Showing posts with label યોગેશ પુરોહિત. Show all posts
Showing posts with label યોગેશ પુરોહિત. Show all posts

Friday, May 26, 2023

ભેટમાં મળેલા મિત્ર અને તેમની મૈત્રી

યોગેશભાઈ અને ગીતાબહેન સાથેનો મારો પરિચય માંડ દસકા જૂનો. ખરેખર તો તેમની મૈત્રી મને ભેટમાં મળેલી છે. અમેરિકાસ્થિત હાસ્યલેખક (હવે તો સ્વ.) હરનીશ જાની સાથે મારો ઈમેલ અને બ્લૉગ દ્વારા પરોક્ષ પરિચય. ચોક્કસ યાદ નથી, પણ 2012નો ઉત્તરાર્ધ હોય કે 2013નો પૂર્વાર્ધ, હરનીશભાઈ ભારતની મુલાકાતે હતા. એ દરમ્યાન સુરતથી એક વાર તેમની સાથે ફોન પર વાત થઈ અને તેમણે જણાવ્યું કે પોતે વડોદરા આવવાના છે. નક્કી કરેલા દિવસે તેઓ વડોદરા આવ્યા અને જેમને ત્યાં ઉતર્યા હતાં એ મિત્રને ઘરે મળવાનું નક્કી થયું. સરનામું સમજવા એ મિત્ર સાથે મેં વાત પણ કરી. સરનામું બરાબર સમજીને કામિની અને હું ઉપડ્યાં એ મિત્રનાં ઘેર. હરનીશભાઈ અને હંસાબહેન સાથે પહેલી વાર મુલાકાત થઈ. ખૂબ હસીમજાક કરી. તેમના યજમાનમિત્ર અમારી વાતમાં નડતરરૂપ ન થવાય એમ અમને સહયોગ આપી રહ્યા હતા એ જોઈને બહુ આનંદ થયો અને સારું પણ લાગ્યું. એ મિત્રદંપતી એટલે યોગેશભાઈ અને ગીતાબહેન પુરોહિત. હરનીશભાઈ સાથેની એ રૂબરૂ મુલાકાત પહેલી હતી અને છેલ્લી પણ!

છૂટા પડતાં યજમાન યોગેશભાઈને ઔપચારિકપણે ‘આવજો’ કહ્યું અને સંપર્કમાં રહીશું એમ અમે વાત કરી. જો કે, એટલા અલ્પ સંપર્કે અમારો પરિચય આગળ વધે એ સંભાવના ઓછી. સિવાય કે બેમાંથી કોઈ એક જણ એ માટેની પહેલ અને પ્રયત્ન કરે. એ કામ યોગેશભાઈએ કર્યું. થોડા દિવસમાં જ તેમનો ફોન આવ્યો અને બહુ પ્રેમપૂર્વક તેમણે મળવાનું ગોઠવ્યું. હરનીશભાઈ ગયા, પણ ભેટરૂપે તેઓ પુરોહિત દંપતી સાથેની આનંદદાયી મૈત્રી આપતા ગયા. એ પછી એમની સાથે અનિયમિતપણે, છતાં નિયમિત રીતે મુલાકાત થતી રહી છે. એ મુલાકાતોનાં પરિણામરૂપી સુફળ એટલે ‘મંઝિલ વિનાની સફર’ નામનું આ પુસ્તક. આ પુસ્તકની તેની મંઝિલ સુધી પહોંચવાની સફર પણ રસપ્રદ છે.

2013ના ઑક્ટોબરમાં અમે ‘સાર્થક જલસો’ નામનું છમાસિક આરંભ્યું. એમાં યોગેશભાઈએ અમને ઉમદા સહયોગ કર્યો. તેમની સાથે ઘણી વાર તેમનાં વતન રાજપીપલા અંગે વિવિધ વાતો નીકળતી. એ ધ્યાનમાં રાખીને મેં તેમને રાજપીપલાનાં તેમનાં સંસ્મરણો આલેખવા વિનંતી કરી. તેમણે એ કર્યું પણ ખરું. એ વાંચીને મને બહુ મઝા આવી, સાથે એમ પણ લાગ્યું કે એને હજી વિસ્તારી શકાય એમ છે. બસ, એ પછી એમાં ઝોલ પડ્યો. અલબત્ત, યોગેશભાઈએ એને આગળ વધારીને પોતે એસ.એસ.સી. પાસ થયા ત્યાં સુધી લખ્યું હતું. મારી પાસે એ લખાણ ઘણો સમય પડી રહ્યું.

