Showing posts with label ક્રિકેટ. Show all posts
Showing posts with label ક્રિકેટ. Show all posts

Saturday, January 25, 2025

લો, હું આ મેચ પૂરી જાહેર કરું છું અને તમને એ ધરી દઉં છું.

 - સઈદ કિરમાણી

વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી જીતવા માગતું હતું. પીચ ફાસ્ટ બોલરોને મદદરૂપ બને એ રીતે તૈયાર કરાયેલી- એક બાજુ સીધી અમારા ચહેરા તરફ બોલ ઉછળે અને બીજી બાજુ બોલ નીચો રહે. એક પછી એક ત્રણ બેટ્સમેનો- અંશુમાન ગાયકવાડ, બ્રીજેશ પટેલ અને જી.આર.વિશ્વનાથ- હોસ્પિટલભેગા થઈ ચૂક્યા હતા. આ સંપૂર્ણપણે બૉડીલાઈન અટેક હતો. એમણે કશી દયામાયા દેખાડી નહોતી. એ સમયે એક ઓવરમાં ગમે એટલા બાઉન્સર નાખી શકાતા. આજે આઈ.સી.સી.ના છે એવા કોઈ નિયમ કે પ્રતિબંધ ત્યારે નહોતા.
અધૂરામાં પૂરું બધે જ અમ્પાયરિંગ પૂર્વગ્રહયુક્ત રહેતું.

(Image Source - The Times of India)
ન હેલ્મેટ, ન થાઈ પેડ અને કોઈ ચેસ્ટ ગાર્ડ- આ સુરક્ષા ઉપકરણો વિના અમે ફાસ્ટ બોલરોની પેસ બેટરીનો સામનો કરતા. એક બેટ્સમેન મોહીન્દર અમરનાથે સામી છાતીએ બહાદુરીપૂર્વક ફાસ્ટ બોલરોનો સામનો કરેલો.

છઠ્ઠી વિકેટ પડતાં જ મેં બેટ કરવાની તૈયારી કરી. મેં જોયું કે વેંકટે એક વેસ્ટ ઈન્ડિયન કોપ (પોલિસ) પાસે એની હેલ્મેટ માગી રહ્યા હતા. જવાબ હતો: "ના હોં! જાવ અને અમારા ફાસ્ટ બોલરોને રમો..." વેંકટ હાંફળાફાફળા ચાલવા લાગ્યા, થૂંક્યા અને તમિલમાં કંઈક ગણગણ્યા.

(Photo source: Crictracker.com ) 

વેંકટ મારી સાથે સ્ટ્રાઈકર્સ એન્ડ પર જોડાયા અને તેમણે માઈકલ હોલ્ડિંગનો સામનો કરતાં પુલ શૉટ ફટકારવાનું નક્કી કર્યું. વેંકટ બાઉન્સરની અપેક્ષા રાખતા હતા, પણ એમના આશ્ચર્ય વચ્ચે બોલ નીચો રહ્યો અને એમના આગલા પેડને અથડાયો. અપીલની કે અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વિના વેંકટે પેવિલીયન તરફ ચાલતી પકડી.

કેપ્ટન બિશન બેદી પેવિલીયનમાંથી બહાર આવ્યા અને એમ કહીને નછૂટકે મેચ પૂર્ણ કરી: 'અમારા ખેલાડીઓને મારીને અને બોડીલાઈન બોલિંગથી તમે આ મેચ જીતવા માગો છો ને? લો, હું આ મેચ પૂરી જાહેર કરું છું અને તમને એ ધરી દઉં છું.'

આમ, બહુ ખરાબ રીતે મેચ પૂરી થઈ.

(image ©Youtube)

વેસ્ટ ઈન્ડિયન પ્રેક્ષકોએ પણ ઘવાયેલા ખેલાડીઓ પ્રત્યે કશી સહાનુભૂતિ દેખાડી નહીં. ઊલટાનું તેઓ ખુશ હતા અને બીઅરનાં કેન પછાડીને તેમજ ઘોંંઘાટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા હતા. બહુ નિરાશાજનક અને અનપેક્ષિત દૃશ્ય હતું. બોલરો બાઉન્સર પર બાઉન્સર નાખતા હતા અને ટોળું ચીચીયારીઓ પાડતું રહેતું, 'પૂરો કરો એને...કીલ હીમ..મેન..'

કોઈ પણ રીતે એ જેન્ટલમેન્સ ગેમ રહી નહોતી.

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)


