Showing posts with label Hobby. Show all posts
Showing posts with label Hobby. Show all posts

Sunday, February 23, 2025

ગાર્ડન ઑફ એડેનિયમ

આદમ અને ઈવનું સર્જન કરીને તેમને ગાર્ડન ઑફ ઈડનમાં મૂકેલા એવી વાયકા છે. જો કે, એ અગાઉ 'ઈડન ગાર્ડન'નો એક જ અર્થ મારે મન હતો, અને એ હતો કલકત્તાનું ક્રિકેટ સ્ટેડિયમ. રેડિયો કમેન્ટેટર સુશીલ દોશીના શબ્દો હજી કાનમાં ગૂંજે છે, 'અસ્સી હજાર દર્શકોં સે ખચાખચ ભરા હુઆ કલકત્તા કા ઈડન ગાર્ડન સ્ટેડિયમ.'

ખેર! પછી તો ક્રિકેટ છૂટી- રમવાની નહીંં, સાંભળવા-જોવાની. પછીના વરસોમાં બાગબાની પકડાઈ. એ સાવ છૂટી તો નથી, પણ સક્રિયતા ઘટી, અને એનો મુખ્ય હવાલો કામિનીએ જ સંભાળ્યો. પહેલાં ભોંયતળિયે છોડ રોપ્યા. પણ કોવિડના સમયગાળામાં રોજેરોજ ધાબે ચાલવા જતા. એટલે પછી ધીમે ધીમે ધાબે એને વિકસાવ્યો. એમાં મુખ્યત્વે એડેનિયમના રોપા. એડેનિયમને 'સીંગાપુરી ચંપો', 'ડેઝર્ટ રોઝ' વગેરે નામે ઓળખવામાં આવે છે. એના દેખાવની વિશેષતા એ કે એનું પ્રકાંડ ખૂબ જાડું વિકસી શકે, અને ડાળીઓ ઓછી. ફૂલ બેસે ત્યારે સરસ લાગે, અને એ વિના પણ. એને પાણી અને તાપ બન્ને જોઈએ, પણ વધુ પડતા પાણીથી એ 'વીરગતિ કો પ્રાપ્ત' યાનિ કિ 'ટેં' થઈ શકે. શરૂઆતમાં અધીરાઈથી પાણી પાતાં અમુક એડેનિયમ વીરગતિને પ્રાપ્ત થયેલા પણ ખરા. નર્સરીમાંથી ખરીદીએ તો એ અન્યોની સરખામણીએ મોંઘાં જણાય. પ્રકાંડની જાડાઈ અનુસાર એની કિંમત હોય એમ અમને લાગે છે.

ફૂલોથી શોભતાં એડેનિયમ

એડેનિયમ પર બેઠેલી શિંગ

ગાર્ડન ઑફ એડેનિયમનો એક નાનકડો હિસ્સો

ભોંયતળિયેથી તમામ એડેનિયમને ધાબે લાવ્યાં એટલે એમને ભરપૂર તાપ મળતો થયો. એ ફાલવા લાગ્યાં. એમને ફળ (શિંગ) અને ફૂલો બેસવા લાગ્યાં. શિંગમાંથી નીકળતાં બીજમાંથી કામિની રોપા (ધરુ) ઉછેરવા લાગી. સહેજ મોટા થયેલા ધરુને પછી અલગ કૂંડામાં રોપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વસ્તાર વધવા લાગ્યો.

બે-ત્રણ મહિના પહેલાં કુતૂહલવશ મેં ધાબે રહેલા એડેનિયમની ગણતરી કરી તો નેવું જેટલા ગણી શકેલો- ભૂલચૂક લેવીદેવી. સામાન્ય રીતે અમારે ત્યાં કોઈ આવે તો સ્વાભાવિકપણે જ એની નજર નીચે મૂકાયેલાં કુંડા પર જાય. ધાબે મૂકેલાં કુંડા સુધી જવાનું ન બને. પણ બાગાયતના ખરેખરા પ્રેમી હોય તો અમે ઘણી વાર ધાબે જવાની ઑફર મૂકીએ ખરા. આપણા ઘણા ગુજરાતીઓનો બાગાયત માટેનો લગાવ જોઈને આપણું દિલ ક્યારેક 'બાગ બાગ' થઈ જાય. એ શી રીતે? તેમના અમુક મુખ્ય સવાલ હોય, જેના જવાબની એમને અપેક્ષા ન હોય. તદ્દન નિષ્કામભાવે તેઓ કામિનીને પૂછે, 'આમાં તારો કેટલો બધો સમય જાય?' હું વ્યાવસાયિક અનુવાદક પણ ખરો, એટલે આ સવાલનો અનુવાદ મનમાં કરું, 'આ તો બધું નવરા લોકોનું કામ.' અમુક પૂછે, 'આટલા બધા કૂંડાને પાણી પાતાં કેટલી વાર લાગે?' અનુવાદ આગળ મુજબ. કોક વળી અર્ધજાણકાર હોય, થેન્ક્સ ટુ રીલ્સ, એટલે એ કહે, 'આ છોડ તો બહુ મોંઘા આવે છે. નર્સરીમાં એનો ભાવ ખબર છે? દોઢસો-બસોનો એક નાનો છોડ આવે.' અનુવાદ: 'તમે, મારા બેટાઓ ! લાખોનું 'રોકાણ' કરીને બેઠા છો ને અમને કહેતાય નથી?' અમુક આત્મીયજનો હકભાવે જણાવે, 'અમારા માટે એક છોડ તૈયાર કરજો.' એમના માટે કામિની તૈયાર કરે, પણ એના માટે મુદત માગીને.

વચ્ચે ઈશાને અને મેં વિચાર્યું કે આપણે આ એડેનિયમનું વેચાણ ચાલુ કરીએ. ઈશાને સ્થાનિક ડિલીવરી સેવા આપતી એજન્‍સીઓની પણ તપાસ કરી. મેં નિષ્ણાતની અદાથી 'કોસ્ટિંગ'ની ગણતરી માંડી. મને નજીકથી ઓળખનારા સમજી ગયા હશે કે આનું પરિણામ શું આવે! પણ એવું કશું ન થયું, કેમ કે, પોતે ઉછેરેલા એડેનિયમને વેચવાનો કામિનીનો જીવ ન ચાલ્યો. એણે, જો કે, 'મને ટાઈમ નથી', 'ડિલીવરી આપવા જતાં ડાળીઓ તૂટી જાય તો?' વગેરે જેવાં બહાનાં આગળ ધર્યાં. એટલે પછી અમારું એ બિઝનેસ મોડેલ ફન્ક્શનલ ન બની શક્યું. નહીંતર મેં તો ભવ્ય યોજનાઓ બનાવી રાખેલી કે એક વાર આ એડેનિયમનો બિઝનેસ બરાબર ચાલવા લાગે તો ધીમે ધીમે હું વ્યાવસાયિક ચરિત્રલેખનને સંપૂર્ણપણે 'માટીમાં મેળવી' દઉં અને એમાંથી રોટલા કાઢું.

પણ ધાર્યું 'ધણિયાણી'નું થાય!

Tuesday, May 31, 2022

વેસ્ટમાંથી બેસ્ટ નહીં, વધુ વેસ્ટ

અમુક મોસમમાં, ખાસ કરીને ચોમાસામાં બોન્સાઈનાં વડ, ફાયકસ જેવી અમુક પ્રજાતિનાં વૃક્ષોને અસંખ્ય વડવાઈઓ ફૂટતી હોય છે, પણ આમાંથી ભાગ્યે જ કોઈ વડવાઈ લાંબી થઈને કૂંડાની માટી સુધી પહોંચી શકે છે. ફૂટતી વડવાઈઓ જોઈને જે આનંદ થયો હોય એ બધો સૂકાયેલી વડવાઈઓ જોઈને ઓસરી જતો. આનો કોઈક રસ્તો અમે વિચારતા હતા.