વચગાળામાં એક વાર તેમણે મારા બ્લૉગ માટે સંગીતકાર જમાલ સેન સાથેનાં પોતાનાં જોડાણ વિશે એક લેખ લખી આપ્યો હતો, જે બહુ વિશિષ્ટ હતો.

યોગેશભાઈએ પોતાનાં સંસ્મરણાત્મક લખાણને પુસ્તિકારૂપે તૈયાર કરવા સૂચવ્યું. તેમનો હેતુ કેવળ પોતાના પરિવાર પૂરતાં દસ્તાવેજીકરણનો હતો. જો કે, સાવ આટલી ઓછી વિગતો મને અપૂરતી લાગતી હતી. આથી અમારી એક બેઠક દરમ્યાન એ બાબતે અમે સંમત થયા કે યોગેશભાઈ આ લખાણને પોતાનાં લગ્નજીવન અને એ પછી બન્ને સંતાનોના જન્મ સુધી આગળ વધારે, જેથી એક ચોક્કસ સમયગાળો તેમાં અધિકૃત રીતે આવરી શકાય. સૂચન સારું હતું, પણ સવાલ તેના અમલનો હતો. યોગાનુયોગે પુરોહિતદંપતીને 2022ના પૂર્વાર્ધ દરમ્યાન પોતાના દીકરા જીગરને ત્યાં દુબાઈ રહેવા જવાનું બન્યું. તેમનું દુબાઈનું રોકાણ ફળદાયી નીવડ્યું. ગીતાબહેને મને જૂન મહિનામાં ખુશીના સમાચાર આપતો સંદેશો મોકલ્યો કે યોગેશભાઈએ લખાણ સંપન્ન કરી દીધું હતું.

ભારત પાછા આવ્યા પછી એ લખાણ વાંચતાં મને જે લાગ્યું તે કંઈક આવું. તેમાં આલેખાયેલી સફર ભલે યોગેશભાઈની વ્યક્તિગત સફર હોય, પણ ખરેખર તો એ એક આખા કાળખંડની, ખાસ કરીને સ્વાતંત્ર્ય પૂર્વેનાં કેટલાંક વરસોની ઝાંખી છે. અભાવ અને ઓછપ નિરપવાદ પરિબળો હતાં, સંસાધનો મર્યાદિત હતાં એવે સમયે એકમેકની હૂંફથી શી રીતે લોકો આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવતાં, એ આજના હાડોહાડ ઉપભોક્તાવાદના યુગમાં માની ન શકાય એવી બાબત લાગે. તેમની આ સફર તેમના એકલા પૂરતી મર્યાદિત ન રહેતાં વાચક પણ તેમાં હમસફર બની રહે છે. તેમણે આલેખેલાં પાત્રો અને માહોલ આપણા માટે અજાણ્યાં હોવા છતાં જાણે કે આપણા પરિચિત બની રહે છે.

હવે આ લખાણને પુસ્તકરૂપ આપવા માટે તેની પર જરૂરી સંસ્કાર કરવાના હતા. એ ધીમે ધીમે કરતા ગયા. 13 મી મે યોગેશભાઈ અને ગીતાબહેનની લગ્નતિથિ હોવાથી એ દિવસે તેનું વિમોચન કરવાનું નક્કી કર્યું. આખરે એ પુસ્તક તૈયાર થઈ ગયું. આરંભ થયા પછી અમારી મૈત્રીનું એક નાનકડું વર્તુળ આમ પૂરું થયાનો આનંદ.

13મે, 2023ની સાંજે, એક અંતરંગ કાર્યક્રમમાં મર્યાદિત સ્નેહીઓ વચ્ચે આ પુસ્તકનું વિમોચન થયું. એ નિમિત્તે યોગેશભાઈ અને ગીતાબહેનને શુભેચ્છાઓ.


Saturday, August 20, 2016

જમાલ સેન: સંક્રાંતિકાળના સંગીતકાર (૨)



- ડૉ. યોગેશ પુરોહિત 

(ધૂમકેતુની જેમ હિન્‍દી ફિલ્મસંગીતના આકાશમાં પ્રકાશ પાથરી જનારા સંગીતકાર જમાલ સેનના પ્રદાનનો આછેરો પરિચય આ અગાઉની પોસ્ટ દિલ ખીંચા જા રહા હૈ હમારા માં મેળવ્યો. હકીકતમાં એ પોસ્ટ ડૉ. યોગેશ પુરોહિતના આ લેખની પૂર્વભૂમિકારૂપે લખવાનો આશય હતો. તેને બદલે એ આખો પૂર્ણ લંબાઈનો લેખ બની ગયો. વડીલમિત્ર ડો. યોગેશ પુરોહિત એક તબક્કે જમાલ સેન સાથે સંપર્કમાં હતા. તેમણે એ સ્મૃતિઓને કાગળ પર ઉતારી આપી છે. પ્રસ્તુત છે યોગેશભાઈનો એ લેખ અને સાથે જમાલ સેનનાં થોડાં અન્ય ગીતોની મહેફિલ.) 

