Showing posts with label તેલંગણા. Show all posts
Showing posts with label તેલંગણા. Show all posts

Wednesday, August 21, 2013

તેલંગણા પ્રવાસ: કેટલીક સ્મૃતિઓ (૨)

(તેલંગણાના યાદગાર પ્રવાસની વાતોનો બીજો અને અંતિમ હપ્તો.) 


સદાકાળ ગુજરાત

કુકનૂરપલ્લી, સિદ્દીપેટ, દુબ્બાક, દોમાકોન્ડા,ચેગુન્ટા, ગજવેલ, મેટપલ્લી. સાંભળ્યા છે કદી આ નામ? આ અને તેલંગણા વિસ્તારના સાવ અંદરના વિસ્તારમાં આવેલાં આવાં અનેક ગામનાં નામો આપણા માટે સાવ અજાણ્યા હોય એ સ્વાભાવિક છે, પણ આ ગામોમાં જઇએ અને આપણને રાજેન્દ્રભાઇ પટેલ, તેજસ પટેલ, અજિતસિંહ ઝાલા, હર્ષદભાઇ પટેલ, સુનિલભાઇ, પ્રભુદાસ જેવા ગુજરાતી ભાઇઓ મળી જાય તો? ના, એ લોકો પેકેજ ટૂરમાં અહીં ફરવા નથી આવ્યા, પણ વરસોથી અહીં જ રહે છે. 
તેલંગણાનું એક ગામ
ગુજરાતની જાણીતી બીડી કંપનીના તેઓ કર્મચારી છે. આ વિસ્તારમાં તેઓ એકલા યા સપરિવાર રહે છે અને બીડી કંપનીના પેકિંગ સેન્ટરમાં વિવિધ કામગીરી સંભાળે છે. તેલુગુ બોલીને તેમણે અપનાવી લીધી હોય એ સાહજિક છે. અમુકે તો તેલુગુ બોલતાં જ નહીં, લખતાં-વાંચતાં પણ શીખી લીધું છે.
દોમાકોન્‍ડાનો કિલ્લો 
હૈદરાબાદથી આવતાં અંગ્રેજી અને હિન્દી છાપાં કે બીજે દિવસે મળતાં ગુજરાતી છાપાંને બદલે રોજ સવારે વાંચવા મળતું તેલુગુ દૈનિક ‘ઇનાડુ’ તેમને વધુ ફાવી ગયું છે. પોતાના સમાજથી હજારો કિલોમીટર દૂર રહેતા આ ગુજરાતીઓએ અહીં પોતાનો આગવો સમાજ ઉભો કરી લીધો છે અને દિવાળી, નવરાત્રિ જેવા ઉત્સવો સાથે મળીને ઉજવે છે. ગુજરાતી હોય એ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવ્યા વિના કેમ રહી શકે? અને પતંગ ચગાવે એ બીજાની પતંગ કાપ્યા વિના કેમ રહી શકે? પતંગ કાપનાર અડધું ગામ સાંભળે એવી બૂમો પાડ્યા વિના શી રીતે રહી શકે? અહીં તેલંગણામાં ઉત્તરાયણ એટલે પોંગલ.
પોંગલની રંગોળી 
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે થતી આકાશી રંગોળીને બદલે આ વિસ્તારમાં જમીન પર રંગો વડે રંગોળી કરવામાં આવે છે. પતંગનું અહીં ખાસ માહાત્મ્ય નથી, પણ અહીં વસતા પતંગપ્રેમી ગુજરાતી પરિવારોએ પોતાના આનંદ માટેનો રસ્તો કાઢી લીધો છે. તેઓ સ્થાનિક લોકોને પોતાના પૈસે પતંગો લાવી આપે છે અને તેમની પાસે તે ચગાવડાવે છે. એટલું જ નહીં, તેની સાથે પેચ લડાવીને પતંગ કાપ્યાનો આનંદ પણ લે છે. સામેવાળાની પતંગ કપાય ત્યારે તેલંગણાના આ ગામોમાં ‘એ કાટ્ટા’ના પોકાર ગુંજી ઉઠે છે.

બીડી વાળતાં આવડે છે?

