Showing posts with label Children's story. Show all posts
Showing posts with label Children's story. Show all posts

Monday, July 15, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (19): ભૂતપ્રેતનો આયનો

 બધા કહેતા કે ચીની ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે. તેવી રીતે કહેવાતું કે ગામડાંંમાં લોકોના સુખનો કંઈ પાર નથી; લોકો ભણીગણીને હોશિયાર થઈ ગયા છે, ને ખાઈ-પી મજા કરે છે.

એવા એક ગામનો એક મુખી હતો.
એક વાર એને શહેરમાં જવાનું થયું.
એણે સ્ત્રીને કહ્યું: 'હું આજે શહેરમાં જાઉં છું.'
સ્ત્રીએ કહ્યું: 'ભલે જાઓ! પણ મારું એક કામ કરતા આવજો!'
મુખીએ કહ્યું: 'શું કામ કરવાનું છે?'
પત્નીએ કહ્યું: 'ચાર દિવસથી મારો એક દાંત દુખે છે તે જરી પડાવતા આવજો!'
મુખીએ કહ્યું: 'બહુ સરસ! બહુ સરસ! એક શા માટે, બધાયે પડાવતો આવીશ. ફરી ફરી જવું ન પડે.'
પત્ની ખુશ થઈ ગઈ.
થોડી વાર રહી એ ફરી બોલી: 'કહે છે કે શહેરમાં ઘણું ઘણું મળે છે, તો મારા માટે લેતા આવજો!-'
'શું લેતો આવું?'
'કંઈ લાવજો ખુશ થવાય એવું!'
'ભલે, ભલે!' કહી મુખી શહેરમાં જવા નીકળી પડ્યો.
કેટલાક દિવસની મજલ પછી એ શહેરમાં આવ્યો.
ખૂબ ફરીને એણે શહેર જોયું. પછી એક દાંતના દાક્તરની પાસે જઈ કહે: 'દાંત પાડી આપો!'
દાક્તરે એને ખુરશીમાં બેસાડી કહ્યું: 'કયો દાંત પાડવાનો છે?'
મુખીએ કહ્યું: 'દુખે છે એ.'
'કયો દુખે છે? આ? આ?'
મુખીએ મોં એટલું બધું ફાડ્યું હતું કે એનાથી આ આ બોલાઈ ગયું. ફડફડ દાક્તરે એના દાંત પાડવા માંડ્યા, ને પૂછવા માંડ્યું: 'આ? આ?'
મુખીના ફાટેલા મોંમાંથી અવાજ નીકળ્યો: 'આ!આ!'
મુખીએ કહ્યું: 'હાશ,મારી બૈરી હવે રાજી થશે!' દાંતના દુખે બાપડી ચાર દિવસથી ઊંઘવા પામતી નથી!'
દાક્તરે કહ્યું: 'એટલી બધી દાંતની વેદના થતી હતી તમને?'
'મને નહિ, મારી બૈરીને!'
નવાઈ પામી દાક્તરે કહ્યું: 'તમારી બૈરીને? તો તમારાં દાંત કેમ પડાવ્યા?'
'હું એ વિચાર કરું છું. હું ઘેરથી નીકળ્યો ત્યારે મારી બૈરીએ કહેલું કે મારો એક દાંત દુખે છે તે જરી શહેરમાં પડાવતા આવજો. ત્યારે મેં એને કહ્યું કે એક શા સારુ, બધા પડાવતો આવીશ, જેથી ફરી ફરી શહેરમાં જવું ન પડે.'
'દાક્તરે કહ્યું: 'ડાહ્યા માણસના જેવી વાત થઈ એ! હવે બીજી ડાહ્યા માણસની વાત હું તમને કહું!'
'કહો!'
'બીજી વાર શહેરમાં આવવાનું થાય ત્યારે તમે ન આવતા, તમારી પત્નીને મોકલજો. તમારી પત્નીની વતી જેમ તમે આજે દાંત પડાવ્યા, તેમ તમારી વતી તમારી પત્નીના બધા યે દાંત હું પાડી દઈશ! તમારું એટલું કામ એ નહિ કરે? તમે તો એનું કર્યું!'
એકદમ મુખી ખુશ ખુશ થઈ ગયો. એના મનનું તરત જ સમાધાન થઈ ગયું.
મુખી આગળ ચાલ્યો. ખુશ થવાય એવી કોઈ ચીજની એ શોધમાં હતો. શોધતાં શોધતાં એક જગાએ એણે આયનો જોયો. આયનામાં પોતાનું પ્રતિબિંંબ જોઈ એ બોલ્યો: 'આ બોખલાજી અહીં ભરાઈને શું કરતા હશે?' પણ દર્પણની પાછળ જોયું તો કોઈ નહોતું.
છેવટે એણે નક્કી કર્યું કે આ નવાઈની ચીજ છે, ઘેર લઈ જઈ હું બધાંને એનાથી ખુશ કરી નાખીશ.
એણે આયનો ખરીદી લીધો.
હવે એનાં ગજવાં ખાલી થઈ ગયાં હતાં, એટલે એ ઘેર આવવા નીકળ્યો.
આંગણામાં પગ દેતાં જ બૈરી સામી મળી. એના દાંતની વેદના ઓછી થઈ ગઈ હતી, એટલે એ વાત ભૂલી ગઈ હતી. એણે લાગલું જ પૂછ્યું: 'શું લઈ આવ્યા શહેરમાંથી? જોઉં!'
મુખીએ થેલામાંથી આયનો કાઢી પત્નીના હાથમાં મૂક્યો ને કહ્યું: 'લે, ખુશ થા!'
પત્નીએ આયનામાં જોયું તો કોઈ સ્ત્રી! બાપડીએ કદી આયનો જોયો જ નહોતો-મુખી જેવા મુખીએ નહોતો જોયો તો!
આયનામાં જુવાન બૈરીને જોઈ મુખીની પત્નીએ રાડ પાડી: ' ઓ મારી મા! આ તો શહેરમાં જઈને મારે માથે શોક્ય લઈ આવ્યા! બસ, હવે હું પિયર ચાલી જઈશ! હું નહિ રહું આ ઘરમાં!'
પુત્રવધૂની બૂમ સાંભળી ઘરમાંથી મુખીની બા દોડી આવી. પુત્રવધૂના હાથમાંથી આયનો ખેંચી લઈ એણે એમાં જોયું તો બુઢ્ઢી ડોશી! એકદમ એ ગંભીર બની ગઈ.
પુત્રની સામે જોઈ એણે કહ્યું: 'બીજી વહુ લાવ્યો તો ભલે લાવ્યો, પણ આવી બુઢ્ઢીને શું લઈ આવ્યો? શહેરમાં બધી આવી ડોકરીઓ જ મૂઈ છે શું?'
મુખી આભો બની બધું સાંભળી રહ્યો હતો. તેને થયું: 'નક્કી, આમાં કંઈ ભૂતપ્રેતનો વાસ છે- ઘડીકમાં એ પુરુષ રૂપે દેખાય છે, તો ઘડીકમાં બૈરી રૂપે દેખાય છે! આવી ચીજ મારા ઘરમાં નહિ જોઈએ!'
એણે દર્પણ હાથમાં લઈ ઘા કરી ફેંકી દીધું. દર્પણના ચૂરેચૂરા થઈ ગયા. પ્રેત અદૃશ્ય થઈ ગયું.
ચીની ચાઉમાઉના રાજ્યમાં ગામેગામ લોકો ભણીગણીને હોશિયાર થઈ ગયા હતા.

(રમણલાલ સોની લિખિત બાળવાર્તા 'ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ', પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પ્રકાશન વર્ષ: 1967)

Sunday, July 14, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (18): ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર !

 ચીની ચાઉમાઉ અને દીવાન હાઉવાઉના રાજ્યમાં એક વાર એક ખેડૂત ઘીનો ડબો લઈ ને વેચવા આવ્યો. નગરના દરવાજામાં પેસતાં જ એને દરવાને ટોક્યો :‘એ...ઈ! કોણ છો? ખેડૂત છો? હાસ્તો,ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે ! એ... ઈ! શું લાવ્યો છે તું?’

ખેડૂતે કહ્યું: ‘ઘી છે, બાપજી!’

‘ઘી છે? વાહ કેટલું છે?’

‘એક મણ !’

‘તો દરવાનનો પાંચ શેરનો લાગો આપતો જા !’

ખેડૂતે ડબામાંથી પાંચ શેર ઘી કાઢી લાગામાં આપ્યું. પછી એ આગળ ચાલ્યો.

ત્યાં દાણીનો ચોરો આવ્યો. ચોરા પર બેઠેલા દાણીએ ખેડ્તને જેઈ હાકોટો કર્યો : ‘એ....ઇ! કોણ છો? ખેડૂત છો ? હાસ્તો, ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે ? શું લઈ જાય છે તું ?’

‘ઘી !’ ખેડૂતે કહ્યું.

‘ઘી? વાહ, ઘીનો ડબો છે એ? તો દાણીનો લાગો અહીં ભરતો જા !'

‘દાણીનો લાગો ?’

‘હા! એક ડબા પર દશ શેરનો.’

