Showing posts with label Spiti Valley. Show all posts
Showing posts with label Spiti Valley. Show all posts

Thursday, July 3, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (15): એક આંખ બીજી આંખને ક્યાં જોઈ શકે છે?

કોઈ પણ પ્રદેશમાં ફરીને પાછા આવીએ એ પછી એની સ્મૃતિઓ થોડો સમય તાજી રહેતી હોય છે. પણ હિમાલયના પ્રદેશની વાત અલગ છે. એની પ્રકૃતિ, હિમશીખરો, પહાડી સંસ્કૃતિ, નદીનાળાં- આ બધાનું આકર્ષણ એવું હોય છે કે એ મનમાંથી ખસે નહીં. હિન્દી સાહિત્યકાર-પ્રવાસી કૃષ્ણનાથે પોતાના પુસ્તક 'સ્પિતી મેં બારીશ'ના આમુખમાં લખ્યું છે: 'હિમાલયનો પ્રત્યેક ભાગ પોતાની રીતે પૂર્ણ છે, છતાં વાસ્તવમાં અપૂર્ણ. હિમાલયને આખેઆખો કોણ જાણી શક્યું છે? હિમાલય જ હિમાલયને ઓળખી શકે. કે પછી કદાચ એ પણ નહીંં. એક આંખ બીજી આંખને ક્યાં જોઈ શકે છે?'

કાલપાના એક મંદિરના દરવાજાનો એક હિસ્સો 

મેદાની પ્રદેશમાં રહેતા આપણા જેવા લોકોને પહાડી ભૂગોળનું આકર્ષણ હોય એ સ્વાભાવિક છે, પણ પહાડી જનજીવન દૂરથી જેટલું રોમેન્ટિક લાગે એટલું હોતું નથી. મધ્ય હિમાલયમાં વસેલો સ્પિતી ખીણનો પ્રદેશ વર્ષાછાયાનો પ્રદેશ છે. અહીં વરસાદ ઓછો પડે છે એમ નહીં, બિલકુલ પડતો જ નથી. પડે છે કેવળ હિમ. આ કારણે અહીંનું ખાનપાન અને રહનસહન સાવ અલગ છે.

કાલપા નજીકના ખડક 
આ સમગ્ર વિસ્તારમાં મકાનની બાંધણી બાબતે એક ખાસ બાબત એ જોઈ કે અહીં મકાનોના સ્લેબ સિમેન્ટથી ભરેલા નથી હોતા. છત વળીઓની બનેલી, એની ઉપર ઘાસ ઢંકાયેલું હોય. વરસાદ ન હોય તો સ્લેબની શી જરૂર? જો કે, માત્ર હિમવર્ષા થાય છે, છતાં છત ઢોળાવવાળી નથી એ જોઈને નવાઈ લાગી. પૂછતાં સંતોષકારક જવાબ ન મળ્યો, જે પછી કૃષ્ણનાથના પ્રવાસવર્ણનમાં મળ્યો. અહીં તડકાનું, તડકામાં વસ્તુઓ સૂકવવાનું બહુ મહત્ત્વ છે. બરફ તો સાફ કરી શકાય, પણ વસ્તુઓ સૂકવવા માટે જગ્યા અને તડકો જોઈએ. એ કારણે આવી છત રખાય છે. પીવાનું પાણી હિમ પીગળવાથી જે મળે એ. સતત સૂકી અને ઠંડી હવા ત્વચાના રંગ અને સુંવાળપ પર પણ અસર કરે
છે.

છતને અંદરના ભાગે નીચેથી જોતાં

સમગ્ર સ્પિતી ખીણમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે, જે સદીઓથી તિબેટ સાથે રહેલા વ્યવહારનું પરિણામ હશે. આક્રમણખોરો, ધર્મગુરુઓ, પશુઓ વગેરેનો અહીંના લોકોને અનુભવ હશે, પણ પ્રવાસી નામની પ્રજાતિ એમના માટે પ્રમાણમાં નવી છે. જે રીતે પ્રવાસીઓનો ધસારો અહીં થઈ રહ્યો છે, જે પ્રમાણમાં એમના માટે સુવિધાઓ ઊભી કરાઈ રહી છે એ જોતાં પ્રવાસીઓની આખી અલાયદી સંસ્કૃતિ અહીં ઊભી થશે એમ લાગે છે. હિમાચલ પ્રદેશમાં એમ બન્યું હોવા છતાં ત્યાંના લોકોમાં હજી સરળતા ટકી રહી હોય એમ લાગે. નવાઈ લાગે એવી વાત એ છે કે લદાખના કે સ્પિતીના આ પ્રદેશમાં દરેક ઠેકાણે વેસ્ટર્ન ટોઈલેટ જોવા મળ્યાં- તંબૂઓમાં સુદ્ધાં. આ વિકસતી જતી પ્રવાસન સંસ્કૃતિ છે.
તાબોમાં એક ચાની લારીએ
મિત્ર ઋતુલ જોશીએ ટ્રાફિકસમસ્યા વિશેના એક લેખમાં લખેલું એમ આપણે જ્યારે ભારે ટ્રાફિકની ફરિયાદ કરતા હોઈએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આપણે પોતે પણ ટ્રાફિક જ છીએ. એવું જ પ્રવાસીઓ માટે કહી શકાય. આપણે જ્યારે પ્રવાસીઓના ધસારાની વાત કરીએ ત્યારે એમાં આપણે સામેલ જ હોઈએ છીએ.

લથબથ ફૂલો સ્થળ જોયા વિના ઊગે
પ્રવાસી માનસિકતા સામાન્ય રીતે 'પૈસા ફેંંકીને' પોતાને ફાવતી સુવિધા મેળવવાની છે. આને કારણે દરેક પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓ માટેનું જુદું બજાર ઊભું થાય છે. એક સમયના અતિ દુર્ગમ ગણાતા આ પ્રદેશોમાં હવે નકરી ભીડ ઠલવાવા લાગી છે, જેની પોતાની વિપરીત અસરો હોય જ. ભીડને રોકી શકાય એમ નથી, પણ સ્થાનિક સંસ્કૃતિનો પરિચય કેળવવાનો પ્રયત્ન કરવામાં આવે, તેને જે તે સ્થળના ભૌગોલિક સ્થાનના પરિપ્રેક્ષ્યમાં સમજવામાં આવે તો કદાચ ઘણો ફરક પડી શકે.
સ્પિતી ખીણમાં નાસ્તાનાં લાલપીળા પડીકાં ખાસ જોવા ન મળ્યા. કારણ ખબર નથી, પણ એ મનમાં નોંધાયું અને ગમ્યું પણ ખરું. પહાડી સ્થળે, અને એ પણ આટલા ઊંચા, નિર્જળ વિસ્તારની સ્વચ્છતાની આગવી સમસ્યાઓ અને ઊકેલ હોય છે, જે પ્રવાસીઓના ધસારાને કારણે ખોરવાઈ જાય છે.
ગ્યુ મોનેસ્ટ્રીનો એક હિસ્સો


કાઝામાં 'ઈકોસ્ફીયર' નામની એક સંસ્થા પણ હતી, જેમાં સ્વયંસેવક તરીકે જોડાઈને સ્થાનિકોને મદદરૂપ બની શકાય છે. બદલામાં આપણા રહેવાની વ્યવસ્થા એ લોકો કરી આપે. આવા ઉપક્રમ બહુ ઉપકારક નીવડતા હોય છે, કેમ કે, સ્થાનિકોની સાથે જઈને રહીએ નહીં ત્યાં સુધી એમના જીવનનો અંદાજ આવવો મુશ્કેલ છે.