"ફિલ્મ ક્ષેત્રની આજની રફ્તાર જોતાં થોડા વર્ષો પછી શંકર-જયકિશન અને નૌશાદની પણ ઓળખાણ આપવી પડે એવા દિવસો આવશે. જાયન્‍ટ વ્હીલ જેવી આ રફ્તારમાં ચહેરાઓ એટલી ઝડપથી બદલાય છે કે આજની પેઢી તેના પોતાના સમયમાં જોયેલા-સાંભળેલા ચહેરાઓને પણ યાદ રાખવાની મથામણ કરતી લાગે. આવા માહોલમાં ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન પૂછે, ‘જમાલ સેન કોણ હતા?’ તો જવાબમાં ‘અકબરના નવ રત્નોમાંનું એક રત્ન’ આવી શકે. જમાલ સેનના નામ અને કામથી પરિચીતછે તેમના માટે આ જવાબ અર્ધસત્ય છે, કારણ કે, અકબરના દરબારનું નહીં, પણ આપણા હિન્‍દી ફિલ્મોના સંગીતના ઈતિહાસનું પચાસના દાયકાનું સંગીતરત્ન તેઓ જરૂર હતા.
પણ રત્ન ક્યારેક આપણને અનાયાસે, સહેલાઈથી મળી જાય અને આપણે તેને પારખી ન શકીએ તો? કંઈક આવી જ સ્થિતિ શરૂઆતમાં મારી થયેલી.

