Showing posts with label Khayyam. Show all posts
Showing posts with label Khayyam. Show all posts

Monday, August 15, 2022

બુરા ક્યા હૈ અગર, યે દુ:ખ યે હૈરાની મુઝે દે દો...

ગાયિકા જગજીત કૌરનું 15 ઑગષ્ટ, 2021ની સવારે અવસાન થયું. તેમના અવાજમાં એક કશિશ હતી. સંગીતકાર ખય્યામનાં પત્ની તરીકે એમની એક ઓળખ ખરી, અને ખય્યામના સંગીત નિર્દેશન સિવાય ભાગ્યે જ તેમણે ગાયું.
'તુમ અપના રંજ-ઓ- ગમ, અપની પરેશાની મુઝે દે દો' (શગુન), 'ગોરી સસુરાલ ચલી' (શગુન), 'લડી રે લડી તુઝ સે આંખ જો લડી' (શોલા ઔર શબનમ), 'ફિર વો હી સાવન આયા' (શોલા ઔર શબનમ), 'પહલે તો આંખ મિલાના' (મ.રફી સાથે/શોલા ઔર શબનમ), 'કાહે કો બ્યાહી બિદેસ' (ઉમરાવજાન), 'સુનો ના ભાભી' (સુલક્ષણા પંડિત સાથે/થોડી સી બેવફાઈ), 'દેખ લો આજ હમકો જી ભરકે' (બાઝાર), 'ચલે આઓ સૈયાં' (બાઝાર), 'હરિયાલા બન્ના આયા રે' (રઝિયા સુલતાન) જેવાં ગીતો તેમણે ગાયાં હતાં.
સાવ શરૂઆતના ગાળામાં 'ખામોશ જિંદગી કો એક અફસાના મિલ ગયા' (દિલ-એ-નાદાન/સં.ગુલામ મોહમ્મદ), 'ચન્દા ગાયે રાગની' (દિલ-એ-નાદાન/સં.ગુલામ મોહમ્મદ), 'મેરે ચંદા, મૈં તેરી ચાંદની' (ખોજ/નિસાર બઝમી) જેવાં ગીતો તેમણે અન્ય સંગીતકારોના નિર્દેશનમાં ગાયાં હતાં. જો કે, તેમની ઓળખ સમું ગીત 'તુમ અપના રંજ-ઓ-ગમ, અપની પરેશાની મુઝે દે દો' બની રહ્યું. તેમનો અવાજ કદાચ લોકગીત પ્રકારનાં ગીતો માટે વધુ અનુરૂપ હતો.
1989-90ની અમારી મુંબઈ મુલાકાત દરમિયાન અમે ખય્યામસાહેબને મળવા માટે તેમને ઘેર ફોન કર્યો. એક મહિલાએ ફોન ઉપાડ્યો અને બહુ વિવેકથી જણાવ્યું કે ખય્યામસાહેબની તબિયત સારી નથી, એટલે તેમને મળવું અનુકૂળ નથી. તેમનો આભાર માનીને ફોન મૂકતાં એકદમ જ બત્તી થઈ એટલે મેં પૂછ્યું, 'આપ જગજિત કૌર બોલ રહીં હૈ?' એમણે હસીને હા પાડી. એકાદ વાક્યની આપ-લે થઈ હશે, પણ એમને એ પછી મળવાનું કદી બન્યું નહીં.
93 વર્ષની પાકટ વયે તેમણે વિદાય લીધી. આટલી જૈફ વયે થયેલી વિદાયનું દુ:ખ હોય, પણ શોક ન હોય.
તેમના સ્વરમાં ગવાયેલા, સાહિર દ્વારા લખાયેલા અને ખય્યામ દ્વારા સ્વરબદ્ધ અતિ પ્રિય ગીત 'તુમ અપના રંજ-ઓ-ગમ' સાંભળીને તેમને શ્રદ્ધાંજલિ આપવા જેવી છે. 


જગજીત કૌર વિશિષ્ટ સ્વર ધરાવતાં ગાયિકા હતાં એ જાણીતી વાત છે. પણ ખય્યામ અને જગજિત કૌરે સાથે કોઈ ફિલ્મમાં ગાયું હોય એમ બન્યું છે ખરું?

ફિલ્મકાર મુઝફ્ફર અલીની ખાસ જાણીતી ન બનેલી ફિલ્મ 'અંજુમન' (1986)નું સંગીત એટલું જાણીતું ન બન્યું, નહીંતર તેમાં પણ ખય્યામ અને શહરયારની જુગલબંદી હતી. આ ફિલ્મનાં કુલ પાંચ ગીતોમાંથી ચાર (ત્રણ એકલ + એક યુગલ) માં અભિનેત્રી શબાના આઝમીનો સ્વર હતો.

આ જ ફિલ્મમાં ફૈઝ અહમદ ફૈઝની એક ગઝલ 'કબ યાદ મેં તેરા સાથ નહીં' ખુદ ખય્યામ અને જગજીત કૌરના સ્વરમાં છે, જેની લીન્ક નીચે આપેલી છે.


(લીન્‍ક સૌજન્ય: યૂ ટ્યૂબ)