ખેડૂતે કહ્યું : ‘પાંચ શેરનો લાગો તો હું હમણાં દરવાજે ભરીને આવ્યો ! ‘

દાણીએ કહ્યું : એ દરવાનનો લાગો. આ દાણીનો લાગો ! દરવાનનો પાંચ શેર અને દાણીનો દશ શેર !’

ખેડૂતે ગભરાઈને કહ્યું : ‘બાપજી, પછી મારા ડબામાં શું રહ્યું ?’

દાણીએ કહ્યું : 'શું તે ઘી ! તું જે લાવ્યો તે જ તો ! ઘીને બદલે ગોળનું પાણી તો તું લાવ્યો નથી ને?અરે દુષ્ટ, તું લોકોને ઘીના નામે ગોળનું પાણી આપીને છેતરે છે, કેમ ? મારીમારીને તારાં છોતરાં કાઢી નાખીશ ! તું શું સમજે છે તારા મનમાં ? ચાઉમાઉ ને હાઉવાઉના રાજ્યમાં આવી છેતરપિંડી નહિ ચાલે !’

ખેડૂત બાપડો એવો ગભરાઈ ગયો કે એણે ડબામાંથી દશ શેર ઘી તોળી આપ્યુ.

પછી એ આગળ આવ્યો. ત્યાં બજાર આવ્યું...ચૌટાના નાકે એક બરકંદાજ બેઠો હતો. તેણે ખેડૂતને જોઈ ખૂમ પાડી : ‘ એ....ઇ ! કોણ છો ? ખેડૂત છો ? હાસ્તો, ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે! એ....ઇ ! શું છે ડબામાં ?'

‘ઘી !’ ખેડૂતે બીતાં બીતાં કહ્યું.

‘ઘી? ઘી વેચવા આવ્યો છે કાં? અને દીવાનજીનો લાગો ભર્યા વિના આમ હાલ્યો જાય છે, કાં ? તારા ધડ પર કેટલાં માથાં છે ?’

ખેડૂતે કહ્યું : ' બાપજી, એક જ માથું છે. કાપશો નહિ ! દયા રાખો !’

‘તો ડાહ્યો થઈને લાગો ભરી દે !’

‘એક લાગો મેં દરવાજે ભર્યો, બીજો ચોરામાં ભર્યો, હવે અહીં ક્યો લાગો ભરવાનો?’ ખેડૂતે પૂછ્યું.

બરકંદાજે કહ્યું : ' દરવાજે ભર્યો તે દરવાનનો લાગો, ચોરામાં ભર્યો તે દાણીનો લાગો, અને અહીં ભરવાનો તે દીવાન સાહેબનો લાગો ! હાઉવાઉનું નામ તો સાંભળ્યું છે ને? લાગો ભર્યા વગર જશે તો સીધો જમપુરીમાં જ જશે !’

ખેડૂત પીપળાના પાનની જેમ ફફડતો હતો. તે બોલ્યો : ‘દીવાન સાહેબનો કેટલો લાગો છે ?’

બરકંદાજે કહ્યું : ‘વીસ શેરનો.’

‘વીસ શેરનો ? ખેડૂતના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ‘તો પછી મારા ડબામાં રહેશે શું ?’

બરકંદાજે કહ્યું : ‘કેમ શું રહેશે ? ઘીની ચીકટ તો રહેશે ને? કે પછી ઘીને બદલે ડોળિયું લાવ્યો છે ?'

ખેડૂતે કહ્યું: ‘ના, બાપજી, ચોખ્ખું ઘી લાવ્યો છું !’

આમ કહી એણે વીસ શેર ઘી તોળી આપ્યું, ડબામાં કુલ પાંત્રીસ શેર ઘી હતું, તે આમ સાફ થઈ ગયું. બરકંદાજના કહેવા પ્રમાણે હવે ડબામાં માત્ર ઘીની ચીકટ રહી! ઘી સો ટચના સોના જેવું શુદ્ધ હતું એટલે એની ચીકટ રહી! ચીકટની સાથે ઘીની સુગંધ પણ રહી! ખાલી ડબો લઈને ખેડૂત ગામમાં ફર્યો... એને થયું કે અહીં આવ્યો જ છું તો જરી ગામ જોતો જાઉં! ખરીદી કરવા તો એની પાસે એક ફદિયુંયે નહોતું, ઘીના પૈસા આવશે ને હું બૈરી છોકરાં માટે કંઈ કંઈ ખરીદીઓ કરતો જઈશ એવા મનમાં મનસૂબા ઘડીને એ આવ્યો હતો, પણુ એના એ મનસૂબાના ચૂરા થઈ ગયા હતા. ખાલી ડબો લઈને એ ગામમાં ભટકયો ને પછી ઘર તરફ જવા વળ્યો. હજી તો એણે ચૌટું વટાવ્યું નથી, ત્યાં એક બહાદુર બંકડાએ એનો મારગ રોક્યો : ‘એ....ઇ કોણ છો? ખેડૂત છો? હાસ્તો, ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે! શું લાવ્યો તો ડબામાં !’

ખેડૂતે કહ્યું : ‘ઘી!’હવે એને હૈયે ધરપત હતી કે ઘી તો ખલાસ થઈ ગયું છે! બીવાનું કંઈ કારણ નથી !

બહાદુર બંકડાએ કહ્યું : ‘વાહ, ઘી વેચવા આવેલો ?’

‘જી, હા!’

‘હવે પાછો ઘેર જાય છે ને ?’

‘જી, હા!’

‘તો ઘી વેચ્યાનો લાગો ભરતો જા.’ બહાદુર બંકડાએ કહ્યું.

ખેડૂતે બીતાં બીતાં કહ્યું : ‘પણ મેં કયાં ઘી વેચ્યું છે તે?’

બહાદુર બંકડાએ કહ્યું: ‘પણ આવેલો ઘી કાઢવા એ વાત તો સાચી ને ?’

‘સાચી!’

‘બસ તો ઘી કાઢવા આવ્યો એટલે તારે ઘીનો લાગો ભરવો જ જોઈએ ! પછી તું ઘીના પૈસા કરે કે પાણી કરે એ સરકારે જેવાનું નથી !’

ખેડૂતે કહ્યું: 'એક લાગો મેં દરવાજે આપ્યો, બીજો મેં ચોરામાં આપ્યો, ત્રીજો ચૌટામાં આપ્યો, હવે આ ચોથો લાગો શાનો ને કોનો ?’

બહાદુર બંકડાએ કહ્યું: ‘તેં દરવાજે આપ્યો તે લાગો દરવાનનો, ચોરામાં આપ્યો તે દાણીનો, ચૌટામાં આપ્યો તે દીવાન સાહેબ હાઉવાઉનો અને હવે અત્યારે તારે જે ભરવાનો છે તે રાજાધિરાજ ચાઉમાઉનો ! દરવાનનો લાગો પાંચ શેરનો, દાણીનો દશ શેરનો, દીવાનનો વીશ શેરનો અને ચાઉમાઉનો મણેમણનો !’

'મણેમણનો ? એટલે ? ‘ ખેડૂતે બીતાં બીતાં કહ્યું.

‘એટલે મણ ઘી પર ચાઉમાઉનો મણનો લાગો! ચાઉમાઉ કાંઈ દરવાન કે દાણી થોડો છે કે પાંચ શેર દશ શેરમાં એનું પતે ? એ તો રાજાધિરાજ છે. મણ ઘી પર મણ ઘીનો લાગો લે તો જ એનો મોભો જળવાય. સમજ પડી ?’

ખેડૂતે કહયું : ‘એટલે એક ડબો ઘી પર એક ડબો ઘીનો લાગો એમ જ ને ?’

‘હં, હવે તું સમજ્યો ! ચાલ, ડબો ઘી ધરી દે.’

‘પણ ભાઈ, મારા ડબામાં તો ઘી નામે નથી !’

આમ કહી એણે ખાલી ડબો દેખાડયો. પણુ બહાદુર બંકડાએ નમતું આપ્યું નહિ. એણે કહ્યું : ‘ડબામાં ઘી છે કે નહિ એ મારે જોવાનું નથી. અહીં કાયદાનું રાજ્ય છે. કાયદો કહે છે કે તું ડબો ભરીને ઘી વેચવા આવેલો અને હવે હલકો ફૂલ થઈ ખાલી ડબો પાછો ઘેર લઈ જાય છે. એટલે તારે ચાઉમાઉનો લાગો ભરવો જ જેઈએ ! ઘી નથી તો ઘીના પૈસા ભરી દે!’

બીજો કોઇ ઉપાય ન જોઈ ખેડૂતે ઘેરથી આણેલા થોડા રૂપિયા ગાંઠેથી છોડીને બહાદુર બંકડાને ધરી દેવા પડયા, ત્યારે એનો છૂટકો થયો. ખાલી ખિસ્સે એ પાછો ફર્યો ત્યારે પેલો ખાલી ડબોયે ઊંચકવાના એનામાં હોશ રહ્યા નહોતા. એણે એ ડબો બહાદુર બંકડાના હાથમાં પકડાવી દઈ કહ્યું: 'બધા લાગો લે છે ને તમે કેમ નથી લેતા ? લો, આ તમારો બહાદુર બંકડાનો લાગો !’

