Friday, June 24, 2022

રોશન પછીનાં, રોશન પહેલાંના એક સંગીતકાર રોશન

ગાયિકા- સંગીતકાર તરીકેની તેમની ઓળખ, પણ એ ક્ષેત્રે તેમનું પ્રદાન સાવ મર્યાદિત જણાય છે. 1948માં રજૂઆત પામેલી 'અમ્બિકા ફિલ્મ્સ' નિર્મિત, એમ.આઈ.ધરમશી દિગ્દર્શીત ફિલ્મ 'અનોખા પ્યાર'માં તેમનું એક યુગલ ગીત હતું એમ જાણવા મળ્યું. આ ફિલ્મ સંગીતપ્રેમીઓને યાદ છે એમાંના લતા મંગેશકરે ગાયેલાં ગીતો માટે. સંગીતકાર અનિલ બિશ્વાસે ફિલ્મનાં દસ ગીતો પૈકી નવ ગીતમાં લતાના સ્વરનો ઉપયોગ કર્યો હતો. દસમું ગીત મુકેશનું એકલગાન હતું. લતાએ ગાયેલાં નવ ગીતમાંથી બે યુગલગીત હતાં, અને સાત એકલગીત. આ બે યુગલગીતમાંથી એક ગીતના સહગાયક છે મુકેશ, જ્યારે બીજા ગીતમાં લતાનાં સહગાયિકા છે ઈરા નાગરથ.

ઈરા નાગરથ 

હિન્દી ફિલ્મોમાં આપણે એક જ 'નાગરથ'ને જાણીએ છીએ- રોશનલાલ નાગરથ. ઈરા નાગરથ તેમનાં પત્ની. મૂળ તો ઈરા મોઈત્રા, પણ રોશનલાલ સાથે લગ્ન કર્યા પછી 'નાગરથ' બન્યાં.

હરમંદીરસિંઘ 'હમરાઝ' સંપાદિત હિન્દી ફિલ્મ ગીતકોશ અનુસાર આ ગીત મૂળ તો અનિલ બિશ્વાસે મીના કપૂર પાસે ગવડાવીને તેનો ઉપયોગ ફિલ્માંકનમાં કર્યો હતો, પણ આ ગીતની રેકોર્ડ બહાર પાડતી વખતે મીના કપૂર બીમાર હોવાથી તેમણે એક યુગલ ગીતમાં મીના કપૂરને બદલે ઈરા નાગરથના સ્વરનો ઉપયોગ કર્યો.
યુ ટ્યૂબ પર આ યુગલ ગીત 'એ દિલ મેરી વફા મેં કોઈ કસર નહીં' ઉપલબ્ધ છે, અને તેમાં લતાનાં સહગાયિકા તરીકે ઈરા નાગરથનું નામ છે, પણ ગીતકોશની માહિતી અનુસાર ફિલ્માંકન મીના કપૂરના સ્વરમાં કરવામાં આવ્યું હોવાથી આ સ્વર હકીકતમાં મીના કપૂરનો હોવો જોઈએ. આ ગીતની 78 આર.પી.એમ.ની રેકોર્ડ નં. N 35594 પર ઉપલબ્ધ ગીતમાં ઈરા નાગરથનો સ્વર હશે.
રોશનના 1967માં થયેલા અવસાન વખતે અધૂરી રહેલી ફિલ્મ 'અનોખી રાત' (1968)માં પાર્શ્વસંગીત સલીલ ચૌધરીએ આપ્યું હતું. અન્ય ગીતો રોશને તૈયાર કરી દીધાં હશે, પણ 'મહલોં કા રાજા મિલા' ગીત ઈરા રોશને પૂર્ણ કર્યું હતું. એ ફિલ્મના ટાઈટલમાં 'એસોસિયેટ મ્યુઝીક ડિરેક્ટર' તરીકે ઈરા રોશનનું નામ જોઈ શકાય છે.

'અનોખી રાત'નાં ટાઈટલ

રોશનના પુત્ર રાજેશ રોશને સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી હજી અપનાવી નહોતી. એ છેક 1974માં 'કુંવારા બાપ'થી બન્યું.
1981માં રજૂઆત પામેલી ફિલ્મ 'શાકા'માં પણ સહાયક સંગીતકાર તરીકે ઈરા રોશનનું નામ છે. આ ફિલ્મમાં રાજેશ રોશનનું સંગીત હતું.

'શાકા'નાં ટાઈટલ
રાજેશ રોશનના સંગીતવાળી, 2002માં રજૂઆત પામેલી 'આપ મુઝે અચ્છે લગને લગે'ના આખરી ટાઈટલમાં પણ સહાયક સંગીત નિર્દેશક તરીકે તેમનું નામ છે.

'આપ મૂઝે અચ્છે લગને લગે'નાં ટાઈટલ

એમ લાગે છે કે ઈરા રોશનની પોતાની સાંગિતીક પ્રતિભા સિમીત હશે અથવા તેમણે પોતે એ સાવ સિમીત કરી દીધી હશે.
હકીકત જે હોય એ, આ વીસરાયેલાં રોશનને આ પોસ્ટ થકી યાદ કરીએ.
'અનોખા પ્યાર'આં અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલું, લતા સાથેનું યુગલગીત અહીં સાંભળી શકાશે, પણ આ ફિલ્મની ક્લીપ હોવાથી તેમાં સ્વર મીના કપૂરનો છે. ઈરા નાગરથના સ્વરવાળી રેકોર્ડ કોઈક સંગ્રાહક પાસે હોઈ શકે. આમ છતાં, એ ગીત કેવું છે એનો કંઈક અંદાજ આ સાંભળવાથી આવી શકશે.

(image courtsey: wikepdia) 

Thursday, June 23, 2022

યોગ દિવસ પછી...

 "અરે! તમે આજે ગજબ સ્ફૂર્તિમાં લાગો છો. આ પહેલાં તમને કદી આ રીતે જોયા નથી. શું રહસ્ય છે આનું? કાલે યોગબોગ કર્યો લાગે છે."

"યસ, રાઈટ યુ આર. તમે મને કાયમ યોગ કરવાનું કહેતા હો છો. મને થયું કે કાલે યોગ દિવસ છે, તો કરીએ કંકુના. એટલે પછી મેં..."
"શું કર્યું? સૂર્ય નમસ્કાર?"
"ખોટું નહીં કહું. આમ હું કદી જોતો નથી, પણ મેં કાલે ટી.વી. ઑન કર્યું અને જોયું તો એક જણ સૂર્ય નમસ્કાર કરી રહ્યો હતો. મેં ગણવાનું ચાલુ કર્યું...એક...બે...ત્રણ...માનશો નહીં. એ માણસે સહેજ પણ અટક્યા વિના વીસ સૂર્ય નમસ્કાર ખેંચી કાઢ્યા."
"વાઉ!"
"તો મને તરત તમે યાદ આવ્યા કે તમે કાયમ સૂર્ય નમસ્કારનો મહિમા ગાતા હો છો. એટલે તમે આમ કરી શકો કે કેમ એ સવાલ થયો."
"તમે વીસની ક્યાં વાત કરો છો? હું તો એક માણસને રોજ ત્રીસ સૂર્યનમસ્કાર કરતો જોઉં છું. એક જ સ્ટ્રેચમાં."

Wednesday, June 22, 2022

નથી સંચાલક હું મારગ ભૂલ્યો...

 "જે પુષ્પથી કોમળ, અને વજ્રથી કઠોર છે, જેમની સાહિત્યનિષ્ઠાના દાખલા ગુજરાત, ભારત કે એશિયામાં જ નહીં, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પણ અપાય છે, એમની રમૂજવૃત્તિ તો...સમરકંદ-બુખારા ઓવારી જવાનું મન થાય એવી, જહોની લીવર, જહોની વૉકર કે ગુસાંઈરામ પણ પાણી ભરે એવી- હજી કાલે જ મને ફોનમાં કહેતા હતા કે- 'એક અઠવાડિયામાં કેટલા વાર આવે?' મેં કહ્યું, 'સાત', તો એ ખડખડાટ હસીને કહે કે 'અઠવાડિયામાં તો એકે 'વાર' ન આવે.'- તો સાહેબ, મારા જેવો માણસ પણ વિચારતો થઈ ગયો બે ઘડી. એમનો ટ્રાવેલનો શોખ એટલે...કદાચ માર્કો પોલો આજે હોત તો એ પણ લઘુતાગ્રંથિ અનુભવતો હોત, એમનો ભોજનપ્રેમ કેવો- ગયા રવિવારે મને ફોનમાં કહે, 'તમે મંચુરિયન બૉલ્સને કાઠિયાવાડી કઢીમાં બોળીને ખાધા છે?' હું કંઈ એમના જેવો સ્વાદિયો નહીં, પણ લકીલી અમારે ત્યાં એક લારીવાળાને મેં જ આ રેસિપી અપનાવવા કહેલું, એટલે મને ખ્યાલ કે આવું કંઈક છે, એટલે મૂળ વાત એ કે- હી ઈઝ અ સાયન્ટિસ્ટ હીમસેલ્ફ...."

(ગુસપુસ અવાજે)
"સર, સર, જસ્ટ અ મિનીટ! પ્લીઈઈઝ!"
"શું છે, યાર? ખબર છે કે મારા ભાગે વીસ મિનીટ ફાળવાયેલી છે.."

"એમ નહીં, સર! આપના સાથીવક્તાનો પરિચય તો મારે આપવાનો છે. આપ આટલો વિસ્તૃત પરિચય આપી દેશો તો પછી મારે ભાગે..."

"દોસ્ત! તમને નહીં સમજાય. આ પરિચય તો આપણા આયોજકશ્રીનો છે. નાઉ લેટ મી કન્ટિન્યૂ.
(માઈક પર)
"હા, તો દોસ્તો! હું ક્યાં હતો?"
(શ્રોતાઓમાંથી કોઈકનો અવાજ) "દ્વારકાધીશના ચરણોમાં."


Tuesday, June 21, 2022

યોગમાં ભળે પતંગ તો...

 ‘સર, તમે આ એક કામ ઉત્તમ કર્યું, હોં!’

‘કયું? આજે દેશમાં રહ્યો એ?’

‘એ તો ખરું જ, સર. પણ આ 21 મી જૂનને ‘વર્લ્ડ યોગા ડે’ બનાવી દીધો એ.’

‘ભાઈ, એ તો મારી ફરજ છે. આપણી સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. આપણા લોકો તો છેક ગુફામાં હતા ત્યારથી.....’

‘સર, સર! એક મિનીટ! આપણે દેશમાં જ છીએ.’

‘સોરી! આ તો તમે વખાણ કર્યા એટલે મારાથી રહેવાયું નહીં.’

‘સર, માફ કરશો. આખું વિશ્વ આ બાબતે આપની પ્રશંસા કરતાં થાકતું નથી. પણ અમને ગુજરાતવાસીઓને બહુ મોટી ફરિયાદ છે. આઈ મીન, નારાજગી છે. એટલે કે એક સૂચન છે.’

‘અલ્યા, હું તમને સૂચન કરનારો અને હવે તમે મને સૂચન કરશો?’

‘સર, એટલે એવું નથી. તમે સાંભળો તો ખરા?’

‘લે. પહેલાં તમે સૂચન કરો અને પાછું મને સાંભળવાનું પણ કહો. હું ચાર વરસ બહાર શું ગયો કે મારા બેટા, ફાટીને ધાબે, આઈ મીન, ધુમાડે જતા રહ્યા છો.’

‘સર, એક્ઝેક્ટલી! ધાબાને લગતી જ વાત હતી.’

