Showing posts with label બી.એન.મોદી. Show all posts
Showing posts with label બી.એન.મોદી. Show all posts

Friday, June 6, 2025

યમરાજા વિશે તમે શું જાણો છો?

 - બીરેન કોઠારી

હિમાચલ પ્રદેશના પ્રવાસે હતો એ દરમિયાન મિત્ર સુધીરભાઈ દ્વારા મોદીભાઈના 29 મે, 2025ના રોજ થયેલા અવસાનના સમાચાર મળ્યા. બી.એન.મોદી એટલે કે બાબુભાઈ મોદીને યાદ કરતાં જ અનાયાસે હોઠ મલકી જાય એવી એમની પ્રકૃતિ.

આઈ.પી.સી.એલ.ના એલ.એ.બી. પ્લાન્ટમાં તેઓ વહીવટી વિભાગમાં હતા. હું 1984માં આ પ્લાન્ટમાં જોડાયો ત્યારે તેમની સાથે સીધો સંપર્ક થઈ શકે એવી શક્યતા નહોતી. પણ નવા જોડાયેલા તાલિમાર્થીઓ શરૂઆતમાં જનરલ શિફ્ટમાં હોય ત્યારે મોદીભાઈના વિશાળ રૂમમાં બેસતા. એ જ રૂમમાં મોદીભાઈની સામે સ્ટેનો-ટાઈપિસ્ટ 'શિવો' (પી.કે. શિવકુમાર) બેસતો. પ્લાન્ટનું સંકુલ જેમણે જોયું ન હોય એમની જાણ માટે કે વિશાળ પ્લાન્ટમાં એક તરફ કન્ટ્રોલ રૂમનું બિલ્ડીંગ હોય છે. અમારા પ્લાન્ટમાં પણ એવું બે માળિયું મકાન હતું. એમાં પહેલા માળે ડેપ્યુટી મેનેજર, પ્રોડક્શન મેનેજર અને સિનીયર પ્રોડક્શન મેનેજરની કેબિન રહેતી. ઊપરાંત હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલ અને તેની બાજુમાં ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટેનો-ટાઈપિસ્ટનો રૂમ પણ હતો. મોદીભાઈ એ રૂમમાં બેસતા. એ વખતે તેઓ કદાચ ઓફિસ આસિસ્ટન્ટ હતા, એ પછી પ્રમોટ થયા હશે. પણ એમનું કાર્યસ્થળ એનું એ જ રહેલું.

પ્લાન્ટમાં કામ કરતા અધિકારી વર્ગના લોકોને દર મહિને નિયત ધોરણે મળતી સ્ટેશનરી (પેડ વગેરે..) આપવાનું કામ મોદીભાઈનું રહેતું. પ્લાન્ટ પર કામ કરનારા લોકો મોટે ભાગે શિફ્ટની નોકરીમાં હોવાથી તેઓ પોતાને અનુકૂળ સમયે મોદીભાઈ પાસે આવતા. આને કારણે મોદીભાઈની પાસે કાયમ કોઈ ને કોઈ બેઠેલું જ રહેતું.

જોડાયા પછીના થોડા મહિનામાં જ મને હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલમાં મૂકવામાં આવ્યો. તેને કારણે મને મોદીભાઈના સત્સંગનો લાભ મળતો થયો. તેમની બોલીમાં ભરૂચ-અંકલેશ્વરની દક્ષિણ ગુજરાતી છાંટ વરતાતી. આને કારણે તેમનું રમૂજી વ્યક્તિત્વ વધુ રમૂજી લાગતું, કેમ કે, તેઓ જે કમેન્ટ કરે એ પણ એવી હોય, અને પાછી એમની બોલીમાં હોય. એટલે સાંભળવાની બહુ મજા આવતી. તેમની રમૂજવૃત્તિ આગવી હતી. જાડી પણ ખરી, અને સૂક્ષ્મ પણ ખરી. અમારી બન્નેની રૂમ વચ્ચે લાકડાનું એક પાર્ટિશન જ હતું, આથી અમે એકમેકના રૂમમાં ગયા વિના પણ વાત કરી શકતા. જમીને તે છાપું વાંચતા હોય ત્યારે અચાનક જ કોઈ હેડલાઈન મોટેથી વાંચે. એમાં પણ એ કોઈ એવા શબ્દ પર ભાર મૂકે કે આપણાથી હસ્યા વિના રહેવાય જ નહીં. મોટા ભાગના લોકોના મનમાં એવી છાપ રહેતી કે મોદીભાઈ જલસા કરે છે, કામ કશું કરતા નથી અને છાપાં-મેગેઝીન વાંચ્યા કરે છે. હકીકત એવી હતી કે તેઓ કામ એવી હળવાશથી, મસ્તીમજાક સાથે કરતા કે કોઈને ખ્યાલ જ ન આવે કે એ કામ કરી રહયા છે.