Friday, January 24, 2025

અર્થોપાર્જન માટે તેમણે પરસેવો પાડવાને બદલે માઈક્રોફોનની પાછળ રહેવું પસંદ કર્યું

 - સઈદ કિરમાણી

મારી ક્રિકેટ કારકિર્દીના 1995માં સમાપન પછી મેં મુખ્યત્વે મારી બૅન્કિંગની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથોસાથ જ્યારે પણ મને મળ્યાં ત્યારે મેં કોમેન્ટરીનાં અસાઈનમેન્ટ લીધાં. એ સમયે એક ક્રિકેટપ્રેમી નવિન વિચાર લઈને આવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાજા તાજા નિવૃત્ત થયા હોય એવા ક્રિકેટરોને તેણે એકઠા કર્યા. એવા ક્રિકેટરો જેઓ હજી સક્ષમ હોય અને 'વર્લ્ડ માસ્ટર્સ' (જે હવે 'લેજન્ડ્સ' તરીકે ઓળખાય છે) નામે ઓળખાવાયેલી ટીમમાં સારો દેખાવ કરી શકતા હોય. પોતાની કારકિર્દી ચાલુ રાખવા માગતા હોય, પણ કોઈક કારણસર ચાલુ ન રાખી શક્યા હોય એવા ક્રિકેટરો માટે એ અદ્ભુત તક હતી. 'ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ' (આઈ.સી.સી.)ના નેજા હેઠળ યોજાતી મોટા ભાગની વિશ્વ ક્રિકેટ શ્રેણી જેવું આ નહોતું. આ ખાનગી ધોરણે આયોજિત અને ખાનગી ધોરણે પ્રયોજિત કરાયેલું હતું.
સમગ્રપણે જોઈએ તો વર્લ્ડ માસ્ટર સફળતાપૂર્વક આયોજિત કરાયેલું હતું. આ ટીમોએ ભારતની મુલાકાત લીધી અને અમે દુબઈમાં પણ કેટલીક મેચો રમ્યા. એની એ જ આઠ ટીમોની ભાગીદારી સાથે એ થોડાં વરસ ચાલુ રહ્યું, પણ પછી અચાનક જ 'વેટરન ક્રિકેટ એસોસિયેશન' બનાવવામાં આવ્યું. 'ધ ઈન્ડિયન વેટરન ક્રિકેટર્સ એસોસિયેશન' અન્ય દેશોમાં થોડા સમયથી ચાલતાં આ જ પ્રકારનાં એસોસિયેશનથી પ્રભાવિત હતું. આમ, વર્લ્ડ માસ્ટર્સ શ્રેણી અલ્પજીવી નીવડી. આપણા દેશના સૌથી લોકપ્રિય ખેલાડીઓ સહિત ઘણા પ્રતિષ્ઠિત ક્રિકેટરોએ અર્થોપાર્જન માટે પરસેવો પાડવાને બદલે માઈક્રોફોનની પાછળ રહેવું પસંદ કર્યું. એને લઈને ઉત્સાહની પણ કમી જણાવા લાગી. લોકો આવતા અને દરેક દેશના ટોચના ખેલાડીઓને શોધતા, પણ એ ખેલાડીઓએ મેચને બદલે કોમેન્ટરી આપવાનું પસંદ કરેલું. નિવૃત્ત ક્રિકેટરો માટે કોમેન્ટરી આકર્ષક ક્ષેત્ર બની ગયેલું, અને સખેદ નોંધવું રહ્યું કે આરંભિક સફળતા પછી વર્લ્ડ માસ્ટર્સ શ્રેણી ચાલુ રહી શકી નહીં.
આથી હું પાછો મારી બૅન્કિંગની કારકિર્દી તરફ વળી ગયો અને ત્યાં પણ સફળતાની સીડી ચડ્યો. એસ.બી.આઈ.ની મારી જવાબદારીઓ મેં 200 ટકા પ્રતિબદ્ધતા સાથે નિભાવી. મહત્વનું એ કે મારી એક પદ્ધતિ હતી. હું બૅન્કને જ વફાદાર અને વિશ્વાસુ રહેલો, અને તાતા, રિલાયન્સ ગૃપ કે અન્ય કોર્પોરેટથી લોભાયો નહોતો. ઉચ્ચ ખાનગી જૂથોએ સુનિલ ગાવસ્કર, વેંગસરકર અને શાસ્ત્રી જેવા ખેલાડીઓને નિયુક્ત કરેલા. સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા સાથે સંકળાયેલા બિશન બેદી અને એકનાથ સોલકર સિવાય, મને લાગે છે કે મોટા ભાગના તાતા જૂથ સાથે હતા. સાત ભૂતપૂર્વ ક્રિકેટરો એવા હતા કે જે એક સમયે એસ.બી.આઈ. સાથે સંકળાયેલા- અજિત વાડેકર, બિશનસિંઘ બેદી, એકનાથ સોલકર, સઈદ આબિદ અલી, જી.આર.વિશ્વનાથ, દેવરાજ ગોવિંદરાજ અને આપનો વિશ્વાસુ. અમે મોઈનુદ્દૌલા ગોલ્ડ કપ ટૂર્નામેન્ટ જીત્યા ત્યારે એસ.બી.આઈ.એ ભારે પ્રચાર કરેલો. મિડીયાએ અમને અમેરિકન ફિલ્મથી પ્રેરાઈને 'ધ મેગ્નિફિસેન્ટ સેવન' તરીકે સંબોધેલા. આ ટૂર્નામેન્ટમાં અમે વરસો સુધી ભવ્ય સફળતા મેળવતા રહ્યા.
સાઠની વય સુધી મારી બૅન્કિંગની કારકિર્દી ચાલી અને હું બેંગલૂરુમાં એસ.બી.આઈ.ની સ્થાનિક હેડ ઑફિસના ચીફ મેનેજર તરીકે નિવૃત્ત થયો. મને અને બૅન્કમાં જોડાયેલા તમામ ક્રિકેટરોને એક એસ.બી.આઈ. અધિકારીને મળતા તમામ લાભ આપવા બદલ અને અમને બેંગલૂરુની બહાર કે અન્ય કોઈ શાખાઓમાં બદલી ન કરવા બદલ હું એસ.બી.આઈ.નો આભારી છું. મારી બૅન્કિંગ કારકિર્દી સુંદર રીતે સંંપન્ન થઈ.

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)

Wednesday, January 22, 2025

વેસ્ટ ઈન્ડિઝનો એ પ્રવાસ!

