દેવ આનંદ
(૨૬/૯/૧૯૨૩ થી ૪/૧૨/૨૦૧૧)
આજે સવારે જ દેવ આનંદના મૃત્યુના સમાચાર મળ્યા. હજી બેએક મહિના અગાઉ જ રજનીકુમાર પંડ્યાએ પોતાના બ્લોગમાં દેવ આનંદ/ Dev Anand વિષેની પોસ્ટ લખી હતી, તે તાજી હતી. એક ચાહકના ચીત્તમાં કલાકાર દેવ આનંદનો ઉદય, વિકાસ શી રીતે થયો અને તેની સંધ્યા કેવી હતી, તેની રસપ્રદ વાત અંગત સંદર્ભો સાથે રજનીભાઈએ લખી હતી. (બે ભાગની એ પોસ્ટ વાંચવા માટે ક્લીક કરો.http://zabkar9.blogspot.com/2011_09_01_archive.html અને http://zabkar9.blogspot.com/2011/10/blog-post.html ) ખરેખર તો એ વાત એકલા રજનીભાઈની નથી, બલ્કે એ યુગની પેઢીના ઘણા બધા લોકોના મનની વાત છે. એ જ પોસ્ટમાં હરનિશભાઈ જાનીએ લખેલી કમેન્ટ આ હકીકતને પુષ્ટિ આપે છે.
દિલીપ, રાજ અને દેવની સ્ટાર ત્રિપુટીમાંથી રાજ કપૂર સૌથી પહેલા ગયા, એ પછી હવે દેવ આનંદે પણ વિદાય લીધી. આમ જોઈએ તો, દેવ આનંદની પડદા પરની મોહિની તો ક્યારનીય ખતમ થઈ ગઈ હતી, છતાં સૌના મનમાં દેવ આનંદ પોતપોતાના મનપસંદ સ્વરૂપે જીવિત રહ્યા હતા. કોઈકને ‘કાલા બાજાર’ કે ‘કાલા પાની’નો દેવ આનંદ ગમે, તો કોઈકને ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ફંટૂસ’ કે ‘સી.આઈ.ડી.’નો. કોઈક ‘જાલ’માં ‘યે રાત યે ચાંદની ફિર કહાં’ ગાતા દેવ આનંદને ચાહે, તો કોઈક ‘ગાઈડ’ના ‘ગાતા રહે મેરા દિલ’ ગાતા દેવ આનંદને. કોઈકને મન દેવ આનંદ એટલે એસ.ડી.બર્મન કે ઓ.પી.નૈયરની સાથે હેમંતકુમાર, કિશોરકુમાર કે મહંમદ રફીનું સૂરીલું સંયોજન, તો કોઈકને મન જયદેવનાં સંગીતબદ્ધ કરેલાં ‘મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા’, ‘અભી ના જાઓ છોડકર’ કે ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા’ જેવાં અદભૂત ગીતો એટલે દેવ આનંદ.
બે-ત્રણ પેઢીને પોતાના ચાર્મથી મોહિત અને સંમોહિત કરનાર આ કલાકારની કારકિર્દીના સરવૈયાનો આ અવસર નથી. ૮૮ વર્ષના ભરપૂર, સતત પ્રવૃત્તિમય અને ઉર્જાશીલ જીવન જીવી જઈને હિંદી ફિલ્મોના ઈતિહાસમાં આગવો અધ્યાય લખનાર આ કલાકારનાં થોડાં તસવીરી સંભારણાં ઉર્વીશે તેના બ્લોગ પર લખ્યા છે. જે અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.
આજે તો બસ, તેમની કેટલીક સૂરીલી યાદોને તાજી કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. દેવ આનંદના દેહનું ભલે મૃત્યુ થયું, પડદા પરના અનેક સ્વરૂપે પોતાના ચાહકોના મનમાં તે સદાય જીવંત છે અને રહેવાના.
પડદા પર તેમનો પ્રવેશ થયો ‘હમ એક હૈ’ (૧૯૪૬) દ્વારા, જે તેમની સાથેસાથે રહેમાનની પણ પ્રથમ ફિલ્મ હતી. પી.એલ.સંતોષી નિર્દેશીત આ ફિલ્મમાં હુસ્નલાલ ભગતરામનું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત.
ત્યાર પછી ૧૯૪૮માં આવેલી ફિલ્મ ‘જિદ્દી’માં દેવ આનંદ કામિની કૌશલ સાથે ચમક્યા. ખેમચંદ પ્રકાશના સંગીતવાળી આ ફિલ્મથી કિશોરકુમારનો પાર્શ્વગાયન ક્ષેત્રે હિંદી ફિલ્મોમાં પ્રવેશ થયો. આ ગીત દેવ આનંદ પર ફિલ્માવવામાં આવ્યું હતું. જોઈએ એ ગીત.
એ જ વરસે આવેલી ‘વિદ્યા’ ફિલ્મમાં દેવ આનંદ અને સુરૈયા પહેલવહેલી વાર સાથે ચમક્યા. આ ફિલ્મનું એક ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે એસ.ડી.બર્મને.
