Showing posts with label ભૂપેન ખખ્ખર. Show all posts
Showing posts with label ભૂપેન ખખ્ખર. Show all posts

Friday, January 30, 2026

ભાવનગરમાં ભૂપેન

ભૂપેન ખખ્ખરની જીવનકથાનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછીના દસ મહિનામાં યોજાયેલો છઠ્ઠો વાર્તાલાપ એટલે કલાભવન, ભાવનગર ખાતે 28 જાન્યુઆરી, 2026ના રોજ આયોજિત કાર્યક્રમ. આ છ પૈકીના ચાર કાર્યક્રમ ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ યોજાયા છે. (વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગર) અહીં શ્રી શૈલેષભાઈ ડાભી સાથે અમારો સંપર્ક સ્થપાયેલો. ભાવનગર પહોંચીને ગુજરાતી ભવન પર વાર્તાલાપ પછી અમે કલાભવન તરફ ઊપડ્યા. સાથે વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની પણ હતા. તેઓ અમને કલાભવન લઈ આવ્યા અને શૈલેષભાઈએ અમને ઊમળકાભેર આવકાર્યા. તેઓ વિદ્યાનગરની કોલેજમાંથી ફાઈન આર્ટ્સ ભણેલા છે. થોડી વાત આ અભ્યાસક્રમ વિશે થઈ અને પછી અમે કાર્યક્રમ યોજાયેલો એ હોલ તરફ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં પણ ઘણી વાતો થઈ. હોલ પર વડીલમિત્ર વિનોદભાઈ વ્યાસ આવી ગયેલા. તેમને મળીને ઘણો આનંદ થયો. ચા પીતાં પીતાં અમારા સમાન રસની- જૂના ફિલ્મસંગીતની વાતો ચાલી. થોડી વારમાં સૌ આવી પહોંચ્યાં. મહેન્દ્રસિંહ પરમાર પણ અહીં ઉપસ્થિત હતા. કાર્યક્રમ આરંભાયો.

(ડાબેથી) શ્રી ગાયજનસાહેબ, બીરેન કોઠારી
અને અમરીશભાઈ કોન્
ટ્રાક્ટર

વિશાળ ઈટાળિયાએ આરંભ કર્યા પછી મારે ભૂપેન ખખ્ખર વિશે, તેમજ પુસ્તકના લેખનની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. વાતો તો ઘણી હોય, પણ સમય અને શ્રોતાવર્ગને અનુરૂપ ચૂંટેલી વાત કરવી જરૂરી છે. ભૂપેનનાં ચિત્રો, તેમના જીવન, તેમનાં લખાણો, અમરીશભાઈ સાથેની મુલાકાત, પુસ્તકના આલેખનના તબક્કા એ બધા વિશે થોડી થોડી વાત કરી. આલેખનમાં નવ વરસ જેટલો લાંબો સમય કેમ લાગ્યો એ પણ જણાવ્યું. આ પુસ્તકમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ભાવનગરના જ ઉષાકાન્ત મહેતાને યાદ કર્યા.
મારી વાત પછી અમરીશભાઈએ બોલવાનું હતું. તેમણે આ પુસ્તક શા માટે લખાવડાવ્યું એની સંવેદનભીની વાત કરી અને જણાવ્યું કે પોતાના પિતા અને ભૂપેનકાકાની મૈત્રીના તર્પણરૂપે આ પુસ્તકનું આલેખન કરાવડાવ્યું છે.
સૌથી છેલ્લે એમ.બી.ગાયજનસાહેબે આભારવિધિ કરી અને આ ઉપક્રમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ પછી હળવામળવાનો દોર ચાલ્યો. નીકળતાં અમારી ઈચ્છા ઉષાકાન્તભાઈને ઘેર મળવા જવાની હતી. એટલે વિશાલ ઈટાળિયા, અક્ષર જાની અને ભાવેશ ચૌહાણ અમને ત્યાં લઈ ગયા. એક અરસામાં ઉષાકાન્તભાઈ સાથે ફોન પર વાતો થતી, પણ ઘણા સમયથી સંપર્ક રહ્યો નહોતો. તેમને ઘેર વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ પણ ન આવ્યો. ઉષાકાન્તભાઈ સાથે વાતો નીકળે એટલે એક વિષયની ગલીમાંથી બીજા વિષયની ગલીમાં ક્યારે પ્રવેશી જવાય એનો ખ્યાલ જ ન આવે. અમે નીકળ્યા ત્યારે તેઓ અમને બહાર સુધી મૂકવા આવ્યા તો ત્યાં ઊભા ઊભા પણ પંદરેક મિનીટ વાતો કરી.

ઉષાકાન્તભાઈ મહેતા સાથે એમના નિવાસસ્થાને

ઉષાકાન્તભાઈ સાથે (ડાબેથી) ભાવેશ ચૌહાણ,
વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની

એ પછી તેમની વિદાય લઈને અમે છૂટા પડ્યા. ભાવેશ, વિશાલ અને અક્ષરનો આભાર માનીને અમે વડોદરા પરત આવવા નીકળ્યા.
આખો દિવસ બહુ સરસ રીતે, સરસ વ્યક્તિઓ વચ્ચે, સરસ વાતો થકી પસાર થયો, જેની સ્મૃતિ ઘણા લાંબા સમય સુધી મનમાં તાજી રહેશે.
(તસવીર સૌજન્ય: વિશાલ ઈટાળિયા)

Wednesday, December 3, 2025

શ્રી ખખ્ખર પ્રસન્ન

વાત તો ઘણા વખતથી ચાલી રહી હતી, પણ અનુકૂળતા આજે ગોઠવાઈ. ભૂપેન ખખ્ખરનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછી તેના પ્રેરક અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને મિત્ર હીતેશભાઈ રાણા (સર્જન આર્ટ ગેલરી) વિવિધ સ્થળોએ તેના વાર્તાલાપ ગોઠવાય એવો સક્રિય પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને ફાઈન આર્ટ્સ કોલેજોમાં કે અન્ય કળાવર્તુળોમાં એ ગોઠવાય એવો પ્રયત્ન છે. અલબત્ત, સાહિત્યવર્તુળો શી રીતે બાકાત રાખી શકાય? કેમ કે, આખરે તો આ એક જીવનકથા છે. અમરીશભાઈ અને હીતેશભાઈના પ્રયત્નોથી આ પુસ્તકના વાર્તાલાપ સાર્વજનિક ફાઈન આર્ટ્સ કોલેજ (સુરત), ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ (વડોદરા), ગ્રંથગોષ્ઠિ (વડોદરા), બુક લવર્સ મીટ (ભરૂચ)માં યોજાઈ ચૂક્યા છે. આ જ શ્રેણીમાં અમદાવાદની શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં પણ એના પ્રયત્નો ચાલી રહ્યા હતા, જેના પરિણામરૂપે આજે સવારે અગિયાર વાગ્યે આ કાર્યક્રમ યોજાયો.

સવારના આઠેક વાગ્યે વડોદરાથી હિતેશભાઈ અને નેહાબહેન રાણા, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું નીકળ્યા અને સાડા દસ સુધીમાં સ્થળ પર પહોંચી ગયાં. ત્યાં ડીન શ્રી મનીષભાઈ મોદી અને ગાયત્રીબહેન ત્રિવેદીએ આવકાર્યા. હજી અમારો પરિચય થઈ રહ્યો હતો ત્યાં જ મુખ્ય અતિથિ અમીત અંબાલાલ પણ આવી પહોંચ્યા. ઔપચારિક આપલે પછી સૌ કાર્યક્રમસ્થળે પહોંચ્યા. અહીં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પહેલેથી હાજર હતા. આ ઊપરાંત અમદાવાદના કેટલાક મિત્રો પણ આવી પહોંચ્યા હતા. શરદભાઈ રાવલ, મિતેષ પરમાર, ભરતભાઈ ચોકસી જેવા પરિચીતોને મળીને, થોડી ગપસપ કરીને આનંદ થયો. એ પછી કાર્યક્રમ આરંભાયો.