આમ ચીની ચાઉમાઉ અને દીવાન હાઉવાઉના કુશળ રાજકારભારનો અનુભવ કરી ખેડૂત ખાલી ખિસ્સે, ગાંઠના પૈસા અને ઘી ખોઇને ઘેર પાછો ફર્યો. ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર હતી !

(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)


Saturday, July 13, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (17): ચાઉમાઉ, હાઉવાઉ, કાઉકાઉ!

ચાઉમાઉના રાજ્યમાં અફીણનો મહિમા ભારે. એક વાર રાજા ચાઉમાઉ, દીવાન હાઉવાઉ અને સેનાપતિ કાઉકાઉ નદીકિનારે ફરવા ગયા હતા.

ત્યાં નદીની પાળે બેસી ત્રણેએ અમલ કસૂંબો ચડાવ્યો. અફીણ ઘોળતા જાય, પીતાં જાય ને પાતા જાય. એમ કરતાં ત્રણેને બરાબર નશો ચડ્યો એટલે તેમને બીડી પીવાની તલપ થઈ આવી.
ચાઉમાઉએ હાઉવાઉને કહ્યું: 'હાઉવાઉ, બીડી ચેતાવ!'
હાઉવાઉએ કાઉકાઉને કહ્યું: 'કાઉકાઉ, બીડી ચેતાવ!'
કાઉકાઉ કહે: 'આ રહી બીડી! પણ શા વડે ચેતાવું? અહીં દેવતા ક્યાં છે?'
ચાઉમાઉએ કહ્યું: 'તે શું અહીં દેવતા પણ નથી? કેમ નથી? શું અહીં ચાઉમાઉની હકૂમત નથી?'
હાઉવાઉએ કહ્યું: 'હકૂમત ચાઉમાઉની નથી તો શું એના બાપની છે?'
સેનાપતિ કાઉકાઉએ કહ્યું: 'બાપ સામે આવે તો ખરો, એનું માથું જ ફોડી નાંખું.!'
અચાનક ચીની ચાઉમાઉ બોલી ઉઠ્યો: 'પેલો દેખાય દેવતા! અલ્યા, પે....લો દેખાય!'
આમ કહી તેણે નદીના પાણી તરફ હાથ કર્યો. વાત એમ હતી કે નદીની સામે કાંઠે એક દીવો બળતો હતો, ને તેનું પ્રતિબિંબ નદીના પાણીમાં પડતું હતું. એ પ્રતિબિંબને ચાઉમાઉએ અફીણના ઘેનમાં દેવતા માની લીધો હતો. એણે બતાવેલી દીશાએ હાઉવાઉ અને કાઉકાઉએ નજર કરી તો તેમનેયે ત્યાં દેવતા દેખાયો.
હાઉવાઉ કહે: 'અલ્યા કાઉકાઉ, જા ત્યાં જઈ બીડી સળગાવી લાવ.'
કાઉકાઉ કહે: 'હમણાં સળગાવી લાવું! દેવતા બહુ આઘો નથી.'
આમ કહી એ હાથમાં બીડી લઈને નદીના પાણીમાં ઊતર્યો, બહુ આઘે ગયો નહિ, કિનારા આગળ જ ઊભો. ને પાણીમાં હાથ નાંખી દીવાના પ્રતિબિંબની ઝાળે બીડી સળગાવવા લાગ્યો. પ્રતિબિંબ હાલકદોલક થાય ત્યારે દેવતા હોલવાઈ જાય છે સમજી એ ઉપરથી ફૂંકે. આમ કેટલીય વાર સુધી એ પાણીમાં બીડી સળગાવવા ઉભો રહ્યો. પણ બીડી સળગી નહીં.
ત્યારે એણે બૂમ પાડી: 'હાઉવાઉ, આ દેવતા બહુ નઠારો છે, બીડી સળગતી નથી!'
હાઉવાઉએ કહ્યું: 'તું કિનારે ઉભો ત્યારથી જ હું તો સમજી ગયો હતો કે આ કામ તારાથી નહીં બને. તું ધારે છે એટલો દેવતા નજીકમાં નથી, જરી આઘે છે. ચાલ, આઘો ખસ, હવે હું કેવો ઘડીકમાં બીડી સળગાવું છું, એ જો!'
કાઉકાઉ પાછો આવ્યો અને હવે હાઉવાઉ બીડી સળગાવવા નદીના પાણીમાં ઉતર્યો. કિનારો છોડી એ જરી અંદર ગયો. ઢીંચણબૂડ પાણીમાં ઊભા રહી એણે દીવાના પ્રતિબિંબ સામે બીડી ધરી સળગાવવા માંડી; પણ દેવતા ઘડીકમાં હોલવાઈ જાય, ઘડીમાં દેખાય. એણે એને સતેજ રાખવા જોરથી ફૂંકો મારવા માંડી. ફૂંકો મારી મારીને એના ગાલ દુખ્યા, પણ બીડી સળગી નહીં. ઊલટું બીડી પલળીને લોચો થઈ ગઈ.
કંટાળીને એ બોલ્યો: 'હત્તારીની! આ દેવતા કંઈ જુદી જાતનો છે! એ બીડીને પલાળી નાખે છે!'
એ સાંભળી ચાઉમાઉએ કહ્યું: 'પાછો આવ, પાછો આવ! તું કેવું ઊકાળશે એ હું જાણતો જ હતો! બીડી સળગાવવાનું તારું કામ નહીં, એ તો મારા જેવા ભડનું કામ છે.'
આમ કહી હાઉવાઉને પાછો બોલાવી રાજા ચીની ચાઉમાઉ પોતે નદીના પાણીમાં ઊતર્યો ને કમર લગી પાણીમાં ગયો. કહે: 'દેવતા છેક આઘે છે, ને આ લોકો એની પાસે ગયા વિના બીડી સળગાવવાનું કરે તે બીડી કેમ કરીને સળગે? હવે દેખો, બીડી કેવી સળગે છે તે!'
કમર લગી પાણીમાં જઈ ચાઉમાઉએ પ્રતિબિંબ સામે બીડી ધરીને સળગાવવા માંડી; ફૂંકતો જાય ને બીડી સળગાવતો જાય! પણ હઠીલી બીડી ન સળગી તે ન સળગી. અચાનક ચાઉમાઉને પાણીનું ભાન થયું.
એણે બૂમ પાડી:'અલ્યા હાઉવાઉ! અહીં આ પાણી ક્યાંથી આવ્યું? એણે તો બધો ખેલ બગાડ્યો. જો ને, પાણીમાં મારી બીડી આખી પલળી ગઈ!'
'શું કહો છો! ભારે નવાઈની વાત! બધો દેવતા ઓગળીને પાણી થઈ ગયો લાગે છે!' હાઉવાઉએ કહ્યું.
'એમ જ છે! એમ જ છે!' કરતો ચાઉમાઉ પાણીમાંથી બહાર આવ્યો.
કાઉકાઉએ ફરી બે આંગળાં ભરીને અફીણ ચાઉમાઉને પાઈ દીધું!
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Friday, July 12, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (16): ચીની સદાચાર

