Friday, May 30, 2014

ગળતેશ્વર મહાદેવ: કાળ અને કળાનો સંઘર્ષ


આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો એ પણ સાહસ ગણી શકાય, એવી સ્થિતિ છે. આવામાં ભરબપોરે ત્રણ વાગે એકદમ ખુલ્લા, પથરાળ વિસ્તારમાં જવાનું નક્કી થાય તો કેવી માનસિકતા હોય?
પણ એ માનસિકતા અને તમામ વિપરીત પરિબળોને હડસેલીને અમે સૌ બહાર નીકળ્યાં. મંઝીલ હતી ડાકોર, પણ એ અગાઉ અમારે જવું હતું ગળતેશ્વર, જે ડાકોરથી આશરે ૧૬ કિ.મી. ના અંતરે આવેલું છે.
ડાકોરથી ઠાસરાના રસ્તે, ઠાસરા વટાવ્યા પછી અંબાવ ગામે થઈને ગળતેશ્વર જવાય છે.
ઉંમરના એક તબક્કે સાવ થોડા સમયગાળામાં અનેક વાર ગળતેશ્વર જવાનું થયું હતું. પણ એ પછી વરસોનો અંતરાલ પડી ગયો હતો. એટલે તેની માત્ર ધૂંધળી છબિ જ મનમાં રહી ગઈ હતી.
મહીસાગર અને ગળતી નદીનો અહીં સંગમ થાય છે, અને કાળમીંઢ ખડકોવાળા પથરાળ પટમાં મહીસાગર શાંત ગતિએ વહે છે. બન્ને કાંઠાને જોડતો પુલ પણ ઘણા વરસોથી બની ગયો છે. આટલી કાળાઝાળ ગરમીમાં નદીના પટમાં, સાંજના પાંચ વાગ્યાનો સમય હોવા છતાં, પથ્થરો પરથી આવતો પવન દઝાડતો હતો. 

આમ છતાં, અમુક વિસ્તારમાં પાણી હોવાથી અનેક લોકો તેમાં સ્નાન કરી રહ્યા હતા.
ગળામાં કેમેરા ભરવીને ફરતા ધંધાદારી ફોટોગ્રાફરો પણ નદીના પાણીમાં ફરતા દેખાતા હતા. નદીના પટમાં અનેક પ્રકારના લોકો આ સ્થળને ટુરિસ્ટ સ્પોટની ઓળખ અપાવવા માટે પ્રયત્નશીલ હતા. શેરડીવાળા ભક્‍ ભક્‍ અવાજ કરતાં, કાળો ધુમાડો ઓકતાં મશીનોમાં પીલાયેલો શેરડીનો રસ પાઈને લોકોની તૃષા સંતોષતા હતા. મકાઈ વેચનારાઓ બાફેલા મકાઈ વેચીને લોકોના દાંતનો શ્રમ ઘટાડી રહ્યા હતા. અમુક જગાએ ગરમાગરમ ભજીયાં પણ ઉતરી રહ્યાં હતાં. આ ઉપરાંત પૂજાપો વેચતી અનેક હાટડીઓ તો ખરી જ.મહીસાગરને કાંઠે જૂનુંપુરાણું ગળતેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું શિવમંદીર આવેલું છે, જે નદીના પટમાંથી નજરે પડે છે. આ મંદીર અગાઉ જોયું છે, પણ આ વખતે અમારા મીની-પ્રવાસનું એ સૌથી મોટું સરપ્રાઈઝ રહ્યું.
બારમી સદીમાં બંધાયેલા આ મંદીરને કાળની થપાટો તો લાગી છે, છતાંય જે બચ્યું છે, તે જોતાં તેની અદ્‍ભુત શિલ્પકળાનો અંદાજ મળી રહે છે.
તેનું વધુ વર્ણન કરવા કરતાં તેની તસવીરો મૂકવી વધુ ઠીક રહેશે.  
સામાન્ય સંજોગોમાં આમ વાહનો માટે બંધ રહેતા આ દરવાજા લાલ લાઈટવાળી ગાડીઓ માટે સદાય ખુલ્લા હોય છે. છેલ્લી સૂચના વિશિષ્ટ છે. 


આ શિવાલયનું શિખર નથી. તેમજ ઉપશૃંગનો ભાગ પણ જર્જરિત થઈ ગયો છે. કહે છે કે મહંમદ ઘોરીએ શિખરનો ધ્વંસ કર્યો હતો.

