Tuesday, March 28, 2023
પંચમની અકળામણ
Monday, March 7, 2022
રાહુલ દેવ બર્મન: પહેલો દાયકો અને કિશોરકુમાર
કિશોરકુમારને બ્રેક આપનાર સંગીતકાર ખેમચંદ પ્રકાશ હતા, પણ તેમને સતત અજમાવતા રહેનાર સંગીતકાર સચીન દેવ બર્મન હતા. અમુક સંગીતકારો કિશોરકુમારને ગાયક સુદ્ધાં ગણવા તૈયાર નહોતા, એવે સમયે સચીનદાએ કિશોરકુમાર પાસે સતત ગીતો ગવડાવ્યાં. 'આઠ દિન' (1946)માં કિશોરકુમાર પાસે 'બાંકા સિપહીયા ઘર જઈ હો' જેવી થોડી લીટીઓ ગવડાવ્યા પછી 'બહાર' (1951)માં 'કસૂર આપકા હજૂર આપકા' જેવું આખું ગીત તેમણે ગવડાવ્યું. આમ છતાં, આ જોડીને સફળતા મળી છેક 'આરાધના' (1969)માં. અઢાર વરસ જેટલો સમયગાળો કોઈ વ્યક્તિની પ્રતિભામાં વિશ્વાસ ટકાવી રાખવા માટે ઘણો લાંબો ગણાય.
Saturday, February 19, 2022
રાહુલ દેવ બર્મન: એકલ, છતાં યુગલ ગીતો
(આ પોસ્ટ વાંચતાં પહેલાં સૂચન: આ પોસ્ટમાં કુલ અગિયાર ગીતો છે. એ તમામ ગીતો આ જ ક્રમમાં, લખાણની સાથોસાથ વાંચતા જશો તો પોસ્ટના હાર્દને બહેતર રીતે માણી શકાશે.
આ પોસ્ટમાં ઉલ્લેખાયેલાં મોટા ભાગનાં ગીતો જાણીતાં અને સાંભળેલાં હોય એવી પૂરેપૂરી શક્યતા છે. પણ અહીં એક ચોક્કસ ઢબ, શૈલીની રીતે તેમને સાંકળ્યાં છે. આથી એ જાણીતાં હોવા છતાં, આ દૃષ્ટિકોણથી એને સાંભળતા જશો તો મઝા આવશે.)
પડઘાનું આકર્ષણ માનવજાતમાં પહેલેથી હશે, અને હજી એ ઓસર્યું નથી એમ લાગે. કોઈ સ્થળે પડઘો પડે છે એવી ખબર પડે કે તરત કશુંક બોલીને તેનો પડઘો સાંભળવાની ઈચ્છા આપણને થઈ આવે છે. ફિલ્મનાં ગીતોમાં હવે ટેક્નોલોજીની મદદથી ‘ઈકો ઈફેક્ટ’ સહેલાઈથી મેળવી શકાય છે. પણ ટેક્નોલોજી આટલી સુલભ નહોતી ત્યારે સંગીતકારો માટે ગીતમાં પડઘાનો પ્રયોગ કરવાનો એક પડકાર હતો. ઘણા સંગીતકારોએ એવો પડકાર ઝીલવાની સફળ કોશિશ કરી હતી. 1957માં રજૂઆત પામેલી ફિલ્મ ‘નૌશેરવાન-એ-આદિલ’ના લતા મંગેશકરે ગાયેલા એક ગીત ‘આજા રાત ઢલી’માં સંગીતકાર સી.રામચન્દ્રે પડઘાની અસર બખૂબી નીપજાવી હતી. એ વખતનાં ટાંચા સાધનો વડે તેમણે એ શી રીતે કર્યું હશે એ સંશોધનનો વિષય છે. એ પછી 1960માં આવેલી ‘બમ્બઈ કા બાબુ’માં આશા ભોંસલે અને મહમ્મદ રફીએ ગાયેલા ગીત ‘દીવાના મસ્તાના હુઆ દિલ’ના અમુક હિસ્સામાં આશાના અવાજમાં ‘ઈકો ઈફેક્ટ’ સાંભળી શકાય છે. પછીના ગાળામાં આ સુવિધા આસાન બની, પણ અહીં જે પ્રકારનાં ગીતોની વાત કરવાની છે એ પ્રકાર જરા જુદો છે.
