Showing posts with label Rajnikumar Pandya. Show all posts
Showing posts with label Rajnikumar Pandya. Show all posts

Friday, July 10, 2026

તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે, દોસ્તી કી રાહોં મેં, મિલકે ચલે થે

રજનીભાઈ સાથે અનેક વાર અનેક સ્થળોએ પ્રવાસ કરવાના થયા. એનો મુખ્ય હેતુ અમારું સહિયારું કામ. જીવનચરિત્રના કોઈક પ્રકલ્પ પર અમે કામ કરતા હોઈએ એટલે જે તે સ્થળની અને વ્યક્તિઓની મુલાકાતને તેઓ પ્રાધાન્ય આપતા. એ બહાને અમે સાથે ઘણો બધો સમય ગાળતા. તેમના પરિચયોની વિશાળ સૃષ્ટિ મને જોવા મળતી. જો કે, દરેકે દરેક ઠેકાણે રજનીભાઈ મારો પરિચય તેમના 'સહયોગી' તરીકે કરાવતા, નહીં કે 'સહાયક' તરીકે. તેઓ ગામ, નગર કે શહેર અનુસાર ડીજીટલ ડાયરીમાં ફોન નંબર લખતા. જે ગામે જવાનું હોય એમાં એમના જેટલા સંપર્કો હોય એ તમામને એ ફોન કરતા, મળવા બોલાવતા કે પોતે મળવા જતા. તેમનાં લખાણો 'જન્મભૂમિ- પ્રવાસી'માં અને સમાંતરે 'ફૂલછાબ' તેમજ 'કચ્છમિત્ર'માં પ્રકાશિત થતાં હોવાથી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમનો બહોળો વાચક વર્ગ હતો. વાચક તરીકેના પરિચયથી થયેલી શરૂઆત છેવટે 'મિત્રતા'માં પરિણમતી.

મુંબઈના એક સજ્જન હતા, એમનું નામ ગિરીશ દવે. વ્યવસાયે વકીલ અને રજનીભાઈના જબરા વાચક-ચાહક. રજનીભાઈ મુંબઈ આવે એટલે ગિરીશભાઈની કાયમી ઓફર હતી. તેઓ પોતાની કાર અને ડ્રાઈવર મોકલી આપતા. રજનીભાઈને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જાય. એક વાર અમે સાથે મુંબઈ ગયા ત્યારે પણ આ જ રીતે ગિરીશભાઈની કાર અને ડ્રાઈવર હાજર. મેં રજનીભાઈને કહ્યું, 'મુંબઈમાં કાર કરતાં ટ્રેન વધુ સરળ રહે' એમણે કહ્યું, 'આપણને બધા સ્થળ ઝટ જડે નહીં, એટલે સમય બગડે. એના કરતાં આ રીત સહેલી પડે.' આનો અનુભવ મેં કર્યો અને મને એમની વાત સાચી જણાઈ.
મુંબઈમાં રજનીભાઈનો ઊતારો એમના પરમ સ્નેહી બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા રહેતા. મોટે ભાગે હું મારા કાકા શૈલેષ પરીખને ત્યાં ઊતરતો. એક વાર હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. અત્યંત પ્રેમાળ સજ્જન. વાતરસિયા, અને કથનશૈલી ગજબની. એમના પિતાજી 'હબીબ ખાંભાવાળા'ના નામે પ્રસંગકથાઓ લખતા હતા. દિવસ દરમિયાન તો અમે અમારા કામે બધે ફરતા રહ્યા, પણ સાંજે અમે ભેગા હતા.
રજનીભાઈએ બોઘાણીસાહેબને કહ્યું, 'જુઓ, હું તો અહીં નિયમીત આવું છું, પણ બીરેન આજે પહેલી વાર તમારે ત્યાં આવ્યો છે. એટલે એને તમે પેલી વાતો કહો.' પછી મને કહે, 'બદરૂદ્દીનભાઈ ગજબ કથાઓ કહે છે. એમના વિશે હું એમની હાજરીમાં કશું નથી કહેતો, પણ તું સાંભળ. મારી બહુ ઈચ્છા છે કે તને એ સંભળાવું.' હું તૈયાર હતો, પણ મને સહેજે અંદાજ નહોતો કે બોઘાણીસાહેબ શેની કથા કહેવાના છે.
બોઘાણીસાહેબે એક પછી એક પ્રસંગો કહેવાના શરૂ કર્યા. શું એમનું વર્ણન! શી એમની શૈલી! ઘણા બધામાં એ પોતે જ કોઈક પાત્ર હોય. અને વાતનો મર્મ એવી સરસ રીતે મૂકે કે આપણે આફરીન થઈ જઈએ. શો પ્રતિભાવ આપવો એ મને ન સમજાય, પણ મારા મોં પરથી બોઘાણીસાહેબ પામી ગયા કે મને બહુ મજા આવે છે. ત્રણેક પ્રસંગો કહ્યા અને તેઓ અટક્યા. એટલે રજનીભાઈ કહે, 'અરે, પેલો કહો ને! હજી પેલોય બાકી રહ્યો.' એમ કહીને એમણે બે-ત્રણ પ્રસંગો યાદ કરાવ્યા. એ સાંજ મારા માટે યાદગાર બની રહી. મને અફસોસ થયો કે મેં એ રેકોર્ડ કેમ ન કરી લીધા! જો કે, એમના કથનપ્રવાહમાં હું એવો તણાઈ ગયેલો કે એવું યાદ જ ન આવ્યું.
બોઘાણીસાહેબનાં સંતાનો અલગ રહેતાં હતાં. બોઘાણીસાહેબ એકલા જ રહેતા. એમણે કહેલું એક વાક્ય આજેય યાદ આવે છે અને હૈયે ચિરાડો પાડી દે છે. એમણે કહેલું, 'રોજ સાંજે ચાલવા માટે બહાર જાઉં છું, ત્યારે ખબર નથી હોતી કે પાછો આવીને તાળું ખોલી શકીશ કે નહીં.' આવા સમયે રજનીભાઈ જેવા મિત્ર આવે ત્યારે એમને કેટલો આનંદ થાય એ સમજી શકાય એમ છે.
બોઘાણીસાહેબે કહેલી એક વાત તો મને એટલી બધી ગમી ગઈ કે મેં એ એમના નામ સાથે બ્લોગ પર લખી. એ પછી તેમના ઘણી વાર ફોન આવતા. પહેલી વાર તેમનો ફોન આવ્યો ત્યારે એમનો નંબર મારી પાસે નહોતો. અજાણ્યા નંબર પરથી આવેલો ફોન મેં ઊપાડીને 'હેલો' કહ્યું કે સામેથી અવાજ આવ્યો, 'તુમ્હેં યાદ હોગા, કભી હમ મિલે થે.' મારાથી સહસા બોલાઈ ગયું, 'અરે! બોઘાણીસાહેબ!' તેઓ રાજી થઈને કહે, 'તમે મને ઓળખી કાઢ્યો.' મેં કહ્યું કે આ વાક્ય (ગીતની પંક્તિ) આ રીતે મને કહેનારા એક તમે જ છો. પછી ઓળખી જ કાઢું ને?' તેઓ ઓર રાજી થયા અને કહે, 'પણ તમને એ યાદ રહી ગઈ એ બહુ કહેવાય.' વાત એવી હતી કે તેમણે મને કહેલી એક કથામાં આ પંક્તિ કેન્દ્રસ્થાને હતી. શાળાકાળના પોતાના એક મિત્રને લાંબા સમય પછી મળતાં તેઓ એને આ 'કોડવર્ડ' કહીને પોતાની ઓળખ આપે છે એવી વાત હતી. એની બીજી કડીમાં 'દોસ્તી કી રાહોં મેં મિલકે ચલે થે' એમ ફેરફાર કરેલો. એ બહુ નાટ્યાત્મક વાત હતી. ખેર! વાત ત્યારે પૂરી થઈ અને મેં એમને કહ્યું કે તમને મન ફાવે ત્યારે મને ફોન કરજો. એ સિલસિલો બહુ લાંબો ન ચાલી શક્યો. એક દિવસ મને રજનીભાઈએ સમાચાર આપ્યા કે બોઘાણીસાહેબે વિદાય લીધી છે. અમે બન્નેએ એ દિવસે એમને, એમની વાતોને, એમના વ્યક્તિત્વને બહુ યાદ કરીને એમને અંજલિ આપી, પણ એકમેકને.
હવે તો રજનીભાઈ પણ ગયા, પણ તેમણે દેખાડેલી પાત્રસૃષ્ટિ મનોજગતમાં કોતરાઈ રહી છે.

Thursday, July 9, 2026

'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી

રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.

વળતાં એક વાર અમારે રાજકોટ થઈને આવવાનું હતું. યોગાનુયોગે એ સાંજે ત્યાં મુશાયરાનો એક કાર્યક્રમ હતો, જેના મુખ્ય અતિથિ નિદા ફાઝલી હતા. રજનીભાઈના મિત્ર દેવેન શાહ આ આયોજન પાછળ હતા. અમદાવાદથી ચીનુ મોદી પણ આવેલા.
અમે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા. રજનીભાઈએ મારો પરિચય દેવેનભાઈને કરાવ્યો. હજી કાર્યક્રમ શરૂ થવાને વાર હતી એટલે અમે પહેલી હરોળમાં ગોઠવાયા. આ જ હરોળમાં આગળ મંચ પર ઉપસ્થિત રહેનારા કવિઓ બેઠેલા, જેમાં નિદાસાહેબ અને તેમનાં પત્ની માલતી જોશી પણ ખરાં. અમે જઈને પરિચય કર્યો તો માલતીબહેન રજનીભાઈના વાચક નીકળ્યાં. તેઓ 'જન્મભૂમિ'ની 'શબ્દવેધ' કોલમ નિયમીત વાંચતાં હતાં. અમે પાછા અમારી બેઠક પર ગોઠવાયા.
થોડી વારમાં અમને ઓળંગીને એક પ્રૌઢ સજ્જન આગળ વધ્યા. અસ્તવ્યસ્ત સફેદ વાળ, બે-ત્રણ દિવસની વધેલી દાઢી, સિલ્વર ફ્રેમનાં ચશ્મા, ચોળાયેલાં કપડાં અને પગમાં સ્લીપર. એમનું ધ્યાન અમારા તરફ નહોતું, પણ એમને જોઈને રજનીભાઈ તરત ચમક્યા. મને કહે, 'અરે! નથવાણી!' એ પ્ર.રા.નથવાણી હતા. એમના વિશે કેટકેટલી કથાઓ વાંચેલી, સાંભળેલી, પણ એમને મળી શકીએ એવી શક્યતા ઓછી હતી. એના મૂળમાં એમની પ્રકૃતિ. 'ઝંઝાવાત'માં એમના પાત્રની મહત્ત્વની ભૂમિકા છે અને એમનું પાત્ર રજનીભાઈએ આબેહૂબ ઉપસાવ્યું છે.
રજનીભાઈથી રહેવાયું નહીં, એટલે એ ઊભા થઈને નથવાણીને મળવા એમની પાછળ ચાલ્યા. હું પણ એમની સાથે જોડાયો. નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને ઊભા રહ્યા અને પૂછ્યું, 'આપ કી તારીફ? મેરા નામ નથવાણી હૈ.' નિદાસાહેબે મોંમાં મસાલો ભરેલા અવાજે કહ્યું, 'મુઝે નિદા ફાજલી કહતે હૈં.' આ સાંભળીને નથવાણી એકદમ ઉત્સાહથી કહે, 'અરે નિદાસાહબ, આપ?' બસ, એમ કહીને, નિદાસાહેબ સાથે હાથ મિલાવીને તેઓ પાછા વળ્યા. એ સાથે જ રજનીભાઈએ બૂમ પાડી, 'અરે, ગુરુ તમે?' નથવાણી ઊભા રહ્યા. રજનીભાઈને જોઈને એમને ખાસ આશ્ચર્ય ન થયું. હસીને એમણે ખબર પૂછી અને પાછા પોતાની બેઠક તરફ ચાલ્યા. બસ, નથવાણી સાથેની આટલી મુલાકાતમાં મારા મનમાં અંકાયેલી એમની પ્રકૃતિરેખાઓ સાથે એમના વ્યક્તિત્વનો મેળ બેસી ગયો.
કેવી હતી એમની પ્રકૃતિ? વધુ તો 'ઝંઝાવાત'માં વર્ણન છે, પણ એકાદ કિસ્સો જણાવું. આત્મવિશ્વાસથી ભરપૂર નથવાણી કોઈ પણ સ્થળે માથું મારીને જગ્યા કરી લેવામાં પાવરધા. પોતાનાથી વયમાં તેમજ દેખીતી રીતે પણ મોટી વ્યક્તિને તેઓ નિસ્સંકોચપણે 'બેટા' કહીને સંબોધે કે પેલો ડઘાઈ જાય. અને આ ટેક્નિકનો નથવાણી કેવો કેવો ઉપયોગ કરતા?
બસમાં કોઈકે રૂમાલ કે પોતાની કોઈક વસ્તુ મૂકીને જગ્યા રોકી હોય તો નથવાણી બિન્ધાસ્તપણે એ ખસેડીને પોતે બેસી જતા. એ ચીજનો માલિક આવીને નથવાણીને કશું કહેવા જાય કે નથવાણી ગરજે, 'બેટા, હું તારાથી મોટો છું. પહેલાં મારી વાત સાંભળી લે. પછી તારે જે કહેવું હોય એ કહેજે.' આમ કહીને તેઓ પેલાને અપરાધભાવનો અનુભવ કરાવે અને જણાવી દે કે પોતે જે કર્યું એ યોગ્ય જ છે. નથવાણી બોલી રહે એટલે સામેની વ્યક્તિના બોલવાનો વારો આવે. પણ આ શું? પેલો હજી બોલવાનું શરૂ કરે ત્યાં તો નથવાણી સીટ પર માથું ટેકવીને સૂઈ ગયા હોય અને નસકોરાં બોલાવતા હોય.
એવા આ નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને પૂછે 'આપ કી તારીફ?' ત્યારે રજનીભાઈએ જણાવેલું એમનું 'ક્યારેક્ટર' તાદૃશ્ય થઈ જાય.

Wednesday, July 8, 2026

પ્રિય લેખકની પાત્રસૃષ્ટિનું અનુસંધાન ક્યાંનું ક્યાં નીકળે?