કોમિકની મોનેસ્ટ્રી 
મુદ સહિત અનેક વિસ્તારમાં અમે ઈંધણાંના ઢગ ગોઠવાયેલા જોયા. આ વૃક્ષવિહીન વિસ્તારમાં ઝાડનાં કાપેલાં લાકડાં ક્યાંથી આવ્યાં? જાણવા મળ્યું કે સરકાર એને રાહત દરે પૂરાં પાડે છે. આવા દુર્ગમ સ્થળે ગેસલાઈન કે ગેસ સિલીન્ડર પહોંચાડવાં કેવાં મુશ્કેલ છે એ તો ગયા વિના પણ સમજાય!
આવી તો અનેક બાબતો હશે, જેનો આપણને અંદાજ સુદ્ધાં આવવો મુશ્કેલ છે. દયા કે સહાનુભૂતિથી નહીં, કેવળ કુતૂહલથી વિચારીએ તો પણ આ જાણવામાં રસ પડે એવો છે.

કોમિકમાં 
હિમાચલ પ્રદેશમાં સમગ્રપણે સ્થાનિકોનો અનુભવ ઘણો સારો રહે છે. તેઓ હસમુખા, સરળ અને મદદગાર જણાય. અલબત્ત, આપણને મળેલા છૂટાછવાયા અને ગણતરીના લોકો પરથી આખા પ્રદેશના લોકોનું સામાન્યીકરણ ન કરી શકાય. છતાં પ્રવાસી તરીકે જોઈએ તો આમ લાગ્યું છે.

છિતકુલની શેરીમાં 

પંડિત રાહુલ સાંકૃત્યાયન અને કૃષ્ણનાથ જેવા પૂર્વસૂરિઓએ આ પ્રદેશને એ સમયગાળે ખેડેલો જ્યારે અહીં આવાગમનની સુવિધા પાંખી હતી અને આ પ્રદેશ વર્ષના ચારેક મહિના સુધી જ સંપર્કમાં રહેતો. આથી જ તેમનાં નિરીક્ષણો અને અભ્યાસ બહુ મહત્ત્વનાં અને આજેય એટલા રસપ્રદ જણાય છે.

પંદર હજાર ફીટની ઊંચાઇએ 'વનસ્પતિ' 

સ્પિતી ખીણનો અમારો આ પ્રવાસ પૂરો થયો, પણ મનમાં એ એક સુખદ સ્મૃતિ તરીકે અંકાયેલો રહેશે એ નક્કી.

Wednesday, July 2, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (14): આ અબ લૌટ ચલે

સાંગલાથી નીચે ઊતરી કરછમ બંધવાળા રસ્તે અમારે આગળ વધવાનું હતું. ચંડીગઢથી મુસાફરી શરૂ કરતી વખતે શીલારૂ ગામની હોટેલમાં રોકાયેલા ત્યાં જ અમારે વળતાં પણ રોકાવાનું હતું. આ નેશનલ હાઈવે પાંચ હતો. રોડ ઘણો સારો, અને પર્વતની ધારે ધારે હતો, છતાં વાહનની ઝડપ સારી કહી શકાય એવી હતી. સતલજ નદીની એકદમ સાંકડી ખીણ ક્યાંક વધુ સાંકડી થતી, તો ક્યાંક સહેજ પહોળી. વચ્ચે નાનાં ઝરણાં દેખાતાં. એકાદ સ્થળે થોડોઘણો વરસાદ પણ પડ્યો. તેને કારણે પાછળ પહાડોમાં મેઘધનુષ જોવા મળ્યું. સૂર્ય સંતાકૂકડી રમતો હતો. વચ્ચે પર્વત આવી જાય તો એ સંતાઈ જતો અને એટલા વિસ્તારમાં જાણે કે સાંજ પડી ગઈ હોય એમ જણાતું. વળી પર્વત હટી જાય તો સાંજનું અજવાળું બરાબર દેખાતું. સાંજના સાડા છ- સાત થયા હશે, અને અમારા અંદાજ મુજબ અમારે પહોંચતાં સહેજે સાડા દસ થવાના હતા.

સૂર્ય ધીમે ધીમે સાવ ઢળી ગયા પછી પણ અજવાળું હતું. આથી દૃશ્યો બરાબર જોઈ શકાતાં હતાં.
ઠીક ઠીક લાંબું અંતર કાપ્યા સહેજ બ્રેક લેવા માટે એક હોટેલ પાસે વાહન ઊભું રખાયું. સાદી ચા- લેમન ટી- કૉફી- લેમન જિંજર હની ટી જેવા વિકલ્પમાંથી હજી અમે કશું નક્કી કરીએ એ પહેલાં તો ડ્રાઈવરે ચા પતાવી દીધી હતી. હોટેલની સામે એક ભાઈ પ્લમ લઈને વેચવા બેઠા હતા. કદમાં થોડા નાનાં, રંગ પણ હજી લીલાશ પડતો હતો, છતાં તેની મિઠાશ અને રસાળતા ગજબ હતી. રસ્તામાં ખાવા માટે સૌએ થોડાં થોડાં ખરીદ્યાં. છેલ્લે એ ભાઈ કહે કે આ બાકી રહ્યાં છે એ પણ લઈ લો, તો મારે પાછા લઈ જવા ન પડે. એટલે એ પણ લીધાં.

બ્રેક પછી મુસાફરી પાછી શરૂ કરી. એવામાં અમને યાદ આવ્યું કે આ સમગ્ર મુસાફરી દરમિયાન અમે અંતાક્ષરી રમ્યા જ નથી. આથી અમને પ્રવાસી ગણવામાં આવશે કે કેમ! બહાર અંધારું હોવાથી આમ પણ કશું જોઈ શકાતું ન હતું એટલે અમે અંતાક્ષરી રમવાનું ચાલુ કર્યું. જોતજોતાંમાં સવા દસ આસપાસ અમે ઊતારે આવી પહોંચ્યા. ભોજન પછી થોડું બેસીને છૂટા પડ્યા. આજની રાત આ પ્રદેશની અમારી છેલ્લી રાત હતી.

બીજા દિવસે અમારે અહીંથી ચંડીગઢનો વળતો પ્રવાસ શરૂ કરવાનો હતો. સવારે ચા-નાસ્તો કરીને અમે સૌએ અમારા ડ્રાઈવર દિનેશકુમાર સાથે સમૂહ ફોટો લેવડાવ્યો. એ પછી મુસાફરી શરૂ કરી. ટ્રેન સાંજની હોવાથી અમારા મનમાં એમ હતું કે બપોર આસપાસ ચંડીગઢની નજીકમાં ક્યાંક ભોજન લઈશું અને કલાકેક પહેલાં સ્ટેશને ઊતરીશું.