ચાઉમાઉના રાજ્યમાં લાંચરુશ્વતનું જોર ઘણું હતું.
એની ખૂબ ટીકાઓ થવા માંડી ત્યારે હાઉવાઉની સલાહથી ચાઉમાઉએ હુકમ બહાર પાડ્યો કે દરેક અમલદારે લાંચરુશ્વત નહીં લેવાની પ્રતિજ્ઞા લેવી. ધામધૂમપૂર્વક આ પ્રતિજ્ઞાનો દિવસ ઉજવાયો. પ્રતિજ્ઞા પણ કેવી? દરેક અમલદારે એના ઉપરી અમલદારની સામે અને ઉપરી અમલદારે એના ઉપરી અમલદારની સામે પ્રતિજ્ઞા લેવી પડી કે મારો જમણો હાથ લાંચ લે તો એ મૂળમાંથી સડી જાય. મારો ડાબો હાથ લાંચ લે તો એ મૂળમાંથી સડી જાય! દરેક જણે આ પ્રતિજ્ઞા લીધી. મોટા અમલદારોએ હાઉવાઉની આગળ લીધી અને હાઉવાઉએ ચાઉમાઉની આગળ લીધી.
ચાઉમાઉ કહે: 'બસ, હવે મારા રાજ્યમાંથી લાંચરુશ્વત ગઈ! મારા રાજ્યમાં હવે સદાચારનો ડંકો વાગી ગયો!'
ડંકો કેવો વાગી ગયો એ જુઓ! બીજે જ દિવસે એક માણસ પોતાનું કામ કઢાવવા માટે હાઉવાઉની પાસે ગયો; એણે હાઉવાઉની આગળ સોનામહોરોનો ઢગલો કરી નાખ્યો.
હાઉવાઉ કહે: 'હું રુશ્વત લઉં તો મારો હાથ મૂળમાંથી સડે!'
ગરજુ કહે: 'આપની એ પ્રતિજ્ઞા શું હું નથી જાણતો? જાણું જ છું!'
હાઉવાઉ કહે: 'તો?'
ગરજુએ એક નવો ઝભ્ભો બતાવી કહ્યું: 'પહેલાં આપ આ ઝભ્ભો પહેરી લો, પછી હું મારી વાતનું રહસ્ય સમજાવું!'
આમ કહી એણે નવો રેશમી ઝભ્ભો હાઉવાઉને પહેરાવ્યો. એ ઝભ્ભાની બાંયો મોટા કોથળા જેવી હતી! એના પર બહુ બારીક ભરતકામ કરેલું હતું. હાઉવાઉને એ ગમી ગયું. તેણે કહ્યું: 'વાહ, સુંદર ઝભ્ભો છે!'
ગરજુએ કહ્યું: 'તો હવે બંને હાથની બાંયો મારી સામે ધરો!'
હાઉવાઉએ બાંયો ધરી એટલે ગરજુએ એમાં સોનામહોરો નાખવા માંડી. બેય બાંયોમાં સોનામહોરો સમાઈ ગઈ!
હવે ગરજુએ કહ્યું: 'ક્યાં ગઈ આ મહોરો?'
'ગઈ! પહોંચી ગઈ!' હાઉવાઉએ કહ્યું.
હસીને ગરજુએ કહ્યું: 'બસ, હું એ જ વાત કહેવા આવ્યો છું, આપના જમણા હાથે રુશ્વત લીધી નથી, લીધી હોય તો એ મૂળમાંથી સડે! આપના ડાબા હાથે રુશ્વત લીધી નથી, લીધી હોય તો એ મૂળમાંથી સડે! હા, આપના ઝભ્ભાની બે બાંયોએ લીધી છે- તે છો ને મૂળમાંથી સડીને ખરી પડતી એ બાંયો! કોણ એની પરવા કરે છે?'
એકદમ હાઉવાઉના આઠે કોઠે અજવાળું પડ્યું. તે બોલી ઊઠ્યો: 'બરાબર! બરાબર! છો ને સડતી એ બાંયો! એ એ જ લાગની છે! મેં કંઈ લાંચ લીધી નથી. હું તો પૂર્ણ સદાચારી જ છું!'
તે દિવસથી દરબારમાં કોથળા જેવી બાંયોવાળા ઝભ્ભાનું ચલણ શરૂ થઈ ગયું તે હજુ પણ ચાલુ જ છે.
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
All reacti

Thursday, July 11, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (15): હાઉવાઉનું ઘોડું

નદીકિનારે ચીની રાજા ચાઉમાઉનો એક મહેલ હતો. ઉનાળામાં રાજા એ મહેલમાં જઈને રહેતા. એકવાર હાઉવાઉને ચાઉમાઉનો સંદેશો મળ્યો કે 'ગઈ કાલે મને ઊંઘ આવી નથી, માટે આવતી કાલે મને ઊંઘ આવે એ પહેલાં તમે આવીને મને મળી જજો.'

હાઉવાઉનું ઘર જરી દૂર હતું. સંદેશો મળતાં જ હાઉવાઉએ ઘોડો પલાણ્યો, ને સવાર થઈ એ રાજા ચાઉમાઉને મળવા ચાલ્યા.
હાઉવાઉનું ઘોડું જરી આળસુ હતું- એવું કે સો ચાબખા ખાય ત્યારે એક ડગલું આગળ ચાલે! હાઉવાઉને એ ઘોડું ઘણું જ પ્રિય હતું.
દીવાનપત્નીએ કહ્યું: 'ક્યાં ચાલ્યા અત્યારે આ ઘોડા પર સવાર થઈને?'
હાઉવાઉએ કહ્યું, 'આવતી કાલે રાજાને મળવાનું છે ખરું ને!'
પત્નીએ કહ્યું, 'આવતી કાલે મળવાનું છે ને? હજી તો આજ છે!'
હાઉવાઉએ કહ્યું, 'અરે! તું આટલું સમજતી નથી? જરી મને જો, મારા ઘોડાને જો, અને અક્કલ ચલાવ! મારો ઘોડો એવો રવાલ ચાલ ચાલે છે કે આજનો નીકળ્યો એ કાલે સાંજે રાજમહેલને દરવાજે મને પહોંચાડે તો હું નસીબદાર!'
દીવાનપત્નીએ કહ્યું, 'વાત તો ખરી!'
હાઉવાઉએ હસીને કહ્યું, 'આ તો દીર્ઘદૃષ્ટિનું કામ છે, રે, દીવાનપદું કંઈ સહેલું નથી!'
હાસ્તો, દીવાનપદું કંઈ સહેલું નથી!
(રમણલાલ સોનીએ લખેલી, સુરતના શ્રી હરિહર પુસ્તકાલય દ્વારા પ્રકાશિત બાળકથાસંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ' , પ્રકાશન: 1967)

Wednesday, July 10, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (14): ભારતના જાદુગરનું તુંબડું

એક વાર રાજા ચાઉમાઉ દરબાર ભરીને બેઠો હતો. ત્યાં એક સંગીતકારે આવી વીણા પર સંગીત શરૂ કર્યું.

રાજા કહે: 'દીવાનજી, આ શું ચાલે છે?'
દીવાન કહે: ' ભારતનો જાદુગર છે, એ તુંબડાની પાસે રુદન કરાવે છે!'
રાજા થોડી વાર સાંભળી રહ્યો.
પછી એકાએક બોલી ઉઠ્યો: 'પ્રધાનજી, જે તુંબડાને રડાવી જાણે તે આપણું શું નહીં કરે?'
દીવાને કહ્યું: 'આપણનેયે રડાવશે.'
રાજાએ રોતલ મોં કરી કહ્યું: 'બાપરે, પણ રડીરડીને હું થાકી ગયો છું. એને પાછો કાઢ!'
દીવાને કહ્યું: 'મહારાજ, બક્ષિસ માગે છે!'
'એકની બે આપ! પણ એને કાઢ! કહી દે કે ભારતમાં જઈને તુંબડાં રડાવ્યા કર; અમારે એની જરૂર નથી. અહીં બીજું રડવાનું ઘણું છે!'
દીવાને મોટી બક્ષિસ આપી ભારતીય સંગીતકારને વિદાય કરી દીધો.
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Tuesday, July 9, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (13): ચીની ભગત અને ચીની દેવ

એક ચીની ભક્ત હતા.

એમણે બહુ ભક્તિ કરી, એટલે એક દેવ એમના પર પ્રસન્ન થયા, ને એમની સામે આવી ઊભા. ભક્તને કહે: 'માગ, માગ, માગે તે આપું!'
ભક્ત કહે: 'આપો!'
રસ્તામાં એક મોટી ઈંટ પડી હતી તે તરફ આંગળી કરી દેવે ભક્તને કહ્યું: 'ઉપાડ!'
ભક્તે જોયું ત ઈંટ સાચા સોનાની બની ગઈ હતી.
પણ એટલાથી ભક્તને સંતોષ થયો નહીં.
એણે ફરી દેવની સામે જોઈ કહ્યું: 'આપો!'
ત્યાં એક લાકડાનો વાઘ પડ્યો હતો. તે તરફ આંગળી કરી દેવે કહ્યું: 'ઉપાડ!'
ભક્તે જોયું તો લાકડાનો વાઘ સાચા સોનાનો બની ગયો હતો.
પણ એટલાથી ભક્તને સંતોષ થયો નહીં. તેણે ફરી દેવની સામે જોઈ કહ્યું: 'આપો!'
ત્યાં એક ખાલી ટોપલો પડ્યો હતો. દેવે એ ટોપલા તરફ આંગળી કરી કહ્યું: 'ઉપાડ!'
ભક્તે જોયું તો ખાલી ટોપલો સોનામહોરોથી ભરાઈ ગયો હતો. તોય એને સંતોષ ન થયો.
એણે કહ્યું: 'આપો!'
હવે દેવને નવાઈ લાગી કે આને જોઈએ છે શું?
તેમણે કહ્યું: 'શું આપું?'
તરત ભક્તે કહ્યું: 'કાપો!'
નવાઈ પામી દેવે કહ્યું: 'શું કાપું?'
ભક્તે દેવની આંગળી તરફ હાથ ધરી કહ્યું: 'એ કાપો ને મને આપો! એ આંગળી જેની સામે ધરો તે સોનું થઈ જાય છે, માટે મને તો તમારી એ આંગળી જ આપો!'
ચીની દેવ પણ ચીની ભક્તના માથાના હતા. કહે: 'તારા માથાની ખોપરીની છરી બનાવી મારી આંગળી કાપી લે! એ વિના એ નહીં કપાય!'
દેવ અદૃશ્ય થઈ ગયા, ને ભક્ત આંખો ફાડી જોઈ રહ્યા. તેમની સામે એક માટીની ઈંટ, એક લાકડાનો વાઘ અને એક ખાલી ટોપલો પડ્યાં હતાં!
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ #ચીનીચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Monday, July 8, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (12): સારું થયું કે હું ખમીસમાં નહોતો!

