Saturday, December 10, 2022

ભૂતકાળ કે ભૂતાવળ?

ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેના મનમાં ટ્રેન, રેલવે સ્ટેશન તેમજ તેની ફરતેની ગતિવિધિઓ બાબતે કુતૂહલ ન હોય. આ કુતૂહલ ઘણી મોટી ઉંમરે પણ યથાવત રહેતું હોય છે. અનેક ગામ-નગરોમાં રેલવે સ્ટેશન એક માત્ર 'ફરવાનું' સ્થળ હતું. સાંજ પડ્યે ત્યાં લોકો ટહેલવા આવતા. અમારા મહેમદાવાદના રેલવે સ્ટેશનનો દરજ્જો પણ આવો જ હતો. અલબત્ત, એ અમદાવાદ-મુંબઈની મુખ્ય રેલવે લાઈન પર આવેલું હોવાને કારણે અહીં ટ્રેનોની અવરજવર સતત રહેતી. તેની સરખામણીએ 'નાનાં' સ્ટેશનો પર એ મર્યાદિત રહેતી. મારા મોસાળ સાંઢાસાલમાં નેરોગેજ રેલવે હતી. અહીં દિવસમાં ચાર વખત ટ્રેન આવતી. બે વખત જાય અને બે વખત પાછી આવે. ટ્રેનનો સમય થાય એટલે એ સુસ્ત દેખાતું સ્ટેશન આળસ મરડીને બેઠું થતું લાગે. અને ટ્રેનના ગયા પછી જાણે કે ફરી પાછું નિદ્રામાં સરી પડતું હોય એમ લાગે. સાંઢાસાલ સ્ટેશને વરાળ એન્જિન પાણી ભરવા માટે રોકાતું. આ સ્ટેશન પર પ્લેટફોર્મ તો હોય જ ક્યાંથી! પણ અહીં રેતીના ઢગ રહેતા. સંભવત: કશા કામ માટે એ રેતી લાવવામાં આવી હશે. સાંજ પડ્યે અમે સૌ સ્ટેશને જતા અને રેતીના ઢગ પર બેસતા. પછીનાં વરસોમાં, નેરોગેજ રેલવે બંધ થયા પછી સાંઢાસાલ જવાનું થયું ત્યારે અમે ખાસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જાણે કે ઈતિહાસનું કોઈ ફાટેલું પૃષ્ઠ ચોળાઈને રસ્તા પર પડ્યું હોય એવી એની દશા જોઈને ખિન્નતા અનુભવી હતી.
                હમણાં પીજ આગળથી પસાર થવાનું બન્યું ત્યારે તેના રેલવે સ્ટેશન તરફ નજર ગઈ એટલે અમે વાહન ઊભું રાખીને ઉતર્યા અને સ્ટેશને લટાર મારી. સવારનો સમય હતો અને તૂટેલા બાંકડા પર બે સજ્જનો બેઠા બેઠા વાત કરી રહ્યા હતા. તેઓ નજીકમાં રહેતા હતા અને 'સમય પસાર કરવા' અહીં આવીને બેસતા હતા. પણ રેલવે સ્ટેશનની દશા જોઈને મને સાંઢાસાલનું રેલવે સ્ટેશન યાદ આવી ગયું. રોડ વ્યવહાર નહોતો એવે સમયે ટ્રેન એક માત્ર સુલભ માધ્યમ હતું, જેના થકી લોકો અવરજવર કરતા. ભાડું સાવ સસ્તું. એક ટ્રેન સાથે અન્ય મોટા સ્ટેશનની બીજી કોઈ ટ્રેન સાથે યા બસ સાથે 'કનેક્શન' રહેતું. જેમ કે, અમે મહેમદાવાદથી 'ભોપાલ પેસેન્જર'માં બેસીને વડોદરા થઈ સમલાયા ઊતરીએ ત્યારે એ ટ્રેનના મુસાફરોની રાહ જોતી નાની ગાડી ઊભેલી હોય. ભોપાલ પેસેન્જરના મુસાફરોને લઈને એ ઊપડતી.
           વરાળના એન્જિનનો અમુક ગતિમાં આવતા લયબદ્ધ અવાજમાં લોકો પોતપોતાની સમજ મુજબ શબ્દો ગોઠવતા. મારાં મમ્મી કહેતાં કે એ લોકો 'છ છ પૈસે ડબલ ભાડું, ઉતર નહીં તો ધક્કો મારું' એમ બોલતાં.
            નેરોગેજ હવે તો નામશેષ થઈ ગઈ છે, અને આ પીજ સ્ટેશને તો એના પાટા પણ કાઢી લેવામાં આવ્યા છે, જે હજી અન્ય અમુક જગ્યાએ જોવા મળે છે. એક સમયે ગામથી દૂર ગણાતા સ્ટેશનની આસપાસ હવે 'વિકાસ' પહોંચી ગયો છે. આમ છતાં, આ પીજ સ્ટેશન એના પ્રવેશ તરફથી કેવું રળિયામણું લાગે છે! આવી લુપ્ત થયેલી સંસ્કૃતિને સૂઝપૂર્વક જાળવી રાખવામાં આવે, એને પ્રવાસીઓ માટેનું આકર્ષણ બનાવવામાં આવે તો ભૂતકાળના એ કાળખંડની ઝાંખી મળી રહે. જો કે, એ આશા રાખવી વ્યર્થ છે.
         અનેક અનેક લોકોના જીવન સાથે જોડાયેલી કેટલીય કથાઓ અહીં ધરબાયેલી પડી હશે, જે કદી બહાર આવશે કે કેમ એ સવાલ છે! આવાં નેરોગેજ સ્ટેશનો કેવળ ભૂતાવળ બનીને રહી ગયાં છે! 

