Showing posts with label Pen portrait. Show all posts
Showing posts with label Pen portrait. Show all posts

Sunday, August 31, 2025

પ્રેમનું પાવરહાઉસ, આતિથ્યભાવનાનું એવરેસ્ટ

- બીરેન કોઠારી

આજે રેખાકાકીનો જન્મદિવસ છે. ઉર્વીશને અને મને નજીકથી જાણતા અમારા મોટા ભાગના મિત્રો એટલું જાણતા હોય કે મુંબઈ જઈએ ત્યારે અમારો ઊતારો એમને ત્યાં હોય છે. એમાંનું કોઈક ક્યારેક અમારી સાથે કે અમને મળવા મુંબઈમાં એમને ઘેર એકાદ વાર પણ આવ્યું હોય તો એ કદી રેખાકાકીને ભૂલી ન શકે. (ઉદાહરણ તરીકે અભિષેક, બિનીત મોદી, અજય પરીખ વગેરે) આમ થવાનું કારણ રેખાકાકીનું હૂંફાળું અને પ્રેમસભર આતિથ્ય.
પણ પહેલાં એમની સગપણે ઓળખાણ. થોડા દિવસ અગાઉ મારી પિતરાઈ પૌલાનો પરિચય લખેલો. (એ પરિચય અહીં વાંચી શકાશે.)
રેખાકાકી એટલે પૌલાનાં મમ્મી. એ જ રીતે મારા પપ્પાના મસિઆઈ ભાઈ શૈલેષકાકાનાં પત્ની. પોતાના પિતાજી ડાહ્યાભાઈ પરીખની બે‍ન્કની નોકરીને કારણે આણંદ, નડિયાદ, અમદાવાદ જેવાં નગરોમાં વસવાટ અને એ પછી લગ્નને કારણે મુંબઈ વસ્યા પછી રેખાકાકીમાં મુંબઈનો અસલી મિજાજ જોવા મળે.
પૌલાના પરિચયમાં જણાવેલું એમ, અગાઉ અમે જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે મારા સગા કાકા સુરેન્‍દ્ર કોઠારીને ત્યાં ઊતારો રહેતો. અહીંથી એકાદ સાંજનો અમારો કાર્યક્રમ 'માસીને ત્યાં' (મારા પપ્પાના માસી સરલાબહેન એટલે કે અતિમાસી) જવાનો રહેતો. એવે સમયે પણ રેખાકાકી અમારી જે મહેમાનગતિ કરતાં એ જોઈને નવાઈ લાગતી. પહોંચીએ એટલે કોઈક ગરમ નાસ્તો, સાથે ચા, એ પછી ભોજનમાં પણ ઘણું બધું અને છેલ્લે આઈસક્રીમ. અમે મહેમદાવાદથી આવ્યા હોઈએ એટલે અમારા હાથમાં 'કવર' પણ મૂકી દેતાં. અલબત્ત, અમારી આવી મુલાકાત એક જ વારની રહેતી.
એ પછી એક વાર અમારાં સગા કાકી પુષ્પાકાકીને કોઈક સર્જરી કરાવી. તેમની સંભાળ લેવા કેટલાંક સગાંએ એમની સાથે રોકાવું જ પડે એમ હતું. અને અમારી પહેલવહેલી 'મુંબઈયાત્રા' અમે એ જ અરસામાં ગોઠવેલી. અગાઉ અમે મુંબઈ આવતા, પણ ઉર્વીશ અને મેં આ મુલાકાત જુદા જ કારણસર ગોઠવેલી. પુષ્પાકાકી રહેતાં એ ઘર નાનું, થોડાં સગાં આવેલાં, અને એમાં અમે બન્ને જણનો ઉમેરો થાય તો રહેવાની ઘણી તકલીફ પડે એ સ્વાભાવિક છે. એવે સમયે પૌલાએ આગ્રહપૂર્વક કહેવડાવ્યું કે અમે મુંબઈની મુલાકાત રદ ન કરીએ અને એમને ત્યાં અમારો ઊતારો રાખીએ. પૌલા સાથે એટલા સમયમાં અમારે મિત્રતા થયેલી એટલે અમે એ માન્ય રાખ્યું.
નક્કી કર્યા મુજબ, અમે પહેલાં સાન્તાક્રુઝ પહોંચ્યા. ત્યાં બધાંને મળીને પછી શૈલેષકાકા- રેખાકાકીને ત્યાં પહોંચ્યા. એમના ફ્લેટની રચના એવી છે કે રેખાકાકી રસોડામાં હોય તો બહારથી આવનાર એમની નજરે પડે. એ બારીમાંથી જ કાકીનો આવકાર આપતો અવાજ સંભળાયો, 'આવો આવો ભાઈ. આવી ગયા?' ત્યારથી લઈને આજ સુધી કાકીના આવકારના રણકામાં કશો ફેર પડ્યો નથી.
ખેર, અમે અંદર પ્રવેશ્યા. પણ અંદરનું દૃશ્ય જોઈને ઓર મૂંઝાયા. ફ્લેટના વિશાળ ખંડમાં કેટલા બધા લોકો હતા! રેખાકાકીનાં મમ્મીપપ્પા ડાહ્યાભાઈ અને આનંદીબહેન, એમનાં બહેન દક્ષાબહેન અને દીકરી નિયતિ, ભત્રીજો સૌરીન, મુંબઈ રહેતાં કાકીનાં બહેન રીટાબહેન, એમની દીકરીઓ ઋજુતા અને શીતલ. આ ઊપરાંત મારા પપ્પાના પિતરાઈ (મામાનો દીકરો) નરેન્દ્રકાકા અને એમનો દીકરો આશિષ. આ સૌ અહીં વેકેશન ગાળવા આવેલા. એક ક્ષણ અમને થયું કે અરે! આટલા બધામાં અમારા બેનો ઊમેરો? અમે નરેન્દ્રકાકા અને આશિષ સિવાય બાકીનાં સૌને પહેલી વાર જ મળી રહ્યા હતા. પણ રેખાકાકી જેમનું નામ! એમણે અમને એટલા પ્રેમ અને હૂંફથી આવકાર્યા, સૌ સાથે પરિચય કરાવ્યો અને જણાવ્યું કે અત્યારે સૌથી પહેલાં આપણે બહાર જમવા જવાનું છે.
અમે જૂની ફિલ્મોના કલાકારોને મળવાનો મક્સદ લઈને ગયેલા. મુંબઈ રહેતા સગાંને ત્યાં આ હેતુથી ઘણા લોકો આવતા હોવાથી એની નવાઈ ન હોય. પણ કાકીએ રસપૂર્વક પૂછ્યું, 'કોને કોને મળવાના છો?' અમારા માટે આમ ગંભીર, પણ અન્યને કદાચ બાલીશતા લાગે એવો અમારો હેતુ હતો, પણ કાકીએ એને આવું મહત્ત્વ આપ્યું એ જોઈને આનંદ થયો.
આટલા બધા સગાં આવેલાં હોવા છતાં રેખાકાકી જે ઉત્સાહ અને ઉમંગથી આતિથ્ય કરતાં એ આશ્ચર્ય પમાડતું. અધૂરામાં પૂરું બીજાં કેટલાંક સ્નેહી કે મિત્રોને પણ એમણે પોતાને ત્યાં નિમંત્રેલા અને નાનકડું 'ગેધરિંગ' યોજેલું. અમારા માટે અજાણ્યા એવા મોટા ભાગના લોકો હોવા છતાં અમને એકલું ન લાગે કે અમે એકલા ન પડી જઈએ એનું ધ્યાન કાકા, કાકી અને પૌલા- સૌ રાખતાં. હજી અમારી કશી સ્વતંત્ર ઓળખ ઊભી થઈ નહોતી. આજે વિચારતાં લાગે કે એ કેવડી મોટી વાત હતી કે ગામથી આવેલા, સગપણમાં દૂરના ભત્રીજાઓને આટલા પ્રેમ અને વિવેકથી સૌની સાથે પરિચીત કરવા! જૂની ફિલ્મોના એક અભિનેતા સુશીલકુમાર શૈલેષકાકાના ક્લાયન્ટ હતા. (શૈલેષકાકા અને એમના પિતાજી કાંતિલાલમાસા બન્ને સોલિસીટર હતા.) અમે એમની સાથે નિરાંતે વાતચીત કરી શકીએ એ માટે રેખાકાકીના આગ્રહથી શૈલેષકાકાએ એમને પોતાને ઘેર જ નિમંત્રેલા. એ દૃશ્ય પણ મઝાનું હતું. એક ફિલ્મ કલાકાર આવેલા એટલે પહેલાં સૌ કુતૂહલથી એમની આસપાસ ગોઠવાઈ ગયાં. ધીમે ધીમે વાતો શરૂ થઈ, અને એમાં અમે ઊંડા ઊતરતા ગયા એમ 'બિછડે સભી બારી બારી' થતું ગયું. એમ ને એમ રાતના બાર થયા. હવે અમારી વાતોનો પણ છેડો આવ્યો હોય એમ લાગતું હતું, પણ સુશીલકુમાર કદાચ વરસો પછી પોતાની કારકિર્દી વિશે કોઈકને કહી રહ્યા હતા એટલે બરાબર રંગમાં આવી ગયેલા. છેવટે રેખાકાકીએ એમને જ સૂઝે એવી તરકીબ કરી. અંદરના રૂમમાંથી સૌરીન આવ્યો અને શૈલેષકાકાના કાનમાં કશુંક કહી ગયો. સુશીલકુમારે વાત કરતાં સહેજ 'પૉઝ' લીધો કે કાકા કહે, 'રેખાએ કહેવડાવ્યું છે કે રાતે તમે અહીં જ રોકાઈ જજો. અત્યારે પાછા સાન્તાક્રુઝ ન જતા.' ત્યારે સુશીલકુમારે ઘડિયાળ જોઈ અને તેમને સમયનું ભાન થયું. તેમણે સૌજન્યપૂર્વક જવાની રજા માગી, જે આપવા અમે પણ રાજી હતા.
આઠ-દસ દિવસનું અમારું એ રોકાણ બહુ યાદગાર બની રહ્યું. ખાસ તો, એ દરમિયાન જોયેલી- અનુભવેલી કેટલીય બાબતો અમે જીવનમાં અપનાવી શક્યા.
મારા સગા કાકા પછી મુંબઈ છોડીને મહેમદાવાદ આવી ગયા એટલે હવે શૈલેષકાકાનું ઘર અમારું મુંબઈ ખાતેનું રોકાણ બન્યું. શૈલેષકાકાએ વિદાય લીધા પછી પણ રેખાકાકીની બદૌલત એ સિલસિલો ચાલુ રહ્યો છે.
એમની સક્રિયતા ગજબની. એમને સૌથી વધુ શોખ જમવા-જમાડવાનો. એમને ઘેર જઈએ એટલે તેઓ અમારી સામે જે વિકલ્પ મૂકે એનાથી અમે ચકિત થઈ જઈએ અને કહીએ કે એવી કશી જરૂર નથી. પણ કાકી અવનવી વાનગીઓ બનાવે, અને ગરમાગરમ જમાડે. એનો પણ એક રમૂજી કિસ્સો છે. એક વાર મારા પરિવાર સાથે હું મુંબઈ ગયેલો. કાકાને ત્યાં જ ઊતારો. મારાં સંતાનો નાનાં હતાં. સવારે રેખાકાકીએ ઈશાનને નાસ્તાના વિકલ્પો પૂછ્યા. ઈશાને ભોળા ભાવે પૂછ્યું, 'પણ કાકી, ચા મળશે ને?' જે નિર્દોષતાથી એણે પૂછેલું એ જોઈને સૌ હસી પડ્યાં. એ પછી આ મજાક અમારું કાયમી સંદર્ભબિંદુ બની ગઈ. આજે પણ કાકીનો ફોન આવે તો પૂછે, 'ચાવાળો ભાઈ શું કરે છે?"
રેખાકાકી અને શૈલેષકાકાની પ્રકૃતિ આમ વિપરીત. કાકીને વાતો કરવા જોઈએ, જ્યારે કાકા એકદમ મિતભાષી. કાકા મજાકમાં કહેતા, 'હું (સોલિસીટર હોવાથી) બોલવાના પૈસા લઉં છું.' પણ બન્નેને સ્નેહમિલન ખૂબ ગમે. પોતાને ઘેર અવારનવાર યોજે. એમાં ઘણી વાર એમ બને કે બધા કાકાને પત્તાં રમવા કે હાઉસી રમવા જેવી સામૂહિક પ્રવૃત્તિમાં જોડાવાનો આગ્રહ કરે. પણ કાકાને એ ન ગમે. મિત્રવર્તુળ દ્વારા બહુ આગ્રહ થાય ત્યારે કાકાનો જવાબ: 'હું તમને કદી 'રિડર્સ ડાયજેસ્ટ' વાંચવાનો આગ્રહ કરું છું?' કાકાએ એક વાર અમને 'રિડર્સ ડાયજેસ્ટ'નું વાર્ષિક લવાજમ ભેટમાં આપેલું. (એ પછી પૌલાએ અમેરિકામાં અમારા માટે 'મૅડ'નું વાર્ષિક લવાજમ ભરેલું.)

રેખાકાકી અને શૈલેષકાકા

કાકી સામાજિક રીતે બહુ સક્રિય. વિવિધ મંડળો સાથે જોડાયેલાં. એમનાં અનેક સંપર્કો. કાર્યક્રમનું આયોજન હોય કે સંચાલન, કાકી એમાં ઊલટભેર જોડાય. વખત અગાઉ ઈન્‍ગ્લેન્‍ડથી આવેલા મારાં કાકા-કાકી હોય કે મારી દીકરી શચિનું લગ્ન હોય, આવેલાં સૌને મનોરંજક રીતે જોડાયેલા રાખવાનું આયોજન અમે કાકી સાથે કરીએ અને એ 'હીટ' જ હોય. કાકી પોતે સારો અવાજ ધરાવે છે. એ અને પૌલા ઘણા કાર્યક્રમોમાં ગાવા પણ જાય. આથી શચિના લગ્નમાં એક વાર અમે એવું આયોજન વિચારેલું કે 'ઈચકદાના બીચકદાના' ગીતની શૈલીએ, એ તરજમાં મારા મિત્રો અને કેટલાંક સગાંઓની ખાસિયતને લગતાં જોડકણાં કાકી અને પૌલા પાસે ગવડાવવાં. એ દરેક પછી કાકી પૂછે, 'બોલો કોણ?' અને ટોળું જવાબ આપે. અહાહા! એમાં જે મજા આવી છે! અમારા સૌની બરાબર ખિંચાઈ કરતાં જોડકણાં અમે સાથે બેસીને લખ્યાં, 'ઈચકદાના' ગીતના મીટરમાં બેસાડ્યા અને કાકી-પૌલાની જોડીએ ગાયાં. એમાં મારાં મમ્મીની વાત પણ હોય. ઈશાનનો ચાવાળો કિસ્સો હોય, મારી અમુક રમૂજનો ઉલ્લેખ હોય. છેલ્લે અમે પણ એમની ખિંચાઈ કરતું જોડકણું લલકાર્યું.
આમ, રેખાકાકીની હાજરી હોય એટલે વાતાવરણ જીવંત બની જાય. એક તો એમનો પોતાનો મોટો અવાજ, ખુલીને હસવાની આદત, અને સૌ સાથે હળીમળી જવાનું વલણ- આ બધું ભેગું થાય એટલે પૂછવું જ શું!

