Sunday, April 30, 2023

કવિતાબવિતા (14)

 મુક્તકો

દોસ્ત બની હવે મહાસત્તા,
હાથમાં આપણા બાવન પત્તાંં,
મગદૂર કોની નામ લે આપણું,
મન ફાવે એને કરીશુંં અ....ત્તા.
****
રચાય હરેક પળે ઈતિહાસ નવો,
ઉતારી લો ઢોંસા, ગરમ છે તવો,
કિલ્લોલ કરે સૌ આપણા દીધેલા ઘૂઘરે,
મોંઘો બાજરો, ને સસ્તો કર્યો રવો.
****
વેલકમ મિસ્ટર હરખા,
વી આર વેરી મચ સરખા.
મિડીયોક્રીટી ઈઝ અવર મોટ્ટો,
પૂરા કરીએ મ્યુચ્યુઅલ અભરખા.
(લખ્યા તારીખ: 23-9-2019)
****


દોહરા
પંચોતેરમા માળથી, રીંછ વૃષભ કળાય,
ગુર્જરધરા દુબઈ બને, ઊંટ બહુ અકળાય.
****
સબકા રબ એક હૈ, માલિક સબ કા એક,
સનાતની ઔર વિધર્મી કા, કાર્ડ ભી હોગા એક.
****
એનાર્સી*નો ઘૂઘરો, રણકે રણઝણઝણ,
ક્ષુધા વીસરી જાય સહુ, ચણવા માંડે ચણ.
****
થયો સ્થગિત વાહનવ્યવહાર, થયુંં દોડતું લોક,
પી.યુ.સી. નહીં પ્લેનને, આ તે કેવી જોક.
****
નોંધ: માત્રાને ગણવી નહીં, ગણવા ચરણ ચાર,
ડરવું નહીં કવિતથી, કરવી તીક્ષ્ણ ધાર.
(* એનાર્સી = એન.આર.સી., લખ્યા તારીખ: 24-9-2019)
****



છપ્પા
જબરા છે બે જોડીદાર, નોબેલ તણા એ હકદાર.
હૈયે એમને સદા ઉચાટ, 'શાંતિ અપીલ'નો કરે ઘોંઘાટ.
પીરસવા તત્પર મનોરંજન સદા, 'મારકણી' છે એમની અદા.
*****
તૂં, તાં કેરો છે સંબંધ, ઊભા રહીએ સ્કંધે સ્કંધ,
ખાસ આદત છે અમારી, દેશની ફેરવીએ પથારી,
ભક્તિ ચળવળ ચલાવી આજ, બાકી રાખ્યો પહેરવો તાજ.
*****
હવાઈ, પાય ને નૌકાદળ, દેશની સેનાનું એ બળ,
ટ્રોલદળ અમને કાફી છે, 'હમદર્દ'ની 'સાફી' છે,
કહે એમને કોઈ ભક્ત, એમની રગોમાં અમારું રક્ત.
(છપ્પાનાં છ ચરણ ગણી લેવાં. એ સિવાય બીજી અપેક્ષા ન રાખવી, લખ્યા તારીખ: 25-9-2019)

Saturday, April 29, 2023

કવિતાબવિતા (13)

  કવિઓ થયા એક,

ચાલો, જઈએ છેક.

યુ.પી.ની સ્કૂલનાં બચ્ચાંઓએ જ નહીં,
આપણેય ખાધું નમક,
તક આવી છે લૂણઅદાયગીની,
તક આવી છે ઋણઅદાયગીની,
તક આવી છે તૃણઅદાયગીની.
પહોંચાડીએ રાજાને કાને પ્રજાનો પોકાર,
છે સઘળા નાગરિકો શાહુકાર,
રાજા ખુદ મહાશાહુકાર,
યથા રાજા તથા પ્રજા,
તો પછી શીદ આ આકરી સજા?
પણ રાજા અકળાશે તો? એકે કરી શંકા.
આ રાજા અકળાતો નથી,
આ રાજા કળાતો નથી.
એ ખુદ કવિ છે,
કોણ કરે આપણા સૌના સંગ્રહોનાં વિમોચન,
ભૂલી ગયા? ત્યારે એ બનેલો સંકટમોચન.
એમ સહુ ઉપડ્યા રાજા પાસ.
સૌને એમ કે એ પોતાનો ખાસ.
બોલાવ્યા, બેસાડ્યા, હાથ મિલાવ્યા,
પણ પહેલેથી જોડ્યા હાથ,
વિમોચન માટે નહીં મળે મારો સાથ.
તમે કવિઓ, છોડો રાજ્યાશ્રય,
ત્યાગો ધર્માશ્રય,
ખીલવા દો કવિત,
ક્યાં સુધી રહેશો ભ્રમિત?
વદ્યા કવિ 'બીમાર' ,
કરી ચોખવટ મીટરમાં,
રાજન! અમે ન ધર્માશ્રયી, ન રાજ્યાશ્રયી,
અમે કેવળ 'ખોળા'શ્રયી.
આજે આવ્યા મદદાકાંક્ષાએ,
પણ લેવા નહીં, કરવાની મહત્ત્વાકાંક્ષાએ.
પ્રજા ચૂકે રાજધર્મ,
ધેટ ઈઝ રાજ્યલાદિત ધર્મ,
કર્મયોગીઓ વિસરે કર્મ,
સમજે નહીં કાનૂનનો મર્મ,
ધારણ કરી લે વર્મ.
દંડ ભરવા કરે ઈન્કાર,
દૃશ્ય આ જોઈને,
કવિહૈયું કરે હાહાકાર.
ઉપાય એક રામબાણ,
ન સાંભળો તો રામની આણ.
ભઈ, રામનામની જ છે મોકાણ,
પણ ઠીક છે, સંભળાવો સુજાણ.
બોલ્યા લયબદ્ધ સહકારી મંડળીના કાર્યકારી મંત્રી,
સંગ્રહ ભલે હોય બેની સરેરાશે,
અઢળક અપ્રગટ રચનાઓ,
પડ્યે પડ્યે એ સડે,
ન કોઈની જીભે ચડે.
એનો કરો સદુપયોગ,
સંભળાવો નિયમંભગ કરનારને,
રોંગ સાઈડવાળાને દસ,
વિના લાયસન્સવાળાને વીસ,
હેલ્મેટ વગરનાને ત્રીસ,
પી.યુ.સી. ન હોય એને પચીસ.
પછી જોજો ચમત્કાર,
પ્રજા કરશે નમસ્કાર,
ભરશે દંડ હોંશે હોંશે,
રડતી આંખે, હસતે મુખે,
સુખેદુ:ખે નહીં, દુ:ખેદુ:ખે.
રાજન થયો પ્રસન્ન,
તમારી વાતમાં પહેલી વાર છે દમ.
કવિતા કરતો હું પોતે પણ,
શબ્દનો ભલે હોય કણ,
અસર થાય એની મણમણ.
બસ, એ પછી કવિઓએ,
માણ્યાં શાહી ચા-પાણી.
લલકારી કવિતા પોતપોતાની,
વાહ વાહ! દુબારા! ક્યા બાત હૈ!
કહીને લીધી વિદાય,
રાજાની પવિત્રતા એમને હૈયે રહેશે સદાય.
અને પ્રજાનું શું થયું?
ખાધું, પીધું, તોડ કર્યો ને રાજ કર્યું.

(લખ્યા તારીખ: 20-9-19)

Friday, April 28, 2023

કવિતાબવિતા (12)


પાંચ હાઈકુ નિયમભંગનાં
"કાઢ પાનસો,
પડી નથી માથાની?"
"પેટ પહેલું!"
*****
"સિગ્નલ જોયો?"
"ના, સાહેબ! બિમાર
માનો ફોન છે."
*****
ફરજ તારી
જવાબદારી, અમે
બંધનમુક્ત.
*****
ઈરાદો નથી,
કમાણીનો, જો થાય
તો સ્વાગત છે.
*****
સુરક્ષા કાજે
દંડ, કૌભાંડ કર્યે
મળે સુરક્ષા.