પ્રવાસમંડળી: (ડાબેથી): શૈલી, સુજાત, ઈશાન, પરેશ,
ડ્રાઈવર દિનેશકુમાર, બીરેન, કામિની, પ્રતિક્ષા અને મલક
(જોઈ શકાય છે કે કોઈએ ગરમ કપડું પહેર્યું નથી)

વળતાં અમારે શીમલા બાયપાસનો રસ્તો લેવાનો હતો. એ પહેલાં રસ્તામાં નાના સ્ટોલ લગાવીને વિવિધ ફળ વેચનારા બેઠેલા હતા. આ ઊપરાંત મધ વેચનારા પણ હતા. અમે વિવિધ ફળો અને મધ ખરીદ્યાં. અહીંનાં એકે એક ફળો અહીંના વાતાવરણને લઈને એટલાં રસાળ હોય છે કે મોંમાં મૂકતાં જ એ અનુભવાય. બીજું કે એ ફળ અહીંના વાતાવરણમાં ખાવાની મજા જ જુદી છે.
વળતી મુસાફરી શરૂ થઈ એમ ગીચતા વધવા લાગી. હિમશીખરો જાણે દૂર સરકી ગયાં. હરિયાળી પુષ્કળ હતી. રસ્તા પણ એકંદરે સારા હતા. શિમલા નજીક આવતું ગયું એમ ગીચતા ઓર વધી.
એ પછી એ ઘટતી જણાઈ. બાયપાસવાળા રસ્તે ટ્રાફિક પણ ઓછો હતો. ગરમી લાગવા માંડી હતી. એક જગ્યાએ બે જણે રોડની વચ્ચોવચ્ચ ઊભા રહીને અમારું વાહન થોભાવ્યું. વાહન ઊભું રાખતાં તેઓ બારી પાસે આવ્યા અને પૂછ્યું, 'આપ કિતને લોગ હૈ જી?' બે જણા હાથમાં 'ફ્રૂટી'નાં પેકેટ લઈને નજીક આવ્યા. અમે પૂછ્યું, 'યે કિસલિયે?' તો એમણે કહ્યું, 'લંગર હૈ જી.' અમે રાજીખુશીથી 'ફ્રૂટી' સ્વીકારીને એમની સેવાભાવનાની કદર કરી. એ લોકો દરેક વાહનમાં 'ફ્રૂટી' આપતા હતા. અહીં પર્વતો હતા, ઠંડક હતી, છતાં તડકો એવો હતો કે 'ફ્રૂટી'ની જરૂર પડતી હતી.

પાછા વળતાં રસ્તે...

છેલ્લો છેલ્લો પર્વતીય નજારો
વચ્ચે એકાદ જગ્યાએ અમે ભોજન માટે ઊભા રહ્યા. એ પછી ચારેક વાગ્યે ચંડીગઢ સ્ટેશને ઊતર્યા. રસ્તામાં ડ્રાઈવર દિનેશકુમાર પર એમનાં બૉસમેડમનો ફોન આવ્યો કે અમારો વિડીયો પ્રતિભાવ એમણે લઈ લેવો. દિનેશકુમાર સહેજ અકળાઈને કહે, 'સબ ખુશ હૈ જી. આપ હમ કો ગાડી ચલાને દો.' છેવટે ચંડીગઢ સ્ટેશને એમણે કહ્યું, 'સર, આપકા ફોટૂ લે લેતે હૈ. મેડમ કો ભેજના હૈ.' અમે પૂછ્યું, 'વિડીયો લેવો છે? તો અમે કંઈક બોલીએ.' એ હસીને કહે, 'ફોટૂ હી ઠીક હૈ.' એમ એમણે અમારો ફોટો લીધો. એમની સાથે 'આભાર-મજા આવી'ની આપલે કરીને અમે ચંડીગઢ સ્ટેશનમાં પ્રવેશ્યા.

અહીં કોઈક બીજી જ દુનિયામાં આવી પડ્યા હોઈએ એમ લાગતું હતું. કાલે દેખાતાં પેલા પહાડ, હિમશીખરો, દેવદારનાં જંગલો બધું જાણે કે ગયા જનમની વાત હોય એમ લાગતું હતું. અને સ્પિતીના પીળા પહાડ? એની મુલાકાત લેનારા અમે જ હતા? કે કોઈ સ્વપ્ન હતું?
હવે એ બધું અમારા સ્મૃતિઆલબમમાં કાયમ માટે સચવાઈ રહેવાનું હતું. 'અમે સ્પિતી ગયેલા ત્યારે...' થી શરૂ થતી વાર્તા બની રહેવાનું હતું.

Tuesday, July 1, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (13): પહલે બોર્ડ પઢ લો, ફિર અંદર આઓ

કાલપાથી છિતકુલનું અંતર સાઠેક કિ.મી. જેટલું, અને એમાં વચ્ચે સાડત્રીસેક કિ.મી.એ સાંગલા આવે. એ હિસાબે છિતકુલથી સાંગલા ત્રેવીસેક કિ.મી. થાય. કાલપાથી ઊતરતો રસ્તો અને વચ્ચે આવતા કરછમથી ચડતો રસ્તો. તીવ્ર વળાંક અને કાચોપાકો રસ્તો એટલે સમય ઘણો જાય. સાવ સરહદ પર આવેલા છિતકુલથી અમે પાછા વળ્યા અને વચ્ચે આવતા સાંગલામાં થોભ્યા. આ આખો વિસ્તાર કિન્નૌર પ્રદેશમાં હોવાથી અતિશય હરિયાળો. નીચે બસ્પા નદીનું વહેણ સતત સાથ આપતું રહે. સાંગલા પહોંચીને એક મુખ્ય રસ્તા પરથી કાટખૂણે સીધો, તીવ્ર ઢાળ ચડીને અમારું વાહન સાંકડા રસ્તે આગળ વધ્યું ત્યારે ઘડીક વિચાર આવ્યો કે સામેથી કોઈક વાહન આવશે તો? પણ હિમાચલના પર્વતીય પ્રદેશમાં જેટલી વાર જવાનું થયું છે ત્યારે ત્યાંના વાહનચાલકોની શિસ્ત, ધીરજ અને કાબેલિયત પ્રત્યે નવેસરથી માન જાગ્રત થાય છે. ગમે એટલો ખુલ્લો રસ્તો હોય, પોતાની સાઈડ છોડવાની નહીં. સાંકડા રસ્તે બે વાહનો આમનેસામને થઈ જાય તો શાંતિથી પોતાનું વાહન પાછું હટાવવામાં કશો અહમ નડે નહીં કે ન કોઈ બૂમબરાડા થાય. બલકે હસીને, કોઈ ને કોઈ અભિવાદનની આપ-લે કરીને એ કામ થાય. આ જોઈને બહુ સારું લાગે. અમારું વાહન સીધા ઢાળ પરથી વળીને એક સ્થળે આવી ઊભું, જ્યાં રસ્તાનો અંત હતો. ઊતરીને જોયું તો એક મોટું દ્વાર નજરે પડ્યું, જ્યાંથી અમારે કામરુ કિલ્લા સુધી જવાનું હતું. જોયું તો આખું ગામ પર્વત પર નીચેથી ઊપર વસેલું હતું. આથી સીધી નજરે કિલ્લો ક્યાંય દેખાતો નહોતો. અમે પગથિયાં ચડવા લાગ્યા, પણ તેની સીધ એટલી બધી હતી કે અમને હાંફ ચડવા લાગ્યો. આ રસ્તો કિલ્લે જશે કે નહીં એ પૂછવા માટે કોઈ દેખાતું પણ નહોતું. એટલે અમે આગળ ને આગળ વધતા ગયા. પગથિયાં ગામનાં મકાનો વચ્ચેથી પસાર થતા હતા, અને ગામના દીદાર પણ થતા હતા. સાવ સાંકડી ગલીઓ, ઠેરઠેર ઊગાડેલાં ફૂલ તેમજ ફળાઉ ઝાડ, અને પથ્થરનાં મકાનો. વચ્ચે કોઈકનું ઘર આવ્યું અને ત્યાં બે બહેનો ઊભેલી દેખાઈ. તેમને પૂછતાં ખ્યાલ આવ્યો કે અમે સાચે રસ્તે હતા. ધીમે ધીમે કરતા અમે છેક કિલ્લે પહોંચ્યા ખરા.