મહેમદાવાદની એક મુલાકાત દરમિયાન ગપ્પાંગોષ્ઠિ
(ડાબેથી) સોનલ, રેખાકાકી, મમ્મી, કામિની અને બીરેન
 (ઉર્વીશ કેમેરાની પાછળ)

આજે પણ મહિનેદહાડે એમનો ફોન આવે- કશા એજન્ડા વિના આવે, અને ફોન પર પણ અમે લાંબી વાત કરીએ. ઘણુંબધું અને ઘણા બધાને યાદ કરીએ, હસીએ, અને મજા કરીએ.
કોવિડના સમયગાળામાં જ્યારે સૌ નજરકેદ થઈ ગયાં હતાં ત્યારે પણ કાકીએ પોતાનો રસોઈપ્રેમ જીવંત રાખીને દોહિતરાંને રોજેરોજ અવનવી વાનગીઓ બનાવીને ખવડાવેલી અને મજા કરાવેલી.
ઉર્વીશ કે હું મુંબઈ જઈએ ત્યારે બીજે ગમે ત્યાં ઊતરીએ, એક રાત એમને ત્યાં ગાળવાની જ. મુંબઈના યજમાનની જેમ કાકી અમારો કાર્યક્રમ પૂછી લે, અને પછી કંઈક ને કંઈક આયોજન કરે. કાં ઘેર જમવાનું ગોઠવે, જેમાં પૌલા- કપિલભાઈ, (કપિલભાઈનાં માતા) સરલાબહેન, સાહિલ, પૂજા હોય. (શૈલેષકાકાનાં બહેન) ઊષાફોઈ હતાં ત્યારે ઉષાફોઈ- અનિલફુઆને નોંતરે. પ્રેમથી ભોજન બનાવે અને એટલા જ પ્રેમથી જમાડે. ભોજન એટલે સંપૂર્ણ ભોજન. છેલ્લે આઈસ્ક્રીમથી સમાપન થાય ત્યાં સુધીનું.
પણ ખરી મજા રાત્રિબેઠકની. સામાન્ય રીતે વહેલાં સૂવા ટેવાયેલાં રેખાકાકીને રાતના સાડા નવ તો બહુ થઈ ગયા. પણ અમે જઈએ ત્યારે આ ક્રમ બદલાય. એમની આંખો ઘેરાઈ હોય, બગાસાં આવતાં હોય, પણ એને અવગણીને એ બેસે, અને જાતભાતની વાતો અમે કરીએ. પૌલા ક્યારેક બેસે, યા એનો સમય થતાં જતી રહે, પણ બીજા દિવસે સવારે ચાના સમયે એ અચૂક આવીને પહેલો સવાલ પૂછે, 'કાલે કેટલા વગાડેલા?' જવાબમાં 'બાર', 'સાડા બાર', કે 'એક' સાંભળીને એને બહુ આશ્ચર્ય થાય અને પોતે 'સેશન મિસ કર્યાનું' અનુભવાય.
સૌથી નોંધપાત્ર વાત એ કે કાકી કોઈકને ત્યાં મહેમાન બનીને ગયાં હોય તો પોતે જે સરભરા આપવાના આદી છે એવી કશી અપેક્ષા ન રાખે. બાકી સહજપણે જ એવી અપેક્ષા રહે!
મે, 2025માં રામચંદ્ર ગુહાના પુસ્તક 'ગાંધી પછીનું ભારત'ના વિમોચન કાર્યક્રમમાં કાકી ખાસ મુંબઈથી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં. એનું અમારે મન મોટું મૂલ્ય એ રીતે છે કે એ વિષય સાથે એમને ખાસ લેવાદેવા ન હોવા છતાં માત્ર ને માત્ર અમારા માટેના પ્રેમવશ તેમણે એ કરેલું. આ જ એમની વિશેષતા. આ જ એમની ખાસિયત. અમારી કશી ઓળખ નહોતી ત્યારે પણ અમારા માટે એટલો જ પ્રેમ અને ભાવ, અને આટલાં વરસો પછી, એમની નજર સામે જ અમે અમારાં ક્ષેત્રોમાં આગળ વધ્યા ત્યારે પણ એ જ પ્રેમ અને ભાવ.
આવા વડીલ મળવા એ સદભાગ્ય જ કહી શકાય, અને એમની ચાહનાને પાત્ર બનવું એ પરમ ભાગ્ય.
રેખાકાકી આજે એમનાં જીવનનાં 79 વર્ષ સંપન્ન કરી રહ્યાં છે એ નિમિત્તે એટલી જ શુભેચ્છા કે એમનો જીવનરસ અને જુસ્સો જળવાયેલાં રહે.

Sunday, August 17, 2025

પ્રેમના પાયા પર ચણાયેલો સગપણનો ત્રીજો માળ

આજે પૌલાનો જન્મદિવસ છે. અત્યારે એ પૌલા મારવાહા છે, પણ અમારો એની સાથેનો પરિચય એ પૌલા પરીખ હતી ત્યારનો. સગપણે અમે 'સેકન્ડ કઝીન' થઈએ. એટલે કે એના પપ્પા શૈલેષ પરીખ અને મારા પપ્પા અનિલ કોઠારી બન્ને મસિયાઈ ભાઈ થાય. પપ્પાના તમામ પિતરાઈઓ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલા. અને મહેમદાવાદનું અમારું ઘર એટલે એમના ઊનાળુ વેકેશનનો અડ્ડો. પિતરાઈઓ તો ખરા જ, એમના ભાઈબંધો પણ મહેમદાવાદ આવતા અને રોકાતા. અલબત્ત, આ બધી અમારા જન્મ પહેલાંની વાતો. પણ અમે બહુ રસથી સાંભળેલી અને પપ્પાના પિતરાઈઓને મળીએ કે તેઓ પછી મહેમદાવાદ આવે ત્યારે અમને જણાવતા.

શૈલેષકાકા મુંબઈ રહેતા. એમના પિતાજી એટલે કે કાંતિલાલ પરીખ મારા પપ્પાના માસા, અને એમનાં માતાજી સરલાબહેન (અતિમાસી) મારા પપ્પાનાં માસી. આથી તેમનું ઘર 'માસીનું ઘર' તરીકે ઓળખાતું. અમારું મુંબઈ જવાનું શરૂ થયું ત્યારે તો અમારા સગા કાકા સુરેન્‍દ્ર કોઠારી સાન્તાક્રુઝ (મુંબઈ) રહેતા. અમારો ઊતારો એમને ઘેર હોય, પણ એક દિવસ અમારે 'માસીને ઘેર' જવાનું આમંત્રણ હોય. માસી પેડર રોડ રહેતાં. દક્ષિણ મુમ્બઈનો એકદમ ધનાઢ્ય વિસ્તાર. પણ માસીને ત્યાં જઈએ ત્યારે જે આવકાર અને ઉષ્મા જોવા મળે એ હજી આજેય મનમાં એમનો એમ છે.
આ સમગ્ર ચિત્રમાં પૌલા ક્યાંય નહોતી. એ કોણ? તો પપ્પાના માસીના દીકરાની દીકરી. પૌલા સાથે સ્વતંત્રપણે અમારો પરિચય થયો અને વિકસ્યો 1987-88થી. મુમ્બઈવાળા કાકાની દીકરી સુજાતાબહેનનું લગ્ન મહેમદાવાદ ખાતે રાખેલું ત્યારે અનેક સગાંવહાલાં અને કાકાના પરિચીતો મહેમદાવાદ આવેલાં. એ ક્રમમાં શૈલેષકાકા, રેખાકાકી અને પૌલા પણ આવેલાં. એ બે દિવસના રોકાણમાં પરિચયનો પાયો નંખાયો એ એવો મજબૂત નીવડ્યો કે આજે એની પર ત્રીજો માળ ચણાઈ ગયો છે.
પૌલાને પત્રો લખવા બહુ ગમતા, એમ અમને પણ. એટલે એના મુમ્બઈ ગયા પછી અમારો પત્રવ્યવહાર શરૂ થયો. અમારામાં આમ કશું સામાન્ય નહોતું. છતાં અમે આખો પત્ર ભરતા. એ પછીના અરસામાં મારી અને ઉર્વીશની મુમ્બઈયાત્રા આરંભાઈ. પણ એ પહેલાં અમે જે ફિલ્મકલાકારોને મળવા માગતા હતા એમનાં નામની લાંબી યાદી પૌલાને મોકલી. ટેલિફોન ડિરેક્ટરીમાંથી એ સૌના ફોનનંબર મેળવવા અમે એને કહ્યું. તેણે સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા, પણ સફળતા ન મળી, અમારા કરતાં એ વધુ નિરાશ થઈ. આના થોડા દિવસ પહેલાં મારાં મમ્મીને મુમ્બઈ જવાનું થયેલું. સાન્તાક્રુઝવાળા પુષ્પાકાકીને સર્જરી કરાવેલી અને તેમને પૌલાના ઘરથી નજીકની કોઈક હોસ્પિટલમાં રાખેલાં. આથી બપોરે મમ્મી આરામ કરવા માટે પૌલાને ઘેર જતાં. પૌલા તેમને કમ્પની આપતી. તેણે મમ્મીને ખાસ આગ્રહ કરીને કહેવડાવેલું, 'કાકી, તમે એ બન્નેને ખાસ કહેજો કે (ફોન નંબર નથી મળ્યા એટલે) આવવાનું કેન્સલ ન કરે.' અમે મુમ્બઈ ઊપડ્યા. કાકીની નાદુરસ્ત તબિયતને કારણે આ વખતે અમારો ઊતારો પૌલાના ઘેર હતો. અત્યાર સુધી જે 'માસીને ઘેર' અમે બે કલાક મળવા જતા એને બદલે હવે અમારે ત્યાં અઠવાડિયું રહેવાનું હતું. અમારી ઉંમરના એ ઘડતરનાં વરસોમાં આ રોકાણે મહત્ત્વનું પ્રદાન કર્યું એમ કહી શકાય. એ સમયે મનમાં બેઠેલી કેટલીક બાબતો આજે પણ અમારા અમુક વ્યવહારમાં સહજપણે વણાઈ ગઈ છે.
કોઈ કલાકારોના ફોન નંબર નહોતા મળ્યા હોવા છતાં અમારો ઉત્સાહ કમ નહોતો થયો. એ ઉત્સાહને પ્રોત્સાહન મળ્યું શૈલેષકાકાના કુટુંબીજનો દ્વારા. એમના એપાર્ટમેન્ટથી પંદરેક એપાર્ટમેન્ટ દૂર આવેલા આશા ભોંસલેના ઘેર પૌલાને લઈને અમે વગર અપોઈન્ટમેન્ટે ઊપડ્યા. મુલાકાત પહેલાંના અવરોધને પાર કરવામાં પૌલાની કમ્યુનિકેશન સ્કીલનો મહત્ત્વનો ફાળો. અમારું એ સંયુક્ત સાહસ આજીવન યાદગીરી બની રહ્યું. તેના આનંદની છાલક આટલા વરસે પણ અનુભવી શકાય છે.

આશા ભોંસલેના નિવાસસ્થાને
(ડાબેથી): ઉર્વીશ, બીરેન, પૌલા અને આશા ભોંસલે
એ જ રોકાણ દરમિયાન શૈલેષકાકાએ અમારી મુલાકાત નૌશાદ સાથે ગોઠવી આપી. તેમજ સુશીલ કુમાર નામના, જૂની ફિલ્મો સાથે સંકળાયેલા એક અભિનેતા તેમના ક્લાયન્ટ હતા, એમને પોતાને ઘેર નિમંંત્ર્યા. શૈલેષકાકાના એ પ્રયત્નોની ગંભીરતા, અને અમારી હજી કોઈ સ્વતંત્ર ઓળખ ઊભી થઈ નહોતી એવે સમયે અમને અપાયેલું આ પ્રોત્સાહન અમારે મન બહુ મોટું હતું.