(લખ્યા તારીખ: 18-9-2019)

Thursday, April 27, 2023

કવિતાબવિતા (11)

 દંડ છે, કંઈ વેરો નથી,

શત્રુસૈન્યે ઘાલેલો ઘેરો નથી.

લાદનારનો સ્પષ્ટ ખરો,
ઉઘરાવનારને ચહેરો નથી.
આશય નથી કમાણીનો,
જાત પર તમારો પહેરો નથી.
સભીનો છે, ને કોઈનો નથી.
તેરો નથી, ને મેરો નથી.
ઉભેલા છે બિચારા, હટી જશે,
રસ્તાવચ્ચે નાખેલો દેરો નથી.
ફોરવર્ડ અને શેરિંગ એટલે ક્રાંતિ,
હવે તાઈનામેન સ્ક્વેર કે કેરો નથી.
(રચયિતાની નોંધ: મીટર, સે.મી. કે મિ.મી.ના દોષ પર ધ્યાન ન આપવું. ફૂટપટ્ટીથી માપ્યા વિના લખ્યું છે. લખ્યા તારીખ: 17-9-2019)

Wednesday, April 26, 2023

કવિતાબવિતા (10)

 ઉત્સવ vs. ઉત્સવ


માંડ શમ્યો વિવાદોત્સવ,
ત્યાં આરંભાયો દંડોત્સવ,
કહેવાય કે નથી એ આવકોત્સવ,
બલ્કે છે જાગ્રતોત્સવ,
પ્રદૂષણોત્સવ, નિયમભંગોત્સવ,
શિસ્તભંગોત્સવ, અકસ્માતોત્સવ,
રખડતી ગાયો ઉજવે ઢીંકોત્સવ,
મૃત્યોત્સવને નાથવા હવે દંડોત્સવ,
દંડની રકમની જોગવાઈ માટે થશે લોનોત્સવ,
પછી હપ્તાની ઉઘરાણી માટે વસૂલોત્સવ,
આથી કહેવાય છે કે ભારત ઉત્સવપ્રધાન દેશ છે.
અહીં પ્રધાન ઉત્સવ નક્કી કરે છે.
પ્રધાન ઉત્સવ યોજે છે.
પ્રધાન પ્રજોત્સવમાં માને છે.
પ્રજા પ્રધાનોત્સવમાં માને છે.
વર્ષ આખું ઉજવાય છે શ્રદ્ધોત્સવ,
કે પછી લોકશાહીનો શ્રાદ્ધોત્સવ!


(લખ્યા તારીખ: 16-9-2019)

Tuesday, April 25, 2023

કવિતાબવિતા (9)

મૂંઝવણ છે ભારી, શું લેવું સ્ટેન્ડ
અસ્મિતા અને લાડુ(ડી)ના ઝઘડાનો
ક્યારે આવે ધ એન્ડ.
ટેકો આપીએ એકને, બીજા થાય નારાજ,
મૌન રહીને જોવાથી તો આપણે થઈએ તારાજ.
એને બદલે કરીએ એમ, તાણી લાવીએ ગાંધીને,
સબકો સન્મતિ દે ભગવાન,
'ધ બૅડ, ધ અગ્લી'નો થજો નાશ,
પ્રવર્તશો માત્ર 'ધ ગુડ',
આવું આવું બોલીને મેળવીએ 'ફીલગુડ',
પગ પડ્યો કુંડાળે, કે કુંડાળા સિવાય ચાલવાની જગ્યા જ નથી?
ધર્મ સનાતન, દુકાન ટનાટન, વચ્ચે આવે એને દે ધનાધન,
સૌ સૌનું આગવું બૅન્ડ, ઢેન્ટેણેન, ઢેન્ટેણેન, ઢેન્ટેણેન.
એનો કદી નહીં આવે ધ એન્ડ.


(લખ્યા તારીખ: 10-9-2019)


Monday, April 24, 2023

કવિતાબવિતા (8)


ચાલો, દૂરથી સૌને ઑ'રાઈટ કરીએ,
જાણીને કરેલાને ઓવરસાઈટ કરીએ.
હીસ્ટ્રીશીટ બદલવાની ઝંઝટમાં કોણ પડે?
આવો, હીસ્ટ્રીને જ રીરાઈટ કરીએ.
કોરોના શું ઉખાડી લેવાનો અમારું?
પ્રજાને જ એ બહાને ટાઈટ કરીએ.
અંદરોઅંદર ઝઘડી લો પહેલાં,
પરવારો પછી પાકિસ્તાન સાથે ફાઈટ કરીએ.

(લખ્યા તારીખ: 2-4-2021)

Sunday, April 23, 2023

કવિતાબવિતા (7)

 ન લીલો, ન કેસરી કે કેવળ શ્વેત,

મેઘધનુષી રંગ ધર્મસ્થાને પ્રવેશે,
છદ્મ નહીં, પણ ખુલ્લા વેશે,
કશું હોવાનો ગર્વ નહીં,
ન હોય કશું ખતરામાં,
જાનીવાલીપીનારા કહો,
કે રાનાપીલીવાભૂજા
યા VIBGYOR,
તો અહીંથી જે પણ નીપજશે એ હશે પ્યૉર.

(સ્થળ: કેવડીયા કોલોની)
(લખ્યા તારીખ: 12-1-2020)

Saturday, April 22, 2023

કવિતાબવિતા (6)

 થયું પરીક્ષણ અણુબોમ્બનું, જ્યારે ટાળવા યુદ્ધ

પહોંંચ્યો સંદેશો સાંકેતિક કે મલકાયા છે બુદ્ધ
જ્યારે આવે અંદરથી આફત, મૂલ્યો કે નીતિ તણી,
સવાલ ત્યારે કાયમ થાય કે શું કરતા હશે બુદ્ધ
ભલે ત્યાગ્યાં પત્નીબાળક, ને છોડ્યું રાજપાટ પણ,
એમને ત્યાગે રાજપાટ કાજે એ જ ખરો હવે બુદ્ધ
વાળ એમના ગૂંચળીયા, આદર્શ છે શોપીસ માટે,
'બુદ્ધા' સાંભળી સાંભળીને હવે મલકાતા હશે બુદ્ધ
(એક ભોજન કાર્યક્રમમાં વાનગીઓના કાઉન્ટરના સુશોભનમાં મૂકાયેલા બુદ્ધનાં પૂતળાં જોઈને,
લખ્યા તારીખ: 9-12-2019)

Friday, April 21, 2023

કવિતાબવિતા (5)

 પાડીએ શટર લોકશાહીનું, ને માથે મારીએ તાળું,

ઉજળા રહીને જાતે, કરીએ મતદાતાનું મોં કાળું

સ્યોર સજેશન્સમાં પૂરાયા શિખાવાળા ચાણક્ય,
ધનનંદના વારસો ઓચરે એ જ હવે ધ્રુવવાક્ય
લાજશરમ થયાં પરાજિત, ને વિજયી બની લાલસા,
નીતિ, વફાદારી, ઈમાનદારીને આવ્યું હવે વાર્ધક્ય
દેશ છે કે છે કોઈ એ વિશાળ ભવ્ય હમામ,
નિર્વસ્ત્રોમાં રચાયું જાણે, કેવું વૈશ્વિક ઐક્ય!


