Showing posts with label Been music. Show all posts
Showing posts with label Been music. Show all posts

Friday, December 1, 2017

ટાઈટલ મ્યુઝીક (6): બીનવાદન: હેમંતકુમારથી લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ સુધીનું સામ્ય

સાપ સે હમ કો બિછડે હુએ, એક જમાના બીત ગયા.......
કરવટેં બદલતે રહે સારી રાત હમ, સાપ કી કસમ......
સાપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા……
બીનવાદન અને કલ્યાણજી-આણંદજી ની પોસ્ટ લખ્યા  પછી જે પણ ગીતોમાં ‘આપ’ હોય એને બદલે ‘સાપ’ સંભળાય છે. એ વિચાર આવે છે કે મદારીઓને ફળ્યા હશે એથી અનેક ગણા સાપ ફિલ્મવાળાઓને ફળ્યા છે. મોટા ભાગની આવી ફિલ્મોનું કથાવસ્તુ કાં પૌરાણિક કે પછી નાગને લગતી દંતકથાઓની આસપાસ ફરતું રહે છે. સાપ પ્રત્યે ખાસ લગાવ ન હોવાને કારણે અંગત રીતે મને આવી ફિલ્મો જરાય ગમતી નથી, તેથી ભાગ્યે જ કોઈ ફિલ્મ મેં જોઈ હશે. એક અંગ્રેજી ફિલ્મ ‘સ્નેક’ જોયેલી એમાં પણ માણસનું સાપમાં થતું ક્રમિક રૂપાંતર જોઈને ત્રાસ છૂટેલો. નામ ભૂલી ગયો છું એવી એક હિન્‍દી ફિલ્મમાં અનેક સાપને વિવિધ વાદ્યો વગાડતા બતાવ્યા હતા. વિવિધ પ્રાણીઓને એનિમેટેડ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે જે તે પ્રાણીઓની લાક્ષણિકતાઓને બરકરાર રાખીને પણ તેમનો દેહ માનવ જેવો દેખાડવામાં આવતો હોય છે. સાપને હાથપગ જેવું કશું હોતું નથી, અને તેનું શરીર સીધું હોય છે, તેથી સાપને એનિમેટેડ સ્વરૂપમાં એ રીતે દેખાડવો અઘરો છે. એનિમેટેડ ફિલ્મોમાં પણ મને સાપનાં પાત્રો નથી ગમતાં.
પણ ‘સાપ ને યાદ દિલાયા, તો મુઝે યાદ આયા’ કે કેટલી હિન્‍દી ફિલ્મો સાપ કે નાગને કેન્‍દ્રમાં રાખીને બની હશે? કુતૂહલવશ હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી સંપાદિત હિન્‍દી ફિલ્મોની ઈન્‍ડેક્સમાં તેમજ ગૂગલ પર ફક્ત ‘નાગ’, ‘નાગિન’, ‘સાપ’ કે ‘સપેરા’ શબ્દોથી શોધ ચલાવી અને જે નામો મળવાં લાગ્યાં એ જોઈને મોંમાંથી ‘હીસ્સ્સ્સ’ નીકળી ગયું. બાપ રે! સાપ તો ઐસે ન થે.
એ નામોની કેવળ એક ઝલક:
