અમદાવાદના સ્ક્રેપયાર્ડ ધ-થિયેટર ખાતે 27 ઑક્ટોબર, 2023ના શુક્રવારની સાંજે સાડા સાતે કાર્યક્રમનું આયોજન હતું, જેનું નામ હતું 'કહત કાર્ટૂન'. કાર્યક્રમની વિગતમાં જણાવેલું 'એપિસોડ 1: બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી'. કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક હતો, ફ્ક્ત રજિસ્ટ્રેશન કરાવવાની ઔપચારિકતા હતી. 'સ્ક્રેપયાર્ડ'નાં નેહા શાહ દ્વારા જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન ફુલ થઈ ગયું છે, અને એ કારણે બંધ કરવું પડ્યું છે. આ જાણીને આનંદ થયો, અને સાથે પેટમાં ગલગલિયાં પણ. અહીં આવતા સજ્જ અને ઘડાયેલા શ્રોતાવર્ગ સમક્ષ કાર્ટૂનો દ્વારા આ સમયગાળાની ઘટનાઓ દર્શાવવાનો મારો આ પહેલો પ્રયોગ કેવોક રહેશે?
લગભગ પોણા આઠે કાર્યક્રમ શરૂ થયો. પંચોતેર-એંસી શ્રોતાઓ સામે હતા. સૌ પ્રથમ 'કહત કાર્ટૂન...' અંતર્ગત 'કાર્ટૂન એટલે શું?'ને બદલે 'કાર્ટૂન એટલે શું નહીં?'થી વાત શરૂ કરી. પાંચ-સાત મિનીટની પૂર્વભૂમિકા પછી મુખ્ય કાર્યક્રમની વિગતનો આરંભ થયો. 1857ના સૌ પ્રથમ સ્વાતંત્રસંગ્રામથી લઈને છેક 1947માં દેશને આઝાદી મળી ત્યાં સુધીના, 90 વર્ષના દીર્ઘ સમયગાળાની મુખ્ય ઘટનાઓને લગતાં ચૂંટેલાં કાર્ટૂન એક પછી એક દર્શાવાતાં ગયાં. સાથે જે તે ઘટનાનો ઐતિહાસિક સંદર્ભ, જેને કારણે કાર્ટૂનનો વ્યંગ્ય બરાબર માણી શકાય. વચ્ચે વચ્ચે ક્યાંક કશીક વિગત સવાલરૂપે પૂછીએ કે શ્રોતાવર્ગમાંથી બરાબર પ્રતિસાદ ઝીલાય. હસવાના અવાજ પણ સંભળાય. નાનીમોટી અનેક વાતો કાર્ટૂનની આસપાસ થઈ.
આશરે સવા કલાકના કાર્યક્રમ પછી સવાલજવાબ હતા. એમાં પણ શ્રોતાઓએ કાર્ટૂનકળાને લગતા વિવિધ સવાલ પૂછીને મજા કરાવી. રાતના સવા નવની આસપાસ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર થયો. એ પછી પણ ઊભા ઊભા વાતો ચાલી.
હવે નક્કી એવું થયું છે કે દર મહિનાના ચોથા શુક્રવારે કાર્ટૂનને કેન્દ્રમાં રાખીને એક કાર્યક્રમ કરવો. અલબત્ત, દરેક વખતે તેનું સ્વરૂપ અને વિષય જુદાં હશે, પણ કેન્દ્રમાં કાર્ટૂન જ હશે.
આ અગાઉ મેં મોટે ભાગે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' અને 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ કરેલા છે, પણ આ પ્રકારનો મારા માટે આ પહેલો કાર્યક્રમ હતો. છેક બાવીસ-પચીસની ઉંમરથી લાગેલા આ શોખના ચસકાને આટલા વરસે યોગ્ય દિશા મળી એમ લાગે છે અને જાણે કે એક આખું વર્તુળ પૂરું થયું હોવાનું અનુભવાય છે.
આવતા મહિને કયો કાર્યક્રમ હશે? હજી મેં વિચાર્યું નથી. ના, વિચાર્યું તો છે, પણ હજી ફાઈનલ કર્યું નથી. યોગ્ય સમયે એની પણ જાહેરાત કરીશું.
કબીર ઠાકોર અને નેહા શાહ તેમજ ભાઈ સાવનનો સહયોગ સમગ્ર કાર્યક્રમ પહેલાં, દરમિયાન અને પછી પણ રહ્યો.)
|
કાર્યક્રમના આરંભે નેહાબહેન દ્વારા સ્વાગત |
|
વાત સાંભળવામાં મગ્ન શ્રોતાઓ |
|
કાર્યક્રમનો આરંભ |
|
કાર્યક્રમ સમાપન પછી વાતચીત
|
|
કાર્યક્રમ કેવો રહ્યો? નેહાબહેન, સોનલ શાહ, અને શૃંગીબહેન |
(તસવીર સૌજન્ય: પારસ દવે)
No comments:
Post a Comment