(લખ્યા તારીખ: 24-11-2019)

Thursday, April 20, 2023

કવિતાબવિતા (4)

 મોટા થઈને બનવું શું, એ સવાલ પૂછાયો,

ભણી રહેલો યુવાન હતો એ રાજકારણીનો જાયો,

ગાદી તમારી સંભાળીશ ને એને ઉજાળીશ,
બની રહીશ સદા હું ખુરશી તણો પડછાયો
અપેક્ષા આવા ઉત્તરની હતી પિતા કમ નેતાજીને,
પણ ધાર્યા કરતાં પુત્ર નીકળ્યો સવાયો ડાહ્યો
જમીન અપાવી રિસોર્ટ બનાવી બેસાડો ત્યાં મને
ખુરશી જાય ખાડે,રાજ કરશે અહીં તમારો કનૈયો

(લખ્યા તારીખ: 26-11-19, 
સંદર્ભ: વખતોવખત એક પક્ષમાંથી ઉમેદવારોને સાગમટે પક્ષપલટો કરાવતી વખતે તેમને કોઈ ને કોઈ રિસોર્ટમાં લઈ જઈને ગોંધી રાખવામાં આવે છે એ મુદ્દો)

Wednesday, April 19, 2023

કવિતાબવિતા (3)


ત્રણ હાઈકુ
તાજા જન્મેલા
પિતા, નથી એ પીતા,
ખાતાય નથી.
****
યોજો રોડ શો
ભલે, લાવશો ક્યાંથી,
રોડ અતૂટ?
****
વિશ્વપ્રવાસી,
'કબૂતર' બને તો,
ફેરો સફળ.

(લખ્યા તારીખ: 27-9-2019) 

Tuesday, April 18, 2023

કવિતાબવિતા (2)


ત્રણ ત્રિપદીઓ
પી.યુ.સી.ની આ પ્રથા ધન્ય છે,
પતિત પાવન સીતારામ,
કાર્બન મોનોક્સાઈડ શૂન્ય છે.
****
ચુંબક છે માથું, નહીં કે હેલ્મેટ,
નીકળી જુઓ વિના હેલ્મેટે દ્વિચક્રી પર,
આકર્ષાય પોલિસમેન જાણે કે મેગ્નેટ.
****
વીમો, લાયસન્સ, હેલ્મેટ, પી.યુ.સી.
બચાવી શકે દંડ ને અકસ્માતથી,
બચાવશે કોણ જીવનથી, લેટ્સ સી!

(લખ્યા તારીખ: 22-9-19
સંદર્ભ: વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો હતો)

Monday, April 17, 2023

કવિતાબવિતા (1)

કવિતા લખવાની મને જરાય ફાવટ નથી કે એ શીખવા તરફનો મારો ઝુકાવ પણ નથી. પણ કોઈક એવી ઘટના બને ત્યારે લંબાણથી કશું લખવાને બદલે વ્યંગ્યાત્મક રીતે અને ટૂંકમાં કહેવા માટે હું કવિતાનો ઉપયોગ કરું છું- જો આ લખાણને કવિતા કહેવાય તો. મારા માટે એ વ્યંગ્યનું એક ઓજાર છે. એથી વધુ નહીં અને એથી ઓછું નહીં. 'કવિતાબવિતા'ના શિર્ષકથી લખાયેલી વિવિધ ઘટનાઓમાં એ તે સમયની નાનીમોટી ઘટનાઓ પર વ્યંગ્ય હશે. આ ઉપરાંત પેરડી મારો ગમતો પ્રકાર છે એટલે એ પણ જે તે ઘટના અનુસાર અહીં મૂકાયેલી હશે. યાદ છે એ કિસ્સાઓમાં મૂળ ઘટનાનો સંદર્ભ લખ્યો છે. ક્યારેક કોઈક તસવીરનો સંદર્ભ તરીકે ઉપયોગ કરેલો છે. આ બ્લૉગ પર 'કવિતાબવિતા'ના શીર્ષકથી આવી કવિતાઓ મૂકાયેલી છે. એ અંગેની આ પહેલવહેલી પોસ્ટ હોવાથી આટલી સ્પષ્ટતા. 


ચોટલીયા, બૉટલીયા, ખાટલીયા,
જૈસે ભી હૈં, દિલ તુઝ કો દિયા.
ખાયા હૈ ધબ્બા, પીયા હૈ આમરસ,
ક્યા કરેં, સોચ કે જલે હૈ જિયા.
ગેન્ગ કે દુશ્મન, ગંગા કે યાર,
જો ભી કિયા સોચસમઝ કે કિયા.
રખેં, વાપિસ કરેં યા ફેંકેં, સબ એક જૈસા,
ઈસ બહાને સબને નામ તો લિયા.

(લખ્યા તારીખ: 15-9-2019)
(સંદર્ભ: મોરારી બાપુ અને નીલકંઠવર્ણી- સ્વામીનારાયણ વિવાદ)

Sunday, April 16, 2023

આ હરોળ ખાલી કેમ છે?


- રાહુલ રવૈલ
વકીલસિંઘજીએ આગ્રહ રાખ્યો કે અમે પંજાબ આવીએ. આથી અમે અમૃતસર ગયા, અને એરપોર્ટથી શહેર તરફ જતાં રસ્તામાં ઠેરઠેર પાટિયાં જોવા મળ્યાં- 'બૉબી લૉન્ડ્રી', 'બૉબી ટેલર', 'બૉબી બાર્બર', 'બૉબી ફલાણું', 'બૉબી ઢીકણું' અને 'બૉબી બુચર' પણ! 'બૉબી' ખરા અર્થમાં 'કલ્ટ ક્લાસિક' બની ગઈ હતી.
અમે સિનેમા હૉલ પહોંચ્યા, જેમાં 'બૉબી'નું સાતમું સપ્તાહ ચાલી રહ્યું હતું. પણ બહાર ઊભેલું ટોળું ફિલ્મના પહેલા દિવસે હોય એવડું મોટું હતું. બુકિંગ પર 'હાઉસ ફૂલ'નું પાટિયું લગાવેલું હતું.
અમે અંદર ગયા અને બુકિંગ વીન્ડો ખુલ્લી જોઈ. 'હાઉસફૂલ'નું પાટિયું હોવા છતાં બે મહિલાઓ ટિકિટ વેચી રહી હતી. મેં વકીલસિંઘજીને પૂછ્યું, 'આ બે સ્ત્રીઓ કોણ છે?'
એમણે કહ્યું, 'એક તો થિયેટરના માલિકની પત્ની છે અને બીજી એની પુત્રવધૂ છે.'
મેં કહ્યું, 'પણ ફૂલ થઈ ગયેલા શોની ટિકિટો એ શી રીતે વેચી શકે?'
એ બોલ્યા, 'કાળા બજારમાં.'
અમે અંદર પ્રવેશ્યા ત્યારે થિયેટરમાં અતિશય ભીડને લઈને ગૂંગળામણ થાય એવું વાતાવરણ હતું.
મેં કહ્યું, 'ભીડ વધુ પડતી છે. થિયેટરની કેપેસીટી કેટલી છે?'
એ કહે, 'જી, કેપેસીટી ક્યા હોતી હૈ! જિતને લોગ આ જાયે, ઉતની કેપેસીટી.'
મેં કહ્યું, 'સીટોં કા કોઈ નંબર તો હોગા?'
એમણે કહ્યું, 'અરે રાહુલસાબ. કૌન પૂછતા હૈ નંબર ક્યા હોતા હૈ?'
બપોરના ત્રણનો શો હતો અને સવા ત્રણ થઈ ગયેલા, છતાં ફિલ્મ શરૂ નહોતી થઈ. સીટો ભરાઈ ચૂકી હતી, વચ્ચેની જગ્યામાં એકસ્ટ્રા ખુરશીઓ મૂકાયેલી હતી, કેટલાક લોકો એ જગ્યામાં સાંકડમાંકડ ઊભા હતા, કેટલાક ભોંય પર ગોઠવાયા હતા, પણ આ આખા માહોલમાં વચ્ચોવચ એક હરોળ હતી જે ખાલી હતી. એમાં પીઠના ભાગે ગાદીઓ મૂકવામાં આવેલી.
મેં પૂછ્યું, 'આ હરોળ ખાલી કેમ છે? અને ફિલ્મ હજી કેમ શરૂ નથી થઈ?'
તેમણે કહ્યું, 'જો થિયેટર કા માલિક હૈ ઉસકે બચ્ચોં કે સ્કૂલ કા માસ્ટરજી ઔર ઉનકા ખાનદાન અભી તક નહીં આયા. ઉનકે લિયે યે રો ખાલી રખા હુઈ હૈ. ઉનકે આને તક ફિલ્મ શુરુ નહીં હો સકતી.'
વેલકમ ટુ પંજાબી કલ્ચર!
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો મુક્તાનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)