સાલા ઠાકોરની બહાદુરીની એક વાત આગળ આવી ગઈ છે. આવી એક નહીં, એકસો વાતો એમના વિશે કરી શકાય. કારણ કે વીર પુરુષ માત્ર એક જ પરાક્રમ કરીને શાંત થતો નથી, એ અસંખ્ય પરાક્રમો કરે છે.

સાલા ઠાકોરનું બીજું પરાક્રમ પણ પહેલાં જેવું જ અદ્ભુત છે.
એક વાર સાલા ઠાકોર ઘરમાં નિરાંતે ઊંઘતા હતા. એવામાં મધરાતે એમના ઘરના વાડામાં કાંઈક અવાજ થયો.
સાલા ઠાકોર એકદમ ચમકીને જાગી ગયા. તેમણે હિંમતથી વાડામાં નજર કરી તો ત્યાં અંધારામાં એક ચોર ઊભેલો દેખાયો. ચોરે લાંબી બાંયનું ખમીસ પહેરેલું હતું.
સાલા ઠાકોરનો જુસ્સો એકદમ ઊછળી આવ્યો. તે બોલી ઊઠ્યા: 'મારા ઘરમાં ચોર! હમણાં ખબર પાડી દઉં એને!'
ફડ દઈને એમણે બંદૂક ઊપાડી, ને ચોરની સામે તાકી ધડાકો કર્યો. ગોળી છૂટી ને બરાબર ચોરની છાતીમાં વાગી. ચોરના મોંમાંથી ચીસ નીકળે એ પહેલાં તો એના પ્રાણ નીકળી ગયા! ચોર ઢગલો થઈને નીચે પડ્યો.
સાલા ઠાકોરની ઠકરાણી બંદૂકનો અવાજ સાંભળીને જાગી ગઈ. તેણે કહ્યું: 'શાનો ભડાકો થયો આ?'
સાલા ઠાકોરે કહ્યું: 'વાડામાં ચોર ભરાયો હતો, મેં એક ભડાકે એને પૂરો કરી નાખ્યો!'
ઠકરાણીએ કહ્યું: 'શું કહો છો?'
સાલા ઠાકોરે કહ્યું: 'ખરું કહું છું! બરાબર એની છાતીમાં જ ગોળી વાગી છે! મોંમાંથી ચીસ કાઢે એ પહેલાં તો એના પ્રાણ નીકળી ગયા!'
'નવાઈની વાત!' ઠકરાણીએ કહ્યું.
'એમ વાત છે બંદાની! મારું નિશાન કદી ખાલી જતું નથી!'
ઠકરાણીએ કહ્યું: 'એ સાંભળી મને આનંદ થયો! હવે શું કરવું છે?'
સાલા ઠાકોરે કહ્યું: 'હવે તું સૂઈ જા. જરીકે ગભરાતી નહીં, બીતી નહીં!'
આમ ઠકરાણીને હિંમત આપી સાલા ઠાકોર પોતે પણ પોઢી ગયા, તે સૂરજ ઊગ્યા પછી ઊઠ્યા.
ઊઠીને વાડાનું બારણું ઉઘાડી સાલા ઠાકોરે બહાદુરીથી વાડામાં પગ દીધો. ઠકરાણી એમની પાછળ જ હતી.
જોયું તો વાડામાં ચોરબોર કંઈ મળે નહીં! મરી ગયેલો ચોર ગયો ક્યાં?
ધારી ધારીને જોયું તો એક ખમીસ નીચે પડેલું હતું. ઠકરાણીએ એ ઉપાડીને જોયું તો એ સાલા ઠાકોરનું પોતાનું હતું; અને એની બરાબર વચમાં બંદૂકની ગોળી વાગવાથી કાણું પડ્યું હતું. હવે એને બધી વાત સમજાઈ ગઈ. તે બોલી ઉઠી: 'અરે, આ તો તમારું જ ખમીસ! મેં કાલે ધોઈને વાડામાં દોરી પર સૂકવેલું એ! રાતે એને જ ચોર ધારી તમે એના પર ગોળીબાર કરેલો! ખરા બહાદુર!'
સાલા ઠાકોરે કહ્યું: 'પણ જોને, ગોળી બરાબર છાતીમાં જ વાગી છે ને! ઓહ, ભગવાન કેવો દયાળુ છે!'
ઠકરાણીએ કહ્યું: 'એટલામાં ભગવાન ક્યાંથી યાદ આવી ગયો?'
સાલા ઠાકોરે ગંભીર મુખમુદ્રા કરી કહ્યું: 'તે ન યાદ આવે ભગવાન? આ કંઈ જેવો તેવો બનાવ બની ગયો છે? જો ને, મારું ખમીસ છે અને બરાબર એની છાતીમાં જ મારી ગોળી વાગી છે! તે વાગે જ ને, હું જેવો તેવો નિશાનબાજ છું!'
'પણ એટલામાં ભગવાન-' ઠકરાણી પૂરું બોલી રહે તે પહેલાં તો સાલા ઠાકોરે કહ્યું: 'ભગવાનની દયા નહીં તો બીજું શું? એ તો સારું થયું કે એ વખતે હું મારા ખમીસમાં નહોતો, નહીં તો મારી ગોળીએ મારી જ છાતી વીંધી નાખી હોત ને!'
'ઓહ! ખરી વાત!' હવે વાત ઠકરાણીના સમજવામાં આવી.
સાલા ઠાકોરે પ્રસન્ન થઈ કહ્યું: 'આભાર માન ભગવાનનો કે હું તે વખતે મારા ખમીસમાં નહોતો! નહીં તો મારી જ ગોળીએ વીંધાઈ ગયો હોત ને તું વિધવા થઈ ગઈ હોત! તું બચી ગઈ! તારું નસીબ એટલું સારું! એટલી ભગવાનની તારા પર દયા!'
'દયા જ તો!' ઠકરાણી એટલું બોલી ચૂપ થઈ ગઈ.
આવા અચૂક નિશાનબાજ હતા, ચીની રાજા ચાઉમાઉના સાલા ઠાકોર!
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Sunday, July 7, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (11): સાલા ઠાકોરની બહાદુરી

ચીની ચાઉમાઉના રાજ્યમાં વીરપુરુષોની ખોટ નહોતી. એવા એક વીરની આ વાત છે.

એક વાર ચીની ચાઉમાઉના એક ગામ ઉપર દુશ્મનોએ હુમલો કર્યો. ગામમાં નાનકડી ઠકરાત હતી, અને ઠાકોર હતો ચાઉમાઉનો સાળો. એને બધા સાલા-ઠાકોરના નામે ઓળખતા. કારણ કે ચાઉમાઉ એને સાલા ઠાકોર કહી બોલાવતા. આ સાલા ઠાકોર ગામના લશ્કરના સેનાપતિ હતા. દુશ્મનોએ ગામ પર હલ્લો કર્યો કે સાલા ઠાકોરે પોતાના ઘરના આંગણામાં ઊભા રહી હાકોટો કર્યો: 'મારો, દુશ્મનોને મારી કાઢો!'
રિવાજ મુજબ આ હાકોટો સાંભળી લોકો પણ પોતપોતાના સ્થાને ઊભા રહી 'મારો, મારો, મારી કાઢો! દુશ્મનોને મારી કાઢો!'ની બૂમો પાડવા લાગ્યા.
બૂમો બરાબર શરુ થઈ ગઈ એટલે સાલા ઠાકોર મૂઠીઓ વાળી પોતાના ઘરમાં ઘૂસ્યા, ને છેક અંદરના ઓરડામાં જઈ ત્યાં એક લાંબી પેટી પડી હતી તેમાં ભરાઈ ગયા, ને નોકરને બૂમ પાડી બોલ્યા: 'ઝટઝટ પેટી બંધ કરી તાળું મારી દે! દુશ્મનો આવી ચડે ને ચાવી માગે તો આપતો નહીં!'
નોકરે ઝટઝટ તાળું મારી દીધું.
દુશ્મનો ગામ લૂંટીને પાછા વળી ગયા, ત્યારે નોકરે ધીરે રહીને પેટી ખોલી, સાલા ઠાકોર પેટીમાંથી બહાર નીકળ્યા.
દુશ્મનો ગામ લૂંટીને ગયા એ સાંભળીને તેમણે કહ્યું: 'લૂંટીને ભાગી ગયા કહો! અરે હું કહું છું, એમને ભાગતાં ભોં ભારે પડી ગઈ! બેટમજી આવ્યા ઘોડે ચડીને, પણ મારો એક બાલ પણ વાંકો કરી શક્યા નહીં! હા!હા!હા!'
સાલા ઠાકોરની આ બહાદુરીની વાત સાંભળી ચાઉમાઉ પણ ખુશ થઈ ગયા; તરત જ તેમણે હાઉવાઉને બોલાવ્યો ને સીધો જ સવાલ કર્યો: 'બોલ તેં કદી આવું વીરત્વ દેખાડ્યું છે?'
હાઉવાઉએ કહ્યું: 'જી, એક વખત.'
'એક વખત? તો ઘણું કહેવાય! ક્ય્રારે? કહે!'
હાઉવાઉએ કહ્યું: 'એક વાર મધરાતે મારી ઊંઘ ઊડી ગઈ. હું આંખો ચોળતો, માથાની ચોટલી રમાડતો બહાર અગાશીમાં આવ્યો. અજવાળી રાત હતી. હું ચાંદનીમાં ઊભો હતો. એવામાં અચાનક મેં મારી સામે જોયું તો ચૌદ ફૂટ લાંબો એક કાળો માણસ મારી સામે લાંબો થઈને સૂતો હતો. મારા પગને એના પગ અડતા હતા, ને એનું માથું અગાશીની દીવાલ પર હતું. હું હિંમતથી તેની સામે જોઈ રહ્યો. ત્યાં એણે માથા પરની ચોટલી હલાવવા માંડી- ગિલોડીની પૂંછડી જેવી! મને એની એ ગુસ્તાખી ગમી નહીં: એટલે દોડતા ઘરમાં ઘૂસી જઈ મેં અગાશીનું બારણું બંધ કરી દીધું ને મોઢે ગોદડું ઓઢી સૂઈ ગયો! સવારે ઊઠીને જોઉં છું તો અગાશીમાં કોઈ ન મળે! બેટમજી એમનું કાળું મોઢું લઈને ભાગી ગયા હતા! હારીને જ તો!'
ચાઉમાઉએ આ સાંભળી હાઉવાઉની પીઠ થાબડી કહ્યું: 'વાહ મારા બહાદુર!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Saturday, July 6, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (10): ચીની ગુરુચેલો