નાગભૈરવ (1985), નાગચંપા (1958 અને 1976), નાગદેવતા (1962 અને 1981 તેમજ 2004 - ડબ્ડ), નાગજ્યોતિ (1963), નાગલોક (1957), નાગમંદિર (1966), નાગમણિ (1977, 1988, 1991, 2004), નાગ મેરે સાથી (1973), નાગમોહિની (1963), નાગનાગિન (1989), નાગ પદ્મિની (1957), નાગ પંચમી (1953 અને 1972), નાગપૂજા (1971), નાગ રાની (કોબ્રા ગર્લ, 1963), નાગશક્તિ (2001-ડબ્ડ), નાગયોનિ (2000), નાગદેવી (2002-ડબ્ડ), નાગાનંદ (1935), નાગન (1934), નાગન (પચાસનો દાયકો), નાગન કી રાગની (1933), નાગેશ્વરી (2002- ડબ્ડ), નાગિન (1954 અને 1976), નાગિન ઔર લૂટેરે (1992), નાગિન ઔર નગીના (1988), નાગિન ઔર સપેરા (1966), નાગિન ઔર સુહાગન (1979), નાગિન બની દીવાની (1992), નાગિન કા ઈન્‍તેકામ (2010-ડબ્ડ), નાગિન કે દો દુશ્મન (1988), નાગલોક (2003-ડબ્ડ), નાગફની (1987), નગીના (1986), નિગાહેં (1989), સપેરા (1939 અને 1961), સુનહરી નાગિન (1963), કોબ્રા (1980), એક સપેરા એક લૂટેરા (1965), નાચે નાગિન ગલી ગલી (1990), નાચે નાગિન બાજે બીન (1960), દૂધ કા કર્ઝ (1990), હીસ્સ (2010), તુમ મેરે હો (1990), શેષનાગ (1990), જાની દુશ્મન: એક અનોખી કહાની (2010), એક વરદાન નગીના (2006), ઝહરી સાંપ (1933), ઝહરીલા બદન (2003)…..
આ યાદી હજી અધૂરી છે, અને હિન્‍દી ઉપરાંત પ્રાદેશિક તેમજ અંગ્રેજી ફિલ્મોમાં પણ સાપ કે નાગને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. આ તમામ ફિલ્મોના નિર્માતાઓએ ‘સર્પ ભજનાવલિ’ની જેમ એક પુસ્તિકા તૈયાર કરી હોવી જોઈએ અને ન કરી હોય તો કરવી જોઈએ. ‘સાપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે’, ‘સાપ આયે, બહાર આઈ’. ‘સાપ કી નઝરોં ને સમઝા, પ્યાર કે કાબિલ મુઝે’, ‘સાપ કો પ્યાર છુપાને કી બુરી આદત હૈ’, ‘સાપ કે હસીન રુખ પે આજ નયા નૂર હૈ’, ‘સાપ મુઝે અચ્છે લગને લગે’, ‘સાપ સે પ્યાર હુઆ જાતા હૈ’, ‘સાપ કો પહલે ભી કહીં દેખા હૈ’, ‘સાપ આયે તો ખયાલ-એ- દિલ-એ-નાશાદ આયા’ વગેરે જેવાં ભજનો તેમાં સામેલ કરીને રોજ તેનો પાઠ કરવો જોઈએ.
પાછા મૂળ વાત પર આવીએ તો ‘નાગિન’થી બીન મ્યુઝીકનો દોર શરૂ થયો. આ ફિલ્મમાં મુખ્ય સંગીતકાર હેમંતકુમાર હતા, તેમના સહાયક તરીકે રવિ હતા, અને ક્લેવાયોલિન પર બીનના સૂરની અસર કલ્યાણજી વીરજી શાહે પેદા કરી હતી. આગળ જતાં કલ્યાણજી-આણંદજીની જોડી તરીકે તેઓ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને ‘મદારી’, ‘સુનહરી નાગિન’ જેવી સાપના કથાવસ્તુ પર આધારિત ફિલ્મોમાં તેમને સંગીત આપવાનું આવ્યું ત્યારે તેમાં પણ તેમણે બીન મ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. ‘નાગિન’ પછી હેમંતકુમારના સંગીતવાળી એવી કોઈ ફિલ્મ આવી હોવાનું ધ્યાનમાં નથી, જેમાં બીન મ્યુઝીકનો ઉપયોગ થયો હોય. (કોઈ મિત્રના ધ્યાનમાં હોય તો જરૂરથી જણાવે.) આગળ જતાં કલ્યાણજી-આણંદજીના સહાયક તરીકે લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ જોડાયા. એ વાત પછી કરીએ. 