શબ્દોને તોડમરોડ કરવામાં, સાવ સામાન્ય બાબત વડે હાસ્ય ઊપજાવવામાં તેમને બહુ મજા આવતી. જેમ કે, તેમનું મુખ્ય કામ વિવિધ પ્રકારનાં કાગળિયાંનું 'ફાઈલિંગ' કરવાનું રહેતું. બીજી તરફ, પ્લાન્ટના ઊપરી અધિકારી ક્યારેક કોઈકને 'ફાયરિંગ' આપે એમ બનતું. મોદીભાઈ 'ફાયરિંગ'ને બદલે ધરાર 'ફાઈલિંગ' શબ્દનો ઊપયોગ કરતા. હિન્દીમાં કહે, 'આજ તો ઉસકો બહોત ફાઈલિંગ મિલા.' એ વખતે હાઈડ્રોકાર્બન સેલમાં નવાસવા મૂકાયેલા એક ઈજનેર આ સાંભળીને ચોંકી ગયા. તેમને થયું કે આટલાં બધાં કાગળિયાં પ્લાન્ટમાં શી રીતે હોય કે એને 'ફાઈલિંગ' આપવું પડે? પણ પછી સાચો અર્થ ખબર પડતાં એ મોદીભાઈના એ હદે ફેન થઈ ગયા કે મોદીભાઈના જ શબ્દોનો ઊપયોગ કરવા લાગ્યા. કોઈ પૂછે, 'મોદીભાઈ, કેવું છે?' તો પહેલાં કહેતા, 'રબારબ (બરાબર).' ધીમે ધીમે એમાંથી 'રબેક્સ' કહેવા લાગ્યા. પછી એ જ કોઈને પૂછતા, 'વેકુ છે? રબેક્સ વેજુ ને?' 'રબેક્સ' પછી તેઓ 'ડેન્‍ટોબેક' શબ્દનો ઉપયોગ કરતા.

મોદીભાઈના 'કોઈન' કરેલા શબ્દોનો સૌથી વધુ ઊપયોગ 'શિવો' કરતો. તમિળભાષી શિવકુમારનું આવું ટૂંકું નામ કદાચ મોદીભાઈએ જ પાડેલું. શિવો 'ટાઈમ્સ' વાંચતો, પણ ગુજરાતી પૂરેપૂરું સમજતો, અને મોદીભાઈની બોલી એ વિશેષ સમજતો. મોદીભાઈને મળવા આવનારા મોટા ભાગે શિવા સાથે હિન્દીમાં વાત કરવા પ્રયાસ કરતા, પણ શિવો મોદીભાઈની બોલીમાં ગુજરાતીમાં જ વાત કરતો. તમિળભાષી શિવાના મોંએ બોલાયેલા અંકલેશ્વરી બોલીના શબ્દો સામાવાળાને પહેલાં તો સમજાતા નહીં, અને સમજાય એ પછી આશ્ચર્યનો આઘાત લાગતો.