 - સઈદ કિરમાણી

"અમે વેસ્ટ ઈન્ડિઝમાં ઊતર્યા અને ત્રિનિદાદમાં શ્રેણી રમવાનો આરંભ કર્યો. બહુ યાદગાર મેચ હતી. 400 પ્લસના સ્કોરને આંબવાનો, વેસ્ટ ઈન્ડિઝ સાથે તેના હોમગ્રાઉન્ડ પર રમવાનું, ખાસ કરીને એના ધુરંધર બોલરોનો સામનો કરવો એ મહાકાર્ય સમાન હતું. એ દિવસોમાં અમારી પાસે પૂરતાં સુરક્ષા ઉપકરણો નહોતાં, અને ક્યારેક અમારે તે સ્વખર્ચે ખરીદવા પડતાં. વેસ્ટ ઈન્ડિયન ટીમમાં સર ક્લાઈવ લોઈડ અને સર વિવિયન રિચર્ડ્સ જેવા મહાન બેટ્સમેન હતો. તેમની પાસે એવા બેટ્સમેન હતા જે કોઈ પણ બૉલરની બોલિંગને ખેદાનમેદાન કરી શકે.
400 પ્લસ રનના લક્ષ્યાંકને આંબવાની સાથોસાથ અમે વેસ્ટ ઈન્ડિઝને પરાસ્ત કર્યું. પોતાના પરાજયથી વેસ્ટ ઈન્ડિયનો ધૂંધવાયેલા હતા. એમના માટે એ મોટી નામોશી હતી. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા પછી, પ્રમાણમાં નબળી કહી શકાય એવી ભારતીય ટીમ સામે હારવું તેમના માટે ઘા પર મીઠું ભભરાવવા સમાન હતું.
એ પછી વેસ્ટ ઈન્ડિઝ બોડીલાઈન એટેક પર ઊતરી આવ્યું. મને જમૈકાની પીચ યાદ છે. એ એકદમ ચમકતી અને લપસણી, મારા માથાની સપાટી જેવી હતી. મજાક બાજુ પર, પણ એ ખરેખર ફાસ્ટ પીચ હતી. મને એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે. વીવ રિચર્ડ્સ પોતાનો ડાબો પગ આગળ લઈ જતા અને પછી બૉલને જ્યાં ફટકારવો હોય ત્યાં ફટકારતા. તેઓ બી.એસ.ચંદ્રશેખરનો સામનો કરી રહ્યા હતા. ચંદ્રશેખર કદાચ વિશ્વના સૌથી ઝડપી સ્પીનર કહી શકાય. નવા બેટ્સમેન તરફ ફેંકાતો ચંદ્રશેખરનો પહેલો બોલ હંમેશાં ઝડપી ગતિવાળો રહેતો. રિચર્ડ્સ હંમેશ મુજબ પોતાનો ડાબો પગ આગળ લાવ્યા, પણ ચંદ્રશેખરનો બોલ ઝડપી અને થાપ ખવડાવનારો હતો. એ વીવ રિચર્ડ્સના નાક પાસેથી પસાર થઈ ગયો. સહેજ પાછા ખસીને તેમણે એ બોલ છોડી દીધો અને મેં સ્ટમ્પ પાછળ સહેજ ઊંચે એને પકડી લીધો. બોલ છોડ્યા પછી રિચર્ડ્સ ફર્યા અને બોલ્યા, "વાઉ! આ તો થોમ્મો જેવો હતો!" થોમ્મો એટલે કે જેફ થોમસન ઓસ્ટ્રેલિયાના અને આજે પણ સૌથી ઝડપી બોલર ગણાય છે. માનવામાં આવે? ચંદ્રાનો બોલ થોમસનના બોલ જેટલો ફાસ્ટ હતો. તેમને મળેલી આ મોટી પ્રશંસા. એરાપલ્લી પ્રસન્ના અને બિશનસિંઘ બેદી સહિત બી.એચ.ચન્દ્રશેખરે મારા માટે વિકેટકીપિંગનાં ધોરણો નિર્ધારીત કર્યાં. તેઓ સાવ અલગ કક્ષાના અને વિશ્વમાં શ્રેષ્ઠ હતા."
આજ સુધી આ ત્રણની આસપાસ વિશ્વનો કોઈ સ્પિનર ફરકી શક્યો નથી. કોઈ સ્પિનર ગમે ત્યાં નો હોય, પણ તેણે કળા શીખવી હોય તો આ ત્રણ એ માટેના ઉત્તમ માર્ગદર્શક છે.

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)

ભારતની વિશ્વપ્રસિદ્ધ સ્પિન ચોકડી (ડાબેથી):ચંદ્રશેખર, બેદી, પ્રસન્ના
અને વેંકટ રાઘવન (તસવીર સૌજન્ય:
 
https://www.thecricketmonthly.com/.../coffee-with-chandra)


ચંદ્રશેખરનો બોલ બેટ્સમેન ટોલ્ચર્ડના બેટની
ધારને અડકીને જાય છે અને
કિરમાણી કેચ લઈ લે છે
(તસવીર સૌજન્ય: © Patrick Eagar/Getty Images‌)

ઓસ્ટ્રેલિયાના સૌથી ઝડપી બોલર પૈકીના એક જેફ થોમસન (તસવીર સૌજન્ય: https://www.couriermail.com.au/.../jeff.../news-story)




Monday, January 20, 2025

હું રમું એમ તેઓ ઈચ્છતા નહોતા

- સઈદ કિરમાણી

બ્રિસ્બેનમાં રમાયેલી એક મેચમાં એલન બોર્ડરે કરેલી ફ્લિકનો મેં મારી જમણે ડાઈવ મારીને સુંદર કેચ લીધો. આ કેચ ચેનલ નાઈન દ્વારા ઓસ્ટ્રેલિયાની અમારી આખી શ્રેણી દરમિયાન બ્રોડકાસ્ટિંગ પહેલાં ઓપનિંગ શોટ તરીકે દેખાડવામાં આવતો.
મારી લોકપ્રિયતાને લઈને મારી કારકિર્દી ચઢાણ પર હતી અને આ બાબત અનેક લોકોમાં ઈર્ષાનું કારણ બની રહી. બીજા દિવસે અમારા ટીમ મેનેજરે મિડીયા સાથે વાત કરી અને મારા આશ્ચર્ય વચ્ચે તેમણે જણાવ્યું કે હું ઘાયલ થયો છું અને મારે પાછા જવું પડશે. કશી ગંભીર ઈજા નહોતી, પણ એલન બોર્ડરનો લેગ સાઈડમાં કેચ લીધા પછી સહેજ પગ સહેજ લંગડાતો હતો. પણ આ બાબતને મને પડતો મૂકવાના બહાના તરીકે આગળ ધરાઈ. પ્રવાસે આવેલો બીજો વિકેટકીપર કિરણ મોરે મારે સ્થાને આવ્યો. કદાચ એ લોકો મને જોઈ જોઈને કંટાળી ગયા હતા અને વધુ પડતું થઈ ગયું હતું. મને પડતો મૂકવાનું કોઈ કારણ નહોતું, અને સ્પષ્ટ હતું કે હું રમું એમ તેઓ ઈચ્છતા નહોતા.
જાણે કે દેવતા ઝલાઈ ગયો હોય એમ વધુ એક વાર મને પડતો મૂકવામાં આવ્યો અને મારી કારકિર્દીનો એ અંત હતો. મને રુક્ષતાપૂર્વક પડતો મૂકવામાં આવ્યો ત્યારે હું સરસ ફોર્મમાં હતો અને સતત સારો દેખાવ કરી રહ્યો હતો. મને સો ટેસ્ટ મેચ મૂરી કરવા દેવામાં ન આવી; વધુમાં મારી કુલ વિકેટ 198 પર જ રહી- બસોમાં બે જ ઓછી. એ એક વ્યક્તિગત વિક્રમ હોત. પણ એમણે કહ્યું કે બહુ થયું, હવે એના નામે કોઈ નવો વિક્રમ ન ચડવો જોઈએ. મેં રમવાનું ચાલુ રાખ્યું હોત તો હું ત્રણસોથી વધુ વિકેટ લઈ શક્યો હોત.
બાકીની મેચોમાં મને બહાર બેસી રહેવાની ફરજ પડાઈ. ઓસ્ટ્રેલિયાનો 1986નો પ્રવાસ મારી કારકિર્દીનો અંત હતો. 1986- 93 દરમિયાન મેં પુનરાગમન થકી મારા દેશને સન્માનના ઘણા પ્રયત્ન કર્યા, પણ એ લોકોએ જાણે કે મારી કારકિર્દી પર મોટું તાળું લગાડી દીધું હતું અને એની ચાવી દરિયામાં ફેંકી દીધી હતી. આખરે 1993માં મેં પ્રયત્નો પડતા મૂક્યા અને બી.સી.સી.આઈ. પાસે બેનીફીટ (મેચ) ની માગણી કરી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાતી શ્રેણીમાં એ મંજૂર કરવામાં આવી. એ સમયે ભારતીય ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતા. 1994-95માં મારી બેનીફીટ માટે મને ભીખનું શકોરું લઈને મુંબઈ ધકેલવામાં આવ્યો. વાત એવી હતી કે એ સમયે સો ટેસ્ટ મેચ રમ્યા હોય એવા ક્રિકેટરોને જ બી.સી..સી.આઈ. સન્માનિત કરતું હતું. આવામાં મને બેનીફીટ મેચ ક્યાંથી મળે?
(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)