દેવ આનંદ અને સુરૈયાની જોડીએ કુલ સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું, જે આ મુજબ છે. વિદ્યા (૧૯૪૮), જીત (૧૯૪૯), શાયર (૧૯૪૯), અફસર (૧૯૫૦), નીલી (૧૯૫૦), દો સિતારે (૧૯૫૧) અને સનમ (૧૯૫૧). આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હીટ રહી. દેવ આનંદ અને સુરૈયાના પ્રેમપ્રકરણે અનેક યુવા હૈયાંઓને ઘેલા કર્યા. આ ફિલ્મોમાં સુરૈયાએ ગાયેલાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં.
૧૯૪૯માં જ દેવ આનંદે પોતે અભિનયની સાથે સાથે નિર્માતા બનવાનું નક્કી કર્યું અને ‘નવકેતન ફિલ્મ્સ’ ની સ્થાપના કરી. ‘નવકેતન’ની ફિલ્મ ‘બાઝી’ અનેક રીતે મહત્વની બની રહી. આ ફિલ્મનું નિર્દેશન ગુરૂ દત્તને સોંપવામાં આવ્યું. દેવ આનંદ અને ગુરૂ દત્તની યુતિનો એ આરંભ હતો, જેના થકી ‘જાલ’ જેવી ફિલ્મો મળી. આ ફિલ્મની હીરોઈન હતી ગીતા બાલી અને કલ્પના કાર્તિક ઉર્ફે મોના સીંઘ. ‘બાઝી’ ફિલ્મ હીટ ગઈ અને દેવ આનંદ- કલ્પના કાર્તિકની જોડીને અનેક ફિલ્મોની ઓફર મળી. આ ફિલ્મનું ગીત.
૧૯૫૪માં આવેલી ‘ટેક્સી ડ્રાઈવર’ પણ આવી જ એક ફિલ્મ હતી, જેના શૂટિંગ દરમ્યાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યાં અને લગ્ન પણ કર્યાં. ‘ટેક્સી ડ્રાઈવર’નું આ સદાબહાર ગીત.
તો આ ગીત ફન્ટુશ (૧૯૫૬) નું છે. હિરોઈન શિલા રામાણી.
‘સી.આઈ.ડી.’નું આ ગીત જોઈએ, જેમાં દેવ આનંદની ચાલવાની શૈલીએ અનેક યુવકોને ઘેલું લગાડ્યું. અનેક લોકોએ તેની નકલ કરી. વહીદા રહેમાનનો પણ આ ફિલ્મથી પ્રવેશ થયો, જેમાં તે નકારાત્મક ભૂમિકામાં હતાં.
વહીદા રહેમાન સાથે ‘કાલા પાની’ (૧૯૫૮) , ‘સોલવાં સાલ’ (૧૯૫૮) , ‘કાલા બાજાર’ (૧૯૬૦) , ‘બાત એક રાત કી’(૧૯૬૨) જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી, અને તેનાં ગીતો પણ ખૂબ ગૂંજ્યાં.
‘સોલવાં સાલ’નું આ ગીત.
પડદા પર દેવ આનંદની ઈમેજ બનાવવામાં મોટો ફાળો તેમના નાના ભાઈ વિજય આનંદ (ગોલ્ડી)નો રહ્યો. ગોલ્ડીના નિર્દેશનમાં દેવ આનંદની અભિનયકળા નીખરી ઉઠી, તેમ તેમની વધતી ઉંમરને અનુરૂપ કરેલું શૈલી પરિવર્તન પણ કઠ્યું નહીં, અને ચરિત્ર ભૂમિકાઓને બદલે વધતી ઉંમરે પણ દેવ આનંદ હીરોની ભૂમિકા કરતા રહ્યા. ‘ગાઈડ’ (૧૯૬૫) માં ગોલ્ડી અને દેવ આનંદની યુતિ ચરમ સ્થાને હતી. આ ફિલ્મનું ગીત.
ગોલ્ડી દિગ્દર્શિત 'જવેલ થીફ' (૧૯૬૭) નું આ ગીત દેવસા'બની શૈલીના ઓળખ સમું છે.
‘જોની મેરા નામ’(૧૯૭૦) જેવું થ્રીલર ગોલ્ડીએ નિર્દેશીત કર્યું, જેમાં દેવ આનંદની હીરોઈન હતાં હેમા માલિની. આ ફિલ્મની સફળતાએ હેમાને સ્ટારની હરોળમાં મૂકી દીધાં. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ બોક્સ ઓફિસ પર અત્યંત નિષ્ફળ રહી, તેની સામે દેવ આનંદના આ અવતારને સફળતા મળી. ગોલ્ડીના નિર્દેશનની કમાલ દેખાડતું ‘જોની મેરા નામ’નું આ ગીત સાંભળવા જેવું છે, એટલું જ જોવા જેવું છે.