મુંબઈની એક મુલાકાત દરમિયાન

પછીનાં વરસોમાં સાન્તાક્રુઝવાળા કાકા મહેમદાવાદ આવીને સ્થાયી થયા એટલે અમારા મુંબઈરોકાણનું સરનામું હવે પેડર રોડ બની રહ્યું છે. પૌલા સાથે પત્રવ્યવહાર નિયમીતપણે ચાલતો અને અમે પોતપોતાની પ્રવૃત્તિઓ વિશે લખતા. પૌલા મુખ્યત્વે અંગ્રેજીમાં પત્ર લખતી.
એવામાં એક સુખદ સમાચાર તરીકે અમને જાણવા મળ્યું કે પૌલાનું લગ્ન તેના જ ફ્લોર પર રહેતા કપિલ મારવાહા સાથે નક્કી થયું છે. તેઓ પરિચયમાં હતા અને વડીલોની સંમતિ પછી આ નિર્ણય પર આવ્યા હતા. કપિલભાઈને અમે પહેલી વાર મળ્યા અને તેમની સાલસતાની એ છાપ પડી એ આજેય બરકરાર છે. પૌલાને યોગ્ય જીવનસાથી મળ્યો એનો આનંદ હોય જ, પણ શૈલેષકાકાને યોગ્ય જમાઈ મળ્યા હોવાની વધુ ખુશી હતી. કેમ કે, અમારા પરિવારમાં શૈલેષકાકાની છાપ 'એકદમ ચોક્કસ' તરીકેની. પપ્પાના પિતરાઈ નરેન્દ્રકાકા કાયમ કહેતા, અને એમની પ્રકૃતિ મુજબ જાહેરમાં કહેતા, 'શૈલેષ અતિ ચોક્કસ, અને દીનીયો (પપ્પાના બીજા મસિયાઈ ભાઈ દીનેશ પરીખ) અતિ લબાડ. હું બેની વચ્ચેનો.' વયમાં પોતે બન્નેની વચ્ચે હોવાથી નરેન્‍દ્રકાકા આમ કહેતા, અને એમાં સંકળાયેલા પાત્રો પણ એની મજા લેતા.
હું અને ઉર્વીશ આવી જ એક મુંબઈયાત્રાએ ગયેલા અને એ અરસામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી ટ્રેન વિરાર સ્ટેશને રોકાઈ ગયેલી. અમે સામાન સાથે રેલવેના પાટેપાટે વિરારથી વસઈ ચાલતા ગયેલા. એને કારણે ઉર્વીશના પગમાં છાલાં પડી ગયેલાં. એ પછી અમારે શૈલેષકાકાને ઘેર જવાનું હતું. અમારા જતાં પહેલાં અમારી 'પદયાત્રા'ની વાત ત્યાં પહોંચી ગયેલી. એટલે અમે પહોંચ્યા ત્યારે સૌએ અમારી પાસેથી અહેવાલ સાંભળ્યો. એ વખતે ઉર્વીશના પગના છાલાં જોઈને પૌલા ડઘાઈ ગઈ. એ તરત ગુલાબજળ અને રૂ લઈ આવી અને ઉર્વીશના પગે એ લગાવી આપ્યું. દક્ષિણ મુમ્બઈમાં રહેતી, માતાપિતાનું એક માત્ર સંતાન હોય એવી, લાડકોડમાં ઉછરેલી કોઈ છોકરી આવું કરી શકે એ અમારા માન્યામાં નહોતું આવતું. અને પૌલાની એ છબિ એની સરળતા અને સહજતા ઊપરાંત એની નિસ્બત અને પ્રેમ માટે થઈને અમારા હૃદયમાં આજેય એમની એમ સંઘરાયેલી છે.
અમારા નિયમીત પત્રવ્યવહારનો એક નમૂનો
એ પછીના અરસામાં મારા એક સહકર્મી કમલેશ પંડ્યાને જસલોક હોસ્પિટલમાં દાખલ થવાનું બન્યું. ગંભીર સર્જરી હતી. મેં કમલેશને જણાવ્યું કે એ બાજુમાં જ આવેલા કાકાના ફ્લેટ પર મળવા જાય. એમ મેં પૌલાને પણ પત્ર દ્વારા જણાવ્યું. પૌલાએ એમની બરાબર દેખભાળ રાખી.
પૌલાના લગ્ન પછી તેણે ખરેખર તો એક જ ફ્લોર પર એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં શિફ્ટ થવાનું હતું. આથી અમે મુંબઈ જઈએ ત્યારે મળવાનું ઘટ્યું નહીં. મોટે ભાગે એમ થાય કે કાકીને ત્યાં અમે ચા પીતા હોઈએ એવામાં પૌલા સવારના ચા-પાણી પરવારીને આવી જાય અને અમારો ગપાટાનો દોર ચાલે. વચ્ચે વચ્ચે કશું કામ હોય તો જઈ પણ આવે. કપિલભાઈ મોટે ભાગે સાંજે મળવા આવે. અને એમની સાથે વાતોનો દોર ચાલે. કપિલભાઈ બહુ સંવેદનશીલ અને કેટલીય બાબતોમાં અમારી ફ્રિક્વન્સી મળતી હોવાથી વાતો જાણે કે ખૂટે નહીં. સામાન્યપણે ઓછાબોલાની છાપ ધરાવતા કપિલભાઈને અમારી સાથે આટલી બધી વાતો કરતા જોઈને ઘણા કુટુંબીજનોને આઘાત પણ લાગે.
એક અરસા સુધી એમની લગ્નતિથિએ અમે કોઈ ને કોઈ વિશિષ્ટ વસ્તુ બનાવતા અને એમને મોકલતા. એક વાર અમે એક કંપનીના વાર્ષિક અહેવાલની શૈલીએ તેમના લગ્નજીવનનો અહેવાલ અનાવેલો, એકાદ વાર એમનો એક ફોટો લઈને એ ટી.વી.ની અલગ અલગ ચેનલો પર શી રીતે આવે એવું બનાવેલું, તો એકાદ વખત એક સાદા ફોટાનો ઊપયોગ અલગ અલગ રીતે જાહેરખબરમાં શી રીતે થઈ શકે એવું બનાવેલું. કદાચ 'સાર્થક જલસો'નાં મૂળ આ બધામાં મળી આવે.
શૈલેષકાકા અને રેખાકાકીની દિનચર્યા એકદમ નિયમીત. સામાન્ય રીતે તેઓ રાતના સાડા નવે સૂઈ જનારા. પણ હું કે ઉર્વીશ ત્યાં જઈએ ત્યારે એ નિયમભંગ થાય. શૈલેષકાકા આગોતરી તૈયારી કરીને બપોરે કલાકેક આરામ કરી લે, જેથી રાત્રે જાગી શકાય. રેખાકાકીથી ન જગાય એટલે બગાસાં આવે, પણ વાતરસ એવો જામ્યો હોય કે સૂવા જવાનું મન ન થાય. આમ ને આમ, બાર-સાડા બાર થાય. આમાં ક્યારેક પૌલા પણ જોડાય. એ જોડાઈ ન શકે તો સવારે આવીને પૂછી જાય કે રાત્રે કેટલા વગાડેલા. કેમ કે, એને મન, કાકા અને કાકી રાતના દસ પછી સ્વેચ્છાએ જાગે એ જ મોટી ઘટના! અમારી આ બેઠકોમાં ભરપૂર હસીમજાક ચાલે, અનેક સગાંસંબંધીઓને યાદ કરાય, અને બીજી પણ જાતભાતની વાતો હોય.
લગ્ન પછી કપિલભાઈ અને પૌલાને અમેરિકા જવાનું અને થોડો સમય રહેવાનું બનેલું. એ વખતે તેણે અમને પૂછેલું કે અમારે કશું મંગાવવું છે કે કેમ. અમે એને જણાવ્યું કે (આર્થિક રીતે) અનુકૂળ હોય તો એ અમારા માટે 'મૅડ'નું લવાજમ ભરી શકે એમ હોય તો સારું. પણ એમ ન થાય તોય વાંધો નથી. પૌલા સાથેના સંબંધમાં કદાચ આ અનૌપચારિકતા સૌથી મહત્ત્વનું પરિબળ ગણાવી શકાય. એ અમેરિકા ગઈ અને એણે 'મૅડ'નું લવાજમ ભર્યું. અત્યાર સુધી 'મૅડ'ના જૂના અંકો જ ખરીદેલા અને સપનેય કલ્પના નહીં કરેલી કે 'મેડિસન એવન્યુ'ના સરનામેથી મહેમદાવાદના સરનામે 'મૅડ'નો અંક આવે. કલ્પનામાં ન વિચાર્યું હોય એ સપનું સાકાર કરવામાં પૌલાની નિસ્બત અને પ્રેમ જવાબદાર.

અમેરિકાના ટૂંકા નિવાસ દરમિયાન પૌલાએ લખેલો પત્ર
કાકીને ત્યાં રોકાયા હોઈએ ત્યારે પૌલાના સાસરે પણ અમારું જમવાનું ગોઠવાય. અમારે તો એ જ ફ્લોર પર એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં જવાનું હોય, પણ ત્યાંય આ જ વાતાવરણનું એક્સ્ટેન્શન હોય. પૌલાનાં સાસુ સરલાબહેન અતિ શાલીન અને સૌમ્ય. તેઓ પણ વાતોમાં ભાગ લે.
મારી દીકરી શચિના લગ્ન વખતે રેખાકાકી અને પૌલા બન્ને ખાસ રોકાવાય એ રીતે આવેલાં. મા-દીકરીની આ જોડી અનેક સ્થળે ગીતોનો કાર્યક્રમ પણ યોજે છે. મારે ત્યાં તેઓ આવ્યાં અને આવું કંઈક ગાવાનું નક્કી થયું. એ વખતે મેં અને પૌલાએ મળીને મારા આઈ.વાય.સી.ના મિત્રો અને અમુક સગાંની લાક્ષણિકતાને લઈને તેમની ફીરકી ઉતારતાં જોડકણાં તૈયાર કરેલાં. એમાં પાછા અમેય એકબીજા પર બનાવેલાં. એ ગવાયાં ત્યારે બહુ મજા આવેલી અને શચિના લગ્નનું સંભારણું બની રહેલું.
સામાન્ય રીતે પપ્પાના પિતરાઈ સુધી સંબંધ જળવાય અને પછીની પેઢીએ એ ક્ષીણ થતો જાય, જો એ કેવળ સગપણ આધારિત હોય. પણ પૌલાને કારણે એ અમારી પેઢી સુધી લંબાયો. ખરી મજા એ છે કે પૌલાનાં સંતાનો પૂજા અને સાહિલ પણ હવે મોટાં થયાં. તેમનું અમારી સાથે સ્વતંત્ર સમીકરણ રચાતું ગયું. એમ અમારાં સંતાનો સાથે પણ સ્વતંત્ર સંપર્ક શરૂ થયો. મજાકમાં કહી શકાય કે એમને પૂછીએ કે આપણું સગપણ શું, તો કદાચ એમને મનમાં એ ગોઠવતાં વાર લાગે, પણ નિકટતા એવી કે એમને એ ગોઠવવાની જરૂર ન લાગે.
હમણાં મે, 2025માં 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદના વિમોચન નિમિત્તે રેખાકાકી અને પૂજા ખાસ મુમ્બઈથી આવીને ઉપસ્થિત રહેલાં. બીજા દિવસના અનૌપચારિક મિલનમાં પણ પૂજા સામેલ થયેલી. આ કંઈ માત્ર સગપણ કે 'સંબંધ સાચવવાના' હેતુથી ન બને.

પૌલાનો પરિવાર: (ડાબેથી) સાહિલ, પૌલા,
કપિલભાઈ અને પૂજા
આમ, ખરું જોતાં તો અમારું આ સગપણ ચોથી પેઢી સુધી વિસ્તર્યું છે, અને એ વધુ ને વધુ મજબૂત થતું ગયું છે. અમને ખબર છે કે કેવળ સગપણ હોવાથી આ શક્ય નથી. કશી અપેક્ષા વિના, માત્ર ને માત્ર પ્રેમનો સંબંધ હોય તો જ આમ થાય.
આવું થઈ શક્યું એનો આનંદ છે, પૌલા એમાં નિમિત્ત બની એટલું જ નહીં, એણે સભાનતાપૂર્વક આની પહેલ કરી એની વિશેષ ખુશી છે. સગપણે 'સેકન્ડ કઝીન', એવી અમારી આ મિત્રને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