(ભૂતાવળ= ભૂતોનું ટોળુંં )


પીજ સ્ટેશન તરફ જતાં

પ્રવેશતાં ડાબી તરફ ટિકીટબારી 

ટિકિટબારીએથી સ્ટેશન તરફ મૂકાયેલો બાંકડો 

સ્ટેશનની અંદરની તરફ મુસાફરોને ઉભા રહેવા માટેનો શેડ 

પાટા તરફથી દેખાતું સ્ટેશન 

ક્યારેક અહીં નેરોગેજના પાટા હતા 

ટિકિટબારીની સામેની બાજુએ આવેલો
બાંકડો અને પરબ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની ઑફિસ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની
ઑફિસનો અંદરનો ભાગ 
                                              
સ્ટેશનની ઓળખ સમી અણિયાળી રેલિંગ  

(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

Wednesday, December 7, 2022

ગ્રાફિક નોવેલના અનુવાદની યાદગાર સફર

ઉંમરના એક તબક્કે અમર ચિત્રકથાઓ અને ઈન્દ્રજાલ કૉમિક્સ ભરપૂર વાંચવાને કારણે સંવાદની સાથોસાથ આનુષંગિક ચિત્રોના નિરીક્ષણની પણ આદત વિકસતી ગઈ. આથી 'બુકશેલ્ફ' દ્વારા ગ્રાફિક નોવેલના અનુવાદનો પ્રસ્તાવ મળ્યો ત્યારે જાણે કે એક ચક્ર પૂરું થઈ રહ્યું હોય એમ લાગેલું. સૌ પ્રથમ ડૉ. અબ્દુલ કલામ અને બાબાસાહેબ આંબેડકર વિશેની ગ્રાફિક નોવેલનો અનુવાદ કર્યો ત્યારે આ નવા માધ્યમનો વિશેષ પરિચય થયો. (આ બન્ને ગ્રાફિક નોવેલની અનુવાદપ્રક્રિયા વિશે અહીં વાંચી શકાશે.)

કૉમિક્સ અને ગ્રાફિક નોવેલના મૂળભૂત સ્વરૂપમાં ઘણું સામ્ય છે, પણ ગ્રાફિક નોવેલ સુદીર્ઘ હોય છે, જેનો ઉદ્દેશ્ય કેવળ બાળકો માટેના વાંચનનો જ નહીં, વયસ્કોના વાંચનનો પણ હોય છે. આ સ્વરૂપમાં હવે તો જબ્બર ખેડાણ થઈ રહ્યું છે, અને અનેક ગ્રાફિક નોવેલ બજારમાં ઉપલબ્ધ બની રહી છે. અલબત્ત, તે મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે, અને એ પછી અન્ય ભાષાઓમાં અનુવાદિત થાય છે.
અહીં મૂકેલી ત્રણ ગ્રાફિક નોવેલમાંની એક They changed the world નામની શ્રેણી છે, જેની અંતર્ગત મહાન શોધકોના જીવન વિશે સચિત્ર અને સ-રસ વિગતો હોય છે. આ એક પુસ્તકમાં ત્રણ સમકાલીનો એડિસન, ટેસ્લા અને ગ્રેહામ બેલના જીવનની કથા દર્શાવવામાં આવી છે. બીજા પુસ્તકમાં વિમાનના સફળ શોધક રાઈટ બંધુઓની કથા છે, તો ત્રીજા પુસ્તકમાં સ્ટીવ જોબ્સની કથા છે.