હેમંતકુમારના સહાયક રવિ સ્વતંત્ર સંગીતકાર બન્યા. રવિએ પણ બીન મ્યુઝીકનો ઉપયોગ કર્યો. તેમને ‘નાગ પંચમી’માં સંગીત આપવાનો મોકો મળ્યો, જેનું દિગ્દર્શન બાબુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. બાબુભાઈ મિસ્ત્રી ટ્રીક ફોટોગ્રાફીના નિષ્ણાત હતા. (તેમણે પ્રચલિત કરેલી ‘કાલા ધાગા’ ટેકનિક બહુ જાણીતી બનેલી. મુંબઈના દાદર સ્ટેશનના પ્લેટફોર્મ પર એક બાંકડો બાબુભાઈ મિસ્ત્રીના સૌજન્યથી મૂકવામાં આવ્યો છે. અત્યારે એ બાંકડો છે કે નહીં એ ખબર નથી, પણ મેં અને ઉર્વીશે પહેલી વાર જોઈને બાબુભાઈનું નામ વાંચ્યું ત્યારે અમારા બન્નેના એક જ ઉદગાર હતા: ‘આ બાંકડો ખરેખર તો જમીનથી બે ફીટ અધ્ધર લટકતો મૂકાયેલો હોવો જોઈએ. પછી જો કે, ઉર્વીશને બાબુભાઈનો લાંબો ઈન્‍ટરવ્યૂ લેવાનો મોકો પણ મળેલો.) આથી આ પ્રકારની વિવિધ પરીકથાઓ પર આધારીત અનેક ફિલ્મો તેમના ભાગે દિગ્દર્શીત કરવાની આવી. તેમના ભાઈ નરેન્‍દ્ર મિસ્ત્રી પણ સિનેમેટોગ્રાફર હતા. (‘સાગર મુવીટોન’ પુસ્તકના આલેખન વખતે તેમને મળવાનું નક્કી થયેલું, પણ પછી છેલ્લી ઘડીએ તેમની નાદુરસ્ત તબિયતને કારણે પડતું મૂકાયું.)
‘નાગ પંચમી’નાં કુલ ચાર ગીતો હતાં, જે ઈન્‍દીવરે લખેલાં હતાં. કિશોરકુમાર અને લતા મંગેશકરનું ગાયેલું ‘મૈં નદીયા કી ધારા’નું મુખડું સાંભળતાં જ ‘તૂઝે સૂરજ કહું યા ચંદા’ (એક ફૂલ દો માલી, સંગીતકાર:રવિ) યાદ આવી જાય. કિશોરકુમારે ગાયેલું ‘ના જાને તેરે ભાગ્ય મેં ક્યા હૈ’ ભારતીય નારીની સ્થિતિનો ચિતાર આપે છે. ‘તેરે લહૂ મેં સીતા હૈ, કર્મોં મેં તેરે ગીતા હૈ’ જેવા શબ્દો ઈન્‍દીવરની શૈલી છતી કરે એવા છે. ‘એ નાગિન જા બસ અપને દ્વારે’ ટીપીકલ રવિની શૈલીનું ગીત છે. આ ગીતમાં બીનના મ્યુઝીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાના ‘પતિ’ના અપમૃત્યુનો બદલો લેવા માટે તેને મારનારની સુહાગરાતે નાગણ આવે ત્યારે સુહાગણ તેને પાછી વળી જવાનું વીનવતી હોય એવી સિચ્યુએશન છે. ‘બદલા લેકર તુમ બદલે કી આગ બુઝા ન સકોગી, મન કા ચૈન તો તભી મિલેગા જબ તુમ ક્ષમા કરોગી’ જેવા શબ્દો ભલે એક સ્ત્રી નાગણને કહેતી હોય, પણ તેમાં ઈસુથી લઈને ગાંધી સુધીનાની ફિલસૂફી સમાયેલી છે. સરવાળે ઈન્‍દીવરના શબ્દો, લતાની ગાયકી અને રવિની સ્વરબાંધણીનો એવો પ્રભાવ પડે છે કે હત્યાના ઈરાદે આવેલી નાગણ આંખમાં આંસુ સાથે પાછી વળી જાય છે. એ હિસાબે માણસ કરતાં નાગણ વધુ ‘સહિષ્ણુ’ કહેવાય.
