Showing posts with label Ad. Show all posts
Showing posts with label Ad. Show all posts

Tuesday, April 5, 2022

જાહેરખબરમાં જમાનો (3)

(વિવિધ ઉત્પાદનોની, વિવિધ સમયગાળાની, વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત જાહેરખબરો અહીં સંકલિત કરીને મૂકેલી છે. સાથે જરૂર પૂરતી ટીપ્પણી પણ ખરી. આ જાહેરખબરોને જે તે જમાનાનું દર્પણ કહી શકાય એમ છે. )

વસ્ત્રો અહીં સિવડાવો 'રાજ'.

(1978 ની આ જાહેરખબરમાં જે ફેશનનાં નામ છે એ ખાસ જોવાં. આજે નવી ગણાતી ફેશન ક્યારની છે એ ખ્યાલ આવશે.)




**** 
આ એક્ઝેક્ટલી છે શું?



****
......એટલે જ હું હાથીને પાળતો નથી.


**** 

ઘણા વરસો પહેલાં મુકુલ ચોકસીની આ પંક્તિઓ વાંચેલી, તે યાદ આવી ગઈ.
કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !
મુકુલભાઈની કવિતા તો બરાબર, પણ પારલે ગ્લુકોની કવિતાય કમ નથી!


****
કુળદેવતાનું નામ કે અન્ય વિશેષ નામ તો સમજ્યા, પણ પોતાની પ્રોડક્ટનું નામ પ્રાણીના નામે રાખવાનો શો તર્ક? અને એ પણ એવું પ્રાણી જેને આખી વાત સાથે કશી લેવાદેવા નથી.
જેમ કે, ગાય છાપ બેસન.....


****
'આ પિસ્તોલનો દેખાવ જ એવો છે કે જે દુશ્મનની નજરે પડતાં જ તે નહાસભાગ કરે છે.'


****
સફેદ વસ્ત્રો પહેરનાર ઘણા લોકોનાં નામની પાછળ 'ટીનોપાલ' લગાડાતું હતું.


****
ચુંબકનો ચમત્કાર.


****

ફિલ્મી ગીતો નહોતાં એ જમાનામાં લોકો શું ગાતાં-વગાડતાં હશે?
એ સવાલનો કંઇક અંશે જવાબ.


****
મને એમ કે પિયાનો એટલે પિયાનો.
એના પણ આટલા બધા મોડેલ આવે છે એ નહોતી ખબર.


****
આ બ્રાન્ડનેમ ગમી ગયું.
આપણી વાર્તાઓના કોઈ પાત્ર પરથી આવું કોઈ ઉત્પાદન થયેલું ધ્યાનમાં ખરું?


****
આવું એલ્યુમિનિયમનું લન્ચ બોક્સ મેં વાપરેલું છે.


****
'રાઈટર' મહાશયો! એમ ન સમજતા કે આ બિસ્કીટ સારું લખી શકાય એ માટે છે. એના બનાવનારની અટક 'રાઈટર' છે.
વધુ એક સ્પષ્ટતા: ચિત્રમાં જે માથાના દુ:ખાવા માટેની ગોળીના આકારની ચીજ છે, એ બિસ્કીટનો ડબ્બો છે.

Monday, April 4, 2022

જાહેરખબરોમાં જમાનો (2)

(વિવિધ ઉત્પાદનોની, વિવિધ સમયગાળાની, વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત જાહેરખબરો અહીં સંકલિત કરીને મૂકેલી છે. સાથે જરૂર પૂરતી ટીપ્પણી પણ ખરી. આ જાહેરખબરોને જે તે જમાનાનું દર્પણ કહી શકાય એમ છે. )

છે તો આ એક વિદેશી બૂટની જાહેરખબર, પણ અહીં તેને જુદા હેતુસર મૂકી છે. તેમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રમત બાળપણમાં ઘણા રમ્યા હશે. જો કે, અહીં જે રીતે પાછળથી આગળની તરફ છોકરો કૂદતો બતાવાયો છે, તેને બદલે આપણે અહીં બાજુ પરથી કૂદતા હતા.