વર્ષ ૧૯૫૯-‘૬૦માં બી.એ.નું પહેલું વર્ષ મેં નવસારીની ગાર્ડા કૉલેજમાંથી પાસ કર્યું. ત્યાર પછી મુંબઈમાં તિલક વિદ્યામંડળ સંચાલિત, પાર્લે (પૂર્વ) કૉલેજમાં ઈન્‍ટર આર્ટ્સમાં જોડાયો. મારા મોટાભાઈ મુંબઈમાં વકીલ હતા અને બોરીવલી (પશ્ચિમ)માં મંડપેશ્વર રોડ પર આવેલી વિઠ્ઠલ નિકેતન ચાલમાં બ્લૉક નં. 3માં રહેતા હતા. હું તેમની સાથે રહેવા લાગ્યો. પણ બોરીવલીમાં સમય પસાર કરવા શું કરવું એ સૌથી મોટી સમસ્યા હતી. બોરીવલી ત્યારે થાણા જિલ્લામાં હતું અને તે ગામડું ગણાતું. ગ્રેટર મુંબઈ ત્યારે અંધેરી સુધી હતું અને જોગેશ્વરી-બોરીવલી વચ્ચે ઘોડબંદર રોડ-આજના સ્વામી વિવેકાનંદ રોડ પર ખાનગી બસ ચાલતી.  ચોમાસામાં તેનાં વ્હીલ ગટરમાં ફસાઈ જતાં હોવાથી આ અરસામાં તે મોટે ભાગે બંધ રહેતી. તેથી બહાર નીકળી શકાતું નહીં.
આવા સંજોગોમાં આશાનું એક કિરણ ફૂટ્યું. ત્યારે ક્યાં ખબર હતી કે એ સ્થિતિ ‘છીંડું શોધતાં લાધી પોળ’ જેવી થવાની હતી. મારાં ભાભીએ મને સમાચાર આપ્યા કે મારા વતન રાજપીપલાનો એક પરિવાર- મહેશ પાઠકનો પરિવાર બોરીવલી (પશ્ચિમ)માં જ, સ્ટેશન પાસે જાંબલી ગલીમાં, ભટ્ટ ચાલમાં રહેતો હતો. મહેશભાઈનો દીકરો રોહિત ક્યારેક વેકેશનમાં રાજપીપલા આવતો. તેથી એને હું ઓળખતો. ઑગસ્ટ આવતાં સુધીમાં મેં રોહિતને શોધી કાઢ્યો. આ અર્થમાં મુંબઈ ત્યારે પણ આજના જેવું જ હતું. સવારના સાતથી રાતના નવ-દસ સુધી મુંબઈમાં સ્ત્રીઓ-બાળકો સિવાય કોઈ પોતાના ઘરે ન મળે.
રોહિત પાક્કો મુંબઈગરો હતો. ડ્રાફ્ટ્સમેનનો અભ્યાસ કરવાની સાથેસાથે, બાકીના સમયમાં તે છાપાં-મેગેઝીન વેચવાનો તેમજ મકાન લે-એચ તેમજ ભાડે આપવા જેવા કામમાં દલાલીનું કામ કરતો. પોતાની પ્રવૃત્તિમાં તે હંમેશાં વ્યસ્ત રહેતો. તેણે મને પાર્ટ ટાઈમ નોકરીધંધો શોધી લેવાની તેમજ મરાઠી શીખી લેવાની સલાહ આપી. મારા માટે એ શક્ય ન હતું. આથી તેણે બીજા વિકલ્પ તરીકે ફિલ્મલાઈનની મારી રુચિ વિષે પૂછ્યું. મુંબઈમાં નવાસવા આવનારાઓ માટે એ એક સ્વાભાવિક આકર્ષણ રહેતું. ફિલ્મનું શૂટિંગ જોવુ અને ફિલ્મી સિતારાઓને રૂબરૂ જોવા કે મળવાના પ્રયત્ન કરવા. જો કે, મારી રુચિ એ બાબતમાં નહોતી. મને સંગીતનો શોખ હતો. મેં રોહિતને મારા સંગીતના શોખ વિષે જાણ કરી. આ સાંભળીને તરત જ એ બોલી ઉઠ્યો, ‘અરે! તો બોલતો શું નથી? આ રવિવારે જ તને જમાલ સેન સાથે મેળવી દઉં.’ મેં સાવ ભોળપણથી પૂછ્યું, ‘જમાલ સેન? એ કોણ?’ રોહિતે તરત કહ્યું, ‘અરે! એ ફિલ્મના સંગીતકાર છે.’ આ સાંભળીને મને બહુ નવાઈ લાગી. ફિલ્મના સંગીતકાર અને એ પન બોરીવલી જેવા ગામડામાં રહે? રોહિતે ફોડ પાડતાં કહ્યું, ‘મુંબઈમાં ભલભલી હસ્તીઓ એવી જગ્યાએ રહેતી હોય છે કે તેમના પોસ્ટલ સરનામાથી તેમના વિસ્તારનો અંદાજ ન આવે.’