આશા ભોંસલેએ ગાયેલું ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સમૂહ ગીત છે, જેમાં બીન મ્યુઝીક છે. આગળ જતાં ‘નગીના’માં શ્રીદેવીએ નાગણમુદ્રાની શૈલી રજૂ કરી એ જ (બન્ને હથેળીઓ ફેણની મુદ્રામાં માથે મૂકવાની) મુદ્રા આ ગીતમાં પણ જોવા મળે છે. મુખડામાં ‘સજને દો અંગના, રચને દો મેંહદી’ સાંભળતાં ‘ધરતી કહે પુકાર કે’ (સંગીત: લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ) ‘જા રે કારે બદરા, બલમ કે પાસ’ની યાદ આવે છે.
‘નાગપંચમી’નું ટાઈટલ મ્યુઝીક બીનકેન્દ્રી છે, જેમાં વચ્ચે વચ્ચે ફ્લૂટ અને સિતારથી પૂર્તિ કરવામાં આવી છે. આ ફિલ્મનાં ટાઈટલ એનિમેટેડ છે. ગમે તેવાં હોય, એનિમેટેડ ટાઈટલ સામાન્યપણે મને ગમતાં હોય છે, પણ ભઈસા’બ, અહીં તો સાપનો અતિરેક થઈ ગયો છે. જિસ તરફ દેખિયે, સાપ હી સાપ હૈ. શરૂમાં ફિલ્મનું નામ જ નાનામોટા સાપની ગોઠવણી વડે લખાય, અને પછી એકે એક ટાઈટલમાં સાપ હોય જ. સિનેમેટોગ્રાફીમાં કેમેરા ચલાવતો સાપ, નૃત્ય નિર્દેશનમાં નૃત્ય કરતા સાપ, સંગીતમાં વાદ્યો વગાડતા સાપ.....! આ જોઈને આપણને થાય કે સાપ સે ભી ખૂબસૂરત સાપ કે અંદાઝ હૈ. નૃત્ય નિર્દેશનની ક્રેડીટ વખતે સાપને માનવાકૃતિની જેમ ઉભો નાચતો બતાવ્યો છે, એમાં જે રીતે તેના ‘હાથપગ’ બતાવ્યા છે એ કાબિલેદાદ છે. સાપના શરીરની કેવી ગાંઠની કલ્પના કલાકારે કરી હશે ત્યારે આ વીઝ્યુલાઈઝેશન તેમના મનમાં બેઠું હશે. મોટા ભાગની ફ્રેમોમાં સાપ ‘યો યો’ની જેમ પોતાની જીભથી રમત કરે છે. સંગીતકારની ક્રેડીટમાં બે સાપ જે રીતે સહકારી ધોરણે બીન વગાડે છે એ પણ મઝા પડે જેવું છે. એનિમેશન કલાકારોમાં ગુજરાતી કલાકાર લક્ષ્મણ વર્માનું નામ વાંચીને આનંદ થયો. આ ટાઈટલ જોઈને કોઈને સપનામાં સતત સાપ આવતા થાય, અને તેમને ચાંદીનો નાગ ક્યાંક દાટવાનો ઈલાજ કોઈ સૂચવે તો મારું સરનામું માંગી લેશો. એમ થાય તો પેલી ભજનાવલિમાં એક ગીત મારા તરફથી મૂકીશ, ‘સાપ કી ઈનાયતેં, સાપ કે કરમ, સાપ હી બતાયેં કૈસે, ભૂલેંગે હમ.’
આ ફિલ્મની ટ્રેકમાં ટાઈટલ મ્યુઝીક 0.33 થી 4.52 સુધી છે. આ સંગીત કર્ણપ્રિય છે, પણ સાંભળતાં કંટાળો તો જોવાની મઝા લઈ શકાશે અને જોતાં કંટાળશો તો સાંભળવાની.