ગ્રાફિક નોવેલ માટે ચીતરનારા ચિત્રકારો શી રીતે કામ કરે છે એ ખ્યાલ નથી, પણ તેઓ લેખક સાથે સંવાદ સાધીને ચીતરતા હશે એમ લાગે છે. આ પુસ્તકમાંનાં ચિત્રો જોતાં જ આપણને કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોવાનો અહેસાસ થાય. કેવળ 'આઈ લેવલ'થી સમાંતર ચિત્રો બનાવવાને બદલે તેઓ સિનેમાના કેમેરાના એન્ગલથી ચિત્રો બનાવતાં હોય એમ લાગે.
એમાંય સ્ટીવ જોબ્સના પુસ્તકનું લે-આઉટ ગજબ છે. પ્રથમ નજરે એ આઈ-પેડ જેવું જણાય અને અંદરનાં આરંભિક પૃષ્ઠો પર પણ એ જ લે-આઉટ! આ પુસ્તકમાં કથા કેટલી સચોટ રીતે કહેવાઈ હોય છે એનું એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. સ્ટીવ જોબ્સની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ સંકુલ અને ઝટ ન સમજાય એવી છે. પણ આ પુસ્તકના અનુવાદ દરમિયાન બહુ સરળતાથી એનો ખ્યાલ આવી ગયો. યોગાનુયોગ એવો બન્યો કે પહેલાં મેં આ અનુવાદ કર્યો અને એ પછી સ્ટીવ જોબ્સ પર બનેલી ફિલ્મ જોવાનું બન્યું એટલે ફિલ્મને બરાબર માણી શકાઈ અને તેના નાનામાં નાના પ્રસંગો સમજી શકાયા.


હજી ગ્રાફિક નોવેલનો આ પ્રકાર ગુજરાતીમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે. તેની કિંમત કદાચ સહેજ વધુ જણાય, પણ તેની પૃષ્ઠસંખ્યા અને ઉત્કૃષ્ટ નિર્માણ એને વાજબી ઠેરવે છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ અતિ ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે, કેમ કે, તેમાં વિગતવાર માહિતી આપવામાં આવે છે, અને ચિત્રો સાથે હોવાથી તે સહેલાઈથી યાદ રહી જતી હોય છે. તો વયસ્કો માટે આ ગ્રાફિક નોવેલ એક જુદા જ પ્રકારનો વાંચન અનુભવ પૂરો પાડે છે.
મારા દ્વારા આ ત્રણની સાથે કુલ પાંચ ગ્રાફિક નોવેલ અનુવાદિત થઈને પ્રકાશિત થઈ છે. છઠ્ઠીનો અનુવાદ થઈ ગયો છે, પણ એ હજી પ્રકાશિત થઈ નથી. મારા ઉપરાંત બીજા મિત્રો દ્વારા પણ એના અનુવાદ થઈ રહ્યા છે.
આશા રાખીએ કે સચિત્ર માહિતી આપતા આ માધ્યમનો આનંદ વધુ ને વધુ લોકો લઈ શકે.
આ ત્રણે પુસ્તકો બુકશેલ્ફ (અમદાવાદ) પર ઉપલબ્ધ છે અને ઑનલાઈન ઓર્ડર કરી શકાય છે.