કામરૂ કિલ્લો
કિલ્લો સાંભળીને આપણા મનમાં રાજસ્થાનના ભવ્ય અને વિશાળ કિલ્લાઓની કલ્પના આવે તો નિરાશ થઈ જવાય. આ પ્રદેશમાં, આટલી ઊંચાઈએ કિલ્લો હતો એ સાવ નાનો. એમ કહી શકાય કે એ કેવળ વૉચ ટાવરની ગરજ સારે એ રીતે બનાવાયો હતો. લંબચોરસ આકારનું, લાકડાનું બનાવાયેલું ત્રણ-ચાર મજલી માળખું એટલે કામરૂ કિલ્લો. ભીમાકાલી મંદિર સાથે ઘણું સામ્ય જણાય. લાકડાના કોતરકામવાળો દરવાજો હતો અને અંદર બે-ત્રણ કારીગરો કામ કરતા હતા. મુખ્ય દરવાજો બંધ હતો. એ લોકોએ જણાવ્યું કે અમે દરવાજો ખખડાવીશું તો અંદરથી એક ભાઈ ખોલશે. અમે એ ખટખટાવીને ઊભા રહી ગયા. બહાર 'કડક' સૂચનાઓ હતી. જેમ કે, ચામડાનો પટ્ટો પહેરીને અંદર પ્રવેશવું નહીં, ઈંડાં અને અન્ય સામીષાહાર ખાઈને પ્રવેશવું નહીં, માસિક ધર્મવાળી બહેનોએ પ્રવેશવું નહીં વગેરે.. કિલ્લામાં પ્રવેશવા આવી સૂચના? પછી ખ્યાલ આવ્યો કે કિલ્લાના જ સંકુલમાં કામાખ્યા દેવીનું મંદિર છે અને આ સૂચનાઓ તેને અનુલક્ષીને છે. દરવાજાની પાછળથી એક ભાઈ નીકળ્યા અને દરવાજો અડધો ખોલીને ઊભા રહ્યા. અમને બોર્ડ બતાવીને કહે, 'પહલે બોર્ડ પઢ લો, ફિર અંદર આઓ.' તેમણે પૂછ્યું કે તમે માંસમચ્છી ખાઈને નથી આવ્યા ને? આ સવાલ એવો વિચિત્ર હતો કે મનોમન હસવું આવ્યા વિના રહે નહીં. માથું ઢાંકીને તેમજ કમરે એક કેસરી ચીંંદરડી જેવું કશુંક બાંધીને અંદર જવાનું હતું. અમે અંદર ગયા. પ્રમાણમાં નાની કહી શકાય એવી સપાટ જગ્યા હતી, જેમાં કિલ્લો અને મંદીર સામસામા હતા. મંદીરના જિર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું હોવાથી એમાં મૂર્તિ નહોતી. તો કિલ્લામાં અંદર જઈ શકાય એમ નહોતું. ખરી મજા હતી આ સ્થાનની. ગામનું સૌથી ઊંચું સ્થાન. નીચે આખું ગામ દેખાય. સામે હિમાલયની લીલીછમ પર્વતમાળા, અને હીમશિખરો નજરે પડે. બિલકુલ સ્વર્ગીય અનુભૂતિ જણાય.

સામસામાં બે મંદિર અને વચ્ચે દેખાતો કામરૂ કિલ્લો

કોઈ ગાઈડ હતા નહીં. એટલે ઈન્ટરનેટ પરથી એના વિશે વાંચી લઈશું એમ મન મનાવીને અમે અહીંથી નીકળ્યા. બહાર નીકળતાં પેલા ભાઈએ અમને એક ચોપડામાં સહુનાં નામ લખવા જણાવ્યું. કેમ? તો કહે, 'યહાં સે હમેં એસ.પી.સા'બ કો ભેજના પડતા હૈ.' એ લખીને અમે બીજા રસ્તે નીચે ઊતરવા લાગ્યા. રસ્તામાં ગામની એક બે મહિલાઓ મળી. એમણે હસીને પૂછ્યું કે ક્યાંથી આવો છો!
નીચે હજી એક મંદિર હતું- બેરિંગ નાગ મંદીર. પહેલાં એક પ્રાચીન જણાતું મંદીર પાછળથી દેખાયું. બહુ સરસ હતું, પણ આગળ જતાં જોયું તો એ બંધ હતું. અમે સાંકડી ગલીઓમાં પગથિયાં ઊતરતા આગળ વધ્યા અને આખરે એક મંદીરે પહોંચ્યા. મોટો ચોક હતો. એની એક તરફ મંદીર હતું. બીજી તરફ બૌદ્ધ મંદિર હતું. એક તરફ કેટલાક સ્થાનિક માણસો બેઠેલા હતા. વચ્ચે લાકડાના મંડપ જેવું સ્થાન હતું, જ્યાં ઢોલક અને બીજાં વાદ્યો મૂકાયેલાં દેખાયાં. ગામલોકો કદાચ ત્યાં ભજન માટે એકઠા થતા હશે એમ લાગ્યું. બીજી તરફ કેટલાંક બાળકો બૉલ રમતા હતા.

જૂનું બેરિંગ નાગ મંદિર, જે બંધ હતું

વચ્ચે લાકડાના ચોકવાળું મુખ્ય મંદિર

અમે થોડી વાર બેઠા. આસપાસના દૃશ્યને વધુ એક વાર માણ્યું અને હવે નીચે તરફ ઊતરવા લાગ્યા. બહાર નીકળીને અમે ઊતરતાં હતાં કે એક નાની છોકરી હાથમાં મેગી નૂડલ્સના પેકેટ સાથે મળી. એ પેકેટમાંથી કાચાં નૂડલ્સ ખાતી હતી. અમને જોઈને તેણે પૂછ્યું, 'શોપ પે નહીં જાના?' અમને એમ કે એના પિતાજીની કે કોઈક સગાની દુકાન હશે. પણ પૂછતાં એણે કહ્યું કે એની કોઈ દુકાન નથી. એટલે સમજાયું કે ટુરિસ્ટો સામાન્ય રીતે ખરીદી માટે જતા હોય છે એમ ધારીને એણે અમને પૂછેલું. એ જે રીતે લિજ્જતથી નૂડલ્સ કાચાં ખાતી હતી એમાં અમને મજા આવી. એને પૂછ્યું કે અંદર મસાલાનું પડીકું હોય છે એનું શું કર્યું? એ કહે કે એને અંદર ભભરાવી દીધો છે. કાચાં 'મેગી' નૂડલ્સ એની જેમ મારા જેવા અનેકને ભાવે છે. એમાં આ 'ટીપ' મહત્વની લાગી.

સાંકડી ગલીઓમાંથી પસાર થતાં

મંદિરમાંથી બહાર નીકળીને ગામ તરફ

એ એના રસ્તે ફંટાઈ અને અમે પણ અમારા રસ્તે આગળ વધ્યા. ઉપર ચડતાં જે હાંફ ચડતો અને થાક લાગેલો એ હવે ગાયબ હતો. જોતજોતાંમાં અમે અમારા વાહન પાસે આવી પહોંચ્યાં. હવે અમારે નીચે ઊતરીને, કરછમ બંધ આગળથી નારકંડા તરફ જતો રસ્તો પકડવાનો હતો.

Monday, June 30, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (12): સ્વર્ગ યહીં, નર્ક યહાં

વળતી મુસાફરીમાં અમારો હવે પછીનો મુકામ હતો છિતકુલ. કાલપાથી સવારે પરવારીને અમે વળતી મુસાફરી શરૂ કરી અને બપોર સુધી છિતકુલ પહોંચ્યા. 'ભારતનું સૌથી છેલ્લું ગામ', 'ભારતનું સૌથી છેલ્લું ઢાબું', 'ભારતની સૌથી છેલ્લી ચાની દુકાન' જેવાં પાટિયાંની સરહદના સાવ છેલ્લા ગામે નવાઈ નથી હોતી. હવે કરપીણ હકારાત્મકતાના યુગમાં 'સૌથી છેલ્લું'ને બદલે 'સૌથી પહેલું' લખાય છે એમ સાંભળ્યું છે. તો શું એ લખાણ એ સરહદને ઓળંગીને આવનારને ધ્યાનમાં રાખીને લખાયું હશે?

હિન્દુસ્તાનની આખરી પોસ્ટ ઓફિસનું પાટિયું

કાલપાથી બીજી તરફ, કિન્નૌર જિલ્લામાં આવેલું છિતકુલ (કે ચિતકુલ) તરફ જતો ફાંટો પડે છે. રસ્તામાં આવતા કરછમ બંધ આગળથી વળાંક લીધા પછી રસ્તો ઊપર ચડે છે અને સાંગલા ખીણ વટાવીને છેક છેવાડે આવેલા છિતકુલ ગામે પહોંચે છે. કરછમ બંધ સુધી રસ્તો એકદમ પાકો, પણ એ પછી તીવ્ર ચડાણ અને રસ્તો કાચોપાકો.

નીચે બસ્પા નદી અને એની પરનો પુલ

નીચે બસ્પા નદી છેક સુધી સાથ આપે, અને તેના જ નામની બસ્પા ખીણમાં વસેલું આ ગામ. ઊંચાઈ આશરે અગિયાર હજાર ફીટ. બપોરે અમે પહોંચ્યા ત્યારે પ્રવાસીઓનો ધસારો હતો, પણ ઘણા બધા માટે પાછા વળવાનો સમય થઈ રહ્યો હતો. 'ભારત કા આખરી...' પ્રકારનાં પાટિયાં વટાવતાં અમે ચાલતા આગળ વધ્યા અને એક નાનકડા ચૌરાહે આવીને ઊભા. એમાંથી એક રસ્તો સહેજ ઢોળાવ પર ઊંચે વસેલા ગામ તરફ ફંટાતો હતો. એકમતે અમે ગામ તરફ આગળ વધ્યા.
સામાન્યપણે સુસ્ત હોય એવા આ પહાડી ગામના સાંકડા, સિમેન્ટીયા રસ્તે, નાનકડાં મકાનો વટાવતા આગળ વધ્યા કે એક સ્થળે ચહલપહલ વર્તાઈ. પુરુષો ટોળે બેઠેલા હતા, સ્ત્રીઓ ઓટલે બેઠી હતી. એક સમૂહ મોટા તપેલામાં રસોઈ બનાવવામાં વ્યસ્ત હતો, તો બીજા કેટલાક લોકો વાસણ માંજતા હતા. મંડપ બંધાયેલો નજરે પડ્યો એટલે ખ્યાલ આવ્યો કે કશોક પ્રસંગ છે. પૂછતાં જાણવા મળ્યું કે ગામની એક દીકરીનું લગ્ન છે. જાન આવવાની છે. અને તેના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. અમે સહુ પોતપોતાના રસ મુજબની વાતોએ વળગ્યા કે આસપાસ ફરતા રહ્યા. સ્ત્રીઓ હસી હસીને અમને પૂછતી હતી. એક બહેને પૂછ્યું, 'ક્યાંથી આવો છો?' અમે કહ્યું, 'ગુજરાતથી.' એ કહે, 'ગુજરાતમાં ક્યાંથી?' અમે કહ્યું, 'વડોદરાથી.' એ કહે, 'મારો દીકરો મહેસાણા ઓ.એન.જી.સી.માં છે. એટલે હું ત્યાં આવેલી છું.' આવી વાતો પણ નીકળી. પુરુષવર્ગ સાવ જુદા મૂડમાં હતો. એ લોકો રાજકારણની વાતોએ ચડ્યા. વચ્ચે એક બુઝુર્ગ જણાતા ભાઈએ પૂછ્યું, 'હમારા ગાંવ આપ કો કૈસા લગા?' શું કહેવું? અમે કહ્યું, 'સ્વર્ગ જૈસા.' એમણે કહ્યું, 'વૈસે તો સ્વર્ગ હી હૈ, લેકિન નવમ્બર-દીસમ્બરમેં પૂરા નર્ક બન જાતા હૈ.' એ મોસમમાં ચોમેર બરફથી છવાઈ જતા આ ગામમાં જનજીવન કેટલું મુશ્કેલ બની રહેતું હશે એ તો જઈએ ત્યારે જ સમજાય. અહીંથી તિબેટની સરહદ નજીક છે. ગામલોકોને હજી ત્રીસેક કિ.મી. સુધી જવા દેવાય છે. પ્રવાસીઓ માટે આ છેલ્લું ગામ.




છિતકુલની શેરીઓમાંથી પસાર થતાં 



છિતકુલમાં આવેલું મંદિર 

મકાનોની છત પથ્થરની, ઢોળાવવાળી બનેલી હતી. અનાજ ભરવાના કોઠાર પણ અલાયદા, તાળાં મારેલા નજરે પડ્યા. આ બધી શિયાળાની તૈયારી. ઈશાનને મન થઈ ગયું કે ગામમાં થનારા લગ્નમાં રોકાઈ જાય અને તસવીરો લે. પણ પછી નીકળવાનું હોવાથી એ વિચાર માંડી વાળ્યો. પછી ખબર પડી કે 'Liar's dice' નામની ફિલ્મનું શૂટ પણ અહીં થયેલું.
આ નાનકડા ગામ, એના લોકો, એમાં થતી ચહલપહલ વગેરે જોયા પછી અમને લાગ્યું કે હવે 'ભારતની છેલ્લી ચાની દુકાન'માં ચા પીએ તોય શું અને ન પીએ તોય શું? પણ કોઈ એક દુકાને બેસીને અમે લેમન-જિંજર-હની ટી પીધી, રાજમા-ચાવલનો સ્વાદ લીધો અને વળતા રસ્તે સાંગલા જવા વળ્યા.