ઘરમાં શેમ્પૂની અને એવી ઘણી ચપટી બોટલો ખાલી થતી હોય છે. આ બોટલનું તળીયું અને ટોચ કાપીને એને સપાટ કરી દઈએ અને પડખે કાપો મૂકી દઈએ એ તો એ ભાગ ખુલ્લો થઈ જાય, છતાં એના આકાર મુજબ બીડાયેલો રહે. અમે આવી કાપેલી બોટલને ખોલીને એને થડની આસપાસ ગોઠવી દીધી, અને પછી તેની પર બહારથી તાર વીંટાળીને એને બરાબર બીડી દીધી. આથી થડની આસપાસ બોટલ ગોઠવાઈ ગઈ અને વચ્ચે ઘણી જગા ઉભી થઈ. આ જગામાં, એટલે કે બોટલની અંદરના ભાગમાં છેક ઉપર સુધી માટી ભરી.


આને કારણે નવી ફૂટેલી જે વડવાઈઓ સહેજ લાંબી થતી હતી, તેને માટીનો આધાર મળ્યો અને તે વિકસવા લાગી. તે છેક તળીયા સુધી પહોંચી શકી અને પછી જાડી પણ થવા લાગી.


એ જ રીતે થડની ચારે બાજુ વીંટાળી શકાય અને ભીનું ન થાય એવી અન્ય ચીજો પણ નજરે પડવા લાગી, જેનો ઉપયોગ અહીં જોઈ શકાય છે.


(આ પોસ્ટ વાંચવામાં કોઈ બાધ નથી અને બોન્સાઈપ્રેમી ન હોય એ લોકો પણ વાંચી શકે છે, તે જાણ સારું.)

Sunday, May 15, 2022

કહાં હૈ 'હોલી'?

એક સમયે જે પક્ષીઓ માત્ર ને માત્ર સીમમાં કે વગડે જોવા મળતા હતા, એવાં પક્ષીઓ હવે ઘરઆંગણે નિયમીત મુલાકાત લઈ રહ્યાં છે. ચકલી, કાગડો ખાસ દેખાતાં નથી, પણ કબૂતરો ઘણાં વસે છે. જ્યારે શક્કરખોરો, બુલબુલ, સુગરી, લેલાં, હોલો અને જેને હું ઓળખી શકતો નથી એવાં બે-ત્રણ જાતનાં નવાં પક્ષીઓ રોજેરોજ દેખાય છે. આમ વિચારીએ તો તેઓ ઘરઆંગણે આવતાં નથી થયાં, પણ આપણે તેમના આંગણામાં ઘૂસ મારી છે.

અમારા ઘરની બહાર, એક પીપમાં ઉગાડેલા સપ્તપર્ણીના ઝાડમાં એક હોલા યુગલે માળો બાંધ્યો હતો. બહારની બાજુએ ઊભા રહીએ તો ઝટ નજર ન પડે, પણ ઘરની બારીમાંથી તે બરાબર સામે જ દેખાય છે. હોલા દંપતિ ત્યાં આવે છે, આસપાસ ઊડે છે. એકાદ બે કૂતરાં પણ તેમને જોઈને ઝાડના આંટાફેરા કરે છે.
પછી એક દિવસ ધ્યાન પડ્યું કે તેમાં ઈંડું પણ મૂકવામાં આવ્યું છે, અને તેને સેવવા માટે એ પક્ષી તેની પર બેસે છે. આમ તો, આ બધી 'પ્રાઈવેટ' ક્ષણો કહેવાય અને તેને કેમેરામાં ઝડપવી નીતિમત્તાની દૃષ્ટિએ યોગ્ય ન ગણાય. આથી વચલો રસ્તો કાઢીને મેં તેને મોબાઈલ ફોનના કેમેરામાં ઝડપી છે, જેથી પક્ષીને ખલેલ ન પહોંચે. જો કે, માદા આવા સમયે બહુ સચેત અને સાવચેત રહેતી હોય છે. બીજી વાર તેને ખ્યાલ આવી ગયો એટલે તે ઉભી થઈ ગઈ અને મોં ફેરવી દીધું.
આસપાસના ઘરોમાં પક્ષીઓ માટે પાણી મૂકાયું હોય અને આપણે ન મૂકીએ તો ચાલે કે કેમ? અમારે ત્યાં મર્યાદિત પ્રમાણમાં હરિયાળી છે. એટલે કે કૂંડામાં કે પીપમાં ઉગાડેલા છોડ કે વૃક્ષ છે, જે પક્ષીઓને આકર્ષે છે, એમ અમને લાગે છે. પક્ષીપ્રેમીઓ જણાવી શકશે કે 'બર્ડ ફીડર' અથવા પાણી ઘરઆંગણે મૂકવાથી પક્ષીઓને કંઈ ફાયદો થાય? કેમ કે, અમારે ત્યાં એક બિલાડી પણ નિયમીત આવનજાવન કરે છે. બિલાડીની નજર આ પક્ષીઓ પર હોય છે, અને બહાર રખડતાં કૂતરાંઓની નજર આ બિલાડી પર.
મોરના (ખરેખર તો ઢેલના) ઈંડાને ચીતરવા ન પડે, એમ કહેવાય છે. પણ આનુવંશિકતાની રીતે જોઈએ તો કોઈ પણના ઈંડાને ચીતરવા ન પડે. હા, માણસનાં ઈંડા (એટલે કે બચ્ચાં)ને ચીતરવાનો ધંધો જોરદાર ચાલે છે. આ ઉદ્યોગમાં ખરેખર કોઈ પ્રક્રિયા થતી હોય તો તે એ કે નાણાંનું એક ખાતામાંથી બીજા ખાતામાં સ્થળાંતર થાય છે.

(સ્પષ્ટતા: છેલ્લી લીટી 'ચિંતન' નથી, 'ચિંતા' છે, એમ સમજવું.)
(સૂચના: તસવીરોની ગુણવત્તા અંગે ફરિયાદ કરવી નહીં.)

Sunday, April 24, 2022

એડેનિયમને ઉછેરતાં

 'ફાંટાબાજ' એટલે 'ભગવદ્‍ગોમંડળ'ના અર્થ મુજબ મનમોજી, મનસ્વી, તરંગી. જો કે, છાપાના ઘરેડ વાચકોને 'ફાંટાબાજ' શબ્દની પછવાડે જ 'કુદરત' શબ્દ સંભળાઈ ગયો હશે. ઘણાને તો મોટા માથાવાળું બાળક, ઓમનો આકારવાળું રીંગણું કે ગણેશજી જેવું દેખાતું પપૈયું સુદ્ધાં દેખાઈ ગયું હશે. એ હદે આપણાં અખબારોએ આ શબ્દયુગ્મને પ્રચલિત કરી દીધું છે. અલબત્ત, કુદરત ફાંટાબાજ છે એમાં ના નહીં. તેની કેટલીય રચનાઓ વિશે જેટલું પણ જાણવા મળે ત્યારે આશ્ચર્ય થયા વિના રહે નહીં.

