Showing posts with label શિવકુમાર શર્મા. Show all posts
Showing posts with label શિવકુમાર શર્મા. Show all posts

Sunday, October 22, 2023

સંતૂરને સ્થાપિત કરવાનું એકલક્ષ્ય


- પં. શિવકુમાર શર્મા

અન્ય ઘણા લોકોની જેમ વસંત દેસાઈએ સંતૂર સાંભળ્યું તો ઠીક, જોયું સુદ્ધાં ન હતું. તેમણે મને એક અંશ વગાડવા જણાવ્યું. એકાદ કલાક સુધી મેં સંતૂરવાદન કર્યું (રાગ અત્યારે યાદ નથી) ત્યારે એમણે કહ્યું, 'હું તમારા માટે સંગીતની રચના નહીં કરું. ફિલ્મ જુઓ અને તમે જાતે જ નિર્ણય લો કે તમારા દૃશ્ય માટે શું યોગ્ય રહેશે. મને ખાત્રી છે કે તમે ઉત્તમ રીતે વગાડશો.' એક સરોવરમાં નાવનું રોમેન્ટિક દૃશ્ય હતું, જેનો મૂડ સંતૂરના સૂરોએ બહુ સુંદર રીતે ઝીલ્યો હતો. મેં જે ધૂન વિચારેલી એ ચાંદનીમાં વહી રહેલા પાણીના બિમ્બ માટે એકદમ સુયોગ્ય હતી. તરત જ મને વધુ કેટલીક સંગીતરચના તૈયાર કરવા માટે જણાવાયું. સ્ટુડિયોમાં એક સપ્તાહમાં મેં આ કામ સંપન્ન કરી દીધું.
એ સમયે શાન્‍તારામજી પારસ મનાતા- એમની તમામ ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ થયેલી. ફિલ્મજગત એમની પૂજા કરતું, એમની વાત સહુ કોઈ સાંભળતું. એમની સફળતાનાં અનેક કારણો પૈકીનું એક એ હતું કે ફિલ્મનિર્માણનાં તમામ પાસાંમાં તેમની સક્રિય રુચિ હતી. જેમ કે, વસંત દેસાઈએ એમને જણાવ્યું કે મેં જાતે જ સંગીતરચના કરી છે, તો શાન્‍તારામજીએ એ સાંભળી, અમુક નાના ફેરફાર સૂચવ્યા અને એ જ વખતે ધૂનને રેકોર્ડ કરી લીધી. હું જવા માટે નીકળ્યો એટલે એમણે મને મારી ભાવિ યોજના વિશે પૂછ્યું. મેં પ્રામાણિકતાપૂર્વક જણાવ્યું કે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં હું બી.એ.પાસ થવાની રાહ જોઈ રહ્યો છું.
આથી એમણે સહેજ અધીરાઈથી પૂછ્યું, 'બી.એ. પાસ કર્યા પછી?' મેં કહ્યું કે હું સંંગીતસાધનામાં રચ્યોપચ્યો રહીશ.' એમણે કહ્યું, 'હમણાં કેમ નહીં? હું મારી આગામી ફિલ્મના સંગીત નિર્દેશક બનવાનો પ્રસ્તાવ તમારી સમક્ષ મૂકું છું. અને બની શકે કે તમે એમાં અભિનય પણ કરો.'
ત્યારે હું યુવાન હતો. પાછું વળીને જોતાં લાગે છે કે એ સ્થિતિમાં કોઈ વ્યક્તિ માટે આ ઘણું મોટું પ્રલોભન હતું. શાન્તારામજીનું નામ બહુ મોટું હતું અને એ સમયે મારા જીવનમાં એક ફિલ્મ મને પ્રસિદ્ધિના શિખરે લઈ જઈ શકે એમ હતી. પણ આ પ્રસ્તાવને હું સ્વીકારી શકું એમ નહોતો, કેમ કે, મારું લક્ષ્ય કંઈક બીજું હતું. મારે મારા પિતાજીના વિશ્વાસને સાચો ઠેરવવાનો હતો અને સંતૂરને એક શાસ્ત્રીય વાદ્ય તરીકે સ્થાપિત કરવાનું હતું. મારે મારું આ સ્વપ્ન પૂર્ણ કરવાનું હતું અને બીજા કશાનું એની આગળ મહત્વ નહોતું. સંતૂર સાથેની મારી સફર હજી તો શરૂ જ થઈ હતી.

