Showing posts with label સુનિતા ગામીત. Show all posts
Showing posts with label સુનિતા ગામીત. Show all posts

Saturday, March 31, 2018

ખુવાર થવાનો રાજમાર્ગઃ હીક્


(ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતા ગામીતે પોતાના લોકો અને પોતાના વિસ્તાર વિશે, તેમના સ્વચ્છતાના અભિગમ વિશે  અહીં લખ્યું હતું. આ વખતે તેણે પોતાના વિસ્તારના એક અતિ ગંભીર પ્રશ્નની વાત કરી છે.) 

- સુનિતા ગામીત

આદિવાસી સમાજનો દારૂ સાથે પહેલેથી જ નાતો જોવા મળે છે. ગામીત જાતિના કુળદેવી દેવમોગરા માતાને દારૂ ચઢાવવાની વર્ષો જૂની પ્રથા છે, જે આજે પણ ચાલુ જ છે. પરંતુ દારૂ ચઢાવવાની વ્યવસ્થા અલગ હોય છે. ચઢાવાનો દારૂ મૂર્તિ પાસે નહિ, પરંતુ નિશ્ચિત કરેલા સ્થળે જ ચઢાવવાનો રિવાજ છે. આદિવાસી સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની સાથે સાથે વિદેશી દારૂનો પ્રસાર પણ બહોળા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક એવી માન્યતા પણ પ્રવર્તે છે કે વ્યસન કરવાથી કોઇ નુકસાન થતું નથી. પેઢી દર પેઢીથી વ્યસન ચાલ્યું આવે છે. બાપદાદાઓ વ્યસન કરતા હતા અને અમે પણ કરીએ છીએ ને તોય હજુ જીવીએ છીએ.
દેશી દારૂ બનાવવાની પરંપરાગત પ્રક્રિયામાં મહુડાનાંં ફુલની સાથે દેશી ગોળ ઉમેરવામાં આવતો. આ પ્રકારનો મહુડાનો દારૂ પીવાથી પીનારને નુકસાન થવાની સંભાવના ઓછી રહેતી. મહુડાનાંં ફુલના ગુણ ઘણા છે. આ ફુલને કાચા ખવાય, શેકીને ખવાય, મહુડાના ફુલનો લાડુ પણ બને. પરંતુ  તેના ગુણોને બદલે મહુડાના 'પહેલી ધાર' ના દારૂનો આસ્વાદ લેવાનું ચલણ વધુ છે.  હાલમાં દેશી દારૂની ભઠ્ઠીઓમાં મહુડાનાંં  ફુલ તેમજ ગોળ ઉપરાંત પીનારને 'કીક' આવે તે માટે સલ્ફેટ ખાતર, ખેરની છાલ, સાદડાની છાલ, ખાખરાની છાલ, ચિલરની છાલ વગેરે ઉમેરવામાં આવે છે. જરૂર પડે તો નશીલા પાવડરનો પણ ઉપયોગ થાય છે. આ બધા કારણોસર પીનારમાં લીવરની બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. અમારા વિસ્તારના નશો કરતા પુરૂષોને આંતરડામાં સોજા ચઢવાની બીમારી પણ ઘણી જોવા મળે છે.