***** 

અગાઉ જણાવ્યા મુજબ કલ્યાણજી-આણંદજી સ્વતંત્ર સંગીતકાર બન્યા પછી તેમણે બીનમ્યુઝીકનો છૂટથી ઉપયોગ કર્યો. આવી જ એક ફિલ્મ હતી 'સુનહરી નાગીન'. બાબુભાઈ મિસ્ત્રી દિગ્દર્શીત આ ફિલ્મ 1963 માં રજૂઆત પામી હતી. 
અહીં આપેલી આ ફિલ્મની ટ્રેકમાં 2.48 સુધી ટાઈટલ મ્યુઝીક છે. પહેલાં એ સાંભળીએ. 


આ ટાઈટલ ટ્રેક શરૂ થાય એ સાથે જ આપણા કાન ચમકી ઉઠે છે. ઓહો! આ તો શ્રીદેવીવાળી ફિલ્મ 'નગીના' (1986) નું સંગીત. પણ 'નગીના'માં તો લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલનું સંગીત હતું. આનો તાળો એ રીતે મળે છે કે 'સુનહરી નાગીન'માં સંગીત સહાયક તરીકે આ જોડીનું નામ વાંચી શકાય છે. તેઓ પણ સ્વતંત્ર સંગીતકાર બન્યા અને તક મળી ત્યારે બીનમ્યુઝીકનો ઉપયોગ કર્યો. 'સુનહરી નાગીન'નું ટાઈટલ મ્યુઝીક 'નગીના'નું થીમ મ્યુઝીક બની રહ્યું. 'નગીના'ના અતિ લોકપ્રિય ગીત 'મૈં તેરી દુશ્મન, દુશ્મન તૂ મેરા'માં સંગીતનો આ ટુકડો વાગે છે. અને આ જ ટ્રેક ફિલ્મના ટાઈટલ મ્યુઝીક તરીકે પણ છે. અલબત્ત, વચ્ચે સહેજ બીજું સંગીત ઉમેર્યું છે, પણ મુખ્ય ધૂન એની એ જ રહે છે. 
'નગીના'નું ટાઈટલ મ્યુઝીક અહીં સાંભળી શકાશે, જે 1.50 સુધી છે. 


આ ફિલ્મના ટાઈટલમાં સંગીતકારના સહાયક તરીકેનું નામ જણાતું નથી. પણ જોઈ શકાશે કે હેમંતકુમારના મુખ્ય નિર્દેશનથી શરૂ કરીને તેમના સહાયકો પણ સ્વતંત્ર સંગીત નિર્દેશક બન્યા ત્યાં સુધી સૌએ બીનસંગીતનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો છે.  

Saturday, September 9, 2017

ટાઈટલ મ્યુઝીક (5) : બીનવાદન અને કલ્યાણજી-આણંદજી


‘નાગિન’ એટલે કે નાગણને કાન નથી હોતા. તે કેવળ ધ્રુજારી પારખી શકે છે, અને સાવ ઓછી તીવ્રતાનો ધ્વનિ સાંભળી શકે છે. તે ડંખ મારે તો તેનું વિષ શરીરની સ્નાયુપેશીઓ સહિત રક્તમાં ભળી જાય છે. એટલે બોટલમાંથી નળી વડે દૂધ ખેંચીએ એમ ડંખ દ્વારા શરીરમાં પ્રસરેલું વિષ ખેંચી ન શકાય. નાગણની આંખમાં કેમેરા નથી હોતો. નાગ દૂધ પીતો નથી અને સૌથી અગત્યનું એ કે નાગણનું મનુષ્યમાં રૂપાંતર શક્ય નથી. (એથી વિપરીત સ્થિતિ શક્ય છે.) 
અહીં લખેલી અને એ સિવાયની અનેક વૈજ્ઞાનિક હકીકતો ભલે આપણે જાણતા હોઈએ, નાગને કેન્‍દ્રમાં રાખીને બનેલી ફિલ્મ જોવા જઈએ એટલા પૂરતી તેને ભૂલી જવાની હોય છે.
1954માં આવેલી ફિલ્મીસ્તાનની ફિલ્મ ‘નાગિન’ને કદાચ નાગને લગતી હિન્‍દી ફિલ્મોની પૂર્વજ કહી શકાય. નંદલાલ જસવંતલાલે તેનું દિગ્દર્શન કર્યું હતું. (હા ભાઈ, તેઓ ગુજરાતી હતા. બસ?) પ્રદીપકુમાર, વૈજયંતિમાલા અને જીવનને ચમકાવતી આ સંગીતપ્રધાન ફિલ્મે એ સમયે રીતસર ઘેલું લગાડ્યું હશે. બન્ને હથેળીઓને ફેણની મુદ્રામાં માથે મૂકીને કરવામાં આવતા ‘નાગિન ડાન્‍સ’થી કયો લગ્નનો વરઘોડો બાકાત હશે એ શોધનો વિષય છે. અલબત્ત, આ ફિલ્મમાં કોઈ પણ પાત્રે એવી કશી મુદ્રા દેખાડી નથી.

