Showing posts with label કાર્ટૂન શિબિર. Show all posts
Showing posts with label કાર્ટૂન શિબિર. Show all posts

Friday, November 28, 2025

કીડી- હાથીની સમાન મૂંઝવણ અને બીજું બધું

કાર્ટૂન જોવા-માણવામાં રસ હજી કોઈકને પડે, પણ એને ચીતરવામાં? હા, ઘણા ટી.વી.પરનાં કાર્ટૂન કેરેક્ટરને ચીતરે છે અને માને છે કે પોતેય કાર્ટૂન બનાવે છે. એટલે પહેલાં એ ગેરમાન્યતાનો ભંગ, એ પછી સાચા 'ગેગ' કાર્ટૂનની સમજ, અને છેલ્લે એ શી રીતે દોરાય એની વાત. આ બધું કલાક બે કલાકમાં ન થઈ શકે. આ કારણે કોઈ શૈક્ષણિક સંસ્થાને આમાં ભાગ્યે જ રસ પડે. અલબત્ત, કાર્ટૂન દોરતાં શીખવવાની પહેલવહેલી કાર્યશાળા શિક્ષકમિત્ર પારસ દવે (ગુતાલ) દ્વારા જ યોજાઈ હતી. પણ એ શાળાનાં બાળકો. કોલેજવાળાને આવા બધામાં રસ પડે?

નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના દૃષ્ટિવંત પ્રાચાર્ય ડૉ. હસિત મહેતાએ કહ્યું કે એમની કોલેજની વિદ્યાર્થીનીઓ માટે કાર્ટૂનની કાર્યશાળા કરવી છે. ખરેખર તો કાર્ટૂનની નહીં, પણ કેરિકેચર ચીતરતાં શીખવવાની. આવી વિશિષ્ટ માગણી પહેલવહેલી વાર આવી એટલે મારે 'ધંધે લાગવું' પડ્યું. (ડૉ. હસિત મહેતાનો એ જ આશય હતો, જે સફળ થયો) અમે ચર્ચા કરી અને તારણ કાઢ્યું કે એક વખતમાં એ શક્ય ન બને. એના માટે ઓછામાં ઓછી ત્રણ વર્કશોપ કરવી પડે. એમણે કહ્યું, "તો કરો." એટલે કેરિકેચર દોરતાં શીખવવાના ભાગરૂપે પહેલી વર્કશોપ 27 અને 28 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન યોજાઈ. ચીતરવાનો શોખ હોય કે ન હોય એવી, પણ કશુંક નવું શીખવામાં રસ ધરાવતી પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ એમાં સામેલ થઈ.

કાર્ટૂન વિશેની પૂર્વભૂમિકા

કેવાં કેવાં દૃશ્યમાધ્યમો કાર્ટૂન નથી એનું નિદર્શન

માનવાકૃતિ દોરવાની સરળ રીતનું નિદર્શન

આ બે દિવસમાં ચીતરવાની વાત ખાસ નહોતી કરવાની, પણ કાર્ટૂન એટલે શું? અથવા તો કાર્ટૂન સાથે ભેળસેળ કરાતી કઈ કઈ ચીજો હકીકતમાં કાર્ટૂન નથી એની વાત થઈ. એ પછી કાર્ટૂનના વિવિધ વિષય, એની વિવિધ શૈલીઓ વગેરેની રજૂઆત કરવામાં આવી. સહભાગિતા વિના આવી કાર્યશાળા અધૂરી ગણાય. એટલે બોર્ડ પર કોઈ એક વસ્તુનું ચિત્ર દોરીને એની પરથી કાર્ટૂન બને એ રીતે શું શું ઉમેરતા જવાય એ કવાયત બહુ મજાની રહી. જેમ કે, એક ખુરશી ચીતર્યા પછી દરેક જણ એમાં એક એક વસ્તુ એવી ઉમેરે કે એનાથી રમૂજ પેદા થાય. એક વિદ્યાર્થીનીએ હાથી દોરવાનું સૂચન કર્યું. અને બીજીએ કીડી. હાથી અને કીડીની બન્નેની મૂંઝવણ એક સરખી હતી. 'આ ખુરશી પર બેસવું શી રીતે?' આ રીતે વિવિધ ચીજો દોરીને અવનવી ટીપ્પણીઓ થઈ. બે દિવસ દરમિયાન મુખ્ય આશય એ હતો કે કાર્ટૂન એટલે શું અને શું નહીં એ બરાબર સમજી લેવું. બીજું એ પણ સમજી લેવું કે કાર્ટૂન માટે સૌથી મહત્ત્વનો છે વિચાર. ચીતરવાની આવડત પછીના ક્રમે આવે. આવી અનેક બાબતોની ચર્ચા આ બે દિવસમાં થઈ અને સહુએ એનો આનંદ માણ્યો.
આ કાર્યશાળાનો હવે પછીનો બીજો અને સઘન તબક્કો થોડા દિવસ પછી યોજાશે, જેમાં કેરિકેચર મહત્ત્વનો મુદ્દો રહેશે. ત્યાં સુધી તેઓ વિવિધ ટેક્નિકનો મહાવરો કરે એ માટે અમુક ટીપ્સ પણ આપવામાં આવી. આ સમગ્ર ઉપક્રમમાં પ્રો. નેન્સી મેકવાને સંયોજકની ભૂમિકા ભજવી. હવે આગામી તબક્કા માટે અધુ તૈયારી મારે કરવાની છે. વિદ્યાર્થીનીઓ તો એ ઝીલવા તત્પર જ છે.
(તસવીર સૌજન્ય: પ્રો. નેન્‍સી મેકવાન)

Friday, December 13, 2024

કાર્ટૂન બનાવવું હોય તો મારા ચહેરાના આ ભાગને મરોડી શકાય....