રજનીકુમાર પંડ્યાના શીઘ્રપ્રકાશ્ય પુસ્તક 'ઝંઝાવાત'નાં મુખ્ય પાત્રોમાં તેમના મિત્ર વસંત દેસાઈ અને વીનેશ પટેલ છે. વસંત દેસાઈનું ભરયુવાન વયે ટ્રેન અકસ્માતમાં અપમૃત્યુ થયેલું. એ પછી સંજોગોની થપાટે વિવિધ પાત્રો ક્યાંનાં ક્યાં ફંગોળાયાં. વરસો પછી અચાનક રજનીભાઈ પર એક ફોન આવ્યો. બેંગ્લોરથી મીનાક્ષીબહેન નામનાં બહેનનો ફોન હતો. તેઓ વસંત દેસાઈનાં બહેન. પચાસેક વરસ પછી વસંત દેસાઈ સાથેનો તંતુ આ રીતે સધાયો. વિવિધ વાતચીત થઈ, એ પછી મીનાક્ષીબહેને પોતાની દીકરી કલ્પનાનો પરિચય કરાવીને એને ફોન આપ્યો. એ દીકરીએ સહજભાવે રજનીભાઈને 'મામા'નું સંબોધન કર્યું કે રજનીભાઈ બહુ આર્દ્ર બની ગયા. રજનીભાઈ અમદાવાદ અને મીનાક્ષીબહેન બેંગ્લોર! તેમની પણ ઉંમર થયેલી. કોણ જાણે ક્યારે મળાશે? અથવા તો મળી શકાશે કે કેમ? ખ્યાલ છે ત્યાં સુધી મીનાક્ષીબહેને રજનીભાઈની 'જન્મભૂમિ'માં આવતી કોલમ 'શબ્દવેધ' દ્વારા એમનો પત્તો મેળવેલો.

એ પછીના અરસામાં 'સાગર મુવીટોન' પુસ્તકના કામ માટે મારે બેંગ્લોર જવાનું થયું. રજનીભાઈએ મને ભારપૂર્વક મીનાક્ષીબહેનને મળવા અનુરોધ કર્યો. તેમની વચ્ચેના સંબંધને હું જાણતો હોવાથી મેં પણ કહ્યું કે એમને હું ચોક્કસ મળીશ.
બેંગ્લોરમાં મારું કામ પતાવ્યા પછી રજનીભાઈના મિત્ર ધીરુભાઈને મેં ફોન કર્યો. ધીરુભાઈએ બે દિવસ એવો ક્રમ બનાવ્યો કે સવારે તે પોતાનું વાહન લઈને આવે, મને અને કામિનીને એમાં લઈ જાય, વિવિધ સ્થળે ફેરવે, અને પછી સાંજે અમારા ઉતારે મૂકી જાય. આમાં અમે એક દિવસ મીનાક્ષીબહેનને મળવાનું ગોઠવ્યું. પહેલાં તો ફોન કર્યો. તેમણે બહુ ઊમળકાપૂર્વક વાત કરીને મળવાનો સમય અને ઠેકાણું કહ્યાં. એ સમયે તેમની દીકરી- જમાઈ બહારગામ ગયેલાં હોવાથી મીનાક્ષીબહેન દીકરીના ઘેર રહેવા આવેલાં. રજનીભાઈએ તેમને મારા વિશે જણાવેલું. એ રજનીભાઈના સૌજન્યનો હિસ્સો હતો કે તેઓ બન્ને પક્ષને એકમેક વિશે જાણ કરે.
મીનાક્ષીબહેન રહેતાં હતાં એ વિસ્તાર ધીરુભાઈ માટેય નવો હતો. થોડું આમતેમ થયા પછી મીનાક્ષીબહેને કહ્યું કે પોતે મુખ્ય રસ્તા પર ઊભાં રહેશે. ખરી મૂંઝવણ એ હતી કે અમે કોઈ એકમેકને જોયે ઓળખીએ નહીં. પણ મીનાક્ષીબહેન કહે, 'ઓળખી જવાશે.' ખરેખર એમ જ થયું. રસ્તાની કોરે ગુજરાતી સાડી પહેરીને ઊભેલાં, ચશ્માવાળાં એક પ્રૌઢ બહેનને જોઈને મેં ઈશારાથી જ પૂછ્યું, 'તમે મીનાક્ષીબહેન?' તેમણે પણ માત્ર આંખથી 'હા'નો જવાબ આપ્યો. એ પછી અમે તેમની દીકરીને ઘેર ગયાં. કામિની અને ધીરુભાઈ સાથે હતા ખરાં, અને તેમને એટલી ખબર હતી કે રજનીભાઈના મિત્રનાં આ બહેન છે. પણ એ મૈત્રીનો આખો અધ્યાય સ્વાભાવિકપણે જ તેમને ખ્યાલ નહોતો.
શું વાત કરવી એ સવાલ હતો. મારા મનમાં વસંત દેસાઈ, રજનીભાઈ, વીનેશ પટેલની મૈત્રીની કથા રિવાઈન્ડ થઈ રહી હતી. બહુ ભાવવાહી ક્ષણો હતી એ. પણ મીનાક્ષીબહેન અનુભવી હતાં. તેમણે જ વાત શરૂ કરી. ચા-નાસ્તો પીરસ્યો. ત્યાંથી મેં રજનીભાઈને ફોન જોડ્યો. આ પણ તેમની જ શૈલી! તેમણે બહુ રાજીપો વ્યક્ત કર્યો અને મીનાક્ષીબહેન સાથેય વાત કરી. અડધો- પોણો કલાક બેસીને અમે ઊભા થયાં. એ ક્ષણ બહુ ભારેખમ હતી. અમે ફરી મળીશું કે કેમ એ ખબર નહોતી. અને આમ જુઓ તો આખી વાતમાં સીધેસીધું મારું કોઈ જોડાણ પણ નહોતું, છતાં એ સમયગાળાનો હું સાક્ષી હોઉં એમ મને અનુભવાતું હતું. મીનાક્ષીબહેન પણ કદાચ આ વાત સમજી ગયેલાં. છેવટે તેમણે મૌન તોડતાં કહ્યું, 'સારું ભાઈ. આવજો. તમે આવ્યા તો બહુ ગમ્યું." મારી આંખોમાં ધસી આવેલાં પાણી મેં માંડ ખાળી રાખ્યાં. પહેલી વાર કદાચ એવું બન્યું હશે કે રજનીભાઈની સંબંધસૃષ્ટિના કોઈ પાત્રને એમના કરતાં પહેલાં હું મળી રહ્યો હોઉં.
એ પછી અમે નીકળ્યા. ફરી મેં રજનીભાઈ સાથે વાત કરી ત્યારે તેમણેય કહ્યું, 'બેટા, મને બહુ જ ગમ્યું કે તેં સમય કાઢીને એમની મુલાકાત લીધી.' હજી હું બોલવા માટે શબ્દો શોધી રહ્યો હતો. કોઈ લેખકની પાત્રસૃષ્ટિમાં આપણે પ્રવેશ કરી જઈએ અને તેમાંના કોઈ પાત્રને મળી આવીએ એ પછી કેવી હાલત હોય!!
અને આ પાત્રો કાલ્પનિક નહીં, વાસ્તવિક હતાંં.
બેંગ્લોરથી હું પાછો આવી ગયો. વખત વીત્યો. એ પછી એક વાર રાબેતા મુજબ રજનીભાઈનો ફોન આવ્યો. કહે, 'મીનાક્ષીબહેન આવ્યાં છે. તારી સાથે વાત કરવા માગે છે.' મેં તત્ક્ષણ કહ્યું, 'બેંગ્લોરવાળાં?' ફોન કદાચ સ્પીકર પર હતો, એટલે મીનાક્ષીબહેને પણ એ સાંભળ્યું હશે. રજનીભાઈ એમને કહે, 'જોયું? હું નહોતો કહેતો કે એ તમને તરત ઓળખી જશે?' એમ કહીને તેમણે મીનાક્ષીબહેનને ફોન આપ્યો. અમે ઔપચારિક વાત કરી, પણ મારા મનમાં આખી ઘટનાઓ
રિવાઈન્ડ થતી ગઈ. ખરું કહું તો તેઓ અને રજનીભાઈ રૂબરૂ થઈ શક્યા એનો મને બહુ આનંદ હતો.
'ઝંઝાવાત'માં વસંત દેસાઈનો વિસ્તૃત ઊલ્લેખ વાંચતાં સમાંતરે મારા મનમાં આ ઘટના ચિત્રપટ્ટીની જેમ ચાલતી રહી હતી.

Monday, July 6, 2026

જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના

રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ હતા ત્યાં સુધી, લગભગ રાતે બાર-સાડા બારે જ ફોન દ્વારા શુભેચ્છાઓ અપાતી. કેમ કે, અમે બન્ને રાત્રે મોડા સુધી જાગીને કામ કરતા. ઘણી બધી વખત એક જ પુસ્તકપ્રકલ્પ પર કામ કરતા હોઈએ. ફિલ્મસંગીત અને ફિલ્મોની સૃષ્ટિ રજનીભાઈને બહુ પ્રિય. એટલે વાતવાતમાં તેઓ ફિલ્મની 'જાર્ગન'નો ઊપયોગ કરતા. ઘણી વખત તેઓ પૂછે, 'આજકાલ તારે ફ્લોર પર શેનો સેટ છે?' એટલે કે કયા પુસ્તકનું કામ ચાલે છે? ઘણી વાર મારે દિવસના સમયે એક કામ ચાલતું હોય, અને રાત્રે બીજું કોઈ. એટલે હું કહું, 'ડે શિફ્ટમાં માયથોલોજીનો સેટ લાગેલો છે, અને નાઈટ શિફ્ટમાં સોશ્યલ ડ્રામાનો. તમારે કેમનું છે?' એટલે તેઓ પણ એ જ 'જાર્ગન'માં જવાબ આપે. અમારા દ્વારા લખાતાં જીવનકથાનાં પુસ્તકોને અમે સ્ટન્ટ, કોસ્ચ્યુમ ડ્રામા, થ્રીલર વગેરે જેવા ફિલ્મોના પ્રકાર મુજબ વિભાજીત કરવાની મજા લેતા. કેમ જાણે વાડિયા, પ્રકાશ પિક્ચર્સ કે રાજકમલની ફિલ્મોના ડાયરેક્ટર ન હોઈએ!

એક વખત અમે તેમને ઘેર બેઠેલા અને (તેમનાં પત્ની) તરુબહેને એક કથાકારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પોતાને એમની શૈલી બહુ ગમે છે. એટલે રજનીભાઈએ તત્ક્ષણ કહ્યું, 'એ કથાકાર તલત મહેમૂદ છે. અને પેલા (અન્ય એક કથાકાર) મહમ્મદ રફી છે.' આમ બોલીને તેમણે પોતાની સરખામણી વધુ સ્પષ્ટ કરી: 'પેલા કથાકાર કથા કહે ત્યારે શ્રોતાઓને રડવું આવે, તલત મહેમૂદનાં ગીતોની જેમ. અને આ કથાકાર તો કથા કહેતાં કહેતાં પોતે જ રડવા લાગે, મહમ્મદ રફીની જેમ.' તેમની સાવી સચોટ સરખામણી સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. (ઉર્વીશ પણ ત્યારે સાથે હતો) જો કે, તરુબહેને સહેજ નારાજગીના સૂરે કહેલું, 'તમને બધી વાતમાં ફિલમ જ દેખાય છે.'
રજનીભાઈ સાથે મારે ક્યારેક કોઈ સંસ્થાની ડોક્યુમેન્ટરી બનાવવા માટે જવાનું બનતું. તેમની શૈલી સાવ નિરાળી. પહેલાં તેઓ શૂટ કરાવતા. પછી અમે બન્ને સાથે બેસીને એકે એક દૃશ્યના કાઉન્ટર નંબર અને વર્ણન લખતા. અને એના પરથી છેલ્લે હું સ્ક્રિપ્ટ લખતો. ('હેલ્લારો', 'ઊંબરો, 'ધબકારો' ફેઈમ) અભિષેક સાથે પરિચય થયો એ પછીના ગાળામાં મેં તેને આ પદ્ધતિ વિશે વાત કરી તો એનું હસવું કેમે કરીને માય નહીં. મને કહે, 'તમે ઊંધું કરો છો. પહેલાં સ્ક્રિપ્ટ લખવાની હોય.' મૂળ મુદ્દો એ નથી. સ્ક્રિપ્ટ પછી લખાતી હોવાને કારણે શૂટ વેળા રજનીભાઈના મનમાં એમને ગમતા ઘણા બધા ફિલ્મદિગ્દર્શકો ઉભરતા. તેઓ કામનાં, નકામાં એવાં અનેક દૃશ્યો શૂટ કરાવતા. અને કહેતા, 'રાજ કપૂર કેટલાં બધાં દૃશ્યો કેમેરામાં લઈ લેતા. પછી એમાંથી અમુક જ પસંદ કરતા.' ડોક્યુમેન્ટરીના કામમાં બહુ સમય જતો, અને છેવટે ફાઈનલ એડિટીંગ વખતે રજનીભાઈ સુકાન પોતાના હાથમાં લઈ લેતા. આ બાબતે પછી અમને જ્ઞાન લાધતાં ઉર્વીશે અને મેં એમને સમજાવ્યું કે રાજ કપૂર, બીમલ રોય વગેરે કંઈ ડોક્યુમેન્ટરી નહોતા બનાવતા. તમે એમના વાદે ન ચડો. એમની પાછળ તો મોટા ફાઈનેન્સર હતા. તેમણે હસતાં હસતાં અમારી વાત સ્વીકારી. પણ ડોક્યુમેન્ટરીના એડિટિંગમાં તેમનાં સૂચનોમાંય એમનો ફિલ્મપ્રેમ ઝળકે. એવાં નાના નાના ગ્રાફિક મૂકાવે, અમુકમાં તો એ કેટલીક ફિલ્મોના શોટ મૂકાવે.
સારી યા ખરાબ કે મધ્યમ, કોઈ પણ પરિસ્થિતિમાં તેમને કશા આયાસ વિના જ જે તે પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ યાદ આવી જતી. અને એ ગીતનું મુખડું ન પણ હોય, બલ્કે એના અંતરામાંથી કોઈક લીટીય હોય. અને એવું નહીં કે એમને પોતાના પ્રિય ગાયક કે પ્રિય ગીતની જ પંક્તિ યાદ આવે. પોતે સાંભળેલા કોઈ પણ ગીતની પંક્તિ તેમને સૂઝી જતી. તેમના અનન્ય પુસ્તક 'શબ્દઠઠ્ઠા'માં મોટા ભાગની વાર્તાઓમાં તેમણે કોઈ ને કોઈ ગીતની પંક્તિ કે તેની પેરડી મૂકી છે. જેમ કે, 'મેરી કહાની સુનનેવાલે, તેરા ટી.વી.આબાદ રહે', 'હમેં ઈન રાહોં પે ચલના હૈ, જહાં ઉલ્ટે સબક સિખાના હૈ', 'પ્યાર બાંટતે ચલો, એવોર્ડ બાંટતે ચલો' વગેરે.
તેમની આવી ક્ષમતાથી પરિચીત એવા સલીલ દલાલ પોતાના કોઈ પારિવારિક મુદ્દે કશુંક લખવા માગતા હતા ત્યારે એમણે રજનીભાઈને ટૂંકમાં પરિસ્થિતિ જણાવીને યોગ્ય પંક્તિ સૂચવવા જણાવેલું. સલીલભાઈ ખુદ ફિલ્મી ગીતોના ઘાયલ, છતાં એમને આ કામ માટે રજનીભાઈ વધુ યોગ્ય લાગેલા.
પ્રિય વ્યક્તિની વિદાય પછી સર્જાયેલો ખાલીપો ભાગ્યે જ ભરી શકાતો હોય છે, આપણે અન્ય કામ કે પ્રવૃત્તિમાં ડૂબી જઈને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પણ એ ખાલી સ્થાન વખતોવખત પોકારીને પોતાની ઉપસ્થિતિની જાણ કરતું રહે છે.
'શબ્દઠઠ્ઠા' પુસ્તક તેમણે ઉર્વીશને અને મને અર્પણ કરેલું છે. અમારા નામની નીચે તેમણે જહીર ગાજીપુરનો એક શેર ટાંક્યો છે:
જબ હવાલોં કી જરૂરત હો, હમેં પઢ લેના,
વાસી અખબારોં કે અનમોલ તરાશે હૈં હમ.
2003માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં તેમણે ટાંકેલો આ શેર આજે, તેવીસ વર્ષ પછી કેટલો બંધબેસતો લાગે છે!