ચીની ગુરુચેલાની પણ આવી કેટલીક મજાની વાતો છે. એક વાર એક ગુરુએ એક ભણી ઉતરેલા ચેલાને મળવા બોલાવ્યો. સાત વાર બોલાવ્યો ત્યારે ચેલો આવ્યો.

ગુરુ કહે:'અરે, હું તને સાત વાર બોલાવું, તોયે તું આવે નહિ? શું તું મને નાની સરખી ગુરુદક્ષિણા પણ નહિ આપે?'
ચેલાએ કહ્યું: 'નહિ કેમ આપું? એ આપવી છે એટલે તો હું મોડો આવ્યો! મારી બધી વાત તમારે સાંભળવા જેવી છે!'
ગુરુએ કહ્યું: 'વાહ, બહુ સરસ! કહે, હું સાંભળું!'
ચેલાએ કહ્યું: 'આજે મને એક હજાર રૂપિયા જડ્યા!'
ગુરુએ ખુશ થઈ કહ્યું: 'બહુ સરસ! બહુ સરસ! શું કર્યું તેં એ રૂપિયાનું? બધા વાપરી નાખ્યા તો નથી ને?'
'ના, મેં એવો વિચાર રાખ્યો છે કે ત્રણસો રૂપિયાની જમીન લેવી. ત્રણસો રૂપિયાનું ઘર લેવું; સો રૂપિયાનાં કપડાંં દાગીના લેવાંં.'
ગુરુ અદ્ધર શ્વાસે સાંભળી રહ્યા હતા. કહે: 'સાતસો તો તેં સાફ કરી નાખ્યા. હવે ગુરુદક્ષિણા-'
શિષ્યે કહ્યું: 'અરે, હજી ત્રણસો તો બાકી છે! સો રૂપિયાની ચોપડીઓ, સો રૂપિયાનો ઘોડો-'
'અને ગુરુદક્ષિણા-'
શિષ્યે તરત કહ્યું: 'અને સો રૂપિયા તમને ગુરુદક્ષિણામાં!'
ગુરુ ખુશખુશ થઈ ગયા. કહે: 'વાહ, ચેલા, વાહ!' તેં તો મને ન્યાલ કરી નાખ્યો!'
'તે એની ખુશાલીમાં-' ચેલાએ કહ્યું. વચ્ચેથી જ ગુરુએ કહ્યું: 'આજે તારે મારે ત્યાં જમવાનું!'
'કબૂલ! ગુરુ આજ્ઞાનો કાંઈ અનાદર કરાશે?' ચેલાએ કહ્યું.
તરત જ ગુરુએ પાકા ભોજનનો હુકમ કરી દીધો. શિષ્યે ધરાઈ ધરાઈને ખાધું- પેટ ફાટી જાય એટલું ખાધું, ગુરુએ આગ્રહ કરી કરીને એને જમાડ્યો, રૂપિયા સો ગુરુદક્ષિણા આપી હતી ખરી ને!
જમીપરવારીને ગુરુચેલો આરામ કરવા બેઠા હતા, ત્યાં ગુરુએ ચેલાને કહ્યું: 'હજાર રૂપિયા તેં સાચવીને તો મૂક્યા છે ને?'
ચેલાએ ગંભીરતાથી કહ્યું: 'રૂપિયાનો કેવો ઉપયોગ કરવો એ નક્કી કરી નાખ્યા પછી હું એ રૂપિયા ઉપાડીને સુરક્ષિત સ્થળે મૂકવાનું કરતો હતો, ત્યાં મારી કમજાત બૈરીએ આવી મને આખો ને આખો હલાવી નાખ્યો, ને હું એકદમ જાગી ગયો!'
એકદમ ગુરુના પેટમાં ફાળ પડી, 'હેં! જાગી ગયો? તો શું આ બધું સ્વપ્નું હતું?'
'સ્વપ્નું જ તો! પણ કેવું ફક્કડ! કેવું મજાનું!'
'શું ધૂળ મજાનું? તું મને બનાવી ગયો!'
ચેલાએ શાંતિથી કહ્યું: 'જી, એવું નથી, આપે મને ભણાવ્યો, ને મેં એ ભણતર ઉજાળ્યું- એટલું જ માત્ર થયું છે. બાકી સાચુંં કહું તો રાજા ચાઉમાઉના રાજ્યમાં આજે આવું સ્વપ્નું યે ક્યાં છે?'
એકદમ ગુરુના ગળે વાત ઉતરી ગઈ. તે બોલી ઉઠ્યા: 'ખરી વાત! ખરી વાત! આવું સ્વપ્નું યે આજે દુર્લભ છે! તું નસીબદાર કે તને એવું સ્વપ્નુંયે આવ્યું, મને તો આટલી જિંદગીમાં એવું સ્વપ્નું યે હજી આવ્યું નથી!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Friday, July 5, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (9): તળાવ ખાલી કરી ખેતી કરો!

ચીની રાજા ચાઉમાઉ એક વાર ખુશમિજાજમાં બેઠા હતા. ત્યાં કેટલાક માણસોએ આવીને કહ્યું, 'મહારાજ, અમારે ખેડવા માટે જમીન જોઈએ છે!'

રાજાએ તરત દીવાનને બોલાવી હુકમ કર્યો; 'આ લોકોને જમીન આપો!'
જમીનની તપાસ આવી. ફરતા ફરતા બધા એક તળાવના કિનારે આવ્યા. તળાવનો ફળદ્રુપ કાંપ જોઈ ખેડૂતોએ કહ્યું: 'પાણી ન હોય તો અહીં ખેતી ફક્કડ થાય!'
દીવાને રાજાને આ વાત કરી. રાજા કહે: 'તો તળાવ ખાલી કરી નાંખો! એમાં મને પૂછવા શું આવ્યા? દીવાન થયા છો તો આટલી અક્કલ નથી?'
દીવાનને આ સાંભળી ખોટું તો લાગ્યું, પણ ખોટું લગાડે એવો એ મૂર્ખ નહોતો. એણે તરત ખેડૂતોને હુકમ કરી દીધો: 'આ તળાવ તમારું! એનું પાણી કાઢી નાંખી ખેતી કરો!'
ખેડૂતોએ કહ્યું: 'દીવાનજી, એ પાણીનું શું કરીએ?'
વળી દીવાન વિચારમાં પડી ગયો. એ ગયો રાજા પાસે. રાજા સવાલ સાંભળી તરત બોલ્યો: 'આટલી અક્કલ નથી તમારામાં? બીજું એવડું તળાવ ખોદી એ પાણી એમાં નખાવી દો!'
દીવાન રાજાનો ખુલાસો સાંભળી ખુશ થઈ ગયો. તેણે એ મુજબ હુકમ કરી દીધો.
ત્યાર પછી તળાવનું શું થયું એ નથી રાજાને ખબર કે નથી દીવાનને ખબર.
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Thursday, July 4, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (8): પાકો હુકમ

એક વાર એક ગામના લોકોએ આવી રાજાજીની આગળ ફરિયાદ કરી: 'મહારાજ, અમારા ગામની સીમમાં એક વાઘ પેંધો પડ્યો છે. તે રોજ અમારાં જાનવર મારી ખાય છે. હમણાં તો એક છોકરીનેય મારી નાખી! આપ એ વાઘનો ત્રાસ મટાડો!'