હરિભાઇ દેસાઇ બીડી, શિવાજી બીડી, યેવલા બીડી, ચાર ભાઇ બીડી, જસવંત છાપ ટેલીફોન બીડી જેવી અનેક બ્રાન્ડના બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં કાર્યરત છે, જેઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે લાખો લોકોને રોજી આપે છે. આ ઉત્પાદકો છેક અહીં આવવાનું કારણ શું? પચાસના દાયકામાં આ વિસ્તારમાં નિઝામ રાજ્યનાં નાણાં ‘હાલી’નું ચલણ ચાલુ હતું. એક હાલીની કિંમત બાર આના જેટલી થતી. ભારત આખામાં ભલે ત્યારે રૂપિયા કે પૈસાનું ચલણ હોય, અહીંના લોકો ‘હાલી’ના દરે જ બીડી વાળવાનું કામ કરતા. મજૂરીના દરના આ દેખીતા ફરકને લઈને બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં પ્રવેશ્યા.
એક જમાનામાં આ કંપનીઓ વચ્ચે એટલી સ્પર્ધા હતી કે બીડી વાળનાર સ્ત્રીઓની ભરતી કરવા માટે તેમને કંપની દ્વારા સાડીની લાલચ આપવામાં આવતી. વખત જતાં દરેક કંપનીના પોતાના નિર્ધારીત બીડી વાળનારા થઇ ગયા છે.
સ્વમાનભેર જીવવામાં સહાયક એવો બીડી વાળનારનો સરંજામ  
મુખ્યત્વે પદ્મશાલી જાતિની સ્ત્રીઓ બીડી વાળવાનું કામ કરતી. હવે તો આ કામ તમામ જાતિની સ્ત્રીઓ કરી રહી છે. અહીંના ઉચ્ચ વર્ગ ગણાતા રેડ્ડી, રાવ, કાપૂ, કમ્મા ઉપરાંત મુસ્લિમ કુટુંબોની સ્ત્રીઓ હવે બીડી વાળવાનું કામ સ્વીકારવા માંડી છે.જો કે,પદ્મસાળી સ્ત્રીઓ જેટલી કુશળતા તે હજી પ્રાપ્ત કરી શકી નહીં હોવાની વ્યાપક માન્યતા છે. પુરુષો મોટે ભાગે ખેતમજૂરી યા અન્ય છૂટક મજૂરી કરે છે. પદ્મશાળીઓ વરસોથી આ કામમાં જોડાયેલા હોવાને કારણે આ માન્યતા સત્ય હોવાની પૂરેપૂરી સંભાવના છે. પદ્મશાળી એટલે અસલમાં હાથસાળ પર કામ કરતી અહીંની વણકર જાતિ. સાદૂલ, ગોલી, સંદરી, અંકમ, દાસરી, ચીલ્કા, આડેપૂ, મ્યાકા, વુસ્સકોય્યન, પુલગમ વિ.જેવી અટકો ધરાવતી આ જાતિના લોકો આંધ્ર પ્રદેશના તેલંગણા વિસ્તારના કરીમનગર, સીરસીલ્લા, વિમલવાડાની આસપાસના વતની હોય છે. પોતાના કામ પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા,વફાદારી,લગન અને સખત મહેનત આ જાતિની ખાસિયત છે.
હાથસાળનો યુગ પૂરો થયો અને યાંત્રિક સાળે તેનું સ્થાન લેવા માંડયું,જેના પરિણામે મોટાં શહેરોમાં કાપડની મીલો ધમધમવા માંડી.પદ્મસાળી લોકોએ બદલાયેલા પ્રવાહને અનુરૂપ યાંત્રિક સાળના સંચાલનમાં જાતને કેળવવા માંડી અને જોતજોતાંમાં યાંત્રિક સાળના ઉસ્તાદ થઇ ગયા.થોડા સમયમાં પરિસ્થિતિ એવી થઇ ગઇ કે કાપડની મીલો હોય તે દરેક સ્થળે તેનું સંચાલન પદ્‌મસાળીઓના હાથમાં જ હોય. અમદાવાદ, સુરત, ભિવંડી, સોલાપુર જેવાં કપડાંની મિલોના કેન્દ્રોમાં તેમણે સ્થળાંતર કરવા માંડયું અને કુશળતા, સૂઝબૂઝ તેમજ નિષ્ઠાના પોતાના મૂળભૂત ગુણોને કારણે બહુ ઝડપથી તેમણે માલિકોનો વિશ્ચાસ સંપાદન કરવા માંડયો. શ્રમજીવી હોવાને કારણે ઘરની સ્ત્રીઓ પણ નવરી બેસી રહેવાનું પસંદ ન કરે. તેઓે ઘેર બેસીને બીડીઓ વાળવાનું કામ કર્યા કરતી.બીડી વાળવાનું કામ આજે તો પદ્મસાળી સ્ત્રીઓની ઓળખ સમાન બની રહ્યું છે.
આ જ્ઞાતિની સ્ત્રીઓ એક રસપ્રદ વાત જાણવા મળી. સોલાપુર જેવા કાપડની મીલોના કેન્દ્ર જેવા વિસ્તારોમાં પદ્મસાળીઓની બહુમતી છે અને તેઓ આ ઉદ્યોગથી બે પાંદડે થયા છે.અમુક તો મિલની માલિકી ધરાવવા સુધી પહોંચ્યા છે. આમ છતાં તેમના કુટુંબની સ્ત્રીઓએ બીડી વાળવાની પરંપરા ચાલુ રાખી છે.ઘેર બેસીને વાળેલી બીડીઓ તેઓ નોકર દ્બારા કંપની પર પહોંચતી કરે છે. સામાન્ય રીતે જેમ સ્ત્રીઓ માટે રસોઇ આવડવી અનિવાર્ય ગણાતી તેમ પદ્મસાળી કુટુંબની સ્ત્રીને બીડી વાળતાં આવડવું પાયાની લાયકાત ગણાય છે. પદ્મસાળી સ્ત્રીઓ કેવળ બીડી વાળવાનું જ કામ કરે છે એવું નથી. ઘણા સેન્ટરમાં ચેકર અને પેકરનું કામ પણ સ્ત્રીઓ જ કરે છે. ભાગ્યમ્મા, સુભદ્રા, કે.યેલ્લવા, એન.રેખા જેવી સ્ત્રીઓએ કદાચ પુરુષ સમોવડીશબ્દ સાંભળ્યો હશે કે નહીં એની ખબર નથી,પરંતુ અન્ય સેન્ટરોમાં મોટે ભાગે પુરુષો દ્બારા કરાતું કામ તેઓ બિલકુલ સહજભાવે કરે છે- પુરુષ સમોવડીનો કોઇ ભાવ મનમાં રાખ્યા વિના!
'પુરુષ સમોવડી' એટલે શું? અમે અમારું કામ કરીએ છીએ, બસ. 
બીડી વાળનાર સ્ત્રીઓમાં મોટે ભાગે એવું બને છે કે તેમની માતા એક કંપની માટે કામ કરી ચૂકી હોય,પોતે પણ એ જ કંપની માટે કામ કરતી હોય અને પરણીને સાસરે જાય તો સાસુ પણ એ જ કંપની માટે બીડીઓ વાળતી હોય.
માત્ર બીડી વાળનારી સ્ત્રીઓ જ નહીં, મોટા ભાગના ઠેકેદારો કંપની માટે નિષ્ઠાપૂર્વક કામ કરે છે. મુસ્તુફાનગરના દૂદેડા નરસૈયા, કાંચાપુરના શ્રીરામ રાજૈયા, દોમકોન્ડાના રવિ અને ચીન્તલ મનોહર વેન્કટી ,જનગામના લક્ષ્મીનારાયણ કે નિર્મલના એ.રામલૂ જેવા ઠેકેદારો માટે આ કામ કેવળ ઠેકેદારીનું નહીં,પરંતુ આજીવિકા રળી આપતા પવિત્ર વ્યવસાયનું છે.તેમની સાથેની વાતચીતમાં આ ભાવ સતત પડઘાયા કરે છે.રવિ અને ચીન્તલ મનોહર વેન્કટીએ પોતાના પિતાજીના અવસાન પછી તેમના વ્યવસાયને સંભાળી લીધો છે. કંપની સાથેના પોતાના કુટુંબના સંબંધ અંગે તેઓ લાગણીપૂર્વક કહે છેઃઅમે આ કંપનીનું નમક ખાધું છે.છેક સુધી અમે કંપની માટે કામ કરતા રહીશું.