(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)

નોંધ: વી. શાંતારામની ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'માં શિવકુમાર શર્માના સંતૂરવાદનના ઘણા અંશ સમાવાયેલા હતા. તેમણે અહીં જે વર્ણન લખ્યું છે એ અંશ નીચે આપેલી આખી ફિલ્મની લીન્કમાં 56.42 થી 59.07 સુધીના દૃશ્યનો હોય એમ જણાય છે.

All reacti

Wednesday, October 4, 2023

બર્મનદાદાની ખાસિયત

 

- પં. શિવકુમાર શર્મા

બર્મનદાદા બહુ જિદ્દી બની જતા. એક વાર તેમને ઘેર અમે રેકોર્ડિંગ કરી રહ્યા હતા કે ચોકીદારે આવીને કહ્યું કે (નિર્માતા-નિર્દેશક) શક્તિ સામંત આવ્યા છે. 'બંધ કરો, આ બધું બંધ કરી દો.' દાદાએ બૂમ પાડી. શક્તિદાના આવતાં પહેલાં એમણે અમને વાદન બંધ કરી દેવા કહ્યું. દાદાને એ વાતનો ડર હતો કે ક્યાંક અન્ય નિર્માતા અમારી યોજના ચોરી ન લે.
દાદાની બીજી એક વિચિત્ર આદત હતી- તેઓ કદી કોઈને ખાવાપીવા કે નાસ્તાપાણી માટે કહેતા નહીં. આનંદ બક્ષી જેવા વરિષ્ઠ ગીતકારને પણ તેઓ અચાનક કહી દેતા, 'અચ્છા, હું હવે ભોજન માટે જાઉં છું. તમે નીકળો અને એક કલાક પછી આવજો.' અમે લોકો દાદાની રીતભાતથી ટેવાઈ ગયેલા. એક રેકોર્ડિંગની બેઠક દરમિયાન બૌદીએ કલકત્તાથી આવેલાં રસગુલ્લાંની પ્લેટ મોકલી. સંગીત પર જ તમામ ધ્યાન કેન્‍દ્રિત હોવાથી દાદાને ખ્યાલ ન આવ્યો કે હરીજી (હરીપ્રસાદ ચૌરસિયા) આ પરિસ્થિતિનો ફાયદો લઈને રસગુલ્લા પર રસગુલ્લા ઝાપટી રહ્યા હતા. દાદાએ પ્લેટ તરફ હાથ લંબાવ્યો ત્યાં સુધીમાં હરીજી ડઝનેક રસગુલ્લાં સફાચટ કરી ગયા હતા. અમે રેકોર્ડિંગ પૂરું કર્યું કે દાદાએ હરીજીને કહ્યું, 'તમારી વાંસળી આજે બહુ મધુર લાગતી હતી- કેમ ન હોય!- પ્લેટ ભરીને રસગુલ્લાં પતાવીને બેઠા છો!'
દાદા વરિષ્ઠ હતા અને તેમનો હું આદર તેમજ પ્રશંસા કરતો. એમનો દીકરો પંચમ- રાહુલ દેવ બર્મન અને હું ગાઢ મિત્રો બની ગયા. અમે એને 'આર.ડી.' કહીને બોલાવતા. એ બહુ હસમુખો અને નકલબાજ હતો. એની મજાક અને લોકોની નકલ કરતો જોઈને અમારી આંખોમાંથી પાણી નીકળી આવતું. એક વાર તેણે દાદાના અવાજમાં ગાઈને તેમની નકલ કરવાની હિંમત એકઠી કરી. ઉસ્તાદ અલી અકબર ખાનના પ્રતિભાશાળી શિષ્ય આર.ડી.એ સરોદથી પોતાના કળાજીવનનો આરંભ કરેલો. આખરે તેણે સરોદવાદન છોડ્યું અને પોતાના પિતાનો સહાયક બની ગયો. તેણે અનેક ઉત્તમ ધૂનોની રચના કરી અને પોતાના પિતાનો યોગ્ય ઉત્તરાધિકારી બન્યો.
(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)