આવી ઘણી બાબતોમાં મારી જ્ઞાનવૃદ્ધિ થઈ હતી. રોહિતે અને મેં એક દિવસ જમાલ સેનને મળવા જવાનું નક્કી કર્યું. અને એક દિવસે અમે ઉપડ્યા. તારીખ મને યાદ નથી, પણ એ બરાબર યાદ છે કે રવિવારનો દિવસ હતો.
બોરીવલી (પશ્ચિમ)માં રેલ્વે સ્ટેશન પાસે, ઘોડબંદર રોડ પર આવેલી જયા ટૉકીઝ આવેલી હતી. તેની ઉપરની ટેરેસ પર વીસ બાય પચીસ ફીટની એક ઓરડી હતી. જમાલ સેનનું એ નિવાસસ્થાન. આટલી ઓરડીમાં તેમનો આખો પરિવાર રહેતો હતો. ભાઈ-ભત્રીજા તેમજ દીકરાઓ.
ઓરડીના એક ખૂણે એક સ્ટવ પડેલો દેખાયો. ત્યાં રસોઈના થોડાં વાસણો અને પાણી ભરેલું માટલું રૂમનો એ ભાગ રસોડા તરીકે વપરાતો હોવાનું સૂચવતું હતું. બીજા ખૂણામાં સૂવા-પાથરવાનો ‘સામાન’ દર્શાવતું હતું કે એ ભાગ રાત્રે ‘બેડરૂમ’ બની જતો હશે. આ સિવાયની જગ્યામાં સંગીતનો સામાન પથરાયેલો હતો, જે આ પરિવારનો સંગીત સાથેનો સંબંધ બતાવતો હતો. અત્યાર સુધી મેં જોયેલા ‘ઘર’ની વ્યાખ્યામાં આ સ્થળ કેમે કરીને બેસતું નહોતું. અને એવી જગ્યામાં આ સંગીતકાર પોતાના બહોળા પરિવાર સાથે રહેતા હતા.
અમે ગયા ત્યારે જમાલ સેન ઘેર જ હતા. તેમણે અમને આવકાર આપ્યો. સાડા પાંચ ફીટની ઉંચાઈ, રાજસ્થાની ઢબનું ધોતિયું અને ઉપર ઝભ્ભો, મોટી ભરાવદાર કાળી આંખો, વિશાળ કપાળ, આછા વાળ, ભરાવદાર મૂછો અને સતત તમાકુવાળું પાન ખાતા હોય એવા હોઠ અને દાંત. તેમનો અવાજ પણ ‘કાળી બે’નો ‘સા’ પકડીને બોલતા હોય એવી પીચનો, થોડો ઘેરો લાગે એવો. વહેવાર-વર્તનમાં નખશીખ રાજસ્થાની શાલીનતા. સામા માણસને આંજી નાંખવાનો કોઈ પ્રયાસ નહીં અને વાતે વાતે ‘હમારે જમાને મેં’ જેવો કોઈ તકિયા-કલામ નહીં.
આ મારા પર પડેલી તેમની પહેલી છાપ, જે હજી આજ સુધી જળવાઈ રહી છે.
એ દિવસે પણ ઘણી વાતો કરી અને અમે છૂટા પડ્યા. મારે જમાલ સેન સાથે પરિચય થઈ ગયો અને મેં તેમનું ઘર જોઈ લીધું એટલે રોહિતની ભૂમિકા પૂરી થઈ અને તે વચ્ચેથી ખસી ગયો.
ત્યાર પછી લગભગ રોજ સાંજે તેમને ત્યાં જવાનો મારો નિયમ બની ગયો. જમાલ સેન ઘેર હોય તો તેમની સાથે બેસવાનું અને તેમની વાતો સાંભળવાની.
એ ‘ઘર’માં જમાલ સેન પોતાના દીકરાઓ- શંભુ સેન, દિલીપ સેન, મદન સેન અને નિહાલ સેન તેમજ ભાઈ દીપક સેનના દીકરાઓ માનસેન તથા તાનસેન સાથે રહેતા હતા. ‘ઘર’નો વિસ્તાર એવો અને એટલો હતો કે આ બધાને કદી એક સાથે મળી જ ન શકાય. હું જાઉં અને જમાલ સેન ઘેર ન હોય તો હું જે પણ ઘેર હોય તેમની સાથે બેસતો, ગપાટા મારતો અને હારમોનિયમ તેમજ તબલાં વગાડવાનો મારો શોખ પૂરો કરતો.