ફિલ્મના સંગીતકાર હેમંતકુમાર હતા. તેમના સહાયક હતા રવિશંકર એટલે કે રવિશંકર શર્મા એટલે કે આગળ જતાં સ્વતંત્ર સંગીતકાર તરીકે આગવી ઓળખ ઉપસાવનાર રવિ. પણ આ ફિલ્મનાં ગીતોમાં બીન વગાડી હતી કલ્યાણજી વીરજી શાહે. તેમણે એ પછી કલ્યાણજી-આણંદજીના નામે પોતાના ભાઈ આણંદજી સાથે જોડી બનાવી. (કલ્યાણજી-આણંદજીના ભાઈ બાબલાએ એક આલ્બમમાં જૂનાં લોકપ્રિય ગીતોને ડીસ્કો સંગીતમાં વગાડ્યાં હતાં. એ રીતે વગાડેલા ‘નાગિન’ના ‘મન ડોલે મેરા તન ડોલે’ ગીતમાં તેમણે સાપના ફૂંફાડાના અવાજની અસર દર્શાવી હતી. એ સિવાય ‘મિ.નટવરલાલ’ ફિલ્મના આશાએ ગાયેલા ગીત ‘તૌબા તૌબા ક્યા હોગા’ના ‘મૈં બેબસ હૂં તેરે બસ મેં’ પછીના અંતરાના ઈન્‍ટરલ્યૂડમાં સંગીતકાર રાજેશ રોશને ‘નાગિન’નું આ મ્યુઝીક ફીટ કર્યું હતું.)

સાપ લઈને આવતા મદારીઓ મોરલી વગાડે છે, જેને પુંગી પણ કહે છે. તેનો એક વિશિષ્ટ મધુર સ્વર હોય છે, પણ તેની મર્યાદા એ છે કે તેમાં વધુ સૂર હોતા નથી. હેમંતકુમારે ફિલ્મમાં અસલ પુંગી વગાડવાનું વિચાર્યું હતું, પણ કલ્યાણજીભાઈના ક્લેવાયોલિન/clavioline અને રવિના હાર્મોનિયમનો ઉપયોગ કરીને એ સૂર અસલ વાદ્ય જેવો જ કાઢવામાં આવ્યો. કહેવાય છે કે હૈદરાબાદના એક થિયેટરમાં એક સાપ આ સંગીત સાંભળીને દોરાઈ આવ્યો હતો. જો કે, આવી વાતો ઘણા અચ્છા હાર્મોનિયમવાદકો બાબતે પણ સાંભળી છે કે તેઓ હાર્મોનિયમ પર ‘નાગિન’નું સંગીત વગાડે તો સાપ ખેંચાઈ આવે છે. એવું બને કે સાપ એ જણાવવા આવતો હોય કે કલ્યાણજી વીરજી શાહ પછી હવે કોઈને સ્વેચ્છાએ આ ધૂન વગાડવાનો અધિકાર નથી. 


