Wednesday, July 27, 2022

હંમેશાં કે લિએ વિસ.........રામ !

 (મલેકસાહેબની વિદાયને આજે સાત વરસ પૂરાં થયાં. તેમના અવસાન ટાણે લખેલો આ લેખ શ્રી વિપુલ કલ્યાણીએ 'ઓપિનીયન'માં પ્રકાશિત કરેલો. આ બ્લૉગ પર લેખ પહેલી વાર મૂકાઈ રહ્યો છે.) 


(૪/૭/૧૯૪૦ થી ૨૭/૭/૨૦૧૫)

‘સેક્યુલર’ શબ્દનો અર્થ તો ઠીક, એ સાંભળ્યો સુદ્ધાં ન હતો એ અરસામાં, અમારા મહેમદાવાદમાં ‘કોમી એખલાસ’, ‘ભાઈચારો’, ‘સહઅસ્તિત્વ’ જેવા શબ્દોનું પણ ચલણ ન હતું. આવા શબ્દોથી અજાણ હોવા છતાં બધા સહજપણે, કશી સભાનતા વગર આ શબ્દો જીવતા હતા. ગામના કેટલા ય હિંદુ-મુસ્લિમ પરિવારોને પારિવારિક સંબંધો હતા. આજે એ સાવ બંધ નથી થયું, પણ ધીમે ધીમે તેનું પ્રમાણ ઘટી રહ્યું છે, એ હકીકત છે.

‘સદરૂચાચા’ તરીકે ઓળખાતા સદરૂદ્દીન મલેક ગામના આદરણીય વડીલ હતા. મધ્યમ કદ, પહોળો લેંઘો, ઉપર ખમીસ અને કોટ, માથે કાળી ટોપી અને હાથમાં છત્રી. આ તેમનો કાયમી પોશાક. મારાં મમ્મી (સ્મિતા કોઠારી) મ્યુિનસિપાલિટીમાં ચૂંટાયાં અને સભ્ય બન્યાં એ અરસામાં સદરૂચાચા પણ ચૂંટાયેલા. તેથી મમ્મી દ્વારા જ મને તેમનો દૂરથી પરિચય થયેલો.

આ સદરૂચાચાના દીકરાનું નામ હાફીઝુદ્દીન મલેક એટલે કે ‘એચ.એસ. મલેક’ હતું, પણ તે ‘મલેકસાહેબ’ના નામે જ ઓળખાતા. સી.પી.એડ. થયા પછી વ્યાયામશિક્ષક તરીકે તે નજીકના કનીજ ગામની શાળામાં જોડાયેલા. પાંચેક વરસ ત્યાં કામ કર્યા પછી મહેમદાવાદની જ શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલમાં તે વ્યાયામશિક્ષક બન્યા. પડછંદ અને સુદૃઢ શરીર ધરાવતા મલેકસાહેબ બધી રીતે વ્યાયામશિક્ષક થવાની લાયકાત ધરાવતા હતા. તે પોતે કસરતના શોખીન હતા, અનેક રમતો તે રમી જાણતા, રેફરી તરીકે ઘણી શાળાકીય સ્પર્ધાઓમાં જતા. ઉનાળાના વેકેશનમાં ‘ગ્રીષ્મ વ્યાયામ વર્ગ’નું સંચાલન પણ કરતા. ગામમાં જ તે ઉછરેલા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓથી તે પરિચીત હોય એ સ્વાભાવિક છે. તેથી હકપૂર્વક તે વિદ્યાર્થીને વઢતા પણ ખરા.

અમે પાંચમા ધોરણમાં સોનાવાલા હાઈસ્કૂલમાં દાખલ થયા ત્યારે મલેકસાહેબને દૂરથી જોવાનું બનતું. મોટે ભાગે છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઑગસ્ટના દિવસે સફેદ શર્ટ, સફેદ પેન્ટ અને સફેદ ગાંધીટોપી પહેરીને તે ધ્વજવંદન કરાવતા ત્યારે બહુ પ્રભાવશાળી જણાતા. તેમનો પડછંદ બાંધો, વ્યાયામશિક્ષક તરીકે કાયમ તેમની પાસે રહેતી સિસોટી અને આદેશાત્મક અવાજને કારણે તેમની કડકાઈની મનમાં એક ધાક રહેતી.

જો કે, તેમનો નજીકથી પરિચય થયો અમે માધ્યમિકમાં એટલે કે આઠમા ધોરણમાં આવ્યા ત્યારે (લગભગ ૧૯૭૭માં). એ વરસે કોઈ કારણસર તેમને હિન્દી વિષય સોંપવામાં આવેલો. તે અમને હિન્દી ભણાવવા આવતા. રમતના મેદાનમાં કલાકો સુધી થાક્યા વિના ઊભા રહી શકનાર મલેકસાહેબને ભણાવવા માટે પોણો કલાક પૂરતું ખુરશી પર બેસવું કદાચ ફાવતું નહીં હોય, કે પછી ચોક્કસ માપવાળી લાકડાની ખુરશીમાં તેમનું પડછંદ શરીર સમાઈ શકતું નહીં હોય, પણ તે ખુરશીમાં તદ્દન બેતકલ્લુફીથી બેસતા. મોટે ભાગે એક પગનું ચપ્પલ કાઢેલું હોય અને એ પગ સહેજ લંબાવેલો હોય.

તેમનો દેખાવ આમ કરડો, પણ તે હસે ત્યારે તેમના ઉપલા દાંત દેખાતા અને ગાલમાં ખંજન પણ પડતાં. આ કારણે તે હસે ત્યારે તેમની બીક જરા ય ન લાગતી અને કરડાપણું બતાવવા છતાં તેમનાથી સાચેસાચ હસી પડાતું. અમને તેમની આ પ્રકૃતિનો પરિચય થઈ ગયો એ પછી તેમના આ સ્વભાવનો લાભ લઈને અમે તેમના પીરિયડમાં ઠીક ઠીક મસ્તી પણ કરી લેતા. એ અમને કશું નહીં કહે, એમ માનીને. એક વાર હિન્દીના એક પાઠમાં ‘વન-ઉપવન’ શબ્દ આવ્યો. તેમણે એ શબ્દ સમજાવવાના આશયથી કહ્યું, ‘વન કા મતલબ ક્યા હોતા હૈ?’ તો હું અને પ્રદીપ પંડ્યા કોઈ કશું બોલે એ પહેલાં ઉતાવળે અને મોટા અવાજે બોલી પડ્યા, ‘એક!’ મલેકસાહેબ આ સાંભળીને તરત જ હસી પડ્યા. કદાચ અંદરથી ગુસ્સે થયા હશે, પણ સામાન્ય રીતે શાંત ગણાતા અમારા જેવા છોકરાઓની મસ્તી તેમણે ઉદારતાપૂર્વક ચલાવી લીધી. પ્રદીપ પંડ્યાના મામા ‘બાબુમામા’ મલેકસાહેબના પરમ મિત્ર હોવાથી પ્રદીપ અને તેનાં ભાઈબહેનો તેમને પણ ‘મામા’ જ કહેતા હતા.

દર શનિવારે સવારે ત્રીજો અને ચોથો પીરિયડ ‘એમ.ડી.’(માસ ડ્રીલ)નો રહેતો. મેદાન પર તમામ વર્ગોના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આવવું ફરજિયાત હતું. પંદર-વીસ વર્ગનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મેદાન પર કવાયત કરવા માટે હારબંધ ગોઠવાઈ જાય અને મલેકસાહેબ ખભે લટકાવેલા સ્પીકરનું માઈક હાથમાં લઈને ફરતા અને ‘એકસાથ સા...વધાન!’, ‘વિસ .... રામ’ (વિશ્રામ) જેવી સૂચનાઓ આપતા.

આ માઈક ન હોય ત્યારે તેમના હાથમાં સોટી રહેતી. પણ તેનો ઉપયોગ તે મારવા માટે ભાગ્યે જ કરતા. વ્યાયામશિક્ષકના અભિન્ન અંગ જેવી વાયરવાળી સિસોટી તેમના ગળે લટકાવેલી જ રહેતી. શબ્દોની સાથે સાથે તે સિસોટીથી પણ સૂચના આપતા જતા. માસ ડ્રીલમાં બે પ્રકારના દાવ રહેતા. ઊભા દાવ અને બેઠકના દાવ. બેઠકનો ચોથો દાવ બહુ વિશિષ્ટ હતો. પલાંઠી વાળીને સૌ બેઠા હોય, બન્ને હથેળી માથે અડાડીને પછી માથું ઘૂંટણ સુધી લઈ જવાનું આવતું. એ વખતે તમામ લોકો જોશથી ‘ઉં ... ઉં ... ઉં’ અવાજ કાઢતા. મલેકસાહેબ આ સાંભળીને બહુ ગુસ્સે થતા, પણ બધા અવાજ કાઢે એટલે રોકે કોને? આથી તેઓ પાનો ચડાવતા, “હજી મોટેથી કાઢો. હજી મોટેથી. બધાં શિયાળવાં ભેગાં થયાં છો, સાલાઓ. કોઈ સિંહ નથી.’ આમ ને આમ, એ દાવ પણ પૂરો થતો. ઘણી વાર એમ.ડી.ના પીરિયડમાં તે સૌ વિદ્યાર્થીઓ પાસે મેદાનમાં ઊગી નીકળેલાં ગોખરું પણ વીણાવતાં, જેથી તે કોઈના પગમાં વાગે નહીં.

સોનાવાલા હાઈસ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂક્યો હોય તેને ‘રાઉન્ડ મારવા’નો અર્થ સમજાવવો ન પડે. અમારી શાળાના ખાસ્સા મોટા મેદાન ફરતે દોડીને ચક્કર મારવાની ક્રિયા ‘રાઉન્ડ મારવા’ તરીકે ઓળખાતી. મોટે ભાગે કોઈ ને કોઈ સજારૂપે આ લાભ ઘણાને મળતો. અને આ સજાનો અમલ કરાવવાનું કામ મલેકસાહેબનું રહેતું.