આ રમતનું નામ શું? ખબર નથી, પણ કૂદતી વખતે એક શબ્દ બોલવાનો રહેતો. અમે 'સીન્ગલ હેન્ડલ', 'ડબલ હેન્ડલ' એમ બોલતા. ક્યારેક 'સોમવાર', 'મંગળવાર' એમ સાત વારનાં નામ વારાફરતી બોલતા. જેનો દાવ હોય એ છોકરો આ રીતે ઊભો હોય અને બધા વારાફરતી તેની પરથી કૂદે. એમ કરતાં કૂદનારના પગનો કોઈ ભાગ છોકરાના માથાને અડકી જાય તો એ આઉટ. માથું નમેલું રાખવાનું હોય, પણ અમુક ચબરાક છોકરાઓ કૂદનાર કૂદતો હોય એ વખતે જ પોતાનું માથું સહેજ ઊંચું કરી દેતા. એક વખત બધા કૂદી લે પછી નીચે નમેલો છોકરો પોતાની ઊંચાઈ સહેજ સહેજ વધારતો જાય અને 'રવિવાર' આવતાં સુધીમાં તો એ લગભગ ઊભો થઈ ગયો હોય.
'સોમવાર', 'મંગળવાર'ને બદલે ઘણા મજાકમાં 'સોમાકાકા', 'મંગળદાસ', 'બુધાકાકા' એમ પણ બોલતા. આ રમતમાં કૂદવા માટે વધુ ઊંચાઈની જરૂર ન પડે, પણ દોડતા આવીને નમેલા છોકરાની પીઠ પર બન્ને હથેળીનું વજન દઈને આસ્તેથી કૂદી જવામાં અમુક બટકા છોકરાઓ પણ ઊસ્તાદ હતા. સ્વાભાવિક છે કે આ રમત છોકરાઓ પૂરતી જ મર્યાદિત રહેતી.
મને લાગે છે કે ગામ, નગર કે શહેર- દરેકમાં આ રમત રમાતી હશે. પણ દરેક જગ્યાએ તેનું નામ અલગ હશે. અથવા તો કૂદતી વખતે કૂદનાર દ્વારા અલગ અલગ શબ્દો બોલાતા હશે.
એલ.પી.જી. પેઢીને આ રમતનો લાભ ભાગ્યે જ મળ્યો હશે, એમ લાગે છે. આ રમત રમી રમીને મોટા થયા પછી પિતા બનેલાઓ આ રમત પોતાનાં સંતાનોને રમવા દેતા નથી. રખે ને પોતાના છોકરાનું માથુંબાથું ક્યાંક ફૂટી જાય તો! કોઈક એની ગરદન પર વધુ પડતું જોર આપી દે તો!


****
સતયુગ કે કળયુગ જેવું કશું હોય છે કે નહીં એની ખબર નથી. પણ સામાન્ય સમજણ, રમૂજવૃત્તિ કે મૂળભૂત માનવીય મૂલ્યોનું સરેરાશ સ્તર નીચું જતું લાગે અને તેના માટે કોઈ ફિકર તો ઠીક, એવું ભાન પણ ન પડે, અને ઉપરથી એ બદલ ગૌરવ અનુભવવામાં આવે ત્યારે ઘણાને કળયુગ બેઠેલો લાગે તો નવાઈ નહીં. જો કે, આવી લાગણી મોટે ભાગે બેય પક્ષે હોય તો નવાઈ નહીં.
આ ચર્ચાનો અર્થ નથી, પણ મને લાગે છે કે કોઈ હાસ્યલેખમાંની અત્યંત વાઈલ્ડ રમૂજ કે કાર્ટૂનમાં દર્શાવાયેલી અશક્યવત્ પરિસ્થિતિ વાસ્તવિકતા બનીને આવે અને એનો કોઈને અહેસાસ સુદ્ધાં ન થાય ત્યારે જે થાય એ શું? આપણે એડ ફીશર/Ed Fischerનું કાર્ટૂન જોઈને આંસુ સારવા કે અક્ષયકુમારને ચમકાવતી જાહેરખબર જોઈને દાંત કાઢવા એ જ ન સમજાય!




****
ફૂટબૉલ સ્ટાર મારાડોના (કે જે ઉચ્ચાર થતો હોય એ)ને અમૂલની એડમાં જે તે સમયે આ રીતે સ્થાન અપાયેલું. ઉર્વીશ ત્યારે અમદાવાદ કૉલેજમાં જતો અને ચાલુ બસે નહેરુ બ્રીજ પર મૂકાયેલું 'અમૂલ'નું હોર્ડિંગ વાંચી લેતો. આ કારણે કેટલાંક લખાણો 'સમજવા' માટે અમારે ખાસી માથાકૂટ કરવી પડતી. અહીં આપેલું 'મેથ્યુઝ'વાળું લખાણ એવું જ છે. એ પછી અમે સૌ પહેલાં ડૉ. કુરિયનને આ પ્રકારની જાહેરખબર બાબતે અભિનંદન પાઠવતો પત્ર લખીને એ કોણ બનાવે છે એ પૂછાવેલું.
ડૉ. કુરિયને અમને જવાબ તો આપ્યો, સાથે અમારા પત્રની એક નકલ ભરત દાભોલકરને પણ મોકલી આપી, જે ત્યારે 'અમૂલ'ની એડ માટેનાં આવાં કેપ્શન બનાવતા હતા. એટલે થોડા સમય પછી ભરત દાભોલકરનો પણ જવાબ અમને મળ્યો.
મારાડોનાના અવસાનના સમાચાર નિમિત્તે દાભોલકરની એ એડ તાજી થઈ આવી.



**** 
ખોવાઈ છે. પત્તો આપનારે ઈનામ આપવાનું રહેશે.

માત્ર બે રૂપિયાની કિંમતની આ ‘કોલ્ડ સ્ટાર’ પીપરમીન્ટ - અને એમાં પણ રોઝ ફ્લેવરની, એટલે દિવ્યતા. માનવામાં ન આવે કે બે જ રૂપિયામાં આવો દિવ્ય અનુભવ થઈ શકે. મુંબઈ જાઉં ત્યારે મોટે ભાગે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનેથી આવાં પંદર-વીસ પેકેટ લઈ લઉં. રોઝ સિવાયની સાદી આવે છે, એ પણ અદભુત છે.
છેલ્લા થોડા સમયથી તે દેખાતી બંધ થઈ ગઈ છે. તેને વેચનારા ફેરીયાઓ કહે છે, ‘ક્યા કરેં સા’બ, માલ હી નહીં આતા હૈ!’ મને ખાતરી છે કે મારી જેમ તેના અનેક પ્રેમીઓ હશે. કોઈ આનો પત્તો આપી શકે? ‘વૉલ્ગા કન્ફેક્શનરીઝ, બોમ્બે- 11’ જેટલું જ સરનામું ધરાવતી આ કંપનીની પ્રોડક્ટનું શું થયું હશે? આની જાહેરખબર કદી જોઈ નથી, તેથી જ કદાચ બે રૂપિયા જેવી મામૂલી કિંમતે એ વેચાતી હશે.
તેમાં વપરાતાં રસાયણો અને તેના લાભાલાભની ચર્ચાને અવકાશ નથી. આની છેલ્લી ખરીદી 2015ની આસપાસ કરી હતી.



**** 
"દીકરીને ઘેર જવા દે,
રસપુરી ખાવા દે,
તાજીમાજી થવા દે,
પછી મને ખાજે."
દીકરીને ઘેર જતી ડોશીને રસ્તે મળતાં વાઘ-સિંહ-દીપડા જેવાં જંગલી પશુઓને ડોશી દ્વારા અપાયેલા આ વાયદાની વાર્તા સૌને ખબર છે. આ વાર્તા એક ચોક્કસ સંદર્ભે યાદ આવી ગઈ.
1970 ના દશકના અંત અને '80 ના દશકના આરંભ સુધીમાં વી.સી.આર. બહુ સામાન્ય બનવા લાગ્યા હતા. સાધનસંપન્ન લોકો વી.સી.આર. વસાવતા, અને જેને તે વસાવવો પોષાય એમ ન હોય તે ભાડે લાવતા. ભાડું દિવસે કલાક મુજબ અને સાંજે લાવીએ તો આખી રાતનું ગણાતું. કોઈક દિનવિશેષ હોય ત્યારે વી.સી.આર. પર ફિલ્મો જોવાના પ્રોગ્રામ ઘડાતા. પૈસા વસૂલ થાય એ માટે આઠ-દસથી લઈને પચીસ-ત્રીસ લોકોનો સમૂહ એકઠો કરાતો.
નાનાં ગામમાં એક તો વી.સી.આર. ભાડે આપનાર ઓછા હોય, અને એમાંય આવા કોઈ વિશેષ દિવસે રીતસરની પડાપડી થતી હોય. એવે સમયે વી.સી.આર. ભાડે આપનારનો પણ દબદબો કંઈક અલગ જ રહેતો. ગમે તેની સાથે રુક્ષ વર્તન કરવાનું લાયસન્સ તેને મળી જતું.
આ પોસ્ટ લખતી વખતે એવી કલ્પના આવી કે ધારો કે, કોઈક વી.સી.આર. ભાડે લેવા ગયો અને તેને વી.સી.આર.વાળાએ ખરીખોટી સુણાવી. ત્યારે ભાડે લેવા જનારે મનોમન કહ્યું હશે, 'બેટમજી, તારી પાસે આ ડોઘલું છે એટલે તને લોકો પૂછે છે. બાકી તારી હેસિયત શી?' પછી મનમાં નક્કી કર્યું હશે, 'નોકરીબોકરી મળવા દે, પહેલું બોનસ આવવા દે, વી.સી.આર. લાવવા દે, પછી તું જોજે.'
પણ અફસોસ! ઘણાનું આ સપનું સાકાર થઈ ન શક્યું. કેમ કે, નોકરી મળે, પહેલું બોનસ હાથમાં આવે ત્યારે વી.સી.આર.ની પ્રજાતિ જ સમૂળગી લુપ્ત થઈ ગયેલી. એટલે પહેલું બોનસ હાથમાં આવે ત્યારે દીકરીને ત્યાંથી પાછા વળતાં ભંભોટિયામાં બેઠેલી ડોશીની શૈલીમાં કહેવું પડે, 'કિસકા વી.સી.આર., કિસકા કામ,ચલ ભંભોટિયા અપને ગામ.'
ટિડીંગ.
કથાસાર એટલો કે 'પંચ'ના 1984ના અંકમાં છપાયેલી વી.સી.આર.ની આ જાહેરખબર જોઈને કોણ જાણે કેમ ડોશીની વાત યાદ આવી ગઈ. એ બંધબેસતી છે કે કેમ, એ ખબર નહોતી, એટલે ગમે એમ કરીને એનો મેળ બેસાડ્યો છે. તમને લાગે કે બંધબેસતી છે તો, 'બીરેનના બ્લૉગે જવા દે, શું મૂક્યું એ જોવા દે, વાંચવા જેવું લાગે તો, પછી એને વાંચજે' કહીને આનંદ લેજો. અને એમ લાગે કે વાર્તાનો ક્યાંય મેળ બેસતો નથી, તો પછી, 'ચલ ભંભોટિયા અપને ગામ...' કહીને આનંદ લેજો.
કથાસારનો સાર એટલો કે આનંદ લેવો.