મંદિરમાં સૌથી ધ્યાનાકર્ષક ભાગ હોય તો એ છે તેનો મંડપ. મંદિરની દિવાલો પર અનેકવિધ શિલ્પો છે, જેમાં દેવ, દેવીઓ, ગાંધર્વો, પક્ષીઓ તેમજ પશુઆકૃતિઓનો સમાવેશ થાય છે. અનેક ભોગશિલ્પો પણ છે. જે રીતે આવનાર શ્રદ્ધાળુઓ આ શિલ્પોની સામું જોયા વિના તેમને હાથ ઘસીને કપાળે અડકાડે છે, એ જોઈને ઘડીક વિચાર આવે કે આ શિલ્પો કાળના ઘસારા કરતાંય આંગળીઓના ઘસારાને કારણે વધુ જર્જરીત થયાં હશે.


મંદીરના પાયાના ભાગમાં વિવિધ આકૃતિઓવાળી પેનલ નજરે પડે છે, જેમાંની મોટા ભાગની આકૃતિઓ જર્જરીત થઈ ગઈ છે.

આ કામ નવું કરીને મૂક્યું હોય એ જણાઈ આવે. 


આ ઉપરાંત પણ ઘણી જગાએ જૂના પથ્થરોને બદલે સાદા પથ્થરો મૂકી દેવાયા છે, જે આ કૃતિની શોભાને બગાડે  છે.  પાસે જ મંદીરના ખંડીત અવશેષો તેમજ નવા પથ્થરો નજરે પડે છે.


આ સ્થળનું ધાર્મિક માહાત્મ્ય હોવાથી ગંદકી અનિવાર્યપણે વેઠવી પડે એમ છે. નદીના પટમાં ઠેરઠેર વેરાયેલી પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય કચરો તેમજ એ બધું અવગણીને નદીમાં સ્નાનનો 'લાભ' લેતા શ્રદ્ધાળુઓ બીજું કંઈ નહીં અને આ કચરામાં વધારો ન કરે તોય પૂરતું છે! 

( ગળતેશ્વરના અમારા પ્રવાસની પોસ્ટ ઉર્વીશના બ્લોગ પર: ગળતેશ્વર : નવ સદીનું ટાઇમટ્રાવેલિંગ )

(તમામ તસવીરો: ઈશાન કોઠારી) 

7 comments:

 1. ભારત છોડતાં પહેલાં જે સ્થળો જોવાનાં બાકી રહી ગયા હતા, તેમાંનું એક ગળતેશ્વરનું મંદિર હતું. આપે કરેલ વર્ણન તથા ખાસ કરીને ઇશાનભાઇએ લીધેલી તસ્વીરોને કારણે પ્રત્યક્ષ દર્શન થયું હોય તેવું લાગ્યું. મંદિરની બહારનાં શિલ્પોના છાયાચિત્રોએ લેખની શોભા વધારી છે.

  ReplyDelete
 2. અદભુત વર્ણન સાથે સરસ ફોટા............

  ReplyDelete
 3. Vah....khub saras varnan ane photos pan...ek Galteshwar Bardolithi 20 k.m.na antare pan chhe.

  ReplyDelete
 4. બે તબક્કે ઠાસરા ગામમાં પાંચ વર્ષ રહ્યો છું. કિશોરાવસ્થાના દિવસોમાં ગળતેશ્વર સરખી ઉંમરના મિત્રો માટે હરવા-ફરવાનું એવું સ્થળ હતું કે વાયા અંબાવ સાઇકલ લઇને જઈ શકાય. મહી નદીમાં ધુબાકા મારવાનો એકમાત્ર આનંદ લેવા અમે મિત્રો પૂરા દિવસની સાઇકલના ભાડાનો જોગ ના હોય ત્યારે ક્વોરીકામે જતા ટ્રેક્ટરની મફતિયા સવારીનો લાભ લેતા હતા. અસંખ્ય વાર ગળતેશ્વર ગયેલા મેં મંદિરને કે તેના મંડપ ભાગને આ કળાદ્રષ્ટિથી તો નહોતું જ જોયું. એવા દર્શન કરાવવા બદલ તસવીરકાર ઈશાન કોઠારીને અભિનંદન.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete