Showing posts with label Kishore kumar. Show all posts
Showing posts with label Kishore kumar. Show all posts

Wednesday, March 29, 2023

પાગલ જીનિયસ

 "તમારામાંના ઘણાને આ સાંભળીને નવાઈ લાગશે કે 'આનંદ'ની મુખ્ય ભૂમિકા માટે કિશોરદા તૈયાર હતા. બધું નક્કી થઈ ગયેલું. શૂટના થોડા દિવસ અગાઉ ફિલ્મમાંનો પોતાનો લૂક, કોસ્ચ્યુમ્સ વગેરેની ચર્ચા કરવા કિશોરદા અમને મળવાના હતા. તેઓ આવ્યા- સાવ ટકલું કરાવીને. અમને બધાને આંચકો લાગ્યો! આટલું ઓછું હોય એમ કિશોરદા નાચતાં નાચતાં ઓફિસમાં ફરવા અને ગાવા લાગ્યા, 'હવે શું કરીશ, હૃષિ?' (ફિલ્મના નિર્દેશક હૃષિકેશ મુખોપાધ્યાય). આખરે, ટૂંક સમયમાં રાજેશ ખન્નાને એ ભૂમિકા સોંપવામાં આવી. કદાચ કિશોરદા એ પાત્ર કદી ભજવવા જ માંગતા નહોતા. પોતાને આ રીતે નુકસાન કરીને અન્યને કષ્ટ આપનાર મેં કદી જોયો નહોતો. એય ખરું કે કિશોરદા એવી વ્યક્તિ હતી કે એના પર તમે લાંબો સમય ગુસ્સે ભરાયેલા રહી ન શકો. એમ કરીએ તો નુકસાન આપણું. એમ કરવાનો મતલબ આ વિશ્વના સત્વથી- કિશોરકુમારના સત્વથી વંચિત રહી જવું. એનું એક આગવું ગૌરવ, નશો અને અનુભૂતિ હતાં- અને એ તદ્દન અનન્ય હતાં."

"કિશોરકુમારને અતિ પ્રિય બાબતો પૈકીની એક પોતાના નિર્માતાઓને મુશ્કેલીમાં મૂકવાની હતી. એ કદી નિર્માતાઓને નુકસાન કે હાનિ પહોંચાડવા માટે નહોતી. એમાં અડધી રમૂજ, અને અડધું વાજબીપણું રહેતું. એક વાર અમે 'ભરોસા' ફિલ્મના ગીતોનું રેકોર્ડિંગ નક્કી કરેલું. ઘણા સમયથી રિહર્સલ થઈ રહ્યા હતાં અને સહુ તૈયાર હતા. ફાઈનલ રેકોર્ડિંગ શરૂ થાય એ પહેલાં કિશોરદાએ અમને જણાવ્યું કે એમને થોડી ચા જોઈશે. તેમના ડ્રાઈવર અબ્દુલને ચા લઈ આવવા માટે કહેવામાં આવ્યું. અબ્દુલ ઊપડ્યો અને સહુ તેના આવવાની રાહ જોતા રહ્યા. અબ્દુલના આવવાનાં એંધાણ જણાતા નહોતાં. અમે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહેતાં, 'ચાલો ને, દાદા, રેકોર્ડિંગ પતાવી દઈએ. અબ્દુલ હમણાં આવી જશે.' ત્યારે એ કહેતા, 'અબ્દુલને આવી જવા દો. હું ચા પીઉં એ પછી જ વાત.' અમે વારેવારે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતા, પણ તેઓ ટસના મસ ન થયા. આખરે અબ્દુલ આવ્યો કે તરત જ કિશોરદાએ જાહેર કર્યું, 'ઓકે, ચાલો, રેકોર્ડિંગ કરીએ.' અમે પૂછ્યું, 'કેમ? તમારે ચા નથી પીવાની?' અમારી વાત પર ધ્યાન આપ્યા વિના તેઓ રેકોર્ડિંગ માટે તૈયાર થઈ ગયા. હકીકતમાં એમના માટે ચાનું કશું મહત્ત્વ જ નહોતું. તેઓ ઈચ્છતા હતા કે નિર્માતા નાણાં ખર્ચે અને વાદકો તેમજ અન્ય કર્મચારીઓ માટે ચા મંગાવે. આ આખું નાટક એના માટે હતું."