Saturday, April 15, 2023

શીરો, સંત અને રાજ કપૂર

 

પોતાનો ધાર્મિક એજન્ડા ચલાવીને નાણાં બનાવતા દંભી 'સાધુસંતો'ને રાજસાહેબ ધિક્કારતા. તેમની આસ્થા કેવળ સર્વશક્તિમાનમાં હતી. એ સમયના એક સંતે (એમનું નામ હું લેવા નથી માંગતો) પોતાનું કામ નવુંસવું શરૂ કરેલું, જેઓ પછી બહુ ખ્યાતનામ બન્યા. તમામ સંતો ખ્યાતનામ બનવા માટે જનસંપર્કનો ઉપયોગ કરે છે અને નિર્દોષ લોકોને પોતાના ભક્ત બનાવવા માટે લલચાવે છે.
આ સંત દ્વારા યોજાયેલા શ્લોકગાનમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ રાજસાહેબને એક સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા મળ્યું. સ્થળ પર પહોંચતાં જ આયોજકોએ અમારું અભિવાદન કર્યું અને અમારી સુવિધા સાચવવા માટે તત્પરતા બતાવીને અમને પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા. રાજસાહેબે આસપાસ જોયું અને પૂછ્યું, 'કુર્સી કહાં હૈ?' બાકીના બધા ભોંય પર કે ગાદલાં પર ગોઠવાયેલા હતા, પણ રાજસાહેબને ખુરશી જોઈતી હતી અને તેમણે કહ્યું, 'દો કુર્સી લેકર આઈયે.' હું તેમની સાથે હતો એટલે મને પણ ખુરશી પર બેસવાનો લાભ મળ્યો.
ગાન ચાલી રહ્યું હતું અને તેઓ શીરાનો પ્રસાદ વહેંચાઈ રહ્યો હતો. રાજસાહેબનું ધ્યાન પડ્યું અને કહે, 'પેલો શીરો મજાનો લાગે છે.' પેલા સંત જે ઉપદેશ આપવાના હતા એના કરતાં તેમને શીરામાં વધુ રસ હતો. શીરો વહેંચનાર પોતાના સુધી આવે ત્યાં સુધી તેઓ રાહ જોઈ શકે એમ નહોતા એટલે તેમણે મને કહ્યું, 'જા અને પેલા માણસને કહે કે પહેલો અહીં પીરસે.' આથી હું પેલા માણસ પાસે ગયો અને કહ્યું, 'રાજ કપૂર તમને બોલાવે છે.' મારા શબ્દો સાંભળીને તેની આંખ ચમકી અને તરત જ તે શીરો ભરેલું એક મોટું તપેલું તેમજ બે નાના વાટકા લઈને આવી ગયો. રાજસાહેબ મહા 'ફૂડી' હતા એટલે તેમણે આખું તપેલું જ પોતાના તરફ ખસેડ્યું અને બધો શીરો ઝાપટી ગયા!
એ પછી આયોજકો તેમની પાસે આવ્યા અને તેમને ફૂલહાર પકડાવતાં કહ્યું, 'આપ જાકે બાબાજી કો યે પહના દેના.'
રાજસાહેબ ખુરશી પર બેઠા રહ્યા અને શીરાની લિજ્જત માણતા રહ્યા. આથી મેં તેમને કહ્યું, 'સર, તમારે ઊભા થઈને ત્યાં જઈ આ હાર પહેરાવવો ન જોઈએ?'
'જો, હું રાજ કપૂર છું. આ માણસને પબ્લિસિટી જોઈએ છે. એ એની મેળે ઊભો થશે, અહીં આવશે અને મને હાર પહેરાવશે.' અને ખરેખર આમ જ બન્યું. પેલા સંત ઊભા થયા, રાજ કપૂર પાસે આવ્યા અને તેમના ગળામાં ફૂલહાર પહેરાવ્યો. આમ, બેવડો લાભ થયો. પેલા દંભી સંતને તસવીર લેવાની તક મળી અને રાજસાહેબને શીરાનો લહાવો!
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો અનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)

Friday, April 14, 2023

આ કે ફિર ના જાના રે.....

સ્વપ્રસિદ્ધિના આ ઘોર યુગમાં એવા કલાકારોની કલ્પના કરવી અશક્ય લાગે કે જેઓ ખરેખરાં પ્રતિભાશાળી અને પોતાની કારકિર્દીની ટોચે હોવા છતાં પ્રયત્નપૂર્વક પ્રસિદ્ધિથી દૂર રહ્યાં હોય. ખ્યાતનામ ભજનગાયિકા જુથિકા રોયને આ શ્રેણીમાં મૂકી શકાય. એ ઉપરાંત આવાં બીજાં ગાયિકા એટલે શમશાદ બેગમ.