Tuesday, December 6, 2011

ફિલ્મસંગીતના ‘શાહ’: નલિન શાહ


અગાઉ  હરીશભાઈ અંગેની પોસ્ટ લખી એ વાંચ્યા પછી અમુક મિત્રોએ બહુ ગંભીરતાથી પૂછ્યું હતું કે ફિલ્મોમાં ખરેખર સંશોધન શેનું કરવાનું હોય? બહુ બહુ તો નટ- નટીઓનાં સરનામાં શોધવાં પડે એ જ ને? એમાંના એક મિત્ર વડીલ હતા, ખાસ્સા સિનીયર હતા. હરીશભાઈ માટે આદર ધરાવતા હતા, છતાં આવો પ્રશ્ન તેમને થયો હતો. એ જવાબ સાંભળવા તત્પર અને જિજ્ઞાસુ હતા, એટલે એમને થોડુંઘણું સમજાવ્યું. એનાથી એમને સંતોષ થયો હશે, પણ મને ન થયો. ઘણાને એમ જ હોય છે કે ફિલ્મો વિષે આટલું બધું છપાય છે, એના અભિનેતા-અભિનેત્રીઓના ફોટા છપાય છે, ગીતોની પબ્લિસીટી થાય છે, એટલે બધી માહિતી તૈયાર જ મળે છે. ત્યાંથી લઈને કંઈ પણ લખવું, એ થયું ફિલ્મવિષયક સંશોધન. જેટલી અજાણી વાત લખો એટલા તમે કાબેલ ગણાવ. પણ પાયાનો સવાલ એ છે કે ‘ત્યાં’ એટલે ક્યાં? એવો કયો સ્રોત છે કે જ્યાં આપણને જોઈએ એ માહિતી તૈયાર મળે? લોકો આવું માને એમાં વાંક એમનો નથી. કેમ કે સમગ્રપણે આપણે ત્યાં ફિલ્મના માધ્યમને ગંભીરતાથી લેવાતું નથી. એ મનોરંજનનું ક્ષેત્ર છે, એ પણ કદાચ એક કારણ હોઈ શકે.
આવી પરિસ્થિતિમાં હિંદી ફિલ્મસંગીતનો ઈતિહાસ હોય અને કોઈ વ્યક્તિ હિંદી ફિલ્મસંગીતની ઈતિહાસકાર હોય એવો તો વિચાર જ શી રીતે આવે? પણ અમારા (મારા અને ઉર્વીશ) સહિત ઘણા એવા લોકો છે, જેમને હિંદી ફિલ્મસંગીતના ઈતિહાસકાર તરીકે એક જ વ્યક્તિનું નામ યાદ આવે. એ નામ યાદ આવે, એની સાથે જ માથે કારાકુલ કેપ, કેપમાંથી બહાર નીકળેલા સીધા અને કડક સફેદ વાળ, ગાલ પર ઉતરેલા જાડા થોભિયા અને ચશ્મા પહેરેલો ચહેરો દેખાય. એ ચહેરાની સાથે જ સફેદ શેરવાનીની ઉપર ઘેરા ભૂરા રંગનો ઝભ્ભો અને ઉપર જાકીટની વેશભૂષા આંખ સામે આવે. એમને સામેથી આવતા જોઈએ તો પહેલી નજરે એ શાયર જેવા, બલ્કે પાકિસ્તાની શાયર જેવા લાગે. અને એમને ઉર્દૂ જબાન બોલતા સાંભળીને આ વિચાર દૃઢ બને. એમનો પરિચય આપતાં કોઈ મિત્રને આપણે જણાવીએ કે આ છે નલિન શાહ. આવું ટીપીકલ ગુજરાતી નામ સાંભળવા છતાંય એમને પહેલી વાર મળનાર વ્યક્તિ એવી શંકા કરે કે ‘નલિન’ એમનું તખલ્લુસ હશે. અને કાશ્મીરમાં ઘણા મુસ્લિમોની અટક શાહ હોય છે, એવા શાહ એ હશે. યાદ છે ત્યાં સુધી એમને પહેલી વાર ટી.વી. પર જોઈને સલિલભાઈ(દલાલ)એ પોતાની કોલમમાં પણ આવું અનુમાન કર્યું હતું.
નલિનભાઈની આવી બાહ્ય આભામાંથી એમને પહેલી વાર મળનાર વ્યક્તિ ભાગ્યે જ મુક્ત થઈ શકે. સામેવાળાના મનમાં એમના વિષે જાતજાતના પ્રશ્નો પેદા થાય, પણ ક્યાંથી શરૂ કરવું એનો ખ્યાલ જ ન આવે. એમના વિષે આજે પહેલી વાર લખી રહ્યો છું, ત્યારે મારા મનમાં પણ કંઈક એવી જ મૂંઝવણ છે કે ક્યાંથી શરૂ કરવું?
એમની કલમનો પહેલો પરિચય થયો ‘પ્રિયા’ નામના ‘ટી સિરીઝ’ દ્વારા પ્રકાશિત હિંદી ફિલ્મ માસિકથી. ‘માધુરી’ના માળખા પર એંસીના દાયકાના છેલ્લા વરસોમાં શરૂ થયેલું આ મેગેઝીન એટલું અદભૂત હતું કે એમાંનો એકે એક લેખ અક્ષરશ: વાંચી જતા. આ મેગેઝીનમાં જૂના ફિલ્મસંગીત વિષે બે પાનાંનો એક વિભાગ આવતો,જેમાં કલાકારો વિષે એવી અદભૂત વાતો અને કિસ્સા આવતા અને સાથેસાથે પોતાનાં નિરીક્ષણો પણ શબ્દો ચોર્યા વિના લખવામાં આવતા. આ વિભાગના લેખકનું નામ હતું ‘નલિન શાહ.’ ધીમે ધીમે આ વિભાગની એવી આદત પડી ગઈ કે ‘પ્રિયા’ના અંકની રાહ ખાસ એને માટે જ જોવાતી અને દર મહિને એનો અંક બહાર પડે કે એ ખરીદીને પહેલો જ નલિન શાહનો વિભાગ વાંચી જવાનો ક્રમ બની ગયો. એ વખતની અમારી આદત મુજબ અમે નલિન શાહને પત્ર લખ્યો હિંદીમાં, કેમ કે એ હિંદી મેગેઝીનમાં લખતા હતા. પત્ર મેગેઝીનના સરનામે લખેલો, એટલે એમને મળશે કે કેમ એ શંકા હતી. એમનો કશો જવાબ આવ્યો નહીં, એટલે અમે માન્યું કે પત્ર એમના સુધી કદાચ નહીં પહોંચ્યો હોય. એ સમયગાળો એવો હતો કે જૂના હિંદી ફિલ્મસંગીતની સૃષ્ટિમાં અમારો પ્રવેશ થઈ રહ્યો હતો, અને એ આખું વિશ્વ અમારી સમક્ષ ખૂલી રહ્યું હતું. રજનીકુમાર પંડ્યા સાથે ભલે પહેલો પરિચય વાચક લેખે થયો, પણ એ આગળ જતાં ગાઢ બન્યો એમાં હિંદી ફિલ્મસંગીત એક મહત્વનું પરીબળ. એ વખતે તો હરીશ રઘુવંશી, હરમંદીરસિંઘ હમરાઝ, વિશ્વનાથ ચેટરજી જેવાં નામો અમારા માટે પરીકથાનાં પાત્રો જેવા હતા. આમાં વધુ એક નામ જોડાયું નલિન શાહનું.
તલત મહેમૂદને કાર્યક્રમમાં લાવતા નલિન શાહ 
૧૯૯૧માં ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ના વિમોચન સમારંભમાં પહેલી વાર હાજરી આપી, ત્યારે પરીકથાના આ પાત્રોને અમે પહેલી વાર સદેહે જોયા. બધાને અમે સામે ચાલીને મળ્યા, એમના ઓટોગ્રાફ લીધા. એ સૌ એવા વિનમ્ર કે એમના ઓટોગ્રાફ માંગીએ એટલે કહે ‘અમે ક્યાં કોઈ આર્ટીસ્ટ છીએ?’ જરા વિચારો કે જે ફંક્શનમાં હિંદી ફિલ્મસંગીતના ધુરંધરો આવવાના હોય એ ફંક્શનમાં અમારા જેવા કોઈ હરીશભાઈ કે હમરાઝ જેવાના ઓટોગ્રાફ માંગે તો એમને પોતાને કેવું લાગે? પણ અમારા માટે એ કોઈ સેલીબ્રીટીથી કમ નહોતા. અમારા મનમાં જેને મળવાની યાદી હતી એમાં મનોમન ટીક કરતા જતા હતા અને વિચારતા હતા કે હવે નલિન શાહ બાકી રહ્યા. કેવા દેખાતા હશે નલિન શાહ? ચપ્પટ વાળમાં એક બાજુએ પાડેલી પાંથી હશે, ઓપન શર્ટ હશે, પેન્ટ કદાચ સહેજ ઉંચું હશે, અને પગમાં તો ચપ્પલ જ હશે. પૂછવું તો કોને પૂછવું?
કારાકુલ કેપ, ઝભ્ભો અને શેરવાની પહેરેલી એક વ્યક્તિ આમતેમ ફરી રહી હતી, અને પોતાના ઘેરા અવાજે સૌને ‘અરે જનાબ, આઈયે, આઈયે’ કહેતાં હળીમળી રહી હતી. એ કોણ હશે, એવો સવાલ થયો. સાંભળેલું કે પાકિસ્તાનના શાયર કતિલ શિફાઈ પણ આવવાના હતા. આ શિફાઈસા’બ તો નહીં હોય ને! છેવટે કોઈકને પૂછી જ લીધું એ સજ્જન વિષે. જવાબ મળ્યો, ‘વો નલિન શાહ હૈ.’ ઘડીક અમારા માનવામાં ન આવ્યું, એટલે અમે બે-ત્રણ અલગ અલગ લોકોને પૂછીને ખાતરી કરી. છેવટે ખાતરી થઈ એટલે એમને અમે મળવા ગયા. અમારું નામ દઈને પરિચય આપ્યો એટલે એમણે ગુજરાતીમાં જ કહ્યું, “તમારો કાગળ મળ્યો હતો.” આ સાંભળીને અમને કેવી લાગણી થઈ હશે એ પત્રલેખન કરી ચૂકેલો કોઈ પણ વાચક સમજી શકશે. અમે એમને નિરાંતે મળવા આવવાની વાત કરી તો એમણે તરત કહ્યું, “ઘેર આવજો ને!” આટલી સરળતાથી આવી વ્યક્તિ પોતાને ઘેર આવવાનું કહી દે એ જરા નવાઈની વાત હતી. એમના પણ અમે પરાણે ઓટોગ્રાફ લીધા.  
એ ફંક્શનમાં નલિન શાહ વક્તવ્ય આપવા ઉભા થયા અને ‘ખવાતીમોહજરાત’ના સંબોધનથી શરૂઆત કરીને ઉર્દૂ મિશ્રીત હિંદીમાં જે પ્રવચન આપ્યું એની અસર હજી આજ સુધી ઉતરી નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાના અનુભવો, તારણો, પબ્લિક ડિમાન્ડના નામે પીરસાતો હલકો માલ અને એ પીરસતા સંગીતકારોને એમણે નામજોગ ચાબખા માર્યા, એ સાંભળીને તાળીઓના ગડગડાટ થતા રહ્યા. જીવનનું યાદગાર ફંક્શન એ બની રહ્યું. અમે તો ફક્ત એમાં હાજરી આપવા જ ખાસ મહેમદાવાદથી મુંબઈ ગયેલા એટલે ભવિષ્યમાં એમને ફરી મળવાનું વિચાર્યું.
પહેલી વાર એમને મળનારને એમનું વ્યક્તિત્વ ખાસ્સું ‘ફિલ્મી’ લાગે. અમસ્તાય નલિનભાઈ મહેફિલના માણસ. મહેફિલમાં લોકોને જકડી રાખવાની કળા એમને હસ્તગત. પ્રસંગોચિત શે’ર, જોક્સ, ક્વોટ્સ તેમને જીભવગાં. પણ એમના પરિચયનું આ બહારનું પડ ભેદીને આગળ વધનારને જ એમના અસલી ગુણોનો પરિચય થઈ શકે. મોટે ભાગે તો નલિનભાઈ જ આ પડ ભેદાવા ન દે.
એ પછીની મુંબઈ મુલાકાતમાં નલિન શાહને મળવાનું નક્કી કરીને જ ગયેલા. એમને ફોન કરીને અનુકૂળતા પૂછી એટલે એમણે તરત જ આવવાનું જણાવી દીધું. અને અમે ઉપડી પણ ગયા. એમના ઘરમાં પ્રવેશ્યા એટલે ચારે બાજુ સંગીતનો જ માહોલ. એક રેકમાં લાઈનબંધ એલ.પી.રેકોર્ડ્સ, સામે રેકોર્ડ પ્લેયર, ડેક, કેસેટ પ્લેયર. સામેના કબાટમાં ફિલ્મવિષયક પુસ્તકો. સહેજ અંદર નજર કરીએ તો મુખ્ય રૂમથી રસોડામાં જવાના પેસેજમાં આવેલા શોકેસમાં લાઈનબંધ કેસેટો નજરે પડે. ભીંત પર જૂના સંગીતકારોની તસવીરો. સોફા પર પણ રેકોર્ડ પથરાયેલી. આવામાં બેસવું ક્યાં? એમણે આવકાર આપ્યો અને થોડી રેકોર્ડ ખસેડીને અમારા બેસવાની જગા કરી. ધીમે ધીમે કરતાં અનાયાસે જ કેટલીય વાતો નીકળી. અમારા જેવા લબરમૂછીયાઓને પહેલી જ વાર મળતા હોવા છતાં તેમણે શાંતિથી સાંભળ્યા, એટલું જ નહીં, વાત પણ કરી. દોઢેક કલાક બેઠા હોઈશું. જવાની અમે તૈયારી કરી અને એમને ફરી વાર મળવા આવી શકાય કે કેમ એ પૂછ્યું. એમણે તત્ક્ષણ હા પાડી. અમે બીજે દિવસે એમને ફરીથી મળવા ગયા. બપોરના બે-અઢી વાગે ગયા હોઈશું. એમણે પ્રેમથી આવકાર્યા. વાતોની શરૂઆત થઈ. થોડી વાર રહીને એમણે અમને ‘સુનહરે દિન’ ફિલ્મની વાત કરી. એના ગીત-સંગીત વિષે કહ્યું. અમને એ ફિલ્મ વિષે કશી જ ખબર નહોતી. તરત ઉભા થઈને એ એક વિડીયો કેસેટ લઈ આવ્યા અને વી.સી.આર.માં લગાવી. પછી કહે, “ટાઈમ છે ને?” ખરેખર તો અમારે એમને આવું પૂછવાનું હોય! એ દિવસે અમે રાજ કપૂર અને રેહાનાની, જ્ઞાન દત્તના સંગીતવાળી એ ફિલ્મ આખી જોઈ. ઘેર જવા ઉઠ્યા ત્યારે સાંજના સાડા છ જેવું થયું હતું. અમે હજી તો બીજી જ વાર મળતા હતા અને નલિન શાહે અમારા માટે આટલો સમય ફાળવ્યો હતો. કશી અપેક્ષા વગર! અમારી વચ્ચે આત્મીયતાનો એક સેતુ રચાઈ ચૂક્યો હતો.
નૌશાદજી સાથે અમારી પારિવારિક મુલાકાત
નલિન શાહ થકી શક્ય બની. 
એ પછી સમય વીતતો રહ્યો અને મુંબઈ મુલાકાત દરમ્યાન એમની સાથેની બેઠક અનિવાર્ય બની રહી. થોડા વખત પછી ઉર્વીશને ગુજરાત રિફાઈનરીની નોકરી માટે છ મહિના માટે મુંબઈ રહેવાનું બન્યું. આ ગાળો નલિન શાહ સાથેના સંબંધને મજબૂત કરવામાં અતિ મહત્વનો બની રહ્યો. ઉર્વીશ એમની લગભગ રોજ મુલાકાત લે, બેસે, વાતો કરે, પુસ્તકો, લેખો વગેરે ગોઠવવાનું કામ હોય તો પૂછે. આ બેઠકોથી અમારી સમક્ષ નલિનભાઈના કામનો ખરો વ્યાપ અને તેનું મૂલ્ય ઉઘડતું ગયું. નલિનભાઈને જૂની ફિલ્મોના ઘણા બધા કલાકારો સાથે આત્મીયતા. નલિનભાઈને ઘેર જ ઉર્વીશને ગાયિકા રાજકુમારી, સીતારવાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાં જેવાના લાંબા સત્સંગનો લાભ મળ્યો, સારંગીવાદક ઉસ્તાદ રામનારાયણ, નૌશાદ, પ્રદીપજી, સંગીતકાર રામ કદમ (પૂના), ગાયિકા જ્યોત્સના ભોળે (પૂના) જેવા મહાનુભાવોને તેમના નિવાસસ્થાને શાંતિથી મળવાનું, એમની વાતો સાંભળવાનું બન્યું, કતિલ શિફાઈ સાથે મુલાકાત થઈ, તેમ સ્વ.ગુલામ મહંમદના ઘરની મુલાકાત પણ લેવા મળી. (ત્યારે પત્રકારત્વ તો સપનામાં પણ નહોતું.)
કિર્તીદાબેન: મૂક આધારસ્તંભ 
આ ગાળામાં ઉર્વીશ તેમના કુટુંબી જેવો જ બની ગયેલો. ક્યારેક એ જાય અને નલિનભાઈ ઘરે ન હોય તો એમનાં પત્ની કિર્તીદાબેન સાથે બેસે અને ગપ્પાં મારે. કિર્તીદાબેન પણ જૂની ફિલ્મોનાં રસિયા, એટલે એ પણ કલાકારો સાથેના અનુભવોની વાત કરે, પણ એક ગૃહિણીના દૃષ્ટિકોણથી.
એક ઈતિહાસકાર તેમજ સંશોધક તરીકે નલિનભાઈની કાર્યશૈલી નજીકથી એ રીતે નીરખવા મળી કે જર્નાલિઝમની સ્કૂલમાંય આવું જ્ઞાન ન મળે. ‘સાયગલ જલંધરમાં મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંતિમયાત્રામાં ‘જબ દિલ હી તૂટ ગયા’ ગીત વગાડવામાં આવેલું’ એવી વાત ખુદ નૌશાદ અને મજરૂહ સુલતાનપુરી પણ કરતા. નલિનભાઈએ આ અંતિમયાત્રામાં હાજર રહેલી ત્રણ વ્યક્તિઓની મુલાકાત લીધી. નૌશાદ અને મજરૂહસા’બ પ્રત્યેના પૂરેપૂરા આદર સાથે તેમણે આ વાતની અધિકૃતતા ચકાસી. અંતે આ વાત કપોળકલ્પના હોવાનું પુરવાર કર્યું. એ પછી તો સાયગલ પર સંશોધન કરવા માટે કોલકાતાના સ્ટુડિયોની મુલાકાત લીધી,
કોલકાતાની સંશોધનયાત્રા વખતે:
આ હાર્મોનિયમ પર  ક્યારેક
સાયગલસા' બનાં
આંગળાં  ફર્યાં હશે. 
સાયગલસા’બના વતન જલંધર પણ ગયા અને સાયગલસા’બના કુટુંબીઓને પણ મળ્યા, અને કેટલીય અજાણી, અદભુત અને નક્કર વાતો પ્રકાશમાં લાવ્યા, જે સાયગલસા’બના મૃત્યુને પચાસ વરસ કરતાં વધુ  ગાળો વીતવા છતાં, તેમના વિષે આટલાં પુસ્તકો લખાયા છતાં અજાણી જ રહી ગયેલી. એ કહે, “કોઈ પણ વ્યક્તિ કશો દાવો કરે તો એને એમ ને એમ માની લેતાં પહેલાં આપણી કોમન સેન્સ વાપરવાની. ત્યાર પછી એની અધિકૃતતા ચકાસવાની.” અધિકૃતતા એક વાર ચકાસીને એ વાત પૂરી ન કરે. ઘણી વાર તો એ ચાર-છ મહિને અધિકૃતતા રીન્યુ કરતા રહે. નૌશાદજી,પ્રદીપ કે અન્ય કોઈએ પણ કોઈ કલાકાર વિષે અમુક વાત કરી હોય, તો એ જ વાત બીજી રીતે થોડા સમય પછી ફરી પૂછવાની. બને કે પહેલી વાર તેમણે અહોભાવમાં આવીને અમુક વાત કરી હોય!
એમના લેખોમાં કશી વાત અનુમાન આધારીત કે અદ્ધરતાલ ન હોય. માત્ર કોઈની કહેણી (hearsay) પર પણ આધાર ન રાખે. ફિલ્મસંગીતના અભ્યાસુ વાચકો જાણતા હશે કે ફિલ્મના ગીતકાર, સંગીતકાર કે ગાયકો બાબતે કેટકેટલા અવનવા કિસ્સાઓ પ્રચલિત છે (“એક વાર લતાએ નૌશાદને કહેલું” ટાઈપના), 
ઔર આપ હૈ જનાબ નલિન શાહ:
સુરૈયાને નલિન શાહનો પરિચય કરાવતા નૌશાદ  
જે દરેક જણ પોતે તેના સાક્ષી હોય એમ લખે છે યા કહે છે. પોતે સાચું જ લખે અને લખ્યા પછી પોતે લખ્યું એ સાચું જ, એવો અભિગમ એમના લખાણમાં કદી જોવા ન મળે. એક વાર વાત નીકળી કે સંગીતકાર શૌકત હૈદરી અને શૌકત દહેલવી બન્ને એક જ જુદા? નલિનભાઈને ખ્યાલ હતો કે બન્ને એક જ છે, પણ છતાંય એ ખ્યાલ નવ્વાણુ ટકા હતો, સો ટકા નહીં. આની ખાતરી શી રીતે કરવી? તેમણે સીધો જ મુબારક બેગમને ફોન જોડ્યો અને આ સવાલ પૂછ્યો. શૌકત દહેલવીના સંગીત નિર્દેશનમાં ગાઈ ચૂકેલાં મુબારક બેગમે ખરાઈ કરી કે બન્ને એક જ વ્યક્તિ છે.
તેમનાં તમામ લખાણો અંગ્રેજીમાં છે. ભાષાની અભિવ્યક્તિની સાથેસાથે યોગ્ય શબ્દોની પસંદગી અને તેની સાથે ઉભો કરવામાં આવતો મુદ્દો તેમજ માહિતીની સાથેસાથે પરિમાણ. આ શૈલી છે નલિન શાહની, જે તેમને ફિલ્મસંગીત વિષે લખતા અનેક લેખકોમાં નોખા તારવે છે. આ બધાને કારણે તેમની કલમની જબરદસ્ત વિશ્વસનીયતા ઉભી થઈ. અનેક કલાકારોની આત્મીયતા તેમને પ્રાપ્ત થઈ. 
કેદાર શર્મા સાથે 
નલિનભાઈના ફિલ્મસંગીત વિષયક લેખો અવારનવાર છપાતા. ‘ફિલ્મફેર’માં તેમણે લખેલી સંગીતકારો વિશેની સંશોધનાત્મક શ્રેણીને હજીય લોકો ભૂલ્યા નથી. વિનોદ, ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ, જમાલ સેન, ખેમચંદ પ્રકાશ, એસ.એન. ત્રિપાઠી જેવા સંગીતકારોની કેટલીય ઓછી જાણીતી વાતો, અધિકૃત સ્રોત સાથેની વાતચીત થકી તે પ્રકાશમાં લાવ્યા. ખરું કહીએ તો આ ધુરંધર સંગીતકારોના અસલી પ્રદાનની નક્કર વાતો આ રીતે પહેલી વાર જ લખાઈ. ‘પ્લેબેક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ’ નામના મેગેઝીનમાં પણ તેમની કોલમ આવતી. પણ વખત જતાં ‘ફિલ્મફેર’નાં રૂપરંગ બદલાયા, અને બાકીનાં મેગેઝીનનું પ્રકાશન બંધ પડ્યું, એટલે એમના લેખો પણ આવતા બંધ થયા, જે પછી શરૂ થયા ‘મીડ ડે’માં. એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના આ લેખ ખૂબ લોકપ્રિય થયા. 