એલન બોર્ડર
(તસવીર સૌજન્ય: 
https://cricmash.com)

સઈદ કિરમાણી (તસવીર સૌજન્ય: gettyimages)

કિરણ મોરે
(તસવીર સૌજન્ય: 
https://www.espncricinfo.com/)


Sunday, January 19, 2025

"તમે ક્રિકેટ ખરાબ રમો છો એટલું જ નહીં, તમારામાં રીતભાત પણ નથી."


- સઈદ કિરમાણી
"એ સમયે બી.કે.નહેરુ યુકે ખાતેના ઈન્ડિયન હાઈ કમિશ્નર હતા અને તેમણે અમને ઈંગ્લિશ ટીમની સાથોસાથ પોતાના નિવાસસ્થાને નોંતરેલા. સામાન્ય રીતે જુનિયર તરીકે અમે લોકો અજિત વાડેકર, બીશનસિંઘ બેદી અને ફરોખ એન્જિનિયર જેવા સિનીયર ખેલાડીઓની આસપાસ રહેતા. આવા મેળાવડાઓમાં તેમની ફરતે દેખાવું અમારા જેવા જુવાનિયાઓ માટે ગૌરવ સમાન હતું. જુનિયર તરીકે હું મોટે ભાગે અજિત વાડેકરની આસપાસ રહેતો. બી.કે.નહેરુના નિવાસસ્થાને અમે પહોંચ્યા કે નહેરુએ આખી ટીમનું અપમાન કરી દીધું. કેમ કે, અમે લોકો મુખ્ય પ્રવેશદ્વારને બદલે પાછલા દરવાજેથી પ્રવેશ્યા હતા. તેમના શબ્દો હજી મારા મનમાં છપાયેલા છે. ઈંગ્લિશ ટીમ પણ ત્યાં હતી અને બધાને વચ્ચે તેઓ બરાડેલા, 'તમે ક્રિકેટરો, ક્રિકેટ ખરાબ રમો છો એટલું જ નહીં, તમારામાં રીતભાત પણ નથી. બહાર નીકળો અહીંથી.' તેઓ આમ કહ્યા પછી ફરીને ચાલ્યા ગયા.
એમના શબ્દો બહુ કઠોર અને અપમાનજનક હતા. અમે સૌ પાછા બસમાં ગયા. અપમાન અને માનભંગથી સૌના ચહેરા લાલચોળ હતા. અમારી ટીમના મેનેજર કર્નલ હેમુ અધિકારી બસ સુધી આવ્યા અને કહ્યું કે હાઈ કમિશ્નર ટીમને પાછી આવવા માટે વિનંતી કરી રહ્યા છે. પણ સિનીયર ક્રિકેટરો સહિત આખી ટીમે બસની બહાર પગ મૂકવાની ના ભણી દીધી. અમને અપમાનિત કરાયા હતા અને કોઈ પાછું જવા રાજી નહોતું. પરિસ્થિતિને કાબૂ બહાર થયેલી જોઈને કર્નલ અધિકારી અજિત વાડેકર તરફ ફરીને બરાડ્યા, 'મેદાન પર તમે કેપ્ટન છો, અને મેદાનની બહાર હું કેપ્ટન છું. તમને બધાને પાર્ટીમાં આવવા માટે હું હુંકમ કરું છું.' આખરે બહુ સમજાવી-પટાવીને ફરી વાર પાર્ટીમાં આવવા સિનીયર ક્રિકેટરો રાજી થયા. પણ નક્કી કરવામાં આવ્યું કે કોઈ ડ્રિન્ક નહીં લે. અમે અંદર જઈશું, 'હેલ્લો, હાઉ આર યુ?' પૂછીશું અને પાછલા દરવાજેથી નીકળી જઈશું. એ રીતે અમે ફરી મકાનમાં પ્રવેશ્યા. ઈંગ્લિશ ટીમ પણ સહેજ નારાજ જણાતી હતી. આખા બનાવથી તેઓ દેખીતી રીતે જ મૂંઝાઈ ગયા હતા. અમે હાઈ કમિશ્નરના બંગલામાં પ્રવેશ્યા, પણ કોઈએ પોતાને ઑફર કરાયેલું ડ્રિન્ક ન લીધું. અમે આંટો માર્યો, 'હેલ્લો' કહ્યું, ડાબેજમણે ગુસ્સામાં નજર ફેરવીને મકાનમાંથી નીકળીને બહાર બસમાં આવીને બેસી ગયા. આ બનાવ પછી ભારત સરકારે મોટું પગલું લીધું. ભારતીય હાઈ કમિશ્નરની યુ.કે.થી બદલી કરી દેવામાં આવી અને કેપ્ટન અજિત વાડેકરને પડતા મૂકાયા. ઈંગ્લેન્ડનો 1974નો પ્રવાસ એમની કારકિર્દીની સમાપ્તિ કરનારો બની રહ્યો. ભારતમાં એમના મકાન પર ગુસ્સે ભરાયેલા ક્રિકેટપ્રેમીઓએ પથ્થરમારો કરેલો. અજિત વાડેકરની કારકિર્દીનો એ કરુણ અંત હતો.