સંચાલન ગાયત્રીબહેન ત્રિવેદીએ સંભાળેલું. સૌના સ્વાગત પછી તેમણે પ્રસ્તાવના બાંધીને મને વક્તવ્ય માટે નિમંત્ર્યો. વીસ-પચીસ મિનીટમાં મેં મુખ્યત્વે પુસ્તકની લેખનપ્રક્રિયા વિશે વાત કરી. એ પછી અમીત અંબાલાલે ભૂપેન સાથેનાં પોતાનાં સંસ્મરણો તાજાં કરીને તેમની રમૂજી શૈલીના કેટલાક કિસ્સા જણાવ્યા. તેમના પછી હીતેશભાઈ રાણાએ ભૂપેનના અંતિમ વરસોમાં પોતે શી રીતે તેમની સાથે જોડાયા એની સંવેદનશીલ વાત કરી. સૌથી આખરમાં અમરીશભાઈએ પોતાના પિતાજી વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તી વિશે જણાવીને આ પુસ્તક તૈયાર કરાવવા પાછળનો પોતાનો હેતુ જણાવ્યો. આમ, પુસ્તકનાં વિવિધ પાસાંની વાત થઈ. છેલ્લે કેમ્પસ ડાયરેક્ટર વૈશાલીબહેન શાહે પ્રતિભાવ આપ્યો. મનીષભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ થોડા સવાલ પણ પૂછ્યા. એ ઉપક્રમ હંમેશાં આવકાર્ય હોય છે.

અમે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે આવા કાર્યક્રમ માટે જવાનું થાય ત્યારે ભૂપેનનાં ચિત્રોની છબિઓ લેતા જઈએ છીએ અને જે તે સ્થળે તેને પ્રદર્શિત કરીએ છીએ, જેથી તેમના કામનો સૌને કંઈક પરિચય થાય.

આમ, લગભગ સવાથી દોઢ કલાકના નિર્ધારીત આયોજનમાં આ કાર્યક્રમ આટોપાયો. કાર્યક્રમ પછી હળવામળવાનો ક્રમ ચાલે એ મઝાનો હોય છે.

એ પછી અમે તરત જ વડોદરા પાછા આવવા નીકળી ગયા.

આમ, ભૂપેનના પુસ્તકપ્રકાશન કાર્યક્રમને બાદ કરીએ તો આ નવ મહિનામાં યોજાયેલો આ પાંચમો વાર્તાલાપ હતો, જે માટેના નિષ્ઠાપૂર્વકના અને નિસ્બતપૂર્વકના પ્રયત્નો હીતેશભાઈ અને અમરીશભાઈના સતત રહ્યા.
હજી વિવિધ સ્થળોએ આ પુસ્તકનો વાર્તાલાપ યોજવાનું આયોજન છે જ. કદાચ ભાવનગર, રાજકોટ કે એવાં અન્ય કેન્દ્રોમાં. જોઈએ એ શી રીતે થાય છે!


ચા-નાસ્તા અગાઉ સ્ટુડિયોમાં


કાર્યક્રમ અગાઉ ચા-નાસ્તા સાથે
અનૌપચારિક વાતચીત


ગાયત્રીબહેન ત્રિવેદી દ્વારા ઉદબોધન


કાર્યક્રમની તૈયારીરૂપે કોલેજ દ્વારા
બનાવાયેલું ભૂપેનનું પોર્ટ્રેટ

ઉપસ્થિત વિદ્યાર્થીઓ

(તસવીર સૌજન્ય: મિતેષ પરમાર, ભરત ચોકસી)

Sunday, November 23, 2025

ભૂપેન ખખ્ખરનાં સ્મરણોની વહેંચણી

22 નવેમ્બર, 2025ને શનિવારની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ. ખાતે બુક લવર્સ મીટની 261મી કડી અંતર્ગત ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તકનો વાર્તાલાપ યોજાઈ ગયો. મઝાની વાત એ હતી કે આ પુસ્તકનું સાવ આરંભકાળે બીજ બાર- તેર વરસ અગાઉ ભરૂચના આ જ કાર્યક્રમમાં રોપાયેલું. મારા કોલેજકાળના મિત્ર દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રો.રાવજીભાઈ પટેલ 'મોટા' વિશેનું મારું પુસ્તક 'ક્રાંતિકારી વિચારક' અમરીશભાઈ કોન્ટ્રાક્ટર પાસે પહોંચ્યું. એ વાંચ્યા પછી તેમને થયું કે ભૂપેન ખખ્ખર વિશે આવું પુસ્તક થવું જોઈએ.

એ પછીના લાંબા ઘટનાક્રમ પછી આખરે આ વર્ષના માર્ચમાં એ પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક વિશે કળાક્ષેત્રના તેમજ અન્ય વાચનરસિક લોકો પણ પરિચીત થાય એ હેતુથી તેના વિશેના વિવિધ વાર્તાલાપનું આયોજન થતું રહ્યું છે. વડોદરા અને સુરતની ફાઈન આર્ટ્સ કોલેજમાં તેમજ વડોદરાની 'ગ્રંથગોષ્ઠિ' પછી ભરૂચની બુક લવર્સ મીટમાં પણ એ થયું. આ ગોષ્ઠિના સંયોજક અંકુર બેન્કરે મુદ્દાસર કાર્યક્રમની ઔપચારિકતાઓને પૂરી કરીને સીધા વક્તવ્ય માટે આમંત્રણ આપ્યું. મીનલબહેન દવે, ઋષિભાઈ દવે, જે.કે.શાહ, દેવાંગ ઠાકોર આ કાર્યક્રમને સતત સંવારતા રહ્યા છે. એ સૌની હાજરી બહુ ઉત્સાહજનક બની રહી. તો ભરૂચના એમિટી પરિવારના શ્રીમતિ અને શ્રી રણછોડભાઈ શાહ, શ્રીમતિ અને શ્રી પ્રકાશભાઈ મહેતા પણ પધાર્યા. બકુલભાઈ પટેલ, શિલ્પકાર મિત્ર રોહિત પટેલ, નરેન સોનાર તેમજ રમણિકભાઈ અગ્રાવતને મળવાની તક મળી. એમ શૈલેષભાઈ પુરોહિત, કાજલબેન પુરોહિત સાથે પરિચય થયો. કામિની તેમજ મિત્રદંપતિ દેવેન્દ્રસિંહ ગોહિલ અને કાનન ગોહિલ સાથે અમરીશભાઈ તો ખરા જ. પણ આ બધાં નામ મેં એ હેતુથી નથી લખ્યાં કે અમે એકમેકને 'ઓબ્લાઈજ' કરીએ.
અસલમાં ભરૂચ સાથેનો મારો પરિચય કશો નહોતો. કોલેજના અભ્યાસ પછી મિત્ર દેવેન્દ્રસિંહે જી.એન.એફ.સી. ખાતે નોકરી લીધી અને એ ત્યાં રહેવા ગયો. એ પછી વરસો સુધી મારા માટે ભરૂચની એક માત્ર ઓળખ એટલે એનું ઘર બની રહેલી. કદી વિચાર્યું નહોતું કે ભરૂચમાં આટલા બધા પરિચય કેળવાશે. એટલે કાલે લગભગ પૂરેપૂરા ભરાયેલા હોલમાં જાણે કે સૌ પરિચીતો જ હોય એમ લાગતું હતું. ભૂપેનના જીવન, પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કર્યા પછી અમરીશભાઈએ પોતાના તરફથી પણ ટૂંકમાં વાત મૂકી આપી.
કાર્યક્રમ પછી સૌને હળવામળવાનું પણ આકર્ષણ હોય છે. છેલ્લે મીનલબહેન, વિનોદભાઈ, ઋષિભાઈ સાથે ભોજન પછી વડોદરા આવવા નીકળ્યા.
કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો, જે આ લીન્ક પર સાંભળી શકાશે.

દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો આરંભ
(પોડિયમ પર અંકુર બેન્
કર, નીચે બીરેન કોઠારી, દેવાંગ ઠાકોર,
અમરીશ કોન્
ટ્રાક્ટર, મીનલબહેન દવે) 

વક્તાનું સ્વાગત : (ડાબેથી) મીનલબહેન દવે, બીરેન કોઠારી,
દેવાંગ ઠાકોર, ઋષિ દવે

ભૂપેન વિશેની વિવિધ વાતો

અમરીશભાઈ દ્વારા બે મિત્રોની મૈત્રી વિશેની લાગણીસભર વાત

(તસવીર સૌજન્ય: અંકુર બેન્કર)-

Thursday, September 25, 2025

પુસ્તક'જન્મ'ની ઉજવણી: પહેલાં ઘરમાં અને પછી મોસાળમાં

ભૂપેન ખખ્ખરની જીવનકથાના પુસ્તકનું વિમોચન આમ તો માર્ચ, 2025માં વડોદરા ખાતે યોજાઈ ગયું હતું. એ પછી તેના વિશે વાર્તાલાપનો કાર્યક્રમ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ ખાતે થયો. આ ઉપક્રમમાં મદદરૂપ થનાર 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાનું સૂચન એવું કે શક્ય એટલી ફાઈન આર્ટ્સ કોલેજોમાં આ પુસ્તક વિશે વાર્તાલાપ રાખીએ. સૂચનનો અમલ કરતાં તેમણે સુરતની 'સાર્વજનિક કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ'માં એના આયોજન વિશે વાત કરી. ત્યાં રાજર્ષિ સ્માર્તે જરૂરી ફોલોઅપ કર્યું અને એ મુજબ કાર્યક્રમની તારીખ 23 સપ્ટેમ્બર, 2025 ને મંગળવારના રોજ નક્કી થઈ. કોઈ આયોજનબદ્ધ રીતે નહીં, પણ પછીના દિવસોમાં એવો યોગાનુયોગ ગોઠવાયો કે આ જ દિવસ આ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહના કાર્યકાળનો આખરી દિવસ હતો. વધુમાં આ સંસ્થાના વિનિમય કાર્યક્રમ મુજબ રોમાનિયાથી આવેલા બે સંશોધકો અહીં એકાદ વરસ માટે રોકાવાના હતા અને એ એમનો પહેલો દિવસ હતો. આથી પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે 'બુક ટૉક'ના કાર્યક્રમને 'બુક લૉન્ચ'માં તબદીલ કરી દીધો. કોઈ બાળકનો જન્મદિન તેના પોતાના ઘેર ઊજવાય, અને એ પછી મોસાળમાં પણ તેની ઉજવણી થાય એના જેવું!

આમાં પાછું થયું એવું કે આ આયોજન પાછળ રહેલા હીતેશ રાણા જોડાઈ શકે નહીં એવા એમના સંજોગો ઊભા થયા. એ રીતે અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું સવારના સાડા સાથે સુરત જવા રવાના થયા. અમરીશભાઈ કોન્ટ્રાક્ટર ભૂપેન ખખ્ખરના પુસ્તકના પ્રેરક છે, અને એમના પિતાજી વલ્લવભાઈ શાહ તેમજ ભૂપેન ખખ્ખરની દોસ્તીના તર્પણરૂપે તેમના મનમાં આ પુસ્તકનો વિચાર આવેલો.
સવારના પોણા અગિયારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે રાજર્ષિ(રાજા) સ્માર્ત અમને આવકારવા ઊભા જ હતા. હોલમાં સૌ વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. અમે પણ ફ્રેશ થઈને તરત જ હોલમાં ગયા. હોલ તરફ જતાં મિત્ર નીકી ક્રિસ્ટી આવેલા, એ પણ મળ્યા. હિન્દી ફિલ્મોના વાદ્યસંગીતમાં અઠંગ રસ ધરાવતા, અને એવા અનેક વાદકો સાથે સંબંધ ધરાવતા નીકીભાઈ આ સંસ્થાના સંચાલક મંડળમાં પણ છે. ધીમે ધીમે સૌ મંચ પર ગોઠવાયા. વડીલમિત્ર અને આ કાર્યક્રમના મુખ્ય વક્તા બકુલભાઈ ટેલર પણ આવી પહોંચ્યા.
બાજુમાં એક સ્ક્રીન પર ભૂપેનનાં ચિત્રો અને તસવીરો રજૂ થતાં રહે એવી વ્યવસ્થા ગોઠવાયેલી. પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે બહુ રસપ્રદ રીતે, અનાયાસે ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી. તેઓ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા એ સમયગાળામાં એક સિનીયર આર્કિટેક્ચરે તેમને સ્થાપત્યનો અભ્યાસ કરવા માટે ભૂપેન ખખ્ખરના બંગલે જવાનું સૂચવેલું. કારણ એ કે 'આપણે ક્લાયન્ટ માટે મકાન ડિઝાઈન કરતા નથી, પણ ક્લાયન્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરી આપીએ છીએ'. આ શી રીતે થાય એ જોવા માટે ભૂપેનના બંગલાની મુલાકાત લેવાની હતી. કશી ઓળખાણપિછાણ વિના પર્સીભાઈ ત્યાં ગયા અને એ પછી ભૂપેન સાથેની તેમની મૈત્રી આરંભાઈ. સમયના વહેણમાં તેઓ અલગ દિશામાં ફંટાયા, પણ આ સંભારણું અકબંધ રહેલું. એ પછી આટલા વરસે આમ ભૂપેનની જીવનકથાના પુસ્તક પરના વાર્તાલાપ વિશે પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે બહુ ઉમળકાથી એનું આયોજન કર્યું, એટલું જ નહીં, વાર્તાલાપને વિમોચનમાં તબદીલ કરી દીધો.
પ્રાચાર્ય પર્સી એન્જિનિયર દ્વારા પૂર્વભૂમિકા

રાજર્ષિ સ્માર્તનું સંચાલન બે વક્તાઓ વચ્ચે સેતુરૂપ હતું. પર્સીભાઈએ પૂર્વભૂમિકા બાંધ્યા પછી મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. આપેલી સમયમર્યાદામાં કહી શકાય એ રીતે મેં એ કરી, અને જીવનચરિત્રના આલેખનની સફરનું વર્ણન કર્યું. હીતેશભાઈ રાણાના પ્રદાનને પણ યાદ કર્યું. એ પછી ભરતભાઈ શાહનું ઉદ્બોધન હતું. તેમણે સૌ કોઈ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને જીવનમાં બને એટલા ઊપયોગી થવાની સૌને અપીલ કરી.