Sunday, March 15, 2026

ગુરુને યાદ કરતાં છબીમાંથી દીનાનાથ બોલે છે: 'ભલે.'

આજના દિવસે, એટલે કે 15 માર્ચ, 2025ની રાત્રે રજનીકુમારે સદેહે વિદાય લીધેલી. તેમનું સ્થાન જીવનમાં એ હદે ગોઠવાઈ ગયેલું કે તેઓ હોય કે ન હોય, પણ અનેક વખતે સકારણ-અકારણ કશું ને કશું યાદ આવતું રહે. અમે સાથે કરેલાં અનેક કામો અને એ દરમિયાન થતી વિવિધ વાતચીત, રમૂજ, પેરડીઓ, મીમીક્રી, અને એ બધાની વચ્ચે સાવ અનાયાસ નીકળી આવતી જીવનના ચિરંતન સત્ય જેવી અનેક વાતો.

'આત્મવંચના' એટલે કે જાતને છેતરવાનું લક્ષણ તેમનો પ્રિય વિષય. તેઓ કહેતા કે આ ગુણ ઓછેવત્તે અંશે દરેકમાં હોય છે. અને માપમાં હોય તો ક્યારેક તે ઊપયોગી પણ થઈ પડે. 'દરેક'માંથી તે પોતાની જાતને પણ બાકાત ન રાખતા. અનેક જોક્સ એવા હોય કે આપણે એની મજા એક જોક તરીકે લેતા હોઈએ, પણ રજનીભાઈ એમાંથી નીતરતું ચિરંતન સત્ય તારવી આપે એટલે આપણે એ જ જોકને જુદા પ્રકાશમાં જોતા થઈ જઈએ. તેઓ કહેતા કે ઘણા બધા ટુચકા સમયાંતરે, પાઠાંતરે કહેવાતા રહે છે તેનું કારણ એ જ કે એમાંથી જીવનનું ચિરંતન સત્ય નીતરતું રહે છે.

તેમની 'બિલોરી' સિરીઝનાં પુસ્તકો અમારા અતિ પ્રિય. એનાં શિર્ષકો અને પાત્રોની વાત થતી રહે, પણ ક્યારેક રજનીભાઈ એ પોતાને કયા પાત્ર પરથી સૂઝ્યું એની વાત કરતા. એ પૈકીના 'મન બિલોરી'માં પહેલી જ એક વાર્તા છે 'ભલે, ભલે, ભલે.' એ વાર્તામાં એક વાક્ય ધ્રુવવાક્યની જેમ પુનરાવર્તિત થાય છે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' એમાં મુખ્ય પાત્ર કૃપાશંકરનું છે, જે ઘણી વાર અમુક લોકોનાં કામ કરી આપે એ પછી સામેની વ્યક્તિ કૃપાશંકરનો આભાર માનવા આવે. કૃપાશંકર એ વ્યક્તિ સમક્ષ વિનમ્રતા દાખવતાં કહે, 'હું તો એક પામર મનુષ્ય છું. હજુ પણ હું આપના માટે કંઈ કરી શકું તો આનંદ થશે.' એ વ્યક્તિની વિદાય પછી કૃપાશંકર દીવાલે ટાંગેલી ઈશ્વરની છબી સમક્ષ જાય અને બન્ને હાથ જોડીને બોલે, 'હે પ્રભુ, કોઈની પ્રશંસા જીરવવાની મને શક્તિ દેજે કે હું એનાથી છકી ન જાઉં. કોઈ પ્રશંસા કરે ત્યારે હાથની રુંવાટી પર કીડી ફરતી હોય એમ લાગે છે.' એ પછી અંતે વાક્ય આવે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' આવી બે-ત્રણ પરિસ્થિતિઓ આવે છે. અંત ભાગમાં એક છોકરો આવીને કૃપાશંકરને કહે છે, 'મને નોકરી તમારી લાગવગને કારણે નથી મળી. મારા નસીબમાં ઈશ્વરે તમારી લાગવગ લગાડવાનું લખ્યું હશે. બાકી તમે કરનાર કોણ?' બસ, આ 'તમે કોણ' સાંભળીને કૃપાશંકરની ડાગળી ચસકે અને ત્રાડ પાડીને બોલી ઉઠે, 'હું ઈશ્વરનો બાપ. હવે કહેવું છે કંઈ?'

આ ઘટના પછી કૃપાશંકર ભગવાનના ગોખ તરફ વળીને ઈશ્વરની છબિ સમક્ષ ઊભા રહે અને બોલે, 'ધ્યાનાવસ્થા દરમિયાન રુંવાટીમાં કીડી સળવળતી હોય એ તો હજુય સહન થશે. બાકી કાળી કીડી આમ આ રીતે તીખો ચટકો ભરશે એ તો સહન નહીં જ થાય હોં! હું માણસ છુંં, તારી જેમ ભગવાન નથી.' ત્યારે પણ છબી માંયલા ભગવાન બોલ્યા, 'ભલે.'

માનવમનના અંત:તલને તાગતી આ વાર્તા અમારી અતિ પ્રિય વાર્તા. એક વાર વાતવાતમાં પૂછ્યું, 'આ કૃપાશંકરનું પાત્ર કોઈ વાસ્ત્તવિક પાત્ર પરથી પ્રેરિત છે કે કાલ્પનિક?' રજનીભાઈએ હસીને કહ્યું, 'એ હું પોતે.' એ વાર્તા પછી ઘણી વાર જાતને કૃપાશંકરના પાત્રમાં જોઈ છે અને ત્યારેય છબીમાંથી દીનાનાથ બોલે છે, 'ભલે.' આવી લાગણી અનુભવાતી હોય, પણ તેને આ રીતે શબ્દોમાં મૂકી આપવી કે જે વ્યક્તિલક્ષી ન રહેતાં લક્ષણકેન્દ્રી બની રહે એ લેખિની ઓછા પાસે હોય છે. રજનીભાઈ એ પૈકીના એક હતા. હોત અને આ વાંચત તો કહેત, 'ભાઈ, પેલી કીડી સળવળે એવું લખ્યું છે. પણ જોજે, કીડી ચટકો ન ભરે એ જોજે.' અને હું કહેત, 'તમે સાપના ડંખ એટલા બધા ખાધા છે કે કીડીના ચટકાની તમને કશી અસર ન થાય!' અને એ સાંભળીને તેઓ સાપના પ્રકાર ગણાવત કદાચ.

Friday, July 25, 2025

રજનીકુમાર પંડ્યા (20): પાત્ર આલેખકથી દોરવાયું

 શબ્દચિત્રો, જીવનચરિત્રોની જેમ રજનીભાઈએ 'ડોક્યુનોવેલ' પણ લખી હતી 'પુષ્પદાહ' અને એથી પહેલાં 'પરભવના પિતરાઈ'. 'ડોક્યુનોવેલ'માં સ્વરૂપ અને શૈલી નવલકથાનાં, પણ વિગતો વાસ્તવિક. 'પુષ્પદાહ'ના મૂળ પ્રણેતા ઈશ્વરભાઈ તેની સિક્વલ લખાવવા ધારતા હતા. રજનીભાઈને તેમણે એ વિશે જણાવ્યું, પણ રજનીભાઈ અતિ વ્યસ્ત હોવાથી તેમણે એ માટે ના પાડી. તેમણે અન્ય એક બે નામ પણ ચીંધ્યાં. (અગાઉ એક પોસ્ટમાં જણાવેલી 'સબ ફૂટ ગયે યહાં સે'...પંક્તિમાં મેં જે ખાલી જગ્યા રાખી છે એમાંનાં એ નામ) આ વાત ચાલતી હતી એ વિશે તેમણે મને જણાવેલું. નવલકથા કે વાર્તા લખવાની મારી ફાવટ નહીં, છતાં મેં પૂછ્યું, 'તમે ના પાડો છો તો હું એ કરું?' મારા મનમાં રજનીભાઈની જરૂરિયાત સ્પષ્ટ હતી, એટલે મને એમ કે હું એમને જરૂરી માળખું કરી આપું તો બાકીનું કામ કરવામાં તેમને સરળતા રહે. તેમણે મને કહ્યું, 'તને 'એચ.એ.એચ.' (એમની એક વાર્તાનો સંદર્ભ, જેમાં એક પાત્રને થાય છે કે 'હું આમાંય હાલું') તો નથી ને?' મેં કહ્યું, 'ગુરુ, તમારી જેમ મનેય ખબર છે કે આ મારી 'લેન' નહીં. પણ મને એમ છે કે હું આટલું કરી દઉં તો પછી તમને બહુ સરળતા રહે.' એ કહે, 'ના. રહેવા દે ને! મેં ઈશ્વરભાઈને બીજાં નામ આપેલાં છે.' ઈશ્વરભાઈએ એ મુજબ સંપર્ક કર્યો હશે, પણ ફાવ્યું નહીં. એટલે હરીફરીને વાત આવી પાછી રજનીભાઈ પાસે. આ વખતે તેમણે જ ઈશ્વરભાઈને મારું નામ સૂચવ્યું. અમે ત્રણે મળ્યા. રજનીભાઈએ એ શરતે તૈયારી બતાવી કે આ કામ હું કરું. એટલે કે માળખાકીય કામ મારે કરવાનું અને પછી એના આધારે તેઓ સિક્વલ લખે. ઈશ્વરભાઈનો મેં ઈન્ટરવ્યૂ કર્યો. એમાં જ રજનીભાઈને અને મને ખ્યાલ આવી ગયો કે સિક્વલમાં બહુ મજા નહીં આવે. રજનીભાઈએ એ મુજબ જણાવ્યું પણ ખરું, છતાં ઈશ્વરભાઈ આગ્રહી રહ્યા. છેવટે થોડા સમય પછી તેમણે આ કામ પડતું મૂકવા કહ્યું અને અમે બન્નેએ હાશકારો અનુભવ્યો.

'પરભવના પિતરાઈ'નો એક કિસ્સો નમૂનેદાર છે, જે એમાં ઉલ્લેખાયેલો છે. સાબરકાંઠા વિસ્તારના આદિવાસીઓ માટે જીવન સમર્પી દેનારા નરસિંહભાઈ ભાવસારના જીવનકાર્ય પર આધારિત આ દસ્તાવેજી નવલકથાના આલેખન માટે રજનીભાઈ એ વિસ્તારમાં ગયેલા અને નરસિંહભાઈની સાથે ફરેલા. આજીવન અપરિણીત રહેનારા નરસિંહભાઈએ વાસ્તવમાં તો પોતાની મરતી માને વચન આપેલું કે પોતે લગ્ન કરશે. એમ વિચારીને કે એ બહાને માને આશ્વાસન મળે અને એનો જીવ ભરાયેલો ન રહે. એટલે આમ જોઈએ તો એમણે મા સાથે વચનભંગ કર્યો ગણાય. આ ઘટના પુસ્તકમાં આલેખતી વખતે રજનીભાઈમાં રહેલો વાર્તાકાર ખીલી ઊઠ્યો. માણસ મરતી મા સાથે વચનભંગ કરે અને એના દિલમાં કશો ખટકો ન હોય એ શી રીતે બને? એટલે એમણે એ 'વચનભંગ'ને ન્યાયી ઠેરવવા એક કાલ્પનિક કિસ્સો ઊમેર્યો. એ મુજબ, નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે ખાટલો નાખીને સૂતેલા. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓમાંના એકમાં એમણે પોતાની માનો ચહેરો કલ્પ્યો. એની સાથે સંવાદ કર્યો અને પોતે એને આપેલા વચનમાંથી મુક્તિ માગી. આ કાલ્પનિક કિસ્સો લખીને તેમણે નરસિંહભાઈને વંચાવ્યો, જે એમની સંમતિથી પુસ્તકમાં આલેખાયો. પછી?
એ રાતે નરસિંહભાઈએ ખાટલો ખેંચ્યો અને કહ્યું, 'આજે રાતે હું ખુલ્લા આકાશ નીચે સૂઈશ અને મારી મા સાથે સંવાદ કરીશ.' કોઈક ઘટનાનાં પાત્રો વાર્તાકારને દોરે એવું અનેક વાર બન્યું છે, પણ આ કિસ્સે વાર્તાકારે પોતાના પાત્રને દોરવ્યું હતું. ખરેખર! એ રાતે નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે સૂતા અને પોતાની મૃત મા સાથે સંવાદ સાધવા પ્રયત્ન કર્યો.