સર્જનનો જ દાખલો લઈએ. સર્જનને સુનિશ્ચિત કરવા માટે કુદરતે પ્રજનન જેવી વ્યવસ્થાનું આયોજન વિચાર્યું. મનુષ્ય કે પશુપક્ષીઓમાં તો ખરું, પણ 'સજીવ' ગણાતી વનસ્પતિમાંય તેની જોગવાઈ કરી. ફૂલછોડમાં બીજ સર્જન માટેનો મુખ્ય એકમ કહી શકાય. (ઘણા સેમિનારમાં 'બીજરૂપ' વક્તવ્ય ત્રાસ અને કંટાળાનું સર્જન કરે છે, જેને માટે કુદરત જવાબદાર નથી.) બીજમાં પણ નર અને માદાનો સંયોગ જરૂરી. બીજના કેવા અને કેટકેટલા પ્રકાર! કવચ ધરાવતા કઠણ ઠળિયા, (વડના) ટેટા પ્રકારના નરમ બીજ, શિંગના કવચમાં હારબંધ ઢંકાયેલાં નરમ બીજ. બલ્બ જેવી રચના અને બીજી અનેક! આમાંના મોટા ભાગના બીજ જ્યાં પડે ત્યાંં જ ઊગી નીકળે યા પંખીઓ તેને ખાય અને ચરક મારફતે તે જ્યાં ત્યાં પડે અને અનુકૂળતા મળતાં ઊગે.
એડેનિયમનાં બી 
તેની સરખામણીએ આ તસવીરમાંના બીજ કેવાં છે! એક તો તેનો રંગ એવો કે જમીન પર પડ્યાં હોય તો ભાગ્યે જ નજરે પડે. હલકાં એવાં કે સ્થિત રહી જ ન શકે અને સહેજ જ હવા મળતાં ક્યાંના ક્યાં ઉડવા માંડે. આ બીજ એડેનિયમનાં છે. 
અસલમાં રણપ્રદેશનો આ છોડ કે વૃક્ષ આપણા દેશમાં સીંગાપુરી ચંપા તરીકે ઓળખાય છે. કદાચ પ્રદેશ મુજબ તેનાં અન્ય નામ પણ હશે. શોખીનોને ખ્યાલ હશે કે નર્સરીમાં તેના રોપાની કિંમત કેટલી હોય છે. આ છોડનાં બે મુખ્ય આકર્ષણ કહી શકાય. એક તો તેની પર બેસતાં મોસમી ફૂલ, જે છોડના પ્રકાર મુજબ લાલ, ગુલાબી કે અન્ય રંગનાં હોઈ શકે. અને બીજું તેના પ્રકાંડની ગાંઠ. ઘણા ઉસ્તાદ કલાકારો આ છોડનો ઉછેર એ રીતે કરે કે તેની ગાંઠ એકદમ મોટી થાય. નર્સરીમાંથી ખરીદવા જતાં આ છોડની કિંમત તેની ગાંઠ મુજબ પણ હોય છે. ગાંઠ જેટલી તગડી એમ કિંમત વધુ. 
આ કારણે ઘરમાં આવા છોડ ઉછેર્યા હોય તો સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો પણ છોડના દેખાવ કે માવજતની પ્રશંસા કરવાને બદલે તેને કિંમતની રીતે જ જુએ. 'ઓહોહો! આ તો બહુ મોંઘા હોય છે હોં!' આવું સાંભળીને આપણાથી બીજું તો શું થઈ શકે! બીજો એક વર્ગ જરા સ્માર્ટ લોકોનો હોય છે. તેઓ સિફતથી વિગતો પૂછી લે અને છેલ્લે કહે, 'તમારો શોખ બહુ સારો છે. મનેય બહુ શોખ છે, પણ શું કરું? સમય જ નથી મળતો.' આવા 'વ્યસ્ત' લોકો માટે પણ આપણે કશું ન કરી શકીએ. યૂ ટ્યુબ પર ફૂલછોડને લગતી વિવિધ વિડીયો ક્લીપ્સ જોઈને, કે ફેસબુક પર ચાલતાં ફૂલછોડનાં વિવિધ ગૃપમાં જોડાઈને પોતાનો બાગકામનો શોખ સંતોષતો વર્ગ પણ ઓછો નથી.
એડેનિયમનાં બી નજીકથી 
હોય! આનંદ લેવાની સૌની આગવી રીતરસમ હોય છે.
પાછા સર્જનની વાત પર આવીએ તો, નીચેની તસવીરમાં આ બીજ પર માટી પાથરવામાં આવી છે. માનવદેહ પર માટી પાથરવામાં આવે ત્યારે તેને દફન કર્યો કહેવાય છે. એ જીવનનો અંત હોય છે. બીજ પર માટી પાથરવાને 'રોપવું' કે 'વાવવું' કહેવાય છે. એ જીવનનો આરંભ હોય છે. થોડા દિવસમાં આ બીજમાં ફૂટ થશે અને નાના રોપા નીકળી આવશે. 

બીજ પર પાથરેલી માટી 
****
વનસ્પતિ અને માનવજાતમાં ઘણું સામ્ય છે, એમ લાગ્યા વિના રહે નહીં.
માત્ર બીજને રોપી દેવાથી તે છોડ બની જાય એવું કદી બનતું નથી. નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, સાત-આઠ દિવસ પહેલાં રોપેલા બીજમાંથી ધીમે ધીમે ફૂટ થવા લાગી છે અને માટીમાંથી તે 'માથું કાઢી રહ્યા છે'.

બીજમાં થઈ રહેલી ફૂટ 
પણ શું ફૂટ થાય એટલે વાત પૂરી? ના. ફૂટ થયા પછી તે સહેજ મોટા થવા લાગે ત્યારે તેની પ્રતિકારક શક્તિ અનુસાર તે ટકે છે કે નાશ પામે છે. (આવી ધારણા છે.) નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, બીજમાંથી ફૂટ થયા પછી સહેજ મોટા થયેલા છોડમાંના ઘણા (રાગ દરબારીની જબાનમાં કહીએ તો) 'વીરગતિ કો પ્રાપ્ત હુએ હૈ યાનિ કિ ટેં બોલ ગયે હૈ.'
'વીરગતિ'ને પ્રાપ્ત થયેલા રોપા 
આ છોડ એક યા બીજા કારણસર ટકી શક્યા નથી. આ તબક્કાને પાર પાડીને જે છોડ આગળ વધે એ નીચેની તસવીરમાં દેખાય છે એમ ફૂલવાફાલવા માંડે છે.


નીચેની બે તસવીરોમાં આવા પૂર્ણ કદના છોડનું સ્વરૂપ છે. આ છોડ તેના જાડા પ્રકાંડ માટે જાણીતો છે. આ પ્રકાંડને શી રીતે મોટું કરવું તેની કળા પણ ઘણા ઉસ્તાદો જાણતા હોય છે. કામિનીએ આવા એક પ્રકાંડને તેની વિકાસાવસ્થામાં જ ગાંઠ લગાવી છે, જે વિકસતાં ઓર મજબૂત બને છે. આવા મોટા, વિકસીત છોડ પણ કેટલું ટકે એ નક્કી નથી હોતું. માણસની જેમ જ, તેનું જીવન અનિશ્ચિત હોય છે. અને તેના અકાળે અંતનું કારણ ઝટ જાણી શકાતું નથી. એમ બની શકે કે, ઉછેરનારની અણઆવડત કે અજ્ઞાનને કારણે આવું બન્યું હોય, છતાં એ ખબર પડતી નથી. કેમ કે, મૃતકનાં સ્વજનો ઝઘડવા આવતા નથી.
વધુ પડતા લાડમાં બાળકો વંઠી જાય એમ, વધુ પડતું લાલનપાલન પણ આ છોડના મૃત્યુનું કારણ બની શકે છે.

પૂર્ણ વિકસીત પ્રકાંડવાળું એડેનિયમ
ગાંઠવાળું પ્રકાંડ 

(તસવીરમાં જણાતો તમામ ઉદ્યમ કામિનીનો છે. મારે ભાગે માત્ર તસવીરો લેવાની અને લખાણનું કામ છે. શાસ્ત્રોમાં તેને શ્રમવિભાજન કહે છે. )

Saturday, April 2, 2022

‘વેસ્ટ’માંથી ઈષ્ટ

અમેરિકન જીવનશૈલીની ભારતીયોએ અપનાવેલી એક મુખ્ય બાબત તે ‘યુઝ એન્ડ થ્રો’. ભારતીય સમાજમાં હજી હમણાં સુધી ‘રીસાયકલ, રીયુઝ’નું ચલણ કશી સભાનતા વિના હતું, પણ હવે એ કેવળ પ્લાસ્ટિક પૂરતું જ મર્યાદિત થઈ ગયું છે, કેમ કે, પ્લાસ્ટિકની નકામી કોથળીને ખુલ્લામાં નહીં, પણ કચરા પેટીમાં નાંખીએ એટલે પર્યાવરણ માટે કંઈક કર્યાનો સંતોષ સહેલાઈથી મળી જાય છે. એ કચરા પેટી ક્યાં ઠલવાય એ વિચારવાનું કામ આપણું નથી. પર્યાવરણ બાબતે પગલાં ન લેવાની ગાળો માટે ‘સત્તાવાળાઓ’ હાથવગા છે જ.