(હેમુ અધિકારી અને અજિત વાડેકર)

(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)


(તસવીરસ્રોત સૌજન્ય: https://cricketthrills.com/hemu-adhikari-cricketer/ ) 

Friday, April 15, 2022

કહાણી ક્રિકેટરની: ગેરી સોબર્સ

 "મને બરાબર જાણ છે કે મારા વિરુદ્ધની ઝુંબેશ ક્યારે શરૂ થઈ. એ ચોક્કસ બૉલ હું કહી શકું એમ છું. મારે સ્વીકારવું જોઈએ કે એ બૉલે બેટ્સમેનને મોતના મોંમાં ધકેલી દીધેલો. ભારતીયો- જે ફાસ્ટ બૉલિંગના ચાહક નહોતા- તેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે આવ્યા ત્યારે એ બધું શરૂ થયું.

ચાર્લિ ગ્રિફિથ, જેમની બૉલિંગ 'થ્રો બૉલિંગ'
હોવાનો વિવાદ બહુ ચગેલો.

ત્યારે હું ટેસ્ટ ટીમમાં નહોતો, પણ પેસ બૉલિંગનો મારો ખાસ પાર્ટનર વેસ્લી હોલ ટીમમાં હતો. તેના બૉલને બેટ્સમેનો ઉતાવળે રમવા જતા અને સ્ક્વેર લેગ તરફ ધરી દેતા. એ રીતે તે વિકેટો મેળવતો જતો હતો.
વેસ્ટ ઇન્ડિયન ખેલાડીઓએ પ્રવાસી ખેલાડીઓને ચીડવવાનું શરૂ કર્યું: 'તમે ચાર્લી ગ્રિફિથનો સામનો નહીં કરી શકો. એ તમને સાઈટ સ્ક્રીન સાથે જ જડી દેશે.'
'ચાર્લી ગ્રિફિથ? એ કોણ?' મૂંઝાયેલા ભારતીયો પૂછતા.
અને આ રીતે ચાર્લીની દંતકથાનો આરંભ થયો. બાર્બાડોસમાં ભારતીયોને હું મળ્યો એ પહેલાંથી જ તેમને મારી ધાક બેસી ગયેલી. એ વખતે જે કરુણ બનાવ બન્યો તેનાથી એમની નર્વસનેસ વધી ગઈ.
ભારતીયોને હલબલાવીને ટેસ્ટ જીતવા માટે હું તત્પર હતો. આથી વિજય માંજરેકરના દાવની શરૂઆતમાં જ મેં એક બાઉન્સર ફેંક્યો.
એક વાત મારે સ્પષ્ટપણે કહેવી જોઈએ. કોઈ પણ ફાસ્ટ બૉલર કદી બૅટ્સમેનને ઈજા પહોંચાડવાના ઈરાદે બૉલને ઉછાળતો નથી. એ યુક્તિપૂર્વક ફેંકવામાં આવે છે, જેથી બૅટ્સમેનને બૉલની લાઈનનો ખ્યાલ ન આવે અને તેનામાં આત્મવિશ્વાસ વિકસી ન શકે. બાઉન્સર એ કામ કરે છે.
મારા બાઉન્સરથી માંજરેકરને કશી તકલીફ ન થઈ, પણ ભારતીય કેપ્ટન નરી કોન્ટ્રાક્ટરને થયું હશે કે મારા બૉલનું ધ્યાન રાખવું પડશે...અને મારા જીવનની સૌથી કપરી પળ એ કારણે આવી.

નરી કોન્ટ્રાક્ટર

મારી બૉલિંગનો સામનો કરતી વખતે કોન્ટ્રાક્ટર બાઉન્સરને ચૂકવવા ગયા, જે હકીકતમાં બાઉન્સર હતો જ નહીં. તે સ્ટમ્પની ઉંચાઈથી પણ નીચા વળ્યા અને બૉલ તેમના માથાના પડખે ટીચાયો.
હું તેમની તરફ ધસી ગયો અને ત્યાંનું દૃશ્ય જોઈને ભયભીત થઈ ગયો. મારા ભયાનક ડરને એ દૃશ્યની ઝલકે સાચો પાડ્યો.
કોન્ટ્રાક્ટરને કાનની નીચેના ભાગમાં બૉલ અથડાયેલો, પણ તેમના નાકમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. કશુંક અતિ ગંભીર બની ગયેલું.
ખોપરીમાંં થયેલા ફ્રેક્ચરની અવસ્થામાં તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા અને સાંજ સુધીમાં તો તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું. ટ્રીનીદાદથી એક બ્રેઈન સ્પેશ્યલિસ્ટ બોલાવવામાં આવ્યા અને બે ઈમર્જન્સી ઑપરેશન કરવામાં આવ્યાં.
હું અત્યંત ચિંતાતુર હતો. એ રાત્રે હું સૂતો, પણ કોન્ટ્રાક્ટર બેશુદ્ધ હતા અને કંઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતા. ફિકરનો માર્યો હું ખાઈ શકતોઇ નહોતો અને મને જાત પર તેમજ આવી કરુણ પરિસ્થિતિ સર્જનાર રમત પર તિરસ્કાર છૂટતો હતો.
હું ત્યાંં ને ત્યાં જ રમવાનું છોડી દેવા તૈયાર હતો, પણ મારે રમવાનું હતું અને મેચ પૂરી કરવાની હતી, ભલે ને હું સાવ નિષ્પ્રાણ હોવાનું અનુભવતો હોઉં!
'મને બીજી ઈનિંગ્સમાં બૉલિંગ ન આપશો.' મેં બાર્બાડોસના કેપ્ટન કોનાર્ડ હન્ટને વિનંતી કરતાં કહ્યું.
'એમાંથી બહાર આવ, ચાર્લી.' તેમણે કહ્યું અને બૉલને મારી તરફ ફેંક્યો. પણ મારો રસ જ ઉડી ગયેલો અને હું અડધી ગતિએ જ ચાલી શકતો હતો. મેં નવ બૉલ ફેંક્યા અને છેલ્લે મેં એ શબ્દો સાંભળ્યા. જાણે કે મૃત્યુદંડની સજા સાંભળતો હોઉં એમ હું ઠરી ગયો. એ શબ્દો હતા: 'નો બૉલ!'
બાર્બાડોસના અમ્પાયર કોર્ટેઝ જોર્ડને એ કહેલા. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન જરાય ફરિયાદ વિના તે મને નિહાળતા આવ્યા હતા. કદી મને કશાની ચેતવણી આપી નથી. હું ફાસ્ટ બૉલિંગ પણ નાખતો નહોતો, પણ જોર્ડને મને ચેતવણી આપી.
મને તરત ખ્યાલ આવી ગયો કે આ નો-બૉલનો પડઘો વિશ્વભરમાં પડવાનો. દરેક જણ કહેશે: 'નરી કોન્ટ્રાક્ટર મોતના મોંમાં છે, કેમ કે, ચાર્લી ગ્રિફિથે તેમના માથાને તાકીને બૉલ નાખેલો.'
મારા ગાલ પર આંસુ રેલાવા લાગ્યા. મેં તેને લૂછ્યા અને ઓવરને પૂરી કરી. હન્ટે મારી વાત ન માની અને બાકીની મેચ દરમિયાન મને બૉલિંગ આપી.
જોર્ડને મને ફરી કહેવું ન પડ્યું, પણ તે શાંત રહ્યા છતાં જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. એક જ બૉલે મારી પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દીધી હતી.
એ પછી ખેલાડીઓ મને એકલો મૂકી દેતા. તેઓ જાણતા કે તેમના સહાનુભૂતિના શબ્દોથી મને વધુ દુ:ખ થશે. એ રાત્રે ફરી વાર નરી કોન્ટ્રાક્ટરને મળવા માટે હું હોસ્પિટલ ગયો.
રોજ સાંજે હું તેમની પડખે બેસતો, અને જ્યારે તેમને ઠીક થયું ત્યારે જાણે કે મારી છાતી પરનો બોજ હળવો થયો.
એ દિવસ હું કદી ભૂલી શકીશ નહીં, જ્યારે તેમણે મને કહ્યું: 'ચિંતા કરવાનું બંધ કર, ચાર્લી. દોષ મારો હતો.'
તેમનાં પત્ની ભારતથી આવી ગયાં અને મને તેમનો પરિચય કરાવ્યો. એ ઘડી મારા માટે બિહામણી હતી. પણ કોન્ટ્રાક્ટરે મને જે કહેલું એ જ પોતાની પત્નીને કહ્યું- 'ચાર્લીનો દોષ નથી. એ નિર્દોષ છે. સુવાંગ મારો જ દોષ છે.'
કોન્ટ્રાક્ટર જાણતા હતા કે હું નિર્દોષ છું, છતાં ગોરિલા ગ્રિફિથ, નિર્દય બૉલર જેવી દંતકથાઓ સમગ્ર રમત દરમિયાન પ્રસરતી રહી."