Monday, December 5, 2022

'સાગર મુવીટોન'ના એક પ્રકરણનું સમાપન

તેમની સીધેસીધી ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે 'સાગર મુવીટોન'ના ચીમનલાલ દેસાઈના પુત્ર સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના નાના પુત્ર. સુકેતુ દેસાઈને જોઈને પહેલી છાપ એમ જ પડે કે તે ફિલ્મના અભિનય સાથે સંકળાયેલા રહ્યા હશે. અસાધારણ લંબાઈ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને શાલીન રીતભાત. આ કારણે જ તેમની ઈચ્છા જે તે સમયે ફિલ્મક્ષેત્રે જવાની હતી. એકાદ બે નિર્માતાઓ સાથે વાત પણ ચાલેલી. યોગાનુયોગ એવો થયો કે જે નિર્માતા સાથે વાત સહેજ આગળ વધે કે એ નિર્માતાનું અવસાન થઈ જાય. એ સમયે પડદા પર ખલનાયકી કરતા પ્રાણસાહેબે સુકેતુ દેસાઈને નાયકની નહીં, પણ ખલનાયક તરીકેની કારકિર્દી માટે સૂચન કરેલું, જેથી એ કારકિર્દી લાંબી ચાલી શકે. જો કે, એ કશું ન બની શક્યું. આખરે બાંદરામાં પોતાનાંં બે થિયેટર સંભાળવામાં તે પરોવાયેલા. સુકેતુ દેસાઈએ એ સમયે પડાવેલી તસવીર બતાવીને મને કહેલું, 'The coming Kumar તરીકે મારા નામની પબ્લિસિટી કરવાની હતી.' મેં તત્ક્ષણ જવાબ વાળતાં કહ્યું, 'The coming Kumar who never came.' આવી મજાકને તેમણે ખેલદિલીપૂર્વક સ્વીકારીને કહ્યું, 'ધેટ્સ ટ્રુ.'

સુકેતુ દેસાઈ: ધ કમિંગ કુમાર 

'સાગર મુવીટોન' પુસ્તકનું આલેખન નક્કી કર્યું એ પછી લગભગ એમ ગોઠવાતું કે દર અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર મારે અમદાવાદ જવાનું થતું. મિત્ર ચંદ્રશેખર વૈદ્ય પણ લગભગ હોય જ. સુકેતુ-દક્ષા દેસાઈ અને મારી વચ્ચે આ પુસ્તક બાબતે ગોરકર્મ કરાવવામાં તેઓ નિમિત્ત બનેલા. એ મુલાકાતો ઉપરાંત બે-ત્રણ વાર મુંબઈ, સુરત-ભરૂચ પણ અમે સાથે ગયેલા. મુંબઈ જઈએ એટલે કાયમી તકલીફ તેમના 'માપ'ની ટેક્સી શોધવાની રહેતી. બાંદરા સ્ટેશનના પ્રિપેઈડ ટેક્સીસ્ટેન્ડ પર અમે ટિકીટ લઈને ઊભા રહીએ, અને મોટા ભાગના બધા મુસાફરોને ટેક્સી મળી જાય એ પછી અમારો વારો આવતો, કેમ કે, સુકેતુભાઈની લંબાઈ એટલી કે સાદી ફિયાટમાં તે સમાઈ ન શકે. આથી મોટે ભાગે મારુતિ વાનની રાહ જોઈને ઊભા રહેવું પડે. મુંબઈના રોકાણ દરમિયાન તે મોટે ભાગે નેપિયન સી રોડ પર ઊતરતા, અને હું પેડર રોડ પર. આથી મોટે ભાગે એવો ક્રમ રહેતો કે તે પોતાને ત્યાંથી નીકળીને રસ્તામાંથી મને ફોન કરે અને હું પેડર રોડ પરથી તેમની સાથે જોડાઈ જાઉં.
સુકેતુ દેસાઈ અને દક્ષા દેસાઈ, પુત્રી ઋતુજા સાથે 
સુકેતુ દેસાઈની બોલવાની શૈલી એવી કે તેમને ઓળખતા ન હોય એને એમ લાગે કે તે સામાવાળાને ધમકાવે છે યા અપમાનિત કરે છે. એ એમના અવાજની લાક્ષણિકતા હતી એટલું જ.
'સાગર મુવીટોન'ના કામ વખતે અસંખ્ય વખત એવું બન્યું કે મારે તેમના દ્વારા રજૂ કરાતી હકીકતોને પડકારવાની આવી હોય. વરસોથી કુટુંબમાં ચાલી આવતી વાતોને મારા જેવો, તેમના પરિવાર માટે નવોસવો માણસ પડકારે એટલે સુકેતુ દેસાઈ પહેલાં તો વિરોધ કરે. પછી હું કહું, 'પુરાવો બતાવું તો તમે માનશો?' એટલે હસીને કહે, 'માનવું જ પડશે ને! છૂટકો છે?' અને ખરેખર, એ પછી નિખાલસતાથી એ સચ્ચાઈ સ્વીકારે. પુસ્તકના આલેખન વખતે પણ તેમણે કહેલું, 'તને જે સાચું લાગે એ જ લખજે.' આ સ્વીકાર બહુ અઘરો હોય છે.
'સાગર મુવીટોન' પુસ્તકના વિમોચન વખતે
જૂના પાડોશી આમીર ખાન સાથે
સંજોગોની થપાટ તેમના પરિવારે બહુ ખાવી પડેલી. 1991માં તેઓ સપરિવાર અમેરિકા જઈ વસ્યાં, અને અઢારેક વરસ પછી પાછા ભારત આવીને સ્થાયી થયા. એ પછી દક્ષાબહેને પુસ્તકનું કામ કરાવવાનો વિચાર કરેલો.
સ્વાસ્થ્યને લઈને તેમને અનેક સમસ્યાઓ રહેતી. પુસ્તકનું કામ પૂરું થયા પછી સંપર્ક ઓછો થાય એ સ્વાભાવિક છે, પણ તે વડોદરા આવે ત્યારે અચૂક ફોન કરતા. યા વચ્ચે કોઈ વાર મન થાય તો પણ ફોન કરતા. આ એપ્રિલમાં દક્ષાબેનનું અવસાન થયું એ પછી તેમની સાથે થયેલી ફોન પરની વાતચીત છેલ્લી બની રહી.
સુકેતુભાઈ પથારીવશ રહેતા હતા. દક્ષાબેનની વિદાય પછી આઠેક મહિનામાં તેમણે પણ વિદાય લીધી. 4 ડિસેમ્બર, 2020ની સાંજે તેમણે શ્વાસ મૂક્યો હોવાના સમાચાર ચંદ્રશેખરભાઈ વૈદ્ય દ્વારા મળ્યા. તેઓ 80 વર્ષના હતા.

