Showing posts with label I.P.C.L.. Show all posts
Showing posts with label I.P.C.L.. Show all posts

Sunday, November 30, 2025

'જે પરમાત્મા! એમ જોયા ની કર.'

- બીરેન કોઠારી

રમેશ ભોયાના અવસાનના સમાચાર વહેલી બપોરે (30 નવેમ્બર, 2025ને રવિવારે) મળ્યા. એ સાથે કેટકેટલી વાતો યાદ આવી ગઈ! એક સમયે મારો સહકાર્યકર રહી ચૂકેલો રમેશ નવોસવો જોડાયો ત્યારે એના શારિરીક બંધારણથી અલગ પડી આવતો. ઊંચાઈ ઓછી, શ્યામ વર્ણ, અને ગોળમટોળ આકાર. કપાળે નાના 'યુ' આકારમાં ત્રણ ટપકાં ધરાવતું લાલ રંગનું તિલક. જે મળે એને પોતાની છાતીએ હથેળી અડકાડીને, સહેજ માથું નમાવીને 'જય પરમાત્મા'નું અભિવાદન કરતો. રમૂજીલાલ દ્વારા સ્થપાયેલા મોક્ષમાર્ગી સંપ્રદાયનો એ અનુયાયી હોવાની ખબર પછી પડી. જોતજોતાંમાં તે સૌ કોઈનો લાડકો બની ગયો. મુખ્ય કારણ એનો ભલોભોળો અને નિષ્કપટ સ્વભાવ. બહુ ઝડપથી સૌ એને 'રમેશ' કે 'ભોયા'ને બદલે 'પરમાત્મા' કહીને જ સંબોધવા લાગેલા.

રમેશ ભોયા (તસવીર સૌજન્ય: જસવંત દરજી) 


એની બોલી સાંભળીને રમૂજ થતી. દક્ષિણ ગુજરાતની છાંટવાળા 'આઈવો', 'ગિયો' જેવા ઉચ્ચારો ઊપરાંત મોટે ભાગે તુંકારે બોલાવવાની રીત. એ પોતાના પિતાજી વિશે વાત કરે તોય કહે, 'ફાધર હમણાં આઈવો છે.'
ધરમપુર પાસે પર્વતની ગોદમાં વસેલું લુહેરી ગામ એનું વતન. કેટલાક મિત્રો એના વતન ગયેલા. એક વાર હું પણ મારા પરિવાર સાથે એને ત્યાં ગયેલો. ધરમપુરથી બસ કે વાહન ન મળ્યું. તો એનો ભાઈ શાંતિલાલ 'સ્પ્લેન્‍ડર' બાઈક પર અમને ચાર અને એ પોતે એમ પાંચેને બેસાડીને પથરાળ રસ્તે લુહેરી લઈ ગયેલો. ગામ કે નગરમાં ફળિયાની વ્યાખ્યાથી સાવ વિપરીત આ પહાડી ગામનું ફળિયું. એક એક ઘર એકમેકથી કેટલુંય છેટું. ગામનું સ્થાન જાણે સીધું જ કોઈ ચિત્રપોથીમાંથી બહાર કાઢીને મૂકી દીધું હોય એવું. સહેજ દૂર પર્વત દેખાતા હોય. આગળ ખુલ્લી જગ્યા અને પાછળ વહેતું ઝરણું. રસ્તાની સામેની બાજુએ છાંયાદાર વૃક્ષો. મન ફાવે ત્યાં ફરો, બેસો. મારાથી બોલાઈ ગયું, 'યાર, આવી જગ્યા છોડીને તું નોકરી કેમ કરે છે?'

ભોયાને ગામ લુહેરી ગયો ત્યારે મેં બનાવેલો સ્કેચ

તાડનાં ઝાડ પુષ્કળ. ભોયાએ ગામમાંથી બે માણસોને બોલાવ્યા. તેઓ તાડના ઝાડ પર ચડ્યા અને ઊપરથી તાડનાં મોટાં મોટાં ફળ તોડીને નીચે પાડ્યાં. એમાંથી અમે સૌએ તાડફળી ખાધી. કોઈક સરકારી અધિકારી કશા કામે આવેલા એમનેય થાળીમાં તાડફળી ધરવામાં આવી એ જોઈને બહુ નવાઈ લાગી. ભોયાના પિતાજી ગામના સરપંચ હતા, અને ગામમાં એમની ઘંટી પણ ખરી. અમે સૌ આવેલાં એટલે ભોયાએ પેલા પર્વતો પર ચડવાનો કાર્યક્રમ બનાવેલો. ત્યાં એક ગુફા હતી, જેમાં વાઘની આવનજાવન રહેતી એમ કહેવાતું. મારાં બન્ને સંતાનો નાનાં હતાં એટલે જવાય ત્યાં સુધી જવું એમ વિચારેલું. પણ ભોયાએ ગામમાંથી બે ખાસ માણસોને તેડાવ્યા. એ લોકોએ મારાં સંતાનોને તેડીને પર્વત ચડાવેલો. પેલી ગુફા પણ અમે જોઈ. એ વખતે હું સ્કેચબુક પણ લઈ ગયેલો. ત્યાં મેં સ્કેચ પણ બનાવ્યા અને ઘેર આવીને તેને પૂરા કર્યા. અહીં ભોજનમાં ચોખાના રોટલા સામાન્ય. પણ અમે આવેલા એટલે ધરમપુરથી શિખંડ મંગાવવામાં આવેલો. બે દિવસના યાદગાર રોકાણ પછી અમે પાછા આવેલા.

લુહેરીમાં ભોયાના ઘરનો બનાવેલો સ્કેચ
નોકરી પર બીજી પાળી (બપોરના બેથી રાતના દસ સુધી)માં સાંજે સૌ ભેગા જમવા બેસતા. મોટા ભાગના લોકો ઘેરથી ટિફિન લઈને આવતા. એમાં ભોયાએ લાવેલા ચોખાના રોટલાની બહુ માંગ રહેતી. કેરીની સિઝન હોય એટલે ભોયા ખાસ રાજાપુરી કેરીઓ લઈ આવે. એ વખતે બીજી પાળીમાં કેરીની જયાફત હોય. રાજાપુરી કેરી આટલી મીઠી હોય એ એના દ્વારા જાણેલું. ક્યારેક એ ફણસ લાવતો. એની બહુ માંગ ન રહેતી, પણ મને એ ભાવતું. એટલે ક્યારેક એની થોડી પેશીઓ હું ઘેર પણ લેતો આવતો.
મને ખાસ ખ્યાલ નહોતો કે એ કયો સંપ્રદાય પાળે છે. પણ એને ઘેર ગયો ત્યારે જોયું તો એ સંપ્રદાયનું એ વિસ્તારમાં ઘણું ચલણ હતું. એટલે થોડી પૂછપરછ કરી. એમાંથી ખબર પડી કે એ સંપ્રદાયના સ્થાપક રમૂજીલાલ હતા. અત્યાર સુધી આ નામ મેં એક જ વાર સાંભળેલું, કેમ કે, એ નામે મણિનગર સ્ટેશન નજીક એક હૉલ છે. આથી મેં લાગલું પૂછ્યું, 'મણિનગર હૉલ છે એ જ આ?' એટલે ભોયા ખુશ થઈ ગયો. એણે એ પછી વધુ વિગત જણાવી. એ હૉલમાં રમૂજીલાલનું મંદિર પણ છે. ત્યાં એ ઘણી વાર જતો અને આવીને એના વિશે જણાવતો.
એ કૂંકણા જનજાતિનો હતો. એ વિસ્તારની કેટલીક સંસ્થાનું લેખનકાર્ય મેં કરેલું હોવાથી ત્યાંની કેટલીક જનજાતિઓનાં નામ વિશે મને ખ્યાલ હતો. આથી ક્યારેક સમય મળે ત્યારે એની બોલી અને એના શબ્દો વિશે વાત પણ નીકળતી.
તેની દીકરી જિગિષા અને દીકરા જિજ્ઞેશ વિશે પણ વાત થતી રહેતી. જો કે, 2007માં મેં મારું ક્ષેત્ર બદલ્યું એ પછી અમારું મળવાનું ઘટ્યું. કદી કોઈક પ્રસંગે કે સ્નેહમિલનમાં મળી જઈએ ત્યારે અલપઝલપ વાત થતી. હમણાં ઘણા વખતથી મળાયું નહોતું કે નહોતા કશા સમાચાર.