એક વખત એમ.ડી.ના પીરિયડમાં કોઈક કારણસર મલેકસાહેબ અકળાયા. તેમણે બધા વિદ્યાર્થીઓને ત્રણ-ચાર રાઉન્ડ મારવાનો આદેશ આપ્યો. આટલા બધા વિદ્યાર્થીઓ રાઉન્ડમાં દોડે ત્યારે એમાં સજા કરતાં મજા વધુ હોય. એ મુજબ સૌ દોડતાં દોડતાં વાતો કરતા હતા. મલેકસાહેબ બધાની પાછળ સોટી લઈને દોડતા હતા અને સૌને દોડાવતા હતા. તેમણે પોતે પણ વિદ્યાર્થીઓ જેટલા જ રાઉન્ડ માર્યા હશે.

તેમનો અવાજ વ્યાયામશિક્ષકને છાજે એવો હતો. એમાં આરોહઅવરોહ નહીં, પણ આદેશાત્મકતા વધુ હોય. ખ્યાલ છે ત્યાં સુધી પાઉલભાઈ સાહેબના નિવૃત્તિ સમારંભમાં સંચાલન મલેકસાહેબે કર્યું હતું. હું વડોદરા હોવાથી આ કાર્યક્રમમાં હાજર રહી શક્યો ન હતો, પણ ઉર્વીશે તેમાં હાજરી આપી હતી, અને તેણે બોલવાનું પણ હતું. એ વખતે પી.ટી.ના પીરિયડમાં સૂચના આપતા હોય એવી શૈલીથી મલેકસાહેબે કરેલા સંચાલનના નમૂના ઉર્વીશે મને કહી સંભળાવ્યા હતા, જે હું આસાનીથી કલ્પી શકતો હતો. (‘હવે ..... શ્રી ઉર્વીશભાઈ કોઠારી બોલસે. એમને વિનંતી કે એ મંચ પર આવી જાય.’)

મલેકસાહેબ હોમગાર્ડમાં પણ સેવા આપતા. હોમગાર્ડના ખાખી ગણવેશમાં તે બહુ પ્રભાવશાળી લાગતા. મહેમદાવાદમાં બહુ ઓછા જોવા મળ્યા છે એવા તોફાનોમાં એક વાર પથ્થરમારો થયેલો. કદાચ અનામત આંદોલન વખતે હતો. એ વખતે ગામના હોમગાર્ડ્સ ફરજ બજાવવા નીકળી પડેલા. એમાંના મોટા ભાગના તો ગામના જ હોય એટલે જાણીતા ચહેરા હતા. મલેકસાહેબ પણ ખાખી ગણવેશમાં અમારા ફળિયામાં આવ્યા હતા અને મારા ઘર સામે ઊભા રહી બીજા જવાનો સાથે વાતો કરતા હતા. અમે બહાર છજામાં ઊભેલા. મારી અને તેમની નજર એક થઈ. એટલે મેં હસવાનો પ્રયત્ન કર્યો. હું ઊભો હતો એ તરફ ઈશારો કરીને તેમણે એક હોમગાર્ડને છાજે એમ ગમ્મતમાં, પણ જરાય હસ્યા વિના કહ્યું, ‘બધા પથરા અહીં ઉપરથી આવતા લાગે છે.’

આ સાંભળીને ગમ્મત બહુ પડી, પણ એનો જવાબ શો આપવાનો હોય? રાત્રે મારા પપ્પા (અનિલ કોઠારી) ઘેર આવ્યા અને તેમને મેં આ ‘કમેન્ટ‘ (આ શબ્દ પણ ત્યારે હજી આવડતો ન હતો) કહી સંભળાવી. આ સાંભળીને પપ્પાને ય ગમ્મત પડી. તે બહુ હસ્યા. પપ્પા હંમેશાં તેમનો ઉલ્લેખ ‘સદરૂચાચાનો છોકરો’ તરીકે જ કરતા. ઘણા સમય સુધી પપ્પા મને યાદ કરાવીને પૂછતા, ‘તે દિવસે સદરૂચાચાના છોકરાએ શું કહેલું?’

**** **** ****

સોનાવાલા હાઈસ્કૂલમાં એકધારી ત્રીસ વર્ષની નોકરી પછી તે નિવૃત્ત થયા. તે ગામમાં જ રહેતા હોવા છતાં તેમને મળવાનો મોકો બહુ ઓછો મળ્યો. મિત્ર અજય પરીખે જણાવ્યું કે મલેકસાહેબ હજ પઢવા જવાના હતા ત્યારે એ તેમને મળવા ગયેલો. ‘હાજી’ થયા પછી તેમણે દાઢી રાખવાનું ચાલુ કર્યું હતું, એમ મેં સાંભળેલું, પણ તેમને એ રૂપે જોવાનું બન્યું ન હતું. પણ તેમની તસવીર જોતાં તેમની આંખોમાં કંઈ અજબ કરુણા છલકતી જણાઈ. ‘હાજીપણું’ તેમણે બરાબર આત્મસાત્ કર્યું હતું.

સદરૂચાચાનો આ છોકરો, ઉર્ફે એચ.એસ. મલેક એટલે કે મલેકસાહેબ ચીર નિદ્રામાં પોઢી ગયાના સમાચાર અજય પરીખે ફોન દ્વારા આપ્યા એ સાથે જ મારા શાળાજીવનનો આ આખો હિસ્સો સ્મૃિતનાં તમામ આવરણોને ભેદીને બહાર નીકળી આવ્યો. અજય સાથે ફોનમાં આ સંભારણાં યાદ કર્યાં, પણ એટલાથી સંતોષ ન થયો. આ અનોખા ગુરુનું નિ:સ્વાર્થભાવે જે કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રદાન અમારા ઘડતરમાં રહેલું છે, એનું મૂલ્ય કેમનું આંકવું? આવા અનેક ગુરુઓનું ઋણ ચૂકવવાનો વ્યર્થ પ્રયત્ન કરવાને બદલે એ ઋણને ગૌરવપૂર્વક માથે રાખીને જીવવાનો જ આનંદ છે.

મલેકસાહેબને આદેશ આપવાનું અમે વિદ્યાર્થીઓ કદી સપનામાં ય ન વિચારી શકીએ, પણ મલેકસાહેબની ચીરવિદાયના સમાચાર જાણીને અમને એમની ચીરપરિચીત સિસોટીનો સૂર સંભળાય છે. ત્યાર પછી મલેકસાહેબ બોલતા સંભળાય છે: ‘હંમેશાં કે લિએ વિસ ...... રામ!’

સદાય માટે ‘વિશ્રામ’ ફરમાવનારા પોતાના આ નેક બંદાની રૂહને અલ્લાહ જન્નત બક્ષે એવી અમારી, તેમના વિદ્યાર્થીઓની દુઆ.


Monday, July 25, 2022

મામાનું ઘર એટલે....

 આજે અરવિંદ દેસાઈનો જન્મદિવસ છે. 

અરવિંદ દેસાઈ અથવા તો 'દેસાઈ' તરીકે ઓળખાતા 'અરવિંદમામા' સગપણમાં મારા સગા મામા થાય. મમ્મીના કુલ છ ભાઈઓ પૈકી તેમનો ક્રમાંક પાંચમો. છ ભાઈઓ વચ્ચે એકની એક બહેન અને તેમનો સૌથી મોટો 'ભાણો' હોવાને કારણે બધા મામાઓ મારા પર પ્રેમ રાખતા, પણ અમારે સૌથી વધુ ભળતું સૌથી નાના બે મામાઓ- અરવિંદમામા અને શરદમામા સાથે. હવે છ પૈકીના કેવળ અરવિંદમામા જ હયાત છે, જેઓ આજે પંચોતેર પૂરાં કરીને છોંત્તેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 

અરવિંદમામા 

અરવિંદમામાનું લગ્ન ગીતામામી સાથે થયું એ પહેલાંથી તેમની સાથે માયા બંધાઈ ગયેલી. સાંઢાસાલમાં જન્મ્યા પછી શાળાકીય ભણતર પૂરું કરીને તેઓ અમદાવાદ આવી ગયેલા. એ સમયે અમે અમદાવાદ રહેતા ચન્‍દ્રવદનમામાને ઘેર અવારનવાર જતા ત્યારે અરવિંદમામા ત્યાં મળતા. ગીતામામીના આગમન પછી અમારા પરનો તેમનો પ્રેમ બમણો થયો, કેમ કે, ગીતામામીએ પણ અમારા પર પ્રેમ ઢોળવામાં કંઈ બાકી ન રાખ્યું. 

અરવિંદમામાનું લગ્ન થયું ત્યારે તેઓ કલકત્તા નોકરી કરતા હતા. ત્યાંથી તેમના પત્રો નિયમિત આવતા. એ સમયે ભૂગોળમાં વિવિધ રાજ્યો વિશે ભણવામાં આવતું, એમાં બંગાળની રાજધાની કલકત્તા અને રસગુલ્લા, સંદેશ જેવી ત્યાંની બંગાળી મિઠાઈઓ વિશે જાણવા મળ્યું. મેં મામાને લખી દીધું કે આવો ત્યારે રસગુલ્લા અને સંદેશ લેતા આવજો. મામા કોને કહ્યા? એ સમયે હાવરાથી અમદાવાદની બે-અઢી દિવસની થકવનારી મુસાફરી, છતાં તેઓ ખાસ યાદ રાખીને મારા માટે એ ચીજો લઈ આવ્યા. સંદેશની એવી મિઠાશ ફરી કદી અનુભવવા મળી નથી. 

લગ્ન પછી મામીએ પણ કલકત્તા જવાનું થયું. એ વખતે દસ-અગિયાર વરસના એવા મેં રીતસર જીદ પકડી કે મારે એમની સાથે જવું છે અને કલકત્તાની સ્કૂલમાં ભણવું છે. મને કલકત્તા, બંગાળ કે બંગાળી સાથે કશો લગાવ નહોતો. આશય એટલો કે મામા અને મામીની સાથે રહેવું છે. 