જે ઘટનાની વાત આલેખાઈ છે એ
મુજબ ચાર્લી ગ્રિફિથના
બૉલથી ઘાયલ થતા નરી કોન્ટ્રાક્ટર.

ઘાયલ નરી કોન્ટ્રાક્ટરને સારવાર માટે લઈ જવાય છે.
(ફાસ્ટ બૉલર ચાર્લી ગ્રિફિથનો કિસ્સો તેમના જ શબ્દોમાં આલેખાયેલો છે, એવા ગેરી સોબર્સ લિખીત પુસ્તક 'King Cricket'નો એક અંશ: પ્રથમ આવૃત્તિ: 1969, આ પુસ્તક ઈન્ગ્લેન્ડ- વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 1966માં રમાયેલી વિવાદાસ્પદ ટેસ્ટ શ્રેણીને જ કેન્દ્રમાં રાખીને લખાયેલું છે.)

Monday, April 11, 2022

કહાણી ક્રિકેટરની: પ્રસન્ના

 "ખેલાડીઓને અપાતું ભથ્થું પ્રવાસનું અગત્યનું પાસું છે. હું નથી માનતો કે વિદેશમાં વધી ગયેલી મોંઘવારી વિશે ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના અધિકારીઓ જાણતા હોય યા જાણવા માગતા હોય. મારા પહેલવહેલા પ્રવાસમાં દૈનિક ભથ્થું એક પાઉન્ડ હતું. એ વખતે મને વાંધો નહોતો. કેમ? કેમ કે, મને ત્યારે ખબર નહોતી કે પૈસાનું શું કરવું! બીજું કે રહનસહન સસ્તું હતું. મને અનુભવ મળતો ગયો અને દેશમાં તેમ જ વિદેશમાં મિત્રો બનતા ગયા ત્યારે બૉર્ડ દ્વારા ચૂકવાતો એક પાઉન્ડ શરમજનક લાગતો. 1971માં બૉર્ડે 'ઉદારતાપૂર્વક' અમારું દૈનિક ભથ્થું વધારીને બે પાઉન્ડ કર્યું. એ હકીકત તેમના ધ્યાનમાં ન આવી કે વિદેશમાં કિંમતોના દર વીસ ગણા વધી ગયા છે. અમને ક્રિકેટરોને અમારા પરિવાર અને મિત્રો માટે વિદેશથી સ્મૃતિચિહ્નો (સુવેનિયર) લાવવાં ગમે છે, પણ અમે અન્ય રીતે નાણાં ન બચાવીએ તો એ લાવી ન શકીએ. 1971માં વેસ્ટ ઈન્ડિઝમાં અમારામાંના કેટલાકે મેનેજર કેકી તારાપોરને મનાવ્યા કે અમારે વધુ નાણાંની જરૂર છે. અમે સૂચવ્યું કે તે અમને એવી સમજૂતિ સાથે રોજના પાંચ પાઉન્ડ આપે કે અમે હોટેલમાં ભોજન નહીં લઈએ."

"નાણાં બચાવવાની જરૂરિયાત એટલી તીવ્ર હતી કે અમે બ્રેકફાસ્ટ ન લેવાનું શરૂ કર્યું. લંચ અને ચા તો મેચ દરમિયાન મેદાન પર મળતાં, અને ડીનર અમે સ્નેકબારમાં લઈ લેતા. અમે ટેક્સીમાં ફરવાનું ટાળતા અને ચાલીને ફરવું પસંદ કરતા. જાતને આશ્વાસન આપતા કે સ્વસ્થ રહેવા માટે ડીનર પછી એકાદ માઈલ ચાલવું જરૂરી છે. ઈન્ગ્લેન્ડમાં અમને આ ફાવી ગયું. અમે બ્રેકફાસ્ટ ન લેતા, કારણ કે અમે જાણતા હતા કે અહીંના રિવાજ મુજબ અમને કાઉન્ટીના મેદાન પર ચા અને બિસ્કીટ આપવામાં આવશે. બિસ્કીટ માટે કેવો ધસારો અમે કરતા! બિસ્કીટ માટેનો અમારો ધસારો કોઈ જુએ તો એને એમ જ લાગે કે ભારતીય ક્રિકેટરોએ કદી બિસ્કીટ ભાળ્યા જ નથી."