મિડ ડેમાં તેમની કોલમ આ રીતે આવતી. 
નલિનભાઈની લોકપ્રિયતા એક સેલીબ્રીટીની કક્ષાની થઈ ગઈ, જેમાં સંપૂર્ણપણે તેમની કલમનો જ ફાળો હતો. લેખની સાથે તેમની તસવીર છપાતી હોવાને કારણે ચહેરેથી પણ લોકો તેમને ઓળખી કાઢતા. એક કાર્યક્રમમાં શ્યામ બેનેગલ સાથે તેમનો ભેટો થઈ ગયો. નલિનભાઈ પોતાનો પરિચય આપવા જાય ત્યાં જ બેનેગલ સાહેબે હસીને કહ્યું, “અફ કોર્સ, તમને તો હું ઓળખું છું. તમારા લેખ નિયમીત વાંચું છું.” આપણા લોકપ્રિય હાસ્યલેખક તારક મહેતા પણ આ લેખોના જબરા પ્રશંસક. અને આવા તો કેટકેટલા વર્તુળમાં તેમની લોકપ્રિયતા ઉભી થઈ. (એ પણ યોગાનુયોગ નીવડ્યો કે નલિનભાઈ પણ તારકભાઈનાં લખાણોના પ્રેમી નીકળ્યા.)
વિવિધભારતીના શ્રોતાઓ જાણે છે કે વરસોથી મુંબઈ વિવિધભારતી પરથી રાત્રે દસથી સાડા દસ સુધી જૂનાં ગીતોનો કાર્યક્રમ ‘છાયાગીત’ પ્રસારીત થાય છે અને આકાશવાણીના ઉદઘોષકો તેની રજૂઆત કરે છે. વરસો જૂની આ પરંપરામાં અપવાદ કરીને આકાશવાણીના મુંબઈ કેન્દ્રે નલિનભાઈને ગાયક, સંગીતકાર પર એક શ્રેણી તૈયાર કરવાનું નિમંત્રણ આપ્યું, જેમાં લેખન ઉપરાંત રજૂઆત પણ તેમની જ હોય. ‘વિશેષ છાયાગીત’ શીર્ષકથી પ્રસારીત થયેલી આ શ્રેણીમાં કલાકારો પર કાર્યક્રમોની રજૂઆત તેમણે કરી, જે ખૂબ વખણાઈ.
એ જ રીતે તેમની લખેલી સ્ક્રીપ્ટ પરથી દૂરદર્શન પર ‘ગાતા જાયે બંજારા’ નામે ચાર હપ્તાની શ્રેણીનું નિર્માણ કરવામાં આવેલું, જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ કાકે કરેલું. જો કે, આ શ્રેણીમાં સિદ્ધાર્થ સ્ક્રીપ્ટને યોગ્ય ન્યાય ન આપી શક્યા હોવાનું અમારા સહિત ઘણાને લાગેલું.
નલિનભાઈ અમને મળ્યા ન હોત તો ચાલીસીના દાયકાના ખરા અર્થમાં હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનો આટલો ગાઢ પરિચય અમને આ રીતે કદાચ ન થાત અને અમે પણ સી.રામચન્દ્ર, શંકર જયકિશન, મદનમોહન, એસ.ડી.બર્મન કે ઓ.પી.નૈયર સુધી આવીને અટકી ગયા હોત.
ફિલ્મસંગીત સાથે સંકળાયેલા ઘણા લોકો સાથે તેમને ગાઢ અંગત સંબંધ હતો. મુંબઈના સંગીતપ્રેમી ડૉ. પ્રકાશ જોશીને ત્યાં થતા કલાકારોના મિલન ઉપરાંત દર વરસે એક વાર નલિનભાઈને ત્યાં કલાકારોનું અનૌપચારિક મિલન થતું, જે ઐતિહાસિક કહી શકાય એવું હતું. 
ડૉ. પ્રકાશ જોશીને ઘેર સ્નેહમિલનનું સંચાલન કરતા નલિન શાહ :
બેઠેલામાં વચ્ચે કલ્યાણજીભાઇ ડાબે હરીશ રઘુવંશી,
 જમણે મનોહર મહાજન 
આ મિલનમાં હાજરી આપનાર વ્યક્તિઓનાં નામ પરથી જ તેના મહત્વનો ખ્યાલ આવી શકશે. – અનિલ બિશ્વાસ, મીના કપૂર, પ્રદીપ, કમર જલાલાબાદી, ઈન્દીવર વગેરે.. આવી જ એક મહેફિલમાં રજનીભાઈને હાજર રહેવાનો મોકો મળ્યો હતો, જેના વિષે તેમણે પોતાના પુસ્તક ‘આપ કી પરછાઈયાં’ના ‘મહેફિલ કે બાદ ક્યા’ પ્રકરણમાં વિસ્તૃત રીતે લખ્યું છે. આ મહેફિલમાં બિનીત મોદી પણ હાજર રહેલો. દિલ્હી રહેતા અનિલ બિશ્વાસે પોતાની અમુક પ્રોપર્ટી માટેનો ‘પાવર ઓફ એટર્ની’ પણ નલિનભાઈને આપી રાખેલો. જો કે, કલાકારો સાથે અત્યંત અંગતપણે સંકળાયેલા નલિનભાઈ અવારનવાર કહેતા હોય છે, “કલાકારની કલાને માણવી. તેનો અંગત પરિચય કેળવશો તો દુ:ખી થશો, કેમ કે માણસ તરીકે એ કદાચ ઉતરતો પણ હોય.”
નલિનભાઈ અસલમાં એલ.આઈ.સી.ના કર્મચારી અને યુનિયનના નેતા, એટલે ભારત આખામાં તેમને ફરવાનું બનતું. એમના વ્યક્તિત્વને કારણે લોકો એમની સાથે સંપર્ક કરવા સામે ચાલીને આવે, જે એમને ગમે પણ ખરું. પણ સંપર્કો જાળવવામાં એ માને નહીં. અથવા તો એમને એવું ફાવે નહીં. એમનો અભિગમ પણ ‘આઈ ડોન્ટ કેર’ પ્રકારનો- અને એ દેખાડા પૂરતો નહીં, પણ સાચેસાચો. 
ગુરુ -ગુરુ દોનોં ખડે: નલિન શાહ અને રજનીકુમાર પંડ્યા 
એ અમદાવાદ આવતા, પણ અમદાવાદમાં એમના એલ.આઈ.સી. પૂરતા ગણ્યાગાંઠ્યા જ સંપર્કો હતા. અમને એ પત્રથી જણાવતા કે પોતે અમુક તારીખે અમદાવાદ આવવાના છે અને અમુક ગેસ્ટ હાઉસમાં ઉતરવાના છે. અમે એમને મળવા અમદાવાદ જઈએ, અને વાતો કરીએ. રજનીભાઈ સાથેય એમનો પરિચય હતો, બલ્કે મિત્રતા હતી. અને હવે તો આ બન્ને ગુરુઓ ભેગા થાય એ મિલનનો લહાવો લેવાની અમને આતુરતા હોય છે. 
મહેમદાવાદમાં મિલન: ડાબે પહેલા અરવિંદ દેસાઇ 'મહાબલિ' ,
ચંદ્રશેખર વૈદ્ય  જમણે પહેલા નલિન શાહ, બિનીત મોદી 
એ વખતે અરવિંદભાઈ દેસાઈના વડપણ હેઠળ શરૂ થયેલી ‘ગ્રામોફોન ક્લબ’ સાથે નલિનભાઈનો પરિચય થયો, અને નલિનભાઈ-અરવિંદભાઈની યુતિ બરાબર જામી. શરૂઆતમાં મહેશભાઈ શાહ અને ગીતાબેન શાહને ત્યાં અને પછી અરવિંદભાઈને ત્યાં જ નલિનભાઈનો ઉતારો હોય. અને અમારે પણ નલિનભાઈને મળવું હોય તો ત્યાં જ જવાનું. અરવિંદભાઈનું વ્યક્તિત્વ એટલું પ્રભાવક અને ગરવું કે રજનીભાઈએ એમનું નામ ‘મહાબલિ’ (‘મુઘલ-એ-આઝમ’માં  પૃથ્વીરાજ કપૂર માટે વપરાયેલું સંબોધન) પાડ્યું ત્યારે સૌએ એકમતે સ્વીકારી લીધેલું. નલિનભાઈએ ગ્રામોફોન ક્લબ માટે ઘણા કાર્યક્રમો તૈયાર કર્યા અને રજૂ કર્યા. આ કાર્યક્રમોની વિશેષતા એ હતી કે તેમાં કેવળ જૂનાં ગીતો સાંભળવાનું મનોરંજન મેળવીને છૂટા પડી જવાનું નહોતું, બલ્કે એમાં માહિતી, વિશ્લેષણ અને આસ્વાદનો સમન્વય રહેતો. શ્રોતાઓની ઉંચી રુચિ કેળવવામાં આવા કાર્યક્રમો ખાસ્સા મદદરૂપ બન્યા. એ રીતે અમદાવાદમાં પણ તેમની લોકપ્રિયતા સારી એવી થઈ. અમારા માટે આડલાભ એ થયો કે એમનું અમદાવાદ આવવાનું નિયમીત બનવા લાગ્યું, જેને કારણે મળવાનું નિયમીતપણે થતું રહ્યું. વચગાળામાં અમારો પત્રવ્યવહાર ચાલુ રહેતો. ગુજરાતીની જોડણી તેમને જરાય ન ફાવે, પણ ભાષાની અભિવ્યક્તિ તો એવી જ ધારદાર. એમની આગવી હ્યુમર પણ ઝળકે.
પત્રમાં ઝળકતી એમની શૈલી 
‘મહાબલિ’નો ઓચિંતો સ્વર્ગવાસ થયો ત્યારે નલિનભાઈને અમદાવાદનું પોતાનું સરનામું ખોવાઈ ગયું હોય એવું લાગેલું. જો કે, રંજનકાકી (શ્રીમતિ મહાબલિ)એ કદી એમ લાગવા દીધું નહીં અને એ જ ગરિમા સાથે સંબંધ જળવાયેલો રહ્યો. 
એમનાં પત્ની કિર્તીદાબેને ટૂંકી માંદગીમાં વિદાય લીધી ત્યારે અમને અમારું કોઈ સ્વજન ગુમાવ્યાની લાગણી થયેલી. અમદાવાદ આવવાનું થાય એટલે એક દિવસ મહેમદાવાદનો પણ કાર્યક્રમ નલિનભાઈનો હોય જ. મહેમદાવાદ આવે ત્યારે એમને કનુકાકા સાથે વધુ ફાવે, કેમ કે તંદુરસ્ત, સ્વસ્થ અને જીવંત હોય એવી કોઈ પણ વયસ્ક વ્યક્તિની તંદુરસ્તીનું રહસ્ય જાણવાનો એ પ્રયત્ન કરે. પણ છેલ્લા ચાર-પાંચ વરસથી એક નવો ધારો પડ્યો છે. એમને શિયાળો બહુ પસંદ છે. એટલે દર વરસે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન એ અવશ્ય મારે ત્યાં આવે અને એક અઠવાડિયું રોકાય. એ આવે એટલે અમારા ઘરનું વાતાવરણ જુદી રીતે જીવંત બની જાય. તેમને સવારે વહેલા ઉઠવાની ટેવ. એ જ સમય હોય ઈશાનને સ્કૂલે જવાનો. નલિનભાઈ એમની સાથે જાતજાતની સાધનસામગ્રી રાખે, જેમાં ચા બનાવવા માટેની ઈલેકટ્રીક કીટલી, ચાની પત્તી, મધ અને જાતજાતની ભેદી આઈટમો હોય. રોજ સવારે એ ગરમ પાણી સાથે મધ બનાવે- ત્રણ પ્યાલા ભરીને. એક પ્યાલો પોતાના માટે અને એક એક પ્યાલા શચિ તેમજ ઈશાન માટે. કદાચ છોકરાંને જાગવામાં પાંચ-દસ મિનીટ મોડું થાય તો એમની નજીકના ટેબલ પર જઈને ભરેલા પ્યાલા મૂકી દે. ક્યાં ‘આઈ ડોન્ટ કેર’નો પેલો દેખાતો અભિગમ અને ક્યાં આવી દરકાર!  
છોકરાંઓ સ્કૂલે જાય એટલે કામિની સાથે એમનો સત્સંગ શરૂ થાય. અવનવી વાનગીઓ, સલાડ, હેલ્થ ફૂડ વગેરે શી રીતે બનાવવાં, એ ખાવાથી શા લાભ થાય એવી બધી વાતોની સાથે સાથે એમની લાક્ષણિક હ્યુમર અને ઉર્દૂ શેરની પ્રસાદી પણ મળતી રહે. શેર બોલીને એ છૂટી ન જાય, પણ સમજાવેય ખરા. સૌથી છેલ્લો હું ઉઠું ત્યારે પાછો ચા-પાણી અને વાતોનો દૌર નવેસરથી ચાલુ થાય.
વડોદરામાં એમને લઈને ક્યાંક જઈ શકું એવાં ઠેકાણાં આમેય ઓછાં.
હોમાય વ્યારાવાલાની જીવનકથામાંથી પ્રશ્નો  પૂછતા. 
હા, એમને સૌથી વધુ આકર્ષણ હોમાયબેનની મુલાકાત લેવાનું હોય. એ બન્નેને વાત કરતા જોવા એ લ્હાવો છે. બન્નેને કાને ઓછું સંભળાય, અને અમારે એમની સાથે વાત કરવી હોય તો અમુક રીતે કાનની નજીક મોં લઈ જઈને બોલવું પડે. પણ એ બન્ને વાત કરે ત્યારે તદ્દન સહજતાથી વાત કરે, એક પણ ‘હેં?’ વગર. સામાન્ય સંજોગોમાં હોમાયબેનનાં ‘ડીસન્સી’નાં ધોરણો બહુ કડક, કોઈને ઝટ હળવામળવાનું એ પસંદ ન કરે. પણ એમને જોઈને હોમાયબેન રાજી થઈ જાય અને મૂડમાં આવી જાય. કહે પણ ખરાં, “એવા ઈન્ટેલીજન્ટ ‘માનસ’ સાથે વાત કરવાની મઝા આવે.” એમની વાતના વિષયો પણ અવનવા હોય. હોમાયબેનને ફિલ્મ સાથે ખાસ નિસ્બત નહીં, છતાં એમને નલિનભાઈ સાથે વાતો કરતાં જોવા લ્હાવો છે. આ ઉપરાંત મિત્ર પરેશ પ્રજાપતિના ઘરની મુલાકાત હોય જ. પણ એમાં હમણાં નવું, પણ મજબૂત ઠેકાણું ઉમેરાયું છે. એ છે અભિષેક અને તેજલનું ઘર. નલિનભાઈના મૂલ્યને પિછાણીને એમના બે એક વખત ઈન્ટરવ્યૂ પણ વડોદરા વિવિધભારતી પર લેવાયા છે, જેમાં અભિષેકનો સક્રિય ફાળો છે. અલબત્ત, તત્કાલીન સહાયક નિદેશક ડૉ. યજ્ઞેશ દવેનું કાયમી નિમંત્રણ તો ખરું જ. આકાશવાણીના ઈન્ટરવ્યૂ માટે રેડિયો સ્ટેશન જવાની સાથે સાથે અભિષેક અને તેજલની યજમાનગીરીનું પેકેજ હવે તો અનિવાર્ય બની ગયું છે. મુંબઈનો મિત્ર અજિંક્ય સંપટ નલિનભાઈની ટેકનિકલ જરૂરીયાત, ઉપરાંત નાનીમોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. એ રીતે જાણે અમે જ મુંબઈમાં એમની સાથે હોઈએ એવી અમને લાગણી થયા કરે છે. અમદાવાદમાં બિનીત મોદી તો તેમને ઘણે ઠેકાણે લઈને ફર્યો છે.  આવાં ઠેકાણાં થકી જ અમે ભેગા થઈને નલિનભાઈને પુસ્તક આપવા માટે દબાણ કરીએ છીએ.
મુંબઈમાં એમના દીકરા હેમલ સાથે એ રહે છે. નલિનભાઈનાં દીકરી અમૃતા શાહનું નામ અંગ્રેજી પત્રકારત્વમાં બહુ આદરથી લેવાય છે. તેમણે લખેલી ડૉ. વિક્રમ સારાભાઈની જીવનકથા ખૂબ પ્રશંસા પામી છે. તો હાલ એ અમદાવાદ વિષે એક પુસ્તક લખી રહ્યાં છે. નલિનભાઈ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવા માટે લાંબો સમય ઉદાસીન રહ્યા ત્યારે અમૃતાબેને છેવટે અમને ‘સોપારી’ આપતાં કહેલું, “તમારો એ વિષય છે, એટલે તમે એને સરખાં કરી આપો. એને પ્રકાશિત કરાવવાની જવાબદારી હું લઈશ. પપ્પાને હવે પૂછવાની જરૂર નથી.”
નલિનભાઈના ફિલ્મ સંગીતવિષયક ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમોનો એક આગવો ચાહકવર્ગ છે. મુંબઈ ઉપરાંત દિલ્હી, જયપુર જેવાં શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહે છે. વિદેશમાં પણ તે કાર્યક્રમ આપી આવ્યા છે. એમના લોકપ્રિય કાર્યક્રમોમાં 'સરગમ કા સફર' ઉપરાંત સાયગલસાબ વિશેના તથા વિવિધ સંગીતકારો પરના કાર્યક્રમોનો સમાવેશ થાય છે જે અગાઉ જણાવ્યું જેમ માત્ર મનોરંજનલક્ષી ન બની રહેતાં માહિતી વિશ્લેષણ અને આસ્વાદના સમન્વય જેવા હોય છે. 
એક વાચક-લેખક તરીકેના આરંભાયેલા સંબંધને આજે બબ્બે દાયકા વીત્યા પછી આવું પારિવારિક પરિમાણ સાંપડ્યું છે, એથી મોટી ઉપલબ્ધિ શી હોઈ શકે? એમના ઘણા ગુણોને અમે ગુરુપદે રાખ્યા છે.
અમારા જેવા ઘણાની ઈચ્છા, બલ્કે મહેચ્છા છે કે તેમનાં લખાણો ગ્રંથસ્થ થાય. પણ હવે આનંદના સમાચાર આવી રહ્યા છે. કાનપુરના હરમંદિરસિંઘ ‘હમરાઝે’ પોતે આ લખાણો પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાની તૈયારી બતાવી છે. નલિનભાઈએ પુસ્તક માટે તેનું પુનર્લેખન પૂરું કરી દીધું છે અને ‘હમરાઝ’ પોતે જ તે કમ્પ્યુટર પર લખી રહ્યા છે. આમ તો, કુલ બે પુસ્તક થઈ શકે એટલી અને એવી સામગ્રી છે. એક પુસ્તકમાં તેમણે લખેલા ગાયક, સંગીતકાર, અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા વગેરેને લગતી વાતો, કિસ્સા અને એ સંબંધી લેખ આવી શકે, જ્યારે બીજા પુસ્તકમાં ફક્ત સંગીતકારો વિષેના લેખ હોય.
નલિનભાઈ સાથેની વાતો, અનુભવો અને યાદગાર કિસ્સાઓ હજી ઘણા છે, એ ક્યારેક લખવાની ઈચ્છા છે જ. આજે છઠ્ઠી ડિસેમ્બરે નલિન શાહ ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે એમને સ્વસ્થ જીવનની શુભકામનાની સાથે સાથે આપણને એમનાં લખેલાં ફિલ્મસંગીતવિષયક પુસ્તકો ઝડપથી મળે એવી અપેક્ષા પણ રાખવી વધુ પડતી ન ગણાય. તેમને શુભેચ્છા પાઠવવા ઈચ્છનાર મિત્રો તેમનો સંપર્ક 98200 74811 કે 99206 77209 પર કરી શકે.