આરોગ્ય માટે હાનિકારક, અર્થતંત્ર માટે લાભકારક

બીડી બનાવવી એટલે શું? એમાં કંઈ રોકેટ સાયન્‍સ નથી.આવું કોઈ પણ કહી શકે અને એ સાચી વાત છે. પણ કેવળ રોકેટ સાયન્‍સ ન હોય એટલા માત્રથી જ એ કંઈ તુચ્છ કે સામાન્ય બાબત બની જતી નથી. સ્વાદિષ્ટ દાળ બનાવવામાંય કયું રોકેટ સાયન્‍સ સમાયેલું છે! અને છતાંય એ કંઈ બધાને ફાવી જાય એમ બનતું નથી. જિજ્ઞાસા અને કૂતુહલ ખાતર પણ આ વિસ્તારની બીડી કંપનીની કાર્યપદ્ધતિ જોવા જેવી છે.
ગમ્પામાં મૂકાયેલી બીડીઓ 
મુખ્યત્વે ખેડા જિલ્લાના ચરોતર પ્રદેશમાં પેદા થતી તમાકુ મિશ્રીત સ્વરૂપે અહીં લાવવામાં આવે છે. તમાકુને ભરવા માટે વપરાતાં ટીમરૂનાં પાનાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ તેમજ ક્યારેક ઓરિસ્સાના જંગલોમાંથી લવાય છે. બીડી કંપની અને બીડી વાળનાર (રોલર) વચ્ચે કડીરૂપ હોય છે ઠેકેદાર. કંપની પાસેથી તમાકુ અને ટીમરૂનાં પાન લઇને તે બીડી વાળનાર સ્ત્રીઓને આપે છે. એક સ્ત્રી પોતાના ઘરકામ સિવાયના સમયમાં રોજના સરેરાશ પાંચથી છ કલાક કામ કરે તો સરેરાશ છસ્સોથી સાતસો બીડી વાળી શકે. બીડીઓ વાળીને તેને ઝૂડી સ્વરૂપે ઠેકેદારને આપવાની હોય છે. આ ઝૂડીઓ ‘કટ્ટા’ તરીકે ઓળખાય છે. એક ઠેકેદારના હાથ નીચે ચાલીસથી સાઠ સ્ત્રીઓ કામ કરતી હોય છે, જે મોટે ભાગે પોતાને ઘેર બેસીને જ બીડીઓ વાળે છે. દરરોજ સવારે પોતાની પાસે જમા થયેલા બીડીના કટ્ટાઓને મોટા ટોપલામાં મૂકીને ઠેકેદાર તેને જે તે કંપનીના સેન્ટર પર પહોંચાડે છે. વાંસના બનેલા આ મોટા ટોપલાને ‘ગમ્પા’ કહે છે. 
સેન્ટર પર 'ગમ્પા'નું આગમન 
બપોરના બાર વાગ્યા સુધીમાં આવા અનેક ‘ગમ્પા’ દ્વિચક્રી વાહનો પર લઇ જવાતા જોવા મળે. કંપનીના સેન્ટર પર ‘ગમ્પા’માંની બીડીઓને ચકાસવામાં આવે છે અને બરાબર ન લાગે એવી બીડીઓને બાજુ પર કાઢ્યા પછી પેકીંગ કરવામાં આવે છે. ગુણવત્તામાં નાપાસ થયેલી બીડીઓ ‘છાંટ’ તરીકે ઓળખાય છે. બીડી વાળનારી સ્ત્રીઓ કંપનીની કર્મચારી ગણાય છે અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નિર્ધારીત કરાતા દર મુજબ તેમને પ્રોવિડન્ટ ફંડ, ઇન્સ્યોરન્સ જેવી સવલતો મળે છે. માન્યામાં ન આવે પણ ઘરની અર્થવ્યવસ્થામાં આ સ્ત્રીઓની આવકનો હિસ્સો પુરુષના હિસ્સા જેટલો જ અથવા મોટે ભાગે તેના કરતાં વધુ હોય છે. દેસાઈ બીડી જેવી કંપનીએ તો આઈ.એસ.ઓ. ૯૦૦૧: ૨૦૦૦નું આંતરરાષ્ટ્રીય કક્ષાનું  ગુણવત્તા માટેનું પ્રમાણપત્ર પણ મેળવ્યું છે. 
બીડીના 'કટ્ટા' ગણતા કર્મચારીઓ 
બીડી કંપની અને તેનાં આ કેન્દ્રોને સ્થાનિક લોકો શી રીતે જુએ છે? એક નમૂનેદાર કિસ્સો સાંભળવા મળ્યો.
એક કંપનીના સેન્ટરની બહાર તેના બે હોદ્દેદારો ઉભા હતા. એક મેનેજર રાવસાહેબ તેલુગુ હતા, અને બીજા મેનેજર પટેલસાહેબ ગુજરાતી હતા. સેન્ટરમાં ઓડિટનું કામ ચાલુ હતું. સેન્ટરની બાજુમાં જ એક મંદિર આવેલું છે. ભરબપોર હોવાથી રસ્તા પર અવરજવર સાવ પાંખી હતી. રાવે મજાકમાં પટેલસાહેબને કહ્યું,“જોયું?ભગવાન બિચારો ભરબપોરે એકલોઅટૂલો ઉભો છે. છે કોઇ એનો ભાવ પૂછનાર?” બન્ને આ મજાક પર હસ્યા. થોડી વાર પછી ગામનો એક વૃધ્ધ ત્યાંથી પસાર થયો. તેણે મંદિરના ઉંબરાને બદલે સેન્ટરના ઉંબરે હાથ લગાડ્યો અને ભક્તિભાવપૂર્વક પોતાના કપાળે સ્પર્શ કર્યો. આ જોઇને બંને મેનેજરને વધુ હસવું આવ્યું. તેમને લાગ્યું કે આ કાકાની આંખોની બેટરી ડાઉન થઇ ગઇ લાગે છે એટલે મંદિરને બદલે સેન્ટરના ઉંબરાના દર્શન કરી રહ્યા છે. પટેલસાહેબે તેલુગુ બોલીમાં કાકાને પૂછયું, “કાકા, મંદિર તો આ બાજુ છે. તમે ત્યાં પગે લાગવાને બદલે અહીં કેમ પગે લાગો છો ? ઠેકાણું ભૂલ્યા કે શું ?”
પોતાને પ્રશ્ન પૂછનાર પટેલસાહેબ પાસે તે વૃધ્ધ આવ્યા. ફરી તેમણે બે હાથ જોડયા અને કહ્યું,“સાહેબ, હું ઠેકાણું નથી ભૂલ્યો.સાચું મંદિર તો આ જ છે.મંદિરનો ભગવાન અમને શું આપે છે ? એ તો ઉલટાનો અમારી પાસેથી લે છે.એને બદલે તમારું સેન્ટર આ ગામમાં છે તો ગામની સ્ત્રીઓને રોજી મળે છે.સેન્ટરમાં તમારો સ્ટાફ રહે એને લીધે ગામમાં એકાદબે ચાની લારીઓ કે કરિયાણાની દુકાનો નભી જાય છે.અમારું ગામ આની પર તો ટકી રહ્યું છે,સાહેબ.મારો તો આ રોજનો નિયમ છે કે અહીંથી પસાર થતાં સેન્ટર પર પ્રણામ કરવાના.લ્યો,આવજો સાહેબ.
આટલું બોલીને એ વૃધ્ધ ચાલતા થઇ ગયા. રાવસાહેબ અને પટેલસાહેબ અવાચક!  