એરાપલ્લી પ્રસન્ના 

- ઈ.એ.એસ.(એરાપલ્લી અનંતરાવ શ્રીનિવાસ) પ્રસન્ના (ભૂતપૂર્વ ઑફ્ફ સ્પિનર, ભારતીય ક્રિકેટ ટીમ, આત્મકથા 'One More over'નો એક અંશ, પ્રકાશન: 1977)

Saturday, April 9, 2022

કહાણી ક્રિકેટરની: ઈમરાન ખાન

 "મિયાં અસલમ બિનઅનુભવી હતા અને 1985ની ટેસ્ટ શ્રેણી દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ તેમને ખુલ્લેઆમ ભાંડતા. મહિના પછી વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી દરમિયાન પેશાવર ખાતેની ત્રીજી મેચમાં ફરી વખત તેમની નિમણૂક કરવામાં આવી. તેમણે લૅરી ગોમ્સને રનઆઉટ ઘોષિત કર્યો, જે ટેલિવિઝનના રિપ્લેમાં પુરવાર થયા મુજબ સાચો નિર્ણય હતો. આ નિર્ણય બદલ તેમને વેસ્ટ ઈન્ડીઝના એક ખેલાડી દ્વારા ભાંડવામાં આવ્યા, આથી તે એકદમ નર્વસ થઈ ગયા અને પરિણામે અમારી વિરુદ્ધમાં થોડા ખોટા નિર્ણયો આપ્યા. લંચ વખતે મેં મિયાં અસલમને કહ્યું કે એ ખેલાડીની ગેરવર્તણૂકની જાણ તેમણે વેસ્ટ ઈન્ડીયન મેનેજરને કરવી. તેમણે જણાવ્યું કે કોઈએ તેમને ભાંડ્યાબાડ્યા નથી. આ સાંભળીને આખી પાકિસ્તાની ટીમ ખડખડાટ હસી પડી, કેમ કે, સૌએ એ સાંભળેલું. એ ક્ષણે રફી નસીમ રૂમમાં આવ્યા અને મેં તેમને કહ્યું કે બૉર્ડે સક્ષમ અમ્પાયર તો કમ સે કમ નીમવા જોઈએ. તેમણે જવાબ આપ્યો, 'ઓકે, તારો પ્રિય અમ્પાયર કોણ છે?' તું કોને ઈચ્છે છે?' હું અકળાઈ ગયો. એ શ્રેણી સરભર હતી અને અમારી ટીમે સખત ઝઝૂમવું પડેલું. મિયાં અસલમના અમ્પાયરિંગ કે રફી નસીમના રમત પ્રત્યેના જડ વલણને લઈને મને ફિકર હતી. મેં તેમને રૂમ છોડીને ચાલ્યા જવા કહ્યું."

"કલાક પછી તે પાછા આવ્યા. ત્યાં સુધીમાં અમે બે વિકેટ ગુમાવી ચૂક્યા હતા અને હું પૅડ લગાવીને મારા વારા માટે તૈયાર થઈને બેઠો હતો. તેમણે તમામ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યા, બારણું બંધ કર્યું અને માફી માગવા જણાવ્યું. તેમણે મને જણાવ્યું કે બીસીસીપી (બૉર્ડ ઑફ ક્રિકેટ કન્ટ્રોલ પાકિસ્તાન) ના અધિકારીઓ મન ફાવે એમ કરી શકે છે અને ડ્રેસિંગરૂમ એ કંઈ કેપ્ટનનું અધિકારક્ષેત્ર નથી. તેમણે મને કહ્યું કે મને 'મારા સ્થાને' મૂકી દેવામાં આવશે. મારી 'રાતની ગતિવિધિઓ' જાહેર કરી દેવાની તેમણે મને ચીમકી આપી. હું સ્તબ્ધ થઈ ગયો. મેચની તણાવગ્રસ્ત પરિસ્થિતિ સાથે આ માણસને કશી લેવાદેવા નહોતી. એ બહાર જાય એમ ન હતો એટલે હું જ બહાર નીકળી ગયો અને પેવિલિયનમાં જઈને બેઠો. બેટિંગ કરવાની મન:સ્થિતિમાં હું રહ્યો નહોતો. પછી મેં બીસીસીપીના પ્રમુખને આ બનાવ જણાવ્યો અને કહ્યું કે હું રાજીનામું આપવા ઈચ્છું છું. તેમણે મને ખાતરી આપી કે ફરી આવું નહીં થાય."
"આ જ શ્રેણી દરમિયાન બીસીસીપીના અન્ય એક અધિકારી પોતાના પુત્ર સાથે ડ્રેસિંગ રૂમમાં આવી ગયા અને પોતાના દીકરાની ઑટોગ્રાફ બુકમાં મને હસ્તાક્ષર આપવા જણાવ્યું. ટીમના અન્ય ખેલાડીઓના હસ્તાક્ષર પણ હું તેમના પુત્ર માટે ઉઘરાવી લાવું એમ તે ઈચ્છતા હતા. હું પૅડ લગાવીને બેટિંગ માટે તૈયાર બેઠો હતો એટલે મેં સહી કરી આપી, પણ બીજા કોઈના હસ્તાક્ષર માટે ઊભો ન થયો. ખેલાડીઓ સાથે તે ચપરાસી જેવો જ વ્યવહાર કરતા હતા, આથી તે બરાબર ગિન્નાયા. તેમણે ઈન્ક્વાયરી કમિટી સમક્ષ મારો રિપોર્ટ કર્યો."