Thursday, July 24, 2025

રજનીકુમાર પંડ્યા (19): ભીનું પોતું

'ચિત્રલેખા'માં દર સપ્તાહે તારકભાઈ 'દુનિયાને ઉંધાં ચશ્મા' લખતા ત્યારે એમાં ઘણી વાર વાસ્તવિક પાત્રોને પણ આલેખતા. એક વાર તેમણે એવી એક કથા લખેલી, જેમાં રજનીકુમાર પંડ્યાની ચીઠ્ઠી લઈને ગુણવંત પરબાળા નામનો એક યુવક તારકભાઈ પાસે આવે છે. ચીઠ્ઠીમાં તારકભાઈએ રજનીભાઈની શૈલી બરાબર પકડેલી. કામ અંગેની વિગત પછી લખેલું, 'કશો ભાર રાખતા નહીં.' મતલબ કે કામ ન થાય તો ભાર ન રાખતા. આ વાંચીને અમે રજનીભાઈને પૂછેલું કે તમે આવી કોઈ વ્યક્તિને ખરેખર મોકલેલી? રજનીભાઈએ હસીને કહેલું, 'ના, આ ચોક્કસ વ્યક્તિને નથી મોકલી. પણ તારકભાઈએ મારી શૈલી બરાબર પકડી છે.' રજનીભાઈ માટે તારકભાઈને એટલો ભાવ હતો કે તેમણે આત્મકથામાં લખેલું, '(મુંબઈથી) અમદાવાદ આવવા માટેનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એટલે રજનીકુમાર પંડ્યા.' (શબ્દો સહેજસાજ જુદા હોઈ શકે)

રજનીભાઈએ 'આપ કી પરછાંઈયાં'ની પ્રસ્તાવનામાં બિનીત મોદી માટે લખેલું, 'એ મારો મહાદેવ દેસાઈ છે. અલબત્ત, હું ગીતગાંધી નથી.' તારકભાઈને આ યાદ રહી ગયેલું. એટલે અમદાવાદ સ્થાયી થવા આવ્યા એ સાથે જ તેમણે રજનીભાઈ પાસે 'પેલા મહાદેવ દેસાઈ'ની માગણી કરી. એ રીતે બિનીત તારકભાઈ સાથે સંકળાયો અને છેક સુધી એ પરિવારનો આત્મીયજન બની રહ્યો. 'ઉંધા ચશ્મા'ના એ હપતામાં તારકભાઈએ રજનીભાઈના પરિચયમાં લખેલું, 'લાગણીના ઊંડા પાણીમાં તરવું હોય તો રજનીકુમાર પંડ્યા (નાં લખાણો) ટાયરનું કામ આપે છે.' આ એક જ વાક્યમાં તારકભાઈએ રજનીભાઈની શૈલીનો પરિચય કરાવી દીધેલો.
સંવેદનાત્મક લખાણ જરાય નરમનરમ કે પોચકાં મૂક્યા વિના લખવું રજનીભાઈની વિશેષતા હતી. જીવનકથા લખવાના અમારા સંયુક્ત પ્રોજેક્ટમાં અમારા ભાગે જે શ્રમવિભાજન થતું એમાં કથાનાયકની માતા કે જીવનસાથી વિશે લખવાનું રજનીભાઈ જ કરતા. અન્ય આનુષંગિક વિગતોની પૂર્તિ હું કરતો. એકાદ બે વખત એવું બનેલું કે સાવ ટૂંકી સમયમર્યાદામાં અમારે કામ પૂરું કરવાનું હતું. એટલે રજનીભાઈએ મને કહ્યું, 'તું વિગતોથી લેખનું માળખું બનાવી દે. વચ્ચે ખાલી જગ્યા છોડજે. એમાં હું (લાગણીનું) 'ભીનું પોતું' મારી દઈશ. એ પછી આ 'ભીનું પોતું' શબ્દ અમારી વચ્ચે ઠીક ઠીક ચલણી બન્યો. મેં એનુંય એક નામ આપ્યું.
થયેલું એવું કે મારું મકાન બનાવડાવવાનું કામ બે એક વરસ ચાલ્યું એમાં અનેક એજન્સીઓ સાથે કામ પાર પાડવાનું બન્યું. તેઓ 'ડૂઘો' શબ્દ વાપરતા. પ્લાસ્ટર કરવાનું હોય કે ટાઈલ્સ લગાવવાની હોય ત્યારે તેઓ કહેતા, 'પહેલા ડૂઘો મારી દો. પછી કામ શરૂ કરજો એટલે તિરાડો ન પડે.' પૂછતાં સમજાયું કે 'ડૂઘો' એટલે સિમેન્ટના પાણીમાં બોળેલું પોતું. ઘણા 'ડૂઘો ફેરવી દો' એમ પણ કહેતા.
એટલે હું આવા કોઈ પ્રકરણનું માળખું બનાવું પછી રજનીભાઈને કહું, 'લો, હવે તમે ડૂઘો મારી દેજો એટલે પ્રકરણ તૈયાર.' રજનીભાઈ એનો 'ડૂંઘો' ઉચ્ચાર કરતા. કહેતા, 'આ જોઈ લે. મેં ડૂંઘો મારી દીધો છે.' એમનો 'ડૂઘો' ફરતો એ એવો અદ્ભુત હતો કે એ વાંચીને લોકોની આંખ છલકાઈ ઉઠતી. અમે આ શબ્દનું મૂળ શોધવા પ્રયત્ન કરેલો, પણ સફળતા મળી નહોતી. એક જીવનકથાના આલેખન દરમિયાન એને લખાવનારા રજનીભાઈને કામ જલ્દી કરવા ઉતાવળ કરાવતા, લગભગ ધમકીના સ્વરે કહેતા કે પોતે બીજા કોઈકને એ સોંપી દેશે...વગેરે. પણ રજનીભાઈનું લખેલું પ્રકરણ વાંચે ત્યારે આંસુ માંડ ખાળી રાખતા. એકબીજાને કહેતા, 'આ રજનીભાઈ સિવાય કોઈનું કામ નહીં.' અમને આ અભિપ્રાયની જાણ થતી જ, પણ સીધેસીધી નહીં. એટલે અમે હસતા. ક્યારેક એવી મજાક પણ કરતા, જે બાંધકામની પરિભાષામાં રહેતી, 'હવેથી ડૂંઘો બહુ 'તર' નહીં કરીએ. નકામું પાણી દદડે અને ડાઘ પડે.'

Wednesday, July 23, 2025

રજનીકુમાર પંડ્યા (18): વરાળે ઢોકળાં

રાજકોટના સ્વ. રતિભાઈ ગોંંધિયાની જીવનકથા આલેખવાનું કામ રજનીભાઈને સોંપાયું એ અગાઉ અમે બન્નેએ અમારા જોડાણ થકી એક પ્રોજેક્ટ સફળતાથી પૂરો કર્યો હતો. આથી આ પ્રોજેક્ટમાં પણ મને તેમણે સાથે લીધેલો. તેઓ રાજકોટ પહોંચી ગયેલા અને ત્યાં જ મહિનોમાસ રોકાયા હશે. મારી નોકરી ચાલુ હોવાથી હું એક અઠવાડિયાની રજા લઈને ગયેલો. હું ત્યાં હતો એ દરમિયાન રતિભાઈ જે સ્થળો કે વ્યક્તિઓ સાથે સંકળાયેલા એ સૌની મુલાકાતનું આયોજન ગોઠવાયેલું. રજનીભાઈની ઈચ્છા એવી કે એ બહાને હું તળ કાઠિયાવાડ ફરું, અને એ પણ એમની સાથે. અમારો ઉતારો પણ (ત્યારની) ગોંધિયા હોસ્પિટલ'માં હતો. અમારા માટે એક એમ્બેસેડરની વ્યવસ્થા હતી. અમારી સાથે રાજકોટના શ્રી ધનસુખભાઈ, ડ્રાઈવર મુકેશ હતા. (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ સાથે હતાં. અમે ત્રણે પાછલી સીટમાં બેસતાં. વચ્ચે રજનીભાઈ, એમની એક તરફ તરુબહેન અને બીજી તરફ હું. ધનસુખભાઈ આગળ બેસતા. ડ્રાઈવિંગ ન કરવાનું હોવાથી બહુ નિરાંત રહેતી. આખે રસ્તે અનેક પ્રકારની વાતો, રમૂજ સતત ચાલ્યા કરતાં. ધનસુખભાઈ ત્યારે સીત્તેરેકના હશે, પણ એટલા ચપળ કે કાર ઊભી રહે અને અમે હજી બહાર નીકળીએ એ પહેલાં તો તેઓ ઊતરીને આગળ જઈને સામેની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. રજનીભાઈએ એમને કહ્યું, 'તમે ચકલી જેવા ચપળ છો. ફર્રર્ર કરતાંકને પહોંચી જાવ છો.'

અનેક સ્થળોએ અમે ફર્યા. અમે બન્ને હોવાથી કામ વહેંચાઈ જતું. ઈન્ટરવ્યૂ લેવા માટે પણ અમે માણસોને વહેંચી લેતા. અમુકની સાથે તેઓ વાત કરે, અને અમુકની સાથે હું. મારું કામ પતે પછી હું એ સ્થળ અને વ્યક્તિઓના ફોટા પણ લઈ લેતો.
રજનીભાઈ ત્યાં હતા એ જ સમયે તેમને રાજકોટની 'રાજબૅન્ક'ના દસ્તાવેજીકરણનું કામ પણ સોંપાયું. મારું જવાનું એ પછીના અરસામાં ગોઠવાયેલું. એટલે હું રહ્યો એ દરમિયાન અમે 'રાજબૅન્ક'ને લગતા ઈન્ટરવ્યૂ પણ કરતા. સમયનું વ્યવસ્થાપન એ રીતે કરાતું કે બધું સરસ રીતે ગોઠવાઈ જાય. રતિભાઈના કામ માટે હું ત્યાં ગયેલો, અને સાથે 'રાજબૅન્ક'નું કામ પણ થતું એટલે રજનીભાઈ કહેતા, 'તારે તો વરાળે ઢોકળાં બફાય છે.' આ શબ્દપ્રયોગ મને એવો ગમી ગયો કે પછી હું એનો ઘણી વાર ઉપયોગ કરતો. એક વાર મારે એક પુસ્તક વિશે બોલવા જવાનું હતું. હું સહેજ વહેલો પહોંચવાનો હતો એ જાણીને ત્યાંની એક સંસ્થાના પરિચીત સંચાલકે મને પોતાની સંસ્થામાં મુલાકાતે આવવા વિનંતી કરી. મેં હા પાડી અને મનમાં કહ્યું, 'તમે વરાળે ઢોકળા બાફી લીધા.' પછી તો આ શબ્દપ્રયોગના જુદા જુદા ઊપયોગ અહીં ફેસબુકની કમેન્ટોમાં પણ કરાતા. 'કોકની વરાળ અને આપણાં ઢોકળાં' એમાંનો સૌથી પ્રચલિત.

Tuesday, July 22, 2025

રજનીકુમાર પંડ્યા (17): મુંબઈના મિત્રો

રજનીભાઈ સાથે બહાર જવાનું બને ત્યારે જાતભાતની વાતો થાય, વિવિધ લોકોને મળવાનું બને, એમ લોકોના અને એમની પ્રકૃતિનાં વિવિધ પાસાં પણ જોવા મળે. મુંબઈમાં પછીના ગાળામાં તેમના મિત્ર બનેલા એડવોકેટ ગિરીશભાઈ દવે પોતાની કાર અને ડ્રાઈવરને મોકલી આપતા. એ જ રીતે તેમનો ઉતારો મિત્ર બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા જ હતા. તેમનાં સંતાનો વિદેશમાં તેમજ મુંબઈમાં અન્યત્ર રહેતા. એક વખત રજનીભાઈ સાથે હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. સામાન્ય રીતે મુંબઈમાં મારો ઊતારો મારા કાકા શૈલેષ પરીખને ત્યાં રહેતો.

બોઘાણીસાહેબના પિતાજી હબીબ ખાંભાવાળાના નામે પ્રસંગકથાઓ લખતા, જે વાર્તાત્મક રહેતી. બોઘાણીસાહેબ પણ જબરા વાતરસિયા. દિવસે તો રજનીભાઈ અને હું કામ માટે ફરતા રહ્યા. રાત્રે ઘેર આવીને તેમણે બોઘાણીસાહેબને કહ્યું, 'બીરેનને તમે પેલી એક બે વાત કહો.' એ પછી બોઘાણીસાહેબે વાત માંડી. એમનું કથન અને વાર્તારસ એટલો પ્રબળ હતો કે આપણે જાણે કે એ આખી ઘટનાનું પાત્ર હોઈએ એમ લાગે. યાદશક્તિના આધારે પછી એ આખી વાત મેં મારા બ્લૉગ પર લખેલી. એમણે બીજી ત્રણ-ચાર વાતો કરેલી. મને થયું કે એમની વાતો રેકોર્ડ કરી લેવી જોઈએ અને પછી એનું આલેખન કરવું જોઈએ. એ જો કે, થઈ શક્યું નહીં, પણ બોઘાણીસાહેબને મારા માટે એક પ્રકારનો ભાવ થઈ ગયેલો. એ પછી તેઓ મને ફોન કરતા અને ફોનમાં એ ઘટનાઓના ડાયલોગ જણાવતા. એમનો ફોન આવે એટલે મોટે ભાગે હું ઊપાડતો જ, કેમ કે, બોઘાણીસાહેબે કહેલું એક વાક્ય રજનીભાઈના અને મારા હૃદયની આરપાર નીકળી ગયું હતું. એકલતા કેવી અઘરી ચીજ છે એનો ખ્યાલ આવેલો. એમણે કહેલું, 'રોજ સાંજે વૉક માટે ઘરની બહાર નીકળું છું. પાછો આવીને તાળું ખોલું છું. ક્યારેક એમ થશે કે તાળું ન પણ ખોલી શકું.' થોડા વરસ પછી તેમનું અવસાન થયેલું ત્યારે રજનીભાઈએ અને મેં ફોન પર એમની ઘણી વાતો કરેલી.
મુંબઈની એ મુલાકાતમાં એક ભાઈને કંઈક કામ અંગે રજનીભાઈને મળવું હતું. એમણે મુંબઈની રીતરસમ અનુસાર 'ગરવારે ક્લબ'માં અમને નિમંત્ર્યા. ગિરીશભાઈના વાહનમાં અમે બન્ને ત્યાં પહોંચ્યા. અંદર પ્રવેશ્યા તો ઘોંઘાટ, ધુમાડો અને આછા અંધારાનો માહોલ. એક ટેબલ પર અમે ગોઠવાયા. વાનગીઓ મંગાવી અને વાત શરૂ થઈ. પણ અમારી સામેના એક મોટા ટેબલ પર આઠ દસ મહિલાઓ બેઠેલી. તેઓ એટલી મોટેથી વાતો કરી રહી હતી કે અમને વાત કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. થોડી વાર તો અમે એ સહન કર્યું, પણ પછી અમને એકબીજાનો અવાજ સંભળાય નહીં એ હદે તેમની વાતોનું વોલ્યુમ વધ્યું. રજનીભાઈ ઊભા થયા અને કહે, 'હું એમને કહું છું.' આ જોઈને અમારા યજમાન ગભરાયા. એમણે રજનીભાઈને વારવા પ્રયત્ન કર્યો. પણ રજનીભાઈ કહે, 'તમે ચિંતા ન કરો. કશું નહીં થાય.' પેલા ભાઈ રીતસર ગભરાયા અને કહે, 'તમે રહેવા દો. નકામો ઝઘડો થશે.' પણ રજનીભાઈ પેલા ટેબલ સુધી પહોંચી ગયેલા. અમારા યજમાન ઊંચા શ્વાસે એ તરફ જોઈ રહ્યા હતા. મેં એમને કહ્યું, 'ચિંતા ન કરો. કશું નહીં થાય.' પણ એમને વિશ્વાસ નહોતો બેસતો. રજનીભાઈ કશીક વાત કરતા હતા એ અમને દેખાતું હતું, પણ સંભળાતું નહોતું. પેલી બહેનો પણ હસીને તેમની સાથે વાત કરી રહી હતી. થોડી વારમાં તેઓ પાછા આવ્યા. પેલા ટેબલ પરથી અવાજ સાવ તો બંધ ન થયો, પણ ઓછો અવશ્ય થયો. અમે શાંતિથી પછીની વાત કરી શક્યા. આ જોઈને પેલા યજમાનભાઈને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. એકદમ અહોભાવથી કહે, 'સાહેબ, તમે એવું તો શું કહ્યું? મને તો એમ કે આજે ઝઘડો જ થઈ જશે.' રજનીભાઈ હસીને કહે, 'મેં કહ્યું કે જુઓ બહેનો, હું તમારા પિતાની ઉંમરનો છું. અને તમને એક વિનંતી કરું છું.' બસ, એમના આ વાક્યે ધારી અસર નીપજાવી. અલબત્ત, પેલી બહેનોએ હસીને કહ્યું, 'અંકલ, અમે પ્રયત્ન કરીશું, પણ લેડીઝ છીએ એટલે વાતો તો થવાની જ.' રજનીભાઈએ કહેલું, 'તમે વાતો કરજો, કેમ કે, તમે એના માટે જ આવ્યા છો, એમ અમનેય કરવા દેજો, કેમ કે, અમેય એના માટે આવ્યા છીએ.' શબ્દો કદાચ આ નહીં તોય ભાવ આવો. એ પછી અમે મુખ્ય વાત કરી અને છેવટે જવા નીકળ્યા. એ વખતે રજનીભાઈ ફરી એક વાર પેલા ટેબલ પાસે જઈને બહેનોને 'થેન્ક યુ' કહી આવ્યા. પેલી બહેનોએ પણ એમને 'આવજો, અંકલ' કહીને વિદાય આપી. આ જોઈને અમારા યજમાનને રજનીભાઈ માટે નવેસરથી 'એન.ઓ.બી.' થયું.
(એન.ઓ.બી. એટલે 'ન ઓળખ્યા ભગવંતને'નું રજનીભાઈએ બનાવેલું ટૂંકું રૂપ)