એક જમાનામાં આપણે ત્યાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો શબ્દપ્રયોગ ચલણી હતો. ટી.વી. ન હોવાથી ગૃહિણીઓનો સમય સિરીયલ જોવાને બદલે અન્ય કામમાં વ્યતિત થતો. સર્જનાત્મકતા અને નજાકતને સ્ત્રીઓના સહજ લક્ષણ સાથે સાંકળવામાં આવે છે, તેનો સાક્ષાત્કાર ઘણી ગૃહિણીઓને મળતાં, તેમનાં ઘરમાં જતાં થતો. વિવિધ પ્રકારની કળાકારીગરીના નમૂના- ભલે દેખાદેખીમાં બનાવ્યા હોય તો પણ-જોવા મળતા. એ ઉત્કૃષ્ટ કૃતિ ન પણ હોય, છતાં તેમાં જાતે કશું કર્યાનો આનંદ મહત્ત્વનો હતો. આવા ઉદ્યમને ઘણા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કહીને વખાણતા. મારા જોવામાં અમુક નમૂના આવે ત્યારે હું મનમાં ‘વેસ્ટમાંથી વેસ્ટ’ પણ બોલતો. બનતા સુધી કવિ અનિલ જોશીના કોઈ લેખમાં વાંચેલું કે એક ગૃહિણીને ત્યાં તેઓ ગયા ત્યારે ગૃહિણીએ ઉત્સાહથી જણાવ્યું, ‘અમે ઘસાયેલા ધોતિયાના ટુકડા કરીને તેનો ઉપયોગ પાણી માટેનાં ગળણાં બનાવવામાં કરીએ છીએ.’ કવિએ આ લખ્યા પછી ઉમેરેલું કે ત્યાર પછી તેમને ત્યાં પાણી પીતાં મને ગળામાં વાળના ગૂંચળા ભરાતા હોય એમ લાગતું. (સ્મૃતિને આધારે આ કિસ્સો લખ્યો છે.)
હવે કોઈ વસ્તુને ‘રીસાયકલ’ કે ‘રીયુઝ’ કરવામાં સભાનતા આવી ગઈ છે. એ સહજ નથી રહ્યું. કોઈ એ કરતું હોય તો પણ જાણે કે પર્યાવરણ કે સમાજ પર મોટો ઉપકાર કરતો હોય એવો ભાવ જોવા મળે છે. આશ્વાસન એ કે એટલું તો કરે છે! ‘રીસાયકલ’ કે ‘રીયુઝ’ કરવાથી ઘણાને પોતે ગરીબ દેખાશે એમ લાગે છે, એ જ રીતે એ ન કરનારને પોતે ધનવાન દેખાશે એમ લાગે છે!
બોન્સાઈની કળામાં છોડ જેટલું જ મહત્ત્વ તેમનાં કૂંડાનું છે, અને કયા પ્રકારના છોડ માટે કેવાં કૂંડાં હોવા જોઈએ તેનું આખું શાસ્ત્ર છે. અન્ય તમામ શાસ્ત્રોની જેમ આ શાસ્ત્રનો પણ અમે અભ્યાસ કર્યો નથી. ઘરમાંથી નીકળતી વિવિધ ચીજોનો કૂંડા માટે ઉપયોગ કરીએ છીએ. ઘરમાં સીરામીકનો કપ કે મગ તૂટી જાય, પ્લાસ્ટિકના કોઈ ડબલામાં ક્રેક પડે તો દુ:ખ થવાને બદલે આનંદ થાય છે કે ચાલો, એક કૂંડું વધ્યું! અમારે ઘેર અમુક લોકો આવે, ભૂલથી બોન્સાઈ જુએ અને તેમની નજર અવનવા રંગીન કૂંડા પર પડે એટલે તેઓ એ ચીજોને ઓળખવા પ્રયત્ન કરે. બિનસત્તાવાર અહેવાલો મુજબ, ઘણા લોકોએ અમારે ત્યાંથી ગયા પછી ચા-કૉફી પીવાના પોતાના નવા ને નવા કપમાં કાણું પાડવાનો પ્રયાસ કરીને તેને નવરા કરી દીધા છે. એ રીતે તેમણે ‘બેસ્ટ’માંથી વેસ્ટ સર્જવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કર્યો છે. વસ્તુ ‘વેસ્ટ’ હોય કે ‘બેસ્ટ’, તેનો ઉપયોગ ‘ઈષ્ટ’ (ઈચ્છિત) રીતે કરીએ એની એક અલગ મઝા હોય છે.
'ઘાયલ'સાહેબના પેલા બહુ જાણીતા શેરને અમે આ રીતે જોઈએ છીએ.
'તને જોતાં નથી આવડતું ઓ મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે, કે જે કૂંડું નથી.'
અહીં કેટલીક તસવીરો વિવિધ ચીજોમાંથી બનાવેલાં વિવિધરંગી કૂંડાઓ અને તેને અનુરૂપ છોડની.
(અહીં અમેનો અર્થ 'હું અને મારો પરીવાર' સમજવો.)







****
ઘણાં વાલીઓ અતિ ઉત્સાહી હોય છે. પોતાના સંતાનના શાળાના કોઈ સહાધ્યાયીને તેના ભાવિ જીવનસાથીના રૂપમાં જોતા અમુક ખંતીલા વાલીઓને હું જાણું છું.
અમે પણ આવા જ ખંતીલા છીએ, અને વાલી પણ ખરાં જ. પણ અમારા ઉત્સાહની દિશા જુદી હોય છે. કામિની કોઠારી જેના ઉછેરનો કાનૂની દાવો કરી શકે એવાં અનેક ફૂલછોડને તેણે પાળ્યાપોષ્યા છે. અને પૂજામાં બેઠેલા દંપતિની જેમ મેં પણ તેના હાથ પર મારો હાથ મૂકીને એ દાવામાં અડધો હિસ્સો નોંધાવ્યો છે. સૌ જાણે છે એમ બોન્સાઈ જેટલાં જ મહત્ત્વનાં તે જેમાં ઉછેરાય એ પાત્રો પણ હોય છે.
ઉત્સાહી વાલીઓની જેમ, ઘરમાં વપરાશમાં લેવાતી કે નકામી થયેલી અનેક ચીજો જોતાં અમને તેનામાં બોન્સાઈનું પાત્ર દેખાવા લાગે છે. એ દેખાય એટલે પછી વિચાર બદલાઈ જાય એ અગાઉ તેનો શીઘ્ર અમલ કરી દેવામાં આવે છે. કટર, કાતર, સ્ક્રૂ ડ્રાઈવર, છરી, પક્કડ પ્રકારનાં સાધનોની મદદથી તેને તળિયે એક વાર સરખું કાણું પડી જાય એટલે બસ. એ પછી તેમાં યોગ્ય છોડ તો મળે ત્યારે રોપાય, પણ એટલું નક્કી કે હવે એનો 'પાત્રાવતાર' નિશ્ચિત થઈ ગયો. એ નિર્જીવ હવે અન્ય કોઈ યોનિમાં જન્મ ન લઈ શકે.
અમારા મિત્રો અમને પૂરતો સહયોગ કરે છે. તેમને ઘેર પડેલી નકામી ચીજો અમને તે સદુપયોગના ભાવથી આપે છે. અમારે એટલું જ જોવાનું રહે છે કે તેઓ અતિશય પ્રેમથી દોરવાઈને કશીક કામની ચીજ ન આપી દે.
મિત્રદંપતિ બિનીત અને શિલ્પા મોદીએ તેમને ઘેરથી નીકળેલી સિરામીકની સોપ ડીશ અમને આપી. તેમને કદાચ એમ હશે કે અમે તેને બાથરૂમમાં કે સીન્ક પાસે લગાવડાવીને તેમાં સાબુ મૂકીશું. પણ તેમણે અમને આપી એ જ ઘડીએ પેલા ઉત્સાહી વાલીની જેમ અમે નક્કી કરી દીધેલું કે એને અમે ક્યાં લગાવીશું અને તેમાં કયો છોડ મૂકીશું.