રાજર્ષિ સ્માર્ત દ્વારા અભિવાદન

પુસ્તક વિમોચનની યાદગીરી

બકુલભાઈ ટેલર ભૂપેનના ખાસ મિત્ર રહી ચૂકેલા. આથી ભૂપેન વિશે કઈ વાત કરવી અને કઈ ન કરવી એની મીઠી મૂંઝવણ હતી. તેમણે ભૂપેનની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરી. સાથે એ પણ જણાવ્યું કે ભૂપેનને ગુજરાતીમાં લખવું બહુ ગમતું, એમ પોતાને વિશે ગુજરાતીમાં લખાય એ પણ. (એવી ફરિયાદ પણ ખરી કે કોઈ એમના વિશે ખાસ લખતું નથી) તેમણે કહ્યું કે ભૂપેન હોત તો પોતાના જીવન પર ગુજરાતીમાં લખાયેલું આ પુસ્તક જોઈને રાજી થાત.

બકુલભાઈ ટેલરે રજૂ કરેલાં સંસ્મરણો
પોતાના પિતાજી અને ભૂપેનની દોસ્તી વિશે
વાત કરી રહેલા અમરીશભાઈ કોન્
ટ્રાક્ટર

છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાના પિતાજીની અને ભૂપેનની દોસ્તીની હૃદયસ્પર્શી વાત કરી. આ પુસ્તક બન્ને દોસ્તોની મૈત્રીના તર્પણરૂપે તૈયાર કરાયું હોવાની તેમની વાત સૌને સ્પર્શી ગઈ.
આભારવિધિ પછી કાર્યક્રમ ઔપચારિક રીતે પૂર્ણ થયો. પણ અનૌપચારિક વાતચીતનો દોર એ પછી લંબાયો. પર્સીભાઈની ઓફિસમાં સૌ બેઠા અને ગપસપ ચાલી. રોમાનિયન મહેમાનો પુસ્તક જોતા હતા, અને તેમાં મૂકાયેલાં ભૂપેનનાં ચિત્રો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. પોતે ગૂગલ લેન્સથી ટ્રાન્સલેટ કરીને એ પુસ્તક વાંચશે એમ તેમણે જણાવ્યું. દરમિયાન 'ટાઈમ્સ' સાથે સંકળાયેલો મિત્ર વિશાલ પાટડીયા પણ આવ્યો. આ ઊપરાંત ભૂપેન સાથે સંકળાયેલા કલાકાર કૌશિક ગજ્જર સાથે હતા. સૌ સાથે ભોજન લીધું, જેમાં સંસ્થાના બીજા સહયોગીઓ પણ હતા. ભોજન દરમિયાન પણ અનેકવિધ વિષયો પર વાતો ચાલુ રહી. તેને કારણે ભૂખ ઊઘડી અને સરખું જમાયું પણ ખરું.
બપોરના અઢી આસપાસ અમે વડોદરા પાછા આવવા રવાના થયા ત્યારે એક સરસ સ્નેહમિલનની સૌરભ મનમાં પ્રસરેલી હતી. ભાઈ રાજર્ષિ સ્માર્ત આ આખા કાર્યક્રમમાં સેતુરૂપ બની રહ્યા અને તેમની સાથે એ નિમિત્તે પરિચય થયો એનો આનંદ.
(તસવીરસૌજન્ય: તેજસભાઈ પટેલ)

Friday, August 8, 2025

વર્તુળ વિસ્તરીને પૂરું થાય ત્યારે...

1991ના ઉત્તરાર્ધનો કોઈ એક દિવસ. સમય: બપોરના દોઢ-બે આસપાસ. સ્થળ: ઓડિટોરીયમ, ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ. 'આર્ટ હિસ્ટરી'નો પિરીયડ અરુણા રાઠોડ મેડમ લઈ રહ્યાં હતાં. તેઓ ભણાવવાનું અટકાવીને એવા વિદ્યાર્થીઓનાં નામ બોલવા લાગ્યાં, જેમની હાજરી અપૂરતી હતી અને એ કારણે આ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી શકે એમ હતી. કેમ કે, એ સમયે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓએ એકે એક વિષયના અધ્યાપક પાસે ફોર્મમાં સહી કરાવવી પડતી. આ યાદીમાં મારું પણ નામ હતું. મેં એ પછી મારા સહાધ્યાયી મિત્ર દ્વારા ફોર્મ મોકલાવ્યું હતું, કેમ કે, ચાલુ નોકરી અને એ પણ શિફ્ટની હોવાને કારણે મને ફાવે એમ નહોતું. સવારની કોલેજ અને પછી લેક્ચર- આ બધાની સાથોસાથ શિફ્ટની નોકરી. હું બહુ લાંબું ન ખેંચી શક્યો. અને એક વર્ષ પૂરું કરી, બીજું વર્ષ અધૂરું મૂકીને મેં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સને અલવિદા કરી. એનો રંજ તો ઘણો હતો, પણ એથી વધુ હતો અપરાધભાવ, જે મારા મનમાં ભરવામાં આવેલો. આ કારણે એ પછી ભાગ્યે જ કોલેજ તરફ જવાનું મન થતું. જો કે, મારા સહાધ્યાયીઓનાં પ્રદર્શન યોજાય ત્યારે તેઓ મને યાદ કરતાં, જાણ કરતાં અને હું જતો પણ ખરો. ધીમે ધીમે એ પણ ઘટ્યું. એ પછી 2007માં મેં નોકરી છોડી અને પૂર્ણ સમયનો લેખક બન્યો.

પછીનાં વરસોમાં વિશ્વામિત્રીમાં ઘણો કાદવ બદલાયો, નવા મગરો આવતા ગયા. 'સાર્થક પ્રકાશન' શરૂ થયું અને 'સાર્થક જલસો' પણ.
એક વાર ઉર્વીશ સાથે વાત નીકળતાં મેં ફાઈન આર્ટ્સના મારા કેટલાક અનુભવોની વાત કરી. એણે મને એ લખવા કહ્યું, અને એ લેખ 'સાર્થક જલસો'ના એક અંકમાં પ્રકાશિત થયો. જ્યોતિ ભટ્ટ સર અને જ્યોત્સ્ના મેડમે એ લેખ વાંચીને ખુશી વ્યક્ત કરી ત્યારે મને બહુ આનંદ થયેલો. પેલો આરોપાયેલો અપરાધભાવ તો ક્યારનો નીકળી ગયેલો. પણ જ્યોતિ સર અને જ્યોત્સ્ના મેડમના પ્રતિભાવથી જાણે કે એક આખું વર્તુળ પૂરું થયું હોય એવું લાગેલું.

કાર્યક્રમની વિગત

આ વર્તુળ પૂરા થવાની ફિતરત મારા - અમારા (ઉર્વીશ સહિત) જીવન સાથે જોડાયેલી હોય એમ લાગે છે. એક કારણ એ કે એ સહજપણે બને છે, અને ઘટના બને પછી વર્તુળ પૂરું થયાનું લાગે છે. એ માટેના કોઈ પ્રયત્નો સભાનપણે હોતા નથી. આથી વર્તુળનો પરિઘ પણ વિસ્તરતો રહે છે. મને પૂરા થયેલા લાગતા વર્તુળનો એ પરીઘ હજી વિસ્તર્યો હોવાનું આજે અનુભવાયું.
8 ઓગસ્ટ, 2003ના રોજ વડોદરાના ખ્યાતનામ ચિત્રકાર ભૂપેન ખખ્ખરે વિદાય લીધેલી. એ પછી માર્ચ, 2025માં મેં લખેલી તેમની જીવનકથાનું વિમોચન વડોદરા ખાતે યોજાયું હતું. આ કામ મને સોંપનાર હતા અમરીશભાઈ કોન્ટ્રાક્ટર. પુસ્તકના વિમોચન દરમિયાન અને એ પછી સતત 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશભાઈ રાણા પડખે રહ્યા છે.