Saturday, October 15, 2011

હરીશ રઘુવંશી: સંશોધક કે સાધક?


‘જો હું વડાપ્રધાન હોઉં તો?’ જેવા વિષય પરના નિબંધ શાળામાં પૂછાય ત્યારે મૌલિક રીતે એ લખાય એવી આપણી સમજણ હોતી નથી, ને એવી સમજણ આવે ત્યારે લખવાનો મોકો જતો રહ્યો હોય છે. આ વિષય પર મારે હવે નિબંધ લખવાનો હોય તો મારો મુખ્ય મુદ્દો આ લખું.: “દરેક ગામ, નગર કે શહેરમાં જન્મ અને મરણની નોંધણી ફરજિયાત અને વિકેન્દ્રીત ધોરણે છે એ યોગ્ય છે, પણ હું વડાપ્રધાન હોઉં તો એવી જોગવાઈ કરું કે ફિલ્મક્ષેત્ર સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિનું જન્મ કે મરણ થાય તો એની નોંધણીની કેન્દ્રીય વ્યવસ્થા ગોઠવાય. અને એ વ્યવસ્થા બીજે ક્યાંય નહીં, પણ આપણા ગુજરાતના જ સુરત શહેરમાં ઉભી કરવામાં આવે. ફોન નંબર છે 93747 12322 (મો.) કે (0261) 222 5561.”
આ નંબરો નથી કોઈ સરકારી કચેરીના કે નથી એન.જી.ઓ.ના. બલ્કે ફિલ્મોમાં જીવંત રસ ધરાવતા, ફિલ્મના માધ્યમ સાથે સાચી અને પાયાની નિસ્બત ધરાવતા એક શોખીન સંશોધકના છે. એમનું નામ? મારા જેવા અનેક લોકો માટે સુરતની ઓળખ ત્યાંની ગાળ, ઘારી કે પોંક નહીં, પણ હરીશ રઘુવંશી છે. ફિલ્મસંગીત સાંભળવાના શોખની ચિનગારીમાંથી તેમણે પ્રગટાવેલા સંશોધનના મહાયજ્ઞની પ્રસાદીએ અનેક સંગીતરસિકોને ન્યાલ કર્યા છે.
હરીશભાઈએ કરેલાં ફિલ્મને લગતાં સંશોધનોની અને નક્કર પ્રદાનની વાત અગાઉ ‘અહા!જિંદગી’માં વિગતે લખી ચૂક્યો છું અને આ બ્લોગ પર પણ લખવાનો ઈરાદો છે. પણ આજે લખવું છે એમના વ્યક્તિત્વ તેમજ કાર્યપદ્ધતિ વિષે. તેમની સાથે વીસેક વરસ પહેલાં એક ચાહક લેખે થયેલો સંપર્ક, તેમાંથી પાંગરેલો પરિચય,પછી વિકસેલી મૈત્રી અને છેલ્લા ચારેક વરસમાં ઘનિષ્ટ પરિચય. આ બધાનો સરવાળો એટલે આજની પોસ્ટ.
**** **** ****