સોપ ડીશ

કોઈકને ત્યાં શુભ પ્રસંગે કાચના ત્રણ બાઉલનો એના સ્ટેન્ડ સાથેનો સેટ આવેલો. બૉક્સ ખોલીને જોતાં જ અમારામાંના ઉત્સાહી વાલી જાગ્રત થઈ ગયા. એક અવાજે અમે નક્કી કરી લીધું કે આનું લાલ સ્ટેન્ડ ઘરમાં રખાય એમ નથી. એમાં રહેલા કાચના ત્રણ બાઉલ ભલે ઘરમાં રહે. એટલે એ લાલ સ્ટેન્ડને અમે ઘરની બહાર પ્રવેશમાં જ મૂક્યું.

બાઉલનું સ્ટેન્ડ

એમ તો દરેક પાત્રની એક આગવી કહાણી છે. પણ વાલી તરીકેના ઉત્સાહને કાબૂમાં રાખતાં અમે સભાન છીએ કે આખરે મહત્ત્વ એમાં ઊગેલા છોડનું છે. તેથી કહાણી કહેવાનો એટલે કે વાર્તા માંડવાના ઉત્સાહ પર કાબૂ રાખવો. આટલી વાર્તા માંડવાનો હેતુ મિત્રોને પ્રેરવાનો છે. 'કપ ફૂટલો જોયો ને તમે યાદ આવ્યા'ની જેમ પણ તેઓ પ્રેરાઈ શકે યા અન્ય કોઈ રીતે- એ તો તેમની પર નિર્ભર છે.
અહીં આપેલી તસવીરો ખાસ તો તેના પાત્રો માટે થઈને લીધેલી છે.







****
બગીચો એટલે ખેતરનો વિખૂટો પડેલો શહેરી ભાઈ. ગુજરાતમાં પ્રચલિત ચિંતનાત્મક શૈલીમાં આવું કહી શકાય. (કોને ખબર કોઈક ચિંતક અગાઉ લખી પણ ગયા હોય!) શહેરમાં રહીને બાગાયતનો શોખ કેળવનારની હાલત અંગે મોટે ભાગે બહાદુરશાહ 'ઝફર'નો શેર સહેજ ફેરફાર સાથે આમ કહી શકાય:
'કિતના હૈ બદનસીબ 'ઝફર' ચમન કે લિયે,
દો ગજ જમીન ભી ન મિલી કૂ-એ-યાર મેં.
જો કે, ઓછી જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કરવાની આદત ધીમે ધીમે કેળવાતી જાય છે.
કામિનીને પહેલાં વિવિધ સ્પર્ધાઓમાં અવનવી ગિફ્ટ મળતી. એમાંથી કામમાં આવે એવી તો ભાગ્યે જ હોય, પણ અમે એને કામમાં લઈ લેતા. એકાદ બે વાર સોપ ડીશ મળેલી, પણ બાથરૂમમાં સાબુ મૂકવા માટેની સોપ ડીશ એક વાર લગાવી દીધા પછી ભાગ્યે જ એને બદલવાનો વારો આવે છે. આથી અમે એ સોપ ડીશને કૂંડામાં ફેરવી દીધી.



ઘરના એક સભ્યે પ્રેમપૂર્વક કેસરોલ આપ્યો, જેનો તેમને ઉપયોગ નહોતો. એ કેસરોલનો પણ સદુપયોગ કરવામાં આવ્યો.


કોઈક સારી છત્રી જોઈએ તો અમને કોઈ કુશળ રેડિયોલોજિસ્ટની જેમ એની અંદરની સળિયાવાળી ફ્રેમ દેખાય. આવી એક ફ્રેમની અમે તલાશમાં હતા, પણ એ મળી શકી નહીં. અમારી ઉત્સુકતા જોઈને આખરે અમારા ઘરની છત્રીએ જ અમને મદદરૂપ થવાનું નક્કી કર્યું હશે. એટલે તેનું કાપડ ફાટવા લાગ્યું. આ જોઈને અમે ઉત્સાહમાં આવી ગયા અને છત્રીનું વસ્ત્રાહરણ કરીને તેની ફ્રેમ કાઢી લીધી. એની પર હાલ વેલ ચડી રહી છે.



સહૃદયી અને બાગાયતના શોખીન મિત્રોને આ વાંચીને પ્રેરણા મળે- જાતે પાત્રો બનાવવાની, કે પછી અમને મોકલવાની- એ હેતુસર અહીં કેટલીક તસવીરો મૂકી છે.

Friday, April 1, 2022

બોન્સાઈ એટલે શું નહીં?

એ હકીકતથી હવે દેવો અને દાનવો સૌ કોઈ જ્ઞાત છે કે અમે બોન્સાઈના પ્રેમી છીએ. અલબત્ત, મનુષ્યજગતમાં હજી કેટલાક લોકો આ હકીકતથી અજાણ છે, તેથી જ તેમના લાભાર્થે અને જ્ઞાનાર્થે અવારનવાર બોન્સાઈને લગતી પોસ્ટ મૂકવી જરૂરી બની રહે છે.
ઉમરડો એટલે કે ઉમરો એટલે કે ઓદુમ્બરનું વૃક્ષ બહુ પવિત્ર ગણાય છે. તેનું બોન્સાઈ કોઈ કરતું હોય તો ધ્યાનમાં નથી આવ્યું. અમે અમારા કૂંડામાં આવું એક વૃક્ષ ઉછેર્યું છે. હવે આ મોસમમાં તેને પહેલવહેલી વાર ફળો બેઠાં છે.

આ વૃક્ષનાં ફળોની વિશેષતા એ છે કે તે સીધાં થડ પર જ બેસે છે. કૂંડામાં રહેલા આ ઝાડની ઉંચાઈ ઠીક ઠીક ઉંચી હોવાથી કેવળ ફોટો લેવા માટે તેને નીચે ઉતારવું ઠીક ન લાગ્યું. છતાં આ તસવીરમાં તેનો ખ્યાલ આવી શકશે. 

ઓદુમ્બરના વૃક્ષ પર બેઠેલાં ફળ 

**** 

બોન્સાઈની વાત આવે કે તરત ઘણા લોકોનો જીવદયાપ્રેમ ફૂંફાડા મારતો જાગ્રત થઈ જાય છે. 'પણ એમાં તો છોડનાં મૂળ કાપવાં પડે ને? બિચારા છોડમાં પણ જીવ હોય છે. એ બોલે નહીં એટલે...!' આમ કહીને તેઓ હકીકતમાં એવું કહેવા માંગતા હોય છે કે જીવદયાનો મામલો ન હોત તો બોન્સાઈમાં અમે જાપાનીઝોનેય હંફાવી દઈએ, અને બોન્સાઈનો બાપ બનાવીને બતાવી દઈએ. એ વાત અલગ છે કે ઘર પાસેના રોડને કિનારે મહોરેલો બોન્સાઈનો બાપ એટલે કે વૃક્ષ તેઓ એ કારણે કપાવડાવી દે છે કે ભરબપોરે તેને છાંયે ફેરીયાઓ આરામ ન કરી શકે.