Sunday, April 3, 2022

જાહેરખબરમાં જમાનો (1)

 જૂની જાહેરખબરો અને તેમાં વપરાતી ગુજરાતી ભાષા મારા અતિ પ્રિય રસનો વિષય રહ્યો છે. કયા સમયે કેવાં કેવાં ઉત્પાદનો નવિન ગણાતાં એ વરસો પછી જાણીને નવાઈ લાગે. એ જ રીતે ખાસ કરીને જૂની ગુજરાતી જાહેરખબરોમાં પ્રયોજાતી ભાષા પણ બહુ રસપ્રદ હોય છે. 

વિવિધ ઉત્પાદનોની, વિવિધ સમયગાળાની, વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત જાહેરખબરો અહીં સંકલિત કરીને મૂકેલી છે. સાથે જરૂર પૂરતી ટીપ્પણી પણ ખરી. છૂટીછવાઈ અંગ્રેજી જાહેરખબરો પણ આમાં છે. શક્ય હોય ત્યાં સુધી જાહેરખબર પ્રકાશિત થયાનું વર્ષ લખેલું છે. 

આ જાહેરખબરોને જે તે જમાનાનું દર્પણ કહી શકાય એમ છે. 

**** 

ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી ચૂકી હતી ત્યારે.......
(જાહેરખબર વર્ષ: 1904)


****
બલિહારી 'પંચ' આપ કી, 'ગોવિંદ' દિયો બતાય.....
('હિન્દી પંચ'માં પ્રકાશિત એક જાહેરખબર, 1904)


****
બગીઓ હજી ચલણમાં રહી છે, પણ તેમને હવે આની ભાગ્યે જ જરૂર હશે!
(1904 ની એક જાહેરખબર)


****
વિમાનમાં અપડાઉન?
(જુલાઈ, 1948 ની એક જાહેરખબર)


****
આને પ્રોબ્લેમ કહેવાય એ ખબર જ નહીં. આપણા સૌના ક્લાસમાં એકાદ તો એવો હશે જ કે જે મોટી ઉંમર સુધી અંગૂઠા ચૂસતો હોય. આવા એક છોકરાનું નામ 'દૂધણિયો' પાડેલું.
(એક અમેરિકન સામયિકની 1949 ની જાહેરખબર)


****

આ જાહેરખબર ૧૯૫૪ની છે. ફક્ત છ દાયકા પહેલાંની. કોઈ હોરર ફિલ્મની પણ નથી.

એ જોઈને અમુક સવાલ થાય છે. જેમ કે,

-મુંબઈ રાજ્યમાં 'બાર'નો આ અર્થ પણ થતો?
- સૂટ પહેરેલા સજ્જનના હાથમાં 'બાર' પકડેલો બતાવ્યો છે, પણ હાથને બાદ કરતાં ધડ અને માથું બતાવાયું નથી. એ માટે આર્ટિસ્ટે અલગ પૈસા માંગ્યા હશે?
- નીચેના ભાગમાં એક કોસ્મોપોલિટન ટોળું સૂકવાયેલાં કપડાંને જોઈને મલકાઈ રહ્યું છે. કેમ?
- ટેલીફોનને સાબુ સાથે શો સંબંધ?
- કોઈ કાર્યક્રમના સંચાલક 'બાર સોપ'ને 'બાર શોપ' કહે તો શું સમજવું?
- 'આપની સેવામાં' એટલે કોની સેવામાં?
ઈચ્છો તો તમારા સવાલ ઉમેરી શકો, કે સવાલના જવાબ આપી શકો.