અમે બાજુબાજુની કેબિનમાં બેસતા ત્યારે અચાનક મોદીભાઈના અવાજમાં મોટેથી કોઈ વાક્ય કે શબ્દો કાને પડતા. જેમ કે, 'નેટે નુસ?', તો ક્યારેક 'ડુગ નોમરિગ', તો કદીક કોઈકને કહે, 'એય ડુગડુગીયા'. એ એટલું ચેપી રહેતું કે કોઈ પણને એનો પડઘો પાડવાનું મન થઈ જાય, અને લોકો એમ કરતા પણ ખરા. બહુ મોડેથી ખબર પડી કે તેમને એ રીતે શબ્દો ફેરવીને બોલવાની આદત હતી. '(તે)ટેને શું?'ને ફેરવીને તેઓ 'નેટે નુસ' બોલતા, તો 'ગુડ મોર્નિંગ'ને તે 'ડુગ નોમરિગ' કહેતા- દિવસના કોઈ પણ સમયે. ક્યારેક તે અચાનક અમારી રૂમમાં આવી ચડતા અને કોઈ પણના કાનની બૂટ પકડીને, તેને પંપાળતા અને કશો પણ સવાલ કરતા. એ સવાલનો મુદ્દો કોઈ પણ હોઈ શકે. જેમ કે, અત્યારના સમયમાં તેઓ પૂછી શકે, 'સફારી વિશે તમે શું જાણો છો?' અથવા તો 'સર્જિકલ એરસ્ટ્રાઈક વિશે પાંચ વાક્યો બોલો.' કલ્પના કરો કે એક માણસ તમારા કાનની બૂટને પંપાળે છે, સહેજ વિચિત્ર મુદ્રામાં ઊભો છે, અને અતિશય ગંભીરતાથી, સાવ નિર્દોષપણે આ સવાલ પૂછી રહ્યો છે! જો કે, એમનો આશય જવાબ મેળવવાનો જરાય નહીં. તેમની આ ગતિવિધિ એટલી રમૂજપ્રેરક હતી કે હસવું આવ્યા વિના રહે જ નહીં, અને એ પણ ખડખડાટથી ઓછું જરાય નહીં. આ ચેપ તેમની આસપાસમાં રહેતા સહુ કોઈને લાગતો. મને પણ લાગેલો. કોઈ પણ વિષય બાબતે, કોઈ પણ સ્થાને અચાનક ગંભીરતાથી પૂછી બેસવાનું, 'ફલાણાઢીંકણા વિશે તમે શું જાણો છો?' અથવા 'ફલાણાઢીંકણા વિશે પાંચ વાક્યો બોલો.' આની ધારી અસર થતી. ક્યારેક ગંભીર કે એકવિધ બનવા જઈ રહેલું વાતાવરણ સાવ હળવું બની જતું.

મોદીભાઈના ભાગે ટાઈપરાઈટર વાપરવાનું ભાગ્યે જ આવતું. પણ એકાદ બે વાર મેં તેમને ટાઈપ કરતા જોયા અને તેમની ઝડપ તેમજ શૈલી જોઈને હું દંગ રહી ગયેલો. એ વખતે ત્યાં હસમુખ પરમાર નામનો એક ખલાસી હતો, જે મોટે ભાગે સૌના માટે ચા-નાસ્તો લાવવાનું કામ કરતો. મોદીભાઈના શબ્દપ્રયોગો હસમુખ ભરપૂર ઊપયોગમાં લેતો- એના આગવા ઉચ્ચારો સાથે.

સદાય હસતા-હસાવતા મોદીભાઈને કોઈ કામ બદલ યા અન્ય કારણોસર ધમકાવે એ શક્ય નહોતું. એમનું એવું રૌદ્ર સ્વરૂપ એકાદ બે વાર મને જોવા મળેલું. મોદીભાઈને ખખડાવવાનો પ્રયત્ન કરનાર અમારા પ્લાન્ટના સર્વોચ્ચ અધિકારીનો ઊધડો મોદીભાઈએ જે રીતે લઈ નાખ્યો એ પાર્ટીશનની પેલે પાર સાંભળીને અમારા વિભાગમાં સોપો પડી ગયેલો, કેમ કે, સામાન્ય સંજોગોમાં એ અધિકારીને આ રીતે જવાબ આપવાની હિંમત કોઈ કરે એમ નહોતું.