Monday, July 21, 2025

રજનીકુમાર પંડ્યા (16): તું કહે છે તો એમ જ હશે

રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર હું ચરિત્રલેખનના કામ અંગે સંકળાયો એ પછીના એમને મળેલા દરેક કામમાં મારી ભૂમિકા નિશ્ચિત બની રહેલી. એમાં સહેજ વધારો થયો મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથાના લેખનથી. ત્રિવેદીસાહેબ મુંબઈ રહેતા, રજનીભાઈ અમદાવાદ અને હું વડોદરા. ત્રિવેદીસાહેબ સાથે પ્રાથમિક ઈન્ટરવ્યૂ કર્યા પછી નક્કી એવું થયું કે ત્રિવેદીસાહેબ જાતે જ સ્વકથન બોલતા જાય અને કેસેટમાં રેકોર્ડ કરતા જાય. રજનીભાઈએ લીધેલા- રેકોર્ડ કરેલા તમામ ઈન્ટરવ્યૂનું લિપ્યાંતર/Transcription કરવાનું મારા ભાગે હતું. આથી ત્રિવેદીસાહેબ એક એક કેસેટ રેકોર્ડ કરીને મને વડોદરા મોકલતા જાય. હું એમના કથનને કાગળ પર ઊતારું, એને વિષયવાર શિર્ષક આપું, કોઈ સવાલ ઊભો થાય તો એ એમને મોકલું, જેથી તેઓ પછીની કેસેટમાં એનો જવાબ રેકોર્ડ કરીને મને મોકલે. કેસેટવાર તૈયાર થયેલી આ સ્ક્રીપ્ટ હું રજનીભાઈને મોકલું અને એ સામગ્રી પરથી તેઓ જીવનકથાનાં પ્રકરણ લખે. એકલા એકલા બોલવામાં સહેજ આરંભિક મુશ્કેલી પછી ત્રિવેદીસાહેબને પદ્ધતિ ફાવી ગઈ. રજનીભાઈએ એમ રાખેલું કે એક વાર થોડી સામગ્રી એમની પાસે એકઠી થઈ જાય એ પછી જ તેઓ એ વાંચશે અને લેખનનું કામ શરૂ કરશે. આથી એક ચોક્કસ સમયગાળામાં ત્રિવેદીસાહેબના જીવનની, એમણે જણાવેલી તમામ વિગત મને લગભગ મોઢે થઈ ગયેલી. એમની જીવનકથા પણ બહુ ઊતારચડાવવાળી હતી.

એવામાં એક તબક્કે ત્રિવેદીસાહેબનું અમદાવાદ આવવાનું ગોઠવાયું. હજી રજનીભાઈ તેમની સામગ્રીમાંથી પસાર થયા ન હતા. આથી મારે પણ એ મુલાકાત દરમિયાન હાજર રહેવું એમ ઠરાવાયું. ત્રિવેદીસાહેબ રજનીભાઈને ત્યાં આવે એ અગાઉ અમે થોડી પ્રાથમિક ચર્ચા કરી લીધી. એ પછી ત્રિવેદીસાહેબ આવ્યા. જીવનકથાની વાત ગૌણ હતી, કેમ કે, એ કામ હજી ચાલી રહ્યું હતું, છતાં એના વિશે વાત તો કરવી પડે ને! એટલે અમારા પૂર્વઆયોજન મુજબ રજનીભાઈએ વાત શરૂ કરી. એ પછી વાતમાં હું દાખલ થયો અને મેં સવિસ્તર અહેવાલ આપ્યો. ત્રિવેદીસાહેબ એકદમ સ્તબ્ધ! પોતે જે સ્વકથન રેકોર્ડ કરીને મોકલ્યું છે એને અમે લોકોએ આ હદે હૃદયસ્થ કરી લીધું છે એ એમના માટે પરમ આશ્ચર્ય હતું. રજનીભાઈ તો બરાબર, પણ મનેય એ બરાબર યાદ છે એ જાણીને એમને નવાઈ લાગી. એ કહે, 'તમારી કામની પદ્ધતિ શી છે? મને બહુ નવાઈ લાગે છે!'
એ પછી અમારે નજીકની એક હોટેલમાં ભોજન માટે જવાનું હતું. અમે ત્રણે ત્યાં જવા નીકળ્યા. હોટેલની લિફ્ટમાં ચડીને અમે બહાર નીકળતા હતા ત્યારે ત્રિવેદીસાહેબ મારી નજીક આવ્યા અને પૂછ્યું, 'બીરેન, મને પહેલો હાર્ટ એટેક ક્યારે આવેલો?' મેં કહ્યું, '1994માં.' એ કહે, '1993માં નહીં?' મેં કહ્યું, 'ના. 1993માં તો તમે ભારત આવ્યાની રજતજયંતિ ઊજવેલી. એ પછીના વરસે તમે પ્રવાસે ગયા અને એ દરમિયાન તમને એટેક આવેલો.' ત્રિવેદીસાહેબે રીતસર પોતાનો કાન પકડ્યો અને કહે, 'યુ આર રાઈટ. આઈ મે બી રોન્ગ, બટ યુ નો એવરિથિંગ અબાઉટ મી.' આ વાતચીત દરમિયાન રજનીભાઈ આગળ નીકળી ગયેલા.
જમીને ત્રિવેદીસાહેબે વિદાય લીધી એ પછી મેં રજનીભાઈને આ બાબત જણાવી. અમે બન્ને આખી ઘટના યાદ કરી કરીને બહુ હસ્યા. રજનીભાઈએ કહ્યું, 'કાલે ઉઠીને ત્રિવેદીસાહેબને કશું થાય અને ડૉક્ટર આવીને તેમનું નિદાન કરે તો તેઓ કહેશે- પેલા બીરેનને બોલાવો. એ કહે કે હું જીવતો છું તો હું જીવતો હોઈશ.' એ પછીની અમારી અનેક વાતચીતમાં આ ઘટના એક સંદર્ભબિંદુ બની રહી. એના સંવાદ જુદા જુદા રહેતા. જેમ કે, (ત્રિવેદીસાહેબ કહે છે‌) 'ભાઈ બીરેન, જરા જો ને. મારી નાડી આમ તો ધબકે છે, પણ તું કહે એ ફાઈનલ.' ક્યારેક એવો સંવાદ થાય, '(બીરેન કહે), 'માફ કરજો, ત્રિવેદીસાહેબ, આપની નાડી ધબકતી છે, પણ આપ જીવતા નથી.' અને ત્રિવેદીસાહેબ સ્વીકારના ભાવ સાથે કહે, 'સારું, ભાઈ. તું કહે છે તો એમ જ હશે.' હવે ત્રિવેદીસાહેબ નથી રહ્યા, પણ એક વાર અમારી આ મજાક અમે એમનેય કહેલી.
વખતોવખત અમે આ વાત યાદ કરતા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં એને સાંકળીને હસતા. એ હદે કે આગળ જતાં આ ઘટનાબીજને કેન્દ્રમાં રાખીને તેમણે 'મેમરી ટ્રેઝર' નામની વાર્તા લખી. 'સાર્થક જલસો'ના અંક નં. 13માં 'વ્યાવસાયિક ચરિત્રલેખન વિશેના મારા લેખ પછી અમે ખાસ એ વાર્તા છાપી, સાથે રજનીભાઈને વિનંતી કરી કે એની સર્જનપ્રક્રિયા તેઓ લખે. તેમણે બહુ ઊલટથી એ લખી આપી, એટલું જ નહીં, એ વાર્તાનું મૂલ્યાંકન કરીને એ 'પરફેક્ટ વાર્તા' નથી એમ પણ લખ્યું.

Sunday, July 20, 2025

રજનીકુમાર પંડ્યા (15): સંગીતપ્રેમીઓની ત્રણ શ્રેણીઓ

 જાણક, માણક અને મારક. અગાઉ ઉર્વીશે લખ્યું છે એમ સંગીતપ્રેમીઓના આ ત્રણ પ્રકાર રજનીભાઈએ પાડેલા. 'આપ કી પરછાઈયાં'ની પ્રસ્તાવનામાં એનો ઉલ્લેખ છે. તેમણે એમ પણ લખ્યું છે કે કોઈ એક જ વ્યક્તિમાં આ ત્રણે વારાફરતી થઈ શકે. મતલબ કે એવું જરૂરી નથી કે આ ત્રણે શ્રેણીની વ્યક્તિ અલગ અલગ હોય.

આ પ્રકાર વિશે અમે પહેલી વાર જાણ્યું ત્યારે હજી સંગીતપ્રેમીઓના વિશ્વમાં અમારો પ્રવેશ થયેલો. એમના પ્રકાર-પેટાપ્રકાર વિશે ખાસ જાણ નહોતી, જે ધીમે ધીમે થતી ગઈ. આ પેટાપ્રકારભેદ કોઈ સંપ્રદાયની વાડાબંધીથી જરાય ઉતરતો નહીં. ચાહકો ઉગ્ર અવાજે પોતાના પ્રિય કલાકાર વિશે દલીલો કરે અને અન્ય કલાકારને નીચે દેખાડવા જાય. રજનીભાઈની હાજરી હોય ત્યારે આવા પેટાસંપ્રદાયો નિયંત્રણમાં રહેતા. એક વખત પ્રભાકર વ્યાસ 'તાલિબાને' રજનીભાઈની અને મારી હાજરીમાં કાનપુરના હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશે સહેજ ઘસાતું બોલવાનો પ્રયત્ન કર્યો. આથી અમે બન્ને ઊકળી ઉઠ્યા, અને 'તાલીબાન'ને બરાબર ધમકાવ્યા. કેમ કે, 'હમરાઝે' જે કક્ષાનું કામ કર્યું છે એ બાબતે સૌ કોઈ એકમત છે. અમે બન્ને એમને બહુ જ આદરથી જોતા. આથી અમારો આક્રોશ જોઈને 'તાલિબાન' ઠંડા થઈ ગયા અને એ બાબતે વધુ દલિલ કરવાનું માંડી વાળ્યું.
મિત્ર ચંદ્રશેખરભાઈ વૈદ્યે કે.જે.શુક્લસાહેબનો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રશેખરભાઈ વૈદ્ય સાથેનો અમારો પરિચય 'ગ્રામોફોન ક્લબ' થકી થયો હતો. તેમનું આટલું લાંબું નામ અને પાછળ 'ભાઈ' લગાવવાનું. આથી રજનીભાઈએ ટૂંકાવીને એમની મંજૂરીથી જ 'શેખરભાઈ' કરી દીધું. એ જ રીતે 'ગ્રામોફોન ક્લબ'ના તત્કાલીન પ્રમુખ હતા અરવિંદ દેસાઈ. 'ગ્રેસ' અને 'પ્રભાવ'નું આબેહૂબ મિશ્રણ. જાણકાર પણ એટલા જ. કોઈ પણ બાબતે મતભેદ હોય ત્યાં અરવિંદભાઈ પોતાનો નિર્ણય જણાવે એટલે પછી એનો વિરોધ ન હોય. બસ, વાત પૂરી. એમનો આવો પ્રભાવ જોઈને રજનીભાઈએ એમનું નામ રાખ્યું 'મહાબલિ'. આ નામ એટલું સર્વસ્વીકૃત થઈ ગયું કે ખુદ અરવિંદભાઈએ પણ એ સ્વીકારી લીધેલું. અરવિંદભાઈ પ્રેમ વરસાવવામાં પણ એટલા જ ઉદાર. ઉર્વીશની દીકરી આસ્થાના જન્મદિન 1 જાન્યુઆરીએ સવારમાં પહેલો જ ફોન એમનો હોય. એક વખત એ ફોન મારા પપ્પાએ ઊપાડ્યો. સામેથી કહેવાયું હશે, 'હું અરવિંદ દેસાઈ.' પપ્પાએ બહુ સહજતાથી કહ્યું, 'હા, બોલો મહાબલિ.' પછી તરત પપ્પાને ખ્યાલ આવ્યો હશે એટલે તેમણે કદાચ 'સોરી' કહેવાનો પ્રયત્ન કર્યો, પણ મહાબલિ કોને કહ્યા! એ દિલ ખોલીને હસી પડ્યા.
કે.જે.શુક્લસાહેબ સંગીતના એવા ઘાયલ કે અમુક ગીત વાગે કે વિલંબીત ગતિએ બોલે, 'ચીરે છે....રજનીભા...આ....ઈ, ચીરે છે.' મતલબ કે આ ગીત દિલને ચીરી નાખે એવું છે. આથી રજનીભાઈએ એમનું નામ રાખી દીધું 'ચીરે છે.' વાતચીત આવી કંઈક થાય, 'આજે 'ચીરે છે'નો ફોન હતો.'

અરવિંદભાઈના અકાળ અવસાન પછી મહેશભાઈ પ્રમુખ બન્યા. મહેશભાઈ અને ગીતાબહેન રજનીભાઈને બહુ આદર આપતા. ગ્રામોફોન ક્લબના સૌ સભ્યો રજનીભાઈ માટે બહુ પ્રેમ રાખતા. છેક સુધી એ પ્રેમસંબંધ જળવાયેલો રહ્યો.
ફિલ્મસંગીતના પ્રેમીઓમાં એક પેટાપ્રકાર સંગ્રાહકોનો પણ ખરો. રજનીભાઈ સંગ્રાહક ખરા, પણ તેઓ પહેલા તો માણક હતા. અને બીજું, પોતાનો ખજાનો તેઓ વહેંચવામાં માનતા, નહીં કે એની પર સાપ બનીને બેસી જવામાં, જે મોટા ભાગના સંગ્રાહકોનું લક્ષણ હોય છે.

Saturday, July 19, 2025

રજનીકુમાર પંડ્યા (14): રીક્ષા કરવાની, પણ બેસવાનું નહીં

રજનીભાઈ પાસે શરૂઆતમાં ફિયાટ કાર હતી. એના હેન્ડ ગિયર હતા. સૌરાષ્ટ્રના એક પ્રવાસ દરમિયાન મેં ઈચ્છા વ્યક્ત કરી કે મને આ ચલાવવા દો. એ વખતે મારી પાસે કાર આવી ગયેલી અને મને ડ્રાઈવિંગ ફાવતું હતું. રજનીભાઈએ મને હેન્ડ ગિયર શી રીતે પાડવા એ સમજાવ્યું અને કાર ચલાવવા આપી. મેં થોડે સુધી ચલાવી લીધી. કાર ચલાવતાં એમની પર અનેક ફોન કોલ્સ આવતા રહે. રજનીભાઈ એકે એક ફોનના જવાબ આપે. ક્યારેક કાર બાજુમાં ઊભી રાખીને ટેક્સ્ટ મેસેજ કરે. આ બધું ચાલતું રહેતું.