મૂળ કાર્યક્રમ તો હતો નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજના ઇન્કયુબેશન કોર્નરના નેજા હેઠળ 'કરત કાર્ટૂન' નામે બે દિવસીય કાર્ટૂન ચીતરવાનું માર્ગદર્શન આપતી વર્કશોપનો, જેમાં ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીનીઓ નામ નોંધાવે. આ કૉલેજના આચાર્ય હસિત મહેતાએ સૂચવ્યું કે એ અગાઉ એક કાર્યક્રમ 'કહત કાર્ટૂન'નો કરીએ, જેમાં કૉલેજની તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લે. હસિતભાઈ મિત્ર ખરા, પણ 'નિર્દયી પ્રીતમ' છે. તેઓ કશું સૂચવે તો પણ તામ્રપત્ર પર લખીને સૂચવ્યા જેવું હોય. એમાં આઘાપાછા થવાની તક ન હોય. એમાંય આ તો ગમતો વિષય, એટલે નક્કી કર્યું કે મંગળવારને 10 તારીખે સવારે છેલ્લા પિરીયડમાં 'કહત કાર્ટૂન' યોજવું.

બી.એ.ના તમામ વર્ષની વિદ્યાર્થીનીઓ હોંશે હોંશે હાજર થઈ ગઈ. સંખ્યા આશરે ત્રણસો. દરમિયાન 'કરત કાર્ટૂન'માં નામ નોંધાવાનું પણ ચાલુ હતું અને સંખ્યા ખાસ્સી બત્રીસે પહોંચેલી. જો કે, અમને સૌને હતું કે એક વાર 'કહત કાર્ટૂન' યોજાશે એ પછી આ સંખ્યામાં ઊછાળો આવશે. અલબત્ત, વચ્ચે એક જ દિવસ હતો.
બી.એ.ની તમામ વિદ્યાર્થીનીઓ સમક્ષ 'કહત કાર્ટૂન'ની રજૂઆત

'કહત કાર્ટૂન'માં કાર્ટૂનકળા, એના વિષય અને કાર્ટૂનને શી રીતે માણી શકાય એની રજૂઆત થઈ. આ કાર્યક્રમનું સુખ એ છે કે એમાં 'કાર્યક્રમ કેવો રહ્યો?'નો પ્રતિભાવ કોઈને પૂછવો ન પડે. કાર્ટૂન દેખાડીએ અને તત્ક્ષણ હાસ્ય ગૂંજે એટલે પ્રતિભાવની રસીદ મળી ગઈ સમજવી.
'કરત કાર્ટૂન'ની વર્કશોપમાં
'કહત કાર્ટૂન' પછી 12 અને 13 ડિસેમ્બર, ગુરુ અને શુક્રવારે ત્રણ ત્રણ કલાક- એમ કુલ છ કલાકની વર્કશોપ હતી. બે દિવસ અગાઉ નોંધાયેલી બત્રીસની સંખ્યા વધીને સીધી સત્તાવને પહોંચી ગઈ હતી. એટલે એક નિર્ણય એ લીધો કે આ વર્કશોપ આપણે બે તબક્કે કરવી રહી. એક બૅચમાં પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ અને બાકીની બીજી બૅચમાં.
પહેલા દિવસે કાર્ટૂન વિશે વાતો વધુ થઈ અને કાર્ટૂન વિશેની સમજણને સ્પષ્ટ કરવામાં આવી. અલબત્ત, થિયરીની રીતે નહીં, પણ ઉદાહરણ સહિત, જેથી રસ જળવાઈ રહે. છૂટા પડતી વખતે સૌને કોઈક વિષય વિચારીને કે દોરીને બીજા દિવસે આવવા જણાવાયું.
"તમારા હાથી બતાવો."
બીજા દિવસે એટલે કે આજે કાર્ટૂન ચીતરવા અંગેની વિવિધ ટીપ્સ આપવામાં આવી. એમાં સૌથી વધુ મજા કેરિકેચર દોરતાં અને એ દોરતાં પહેલાં નિરીક્ષણ કરવાની આવી. એક પછી એક વિદ્યાર્થીનીઓ આવે, પોતાના ચહેરા વિશે જણાવે કે એમાં શું ધ્યાન ખેંચે એવું છે (કાન, નાક, ભ્રમર, હોઠ વગેરે) અને એને કેરિકેચરમાં અતિશયોક્તિપૂર્વક શી રીતે ચીતરી શકાય. અલબત્ત, આ સેશનમાં શરૂઆત મારા પોતાના ચહેરાથી થઈ. એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પોતાનું નાક લાંબું છે. તો એની પર છોકરાંને લપસણી ખાતાં બતાવી શકાય. એક વિદ્યાર્થીનીના ગાલ પર (ખીલના) ટપકાં હતાં, તો એ ટપકાંને જોડીને ચિત્ર બનાવતું બાળક ચીતરી શકાય...આવી અનેક કલ્પનાઓ થઈ. કાર્ટૂન માણવામાં પહેલી શરત જાત પર હસતાં શીખવાની છે એ સમજણ આવા પાઠ થકી સ્પષ્ટ થાય એની મજા ઓર છે.
"મારા ચહેરાનું કેરિકેચર ચીતરવું હોય તો...."