[ઈમરાન ખાન, ઑલ રાઉન્ડર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ, આત્મકથા 'All Round View'નો એક અંશ, પ્રકાશન: 1988]

Friday, April 8, 2022

કહાણી ક્રિકેટરની : સુનિલ ગાવસ્કર

(કેટલાક ક્રિકેટરોની આત્મકથાના ચૂંટેલા અંશ) 

"મુંબઈના અમારા વિસ્તારમાં બિલ્ડીંગનાં અલગ અલગ બ્લૉક વચ્ચે ટેનિસ બૉલની 'ટુર્નામેન્ટ' યોજાતી અને અમે સામસામી ટીમમાંથી રમતા એ વખતથી હું સુધીર નાઈકને જાણતો હતો. મને આંચકો લાગ્યો અને લાગ્યું કે આ કોઈ ગેરસમજનો મામલો છે. શું થયેલુંં એ મેં તેને પૂછ્યું નહોતું, પણ પછી તેણે મને આખી કથની જણાવેલી. એની નિર્દોષતા બાબતે મારા મનમાં સહેજ પણ શંકા નહોતી.

એ કમનસીબ સાંજે એ લંડનમાં ખરીદી માટે નીકળેલો, જ્યારે અમે કેટલાક લોકો ફિલ્મ જોવા ગયેલા. કેટલાક ખેલાડીઓએ થોડા અન્ડરવીયર, પ્રસાધનને અન્ય ચીજો લાવવા માટે તેને પૈસા આપી રાખેલા. ઑક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલા માર્ક્સ એન્ડ સ્પેન્સર ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તે ગયો એ અગાઉ તેણે એક બુટિકમાંથી સ્લેક્સની બે જોડ ખરીદેલી, અને હેન્ડલ ધરાવતી એક પેપર બેગમાં તેને લઈને ફરતો હતો. ત્યાંથી તે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ગયો અને વીસેક જોડી મોજાં ખરીદ્યાં, તેને પેપર બેગમાં મૂક્યા અને તેનાં નાણાં ચૂકવવા માટે કાઉન્ટર પરની સેલ્સગર્લ પાસે ગયો. મોજાં તેણે સેલ્સગર્લને આપ્યા અને પૅક કરવા જણાવ્યું. અચાનક સુધીરને યાદ આવ્યું કે ચાર ખેલાડીઓએ પોતાના અન્ડરવીયર ખરીદવા માટે તેને કહેલું છે. એ ખરીદવા માટે તે બીજા કાઉન્ટર પર ગયો, અને એ ખરીદી લીધાં. કાઉન્ટર પરની સેલ્સગર્લે પેપર બેગમાં મૂકીને એ તેને આપ્યાં. માર્ક્સ એન્ડ સ્પેન્સરવાળા હેન્ડલવાળી પેપર બેગ નથી આપતા, આથી સુધીરે આ પેપર બેગને પોતાના બીજા હાથે પકડવી પડી અને તે મોજાંનાં નાણાં ચૂકવવા અને તેની ડિલીવરી લેવા માટે પાછો મૂળ કાઉન્ટર પર ગયો. પોતાના બન્ને હાથમાં તે સંભવત: પકડી નહીં શક્યો હોય એટલે તેણે મોજાંના પ્પાર્સલને પેપર બેગમાં મૂકવા વિનંતી કરી. આમ કરતી વખતે સેલ્સગર્લની નજર બુટિકમાંથી ખરીદેલા સ્લેક્સની નીચે મોજાંની જોડ પર પડી. સુધીરે મને કહ્યું કે પોતે જ્યારે શેલ્ફ પરથી મોજાં લીધાં ત્યારે તેણે બધા જ મોજાં સ્લેક્સની સાથે બેગમાં જ મૂકેલાં અને કેશ કાઉન્ટર પર તેનાં નાણાં ચૂકવવા માટે ગયો ત્યારે એને બહાર કાઢેલાં. આમ કરવામાં મોજાંની આ બે જોડ દેખીતી રીતે જ ટ્રાઉઝર્સની જોડની નીચે સરકી ગયેલી અને પોતાના ધ્યાને એ નહીં પડેલી. જે જોડીની 'ચોરી'નો તેના પર આક્ષેપ મૂકવામાં આવ્યો એ આ જ જોડી.
ગમે એ હોય, એ માનવું મુશ્કેલ છે કે કોઈ વ્યક્તિ મોજાંની વીસ જોડનાં નાણાં ચૂકવી દે અને બે જોડનાં ન ચૂકવે. ડિપાર્ટમેન્ટના સત્તાવાળા મક્કમ રહ્યા અને સુધીરનો ખુલાસો કાને ન ધર્યો. આ તબક્કે, મને લાગે છે કે સુધીરને ખોટી સલાહ આપવામાં આવી. મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લેવાનું તેને કહેવામાં આવ્યું, અને ખાતરી આપવામાં આવી કે મામલો ત્યાં જ પતી જશે અને તેની કોઈ પબ્લિસિટી નહીં કરવામાં આવે. તેણે પોતાની નિર્દોષતાનું ગાણું ગાયે રાખ્યું તો કેસ આગળ ચાલશે અને તેનો ખર્ચ કોણ ભોગવશે? સંબંધિત સહુ કોઈનો અભિગમ એવો હોવો જોઈતો હતો કે, 'તેલ લેવા જાય ખર્ચો. આપણે આગળ લડીશું અને કોઈ સારો વકીલ રોકીશું.' પણ સુધીરને વિચાર કરવાનો સુદ્ધાં મોકો આપવામાં ન આવ્યો અને ઉતાવળે તેણે ગુનો કબૂલી લીધો. આ ઘટના એવી કાળી ટીલી સમાન બની રહી જે કદી ભૂંંસી શકાઈ નહીં. આ પ્રકારના મામલે ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ સાથે ખેલાડી 'ચૂપ' રહેવાના કરાર પર સહી કરે છે એ તેને પાંગળો બનાવી દે છે. આમ, પ્રેસ સમક્ષ સુધીર કોઈ પણ રીતે હકીકત રજૂ કરી શક્યો નહીં. અલબત્ત, અખબારો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં. આનું પરિણામ એ આવ્યું કે ઈન્ગ્લેન્ડમાં કે ઘરઆંગણે તે લોકોના મનમાં રહેલી શંકાઓને નિર્મૂળ કરી શક્યો નહીં."

સુનિલ ગાવસ્કર 

સુધીર નાઈક 
(સુનિલ ગાવસ્કર, બૅટ્સમેન, ભારતીય ક્રિકેટ ટીમ, આત્મકથા 'Sunny Days'નો એક અંશ: પ્રથમ આવૃત્તિ: 1976)