એક જ ગાયક કે ગાયિકાના સ્વરને બે અલગ અલગ સ્કેલ પર ગવડાવીને તેના મિક્સિંગ દ્વારા એ ગીત એકલ હોવા છતાં યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરાયો હોય એવો પ્રયોગ ખાસ કરીને રાહુલ દેવ બર્મને અનેક વાર કરેલો છે. આ પ્રયોગમાં ક્યારેક ‘ઈકો ઈફેક્ટ’ જોવા મળે છે, પણ એ ‘ઈકો ઈફેક્ટ’ કરતાં કંઈક વધુ છે. વિવિધ તબક્કે આર.ડી.બર્મને કરેલા આવા પ્રયોગો પરથી એ સમજાય છે કે આ પ્રકાર ખેડવાનો પડકાર તેમને બહુ પસંદ હતો અને વખતોવખત તેઓ એની વિવિધ રીતે અજમાયશ કરતા રહ્યા હતા. ટેક્નોલોજી સુલભ થયા પછી પણ તેમનું આ પ્રયોગનું આકર્ષણ ઓસર્યું નહોતું. આવાં કેટલાંક ધ્યાનમાં આવેલાં ગીતો વિશે વાત કરીએ.
1967માં રજૂઆત પામેલી ‘બહારોં કે સપને’ના ગીત ‘ક્યા જાનૂં સજન, હોતી હૈ ક્યા ગમ કી શામ’માં આ પ્રયોગ આર.ડી.બર્મનના સંગીતમાં કદાચ પહેલી વાર સાંભળવા મળે છે. આમાં મુખડું પૂરું થવા આવે ત્યારે અને અંતરો પુનરાવર્તિત થાય ત્યારે ફક્ત આલાપ મૂકાયો હતો. ગીત લતા મંગેશકરે ગાયું હતું. એટલે તેમનું મૂળ ગાયન ચાલુ હોય ત્યારે જ યોગ્ય સ્થાનોએ એમનો જ આલાપ સંભળાય, જેનો સ્કેલ સાવ જુદો હોય. આને કારણે બે અલગ ગાયિકાઓ હોવાનો આભાસ થાય. આ ગીત અહીં સાંભળી શકાશે.
1972માં રજૂઆત પામેલી ‘રાખી ઔર હથકડી’ના ગીત ‘આજા આજા સજન’માં આશા ભોંસલેના
એકલ સ્વરને અલગ સ્કેલ પર ગવડાવવામાં આવ્યો. આ ગીતમાં મુખડું પૂરું થતા તેમજ
અંતરાની સમાંતરે આવતા આલાપ ‘પા...પા...પા..’ તરીકે આ સ્વર મૂકાયો હતો. અહીં એ સાંભળી
શકાશે.
અગાઉ 1971માં આવેલી ‘હરે રામ હરે કૃષ્ણ’ના અતિ વિખ્યાત ગીત ‘દમ મારો દમ’માં મુખડું અને
અંતરામાં આશા ભોંસલેના અલગ સ્કેલનો ઉપયોગ રાહુલદેવ બર્મને કરેલો, પણ આ ગીતમાં બન્ને સ્કેલ એક સાથે જોવા મળે છે.
