Wednesday, January 31, 2024

કહત કાર્ટૂન...(4)

30 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદસ્થિત 'સ્ક્રેપયાર્ડ'માં 'કહત કાર્ટૂન...'શ્રેણી અંતર્ગત ચોથો કાર્યક્રમ યોજાયો. વિષય હતો: 'ગાંધીજી: સર્વવ્યાપી, છતાં ગેરહાજર.' ગાંધીજી પર દોરાયેલાં વ્યંગ્યચિત્રોને કેન્‍દ્રમાં રાખીને અગાઉ મેં ડઝનેક કાર્યક્રમ કર્યા છે, પણ આ વખતના કાર્યક્રમમાં ગાંધીજીનાં કાર્ટૂનોમાંથી એક જ વિષયવસ્તુને પસંદ કરીને એને વિસ્તારીત કરી હતી. 'સ્ક્રેપયાર્ડ'ના સજ્જ શ્રોતાગણનો ત્રણેક વાર પરિચય થયા પછી આ વિચાર આવ્યો અને એને અમલમાં મૂક્યો. એવાં કાર્ટૂનો પસંદ કર્યાં કે જેમાં ગાંધીજી પ્રત્યક્ષપણે ન દેખાય, છતાં તેમની હાજરી વર્તાય. આ કાર્યક્રમની કોઈ આગોતરી સ્ક્રીપ્ટ હું તૈયાર કરતો નથી, ફક્ત જે તે કાર્ટૂનના સંદર્ભ પૂરતી તૈયારી કરું છું. એને કારણે અનેક એવી બાબતો ક્થન વખતે સૂઝે અને એ કહેવામાં આવે એવી જ રીતે સામે છેડેથી ઝીલાય એની મઝા જ ઓર છે. વિવિધ વયજૂથના શ્રોતાઓ હોવાથી એ પણ ખ્યાલ આવે છે કે આ વિષયમાં સૌને કેવો રસ પડે છે.

અત્યાર સુધી કરેલા આ ચોથા કાર્યક્રમને કારણે હવે મને આ વિષયમાં વધુ ને વધુ ઊંડે ઊતરતા જવાનું, અને શ્રોતાઓને લઈ જવાનું સાહસ કરવાનું મન થાય છે. આવા સજ્જ શ્રોતાઓ ઘડવા અને આવા બિનપરંપરાગત કાર્યક્રમ માટે એક અવકાશ ઊભો કરવો એ ખુદ એક સાહસ છે, અને એ માટે કબીર ઠાકોર-નેહા શાહ દંપતિ અભિનંદનને પાત્ર છે.
કાર્યક્રમ પૂરો થયા પછી પણ એટલી જ મઝા આવે છે. જાણીતા-અજાણ્યા અનેક લોકો મળે, અનેક મુદ્દાઓ છેડાય અને મોટેથી હસવાના અવાજ ગૂંજતા રહે.
આગામી કાર્યક્રમ અને તેના વિષયની ઘોષણા ટૂંક સમયમાં.





(તસવીરો: ઈશાન કોઠારી)