નિવૃત્તિ વખતે રમેશ ભોયા (ડાબે)
અને જયંતિ મકવાણા

(તસવીર સૌજન્યઃ રાજેન્‍દ્ર પી. પટેલ) 

આજે બી.એસ.પટેલ અને આર.પી.પટેલને પૂછતાં જાણવા મળ્યું કે દોઢેક વર્ષ અગાઉ તે નિવૃત્ત થયો એ અરસામાં જ તેને આંતરડાના કેન્સરનું નિદાન થયેલું અને સર્જરી કરવામાં આવેલી. એ પછી કિમોથેરાપી શરૂ થયેલી. આથી તે અમદાવાદ હતો. અચાનક તેના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. પૃથ્વીલોકમાંથી વિદાય લઈને ભોયા ચિત્રગુપ્ત આગળ ઊભો રહેશે અને કહેશે, 'જે પરમાત્મા! એમ જોયા ની કર. વહેલો આવી ગિયો તિમાં ચોપડામાં મારું નામ ની ઓહે.' ચિત્રગુપ્તે ચોપડો બાજુએ મૂકીને આ સરળ, સહૃદય માણસને પ્રવેશ આપવો જ પડશે.

Friday, June 6, 2025

યમરાજા વિશે તમે શું જાણો છો?

 - બીરેન કોઠારી

હિમાચલ પ્રદેશના પ્રવાસે હતો એ દરમિયાન મિત્ર સુધીરભાઈ દ્વારા મોદીભાઈના 29 મે, 2025ના રોજ થયેલા અવસાનના સમાચાર મળ્યા. બી.એન.મોદી એટલે કે બાબુભાઈ મોદીને યાદ કરતાં જ અનાયાસે હોઠ મલકી જાય એવી એમની પ્રકૃતિ.

આઈ.પી.સી.એલ.ના એલ.એ.બી. પ્લાન્ટમાં તેઓ વહીવટી વિભાગમાં હતા. હું 1984માં આ પ્લાન્ટમાં જોડાયો ત્યારે તેમની સાથે સીધો સંપર્ક થઈ શકે એવી શક્યતા નહોતી. પણ નવા જોડાયેલા તાલિમાર્થીઓ શરૂઆતમાં જનરલ શિફ્ટમાં હોય ત્યારે મોદીભાઈના વિશાળ રૂમમાં બેસતા. એ જ રૂમમાં મોદીભાઈની સામે સ્ટેનો-ટાઈપિસ્ટ 'શિવો' (પી.કે. શિવકુમાર) બેસતો. પ્લાન્ટનું સંકુલ જેમણે જોયું ન હોય એમની જાણ માટે કે વિશાળ પ્લાન્ટમાં એક તરફ કન્ટ્રોલ રૂમનું બિલ્ડીંગ હોય છે. અમારા પ્લાન્ટમાં પણ એવું બે માળિયું મકાન હતું. એમાં પહેલા માળે ડેપ્યુટી મેનેજર, પ્રોડક્શન મેનેજર અને સિનીયર પ્રોડક્શન મેનેજરની કેબિન રહેતી. ઊપરાંત હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલ અને તેની બાજુમાં ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટેનો-ટાઈપિસ્ટનો રૂમ પણ હતો. મોદીભાઈ એ રૂમમાં બેસતા. એ વખતે તેઓ કદાચ ઓફિસ આસિસ્ટન્ટ હતા, એ પછી પ્રમોટ થયા હશે. પણ એમનું કાર્યસ્થળ એનું એ જ રહેલું.

પ્લાન્ટમાં કામ કરતા અધિકારી વર્ગના લોકોને દર મહિને નિયત ધોરણે મળતી સ્ટેશનરી (પેડ વગેરે..) આપવાનું કામ મોદીભાઈનું રહેતું. પ્લાન્ટ પર કામ કરનારા લોકો મોટે ભાગે શિફ્ટની નોકરીમાં હોવાથી તેઓ પોતાને અનુકૂળ સમયે મોદીભાઈ પાસે આવતા. આને કારણે મોદીભાઈની પાસે કાયમ કોઈ ને કોઈ બેઠેલું જ રહેતું.

જોડાયા પછીના થોડા મહિનામાં જ મને હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલમાં મૂકવામાં આવ્યો. તેને કારણે મને મોદીભાઈના સત્સંગનો લાભ મળતો થયો. તેમની બોલીમાં ભરૂચ-અંકલેશ્વરની દક્ષિણ ગુજરાતી છાંટ વરતાતી. આને કારણે તેમનું રમૂજી વ્યક્તિત્વ વધુ રમૂજી લાગતું, કેમ કે, તેઓ જે કમેન્ટ કરે એ પણ એવી હોય, અને પાછી એમની બોલીમાં હોય. એટલે સાંભળવાની બહુ મજા આવતી. તેમની રમૂજવૃત્તિ આગવી હતી. જાડી પણ ખરી, અને સૂક્ષ્મ પણ ખરી. અમારી બન્નેની રૂમ વચ્ચે લાકડાનું એક પાર્ટિશન જ હતું, આથી અમે એકમેકના રૂમમાં ગયા વિના પણ વાત કરી શકતા. જમીને તે છાપું વાંચતા હોય ત્યારે અચાનક જ કોઈ હેડલાઈન મોટેથી વાંચે. એમાં પણ એ કોઈ એવા શબ્દ પર ભાર મૂકે કે આપણાથી હસ્યા વિના રહેવાય જ નહીં. મોટા ભાગના લોકોના મનમાં એવી છાપ રહેતી કે મોદીભાઈ જલસા કરે છે, કામ કશું કરતા નથી અને છાપાં-મેગેઝીન વાંચ્યા કરે છે. હકીકત એવી હતી કે તેઓ કામ એવી હળવાશથી, મસ્તીમજાક સાથે કરતા કે કોઈને ખ્યાલ જ ન આવે કે એ કામ કરી રહયા છે.

શબ્દોને તોડમરોડ કરવામાં, સાવ સામાન્ય બાબત વડે હાસ્ય ઊપજાવવામાં તેમને બહુ મજા આવતી. જેમ કે, તેમનું મુખ્ય કામ વિવિધ પ્રકારનાં કાગળિયાંનું 'ફાઈલિંગ' કરવાનું રહેતું. બીજી તરફ, પ્લાન્ટના ઊપરી અધિકારી ક્યારેક કોઈકને 'ફાયરિંગ' આપે એમ બનતું. મોદીભાઈ 'ફાયરિંગ'ને બદલે ધરાર 'ફાઈલિંગ' શબ્દનો ઊપયોગ કરતા. હિન્દીમાં કહે, 'આજ તો ઉસકો બહોત ફાઈલિંગ મિલા.' એ વખતે હાઈડ્રોકાર્બન સેલમાં નવાસવા મૂકાયેલા એક ઈજનેર આ સાંભળીને ચોંકી ગયા. તેમને થયું કે આટલાં બધાં કાગળિયાં પ્લાન્ટમાં શી રીતે હોય કે એને 'ફાઈલિંગ' આપવું પડે? પણ પછી સાચો અર્થ ખબર પડતાં એ મોદીભાઈના એ હદે ફેન થઈ ગયા કે મોદીભાઈના જ શબ્દોનો ઊપયોગ કરવા લાગ્યા. કોઈ પૂછે, 'મોદીભાઈ, કેવું છે?' તો પહેલાં કહેતા, 'રબારબ (બરાબર).' ધીમે ધીમે એમાંથી 'રબેક્સ' કહેવા લાગ્યા. પછી એ જ કોઈને પૂછતા, 'વેકુ છે? રબેક્સ વેજુ ને?' 'રબેક્સ' પછી તેઓ 'ડેન્‍ટોબેક' શબ્દનો ઉપયોગ કરતા.

મોદીભાઈના 'કોઈન' કરેલા શબ્દોનો સૌથી વધુ ઊપયોગ 'શિવો' કરતો. તમિળભાષી શિવકુમારનું આવું ટૂંકું નામ કદાચ મોદીભાઈએ જ પાડેલું. શિવો 'ટાઈમ્સ' વાંચતો, પણ ગુજરાતી પૂરેપૂરું સમજતો, અને મોદીભાઈની બોલી એ વિશેષ સમજતો. મોદીભાઈને મળવા આવનારા મોટા ભાગે શિવા સાથે હિન્દીમાં વાત કરવા પ્રયાસ કરતા, પણ શિવો મોદીભાઈની બોલીમાં ગુજરાતીમાં જ વાત કરતો. તમિળભાષી શિવાના મોંએ બોલાયેલા અંકલેશ્વરી બોલીના શબ્દો સામાવાળાને પહેલાં તો સમજાતા નહીં, અને સમજાય એ પછી આશ્ચર્યનો આઘાત લાગતો.