આવા ક્રમમાં એક સાંજે હું તેમને મળવા ગયો. તેઓ ફર્શ પર બેસીને ચા પી રહ્યા હતા. મને પણ ચા માટે તેમણે આગ્રહ કર્યો. મને ચાની આદત ન હતી, એટલે મેં ના પાડી. મારી ના સાંભળીને તેમને એમ લાગ્યું કે હું તેમને મુસ્લિમ સમજી રહ્યો છું અને એ કારણે કશું ખાવાપીવાનો ઈન્‍કાર કરું છું. તેમણે હસીને કહ્યું, ‘પુરોહિતજી, હમારે નામ પે મત જાઓ. હમ ભી રાજસ્થાન કે હિંદુ હૈ. આપ યહાં સે કોઈ ગલત બાત નહીં સિખોગે.’ મહામુસીબતે મેં તેમને સમજાવ્યું કે મને ચાનું વ્યસન નથી એ કારણે હું ના પાડું છું.
તેમના એક પૂર્વજ કેસરજી રાજસ્થાનના સુજાનગઢના વતની હતા અને તેઓ તાનસેનના શિષ્ય હતા. તેને કારણે તેઓ કેસર સેન તરીકે ઓળખાયા. આમ, સંગીત આ ખાનદાનની પરંપરા હતું. જમાલ સેનના પિતાજી જીવણ સેન પણ દરબારી ગવૈયા હતા. જમાલ સેન પોતે ગાઈ શકતા તેમજ અનેક વાદ્યો વગાડી શકતા. ખાસ કરીને ઢોલક, તબલાં અને પખાવજ પર તેમની ગજબ હથોટી હતી. (‘સપના બન સાજન આયે’નો આરંભિક ટુકડો સાંભળવાથી આ બાબતનો ખ્યાલ આવશે.)
અમારી આવી એક બેઠકમાં તેમને મેં વિનંતી કરી, ‘મારે તબલાં શીખવાં છે.’ તેમણે મને તરત જ તબલાં પર બેસવા કહ્યું. મેં તબલાં પર હાથ અજમાવ્યો એ સાંભળીને તેમણે થોડી મિનીટોમાં જ કહ્યું, ‘પુરોહિતજી, આપ કે બાંયે હાથ કી તાકત કમ પડતી હૈ. આપ તબલા નહીં બજા પાઓગે. ઐસા કરો, આપ કોઈ ગાના સુનાઓ.’  મેં ‘બૈજુ બાવરા’નું મારું મનપસંદ ગીત ‘મન તરપત હરિદર્શન કો આજ’ ગાયું. એ સાંભળીને તેમણે કહ્યું, ‘આપ કી આવાજ કાફી અચ્છી હૈ. સૂર-તાલ કે સાથ ગાના સીખ લો, તો મૈં આપ કો ઑલ ઈન્‍ડીયા રેડિયો પર ચાન્‍સ દીલવા સકતા હૂં.’ પછી બોલ્યા, ‘ફિલ્મ ઈન્‍ડસ્ટ્રી મેં તો અભી હમારા કોઈ વજન નહીં રહા. જબ હમારા સમય થા તબ લતાજી જૈસી આર્ટિસ્ટ કો ભી હમને રિયાઝ કરવાયા હૈ. હમારે રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ કી તર્જ ભી હમને બનાઈ હૈ.’ આ સાંભળીને મેં તેમને પૂછ્યું, ‘તો અભી આપ ક્યા કરતે હૈ?’ મારા સવાલના જવાબમાં તેમણે હારમોનિયમ હાથમાં લીધું. શંભુ સેનને તબલાં પર સંગત કરવા કહ્યું. ત્રણ-ચાર ખૂબ સુંદર તરજ તેમણે મને સંભળાવી. પછી બોલ્યા, ‘હમ ઈસ તરહ કી તર્જેં બનાકર આજ કે દૌર કે સંગીતકારોં કો દે દેતે હૈ ઔર કોઈ કોઈ કો મ્યુઝીક અરેન્‍જ કરને મેં મદદ કરતે હૈં. ખુશકિસ્મતી સે ઑલ ઈન્‍ડિયા રેડિયો પર અભી ભી હમારા નામ હૈ, તો ગુજારા હો જાતા હૈ.’
તેમની આ વાત ત્યારે હું અડધીપડધી સમજી શક્યો હતો, પણ તેની તીવ્રતા મોડે મોડે સમજાઈ. અમારી મુલાકાતો થતી રહેતી.