એ પછી મામાની બદલી આણંદ ખાતે થઈ અને તેઓ થોડો સમય અમારે ઘેરથી અપ-ડાઉન કરતા થયા ત્યારે સૌથી વધારે રાજીપો મને થયેલો, કેમ કે, રોજ સાંજે મામા ટ્રેનમાં આવે એ પછી અમારી સાથે સમય ગાળે. અમને રમાડે, હસાવે, લાડ લડાવે, અને પ્રોત્સાહિત પણ કરતા રહે. મામા અને મામીએ થોડા સમય માટે મહેમદાવાદમાં જ મકાન રાખ્યું એ સમયે ઉર્વીશ પહેલા કે બીજા ધોરણમાં ભણતો હતો. એની સ્કૂલેથી મામાનું ઘર અને અમારું ઘર વિરુદ્ધ દિશામાં, પણ લગભગ સરખા અંતરે હતાં. ઉર્વીશ પોતાને ઘેર આવવાને બદલે ધરાર મામાને ત્યાં જાય, અને મામી પણ તેની રાહ જોતાં હોય. એમણે ઉર્વીશને ભાવતું ફ્રૂટસલાડ બનાવી રાખ્યું હોય, સાથે બીજો પણ નાસ્તો હોય. 

અરવિંદમામા- ગીતામામી 

ક્યારેક રજા હોય ત્યારે મામા મને ફિલ્મ જોવા નડીયાદ લઈ જાય. મારા મનમાં ઉઠતા ગાંડાઘેલા તમામ સવાલોના જવાબ આપવાનો તેઓ પ્રયત્ન કરે, અને કદી હતોત્સાહ ન કરે. તેમને બે‍ન્કમાં નોકરી મળતાં તેઓ સ્થાયી થવા નડિયાદ ગયા અને એક મકાન ભાડે રાખ્યું. અમારા માટે એ મકાન અને એ પછીનાં એમણે બદલેલાં તમામ મકાન સુખનાં સરનામાં જેવાં બની રહેલાં. એક તબક્કે તો દર શનિ-રવિ હું એમને ત્યાં ઊપડ્યો જ હોઉં. પોતાની ગમે એવી વિપરીત પરિસ્થિતિ હશે, પણ મામા-મામીએ સદાય હસતા મોંએ અમને આવકાર્યા છે. 

ફિલ્મો જોવાનો મામાને જબરો શોખ. તેમને ત્યાં રહેવા ગયો હોઉં અને અમે સાંજના શાક લેવા માટે સંતરામ ગયા હોઈએ ત્યારે થિયેટરમાં કોઈ ફિલ્મ લાગેલી જુએ એટલે કહે કે ચાલો. અમે એ રીતે અનેક ફિલ્મો જોઈ છે. ઘણી વાર હું એમને ત્યાં ચાલુ દિવસે ગયો હોઉં, ત્યારે તેઓ નોકરીએ નીકળવાના સમયે મને લેતા જાય, ફિલ્મની ટિકિટ લઈને મને બેસાડી દે અને પોતે કામે જાય. ફિલ્મ જોઈને હું એકલો એમને ઘેર આવી જાઉં. અનેક ફિલ્મો સાથે મામાનો કોઈ ને કોઈ સંદર્ભ જોડાયેલો છે. તેમને ગીતો સાંભળવાનો ખૂબ શોખ, અને એ સમયે તેઓ કેસેટમાં ગીતો રેકોર્ડ કરાવતા. તેમનો આ મહામૂલો ખજાનો મારે માટે સદંતર ખુલ્લો રહેતો. નડિયાદમાં એક ભાઈ કેસેટો રેકોર્ડ કરી આપતા હતા. તેમની પાસે અઢળક રેકોર્ડ હતી, અને તેઓ નવી રેકોર્ડ પણ વસાવતા રહેતા. મામા મને અનેક વાર પોતાની સાથે ત્યાં લઈ જતા અને અમે ભેગા મળીને ગીતોની પસંદગી કરતા. આજે વિચારતાં નવાઈ લાગે છે કે મને એ સમયે નવી ફિલ્મોનાં ગીતો વિશે ભાગ્યે જ કશી જાણ હતી, પણ મામા મારો અભિપ્રાય લેતા. તેમની આ પ્રકૃતિને કારણે  સામેવાળાને તેઓ પોતાના જ સ્તરે હોવાનું લાગતું. તેમને ત્યાં હોઉં એ દરમિયાન મામા મને નવાં મેગેઝીન લાવી આપે, મને વાંચવા માટેની સામગ્રી હોંશે હોંશે પૂરી પાડતા રહે. 

એક વખત મામા-મામી અને મારાં નાની જડાવબાએ ઉત્તર ભારતના પ્રવાસનો લાંબો કાર્યક્રમ બનાવેલો. સાથે મમ્મીને લઈ જવાનાં હતાં, પણ મમ્મીથી નીકળી શકાય એમ નહોતું. આથી મામાએ મને તેમની સાથે લીધો. એ વખતે હું આઠમા ધોરણમાં હોઈશ. ઘરની બહાર, આટલા લાંબા સમયે પહેલવહેલી વાર નીકળતો હતો, પણ સાથે મામા અને મામી હોવાથી એ બાબતે જરાય અવઢવ નહોતી. દિલ્હી- આગ્રા- હરિદ્વાર-ઋષિકેશ-ગોકુળ-મથુરા-વૃંદાવનના એ પ્રવાસને આજે પણ હું મારા જીવનનો યાદગાર પ્રવાસ ગણું છું અને તેની અનેક વિગતો મને યથાતથ યાદ છે. એ પ્રવાસનું સૌથી મધુરું સ્મરણ એટલે મામા અને મામીનો પ્રાપ્ત થયેલો સતત સહવાસ. એ પ્રવાસની અમુક વાતો અમે આજે પણ યાદ કરી કરીને હસીએ છીએ. હવે તો એ વિચાર પણ આવે છે કે તેમની પોતાની નવીસવી નોકરી અને પ્રવાસખર્ચનો જોગ જેમતેમ કર્યો હશે, એમાં મને સામેલ ન કરે તો ખર્ચમાં ઠીકઠીક ફરક પડી શક્યો હોત! આટલાં વરસે મને આ વિચાર આવે છે, પણ તેમને ત્યારેય નહોતો આવ્યો અને હજી નહીં આવ્યો હોય! એટલે તો એ મામા છે. 

આગ્રાના લાલ કિલ્લા પર અરવિંદમામા- હું- ગીતામામી
(આશરે 1977) 

એ પછી ત્રણેક વરસે હું શાળા દ્વારા આયોજિત પ્રવાસમાં જવાનો હતો. વીસેક દિવસનો- છેક કાશ્મીર સુધીનો પ્રવાસ હતો. ત્યારે મામાએ મને આગ્રહપૂર્વક પોતાનો 'આગ્ફા' કેમેરા વાપરવા માટે આપેલો. એ સમયે કેમેરા હોવો  જ વૈભવ ગણાતો, પણ મને એ આપતાં મામાએ સહેજ પણ વિચાર નહોતો કર્યો. 

તેમનામાં સર્જકતાના અંશો ખરા, કેમ કે, એમનો રસ વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં હતો. તેઓ કહેતા હતા કે જાદુગર કે.લાલને તેમણે કદાચ પહેલી વાર પોતાની કૉલેજમાં નિમંત્રેલા. કાંકરિયા તળાવમાં સરકસ આવે એટલે અમે એ જોવા ઊપડ્યા જ હોઈએ અને મામા અચૂક અમારી સાથે હોય. તેઓ સરકસની વિવિધ ગતિવિધિઓ સમજાવે પણ ખરા. એક વખત કોઈક સર્કસવાળા એમના બાજુના મકાનમાં ઊતરેલા હોવાનું એમણે જણાવ્યું એ સાંભળીને જ મને જબરો રોમાંચ થઈ ગયેલો. દર દિવાળીએ તેઓ જાતે બનાવેલાં વિશિષ્ટ કાર્ડ મોકલે. રેસાવાળા, બદામી રંગના હેન્‍ડમેડ પર, સોનેરી દોરી ચોંટાડીને બનાવેલી આકૃતિઓવાળાં તેમનાં કાર્ડ બધામાં અલગ પડી જતાં. અમે રીતસર રાહ જોતાં કે મામા આ વખતે શું દોરીને મોકલશે.  

ચાહે કોઈ પણ દિવસ હોય, મામાને ઘેર જઈએ એટલે વેકેશનનો જ માહોલ બની જાય. નાના હતા ત્યારે તો તોફાનમસ્તી પણ કરીએ અને મામા એમાં અમારી સાથે જોડાય. શરૂઆતમાં એકલા રહ્યા હોવાથી તેમને રસોઈ બનાવતાં આવડે, એટલું જ નહીં, તેઓ અત્યંત સ્વાદિષ્ટ રસોઈ બનાવી જાણે. એક વાર હું મારા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ સાથે મામાને ત્યાં જઈ ચડ્યો. ગયા પછી ખબર પડી કે મામી બહારગામ ગયાં છે. હવે? મામાએ પૂરેપૂરું ભોજન બનાવ્યું, અને અમે બધા પ્રેમથી જમ્યા. 

મામા અને મામીની પ્રકૃતિ આમ સાવ ભિન્ન, પણ પ્રેમ ઢોળવાનો, સરભરા કરવાનો અને કોઈકનો વખત સાચવવાનો તેમનો ગુણ એકમેકની સ્પર્ધા કરતો લાગે. કદીક નડીયાદ જવાનું બનતું ત્યારે સાથે કોઈ ને કોઈ મિત્ર હોય. પણ ગમે એ સમયે જઈએ અને ગમે એટલા લોકો જઈએ, મામા-મામીના આવકારમાં સહેજે ફેર ન પડે. તેઓ એ જ પ્રેમથી સમયાનુસાર ચા-નાસ્તો કે જમવાનો આગ્રહ કરે જ, અને એમ ને એમ ન મોકલે. 

મારાં કેટલાંક પરિવારજનો અંતિમ વિદાય લેતાં અગાઉ જાણે કે મામા-મામીની સેવા લેવા જ અટક્યા હોય એમ લાગે. 