****
કળિયુગનો કૂકડો.....
(1954 ની એક જાહેરખબર)


****
વસ્ત્રો માત્ર જરૂરિયાત હતાં, ત્યારે જાહેરખબરમાં એની દુકાનના નકશાથી કામ ચાલી જતું હશે. યુવતીઓનો પ્રવેશ પછી થયો?
(1954ની એક જાહેરખબર)


****

ઝેરોક્સ એટલે કે ફોટોકોપીનો દાદો.
(વર્ષ:૧૯૫૪)


****

બ્લુકોઝ....
ગુલકોઝ....
'ગ્લુકોઝ' શબ્દના આ સિવાયના બીજા કોઈ ઉચ્ચાર?
(1962 ની એક જાહેરખબર)


****
કવિ શું કહેવા માગે છે? આટલા વરસોમાં કહેવાની રીત બદલાઈ છે?
'લેક્મે'ની 1962 ની જાહેરખબર.


****
'રેક્સ'ના રોઝ શરબતનો બાટલો ઘરમાં આવતો હોવાનું યાદ છે. પપ્પા વડોદરાથી લાવતા. એ વખતે ઘરમાં રેફ્રિજરેટર નહોતું. કદાચ 'પાંજરા' તરીકે ઓળખાતા કાણાંવાળા કબાટમાં એ બાટલો રહેતો.
(માર્ચ, 1962ની જાહેરખબર)

****

પેશ છે
પ્રિયદર્શિની...
(જાન્યુઆરી, 1962ની જાહેરખબર)


**** 
ચટાપટા હોય એ બધા વાઘ નથી હોતા,
ટૂથપેસ્ટ વાપરે એ સહુના દાંતે ડાઘ નથી હોતા.
(1966 ની એક જાહેરખબર)


****

હજી આ પ્રોડક્ટ ટકી રહી છે.
આ જાહેરખબર 1966 ની છે.
હવે માત્ર પેકિંગ બદલાયું છે.


****
સૌથી મજબૂત ગેંડો સિયેટનો, જે 'બોર્ન ટફ' હોવાનો દાવો કરે....


પણ એ ગેંડાથી મજબૂત 'બોમ્બે સાયકલ'ની હાથલારી, જેમાં ભલભલા 'બોર્ન ટફ' ગેંડાને ચડાવી દેવાય.
આ લારીઓને માણસ બેસે તોય ઊલળી પડતી જોઈ છે, જ્યારે અહીં ગેંડો 'અમદાવાદદર્શન' માટે નીકળ્યો હોય એમ ઉભો છે.
(1971 ની એક જાહેરખબર)


****
"મારે પણ એક હાથીનો હાથી હોય, જેને મારા ઘરના ઘરમાં રાખી શકું!"
"તારો હાથી મારા હાથી કરતાં પાતળો કેમ?"
"પપ્પા, જુઓ ને! બધા મારા હાથીને 'ગ્રે' કહીને ચીડવે છે!"
(બાળઉછેરના એક વિદેશી મેગેઝીનમાં આ જાહેરખબર જોઈને 'પજવતા વિચાર')


****
યે તો ટ્રેન નહીં, જૈસે પ્લેન હો ગયા.....
(1966 માં પ્રકાશિત એક જાહેરખબર)


**** 

આ ચીજથી એલ.પી.જી. યુગ અગાઉ જન્મેલા મોટા ભાગના લોકો પરિચીત હશે કે વાપરી ચૂક્યા હશે. ૧૯૭૦ની આ જાહેરખબર પરથી ખ્યાલ આવે છે કે ત્યારે પ્રોડક્ટ ફોટોગ્રાફી પ્રવેશી હતી ખરી, પણ અમુક મોટી કંપનીઓ જ તેનો ઉપયોગ કરતી હતી. ફોટોગ્રાફી કરીને તેનો બ્લોક બનાવડાવવો વગેરે કદાચ જફાનું અને ખર્ચાળ કામ હશે.
અહીં પણ બર્નરનું ડ્રોઈંગ બનાવવામાં આવ્યું છે. નહીંતર કંપનીનું નામ 'ઈન્ટરનેશનલ' છે.


**** 

એર કન્ડિશનર કે એર કૂલર જ્યારે ઘેરઘેર ન હતા એ અરસાની જાહેરખબર.
(માર્ચ, 1974)





****

ના માંગૂં સોનાચાંદી, ના ચાહૂં હીરામોતી,
બસ ચાહૂં નૂરકિરાયા રે.....
(1976 ની જાહેરખબર)


****
કિંમત સિવાય કશી અપડેટની જરૂર નથી.
(૧૯૮૧ની એક જાહેરખબર)


****
હેલ્મેટની જાહેરખબર જોવા મળી જાય, પણ ટોપી અને એ ક્રિકેટની!
(ક્રિકેટનાં બાકીનાં સાધનો લાઈન ડ્રોઈંગથી બતાવ્યાં છે, ફક્ત ટોપીની જ તસવીરનો ઉપયોગ થયો છે.)