Sunday, June 29, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (11): પીળામાંથી લીલામાં પ્રવેશ

કાઝાથી અમારે હવે કાલપા નીકળવાનું હતું, પણ એ પહેલાં હજી એક સ્થળની મુલાકાત લેવાની હતી. એ સ્થળ એટલે કી મોનેસ્ટ્રી. આ સ્થળ ઘણું ઊંચાઈએ આવેલું છે, અને આકર્ષક છે. કી મોનેસ્ટ્રીથી અમારે પાછું કાઝા આવવું પડે એમ હતું, અને અહીંથી કાલપાનો રસ્તો લેવાનો હતો. સવારે નવેક વાગ્યે નીકળવાનું અમે ધારેલું, પણ આખી રાત દરમિયાન વાહનની ટાંકીનું ડીઝલ ઠરી ગયું હતું. આથી વાહન ચાલુ થાય એમ નહોતું. ડ્રાઈવર દિનેશકુમારે પહેલાં પોતાની રીતે પ્રયત્નો કરી જોયા. એટલું બધું ઈગ્નિશન લગાવ્યું કે બેટરી ઊતરી ગઈ. અમે નિષ્ણાતની અદાથી વાહન આસપાસ ચક્કર લગાવ્યાં, પણ એ ચાલુ ન જ થયું. છેવટે દિનેશકુમાર ગામમાં ગયા. ત્યાં પણ તેમને ખાસ કશી મદદ ન મળી. છેવટે તે એક ટ્રેક્ટર અને ટ્રોલીવાળાને બોલાવી લાવ્યા. વાહનમાંથી રસ્સી કાઢી, પણ ટ્રેક્ટરવાળાએ કહ્યું કે એ નાની પડશે. વધુમાં અહીં વળાંક પર જ ઢાળ હતો, એટલે વાહન પાછાં પડે એવી પૂરેપૂરી શક્યતા હતી. અમે સૌ ધક્કો લગાવવા પણ થનગની રહ્યા હતા, પણ એની જરૂર નહીં પડે એમ લાગતું હતું. ઘણી મથામણ પછી ટ્રેક્ટરવાળાએ સીધો રસ્તો દેખાડ્યો. એ કહે કે પોતાના ટ્રેક્ટરની બેટરી કાઢીને એનાથી અમારું વાહન ચાલુ કરીએ તો થઈ જવું જોઈએ. અગિયારેક થયા હતા અને તડકો પણ ઠીક હતો. એટલે એ અખતરો કરવાનું નક્કી થયું. ટેમ્પો ટ્રાવેલરમાં બેટરી સીટ નીચે હોય, અને સીટને નટ વડે જડેલી હોય. આઘુંપાછું કરીને છેવટે એ અખતરો અજમાવ્યો અને કામયાબ નીવડ્યો. વાહન ચાલુ થયું એટલે બધા ગેલમાં આવી ગયા. અમારી મુસાફરી આરંભાઈ.

રસ્તામાં પહેલાં કીબ્બર ગામ આવ્યું, જે ચૌદેક હજાર ફીટે હતું. અહીં 'કિબ્બર વાઈલ્ડ લાઈફ સેન્ક્ચ્યુરી'નું પાટિયું જોવા મળ્યું. અહીં થોડાંઘણાં મકાનો અને હોમસ્ટે હતાં. પથ્થરનાં બનાવેલાં મકાનો પર માટીનું પ્લાસ્ટર લગાવાયું હતું. આથી આ મકાનો 'મડ હાઉસ' તરીકે ઓળખાવાતા હતા. કીબ્બરમાં રોકાયા વિના અમે આગળ વધ્યા. કી મોનેસ્ટ્રી પોણા ચૌદેક હજાર ફીટે આવેલી છે, જે ઘણી જૂની છે. દરેક મોનેસ્ટ્રીની જેમ દૂરથી તે બહુ જ આકર્ષક જણાય છે. અમે પહેલાં તો મોનેસ્ટ્રીએ પહોંચ્યા. ત્યાં હજી ચાલીને ઢાળ ચડવાનો હતો. અગાઉ જણાવ્યું એમ મોનેસ્ટ્રીનો અંદરનો ભાગ જોવાનું ખાસ આકર્ષણ અમને રહ્યું નહોતું. આથી અમે છેક સુધી ન ગયા. અહીં એક આઈસ્ક્રીમવાળા ભાઈ આઈસ્ક્રીમ વેચતા હતા. ઠરી જવાય એવા પ્રદેશમાં ઠરેલો આઈસ્ક્રીમ ખાવાની મજા ઓર હોય છે એ ન્યાયે અમે અહીં આઈસ્ક્રીમ ખાધો. પાછા વાહનમાં ગોઠવાયાં, અને નીચે ઊતરતાં એક સ્થળેથી મોનેસ્ટ્રીનું સરસ દૃશ્ય દેખાતું હતું ત્યાં વાહન ઊભું રાખ્યું.
આ વિસ્તારમાં પીળા, રેતાળ ખડકો હતા ખરા, એમ ઠંડો અને સૂકો પવન પણ વાતો હતો. બાજુમાં નદીનો ઘણો પહોળો પટ દેખાતો હતો, જેમાં ખેતી કરાયેલી જોઈ શકાતી હતી.

એક તરફ નદીનો પટ 

કી મોનેસ્ટ્રી નજીકથી 

કી મોનેસ્ટ્રી દૂરથી 

અમારે હવે આવેલા એ જ રસ્તે પાછા વળવાનું હતું. 'ઘુમક્કડશાસ્ત્ર'ના નિયમાનુસાર, કદી એના એ રસ્તે પાછા ન જવું એમ પંડિત રાહુલ સાંકૃત્યાયને જણાવ્યું છે. અમારો મૂળ ઈરાદો કુંઝુમ લા ખૂલ્યો હોત તો ત્યાંથી વાયા ચંદ્રતાલ, મનાલી થઈને ચંડીગઢ પાછા આવવાનો હતો. પણ કુંઝુમ લા ખૂલ્યે બે-ચાર દિવસ થયા હતા, અને હજી નાનાં વાહનોને પસાર થવા દેવાતા હતાં. અધૂરામાં પૂરું ડ્રાઈવરે જણાવ્યું કે એક ટેમ્પો ટ્રાવેલર આખી ખીણમાં લપસી પડી હોવાના સમાચાર છે. આથી અમે સર્વાનુમતે 'ઘુમક્કડશાસ્ત્ર'ના નિયમનો ભંગ કરીને આવેલા એ જ રસ્તે પાછા જવાનું નક્કી કરેલું.
નદીની સમાંતરે રસ્તો 

બાજુએ રહી ગયેલો ધનખડનો ફાંટો 

કોઈ પણ સ્થળે આપણે જતા હોઈએ ત્યારે એ જાણે બહુ દૂર લાગે છે, પણ ત્યાંથી પાછા વળતાં એટલું અંતર જણાતું નથી એ હકીકત છે. વળતી મુસાફરીની પણ એક જુદી મજા હતી. રસ્તા એના એ, પણ વાતાવરણ અલગ. પહાડો, નદી, હિમશીખરો જોઈએ એટલી વાર જુદાં લાગે. અમે જોતજોતાંમાં તાબો વટાવ્યું. નાકો પણ પસાર કર્યું. વચ્ચે એકાદ સ્થળે રોકાઈને ચા-પાણી કર્યાંં. પાછા એના એ રસ્તે વળવા છતાં રસ્તો જાણે કે અલગ લાગતો હતો. જોતજોતાંમાં અમે સતલજ અને સ્પિતીના સંગમસ્થળે આવી પહોંચ્યા. બન્ને પ્રવાહ જોશભેર વહી રહ્યા હતા. અમે વાહન ઊભું રખાવીને સહેજ નીચે ઊતર્યા.એવામાં હિમાલયના વાતાવરણનો પરચો કરાવતો પવન શરૂ થયો. અમે પાછા વાહનમાં ગોઠવાયા અને આગળ વધ્યા.