બે દિવસીય આ વર્કશોપ પછી સૌ છૂટા પડ્યાં ત્યારે એટલું તો થયું કે હવે તેઓ એક જ વસ્તુને વિવિધ ખૂણેથી નિહાળતાં થાય એ સમજતાં થયાં.
એકાદ સપ્તાહમાં જ બીજી બૅચ થશે. એમાંય આવી જ મજા આવશે એ નક્કી છે.
કોઈ એક વિષય પર કાર્ટૂન દોરતી વિદ્યાર્થીનીઓ

કાર્ટૂન ચીતરતાં શીખવવાનો અનુભવ મારા માટે પ્રમાણમાં નવો કહી શકાય એવો છે, પણ એનો આરંભ ગુતાલ શાળાના ઉત્સાહી શિક્ષક- મિત્ર પારસ દવેના આમંત્રણથી થયો, જેને 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'ના સિનીયર પી.આર.ઓ. પાર્થ ત્રિવેદીએ આગળ વધાર્યો. હવે વધુ એક વાર એ પાકું થયું. શીખવતાં શીખવતાં શીખતા જવાના આ અનુભવમાં સહભાગી સૌ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા.

Sunday, November 24, 2024

કરત કાર્ટૂન: કાર્ટૂન માત્ર કાગળપેનથી નથી બનતાં

કાર્ટૂન જોવા-માણવામાં હજી કદાચ રસ પડે, પણ એ ચીતરવામાં કેટલાને રસ પડે? વર્કશોપના આયોજન વખતે અમુક અંશે આવી અવઢવ હતી. 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન' દ્વારા આ અગાઉ 'કહત કાર્ટૂન' શ્રેણીના બે કાર્યક્રમ 'ડાયનોસોરથી ડ્રોન સુધી' અને 'ગાંધીજી હજી જીવે છે' યોજાઈ ગયેલા. આથી તેમની સાથે કાર્ટૂન ચીતરવા અંગેની વર્કશોપનું આયોજન દિવાળી પછી રાખવા વિશે વાત થઈ હતી. ઊઘડતા વેકેશન પછીનો માહોલ, લગ્નની ભરપૂર મોસમ, અને શુલ્ક ચૂકવીને કરવાની આ વર્કશોપ! ફેસબુક અને અન્ય માધ્યમો પર એકાદ અઠવાડિયા અગાઉ થયેલો પ્રચાર કેટલો ફળદાયી નીવડશે? આવશે તો કેટલા આવશે? આવા બધા સવાલો મૂંઝવતા હતા. મનોમન એવી તૈયારી પણ રાખેલી કે વર્કશોપ કેન્સલ થાય તોય ચિંતા ન કરવી. પણ એ.એમ.એ.ના સિનીયર પી.આર.ઓ. મિત્ર પાર્થ ત્રિવેદીને બે એક દિવસ પહેલાં પૂછતાં તેમણે જણાવ્યું કે આઠેક રજિસ્ટ્રેશન થઈ ગયા છે, અને હજી પૂછપરછ આવી રહી છે. આ જાણીને આનંદ થયો. વળી આગલા દિવસે તેમનો મેસેજ આવ્યો કે આંકડો અગિયારે પહોંચ્યો છે. આથી વધુ આનંદ થયો.