અમે બાજુબાજુની કેબિનમાં બેસતા ત્યારે અચાનક મોદીભાઈના અવાજમાં મોટેથી કોઈ વાક્ય કે શબ્દો કાને પડતા. જેમ કે, 'નેટે નુસ?', તો ક્યારેક 'ડુગ નોમરિગ', તો કદીક કોઈકને કહે, 'એય ડુગડુગીયા'. એ એટલું ચેપી રહેતું કે કોઈ પણને એનો પડઘો પાડવાનું મન થઈ જાય, અને લોકો એમ કરતા પણ ખરા. બહુ મોડેથી ખબર પડી કે તેમને એ રીતે શબ્દો ફેરવીને બોલવાની આદત હતી. '(તે)ટેને શું?'ને ફેરવીને તેઓ 'નેટે નુસ' બોલતા, તો 'ગુડ મોર્નિંગ'ને તે 'ડુગ નોમરિગ' કહેતા- દિવસના કોઈ પણ સમયે. ક્યારેક તે અચાનક અમારી રૂમમાં આવી ચડતા અને કોઈ પણના કાનની બૂટ પકડીને, તેને પંપાળતા અને કશો પણ સવાલ કરતા. એ સવાલનો મુદ્દો કોઈ પણ હોઈ શકે. જેમ કે, અત્યારના સમયમાં તેઓ પૂછી શકે, 'સફારી વિશે તમે શું જાણો છો?' અથવા તો 'સર્જિકલ એરસ્ટ્રાઈક વિશે પાંચ વાક્યો બોલો.' કલ્પના કરો કે એક માણસ તમારા કાનની બૂટને પંપાળે છે, સહેજ વિચિત્ર મુદ્રામાં ઊભો છે, અને અતિશય ગંભીરતાથી, સાવ નિર્દોષપણે આ સવાલ પૂછી રહ્યો છે! જો કે, એમનો આશય જવાબ મેળવવાનો જરાય નહીં. તેમની આ ગતિવિધિ એટલી રમૂજપ્રેરક હતી કે હસવું આવ્યા વિના રહે જ નહીં, અને એ પણ ખડખડાટથી ઓછું જરાય નહીં. આ ચેપ તેમની આસપાસમાં રહેતા સહુ કોઈને લાગતો. મને પણ લાગેલો. કોઈ પણ વિષય બાબતે, કોઈ પણ સ્થાને અચાનક ગંભીરતાથી પૂછી બેસવાનું, 'ફલાણાઢીંકણા વિશે તમે શું જાણો છો?' અથવા 'ફલાણાઢીંકણા વિશે પાંચ વાક્યો બોલો.' આની ધારી અસર થતી. ક્યારેક ગંભીર કે એકવિધ બનવા જઈ રહેલું વાતાવરણ સાવ હળવું બની જતું.

મોદીભાઈના ભાગે ટાઈપરાઈટર વાપરવાનું ભાગ્યે જ આવતું. પણ એકાદ બે વાર મેં તેમને ટાઈપ કરતા જોયા અને તેમની ઝડપ તેમજ શૈલી જોઈને હું દંગ રહી ગયેલો. એ વખતે ત્યાં હસમુખ પરમાર નામનો એક ખલાસી હતો, જે મોટે ભાગે સૌના માટે ચા-નાસ્તો લાવવાનું કામ કરતો. મોદીભાઈના શબ્દપ્રયોગો હસમુખ ભરપૂર ઊપયોગમાં લેતો- એના આગવા ઉચ્ચારો સાથે.

સદાય હસતા-હસાવતા મોદીભાઈને કોઈ કામ બદલ યા અન્ય કારણોસર ધમકાવે એ શક્ય નહોતું. એમનું એવું રૌદ્ર સ્વરૂપ એકાદ બે વાર મને જોવા મળેલું. મોદીભાઈને ખખડાવવાનો પ્રયત્ન કરનાર અમારા પ્લાન્ટના સર્વોચ્ચ અધિકારીનો ઊધડો મોદીભાઈએ જે રીતે લઈ નાખ્યો એ પાર્ટીશનની પેલે પાર સાંભળીને અમારા વિભાગમાં સોપો પડી ગયેલો, કેમ કે, સામાન્ય સંજોગોમાં એ અધિકારીને આ રીતે જવાબ આપવાની હિંમત કોઈ કરે એમ નહોતું.

શિવકુમાર સાથે મારી દોસ્તી વિકસી અને 1986-87માં તેનું લગ્ન થયું ત્યારે અહીંથી એક માત્ર હું જ મેટ્ટુર ગામે ગયેલો. શિવાના લગ્ન નિમિત્તે મેટ્ટુર-તિરુપતી-મદ્રાસનો મારો એ પ્રવાસ હજી આજેય મને યથાતથ યાદ છે, અને એની ઝીણીઝીણી વિગતો હજીય- શિવાનાં બન્ને સંંતાનોનાં લગ્ન થઈ ગયા પછી પણ સંદર્ભબિંદુ તરીકે હું વાપરું છું. એ પ્રવાસેથી આવ્યા પછી તેનું વૃતાંત મોદીભાઈને મેં કહી સંભળાવેલું. ભાષાને લીધે નડતી સમસ્યા, શિવાનાં સગાંનું કૂતુહલ, મારી જિજ્ઞાસા, લગ્નપ્રસંગે ઊભી થતી સામાન્ય ગૂંચવણ, એ બાબતનું મારું મૌલિક અર્થઘટન- આ બધાનું મિશ્રણ એવું હતું કે સરવાળે રમૂજ સર્જાતી. મોદીભાઈએ એ એટલા રસથી સાંભળેલું કે પછી તેઓ પણ આમાંથી કોઈક સંવાદ કે પ્રસંગની એકાદ લીટી કહેતા રહેતા, અને અમે નવેસરથી હસતા.
શિવકુમારની દીકરી વૈશાલીના લગ્ન નિમિત્તે જ મોદીભાઈ દંપતિને છેલ્લી વાર મળવાનું બનેલું. કોવિડના સમયગાળામાં વાતાવરણ સહેજ હળવું થયા પછી એ લેવાયેલું. સંખ્યાની મર્યાદા હોવાથી શિવાએ પ્રસંગો મુજબ નિમંત્રિતોને વિભાજીત કરી દીધેલા. મોદીભાઈ અને હું એક જ પ્રસંગમાં હોવાથી અમે સાથે જમ્યા. એ વખતે ફરી એક વાર અમે શિવાના લગ્નની અમુક વાતો યાદ કરી અને નવેસરથી હસ્યા.

તેઓ વયનિવૃત્ત થયા એ પહેલાં મેં ક્ષેત્રપરિવર્તન કરી લીધેલું, છતાં કદીક મળવાનું થઈ જતું. વચ્ચે એકાદ વાર તે બિમાર હોવાના અને પ્લાન્ટના કેટલાક મિત્રો તેમની ખબર જોવા ગયા હોવાના સમાચાર મળેલા. એ પછી સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા.

કદી ગંભીર, તંગ કે ઠાવકા મોડમાં એમને જોયા નથી. તેમને કશું દુ:ખ હોઈ શકે એ કલ્પનાતીત બાબત છે. મોદીભાઈ એવી જણસ છે કે ઊપર ગયા પછી ચોપડામાં તેમની વિગતો તપાસતા ચિત્રગુપ્તના કાનની બૂટ પકડીને એને પંપાળતાં પંપાળતાં પૂછશે, 'યમરાજા વિશે તમે શું જાણો છો?' પૃથ્વી પરથી આવનારા આ જીવની ગુસ્તાખી જોઈને અકળાયેલો ચિત્રગુપ્ત કશું કહેવા જાય ત્યાં મોદીભાઈ ફરી પૂછશે, 'સ્વર્ગ અને નર્ક વચ્ચેના તફાવત વિશે પાંચ વાક્યો બોલો.' ચિત્રગુપ્ત જોશથી ચોપડો બંધ કરશે અને કહેશે, 'મિસ્ટર મોદી! યુ આર ઈન.' અને મોદીભાઈ જોરથી કહેશે, 'નેટે નુસ?'

Monday, August 28, 2017

...હમ બડે કામ કી ચીજ!