સતલજ-સ્પિતીના સંગમ આગળ
ખડક કાપીને બનાવાયેલો રસ્તો

સંગમસ્થળના બ્રીજ પર

સ્પિતી ખીણ આખી પીળા રંગની, સૂકા રણની હતી. લીલોતરી નામની જોવા મળે તો મળે. હવે અમે સ્પિતીમાંથી બહાર નીકળીને કિન્નૌર તરફ આગળ વધી રહ્યા હતા એમ લીલોતરી વધતી જતી હતી. નાટકના મંચની પાછળનો બેકડ્રોપ આખેઆખો બદલાઈ જાય એમ જોતજોતાંમાં આસપાસ પીળામાંથી લીલો રંગ વધવા લાગ્યો. ઠેરઠેર દેવદારનાં વૃક્ષો, પથરાળ ખડકો, વહેતાં ઝરણાં અને આ બધા સાથે સૂર્યપ્રકાશની રમત. આ વિસ્તાર જાણે કે ચીરપરિચીત હોય એમ અમને લાગવા માંડ્યું. સાંજના પોણા સાત સુધી અમે રિકોંગ પીઓ વટાવીને કાલપા આવી પહોંચ્યા.

કાલપામાં સામે દેખાતું દૃશ્ય

બસ, હવે પછીના દિવસે અમારા રુટનાં છેલ્લાં સ્થળની મુલાકાત લેવાની હતી. જોતજોતાંમાં આ પ્રવાસની સમાપ્તિ નજદીક આવી રહી હતી.

Saturday, June 28, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (10): વિશ્વનું સૌથી ઊંચું એક્સ વાય ઝેડ

મુદથી નીકળ્યા પછી પીન નદીની સમાંતરે એના એ જ રસ્તે પાછા મુસાફરી શરૂ કરી. આખરે પેલા બ્રીજ પાસે આવી પહોંચ્યા. હવે અહીંંથી બ્રીજને ઓળંગીને કાઝા તરફના રસ્તે અમારે આગળ વધવાનું હતું. આ તરફ હવે સ્પિતી નદી હતી. અહીં રસ્તે આવતાં ગામોમાં પોપ્લરનાં ઝાડ હતાં. ગામ આગળ બમ્પ પણ બનાવેલા હતા. ક્યાંક નદીકાંઠે હોમસ્ટે પણ જોવા મળતા હતા. અહીં ખાસ ચઢાણ નહોતું. રસ્તો મોટે ભાગે સીધો હતો. આસપાસના પર્વતો થોડા દૂર પણ લાગતા હતા.

બપોરના એકની આસપાસ અમે કાઝા આવી પહોંચ્યા. કાઝા ગામ શરૂ થયું એટલે થોડી ગીચતા જણાવા લાગી. અમારી પહેલી જરૂરિયાત વાહનમાં ડીઝલ પૂરાવવાની હતી. આથી વાહન સીધું પમ્પ પર પહોંચ્યું. સામે જ એક મોનેસ્ટ્રી નજરે પડી. ડીઝલ ભરાવવામાં વાર લાગે એમ હતી, આથી અમે સૌ ઊતરીને એ મોનેસ્ટ્રીમાં પ્રવેશ્યા. પ્રવેશતાંમાં વાદ્યોનો રણકાર સંભળાયો. પ્રાંગણમાં ચાર દિશામાં ચાર કપડાં બાંધેલાં હતાં. એની પાછળ થોડા લામાઓ બેઠેલા હતા. વચ્ચે વેદી બનાવેલી હતી. અમે ઈશારાથી પૂછ્યું કે અંદર જઈ શકાશે કે કેમ. તેમણે હા પાડી એટલે અમે મોનેસ્ટ્રીના એક તરફના પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા. મુખ્ય પ્રવેશદ્વાર બંધ હતું. એક લામાને પૂછતાં જણાવ્યું કે કશાકનો યજ્ઞ ચાલી રહ્યો છે. મોનેસ્ટ્રીની અંદર ગયા ત્યાં બે સ્થાનિક મહિલાઓ પિત્તળના દીવામાં દીવેટો ગોઠવી રહી હતી. તેમણે અમારી સાથે થોડી વાત કરી અને છેલ્લે જણાવ્યું કે ઈચ્છીએ તો અમે અહીં દાન આપી શકીએ છીએ. અમે ઈચ્છતા નહોતા એટલે હસીને વિદાય લીધી. બહાર આવીને મોનેસ્ટ્રીની થોડી તસવીરો લીધી અને બહાર નીકળ્યા. ત્યારે પણ યજ્ઞાદિ વિધિ ચાલુ જ હતી. મોનેસ્ટ્રીની બિલકુલ સામે, રોડ ઓળંગતાં સાત સ્તૂપ બનાવાયેલા હતા.



કાઝામાં આવેલી મોનેસ્ટ્રીનું પડખું,
જ્યાંથી અમે પ્રવેશેલા

એક સમયે આવા દુર્ગમ વિસ્તારમાં, કૃષ્ણનાથે જે વિસ્તારની ભૂગોળને 'અલંઘ્ય' ગણાવી હતી એમાં બૌદ્ધ ધર્મને લગતા વિવિધ અભ્યાસ માટે પંડિત રાહુલ સાંસ્કૃત્યાયન અને કૃષ્ણનાથ જેવા વિદ્વાનો આવી ચૂક્યા હતા. એ સમયે અહીં પહોંચવું કેટલું મુશ્કેલ હશે એનો અંદાજ આજે આવવો મુશ્કેલ છે. અહીં આસપાસમાં રેતાળ પહાડો સાવ નજીક જણાતા હતા. જો કે, કાઝા બારેક હજાર ફીટની ઊંચાઈએ આવેલું છે એનો અહેસાસ થતો હતો. તડકો હોવા છતાં પવન ઠંડો અને સૂકો હતો.
અમારા ઊતારે સામાન મૂકીને તરત જ અમે નીકળ્યા. કાઝા ગામમાંથી પસાર થતો રસ્તો વટાવીને અમારે આગળ અને ઊંચે જવાનું હતું. રસ્તાની એક તરફ સ્પિતી નદીનું વહેણ હતું અને બીજી તરફ રેતાળ ખડકો. ક્યારેક હીમશિખરો જોવા મળી જતાં. વચ્ચે વસતિ સાવ પાંખી. અમારો પહેલો મુકામ હતો હિક્કિમ. તારક મહેતાની 'ચિત્રલેખા'વાળી 'ઊંધા ચશ્મા'ની અસલ શ્રેણીનો રસિક સટોડિયો 'સિક્કિમ'ને બદલે 'હિક્કિમ' બોલતો હોય એવું અમને આ નામ સાંભળતાં લાગતું હતું. વચ્ચે આછા ઘાસનાં મેદાનો આવતાં. એક તરફ હિમશીખરોની આખી હારમાળા નજરે પડતી હતી. રસ્તે ચઢાણ હોવાથી ગતિ ધીમી હતી, પણ દૃશ્યો જોવાની મજા આવતી હતી. ધીમે ધીમે પ્રવાસીઓનાં ટોળાં નજરે પડવા લાગ્યા એટલે ખ્યાલ આવ્યો કે હિક્કિમ નજીકમાં છે. હિક્કિમનું મુખ્ય આકર્ષણ અહીં આવેલી પોસ્ટ ઓફિસ છે, જેને 'વિશ્વની સૌથી ઊંચે આવેલી પોસ્ટઓફિસ' તરીકે ઓળખાવાય છે. હિક્કિમની ઊંચાઈ આશરે 14,500 ફીટ છે. દૂરથી જોતાં લેટરબોક્સના આકારનું પોસ્ટઓફિસનું કાર્યાલય નજરે પડ્યું. નાનકડા ગોળાકાર કાર્યાલયની બહાર પ્રવાસીઓનાં ટોળાં ઊભેલા હતા. આસપાસમાં બધે પણ પિક્ચર પોસ્ટકાર્ડ, કીચેઈન સહિત બીજાં સ્મૃતિચિહ્નો વેચાતાં હતાં.