‘અલ્યા, તમારા બધાના ધાબે આવીને હું પતંગ ચગાવી ગયો છું. ભૂલી ગયા? નીકળી પડ્યા છે પાછા, સૂચનો કરવા.’

‘સર, આપ ધાબે આવ્યા ત્યારે અમે ઓલરેડી પતંગ ચગાવી રાખેલી. આપને તો સહેલ ખાવા જ આપેલી. પણ આપના ગયા પછી દરેક ઊત્તરાયણે પવન સાવ પડી જાય છે. તો અમારું સૂચન એટલું જ હતું કે આ ‘વર્લ્ડ યોગા ડે’ 21 મી જૂને રાખ્યો એને બદલે 14 મી જાન્યુઆરીએ રાખ્યો હોત તો? શું કે અમારે પવન-બવનનો કશો પ્રોબ્લેમ જ નહીં.’

Monday, June 20, 2022

અરે દીવાનોં! ઈન્હેં પહચાનો!

 "....અને હવે હું વક્તવ્ય માટે નિમંત્રણ આપું છું આપણા આજના મુખ્ય વક્તાને. તેમને કોણ નથી ઓળખતું? બહેનો અને ભાઈઓ, પ્લીઝ, આપની આંગળીઓ નીચી કરી દો. આ સવાલ નથી.

હા, તો અં....અં....ક્યાં ગયું? હા, આ રહ્યું. આજના આપણા મુખ્ય વક્તાશ્રીનો પરિચય આપવો એટલે ગંગાનું માહાત્મ્ય સમજાવવું. ભાઈઓ, પ્લીઝ શાંતિ રાખો. પાછલી હરોળમાં બેઠેલા મિત્રો 'રામ તેરી ગંગા મૈલી'નું ગીત ગાવાનું બંધ કરે એવી નમ્ર અપીલ છે.
અં..અં...હા! તો હું એ કહેતો હતો કે આપણા મુખ્ય વક્તાનો પરિચય શબ્દોમાં આપવો મુશ્કેલ જ નહીં, અશક્ય છે. સાઈલેન્સ, પ્લીઝ! મને છેક અહીં સુધી ચારસો વીસ, ત્રણસો બે જેવા આંકડા સંભળાય છે. શું આપણે આપણા માનવંતા મહેમાનો સાથે આ રીતે વર્તીએ છીએ? આપણે ત્યાં કહેવાયું છે કે અતિથિ દેવો ભવ:. અને દેવો દેવસ્ય ભોજનમ...અને અને ભોજનાન્તે વિષં વારિ....અને પેલું શું....ભોજ્યેષુ માતા...આઈ એમ સોરી! સંસ્કૃત આવે એટલે હું લીટલ બીટ ઈમોશનલ થઈ જાઉં છું.
તો દોસ્તો, આજના હવે પછીના આપણા વક્તાશ્રી પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી ખાસ આપણા માટે સમય ફાળવીને આવ્યા છે. અમે એમને ઘેર આ કાર્યક્રમની વાત કરવા ગયા ત્યારે તેઓ આ ઉંમરે પણ રમતમાં વ્યસ્ત હતા. કેવી સ્ફૂર્તિ! એમના પૌત્રે પછી એમને 'ક્વીટ ગેમ' કરી આપ્યું. અમે એમને આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે આવવાની ઑફર કરી, તો એમણે અડધી સેકન્ડમાં જ હા કહી દીધી. એટલું જ નહીં, એમણે કહ્યું કે ગાડીબાડી મોકલવાની જરૂર નથી. રિક્ષામાં જ પોતે આવી જશે. સાહેબો! આવા લોકો આજકાલ છે ક્યાં? પ્લીઝ, આપ 'અહીં', 'ગમે ત્યાં' એવા શબ્દો બોલવાનું બંધ કરો તો હું આગળ તેઓશ્રીનો પરિચય આપી શકું.
આ ઉંમરે પણ તેઓ જ્ઞાનના પ્રસાર કાજે કાર્યરત છે. ડાબી તરફની હરોળમાં બેઠેલી બહેનો, પ્લીઝ! 'નવરો છે', 'નવરો છે'ના પોકારો બંધ કરે. તેઓ માને છે કે હવે પછીનાં વરસોમાં વર્ણવ્યવસ્થા નાબૂદ થઈ જશે અને જ્ઞાનનો જ જમાનો આવશે. આથી તેમણે જ્ઞાનપ્રસારનો ભેખ લીધો છે. દરરોજ સવારે તેઓ પોતાનું કોન્ટેક્ટ લીસ્ટ લઈને બેસે છે અને બે કલાક સુધી સૌને જ્ઞાનવૃદ્ધિ કરતા વોટ્સેપ મેસેજ ફોરવર્ડ કરતા રહે છે. આવા આ કર્મયોગી આજે આપણી વચ્ચે હોવાનો આપણને ગર્વ છે. તેમને તાળીઓથી વધાવીને સ્વાગત કરતાં પહેલાં મને જનાબ ડૉક્ટર શાયર-એ-આઝમ પદ્મવિભૂષણ ભારતરત્ન ગાલિબસાહેબનો એક શેર યાદ આવે છે: 'દિલે નાદાં તુઝે હુઆ ક્યા હૈ, આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ..
તાળીઓ......."