ગયે વરસે આ જ દિવસે લખેલી પોસ્ટ હમ રહે ન હમ, તુમ રહે ન તુમમાં જણાવ્યું હતું એમ આ તારીખ મારા આઈ.પી.સી.એલ.માં જોડાયાની તારીખ છે. આ મહાકાય કંપનીમાં બાવીસ વર્ષ કામ કર્યા પછી તેને છોડ્યે પણ દસ વર્ષ પૂરાં થયાં. તેમાં કામ કર્યાનાં ખાસ સંભારણાં નથી, પણ આ તારીખ મનમાં કોતરાઈ ગઈ છે. તેથી આ દિવસે મારા એ કાર્યકાળનું કોઈ સંભારણું યાદ આવે તો લખવાનો પ્રયત્ન કરું છું.

ભ્રષ્ટાચાર’ જેવો શબ્દ બોલવામાં ‘સદાચાર’, ‘શિષ્ટાચાર’ શબ્દોની નજીક લાગે છે, તેથી ‘લાંચ લીધી’ એમ બોલવા કરતાં ‘ભ્રષ્ટાચાર આચર્યો’ કહેવાથી બોલનારનું વજન પડે છે. સવાલ એ છે કે ભ્રષ્ટાચારની વ્યાખ્યા શી? કોઈ પોતાની મરજી વિરુદ્ધ યા જાણબહાર ભ્રષ્ટાચાર આચરી શકે? કોઈ કાયદેસરનું કામ કરાવવા માટે પણ 'વહેવાર’ કરવાનો થાય તેને સામાન્યપણે ‘ભ્રષ્ટાચાર’ તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને ‘લાંચ લીધી’ કહેવાય છે. માત્ર શ્વેતશ્યામ જોઈ શકતા લોકો માનતા હોય છે કે પોતાની જાણબહાર યા મરજી વિરુદ્ધ ભ્રષ્ટાચાર થઈ જ ન શકે. અલબત્ત, દુનિયા રંગબેરંગી હોય છે, અને ભ્રષ્ટાચાર ‘જૂજવે રૂપે અનંત ભાસે’ એવો હોય છે.
આ અનુભવ મારી નોકરીના સાવ શરૂઆતના ગાળામાં થયેલો.
હજી આ નોકરીમાં મારું પહેલું જ વર્ષ હતું. હું ત્યારે ‘હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલ’માં મૂકાયેલો હતો. આ લખાણના સંદર્ભ પૂરતી પ્લાન્ટલક્ષી તેની કામગીરી જણાવું. અમારા પ્લાન્ટમાં ત્યારે આ વિભાગમાંની પોસ્ટ ફરતી હતી. એટલે કે દર છ-આઠ મહિને આ વિભાગમાં ઓપરેટર બદલાતો રહે. સામાન્યપણે પ્લાન્ટ પર શિફ્ટમાં કામ કરતા ઓપરેટરને આ છ-આઠ મહિના દરમ્યાન ત્રણ શિફ્ટના ચક્કરમાંથી મુક્તિ મળે, કેમ કે અહીં તેણે વારાફરતી જનરલ શિફ્ટ (૮.૩૦ થી ૫.૦૦) અને ફર્સ્ટ શિફ્ટ (સવારના ૬.૦૦ થી ૨.૦૦) માં આવવાનું હોય. ‘ફર્સ્ટ શિફ્ટ’ને બદલે ‘ફસ્સીપ’ કે એથી સંક્ષેપમાં ‘ફસ્સ’ તરીકે તેનો ઉચ્ચાર સામાન્યપણે કર્મચારીનાં કુટુંબીજનો દ્વારા થતો હોય છે.

આ વિભાગમાં કામનું ભારણ સખત રહેતું. સવારના દસ સુધી તો વિશેષ. કેમ કે પ્લાન્ટ આખાની વિવિધ બાબતોનું સ્ટેટસ પ્લાન્ટમાંની લોગબુક તેમજ લોગશીટને આધારે તૈયાર કરવાનું હોય અને પ્લાન્ટ બહારની વિવિધ એજન્સીઓને કાં સામેથી ફોન કરીને, કાં તેમનો ફોન આવે તેના જવાબમાં લખાવવાનું હોય. અમુક એજન્સીને કાચા માલનો સ્ટોક આપવાનો હોય, અમુકને પમ્પીંગનું શેડ્યુલ કહેવાનું હોય, કોઈકને ફીનીશ્ડ પ્રોડક્ટના સ્ટોકની જાણ કરવાની હોય. સતત ફોન રણક્યા કરતો, અને ફોન પર જે હોય તેણે જવાબ આપતા જ રહેવાનું. ટેબલ પર કાગળો ઉપરાંત ફોનનું ડબલું અને એક મોટું કેલ્ક્યુલેટર રહેતું.

(પેપર કોલાજ: બીરેન કોઠારી) 
બન્નેનું કદ સરખું હતું. એ કેલ્ક્યુલેટરની કી પર આંગળીઓ રીતસર પછાડવી પડતી. તેને લઈને એક્યુપ્રેશરની કસરત થતી હોવી જોઈએ, જે સરવાળે મગજને ઠંડું રાખવામાં મદદ કરતી હશે.

આ ક્રમ રોજિંદો થઈ ગયેલો એટલે ધીમે ધીમે તેમાં ફાવટ પણ આવી ગયેલી. મારા અગાઉ મારા સિનીયર ઓપરેટર એમ.બી. રાજપૂત હતા. મારે શરૂઆતમાં તેમની પાસે તાલિમ લેવાની હતી. હું તૈયાર થઈ જાઉં એટલે મને સ્વતંત્ર હવાલો આપવામાં આવે અને એમ.બી.રાજપૂત પાછા પ્લાન્ટમાં મૂકાય એવી ગોઠવણ હતી.
‘હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલ’માં એક ઓપરેટર ઉપરાંત એક એન્જિનિયરનું પણ પોસ્ટીંગ રહેતું, જેમની મુખ્ય જરૂર સહી કરવા માટે રહેતી. અમારી ઉપર ત્યારે એક મરાઠીભાષી એન્જિનિયર હતા. યુવાન, હસમુખા, અને જૂનાં ફિલ્મી ગીતોના શોખીન. અહીં તેમનો ઉલ્લેખ ‘મરાઠે’ તરીકે કરીશું.

આ વિભાગમાં કામનું ભારણ એટલું રહેતું કે ઓપરેટર અને એન્જિનિયરના ભેદ રાખવા પોષાય જ નહીં. અમસ્તાય આવા ભેદ જાહેર સાહસોમાં હોતા નથી. રાજપૂતે મને બહુ સારી રીતે તાલિમ આપવા માંડી હતી. કયા વિભાગમાં કોણ હોય છે અને તેને શી માહિતી આપવાની એ તેમણે મને સારી રીતે સમજાવેલું. તેમની હાજરીમાં ફોન હું જ લેતો, જેથી મને ખ્યાલ આવતો જતો હતો. હું જે તે વિભાગની સંબંધિત વ્યક્તિનું નામ પૂછતો અને એ નામ યાદ રાખીને ફરી વખત તેને નામથી સંબોધતો, ‘કેમ છો?’, ‘ગુડ મોર્નિંગ’ જેવી ટૂંકી વાતચીત કરતો. આને લઈને સાવ ઔપચારિક અને યંત્રવત થતું કામ કંઈક રસપ્રદ અને આત્મીય બને એમ મારું માનવું હશે.

આઈ.પી.સી.એલ. જેવા વિશાળ સંકુલમાં એકે એક વિભાગમાં ઈન્ટરકોમની સુવિધા હતી. સંકુલની બહાર ફોન કરવો હોય તો એ સુવિધા મર્યાદિત હતી. સંકુલના મુખ્ય દરવાજે પણ ઈન્ટ‍રકોમ સુવિધા હતી, જેથી દરવાજેથી પણ પ્લાન્ટ પર વાત કરી શકાતી.

ઈન્ટરકોમ પર અનેક ફોન આવતા, જેમાં પ્રધાન અટકધારી એક વ્યક્તિનો ફોન અવારનવાર આવતો. આ ભાઈ પોતાના વિભાગનું નામ ન બોલતા. તેઓ પોતાનું નામ જ બોલતા. પ્રધાનનો ફોન આવે ત્યારે તેઓ સૌથી પહેલાં મરાઠેસાહેબ વિષે પૂછપરછ કરતા. મરાઠે નજીકમાં હોય તો અમે તેમને ફોન આપતા. મરાઠે તેમને જરૂરી સ્ટોક આપતા અને તેઓ બન્ને મરાઠીમાં બીજી વાતો પણ કરતા. ક્યારેક એવુંય બનતું કે તેઓ આસપાસમાં ન હોય કે અન્યત્ર વ્યસ્ત હોય. ત્યારે હું કહેતો, “પ્રધાનસા’બ, આપકો ક્યા ચાહિયે વો બતા દિજીયે. હમ યહીં કામ કરતે હૈ. મરાઠેજી નહીં હૈ તો ક્યા હુઆ.” એમ એક ‘એચ.એન.પી.’ (હેવી નોર્મલ પેરાફીન) નામના એક ચોક્કસ કેમિકલનો સ્ટૉક અમે એમને જણાવતા. જવાબમાં પ્રધાન ‘થેન્ક યુ’ કહેતા.