મારાં દાદીમા કપિલાબહેન કોઠારીને અંતિમ અવસ્થાએ થાપાનું ફ્રેક્ચર થયું ત્યારે તેમને નડીયાદના દવાખાને દાખલ કરેલાં. મામા અને મામીએ ત્યારે નડીયાદમાં (1980ની આસપાસ) નવુંસવું ગૃહસ્થજીવન શરૂ કરેલું. કપિલાબાની ખબર જોવા માટે સતત અવરજવર ચાલતી રહેતી. મારાં ફોઈ અને મમ્મી દવાખાને જ રહેલાં. એ સમયે મામાનું ઘર જાણે કે હેડક્વાર્ટર બની ગયેલું. ખબર જોવા આવનારને પોતાને ઘેર લઈ જવા કે ઘેરથી તેમના માટે ચા-નાસ્તો લાવવો તો ખરું જ, સાથે સાથે કપિલાબાની ફરમાઈશ પૂરી કરવી- આ બધું મામા અને મામીએ કપાળ પર એકે સળ પડવા દીધા વિના કરેલું. તેઓ રોજ કપિલાબાને પૂછે, 'બહેન, બોલો, આજે શું ખાવું છે?' કપિલાબા પણ વિના સંકોચે કહે કે 'અરવિંદ, આજે ફલાણું ખાવાની ઈચ્છા થઈ છે.' અને એ વસ્તુ હાજર જ હોય. કદી કોઈ વાયદો કે વિલંબ નહીં. નડીયાદથી આવ્યા પછી થોડા સમયમાં બાનું અવસાન થયું. 

એ પછી મારાં અમદાવાદ રહેતાં ફોઈને કીડનીની ગંભીર બિમારીને કારણે નડીયાદ દાખલ કરવાં પડ્યાં. ફુઆનો પરિવાર બહોળો, પણ નડીયાદમાં વધુ એક વાર મામાનું ઘર હેડક્વાર્ટર બની ગયું. એ હદે કે મામીએ પોતાનું રસોડું સુદ્ધાં ફોઈની દીકરીઓને હવાલે કરી દીધેલું. રોજેરોજ આઠ-દસ જણનું બે ટંક ભોજન, ઉપરાંત ચા-નાસ્તો બનાવવાનો કે ખબર જોવા આવનારની સરભરા કરવાની- આ બધું જ મામા અને મામીએ હસતા મોંએ કર્યું. આજે વિચારતાં લાગે છે કે તેમની પોતાની આર્થિક સ્થિતિ કંઈ એટલી સંપન્ન નહોતી. તેઓ શી રીતે વ્યવસ્થા કરતાં હશે?  ફોઈની બિમારી ગંભીર નીવડી અને એ પછી તેમનું અવસાન થયું, પણ મામા અને મામીએ તેમને પૂરો સંતોષ આપ્યો. 

મારા પપ્પા મામાને ઘેર રહેવા ગયા અને ત્યાંથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એ વખતે પણ મામા અને મામીનું ઘર હેડક્વાર્ટર બની ગયું. ત્યાંથી આવ્યા પછી થોડા સમયમાં પપ્પાએ વિદાય લીધી. 

અરવિંદમામા- ગીતામામી 

પ્રેમ ઢોળવાની અને લાડ કરવાની તેમની પ્રકૃતિને કારણે પાત્રો બદલાતાં રહે એમ બને. જેમ કે, અમારાં સંતાનો અરવિંદમામાને ત્યાં જાય તો એમને પણ એવો જ અનુભવ થાય. તેમને એમ જ લાગે કે અરવિંદમામા પોતાના મામા છે. હસીમજાક વચ્ચે 'આ ખા', 'પેલું લઈ આવું', 'ફલાણું બાંધી આપું'- આવું બધું સામાન્ય! 

તેમનાં સંતાનો હિમાંશુ અને રેશમા પણ બહુ પ્રેમાળ. રેશમા હવે યુ.કે.માં સ્થાયી છે, જ્યારે હિમાંશુ નડીયાદમાં જ છે. અમારું મહેમદાવાદનું મકાન નવેસરથી તૈયાર કરવાનું આવ્યું ત્યારે તેણે બહુ પ્રેમપૂર્વક એ જવાબદારી ઉપાડી લીધી હતી. મારા પપ્પાને નડીયાદમાં છેલ્લે હોસ્પિટલમાં રહેવાનું બન્યું ત્યારે સવારના પહોરમાં નોકરીના સમયની જેમ હિમાંશુ હાજર થઈ જતો અને મને 'છોડાવીને' ઘેર મોકલતો. તેની આ બાબત ભૂલી ન શકાય એવી છે. 

અરવિંદમામાને હવે વયસહજ મુશ્કેલીઓ છે, પણ દરકાર લેવાની એમની પ્રકૃતિમાં કશો ફરક નથી પડ્યો. તેમનો સ્નેહ અમને આટલા લાંબા સમય સુધી મળ્યો એટલા અમે નસીબદાર, એમ અમારાં સંતાનો પણ નસીબદાર કે તેઓ પણ અરવિંદમામાનો પ્રેમ પામી શક્યા. એમનાં સંતાનોને પણ હજી અરવિંદમામા અને મામીનાં લાડ મળશે એવી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે. 

અમારા સૌ તરફથી અરવિંદમામાને સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ. 

(તસવીરો: અરવિંદમામાની ફેસબુક વૉલ પરથી)  


Sunday, July 17, 2022

એંસીમાં પ્રવેશતા અ‍ૅમિટીયન

 આજે રણછોડભાઈ શાહનો જન્મદિવસ છે. 

તેમની મુખ્ય ઓળખ ભરૂચસ્થિત અ‍ૅમિટી સ્કૂલના સ્થાપક-સંચાલક તરીકેની, પણ એટલી સાંકડી ઓળખમાં તેમને કેદ કરી ન શકાય. અમારો પરિચય દસ-અગિયાર વરસનો ખરો, પણ છેલ્લા ચારેક વરસથી તેમના નિકટના પરિચયમાં આવવાનું બન્યું. તેનું એક કારણ એ કે તેઓ કામચલાઉ ધોરણે વડોદરામાં વસવાટ કરવા આવ્યા છે. ભૌગોલિક અંતર આ રીતે સાવ ઘટી ગયું હોવાથી અમે તેનો ભરપૂર લાભ લીધો અને હજી લઈ રહ્યા છીએ. અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર અને વધુમાં વધુ ગમે એટલી વાર અમે નિયમીત મળતા રહ્યા છીએ. 

રણછોડભાઈ શાહ (*) 

અ‍ૅમિટીના સાડા ત્રણ દાયકાના કેળવણીકાર્યનું દસ્તાવેજીકરણ ત્રણ-ચાર વરસથી મને સોંપવામાં આવ્યું એ આ બાબતનું મૂળ નિમિત્ત, પણ એ તો એની ગતિએ થયા કરે છે. ખરી મજા અમારી મુલાકાતોની અને એ દરમિયાન અનેકવિધ બાબતો અંગેની ચર્ચાની હોય છે. એના વિષયોમાં ફિલ્મ હોય, સંગીત હોય, સાહિત્ય હોય, શિક્ષણ હોય, સમાજ હોય, વ્યક્તિ હોય, અને બીજી અનેક બાબતો ઉપરાંત સાથે ચાનો કપ હોય. 

શિક્ષણના ક્ષેત્રની ઘણી મહત્ત્વની અંત:દૃષ્ટિ મને તેમની પાસેથી જાણવા મળી. શિક્ષણનો તેમનો અભિગમ બહુ વિશિષ્ટ અને સંશોધનાત્મક તેમજ વિશ્લેષણાત્મક હોવાથી એકે એક પાસાં અંગે તેમની પાસે ચોક્કસ દૃષ્ટિ અને એની પાછળનો ખ્યાલ રહેલો છે. એ વિશે વધુ આજે અને અહીં લખવું પ્રસ્તુત નથી. આજે વાત કરવી છે તેમની કેટલીક વિશેષતાઓની. 

તેમની સૌજન્યશીલતા અને અનૌપચારિક અભિગમથી તેઓ ઝડપભેર કોઈને પણ આત્મીય બનાવી શકે છે.સામા માણસની દરકાર લેવાની તેમની પ્રકૃતિ ખરેખર તો તેમના સમગ્ર પરિવારની, અને આમ જોઈએ તો પૂરેપૂરા અ‍ૅમિટી પરિવારની છે. અને આ બધું સાવ સહજપણે, કશું કરી દેખાડવાના ભાવ વિના! સ્વજનો પ્રત્યે  નાની વાતે આભાર દર્શાવવાની કે કોઈ સારા કામ માટે અભિનંદન પાઠવવામાં તેઓ જરાય દિલચોરી ન કરે. એ જ રીતે પોતાને ના ગમતી બાબત પણ તેઓ જરાય કડવાશ વિના જણાવી દે. 

દીકરી મિત્તલબહેન-અભયભાઈના લગ્નની રજતજયંતિ
નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આભાર
પ્રદર્શિત કરતા રણછોડભાઈ 

તેમની મૂળ ભૂખ તો સારી સંગતની છે, અને એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વિવિધ ક્ષેત્રની વિવિધ વ્યક્તિઓને સામે ચાલીને તેઓ મળવાનું ગોઠવે. સમરસિયા મિત્રો સાથે બેસવું તેમને ગમે, એવા મિત્રોના મિત્રોને પણ તેઓ મળવાની ઈચ્છા કરે. અને આમ કરવામાં પોતાની વય, હોદ્દો કે એવી બીજી કોઈ ભૌતિક બાબત એમને ન નડે. તેમના આ વડોદરાનિવાસ દરમિયાન અમે અવારનવાર આવા 'કાર્યક્રમ' યોજતા રહીએ છીએ. 

દીપક સોલિયાના વડોદરા રોકાણ દરમિયાન ગપ્પાંગોષ્ઠિ વખતે
(ડાબેથી) રણછોડભાઈ, દીપક સોલિયા, હેતલ દેસાઈ, બીરેન કોઠારી 

પોતાની શાળામાં વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓની આવનજાવન રહે અને તેનો લાભ વિદ્યાર્થીઓને તો મળે જ, ઉપરાંત કોર ગૃપ' તરીકે ઓળખાતા, અ‍ૅમિટીના વિવિધ વિભાગોના આચાર્યો સાથે આવી વ્યક્તિઓની અનૌપચારિક ગોષ્ઠિ યોજાય એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે. 

રણછોડભાઈ (વચ્ચે) સાથે અ‍ૅમિટીના આચાર્ય પ્રકાશભાઈ
મહેતા (ડાબે) અને ભરૂચના તત્કાલીન કલેક્ટર (*) 
સંદીપ સાંગલે (જમણે) 

કેળવણી અંગેની તેમની સમજણ, સૂઝ અને દૃષ્ટિકોણ આગવો હોવાને કારણે તેમને 'દુ:ખી' થવાનાં કારણો પૂરતાં મળી રહે એની નવાઈ નથી, અને તેઓ દુ:ખી થાય છે પણ ખરા. છતાં વાસ્તવિકતા સ્વીકારીને ચોકક્સ સંજોગોમાં પોતાનાથી શું થઈ શકે એમ છે એની પર ધ્યાન કેન્‍દ્રિત કરે છે. તેમની આ બાબત મને સૌથી ગમતી છે. 

