Thursday, October 5, 2023

મલીહાબાદના છદ્દૂખાં

 

છદ્દૂ ખાં મલીહાબાદના મોટા જમીનદારો પૈકીના એક હતા. જીવનભર ટ્રેનમાં બેઠા નહીં. મુકદ્દમાઓની પેરવી માટે લખનઉ કે પોતાના વિસ્તારની મહેસૂલવસૂલી માટે શાહજહાંપુર જતા તો ડમણિયા (નાનું બળદગાડું)માં મુસાફરી કરતા. આગળ એમનું ડમણિયું અને એની પાછળ બીજાં ત્રણ ડમણિયા, જેમાં ખાવાની સામગ્રી, બકરા અને સિપાહીઓ લદાયેલા રહેતા. લોકોએ એમને લાખ વાર સમજાવ્યા હશે કે રેલમાં મુસાફરી કરો, પણ એમણે કદી કોઈની વાત માની નહીં અને હંમેશા એમ જ કહેતા કે ખાંસાહેબ, જે સવારી આપણા ઈશારે ના ચાલી શકે એમાં બેસવું જ બેકાર છે.
એમની બીજી વિશેષતા એ હતી કે જે માણસ એમના ગુસ્સાનો, ધમકાવવાનો કે ગાળનો તરત ઉત્તર ન આપે એને તેઓ પઠાણની ટુકડીમાંથી બાકાત કરીને એની સાથેનો સંબંધ વિચ્છેદ કરી લેતા.
અને ત્રીજી વિશેષતા એ હતી કે જે સેવક એમના બોલાવ્યાની સેકન્ડોમાં હાજર ન થાય એને તેઓ કાઢી મૂકતા. આ કારણે 'નાદિરશાહી હુકમ'ની જેમ જ 'છદ્દૂખાની હુકમ' દૂર દૂર સુધી મશહૂર હતો.
એમનો એક કાયમી નિયમ હતો કે કોઈ પઠાણ એમની પાસે નોકરી માટે આવે એટલે તેઓ હસીને પૂછતા, 'તમે સેવકોના દળમાં જોડાઈ શકશો?' પેલો જવાબ આપે કે- અમે પઠાણ છીએ અને સેવા એટલે શું એની તો અમારા બાપદાદાઓનેય ખબર નથી- ત્યારે છદ્દૂખાં રાજી થઈ જતા. એનાં સગાંસંબંધીઓ વિશે તપાસ કરતા કે એ બધા કઈ સ્થિતિમાં છે. એમને બધી જાણ થઈ જાય એટલે તેના બાળબચ્ચાંની સંખ્યા જોઈને એ મુજબ તેનું વેતન નક્કી કરતા. કેવળ વેતનમાં તેમને રસ નહીં, એટલે પૂછતા કે 'ખાંસાહેબ, આપ કેટલી રોટી, કેટલી દાળ અને કેટલું ગોશ્ત ખાશો અને કેટલું દૂધ પીશો?' પેલો જવાબ આપતો કે 'હું આઠ રોટી અને પાશેર ગોશ્ત ખાઈશ અને અચ્છેર દૂધમાં મારું ગાડું ગબડી જશે'. એટલે તેઓ પોતાના મુનીમ કમરુદ્દીનખાંને હુકમ કરતા, 'કમરી દારદ.' એટલે કે એ કમરૂદીનખાં, આનું નામ સેવકોની સૂચિમાં નોંધી લો.
એક વાર એમની પત્નીએ કહ્યું કે જે સિપાઈની આઠ રોટીઓ નક્કી કરેલી એના રસોડેથી આજે એક રોટી પાછી આવી છે. આ સાંભળીને છદ્દૂખાં બહાર આવ્યા અને પેલા સિપાઈને બોલાવીને કહ્યું, 'ખાંસાહેબ, આજે આપે એક રોટી ઓછી ખાધી છે. આ બાબત આપણા કરારથી વિરુદ્ધ છે.' સિપાઈએ કહ્યું, 'હુજૂર, આજે મારી તબિયત સારી નહોતી.' એમણે કહ્યું, 'ન ખાઈ શક્યા તો વધેલી રોટી ઘેર લઈ જવી હતી.' આટલું કહીને એમણે પોતાના મુનીમ કમરૂદ્દીનખાંને બોલાવ્યો અને કહ્યું, 'કમરી, આ ખાંસાહેબ નદારદ.' (એટલે કે એમને બરખાસ્ત કરવામાં આવે છે) સિપાઈએ શરમિંદા બનીને કહ્યું, 'હુજૂર, મને કાઢી ન મૂકો.' એમણે કહ્યું, 'ખાંસાહેબ, આપે વાયદો તોડ્યો. પૂરા એક મહિના સુધી તમે બરખાસ્ત રહેશો. એક મહિના પછી ફરી જોડાશો.'
એક વાર એમણે એક સેવકને બોલાવ્યો. સેવક બે-ત્રણ મિનીટ પછી આવ્યો. એમણે પૂછ્યું કે મોડું કેમ થયું? પેલો બોલ્યો, 'પાણી ભરતો હતો.' એ કહે, 'હું બોલાવું એટલે સમજી લે કે હાથમાંથી દોરડું છોડીને પણ દોડતા આવી જવાનું.' આટલું કહીને એમણે હુકમ છોડ્યો, 'કમરી, આ સેવક નદારદ.'
વરસમાં ત્રણ વાર તેઓ ગરીબોને ભોજન કરાવતા. એક વાર મજાકમાં એમણે એક ગરીબને પૂછ્યું, 'આવું ભોજન તારા બાપે કદી ખાધેલું ખરું?' પેલો કહે, 'મારા બાપે જે ખાધેલું એ તો કદી તમારા બાપે પણ નહીં ખાધું હોય!' એમણે પૂછ્યું, 'તારો બાપ શું ખાતો હતો?' પેલાએ કહ્યું, 'જુવારની લુખી રોટી અને ચટણી.' એ હસી પડ્યા અને કહે, 'તું સાચું કહે છે. તેં મને જવાબ ન આપ્યો હોત તો મેં તને હમણાં જ તગેડી મૂક્યો હોત.'
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

No comments:

Post a Comment