****
મીલમાલિક રેકર્ડના પ્રેમી હશે કે તેમનાં પત્ની?
નહીં તો ના બને આવું...

Thursday, November 26, 2020

મારાડોના

 ફૂટબૉલ સ્ટાર મારાડોના (કે જે ઉચ્ચાર થતો હોય એ)ને અમૂલની એડમાં જે તે સમયે આ રીતે સ્થાન અપાયેલું. ઉર્વીશ ત્યારે અમદાવાદ કૉલેજમાં જતો અને ચાલુ બસે નહેરુ બ્રીજ પર મૂકાયેલું 'અમૂલ'નું હોર્ડિંગ વાંચી લેતો. આ કારણે કેટલાંક લખાણો 'સમજવા' માટે અમારે ખાસી માથાકૂટ કરવી પડતી. અહીં આપેલું 'મેથ્યુઝ'વાળું લખાણ એવું જ છે. એ પછી અમે સૌ પહેલાં ડૉ. કુરિયનને આ પ્રકારની જાહેરખબર બાબતે અભિનંદન પાઠવતો પત્ર લખીને એ કોણ બનાવે છે એ પૂછાવેલું. ડૉ. કુરિયને અમને જવાબ તો આપ્યો, સાથે અમારા પત્રની એક નકલ ભરત દાભોલકરને પણ મોકલી આપી, જે ત્યારે 'અમૂલ'ની એડ માટેનાં આવાં કેપ્શન બનાવતા હતા. એટલે થોડા સમય પછી ભરત દાભોલકરનો પણ જવાબ અમને મળ્યો.

મારાડોનાના અવસાનના સમાચાર નિમિત્તે દાભોલકરની એ એડ તાજી થઈ આવી.



Saturday, March 28, 2015

આશ્ચર્યના હળવા આંચકા: કભી હમને નહીં સોચા થા (૧)


“એક કૉલગેટ આપજો.”
“કઈ આપું?”
“ક્લોઝ અપ.”
આ જોક મારો બનાવેલો નથી, ફેસબુક પર ક્યાંક વાંચેલો છે. પણ એમાં અતિશયોક્તિ જરાય નથી. અમુક બ્રાન્‍ડનાં નામ આપણા દિમાગમાં એ હદે ઊંડા ઊતરી ગયાં છે કે એ બ્રાન્‍ડનેમને બદલે જે તે ચીજની ઓળખ બની ગયાં છે. જે તે કંપનીને આવું બ્રાન્‍ડનેમ નક્કી કરતી વખતે ભાગ્યે જ ખ્યાલ હશે કે તે આ હદનાં લોકપ્રિય થશે.
આપણા સૌના મનમાં આવી ઘણી પ્રોડક્ટની સાથે તેનું બ્રાન્‍ડનેમ નોંધાઈ ગયેલું હશે. કૉલગેટ ટૂથપેસ્ટનો પર્યાય બની રહ્યું છે, એમ લક્સ સૌંદર્ય સાબુની ઓળખ બની રહ્યો છે. જે તે કંપની માટે આ એક બ્રાન્‍ડનેમથી વધુ કંઈ જ નહીં હોય, અને એટલે જ પોતાનાં અન્ય ઉત્પાદનો માટે પણ આનું આ બ્રાન્‍ડનેમ તેમણે વાપરેલું છે.
અહીં જાહેરખબરના કેટલાક એવા નમૂના આપવામાં આવ્યા છે, જેમાં એક જ પ્રચલિત બ્રાન્‍ડનેમનાં અન્ય ઉત્પાદનો પણ બજારમાં મૂકાયાં હોય. એ કેટલું ચાલ્યાં કે નહીં એની જાણ નથી, પણ આજે આપણને ભાગ્યે જ એ યાદ છે, એ નક્કી.
'આરપાર' ના ઉર્વીશ અને પ્રણવ અધ્યારુના સુવર્ણયુગમાં તૈયાર કરાયેલા અનેક વિશેષાંકોમાં એક 'જાહેરખબર વિશેષાંક' પણ હતો. તેમાં 'અમે આ ધંધામાં પણ હતા'ના શીર્ષકથી આવો સફળ પ્રયોગ કરવામાં આવેલો. 
એમાં વપરાઈ હતી એ ઉપરાંતની અમુક જાહેરખબરોનો પણ આમાં સમાવેશ કર્યો છે. 
આ વાંચીને આશ્ચર્યના આંચકા ન લાગે તો કંઈ નહીં, આવું કંઈક હતું એની યાદ આવે તોય પૂરતું છે.

**** **** **** 

કૉલગેટ:
વિલીયમ કૉલગેટે ન્યૂ યોર્કમાં સ્થાપેલી આ કંપની આજે તો બસો વર્ષ જેટલી જૂની થઈ ગઈ છે. તેનો આરંભ સાબુ અને મીણબત્તીઓ બનાવવાથી થયેલો. કૉલગેટનું નામ આજે ટૂથપેસ્ટની ઓળખ બની ગયું છે. વખતોવખત પોતાની ટૂથપેસ્ટમાં વિવિધ તત્ત્વો હોવાનું દર્શાવતી કૉલગેટની જાહેરખબરો અલગ બ્લોગપોસ્ટનો વિષય છે. આ પોસ્ટના આરંભે લખાયેલી સ્થિતિ વાસ્તવિકતા બની ગઈ હોય એ હદે લોકો આ નામને ટૂથપેસ્ટ સાથે સાંકળી લે છે.