આ બે દિવસીય વર્કશોપ 22 અને 23 નવેમ્બર, શનિ-રવિના રોજ હતી. બપોરે અમે ત્યાં પહોંચ્યા અને ખબર પડી કે 16-17 જેટલાં રજિસ્ટ્રેશન થયાં છે. પહેલા દિવસે બપોરે 2.00થી સાંજના 5.00 નો સમય હતો. મારી સાથે કામિની અને ઈશાન પણ સહયોગી તરીકે હતાં.
આરંભમાં સૌએ પોતપોતાનો ટૂંકો પરિચય આપ્યો, અને આ વર્કશોપમાં પોતે શા હેતુથી આવ્યા છે એ જણાવ્યું. એ જાણીને બહુ મજા આવી કે મોટા ભાગના લોકો એક યા બીજી રીતે કંઈક નવું શીખવા, પોતાની અભિવ્યક્તિમાં કશુંક નવું પરિમાણ ઉમેરવાના હેતુથી આવ્યા હતા. પાર્થે જણાવ્યું કે વિદ્યાર્થીઓનાં માબાપ તરફથી પુષ્કળ પૂછપરછ આવતી હતી, અને તેમને ખાળવા પડ્યા હતા કે આ કાર્યક્રમ બાળકો માટેનાં કાર્ટૂન શીખવવાનો નથી. આમ છતાં, કેટલાંક સાવ નાનાં બાળકો પણ હતાં. પિતા-પુત્રીની બે જોડી હતી. એક જાપાની યુવતીને જોઈને વધુ નવાઈ લાગી. એ હજી 'થોરું થોરું ગુજરાટી' શીખી રહી હતી.
સાવ આરંભે એ બાબત પણ સ્પષ્ટ કરી કે માત્ર છ કલાકમાં કાર્ટૂન ચીતરતાં કોઈને શીખવી ન શકાય, પણ આગળઊપર તમે એ રસ્તે જવા માગતા હો તો આ જાણકારી અને ચર્ચા ઊપયોગી થઈ પડે એમ છે.
કાર્ટૂન કોને ન કહેવાય, કયા કયા વિષય પર કાર્ટૂન બની શકે, મનમાં જે પહેલો વિચાર ઊગે એને બાજુએ મૂક્યા પછી જે નવા વિચાર આવે એને કાર્ટૂનમાં વાપરવા, કાર્ટૂન દોરવાની બેસિક ટીપ્સ...વગેરે જેવા વિવિધ વિષયો પર વાત થઈ. સહભાગીઓએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો. ઈચ્છાએ કે અનિચ્છાએ ઘણી વાર અનાયાસે કે આગોતરી જાણથી કલાકો સુધી પ્રતિક્ષા કરતાં બેસી રહેવાનું યા અણગમતી જગ્યાએ અમુક કલાકો ગાળીને ભરાઈ પડવાનું બનતું હોય છે. જેમ કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, કોઈક ઑફિસ, ડેસ્ટિનેશન વેડિંગનું સ્થળ વગેરે... આ અણગમતા સમયને નાનકડી ખિસ્સાડાયરી અને પેનથી શી રીતે આનંદમાં ફેરવી શકાય, અને ક્યારેક ડાયરી કે પેન ન હોય તો પણ શી રીતે મજા લઈ શકાય, જે છેવટે કાર્ટૂનમાં પરિણમે એ વિશે વાત કરવાની બહુ મજા આવી. છૂટા પડતાં પહેલાં દરેકને કોઈ વિષય પર કાર્ટૂન બનાવી લાવવા જણાવાયું.
બીજા દિવસનું સેશન સવારના 9.30 થી 12.30 હતું. આગલા દિવસની ચર્ચાનું પ્રાથમિક પુનરાવર્તન કર્યા પછી સૌએ પોતે બનાવી લાવેલું કાર્ટૂન સૌને બતાવીને એના વિશે વાત કરી. એ પછી કોઈ એક જ વિષય પર શી રીતે કાર્ટૂન વિચારવા એની વાત થઈ. બોર્ડ પર હું એક વિષયનું ચિત્ર બનાવું અને સૌ પોતપોતાની રીતે એના સંવાદ કલ્પે એવી કવાયત થઈ. જેવાં કે, ચાનો કપ અને હાથમાં પકડેલું બિસ્કીટ, દાંત અને ટૂથબ્રશ, આંખો, નાક, દાંત અને જીભ વગેરે... જેમ કે, હાથમાં પકડેલા બિસ્કીટને જોઈને કપમાં રહેલી ચા કહે, 'ડૂબકી ભલે માર, પણ ગંદકી ન કરજે.'
એ પછી કોઈ એક જ વિષયનું ચિત્ર મેં બનાવ્યું અને સૌને એમાં કંઈક ને કંઈક ઉમેરવા કહ્યું. એક મિત્રે 'કેપ્સિકમ' ચીતરવા કહ્યું. એ પછી સૌ એમાં કશુંક ને કશુંક ઉમેરતા ગયા. જેમ કે, એક જણે કહ્યું કે એને ટ્રેડ મિલ પર દોડતું બતાવો. એટલે એની નીચે ટ્રેડમિલ દોરીને એના 'થૉટ બલૂન'માં પાતળું મરચું બતાવ્યું. એક જણે કહ્યું કે એને મિર્ચી વડું બનાવો. એ ચીતર્યું એટલે એની બાજુમાં બીજું એક મરચું એની આગળ ફૂલોની 'રીથ' મૂકતું હોય, અને ત્યાં કબરના પથ્થર પર 'આર.આઈ.પી.' લખેલું બતાવ્યું. સૌએ આ રીતે કશુંક ને કશુંક સૂચવ્યું. એને દૃશ્યાત્મક સ્વરૂપ શી રીતે આપવું અને કાર્ટૂનના દરજ્જે પહોંચાડવું એની સારી એવી કવાયત થઈ. એ જ રીતે એક પુસ્તક બતાવ્યું. એની આસપાસ પણ આ રીતે એક પછી એક તત્ત્વો સૌ સૂચવતાં ગયાં. સૌથી છેલ્લે સૌને ત્યાં જ એક કાર્ટૂન કે કેરિકેચર બનાવવા કહ્યું. સૌએ એ હોંશે હોંશે બનાવ્યું. એ પછી પાછળ લાગેલા બૉર્ડ પર એ તમામ કાર્ટૂન સૌએ લગાવ્યા અને એકબીજાનાં કાર્ટૂન જોયાં. સૌથી છેલ્લે થનારા આ 'ડિસ્પ્લે' જોવા આવવા બાબતે વિવિધ મિત્રો દ્વારા પૃચ્છા થયેલી, પણ સંસ્થાના ફોર્મેટમાં એ શક્ય નહોતું. બીજી વાત એ પણ ખરી કે ચિત્રાંકનની રીતે હજી આ કાર્ટૂનો ઘણાં શિખાઊ કહી શકાય એવાં હતાં, કેમ કે, મુખ્ય ઉદ્દેશ પોતાના વિચારને કાર્ટૂન થકી વ્યક્ત કરી શકાય છે એ દર્શાવવાનો હતો.
કાર્ટૂન ચીતરવા અંગેની સૌ પ્રથમ વર્કશોપ મિત્ર પારસ દવેના સહયોગથી ગુતાલની માધ્યમિક શાળામાં કરેલી, જે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ચાર કલાકની, અને એક જ દિવસની હતી. ત્યાંથી શરૂ થયેલી આ સફર 'એ.એમ.એ.' સુધી પહોંચી એની ખુશી હોય એ સ્વાભાવિક છે. આ વર્કશોપમાં સહભાગીઓ પોતપોતાની સમજણ અનુસાર કંઈ ને કંઈ લઈને જતા હોય છે. એમ મને પણ આવા દરેક અનુભવમાંથી કંઈ ને કંઈ પ્રાપ્ત થતું રહે છે.
આ વર્કશોપ કર્યા પછી એ ખ્યાલ પણ આવ્યો કે બાળકો અને કિશોરો કાર્ટૂન ચીતરતાં શીખવા બહુ ઉત્સુક હોય છે. એ વયજૂથને ધ્યાનમાં રાખીને આવી વર્કશોપ કરવી હોય તો એના માટે જુદી રીતે વિચારવાનું થાય. એમ કરીએ ત્યારની વાત ત્યારે, અત્યારે તો આ અનુભવથી પૂર્ણ સંતોષ.