બોન્સાઈમાં રસ હોય કે ન હોય, પડવાનો હોય કે ન હોય એવા મિત્રોની જાણ સારું આ તસવીર મૂકું છું, જે થોડાં વરસ પહેલાંની છે. અમારા ઘરઆંગણે ખીલવેલા એક પામના ઝાડનું કૂંડું બદલવાની પ્રક્રિયા આમાં બતાવી છે.
પહેલી તસવીરમાં આખાં મૂળ સમેત વૃક્ષને બહાર કાઢવામાં આવ્યું છે.



બીજી તસવીરમાં એક પણ મૂળ કાપ્યા વિના તેને કૂંડામાં ગોઠવવામાં આવ્યું છે.



નીચેની તસવીરમાં તેમાં નવી માટી પૂરવામાં આવી છે. મતલબ કે મૂળ કાપ્યા વિના આખો છોડ એ જ કૂંડામાં ફરી ગોઠવવામાં આવ્યો છે.


આ કરતી વખતે મસ્ત ઝરમર પડતી હતી એટલે એ ચોંટી પણ ગયો.
આટલું વાંચ્યા પછી એક સ્પષ્ટતા. અમે ઝનૂની જીવદયાપ્રેમી નથી. આપણે સૌ શરીર પરના વધારાના વાળ પણ કેવળ સૌંદર્ય માટે ઉતારતા હોઈએ છીએ, રંગતા હોઈએ છીએ, સ્ટ્રેટ કે કર્લ કરતા હોઈએ છીએ. શરીરની એ જરૂર નથી, ફક્ત (આપણી કે અન્યની વ્યાખ્યા મુજબ) 'સારા' દેખાવા જ આપણે એ કરતા હોઈએ છીએ. જ્યારે બોન્સાઈમાં કદીક દેખાવ માટે નહીં, પણ તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મૂળ કાપવાં પડે તો એ કાપવામાં અમને વાંધો કે ખચકાટ જરાય નથી હોતો.
બોન્સાઈ ન આવડે કે એના પ્રત્યે લગાવ ન હોય એ કંઈ બંધારણીય ગુનો નથી. કે નથી એ કોઈ સ્ટેટસનો મુદ્દો. કશે જાવ, તમને જોવું ગમે અને ઠીક લાગે તો પ્રશંસા કરજો. ન કરો તોય વાંધો નથી. પણ જીવદયાનો મુદ્દો આગળ ધરીને 'અમે બોન્સાઈ નથી કરતા' એમ કહેશો તો હાસ્યાસ્પદ ઠરશો. મોં પર કોઈ નહીં કહે, પણ અક્કલ અને મિથ્યાભિમાનનું માપ સામેવાળો વગર પૂછ્યે કાઢી લેશે.
કવિ નયન હ. દેસાઈની મૂળ કાવ્યપંક્તિને જરા બદલીને કહીએ તો 'બોન્સાઈ એટલે વામન એટલે મૂળ કાપવું એટલે ગેરસમજણ એટલે અક્કલના પ્રદર્શનની ઘટના'. 
**** 

વરસાદ અને એ પછી નીકળતો ઉઘાડ છોડનાં કૂંડાની માટી બદલવા માટે એકદમ અનુકૂળ મોસમ છે. બોન્સાઈમાં મોટે ભાગે કૂંડાનું કદ નાનું હોય છે. જો કે, જાપાનીઝ બોન્સાઈની સરખામણીએ તે ઘણાં મોટાં લાગે. ઝાડનાં મૂળ ક્રમશ: તેની માટીમાં એવાં જડાઈ જાય અને માટીને પકડી લે છે કે એક તબક્કે તે કૂંડાને છોડી દે છે. એ પછી છોડને ખેંચીએ એટલે તે નીચેની માટી સહિત આસાનીથી આખો ખેંચી શકાય, જેમ અહીં તસવીરોમાં બતાવ્યું છે. નીચે બતાવેલું ઝાડ ચંપાનું છે.

ચંપો 


આ ઝાડ રાયણનું છે.

રાયણ 

અને આ એરેલીયા પ્રકારનું છે. (નામ ખબર ન હોય એવા છોડને 'શો પ્લાન્ટ' કહેવાય છે.)
એરીલીયા 

આ માટીને છૂટી કરીને નવી માટી વડે એના એ જ કૂંડામાં છોડને રોપી શકાય. એ પછી વરસની નિરાંત.
બોન્સાઈની અલગ અલગ વાતો અહીં એટલા માટે કરવાની કે તેના અંગે જાતજાતની ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને નાગરિકધર્મને (હા, નાગરિકધર્મને પણ) સાંકળવામાં આવે છે. સામાન્ય રીતે અમે કોઈને આપતા નથી, પણ એક સગા હક કરીને અમારે ત્યાંથી પીપળાનું બોન્સાઈ માંગીને લઈ ગયા. એક જ અઠવાડિયામાં તે લઈને પાછા આવ્યા, કેમ કે, ઘરના વડીલે જણાવ્યું કે પીપળાના મૂળમાં એક્સ દેવતાનો વાસ છે, ડાળીમાં વાય દેવતાનો, થડમાં ઝેડ દેવતાનો વાસ છે, उर्ध्वमूलम अध:शाखम વગેરે વગેરે. તેથી પીપળાને ઘરમાં ન રાખી શકાય. અમને પણ તેમણે કહેવડાવ્યું હતું કે પીપળાનાં બોન્સાઈને કાઢી નાંખીએ. ઘણા સ્નેહીઓના ઘેર જવાનું થાય ત્યારે અમારી નજર 'ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો' શોધતી હોય. અમે તે સવિનય માંગીએ એટલે યજમાન અવિનયી થઈને હોંશે હોંશે અમને એ લઈ જવાનું કહે, કેમ કે, એ ખેંચવાની તેમની જફામાંથી અમે છૂટકારો મેળવી આપીએ. એ પછી અમારા માટે બનતી ચામાં પણ તેમનો એ હાશકારો ઘોળાયેલો જોવા મળે. માળી એક વીઝીટના દોઢસો-બસો રૂપિયા લઈ જાય અને ઝાડ ઉખાડવાનું કહેતાં 'એ મારું કામ નહીં' એમ સંભળાવે એ સંજોગોમાં અમે એમને 'ગૉડ સેન્ટ' લાગીએ.
આપણે કોઈકને દેવદૂત લાગીએ અને એમાં ભીંત કે ભોંયમાં ઉગી નીકળેલું નાનકું ઝાડ નિમિત્ત બને ત્યારે લાગે કે આ ભાવમાં આ શોખ ખોટો નહીં!
(તા.ક: આપ પોતે દેવદૂત હો તો અમને નિમંત્રણ આપવાની તસ્દી લેવી નહીં.)

(બોન્સાઈ વિશેનો કામિની કોઠારીએ લખેલો એક લેખ અહીં વાંચી શકાશે.)  