Tuesday, October 3, 2023

સ્પર્ધામાં હું એક જ હોઉં એ મને મંજૂર નહોતું

 

- પં. શિવકુમાર શર્મા
હરિપ્રસાદ ચૌરસિયાને હું પહેલવહેલી વાર 1956માં ઈન્‍ટર-યુનિવર્સિટી સમારંભમાં દિલ્હીમાં મળેલો. મારા રાજ્ય અને યુનિવર્સિટીનું સૌ પ્રથમ વાર પ્રતિનિધિત્વ કરવા માટે દિલ્હી આવેલી મારી ટીમનો ઉત્સાહ મને આજે પણ યાદ છે. ટીમે નિર્ણય લીધેલો કે હું તબલાંને બદલે સંતૂર વગાડીશ. પણ સમારંભમાં જતાં જાણ થઈ કે હું એક જ સંતૂરવાદક છું. આનો અર્થ એ કે હું ચંદ્રક જીતી પણ જાઉં તો લોકો મને ગંભીરતાથી નહીં લે. મને એ મંજૂર નહોતું. અમારા પ્રાધ્યાપકની નારાજગી વહોરીને મેં અન્ય બત્રીસ તબલાંવાદકો સાથે મારું નામ પણ લખાવી દીધું. (અમારા પ્રાધ્યાપક સંતૂરમાં એક ચંદ્રક મળવાની વાતે સંતુષ્ટ હતા). મેં મારી ટીમને નિરાશ ન કરી, કેમ કે, તબલાંવાદનમાં મેં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી લીધો હતો. મને સંતૂરવાદન માટે પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યો, કેમ કે, નિર્ણાયકગણ પહેલી વાર એ સાંભળવા ઈચ્છતો હતો. એ વખતે હું હરિજીને થોડી વાર માટે મળેલો અને અમે એકમેકના અનુભવની વાત કરીને રાજી થયેલા.
આ આકસ્મિક મુલાકાત અમે લગભગ વીસરી ગયેલા, પણ 1961માં ભાગ્યે અમારો ભેટો ફરી વાર મુંબઈમાં કરાવી આપ્યો. આ વખતે અમે એક ફિલ્મસ્ટુડિયોમાં મળ્યા કે જ્યાં અમે અમારું નસીબ અજમાવવા માટે ગયેલા. ઝડપથી અમે ખાસ મિત્રો બની ગયા. હરિજી એ વખતે જ એક હાસ્યાસ્પદ કારણથી મુંબઈ રહેવા આવેલા. તેઓ કટક રેડિયોમાં કાર્યરત હતા, પણ વાંસળીવાદનમાં એટલા વ્યસ્ત હતા કે કાર્યાલયમાં ખાસ જતા નહીં. તેમના વરિષ્ઠ અધિકારીઓએ કડકાઈ દાખવીને તેમને આકાશવાણી, મુંબઈ ખાતે સ્ટાફ આર્ટિસ્ટ તરીકે મોકલી આપ્યા. આનાથી બહેતર શિક્ષા હરિજી માટે શી હોઈ શકે? હવે તેઓ પૂર્ણ સમય સંગીતને આપી શકતા હતા અને વિસ્તરતા આ મહાનગરમાં સફળ બનવા માટે પ્રયાસ કરતા હતા. એ પછી જે બન્યું એ ઈતિહાસ છે.

(સંતૂર: મેરા જીવનસંગીત, પં. શિવકુમાર શર્મા, હિન્દી અનુવાદ: શૈલેન્દ્ર શૈલ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી, 2012)