**** **** ****
મુસ્તુફાનગરમાં બીડી વાળવાનું કામ કરતી સુજાતા ચીલ્કા,સીદ્દીપેટની રુકમબાઇકરિમનીસ્સાનિર્મલની નાગમન્ની,શારદા જેવી કેટલીયે સ્ત્રીઓ ઘરનો અડધોઅડધ ભાર પોતાના ખભે ઉપાડી લે છે.તેમના પતિદેવોને ખેતમજૂરીનું કામ મળે કે ન મળે,આ બહેનોની આવક વરસ આખું ચાલ્યા કરે છે. કયારેક કોઇ સામાજિક પ્રસંગે બહારગામ જવાનું થાય તો પણ બીડીઓ વાળવાનું પોતાનું કામ પતાવીને જવાની ચીવટ તે રાખે છે.ચીલ્કા મનેવા જેવી ઘણી સ્ત્રીઓના પતિ નોકરી માટે અખાતી દેશોમાં ગયેલા છે. પરંતુ ઘરનો ખર્ચ તે પોતે જ બીડીઓ વાળીને કાઢી લે છે.
સમય પસાર કરવા નહીં, ઘર ચલાવવા માટેનો મહત્વનો સ્રોત  
મોટા ભાગની બીડી વાળનારી સ્ત્રીઓ તેલુગુ સિવાયની અન્ય બોલી જાણતી નથી.તેમની સાથે વાતચીત કરવા માટે મોટે ભાગે જે તે સેન્ટરના કોઇ પટેલભાઇની મદદ લેવી પડે. તેલુગુ સિવાયની બોલી જાણતી ન હોવા છતાં તે પોથી’ ‘કટ્ટા’, છાંટ’, આવક’,‘શેઠ’, ધાગા’, ફરમા જેવા બિનતેલુગુ શબ્દો સરળતાથી વાપરે છે.
સાસુ અને વહુ બન્ને આ કામ કરે. 
આ વિસ્તારમાં વાળવામાં આવતી બીડીઓનું મુખ્ય બજાર ઉત્તર ભારતમાં, ખાસ કરીને રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં છે. એ રીતે મામૂલી જણાતી બીડી રાષ્ટ્રીયતાનું પ્રતીક કહી શકાય. બીડી વાળનારી સ્ત્રીઓ ધૂમ્રપાન કરતી નથી. ભાગ્યે જ કોઇ ઠેકેદાર કે બીડી કંપનીના અધિકારી પણ ધુમ્રપાન કરતા જોવા મળે. આમ છતાં ‘આરોગ્ય માટે હાનિકર્તા’ ગણાતી આ ચીજ પર આ વિસ્તારના અર્થતંત્રની તંદુરસ્તી નિર્ભર છે. અહીંના કુદરતી સંજોગો એટલા પ્રતિકૂળ છે કે અન્ય ઉદ્યોગનો વિકાસ થવાની સંભાવના બહુ જ પાતળી છે. હવે અલાયદા થયેલા તેલંગણામાં પણ એ થઇ શકશે કે કેમ એ તો સમય જ બતાવશે. મેઘાણી રચિત બીડી વાળનારાંનું ગીત કમ સે કમ આ વિસ્તારની સ્ત્રીઓને લાગુ પડતું હોય એમ લાગતું નથી. ક્યારેક બીડી વાળનારી સ્ત્રીને વિચાર આવે કે ‘ અમે આટલી મહેનત કરીને વાળેલી બીડી કોણ પીતું હશે?’, ત્યારે રાજસ્થાનના કોઇક ગામડામાં બીડી પીતા મૂછાળા વૃદ્ધને પણ વિચાર આવે છે કે ‘મને આટલી લિજ્જત આપનારી બીડી કોણે વાળી હશે?’ એકબીજાને કદી મળ્યા ન હોય કે મળવાની સંભાવનાય ન હોય એવી વ્યક્તિઓને એકસમાન વિચારો આવે એને જ રાષ્ટ્રીય એકતા કહેવાય? કે પછી પોતાના સહિયારા સ્વાર્થ માટે સંપી જતા નેતાઓના જોડાણને રાષ્ટ્રીય એકતા કહેવાય? આ પ્રશ્નના જવાબ માટે હજી એકતા સધાઇ નથી.

(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

Thursday, August 8, 2013

તેલંગણા પ્રવાસ: કેટલીક સ્મૃતિઓ (૧)


(અલગ તેલંગણાની માંગણી અવારનવાર થતી રહેતી હતી અને એ માટે ઉગ્ર તોફાનો પણ થતાં હતાં. આખરે તેલંગણાને ભારતના ૨૯ મા રાજ્ય તરીકે મંજૂરી આપવામાં આવી. એક પક્ષ તેલંગણાને અલગ કરવાની પ્રબળ રજૂઆત કરે અને બીજો પક્ષ તેના અલગ થવા સામે પ્રચંડ વિરોધ નોંધાવે, વિરોધીઓ અને તરફેણ કરનારાઓ તોફાને ચડે- આ બધું સાંભળીને આશ્ચર્ય થાય કે આખરે છે શું આ તેલંગણા? અને તેના વિરોધમાં કે સમર્થનમાં આટલું રાજકારણ શા માટે? તેલંગણાને ગુજરાત સાથે કશી લેવાદેવા ખરી? ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય ખરા? આવા સવાલો પણ મનમાં જાગે.
૨૦૦૬માં એક કામ માટે તેલંગણા વિસ્તારમાં જવાનું બન્યું, એટલું જ નહીં, ત્યાંના સાવ છેવાડાના કહી શકાય એવા કેટલાય ગામડાંઓમાં જઈને અનેક લોકોને મળવાનું, તેમની સાથે વાતો કરવાનું બન્યું. કામ મારું એકલાનું હતું, પણ સાથે મારો આખો પરિવાર હતો. દરરોજ સવારે જીપમાં નીકળી જવાનું, સાથે એક કે બે સ્થાનિક વ્યક્તિ હોય એની સાથે વારાફરતી ગામોમાં જવાનું, ત્યાં અનેક લોકો સાથે વાતચીત કરવાની, જેમાં કામની વાતચીત ઉપરાંત અંગત જીજ્ઞાસા સંતોષવા માટેની પણ હોય, આકરા તાપમાં આખો દિવસ કાચાપાકા રસ્તે દિવસ દરમ્યાન ચારથી પાંચ ગામડાં ફરી વળવાનાં અને સાંજ સુધીમાં એટલે કે અંધારું થતાં પહેલાં પાછું ઉતારે આવી જવાનું. સતત ચાર દિવસ સુધી સવારથી સાંજ આવી રખડપટ્ટી ચાલી.
પહેલા બે દિવસ ઉતારો નિઝામાબાદમાં હતો, અને બીજા બે દિવસ કામારેડ્ડીમાં રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. એ સમયે ડીજીટલ કેમેરા હતો નહીં, એટલે રોલવાળો કેમેરા હતો. ફોટા લેવાની સંખ્યાની મર્યાદા નડે એ સ્વાભાવિક છે.  
જે મુખ્ય કામ માટે જવાનું ગોઠવાયું હતું એ કામ પછી તો અભેરાઈ પર મૂકાઈ ગયું. પણ તેલંગણામાં ગાળેલા એ ચાર દિવસ હજીય સ્મૃતિમાં અંકાયેલા રહ્યા છે. એ ચાર દિવસનો અહેવાલ એટલે આ પોસ્ટ.
એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ લખાણ દીપક સોલીયાના સંપાદન હેઠળના માસિક અહા!જિંદગીમાં પ્રકાશિત થયું હતું. અહીં એ ઉપરાંત ઘણી વધારાની વિગતો ઉમેરી છે, સંદર્ભો બદલ્યા છે અને વધુ તસવીરો મૂકી છે.)