થોડા સમય પછી મરાઠેનો વિભાગ બદલાયો. તેઓ પાછા પ્લાન્ટ પર શિફ્ટની નોકરીમાં ગયા. હું હજી ત્યાં જ હતો. હવે મને બરાબર ખ્યાલ આવી ગયો હતો કે કયા વિભાગમાં કઈ માહિતી આપવી. પ્રધાનનો ફોન આવે એટલે વગર પૂછ્યે હું સ્ટોક આપી દેતો. ક્યારેક પ્રધાન બીજી પૂછપરછ પણ કરતા, જેમ કે- ‘હમણાં શટડાઉન લેવાના છો?’, “પમ્પીંગ કરવાના છો?” વગેરે...હું હોંશે હોંશે તેમને માહિતી આપતો.

આ જ ક્રમમાં એક વાર પ્રધાનનો ફોન આવ્યો. મને કહે, “કોઠારીજી, ગેટ પર આયેંગે? આપકા કામ હૈ.” અમારા પ્લાન્ટથી મુખ્ય દરવાજો સાવ નજીક હતો. લેન્ડમાર્ક તરીકે એ દરવાજાની નિશાની આપી શકાય એવું તેનું સ્થાન હતું. પ્રધાને મને એટલા માટે ત્યાં બોલાવ્યો હશે કે જેથી અમારે એકબીજાને શોધવા ન પડે. પ્રધાને શા માટે મને બોલાવ્યો એ સવાલ મને એટલો થયો નહોતો. કેમ કે, ઘણી વાર એમ બનતું હોય છે કે ફોન પર એકબીજાને નામથી ઓળખતા હોઈએ, પણ કદી મળવાનું ન બન્યું હોય. અને એ તરફ નીકળવાનું બને તો મન થાય કે ચાલો, મળતા જઈએ.

મારું રોજિંદું કામ પૂરું થઈ ગયું હતું. આથી પ્રધાનનો ઈન્ટરકોમ આવ્યો એટલે આવું જ કશું ધારીને હું પાંચેક મિનીટમાં નીકળ્યો. દરવાજે પહોંચ્યો. આસપાસ જોયું, પણ ત્યાં કોઈ ઉભેલું નહોતું. એટલામાં દરવાજાની પેલે પારથી- બહારથી બૂમ પડી, “કોઠારીજી?” મેં એ દિશામાં જોયું. ત્યાં એક માણસ ઉભેલો. મેં સામું પૂછ્યું, “મિ.પ્રધાન?” એણે હકાર ભણ્યો અને મને દરવાજાની બહાર બોલાવ્યો. દરવાજાની બહાર જવા માટે મારે દરવાજે ઉભેલા સિક્યોરિટી જવાનની પરવાનગી લેવી પડે. મને નવાઈ લાગી કે પ્રધાન પોતે કંપનીનો કર્મચારી છે, તો પછી પોતે અંદર આવવાને બદલે મને કેમ બહાર બોલાવે છે? એ કદાચ ક્યાંક બહાર જવા નીકળ્યો હશે અને તેને મને મળવાનું યાદ આવ્યું હશે. એમ ધારીને હું કામચલાઉ પરવાનગી લઈને મુખ્ય દરવાજેથી બહાર ગયો. પ્રધાને મારી સાથે હાથ મિલાવ્યા અને વિવેક કર્યો. પ્રધાનના હાથમાં એક સૂટકેસ હતી. આવી સૂટકેસ લઈને કોઈ નોકરીયાત કંપનીમાં ન આવે. મોટે ભાગે મુલાકાતીઓ જ આવી સૂટકેસ લઈને આવતા હોય. પ્રધાને ભક્ત ધ્રુવની જેમ એક પગ ઊંચો કરીને ઘૂંટણેથી વાળ્યો. બૂટ પહેરેલા હોવાથી બીજા પગના ઘૂંટણ પર એ પગની પાની ટેકવાય એમ નહોતી. આથી એ જ મુદ્રામાં તેણે વાળેલો પગ હવામાં રાખ્યો. સાથળ પર સૂટકેસ મૂકી અને ધીમે રહીને સાચવીને ખોલી. બેગમાંથી તેણે ડાયરી અને પેન કાઢ્યાં. મારા હાથમાં આ બન્ને વસ્તુઓ તેણે મૂકી. મને હજી કશું સમજાયું ન હતું. મેં ભોળેભાવે પૂછ્યું, “યે કિસકે લિયે?” તેણે નમ્રતાથી કહ્યું, “આપકે લિયે, હમારી ઓર સે.” મને એમ કે તેના વિભાગવાળાએ ડાયરીબાયરી મોકલાવી હશે. વસ્તુ બહુ મોટી નહોતી એટલે આનાકાની કરવાનો બહુ સવાલ ન હતો, એટલે ‘થેન્ક્સ’ કહીને એ વસ્તુઓ મેં લીધી. અમે ફરી હાથ મિલાવ્યા અને મુખ્ય દરવાજેથી પાછો અંદર આવી ગયો.

મારા વિભાગમાં આવીને મેં ડાયરી ખોલી. તેની પર કોઈક ફર્મનું નામ વાંચ્યું. એ વાંચીને મારા મનમાં થોડું થોડું અજવાળું થવા લાગ્યું. પશ્ચાતદર્શન થતાં ખ્યાલ આવ્યો કે આ પ્રધાન ખરેખર કોઈ કર્મચારી નહોતો, પણ કેમિકલનો વેપાર કરતો હતો. ગેટ પર આવીને તે ઈન્ટરકોમ દ્વારા એ કેમિકલના સ્ટોકની અને અન્ય જાણકારી મેળવી લેતો હતો. ઈન્ટરકોમ પર તે વાત કરતો હોવાને કારણે અમને એવી છાપ પડી હતી કે તે અમારી કંપનીના કોઈક વિભાગનો કર્મચારી છે. મરાઠેસાહેબે અમને કદી હકીકત જણાવી જ નહોતી. મરાઠેસાહેબ તેને સમજીવિચારીને મદદ કરતા હતા, જ્યારે હું અજાણપણે મદદ કરતો હતો. મને શંકા પણ ક્યાંથી પડે કે આ ભાઈ બહારના માણસ છે. મને તો એમણે મારા વગર માગ્યે ડાયરી અને પેન આપી, પણ મરાઠેસાહેબ કંઈ એટલામાં રાજી થયા હશે ?
 **** **** ****

 થોડા સમય પછી મરાઠેસાહેબે રાજીનામું આપ્યું અને બીજી કંપનીમાં નોકરી લીધી. આઈ.પી.સી.એલ. જેવા સંકુલમાં દેખીતી રીતે પ્લાન્ટના સ્તરે, અને ખાસ તો ઓપરેટીંગ સ્ટાફના સ્તરે ભ્રષ્ટાચાર થઈ શકે એવી સંભાવના જ નહીંવત હોય. એને લઈને ઈમાનદારી જળવાઈ રહ્યાનો પણ આનંદ (કે ગૌરવ) હોય એમ બને. ભલે નાને પાયે, પણ ભ્રષ્ટાચાર આચરવામાં આપણી જાણબહાર આપણે નિમિત્ત બનીએ અને વધારામાં કોઈકને મદદરૂપ બન્યાનો સંતોષ પણ લઈએ ત્યારે સમજાય કે આપણા પ્રાચીન ભક્તકવિઓએ કશું જાણતા હોવા બાબતે ગુમાન ન કરવાનો મહિમા ગાયો છે એ કેટલો યોગ્ય છે!