મહુડાનાં ફળો  (*)
આદિવાસી સમાજમાં વ્યસનનું પ્રમાણ પુરૂષોમાં વધુ અને સ્ત્રીઓમાં સૌથી ઓછું જોવા મળે છે. સ્ત્રીઓમાં બીડી કે તપકીરનું પ્રમાણ પહેલા કરતા ઓછું જોવા મળે છે. ગરીબી અને દારૂ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સામાન્યતઃ ગરીબ આદિવાસીઓ આખો દિવસ કઠોર પરિશ્રમ કરીને સાંજ પડતાંં ઘેર આવે ત્યારે ખૂબ થાક અનુભવતા હોય છે. તેમની માન્યતા એવી છે કે આખા દિવસનો થાક દૂર કરવા સાંજે દારૂ પીવો જ પડે. દારૂ પીધા પછી નશીલી અવસ્થામાં તેઓ થાક અનુભવતા નથી અને નિરાંતે ઉંઘી શકે છે. કેટલાક દારૂના વ્યસનીઓને પૂછતાં એમ જાણવા મળ્યું કે તેઓ રોજ દારૂ ન પીવે તો તેમને શરીરમાં ધ્રુજારી અનુભવાય છે, દારૂ પીધા વિના તેઓને કોઇ જ કામ કરવાની ઇચ્છા થતી નથી. એ લોકોને સતત દારૂ પીવાની તલપ લાગી હોય છે.
દારૂનું સેવન કરવાથી સોનગઢ વિસ્તારમાં ફક્ત ૪૦ વર્ષના ઘણા પુરૂષોની હાલત એવી ગંભીર બની ગઇ છે કે કોઇ પણ કાર્ય કરતાંં તેના હાથ ધ્રુજવા લાગે છે. તેઓ શરીરનું બેલેન્સ પણ જાળવી શકતા નથી. આદિવાસી વિસ્તારોમાં દારૂનું વ્યસન ગંભીર સમસ્યા બની ગઇ છે. ઘણા યુવાનો દારૂ પીને ડ્રાઇવિંગ કરતાં અકસ્માત કરીને મોતને ભેટ્યા છે, અપંગ બન્યા છે. ઘણાં કુટુંબોએ પિતા, પુત્ર, ભાઇ કે પતિ ગુમાવ્યો છે. ક્યારેક નશાની હાલતમાં સુરત, ઉધના જેવા શહેરમાં કામ પર જતી વખતે ચાલુ ટ્રેનમાં ચઢતાંં, ઉતરતાંં અથવા દરવાજા પર લટકીને જતી વખતે યોગ્ય બેલેન્સ ન જાળવી શકતાંં મોતને ભેટતા હોય છે. તો ક્યારેક ગંભીર શારીરિક ઇજા થતા સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાય છે.
ઘરમાં પિતા વ્યસન કરીને ઘરમાં, પાડોશી સાથે કે અજાણી વ્યક્તિઓ સાથે ઝગડો કરે છે ત્યારે સૌથી વધુ શરમ તેમના બાળકો અનુભવે છે. દારૂડિયાઓનાંં બાળકોને શાળામાં તેમજ ગામમાં તેમના પિતાના વ્યસન અંગે વારેવારે અહેસાસ કરાવવામાં આવે છે જેને કારણે તે બાળકો એકલતા અનુભવે છે અને અંદરોઅંદર મુંઝાય છે. આ પરિસ્થિતિને કારણે આવા બાળકો પર લાંબા ગાળા સુધી માનસિક અસર રહે છે.