પુસ્તકની પ્રક્રિયા વિશે

શ્રોતાઓ

હીતેશભાઈના જ પ્રયત્નોથી આ પુસ્તક વિશેનો વાર્તાલાપ ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ ખાતે યોજાયો. પ્રવર્તમાન ડીન અમ્બિકા મેડમ સાથે મુલાકાત કરી અને તેમણે ભૂપેનની પુણ્યતિથિએ જ આ કાર્યક્રમ યોજવા માટે બહુ ઉત્સાહ દેખાડ્યો. પહેલાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી અને એ પછી ડીન રહી ચૂકેલા દીપક કન્નલ સરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી. આમ, આજે 8 ઓગષ્ટ, 2025, એટલે કે ભૂપેનની 23મી પુણ્યતિથિએ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના ઓડિટોરીયમમાં સવારના 11 વાગ્યાથી આ કાર્યક્રમ યોજાઈ ગયો. હીતેશભાઈએ પોતાની પાસે રહેલી ભૂપેનનાં ચિત્રોની પ્રિન્ટ ડિસ્પ્લે કરી, જેથી વિદ્યાર્થીઓ એમના કામથી વાકેફ થઈ શકે. અમે સહેજ વહેલા પહોંચેલા. ઓડિટોરીયમ આખું ખાલી હતું. વિદ્યાર્થીઓ માટેની ખુરશીમાં જઈને ગોઠવાતાં જ પાંત્રીસ વરસ પહેલાંનો એ સમય યાદ આવ્યો કે જ્યારે આ જ ઓડિટોરીયમમાં આર્ટ હીસ્ટ્રીના વર્ગમાં બેઠો હતો અને અરુણા મેડમ બીજા અનેક વિદ્યાર્થીઓ ભેગું મારું નામ બોલ્યાં હતાં. આજે પણ એ જ સ્થાનેથી મારું નામ બોલાવાનું હતું. એક હળવો રોમાંચ મનોમન થઈ આવ્યો. જોતજોતાંમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોથી આખું ઓડિટોરીયમ ભરાઈ ગયું અને સમયસર કાર્યક્રમ આરંભાઈ ગયો.

પુસ્તક વિશે વાત કરીએ રહેલા દીપક કન્નલ સર

'મૈત્રીનું તર્પણ એટલે આ પુસ્તક': અમરીશભાઈ

સ્વાગત પછી તરત જ મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. એ શરૂ કરતાં પહેલાં મેં 35 વર્ષ પહેલાંનું મારું અનુસંધાન સધાયું હોવાનું જણાવ્યું. પ્રક્રિયા વિશે વિગતવાર જણાવ્યા પછી દીપક કન્નલ સર પુસ્તક વિશે બોલવાના હતા. તેમણે આ પુસ્તકને જોઈને પડેલી પહેલી છાપ અને વાંચતા ગયા એમ પોતાને થતી ગયેલી અનુભૂતિની વાત બહુ સરસ રીતે મૂકી. પોતાના આખાબોલાપણા માટે જાણીતા દીપક સરે પુસ્તકનાં સૌંદર્યબિંદુઓ વર્ણવ્યાં એ સાંભળીને મજા આવી ગઈ. તેમણે એમ પણ કહ્યું કે પુસ્તકનો ચોથો ખંડ (ચિત્રોનો આસ્વાદ) ફાઈન આર્ટ્સવાળા માટે ખાસ કામનો નથી. પણ (ફેકલ્ટીમાં) ગુજરાતી વાંચી શકતા હોય એવા તમામ લોકોએ આ પુસ્તક વાંચવું જોઈએ એવી ભલામણ તેમણે કરી.
એ પછી 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાએ ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી અને સલમાન રશ્દીનું પોર્ટ્રેટ બનાવવા ભૂપેનને લંડન નોંતરેલા એ કિસ્સો રમૂજી ઢબે વર્ણવ્યો. સૌથી છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાની વાત કરી. પોતાના પિતાજી અને ભૂપેનકાકા વચ્ચેની દોસ્તીનું તર્પણ એટલે આ પુસ્તક એમ તેમણે બહુ લાગણીસભર રીતે, પણ ભારપૂર્વક જણાવ્યું.
નિયત સમયાવધિમાં કાર્યક્રમ પૂરો થયા પછી પુસ્તક ખરીદવામાં પણ વિદ્યાર્થીઓએ ઘણો રસ દેખાડ્યો. એ પછી બહાર ચા-નાસ્તાનું આયોજન કરતાં કરતાં પણ વિવિધ લોકો મળતા રહ્યા.
આમ, ભૂપેન ખખ્ખરની 23મી પુણ્યતિથિએ આયોજિત આ કાર્યક્રમમાં તેમને યથોચિત અંજલિ આપી શકાઈ, સાથોસાથ મારા માટે પણ પેલું વર્તુળ વધુ વિસ્તરેલા સ્વરૂપે પૂરું થયું હોવાનું અનુભવાયું.
આ કાર્યક્રમ આ લીન્‍ક પર ક્લિક કરીને સાંભળી શકાશે. 

(પરિવારજનો કામિની, ઈશાન અને દીકરી શચિ તો ખરાં જ, દોહિત્ર સાર્થ પણ 'નાનાની બુકટોક'માં ઉપસ્થિત રહ્યો- ભલે તેણે ઓડિટોરીયમની બહાર ફરતા 'કેટરપીલર' ગણ્યા કર્યા- એનો બહુ આનંદ)
(તસવીરો: ઈશાન કોઠારી)

Wednesday, June 18, 2025

પહેલું પ્રકરણ

 ચિત્રકાર ભૂપેન ખખ્ખરની જીવનકથાનો આરંભ ક્યાંથી કરવો? એટલે કે એમાં વિષયપ્રવેશ શી રીતે કરાવવો? આ વિષે વિચારવામાં ખાસ મહેનત ન પડી. ભૂપેનની જીવનકથા લખું છું એટલે એમને બહુ મોટા ચિત્રકાર ગણાવવા એ બાબત વધુ પડતી જણાય. યોગ્ય ન લાગે. એમનાં ચિત્રોની કિંમત કરોડોમાં છે એ બાયોડેટા બહુ તુચ્છ જણાય. આથી કળાવિષયક ગ્રંથોમાં એમના ઉલ્લેખ તપાસવાના શરૂ કર્યા. 'સરદાર પટેલ યુનિવર્સિટી'ની 'જ્ઞાનવિજ્ઞાન શ્રેણી'નો ગ્રંથ 'દૃશ્યકળા' સૌથી પહેલો જોયો. તેમાં ચિત્રકળાનો ઈતિહાસ ક્રમબદ્ધ રીતે આલેખાયેલો હતો. વૈશ્વિક અને પછી ભારતીય ચિત્રકળાની તેમાં વાત હતી. આધુનિક ભારતીય ચિત્રકળા વિષે પણ તેમાં લખાયું હતું, જેમાં ભૂપેન ખખ્ખર વિશે બેએક ફકરા જેટલું લખાણ હતું. 'એનસાયક્લોપિડીયા' જેવા ગ્રંથમાં, જ્યાં સમગ્ર ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ સળંગસૂત્રે લખાયો હોય એમાં બે ફકરા ભૂપેન વિશે ફાળવવામાં આવ્યા હોય એ જ એમનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું કહી શકાય.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આથી પહેલા પ્રકરણમાં ભારતીય ચિત્રકળાના ઉદભવથી માંડીને છેક આધુનિક ચિત્રકળા સુધીની વાત, વિવિધ શૈલીઓ, એનાં ચિત્રો, કલાકારોનો ઉલ્લેખ કરીને છેલ્લે આધુનિક ચિત્રકળાની વાત અને એમાં ભૂપેન વિશે લખાયેલા પેલા બે ફકરા સાથે એ પ્રકરણનો અંત આવે એ નક્કી કર્યું. ભૂપેનની જીવનકથામાં પ્રવેશ કરવા માટે આ પૂર્વસફર બહુ જરૂરી લાગી.
પહેલું પ્રકરણ મનમાં તૈયાર થઈ ગયેલું. એક વાર સામગ્રી મળી એ પછી એને લખતાં પણ બહુ વાર ન લાગી. આમ, પહેલું પગલું ભરાયું, પણ એ પછી પુસ્તકના સમાપન સુધી પહોંચતાં ઘણો લાંબો સમય વીત્યો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Tuesday, June 17, 2025