"એક વાર શૂટ દરમિયાન કિશોરદાએ રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું, 'બીમલદા (બીમલ રૉય), કાલે એક નિર્માતા મને મળવા આવેલો. મેં કહ્યું કે હું ફિલ્મ સાઈન કરીશ, પણ એક શરતે. તેણે મારે ઘેર ચડ્ડી પર કૂરતો પહેરીને આવવું પડશે. તેણે એ રીતે પાન ચાવતાં ચાવતાં આવવું પડશે કે હોઠના બન્ને ખૂણેથી લાલ રેલા દદડતા દેખાય. મારે ઘેર બે ટેબલને ભેગાં કરવામાં આવશે, અને એક ટેબલ એ ઊભો રહેશે, બીજા પર હું. એ પછી અમે હાથ મિલાવીશું અને કરાર પર સહી કરીશું.' બીમલદાએ પૂછ્યું, 'આવું ગાંડપણ શા માટે, કિશોર?' અકળાઈને કિશોરદાએ કહ્યું, 'બીમલદા, આજે એ નિર્માતા બિલકુલ આવાં કપડાં પહેરીને મને મળવા આવેલો. તમે જ કહો, પાગલ કોણ? હું કે એ?' આ તર્કનો કશો જવાબ નહોતો."

- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

ટીપ્પણી: 'ભરોસા' નામની કુલ બે ફિલ્મો બની છે. એક 1940માં અને બીજી 1963માં. 1940ની ફિલ્મમાં કિશોરકુમાર કે ગુલઝાર હોવાની શક્યતા નથી, જ્યારે 1963ની ફિલ્મમાં ગુરુદત્ત અને આશા પારેખની ભૂમિકા હતી, જેના નિર્માતા હતા વાસુ મેનન. આ ફિલ્મનાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં અને સંગીતકાર હતા રવિ. ગુલઝારે જે 'ભરોસા'નો ઉલ્લેખ કર્યો છે એ ફિલ્મ સેન્સર થઈ નથી, પણ તપાસ કરતાં એટલી વિગત મળી કે રાજેશ ખન્ના અને ઝાહીરાની ભૂમિકાવાળી આ ફિલ્મ 1981માં બનવાની શરૂ થઈ હતી અને તેનાં ગીત ગુલઝારે લખેલાં. દિગ્દર્શક હતા મેરાજ.

Monday, March 7, 2022

રાહુલ દેવ બર્મન: પહેલો દાયકો અને કિશોરકુમાર

 કિશોરકુમારને બ્રેક આપનાર સંગીતકાર ખેમચંદ પ્રકાશ હતા, પણ તેમને સતત અજમાવતા રહેનાર સંગીતકાર સચીન દેવ બર્મન હતા. અમુક સંગીતકારો કિશોરકુમારને ગાયક સુદ્ધાં ગણવા તૈયાર નહોતા, એવે સમયે સચીનદાએ કિશોરકુમાર પાસે સતત ગીતો ગવડાવ્યાં. 'આઠ દિન' (1946)માં કિશોરકુમાર પાસે 'બાંકા સિપહીયા ઘર જઈ હો' જેવી થોડી લીટીઓ ગવડાવ્યા પછી 'બહાર' (1951)માં 'કસૂર આપકા હજૂર આપકા' જેવું આખું ગીત તેમણે ગવડાવ્યું. આમ છતાં, આ જોડીને સફળતા મળી છેક 'આરાધના' (1969)માં. અઢાર વરસ જેટલો સમયગાળો કોઈ વ્યક્તિની પ્રતિભામાં વિશ્વાસ ટકાવી રાખવા માટે ઘણો લાંબો ગણાય.

રાહુલ દેવ બર્મન નાની વયથી પિતાજીના સહાયક તરીકે સંકળાયેલા હતા, અને બર્મનદાદાના નામે ગણાતાં અમુક ગીતની ધૂન કિશોર વયના રાહુલ દેવે બનાવી હતી એવી વાત બહુ જાણીતી છે. આથી સ્વાભાવિકપણે જ આપણને એમ માનવાનું મન થાય કે રાહુલ દેવ અને કિશોર કુમાર વચ્ચે ખૂબ મેળ હશે. કેમ કે, આગળ જતાં એ હકીકત પુરવાર પણ થઈ.
અલબત્ત, કેટલીક વિગતો રસ પડે એવી છે. રાહુલ દેવ બર્મનના સ્વતંત્ર સંગીતવાળી ફિલ્મ 'છોટે નવાબ'ની રજૂઆત 1961માં થઈ. તેમની કારકિર્દીનો પ્રથમ દસકો એટલે કે 1961થી 1970 સુધીની ફિલ્મો અને એ ફિલ્મોમાં કિશોરકુમારે ગાયેલાં ગીતો કંઈક જુદું ચિત્ર ઉપસાવે છે. વર્ષવાર રજૂ થયેલી રાહુલ દેવની ફિલ્મ, તેનાં કુલ ગીતો અને એ ગીતોમાં કિશોરકુમારે ગાયેલાં ગીતોની સંખ્યા જોવાથી ખ્યાલ આવશે.
****