એક વખત તેમણે મને કહ્યું, ‘પુરોહિતજી, આપ થોડે દિન કે લિયે કાલેજ સે છુટ્ટી લે લીજીયે. હમ એક મ્યુઝીકલ નાઈટ કા પ્રોગ્રામ- મેલડી ઑફ રાજસ્થાન- બિરલા માતુશ્રીમેં રખતે હૈં. હમેં કુછ લોગોં કો ઈન્‍વાઈટ કરને જાના પડેગા.’ આ કાર્યક્રમ ફિલ્મજગતના લોકોને આપવા માટે હું તેમની સાથે ફર્યો. અમે સંગીતકાર અનીલ બિશ્વાસ અને ગાયિકા મીના કપૂર, સંગીતકાર રવિ, ત્યારે નવોદિત ગણાતા ગાયક મહેન્‍દ્ર કપૂર તેમજ સુમન કલ્યાણપુરને આમંત્રણ આપવા માટે તેમને ઘેર ગયા હતા.
એ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.
કાર્યક્રમના થોડા દિવસ પછી તેમણે મને પૂછ્યું, ‘પુરોહિતજી, આપ ગુજરાત મેં હમારા ઐસા પ્રોગ્રામ રખવા સકતે હૈ?’ હું ત્યારે વિદ્યાર્થી હતો અને મારા માટે એ ગજા બહારની વાત હતી. આવા કાર્યક્રમ માટે સ્પોન્‍સરર્સ શોધવા પડે અને તેના માટે સંપર્કો જોઈએ. તેના માટે હું બહુ નાનો પડું. મેં તેમને આ હકીકત જણાવી.
જમાલ સેનના મનમાં કદાચ ઘણું બધું ચાલતું હશે. મારી વાર્ષિક પરીક્ષાને થોડા દિવસો બાકી હતા ત્યારે એક દિવસ તેમણે મને પૂછ્યું, ‘પુરોહિતજી, આપ મેરે લિયે હિન્‍દી મેં લિખેંગે?’ મારા માટે ના પાડવાનો કોઈ સવાલ ન હતો. મારી પરીક્ષા પતે પછી મેં એ માટે પ્રયત્ન કરવા જણાવ્યું. તેમની ઈચ્છા ભારતીય સંગીતની ઉત્પતિ અને ઉત્ક્રાંતિ વિષે લખવાની હતી. પરીક્ષા પછી અમે એ કાર્યક્રમ આરંભ્યો. જો કે, મને બહુ ઝડપથી સમજાઈ ગયું કે આમ કરાવવા પાછળ તેમની ભારતીય સંગીત પ્રત્યેની લાગણી અને અહોભાવ વધુ જવાબદાર છે. આ વિષય પર તેમનું વિશેષ વાંચન કે પૂરતી માહિતી નથી. તેમના વિચારો પણ સુગ્રથિત ન હતા. લખાવતી વખતે થતી વાતોમાં કેટલીય વાર વિષયાંતર થઈ જતું. તેમનો ઝોક સંગીત કરતાં વધુ સંગીતકારો તરફ વધુ રહેતો. તેઓ કહેતા, ‘સંગીતકાર વો હોતા હૈ, જો સંગીત કો પ્રગટ કરતા હૈ. ગીત-સંગીત કે માધ્યમ સે સુનનેવાલોં કો દૂસરી દુનિયા કી અનુભૂતિ કરવાતા હૈ.’
મને લાગે છે કે આ જ વાત તેમને પોતાને પણ લાગુ પડતી હતી. બદલાતા સમય મુજબના સંગીતની માંગ સાથે તેઓ કદાચ પોતાને અનુકૂળ કરી શક્યા નહીં. ગીતના શબ્દો- તેના ભાવાર્થ મુજબની તરજ અને એ માટે જરૂરી હોય એટલાં જ વાદ્યોનો ઉપયોગ કરવાની તેમની ખાસિયત હતી. તેને બદલે માત્ર રીધમકેન્‍દ્રી, ઓરકેસ્ટ્રા ખડકી દેવાનું વલણ ગીતોમાં ચલણી બન્યું. જમાલ સેનનું મનોવલણ એવું ન હતું. ૧૯૬૦ પછી ફિલ્મસંગીતની ઝડપથી બદલાતી જતી તરાહના સંક્રાંતિકાળમાં જમાલ સેન જેવા સંગીતકારો બહુ ઝડપથી ભૂલાતા ગયા. ૧૨ એપ્રિલ, ૧૯૭૯ના રોજ તેમનું અવસાન થયું. તેમના ચાર પુત્રો શંભુ સેન, દિલીપ સેન, મદન સેન અને નિહાલ સેન હતા, જેમાંથી મદન સેનનું માત્ર ચાલીસ વર્ષની વયે જમાલ સેનની હયાતિમાં જ અવસાન થયું.
જમાલ સેન સાથે કરેલી બેઠકોની હવે માત્ર યાદ રહી ગઈ છે. ત્યારે કેમેરા નહોતા કે નહોતી એવી સમજ કે આ બધું કોઈક રીતે જાળવી લઈએ. તેથી જમાલ સેન હવે કેવળ સ્મૃતિમાં રહી ગયા છે અને તેમનાં મર્યાદિત ગીતો દ્વારા તેમની સ્મૃતિ જળવાઈ રહી છે." 