એ જ પદ્ધતિ 1972માં રજૂઆત પામેલી ‘અનામિકા’ના ગીત ‘આજ કી રાત કોઈ
આને કો હૈ’માં પણ ઉપયોગમાં
લેવાઈ. એ ગીતમાં સ્વર આશા ભોંસલેનો જ હતો. તો 1972ની જ ફિલ્મ ‘જવાની દીવાની’ના ગીત ‘જાનેજાં ઢૂંઢતા ફિર રહા’માં આર.ડી.બર્મને આશા ભોંસલેને બે સાવ અલગ સ્કેલમાં ગવડાવીને કંઈક આવી જ અસર નીપજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, આ ગીતના અંતરામાં બન્ને સ્કેલ અલગ અલગ છે, અને એ ઓવરલેપ થતા નથી. આ ગીતમાં પડદા પર એક જ નાયિકા બે અલગ સ્કેલમાં, એટલે કે અલગ સ્વરમાં ગાય એવી અસર પેદા કર્યા પછી રાહુલ દેવ બર્મને એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ બે નાયિકાઓ માટે ‘કાલા સોના’ના આ ગીતમાં
કર્યો.
1975માં રજૂઆત પામેલી આ ફિલ્મના ગીત ‘કોઈ આયા, આને ભી દે’માં તો આશા ભોંસલેના સ્વરનો ઉપયોગ યુગલ ગીતની
જેમ કરવામાં આવ્યો છે. એટલે કે આશા ભોંસલે એક ચોક્કસ સ્કેલ પર મુખડાનો આરંભ કરે
અને એ જ મુખડામાં વચ્ચેથી જ અલગ સ્કેલ પર આશા દ્વારા જ ગવાયેલું મુખડું જોડાય. આને
લઈને આ એકલ ગીત હોવા છતાં એ યુગલ ગીત હોવાનો આભાસ થાય. અંતરામાં પણ એક સ્કેલ પર
શબ્દો ગવાતા હોય અને બીજા સ્કેલ પર આલાપ એની સમાંતરે ચાલતો હોય. આ ગીત અહીં સાંભળી
શકાશે.
પછીના વરસે, 1976માં આવેલી
ફિલ્મ ‘મુક્તિ’ના ગીત ‘દિલ સજન જલતા હૈ’માં પણ આ પ્રયોગ વધુ એક વાર સાંભળવા મળ્યો. આ
ગીત પણ આશા ભોંસલેએ ગાયું હતું. આમાં તે આખું મુખડું પૂરું કરીને તેનું આવર્તન કરે
છે એ સમયે બીજા સ્કેલ પર તેમના સ્વરમાં આલાપ સાંભળી શકાય છે, જે યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરે છે.
નોંધપાત્ર છે કે અંતરો એકલગાન છે, પણ અંતરા પછી
આવતા મુખડામાં આલાપ ભળે છે. આ ગીત અહીં સાંભળી શકાશે.
1987માં આવેલા ગૈરફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’ વખતે ટેક્નોલોજી
પૂરેપૂરી વિકસી ચૂકી હતી, અને તેના
રેકોર્ડિંગમાં મોટે ભાગે કી-બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતનો ખ્યાલ ‘કોઈ દિયા જલે કહીં’ સાંભળવાથી આવશે. આશા ભોંસલે દ્વારા ગવાયેલા આ
ગીતમાં અંતરામાં આ પ્રયોગ અત્યંત સુંદર રીતે સાંભળવા મળે છે. એમાં અંતરાની પંક્તિ
પૂરી થતાં પહેલાં જ બીજા સ્કેલ પર આલાપ શરૂ થઈ જાય છે.
બિલકુલ આ જ રીતે, 1987માં રજૂઆત પામેલી ફિલ્મ 'ઈજાઝત'માં પણ આર.ડી.બર્મને આશા ભોંસલે પાસે ગવડાવેલા ગીત 'કતરા કતરા મિલતી હૈ'માં આ અસર પૂર્ણપણે પેદા કરી છે. આ ગીત અહીં સાંભળી શકાશે.