રાજાએ તરત બૂમ મારી: 'દીવાનજી!'
'જી હજૂર!' કરી દીવાન સાત સલામ ભરી ઊભો.
રાજાએ કહ્યું: 'આ વાઘ કોની હકૂમતમાં?'
'જી આપની!'
'બસ, તો લખો હુકમ! પાકો લખજો, કાચો નહિ!' રાજાએ કહ્યું.
પાકો એટલે પથરા પર, ને કાચો એટલે ઢેખાળા પર. રાજાજીના રાજમાં બધા હુકમો ઈંટ કે પથરા ઉપર કોતરાતા.
મોટો પથરો લાવી તેના પર હુકમ કોતરવામાં આવ્યો:
'વાઘ રે વાઘ,
તું અહીંથી ભાગ!
નહિ તો તારું આવી બન્યું,
ચાઉમાઉ રાજાની આણ.'
દીવાને કહ્યું, 'વાહ, ફક્કડ હુકમ કર્યો!'
પછી રાજાએ લોકોને કહ્યું, 'જાઓ, આ હુકમ લઈને ગામની સીમમાં જઈને ઊભા રહો, ને વાઘ આવે એટલે એને આ બતાવજો!'
બે માણસો રાજાનો આ હુકમ લઈને વાઘને દેખાડવા ગયા તો બેયને વાઘ ફાડી ખાઈ ગયો- પણ રાજાને આ વાત કહેવા કોઈ ગયું નહિ. રાજાએ તો માન્યું કે વાઘનો ત્રાસ દૂર થઈ ગયો.

(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Wednesday, July 3, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (7): ચાઉમાઉના રાજ્યમાં દખણાદી દિશા જ નથી!

એક વાર ચાઉમાઉ રાજા ગાદી પર બિરાજ્યા હતા, ને દિવાન હાઉવાઉ બાજુમાં ખડા હતા. એટલામાં એક ભરવાડે આવી ફરિયાદ કરી: 'મહારાજ, મારા ગામની ભાગોળે તળાવના કિનારે હું ભાથું ખાવા બેઠો હતો, ત્યાં એક પઠ્ઠો બદમાશ આવી મારું બધું ખાવાનું પડાવી ખાઈ ગયો; હું એ પઠ્ઠાને અહીં પકડી લાવ્યો છું. આપ એને સજા કરો.'

'જરૂર સજા કરીશ.' રાજાએ કહ્યું.
ત્યાં તો પઠ્ઠાએ કહ્યું: 'કોને સજા કરશો, મહારાજ? ગુનેગારને કે બિનગુનેગારને?'
'ગુનેગારને!' રાજાએ કહ્યું.
'તો પહેલાં ગુનેગાર નક્કી કરો! હું કહું છું કે આ ભરવાડ ખોટું બોલે છે. એ જ ગુનેગાર છે.'
ત્યાં ભરવાડે કહ્યું: 'હું ખોટું નથી બોલતો, મહારાજ. આ પઠ્ઠો ખોટું બોલે છે. મારા ગામની ભાગોળે તળાવની પાળે આજે એણે મને લૂંટી લીધો છે.'
રાજાએ પઠ્ઠાને પૂછ્યું: 'બોલ, આ વિશે તારે શું કહેવું છે?'
પઠ્ઠાએ કહ્યું: 'મહારાજ, આ ભરવાડ 'મારું ગામ', 'મારું ગામ' કરે છે, તે શું એ ગામનો ધણી છે?'
'એ ધણી શાનો? ધણી તો હું છું. કેમ અલ્યા, ખરી વાત?'
ભરવાડે કહ્યું: 'હા, બાપજી. હું ધણી નથી; ધણી આપ છો!'
પઠ્ઠાએ કહ્યું: 'સાબિત થઈ ગયું, મહારાજ, કે એ જૂઠો છે. મારું ગામ, મારું ગામ કરે છે, પણ એનું કોઈ ગામ જ નથી. અને ગામ જ નથી તો પછી ગામની ભાગોળ કેવી અને ભાગોળમાં તળાવ કેવું? તળાવની પાળે એને બેસવાનું કેવું, ને વળી ભાથું ખાવાનું કેવું? વાત સાવ ગપ છે, મહારાજ!'
રાજા કહે: 'બરાબર, બરાબર!'
ત્યાં તો ભરવાડે રાડ પાડી કહ્યું: 'મહારાજ, એ જૂઠો છે, બદમાશ છે, મારા ગામની ઓતરાદી દિશાએ ભૂખિયું તળાવ છે.'
પઠ્ઠો ખડખડ હસી પડી બોલ્યો: 'મહારાજ, સાવ ડિંગ! સાવ ખોટું! આખી દુનિયા જાણે છે કે મહારાજા ચાઉમાઉના રાજ્યમાં ઓતરાદી દિશા જ નથી માત્ર પૂર્વ ને પશ્ચિમ બે જ દિશાઓ છે, પૂર્વમાં સૂરજ ઉગે ને પશ્ચિમમાં આથમે. એને ઓતરાદી દિશાની જરૂર જ નથી! અને ઓતરાદી દિશા જ જો નથી, તો પછી ઓતરાદી દિશામાં ભૂખિયું તળાવ કેવું? અને તળાવની પાળે ભરવાડનું બેસવાનું કેવું? અને મારે એને લૂંટી ખાવાનું કેવું?'
એકદમ દીવાન ઉત્સાહમાં આવી પઠ્ઠાને હેતથી ભેટી પડ્યો ને બોલ્યો: 'બરાબર! બરાબર! જ્યાં ઓતરાદી દિશા જ નથી ત્યાં લૂંટી ખાવાનું કેવું? જે ખાધુંપીધું એ બધું બાપનું જ સમજવું.'
'બાપનું જ તો!' પઠ્ઠાએ કહ્યું.
રાજાએ ભરવાડને ગુનેગાર ઠરાવી કહ્યું: 'તું રાજ્યનો ગુનેગાર છે. હું તને મારા રાજ્યમાંથી દેશનિકાલ કરું છું ને આ પઠ્ઠાને જે ગામ નથી એનો મુખી બનાવું છું.'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Tuesday, July 2, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (6): તું મારી ખુશામત કર!

ચીની ચાઉમાઉના દીવાન હાઉવાઉને એક વાર થયું કે હું રોજ રાજાની ખુશામત કરું છું, પણ કોઈ મારી ખુશામત કેમ નથી કરતું? તેણે પોતાની ખુશામત કરાવવાનું નક્કી કર્યું.

હતો અક્કલવાળો, એટલે સો સોનામહોરોની થેલી લઈને બેઠો. એટલામાં એણે તુંબડા જેવા શેઠ ખાઉંખાઉંને ત્યાં થઈને જતા જોયા. બૂમ પાડી એણે ખાઉંખાઉંને પોતાની પાસે બોલાવી કહ્યું, 'દેખ, મારી પાસે સો સોનામહોરો છે!'
સોનામહોરો જોઈને ખાઉંખાઉંની દાઢ ડળકી. તેણે કહ્યું, 'મને સોનામહોરો બહુ ગમે છે!'
'ગમે છે? તો હું તને આમાંથી દશ સોનામહોરો આપું. તું મારી ખુશામત કરશે?' સીધું જ હાઉવાઉએ પૂછ્યું.
ખાઉંખાઉં પણ અસલ ચીનો હતો. તેણે કહ્યું, 'બસ, માત્ર દશ?'
'તો વીસ આપું.' હાઉવાઉએ કહ્યું.
'બસ, વીસ? સરખો હિસ્સો ન મળે તો હું તમારી ખુશામત શું કરવા કરું?' ખાઉંખાઉંએ કહ્યું.
'વાત તો ખરી! તો હું તને સરખો હિસ્સો આપું. આમાંથી અડધી સોનામહોરો તારી! બોલ, હવે મારી ખુશામત કરશે?' હાઉવાઉએ કહ્યું.
ખાઉંખાઉં શેઠિયાએ કહ્યું, 'ખુશામત કરવાનું મને બહુ ગમે છે-તમારી તો ખાસ! પણ વાત એમ છે કે આપણે બન્ને સરખા ધનના માલિક થયા, એટલે બન્ને સરખા થયા, પછી હું તમારી ખુશામત શા સારું કરું?'
તરત જ હાઉવાઉએ બોલી નાખ્યું, 'તો હું તમને બધીયે સોનામહોરો આપી દઉં-સોએ સો! લો, આ બધી સોનામહોરો તમારી! હવે મારી ખુશામત કરો! જલદી કરો જલદી! મને મારી ખુશામત સાંભળવાનું બહુ મન થયું છે! ઝટ કરો!'
સો મહોરો લઈને ખિસ્સામાં ઘાલી ખાઉંખાઉંએ કહ્યું, 'હવે હું બધી મહોરોનો માલિક થયો. તમારી ખુશામત કરવાની જરૂર ક્યાં રહી?'
એકદમ હાઉવાઉનો પિત્તો ગયો. તેણે ભચ દઈને શેઠિયાની ફૂલેલી ફાંદ પર લાત ઠોકી દીધી! શેઠિયો ગબડીને હેઠો પડ્યો. હાઉવાઉએ એની પાસેથી સોએ મહોરો પાછી લઈ લીધી. ઉપરથી એની પાસે જે કંઈ હતું તેયે પડાવી લીધું ને ફરી એક બીજી લાત લગાવી દીધી!
હવે ખાઉંખાઉં બે હાથ જોડી બોલ્યો: 'બાપુ, દયા કરો! તમે પરમ કૃપાળુ છો, તમે પરમ શક્તિમાન છો! આ ચીન દેશમાં તમારા જેવો લાયક આદમી મેં જોયો નથી. તમે છો તો ચીનની આબરુ છે. તમે છો તો મારી આબરુ છે. તમે છો તો મારા જીવમાં જીવ છે! તમારો જય હો!'
ખાઉંખાઉં શેઠિયાની ફૂલેલી ફાંદ પર ફરી બે લાત લગાવી દઈ હાઉવાઉએ કહ્યું: 'ખુશામત કેવી રીતે કરાવવી તે હવે હું જાણી ગયો છું. એમાં સોનાની જરૂર નથી, લાતની જરૂર છે.'
ખાઉંખાઉં શેઠિયાએ કહ્યું: 'તમારી લાત બહુ પાવનકારી છે, તમારી લાત ખાવા મળે તે નશીબદાર છે. તમારી લાતનો જય હો!'
ફરી એક લાત મારી હાઉવાઉએ ખાઉંખાઉંને જવા દીધો.