 ‘ગેંગ કા આદમી હૈ.’

આખરે તેલંગણા/Telangana ને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ખરો. ભારતનું તે ૨૯મું રાજ્ય બન્યું. તેલંગણાની છાપ એવી છે કે તેનું નામ કાને પડતાં જ સૌથી પહેલાં નક્સલવાદીઓ યાદ આવે. ભલે ને નક્સલવાદીઓનું ઉદ્‍ગમસ્થાન પશ્ચિમ બંગાળ/West Bengal નું નક્સલબારી/Naxalbari ગામ હોય! આરંભે અનેક નક્સલવાદી જૂથો અહીં સક્રિય હતા, જેમાં અગ્રણી ગણાતું જૂથ હતું ‘પીપલ્સ વૉર ગૃપ’/Peoples' War Group. આ જૂથોનો મુખ્ય ઉદ્દેશ હતો સમાન અર્થવ્યવસ્થા સ્થાપવાનો,અને તેમની મુખ્ય શત્રુ હતી સરકાર. તેમની મુખ્ય પ્રવૃત્તિ ભાંગફોડની જ રહેતી. રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, કચેરી જેવી સરકારી ઇમારતો તેમનું નિશાન રહેતી. કેમ જાણે રેલ્વે સ્ટેશનની ઇમારત ઉડાડી દેવાથી સમાન અર્થવ્યવસ્થા સ્થપાઇ જવાની ન હોય! અહીં મુખ્યત્વે રેડ્ડી જમીનદારોનું વર્ચસ્વ હતું, જેમની સામે અસંતોષ ઘણો હતો. આચાર્ય વિનોબા ભાવે/Vinoba Bhave એ આ કારણે જ પોતાની ભૂદાન ચળવળનો આરંભ તેલંગણા વિસ્તારમાંથી કરેલો અને સૌ જમીનદારો સ્વૈચ્છિક રીતે પોતાની જમીન ભૂમિહીનોને અર્પણ કરી દે એવો ખ્યાલ સેવેલો.
ભૂદાનનો આરંભ કરનાર રામચંદ્ર રેડ્ડી 
૧૯૫૧માં હૈદરાબાદ/Hyderabad નજીકના શિવરામપલ્લી/Shivrampally માં યોજાનારા સર્વોદય સંમેલનમાં વિનોબાને હાજરી આપવાનું નક્કી થયું એ સાથે જ તેમણે નક્કી કર્યું કે પોતે પોતાના પવનાર આશ્રમથી શિવરામપલ્લી સુધી પગપાળા જશે. તેલંગણા વિસ્તાર તેમણે પસાર કરવાનો થાય, જેમાં સામ્યવાદીઓ તરીકે પોતાની જાતને ઓળખાવતા તત્ત્વોનો ભારે આતંક હતો. અનેક ગામો રસ્તામાં આવતાં હતાં. અહીં અનેક લોકો તેમની સાથે જોડાતા, રામધૂન ચાલતી, લોકમિલન યોજાતું, જેમાં દાદફરિયાદ સાંભળવામાં આવતી- બિલકુલ ગાંધીજીની પદ્ધતિએ. વર્ગભેદનાબૂદી અને સ્વાવલંબન પર વિશેષ ભાર મૂકાતો.
આવા એક મિલન દરમ્યાન નાલગોન્‍ડા/Nalgonda જિલ્લાના પોચમપલ્લી/Pochampally ગામે બે હરીજનોએ જણાવ્યું કે તેમની પાસે એક તસુ જમીન નથી. આજીવિકા માટે તેમણે જમીનની માંગણી કરી. એ જ વખતે ગામના આગેવાન રામચંદ્ર રેડ્ડીએ તેમને પોતાની જમીનમાંથી અમુક હિસ્સો આપવાની તૈયારી બતાવી.

તેલંગણામાં વિનોબાની પદયાત્રા 
આ માંગણી અને તેની તરત થયેલી પરિપૂર્તિને કારણે વિનોબાના મનમાં ભૂદાનયજ્ઞનો વિચાર જન્મ્યો. ગામના લોકોને વિનોબા સમજાવતા અને કહેતા, “જમીન મેળવવાના ત્રણ રસ્તા છે. એક તો સામ્યવાદી કરે છે એ રીતે ધનિકોની હત્યા કરીને જમીન પડાવી લેવી. બીજી છે કાયદા અને બંધારણની રીત, જેમાં સરકાર કાયદો બનાવે ત્યાં સુધી રાહ જોવાની થાય અને પછી ફરજિયાતપણે જમીન આપી દેવાની થાય. ત્રીજો રસ્તો છે તેને દાનરૂપે આપવાનો.”  ત્રીજી પદ્ધતિમાં આપનારના પક્ષે મદદરૂપ થવાની ભાવના હતી, અને લેનારના પક્ષે લાચારી નહોતી.
વિનોબાના આ વિચારથી તેલંગણાના જમીનદારો ઘણા પ્રભાવિત થયા અને નાનામોટા ૫૦૦ જમીનદારોએ ૧૪,૦૦ એકર જમીન દાનમાં આપી. આજે માત્ર સાઠ વરસ પછી આ વાત માનવામાં ન આવે એવી લાગે છે. ઘણાને હાસ્યાસ્પદ લાગે તોય નવાઈ નહીં.
આરંભિક સફળતા પછી લાંબા ગાળાના પરિણામરૂપે જમીનદારોના વર્ચસ્વમાં અને ખેડૂતોની હાલતમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થયો નહીં અને નક્સલવાદીઓની સમાંતર શાસનવ્યવસ્થા અહીં જારી રહી. ક્યારેક ભાંગફોડનો કોઇ મોટો બનાવ બને ત્યારે જ દેશના અન્ય ભાગોમાં તેના સમાચાર ચમકતા, બાકી તો રુટિન ભાંગફોડ થયા કરતી.