Sunday, August 28, 2016

હમ રહે ન હમ, તુમ રહે ન તુમ


આજના દિવસનું એટલે કે ૨૮મી ઓગસ્ટનું સ્થાન મારા જીવનમાં બહુ વિશિષ્ટ છે. બાવીસેક વરસ સુધી મેં અનેક વાર મારી જન્મતારીખ નહીં લખી હોય એથી અનેકગણી વાર ૨૮/૮/૮૫ ની તારીખ લખી હશે. એ મારી જોઈનીંગ ડેટ હતી, આઈ.પી.સી.એલ.માં મારા જોડાવાની તારીખ. અને ટેકનીકલી જોઈએ તો મારી નોકરી કન્ફર્મ થયાની તારીખ. બરાબર એક વરસ પહેલાં, ડિપ્લોમા ઈન કેમિકલ એન્‍જિનીયરીંગની ડીગ્રી મેળવ્યા પછી ૨૮/૮/૮૪ના દિવસે હું એપ્રેન્ટીસ તરીકે જોડાઈ ગયો હતો. પણ નોકરીના ખરા લાભ એક વરસ પૂરું થાય અને એ પછી નોકરીમાં લેવામાં આવે ત્યારે શરૂ થાય. સામાન્ય રીતે અપવાદરૂપ કિસ્સા સિવાય એપ્રેન્‍ટીસને લઈ લેવામાં આવતા હતા. જો કે, તેની લેખિત બાંહેધરી અપાતી નહીં. 
એપ્રેન્‍ટીસશીપનો ગાળો પૂરો થાય એટલે ખરેખર તો તેની જાણ કરતો પત્ર કંપની તરફથી મળી જવો જોઈએ. પણ એ મળવામાં વિલંબ થાય એટલે મનમાં રાહત થાય કે નોકરી પાકી છે. જેમ લેટર મોડો મળે એમ એટલા મહિનાનો પગાર સામટો મળે, એ પણ વધારાનો આનંદ. 
એક વરસની એપ્રેન્ટીસશીપ દરમ્યાન દર ત્રણ મહિને ‘એસેસમેન્ટ’ (મૂલ્યાંકન) થાય, જેમાં ટ્રેનિંગ દરમ્યાન અમને આપવામાં આવેલી જર્નલ હાથમાં પકડીને, સેફ્ટી શૂઝ તેમજ યુનિફોર્મ ચડાવીને હાજર થવાનું. એ દિવસ એક રીતે આપણા બેચમેટ્સને મળવાનો દિવસ બની રહે. એસેસમેન્‍ટમાં વિવિધ પ્લાન્ટના ચાર-પાંચ અધિકારીઓ બેઠા હોય. તેઓ પ્રશ્નો પૂછે,અને સંતોષકારક જવાબ મળતાં તે મુજબ માર્ક મૂકે. આમ જુઓ તો આખી ઔપચારીકતા, પણ તેનું મહત્વ ઘણું. સામાન્ય ટ્રેન્ડ એવો ખરો કે પોતાના પ્લાન્ટમાં કામ કરતો 'ટ્રેઈની' (એપ્રેન્ટીસશીપ દરમ્યાન અમારા માટે વપરાતો શબ્દ) હોય અને એ જ પ્લાન્ટના અધિકારી એસેસમેન્ટમાં બેઠા હોય તો તેઓ એની તરફેણ કરે. પણ અમારા પ્લાન્ટના અધિકારીઓમાં કોણ જાણે કેમ પહેલેથી જ ‘વલંદા સીન્ડ્રોમ’(શબ્દસૌજન્ય: રજનીકુમાર પંડ્યા. હાલ પૂરતો ટૂંકો અર્થ- પોતાના જ માણસની સામે પડવું) જોવા મળતું. 
**** **** ****
જોડાયાના ત્રણ મહીના પછી અમારું પહેલવહેલું એસેસમેન્ટ હતું. નિયત સમયે હું ટ્રેનિંગ સેન્‍ટર પહોંચી ગયો. મારી સાથે હર્ષદ પરમાર હતો, જે કૉલેજમાં મારો સહાધ્યાયી હતો અને પ્લાન્‍ટમાં પણ સાથે હતો. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે અમારા પ્લાન્‍ટના શિફ્ટ એન્‍જિનીયર બી.કે. ચક્રવર્તી એસેસમેન્‍ટમાં બેસવાના હતા. રાજી થવું કે ગભરાવું એ નક્કી કરી શકાય એમ નહોતું. કેમ કે, ચક્રવર્તીસાહેબનો ખાસ પરિચય નહોતો. ત્રણ મહિનામાં અમને ખાસ તાલિમ પણ ન મળી હોય એટલે સામાન્ય ધારણા એવી કે અમને એવા સવાલ પૂછવામાં આવે જે અમને સહેલાઈથી આવડે. પ્લાન્‍ટની કામગીરીને લગતા વિગતવાર સવાલ ન પૂછાય. 
સામાન્ય રીતે આ પ્રકારના એસેસમેન્‍ટ હોય કે કૉલેજના 'વાઈવા', એક એવી જમાત દરેક જગ્યાએ જોવા મળે કે તેઓ એક જણ પરીક્ષા આપીને બહાર નીકળે એ સાથે જ એને ઘેરી વળે અને 'શું પૂછ્યું?'નો મારો ચલાવે. આટલું પૂછીને તેઓ અટકે નહીં, પણ બાકીના લોકોમાં તેઓ ગભરાટ ફેલાવે. આવી સેનાથી કૉલેજમાં પણ અમે (હું અને ભરુચસ્થિત મિત્ર દેવેન્‍દ્રસિંહ ગોહીલ) દૂર રહેતા. કૉલેજમાં તો દેવેન્‍દ્રસિંહ તાલવ્ય તેમજ ઔષ્ઠ્ય વ્યંજનથી શરૂ થતા અમુક શબ્દોનું ફાયરીંગ કરીને આવા લોકોને ભગાડી મૂકતા. પણ તેણે જી.એન.એફ.સી.માં જોડાવાનું પસંદ કર્યું અને અમે છૂટા પડ્યા. ત્યાર પછી પહેલી વાર મને અહીં તેની ખોટ મહેસૂસ થઈ. 
એક પછી એક જણનું એસેસમેન્‍ટ પતતું ગયું. આખરે મારો પણ વારો આવ્યો.  હું હજી પ્લાન્‍ટના ઓપરેશન વિભાગમાં મૂકાયો નહોતો, બલ્કે રસાયણોની આવકજાવકનો હિસાબ રાખતા ‘હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલ'માં મને મૂકવામાં આવ્યો હતો. જે બાબતો કૉલેજમાં ભણવાનો સખત ત્રાસ થતો હતો એ જ અહીં ફરજના ભાગરૂપે કરવું પડતું હતું. 
ચક્રવર્તીસાહેબે કદાચ મને મદદરૂપ થવા માટે સરળ સવાલો પૂછ્યા હશે, પણ મને તેના જવાબ બરાબર ન ફાવ્યા. અન્ય સાહેબો સવાલ પૂછે તેનું પુનરાવર્તન પણ ચક્રવર્તીસાહેબ કરતા, જેથી મને વિચારવા માટે સહેજ સમય મળી રહે. એ પણ મને ન ફાવ્યું. ‘હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ’માં કામ કરતો હોવાનું જાણ્યું એટલે એટલે એક સાહેબે મને મટીરીયલ બેલેન્સ પૂછ્યું. મેં આત્મવિશ્વાસપૂર્વક બ્લેકબોર્ડ પર એ કરી બતાવ્યું. પણ તેમાં ઈનપુટ કરતાં આઉટપુટ વધુ આવ્યું. (હજી આજેય કશાનો હીસાબ લખવા બેસું ત્યારે પહેલી વાર તો એવું જ થાય કે ખિસ્સામાં હોય એના કરતાં ખર્ચેલી રકમનો આંકડો વધી જાય.) આ જોઈને મારા પર બધા બગડ્યા. અમસ્તા પણ નવાસવા, સામે કશું ન બોલી શકે એની ખાતરીવાળા માણસોને ધમકાવવાનો એક આનંદ હોય છે. એ આનંદોત્સવનો લ્હાવો લૂંટવાના ભાગરૂપે એક સાહેબે કહ્યું, “તમે બરાબર ટ્રેનિંગ લેતા નથી. કોણે શીખવાડ્યું તમને આવું? ” તેમણે કદાચ મને ઉપાલંભ આપ્યો હશે, પણ હું સમજ્યો કે તેઓ મને સવાલ પૂછી રહ્યા છે. એટલે મેં ભોળાભાવે કહ્યું, “કોઈએ નહીં, સર! ટ્રેઈનીને કોણ શીખવે? અમે તો આવડે એટલું જાતે જ શીખીએ છીએ.” આમ, આ ઉઘાડું સત્ય, પણ આમ અધિકૃત રીતે સાંભળવું કોઈને ગમ્યું નહીં. ખેર! એ વાત ત્યાં પૂરી ગઈ. હું બહાર નીકળ્યો કે પેલી 'શું પૂછ્યું?' ગેન્‍ગ મારા પર ત્રાટકી. પરાણે હસતું મોં રાખીને તેમને મેં ટાળ્યા અને મારા પ્લાન્‍ટ પર પાછો આવ્યો. મનમાં સખત ગભરાટ થતો હતો. પ્લાન્‍ટ પર ઘણાએ પૂછ્યું, "કેમ રહ્યું?" મેં માત્ર હાસ્ય કરીને ડોકું ધુણાવ્યું. પૂછનારે જે સમજવું હોય એ સમજે. એમ થોડા દિવસ વીત્યા અને એ વાત વીસરાતી ચાલી. 