આ ચિત્રો વાહિયાત છે

દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ત્રિવાર્ષિકીમાં વિવિધ ભારતીય ચિત્રકારોનાં ચિત્રો પ્રદર્શિત થયાં હતાં. એમાં ભૂપેનનાં ચિત્રો પણ હતાં. આ પ્રદર્શનની મુલાકાતે અંગ્રેજ ચિત્રકાર હોવર્ડ હોજ્કિન આવેલા. ગીતા કપૂરના તે પરિચિત હતા. હોવર્ડને અસલ આધુનિક ભારતીય શૈલીનાં ચિત્રો જોવા મળશે એવી ઉમેદ હતી. પ્રદર્શન દરમિયાન ગીતા કપૂરે તેમને ચિત્રો વિશેનો અભિપ્રાય પૂછ્યો. હોવર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આ ચિત્રો ભયંકર છે. આમ કહેવા બદલ દિલગીર છું, પણ આ ચિત્રો વાહિયાત છે.” આટલું કહીને ઉમેર્યું, “સિવાય કે આ ત્રણ.” આમ કહીને તેમણે ત્રણ ચિત્રો ચીંધ્યાં અને કહ્યું, “જુઓ, આને ચિત્ર કહેવાય’. આ સાંભળીને ગીતા કપૂરે કહ્યું, “બહુ રસપ્રદ કહેવાય. એ ચીતરનારો કલાકાર તમારી બાજુમાં જ ઊભેલો છે’. હોવર્ડનો એ ભૂપેનનાં ચિત્રો અને ભૂપેન સાથેનો પહેલો પરિચય. ચિત્રોના આટલા મોટા મેળાવડામાં કથનાત્મક શૈલીનાં આ ત્રણ ચિત્રો જ તેમને મૌલિક જણાયાં હતાં. તેમને લાગ્યું કે એ એક આગવી ઓળખ અને શૈલી ધરાવે છે. ભૂપેન સાથે અહીંથી શરૂ થયેલો પરિચય બહુ ઝડપથી આજીવન મૈત્રીમાં રૂપાંતરિત થયો.

હોવર્ડ હોજ્કિન અને ભૂપેન ખખ્ખર

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Monday, June 16, 2025

મૂંઝવણ અને ઊકેલ

ચિત્રકાર તરીકે ભૂપેન ખખ્ખરની જીવનકથા લખવાની થાય ત્યારે એ સવાલ આવીને ઊભો રહે કે તેમના સજાતીય વલણ અંગે લખવું કે કેમ? અને લખવું તો કેટલું લખવું? શી રીતે લખવું? પોતાના જે વલણ બાબતે ખુદ ભૂપેને શબ્દો ચોર્યા વિના લખ્યું હોય એને એક ચરિત્રકાર તરીકે હું ન લખું તો એ વિચિત્ર કહેવાય. એવું ચોખલિયાપણું ખુદ ભૂપેનને જ નુકસાન કરે. ભલે ને તે લાભ કે નુકસાનના પ્રદેશની પેલે પાર નીકળી ગયા હોય! આથી એ નક્કી હતું કે આ બાબત છુપાવવી નહીં, વીંટાળીને લખવી નહીંં, બલકે શક્ય એટલી ખુલ્લાશથી, અપરસમાં સરી પડ્યા વિના આલેખવી.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

ભૂપેનના મિત્ર અને મુંબઈના નાટ્યકાર નૌશિલ મહેતાએ એક મુદ્દે ભૂપેનને પૂછેલું, 'લોકો તમને શી રીતે યાદ રાખે તો ગમે? એવા ચિત્રકાર તરીકે કે જે સજાતીય સંબંધ ધરાવતો હતો? કે એવી સજાતીય વ્યક્તિ તરીકે કે જે ચિત્રકાર હતી?' આમ તો આ સંવાદ થયેલો નૌશિલભાઈ અને ભૂપેન વચ્ચે, પણ મને એમાં મારો માર્ગ દેખાયો.
મારે ભૂપેનની જીવનકથાનું આલેખન તો એક ચિત્રકાર તરીકે કરવાનું હતું. એમાં વ્યક્તિ તરીકેની વાત આવે, પણ પૃષ્ઠભૂમિમાં, અને એય એ વિષયે દોરેલાં તેમનાં ચિત્રોને સમજવા માટે. બીજી વાત એ કે ભૂપેનની બિનહયાતિમાં એ વિશે કોણ અધિકૃત રીતે કહી શકે? શું કામ કહે? કેટલું કહે? એટલે મેં મુખ્ય આધાર ભૂપેનનાં પોતાનાં લખાણોનો લીધો, અને કેટલોક આધાર (ગુલામમોહમ્મદ) શેખસાહેબનાં લખાણનો, જે એમની ખૂબ નજીક હતા. આ બાબતને આલેખતું અલાયદું પ્રકરણ 'ગુપ્ત વલણની ઘોષણા' લખ્યું. એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી હતું કે એમાં મારા કોઈ અંગત ગમા-અણગમાનો અંશ માત્ર ઝળકવો ન જોઈએ. એ શક્ય એટલું હેતુલક્ષિતાથી આલેખાયેલું હોવું જોઈએ.
એ પ્રકરણ કેવું લખાયું એ વાંચનારે નક્કી કરવાનું છે, પણ એ લખવા પાછળનો મારો અભિગમ આ હતો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Saturday, June 14, 2025

એ લેખ ત્યાર પછી લખી શકાયો

ભૂપેન ખખ્ખર વિશે પુસ્તક લખાવવાનો વિચાર આવ્યો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરને. એ શી રીતે આવ્યો એની વિગત પુસ્તકમાં હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કરતો. પણ તેમણે મને પોતાની પાસે હતી એ તમામ સામગ્રી મને સોંપી. એ ઢગલાબંધ વસ્તુઓ જોઈને હું રાજી થયો. ઘેર લાવીને પહેલું કામ એ ઢગલાના વિભાજનનું કર્યું. અખબારનાં કટિંગ, પ્રદર્શનનાં નિમંત્રણપત્રો, કેટલોગ, ભૂપેને દોરેલાં ચિત્રોનાં કાર્ડ, ભૂપેન વિશેના લેખો વગેરે...અખબારનાં કટિંગમાં પણ મેં પેટાવિભાજન કર્યું. ભૂપેનની મુલાકાતો, ભૂપેન વિશે લખાયેલા લેખો, એમની વાર્તાના અનુવાદ, ભૂપેન વિશેના કોઈ સમાચાર...એવું બધું.

આ પત્ર ભૂપેન વિદેશ ગયા ત્યારે
 ત્યાંથી વલ્લવભાઈને ભારતમાં લખેલો.