પછી થોડા સમયે તેમણે ફિયાટ કાઢીને ઝેન કાર લીધી. મારી પાસે પણ ઝેન જ હતી. આથી આવા એક પ્રવાસ દરમિયાન મેં કહ્યું કે તમે બાજુએ બેસો અને મને કાર ચલાવવા દો. તેઓ સૌને કહેતા એમ મને પણ કહ્યું, 'મને કાર ચલાવવી ગમે છે.' પછી કહે, 'મોટી ઉંમરે કાર મળી છે ને..એટલે..' મેં કહ્યું કે ભલે તમને ડ્રાઈવિંગ ગમતું હોય, પણ આપણે સાથે હોઈએ ત્યારે કાર હું જ ચલાવીશ. આખરે તેમણે નમતું જોખ્યું અને મને કાર આપી. તે બાજુની સીટમાં ગોઠવાયા. હવે એમના બન્ને હાથ ખુલ્લા હતા. આગળ ધ્યાન રાખવાનું ન હતું. તેમને મજા આવી ગઈ. એ કહે, 'આ તો મજા આવે છે. સરસ ફાવે છે.' મેં કહ્યું, 'એટલે તો હું તમને કહેતો હતો.' આ સુવિધા એમને એટલી ફાવી કે વારેવારે એ બાબતે આનંદ વ્યક્ત કરે. એથીય આગળ એમણે એક ગીત આ પરિસ્થિતિને અનુરૂપ યાદ કર્યું. 'બહોત શુક્રિયા, બડી મહેરબાની...' પછી કહે, 'મેરી કાર મેં હુજુર આપ આયે...' એ ગીતને આગળ વધારતાં ગણગણ્યા, 'કદમ ચૂમ લું યા આંખે બિછા દૂં' તેઓ આવું બોલ્યા એટલે મેં એમની સામે જોયું. એ અર્થમાં કે 'કદમ ચૂમ લું' શી રીતે આવે? એટલે તેઓ કહે, 'કદમ ચૂમ લું' એટલે 'મેરે કદમ'.' પોતાના કદમ શી રીતે ચૂમાય એવી ચેષ્ટા એમણે કરી બતાવી એટલે અમે બેય બરાબર હસ્યા.
બહાર જઈએ ત્યારે અજાણ્યા સરનામે જવાનું હોય એ વખતે એમની આદત એવી કે એક રિક્ષાવાળાને રોકી લેવાનો. એને પૂછી લેવાનું કે સરનામું જોયું છે? એ હા પાડે એટલે એને આગળ કરવાનો અને પાછળ પોતે કાર ચલાવતા આવે. એક વાર અમે સુરત ગયેલા. કાર હું ચલાવતો અને તેઓ બાજુમાં બેઠેલા. અમારે ક્યાંક જવાનું હતું. એક જગ્યાએ રીક્ષાઓ ઊભેલી જોઈ એટલે મેં કાર ઊભી રાખી. રજનીભાઈએ કાચ ઊતારીને સરનામું પૂછ્યું અને એક રીક્ષાવાળાને આવવા કહ્યું. રજનીભાઈ અતિશય ઝડપથી બોલતા એ પેલાને સમજાતું નહીં અને રીક્ષાવાળો દક્ષિણ ગુજરાતી બોલે એ રજનીભાઈને સમજતાં વાર લાગતી. રીક્ષાવાળો કહે, 'ટમે આમ ઠઈને આમ વરી જજો એટલે એમ બાવલું આવસે...' આમ કહીને એ બન્ને હાથ અદબમાં વાળતો. એક તો એ રીક્ષાવાળો ઊંચો અને એણે વાત કરવા નીચું નમવું પડતું. એમાં એ આવી એક્શન કરી દેખાડે. મને એક બાજુ બરાબર હસવું આવે. છેવટે અમે નક્કી કર્યું કે રીક્ષાવાળો આવવા તૈયાર નથી, કેમ કે, એને આ સ્કીમ સમજાતી નથી. એટલે આપણે એની નિશાનીએ આગળ વધીએ. અમે વિચારતા હતા કે 'બે હાથે અદબ વાળેલું 'એમ બાવલું' આવશે એ આપણી નિશાની. સહેજ આગળ જઈને અમે વળ્યા અને સ્વામી વિવેકાનંદનું પૂતળું દેખાયું. ઓહોહો! હવે અમારા મગજમાં અજવાળું થયું કે 'એમ બાવલું' એટલે આ. સહેજ વાર કારને બાજુએ ઊભી રાખીને અમે બરાબર હસ્યા. એ પછી આગળ વધતાં બીજાં જાણીતા નેતાઓનાં બાવલા વિશે પેલો રીક્ષાવાળો શી રીતે નિશાની દેખાડે એની કલ્પના કરતા રહ્યા. જેમ કે, બાબાસાહેબનું બાવલું હોય તો એ આંગળી ચીંધતું બાવલું બતાવે, ગાંધીજીનું હોય તો એ લાકડીથી ચાલવાની નિશાની કરે.. વગેરે.
એ નિશાની અમારા માટે તો કાયમી સંદર્ભબિંદુ બની, પણ મુંબઈ જાઉં ત્યારે મારી કઝીન પૌલા કાયમ મારી પાસે એ ડાયલોગ હજી બોલાવે છે.

Friday, July 18, 2025

રજનીકુમાર પંડ્યા (13): બે સંપ્રદાયો

 જૂનાં હિન્દી ગીતો માટેના પ્રેમે રજનીભાઈ સાથેના સંબંધમાં સિમેન્ટીંગનું કામ કર્યું. ગીતો ગમતાં, પણ એ માટેનાં અમારાં કારણો સાવ અલગ અલગ. તેમનું મુખ્યત્વે અંગત અને અતીતરાગી જોડાણ, જ્યારે અમારે એવું કોઈ જોડાણ નહીં, અને વિશુદ્ધ ગુણવત્તાને કારણે અમને એ ગમતાં. ગીત સાથે રજનીભાઈને એની આસપાસની તમામ વિગત યાદ રહેતી. વિડીયો કેસેટોનો જમાનો હતો ત્યારે એમની પાસે અનેક ગીતોની વિડીયો ઉપલબ્ધ રહેતી. અમારી રુચિ મુખ્યત્વે રેડિયો સાંભળીને ઘડાયેલી. આથી અમે એમને કહેતા, 'આપણું સાધ્ય એક છે, પણ સંપ્રદાય જુદા છે. તમે વિડીયો સંપ્રદાયના, અને અમે ઓડિયો સંપ્રદાયના.'

અમારી એવી દૃઢ માન્યતા કે ગીતની વિડીયો જોતાં જોતાં એને સાંભળીએ તો ગાયકી અને સંગીતની બારીકીઓ નજરઅંદાજ થઈ જાય છે અને હીરો-હીરોઈનની અદાયગી પર વધુ ધ્યાન રહે છે. રજનીભાઈને ત્યાં અનેક મિત્રો આવતા અને વિડીયો ગીતોની મહેફિલ યોજાતી. અમને એમાં બહુ રસ ન પડતો. એક તો ખાસ રાત રોકાવું પડે, અને મુખ્ય બાબત એ કે અમારો સંપ્રદાય જુદો.
એવાય અમુક મિત્રો હતા કે જે આર્થિક રીતે સંપન્ન હોવા છતાં એમની પાસે પોતાનું ટેપરેકોર્ડર સુધ્ધાં નહોતું. પ્રાથમિકતા, બીજું કંઈ નહીં! તેઓ પોતાને જૂના હિન્દી ફિલ્મોના 'ઘરેડ' ચાહક ગણાવે એ જોઈને અમને હસવું આવતું. આગળ જતાં તેઓ જૂનાં ગીતોની કોઈક ક્લબના સ્થાપક પણ બનેલા.
પણ આ ચાહકોમાં સાવ નોખા તરી આવતા હતા જાફરહુસેન મન્સુરી. અમદાવાદના પોપટિયાવાડમાં લતીફની બાજુમાં એમનું નિવાસસ્થાન. કરિયાણાની હાટડી. લોકો પચાસ પૈસા રૂપિયાનાં પડીકાં એમની દુકાનેથી બંધાવે એવો 'સંપન્ન' ગ્રાહકવર્ગ, પણ જાફરભાઈની જૂના ગીતો બાબતે સમૃદ્ધિ ગજબની. એમની પ્રકૃતિ પણ વિશિષ્ટ. બીડી પીતા. અનેક વિગતો એમને જબાની યાદ, અને એમની વિશિષ્ટ પોપટિયાવાડની બોલીમાં એ વિગતો પીરસે. ચા માટેનો એમનો પ્રેમ હજી સુધી મેં બીજા કોઈનો જોયો નથી. મેં સાંભળેલી વાત છે કે એક રાતે રજનીભાઈને ત્યાં સૌ ભેગા થયેલા. ગીતો વાગતાં હતાં. રાતના દોઢેક થયો એટલે જાફરભાઈને ચાની તલપ લાગી. રજનીભાઈએ એમને કહ્યું કે ફ્રીજમાં જુઓ. દૂધ હશે. ચા બનાવી લો. જાફરભાઈ ઊભા થયા, ફ્રીજ ખોલ્યું, પણ એમાં દૂધ નહોતું. હવે? જાફરભાઈને કોઈ પણ હિસાબે ચા પીવી હતી. એટલે એમણે નાસીપાસ થયા વિના ફ્રીજ ફંફોસવા માંડ્યું. એમાં એમની નજરે ચડ્યું પેંડાનું પેકેટ. જાફરભાઈને 'યુરેકા' થઈ ગયું. તેમણે એક તપેલી લીધી. એમાં બે-ચાર પેંડા ભૂકો કરીને નાખ્યા. પાણીમાં એને મિક્સ કર્યા. અને જે પ્રવાહી બન્યું એને દૂધ ગણીને એની ચા બનાવી. જાફરભાઈ ચા લઈને આવ્યા હશે અને જેણે એ પીધી હશે એને કદાચ સ્વાદ જુદો લાગ્યો હશે, પણ એ કેમ છે એનું રહસ્ય નહીં સમજાયું હોય. એ તો પછી ખ્યાલ આવ્યો.
એમના વિશેના લેખમાં એમની સ્થિતિનું વર્ણન રજનીભાઈએ શી રીતે લખેલું એ જુઓ. દૂરદર્શન (કે આકાશવાણી) પર જાફરભાઈનો ઈન્ટરવ્યૂ ગોઠવાયેલો. રજનીભાઈ એ લેવાના હતા. ઈન્ટરવ્યૂ પત્યા પછી પુરસ્કારનો ચેક જાફરભાઈના હાથમાં મૂકવામાં આવ્યો. ત્યારે જાફરભાઈ કહે છે, 'રોકડે દિયે હોતે તો રીક્ષે કે ભાડે કે કામ તો આતે.' હવે આ ચેક વટાવવા માટે એમણે બૅન્કમાં ખાતું ખોલાવવું પડશે.
આ જ જાફરભાઈને હૃદયની બિમારી થઈ ત્યારે રજનીભાઈએ પોતાના લેખ દ્વારા અપીલ કરીને એમની સારવાર માટેની રકમ એકઠી કરી આપેલી. એનાથી કુટુંબીજનોને ઘણી રાહત થઈ હતી, પણ જાફરભાઈ બચી ન શક્યા.
આ નાનકડી ક્લીપની લીન્કમાં જાફરભાઈનો ઈન્ટરવ્યૂ લેતા રજનીભાઈ જોઈ અને સાંભળી શકાશે.



Thursday, July 17, 2025

રજનીકુમાર પંડ્યા (12): ચોકલેટ દ્યો ને!

પ્રત્યાયનનાં નવાં નવાં સાધનો રજનીભાઈ બહુ હોંશભેર વસાવતા, અપનાવતા અને એનો કસ કાઢતા. પેજર નવા આવ્યાં કે એમણે તરત જ એ વસાવી લીધું અને એનો ભરપૂર ઊપયોગ કરવા લાગ્યા. ડીજીટલ ડાયરીઓ તેમની પાસે બબ્બે રહેતી. તેમાં તેઓ શહેર મુજબ મિત્રો-સ્નેહીઓ-વાચકોના નામ સ્ટોર કરતા. એ પછી સેલફોન નવા નવા આવ્યા કે એમણે એ વસાવી લીધો. એ સમયે ઈનકમિંગ કૉલ પણ ચાર્જેબલ હતા. આ પહેલાં માત્ર લેન્ડલાઈન ફોન હતા ત્યારે પણ તેઓ એનો ભરપૂર ઊપયોગ કરતા. તેમણે ક્યાંક એ મતલબનું લખેલું કે 'પોતે જ્યાં પણ જાય ત્યાં ફોન હોવો જોઈએ એમ તેઓ ઈચ્છે.'

એક વાર અમે લાઠી ગયેલા. લાઠી આવવામાં હતું કે એમણે પોતાની ડીજીટલ ડાયરી કાઢી અને લાઠીમાં પોતાના પરિચીત કોણ કોણ છે એમનાં નામ કાઢ્યાં. એ સૌને ફોન લગાવ્યા અને પછી મળવાનું પણ ગોઠવ્યું.

રાજકોટના લોકસેવક રતિભાઈ ગોંધિયાની જીવનકથા લખવા માટે તેઓ રાજકોટ પહોંચેલા. હું પણ એક અઠવાડિયા માટે ત્યાં ગયેલો. અમને એ વખતની 'ગોંધિયા હોસ્પિટલ' (હવે વોકહાર્ટ હોસ્પિટલ)માં રૂમ આપવામાં આવેલી. રાજકોટ તો એક સમયે એમની કર્મભૂમિ. આથી રોજ કોઈ ને કોઈ મિત્રોને મળવાનું બનતું. કામના સમયે કામ, મુલાકાતો વગેરે ખરું જ, પણ મિત્રમિલન પણ ચાલતું. હું રહ્યો ત્યાં સુધી મને પણ તેઓ સાથે લઈ જતા.

રાજકોટના એક સજ્જન હતા મોહનભાઈ માકડિયા. એમનો એક વાર રજનીભાઈ પર ફોન આવ્યો. તેઓ એક વાચક હતા. રજનીભાઈએ જણાવ્યું કે પોતે રાજકોટમાં જ છે. તેમને મળવાનું પણ ફટાફટ ગોઠવી દીધું. એક સાંજે અમે બન્ને એમને મળવા ઊપડ્યા. અમુક ઠેકાણે પહોંચ્યા પછી મોહનભાઈ અમને સામા લેવા આવ્યા. ઈસ્ત્રીબંધ શર્ટને પેન્ટમાં ખોસેલું. ઊપલું બટન બંધ. પહેલી નજરે જ ખ્યાલ આવી જાય કે માણસ એકદમ સુઘડ રહેનારો છે. મોહનભાઈ અમને પોતાને બંગલે લઈ ગયા. રસ્તામાં છોકરાં સામાં મળે એટલે મોહનભાઈ કહે, 'હા..પછી. આ મહેમાન આવ્યા છે.' અમને સમજાતું નહીં કે આ શો સંવાદ થઈ રહ્યો છે.

