની સંગતમાં થોડુંઘણું ગાઈ લઉં એટલું જ, એથી વિશેષ નહીં.' એ પછી મેં તેને ગાવાનો આગ્રહ ન કર્યો.
આ બધી વાતો પછી મેં એમને વિદાય કર્યા. એ જઈ રહી હતી ત્યારે મેં તેના પૃષ્ઠભાગનું પણ નિરીક્ષણ કર્યું. તેની દેહયષ્ટિ કોઈ મંદિરની ઉત્તમ શિલ્પકૃતિમાં કોતરાયેલી નર્તકીની જેમ માપસરની અને સુડોળ જણાઈ. મને આશ્ચર્ય થયું કે આટલી સુંદર અને સુડોળ યુવતીને સિનેમામાં કામ કરવાનો અવસર હજી સુધી કેમ નથી મળ્યો. મેં વાસુને જણાવ્યું કે વિજયાને ત્રણ વર્ષ માટે કરારબદ્ધ કરી લે.
**** **** ****

એ દિવસોમાં વિજયા નામની એક અભિનેત્રી હતી જ. આથી અમારી નવ-અભિનેત્રીનું નામ બદલવું જરૂરી બન્યું. તેને 'સંધ્યા' નામ આપવાનું મેં નક્કી કર્યું. ક્યારેક તો સતત ત્રણ-ત્રણ રાત સુધી તેનાં નાટક રહેતાં. રાત્રે ગમે એટલું જાગી હોવા છતાં તે રોજ સવારે નવ વાગ્યે સ્ટુડિય પર હાજર થઈ જતી. સાંજના છ વાગ્યે પોતાનું કામ સંપન્ન કરીને સીધી ત્યાંથી જ નાટકમાં પોતાની ભૂમિકા માટે થિયેટર પહોંચી જતી. પોતાના કામ પ્રત્યે આવી લગન અને આસ્થા જોઈને મને બહુ નવાઈ લાગતી.



(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
(નોંધ: સંધ્યાની પહેલવહેલી ફિલ્મ 'અમર ભૂપાલી' હતી, જે મરાઠી હતી.)