તેલંગણાના એક ગામનું દૃશ્ય 
નિઝામાબાદ/Nizamabad  જિલ્લામાં આવેલા ધરપલ્લી નામના સાવ નાનકડા ગામમાં આવેલા પોલીસ સ્ટેશનને જોઈને કોઇ લશ્કરી છાવણી હોવાનો ભાસ થાય. દરવાજાની બાજુમાં જ રેતીની ગુણોની થપ્પીની પછવાડે ભરી બંદૂકે તૈનાત પોલીસમેન ઉભેલા હોય એ સામાન્ય દૃશ્ય છે. નક્સલવાદીઓ વિષે ઝાઝી પૂછપરછ પણ ન કરવાની ચેતવણી-કમ-સૂચના મળી હતી, કેમ કે જેને પૂછીએ એ વ્યક્તિ પણ નક્સલવાદીઓનો મળતીયો કે ખબરી હોવાની પૂરેપૂરી સંભાવના. આ જાણ્યા પછી તો ‘અંગૂર’ ફિલ્મના સંજીવકુમારની જેમ દરેક ગ્રામજન આપણને ‘ગેંગ કા આદમી’ જેવો જ જણાય. વચ્ચે થોડા સમય માટે નક્સલવાદીઓને તાલિમ આપવા માટે એલ.ટી.ટી.ઇ.ના ગેરીલાઓ પણ આવ્યા હતા, એવી અનધિકૃત માહિતી જાણવા મળી. આવી બાબત અધિકૃત રીતે જાણવા મળે એ સંભવ પણ નથી, પણ સ્થાનિક માણસો કહે તો તેમાં સત્યનો અંશ હોવાની શક્યતા પૂરેપૂરી.


ગામનાં મોટાં ભાગનાં મકાનો આવાં જ દેખાય 
1953 ની 1 ઓક્ટોબરના રોજ સ્વતંત્ર ભારતમાં ભાષાના આધારે સૌ પહેલું રાજ્ય બન્યું આંધ્ર પ્રદેશ. ત્યાર પછી ત્રણ વરસે એટલે કે 1 ઓક્ટોબર, 1956ના રોજ જૂના હૈદરાબાદ રજવાડાના નવ તેલુગુભાષી જિલ્લાઓ આંધ્ર પ્રદેશમાં જોડાયા. આજે સત્તાવન વરસ પછી ફરી એક વાર આ જિલ્લાઓ અલગ પાડીને તેલંગણા રાજ્યની ઘોષણા કરવામાં આવી છે. નવ જિલ્લાઓના આ વિસ્તારમાં આદીલાબાદ, નિઝામાબાદ, કરીમનગર, વારાંગલ, મેદક, ખમ્મમ, નાલગોન્ડા, રંગારેડ્ડી તેમજ હૈદરાબાદનો સમાવેશ થાય છે. વચ્ચેનો અમુક સમયગાળો એવો હતો કે જ્યારે અન્ય દરેક બાબતોની જેમ નક્સલવાદીઓ માટે પણ કહી શકાય એમ હતું કે ‘તેઓ પહેલાના જેવા રહ્યા નથી.’ કેમ કે તેઓ ભાંગફોડની હિંસક પ્રવૃત્તિઓ ઓછી કરીને ખંડણીની અહિંસક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા. એમ પણ સાંભળવા મળેલું કે આ રીતે એકઠા કરેલા કરોડો રૂપિયા લઇને તેઓ મોટા શહેરોમાં ચાલ્યા જાય છે, ગંજાવર પ્રોપર્ટી ખરીદે છે અને ત્યાં જ સ્થાયી થઇ જાય છે. પણ તેલંગણા વિસ્તારમાં ફરીએ તો પહેલો વિચાર એ આવે કે અહીં તેઓ કોની પાસે ખંડણી માંગતા હશે? આખો વિસ્તાર મોટે ભાગે અછતગ્રસ્ત અને ગરીબ જણાય. એવા કોઇ ઉદ્યોગગૃહો સ્થપાયેલાં દેખાતાં નથી. એ જવાબ પણ બહુ ઝડપથી મળી ગયો.
દેશના અગ્રણી બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં પોતાનાં ઉત્પાદન એકમો ધરાવે છે, અને જરાય અતિશયોક્તિ વિના કહી શકાય કે તેલંગણા વિસ્તારના અર્થતંત્રનો મુખ્ય આધાર હોય તો આ બીડી ઉત્પાદકો. વરસોથી આ વિસ્તારની સ્ત્રીઓ બીડીઓ વાળવાનું કામ કરે છે. તેમના થકી બીડી કંપનીઓ અને બીડી કંપનીઓ થકી આ વિસ્તારના લોકો ટક્યા છે, એટલું જ નહીં, સમૃદ્ધ પણ થયા છે. અલબત્ત, અન્ય કોઇની સરખામણીએ નહીં, પણ પોતાની જ અગાઉની સ્થિતિની સરખામણીએ. સ્વાભાવિકપણે જ નક્સલવાદીઓ આ વાત જાણે છે, પરિણામે આ વિસ્તારમાં છૂટથી હરતાફરતા બીડી કંપનીના અધિકારીઓ અને માલિકોને નક્સલવાદીઓ તરફથી અન્ય કોઇ રંજાડ કે અપહરણનો ખોફ નથી. તેઓ વારે તહેવારે પોલીસખાતાના, જંગલખાતાના તેમજ અન્ય સરકારી ખાતાઓના અધિકારીઓની જેમ ઉઘરાણું કરી લે એટલે તત્પૂરતી વાત પૂરી. અપહરણ કે ખૂનામરકી તેઓ બીડી ઉત્પાદકો પર અજમાવતા નથી, કેમ કે આ વિસ્તારમાં બારમાસી રોજગારીનો એક માત્ર સ્થાયી સ્રોત આ જ છે. કંપનીના એક અધિકારીના જણાવ્યા મુજબ ફરક એટલો જ છે કે નક્સલવાદીઓના સ્થિતિસ્થાપક અભિગમને કારણે તેમણે માંગેલી રકમમાં બાર્ગેનીંગ પણ કરી શકાય છે, જ્યારે સરકારી ખાતાંઓનો દર નિર્ધારીત હોય છે.
નક્સલવાદીઓ પોતાની છબિ ખરડાય નહીં એની તકેદારી પણ રાખે છે. એક રસપ્રદ ઘટના અમને સાંભળવા મળી. આ વિસ્તારના બીડીનાં કેન્દ્રો પર મહિનાની આખર તારીખે પગાર ચૂકવાય છે. આ વાત સૌ જાણતા જ હોય છે. આવી એક કંપનીની એમ્બેસેડર કારમાં પગારની રોકડ રકમ લઇને તેના બે અધિકારીઓ જઇ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરે રસ્તામાં આડશરૂપે મૂકાયેલા મોટા પથ્થરો જોયા. તત્ક્ષણ બ્રેક મારીને તેણે કાર ઉભી કરી દીધી. ટાયરોની ચીચીયારી સાથે કાર ઉભી રહી ગઈ. એ સાથે જ જાણે કે હવામાંથી પ્રગટ થયા હોય એમ થોડા બુકાનીધારીઓ આવી ગયા. તેમણે કારને ઘેરી લીધી. કારના ચારેય ટાયરની હવા કાઢી નાંખી.  બંદૂકની અણીએ કારમાં બેઠેલા ત્રણેય જણને તેમણે બહાર કાઢ્યા. 


અહીં જ તેમણે અમને આંતર્યા હતા.. 
એ સૌને તે રસ્તાની કોરે આવેલા ગાઢ જંગલમાં દોરી ગયા. ચાલીને ખાસ્સું અંદર ગયા પછી એક જગાએ તે ઉભા રહી ગયા. પેલા કર્મચારીઓના હાથમાં રહેલી પગારના રૂપિયા ભરેલી પેટી આંચકી લીધી અને તેમને ત્યાં જ ઉભા રહી જવા ગયું. પોતે જવાની તૈયારી કરી અને જતાં જતાં ધમકી આપતા ગયા કે ખબરદાર, હાલ્યાચાલ્યા છો તો. અમારા માણસો તમારા પર નજર રાખી રહ્યા છે. સહેજ બી હિલચાલ કરશો તો ઉડાડી દેવામાં આવશે. ડરી ગયેલા કર્મચારીઓ ઘણો સમય સુધી એમના એમ ઉભા રહ્યા. આસપાસમાં કોઇની અવરજવર ન વરતાઇ એટલે ત્રણેય બંધકોએ હિંમત એકઠી કરી અને બહારની તરફ ચાલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે મુખ્ય રસ્તા પર આવ્યા. ચાલતા ચાલતા નજીકના ગામે ગયા અને પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલિસસ્ટેશનની પરંપરા મુજબ શંકાની સોય સૌથી પહેલાં તો ફરિયાદીઓ તરફ જ તકાઇ, પણ પોતાના કર્મચારીઓ નિર્દોષ હોવાની બાંહેધરી ખુદ કંપની દ્વારા આપવામાં આવતાં વારો આવ્યો નક્સલવાદીઓનો. નક્સલવાદીઓને આ વાતની ખબર પડી. પોતાની છબિ તેમને ખરડાતી લાગી. પોતે ‘સાધનશુદ્ધિ’માં માને છે એ પુરવાર કરવા માટે નક્સલવાદીઓએ સામે ચાલીને પોલીસને સાચા ગુનેગાર શોધવામાં સહકાર આપ્યો. છેવટે સાચા ગુનેગાર પકડાઈ ગયા. ઇજ્જત, ઉસૂલ, ઇમેજ જેવી ચીજ રાજકારણીઓમાં રહી હોય કે ન હોય, નક્સલવાદીઓમાં એ મોજૂદ છે, એવું કમ સે કમ આ કિસ્સા પરથી તો કહી જ શકાય.  

નહીંતર બળદગાડાની સફર હતી સડકથી સાયબર સુધી. 

આ વિસ્તારની જમીન મુખ્યત્વે ખડકાળ, પથરાળ હોવાથી ઉનાળામાં ભયાનક ગરમી પડે છે. તેની સામે શિયાળામાં ખાસ ઠંડી પડતી નથી. અહીં જોવા મળતાં ખેતરો વિસ્તારની દૃષ્ટિએ ખૂબ જ નાનાં અને છૂટાંછવાયાં લાગે. હૈદરાબાદથી નિઝામાબાદ સુધીના વિસ્તારમાં પાણીની તકલીફ ઘણી છે, પણ નિઝામાબાદથી આગળ આરમૂર, નિર્મલ તરફ પાણીની છત છે. શેરડી, ચોખા અને કપાસની મુખ્ય ખેતીની સાથે સાથે છૂટીછવાઇ ખેતી સૂરજમુખીની પણ જોવા મળી જાય.

છૂટીછવાઈ સૂરજમુખીની ખેતી 

આવા ખડકાળ વિસ્તારમાં ગરમી કેટલી પડતી હશે એની કલ્પના જ કરવી રહી! 

નિર્મલની આસપાસના વિસ્તારોમાં હળદર, મરચાં, મકાઇ, તુવેરનો પાક લેવાય છે. આ ઉપરાંત કેરી, જામફળ, સીતાફળ જેવાં ફળો પણ ખરાં. કેરીઓમાં મુખ્યત્વે બદામ કેરી ઉગાડાય છે, તો અહીંના નારસીંગી ગામના ચોખા પણ વખણાય છે. તેલંગણા વિસ્તારમાંથી નેશનલ હાઇવે નં.7 પસાર થાય છે, જે નીચે કન્યાકુમારીથી બેંગ્લોર થઇને હૈદરાબાદ, નિઝામાબાદ થઇને છેક નાગપુર, જબલપુર થઇને વારાણસી પહોંચે છે. નેશનલ હાઇવેની ઓળખ સમી ટ્રકો, લાંબા કન્ટેનરો ઉપરાંત જીપ, રીક્ષા જેવાં સ્થાનિક વાહનો જોવા મળે એ સ્વાભાવિક છે, પણ હૈદરાબાદથી નિઝામાબાદ વચ્ચેના ભાગમાં સૌથી વધુ જોવા મળતાં હોય તો એ છે બળદગાડાં. 