મોહનભાઈ બહુ બોલનારા હતા, પણ રજનીભાઈના લેખોના પ્રેમી. તેમનાં પત્નીનું અવસાન થયેલું. એકલા જ રહેતા. સંતાનો કદાચ વિદેશમાં હતા. વાતવાતમાં અમને ખ્યાલ આવ્યો કે મોહનભાઈએ પસંદગીપૂર્વક અહીં રહેવાનું પસંદ કર્યું છે, જેથી તેઓ ખુદ્દારીપૂર્વક રહી શકે. અલબત્ત, તેમનાં સંતાનો પણ સારાં હોવાનું તેમણે કહ્યું. તેમણે અમને જણાવ્યું કે આખી સોસાયટીમાં તેઓ 'માકડીયાબાપા' તરીકે ઓળખાતા. છોકરાં તો ઠીક, યુવાનો પણ એમને એ રીતે જ બોલાવતા. માકડીયાબાપાને એવી ટેવ કે ચોકલેટનાં મોટાં પડીકાં હાથમાં લઈને નીકળે અને જે પણ છોકરું સામું મળે એને ચોકલેટ આપતા જાય. ક્યારેક એમનું ધ્યાન ન હોય તો છોકરું કહે, 'માકડીયાબાપા, ચોકલેટ દ્યો ને?' એટલે માકડીયાબાપા એને ચોકલેટ આપે અને કહે, 'તું રહી ગયો? આ લે. તને બે ચોકલેટ.' તેમના ભોજનની વ્યવસ્થા એક પાડોશી સંભાળતા હતા. અમને આવેલા જોયા એટલે પાડોશીબહેન આવી ગયાં અને ચા-પાણી બાબતે પૂછવા લાગ્યાં. અમે જોયું કે માકડીયાબાપા પોતાની મસ્તીમાં મજેથી રહેતા હતા. ઘણી વાતો કરી. છેવટે અમે નીકળવાની રજા માગી. એટલે માકડીયાબાપા ઊભા થયા. ચોકલેટની એક મોટી કોથળી કાઢી અને એમાંથી મુઠ્ઠો ભરીને ચોકલેટ રજનીભાઈને અને મને આપી. અમે હજી વિચારતા હતા કે આનું શું કરવું? એટલામાં તો એમણે ચોકલેટની એ આખી કોથળી જ રજનીભાઈના હાથમાં પકડાવી દીધી અને કહ્યું, 'રાખો.' 'હા-ના' કરવાનો સવાલ નહોતો. માકડીયાબાપાના પ્રેમાગ્રહ આગળ ઝૂકી જવું પડ્યું.

એ અમારી પહેલી અને આખરી મુલાકાત. પણ અમારા મન પર માકડીયાબાપાએ રીતસર કબજો જમાવી દીધો. એ પછી ત્યાં હું જેટલા દિવસ રહ્યો એટલા દિવસ એમને અમે યાદ કરીએ. પેલી ચોકલેટ એટલી બધી હતી કે એ પૂરી ન થાય. હું ક્યારેક કહું, 'પંડ્યાબાપા, ચોકલેટ દ્યો ને!' એટલે રજનીભાઈ કોથળીમાંથી બે ચોકલેટ કાઢે અને કહે, 'લે, તું બે લે.' એ પછી તેઓ પાછા અમદાવાદ આવી ગયા. ત્યારે પણ તેમને ત્યાં મારે જવાનું થાય તો તેઓ મને ડીશમાં કંઈક ધરે ત્યારે કહે, 'આ લે, પંડ્યાબાપાનો પેંડો.'

થોડા સમય પછી એક વાર તેમણે મને સમાચાર આપ્યા કે માકડીયાબાપાનું અવસાન થયું છે. અમે બન્નેએ ફોન પર તેમની જિંદાદિલી વિશે વાત કરી. પણ એ પછી તેમણે કહ્યું, 'એમની દીકરી રાજકોટ આવેલી છે. મેં એની સાથે વાત કરી. હવે તું પણ એને ફોન કર.' તેમને ખ્યાલ હતો કે એમની દીકરી અને હું એકમેકને નથી ઓળખતાં. એટલે તરત જ મને કહ્યું, 'મેં એમને કહ્યું છે કે તારો ફોન આવશે. એટલે તું હમણાં જ ફોન કર.' મેં અમારી વાત પૂરી કરીને સીધો માકડીયાબાપાની દીકરીને ફોન કર્યો. એ બહેન કહે, 'હા, ભાઈ. પંડ્યાસાહેબનો ફોન હતો કે તમારો ફોન આવશે. બહુ સારું લાગ્યું.'

એ બહેન સાથે પણ એ પહેલી અને અત્યાર સુધીની છેલ્લી વાતચીત. પણ માકડીયાબાપા અમારા મનમાં વસી ગયેલા. અમે અનેક વાર એમને કોઈ ને કોઈ સંદર્ભે યાદ કરતા રહેતા. કહેવાય છે ને કે એક પણ વ્યક્તિની સ્મૃતિમાં કોઈ વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી એ જીવતી જ રહે છે.

Wednesday, July 16, 2025

રજનીકુમાર પંડ્યા (11): સાપના સંગ્રહનો શોખ

પ્રેમ ઢોળવો રજનીભાઈની પ્રકૃતિ હતી-નબળાઈ કહી શકાય એ હદની. ઘણા કિસ્સામાં એમ બનતું કે એમના પ્રેમમાં ભીંજાનાર વ્યક્તિને શરૂઆતમાં એ બહુ ગમે કે પોતાનું સદ્ભાગ્ય લાગે. ધીમે ધીમે એને એમ લાગવા માંડે કે આમ થાય છે એ પોતાની લાયકાતને લીધે. આગળ જતાં તેને એ પોતાનો હક જણાય. રજનીભાઈના પ્રેમની વર્ષામાં ભીંજાનાર ઘણાના ભાગે ઉત્ક્રાંતિના આ તબક્કા ધાર્યા કરતાં વધુ ઝડપથી આવી જાય. એક વાર એને એ પોતાનો હક સમજવા લાગે એટલે ખલાસ! એમાં રજનીભાઈથી ક્યારેક સંજોગોવશાત સહેજ પણ ચૂક થાય તો પત્યું! એ રજનીભાઈની ટીકા કરે, એમની સામે મોરચો માંડે, અને એથી આગળ એમનું નુકસાન થાય એવું કરતાંય અચકાય નહીં. સાર એટલો કે રજનીભાઈની પ્રેમવર્ષા એમની પોતાની પ્રકૃતિને લઈને છે અને પોતાની લાયકાત કે હક નથી એવી સ્વસ્થતા અને સમજણ કેળવવી અઘરી ખરી. આના અનેક દાખલા છે. અમે ઘણી વાર એમને મજાકમાં કહેતા કે કોઈને પ્રેમ આપીને ફટવી મારવામાં તમે ઉસ્તાદ છો. રજનીભાઈ વિશે શબ્દો ચોર્યા વિના ઘસાતું બોલાયું હોય એ સાંભળવાનું ઉર્વીશના અને મારા ભાગે ઘણું આવતું. કેમ કે, એમ કરનારને બરાબર ખ્યાલ હોય કે એ યોગ્ય જગ્યાએ વાત કરી રહ્યો છે.

રજનીભાઈને આની જાણ ન હોય એમ ભાગ્યે જ બને, પણ તેમણે સામે ચાલીને કોઈની સાથેનો સંબંધ કાપી નાખ્યો હોય એવું ભાગ્યે જ બનતું. આને કારણે તેમના મિત્રખજાનામાં અનેકવિધ રત્નો હતાં. અમે ઘણી વાર કહેતા, ‘સંઘર્યો સાપ કામનો’ એ કહેવતમાં સાપનેય સંઘરવાની વાત છે, પણ તમે તો સાપના સંગ્રહનો શોખ ધરાવો છો, એટલું જ નહીં, વખતોવખત કોથળામાં હાથ નાખીને ચકાસતા પણ રહો છો કે ક્યાંક એના ડંખની અસર ઓછી તો નથી થઈ ગઈ ને! આ સાંભળીને તેઓ હસતા, સ્વીકારતા, પણ પ્રકૃતિ ન છોડતા.

જો કે, આવા કિસ્સાઓની સામે એમની પર પ્રેમ ઢોળનારાઓ અનેક ગણા વધુ હતા. અને એ પણ નિરપેક્ષભાવે! છેલ્લા દિવસોનું એક જ ઉદાહરણ ટાંકું. બિમારીમાં તેમનું વીસેક કિલો વજન ઊતરી ગયેલું. બહાર નીકળવાનું તેમણે ઘણું ઓછું કરી દીધેલું. તેમનાં કપડાં તેમને એકદમ ખુલ્લા પડતા હતા, જેને કારણે તેઓ વધુ દુબળા દેખાતા. એમના એક ચાહકે એમને આ રીતે જોયા. એ પછી તેમણે રજનીભાઈનું નવેસરથી માપ લેવડાવ્યું અને નવા માપનાં શર્ટપેન્ટની ચાર-પાંચ જોડી સિવડાવીને એમને ભેટ આપી. કશાય ભાર વિના, સહજપણે અને પ્રેમવશ.

Tuesday, July 15, 2025

રજનીકુમાર પંડ્યા (10): એન.ઓ.બી.

 સાહિત્યકાર- વાર્તાકાર તરીકે તેમજ કટારલેખક તરીકે રજનીભાઈનું નામ ઘણું જાણીતું હતું. એમનું લખાણ ન વાંચ્યું હોય એમને પણ એમનું નામ ખબર હોય એવું ઘણા ખરા કિસ્સે બનતું. ખાસ કરીને 'ફૂલછાબ', 'જન્મભૂમિપ્રવાસી' અને 'કચ્છમિત્ર'માં તેમની 'શબ્દવેધ' કોલમ પ્રકાશિત થતી હોવાના કારણે આ વિસ્તારોમાં તેમનું નામ પરિચીત. જીવનચરિત્ર લખાવવા માટે કોઈ આવે તો એ કાં કોઈની ભલામણથી આવે, કે પછી આ રીતે જાણીતું નામ હોવાને કારણે આવે. ઘણાખરા કિસ્સામાં એમને એ ખ્યાલ ન પણ હોય કે રજનીભાઈના લખાણની શૈલી કેવી છે, યા એમણે અગાઉ કેવાં જીવનચરિત્રો લખ્યાં છે. એટલે કામ સોંપાયા પછી થોડા વખતમાં ખરી મજા આવે.

પ્રાથમિક ધોરણે વાતચીતની બેઠક (ઈન્ટરવ્યૂ) થાય, એનું હું ટ્રાન્સ્ક્રીપ્શન કરું અને એના આધારે શરૂઆતનાં એકાદ બે પ્રકરણ મોકલીએ એટલે એ વાંચીને કામ સોંપનારને બરાબર અંદાજ આવે કે રજનીભાઈની લેખિની શી ચીજ છે! મોટા ભાગના કિસ્સામાં એ આફરીન પોકારી જાય. એને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ જાય.
આ શબ્દપ્રયોગ રજનીભાઈએ બનાવેલો. કોઈ વ્યક્તિ આપણી પાસે આવે, એને આપણા વિશે કશો ખ્યાલ ન હોય, પણ આપણા વિશે કાં કોઈક બીજું એને જણાવે કે પછી આપણાં લખાણ વાંચીને એને જાતે અહેસાસ થાય અને જે અહોભાવ જન્મે એ આખી ઘટના એટલે 'એન.ઓ.બી.' મતલબ કે 'ન ઓળખ્યા ભગવંતને'.
આવું એકાદ બે વાર થયું હોત તો કદાચ આ શબ્દપ્રયોગની જરૂર ન પડત, પણ રજનીભાઈ સાથે આવું વારેવારે બનતું. આથી તેમણે લાંબી વાત ટૂંકમાં કરવા આ શબ્દપ્રયોગ બનાવ્યો. એટલું જ કહી દેવાનું કે આજે ફલાણાનો મારી પર ફોન હતો. એણે મારી જૂની વાર્તા વાંચી હશે. એ વાંચીને એને એન.ઓ.બી.' થઈ ગયું.
હમણાં, છેલ્લે છેલ્લે કિરીટભાઈ દૂધાત થકી 'સાહચર્ય'વાળા ભરત નાયક રજનીભાઈની કેટલીક વાર્તાઓના પહેલવહેલી વાર પરિચયમાં આવ્યા. અને એમને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. કિરીટભાઈએ પછી ભરતભાઈની વાત રજનીભાઈ સાથે કરાવી હોવાનું મને ઉર્વીશે જણાવ્યું.
આ શબ્દપ્રયોગ અમારી વાતચીતમાં બહુ સામાન્ય બની રહેલો. ખ્યાલ છે ત્યાં સુધી તરુબહેનને પણ એના વિશે ખ્યાલ હતો. જો કે, ગંભીર પ્રકૃતિનાં તરુબહેન એનો ઉપયોગ ભાગ્યે કરતાં.
શબ્દપ્રયોગ એટલો લોભામણો છે કે કોઈને પણ એ વાપરવાનું મન થઈ આવે. એટલે ઘણી વાર તેઓ પોતાનું કોઈ જૂનું લખાણ વાંચે તો પણ કહેતા, 'મને એ વાંચીને મારા માટે 'એન.ઓ.બી.' થઈ ગયું.' યા અમુક જણના એવા લક્ષણને માટે અમે કહેતા, 'એને તો બધા માટે 'એન.ઓ.બી.' થઈ જાય છે, કેમ કે, એણે કોઈનું કશું વાંચ્યું જ નથી.'

Monday, July 14, 2025

રજનીકુમાર પંડ્યા (9): એક હતા ગેટે

ચરિત્રલેખનને 'ફરમાસુ' કહીને ઊતારી પાડવામાં આવે છે, પણ એમાં રહેલા વાસ્તવિક પડકારો વિશે દૂર રહેનારાને ભાગ્યે જ કશો અંદાજ આવી શકે. એ પણ સવાલ ખરો કે દૂર રહેનારાને એવો અંદાજ મેળવવાની જરૂર પણ શી? વ્યાવસાયિક ચરિત્રલેખનમાં લખાવનારનું સંપૂર્ણ ચિત્ર ઊપસે અને લેખકની શૈલી જળવાય એ રીતે એને આલેખવું પડે. બીજી વાત એ કે કદી કોઈનું પણ પૂર્ણ ચરિત્ર લખી શકાય નહીં. આ બાબત ચરિત્ર લખાવનારને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવી પડે.