‘તપસ્વી’ શબ્દ કાને પડતાં જ આપણી સમક્ષ ‘અમર ચિત્ર કથા’માં ક્યાંક જોયેલું છાયાચિત્ર ઉપસી આવે. કોઈ ઘેઘૂર વૃક્ષની છાયામાં પદ્માસન મુદ્રામાં બેઠેલા તપસ્વી, આસપાસ ફરતાં હરણાં, ઉગતો કે આથમતો સૂરજ વગેરે... અત્યારે વિચારતાં લાગે કે જંગલમાં જઈને તપ કરવાની રીત તો સહેલી છે. કેમ કે ત્યાં બધી અનૂકુળતા છે. મુશ્કેલ છે સંસારમાં રહીને તપ કરવાનું. અને એય પરમાર્થે.
આપણે ત્યાં અમસ્તુંય ફિલ્મના માધ્યમને ખાસ ગંભીરતાથી ઓછું લેવાય છે. એમાં થઈ થઈને શો અને કેવો અભ્યાસ થઈ શકે? અને એવો અભ્યાસ થાય તો એ શા કામનો? એનાથી શો ફાયદો? આવા સવાલો તો ફિલ્મના ઘરેડ શોખીનનેય પહેલી વાર થાય, તો બાકીનાને ન થાય એ જ નવાઈ કહેવાય. પણ હરીશભાઈનું કામ જેણે જોયું હોય, કામની પદ્ધતિથી પરિચીત હોય એ જાણે છે કે આની ગંભીરતા એમના મનમાં કેવીક છે! એમને મળીએ કે અનેક ઠેકાણે લખાયેલા એમના પરિચયમાં તસવીર જોઈએ ત્યારે એક ગંભીર વ્યક્તિ હોવાની પહેલી છાપ મનમાં પડે. એ માત્ર ગંભીર જ નહીં, અમારા સૌ મિત્રોના મતે દુરારાધ્ય પણ ખરા- ઝટ રીઝે નહીં એવા. એ કોઈ વસ્તુ માટે ‘બરાબર છે’નો અભિપ્રાય આપે તોય મોટું સર્ટિફીકેટ ગણાય.
એમની સાથે પહેલવહેલી મુલાકાત હિંદી ફિલ્મ ગીતકોશના સમારંભમાં લગભગ ૧૯૯૧માં થયેલી, બલ્કે અમે સામે ચાલીને કરેલી- કેવળ એક ચાહક લેખે. ત્યારે તો હું કે ઉર્વીશ કોઈ જ લેખનક્ષેત્ર સાથે સંકળાયેલા નહોતા, એટલે એમના મનમાં અમારી નોંધણી થઈ હશે કે કેમ એય શંકા હતી, પણ અમને એની ચિંતા નહોતી. એ પછી ૧૯૯૫માં ઉર્વીશને પત્રકારત્વમાં આવવાનું બન્યું. ત્યાં સુધીમાં જૂના હિંદી ફિલ્મસંગીતના પ્રવાહોથી અમે ઘણા માહિતગાર થઈ ગયેલા. રજનીકુમાર પંડ્યા સાથે પરિચયનો પાયો એક વાચક લેખે નંખાયેલો, પણ એની પર ઈમારત ચણાઈ જૂના હિંદી ફિલ્મસંગીતના પ્રેમને કારણે. આ પ્રક્રિયામાં પહેલાં ઉર્વીશનો પરિચય હરીશભાઈ સાથે વિકસ્યો, વિકસતો ગયો.
ફિલ્મ વિષે કોઈક લખી શકે એમ છે અથવા તો કોઈને એના વિષે લખવામાં રસ છે, એની જાણ થાય એટલે હરીશભાઈ સામે ચાલીને મદદ કરવાની તત્પરતા દાખવે. પહેલાં તો સૂચન કરે, આંગળી ચીંધે, અને પોતાની પાસેની વરસોથી સંઘરાયેલી માહિતી દેખાડે અને આપે પણ ખરા. એમની પાસેની અધધ સામગ્રી જોઈને ભલભલા વાલ્મિકીને પાછા વાલિયો લૂંટારો બનવાનું મન થઈ જાય. ફિલ્મ વિષે શ્રેણી લખતા એક જાણીતા લેખક વાલ્મિકી બનીને એમની પાસે આવ્યા, એમની પાસેની ઢગલો સામગ્રી લઈ ગયા, ને વાલિયો બની ગયા. હરીશભાઈએ એ વખતે એમની બ્રાન્ડ હ્યુમરની શૈલીમાં કહેલું, “ (એ બિચારા લેખક પાસે આટલી સામગ્રી પાછી મોકલવા માટે) કુરીયરના પૈસા હોવા જોઈએ ને!”
હરીશભાઈ અને હ્યુમર? એમને દૂરથી ઓળખનારને કદાચ આ બન્ને બાબતો વિરોધાભાસી લાગે. પણ એમની હ્યુમર બહુ વિશિષ્ટ- કોઈ ખાનામાં ગોઠવવી હોય તો ‘ડાર્ક હ્યુમર’ના ખાનામાં ગોઠવી શકાય. સમજાય તો આરપાર નીકળી જાય. ને મોટે ભાગે જેની પર અજમાયશ થઈ હોય એના સિવાય બધાને સમજાય. એક જ દાખલો પૂરતો થઈ પડશે.
(ડાબેથી) હમરાઝ, હરીશભાઈ, મુકેશચન્દ્ર મહેતા, સલીલ દલાલ 
થોડા સમય અગાઉ સંગીતકાર શ્યામસુંદરનાં ગીતોનું આલ્બમ એચ.એમ.વી.એ બહાર પાડેલું. એના જેકેટ પર ભૂલમાં સંગીતકાર શ્યામસુંદરને બદલે અભિનેતા શ્યામનો ફોટો છપાઈ ગયો. એક વરિષ્ઠ સંગીતપ્રેમીએ આ બાબતે હરીશભાઈને ફરીયાદ કરી, કેમ જાણે સંગીતના ક્ષેત્રમાં કશું ખોટું થાય એની નૈતિક જવાબદારી હરીશભાઈની ન હોય ! આનો શું જવાબ આપવાનો? પણ હરીશભાઈએ આપ્યો. એમણે ઠંડકથી કહ્યું, “તમને ખબર છે? હવે શ્યામસુંદરના આલ્બમનો બીજો ભાગ બહાર પડવાનો છે. આ વખતે એના જેકેટ પર એ લોકો (હાસ્ય અભિનેતા) સુંદરનો ફોટો મૂકવાના છે. (તમે એ વસાવી લેજો, એટલે શ્યામસુંદરનો ફોટો બની જશે.)” એમની મુખમુદ્રા અને બોલવાની શૈલી જોઈને સામેવાળાને અંદાજ જ ન આવે કે આ ગમ્મત છે.
બીજી વાત જરા જુદા પ્રકારની છે.
એક વખત રજનીભાઈએ તેમની ‘જન્મભૂમિ પ્રવાસી’ની કોલમ ‘શબ્દવેધ’માં હરીશભાઈના ‘મુકેશ ગીત કોશ’ વિષે લેખ લખ્યો. લેખના અંતે એમણે હરીશભાઈનું આખું સરનામું લખ્યું. એ અગાઉ સમાપન કરતાં એમણે લખેલું કે ઓછાબોલા હરીશભાઈ લો પ્રોફાઈલમાં રહે છે. આ લેખ વાંચીને એક વાચકનો હરીશભાઈ પર પત્ર આવ્યો. એ પત્રના સરનામામાં લખેલું, “શ્રી હરીશ રઘુવંશી, લો પ્રોફાઈલ, વિઝન હાઉસ, પૂતળી સામે, સગરામપુરા, સુરત- ૨. ” બીજું બધું તો બરાબર હતું, પણ ‘લો પ્રોફાઈલ’ શું? હરીશભાઈએ લેખમાંનું વાક્ય ફરી વાંચ્યું ત્યારે રહસ્ય ખૂલ્યું. આ વાત પહેલી વાર સાંભળીને ભયાનક હસવું આવેલું. એ પછી તો કોઈ પણ ‘લો પ્રોફાઈલ’ વ્યક્તિ વિષે વાત થાય એટલે અમારે એટલું જ કહેવાનું, “એ તમારા એરીયામાં રહે છે.” જવાબમાં એ ગંભીરતાથી કહે, “હવે મારા એરીયામાં ભીડ વધવા લાગી છે.”
ઉર્વીશ પત્રકારત્વમાં આવ્યો એ પછી હરીશભાઈ એને ફિલ્મવિષયક અનેક વિષયો કે વ્યક્તિઓ સૂચવતા. એ વખતે તો ઈ-મેલ નહોતા, 
રવાના: હરીશ રઘુવંશી, સુરત 
પણ પોસ્ટકાર્ડનો એ ભરપૂર ઉપયોગ કરતા. અઠવાડિયે એક પોસ્ટકાર્ડ વિગતોથી ઠાંસોઠાંસ આવ્યું જ હોય. એમની ખાસિયત એ કે એમણે પોતે કંઈક પૂછાવવું હોય તો સાથે સરનામાવાળું રીપ્લાય પોસ્ટકાર્ડ અચૂક હોય જ. પણ પત્રવ્યવહાર અંગેની એમની એક ચીવટ તો બેજોડ છે ! જેની સાથે એમને થોકબંધ પત્રવ્યવહાર થતો હોય એના નામ-સરનામાનો રબર સ્ટેમ્પ અને પછી એડ્રેસ સ્ટીકર હરીશભાઈ પોતે જ બનાવડાવી લે.
મૌલિક ચોકસાઈ
 આ તસવીરમાં હરીશભાઈના આવેલા પોસ્ટકાર્ડ અને અમારા મહેમદાવાદના સરનામાવાળો એમણે બનાવડાવેલો રબરસ્ટેમ્પ જોઈ શકાશે. એકાદ વરસ ઉર્વીશ મુંબઈ હતો ત્યારે ત્યાંના સરનામાવાળા એડ્રેસ સ્ટીકર પણ એમણે છપાવડાવેલાં. એ વાત જુદી છે કે ઉર્વીશને હજી સુધી પોતાનો રબર સ્ટેમ્પ કે સ્ટીકર બનાવડાવવાનો વિચાર આવ્યો નથી.
અન્યોને મદદરૂપ થવા માટે તત્પર હરીશભાઈએ પોતે લખવાનું હોય તો?
એ નક્કર માહિતીના માણસ. એમના લેખોમાં લેખકની સ્ટાઈલબાજી જોવા ન મળે. પણ અજાણી, ઓછી જાણીતી સંબંધિત આંકડાની સાથે એવી રીતે પીરસી હોય કે જે તે વ્યક્તિના પ્રદાન અંગે એક નવી જ દૃષ્ટિ આપણી સમક્ષ ખૂલે. એમની પદ્ધતિ સીધીસાદી. લેખ હોય કે ફિલ્મોગ્રાફી- જે વ્યક્તિ વિષેની વાત હોય એના જીવનના આરંભથી લઈને સમગ્ર કારકિર્દીની વાત તબક્કાવાર આવવી જોઈએ. ઘણી વાર તો એમની આંકડાકીય માહિતી એવાં રહસ્યો ખોલે કે દંગ રહી જવાય. (જેમ કે- અવિનાશ વ્યાસની હિંદી ફિલ્મોની સંખ્યા નૌશાદ કરતાં ત્રણ જ ફિલ્મ ઓછી અને રોશન તથા હેમંતકુમારની ફિલ્મોની સંખ્યા કરતાં વધારે છે.) આંકડાકીય માહિતીનું એમનું ધોરણ એવું કે એ તદ્દન નક્કર હોવી જોઈએ, અનુમાન કે યાદશક્તિ આધારિત નહીં. જે સ્રોતમાંથી એ મળી હોય, એના સિવાયના બે-ત્રણ સ્થાને એનો તાળો મળવો જોઈએ. શક્ય હોય તો જેના વિષે લખાયું હોય એ વ્યક્તિ ખુદ પણ આ માહિતીને બહાલી આપે તો સારું. આમ છતાં, એને આખરી નહીં ગણવાનું, પોતાની વિવેકબુદ્ધિ વાપરવાની. જેમ કે, કેમેરામેન પ્રવિણ ભટ્ટ વિષે લખવાનું હતું ત્યારે હરીશભાઈએ એમને ફોન પર વિગત પૂછી. પ્રવિણભાઈએ પોતાની ફિલ્મોનો જે આંકડો કહ્યો, એ હરીશભાઈને વિશ્વાસપાત્ર ન લાગ્યો. એમણે પોતે ફિલ્મોગ્રાફી તૈયાર કરીને જે આંકડો કહ્યો એમાં ઘણો ફરક હતો, પણ કોઈ જ ફિલ્મ બાકાત નહોતી.
ઉપરાંત કોઈ પણ ફિલ્મનું વરસ કૌંસમાં લખાય એવો એમનો આગ્રહ, પણ કેવળ (’૭૮) નહીં, (૧૯૭૮) તરીકે એ લખાવું જોઈએ. આનું કારણ? ભવિષ્યમાં કોઈ કશી માહિતી મેળવવા માંગે તો એને શી રીતે ખ્યાલ આવે કે વાત ૧૯૭૮ની છે કે ૨૦૭૮ની ? એ પૂરી ગંભીરતાથી બસો-પાંચસો વરસ પછીનું વિચારે. બાપ રે ! સારું છે કે કાનૂની રાહે લેખકો માટે આવી આચારસંહિતા અમલી થાય એવી શક્યતા નથી. એમ થાય તો કેટલા બધા લેખકોએ લખવામાંથી બાકાત થઈ જવું પડે.
(ડાબેથી) હરીશભાઈ, એ.એસ.કોહલી, અનીલ બિશ્વાસ, હમરાઝ 
આવી કડક, કઠોર અને કઠિન કાર્યશૈલી એમની આપકમાઈ છે. એમને આપણે સહજ રીતે કશી વિગત પૂછીએ તો પણ એ કશુંય ‘લગભગ’ કહે નહીં. ફોન પર ‘એક જ મિનીટ ચાલુ રાખો ને’ કહીને એક મિનીટથીય ઓછા સમયમાં ચોક્કસ જવાબ આપે. આવી ઝડપ અને ચોકસાઈને લઈને ઘણાના મનમાં એવી છાપ છે કે હરીશભાઈ પાસે અમુક તૈયાર પુસ્તકો છે, જેમાંથી જોઈને એ તમે માંગો એ માહિતી આપે છે.
કશીય અપેક્ષા વિના, ફિલ્મને લગતું કામ કરનારને સામે ચાલીને માહિતી આપવા સદાય તત્પર હોવાને કારણે એમનો ગેરલાભ પણ લેવાય. હરીશભાઈની મદદ વિના ફિલ્મવિષયક લેખનનું કોઈ કામ થયું હોય તો એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગઈ હોવાનો પૂરો સંભવ. આમાં જરાય અતિશયોક્તિ નથી.
એમની મદદ લેનારમાંથી જૂજ લોકો એવા નીકળે કે એમના નામનો સૌજન્યસ્વીકાર કરે. બાકી તો નામોલ્લેખ સુદ્ધાં ટાળે. એમના ‘મુકેશ ગીતકોશ’ના થોડા વરસ પછી એક મહાશયે મુકેશ વિષે આવું જ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. હરીશભાઈના પુસ્તકમાંથી જ વિગતો લેવામાં આવી અને તેમના નામનો સૌજન્યસ્વીકાર ટાળવામાં આવ્યો. એટલું જ નહીં, ભારતભરમાં આ કામ પોતે જ સૌ કર્યું હોવાનો દાવો એમણે કરેલો. આવું બને ત્યારે હરીશભાઈ એમની લાક્ષણિક શૈલીમાં કહી દે, “એ તો સૂકા મગજનો માણસ છે. એની સાથે શું ઝઘડવું? ” કોઈ એમને માહિતી ન આપે ત્યારે પણ એમને ખીજ ચડે.
આની સામે પ્રમાણમાં ઓછા, છતાં સુખદ અપવાદ જેવા માણસો પણ મળતા રહે છે. વડોદરા આકાશવાણીના તત્કાલીન નિયામક અને કવિ યજ્ઞેશ દવેએ હિંદી ફિલ્મોના ગીતકારો પર આધારીત બોંત્તેર હપ્તાની અભૂતપૂર્વ શ્રેણી ‘ગીત તમારા હોઠો પર’નું નિર્માણ કર્યું. ગીતકારોને વિવિધ લેખકોમાં વહેંચી દેવાયેલા. પણ હરીશભાઈ સતત આ શ્રેણી વિષે અપડેટ રાખે. હવે કોના વિષેનો હપ્તો છે એ પ્રસ્તુતકર્તા અભિષેકને કે મને પૂછી લે અને સંબંધિત સામગ્રી મોકલી આપે. આ શ્રેણીના છેલ્લા હપ્તામાં લેખકોના ઈન્ટરવ્યૂનો ઉપક્રમ હતો. ત્યારે હરીશભાઈની પડદા પાછળની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં લઈને લેખકોની સાથોસાથ તેમનો પણ ઈન્ટરવ્યૂ લઈને તેમના પ્રદાનને બીરદાવાયું.
આ શ્રેણી સાથે સંકળાયેલો એક અન્ય કિસ્સો પણ હરીશભાઈની નિસ્બતનો ઉત્તમ નમૂનો છે. શ્રેણીના એક લેખક હતા સુરતના જ બકુલ ટેલર. અતિ વ્યસ્ત અને કામના બોજથી સતત દબાયેલા રહેતા બકુલભાઈના ફાળે ગીતકાર નક્શ લાયલપુરીનો હપ્તો લખવાનો આવેલો. હરીશભાઈને ક્યાં તકલીફ દેવી એમ વિચારીને બકુલભાઈએ જાતે જ નક્શસાહેબની ફિલ્મોગ્રાફી બનાવવાની ચેષ્ટા કરી. (પણ હરીશભાઇની મદદ વિના ફિલ્મોગ્રાફી શી રીતે પૂરી થઇ શકે?) હરીશભાઈ આ જાણીને લગભગ ગુસ્સે થઈ ગયેલા કે આટલા બધા બીઝી હોવા છતાં ફિલ્મોગ્રાફી બનાવવાનું વધારાનું કામ કરે છે તે મને નથી કહેવાતું?”
હરીશભાઈનો આવો ગુસ્સો પામવાય આત્મીયતા જોઈએ. નહીં તો એ જેને ‘સૂકા મગજના માણસ’ની શ્રેણીમાં મૂકી દે એની સાથે વિવાદ જ ટાળે.
બીજો એક કિસ્સો પણ નોંધપાત્ર છે. પોતાની કોલમમાં હરીશભાઈએ લેખક-દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર વિષે વિસ્તૃત લેખ લખેલો. વિગતો માટે ઠાકુરસાહેબના પરિવારજનો પાસે મિત્ર અજિંક્ય સંપટને પ્રશ્નો સહિત મોકલેલો. લેખ છપાયા પછી અજિંક્ય એ દિવસનું છાપું પણ પહોંચાડી આવ્યો. યોગાનુયોગે એ સપ્તાહે જ ઠાકુરસાહેબની પુણ્યતિથી આવતી હતી. ઠાકુરસાહેબની પુણ્યતિથી નિમિત્તે એમનાં કુટુંબીજનોએ પ્રસિદ્ધ કરેલી અખબારી જાહેરખબરમાં એમણે હરીશભાઈનો નામોલ્લેખ કરીને સૌજન્ય દાખવ્યું હતું.
હરીશભાઈને સૌથી વધુ આનંદ કલાકારોની ફિલ્મોગ્રાફી તૈયાર કરવામાં આવે. આ ફિલ્મોગ્રાફી એવી અધિકૃત કે વીતેલા જમાનાના વિખ્યાત કવિ-ગાયક પ્રદીપ, અભિનેતા ચંદ્રશેખર જેવા પોતાને લગતી માહિતી માટે પણ તેનો જ આધાર લેતા. તો નવા જમાનાના ગુલશન ગ્રોવર કે જહોની લીવરે સામે ચાલીને હરીશભાઈ પાસે પોતાની ફિલ્મોગ્રાફી તૈયાર કરાવડાવેલી. ફિલ્મોગ્રાફી વિષેના એમના પ્રેમને લઈને કોઈ પણ વ્યક્તિ વિષેના લેખમાં એની જન્મતારીખ, અવસાનતારીખ અને જન્મસ્થળ જાણવા ન મળે તો એ નારાજ થઈ જાય, અને નારાજગી વ્યક્ત પણ કરે. તેમ એ વિગત જાણવા મળે તો એ રાજી થઈ જાય. ખ્યાતનામ ગીતકાર કમર જલાલાબાદીની વેબસાઈટ એમની દીકરી સુભાષિની શિવપુરીએ તૈયાર કરી છે. (જેની લીન્ક આ બ્લોગની જમણી બાજુએ છે.) હરીશભાઈએ જોયું તો એમાં કમરસાહેબની જન્મતારીખ ખોટી લખાઈ હતી. એમણે સુભાષિનીનું ધ્યાન દોર્યું. પિતાજીની સાચી જન્મતારીખ એના સંતાનને ખબર હોય કે સંશોધકને? હરીશભાઈએ  પુરાવારૂપે કમરસાહેબનો પોતાના પરનો પત્ર પણ મોકલ્યો, અને આમ એ ભૂલ સુધારી લેવામાં આવી.