1961: છોટે નવાબ (કુલ ગીતો 8 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1965:
ભૂત બંગલા (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 2- 'જાગો સોને વાલોં' અને 'એક સવાલ હૈ')
તીસરા કૌન (કુલ ગીતો 5 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1966:
પતિ પત્ની (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
તીસરી મંઝીલ (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1967:
બહારોં કે સપને (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
ચંદન કા પલના (કુલ ગીતો 8 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1968:
અભિલાષા (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 1- 'પ્યાર હુઆ હૈ જબસે'- લતા સાથે)
પડોસન (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 3- મેરે સામનેવાલી ખિડકીમેં- કહના હૈ, કહના હૈ- એક ચતુર નાર- મન્નાડે સાથે)
1969:
પ્યાર કા મૌસમ (કુલ ગીતો 9 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 1- 'તુમ બિન જાઉં કહાં)
વારિસ (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1970:
એહસાન (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 1- 'આજા તુઝે પ્યાર કર લૂં'- આશા સાથે)
કટી પતંગ (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 4 - 'યે જો મોહબ્બત હૈ'-'પ્યાર દિવાના હોતા હૈ'- 'યે શામ મસ્તાની'- 'આજ ના છોડેંગે - લતા સાથે)
પુરસ્કાર (કુલ ગીતો 5 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0‌)
રાતોં કા રાજા (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
સાસ ભી કભી બહુ થી (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 4- 'સુનો જી તુમ- સુમન કલ્યાણપુર સાથે, લે લો ચૂડિયાં- લતા સાથે, દુ:ખસુખ મેરે તેરે હવાલે- લતા સાથે, એક બોતલ હો બગલ મેં)
ધ ટ્રેન (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીત 0)
****

દસ વર્ષમાં રાહુલ દેવ બર્મનની કુલ ફિલ્મોની સંખ્યા 17 છે, જેમાં એક ફિલ્મમાં કિશોરકુમારે ગાયેલાં સૌથી વધુ ગીત 'સાસ ભી કભી બહુ થી' (4) અને 'કટી પતંગ'નાં (4) ફિલ્મનાં છે. 17 ફિલ્મોનાં કુલ 111 ગીત પૈકી કિશોરકુમારના ભાગે ફક્ત 16 ગીતો જ આવ્યાં છે. 'તીસરી મંઝીલ', 'બહારોં કે સપને', 'ધ ટ્રેન' જેવી મ્યુઝીકલ હીટમાં કિશોરકુમારનું એક પણ ગીત નથી, તો 'પ્યાર કા મૌસમ'માં માત્ર એક જ ગીત છે. એ ઉપરાંત 'કટી પતંગ' અને 'પડોસન'માં કિશોરકુમારે ગાયેલાં ગીતો અતિ લોકપ્રિય બન્યાં, પણ આ ત્રણે ફિલ્મોમાં કિશોરકુમારનાં ગાયેલાં ગીતોની સંખ્યા ફક્ત આઠ જ છે. 'સાસ ભી કભી બહુ થી'નાં કિશોરકુમારનાં ચાર ગીતો પૈકી એક જ એકલ ગીત છે, અને ત્રણ યુગલ ગીત. પણ એમાંથી ભાગ્યે જ કોઈ યાદ આવે એવું છે.
1970ના દાયકામાં આ પ્રમાણ વધતું ગયું, અને આ જોડીએ અનેક અમર ગીતો આપ્યાં. એને પણ આંકડાની રીતે ચકાસવું પડે.
કેમ કે, આંકડા બહુ ક્રૂર હોય છે. એ આપણી ઘણી માન્યતાઓનો ભાંગીને ભુક્કો કરી નાંખે છે.
'સાસ ભી કભી બહુ થી'નું કિશોરકુમારે ગાયેલું એકલગીત 'એક બોતલ હો બગલ મેં' અહીં સાંભળીએ.


(માહિતીસ્રોત: હિન્દી ફિલ્મ ગીતકોશ, ખંડ 4, સંપાદક: હરમંદીરસિંઘ 'હમરાઝ' અને હરીશ રઘુવંશી)