1940થી 1965નો સમયગાળો તેમની કારકિર્દીનો સુવર્ણયુગ કહી શકાય. એ પછી પણ તેઓ સક્રિય રહેલાં. અનેક અદ્ભુત ગીતો પોતાની આગવી શૈલીએ ગાનાર આ ગાયિકાના અવાજની ધાર એટલી તીક્ષ્ણ છે કે એ કોઈ રમતિયાળ ગીત ગાય તો એમાં એમનો અંદાજ એકદમ નિરાળો હોય, પણ દર્દીલું ગીત ગાય તો રીતસર બરછીની જેમ એમનો અવાજ કાનની અને હૃદયની આરપાર નીકળી જાય. 1965 પછી ધીમે ધીમે તેમણે ગાવાનું ઓછું કર્યું, પણ કારકિર્દીની ટોચે હતાં ત્યારેય તેમની એકાદી તસવીર ભાગ્યે જ જોવા મળતી, અને ઇન્ટરવ્યૂ તો લગભગ નહીં. યોગ્ય સમયે ગાયનક્ષેત્રથી દૂર થઈ ગયા પછી તેમના વિશે ભાગ્યે જ કશું સાંભળવા મળતું. આમ છતાં, તેમના કંઠના ઘરેડ ચાહકોને તેમનાં ગીતો વ્યાકુળ કરી મૂકતાં. એક તબક્કો એવો આવ્યો કે તેઓ હયાત છે કે કેમ એ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું. પ્રસારમાધ્યમોમાં ન ચમકવાને કારણે એમ મનાતું કે હવે તેઓ વિદેહ થઈ ચૂક્યાં હશે. એવે સમયે રજનીકુમાર પંડ્યા તેમને તેમના મુમ્બઈના નિવાસસ્થાને મળ્યા. એ મુલાકાતનો હૃદયંગમ અહેવાલ તેમણે 'જન્મભૂમિ- પ્રવાસી'ની પોતાની કટાર 'શબ્દવેધ'માં આલેખ્યો ત્યારે એ ગાયિકા હજી હયાત છે એની જાણ થઈ. અલબત્ત, રજનીકુમારનો એ લેખ બહુ વિષાદપ્રેરક હતો. શમશાદ બેગમના અંગત જીવનની અને વ્યક્તિગત કારુણી એમાં છલકતી હતી. હું અને ઉર્વીશ આ જ અરસામાં રજનીકુમારના સંપર્કમાં આવેલા. સાથોસાથ અમે મુમ્બઈ જઈને જૂની ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોને મળવા જવાનું વિચારતા હતા. રજનીકુમારની એક મુલાકાત દરમિયાન તેમણે અમને પોતે લીધેલી શમશાદ બેગમની એક તસવીર ભેટ આપી. એ સાથે જ અમને થયું કે બસ, ગમે એ થાય, શમશાદ બેગમને મળવું. મળીને શું કરીશું? કશું નહીં. બસ, એમનાં દર્શન થાય તો ઘણું. અમારે એમને કશું પૂછવું નહોતું કે નહોતું કશું જાણવું. બસ, તેમના દર્શન કરીને અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી હતી. તેમનું સરનામું અમારી પાસે હતું એટલે મુમ્બઈની એક મુલાકાત દરમિયાન સાંજના સમયે અમે કોલાબામાં આવેલા તેમના એપાર્ટમેન્ટના ફ્લેટ પર પહોંચ્યાં. ડોરબેલ વગાડ્યો. મુમ્બઈના ફ્લેટની શૈલી અનુસાર ગ્રીલની પાછળ રહેલા બારણાની ડોકાબારી સરકી અને અંદરથી એક મહિલાનો અવાજ આવ્યો, 'કૌન હૈ?' હું અને ઉર્વીશ આ સવાલનો જવાબ તરત નહોતા આપી શકતા, કેમ કે, શું કહેવું? અમે કહ્યું કે અમે શમશાદ બેગમના ચાહક છીએ અને એમને મળવા.... હજી આટલું કહીએ ત્યાં તો અંદરથી કડક અવાજમાં બોલાયું, 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી. આપ જાઈએ!' અને 'ધડામ!' દઈને ડોકાબારી બંધ. કલાકાર સાથે મુલાકાત ન થઈ શકે એવું અમને અપેક્ષિત હતું, પણ 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી' જેવું વાક્ય સાંભળવું અમારા માટે આકરું હતું. અમે નીચે ઉતરીને એક જગ્યાએ ઉભા રહ્યા. અમારો ગુસ્સો વ્યક્ત કર્યો, જેનો ભાવ હતો, 'ભલે ના પાડો, પણ સરખી રીતે ના નથી પડાતી?' બે-પાંચ મિનીટ પછી અમારો ગુસ્સો અને અપમાનબોધ ઓછો થયો એટલે અમે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. એમાં તારણ એ નીકળ્યું કે ગુસ્સામાં જે બહેન બોલેલાં એ એમની દીકરી ઉષા હોવાં જોઈએ, કેમ કે, એમનો અવાજ પણ શમશાદ બેગમના જેવો જ લાગતો હતો. આ તારણ પછી અમે કંઈક સ્વસ્થ થયા અને એટલું તો લાગ્યું કે અમે ખોટે ઠેકાણે નહોતા આવ્યા. પછી અમે ત્યાંથી નીકળ્યા. અમે ધારી લીધું કે બસ, હવે શમશાદ બેગમને મળવાનું ભૂલી જઈએ!
પણ એમ આપણું ધારેલું ઓછું થાય છે! એ પછી વરસો વીત્યાં. ઉર્વીશ અને હું લેખનના ક્ષેત્રમાં પ્રવેશ્યા. રજનીકુમારના સ્વજન સમા બન્યા. અમારું વર્તુળ પણ વિસ્તર્યું. એવે વખતે 2010માં અમદાવાદની 'ગ્રામોફોન ક્લબ'માં શમશાદ બેગમનું આગમન નક્કી થયું. આ ગોઠવણ પણ રજનીકુમાર દ્વારા જ કરવામાં આવેલી. 'ગ્રામોફોન ક્લબ'ના મહેશભાઈ શાહ, મિલન જોશી જેવા પ્રિય સ્વજનો પોતાને ત્યાં આવતા મહેમાનો માટે કાર્યક્રમના આગલા દિવસે ભોજન યોજે છે. તેમણે અમને એમાં આમંત્રિત કર્યા. ઉર્વીશ અને હું તો બરાબર, પણ કામિની, શચિ, ઈશાન, સોનલ અને આસ્થા પણ એમાં સામેલ હતાં. જે શમશાદ બેગમને ઘેરથી અમને તગેડવામાં આવેલા એ શમશાદ બેગમ અમારી સામે જ વ્હીલચેરમાં હાજર હતાં. અમે સૌએ તેમની સાથે યાદગીરીરૂપે તસવીરો લીધી. પણ રજનીકુમારના મનમાં એ વાત સતત ખટકતી હતી કે અમે શમશાદ બેગમને મળી નહોતા શક્યા. શમશાદ બેગમની સાથે તેમના જમાઈ કર્નલ રાત્રા આવેલા. રજનીકુમારે કર્નલને વિનંતી કરીને બીજા દિવસે સવારે એમની હોટેલ પર અમારી મુલાકાત ગોઠવી આપી. આ શુભ પ્રસંગના સાક્ષી બનવા તેઓ પણ ઉપસ્થિત રહ્યા. અમે એવી ધારણા બાંધેલી કે શમશાદ બેગમને હવે ભાગ્યે જ કશું યાદ હશે. અને કદાચ યાદ હોય તો પણ એ અમને જવાબ આપે કે કેમ! આમ છતાં, અમે ગૃહકાર્ય તરીકે આઠ-દસ સવાલ એક ચબરખીમાં લખી રાખેલા. બસ, એના જવાબ મળી જાય તો ગંગા નાહ્યા!
બીજા દિવસે અમે સૌ સમયસર શમશાદ બેગમના હોટેલના ઉતારે પહોંચ્યા. કર્નલે અમને આવકાર્યા અને એક ખૂણે બેઠેલાં શમશાદ બેગમ તરફ આંગળી ચીંધી. રજનીકુમાર કર્નલ સાથે વાતોમાં રોકાયા અને તેમણે અમને બન્નેને શમશાદ બેગમને મળવાની મોકળાશ કરી આપી. સવાલ ઉર્વીશે પૂછવાના હતા, અને મારે હાથમાં સ્થિર પકડી રાખેલા કેમેરામાં એનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું હતું. કેમેરા જોઈને કર્નલ ભડક્યા અને એમણે રેકોર્ડિંગની ના પાડી, એટલે મેં એક વાર કેમેરા બંધ કર્યો અને પછી ફરી ચાલુ કર્યો.
અમારા આશ્ચર્ય વચ્ચે શમશાદ બેગમની સ્મૃતિ ટકોરાબંધ હતી. અમારા એકે એક સવાલના જવાબ તેઓ મોજથી આપતા હતા. વીસ-પચીસ મિનીટમાં આ વાર્તાલાપ પૂરો થયો અને અમે ખરા અર્થમાં 'ઘેર બેઠે ગંગા નાહ્યા'નું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એમ લાગ્યું.
શમશાદ બેગમ હવે તો હયાત નથી, પણ 14 એપ્રિલના રોજ તેમની જન્મતિથિ છે. શમશાદ બેગમની એ મુલાકાત સાથે જ રજનીકુમારની અમારા માટેની નિસ્બત પણ અભિન્ન રીતે સંકળાયેલી છે.
શમશાદ બેગમનાં ગીતોને યાદ કરવા ક્યાં કોઈ દિનવિશેષની જરૂર છે! અમારી એ મુલાકાતનો અહેવાલ ઉર્વીશના બ્લૉગ પર અહીં વાંચી શકાશે .

Thursday, April 13, 2023

વ્યાજના વ્યવસાયમાં ખૂંપેલો નિર્વ્યાજ પ્રેમનો માણસ

 13 એપ્રિલ મારા મિત્ર અજય પરીખનો જન્મદિન છે. જો કે, એનું આ નામ ઉચ્ચારવું તેને ઓળખતા સહુ કોઈને માટે જરા અસહજ છે. એનું પ્રચલિત નામ છે 'ચોકસી'. એનો પેઢીગત વ્યવસાય સોના-ચાંદીના દાગીનાના ધીરધારનો, અને એનો ગ્રાહકવર્ગ પણ મુખ્યત્વે મહેમદાવાદ તાલુકાનો ગ્રામ્ય વર્ગ. એ વર્ગ પણ ઘણોખરો વારસાગત ગ્રાહકવર્ગ. આને કારણે અમારા મિત્રવર્તુળમાં એ મોટે ભાગે મજાકનું કેન્‍દ્ર બની રહે.