એકવીસમી સદીમાં પણ હાઈવે પર બળદગાડાં 
શેરડીનો પુષ્કળ પાક થતો હોવાને કારણે તૈયાર થયેલી શેરડીનું સુગર મીલ સુધી વહન બળદગાડાં મારફતે જ થાય છે. શેરડી ઉપરાંત અન્ય ચીજોના વહન માટે પણ બળદગાડાંનો ઉપયોગ ભરપૂર થાય છે. હાઇવે સુધીના એપ્રોચ રોડ પણ છેલ્લા આઠ-દસ વર્ષમાં પાકા બની ગયા હોવાથી બળદગાડાંની ગતિ પણ ઝડપી હોય છે. પણ ગમે તેટલી ઝડપી તોય એ બળદગાડાની દોડ છે. તેલંગણા વિસ્તારમાંય વિકાસ નજરે પડે ખરો, પણ દેશના અન્ય ભાગોના વિકાસની દોડની સરખામણીએ એ બળદગાડાની દોડ જેવો છે. ‘સાયબરાબાદ’ તરીકે ઓળખાતા હૈદરાબાદથી ફક્ત સો કિ.મી.સુધીમાં જે પ્રમાણમાં બળદગાડાં જોવા મળે છે, એ જોતાં આ અંતર સો કિ.મી.નું નહીં, પણ સો વરસનું લાગે.

અરે દીવાનોં, મુઝે પહચાનો

તેલુગુ પ્રજાનો સિનેમાપ્રેમ અતિશય જાણીતો છે. ફિલ્મોના નિર્માણમાં પણ તેલુગુ ફિલ્મો સંખ્યાની દૃષ્ટિએ અગ્રેસર છે. (ફક્ત જાણ સારું- ૨૦૧૨ના વરસમાં નિર્મિત તમિલ તેમજ તેલુગુ ભાષાની ફિલ્મોની સંખ્યા હિન્‍દી ફિલ્મો કરતાં વધારે હતી.) હિન્દી ફિલ્મોનું માહાત્મ્ય અહીં નહીંવત્ છે. તેલંગણા વિસ્તારમાં ફરતાં ક્યાંય હિન્દી ફિલ્મોના પોસ્ટર કે બીલબોર્ડ શોધ્યા ન જડે. તેને બદલે ઠેકઠેકાણે તેલુગુ ફિલ્મોનાં રાક્ષસી કદનાં હોર્ડીંગ નજરે પડે. સાવ નાનકડાં, ખરા અર્થમાં ખોબા જેવા ગામડાંઓની મુલાકાત લેતાં ઓર એક વિશિષ્ટતા તેની વિચિત્રતાને લઇને નજરે પડ્યા વિના રહે નહીં. સાવ નાનકડા ગામડામાં પણ ચાર-છ પૂતળાં ઉભા કરાયેલાં જોવા મળે. 

ન પ્રમાણ, ન માપ. 
મુઝે ખૂન દો  યા ન દો, લેકીન.. 
એ જરૂરી નહીં કે પૂતળાં ચાર રસ્તે યા મુખ્ય માર્ગને અંતે કે આરંભે હોય. બલ્કે મોટા ભાગનાં પૂતળાં તો રસ્તાને કોરે જ જોવા મળે. આ પૂતળાઓમાં શિવાજીથી લઇને ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. આંબેડકર, ઇન્દીરા ગાંધી સુધીની રેન્જ જોવા મળે. આ યાદી વાંચીને કયા દેશવાસીને આનંદ ન થાય! પણ પૂતળાંને જોયા પછી હસવું કે રડવું એ ન સમજાય. ચહેરાના સામ્ય વિનાના અને સાવ પ્રમાણમાપ વિનાનાં મોટા ભાગનાં પૂતળાંની બનાવટ પથ્થરની નહીં, પણ સિમેન્ટની હોવાથી તેની પર તિરાડો પડી ગયેલી જોવા મળે.

સારું છે કે પરશુરામે આ પૂતળું ન જોયું, નહીંતર..

હે રામ! 

ગાંધીજી તમારા સગા થાય? 
ઓઇલ પેઇન્ટથી રંગાયેલાં આ પૂતળાં પર રંગની પોપડીઓ પણ ઉખડવા માંડી હોય. તમામ પૂતળાં એકસરખાં હાસ્યાસ્પદ લાગે એ માટે પૂરતી કાળજી લેવાઇ હોય એમ લાગે.

ખૂણે હડસેલાઈ ગયેલા એન.ટી.આર. 

ઈન્‍દીરા ગાંધી હોવાનો વહેમ
પૂતળાંઓ જેવો જ બીજો શોખ આ વિસ્તારમાં કમાનો ઉભી કરવાનો છે. મોટે ભાગે ગામના પ્રવેશમાર્ગ પર સિમેન્ટની બનાવાયેલી કમાન જોવા મળે, જેના ઉપરના ભાગમાં ઓળખાય નહીં એવું રૂપ ધરાવતા દેવતાઓને લાલ, ભૂરા, લીલા, પીળા રંગે રંગી દેવાયા હોય છે. એમ તો ચરોતર વિસ્તારના ગામોના પ્રવેશમાર્ગે પણ કમાનો જોવા મળે છે, પણ તેમાં દેવીદેવતાઓનું સ્થાન ગૌણ અને કમાન માટે દાન આપનાર દાતાઓનું સ્થાન મુખ્ય હોય છે. તેલંગણા વિસ્તારનાં ગામોની કમાનમાં પણ દાતાઓનાં નામ હોય તો કોને ખબર, ત્યાંની લિપિ જ એવી છે કે એ ડિઝાઈન જેવી જ લાગે. 

કમાનથી જળવાય માન? 

આઈએ મેહરબાન 

દેવતાઓ તમારું સ્વાગત કરે છે

કમ્મોન, કમાન! 

મનુષ્ય છે તો ઇશ્વર છે એવો ઉદાત્ત ખ્યાલ કદાચ આ વલણ માટે કારણભૂત હોઇ શકે. તેલંગણામાં માણસ ઇશ્વરની ભક્તિના રંગે રંગાયેલો જોવા મળે અને ઇશ્વર માણસના તૈલી રંગે(ઓઇલ પેઇન્ટ વડે)  રંગાયેલો જોવા મળે. આ દેવીદેવતાઓના ચહેરા પેલા પૂતળા બનાવનાર કારીગરે જ બનાવ્યા હોય એમ લાગ્યા વિના રહે નહીં. ફરતાંફરતાં એમ પણ જાણવા મળ્યું કે એક ગામના આગેવાને પોતાનું પૂતળું જીવતેજીવ બનાવડાવી રાખ્યું હતું, કેમ કે તેને કોઇ વારસદાર નથી. મૃત્યુ અગાઉ ‘જીવતક્રિયા’ થતી સાંભળી છે, પણ આ? અલગ રચાયેલા તેલંગણામાં ‘સ્ટેચ્યૂ ટુરીઝમ’ વિકસી શકે એવી ભરપૂર શક્યતાઓ છે. આ પૂતળાં કોનાં છે તે ઓળખવાની સ્પર્ધા પણ યોજી શકાય. 

(હવે પછી: તેલંગણામાં ગુજરાતીઓ) 
(તમામ તસવીરો: બીરેન કોઠારી)