(રમણલાલ સોની લિખિત બાળવાર્તા 'ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ', પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પ્રકાશન વર્ષ: 1967)

Monday, July 1, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (5): હાઉવાઉનું સ્વપ્નું

ચીની રાજા ચાઉમાઉના દીવાન હાઉવાઉને એક વાર સ્વપ્નું આવ્યું. સ્વપ્નામાં એણે જોયું તો પોતે ગુજરીમાં મરઘી વેચવા ગયો હતો.

એક માણસ એ મરઘી ખરીદવા આવ્યો.
હાઉવાઉએ કહ્યું: 'મારી મરઘી બહુ ફક્કડ છે; જાડી છે, તગડી છે, અને અચ્છેર અચ્છેરનું ઈંડું મૂકે છે!'
પેલો માણસ આભો બની ગયો. આવી મરઘી એણે ક્યાંય જોઈ નહોતી. તેણે કહ્યું: 'શું કહો છો?' એવી ફક્કડ મરઘી છે? બોલો, શું લેવું છે એનું? મારે જેવી જોઈએ છે તેવી જ મરઘી છે આ!'
હાઉવાઉએ કહ્યું: 'એક રૂપિયો!'
ઘરાકે કહ્યું: 'ઊંહું!ઊંહું! પચાસ પૈસા.'
હાઉવાઉએ કહ્યું: 'નહીં, એંશી પૈસા!'
ઘરાકે કહ્યું: 'ઊંહું!ઊંહું! સાઠ પૈસા!'
હાઉવાઉએ કહ્યું: 'એંશી પૈસામાં એક ઓછો નહીં!'
ઘરાકે કહ્યું: 'સિત્તેર પૈસાથી એક વધારે નહીં! દેવી હોય તો દો, નહીં તો જાઉં છું.'
હાઉવાઉએ કહ્યું: 'તો જા-'
'જા' કહેતાંમાં હાઉવાઉની ઊંઘ ઊડી ગઈ. જાગીને જુએ તો મરઘી શું, ને કાંઈ શું?
તે બોલ્યો: 'ઓહ, જબરી ભૂલ થઈ ગઈ!'
હાઉવાઉની પત્નીએ પૂછ્યું: 'હજી ઉઠ્યા નથી, ક્યાંય ગયા નથી, એટલામાં શાની ભૂલ થઈ ગઈ?'
હાઉવાઉએ નિસાસો નાખી કહ્યું: 'મરઘી હાથથી ગઈ! સિત્તેર પૈસાયે ગયા!'
પત્નીએ કહ્યું: 'શાની મરઘી ને શાના પૈસાની વાત કરો છો?'
હાઉવાઉએ પત્નીને સ્વપ્નાની વાત કરી કહ્યું: 'તે જ વખતે મેં સોદો પતાવી નાખ્યો હોત તો સારું થાત! હવે એ ઘરાક-'
એકદમ એ પાછો પથારીમાં પડ્યો, ને આંખો મીંચી દઈ હાથ લાંબો કરી બોલ્યો: 'ઘરાક, એ.......ઈ ઘરાક, પાછો આવ! લાવ સિત્તેર પૈસા! સોદો કબૂલ!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Sunday, June 30, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (4): ગધેડાના બાપને બી દેખું છું!


ચાઉમાઉના રાજ્યમાં દાતણ પણ કોઈને વેચ્યું હોય તો રાજ્યમાં નોંધાવવું પડે, પછી ગધેડો વેચ્યો હોય તો નોંધાવવો પડે એમાં શી નવાઈ?
'હાક થૂ' કરીને એક વેપારી હતો. તેણે એક ધોળો ગધેડો વેચ્યો, એટલે ગધેડા ખાતાના અમલદારની પાસે એ એની નોંધ કરાવવા ગયો. ગધાધિકારીએ લાંબો કાગળ કાઢ્યો અને એમાં વેચાણનો દસ્તાવેજ લખવા માંડ્યો. એક પાનું લખ્યું, બે લખ્યાં, ચાર લખ્યાં તોયે હજી એમાં ગધેડો શબ્દ આવ્યો નહીં, એટલે વેપારી અકળાયો. તેણે ગધાધિકારીને કહ્યું, 'સાહેબ! ચાર પાનાં લખાયાં તોયે હજી એમાં ગધેડો કેમ દેખાતો નથી?'
નવાઈ પામી ગધાધિકારીએ કહ્યું: 'કેવી વાત કરે છે તું? શું તને અહીં ગધેડો નથી દેખાતો? તો અહીં બીજું છે શું?'
વેપારી આંખો ખેંચી દસ્તાવેજ સામે જોઈ રહ્યો. પછી કહે: 'હું તો કંઈ દેખતો નથી!'
'કંઈ દેખતો નથી? મને પણ દેખતો નથી? આ મારા દીકરાને પણ દેખતો નથી?' ગધાધિકારીએ કહ્યું.
'જી, દેખું છું. એમ તો રૂડુંરૂપાળું દેખું છું.'
'તો ગધેડાને દેખતો નથી એમ કેમ કહે છે?'
માથું ખંજવાળી હવે વેપારીએ કહ્યું: 'દેખું છું, સાહેબ, બરાબર દેખું છું. ગધેડાને બી દેખું છું. અને ગધેડાના બાપને બી દેખું છું.'

(રમણલાલ સોની લિખીત, શ્રી હરિહર પુસ્તકાલય-સુરત દ્વારા પ્રકાશિત બાળવાર્તાસંગ્રહ ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ', પ્રકાશન વર્ષ: 1967)

Friday, June 28, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (3): અમલદારી જાહેરનામું

 ચાઉમાઉના રાજ્યની બીજી પણ ઘણી વાતો જાણવા જેવી છે. ચાઉમાઉના અમલદારો, શેઠશાહુકારો બધા કંઈ કમ નહોતા. દરેક પોતપોતાના ક્ષેત્રમાં નમૂનેદાર હતા.

એવા બે અમલદારોની વાત છે. બન્ને આંખે બહુ જ ઓછું દેખતા હતા. એમના હાથનાં આંગળાંયે એમને દેખાતાં નહીં, તોયે રોજ લાંબા લાંબા હુકમો બહાર પાડવાનો એમનો શિરસ્તો હતો.

એક વાર બન્ને જણા સાથે કચેરીમાં આવ્યા. પણ બારણાં આગળ જ ઊભા રહી ગયા.

એક અમલદારે દીવાલ ભણી ઊંચું જોઈ કહ્યું, 'એઈ જુઓ, પેલો મારો નવો હુકમ! મેં એમાં જાહેર કર્યું છે કે ચીની સાધુઓ ભારતમાંથી ધાર્મિક ગ્રંથો લઈ આવ્યા છે તે પાછા લઈ જવા માટે ભારત ચીન પર ચડાઈ કરવાનું છે! માટે સાવધાન!
બીજા અમલદારે કહ્યું: 'અરે પણ પણે મારો હુકમ લટકે છે એ તો જુઓ. મેં એમાં જાહેર કર્યું છે કે ભારતે ચીન પર ચડાઈ કરી છે, માટે સાવધાન!'
પછી તો બન્ને અમલદારો એક સાથે બોલવા લાગ્યા: 'સાવધાન! સાવધાન! સાવધાન!'
એટલામાં દીવાન હાઉવાઉ ત્યાં આવી પહોંચ્યા. આ બન્નેને ભીંત સામે જોઈ સાવધાન સાવધાન બોલતા જોઈ તેમણે કહ્યું: 'અરે, ત્યાં અદ્ધર શું જોયા કરો છો?'
બન્નેએ જવાબ દીધો: 'નવું જાહેરનામું વાંચીએ છીએ!'
હાઉવાઉએ કહ્યું: 'ક્યાં છે જાહેરનામું? હું તો ભીંત પર કશું દેખતો નથી! ભીંત તો કોરી છે.'
બન્ને જણાએ કહ્યું: 'હેં, તો શું એટલામાં કોઈએ એ ફાડી નાખ્યું? કેવી નાલાયક છે આ દુનિયા!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)