Wednesday, October 4, 2023

બર્મનદાદાની ખાસિયત

 

- પં. શિવકુમાર શર્મા

બર્મનદાદા બહુ જિદ્દી બની જતા. એક વાર તેમને ઘેર અમે રેકોર્ડિંગ કરી રહ્યા હતા કે ચોકીદારે આવીને કહ્યું કે (નિર્માતા-નિર્દેશક) શક્તિ સામંત આવ્યા છે. 'બંધ કરો, આ બધું બંધ કરી દો.' દાદાએ બૂમ પાડી. શક્તિદાના આવતાં પહેલાં એમણે અમને વાદન બંધ કરી દેવા કહ્યું. દાદાને એ વાતનો ડર હતો કે ક્યાંક અન્ય નિર્માતા અમારી યોજના ચોરી ન લે.
દાદાની બીજી એક વિચિત્ર આદત હતી- તેઓ કદી કોઈને ખાવાપીવા કે નાસ્તાપાણી માટે કહેતા નહીં. આનંદ બક્ષી જેવા વરિષ્ઠ ગીતકારને પણ તેઓ અચાનક કહી દેતા, 'અચ્છા, હું હવે ભોજન માટે જાઉં છું. તમે નીકળો અને એક કલાક પછી આવજો.' અમે લોકો દાદાની રીતભાતથી ટેવાઈ ગયેલા. એક રેકોર્ડિંગની બેઠક દરમિયાન બૌદીએ કલકત્તાથી આવેલાં રસગુલ્લાંની પ્લેટ મોકલી. સંગીત પર જ તમામ ધ્યાન કેન્દ્રિત હોવાથી દાદાને ખ્યાલ ન આવ્યો કે હરીજી (હરીપ્રસાદ ચૌરસિયા) આ પરિસ્થિતિનો ફાયદો લઈને રસગુલ્લા પર રસગુલ્લા ઝાપટી રહ્યા હતા. દાદાએ પ્લેટ તરફ હાથ લંબાવ્યો ત્યાં સુધીમાં હરીજી ડઝનેક રસગુલ્લાં સફાચટ કરી ગયા હતા. અમે રેકોર્ડિંગ પૂરું કર્યું કે દાદાએ હરીજીને કહ્યું, 'તમારી વાંસળી આજે બહુ મધુર લાગતી હતી- કેમ ન હોય!- પ્લેટ ભરીને રસગુલ્લાં પતાવીને બેઠા છો!'
દાદા વરિષ્ઠ હતા અને તેમનો હું આદર તેમજ પ્રશંસા કરતો. એમનો દીકરો પંચમ- રાહુલ દેવ બર્મન અને હું ગાઢ મિત્રો બની ગયા. અમે એને 'આર.ડી.' કહીને બોલાવતા. એ બહુ હસમુખો અને નકલબાજ હતો. એની મજાક અને લોકોની નકલ કરતો જોઈને અમારી આંખોમાંથી પાણી નીકળી આવતું. એક વાર તેણે દાદાના અવાજમાં ગાઈને તેમની નકલ કરવાની હિંમત એકઠી કરી. ઉસ્તાદ અલી અકબર ખાનના પ્રતિભાશાળી શિષ્ય આર.ડી.એ સરોદથી પોતાના કળાજીવનનો આરંભ કરેલો. આખરે તેણે સરોદવાદન છોડ્યું અને પોતાના પિતાનો સહાયક બની ગયો. તેણે અનેક ઉત્તમ ધૂનોની રચના કરી અને પોતાના પિતાનો યોગ્ય ઉત્તરાધિકારી બન્યો.
(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)

No comments:

Post a Comment