**** **** ****

જમાલ સેને સંગીતબદ્ધ કરેલી ફિલ્મો આ મુજબ છે.

  1. શોખિયાં(૧૯૫૧, કુલ ૮ ગીતો)
  2. દાયરા (૧૯૫૩, કુલ ૮ ગીતો)
  3. ધર્મપત્ની (૧૯૫૩, કુલ ૬ ગીતો)
  4. રંગીલા (૧૯૫૩, કુલ ૧૧ ગીતો)
  5. કસ્તૂરી (૧૯૫૪, કુલ ૯ ગીતોમાંથી ૩ ગીતો જમાલ સેનનાં, બાકીનાં પંકજ મલ્લિકનાં)
  6. પતિત પાવન (૧૯૫૫, કુલ ૮ ગીતો)
  7. અમર શહીદ (૧૯૬૦, કુલ ૧૦ ગીતો)
  8. બગદાદ (૧૯૬૧, કુલ ૮ ગીતો)
  9. આલ્હા ઉદલ (૧૯૬૨, કુલ ૭ ગીતો)
  10. મનચલી (૧૯૬૨, લગભગ ૩ ગીતો- વધુ ગીત હોઈ શકે.)

-     ફિલ્મ ‘ઋતુવિહાર’નાં ગીતો ૧૯૫૪માં રેકોર્ડ થયાં હતાં, પણ ફિલ્મ સેન્‍સર થઈ ન હતી.
-     ‘પહલા કદમ’(૧૯૮૦)માં લેવાયેલું ગીત ‘બીતા હુઆ એક સાવન’ અસલમાં ‘શોખિયાં’ (૧૯૫૧) માટે રેકોર્ડ કરવામાં આવેલું. પણ તેમાં એ ન લેવાયું અને ત્રણ દાયકા પછી કેદાર શર્માએ ‘પહલા કદમ’માં તેનો ઉપયોગ કર્યો.
-     ભોજપુરી ફિલ્મ ‘નાગપંચમી’ (૧૯૬૪) અને છત્તીસગઢી ફિલ્મ ‘ઘરદ્વાર’  (૧૯૭૧)માં પણ તેમણે સંગીત આપેલું.

(ફિલ્મોગ્રાફી સૌજન્ય:હરીશ રઘુવંશી, સુરત)
**** **** ****


અહીં પ્રસ્તુત છે જમાલ સેનનાં સંગીતબદ્ધ કરેલાં થોડાં વધુ ગીતો. 

આ ક્લીપમાં કેદાર શર્મા પોતે જમાલ સેનને કેવી રીતે ફિલ્મમાં તક આપી તેની વાત કરે છે. 



'શોખિયાં' (૧૯૫૧) નાં કેટલાંક ગીતો. 
લતા અને પ્રમોદિની દેસાઈએ ગાયેલું 'આઈ બરખા બહાર'. 

સુરૈયા અને લતાએ ગાયેલું 'ઓ દૂર દેશ સે આ જા રે'.


'આઓ સજન નયન મેં' સુરૈયાએ ગાયેલું છે. 


'રણ મેં ગરજે કેસરી' સુરૈયા અને સાથીઓએ ગાયું છે. 


સુરૈયાએ ગાયેલું 'આધી આધી રાત ઢોલા.' 

'દાયરા' (૧૯૫૩) નાં કેટલાંક ગીતો. નવાઈ લાગે એવી વાત છે કે 'મહલ'ની સફળતામાં લતા મંગેશકરનાં ગીતો 'આયેગા આનેવાલા' અને 'મુશ્કિલ હૈ બહુત મુશ્કિલ'નું પ્રચંડ પ્રદાન હોવા છતાં નિર્માતા-નિર્દેશક કમાલ અમરોહીએ 'દાયરા'માં લતાનું એક પણ લેવાનો દુરાગ્રહ રાખ્યો નહીં. તમામ મહિલા સ્વર મુબારક બેગમ અને આશા ભોંસલેનો જ હતો.
'કહો ડોલા ઉતારે કહાર' આશા ભોંસલેએ ગાયું છે.



મુબારક બેગમે ગાયેલું 'સુનો મોરે નૈના'. 

તલત મહેમૂદે ગાયેલું 'આ ભી જા મેરી દુનિયા મેં' 


મુબારક બેગમે ગાયેલું 'દીપ કે સંગ જલૂં મૈં' 


'જલી જો શમા' મુબારક બેગમે ગાયું છે. 


'ધર્મપત્ની' (૧૯૫૩) નાં કેટલાંક ગીતો.

'રાત કૈસે કટી બતા ન સકે' મુબારક બેગમના અવાજમાં છે.

મધુબાલા ઝવેરીના સ્વરમાં 'પ્યાર કી નજરોં ને છેડા હૈ'. 


મધુબાલા ઝવેરીએ ગાયેલું ગીત 'નિર્મોહી સાજન આજા'. 

આ કોઈ ગીત નથી, પણ પશ્ચિમી સંગીતના કેટલાક ટુકડા છે. જમાલ સેન સામાન્ય રીતે ભારતીય સંગીત માટે જાણીતા છે, તેથી આ ટુકડાનું વિશેષ મહત્ત્વ છે.

'રંગીલા' (૧૯૫૩)નાં કેટલાંક ગીતો.
મ. રફી અને આશા ભોંસલેના સ્વરમાં 'દિલ આજ મેરા ગાને લગા'


મ. રફીના સ્વરમાં 'નાદાન ના બન' 

મ. રફી અને આશા ભોંસલેના સ્વરમાં 'મતવાલે નૈનોવાલે'. 



જમાલ સેનનાં ઘણાં બધાં ગીતો હવે યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. સંગીતપ્રેમીઓ આ પોસ્ટમાં આપેલી ફિલ્મોગ્રાફી પરથી તે શોધીને સાંભળી શકે છે. આ ઉપરાંત 'દાયરા', 'શોખિયાં', 'ધર્મપત્ની' જેવી આખેઆખી ફિલ્મો પણ યૂ ટ્યૂબ પર જોઈ શકાય છે. 

(નોંધ: તમામ તસવીરો, ગીતો નેટ પરથી)