પહેલી ધારનો.... (**)
દારૂની બદી ફેલાઇ છે તેનું એક કારણ ખોટું મિત્રવર્તુળ પણ છે. એવું જોવા મળ્યું છે કે કુટુંબમાં કોઇ વ્યસન ન કરતું હોય, પરંતુ મિત્રવર્તુળને કારણે દારૂ પીવાનો વારંવાર આગ્રહ કરવામાં આવે. આ રીતે ઘરની બહાર મિત્રો સાથે છુપી રીતે શોખ ખાતર દારૂ પીવાની ટેવ ધીમે ધીમે કાયમી વ્યસનમાં પરિવર્તિત થાય છે.
આદિવાસી વિસ્તારોના ગામોમાં ચારથી પાંચ દારૂની ભઠ્ઠીઓ જોવા મળે છે. તે ઉપરાંત ત્રણથી ચાર સ્થળોએ વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે. વિદેશી દારૂના ફેલાવાનું મોટું કારણ એ છે કે સોનગઢને અડીને જ મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી પરમીટવાળી દુકાનોમાંથી છાપેલા ભાવે આસાનીથી જોઇતી બ્રાન્ડ મળી રહે છે. કેટલાક કુટુંબોમાં તો સવારથી જ ચાને બદલે દારૂ પીવાનો શરૂ થઇ જાય છે. સવારથી જ નશો કરીને કેટલાક લોકો ખેતીકામ કરવાને બદલે ઘરની બહાર કે ખેતરે જઇને આરામ કરતા હોય કે રસ્તાની બાજુમાં ખુલ્લેઆમ પડી રહેતા હોય છે. આદિવાસી વિસ્તારોમાં દારૂની બદી એટલી બધી ફેલાઇ છે કે દારૂ ખરીદવા માટે જરૂર પડે તો ઘેરથી રુપિયા ચોરી કરે, રુપિયા માટે પત્ની સાથે ઝગડો કરીને તેને માનસિક-શારીરિક ત્રાસ આપે અથવા તો ઘરનાની જાણ બહાર પત્નીના ઘરેણાં પણ વેચી નાખે. ઉધારમાં સતત દારૂ પીવામાં દેવુ વધી જાય તો ઘરનાને જાણ કર્યા સિવાય પોતાની જમીન પણ વેચી નાખે. આ બધી વાતનો ફાયદો ગામમાં રહેલા શાહુકારો ઉઠાવે છે અને સાવ ઓછા ભાવે આદિવાસીની જમીનો પડાવી લે છે. મોટા ભાગના આદિવાસીઓ પાસે પોતાની જમીન હોવા છતાં તેમાં વૈજ્ઞાનિક ઢબે વધુ પાક લેવાના પ્રયત્નો કરવાને બદલે દારૂ પાછળ રુપિયા ખર્ચે છે.