આમ, આ ગીતોનો સર્જનકાળ જોતાં એ ખ્યાલ આવે છે કે આર.ડી.બર્મને તબક્કાવાર પરિવર્તનો કરતા જઈને, આ ચોક્કસ અસર ઊભી કરવાનું, પોતે ધાર્યું પરિણામ મેળવી લીધું હતું. આ પ્રકારનાં ગીતોમાં એક ગીતના અપવાદને બાદ કરતાં તમામ ગીતો આશા ભોંસલેએ ગાયેલાં છે, અને એ કેવળ યોગાનુયોગ નથી.
(Link courtsey: You Tube)
(પૂરક માહિતી: જયપાલ થાનકી, નંદિતા મુની)
Sunday, July 9, 2017
ટાઈટલ મ્યુઝીક (1)
એ રીતે આ લખાણોને બ્લોગ પર મૂકવાનો વિચાર આવ્યો.
દૃશ્યમાધ્યમ માટેનું વિસ્મય ઘરમાં ટી.વી.ના આગમન પછી ખતમ થવા માંડ્યું. એ અગાઉ 'ચલ'ચિત્ર જોવા માટે થિયેટર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ફિલ્મ જોવાનો 'પોગરામ' હોય. થિયેટર પર વહેલા જવાનું, કબાટના કાચની આરપાર મૂકાયેલા ફિલ્મના 'ફોટા' ધ્યાનથી જોવાના, ટિકિટ લઈને અંદર બેઠા પછી એક એક જાહેરખબરો અને 'ફિલ્મ્સ ડિવિઝન કી ભેંટ'વાળી ફિલ્મ પણ રસપૂર્વક જોવાની. આ સંજોગોમાં મૂળ ફિલ્મ એના નંબરીયા શરૂ થાય એ પહેલા દેખાડાતા સેન્સર સર્ટિફિકેટથી જ શરૂ થઈ ગઈ ગણાતી.
આ વાત સિત્તેર-એંશીના દાયકાની કરું છું.
એ વખતે જોયેલી ઘણી ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક બહુ આકર્ષક લાગતું અને એ સાંભળીને રોમાંચ થતો. ત્યાર પછી ઉર્વીશ અને મેં લોંગ પ્લે રેકર્ડો ખરીદવાનું શરૂ કર્યું તેની પાછળનું એક મુખ્ય આકર્ષણ આ રેકર્ડમાં આવતું ટાઈટલ મ્યુઝિક પણ ખરું. ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક ગમતું, પણ બહાર નીકળ્યા પછી યાદ રાખવું મુશ્કેલ હતું.
યાદ છે ત્યાં સુધી અમદાવાદ-વડોદરા પર આવતા 'જયભારતી' કાર્યક્રમમાં બપોરે 2.10 થી 2.20 દરમ્યાન આવતા સમાચાર પછી કાર્યક્રમની બાકી રહેતી દસ મિનીટમાં કોઈ એક દિવસે ઉદ્ઘોષક ભરત યાજ્ઞિક 'શીર્ષક સંગીત' સંભળાવતા હતા, એવું યાદ છે. (આવા એક કાર્યક્રમમાં 'જહોની મેરા નામ'નું ટાઈટલ મ્યુઝીક સાંભળવા મળેલું.) એ વખતે એફ.સી.મહેરાની ફિલ્મ 'અલીબાબા ઔર ચાલીસ ચોર' આવેલી. આર.ડી.બર્મનના સંગીતવાળી આ ફિલ્મનાં ગીતો ત્યારે ઠીકઠીક લોકપ્રિય થયેલાં.
જે હોય એ, મને તો ફિલ્મ પણ ગમેલી. છુપાવવાનું શું, એ મેં બે વાર જોયેલી. પણ તેમાં ખરી મઝા હતી આર.ડી.ના ટાઈટલ મ્યુઝીકની. ઘોડેસવારીના કરતબ દેખાડતા ઘોડેસવારો જોઈને જે મઝા પડતી અને તેમાં ઉમેરો કરતું આ મ્યુઝીક.
અહીં એ સાંભળી શકાશે.