Saturday, July 4, 2015

સો સિનેમાની સુહાની સફર




- રોહિત મારફતિઆ
(જીવનના ચાર-સાડા ચાર દાયકા સુધી સુરત મારા માટે ફક્ત મુંબઈ જતાં કે ત્યાંથી પાછા આવતાં મોડી રાત્રે આવતું સ્ટેશન માત્ર હતું. પણ છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ શહેર સાથે એવો નાતો જોડાયો છે કે જાણે અહીંના અમુક મિત્રોને વરસોથી ઓળખતા હોઈએ એમ લાગે છે. રૂબરૂ મળવાનું ઓછું, પણ ફોન, મેઈલ દ્વારા સતત સંપર્ક અને કોઈ એક સાથે પણ વાત થાય તો બીજા મિત્રોની પરોક્ષ હાજરી અનુભવાય. 'સુરતીયત'નો અચ્છો-ખાસો પરિચય આ મિત્રો થકી થતો રહ્યો છે. સુરતની આવી જ એક વિશિષ્ટ સંસ્થા છે 'વિન્‍ટેજ વેટરન્‍સ'. દર મહિનાના પહેલા રવિવારે નિયમીતપણે જૂની ફિલ્મ સાથે બેસીને જોવાનો મૂળભૂત હેતુ. પણ માત્ર ફિલ્મ જોઈને છૂટા પડે તો સુરતી શાના? એટલે અસલ સુરતી વાનગીઓની લિજ્જત સહુ ભેગા મળીને માણે. ફિલ્મના સરક્યુલરમાં ફિલ્મની વિગતની સાથે મેનુ પણ લખેલું હોય. નિયમિતપણે મોકલવામાં આવતા આ સરક્યુલર વાંચીને એ મોકલનાર મિત્ર રોહિત મારફતિઆને મેં એક વાર કહ્યું, 'આ સરક્યુલરની સાથે વાનગીઓ પણ મળે એવું ગોઠવો ને! નકામું અમારા મોંમાં પાણી લાવો છો!' અસલ સુરતી મિજાજ ધરાવતા રોહીતભાઈ માટે આ કંઈ અઘરું નથી. પણ તેમણે 'બ્રહ્મજ્ઞાન' આપતાં કહ્યું, 'સુરતની ગાળ અને સુરતની વાનગીઓની મજા લેવી હોય તો સુરતમાં આવીને જ લઈ શકાય.' 
દર મહિનાના પહેલા રવિવારની સાંજે રોહીતભાઈ ફોન પર વાનગીઓનું વિવરણ સંભળાવે એ સાંભળીને મનથી હું સુરતમાં પહોંચી જાઉં છું. 
આ અનોખી પ્રવૃત્તિ એના આઠ વરસ પૂરા કરી રહી છે અને આ રવિવાર, ૫ જુલાઈ, ૨૦૧૫ના રોજ સોમી ફિલ્મ બતાવાઈ રહી છે. આ વિશિષ્ટ પ્રસંગે તેમણે સોએ સો ફિલ્મોની વિગતો ધરાવતી પુસ્તિકા તો પ્રકાશિત કરી જ, પણ માત્ર ફિલ્મની વિગતોનો જ સમાવેશ હોય તો એમનું સુરતીપણું લાજે. એટલે તેમણે દરેક ફિલ્મો વખતે જે મેનુ રાખવામાં આવ્યું હતું, તેની વિગતો પણ જે તે ફિલ્મની સાથે મૂકી. હર્ષવદન ભગતજી જેવા ફિલ્મરસિયાએ ચીવટપૂર્વક આ વિગતોની નોંધ રાખી હતી. 
માત્ર આટલેથી અટકવાને બદલે સુરતના ફિલ્મસંશોધક હરીશ રઘુવંશીનું તેઓ સન્માન કરવાના છે. નિ:સ્વાર્થ અને નિરપેક્ષભાવે કામ કરતા હરીશભાઈના કામની કદર અને તેમના પ્રદાનનો જાહેર સ્વીકાર આ રીતે થાય એ બહુ આનંદની વાત છે. 
આ પુસ્તિકાના આરંભે કે.કે.સાહેબનાં આશીર્વચન, ભગવતીકુમાર શર્માની શુભેચ્છાઓ, બકુલ ટેલર અને હરીશ રઘુવંશીનું પ્રસંગોચિત લખાણ સામેલ છે. પણ રોહીતભાઈએ લખેલી પ્રસ્તાવનામાં આ સંસ્થાનો ઉદય શી રીતે થયો અને તે આગળ શી રીતે વધી તેની વાત રસપૂર્વક જણાવાયેલી છે. કોઈ મિત્રો પોતાના શહેરમાં આ પ્રવૃત્તિ કરવા ધારે અને કશા માર્ગદર્શનની જરૂર હોય તો રોહીતભાઈનો સંપર્ક કરી શકે છે. ) 