વાંચનના તેઓ પ્રેમી, અને ભેટરૂપે પુસ્તક આપવાના અવસર તેઓ શોધતા જ રહે. તેમની શાળામાં નવા જોડાનાર શિક્ષકનું સ્વાગત પુસ્તકથી થાય, શાળામાં વાંચનને લગતા વિવિધ ઉપક્રમ યોજાય એ તો જાણે બરાબર, પણ એ સિવાય મિત્ર-સ્નેહીઓને પ્રસંગોચિત પુસ્તક આપવું તેમને બહુ ગમે. એક ઉદાહરણ: એક વાર અમારી રાબેતા મુજબની મુલાકાત દરમિયાન વાતવાતમાં મેં એમને (મારી પત્ની) કામિનીનો પગ મચકોડાઈ ગયો હોવાનું જણાવ્યું. તેમણે મનોમન આ વાત નોંધી લીધી હશે. એ પછી બે-ત્રણ દિવસમાં કુરિયર દ્વારા 'માંદગીને પણ માણીએ' પુસ્તક કામિનીના નામે આવ્યું. તેમાં ઉઘડતા પાને પ્રમેશબહેન મહેતાનો અંગત રીતે લખાયેલો શુભેચ્છાસંદેશ પણ ખરો. આવી તો અનેક નાનીનાની બાબતે તેમની દરકારનો અનુભવ થાય. 

સ્નેહીઓની દરકાર લેવાની ચેષ્ટા 


અમારી મૈત્રી માટેની પહેલ તેમના દ્વારા જ કરવામાં આવેલી. એ પછી તેઓ સામેથી ફોન કરે, ક્યારેક વડોદરા આવ્યા હોય તો મળવાનું ગોઠવે, અને 'કશું કામ હોય તો જ ફોન થાય'ની પ્રચલિત માન્યતાનો છેદ ઉડાડતા રહે. તેમના ઘેર જવાનું થાય ત્યારે (તેમનાં પત્ની) સંગીતાબહેન હસતા ચહેરે આવકારે અને ઉમળકાભેર વાતો કરે. એ જ રીતે અ‍ૅમિટી પર જવાનું થાય ત્યારે પણ હસતા મોંએ આવકારવા અને વિદાય આપવા માટે કોઈ ને કોઈ ઉપસ્થિત હોય જ. આને કારણે અ‍ૅમિટીમાં જતી વખતે કદી કોઈ 'સંસ્થા'માં જતા હોવાનું ન લાગે. 
શિક્ષણ અને કેળવણી ઉપરાંત પ્રવર્તમાન સામાજિક પ્રવાહોથી તેઓ વાકેફ રહે. પોતાના મનોમંથનને કાગળ પર ઉતારે ને કોઈ ને કોઈ મુદ્દે લખતા રહે. શિક્ષણવિષયક તેમજ અન્ય સામયિકોમાં તેમના લેખ અવારનવાર પ્રકાશિત થતા રહે છે, અને તેમનાં બાવીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. આને કારણે મને એવી બહુ ઈચ્છા કે તેમનાં લખાણો ઈન્‍ટરનેટ પર ઉપલબ્ધ હોવાં જોઈએ. તેમને મેં આ વિષે જણાવ્યું અને તેમણે તરત તૈયારી બતાવીને પોતાના ભાગે શું કરવાનું છે એ પૂછ્યું. આનું સુપરિણામ એટલે 'વેબગુર્જરી' પર દર મહિને આવતી તેમની શ્રેણી 'Challenge.edu', જેને હવે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. એટલે કે કોઈ પણ નવી વસ્તુ માટે તેઓ અતિશય ખુલ્લાશ દાખવે, એને સમજવાનો પ્રયત્ન કરે, અને અમલમાં તત્પરતા દેખાડે. આને કારણે તેમની સાથે કામ કરવાની મજા જુદી. 
અ‍ૅમિટી વિશેનું પુસ્તક તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને એ બરાબર સમજાયું કે આ શાળામાં કશું એમ ને એમ બન્યું કે મૂકાયું નથી, બલ્કે દરેક પાછળ કારણ અને એક ચોક્કસ વિચાર હોય છે. શાળાસંકુલમાં આમ હોવાનો યશ એકલા રણછોડભાઈને અપાય એ યોગ્ય ન કહેવાય, પણ કેળવણી વિશે વિચારી શકે એવી ટીમ, અને ખાસ તો બીજી હરોળ તેઓ ઊભી કરી શક્યા છે એ બાબતનો યશ અવશ્ય તેમનો કહી શકાય. 
અ‍ૅમિટીના મૂળભૂત રીતે પાંચ સ્થાપકો- રણછોડભાઈ અને સંગીતાબહેન, પ્રમેશબહેન મહેતા, શૈલાબહેન વૈદ્ય અને પ્રવિણભાઈ રાજ. આ સૌની સામાજિક પૃષ્ઠભૂમિ સાવ અલગ. સામાન્ય સંજોગોમાંં એવું થયું હોત કે તેમની ક્ષમતાઓનો શાળા સંચાલન દરમિયાન બાદબાકી કે ભાગાકાર થયા હોત. તેને બદલે સૌ એકમેકના પૂરક બની રહ્યા, અને તેમની ક્ષમતાનો ગુણાકાર થયો, જેનું સુફળ અ‍ૅમિટીને પ્રાપ્ત થયું. શૈલાબેનની આકસ્મિક ચીરવિદાય અને કોવિડ દરમિયાન પ્રવિણભાઈની વિદાયે જ તેઓ અલગ થયાં. એક સંસ્થા માટે આ બહુ મોટી સિદ્ધિ કહી શકાય. 
'કોર ગૃપ'ની અનેક મિટિંગોમાં મારી હાજરી દરમિયાન મેં જોયું છે કે સૌ પોતાનો અભિપ્રાય મુક્તપણે આપે છે. રણછોડભાઈ અને હવે સંચાલક તરીકે જવાબદારી સંભાળી રહેલા તેમના પુત્ર ઉત્પલભાઈ આ અભિપ્રાયનો આદર કરે છે, તેમજ એવું વાતાવરણ જળવાઈ રહે એવો પ્રયત્ન કરે છે. સંસ્થાના સંચાલક તરીકે આવું સ્વસ્થ વાતાવરણ ભાગ્યે જ જોવા મળતું હોય છે. 

અ‍ૅમિટી (ભરૂચ)માં કોર ગૃપની નિયમીત મિટિંગ

ચરિત્રલેખનના ક્ષેત્રને વ્યવસાય લેખે અપનાવ્યા પછી એની સાર્થકતા અનુભવાય એવા અનેક સંપર્કો થતા રહ્યા છે. રણછોડભાઈ સાથેનો સંપર્ક નિ:શંકપણે એ પૈકીનો એક કહી શકાય.  
સ્વસ્થ અને સાર્થક જીવનના 80મા વર્ષમાં પ્રવેશી રહેલા રણછોડભાઈને સ્વસ્થ જીવનની અનેકાનેક શુભેચ્છાઓ અને તેમની મૈત્રીનો લાભ મને તેમજ મારા જેવા અનેકને મળતો રહે એવી 'સ્વાર્થયુક્ત' શુભેચ્છા.  

નોંધ: અ‍ૅમિટી સ્કૂલમાં તેના સ્થાપના દિને યોજાયેલા એક અનોખા ઉપક્રમ વિશે અહીં વાંચી શકાશે. 

[(*) નિશાનીવાળી તસવીરો પ્રકાશભાઈ મહેતાના ત્વરિત સૌજન્યથી] 

Friday, July 15, 2022

મનીષ કહો, મોન્‍ટુ કહો, મંટુ કહો કે....!

- બીરેન કોઠારી 

આજે મિત્ર મનીષ શાહનો જન્મદિવસ છે. 

એને આ મૂળ નામે બોલાવનારા પ્રમાણમાં ઓછા. એ ઓળખાય 'મોન્‍ટુ'ના નામે, એનું મૂળ ઉપનામ 'મંટુ' હતું, અમુક લોકો અંગતતા બતાવવા માટે 'મોન્ટુડિયો' કહીને બોલાવે, પણ અમારા મિત્રો માટે તો એ 'જાડીયો' જ. એના શરીરનો બાંધો પહેલેથી મજબૂત, અને એ અનુસાર જ આ નામ પડ્યું હશે, પણ પછી એવું રૂઢ બની ગયું કે એણે પોતેય એ સ્વીકારી લીધું. એ નામ નામ મટીને હોદ્દો ત્યારે બન્યું જ્યારે એનું લગ્ન મહેમદાવાદની જ યત્ના સાથે થયું. એટલે કે 'મોન્‍ટુ' જો 'જાડિયો' તો એની પત્ની યત્ના સ્વાભાવિક ક્રમમાં 'જાડી' તરીકે ઓળખાતી થઈ, અને યત્નાએ પણ બહુ સહજતાથી, જરાય આનાકાની વિના આ 'નામ' કે 'હોદ્દો' સ્વીકારી લીધો. એ પછી તો અમારાં  સંતાનો પણ એમને 'જાડીયાકાકા' અને 'જાડીકાકી' કહેતાં થઈ ગયાં.