Sunday, June 19, 2022

માધ્યમની મથામણ

 ગબ્બરગુફાથી પચાસ કોશ દૂર આવેલા રામગઢમાં એક રાત્રે:

"બેટા, ચાલ, સૂઈ જા હવે. નહીંતર ગબ્બર આવશે."
"વન મિનીટ, મોમ! હાઉ કમ ગબ્બર કમ હીયર? યુ નો લાસ્ટ યર વી વીઝીટેડ ધેટ ગબ્બર...."

"સૂઈ જા ને હવે માથાકૂટ કર્યા વગર. હમણાં પેલો ગબ્બરીયો આવશે....."
"મોમ! હાઉ કેન ગબ્બર કમ હીયર? ઈઝન્ટ ઈટ અ સ્મૉલ માઉન્ટેન? યુ નો વી ક્લાઈમ્બ્ડ ધેર વ્હેન વી વીઝીટેડ ગુઝરાટ...."

"તુંય ભઈશાબ! એક તો આ ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલમાં મૂક્યો ત્યારથી તારું અંગ્રેજી પણ મને સમજાતું નથી. ચાલ, હવે સૂઈ જા."
"મોમ! ડોન્ટ બ્લેમ માય સ્કૂલ. ઓકે? ઈટ વૉઝ યુ હુ ગૉટ મી એડમિટેડ ધેર. આઈ વૉઝ નૉટ વીલીંગ ટુ ગો ધેર, રાઈટ?"

"હવે ગબ્બરનો ટાઈમ......"
"ટુ હેલ વીથ ગબ્બર! હુ ઈઝ ધીસ ગબ્બર, બ્લડી હેલ! આઈ એમ નોટ અ છોટા બચ્ચા."

"દીકુ, તું આવું ઈંગ્લીશ બોલતો હોય તો મને સમજણ પડે. બોલ, શું કહેતો હતો?"
"આઈ વૉઝ ટેલિંગ ધેટ હાઉ કેન ગબ્બર કમ હીયર? યુ નો, ધેર ઈઝ અ સેઈંગ ધેટ માઉન્ટેન વીલ નૉટ કમ ટુ મોહમ્મદ. મોહમ્મદ મસ્ટ ગો ટુ ધ માઉન્ટેન. નાઉ હીયર વી હેવ ગબ્બર ઈન્સ્ટેડ ઑફ મોહમ્મદ. સો ધ થિંગ ઈઝ સિમ્પલ ધેટ ગબ્બર કાન્ટ કામ હીયર. એન્ડ યુ આર ફ્રાઈટનિંગ મી વીથ ધ નેમ ઑફ ગબ્બર. જસ્ટ ટેલ મી, કેન ગબ્બર કમ હીયર?"
"zzzzzz"
"મમ્મા! મોમ? મમ્મી? હેય! હેવ યુ ગોન ટુ સ્લીપ?"
"zzzzzz"
(ડોરબેલનો અવાજ)
"હેય મોમ! જાગ જા, ગબ્બર આ ગયા.."