'સાગર મુવીટોન' અને 'સાગર' પરિવારના એક પ્રકરણનું આમ સમાપન થયું. અમેરિકાનિવાસ પછી તેઓ ભારતમાં ગમે એ કારણોસર સ્થાયી થવા આવ્યા હોય, 'સાગર મુવીટોન' પુસ્તકનું અવતરણ તેમનું અવતારકાર્ય બની રહ્યું. સિનેમા અને ઈતિહાસના પ્રેમીઓ તેમની આ ચેષ્ટા બદલ તેમના ઋણી રહેશે.

Sunday, December 4, 2022

પ્રોફેસર આત્મારામ અને સેલ્ફ ડિપેન્‍ડન્‍સ સર્વિસ


કેટલીક વ્યક્તિઓ અને તેમને જીવનમાં સતાવ્યા કરતી કેટલીક સમસ્યાઓ:

- પોતાની કુંડળીના ગ્રહો વાંકા છે, અને જ્યોતિષીઓએ જે ભાખ્યું એનાથી સાવ ઊલટું જ થયું. આથી લગ્ગુ શેઠ કોઈકની કુંડળી 'વેચાતી' લઈને પોતાના નામે કરાવવા નીકળ્યા છે.
- સુખદેવ કાટપીટીયાની ઘરરખ્ખુ પત્ની મધુ સામે એક જ ફરિયાદ છે કે એ પોતાના પૂર્વ પ્રેમી લાખેન્દ્ર જીનગરને ભૂલી શકતી નથી.
- ટાન્ઝાનિયાથી આવેલો એક અતિ ધનવાન નબીરો પોતે ઉતરેલો એ હોટેલની રિસેપ્શનિસ્ટ કોમલ મીઠાણીની 'સેવા' માંગે છે, પણ એ ન મળતાં એ બરાબર ધૂંધવાય છે.
- એક કૉલ સેન્ટરમાં કામ કરતા કલ્યાણસિંહ શાર્દૂલસિંહ શેખાવત નોકરીના ભાગરૂપે પોતાને સાંભળવા મળતી ગાળોથી પરેશાન થઈ ગયા છે.
- આર્થિક ગોટાળો કરેલા એક માણસની કપિલ સૂબા હત્યા કરવા ઈચ્છે છે.
- બીજા તબક્કાના બ્રેસ્ટ કેન્સરના નિદાનવાળી એક સ્ત્રી જીવનથી હારી ગઈ છે.
આવા બીજા પણ અનેક લોકો છે અને તેમની પોતીકી, તીવ્ર સમસ્યાઓ છે. આ સૌને પોતાની સમસ્યાનો ઊકેલ એક જ વ્યક્તિમાં દેખાય છે. એ છે 'સેલ્ફ ડિપેન્ડન્સ સર્વિસ'વાળા પ્રોફેસર આત્મારામ.
પ્રોફેસર આત્મારામ છે કોણ? મોટીવેશનલ થીન્કર કે સ્પીકર? લાઈફ કન્સલ્ટન્ટ? ચિંતક? આમાંનું કશું જ નહીં. આમ તો એ સામાન્ય, અને અમુક વાર તો અતિ સામાન્ય જણ લાગે, પણ એ મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. મનુષ્યના મનના પેટાળમાં કયા પ્રવાહો ચાલી રહ્યા છે એનો તાગ તેઓ લઈ શકે છે, પોતે કોઈ જાણકાર હોવાની ભૂમિકા રચ્યા વિના!
સમસ્યા લઈને આવનાર વ્યક્તિને પૂરેપૂરા જોશથી, તેની 'હા'માં 'હા' મિલાવીને તેઓ તેને સમર્થન આપે છે, અને ધીમે ધીમે એ રીતે તેના વિચારને પલટાવીને તેની સમસ્યાને ઊકેલી આપે છે કે એ વ્યક્તિને એમ જ થાય કે સમસ્યા પણ પોતે જ ઊકેલી છે, પ્રોફેસરે નહીં!
પ્રોફેસરની કન્સલ્ટિંગ ફી કશી નથી. ક્યારેક તો એ પોતાના ખર્ચે ચા પીવડાવે છે. એમનો રસ છે માણસમાં. માણસના મનમાં.
પ્રોફેસર આત્મારામનું આ પાત્ર વાસ્તવમાં રજનીકુમાર પંડ્યાએ સર્જેલું છે. જીવનલક્ષી હોવા છતાં એ કેવળ કિસ્સા કે બોધદાયક લખાણ બની રહેવાને બદલે નકરી વાર્તા છે. એમાં રમૂજનો આંતરપ્રવાહ છે, રસપ્રદ સંવાદો છે, ચિત્રાત્મક વર્ણન છે, અને આ બધા ઉપરાંત એ પૂરેપૂરી વાર્તા છે. રજનીકુમાર જેમને પોતાના (વાર્તાલેખનના) ગુરુ માનતા એવા (હવે સ્વ.) મહમ્મદ માંકડે રજનીકુમારને લખેલું, 'તમે તમારાં પાત્રોને ઊભાં ને ઊભાં ચીરી નાંખો છો!' પોતાનાં પાત્રોનાં મનના અતળ ઊંડાણને તાગીને વાચકો સમક્ષ મૂકવું રજનીકુમાર માટે સહજ છે.
પ્રોફેસર આત્મારામવાળી વાર્તાઓ લખાતી હતી ત્યારે જ એવી ઈચ્છા હતી કે એનો અલગ સંગ્રહ થવો જોઈએ. આનંદની વાત છે કે તાજેતરમાં 'ઝેન ઓપસ' દ્વારા પ્રકાશિત, રજનીકુમારની હાસ્યવાર્તાઓના સંગ્રહ 'તીરછી નજર'માં 19 હાસ્યવાર્તાઓની સાથોસાથ, 'આત્મારામની અદાલતમાં' નામના અલગ વિભાગ હેઠળ આવી 14 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'આત્માની અદાલત' રજનીકુમારના એક વાર્તાસંગ્રહનું નામ છે. (જે પણ શીઘ્રપ્રકાશ્ય છે.)
પ્રોફેસર આત્મારામની વાર્તાઓ વાંચતાં વાંચતાં પહેલો ભાવ રમૂજનો આવે, ધીમે ધીમે તેની ગંભીરતા મનમાં બેસે, અને એની સાથે તેમાંથી ઉપસતા મનોભાવ તેમજ વાર્તાતત્ત્વ એ રીતે ઉઘડે કે અજવાળું અજવાળું થઈ જાય! એવો પણ સવાલ થાય કે પ્રોફેસર આત્મારામ એના સર્જક રજનીકુમારની પ્રતિચ્છાયા તો નહીં હોય ને!