અગાઉ અન્યત્ર જણાવ્યું છે એમ અમારા મહેમદાવાદની શાળાકાળના દસ ગોઠિયાઓનું ગૃપ 'આઈ.વાય.સી.' (ઈન્‍ટેલિજન્‍ટ યુથ ક્લબ)માંનો એ એક. મારો તેની સાથેનો પરિચય સાવ નાનપણથી, કેમ કે, પહેલાં તેઓ મારા ઘરથી સાવ નજીકમાં રહેતા. એટલે થતું એવું કે એનાં દાદી અનસૂયાબહેન (અનુમાસી) અને મારાં દાદી કપિલાબહેન એકમેકને જાણે. એના પપ્પા અરવિંદભાઈ (બચુકાકા) અને મારા પપ્પા અનિલકુમાર મિત્રો. એની મમ્મી સૂર્યાબહેન (સૂર્યાકાકી) અને મારાં મમ્મી સ્મિતાબહેન વચ્ચે પણ ઘનિષ્ટ પરિચય. ઉપરાંત એના કાકા હર્ષદકાકા અને હંસાફોઈની પણ અવરજવર મારે ઘેર રહેતી. એનો નાનો ભાઈ નિખિલ અને મારો નાનો ભાઈ ઉર્વીશ સરખા. આ જ ક્રમમાં અમે એકમેકના પરિચીત બન્યા. અમે સાથે રમતા, પુષ્કળ ઝઘડતા, અને નાનીએવી હાથાપાઈમાં એના હાથની પ્રસાદીનો પણ મને લાભ મળેલો. એ પછી તેઓ પોળમાંનું ઘર કાઢીને સોસાયટીમાં રહેવા ગયા. આમ છતાં, કૌટુમ્બિક સમ્બન્ધ જળવાયેલો રહ્યો. એકમેકને ઘેર સારામાઠા પ્રસંગોએ તો આવનજાવન હોય જ, એ સિવાય પણ અવરજવર રહેતી. 

જાડીયા-જાડીની જોડી 

અમારી મંડળી 'ગૃપ' હોવાનો અહેસાસ થાય એ પહેલાં તો મંટુએ શાળા છોડી દીધેલી. તેણે દસમા ધોરણ પછી ડિપ્લોમા ઈન કેમિકલ એન્‍જિ.ના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધેલો. (બે વર્ષ પછી- બારમું ધોરણ કરીને હું પણ એને પગલે ગયો.) અમે અગિયાર-બારમાં રહ્યા. આમ, અમારા સૌમાં વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર એ સૌ પ્રથમ હતો. તેને કારણે બીજી અનેક બાબતોમાં એ અમારા ગૃપમાં પહેલો બની રહ્યો. ડિપ્લોમા પૂરું કર્યા પછી તેને તરત જ આઈ.પી.સી.એલ.માં નોકરી મળી ગઈ અને અમારા ગૃપનો એ સૌથી પહેલો કમાતો સભ્ય બન્યો. એ પછી યત્ના સાથે એનું લગ્ન થયું અને અમારા ગૃપનો સૌથી પહેલું લગ્ન કરનાર એ બન્યો. એમની દીકરી ઉર્મિનું આગમન અમારા ગૃપમાં મિત્રસંતાન તરીકે પહેલવહેલું બની રહ્યું.  

આ બધી તો મંટુની બાહ્ય ઓળખ થઈ. એની વિશેષતા એટલે એની હસમુખી પ્રકૃતિ. આ બાબત સમજાવવી અઘરી છે, કેમ કે, એ કંઈ વાતેવાતે ખીખીયાટા કરીને હસતો રહેતો નથી, કે નથી એને ગમે એ પ્રસંગે જોક્સ યાદ આવતા. પણ એની કેટલીક વિશેષતાઓથી આનો અંદાજ મળી શકશે. એનો અવાજ પ્રમાણમાં મોટો, અને એ સામાન્ય વાતચીતમાં પણ ઊંચા સાદે બોલતો હોય એમ લાગે. આને કારણે સાવ નાનાં બાળકો એનાથી ગભરાતાં, અને અમુક તો એને જોઈને રડવા લાગતાં. એમાંનો એક મારો દીકરો ઈશાન પણ ખરો. મંટુ ઘરમાં આવે એ સાથે જ ઈશાન રડવા લાગતો. એને રડતો જોઈને મંટુ પૂછે, 'કેમ રડે છે?' પણ એની બોલવાની શૈલી એવી કે પેલો વધારે જોરથી રડે. ઈશાન સહેજ સમજણો થયો અને અમે એને સમજાવ્યો કે 'મંટુકાકા કશું ન કરે'. એ હવે આવે તો તું એમની સાથે હાથ મિલાવજે. આથી મંટુ આવે ત્યારે ઈશાન એની સાથે હાથ મિલાવતો થયો. ધીમે ધીમે એને ખ્યાલ આવ્યો કે મંટુકાકા વઢતા નથી, અને મારતા પણ નથી. એટલે પછી ઈશાન આગળ વધ્યો અને મંટુ સાથે હાથ મિલાવે ત્યારે એ મંટુની હથેળી દબાવવાનો પ્રયત્ન કરતો. મંટુ પણ પછી એને વિશિષ્ટ લહેકાથી બોલાવે, અમુક વાર ધમકાવવાના સાદે વાત કરે, પણ એનાથી ઈશાનને વધુ મજા આવતી. અકાળે, અને અકારણ રડતાં બાળકોને છાનાં રાખવા તેની સેવા લેવામાં આવતી, અને મંટુ એ પ્રેમથી તેમજ સફળતાપૂર્વક પૂરી પાડતો.  

એની પર કરવામાં આવતી મજાક એ પોતે પણ માણે અને એમાં સૂર પુરાવે. એનો ભોજનપ્રેમ, અને વિશેષ તો મિઠાઈપ્રેમ અમને સૌને ખબર, સાથે એ પણ ખબર કે એને શ્યુગરની તકલીફ છે. એટલે એ દેખાવ એવો કરે કે જાણે પોતે મિઠાઈને ટાળે છે. પણ કોક તો નીકળે જ કે જે એને આગ્રહ કરે- મંટુ એ આગ્રહને વશ થવાનો જ છે એની ખાતરી સાથે! મિત્રોનાં લગ્ન એક પછી એક થતાં ગયા, એમાં અમારા ભાગે રસોડાનો વહીવટ આવે ત્યારે તૈયાર થયેલી 'પહેલી ધાર'ની રસોઈ ચાખવાની જવાબદારી સર્વાનુમતે મંટુની રહેતી. એ 'ચાખતો' અને બેધડક કહેતો, 'મહારાજ, સહેજ (આ શબ્દ લંબાવીને બોલતો) મીઠું ઓછું લાગે છે'. 

સામાજિક મોભો પ્રાપ્ત કરવામાં એ અમારા સૌમાં પહેલો હોવાથી અમારી અનેક મજાકોનો ભોગ એ બન્યો છે. જેમ કે, એ અરસામાં અમે મિત્રો વિપુલના નારાયણ સોસાયટીમાં આવેલા બંગલે રાત્રે નિયમિતપણે ભેગા થતા. (મંટુ-યત્નાની પહેલી દીકરી) ઉર્મિનો જન્મ થયેલો એ અરસામાં મંટુ ક્યારેક આવે, ક્યારેક ન આવી શકે. પણ આવે ત્યારે કહે, 'કાલે આવવા નીકળતો હતો ને છોકરી (ઉર્મિ) રડી. એટલે પછી (મારાથી) નીકળાયું નહીં.' એ બાપડો સહજ ક્રમમાં આમ બોલે, પણ અમને એ સાંભળીને રમૂજ પડતી. એટલે તુષારે એક દિવસ નક્કી કર્યું કે આજે જાડિયો ન આવે તો આપણે એને કાગળ લખીએ. એ રાત્રે મંટુ અમારી રાત્રિસભામાં ન આવી શક્યો એટલે તુષારે એક ઈન્‍લેન્ડ પત્ર લીધો અને લખવાનું શરૂ કર્યું, 'પ્રિય મંટુ, કાલે રાતે અમે બધા તારે ઘેર આવવાના હતા, પણ અમારા બધાની છોકરીઓ એક સાથે રડવા માંડી, એટલે આવી શક્યા નહીં.' (આ લખાણ શબ્દશ: નહીં, પણ ભાવશ: આવું હતું). પત્રને અમે મહેમદાવાદમાં જ મોકલવાનો હોવા છતાં બાકાયદા પોસ્ટ જ કર્યો. એ સમયે અમારા સૌમાંથી મંટુ એક જ પરણેલો હતો, એટલે આ મજાક એને બરાબર પહોંચી હશે, પણ એણે ન એનો જવાબ આપ્યો કે ન ખરાબ લગાડ્યું. એણે પણ એને માણી. 

એ પછીનાં વરસોમાં દરેક મિત્રનું લગ્ન થતું ગયું, અને તેઓ પોતે પિતા બનતા ગયા એમ 'સંતાનનું રડવું એટલે શું' એનો ફર્સ્ટ હેન્‍ડ અનુભવ મળતો ગયો. મંટુએ ધાર્યું હોત તો પોતાના પર થયેલી મજાકનો નવ ગણો (નવ મિત્રો પર) લઈ શક્યો હોત, પણ એણે એ બાબત યાદ સુદ્ધાં કરાવવાની કોશિશ કરી નથી. 

પત્તાંનો એ જબરો ખેલાડી. ખાસ કરીને જન્માષ્ટમીએ રમે, અને અચૂક મોટી રકમ જીતતો. (વરસોથી એણે ક્ષેત્રસંન્યાસ લઈ લીધો છે‌.) જન્માષ્ટમીના બેએક દિવસ પછી અમારો મિત્ર મુકો (મુકેશ પટેલ) 'જાડીયાનો સ્કોર' બહાર પાડે કે એ આટલા જીત્યો. એ સાથે જ અમે કાર્યક્રમ નક્કી કરવા માંડીએ. કાર્યક્રમ કેવો હોય? સામાન્ય રીતે ફિલ્મ જોવા અમે નડિયાદ જતા, કેમ કે, એ નજીક પડતું, અને અડધા દિવસમાં જઈને આવી જવાતું. તેની સરખામણીએ અમદાવાદ જઈએ તો આખો દિવસ જાય. અમે અમદાવાદ જવાનું નક્કી કરીએ, અને બે ફિલ્મનો કાર્યક્રમ બને. એક ફિલ્મ મંટુ તરફથી, અને બીજી સ્વખર્ચે. સવારથી ગયા હોઈએ એટલે સાથે નાસ્તો કે જમવાનું પણ સામેલ હોય. આખો દિવસ સાથે રખડવાનું અને મઝા કરીને સાંજે કે રાત્રે પાછા આવવાનું. એ સમયના અમદાવાદના ભોમિયા મિત્રો વિપુલ અને પ્રદીપ જમવાનાં કે નાસ્તા માટેનાં ઠેકાણાં ઉપરાંત પગપાળા જઈ શકાય એ રીતે થિયેટરનો રસ્તો જાણતા હોય. 