                                         **** **** **** 
સ્થિર લાગતું પાણી થોડા દિવસ પછી સળવળ્યું. હર્ષદ અને મારા-  બન્ને જણના નામે ટ્રેનિંગ સેન્ટરમાંથી એક ‘એડવાઈઝરી નોટ’ આવી, જેમાં જણાવાયું હતું કે તમારો દેખાવ સંતોષકારક નથી, માટે તમને સલાહ આપવામાં આવે છે કે સો એન્ડ સો. આ કાગળ પ્લાન્ટના મેનેજરની સહી થયા પછી અમને મળે. એટલે જોતજોતામાં આખા  પ્લાન્ટમાં વાત ફેલાઈ ગઈ કે ‘બે ટ્રેઈનીઓને મેમો મળ્યો.’ આમ, આ ગંભીર બાબત કહેવાય, કેમ કે એ મેમો અમારી પર્સનલ ફાઈલમાં જાય તો કદાચ અમારી નોકરી પાકી થવામાં તે બાધારૂપ બની શકે. આવા અનેક વિચારો મનમાં ઉગે, પણ એ વિચારવાનો કશો અર્થ નહોતો. અલબત્ત, અમારા પ્લાન્‍ટના મેનેજરે અમને બોલાવ્યા. સહી કરીને કાગળ અમને સુપરત કરી દીધો અને કહ્યું, 'મહેનત કરજો. બાકી ચિંતા કરવાની જરૂર નથી. આ કાગળ પર્સનલ ફાઈલમાં નહીં જાય.' પણ પત્રને છેડે ‘સી.સી. ટુ પર્સનલ ફાઈલ’ લખાયેલું સ્પષ્ટ વાંચી શકાતું હતું. ટ્રેનિંગના વરસમાં જ આવું થાય તો તો આઈ.પી.સી.એલ.માં નોકરી મળે એ પછી અમે સેવેલાં અરમાનોનું શું? અમારા ભાવિનું શું? આવો સવાલ પણ ઊંડે ઊંડે થતો હતો, 
આવી ગંભીર વાત ઘેર કોઈને કરવાનો ખાસ અર્થ નહોતો. એમ થાય કે ઘરનાં સભ્યોને ક્યાં આમાં નાંખવા અને તેમને ટેન્‍શન કરાવવું? દરમ્યાન અમારા પ્લાન્ટના લોકલ લીડર થોરાતને કાને આ વાત પહોંચી. થોરાત મરાઠીભાષી હતા, અને એકદમ સ્પષ્ટ ઉચ્ચારવાળું ગુજરાતી બોલતા હતા. તે કદી શબ્દો વેડફે નહીં, એવી છાપ અમને પડેલી. 
તે અમને મળ્યા અને પૂછ્યું કે શું થયું હતું. આખી બીના જાણવા ખાતર તેઓ આમ પૂછતા હશે એમ અમને લાગ્યું, કેમ કે, ઘણા અમારી પાસેથી 'એક્ચ્યુલી શું થયું હતું?'ના જવાબમાં 'ફોર્મ ધ હોર્સિસ માઉથ' મેળવેલો 'ફર્સ્ટ હેન્‍ડ રિપોર્ટ' લઈ ચૂક્યા હતા. થોરાતદાદાએ પૂછ્યું તેની ગંભીરતાનો અમને સહેજ પણ ખ્યાલ નહોતો. તેમણે એકદમ તર્કબદ્ધ રીતે અમને કહ્યું, 'તમને એ લોકો કશી પદ્ધતિસરની તાલિમ આપતા નથી. તમે તમારી મેળે જ તાલિમ લઈ લો છો. તો પછી એ લોકો તમને મેમો શી રીતે આપી શકે?'  અમને થયું કે વાત તો સાચી, પણ આવું અમારાથી શી રીતે કહેવાય?  આવું કહેવા જઈએ તો 'એપ્રેન્‍ટિસશીપ'માંથી 'એપ્રેન્‍ટિસ' શબ્દ નીકળી જાય અને અમે માત્ર 'શીપ' બની રહીએ. 
પણ થોરાતદાદાએ યુનિયન લેવલે આ વાત ઉપાડી. ત્યારે યુનિયન લીડર બનતા સુધી અનિલ ભટ્ટ હતા. તેમને આખા બનાવની જાણ કરવામાં આવી. પછી પૂછવું જ શું? આખો વરઘોડો વાગતો વાગતો ટ્રેનિંગ સેન્ટરે પહોંચ્યો હશે. ટ્રેઈનીઓનો કોઈ બેલી ન હોય, કેમ કે આમ તો તેઓ એક વરસ પૂરતા જ હોય. પણ યુનિયનવાળાએ અમારો પક્ષ લઈને ટ્રેનિંગ સેન્ટરવાળાઓને બરાબરના ભીંસમાં લીધા હશે. છેવટે એ ભીંસ ઉતરી આવી અમારી પર. એક દિવસ મને અને હર્ષદ પરમારને ટ્રેનિંગ સેન્ટરનું નોંતરું આવ્યું. અલબત્ત, અમને સહેજ પણ અણસાર નહોતો કે યુનિયનવાળાઓ ત્યાં જઈને ધુંઆધાર બૅટીંગ કરી આવ્યા છે.  તેઓ અમને શા માટે જણાવે? એટલે હું અને હર્ષદ નિર્દોષભાવે, છતાં ફફડતા હૈયે ટ્રેનિંગ સેન્‍ટર પહોંચ્યા. 
Image result for firing clipart
ઘડી ઘડી મેરા દિલ ધડકે... 
અમારા ટ્રેનિંગ ઓફિસર બૅન્કરસાહેબ હતા, જેમની સામાન્ય છાપ ટ્રેઈનીઓના હિતેચ્છુ હોવાની હતી. પણ એ દિવસે તેઓ બરાબર વરસ્યા. અમને બન્નેને બરાબર ધમકાવ્યા. તેમાં એક ચીમકી એવી પણ હતી કે તમારી નોકરી પાકી નહીં થાય. તમે અત્યારથી યુનિયનબાજી કરતા થઈ ગયા છો, તો નોકરી મળ્યા પછી શું ન કરો? અમારે સામી દલિલનો કશો અવકાશ જ ન હતો. અમસ્તો અમારો દેખાવ એસેસમેન્‍ટમાં નબળો હતો, અને એ મુદ્દે યુનિયનવાળાઓએ તેમને જવાબદાર ઠેરવ્યા હતા. એટલે તેમનો ગુસ્સો સમજી શકાય એવો હતો. જેટલા ફફડતા હૈયે અમે ગયા હતા, એથી વધુ ફફડતા હૈયે અમે પાછા આવ્યા. 'હવે શું?' એ સવાલ મનમાં પેદા થતો, પણ પૂછવું કોને?  
સામાન્ય રીવાજ એવો કે બધા ટ્રેઈનીઓને એપોઈન્ટમેન્ટ લેટર નિયત સમયમર્યાદામાં મળી જતો.  જવલ્લે જ એવું બનતું કે કોઈનો દેખાવ સંતોષકારક ન હોય તો ટ્રેઈનીંગ લંબાવવામાં આવે, જે એક રીતે કાળી ટીલી ગણાતી. તેનાથી 'જોઈનીંગ ડેટ' પાછી ઠેલાતી અને કાયમી નોકરીના લાભ મળવામાં પણ વિલંબ થતો. 'એની તો ટ્રેઈનીંગ એક્સટેન્‍ડ થઈ છે' એવી રાસાયણિક (પેટ્રોકેમિકલ સંકુલ હોવાને કારણે) બદનામી મળે એ અલગ. 
Image result for tom and jerry
યુનિયનવાળાને તમે કશી વાત કરેલી? 
અમારી સ્થિતિ 'કહા ભી ન જાયે ઔર સહા ભી ન જાયે' જેવી હતી. આટલું ઓછું હોય એમ એક વાર પ્લાન્‍ટના પર્સોનેલ વિભાગમાંથી અમારા માટે તેડું આવ્યું. હવે અમને ખબર પડી ગઈ હતી કે અજાણી જગ્યાએથી તેડું આવે એટલે અમને ધમકાવવા માટેનું જ હોય. ફરી હું અને હર્ષદ સાથે ગયા. પર્સોનેલ ઑફિસર બક્ષીસાહેબ હતા, જે એક મુત્સદી (છતાં) સજ્જન હોવાની છાપ ધરાવતા હતા. 