શિવકુમાર સાથે મારી દોસ્તી વિકસી અને 1986-87માં તેનું લગ્ન થયું ત્યારે અહીંથી એક માત્ર હું જ મેટ્ટુર ગામે ગયેલો. શિવાના લગ્ન નિમિત્તે મેટ્ટુર-તિરુપતી-મદ્રાસનો મારો એ પ્રવાસ હજી આજેય મને યથાતથ યાદ છે, અને એની ઝીણીઝીણી વિગતો હજીય- શિવાનાં બન્ને સંંતાનોનાં લગ્ન થઈ ગયા પછી પણ સંદર્ભબિંદુ તરીકે હું વાપરું છું. એ પ્રવાસેથી આવ્યા પછી તેનું વૃતાંત મોદીભાઈને મેં કહી સંભળાવેલું. ભાષાને લીધે નડતી સમસ્યા, શિવાનાં સગાંનું કૂતુહલ, મારી જિજ્ઞાસા, લગ્નપ્રસંગે ઊભી થતી સામાન્ય ગૂંચવણ, એ બાબતનું મારું મૌલિક અર્થઘટન- આ બધાનું મિશ્રણ એવું હતું કે સરવાળે રમૂજ સર્જાતી. મોદીભાઈએ એ એટલા રસથી સાંભળેલું કે પછી તેઓ પણ આમાંથી કોઈક સંવાદ કે પ્રસંગની એકાદ લીટી કહેતા રહેતા, અને અમે નવેસરથી હસતા.
શિવકુમારની દીકરી વૈશાલીના લગ્ન નિમિત્તે જ મોદીભાઈ દંપતિને છેલ્લી વાર મળવાનું બનેલું. કોવિડના સમયગાળામાં વાતાવરણ સહેજ હળવું થયા પછી એ લેવાયેલું. સંખ્યાની મર્યાદા હોવાથી શિવાએ પ્રસંગો મુજબ નિમંત્રિતોને વિભાજીત કરી દીધેલા. મોદીભાઈ અને હું એક જ પ્રસંગમાં હોવાથી અમે સાથે જમ્યા. એ વખતે ફરી એક વાર અમે શિવાના લગ્નની અમુક વાતો યાદ કરી અને નવેસરથી હસ્યા.

તેઓ વયનિવૃત્ત થયા એ પહેલાં મેં ક્ષેત્રપરિવર્તન કરી લીધેલું, છતાં કદીક મળવાનું થઈ જતું. વચ્ચે એકાદ વાર તે બિમાર હોવાના અને પ્લાન્ટના કેટલાક મિત્રો તેમની ખબર જોવા ગયા હોવાના સમાચાર મળેલા. એ પછી સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા.

કદી ગંભીર, તંગ કે ઠાવકા મોડમાં એમને જોયા નથી. તેમને કશું દુ:ખ હોઈ શકે એ કલ્પનાતીત બાબત છે. મોદીભાઈ એવી જણસ છે કે ઊપર ગયા પછી ચોપડામાં તેમની વિગતો તપાસતા ચિત્રગુપ્તના કાનની બૂટ પકડીને એને પંપાળતાં પંપાળતાં પૂછશે, 'યમરાજા વિશે તમે શું જાણો છો?' પૃથ્વી પરથી આવનારા આ જીવની ગુસ્તાખી જોઈને અકળાયેલો ચિત્રગુપ્ત કશું કહેવા જાય ત્યાં મોદીભાઈ ફરી પૂછશે, 'સ્વર્ગ અને નર્ક વચ્ચેના તફાવત વિશે પાંચ વાક્યો બોલો.' ચિત્રગુપ્ત જોશથી ચોપડો બંધ કરશે અને કહેશે, 'મિસ્ટર મોદી! યુ આર ઈન.' અને મોદીભાઈ જોરથી કહેશે, 'નેટે નુસ?'