એ જાણીને નવાઇ લાગશે કે ખેતરમાં કામ કરવા માટે મજૂરની જરૂરિયાત હોય તો દારૂની ભઠ્ઠીવાળાને કહેવડાવવું પડે છે કે ફલાણા ભાઇને ત્યાં ખેતમજૂરીનું કામ છે તે માટે આટલા-તેટલા મજૂરો જોઇએ છે. કહેવાનો મતલબ એ છે કે મજૂરભાઇઓને સવાર સવારમાં દારૂની ભઠ્ઠી પર શોધવા જાવ તો તેઓ ત્યાં જ  મળી જાય, ઘેર નહીં.

આખા દિવસની તનતોડ મજૂરી કર્યા પછી ફક્ત રૂ.100 થી 120 મળે. તેમાંથી સવાર-સાંજના રૂ.20-20 દારૂની પોટલી પાછળ વેડફવામાં આવે એટલે તેઓ ક્યારેય બચત કરી શકે નહિ અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ક્યારેય બદલાય નહિ.

ઘેર ઘેર ફેલાયેલી દારૂની બદીથી કંટાળીને ગામની મહિલાઓએ દારૂના વ્યસન વિરોધી ઝુંબેશ ઉઠાવી હતી પરંતુ ગામના પુરૂષો તેમ જ શિક્ષિત યુવાનોએ તેમાં કોઇ જ સાથ ન આપ્યો એટલે કશો ફેર ન પડ્યો. મારા જાણવા મુજબ સતત દારૂ પીવાને કારણે દર વર્ષે ગામમાં 4 થી 6 પુરૂષો મૃત્યુ પામે છે. અમારા આદિવાસી સમાજમાં છૂટાછેડા, ત્યક્તા અને વિધવાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે આદિવાસી સમાજમાં વિધવાવિવાહ પહેલેથી જ માન્ય છે. તેથી સ્ત્રી પતિની હયાતીમાં કે મૃત્યુ પછી બીજા લગ્ન પોતાની મરજી મુજબ કરી શકે છે.
આજે સોનગઢ વિસ્તારના મોટાભાગના યુવાનો આ વ્યસનને રવાડે ચઢી ગયા છે. શિક્ષણ લેવાની ઉંમરે વ્યસન કરતા થઇ ગયા છે. ધાર્મિક તહેવારો ઉપરાંત લગ્નપ્રસંગે પણ આજના યુવાનો દારૂને 'ફેશન' તરીકે અનિવાર્ય ગણે છે. લગ્ન પ્રસંગોમાં તો દારૂની રેલમછેલ હોય છે. વર્ષગાંઠ જેવી પાર્ટીઓમાં પણ દારૂ પીવાનું મહત્વ ખૂબ વધી ગયું છે. ઘરમાં કે કુટુંબમાં કોઇ કારણે બોલાચાલી થાય તો યુવાનો એ ઘટનાને ભૂલવા માટે દારૂનો સહારો લેતા થઈ જાય છે, જે બહુ ઝડપથી વ્યસનમાં પરિણમે છે. દારૂની સાથે સાથે જ સિગરેટ અને ગુટખાએ પણ યુવાનો પર કબજો કર્યો છે. ચૂંટણી વખતે તો દરેક ગામોમાં દારૂની રેલમછેલ જોવા મળે છે જેને કોઇ જ અટકાવી શકતું નથી.
આદિવાસી વિસ્તારોમાં જે લોકો શિક્ષિત બન્યા છે તેમનામાં સામાન્યપણે દારૂ પીવાની બદી જોવા મળતી નથી. પરંતુ હજુ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં નથી આવતા. તેઓ મુશ્કેલીથી પ્રાથમિક શિક્ષણ પુરૂં કરી શકે છે. ત્યારબાદ આ બાળકોને મા-બાપ સાથે મજૂરીકામમાં જોડવામાં આવે છે. ઘરમાં મા-બાપ દ્વારા જ દારૂ, સિગરેટ, બીડી, ગુટખા, તમાકુનું સેવન થતું જોઇને બાળકો પણ ચોરીછુપીથી એના રવાડે ચઢે છે અને ધીમે ધીમે તેની આદત પડી જાય છે.
આદિવાસી સમાજમાં વધતા જતા વ્યસનના પ્રમાણમાં ઘટાડો થવો જરૂરી છે. કારણ કે યુવાપેઢી જો આવા ખોટા રવાડે ચઢી જશે તો કુટુંબ, સમાજ કે ગામની પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકાય નહિ. તંદુરસ્ત આદિવાસી કુટુંબ કે સમાજનું સપનું સાકાર કરી શકાય નહિ. દારૂના વ્યસનને કારણે આદિવાસી સમાજમાં બે પ્રકારની અસરો જોવા મળે છે.