અજય અને હું પાંચમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી એક જ વર્ગમાં ભણ્યા- વચ્ચે એક નવમા ધોરણના અપવાદને બાદ કરતાં. આવા અમે કુલ દસેક મિત્રો છીએ. એ પછી તેણે ડિપ્લોમા ઈન મિકેનીકલ એન્જિ. કર્યું. ત્યાર પછી પોસ્ટ ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એપ્લિકેશન ભણ્યો. જો કે, એ નક્કી હતું કે તેણે મહેમદાવાદમાં રહેલો પોતાનો પેઢીગત વ્યવસાય સંભાળવાનો છે. પણ કમ્પ્યુટર જ્યારે સહુ કોઈ માટે એક અજાયબી સમાન હતું ત્યારે એ કમ્પ્યુટર લાવેલો, અને તેની પર અમુક સોફ્ટવેર વિકસાવેલા. ગણિત અને એમાંય અંકગણિત એના હાડોહાડમાં ઊતરેલું. અમે શાળામાં ભણતા ત્યારે અમારા ગણિતશિક્ષક મગનભાઈ (પટેલ) સાહેબ કોઈક અઘરા દાખલાની રકમ કે ભૂમિતીની રાઈડર પાટિયા પર લખે અને પછી કહે, "ચાલ અજય, આ ગણ." અને અજય ઊભો થાય, શાંતિથી પાટીયા નજીક જઈને દાખલો ગણવા માંડે. અમારી શાળાના આચાર્ય કાન્તિભાઈ દેસાઈ એક વખત મગનભાઈના વર્ગમાં આવ્યા અને છેલ્લી પાટલી પર ગોઠવાયા. કાન્તિભાઈ સાહેબ પોતે પણ ભૂમિતિના નિષ્ણાત અને ઘણી વાર તેઓ વર્ગ લેવા આવતા. ખાસ્સી વાર બેઠા પછી દેસાઈસાહેબે કહ્યું, "મગનભાઈ, એક રકમ લખો." મગનભાઈએ રકમ લખી. એ લખતાં લખતાં જ એ બોલ્યા, "આ તો અમારો અજય હમણાં જ ગણી બતાવશે. ચાલ, અજય!" અને ખરેખર, અજય ઊભો થયો, બોર્ડ પર લખાયેલો દાખલો ફટાફટ ગણી કાઢ્યો. એ જોઈને દેસાઈસાહેબ રાજી થઈ ગયા, અને મગનભાઈ તો રાજી હોય જ.

વરસો વીતે એમ દરેક સંબંધનો એક માર્ગ કંડારાતો જતો હોય છે. અમુક સંબંધો કાળક્રમે ક્ષીણ થાય, ઘણા સુષુપ્ત થાય, તો ઘણા મૃત બની રહે છે. અમારા તમામ મિત્રો બાબતે માર્ગ એવો બન્યો કે શાળા છોડ્યા પછી અમારો સંપર્ક સતત રહ્યો અને મૈત્રી ગાઢ બનતી રહી. એમાં પારિવારિક પરિમાણોનું પડ ઉમેરાયું. દરેક મિત્રનાં એક પછી એક લગ્ન થયાં, એમની પત્નીનું આગમન થયું અને એ પછી સંતાનજન્મ. આ દરેક તબક્કા પછી અમારી મૈત્રી ગાઢ બનતી રહી છે. હવે એના તાણાવાણા એવા ગૂંથાયા છે કે એને અલગ પાડીને જોતાંય મુશ્કેલી લાગે. અમારાં સૌનાં સંતાનો એકમેકના મિત્ર છે, અને પત્નીઓ પણ. અલબત્ત, ચોકસી એક એવી વ્યક્તિ છે કે જેને તમામ વયજૂથના લોકો એકસરખો ચાહે. અમારા વડીલો એના હેવાયા, અમારા સૌની પત્નીઓ એની સાથે સ્વતંત્ર વ્યવહાર કરે, અને અમારાં સંતાનોના પણ એ પ્રિય 'ચોકસીકાકા'. આનું રહસ્ય શું?

પોતાની દુકાને લાક્ષણિક મુદ્રામાં અજય
(પાછળ ભત્રીજો ચિંતન) 
રહસ્ય ખુલ્લું છે, પણ એ જાણ્યા પછી એને આત્મસાત કરવું મુશ્કેલ છે. એ રહસ્ય એટલે ચોકસીની સહુ કોઈ માટેની નિ:સ્વાર્થ નિસબત. એને કારણે સૌ કોઈને એમ લાગે કે આ તો મારો જ માણસ છે. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરું. પચીસ-ત્રીસ વરસ પહેલાં માહિતીના સ્રોત સાવ મર્યાદિત હતા. અખબાર પણ દરેક ઘરમાં વરસોથી એનું એ જ આવતું હોય. એવે વખતે જૂની ફિલ્મોના સંગીતકાર સજ્જાદ હુસેનનું અવસાન થયું. ચોકસીને ઘેર આવતા 'જનસત્તા'માં એના સમાચાર અને નાનકડી નોંધ આવી. ચોકસીને એ ક્ષેત્ર સાથે કશો સંબંધ નહીં, પણ એને ખબર કે આ અમારો વિષય છે. અમે મળ્યા ત્યારે એણે યાદ રાખીને અમને આ સમાચાર કહ્યા, એટલું જ નહીં, સજ્જાદની કેટલીક ફિલ્મોનાં નામ પણ કહ્યાં. સંગીતકારનું નામ અને એની ફિલ્મોનાં નામ એણે કેવળ અમને જણાવવા માટે યાદ રાખેલા. અમને ઈમ્પ્રેસ કરવા નહીં. આ એક નાનકડું ઉદાહરણ છે, પણ એની નિસબત કેવી છે એનો ખ્યાલ આવી શકશે.
એનો મિત્રપ્રેમ એવો કે ઘણી વાર આપણને એની પર ગુસ્સો આવે. આપણાથી કોઈકનું કામ ન થયું, અથવા એ કરવાનું ભૂલી ગયા તો ચોકસીને પૂછ્યાગાછ્યા વિના એના દોષનો ટોપલો એને માથે ઢોળી દેવાનો અને એને જણાવી દેવાનું કે મારાથી આમ થઈ ગયું છે, એટલે પેલો તને ફોન પર ખખડાવશે. ચોકસી હસે અને કહે કે સમજી ગયો. એ પછી એ કોઈક ત્રીજા માણસની ડાંટ વગર કારણે, મિત્ર પ્રત્યેની ફરજના ભાગરૂપે ખાય. અરે! અમુક તો મિત્ર નહીં, કેવળ પરિચીત હોય તોય આમ કરે. મહેમદાવાદના એક સજ્જન અમારા એક કૉમન મિત્રને કોઈક પ્રસંગે આમંત્રણ આપવાનું ભૂલી ગયા. નિમંત્રકને એ યાદ આવ્યું, પણ ત્યારે પ્રસંગ પતી ગયેલો. જેને નિમંત્રણ આપવાનું હતું એ ભાઈનો નિમંત્રક પર ફોન આવ્યો હશે એટલે નિમંત્રકે બારોબાર કહી દીધું, 'મેં અજયને કહેલું, પણ એ તમને કહેવાનું ભૂલી ગયેલો.' આ ફોન પત્યો કે નિમંત્રકે અજયને ફોન કર્યો અને હકીકત જણાવી. એમનો ફોન પત્યો કે થોડી વારમાં પેલા, નહીં નિમંત્રેલા ભાઈનો અજય પર ફોન આવ્યો અને કહે, 'આવું ભૂલી જવાતું હશે, ભલા માણસ! આ તો ઠીક છે, બાકી અમારા સંબંધો ખતરામાં આવી પડે ને! તમને શી ખબર કે અમારા સંબંધો કેવા છે!' અજય મનમાં તો હસીને બોલ્યો હશે, 'ભઈ, રહેવા દે ને! તમારા સંબંધો હું જાણું છું.' પણ પ્રગટપણે એણે દિલગીરી વ્યક્ત કરી લીધી.
એનું આવું વલણ ઘણી વાર અમનેય અકળાવનારું લાગે, તો અજયની પત્ની રશ્મિકા, અને એનાં સંતાનો અર્પ તેમજ જયને લાગે એમાં નવાઈ નહીં. પણ એ જ ચોકસી જ્યારે અમારા માટે સંકટ સમયની સાંકળ બની રહે ત્યારે પાછી ખુશીની લાગણી થાય. અમને ઘણી વાર એમ લાગે છે કે રશ્મિકા, અર્પ અને જયના ભાગનો ઘણો સમય અમે મિત્રો ખાઈ ગયા હોઈશું. તેઓ પણ ધીમે ધીમે અજયનું આ વલણ સમજતા અને સ્વીકારતા થયા.
આજે પણ એ તમામ મિત્રો, મિત્રપત્નીઓ અને એમનાં સંતાનો સાથે સ્વતંત્રપણે જીવંત સંપર્કમાં હોય. જન્મદિવસ અને લગ્નતિથિ યાદ રાખવા હવે સહેલાં છે, કેમ કે, એ હવે ફેસબુક જેવાં માધ્યમો યાદ અપાવે છે, છતાં અજયને આ બધી માહિતી મોઢે હોય.
ઉર્વીશ ઘણી વાર કહેતો હોય છે કે અજયે આપણા માટે એટલું બધું કર્યું છે કે હવે એ કશું ન કરે તો પણ એને એ હક છે. જો કે, અમને સૌને ખબર છે કે અમે જ્યાં અટકીશું કે અટવાઈશું, ત્યારે ચોકસી અમારી પાછળ હશે જ.
આંકડાકીય ગણતરીમાં ઉસ્તાદ, પણ મૈત્રીમાં બધી ગણતરીને બાજુએ મૂકી દેતા અમારા આ મિત્રને જન્મદિવસની અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ.