અમે તેમની સન્મુખ થયા. ઉંદરને રમાડતી બિલાડીની જેમ નવેસરથી અમને પૂછવામાં આવ્યું, 'શું થયેલું? તમે કોઈ યુનિયનવાળાને ફરિયાદ કરેલી?' હા પાડવી કે ના એ ન સમજાય એવો સવાલ હતો. છેવટે અમે કહ્યું, 'અમે કશું સામે ચાલીને કહ્યું નહોતું, પણ એમણે પૂછ્યું એટલે કહેવું તો પડે જ ને! અમને ખબર નહીં કે એ લોકો આવું કરશે.' અહીં અમને ધમકાવવાને બદલે ‘આવું ન થાય’ કહીને અમને વિદાય કરવામાં આવ્યા. પણ અમને ફડકો હતો કે વાત ક્યાંક આગળ ન વધે.
                                         **** **** **** 
છેવટે ટ્રેનિંગ સેન્ટરવાળાએ અમને ફાયરીંગ આપ્યાની વાત મેં હેમંતભાઈ ઉપાધ્યાયને કરી. તેમના પરિચયમાં ઘણું કહી શકાય એમ છે. અહીં ફક્ત એટલું કહું કે આઈ.પી.સી.એલ. ખાતે તે મારા વાલી સમાન હતા. અમારા કનુકાકાના તે ભાણેજજમાઈ થાય (હેમંતભાઈ થોડા મહિના પહેલાં જ અમેરિકાખાતે અવસાન પામ્યા). તેઓ મારા જ પ્લાન્‍ટમાં હતા. ખરેખર તો હું તેમના પ્લાન્‍ટમાં હતો એમ કહેવાય. હેમંતભાઈએ આખી વાત સાંભળી. તેમણે મને હિંમત આપતાં કહ્યું, 'ચિંતા કરવાની જરૂર નથી. બૅન્કર મારો મિત્ર છે. એની સાથે હું વાત કરી લઈશ.' મને ધીમે ધીમે જાણ થઈ કે હેમંતભાઈની ખ્યાતિ 'ગોળીઓના વેપારી' તરીકેની હતી. એટલે કે તેઓ માણસ મુજબ, કામ મુજબ પોતાની ગોળી સામાને ગળે ઉતારી શકતા. પછીના વરસોમાં તેમના પરચા પણ જોવા મળ્યા. તેઓ ટ્રેનિંગ સેન્‍ટર ગયા અને બૅન્‍કરસાહેબને મળ્યા. એ મુલાકાતની વાત  તેમણે મને જણાવી. અને કહ્યું, 'બૅન્કરે કહ્યું કે તમને કંઈ થવાનું નથી. પણ આવું કરે એટલે ધમકાવવા પડે. એટલે જ ધમકાવ્યા હતા, જેથી તેઓ આગળ કશું કરે નહીં.'  બૅન્કરે તેમને ખાતરીપૂર્વક કહ્યું હતું કે અમને કંઈ થશે નહીં.
આ સાંભળીને મનમાં ઘણી શાંતિ થઈ. હેમંતભાઈનો આભાર માન્યો. 
                                             **** **** **** 
જોતજોતાંમાં વરસ પૂરું થયું. હેમંતભાઈને બૅન્‍કરે આપેલી ખાતરી છતાંય ટ્રેનિંગ પત્યે અમને એપોઈન્ટમેન્ટ લેટર તરત ન મળ્યો. એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના. શરૂઆતના દિવસોમાં મનમાં બહુ ઉચાટ રહેતો. પણ પછી ખબર પડી કે કાઢવાના હોય તો તરત જણાવી દે. એમ નથી જણાવ્યું એનો અર્થ એ કે લેટર મળશે એ નક્કી છે. જો કે, પછી કશું થયું નહીં ને બીજા બધાની સાથે જ અમને નિમણૂંકપત્ર મળી ગયો. એ મળ્યાનો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ વધુ આનંદ અમને કંઈ ન થયાનો હતો, જે સ્વાભાવિક જ હતો. પાંચેક મહિના પછી હાથમાં પત્ર આવ્યો અને એ પછીની આખર તારીખે સામટો પગાર હાથમાં આવ્યો (લગભગ અઠ્ઠાવીસસો રૂપિયા). 
Image result for kaju katli
દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા... 
પગાર આવ્યો એ જ દિવસે હું કંપની પરથી સીધો વડોદરા સ્ટેશન પર પહોંચ્યો. ત્યાંં આવેલી ‘હોટેલ એમ્બેસેડર’માં જઈને કાજુકતરીનાં બે પેકેટ ખરીદ્યાં. (ત્યારે કદાચ અઢીસો રૂપિયે કીલો હતી.) એક ઘર માટે અને બીજું હેમંતભાઈ માટે.
ભવિષ્ય સુનિશ્ચીત થયાની એ ખાતરી હતી, તેમ મનમાં એ જ ખ્યાલ હતો કે વયનિવૃત્ત પણ અહીંથી જ થઈશું. જો કે, એ વખતે સપનેય ખ્યાલ નહોતો કે અહીંથી શરૂ થયેલી કારકિર્દી સદંતર બદલાઈ જશે અને સાવ નવા ક્ષેત્રમાં કારકિર્દી આરંભાશે. 
                                        **** **** **** 
બાવીસ વરસ સુધી આઈ.પી.સી.એલ.માં નોકરી કરી. ત્યાર પછી ૨૦૦૭માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લેખનની નવી કારકિર્દી શરૂ કરી. હકીકતમાં એ 'નિવૃત્તિ' નહીં, પણ 'કાર્યપરિવર્તન' હતું. મારાં ઘણા સગાંઓ ત્યારે માનતાં (અને અમુક હજી માને છે) કે બહુ તગડું પેકેજ લઈને મેં નિવૃત્તિ લઈ લીધી છે અને હું ઘેર રહીને આખો દિવસ આરામ કરું છું. તેમનો ભ્રમ તોડવાનું પાપ કરવું ગમતું નથી. 
'બડે અરમાનોં સે' જ્યાં 'પહલા કદમ' 'રખ્ખા' થા, એ 'આઈ.પે.સી.એલ.' પણ 'વક્ત' ના 'હસીં સિતમ'નો ભોગ બન્યું છે અને નવા નામ 'રિલાયન્‍સ ઈન્‍ડસ્ટ્રીઝ લિ.'થી ઓળખાય છે. 'હમ રહે ન હમ'ની સ્થિતિ હોય ત્યાં 'તુમ રહે ન તુમ'ની ફરિયાદ ન હોય. 
એ વખતે પચીસ વરસની નોકરી પૂરી કરે એવા કર્મચારીઓને ચાંદીનો સિક્કો ભેટરૂપે આપવાનો રિવાજ હતો. માત્ર ૪૨ વર્ષની વયે, બાળકો સાવ નાનાં હોવા છતાં, ખાડીના કોઈ દેશોમાં નસીબ અજમાવવા જવાને બદલે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હું સાવ અજાણ્યા અને આર્થિક રીતે અસલામત ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો હોવાની ચિંતા સુધીરભાઈ જેવા વડીલમિત્ર અને હિતેચ્છુએ મારી સમક્ષ વ્યક્ત કરી. હું ભૂલ કરી રહ્યો હોવાનું પણ તેમને લાગ્યું હશે. અમુકની એક ફરિયાદ એ પણ હતી કે હું ત્રણ વરસ વધુ રોકાયો હોત તો મને ચાંદીનો સિક્કો મળ્યો હોત. 
અલબત્ત, ‘ચાંદી કે ચંદ ટુકડોં કે લીયે’ રોકાવાની મારી જરા પણ ઈચ્છા ન હતી. ઘણાને એમ પણ લાગ્યું કે એ મેં ‘ખોયો’. 
જો કે, 'મૈંને કુછ ખોયા હૈ' ને બદલે 'મૈંને કુછ પાયા હૈ' ની લાગણી જ મને એ આ નવી કારકિર્દીમાં સતત થતી રહી છે. 
આમ છતાં, દર વરસે ૨૮ ઑગસ્ટ આવે એટલે અનાયાસે એ શરૂઆતના દિવસો યાદ આવી જાય છે. 

(આ નોકરીની કેટલીક રસપ્રદ વાતો સમય મળ્યે અહીંં લખતો રહીશ.) 
(તસવીરો નેટ પરથી)