આમાં એક જથ્થો હતો પત્રોનો. મોટે ભાગે ભૂપેને વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા પત્રો, જેમાંના મોટા ભાગના એરમેલ લેટર હતા. વલ્લવભાઈ એક સમયગાળા દરમિયાન અમેરિકા ગયેલા ત્યારે ભૂપેને અહીંથી લખેલા. કેટલાક ભૂપેને પણ વિદેશથી વલ્લવભાઈને લખેલા. વલ્લવભાઈએ પણ ભૂપેનને પત્રો લખ્યા હશે, પણ એ ભૂપેન પાસે હોય. અમરીશભાઈએ સૂચન કરેલું કે આની પરથી તમે 'જલસો'માં લેખ લખી શકશો. મને પણ થયું કે વાત બરાબર છે. આવા દસ બાર પત્રો હતા. એ જોઈને હું રોમાંચિત થઈ ગયો. મેં એ વાંચવાના શરૂ કર્યા. એકે એક પત્રનો અક્ષરે અક્ષર વાંચ્યા પછી હું નિરાશ થઈ ગયો. બહુ સામાન્ય પત્રો. તદ્દન સામાજિક. 'હું અહીં કુશળ છું, ત્યાં સૌ કુશળ હશો; અને 'બધાને યાદ' પ્રકારના. આ બધું મને સોંપાયેલું 2016માં. એટલે મને એમ કે હું એ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રકાશિત થનારા 'જલસો'માં એના વિશે લેખ લખી શકીશ. લેખ લખી શકું એવી કોઈ ભૂમિકા જ નહોતી બનતી. જો કે, મને એ સમજાયું હતું કે એ લેખ ન લખી શકવાનું મૂળ કારણ એ હતું કે મારે હજી આ સંબંધમાં ઊંંડા ઊતરવાનું બાકી હતું.

ભૂપેન ખખ્ખરે વલ્લવભાઈ પર લખેલા
અનેક પૈકીનો એક પત્ર (આ પત્ર વલ્લવભાઈ
અમેરિકા ગયા ત્યારે ભૂપેને ભારતથી લખેલો)

ધીમે ધીમે અન્ય સામગ્રી મળતી ગઈ. અમરીશભાઈ વચ્ચે વચ્ચે હળવેકથી મને પત્રો આધારિત લેખ વિશે યાદ કરાવતા, પણ હું કહેતો, 'એ લેખ યોગ્ય સમયે લખીશ. હજી એ મનમાં પાકી રહ્યો છે.' દરમિયાન 2020માં જાણીતા સમાજશાસ્ત્રી અને ભૂપેનના મિત્ર સુધીરચન્દ્ર (ગીતાંજલિશ્રીના પતિ)નું હિન્દીમાં લખાયેલું પુસ્તક 'भूपेन खख्खर: एक अंतरंग संस्मरण' પ્રકાશિત થયું. એ અગાઉ તેમની સાથે એક વાર ફોનથી વાત થયેલી અને તેમણે જણાવેલું કે પોતે આ લખી રહ્યા છે. પુસ્તક મેં મંગાવી લીધું. એ પુસ્તકમાં ભૂપેનના વ્યક્તિત્વનું અદ્ભુત આલેખન હતું. નવાઈ ત્યારે લાગી કે પોતાના પુસ્તકમાં તેમણે વલ્લવભાઈ સાથેની ભૂપેનની દોસ્તીનો ઉલ્લેખ કરતાં એ સંબંધ કેવો ગાઢ હતો એ જણાવવા લખેલું કે વલ્લવભાઈનો દીકરો અમરીશ ગાંઠના ખર્ચે ભૂપેન પર ગુજરાતીમાં પુસ્તક લખાવી રહ્યો છે. (એ પાનની છબિ મૂકી છે)


સુધીર ચંદ્રના પુસ્તકમાં ઉલ્લેખ

આ પુસ્તક વાંચ્યા પછી મને વલ્લવભાઈ અને ભૂપેન વચ્ચેનું સમીકરણ બરાબર સમજાયું. હવે પેલા પત્રો મેં જુદા પ્રકાશમાં જોયા. અને એના પર લેખ લખવાનો ધક્કો અંદરથી જ ઊભો થયો. પરિણામસ્વરૂપ એ લેખ 'સાર્થક જલસો'ના પંદરમા અંક (ઓક્ટોબર, 2021)માં પ્રકાશિત થયો. આ વિષય પરનો, આવા સંબંધ પરનો આ મારો પહેલો જ લેખ હતો. મારી ઈચ્છા, બલકે આગ્રહ કે એ લેખ હું લખું અને પછી અમરીશભાઈ પણ એ વાંચે. કશી ક્ષતિ હોય તો સૂચવે. ઊંડે ઊંડે એમ પણ ખરું કે કશો વાંધો તેમને લેવો હોય તો વેળાસર લઈ લે. મેં અમરીશભાઈને એ લેખ મોકલ્યો. તેમણે આખો લેખ વાંચ્યો. એકાદ જગ્યાએ નાનકડો હકીકતદોષ સુધાર્યો અને લેખ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી.
'સાર્થક જલસો' ના પંદરમા અંકમાં પ્રકાશિત લેખ

આ જ લેખ પછી પુસ્તકની જરૂરિયાત મુજબ ફેરફાર કરીને એમાં પ્રકરણ તરીકે લેવાયો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Friday, June 13, 2025

'સ્ક્રેચ'થી શરૂ કર્યા પછી...

કોઈ પણ જીવનકથાનો આરંભ સાવ 'સ્ક્રેચ'થી કરવો પડે, ભલે ને વ્યક્તિ ગમે એટલી જાણીતી કેમ ન હોય! જાણીતી વ્યક્તિની જીવનકથા લખવામાં જોખમ એટલું કે મોટા ભાગના લોકો તેમની જાણીતી હોય એવી વાતો જ કરે. આપણને સોંપાયેલા કામ તરીકે જીવનકથા લખતા હોઈએ ત્યારે એમાં આવું ન ચાલે. એટલે આરંભ એકડે એકથી, અને અમુક કિસ્સામાં તો શૂન્ય કે એની આગળ ઋણ સંખ્યાથી પણ કરવાનો થાય. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું કામ મને અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સોંપાયા પછી જે 'સ્ક્રેચ'થી મારે આરંભ કરવાનો હતો એ કયો એ સમજાતું નહોતું. એટલે કે ભૂપેનના જન્મ, તેમના બાળપણ અને કિશોરાવસ્થા તેમજ યુવાવસ્થાની વાતો કોની પાસેથી મળે? એક તો ભૂપેનના અવસાનને જ ત્યારે તેર જેટલાં વર્ષ વીતી ગયેલાં. તેમનાં કુટુંબીજનોમાં એક તેમનાં મોટાં ભાભી લેખાબહેન હયાત હતાં. એ સિવાય ગુલામમોહમ્મદ શેખસાહેબ જેવા મિત્રો ભૂપેનના યુવાકાળના, અને બીજા તો એ પછીના. એક સુનિલ કોઠારી એવા હતા કે જેઓ ભૂપેનના શાળા તેમજ કોલેજકાળ વિશે જણાવી શકે. તેઓ દિલ્હી હતા અને વડોદરા આવવાનું તેમને બનતું હતું એટલે અમે ત્યાં સુધી એમની રાહ જોવાનું નક્કી કર્યું.