કૉલગેટ દ્વારા હેર ટૉનિક પણ બજારમાં મૂકવામાં આવ્યું હતું, જે લેનોલીન ધરાવતું હતું. આ તેલને શી રીતે વાળમાં લગાડવું અને એ લગાડ્યા પછી વાળ કેવા દેખાશે એ પણ દેખાડવામાં આવ્યું હતું.


વાળ માટે જ ઉપયોગી એવું કૉલગેટનું બીજું ઉત્પાદન હતું સુગંધીદાર દીવેલ અર્થાત પરફ્યુમ્ડ કેસ્ટર ઑઈલ’. કોઈ પણ કંપનીના તેલની જાહેરખબરમાં ડોકીને હળવો ઝટકો આપીને પાછળ જોતી અને એ રીતે વાળના ગુચ્છાને ઉછાળતી યુવતીઓની જાહેરખબર આજકાલ સામાન્ય છે, ત્યારે કૉલગેટની આ જાહેરખબરમાં યુવતીના ચિત્રથી કામ ચલાવવું પડ્યું છે.


કૉલગેટનું શેવિંગ ક્રીમ પણ આવતું હતું, જે મેન્‍થોલેટેડ હોવાથી ઠંડકનો અહેસાસ કરાવતું હતું. ઠંડકના અહેસાસ માટે બર્ફીલાં શિખરોનું ચિત્ર મૂકેલું છે.


વેસેલીન:
રોબર્ટ ઑગસ્ટસ ચેઝબ્રો નામનો બ્રિટીશ વૈજ્ઞાનિક પેટ્રોલિયમમાંથી બીજી શી ચીજો બની શકે તેના અખતરા કરતો હતો. ડ્રીલીંગ દરમિયાન ત્યાંના માણસો તેમાંથી નીકળતા એક પદાર્થને પોતાના ઘા પર લગાડતા હતા એ તેણે જોયું. ચેઝબ્રોએ આ જોયું અને તેણે પોતાના અખતરા શરૂ કર્યા. પાંચેક વરસ પછી તેને સફળતા મળી અને એવી પેટ્રોલિયમ જેલી તેણે તૈયાર કરી, જે ગંધરહિત, સ્વચ્છ અને હવાના પરપોટારહિત હોય. ૧૮૬૫માં તેણે પેટન્‍ટ રજીસ્ટર કરાવી. બીજા પાંચેક વર્ષ સુધી પ્રયોગો ચાલુ રાખીને ખાતરી કર્યા પછી ૧૮૭૦માં તેણે બ્રૂકલિનમાં ફેક્ટરી સ્થાપી અને મોટા પાયે અમેરિકન બજારમાં પ્રવેશ કર્યો. વન્‍ડર જેલી તરીકે વેચાતી આ પ્રોડક્ટના પરચા દેખાડવા માટે ચેઝબ્રો પોતાની આંગળી પર એસિડ રેડતો કે જ્યોત પર આંગળી ધરી રાખતો અને પછી તેની પર આ જેલી લગાડીને દેખાડતો કે તેનાથી કેવી રાહત થઈ જાય છે. પ્રોડક્ટ ઠીક ઠીક ચાલવા લાગી એ પછી ચેઝબ્રોએ ૧૮૭૨માં વેસેલીન નામ રજિસ્ટર કરાવ્યું. પાણી માટેના જર્મન શબ્દ વૉસર’/ wasser  અને તેલ માટેના ગ્રીક શબ્દ ઓલીઆં/oleon ને જોડીને વેસેલીન શબ્દ બનાવ્યો હોવાનું મનાય છે. બે વર્ષમાં તો આ નામ ઘરઘરમાં જાણીતું બની ગયું અને શીશીઓ ચપોચપ વેચાવા માંડી. પછી તો તેના જાતભાતના ઉપયોગ લોકોએ જ શોધી કાઢ્યા.
માલિકીની ફેરબદલ પછી આજે એ યુનિલીવર કંપનીનો હિસ્સો છે. પણ શરીરે લગાવવાની જેલી (જેને ઘણા ક્રીમ પણ કહે છે) એટલે વેસેલીન એ અર્થ એવો રૂઢ થઈ ગયો કે દુકાનદારો આજે પણ કહે છે, “આ અજમાવી જુઓ. આ એક નવી કંપનીનું વેસેલીન આવ્યું છે.”

વેસેલીન બ્રાન્‍ડનું હેર ટોનીક’, હેર ક્રીમ તેમજ લીક્વીડ શેમ્પૂ પણ બજારમાં મૂકાયું હતું. 