ટી.વી. જ્યારે સાવ નવીનવાઈનાં હતાં એવે સમયે એને ઘેર ટી.વી. આવેલું. અમે તો જોવા જઈએ જ, પણ એનો આખો રૂમ ભરાઈ જાય એટલા બધા લોકો આવતા. એમાંય ક્રિકેટ મેચ વખતે તો રીતસર પડાપડી થતી. એ રીતે વી.સી.આર. પણ એને ત્યાં આવ્યો ત્યારે એ નવાઈની ચીજ હતી. એ સમયે અમારા પૈકીનો પ્રદીપ અમદાવાદ ભણતો હોવાથી અપ-ડાઉન કરતો. તે ભાડે વિડીયો કેસેટ લઈ આવતો. આ રીતે અમે અનેક ઉત્તમ- ખાસ કરીને ચાર્લી ચેપ્લિનની ઘણી ફિલ્મો મંટુને ત્યાં જોઈ. અલબત્ત, મંટુએ ભાગ્યે જ એમાંની એકે ફિલ્મ આખી જોઈ હશે. એ મોટે ભાગે સૂઈ ગયો હોય. સૂવાની એની આદત જૂની અને જાણીતી. અમે શાળામાં હતા ત્યારે ભેગા થઈને વાંચતા- મોટે ભાગે મારી સામે આવેલા મુકાને ઘેર. એ વખતે અમે સવારે વહેલા જાગતા. પણ મંટુ 'બસ, પાંચ જ મિનીટ!' કહીને એક્સટેન્‍શન માંગતો અને એની એ પાંચ મિનીટ અડધો કલાક સુધી લંબાતી. વરસો પછી મોબાઈલ ફોનમાં એલાર્મ માટે 'સ્નૂઝ'ની સુવિધા જોઈને મને લાગેલું કે મંટુ જેવાની 'બસ, પાંચ જ મિનીટ!'ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કોઈકે એની શોધ કરી હશે. 

મંટુની બન્ને દીકરીઓ ઉર્મિ (પાર્થ સાથે) અને જૈનાના (શાલિન સાથે) વડોદરા ખાતે યોજાયેલા લગ્નપ્રસંગોએ મને વિશેષ જવાબદારી સોંપાયેલી. એ હતી લગ્ન માટે ચાંલ્લો લખવાની. મારી 'નાણાંકીય આવડત' વિશે જાણનારાઓને આનાથી નવાઈ લાગે, પણ હું મહેમદાવાદનો, અને વળી (ભૂતપૂર્વ) આઈ.પી.સી.એલ.વાળો હોવાને કારણે મંટુના મનમાં આ ભૂમિકા સ્પષ્ટ હતી. 

નીલના રિસેપ્શન વખતે મંટુ 

અત્યારે પાછું વાળીને જોતાં અહેસાસ થાય છે કે ઓહોહો! અમારી મૈત્રી સાડા ચાર- પાંચ દાયકા જેટલી જૂની થઈ ગઈ, છતાં અહીં લખેલી અને યાદ હોવા છતાં ન લખેલી અનેક વાતો જાણે કે ગઈ કાલે જ બની હોય એટલી તાજી છે. હવે તો તેની બન્ને દીકરીઓ પરણીને પોતપોતાના સંસારમાં સ્થાયી છે. તેઓ અમારા સૌની મૈત્રીને સમજી શકે એટલી સમજદાર છે. કોવિડ દરમિયાન પહેલું લૉકડાઉન આવ્યું ત્યારે ઉર્મિએ અને (વિપુલના દીકરા) નીલે ખાસ આગ્રહ કરેલો કે મારે અમારી મૈત્રીની વાતો સાવ આરંભથી કરવી. તેમની આ અંગેની ગંભીરતા અને આગ્રહની સચ્ચાઈ જાણ્યા પછી રોજેરોજ એ હું ઑડિયો રેકોર્ડ કરીને અમારા વૉટ્સેપ ગૃપમાં મૂકતો. તેઓ એ રસપૂર્વક સાંભળતાં, યોગ્ય પ્રતિભાવ આપતા, અને પૂછવા જેવું લાગે તો કશું પૂછતાં પણ ખરા! એ નિમિત્તે અમારી દોસ્તીનાં અનેક પ્રકરણોને તાજાં કરવાનો રોમાંચ અનોખો હતો, સાથે જ આટલા વરસોની દોસ્તીને અમારાં સંતાનોના દૃષ્ટિકોણથી સમજવાની તક પણ હતી.

સમય કેટલો ઝડપથી વહી જાય છે! મંટુના ખર્ચે અમે જોયેલી 'યે વાદા રહા' અને એ જ દિવસે સ્વખર્ચે જોયેલી (જેમ્સ બોન્‍ડની ફિલ્મ) 'The spy who loved me' જાણે કે ગઈ કાલની જ વાત હોય એટલી તાજી છે, અને હવે આ મહિનાની આખર તારીખે, લગભગ 39 વરસના દીર્ઘ કાળ પછી, મંટુ આઈ.પી.સી.એલ.ની નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે. એ રીતે તે જીવનની નવી ઈનિંગ્સનો આરંભ કરશે. અમને ખાત્રી છે કે તેની નવી ઈનિંગ્સ પણ આવી જ ખેલદિલ, હસમુખ, અને મૈત્રીપૂર્ણ બની રહેશે. જન્મદિવસની શુભેચ્છાઓની સાથોસાથ આ નવી ઈનિંગ્સની પણ મંટુને શુભેચ્છાઓ.

બૃહદ આઈ.વાય.સી. પરિવાર- નીલના લગ્ન વેળાનાં સુખદ સ્મરણો:  
(પાછળની હરોળ: ડાબેથી): બિનીત મોદી, જય પરીખ, અજય પરીખ, 
કવન શાહ, ઉર્મિ શાહ, ઉર્વીશ કોઠારી, ફાલ્ગુની શાહ, ડૉ. પિયૂષ શાહ, 
યત્ના શાહ, ભાવશ્રી શાહ અને રશ્મિકા પરીખ
(આગળની હરોળ: ડાબેથી) મનીષ શાહ, ઈશાન કોઠારી, આસ્થા 
કોઠારી, સોનલ કોઠારી, પૈલેશ શાહ અને ગીતા પટેલ 

(તસવીરો: વિપુલ રાવલના સૌજન્યથી) 

Monday, July 11, 2022

માટીની મમતા

1991ના અરસામાં વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સના પ્રથમ વર્ષની પેઈન્ટિંગની શાખામાં મેં પ્રવેશ લીધેલો. તેમાં વૈકલ્પિક વિષય તરીકે 'પૉટરી' રાખેલો. બધું મળીને અમે આઠ-દસ છોકરા-છોકરીઓ. આ વિભાગનાં વડાં જ્યોત્સ્નાબેન ભટ્ટ. હસમુખાં જ્યોત્સ્નાબેને પહેલાં પોતાનો પરિચય આપ્યો અને એ પછી 'પૉટરી' વિષે સમજાવવાનું શરૂ કર્યું. એક મોટા ટેબલની ફરતે સૌ સ્ટૂલ પર ગોઠવાયેલાં. એ વખતે બે છોકરીઓ ત્યાં પડેલી ભીની માટીની લુગદીમાંથી માટીની નાની નાની ગોળીઓ બનાવીને સામસામી એકબીજીને મારતી હતી. એ જોઈને હસમુખાં દેખાતાં જ્યોત્સ્ના મેડમ બગડ્યાં અને કડક અવાજે બેયને કહ્યું: 'રિસ્પેક્ટ ધ મિડીયમ યુ વર્ક ઈન.' જે માધ્યમમાં પોતે કામ કરી રહ્યા છે એ માધ્યમનું સન્માન જાળવવાની વાત તેમણે જે કડકાઈથી કહી એ પછી ફરી કોઈએ માટી સાથે રમત કરવાની હિંમત ન કરી.

વરસાદની મોસમ હોય એટલે જ્યોત્સ્નામેડમ કહે, 'ભજીયાં કોણ લઈ આવશે?' એક વાર મારી પાસે સ્કૂટર હોવાથી મેં હાથ ઉંચો કર્યો કે તરત જ મારા હાથમાં પૈસા પકડાવી દીધા. અમે બેએક જણ ચાલુ વર્ગે બહાર નીકળ્યા અને ભજીયાં લઈ આવ્યાં, જે સહુએ ભેગા મળીને ઝાપટ્યાં. તેમનો ભજીયાંપ્રેમ પણ માટીપ્રેમ જેવો જ!
એ પછી સંજોગોવશાત મારે આ અભ્યાસ અધૂરો મૂકવાનો આવ્યો, પણ જ્યોત્સ્નાબેનની આ છબિ મનમાં રહી ગયેલી. મારા સંજોગો બદલાયા. મેં લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો. એ પછી ફેબ્રુઆરી, 2009માં 'અહા!જિંદગી' (સંપાદક: દીપક સોલિયા) ની 'ગુર્જરરત્ન' કૉલમ માટે જ્યોતિભાઈને મળવાનું બન્યું. એ વખતે જ્યોત્સ્નાબેન ઘેર ન હતાં, તેથી મુલાકાત થઈ ન શકી. તેમની સાથે મુલાકાતનો યોગ આવ્યો છેક જુલાઈ, 2011માં. તેમની વય ત્યારે 71 વર્ષની. તેમના સ્ટુડિયોમાં મુલાકાત લીધી અને તેમને 'વ્હીલ' પર કામ કરતાં પણ જોયાં. એકદમ થકવી નાખે એવું કામ, છતાં તેમનો તરવરાટ એવો જ હતો. સ્વાભાવિકપણે જ તેમના મનમાં વિદ્યાર્થી તરીકે હું નોંધાયો નહોતો. પણ એ મુલાકાત પછી જાણે કે એક નવા પરિચયનો આરંભ થયો. યોગાનુયોગ એવો બન્યો કે તેમની મુલાકાત ઑગષ્ટ, 2011ના અંકમાં પ્રકાશિત થઈ એ અંક 'અહા! જિંદગી'નો છેલ્લો અંક બની રહ્યો. ('ગુર્જરરત્ન' પુસ્તકમાં એ લેખ સમાવાયો છે.)
જ્યોત્સ્નાબેનને દેશના ઉત્તમ કહી શકાય એવાં સીરામીસ્ટોમાંના એક કહી શકાય. સીરામિક વર્કમાં તેમનું મનગમતું સ્વરૂપ એટલે બિલાડી.