વિવિધ કાર્યક્રમોની પંગતમાં પડેલો 'કરત કાર્ટૂન'નો પાટલો

વર્કશોપના પહેલા દિવસે

વર્કશોપ પૂરી થયા પછી...

આ વર્કશોપના માહોલને દર્શાવતું એક સહભાગીએ બનાવેલું કાર્ટૂન,
જેમાં બૉર્ડ પાસે ઊભો હોઉં એવું મારું કેરિકેચર છે, ઈશાન ફોટા લઈ રહ્યો છે,
અને જમણે સૌથી છેલ્લે જાપાની યુવતી વિચારે છે
કે 'આ લોકો શું બોલબોલ કરી રહ્યા છે?'

Sunday, April 10, 2022

હસતાં શીખીએ, હસાવતાં શીખીએ

(કાર્ટૂન ચીતરવાના માર્ગદર્શન અંગેની એક અનોખી શિબિરનો અહેવાલ)  


શાળા હોય એટલે વક્તવ્યના તેમજ અન્ય કાર્યક્રમો યોજાતા રહે એની નવાઈ નથી હોતી. આ કાર્યક્રમોમાં શક્ય હોય ત્યાં સુધી એકના એક પ્રકારના કાર્યક્રમનું પુનરાવર્તન ન થાય એ જોવાય છે. અલબત્ત, કોઈ સરકારી શાળામાં આવા કાર્યક્રમ યોજાય ત્યારે નવાઈ લાગે. એ સરકારી શાળા ખેડા જિલ્લાના ગુતાલ ગામની હોય ત્યારે ખાસ, કેમ કે, ગુતાલની ખ્યાતિ જરા જુદી રીતની છે.

આ શાળાના એક સન્નિષ્ઠ શિક્ષક અને મિત્ર પારસ દવે અહીં અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અનેક લેખકો-કવિઓને નિમંત્રીને વિદ્યાર્થીઓ સાથે તેમના સંવાદનું આયોજન તેઓ કરતા આવ્યા છે. એ મુજબ અમારી વાત થઈ ત્યારે અમે નક્કી કર્યું કે મારે આ શાળાનાં બાળકો સમક્ષ કાર્ટૂનકળાનો પરિચય આપવો. મૂળ વિચાર એ હતો કે વિદ્યાર્થીઓને કાર્ટૂન સૃષ્ટિની ઝાંખી કરાવવી. કોને ખબર, આમાંથી કોઈક ભવિષ્યમાં કાર્ટૂનિસ્ટ બનવાનું સપનું જુએ! એમ ન થાય અને તેઓ વિવિધ પ્રકારનાં કાર્ટૂન માણતા થાય તોય ઘણું.