પહેલી બન્ને પ્રોડક્ટમાં પુરુષ મોડેલના ચહેરા આખા દેખાડાયા છે, જ્યારે શેમ્પૂની જાહેરખબરમાં સ્ત્રી મોડેલના ચહેરાને બેરહેમીથી કાપી નાંખીને તેના વાળ જ દેખાડાયા છે. આ પ્રોડક્ટ નહીં ચાલવાનું કારણ કદાચ આ તો નહીં હોય ને? તેલ શી રીતે વાળને તંદુરસ્ત રાખે છે, તેનું વૈજ્ઞાનિક કારણ રસ પડે એવું છે. વાળ ધોવા માટે સામાન્યપણે મળતા સાબુની સામે આ લીક્વીડ શેમ્પૂ આવ્યું હશે એમ લાગે છે.

ફીલીપ્સ:
હોલેન્‍ડમાં જેરાર્ડ ફીલીપ્સ અને તેના પિતા ફ્રેડરિક ફીલીપ્સે ૧૮૯૧માં ફીલીપ્સ એન્ડ કં.ની સ્થાપના કરી. ૧૮૯૫માં જેરાર્ડનો ભાઈ આન્‍તોન જોડાયો અને થોડા જ વરસોમાં તેણે આ કંપનીને ખ્યાતનામ બનાવી દીધી. કાર્બન ફીલામેન્‍ટવાળા બલ્બ બનાવવાનું તેમણે શરૂ કર્યું અને જોતજોતાંમાં તેનો વ્યાપ એટલો વિસ્તર્યો કે ૧૯૧૪માં તેમણે પોતાની આગવી રીસર્ચ લેબોરેટરી સ્થાપી.
૧૯૨૭માં રેડીયો બનાવ્યા પછી ૧૯૩૨ સુધીમાં તે રેડીયોના સૌથી મોટા ઉત્પાદક બની ગયા. ઑડીયો કેસેટ અને સી.ડી.ની શોધ કરનાર અગ્રણીઓમાં પણ આ કંપનીનું નામ છે. આજે તો તે અનેક ઈલેક્ટ્રીક ઉપકરણો, તબીબી સાધનો, લાઈફસ્ટાઈલ ઉપકરણો અને ધ્વનિ ઉપકરણો બનાવે છે.


ફીલીપ્સ એટલે સાઉન્‍ડ એમ કહેવામાં અતિશયોક્તિ ન લાગે એવી આ કંપનીએ સાયકલ પર પણ હાથ અજમાવ્યો હતો અને મદ્રાસની ટી.આઈ.સાઈકલ્સ ઑફ ઈન્‍ડીયાના સહયોગમાં ભારતના બજારમાં સાયકલો મૂકી હતી.


મીલ્ક ઑફ મેગ્નેશીયા એટલે કે રેચક (લેક્સેટીવ) પણ ફીલીપ્સે બજારમાં મૂક્યું હતું, જે શીશીમાં તેમજ ગોળીઓના સ્વરૂપે પણ મળતું હતું.



સીંગર:
આઈ.એમ.સીંગર નામના અમેરિકન સજ્જને એડવર્ડ ક્લાર્ક નામના વકીલ સાથે મળીને ૧૮૫૧માં આઈ.એમ.સીંગર એન્‍ડ કં.ની સ્થાપના કરી, જે સિલાઈ મશીન બનાવતી હતી. ૧૮૬૫માં તેનું નામ બદલીને સીંગર મેન્યુફેક્ચરિંગ કં. કરવામાં આવ્યું. ત્યાર પછી ૧૯૬૩માં તે બદલાઈને ધ સીંગર કંપની થયું. સાદાં સિલાઈ મશીનથી માંડીને જાતજાતની એમ્બ્રોયડરી થઈ શકે એવાં મશીન તેમજ મશીનોના વિવિધ ભાગ બનાવતી સીંગર કંપની હવે ઈલેક્ટ્રોનીક સિલાઈ મશીનો પણ બનાવે છે. આ કંપનીના લોગોમાં જ એક સમયે સીંગર સ્યુઈંગ મશીન્‍સ લખેલું હતું.

એક સમયે તેણે ટેબલપંખા પણ બનાવ્યા હતા, જેમાં પર્સનલ ફેન અને ફેમીલી ફેન જેવા પ્રકારો હતા.




આવી બીજી ઘણી પ્રોડક્ટ છે, જેના વિષે અહીં લખવાની ઈચ્છા છે. આ પોસ્ટ ધાર્યા કરતાં જરા વિગતે લખાઈ, એટલે એક પોસ્ટમાં લખવા ધારેલી પ્રોડક્ટમાંથી બાકી રહેલી હવે બીજા હપ્તામાં. 

(નોંધ: જે તે પ્રોડક્ટની રંગીન તસવીરો નેટ પરથી. બાકીની અંગત સંગ્રહમાંથી)