Tuesday, October 3, 2023

સ્પર્ધામાં હું એક જ હોઉં એ મને મંજૂર નહોતું

 

- પં. શિવકુમાર શર્મા
હરિપ્રસાદ ચૌરસિયાને હું પહેલવહેલી વાર 1956માં ઈન્ટર-યુનિવર્સિટી સમારંભમાં દિલ્હીમાં મળેલો. મારા રાજ્ય અને યુનિવર્સિટીનું સૌ પ્રથમ વાર પ્રતિનિધિત્વ કરવા માટે દિલ્હી આવેલી મારી ટીમનો ઉત્સાહ મને આજે પણ યાદ છે. ટીમે નિર્ણય લીધેલો કે હું તબલાંને બદલે સંતૂર વગાડીશ. પણ સમારંભમાં જતાં જાણ થઈ કે હું એક જ સંતૂરવાદક છું. આનો અર્થ એ કે હું ચંદ્રક જીતી પણ જાઉં તો લોકો મને ગંભીરતાથી નહીં લે. મને એ મંજૂર નહોતું. અમારા પ્રાધ્યાપકની નારાજગી વહોરીને મેં અન્ય બત્રીસ તબલાંવાદકો સાથે મારું નામ પણ લખાવી દીધું. (અમારા પ્રાધ્યાપક સંતૂરમાં એક ચંદ્રક મળવાની વાતે સંતુષ્ટ હતા). મેં મારી ટીમને નિરાશ ન કરી, કેમ કે, તબલાંવાદનમાં મેં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી લીધો હતો. મને સંતૂરવાદન માટે પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યો, કેમ કે, નિર્ણાયકગણ પહેલી વાર એ સાંભળવા ઈચ્છતો હતો. એ વખતે હું હરિજીને થોડી વાર માટે મળેલો અને અમે એકમેકના અનુભવની વાત કરીને રાજી થયેલા.
આ આકસ્મિક મુલાકાત અમે લગભગ વીસરી ગયેલા, પણ 1961માં ભાગ્યે અમારો ભેટો ફરી વાર મુંબઈમાં કરાવી આપ્યો. આ વખતે અમે એક ફિલ્મસ્ટુડિયોમાં મળ્યા કે જ્યાં અમે અમારું નસીબ અજમાવવા માટે ગયેલા. ઝડપથી અમે ખાસ મિત્રો બની ગયા. હરિજી એ વખતે જ એક હાસ્યાસ્પદ કારણથી મુંબઈ રહેવા આવેલા. તેઓ કટક રેડિયોમાં કાર્યરત હતા, પણ વાંસળીવાદનમાં એટલા વ્યસ્ત હતા કે કાર્યાલયમાં ખાસ જતા નહીં. તેમના વરિષ્ઠ અધિકારીઓએ કડકાઈ દાખવીને તેમને આકાશવાણી, મુંબઈ ખાતે સ્ટાફ આર્ટિસ્ટ તરીકે મોકલી આપ્યા. આનાથી બહેતર શિક્ષા હરિજી માટે શી હોઈ શકે? હવે તેઓ પૂર્ણ સમય સંગીતને આપી શકતા હતા અને વિસ્તરતા આ મહાનગરમાં સફળ બનવા માટે પ્રયાસ કરતા હતા. એ પછી જે બન્યું એ ઈતિહાસ છે.

(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)

No comments:

Post a Comment