વડોદરામાં શેખસાહેબને સૌ પ્રથમ મળવું પડે. અમે એમને ત્યાં ગયા. તેમની વ્યસ્તતા સમજાય એવી હતી, આથી ખાસ કશી વાત કરવાને બદલે તેમણે ભૂપેન વિશે પોતે લખેલો લેખ 'ભેરુ'નો ઉપયોગ કરવાની પરવાનગી અમને આપી. એ જ દિવસે નીલિમાબહેન શેખ સાથે થોડી વાત થઈ અને તેમણે ભૂપેન સાથેનાં પોતાનાં કેટલાક સંભારણાં કહ્યાં.
દરમિયાન અમરીશભાઈ એવાં મકાનોની જાણકારી લઈ આવ્યા કે ભૂપેન પોતાના બંગલામાં રહેવા જતાં પહેલાં રહી ચૂક્યા હોય. નિઝામપુરામાં રહેતા ઠાકોરભાઈ અને અતુલભાઈ શાહને અમે એ રીતે મળ્યા. ભૂપેન રહેતા ત્યારે આ બન્ને ભાઈઓની વય બાર-પંદરની હશે. એટલે તેમને એ યાદ હતા ખરા, પણ બીજી વિશેષ જાણકારી મળી શકી નહીં.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આ જ રીતે અમે રાધાસ્વામીના સત્સંગમાં ઉપસ્થિત રહ્યા અને કેટલાક સત્સંગીઓને મળ્યા. લેખાબહેન સાથે આ ગાળામાં મુલાકાત થતી રહેતી, પણ તેમની પાસે અમુકથી વધુ વિગતો હોય એમ જણાતું નહોતું. આ દરમિયાન રાણા બંધુઓ- હીતેશ રાણા અને કમલ રાણાને મળવાનું બન્યું. ભૂપેનના અંતિમ દિવસોમાં બન્ને ભાઈઓ સાથે રહેલા. તેમણે ઘણી વાતો તો કરી, સાથોસાથ પુસ્તક માટે અન્ય કોઈ પણ (ગુજરાતી અનુવાદ: આર્થિક) મદદની જરૂર હોય તો અને ત્યારે એ કરવાની તૈયારી બતાવી.
વલ્લવભાઈનાં બહેન જયાલક્ષ્મીબહેનને અમે વડોદરામાં મળ્યા. તેમણે 'ચંગુમંગુની જોડી'ને ભાવપૂર્વક યાદ કરી અને જણાવ્યું કે ભૂપેન તેમને પોતાની બહેન ગણતા હતા.
એ પછી એક વાર અમે અમદાવાદના ચિત્રકાર અમીત અંબાલાલને મળવા તેમને ઘેર ઊપડ્યા. અમીતભાઈ તો ખરા જ, તેમનાં પત્ની રક્ષાબહેને પણ ભૂપેન વિશે અઢળક વાતો કરી. ત્રણ સાડા ત્રણ કલાક તેમની સાથે અમે બેઠાં. આ દંપતિની સરળતા અમને સ્પર્શી ગઈ.
આમ છતાંં, આ બધી વાતો પછીના સમયગાળાની હતી. જે 'સ્ક્રેચ'થી આરંભ કરવાનો હતો એ હજી પડતો નહોતો. ભૂપેનના મિત્રો, પરિચિતોને તેમના વિશે એટલું બધું કહેવાનું હતું કે એમ લાગે કે આ વ્યક્તિત્વને આપણે જીવનકથાની બાથમાં કેમનું લેવું?
ક્યારેક એમ થતું કે અમે ઊપરાછાપરી અનેક લોકોને મળતા, તો ક્યારેક એમાં લાંબો ઝોલ પડતો.
આમ છતાં, એક વાત નક્કી હતી કે ભલે વિલંબ થાય તો એમ, પણ પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Thursday, April 17, 2025

આ છોકરો આ બધી છોકરીઓને મળે ત્યારે શું શું થઈ શકે?

નૌશિલ મહેતાએ એના વિશે લખ્યું છે તે એમના જ શબ્દોમાં : “એ સવા૨ અન્ય સવારોથી ખાસ જુદી નહોતી. ભૂપેન એમના વાતાવરણ સાથે ઇમ્પ્રોવાઇઝ કરી રહ્યા હતા, ખેલ રચી રહ્યા હતા. ‘સ્વદેશાગમન’ મથાળાવાળી ‘કન્યા જોઈએ છે’ વિભાગમાં ટચૂકડી જાહેરખબર જડી. એમાં લગ્નોત્સુક યુવકનાં ગુણગાન ગાયેલાં અને હુકમના એક્કા સમી જાહેરાત કરેલી : ટૂંક સમય માટે આવે છે અને ગ્રીન કાર્ડ ધરાવે છે. કન્યાના વાલીઓને આગ્રહ હતો કે કન્યાનો ફોટો અને વિગતો (ફોટો returnable) બનતી ત્વરાએ અમુકતમુક પોસ્ટ ઓફિસ બોક્સના સ૨નામે મોકલવાં.

“આ જોઈને ભૂપેનને એ વિચાર ન આવ્યો કે લોકો જીવનના આટલા મહત્ત્વના નિર્ણયો આટલી ઉતાવળે કેવી રીતે લેતા હશે? એણે મધુને પૂછ્યું, ‘આ છોકરો આ બધી છોકરીઓને મળે ત્યારે શું શું થઈ શકે?’
“એ જાણવા ભૂપેન અને મધુએ આદર્યું ઇમ્પ્રોવાઇઝેશન. પહેલાં ભૂપેન બન્યા લગ્નોત્સુક યુવક અને મધુ બન્યા (એક પછી એક) કન્યા. બન્ને ખૂબ હસ્યા. પછી ભૂમિકાઓની અદલાબદલી કરી. હવે પ્રશ્નોત્તરી અશ્લીલ પ્રદેશમાં પ્રવેશી, હાસ્ય ખડખડાટ થયું.

આના સર્જનના મૂળમાં રહેલા મધુ રાય (ડાબેથી બીજા)
અને ભૂપેન ખખ્ખર (છેક જમણે), બન્નેની વચ્ચે ઉમાશંકર જોશી
અને છેક ડાબે રોહિત શાહ
(તસવીર સૌજન્ય: 
https://www.umashankarjoshi.in/)
“એ સવાર પછી અઠવાડિયાંઓ સુધી, બન્નેની ગમે ત્યાં, ગમે ત્યારે મુલાકાત થાય, ત્યારે આસપાસના કોઈને ચેતવ્યા વિના, એ લગ્નોત્સુક યુવક અને કન્યાનાં પાત્રોમાં સરી પડતા અને ‘અંગત પ્રશ્નોત્તરીઓ’ જાહેરમાં કરતા. બે-એક વર્ષ પછી મધુ રાય શિકાગો સ્થાયી થયા અને ત્યાંથી એમણે ‘કિમ્બલ રેવન્સવુડ' નામની ધારાવાહિક નવલકથા મૂળ જાહેરાત છાપનારા અખબારમાં છપાવી. નવલકથાનો નાયક, લગ્નોત્સુક યોગેશ પટેલ, શિકાગોથી ભારત આવે છે કન્યા પસંદ કરવા. એનું સપનું છે કે નિર્ણય લેતાં પહેલાં દરેક રાશિની કન્યા સાથે મુલાકાત ક૨વી. 1980માં નવલકથા પુસ્તક સ્વરૂપે છપાઈ, 1982માં કેતન મહેતાએ પુસ્તક પર આધારિત ટી.વી. સીરિયલ બનાવી. 1996માં મેં એ પુસ્તક પર આધારિત અંગ્રેજી નાટક બનાવ્યું.”

'કિમ્બલ રેવન્સવૂડ'નું મુખપૃષ્ઠ
મધુ રાય લિખિત એ નવલકથા હતી ‘કિમ્બલ રેવન્સવુડ’. કેતન મહેતાએ તેની પરથી બનાવેલી ટી.વી. ધારાવાહિકનું નામ ‘મિસ્ટર યોગી’. નૌશિલ મહેતાએ એની પરથી રચેલું નાટક ‘મનગમતી કન્યાની શોધમાં’ અને આશુતોષ ગોવારીકરે આ જ કથા પરથી બનાવેલી ફિલ્મ હતી ‘વોટ્સ યોર રાશિ?’
'વૉટ્સ યોર રાશિ?'નું પોસ્ટર

'મિ. યોગી' ટી.વી.ધારાવાહિક

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)