(ડાબેથી) અજય, રશ્મિકા, જય અને અર્પ 

(અજયની ગઈ વર્ષગાંઠ 13-4-22ના રોજ લખેલું) 

Wednesday, April 12, 2023

અલવિદા, દક્ષા દેસાઈ!

દક્ષાબહેન દેસાઈની આજે ત્રીજી પુણ્યતિથિ છે. ત્રણ વર્ષ પહેલાં, 12 એપ્રિલ, 2020ના રોજ તેમનું અવસાન થયું. આ નિમિત્તે તેમની સાથે ગાળેલો એક ટૂંકો, પણ સઘન સમયગાળો યાદ આવી ગયો.
દક્ષા દેસાઈ 
માણસના જન્મ અને મૃત્યુની વચ્ચે એક આખું જીવન હોય છે. આ જીવનકાળ દરમિયાન તે કોઈક એવું કાર્ય હાથ પર લે અને સંપન્ન કરે તો તે ખરા અર્થમાં અવતારકાર્ય બની રહે છે. અમદાવાદમાં જન્મેલાં દક્ષા પટેલનું લગ્ન મુંબઈના સુકેતુ સુરેન્દ્ર ચીમનલાલ દેસાઈ સાથે થયું. એ પછી બદલાતા સંજોગો અનુસાર તેઓ મુંબઈ-અમદાવાદ અને પછી અમેરિકા સ્થાયી થયાં. અમેરિકામાં દક્ષાબેને 'દીદીઝ' નામે અત્યંત સફળ રેસ્તોરાંનું સંચાલન કર્યું અને અમેરિકા આવતા ભારતીય કલાકાર વર્ગમાં ઠીક ઠીક લોકપ્રિય બની રહ્યાં. જો કે, અઢારેક વરસના તેમના અમેરિકાનિવાસ પછી સંજોગો એવા ઊભા થયા કે તેમણે ભારત આવવું પડ્યું. અમદાવાદમાં તેમણે જીવનનો વધુ એક નવો અધ્યાય શરૂ કર્યો.
દરમિયાન અમેરિકન ગુજરાતીઓમાં 'દાદાજી'ના નામે ઓળખાતા હરિકૃષ્ણ મજમુદાર અમદાવાદ ખાતે દક્ષાબેનના મહેમાન બન્યા. એ વખતે 'દાદાજી'ની મુલાકાત માટે આવતા પત્રકારોને 'દાદાજી' દક્ષાબેનની સાહસકથા જણાવતા અને એ વિશે લખવા જણાવતા. આમ, દક્ષાબેનના મનમાં પુસ્તક લખાવવાનું વિચારબીજ રોપાયું, પણ એ પોતાના વિશેનું નહીં.
હિન્દી બોલપટના પહેલા દાયકે ફિલ્મઉદ્યોગમાં જેમનો દબદબો હતો એવા ચીમનલાલ દેસાઈ દક્ષાબેનના સસરા સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના પિતા થાય. 1930માં મૂકપટથી શરૂઆત કરીને પછી બોલપટ ક્ષેત્રે પ્રવેશનાર ચીમનલાલ દેસાઈની ફિલ્મનિર્માણ સંસ્થા 'સાગર મુવીટોન'ની સાહસકથાઓ કુટુંબમાં દંતકથા તરીકે દક્ષાબેને સાંભળેલી. તેમને થયું કે પોતાના શ્વસુર પક્ષે આવા પ્રતાપી વડવા થઈ ગયા હોય અને છતાં તેમના વિશે દંતકથાથી વિશેષ કશી નક્કર માહિતી ઉપલબ્ધ ન હોય એ સંજોગોમાં પુસ્તક તો એમના વિશે લખાવું જોઈએ. બસ, આ વિચાર સાથે તેમણે શોધ આરંભી એવું પુસ્તક લખી આપે એવા લેખકની. પણ એ ક્યાં કોઈને જાણતા હતાં?
અનાયાસે તેમની મુલાકાત એક રેસ્તોરાંમાં શાળાજીવનના પોતાના એક સહાધ્યાયી સાથે થઈ. 'અરે! તું?તમે?' જેવા આરંભિક ઉદ્ગાર સાથે એ પરિચય તાજો થયો અને બહુ ઝડપથી પારિવારિક બન્યો. ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે પોતાના એ સહાધ્યાયી જૂના ફિલ્મસંગીતમાંં ઊંડો રસ ધરાવે છે, એટલું જ નહીં, જૂનાં ગીતોનાં કાર્યક્રમ કરતી સંસ્થા 'ગ્રામોફોન ક્લબ' સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. 'સાગર મુવીટોન' પુસ્તક લખવા માટે યોગ્ય 'જણ'ની શોધમાં એ મદદરૂપ થઈ શકશે એ ખ્યાલે તેમણે પોતાના એ સહાધ્યાયીને આખી વાત જણાવી અને મદદ માંગી. એ સહાધ્યાયી એટલે ચંદ્રશેખર વૈદ્ય- જેમની સાથે અમારી મિત્રતા પણ જૂનાં ફિલ્મી ગીતોને લઈને હતી અને ઉત્તરોત્તર ગાઢ બની હતી. આમ, ચંદ્રશેખરભાઈ દક્ષાબેન અને મારી વચ્ચે 'ગોરકર્મ' કરાવી આપવામાં નિમિત્ત બન્યા.
આલેખનનો સમયગાળો દોઢેક વરસનો હશે, એ દરમિયાન અમે આમોદ, ભરૂચ, સુરત, મુંબઈ, બેંગ્લોરના પ્રવાસો સાથે કર્યા. અનેક વિગતો મેળવી. એ તમામ વિગતોના પરિપાકરૂપે 'સાગર મુવીટોન' લખાયું, જે આ ફિલ્મસંસ્થા પરનું સૌ પ્રથમ અને અધિકૃત કહી શકાય એવું પુસ્તક હતું. આ પુસ્તકના વિમોચનમાં દક્ષાબેન અને સુકેતુ દેસાઈએ પોતાના એક સમયના પાડોશી આમીર ખાનને નિમંત્રણ આપ્યું. આમીર ખાને પણ જૂના સંબંધને તાજો કરીને એ નિમંત્રણ સ્વીકાર્યું, એટલું જ નહીં, પોતાની રીતે જ અનિલ કપૂર, વિધુ વિનોદ ચોપરા, વિક્ટર આચાર્ય, રાજકુમાર હીરાણી, પ્રસૂન જોશી જેવા પોતાના મિત્રોને બારોબાર નોંતર્યા અને એ સૌ ઉપસ્થિત પણ રહ્યા. પોતાના અનૌપચારિક વક્તવ્યમાં આમીર ખાને 'દક્ષા આન્ટી'ના આ પ્રયાસને બીરદાવ્યો.
દસ્તાવેજીકરણ/જીવનકથાના પુસ્તક માટે મારે એક-દોઢ વરસ જેટલા લાંબા સમયગાળા માટે જે તે વ્યક્તિ સાથે સંકળાવાનું, સતત કામ કરવાનું બનતું હોય છે. આ સમયગાળો એવો હોય કે તેમાં દલીલો થાય કે તીવ્ર મતભેદ પણ પડે. જો કે, પુસ્તકનું સમાપન થઈ જાય એ પછી 'ખાટીમીઠી' યાદોમાંથી કેવળ 'મીઠી' વાતો જ યાદ રહી જતી હોય છે, અને વ્યાવસાયિક સંબંધનું એક આજીવન પારિવારિક સંબંધમાં રૂપાંતર થતું હોય એમ બનતું હોય છે. તેમના પતિ સુકેતુભાઈ, પુત્રીઓ રાધિકા અને ઋતુજા સાથે પણ એવો જ પરિચય કેળવાયો.
દક્ષાબેનની હક દાખવવાની પ્રકૃતિને કારણે ઘણી વાર કાર્યશૈલી માટે અમારે મતભેદ થયા હશે, પણ એ પછી કશું નહીં! ફરી ફોન આવે ત્યારે એ જ પ્રેમભાવ! યોગાનુયોગ કેવો કે દક્ષાબેન વિશે મને પહેલવહેલી વાર જણાવનાર મિત્ર ચંદ્રશેખર વૈદ્યે જ દક્ષાબેનની અંતિમ વિદાયના પણ સમાચાર આપ્યા. જાણવા મળ્યું કે ટૂંકી બિમારી પછી તેમનું હોસ્પિટલમાં જ અવસાન થયું.
દેખીતી રીતે ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલાં ન હોવા છતાં, 'સાગર મુવીટોન' પુસ્તકના આલેખન પાછળનુંં પ્રેરકબળ બની રહેનારાં દક્ષાબેનના આ પરોક્ષ પ્રદાન બદલ સિનેમાઈતિહાસના પ્રેમીઓ તેમના ઋણી રહેશે. દક્ષાબેનનું આ ખરા અર્થમાં અવતારકાર્ય બની રહ્યું છે!