હરીશભાઈ એવી એવી અજાણી, અપ્રગટ માહિતી એકઠી કરે અને યોગ્ય સંદર્ભ સહિત રજૂ કરે કે આપણે આફરીન પોકારી જઈએ. પણ હરીશભાઈનો હેતુ પ્રશંસા ઉઘરાવવાનો જરાય નહીં. અમે મજાકમાં ઘણી વાર કહીએ કે- હરીશભાઈ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચે તો પહેલું કામ પોતાનો ફોટો પડાવવાનું નહીં, પણ એવરેસ્ટની ઉંચાઈ કન્ફર્મ કરવાનું કરે. એમનામાં રહેલો સંશોધક સદાય જીવંત, એને લઈને એમને પોતાની સિદ્ધી- પ્રસિદ્ધીના ફોટા પડાવવાની વૃત્તિ જ નહીં.
અહીં એક વિશિષ્ટ યુતિનો ઉલ્લેખ પણ કરવો જરૂરી, બલ્કે અનિવાર્ય છે. રાજકારણમાં યુતિઓ થતી આપણે જોઈ છે, જેમાં બન્ને પક્ષોનો સત્તાનો સ્વાર્થ હોય. પણ ફિલ્મસંશોધનના ક્ષેત્રે જે યુતિ સર્જાઈ અને એ પછી જે સ્તરે,જે પ્રકારે, જે વ્યાપમાં કામ થયું એના થકી બોલતી ફિલ્મોના આખા ઈતિહાસનું દસ્તાવેજીકરણ થઈ શક્યું. આ યુતિ એટલે કાનપુરના હરમંદિરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશીની. આ બન્ને મિત્રો ચોકસાઈમાં એકબીજાને ટપે એવા. એક ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ કરું.
માનો કે, ‘હમરાઝે’ હરીશભાઈ પાસેથી બારસો રૂપિયા લેવાના નીકળતા હોય અને હરીશભાઈએ ‘હમરાઝ’ પાસેથી હજાર રૂપિયા લેવાના હોય, તો સામાન્ય સંજોગોમાં અન્ય વ્યક્તિઓ ઉપરના બસો રૂપિયાની લેવડદેવડ કરીને હિસાબ પતાવે. પણ આ બન્ને કાયદેસર હજાર અને બારસો રૂપિયાની લેવડદેવડ કરે. ભૂલ થવાની કશી શક્યતા જ નહીં. સહેજે કલ્પી શકાશે કે માહિતીમાં કઈ હદની ચોકસાઈ એમના દ્વારા રખાતી હશે. એકબીજાની કાર્યપદ્ધતિ માટે બન્નેને આદર, પણ ચોકસાઈમાં કોઈ એકબીજાને ન ગાંઠે.
હરીશભાઈનો ચોકસાઈપ્રેમ નાનામાં નાની બાબતોમાંય જોઈ શકાય. આ ચોકસાઈ સંશોધનમાં ભળે એટલે ગજબનાં પરિણામ લાવે. પણ રોજિંદા વ્યવહારમાંય એ ઝળકતી જોવા મળે.
મારે એમની સાથે વિશેષ પરિચય ચારેક વરસથી થયો. દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વાર એમનો ફોન હોય જ. બીજી બધી વાતોની સાથોસાથે એમની સાચુકલી નિસ્બત પણ છતી થયા વિના રહે નહીં. મારે ક્યાંય બહાર જવાનું હોય તો એ પ્રેમથી મારો કાર્યક્રમ પૂછી લે અને જણાવે, “સહેજ વહેલા નીકળવું સારું.” ચીવટ અને દરકાર એવી કે સામાન્ય રીતે રાતના નવ પછી ફોન ન કરતા હરીશભાઈ ક્યારેક હું બહારથી મોડો ઘેર આવું ને હજી તો ઘરમાં પગ મૂકું ત્યાં જ ફોન રણકે. ફોન ઉપાડું એટલે પૂછી લે, “આવી ગયા?” બસ, આટલું પૂછીને મૂકી દે. આ કારણે એક સ્નેહાળ વડીલની છાયામાં હોવાની અનુભૂતિ થતી રહે.  
સમસુખીયાઓની મહેફિલ: (વચ્ચે) હમરાઝ, હરીશભાઈની સાથે
સંગીતપ્રેમી  મિત્રો રાજકોટમાં 

રજનીભાઈ સાથે પણ લગભગ રોજ સવારે ફોન પર એમની વાતચીત થાય જ. એ જ રીતે સુરતના કે.કે. સાથે પણ એમને રોજેરોજ ફોન વ્યવહાર. વાત પતાવતી વખતે ‘કંઈ કામકાજ હોય તો કહેજો’ એમ બોલીને ફોન મૂકે. પણ અમને ખબર કે એ કહેવા ખાતર આવું નથી કહેતા. અમારા સૌના માટેની દરકાર અને નિસ્બતને લઈને એ જે પ્રશ્નો પૂછે અને અમે જવાબ આપીએ એને કારણે મોટે ભાગે એવું બને કે હરીશભાઈને અમારી દિવસભરની ગતિવિધીની જાણ હોય. આને લઈને રજનીભાઈએ એમને મજાકમાં ‘ખબરી’નું બિરુદ આપ્યું છે. ક્યારેક એ રજનીભાઈને મારા સમાચાર આપતાં કહે, “(બીરેનભાઈ સાથે) હમણાં જ વાત થઈ. બહારથી આવી ગયા. અત્યારે જમવા બેઠા છે.” ત્યારે રજનીભાઈ પોતાને ‘સવાયા ખબરી’ સાબિત કરવા ગમ્મતમાં કહે, “એ જમવા બેઠો છે એ તો હુંય જાણું છું. એણે શેનું શાક ખાધું એ કહો તો ખરા.” ટૂંકમાં, એમના ધ્યાનબહાર કશુંય ન હોય.
સુરત જ્યારે પણ જવાનું થાય ત્યારે અમારી મિનીટે મિનીટનો સદુપયોગ થઈ શકે એ રીતે એમણે આયોજન કરી રાખ્યું હોય, જેમાં અમારા કામને લગતી બાબતોની સાથેસાથે હર્ષવદન ભગતજી અને રોહીતભાઈ મારફતિયા જેવા રસિક અને જ્ઞાની મિત્રોને મળવાનું પણ સામેલ હોય.
ઈન્ટરનેટ આવ્યા પછી પોસ્ટકાર્ડનો ઉપયોગ હરીશભાઈએ ઘટાડ્યો છે, પણ ચોકસાઈ? ફિલ્મોની-ગીતોની અવનવી સાઈટ્સ, લીન્ક્સ, માહિતી એ શોધતા રહે. જરૂર હોય ત્યાં સુધારો સૂચવતા રહે. અમારા જેવા મિત્રોને મોકલતા રહે. અનેક મિત્રોને એમની રસરુચિ મુજબના મેલ મોકલતા રહે. મેલને સીધેસીધા ફોરવર્ડ કરવાને બદલે ભૂલ હોય ત્યાં સુધારી લે, જેથી એ આગળ વધતી અટકે. આપણે ત્યાં તો ઈ-મેલ મળ્યાની જાણ પણ બહુ ઓછા લોકો કરતા હોય છે. હરીશભાઈનો મેલ મળ્યાની જાણ આપણે ‘થેન્ક્સ ફોર ધ મેલ’ લખીને કરીએ તો વળતો મેલ ‘થેન્ક્સ ફોર ધ એક્નોલેજમેન્ટ’નો એમનો આવ્યો જ હોય. રસીદ મળ્યાની રસીદ આપતી બીજી વ્યક્તિ હજી મારે જોવાની બાકી છે.
અમારા માટે એમની પાસે અનેક સૂચનો હોય, વિષયો હોય અને એ અમને અવારનવાર કહેતા રહે. એવુંય બને કે અમારાથી એનો અમલ શક્ય ન પણ બને. છતાંય એ નારાજગી ન દેખાડે. એનો ઉલ્લેખ કરીને અમને શરમિંદા પણ ન કરે. અને બીજી વખત પાછા એ જ સજ્જતા સાથે મદદ માટે તૈયાર હોય.મેં બ્લોગ શરૂ કર્યો એ પછી કદાચ મારા કરતાં વધુ ફિકર એમને રહેતી હશે કે અહીં શું નવું નવું મૂકી શકાય.
એમની સાથેના આવા પરિચય પછી સ્વાભાવિક છે કે ફિલ્મ વિષેનો કોઈ પણ લેખ અમે લખીએ ત્યારે શૈલી અને વિષયપસંદગી ભલે અમારાં હોય, પણ વિગતોનો ઉલ્લેખ કરતી વખતે મનમાં હરીશભાઈ જ હોય.
ક્યારેક એમ લાગે કે ફિલ્મજગતનું કેટલું મોટું ઋણ હરીશભાઈએ અદા કર્યું છે. એની નોંધ તો ઠીક, અહેસાસ સુદ્ધાં કોઈને હશે ખરો? એમના આવા પ્રદાનને શી રીતે સન્માની શકાય? એ પોતે તો ‘નેકી કર કૂએંમેં ડાલ’ની ભાવનાથી કામ કર્યે જાય છે.
**** **** ****
જન્મતારીખ પ્રત્યેના પોતાના લગાવને કારણે હરીશભાઈને બીજો એક શોખ છે. વિવિધ લોકોને એમના જન્મદિને ફોન કરીને શુભેચ્છા પાઠવવાનો. એમનો આ ક્રમ એકદમ નિયમીત. એનો કિસ્સો જુઓ. સુરતના વરિષ્ઠ ગઝલકાર, હાસ્યકાર રતિલાલ ‘અનિલ’ને પોતાનો સાચો જન્મદિન હવે અવસ્થાને કારણે યાદ નથી, પણ એમને પૂછીએ તો એ કહેશે, “હરીશભાઈને પૂછી લેજો. કેમ કે દર વરસે એમનો મારા પર નિયમીત ફોન આવે છે. એ કહે એ સાચું.”
આની સામે એમના પોતાના જન્મદિને કોઈ ફોન કરે કે ન કરે એની બહુ પરવાય નહીં. એમને પરવા ન હોય એ બરાબર, પણ આપણે એ યાદ રાખવું જ જોઈએ. એ યાદ કરતાં આનંદ થાય છે કે આજે ૧૫મી ઓક્ટોબરે ૧૯૪૯માં જન્મેલા હરીશભાઈ ૬૨ વર્ષ પૂરાં કરીને ૬૩મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
હરીશભાઈના ૬૩મા જન્મદિને એમને સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ. એમના ફોન નંબર લેખના આરંભે લખેલા છે. ઈ-મેલ પર એમનો સંપર્ક harishnr51@gmail.com  દ્વારા થઈ શકે.
**** **** ****
હરીશભાઈ માટે હરમંદિરસીંઘ ‘હમરાઝ’ને એટલો ભાવ અને આદર છે કે મારી વિનંતીને માન આપીને એમણે ખાસ આ પોસ્ટ માટે પોતાનું લખાણ મોકલી આપ્યું. જે અહીં શબ્દશ: મૂક્યું છે.

मेरे अभिन्न साथी हरीश रघुवंशी

हरीश रघुवंशी का नाम लेते ही मेरे ज़ेहन में एक ऐसी शख़्सियत की तस्वीर उभरती है जिसे मैं सही मायनों में अपना प्रतिद्वन्द्वी नहीं बल्कि अपने से बेहतर इन्सान मानता हूँ.  अनगिनत पारिवारिक समस्याओं से जूझते रहने के बावजूद, जो शायद उनकी नियति बन गई हैं, उनका जुनून देखकर मुझे लगता है कि वे मुझसे कई क़दम आगे हैं.  उनके जन्मदिन पर उन्हें याद करना एक सुखद एहसास दिलाता है.
     लगभग 30 वर्ष पूर्व वे मेरे सम्पर्क में जब आए थे तो उन दिनों वे मुकेश के गाए गीतों की तलाश में दर-दर भटक रहे थे. उस वक़्त भी उनका उत्साह और जुनून देखकर मैं आश्चर्यचकित रह गया था क्योंकि वे सैकड़ो किलोमीटर दूर जा-जा कर मुकेश के गाए गीतों की रिकॉर्डिंग इकट्ठा करने के कठिन काम में लगे हुए थे.उल्लेखनीय है कि उन्होंने मुकेश के दुर्लभ गीतों की खोज-संकलन-रिकॉर्डिंग आदि का कार्य जब किया तब तक गीत कोश का खण्ड-3 ही प्रकाशित हो पाया था.  फरवरी 1984 में जब खण्ड-2 का विमोचन हुआ, तब तक वे 95 प्रतिशत कार्य पूरा कर चुके थे जो कि अपने आप में एक बहुत बड़ी उपलब्धि थी.
     ख़ुशी तो है कि सीमित साधनों के कारण हिन्दी भाषा में जब मुकेश गीत कोश की छपाई उनके अपने शहर बड़ौदा में न हो पाई तो वह कार्य मैंने कानपुर में कराने का प्रयास किया लेकिन उसमें गुणवत्ता (छपाई की) नहीं आ पाई जिसका मलाल मुझे ज़िन्दगी भर रहेगा क्योंकि ऐसे कार्य करने-कराने का सुअवसर बार-बार नहीं मिलता.
दो सितारों का मिलन 
            बाद के वर्षों में उनका जो सहयोग मुझे मिलता रहा, उन्हें शब्दों में बयान कर पाना मुश्किल है.1980 में गीत कोश, खण्ड-3 के प्रथम संस्करण के प्रकाशन के साथ ही उनसे हर तरह की सहायता मिलनी शुरू हो गई थी. उनका व्यक्तित्व बहु-आयामी कहा जाए तो अतिश्योक्ति न होगी.बाद के वर्षों में उन्होंने विभिन्न कलाकारों की फ़िल्म-सूचियां संकलित-प्रकाशित करने का दुरूह कार्य किया. किसी भी एक गायक – मुकेश - के गीतों के पूरे-पूरे बोलों के साथ संग्रह को सर्वप्रथम प्रस्तुत करने का तो श्रेय उन्हें मिला ही,हिन्दी फ़िल्म गीत कोश की देखा-देखी किसी भी अन्य भाषा – गुजराती - में निर्मित फ़िल्मों एवं उनके गीतों की जानकारी को लेकर गुजराती फ़िल्म गीत कोश नामक प्रामाणिक ग्रन्थ प्रस्तुत करने वाले भी वे प्रथम संगीत-प्रेमी बने. इन्हें ना भुलाना उनके गहन शोध-कार्य का ज्वलन्त उदाहरण है जिसमें अनेक भूली बिसरी फ़िल्मी हस्तियों से सम्बन्धित जानकारी को उन्होंने प्रस्तुत किया है. 
     हिन्दी फ़िल्म गीत कोश के विभिन्न प्रकाशित खण्डों को परिपूर्णता के साथ प्रस्तुत करने में उनका लगातार सहयोग मिलता रहा, इसे मैं अपना परम सौभाग्य मानता हूँ. वर्ष 2004 में अमर गायक कुन्दन लाल सैगल को लेकर हम दोनों के संयुक्त प्रयास से जब दिल ही टूट गया का प्रकाशन सम्भव हो पाया, इसका एहसास ही मुझे रोमांच पैदा कर देता है क्योंकि सैगल साहब को लेकर कोई भी प्रामाणिक ग्रन्थ तब तक उपलब्ध ही नहीं था.
     संयुक्त प्रयासों के साथ अब हिन्दी फ़िल्मों के संगीतकार – 1931 से 2010 – पुस्तक के प्रकाशन पर हम दोनों मिलकर जो कार्य कर रहे हैं, उसे वर्ष 2012 में हर हाल में प्रकाशित कर देने के प्रयास किए जा रहे हैं.
     उनके 63 वें जन्मदिन पर मैं उन्हें हार्दिक बधाई देता हूँ और अपने स्वार्थ को ध्यान में रखते हुए उनकी लम्बी आयु की कामना भी इसलिए करता हूँ ताकि उनसे सहयोग मिलता रहे और गीत कोश के,1980 से बाद की हिन्दी फ़िल्मों की जानकारी को लेकर, शेष खण्ड भी प्रकाशित हो सकें. नवम्बर 2011 में स्टेट बैंक से सेवानिवृत्ति के पश्चात् अब शेष संकलन-कार्य हरीश भाई के सहयोग से सम्भव हो सकें, ऐसी मेरी कामना है वरना मेरी आत्मा भी अधूरे कार्य को पूरा करने के लिए भटकती रहेगी.

                                           हर मन्दिर सिंह हमराज़ (कानपुर)