આ આખી ફિલ્મમાં ગીતોની ભરમાર હતી. બધું મળીને કુલ બાર ગીતો. અને ગીતો પણ કેવાં? એક સાંભળો ને એક ભૂલો! મુખ્ય ગાયકો પણ બે જ- લતા અને હેમંતકુમાર. એક ગીત આશાજીનું હતું. બે યુગલ ગીતો પૈકી ‘ગોરી છોડ દે પતંગ મેરી છોડ દે’ હેમંતકુમાર અને લતાએ ગાયેલું, જ્યારે ‘યાદ રખના, પ્યાર કી નિશાની ગોરી યાદ રખના’ હેમંતકુમાર અને આશાએ ગાયેલું. આ ઉપરાંત ‘તેરે દ્વાર ખડા એક જોગી’ અને ‘જિંદગી એ દેનેવાલે, જિંદગી કે લેનેવાલે’ હેમંતકુમારે ગાયેલાં. ‘મન ડોલે મેરા તન ડોલે’, ‘સુન રી સખી મોરે સજના બુલાયે’, ‘જાદુગર સૈયાં, છોડો મોરી બૈયાં’, ‘મેરા દિલ યે પુકારે આજા’, ‘સુન રસિયા, કહે કો જલાયે જિયા આજા’, ‘મેરા બદલી મેં છુપ ગયા ચાંદ રે’, ‘તેરી યાદ મેં જલકર દેખ લિયા’ અને ‘ઊંચી ઊંચી દુનિયા કી દીવારેં સૈયાં છોડ કે..’ આ આઠ ગીતો લતાએ ગાયેલાં હતાં. ગીતકાર હતા રાજેન્‍દ્ર કૃષ્ણ. 


શરૂઆતમાં ઠંડો પ્રતિસાદ મળ્યા પછી તેનું ‘બીન મ્યુઝીક’ જામ્યું અને એવો ઉપાડો લીધો કે ફિલ્મ પંચોતેર સપ્તાહ ચાલી. એ હદે કે આજે પણ ‘નાગિન’ શબ્દ સાંભળતાંની સાથે નાગ નહીં, પણ ‘બીન’ જ યાદ આવે. આ કમાલ આ ફિલ્મના સંગીતની છે. આ ફિલ્મનાં કુલ બાર ગીતોમાંથી ‘તેરે દ્વાર ખડા એક જોગી’ સિવાયનાં તમામ ગીતોમાં ક્લે વાયોલિનનો કર્ણાકર્ષક ઉપયોગ થયો હતો. એમાં પણ ‘જિંદગી કે દેનેવાલે’થી શરૂ કરીને થોડા સંવાદો અને પછી ‘સુન રસિયા’, ‘મેરા બદલી મેં છુપ ગયા ચાંદ રે’, ‘તેરી યાદ મેં જલકર દેખ લિયા’, ‘ઊંચી ઊંચી દુનિયા કી દીવારેં’ એમ પાંચ ગીતો ફિલ્મમાં સળંગ આવે છે એ ઓછી જોવા મળતી ઘટના છે. (‘હમ કિસી સે કમ નહીં’માં ‘ચાંદ મેરા દિલ’થી શરૂ થતાં સળંગ ચાર ગીતો હતાં.) 


આશ્ચર્ય થાય એવી હકીકત એ છે કે બીન મ્યુઝીક, જે આ ફિલ્મની, તેનાં ગીતોની ઓળખ બની રહ્યું છે એ ફિલ્મના ટાઈટલ મ્યુઝીક માં બીનનો અણસાર સુદ્ધાં નથી. એટલું જ નહીં, બારમાંથી એકે ગીતની ધૂન પણ વાપરવામાં નથી આવી. ફિલ્મની રેકોર્ડમાં બીન મ્યુઝીકની અલગ સાઉન્‍ડ ટ્રેક આપવામાં આવી છે, જે ફિલ્મમાં અન્યત્ર વપરાઈ હશે. પણ ટાઈટલ મ્યુઝીકમાં એ બિલકુલ નથી. હેમંતકુમારે તેમાં ફક્ત કોરસથી કામ લીધું છે, જે આદિજાતિઓ દ્વારા બોલાયા હોય એવા શબ્દો અને ધૂન છે. આનો જવાબ હેમંતદા હયાત હતા ત્યારે મળવાનું બન્યું હોત તો પણ પૂછત કે કેમ એ સવાલ છે, કેમ કે, ત્યારે આ હકીકત ક્યાં ધ્યાનમાં આવેલી?
એ બાબતની નોંધ લેવાની કે 1976માં ‘નાગિન’ નામની એક મલ્ટીસ્ટારર ફિલ્મ રજૂ થઈ હતી, જેમાં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું સંગીત હતું અને ગીતો લોકપ્રિય થયાં હતાં. તેમાં પણ બીનના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
‘નાગિન’ ફિલ્મની આ ટ્રેકમાં 2.14 સુધી ટાઈટલ મ્યુઝીક છે.
(ટેકનીકલ કારણોસર આ લીન્‍ક યૂ ટ્યૂબ પર જોઈ શકાશે. અહીં ક્લીક કરવાથી આ લીન્‍ક બીજી વિન્‍ડોમાં ખૂલશે.) 