એકાદ કલાકના એ કાર્યક્રમમાં કાર્ટૂન એટલે શું? તેને શી રીતે માણી શકાય? તેની સામાજિક/રાજકીય અસર વગેરે વિશે વાત કરવાનું ગોઠવાયું. 5 માર્ચ, 2021ના રોજ એ કાર્યક્રમ ગોઠવાયો, જેમાં મુખ્યત્વે માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓ સામેલ હતા. થોડાં સહેલાં, થોડાં અઘરાં એવાં વિવિધ કાર્ટૂનોનો સંચય કરીને પડદે તેમને બતાવવામાં આવ્યાં. ટી.વી.પરનાં એનિમેટેડ કાર્ટૂનોથી સૌ પરિચીત હતાં, પણ આ કાર્ટૂનોથી નહીં.

કાર્ટૂન વિશેનો પહેલી વારનો વાર્તાલાપ 

સાવ શબ્દ વિનાનાં, પહેલી નજરે ઊકેલવામાં વાર લાગે એવાં કાર્ટૂનોને આ વિદ્યાર્થીઓ જે રીતે ઊકેલી આપતાં હતાં એ જોઈને તેમના વિશે સાંભળેલી વાત સાચી હોવાનો અનુભવ થયો. અહીંના વિદ્યાર્થીઓની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ, તેમનો દેખાવ અને તેમની બોલી થકી તેમને ઓછા આંકવા જેવા નથી. તેમનામાં જે જિજ્ઞાસા જોવા મળે છે, અને પોતાને થતો સવાલ જે બેધડકપણે રજૂ કરે છે એ જોઈને ખરેખર આનંદ થાય.

જો કે, સૌને એમ લાગ્યું કે આ તો તરસ્યાને કૂવા સુધી લાવવા જેટલું જ કામ થયું. પાણીનો સ્રોત મળ્યો, પણ તરસ છીપી નહીં, બલ્કે વધુ પ્રબળ બની. આથી બીજા કાર્યક્રમમાં વધુ સઘન અને કોઈ એક વિષયકેન્‍દ્રી કાર્ટૂન બતાવવા વિશે વાત થઈ.

એ પછી કોવિડની બીજી અને ખતરનાક લહેર આવી, જેમાં બધું ઠપ્પ થઈ ગયું. વર્ષની આખરમાં થોડી કળ વળવા લાગી એટલે ગોઠવાયો બીજી વારનો કાર્યક્રમ.

****

બીજી વારના કાર્યક્રમમાં વિષય રાખેલો વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી’. પહેલી વાર એક શાળાનાં વિદ્યાર્થીઓ સમક્ષ 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ કર્યો ત્યારે મને એમ લાગેલું કે વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ જરા ઉપલા સ્તરનો થઈ પડે છે. સીધેસીધાં ગાંધીજી વિષયક વિવિધ કાર્ટૂનો તેમને બતાવતાં અગાઉ કાર્ટૂનકળા વિશે પ્રાથમિક પરિચય આપવો જોઈએ એમ લાગ્યું. આ વખતે વિદ્યાર્થીઓ પણ નવા હતા. આ વખતે એવું રાખ્યું કે સૌ પ્રથમ પોણા કલાક જેટલા સમય માટે કાર્ટૂનકળાનો પ્રાથમિક પરિચય આપવો. એ પછી દસેક મિનીટનો બ્રેક રાખવો. ત્યાર પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાત કરવી. 

'વ્યંગચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ 

પચાસેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એક ખંડમાં હતાં. પડદા પર નવું કાર્ટૂન દેખાય એ સાથે ગૂંજતા અટ્ટહાસ્યના અવાજો સાંભળીને લાગ્યું કે કરેલી મહેનત એકદમ વસૂલ થઈ ગઈ. જે ઝડપે આ વિદ્યાર્થીઓ કાર્ટૂનને ઊકેલીને પ્રતિભાવ પાઠવતાં હતાં એ કારણે મને પણ કાર્ટૂનકળા વિશેની બીજી અનેક બાબતો યાદ આવવા લાગી અને તેમને એ કહેતો ગયો. આ શાળાના વિદ્યાર્થીઓનો અગાઉ  અનુભવ હતો આથી અહીં પ્રશ્નોત્તરી માટે પણ સમય રાખેલો. છૂટા પડતી વખતે પણ વિદ્યાર્થીઓ અનેક પ્રશ્નો પૂછતા હતા. આમ, એક જ શાળામાં, એક જ વર્ષમાં એક જ વિષય પરના બબ્બે કાર્યક્રમ યોજાયા. કદાચ બીજી કોઈ શાળા કે શિક્ષક હોત તો એને થાય કે બસ! બહુ થયું. એને બદલે કાર્ટૂનમાં વિદ્યાર્થીઓને પડતો રસ જોઈને પારસભાઈએ વધુ એક આયોજન સૂચવ્યું. એ આયોજન હતું કાર્ટૂન માટેની શિબિરનું. એટલે કે વિદ્યાર્થીઓને કાર્ટૂન ચીતરતાં શીખવવાનું.