લાંબા ગાળાની અસરોની વાત કરીએ તો વારંવાર દારૂનું સેવન કરવાથી લીવરની બીમારી શરૂ થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે એટલે અન્ય રોગના આક્રમણની શક્યતા વધતી જાય છે. ગુટખા, બીડી, સિગરેટના સેવનથી કેન્સર તથા હૃદયરોગની બીમારીઓ જોવા મળે છે. ઉપરાંત ક્ષયરોગ પણ જોવા મળે છે જેનો ચેપ ઘરના બીજા સભ્યોને લાગે છે. દારૂને કારણે પીનારના આરોગ્ય પર ગંભીર અસરો પડે છે જેને કારણે આયુષ્ય ટૂંકાય છે.
ટૂંકા ગાળાની અસરોની વાત કરીએ તો દારૂ પીનાર વ્યક્તિ સભાનતા ગુમાવે છે. ખાસ કરીને તેના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે. રોજના નિયત સમયે દારૂ ન મળે તો તેના શરીરમાં નબળાઇ આવી જાય છે. દારૂ ન મળે ત્યારે વ્યક્તિને કામમાં રૂચિ ન લાગે, તેનું શરીર દુઃખે, માથું દુઃખે તેવી ફરિયાદો કરે છે.
Related image
મહેનતની કમાણી, દારૂમાં સમાણી (***) 
સમાજમાં પરિવારો વિખરાવાનું કારણ પણ દારૂ જ છે. પુરૂષો દારૂ પીને વારંવાર ઘરમાં ઝગડા કરે છે, વગર કારણે ઘરના જ બાળકોને ગાળો આપે છે જેને કારણે કુટુંબના બીજા સભ્યો અને પાડોશીઓ હેરાન થાય છે. કેટલાક પરિવારમાં આવા વાતાવરણથી કંટાળીને બાળકો નાની વયે જ ઘરેથી ભાગીને શહેરમાં મજૂરી કરવા નીકળી જતા હોય છે અને ભણતર છોડી દેતા હોય છે. ક્યારેક તો એવું બને છે કે મજૂરી કરીને કમાયેલા રુપિયા વ્યસનોમાં જ ઉડાવી દેવામાં આવે છે એને કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ હંમેશા નબળી જ રહે છે. દારૂની કુટેવને કારણે બાળકોને ભણાવી શકતા નથી તેમ જ આખું જીવન દેવામાં જ ગુજરે છે. અમુક કિસ્સાઓમાં તો વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી દેવુંં ચૂકવી શકાતું નથી. પતિના મૃત્યુ પછી તેની વિધવા અને બાળકો દેવાનો ભોગ બને છે. આ બધાને કારણે કુટુંબો વિખરાતા જાય છે.
વિધિની વક્રતા એ છે કે દર વર્ષે ફેબ્રુઆરીથી શરૂ કરીને વરસાદ ન આવે ત્યાં સુધી પાણીની ભયંકર તંગી સર્જાય છે. પરંતુ દારૂની નદીઓ બારે માસ વહે છે!
મારા મતે દારૂની બદી દૂર કરવાની નૈતિક જવાબદારી ગામલોકોની જ છે. હાલમાં ફેલાયેલી દારૂની બદી દૂર કરવા માટે સહુએ સાથે મળીને લાંબા ગાળાની વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી પડે. આ માટે તમામ સંગઠનોએ એક બનીને ગામડાઓમાં આવીને વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી અનિવાર્ય છે.
શહેરી અને ગ્રામીણ વચ્ચેનો ભેદ દારૂ પીવાની બાબતે પણ જોવા મળે છે. શહેરી સમાજના સુધરેલા લોકો વિદેશી દારૂ પીવે તેને 'ડ્રિંક્સ લીધું' એમ કહીને ફેશનમાં ખપાવાય, જ્યારે ગામડાના લોકો કઠોર પરિશ્રમ પછી ગરીબીનો કાયમી થાક ભૂલવા દેશી દારૂ પીવે તો 'પોટલી પીધી' કે 'દારૂડિયા' કહીને તેઓને ઉતારી પાડવામાં આવે. દારૂ પીનાર દરેક વ્યક્તિ --  ભલે ને પછી તે શહેરી હોય કે ગ્રામીણ -- દારૂડિયો જ છે. નવો તંદુરસ્ત સમાજ રચવા દારૂની બદીમાંથી કોઇ પણ હિસાબે બહાર નીકળવું જ પડે. વ્યસનમુક્તિની ઝુંબેશ સામુહિક રીતે શરૂ કરવી પડે અને અટક્યા વિના લાંબા સમય સુધી ચલાવવી પડે.
આ લેખ લખતી વખતે એવો પણ પ્રશ્ન થાય છે કે આ બદી દૂર કરવાનો ઉકેલ શો? એક સમાજશાસ્ત્રી તરીકે મને લાગે છે કે દારુના દૂષણમાંથી સમાજને બહાર કાઢવો હોય તો ગામડાઓની મહિલાઓએ સાથે મળીને પહેલ કરવી પડે. સૌએ પહેલ પોતાના ઘેરથી જ કરવી પડે. તેમાં એકલદોકલ પહોંચી ન વળાય એવી શક્યતા ખરી. એ સંજોગોમાં સંગઠન મદદરૂપ થઈ શકે. હિંમતભેર પુરુષોની સામે પડીને ઝુંબેશ ચલાવવી પડે અને તેમને સમજાવવું પડે કે આ તેમના જ હિતમાં છે. આ માટે ગામેગામ ફેલાયેલાં સખીમંડળોની બહેનો પોતાના સંગઠનનો સુપેરે ઉપયોગ કરી શકે, ગામની અને આસપાસનાંં ગામોની બીજી મહિલાઓને સમજાવી શકે, જાગૃતિ ફેલાવી શકે. હું પોતે આદિવાસી હોવાના નાતે મહિલા સંગઠનોમાં દારુના વ્યસનને દૂર કરવા અંગે જાગરૂકતા ફેલાવવાની કોશિશ કરતી રહું છું અને આદિવાસી વિસ્તારોમાંથી આ દૂષણને દૂર કરવા સૌનો સાથ લેવા માટે કટિબધ્ધ છું.