'સાગર મુવીટોન'ના વિમોચનવેળા (ડાબેથી) બીરેન કોઠારી, 
સુકેતુ દેસાઈ, આમીર ખાન અને દક્ષા દેસાઈ 

Tuesday, April 11, 2023

રાજસાહેબ એમને મનાવી ન શક્યા

 

- રાહુલ રવૈલ
રાજસાહેબે પોતે જ મને પરીક્ષા બાબતે ફિકર ન કરવા જણાવ્યું એટલે મેં કામ ચાલુ રાખ્યું અને પ્રિલીમની તૈયારીઓ ન કરી. પરીક્ષામાં મારો ધબડકો થયો. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે મારાં માતાપિતા નારાજ થઈ ગયાં અને હું પોતે પણ નિરાશ થઈ ગયો. પછી હું સ્ટુડિયો પર ગયો અને રાજસાહેબ સમક્ષ મારી નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, 'સર! મોટી સમસ્યા છે. મેં અભ્યાસ ન કર્યો અને પ્રિલીમમાં મેં ધબડકો વાળ્યો.'
મારા ચિંતાતુર ચહેરા સમક્ષ જોઈને તેમણે સહાનૂભુતિપૂર્ણ નજરે મને સાંભળ્યો અને કહ્યું, 'એની ચિંતા ન કર, બરાબર? મને તારી સાથે આવવા દે. આપણે સેન્ટ ઝેવિયર્સ (કૉલેજ) જઈશું અને પ્રિન્સીપાલને મળીશું. એમને હું મનાવી લઈશ કે એ તને આગળ જવા દે અને તું શાથી પાસ ન થઈ શક્યો એનું કારણ હું એમને જણાવીશ.'
મને બહુ રાહત લાગી, કારણ કે મને ખાત્રી હતી કે રાજસાહેબ અમારા પ્રિન્સીપાલને મનાવી લેશે. મને એ વાતે પણ ખુશી હતી કે એ મારી સાથે આવવાના હતા. આથી મેં પ્રિન્સીપાલની અપોઈન્ટમેન્ટ લઈ લીધી. જો કે, અપોઈન્ટમેન્ટની આગલી સાંજે રાજસાહેબ યુનિટના કેટલાક સભ્યો સાથે કૉટેજ ગાર્ડનમાં ડ્રીન્ક્સ લઈ રહ્યા હતા. હાથમાં 'કોક' અકડીને હું ખૂણે ઊભેલો હતો કે અચાનક જ સહુની વચ્ચે તેમણે મારા માટે બોલવાનું ચાલુ કર્યું, 'અબ મૈં કલ ક્યા કરુંગા? તુમ્હારે સાથ જાઉંગા કૉલેજ? ક્યા બોલૂંગા પ્રિન્સીપાલ કો? કિ યે બહોત હોનહાર લડકા હૈ? જો ફેઈલ હો ગયા? ફેઈલ હો ગયા ઔર હોનહાર લડકા હૈ? મેરી ઝિંદગી યહી હૈ ક્યા? ચિન્ટુ જબ ફેઈલ હો ગયા થા, કેમ્પીઅન સ્કૂલ મેં, તો મુઝે એક ટ્રૉફી ડોનેટ કરની પડી થી તાકિ ઉસકો આગે પઢને દેં. તુમ ભી ઐસે હી હો. સબ બચ્ચે ઐસે હી હૈં.'
બીજા દિવસે તેઓ મારી સાથે કૉલેજ આવ્યા અને મને યાદ છે કે એનાથી કૉલેજમાં હલચલ મચી ગયેલી. દરેકને નવાઈ લાગતી હતી કે રાજ કપૂર આ કેમ્પસમાં શું કરી રહ્યા છે? દરમિયાન અને જઈને પ્રિન્સીપાલને મળ્યા અને પ્રિન્સીપાલે કહ્યું, 'ના, દિલગીર છું. એને હું પાસ નહીં કરી શકું.' રાજસાહેબે એમને મનાવવાના અનેક પ્રયત્નો કર્યા પછી પણ તેમણે પોતાનો નિર્ણય બદલ્યો નહીં.
અમારા નિષ્ફળ પ્રયત્નનું સાટું વાળતા હોય એમ રાજસાહેબ મને લન્ચ માટે 'નાનકીંગ'માં લઈ ગયા અને મને કહ્યું, 'ભૂલી જા! સર્ટિફિકેટ મેળવીને તું શું કરવાનો? કેમ કે, મારી સાથે તું જે રીતે કામ કરે છે અને તારામાં હું જે જોઈ રહ્યો છું એનાથી મને નથી લાગતું કે તારે કોઈ ડિગ્રી કે સર્ટિફિકેટની જરૂર પડે.'
મારે આવા જ વિશ્વાસની જરૂર હતી.
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો મુક્તાનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)