ગોલ્ડી સાથે તેમનું જોડાણ તૂટવામાં કૌટુંબિક પરીબળ કારણભૂત હતું. ત્યાર પછી દેવ આનંદે પોતે નિર્દેશન પર હાથ અજમાવ્યો અને ‘પ્રેમપૂજારી’ (૧૯૭૦) નું નિર્દેશન કર્યું. આ ફિલ્મ ભયાનક નિષ્ફળતાને વરી. પણ તેનાં ગીતો હજી આજેય લોકોના દિલોદિમાગમાં ગૂંજી રહ્યાં છે, જે નીરજની કલમમાંથી નીપજ્યાં હતાં.
જો કે, નિર્દેશક તરીકે દેવસા’બે સફળતાનો ખરો સ્વાદ ચાખ્યો ‘હરે રામ હરે કૃષ્ણ’ (૧૯૭૧) થી, જેમાં તેમણે ઝીનત અમાનને પહેલી વાર ચમકાવી. હિપ્પીઓના રવાડે ચડેલી હીરોઈનનું કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મમાં સંગીત આર.ડી.બર્મને આપ્યું હતું.
સીત્તેરના દાયકામાં ‘બનારસી બાબુ’(૧૯૭૩) , ‘છૂપા રુસ્તમ’ (૧૯૭૩) , ‘અમીર ગરીબ’ (૧૯૭૪) , ‘હીરાપન્ના’ (૧૯૭૩) , ‘વોરંટ’ (૧૯૭૫) , ‘જાનેમન’(૧૯૭૬) જેવી ફિલ્મો આવતી રહી. દેવ આનંદ એ દાયકાની ઘણી હીરોઈન સાથે હીરો તરીકે ચમક્યા. જો કે, એમ લાગતું રહ્યું કે હવે એમના જાદુમાં ‘વો બાત’ રહી નથી. ‘બનારસી બાબુ’નું આ ગીત,જેમાં રાખી તેમની હીરોઈન છે.
૧૯૭૮માં આવેલી ‘દેશ પરદેશ’ હીટ ગઈ, જેમાં અભિનેત્રી ટીના મુનિમનો હિંદી ફિલ્મોમાં પ્રવેશ થયો. આ ફિલ્મનું એક ગીત.
ત્યાર પછી પણ ‘હમ નૌજવાન’, ‘સ્વામીદાદા’, ‘અવ્વલ નંબર’, ‘લશ્કર’, ‘સૌ કરોડ’ જેવી ફિલ્મો તે બનાવતા રહ્યા અને તેમાં ચમકતા રહ્યા. અહીં એ યાદી આખી ઉતારવાનો જરાય ઉપક્રમ નથી. જો કે, આમાંની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. પણ દેવસા’બ એક ફિલ્મ પૂરી થાય, રિલીઝ થાય એ સાથે જ આગામી ફિલ્મની ઘોષણા કરી દેતા. તેમના અસલ ચાહકો તેમની આવી ફિલ્મો જોતા હશે કે કેમ એ સવાલ છે. કેમ કે સૌએ દેવસા’બની પોતાને ગમતી છબિ પોતાના મનમાં સંઘરી રાખી હતી, જે અવિનાશી હતી. ઉર્જા, ચંચળતા અને જીવંતતા એટલે દેવ આનંદ એવું સમીકરણ સૌના મનમાં એ હદે બેસી ગયેલું કે સાઠ વટાવેલા કોઈ પણ ચુસ્તદુરસ્ત પ્રૌઢને દેવ આનંદનું લેબલ મળી જ જતું, તેના ચહેરાનું ભલે ને દેવસા’બ સાથે સામ્ય ન હોય. દરેક કુટુંબમાં, શેરીમાં કે નગરમાં આવા કોઈક ને કોઈક ‘દેવ આનંદ’ હશે જ.
શ્વેત શ્યામ ફિલ્મોને રંગીન કરવાનું ચલણ શરૂ થયું ત્યારે સૌ પહેલાં ‘મુઘલ-એ-આઝમ’ને રંગીન કરવામાં આવી. ત્યાર પછી ‘નયા દૌર’ નો વારો આવ્યો. અને હમણાં છેલ્લે ‘હમ દોનોં’ને પણ રંગીન બનાવવામાં આવી. જેવી ઝટપટ તેમની હિલચાલ હતી, એવું જ ઝપાટાબંધ તેમનું મૃત્યુ રહ્યું. સાવ અચાનક, ઉંઘમાં જ!
જો કે, તેમના સૌ ચાહકો પોતપોતાના દેવસા’બને એટલા ચાહે છે કે ભલે આ નશ્વર દુનિયામાંથી તેમણે વિદાય લીધી, સૌના મનમાં તે આજીવન જીવંત રહેવાના છે. ‘હમ દોનોં’ના આ ગીતમાં દેવસા’બ પરદા પર હીરોઈન સાધનાને કહે છે, એ જ શબ્દો તેમના ચાહકો દેવસા’બ માટે કહેતા રહેવાના: ‘કિ દિલ અભી ભરા નહીં.’