સંસ્થાકીય આલેખ વળી સાવ જુદી જ વિધા છે. એ પણ આમ તો જીવનચરિત્રનો જ એક પ્રકાર છે. એમાં અલબત્ત, અનેક જીવનચરિત્રો સામેલ હોઈ શકે છે. સંસ્થાઓની પરિચયપુસ્તિકા જુદી જ સમજણ માગી લે છે. એક સંસ્થાની આવી પુસ્તિકા અમારે લખવાની હતી. કામ એ રીતે મળેલું કે એની છપામણી પણ અમારે જ કરાવી આપવાની. હજી યુનિકોડ સાર્વત્રિક નહોતા બન્યા એટલે લખાણનો તમામ મુસદ્દો તૈયાર થાય એ પછી નિર્માણને લગતાં કામમાં અમારે જરા જુદી રીતે વિચારવાનું હતું. પહેલાં અમે લખાણને યુનિકોડમાંથી આકૃતિ ફોન્ટમાં કન્વર્ટ કરાવ્યું. મિત્ર ક્ષમા કટારીયાએ પ્રૂફ વાંચી આપ્યું. ફરીદ શેખ દ્વારા તેનું નયનરમ્ય લે-આઉટ તૈયાર થયું. એની સોફ્ટ કોપી અમે સંસ્થાના સંચાલકને મોકલી, પણ એમને એ જોતાં ખાસ ન ફાવ્યું અને કહ્યું, 'તમે જે કરો એ બરાબર જ હશે. તમારી રીતે જ કરો.'
એટલે અમે પુસ્તિકા છપાવડાવી અને એ સંચાલકને મોકલી આપી. રજનીભાઈએ એ જોયેલી, પણ હું વડોદરા હોવાથી મને એ તરત જોવા નહીં મળેલી. અમને ઉત્સુકતા એ કે સંચાલકને એ કેવી લાગશે? પુસ્તિકા સંચાલકને મોકલ્યાના બે-ત્રણ દિવસ પછી રજનીભાઈનો મારા પર ફોન આવ્યો. મેં પૂછ્યું, 'કેવો પ્રતિભાવ છે? એમને પુસ્તિકા ગમી?' એટલે રજનીભાઈ કહે, 'પૂછ મા. એમણે મને એવું કહ્યું કે પુસ્તિકા એટલી સુંદર છે કે એને માથે મૂકીને નાચવાનું મન થઈ આવ્યું.' આમ કહ્યા પછી અને એ સાંભળ્યા પછી અમે બન્ને બહુ હસ્યા. કેમ કે, કોઈ ગમતું પુસ્તક માથે મૂકીને નાચવાનો સૌથી જાણીતો દાખલો જર્મન કવિ ગેટેનો છે, જે કાલિદાસનું 'શાકુંતલ' માથે મૂકીને નાચેલા. એ પછી આ બીજો દાખલો સાંભળ્યો.
આથી અમે એ સંચાલકનું નામ પાડ્યું 'ગેટે'. અલબત્ત, પહેલાં તેમનું નામ અને પાછળ ગેટે. માનો કે એ ભાઈનું નામ દેવુભાઈ છે. તો અમે અમારી વાતચીતમાં એમનો ઉલ્લેખ 'દેવુ ગેટે' તરીકે કરતા. સંસ્થાની પુસ્તિકા પછી થોડા વરસે એ સંચાલકશ્રીએ પોતાની જીવનકથા લખાવવા માટે પણ રજનીભાઈની પસંદગી કરી. સાથે હું હોઉં જ. લખતાં પહેલાં નક્કી હતું કે અમે બન્ને પુસ્તક લખીએ તો એ જોઈને (વાંચીને નહીં) દેવુ ગેટેને એ માથે મૂકીને નાચવાનું મન થઈ જ જવાનું હતું. એ વખતે રજનીભાઈ અને હું એકમેકને કહેતા, 'બિચારા દેવુ ગેટે આ પંચ્યાસી-સત્યાશીની ઉંમરે માથે ચોપડી મૂકીને નાચશે તો એમને ચક્કર નહીં આવે?'
એ જીવનકથા લખાતી રહી અને એનું વિમોચન થયું ત્યાં સુધી આ વાતને અમે સંદર્ભબિંદુ તરીકે વાપરતા. માનો કે કોઈ પ્રકરણ બહુ સરસ લખાયું હોય તો અમે કહેતા, 'આ વાંચીને ગેટે નાચી ઉઠશે.' પછી કહેતા, 'પણ પ્રકરણે પ્રકરણે આપણે એમને ન નચવવા જોઈએ.' એક કલ્પના અમે એવી કરેલી કે પુસ્તકના વિમોચન વખતે બીજું કશું કરવાને બદલે દેવુ ગેટે માત્ર એને માથે મૂકીને નાચે તો?
હવે તો ગેટે, આઈ મીન, દેવુ ગેટે પણ નથી, અને રજનીભાઈએ વિદાય લીધી. આથી એ પુસ્તક હું જોઉં ત્યારે મને થાય છે કે હવે મારે એકલાએ એને માથે મૂકીને નાચવું કે કેમ?

Sunday, July 13, 2025

રજનીકુમાર પંડ્યા (8): હવે ચડાવીએ બાણ

રજનીભાઈ સાથે એક વખત એક કાર્યક્રમમાં મારે જવાનું બનેલું. કાર્યક્રમ સેમિ-ધાર્મિક પ્રકારનો હતો, પણ રજનીભાઈએ મિત્રદાવે ત્યાં જવાનું હતું. એટલે એમણે સાથે મનેય લીધો, કેમ કે, એના વિશે લેખ પણ લખવાનો હતો. આ પ્રકારના કાર્યક્રમમાં- જે સામાન્ય રીતે આપણી રુચિને અનુકૂળ ન હોય, પણ એને લીધે તેને સાવ કાઢી ન નખાય, અને એનો અહેવાલ શી રીતે લખાય એ મારે જાણવું હતું.

એમની સાથે પરિચયના સાવ શરૂઆતના ગાળામાં ઉર્વીશ અને હું અમુક બાબતે આત્યંતિક વલણ ધરાવતા. જેમ કે, રજનીભાઈ મહેન્દ્ર કપૂરનું કોઈક ગીત ગણગણે તો અમે કહેતા, 'અમને એ જરાય નથી ગમતા, કેમ કે, એમણે હવે માતાજીની આરતી અને ભજનો ગાવાનું શરૂ કરી દીધું છે.' રજનીભાઈને અમારી દલીલો સાંભળવાની મજા આવતી. પણ એ કહેતા, 'ભાઈ, વ્યવસાયમાં હોય એટલે બધું કરવું પડે.' તેમની આ વાત ઉર્વીશ અને હું અલગ અલગ રીતે લેખનમાં પ્રવેશ્યા ત્યારે બરાબર સમજાઈ. એમાંય હું એમની સાથે જીવનચરિત્રો લખતો થયો ત્યારે મને ડગલે ને પગલે એનો અહેસાસ થતો ગયો.
આ પ્રવાસ એવો જ હતો. મારે એ જોવું હતું કે રજનીભાઈ શી રીતે અને કઈ બાબતને ફોકસમાં રાખીને એનો અહેવાલ લખે છે. એમણે એ 'ચિત્રલેખા' માટે મોકલવાનો હતો.
આખી રાતના કાર્યક્રમ પછી અમે સવારે અગિયારેક વાગ્યે વડોદરા આવવા નીકળ્યા. ક્યાં જમવું એ વિચારતાં મેં એમને મારે ઘેર આવવા કહ્યું. રજનીભાઈ કંઈક બીજી વ્યવસ્થા ગોઠવવાનું વિચારતા હતા. એમણે વડોદરાની ભાગોળે આવેલી એક સંસ્થાના સંચાલકને ફોન કર્યો. પેલા ભાઈ બહુ રાજી થઈ ગયા. એટલે રજનીભાઈ કહે, 'હું અને બીરેન તમારે ત્યાં આવીએ છીએ. જમાડશો ને?' પેલા ભાઈએ 'ના' કહેવાનો કોઈ સવાલ જ નહોતો. આ ફોન થઈ ગયો એટલે અમે ગમ્મતે ચડ્યા. રજનીભાઈ ઘેરા અવાજમાં કહે, 'ભોજનનો પ્રબંધ થઈ ગયો છે.' હકીકતમાં તેઓ બાળપણમાં જેતપુરના એક મંદિરમાં જતા તેના એક મહંતની શૈલીમાં એ બોલેલા. મેં કહ્યું, 'કોઈ રાજકારણી હોય તો કહે, ખાવાનો વહીવટ પડી ગયો છે.' એ કહે, 'અને પોલિસ અધિકારી હોય તો કહે કે ભોજનનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.' મેં કહ્યું, 'કોઈ દારૂડિયો હોય તો કહે કે બાઈટિંગનો મેળ પડી ગયો છે.' એમાં પછી ઉમેર્યું, 'અને એ ચરોતરનો હોય તો એમ કહે કે ઝાપટવાનો મેર પડી ગયો છે.' એટલે પછી વાત આખી પ્રાદેશિક બોલી તરફ ફંટાઈ. કાઠિયાવાડી, સુરતી, મહેસાણા જેવા અનેક પ્રદેશોના વિવિધ શ્રેણીના લોકોની બોલીમાં આ આગળ વધતું રહ્યું.
અમારી આવી કવ્વાલી ચાલી એમાં ને એમાં રસ્તો કપાઈ ગયો. સંસ્થાના દરવાજે અમે આવી પહોંચ્યા એટલે તેમણે સમાપન કરતાં કહ્યું, 'વત્સ, હવે વિતંડાવાદ છોડ, અને ભૂખ પર ધ્યાન કેન્દ્રિત કર.' મેં પણ સમાપનનો સ્વીકાર કરતાં કહ્યું, 'જેવી આજ્ઞા, ગુરો. હવે તો ભોજન એ જ કલ્યાણ. ચાલો, હવે ચડાવીએ બાણ.'
સંસ્થાના સંચાલક એમને જોઈને બહુ રાજી થઈ ગયા. ભાવપૂર્વક અમને તેમણે જમવા બેસાડ્યા. જમતાં જમતાં અમને પેલી રસ્તામાં ચાલેલી અમારી કવ્વાલી યાદ આવતી અને અમે એકમેકની સામું જોઈને હસતા રહ્યા. પેલા સંચાલક સમજ્યા કે અમે પણ એમને મળીને રાજી થઈ ગયા છીએ.

Saturday, July 12, 2025

રજનીકુમાર પંડ્યા (7): પસ્તી ખૂટતી નહીં હમારી

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો) 

માની લો કે કોઈક વ્યક્તિનું હાડકું તૂટી ગયું છે અને નજીક દેખાતા પહેલા દવાખાનામાં એ પહોંચી જાય છે. એને મન બધા ડૉક્ટર સરખા છે. કોઈ પ્રકારભેદ નથી. ડૉક્ટરને એ પોતાની વિગત જણાવે છે. યોગાનુયોગે એ ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ છે. સ્વાભાવિક છે કે એમણે પહેલાં એમ.બી.બી.એસ.કર્યું જ હોય, અને એ પછી જ સ્પેશ્યાલિટી બ્રાન્ચ લીધી હોય. સામે આવી પડેલા દર્દીને જોઈને એનું એમ.બી.બી.એસત્વ જાગી ઊઠે કે આપણેય ડૉક્ટર તો ખરા ને! પ્લાસ્ટર લગાવવાનું તો એમ.બી.બી.એસ.માં આવતું હતું. લાવો ને, મારી દઈએ, અને રૂપિયા ખંખેરી લઈએ. પણ આમ કરવાને બદલે એ ડૉક્ટર જણાવશે કે પોતે કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે એ દર્દીના દર્દનો ઈલાજ કરવાનું કામ ઓર્થોપેડિક સર્જનનું છે.

આવું વિચિત્ર ઉદાહરણ વાંચીને કોઈને પણ થાય કે આમાં નવું શું? એ તો એમ જ હોય ને! પણ ના, એમ નથી હોતું. ડૉક્ટર બાબતે એમ હોઈ શકે, પણ જીવનચરિત્ર લખાવવા બાબતે એમ નથી જ હોતું.
જીવનચરિત્ર લખાવનારને મન લેખકના પ્રકારભેદ નથી હોતા. એ તો 'જાણીતા' લેખક પાસે ઑફર લઈને આવે છે. 'જાણીતા' લેખક એને કદી એમ નથી જણાવતા કે પોતે તો અખબારમાં ચિંતન, આયુર્વેદ, મોટીવેશનલ કે એવી કોઈ કોલમ લખે છે, અને જીવનચરિત્ર પોતાનો વિષય નથી. એને એમ થાય કે લખતાં તો પોતાને આવડે જ છે ને! તો આને ક્યાં પાછો ધકેલવો?
પણ એક વાર જીવનચરિત્ર લખાઈ જાય એ પછી મુશ્કેલી શરૂ થાય. લખાવનારને લાગે કે પોતાના મનમાં જે હતું એવું આ નથી થયું. પણ 'જાણીતા' લેખકને એ કહેવાય શી રીતે? આથી એને એ 'મહેનતાણું' ચૂકવી દે, પણ પછી નવા ચરિત્રકારની શોધ આદરે.
રજનીભાઈ પાસે આવા અનેક લોકો આવતા. હું એમની સાથે સંકળાયો પછી મેં આ નજરે જોયું. એમાં બે-ચાર નામ સામાન્ય રહેતા. લખાવનાર એ લેખકો પાસે લખાવીને આવે, ન ગમે અને પછી શોધતા શોધતા રજનીભાઈને મળે. ઘણા કિસ્સામાં એ નામ ન આપે કે પોતે કોની પાસે અગાઉ લખાવડાવ્યું, પણ શૈલી જોતાં અમને ખ્યાલ આવી જાય કે એ કોણ હોઈ શકે. એક તબક્કો એવો આવ્યો કે ઊપરાઊપરી આવાં કામ અમારી પાસે આવવા લાગ્યા.
ચરિત્રલેખનનું કામ આવે એટલે સામગ્રીના પણ ઢગલા ઠલવાય. એ ઢગલા ફેંદતાં ફેંદતાં રજનીભાઈએ એક પેરડી બનાવી. મૂળ પંક્તિ ઈકબાલની રચના 'સારે જહાં સે અચ્છા'માંની નીચે મુજબ છે:
યૂનાન-ઓ-મિસ્રરોમાં સબ મિટ ગયે જહાં સે,
ક્યા બાત હૈ કિ હસ્તી મિટતી નહીં અમારી.
રજનીભાઈએ પેરડી બનાવી:
---,ઓ-------- સબ ફૂટ ગયે યહાં સે,
ક્યા બાત હૈ કિ પસ્તી ખૂટતી નહીં હમારી.
ખાલી જગ્યામાં ત્રણ લેખકોના નામ હતાં. આ પેરડી પર અમે એવા આફરીન કે ન હોય ત્યાંથી એને વચ્ચે લાવીએ અને ટાંકીએ. એકાદ બે વાર મારે નવા કામ માટે કોઈને મળવા જવાનું હતું. રજનીભાઈ એ જાણતા જ હોય. ત્યાં પ્રાથમિક મુલાકાતમાં જ મને ખબર પડી કે આ કામ અગાઉ કોઈકની પાસે થઈને આવ્યું છે. એટલે મેં ત્યાં બેઠે બેઠે જ રજનીભાઈને મેસેજ કર્યો, 'Here also yunano-misra-romaan syndrome.' (મેં પેરડીવાળા લેખકોના નામ લખેલા.) તરત જ જવાબમાં રજનીભાઈનું સ્માઈલી આવી ગયું.