Saturday, June 18, 2022

વો હમેં તડપા રહે હૈં

ત્રીસી, ચાલીસી અને પચાસના દાયકામાં બિનફિલ્મી ગીતોનું આગવું મહત્ત્વ હતું. ફિલ્મો માટે ગાતા ગાયકો પણ બિનફિલ્મી ગીતો ગાતાં. હેમંતકુમાર, મન્નાડે, રફી, ચીતલકર જેવા ગાયકોનાં ફિલ્મી ઉપરાંત બિનફિલ્મી ગીતો પણ એટલાં જ લોકપ્રિય હતાં. તો જગમોહન 'સૂરસાગર', જ્યુથિકા રોય જેવા ગાયકોની મુખ્ય લોકપ્રિયતા તેમનાં બિનફિલ્મી ગીતોને કારણે હતી.

બિનફિલ્મી ગીતો ગાનાર આવા જ એક ગાયક હતા વિદ્યાનાથ શેઠ, જે 'વી.એન.સેઠ' તરીકે પ્રસિદ્ધ હતા. મુખ્યત્વે પંજાબી ગીતો માટે જાણીતા વી.એન.સેઠે હિન્દી-ઉર્દૂની કેટલીક યાદગાર ગઝલો અને ગીતો ગાયાં છે.

'વો હમેં તડપા રહે હૈં ક્યા કરેં', 'ચદરીયા ઝીની રે ઝીની', 'આતા હૈ જબ બહાર પે મૌસમ શબાબ કા', 'સજની, ક્યું પ્યાર જગાયા થા', 'મૈં લગી દીલ કી બુઝા લૂં તો ચલે જાઈયેગા', 'આંખોં કો અશ્કબાર કિયે જા રહા હૂં મૈં' જેવાં અનેક ગીતો થકી તેમનો અવાજ સંગીતપ્રેમીઓના દિલમાં ગૂંજતો રહ્યો છે.
'રુપ રેખા' (૧૯૪૮)માં તેમણે પાંચ ગીતો પણ ગાયાં હતાં, જેમાંનાં અમુક તેમણે પોતે સ્વરબદ્ધ કર્યાં હતાં, તો અમુક સંગીતકાર રવિ રાય ચૌધરી તથા પં. અમરનાથે.
સંગીતપ્રેમીઓ માટે તદ્દન ગુમનામીમાં જીવતા આ ગાયકનો પત્તો કાનપુરના હરમંદીરસીંઘ 'હમરાઝે' 2011-12ની આસપાસ મેળવ્યો હતો, અને તેમની વિસ્તૃત મુલાકાત પોતાના ત્રિમાસિક 'લીસ્નર્સ બુલેટીન'માં પ્રકાશિત કરી હતી.
૧૮ જૂન, ૨૦૧૫ના રોજ તેમનું અવસાન દિલ્હી ખાતે, ૧૦૦ વર્ષની પાકટ વયે થયું. ટેકનોલોજી યુગની કમાલ એ છે કે જે ગાયકનાં ગીતો અતિ દુર્લભ મનાતા હતા, એમાંનાં ઘણા ગીતો આજે સહેલાઈથી યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.
તેમનું અતિ જાણીતું ગીત 'મન ફુલા ફુલા ફિરે જગત મેં' સાંભળીને તેમની સ્મૃતિને તાજી કરીએ.

(નોંધ: આ પોસ્ટમાં લાલ અક્ષરઅ લખાણ પર ક્લીક કરવાથી એ ગીત સાંભળી શકાશે.