સન ૨૦૦૭ની રવિવારની એક સવારે અમે કેટલાક મિત્રો સેવ ખમણ અને પેટીસનો નાસ્તો કરવા ભેગા થયા. વાતમાંથી વાત નીકળી કે સુરતમાં લગ્નોના જમણવારમાં હવે સુરતી વ્યંજનો અદૃશ્ય થઈ ગયા છે. ફિલ્મના રસિયા એવા  મિત્રો કહે, ‘હવે પહેલાંની  ફિલ્મો પણ સાથે બેસીને જોવાતી નથી.’ બીજા કહે, ‘પહેલાં શહેરમાં એકબીજાની નજીક રહેતા મિત્રો હવે સોસાયટીઓમાં રહેવા જતાં એકબીજાને મળવાનું પણ ઓછું થઈ ગયું છે.’  
આ બધી ચર્ચામાંથી એક વિચાર સ્ફુર્યો કે આપણે એવી કોઈ પ્રવૃત્તિ કરીએ કે આપણે જૂના મિત્રો સાથે બેસીને જૂની ક્લાસિક ફિલ્મો જોઈએ અને સુરતી ભોજનનો આસ્વાદ પણ માણીએ.
ઈન્દ્રજીત શેઠ, રાજેશ શાહ, ગૌતમ કાજી, રાજેન ખાનસાહેબ, સુરેશ દેસાઈ, રોહિત મારફતિઆ - અમે બધાએ ભેગા મળીને આ વિચારને નક્કર સ્વરૂપ આપ્યું અને ઉદ્‍ભવ થયો એક અનોખી પ્રવૃત્તિનો. એને નામ આપ્યું ‘વિન્ટેજ વેટરન્સ’. એવું નક્કી કર્યું કે મહિનામાં એક ફિલ્મ સાથે જોઈએ, ફિલ્મની ચર્ચા કરીએ અને સાથે સુરતી સ્ટાઈલનું ભોજન જમીએ. બીજા મિત્રોને વાત કરતાં તેઓને પણ આ વિચાર ગમી ગયો એટલે આવા મિત્રોને પણ સાથે રાખીને કોઈ થિયેટરની શોધ ચલાવી. ફિલ્મો અને સ્વાદિષ્ટ ભોજનના શોખીન મિત્ર પંકજ કાપડિયાને વાત કરી તો એણે ઉત્સાહભેર આ વાતને વધાવી લીધી અને ‘કાપડીયા હેલ્થ ક્લબ’નો વિન્ડો હોલ ફિલ્મ માટે અને જમવા માટે ક્લબની પુલ ડેક પરની જગ્યા આપવાની ઓફર કરી. જમણવારની જવાબદારી ક્લબના કેટરર અનુપ ઝવેરીએ સહર્ષ સ્વીકારી લીધી.
એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે વિન્ટેજ વેટરન્સની પ્રવૃત્તિ ચલાવવાનું નક્કી કર્યું. દર મહિનાના પહેલા રવિવારે સવારે દસ વાગે ‘કાપડિયા હેલ્થ ક્લબ’માં ફિલ્મ જોવી, ઈન્ટરવલમાં ચા-કૉફી અને ફિલ્મપછી જમવાનું. સભ્યોને એક સપ્તાહ પહેલાં ફિલ્મની માહિતી આપતો સરક્યુલર મોકલવો, ફિલ્મની શરૂઆતમાં અવારનવાર જાણીતા વિવેચકો દ્વારા પણ ફિલ્મો અંગે ચર્ચા કરવી.  
...અને ૨ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ પહેલી ફિલ્મ ‘અંદાઝ’ બતાવી. વિતેલા જમાનાના મશહૂર ચરિત્ર અભિનેતા અને સુરતના જ વતની કે.કે. સાહેબે(કૃષ્ણકાંત ભૂખણવાળા) દીપ પ્રાગટ્ય કરીને શુભ પ્રારંભ કરાવ્યો.
'અંદાઝ'થી થયો અનોખી સફરનો આરંભ 
વિન્ટેજ વેટરન્સની પ્રવૃત્તિને સુરતીઓનો અકલ્પ્ય પ્રતિસાદ મળ્યો અને એક વર્ષ માટે પ્રાયોગીક ધોરણે કરવા ધારેલી પ્રવૃત્તિ આઠ આઠ વર્ષથી અવિરત ચાલે છે. 
સુરતી શ્રેષ્ઠીઓ આપણા સભ્યો બન્યા, આપણા બધા સભ્યો સાઠની ઉપરના છે.  આપણા સદા યુવાન વયસ્ક સભ્ય કે. કે. સાહેબ માત્ર બાણું વર્ષના છે. આપણા સભ્યોમાં પોતાની યુવાનીના સોનેરી રોમાંચક વર્ષોમાં જોયેલી ફિલ્મો જોવાની ઉત્કટ અભિલાષા છે.  નવયુવાનીનું જોમ છે – જીવનની સંધ્યાને રંગભરી બનાવવાની તમન્ના છે. અસલ સુરતી વાનગીઓ માણવાનો શોખ છે. બકુલ ટેલરે કહ્યું તેમ આપણે માત્ર ફિલ્મો નથી જોતા -  આપણા એ સોનેરી ભૂતકાળની અનુભૂતિને માણીએ  છીએ.  આને કારણે જ આપણે ‘વિન્ટેજ વેટરન્સ’ના ઉપક્રમે જોયેલી અને માણેલી સિનેમાઓની સુહાની સફરની સદી જુલાઈ ૨૦૧૫માં ઉજવીશું. 
સોમો મુકામ 
હરીશભાઈ રઘુવંશીએ હંમેશા અધિકૃત માહિતી આપી અને ફિલ્મોના ગીત - સંગીત અંગે હરમંદિરસિંઘ ‘હમરાઝ’ના  ફિલ્મ ગીતકોશનો આધાર લેવાનુ સૂચવ્યું. ફિલ્મો અંગે પણ એમણે એમ સૂચવ્યું કે સુપરહિટ ગયેલી અને જેના ગીત સંગીત લોકપ્રિય થયા હોય એવી ફિલ્મની ઓરીજીનલ ડીવીડી મેળવીને બતાવવી. હરીશભાઇના સૂચનને કારણે સભ્યોને હંમેશા સુંદર ફિલ્મો જોવા મળી. એમની મદદથી આપણને  ફિલ્મો અંગે અધિકૃત માહિતી મળતી રહી.
ત્રણ વર્ષ પછી આપણા સભ્ય હર્ષવદન ભગતજી અને એમના પુત્ર ધવલે કેટરીંગની જવાબદારી સંભાળી લીધી અને સભ્યોને એક એકથી ચડિયાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવ્યો. શરૂઆતમાં આપણે ઈન્ટરવલમાં માત્ર ચા કોફી જ આપતા હતા.  પણ જીતુભાઈ મારફતિઆ જેવા શોખીન સભ્યોના સૂચનથી આપણે ઇન્ટરવલમાં સ્વાદિષ્ટ નાસ્તો પણ આપવા માંડ્યો. શરૂઆતમાં આપણે મેનુ જણાવતા નહોતા, પરંતુ સભ્યોના સૂચનથી સરક્યુલરમાં મેનુ પણ જણાવવા માંડ્યુ. આજે સભ્યો સરક્યુલરમાં પહેલા મેનુ વાંચે છે અને પછી બીજી વિગતો વાંચે છે!!!  
આંખ અને મનની સાથે જીભ અને પેટને પણ સંતોષ 
‘વિન્ટેજ વેટરન્સ’ની પ્રવૃત્તિઓ અંગે બકુલ ટેલરે ‘ગુજરાતમિત્ર’માં અને ફયસલ બકીલીએ ‘ચિત્રલેખા’માં વિસ્તૃત માહિતી આપતા સુંદર લેખ લખ્યા અને આને કારણે આપણી પ્રવૃત્તિને ઘણી પ્રસિદ્ધિ મળી. આને પગલે વડોદરામાં નિતીન માંકડ અને નરેન્દ્ર શાહે ‘ગોલ્ડન  મેમરીઝ’  અને સુરતમાં નરેશ કાપડિયા, યોગેશ પટેલ અને કાંતી બોડાવાળાએ કાપડિયા હેલ્થ ક્લબમાં જ ‘ઓલ્ડ મુવી લવર્સ ક્લબ’ શરૂ કરી અને તેમાં પણ હોલની કેપેસીટી કરતાં વધુ સભ્યો થઈ ગયા.
આપણે ત્યાં જે ફિલ્મો બતાવીએ તે અંગે માહિતીસભર વાતો કરવા આપણે ત્યાં કે.કે.સાહેબ, હરીશ રઘુવંશી, બકુલ ટેલર, કપિલદેવ શુક્લ, પ્રો. કાસલીવાલા, બીરેન કોઠારી, ઉર્વીશ કોઠારી, રશ્મિકાંત શેઠ, યઝદી કરંજીયા, બેલા શાહ,  ડો. તૃપ્તિ  જૈન જેવા તજજ્ઞો આપણે ત્યાં આવ્યા અને આપણા કાર્યક્ર્મોની શોભા વધારી. ડો. પદ્મનાભ જોષી જેવા સંશોધકે પણ આપણને  અમદાવાદથી ઘણી માહિતી આપી.
એક વખત પંકજકુમાર મલ્લિકની સ્મૃતિમાં આપણે સુરતના સંગીતપ્રેમીઓ માટે જીવનભારતી રંગભવનમાં કાર્યક્રમ રાખ્યો તેમાં અમદાવાદના ધીરૂભાઈ દેસાઇએ પંકજ મલ્લિકના ગીતોની રસલ્હાણ કરાવી. ચિક્કાર હાજરીવાળા હોલમાં સુરતીઓએ આ ગીતો મન ભરીને માણ્યા. સુરતના સપૂત -સાહિત્યકાર ભગવતીકુમાર શાર્માએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને સુંદર પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું હતું.
દર વર્ષે આપણે વર્ષ  દરમ્યાન બતાવેલ ફિલ્મોના ગીતોની ડીવીડી બનાવીને સભ્યોને આપીએ છીએ. યુવાન તરજ શાહ ખુબ જહેમત લઇને આપણને ડીવીડી બનાવી આપે છે. કાપડિયા હેલ્થ ક્લબના સ્ટાફના સભ્યો તો હવે આપણા કુટુંબીજનો થઈ ગયા છે.
સો  સિનેમાની સુહાની સફરની વિગતો આપને માટે તૈયાર કરી છે જેમાં દરેક ફિલ્મ વખતના મેનુની વિગતો પણ આપી છે. હર્ષવદન ભગતજી પાસે મેનુની સંપુર્ણ વિગતો હતી જેને કારણે આ શક્ય બન્યુ છે. સંજય ચોકસીએ ખુબજ સુંદર રીતે આનો નયનરમ્ય લેઆઉટ તૈયાર કરીને કલ્પનાશીલતાથી આ વિગતોની ડીઝાઇન કરી આપી છે.  
સો ફિલ્મો અને એ દરેક ફિલ્મો વખતે
આરોગેલી વાનગીઓ સ્મરણિકારૂપે 
આપણને પ્રોત્સાહન આપનાર, મદદ કરનાર -  કોઈનો પણ આભાર માનવાની ઔપચારિકતા વગર આપણે એ જ અભ્યર્થના કરીએ કે  આપણી વચ્ચે પ્રેમનો જે સેતુ રચાયો છે,  એ વધારે સુદૃઢ બને અને જીવનસંધ્યાના વર્ષોમાં આપણે નિતાંત આનંદ માણીએ.