(તસવીર: * સુનિતા ગામીત । **ઈશાન કોઠારી । *** નેટ પરથી)

Wednesday, February 7, 2018

આદિવાસી સમાજ અને સ્વચ્છતા: પુરાની પહચાન


(આ લેખ મુખ્યત્વે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારને અનુલક્ષીને લખાયેલો હોવાથી એ રીતે વિશિષ્ટ છે, પણ તેની બીજી વિશિષ્ટતાની વાત વધુ અગત્યની છે. ડાંગ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ રીતે કાર્યરત મિત્ર ઉત્પલ ભટ્ટ અહીં વખતોવખત અહેવાલ આપતા રહે છે. સુનિતાના પરિવાર વિશેનો ઉત્પલે લખેલો એક અહેવાલ અહીં  વાંંચી  શકાશે.  પણ આ વખતે ખુદ સુનિતાએ પોતાના વિસ્તારનો આ અહેવાલ લખી મોકલ્યો છે. માંડ ત્રેવીસની સુનિતા ગામીત મહિલા સશક્તિકરણનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતાની સંઘર્ષયાત્રાની રોમાંચક કહાણી પણ ક્યારેક અહીં આલેખીશું. તેણે લખેલો આ લેખ 'શહેરી' અને 'સુધરેલા' ગણાતા લોકોને વિચારવા પ્રેરે એવો છે.)

- સુનિતા ગામીત (એમ.ફિલ. - સમાજશાસ્ત્ર)


માનવજીવનમાં સ્વચ્છતા ખૂબ જ પાયાની જરૂરિયાત છે. ગાંધીજીએ પણ વખતોવખત સમગ્ર દેશને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોને શાળાજીવનથી જ સ્વચ્છતાનું મહત્વ સમજાય તે રીતે ભણાવવામાં આવે છે. વર્તમાન વડાપ્રધાને સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું 'સ્વચ્છ ભારત' અભિયાન શરૂ કર્યું છે, જેનું સૂત્ર છે -- "એક કદમ સ્વચ્છતા કી ઓર".

આ પરિપ્રેક્ષ્યમાં સ્વચ્છતાના સમાજશાસ્ત્ર વિષે થોડી છણાવટ કરવી છે. હું સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના સાવ નાના એવા ખાંજર ગામની વતની છું અને ગામીત સમાજમાંથી આવું છું. આથી મારા વતનની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ, સ્વચ્છતા અંગેની જાગૃતિ અને સ્વચ્છતા જાળવવા અંગેના કાર્યક્રમો વિશે વાત કરવા માંગું છું.

સોનગઢ તાલુકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે, જેમાં ગામીત, ચૌધરી, વસાવા આદિવાસીઓનું પ્રમાણ વધુ અને કોટવાળીયા, ભીલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ વિસ્તારના ગામડાઓમાં મોટા ભાગે ચોક્ખાઈ જોવા મળે છે. ગામડાઓનાં મોટા ભાગનાં ઘરોની બહારની પરસાળ અને આજુબાજુની જમીનમાં સ્વચ્છતાનું રીતસર સામ્રાજ્ય નજરે પડે. એટલે સુધી કે ગાય-ભેંસ બાંધવાની જગ્યાએ પણ દિવસમાં ઘણી વખત સફાઈ કરવામાં આવે છે. આજની તારીખે પણ આદિવાસી સમાજમાં ભણતરનું પ્રમાણ ઓછું છે, એમાંય કન્યા કેળવણી તો સાવ ઓછી છે. છતાં ઓછું ભણેલા આદિવાસીઓ પોતાનું ઘર-ફળિયું ચોક્ખા રાખે છે, તે ખૂબ આનંદની વાત છે. નરી આંખે દેખાતી આ સ્વચ્છતા એ વાતની સાબિતી છે કે ભણતર વિના કે ઓછા ભણતર સાથે પણ આદિવાસી સમાજમાં પેઢી દર પેઢીથી સ્વચ્છતાનું મહત્વ ચાલ્યું આવે છે. સ્વછતાના અભિગમને અક્ષરજ્ઞાન સાથે લેવાદેવા નથી.
ખાંજર ગામનું સ્વચ્છ પરિસર 
શહેરી લોકો સામાન્યપણે આદિવાસી સમાજને 'પછાત'નું લેબલ લગાવે છે. પરંતુ હકીકત એ છે કે આ કહેવાતો પછાત સમાજ કે ગામડાના ઓછું ભણેલા લોકો શહેરી સમાજની સરખામણીએ સ્વચ્છતાના વધુ આગ્રહી હોય છે. અમારા ખાંજર ગામની આસપાસના ગામોની સ્વચ્છતા જોઇએ અને તેની સરખામણીએ તાલુકા મથક સોનગઢ, એથી આગળ જતાં જિલ્લા મથક વ્યારા અને એથી પણ વધુ આગળ જતાં સુરત મહાનગર જુઓ! શહેર તરફ આગળ વધતા જઈએ  તેમ તેમ ગંદકીનું પ્રમાણ વધતું જતું લાગે. આ જોઈને સવાલ ઉઠે કે ખરેખર પછાત કોણ? શહેરીઓ કે ગ્રામીણ?
અમારી તરફના ગ્રામીણ સમાજમાં પાણીનો પ્રશ્ન મોટી સમસ્યારૂપ છે, કારણ કે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. કેટલાંક એવાં ગામો છે કે જ્યાં લોકો એક કિ.મી. દૂર ચાલીને પાણી લેવા જાય છે. સરકારના પ્રયાસો દ્વારા ઘેર ઘેર પાઈપલાઈન દ્વારા નળની સગવડ કરી આપવામાં આવી છે. પરંતુ એ નળ ઘરઆંગણે શોભા વધારવા સિવાય કોઈ કામનો નથી. તેમાં પાણી આવે તેવી જોગવાઈ  નથી એટલે લોકોને ઉપયોગી નથી. તેમ છતાં લોકો પાણીનો પોતાની સૂઝથી સદુપયોગ કરે છે. આદિવાસીઓના રોજિંદા જીવનમાં પાણીનું ઘણું જ મહત્વ છે.

આદિવાસી સમાજ માટે અન્ય એક ખોટી છાપ પણ પ્રચલિત છે. હું એ કહેવા માગુ છું કે શહેરી સમાજ માટે આદિવાસી એટલે મેલોઘેલો પહેરવેશ અને અસ્વચ્છતા. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આદિવાસી લોકોનું રોજિંદું કાર્ય ખેતરમાં મજૂરી કરવાનું કે બાંધકામ ક્ષેત્રે મજૂરીકામનું હોય છે. તેઓ સવારથી સાંજ સુધી કઠોર પરિશ્રમ કરતા હોય છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોય છે. મહેનત કરીને જે વેતન મળે છે તેના થકી જ ઘરસંસાર ચલાવવાનો હોવાથી તેમની પાસે વધુ કપડાની સુવિધા હોતી નથી. (સામાન્ય રીતે રોજ પહેરવાના કપડાંની બે જોડી અને બહાર જવા એક જોડી કપડાંં, એમ ત્રણ જોડી બહુ થઈ ગઈ.). એટલે કામ સમયે એ લોકો જે કપડાં પહેરે છે તે કામ પૂરતા અને ૨-૩ દિવસ ચલાવતા હોય છે. આથી આદિવાસી અસ્વચ્છ અને ગંદા તેવી ધારણા તદ્દન ખોટી છે. દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ રાખે જ છે, કારણ કે આદિવાસી પ્રથમ તો માણસ છે, જેને સ્વચ્છતા અન્યો જેટલી જ પસંદ છે.
ખેતમજૂરીમાં મદદ કરી રહેલી સુનિતા 
નોંધવાલાયક મુદ્દો એ છે કે હજુ હમણાં સુધી સોનગઢ વિસ્તારના ગામોમાં શૌચાલયની સગવડ નહોતી. લોકોએ શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડતું હતું. એ વિસ્તારનાં ઘણા ગામોમાં, અનેક ઘરોમાં જુદાજુદા કારણોસર આજે પણ ઉપયોગ કરી શકાય તેવા શૌચાલય નથી. છતાં ગામોમાં ગંદકીનું પ્રમાણ સાવ ઓછું છે. તેના કારણે મચ્છરોનો ત્રાસ અને મચ્છરજન્ય રોગો પણ શહેરની તુલનાએ ઓછા જોવા મળે છે. તેની સામે તાલુકા મથકો, જિલ્લા મથકો, અને મોટા શહેરોમાં ઘેરઘેર શૌચાલયની સગવડ છતાં ઠેરઠેર દુર્ગંધ મારતી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

અમારા વિસ્તારમાં આશ્રમશાળાઓનું મોટું પ્રમાણ છે. હું પોતે પણ આશ્રમશાળામાં ભણેલી છું. બાળપણથી જ આશ્રમશાળામાં રોજના 'ટુકડી કાર્ય' દ્વારા સ્વાવલંબન અને તેના થકી સ્વચ્છતાનું શિક્ષણ આપવામાં આવે છે, જે હવે શહેરની કોઇ પણ શાળામાં અપાતું નથી તેવું મારું માનવું છે. 'સ્વાવલંબન થકી સ્વચ્છતા અંગેની જાગૃતિ' પણ સંશોધનનો એક વિષય બની શકે એમ છે.

સમાજશાસ્ત્રની સંશોધક હોવાના નાતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે 'સ્વચ્છતાના સમાજશાસ્ત્ર' અંગે નવું સંશોધન કરવાનો સમય પાકી ગયો છે. ખરું જોતાં તો વધુ ભણતર એટલે વધુ સમજશક્તિ અને એટલે વધુ સ્વચ્છતા -- એમ થવું જોઇએ. એટલે કે શહેરી સમાજ વધુ ભણેલો છે, તેમનામાં ગ્રામીણ લોકો કરતાં વધુ સમજશક્તિ છે એમ તેઓ માને છે  તેથી શહેરોમાં ગંદકીનું પ્રમાણ નહિવત હોવું જોઇએ. હકીકતમાં ઉલટું થયું છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણમાં ઓછું ભણતર હોવા છતાં સ્વચ્છતા અંગે લોકોની સમજણ કે વિચારો સ્પષ્ટ છે. તેથી સ્વચ્છતાનું પ્રમાણ શહેરની સરખામણીએ ઘણું જ વધુ છે. 'સમજશક્તિ અને જાગૃતિ કેવળ ભણતર પર આધારિત નથી.' આ મારું પ્રાથમિક તારણ છે. આ વિષય પર વધુ સંશોધન જરૂરી છે.

એક વ્યક્તિ સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરથી જ કરે તો સૌ પ્રથમ ઘર, આડોશપાડોશ, ગામ, આસપાસનાં ગામો, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ અને છેવટે વિશ્વસ્તરે સ્વચ્છતા ફેલાય.

(તસવીરો: ઉત્પલ ભટ્ટ)