**** **** **** 
'નાગિન' ફિલ્મના  ટાઈટલ મ્યુઝીક અંગેની વાતમાં અનેક મિત્રો જોડાયા અને સરસ માહિતી આપી.  
 મિત્ર વિશાલ શાહ દ્વારા જણાવાયું કે આ બીનનું મ્યુઝીક નાગ અંગેની મોટા ભાગની ફિલ્મોમાં થોડા ફેરફાર સાથે વપરાયું છે. મિત્ર એચ. કણસાગરાએ 1958માં આવેલી 'ફાગુન'માં 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં બીન મ્યુઝીકને યાદ કર્યું. 'ફાગુન'માં સંગીત ઓ.પી. નય્યરનું હતું, અને તેમાં કુલ 11 ગીતો હતાં. આમાંથી બીન મ્યુઝીક ફક્ત 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં જ વગાડવામાં આવ્યું છે. હા, એની એ જ ધૂન અનેક ગીતોમા પુનરાવર્તિત થઈ છે, પણ તે મોટે ભાગે ફ્લૂટ પર વગાડવામાં આવી છે.
1959માં રજૂઆત પામેલી ફિલ્મ 'મદારી'નું મુકેશ-લતાનું ગીત 'દિલ લૂટનેવાલે જાદુગર' અને તેમાં વાગતું બીન મ્યુઝીક બધાને યાદ હશે જ. આ ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. તેમાં 'મ્યુઝીક અરેન્જ્ડ બાય' પ્યારેલાલ અને 'આસિટન્ટ' તરીકે લક્ષ્મીકાન્‍તનું નામ અલગથી જોઈ શકાય છે. 'મદારી'નાં કુલ 8 ગીતો હતાં. અને મોટા ભાગનાં ગીતોમાં એક યા બીજી રીતે બીન મ્યુઝીક સામેલ કરવામાં આવ્યું હતું.
'મદારી'ના ટાઈટલ મ્યુઝીકનો આરંભ મોટા ભાગના ટાઈટલ મ્યુઝીકની લાક્ષણિક શૈલી જેવાં વાયોલિન સમૂહ વડે ઘોષણાત્મક પ્રકારના સંગીતથી થાય છે, અને 0.14 થી બીન મ્યુઝીક આરંભાય છે. પછી ટાઈશોકોટો પર 'દિલ લૂટનેવાલે જાદુગર'ની ધૂન વાગે છે. 0.54 થી ફરી પાછી શૈલી બદલાય છે. તેમાં ટ્રમ્પેટ ઉમેરાય છે અને પછી મેન્ડોલીન વાગે છે. 1.38 પર પ્યારેલાલ અને લક્ષ્મીકાન્‍તનું નામ હાઈલાઈટ થાય એ રીતે સંગીત વાગે છે અને એ પછી ક્લેરિનેટ પર ધૂન વાગે છે. વળી પાછો વાયોલિન અને બ્રાસવાદ્યોનો સમૂહ. અને અને અને.......
.....જે સાંભળવા આપણા કાન ઉત્સુક હોય એ 'નાગીન'વાળી જ ધૂન 2.03 પર સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીનું નામ દેખાય ત્યારે શરૂ થાય છે. તેમના નામ પછી ફક્ત દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીનું નામ જ આવે છે. આ ધૂનની ઝલક અને પાછા વાયોલિન સમૂહ તેમજ બ્રાસવાદ્યો પર આ ટ્રેક પૂરી થાય છે.
અહીં નોંધ પૂરતો એ ઉલ્લેખ કે 'મદારી' નામની એક બીજી ફિલ્મ 2016 મા રજૂ થઈ હતી.
'મદારી' ફિલ્મની આ ટ્રેકમાં 2.14 સુધી ટાઈટલ મ્યુઝીક છે. 


(નાગ અને બીન વિશેની વધુ વાતો હવે પછી.)