****

અગાઉ 2 ડિસેમ્બર, 2021ના રોજ તરલાબહેન શાહના નિમંત્રણથી વનસ્થળીની મુલાકાત લીધી અને ત્યાંના બાળકો સમક્ષ કાર્ટૂનકળા વિશે રજૂઆત કરી એ વખતે આચાર્ય મનીષભાઈએ કાર્ટૂન ચીતરવા અંગેની શિબિર બાબતે વાત કરેલી. એ અગાઉ મને કદી આવો વિચાર આવ્યો નહોતો. હવે પારસભાઈએ પણ કાર્ટૂન ચીતરવા માટેની શિબિર વિશે વાત કરી એટલે એમાં શું શું અને કેવી રીતે હોવું જોઈએ એ વિશેની રૂપરેખા અમે વિચારી. 

અત્યાર સુધી કોઈકના દ્વારા ચીતરાયેલા કાર્ટૂનને માણવાની વાત હતી, તેને બદલે હવે જાતે જ કાર્ટૂન ચીતરવાનું હતું. આથી પહેલી તૈયારી તો મારે પોતાને જ કરવાની હતી. એ મુજબ મેં આ શિબિરના પોસ્ટરની સાથે મૂકવા માટે તેને અનુરૂપ એક કાર્ટૂન ચીતરીને મોકલ્યું.


કાર્ટૂન શિબિરની ઘોષણા 

 બીજા દિવસે પારસભાઈનું અને મારું પોતાનું એક કેરિકેચર ચીતરીને મોકલ્યું. જો કે, મારું પોતાનું કેરિકેચર બરાબર નહોતું, પણ મહાવરા માટે એ દોરેલું હોવાથી જેવું આવ્યું એવું મોકલ્યું.

પારસ દવેનું કેરિકેચર 

બીરેન કોઠારીનું કેરિકેચર 

આ પ્રકારની આ પહેલવહેલી હોવાથી શિબિરનો સમય ચારેક કલાકનો હોય તો એ પૂરતો થઈ પડે.

આમાં પહેલા એક કલાકમાં કાર્ટૂન ચીતરવા અંગે માર્ગદર્શન આપવું એમ નક્કી થયું. 

શિબિરના આરમ્ભે કાર્ટૂન દોરવા અંગે વાતચીત 

વિદ્યાર્થીઓને કાર્ટૂન દોરવા માટે બે કલાક આપવાના હતા, જેમાં તેમણે ઓછામાં ઓછા બે કાર્ટૂન ચીતરવાનાં હતાં. એ પૈકી એક કાર્ટૂન અને એક કેરિકેચર તેમણે બનાવવાનું હતું. આમ તો વિદ્યાર્થીઓ કોઈ પણ વિષય પર કાર્ટૂન બનાવવા માટે મુક્ત હતા, છતાં તેમને કંઈક દિશાસૂચન મળે એ માટે ત્યાં ને ત્યાં જ, સૌને પૂછીને પાંચેક વિષય નક્કી કર્યા. કેરિકેચર બાબતે પણ એમ જ કર્યું.

સર્વાનુમતે નક્કી થયેલા વિષય અને બે-ત્રણ કેરિકેચરનું નિદર્શન 

બધું મળીને વીસ-પચીસ વિદ્યાર્થીઓ ભાગ લેશે એવો અંદાજ હતો તેને બદલે પચાસેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હોંશેહોંશે જોડાયા. 

ભારતીબહેન ચૌહાણ પણ કાર્ટૂન ચીતરવા બેઠાં 

આ બે કલાક દરમિયાન કેવળ વિદ્યાર્થીઓ જ ચીતરવા બેસે એવું નહોતું. કામિની અને હું તો જાણે ચીતરવા બેઠા જ, પણ પારસભાઈ, અને શાળાની બે શિક્ષિકાઓ દીપિકાબહેન ચૌધરી અને મનીષાબહેન પરમાર સુદ્ધાં કાગળ પેન્‍સિલ લઈને બેઠા. સેવક ભાઈ રાકેશે સૌ વિદ્યાર્થીઓને કાગળ અને પેન્‍સિલ વહેંચેલા. એ કામ પતાવ્યા પછી તે પોતે પણ કાગળ અને પેન્‍સિલ લઈને ચીતરવા માટે ગોઠવાયા. ચોકીદાર ભાઈ રાજુ સતત સહયોગમાં રહ્યા. 