તેમની અને જ્યોતિભાઈની કલ્પના એકમેક વિના થઈ જ ન શકે. જ્યોતિભાઈને આંખની તકલીફ દિનબદિન વધતી રહી હોવા છતાં તે નાગરિકલક્ષી બાબતો માટે ખૂબ ઉત્સાહી. ઈ-મેલ દ્વારા સતત કશુંક મોકલતા રહે. જોવાલાયક ફિલ્મોની લીન્ક પણ મોકલે. જ્યોત્સ્નાબેન ઈ-મેલ ન વાપરે, પણ ટેક્સ્ટ મેસેજનો ભરપૂર ઉપયોગ કરે.
11 જુલાઈ, 2020ના રોજ તેમનું અચાનક અવસાન તેમના અનેક પરિચીતો માટે આંચકા સમાન હતું.
'માટી' પ્રત્યે અપાર મમતા ધરાવનાર આ ઉત્તમ કલાકાર, એવાં જ સહૃદયી વ્યક્તિને શ્રદ્ધાંજલિ.


જ્યોત્સ્નાબહેનના પ્રિય કલાસ્વરૂપ એવા બિલાડીને ધ્યાનમાં રાખીને કામિનીએ તેમને અંજલિરૂપે આ પર્ણરંગોળી તૈયાર કરી હતી.





Wednesday, July 6, 2022

પાદરી અને સોનાનું ચર્ચ

 એક એક વ્યક્તિ એટલે એક અલાયદું જગત. ફિલ્મ 'મેકેનાઝ ગોલ્ડ'માં 'ગોલ્ડ રશ'નું ચિત્રણ હતું. ચોર, ઉચક્કા, અમીર, ગરીબથી લઈને પાદરીઓ પણ સોનું મફતીયા મળવાની લાલચે ઊમટી પડ્યા હતા. એક પાદરીને પૂછવામાં આવે છે, 'તમારે સોનાની શી જરૂર?' પાદરી કહે છે, 'હું સોનેમઢ્યું ચર્ચ બનાવીશ. એમાં સોનાનું આમ હશે ને સોનાનું તેમ હશે.' આ વાત સ્મૃતિના આધારે લખું છું, પણ મૂળ વાત એ કે દરેક વ્યક્તિની એક આગવી સૃષ્ટિ હોય છે. અને આવી સૃષ્ટિઓનાં અનુસંધાનો સધાય ત્યારે જે મઝા આવે એની વાત જ નોખી છે.

અમદાવાદસ્થિત ચંદ્રશેખર વૈદ્યને ઉંમરની રીતે મિત્રમાં ન ગણાવી શકાય, પણ એ સિવાયની તમામ બાબતોમાં તેઓ એક સહૃદયી મિત્ર. અમારો પરિચય સાવ નવોસવો હતો. 'ગ્રામોફોન ક્લબ'ને કારણે તેમનો પહેલો પરિચય ઉર્વીશને થયેલો. પણ પછી રાબેતા મુજબ તેઓ પારિવારીક મિત્ર બની ગયેલા. ક્યારેક સાંજે મહેમદાવાદ આવી ચડે, રેકોર્ડ પ્લેયર પર એક પછી એક રેકોર્ડ ચડતી જાય, અને હીંચકો, સોફા વગેરે હોવા છતાં, ધરાર ભોંય પર પલાંઠી વાળીને જ એને માણવાનો ઊપક્રમ ચાલે. સવાર પડે ત્યારે તેઓ અમદાવાદ રવાના થઈ જાય.

આવી બેઠકોમાં મારે હાજર રહેવાનું બન્યું નથી, કેમ કે, મારી નોકરીને કારણે હું વડોદરા આવનજાવન કરતો. પણ મહેફિલ પત્યા પછી તેમાં પડેલા જલસાની વાતો સતત ચાલ્યા કરતી. અમારા કૌટુંબિક વડીલ કનુકાકા પણ ત્યારે તો હયાત હતા. તેમની એક ખાસિયત હતી કે તેઓ બારણામાં પ્રવેશે એટલે નીચેથી જ કોઈકના (મોટે ભાગે ઉર્વીશના કે મારા) નામની બૂમ પાડે. એ પછી જ તેઓ દાદરો ચડે. ચંદ્રશેખરભાઈ એક વાર આવવાના હતા એ વાતની કનુકાકાને જાણ હતી. એટલે એ દિવસે તેમણે નીચેથી જ 'ચંદ્રશેખરભાઆઆઆઆઈ' કહીને બૂમ પાડી. ચંદ્રશેખરભાઈ આ સાંભળીને ચોંક્યા હશે. પણ પછી ઉપર આવીને કનુકાકાએ તેમની સાથે જે વાતો કરી તેનાથી તેઓ કનુકાકાના પ્રેમી બની ગયા. કહે, 'યાર, કાકાએ જે પ્રેમથી બૂમ પાડી....આહાહાહા....ઓડકાર આવી ગયો!'
આ અરસામા જ મારી દીકરી શચિનો જન્મ થયેલો. પછી અમે વડોદરા રહેવા આવતા રહ્યા. પણ શચિનો એક ફોટો મહેમદાવાદના ઘરમાં એન્લાર્જ કરાવીને રાખેલો. એક મુલાકાત દરમિયાન ચંદ્રશેખરભાઈએ એ ફોટો જોયો અને પૂછ્યું, 'આ બાબો કોણ?' ઉર્વીશે તેનો પરિચય આપ્યો. તેમણે કશુંક મનમાં વિચારી લીધું હશે. એક સંગીતપ્રેમી મિત્રને મનમાં કેવા વિચાર આવે? પાદરીને સોનાનું ચર્ચ બનાવવાના આવે એવા જ તો!
ચંદ્રશેખરભાઈને આવેલા વિચારનો તેમણે કરેલો અમલ એટલે અહીં મૂકેલું કેસેટનું ઈન્લે કાર્ડ. 78 આર.પી.એમ.ની રેકર્ડમાંથી બાળગીતોનું સંકલન કરીને તેમણે એની કેસેટ બનાવી. અને શચિને ભેટ તરીકે મોકલી. તારીખ તેમણે જ લખેલી છે: 3-12-98.


કેસેટનું ઈન્‍લે કાર્ડ 

1946ની જાહેરખબર 

કદાચ હજી તેમના મનમાં મારી નોંધણી ખાસ નહીં થઈ હોય, તેથી કેસેટ પર શચિનું અને તેના 'વાલી' ઉર્વીશનું જ નામ છે. (પછી મારું નામ તેમના મનમાં એવું નોંધાયું કે 'સાગર મુવીટોન' જેવા ઐતિહાસિક પુસ્તક માટે તેઓ નિમિત્ત બની રહ્યા.)
આ આખી વાત યાદ આવવાનું કારણ? પાદરીનું સોનાનું ચર્ચ જ સમજો ને! મારી આદત મુજબ હું જાતજાતનાં જૂનાં ચોપાનિયાં ફંફોસતો રહેતો હોઉં. એ દરમિયાન 'નૂતન બાલશિક્ષણ સંઘ' સંચાલિત સામયિક 'શિક્ષણપત્રિકા'ના ડિસેમ્બર, 1946ના અંકમાં અચાનક આ રેકર્ડની જાહેરખબર જોવા મળી. ચંદ્રશેખરભાઈએ આપેલી કેસેટમાંનાં ઘણાં ગીતો તેમાં જોયાં, એટલે કેસેટ સાથે સરખાવી જોયાં.
ચંદ્રશેખરભાઈ અને ગુરુ રજનીકુમાર પંડ્યાનો જન્મદિન એક જ દિવસે 6 જુલાઈએ આવે છે. એટલે યાદ રાખવાની ઝંઝટ નથી. પણ આવા મિત્રોને શુભેચ્છા માટે કદી જન્મદિનની જરૂર નથી હોતી.

****
તેમના જ શબ્દોમાં એ પ્રસ્તુત છે;
Biren Kothari
 - Urvish Kothari - Kamini Kothari - Sonal Kothari - વાત જાણે એમ બની હતી -કે- દિવાળીના તહેવારમાં મને ભાઈ ઉર્વીશ તરફથી દિપાવલીની શુભકામનાનું હાથે લખેલુ પોસ્ટ કાર્ડ મલ્યું હતુંં ,જેમાં નાનકડી ( એ સમયે ) શચીએ ચોક કલરથી એને આવડયું હશે તેવું ચિત્ર દોર્યું હતું. મારે મન આ જ નવાઈ હતી , ઉર્વીશના હસ્તાક્ષરની નવાઈ ન જ હોય ..બજારૂ કાર્ડ અને હાથે દોરેલા કાર્ડનો આ તો ફર્ક હતો . તેથી મને પણ સામો વ્યવહાર કરવાની ' ચળ ' ઉપડી ..મારી પાસે કેટલીક ૭૮ આર . પી . એમ . ની ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ હતી તેને કેસેટમાં 'ડબ ' કરાવી ઉર્વીશને મોકલી આપી . મને તો જાણ હતી જ શચીને ગમશે, પણ આખાયે લુહારવાડમાં વસતા કોઠારીઓને પણ ગમશે . હું પણ તેમના જ જેવો અતીતરંગી હતો ...મને કાર્ડ ઉર્વીશ અને શચી તરફથી મલ્યું હતું એટલે જ કેસેટમાં એમનાં નામનો ઉલ્લેખ. બાકી ' મોટા 'ને અને કામિનીને અમારા ગ્રામોફોન કલબનાં નૌશાદ સાહેબ અને અનિલ બિસ્વાસનાં કાર્યક્રમોમાં મલ્યો હતો ચી. સોનલને તો કદાચ નલીન શાહ અને સ્વ. અરવિન્દ ભાઈ દેસાઈ સાથે મહેમદાવાદ આવ્યો ત્યારે મલ્યો હોઈશ ..સ્વ . કનુકાકા , સ્વ . અનિલભાઈ કોઠારી અને સ્મિતા બહેનનો પ્રેમ મને સદા મલતો રહ્યો ..