અગાઉ આ શાળાની મુલાકાતે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને તેમનાં પત્ની ભારતીબહેન આવેલાં. શાળાની પ્રવૃત્તિઓ જોઈને ભારતીબહેને પારસભાઈને જણાવેલું કે શાળાના કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપતાં પોતે આનંદ અનુભવશે. એ મુજબ ભારતીબહેન કોઈ વી.આઈ.પી. તરીકે નહીં, કાર્યક્રમના એક હિસ્સેદાર તરીકે ઉપસ્થિત હતાં. તેમણે પણ કાગળ અને પેન્‍સિલ પકડીને ચીતરવાનું શરૂ કર્યું. નડિયાદના ખ્યાતનામ વકીલ સંતોષ દુબે આ શાળાના શુભેચ્છક છે. તે આ આખા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા. આમ, શાળામાં ઉપસ્થિત સહુ કોઈ કાર્ટૂન ચીતરી રહ્યું હોય એવો માહોલ થઈ ગયો અને ખરા અર્થમાં આ 'શિબિર' બની રહી. એવી શિબિર, જ્યાં કોઈ કોઈને કશું શીખવતું ન હોય, પણ સહુ એકબીજાનું કામ જુએ અને શીખવા પ્રયત્ન કરે. 


વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાયેલી કે તેઓ પોતપોતાના જૂથમાં બેસીને ચીતરી શકે, એકબીજાનું કામ જોઈ શકે, સૂચન આપી શકે અને નિયત સમયમર્યાદામાં પૂરું કરવાની ઉતાવળ ન કરે, કેમ કે, આ પરીક્ષાનું પેપર નથી. 

અમે લોકો પણ અમારું કામ કરતાં કરતાં વિદ્યાર્થીઓનું કામ જોવા ફરતા હતા. અમુક વિદ્યાર્થીઓએ કોઈક વર્ગખંડનો ખૂણો શોધેલો. એકાદ જૂથ પાછળ લીમડા નીચે ગોઠવાયેલું, તો બીજું જૂથ પાછલી દિવાલને ટેકે કામ કરતું હતું.

કાર્ટૂનની નીચે જમણે ખૂણે સૌને પોતાનું નામ અને તારીખ લખવા જણાવેલું.

મોટા ભાગના વિદ્યાર્થીઓએ બે કલાક પહેલાં પોતાનું કામ પૂરું કર્યું. એ પછી વારો હતો તમામ કાર્ટૂનોના પ્રદર્શનનો. શાળાના ચારેક બૉર્ડ પર દરેકે દરેક જણે ચીતરેલાં કાર્ટૂન લગાવી દેવામાં આવ્યાં. 





વિદ્યાર્થીઓએ ચીતરેલાં કાર્ટૂન અને કેરિકેચર 

શિક્ષક/શિક્ષિકા, અતિથિ, માર્ગદર્શકે ચીતરેલાં કાર્ટૂન 

એ પછી દરેક બોર્ડ પાસે જઈએ, દરેક જણ પોતાના કાર્ટૂન વિશે વાત કરે એવું આયોજન કરાયેલું. આ ભાગ કાર્યક્રમનો સૌથી મજેદાર હિસ્સો હતો. વિદ્યાર્થીસહજ ઘોંઘાટ તો હોય, પણ દરેક વિદ્યાર્થી પોતાના કાર્ટૂન વિશે જણાવે એ વાત જ બહુ મસ્ત હતી. 


પોતે ચીતરેલાં કાર્ટૂન વિશે વાત કરતા વિદ્યાર્થીઓ 
તેમના દિમાગમાં શું ચાલી રહ્યું હશે એનો આછેરો અણસાર તેમના આ કથનમાંથી મળતો હતો. હજી આ પહેલો પ્રયાસ હતો એટલે કામ શિખાઉ હશે, પણ પ્રયત્નો પૂરેપૂરા પ્રામાણિક હતા. કોને ખબર, આ રીતે બે-ચાર જણને પણ વ્યંગ્યના અસરકારક માધ્યમ જેવી કાર્ટૂનકળામાં રસ પડે! તેઓ ભલે કાર્ટૂન ચીતરતા થાય કે ન થાય, પણ વ્યંગ્યને માણતાં થાય તોય ઘણું! સબળ રમૂજવૃત્તિ જીવનની ભલભલી વિપરીતતાઓ સામે ટકી રહેવાનું બળ પૂરું પાડે છે એ હકીકત છે.

આવા મસ્ત આયોજન બદલ ગુતાલ માધ્યમિક શાળા સાથે સંકળાયેલા સહુ કોઈને અભિનંદન. આવાં આયોજનો આપણી આવડતની ધાર કાઢવાનો પણ મોકો પૂરો પાડતાં રહે છે.

**** 

શિબિરમાં વિદ્યાર્થીઓએ ચીતરેલાં કેટલાંક કાર્ટૂનો 


માસ્ક પહેરવાની ગણેશજીની મૂંઝવણ 

નિષ્ફળ ગયેલા એસ.એલ.વી.બાબતે 'અમૂલ' દ્વારા 
પોતાની જાહેરખબરમાં કરાયેલી ટીપ્પણીના 
સંદર્ભે કાર્ટૂન અને અબ્દુલ કલામનું કેરિકેચર 

સૂરજમુખી અને વૃક્ષ સંવાદ 

પારસસરે કહેલું કે આત્માનો 
અવાજ સાંભળો. એટલે 
વિદ્યાર્થી કહે છે- સર, 
કેટલા અવાજ સાંભળીએ?