હિક્કિમમાં આવેલી 'વિશ્વની સૌથી ઊંચી' પોસ્ટઓફિસ,
જેનો આકાર લેટર બોક્સ જેવો છે

પોસ્ટઓફિસની ઊંચાઈ દર્શાવતું પાટિયું

હિક્કિમ ગામ 

અમે નીચે ઊતર્યાં. આ સ્થળની ઊંચાઈ દર્શાવતા પાટિયા પાસે સેલ્ફી લેવામાં પણ બહુ ગીરદી હતી. ટોળામાં મોટા ભાગે જુવાનિયા હતા. એમ લાગતું હતું કે એમનામાંથી ભાગ્યે જ કોઈએ પત્ર લખ્યો હશે. અહીં પત્ર પર સિક્કો મરાવીને તેને પોસ્ટ કરવા માટે લાગેલી ભીડ જોઈને આનંદ આવ્યો. પત્ર લખવાનું ઘણા સમયથી છૂટી ગયું છે, અને આ સ્થળનો સિક્કો વાગેલો પત્ર લખવાનો રોમાંચ પણ ખાસ નથી એટલે અમે એ બાજુ ગયા નહીં. એક સમયે બિનીત મોદી જે પણ સ્થળે પ્રવાસે જાય ત્યાંથી અમને પત્ર પોસ્ટ કરતો, કે અમારામાંથી કોઈ ક્યાંક જઈએ તો એ સ્થળેથી પત્ર બિનીતને કે રજનીભાઈને પોસ્ટ કરતા. પરેશ એવી માહિતી લઈ આવ્યો કે અહીં પોસ્ટ ઓફિસમાંથી સિક્કો તો મારી આપશે, પણ પત્ર નીકળશે અને એ યોગ્ય સ્થાને પહોંંચશે એની કોઈ ગેરન્ટી નથી. ગામ સહેજ નીચેની તરહ હતું અને છૂટુંછવાયું વસેલું હતું. અહીં અમને ખ્યાલ આવી ગયો કે અત્યારે દેખાતા બધા પ્રવાસીઓ અમને હવે છેક સુધી મળશે. કેમ કે, અમારી જેમ જ તેઓ કાઝાથી આ રુટ પર નીકળ્યા હશે.

હિક્કિમના માર્ગ પર આમતેમ ટહલતા હતા ત્યાં એક વડીલ કોઈક બાળક સાથે વાત કરી રહ્યા હતા એ કાને પડી. વડીલ કહી રહ્યા હતા, 'બેટા, એમ તું 'ફુવા, લંડન, યુકે' લખીને લેટર મોકલું તો એ ન મળે. તારે એમનું નામ, ફ્લેટ નંબર, સ્ટ્રીટ નંબર, એરિયા એ બધું જ લખવું પડે.' આ સાંભળવાની મજા આવી અને એ વાતે આનંદ થયો કે એ બાળકને પત્ર લખવાની ઈચ્છા થઈ હતી.
હવે પછી અમે જે કોઈ સ્થળે જઈએ કે જે કરીએ એ 'વિશ્વના સૌથી ઊંચા સ્થળે' થવાનું હતું.
થોડી વારમાં પ્રવાસીઓ આગળ વધ્યા. સહેજ શાંતિ થઈ. અમે થોડે સુધી નીચે જવા પ્રયત્ન કર્યો. પાછા આવીને અમે પણ હવે આગળ વધ્યા.

હવે અમારે કોમિક ગામે જવાનું હતું, જેની ઊંચાઈ હતી આશરે પંદર હજાર ફીટ. આ ગામ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ પર વસેલું ગામ ગણાય છે. જોતજોતાંમાં કોમિક આવી પહોંચ્યા. વાહન પાર્ક કરાયા પછી નીચે ઊતરતાં અદભુત નજારો દેખાતો હતો. એકદમ સામે હિમશીખરોની હારમાળા દેખાતી હતી, તો નજીકમાં નીચે વાંકાચૂકા રસ્તા નજરે પડતા હતા. અહીં પવન અતિશય ઠંડો હોય એ સ્વાભાવિક છે. એક મોનેસ્ટ્રી નજરે પડતી હતી. એકાદ રેસ્તોરાં પણ હતું, જે વિશ્વના સૌથી ઊંચા સ્થાને હોવાનો દાવો કરતું હતું. અમે મોનેસ્ટ્રીના ફોટા લીધા. બપોર થઈ હતી, પણ ખાસ કંઈ ખાવાની ઈચ્છા નહોતી. ચા મંગાવી અને કંઈક નાસ્તો. સૌએ ઓછું ઓછું લીધું. અહીંથી પાછળના ભાગે એક ડુંગર હતો, અને તેની પર બૌદ્ધ ધ્વજ ગોળાકારે બાંધેલા હતા. નીચેથી એ જાણે કે કોઈક જહાજનું સઢ હોય એમ લાગતું હતું. અમે ધીમે ધીમે એને ચડવાનું શરૂ કર્યું. અહીં સખત પવન હતો. અને ઊંચાઈ વધુ હોવાથી ચડતાં પણ હાંફ ચડતો હતો. નાકની અંદર જાણે કે બધું થીજી ગયું હતું. આથી શ્વાસ લેવામાં સહેજ મુશ્કેલી પડતી હતી. જવાય ત્યાં સુધી અમે ઊપર ગયા. પછી ધીમે ધીમે, સાચવીને નીચે ઊતર્યા.

કોમિકમાં આવેલી મોનેસ્ટ્રી
ભડક રંગોને લીધે આકર્ષક જણાતી મોનેસ્ટ્રી 

કોમિકથી દેખાતું હીમશીખરો અને રસ્તાનું દૃશ્ય

ઉપર બોલાવતું, ધ્વજ બાંધેલું વહાણ જેવી દેખાતી રચના 

વિશ્વના સૌથી ઊંચા સ્થાનેથી સહેજ નીચે ઊતરીને હવે અમારે લાંગ્ઝા જવાનું હતું. આથી સહેજ ઊતરવાનું હતું. આગળ વધીને સહેજ વળાંક આવતાં લાંગ્ઝા ગામ નજરે પડ્યું. છૂટાંછવાયાં મકાનો. વાહન પાર્ક કરતાં પહેલાં ટિકિટ લેવાની હતી. એ પછી સહેજ ઢોળાવ ઊતરવાનો હતો, જ્યાં ધ્યાનસ્થ ભગવાન બુદ્ધનું પૂતળું હતું.રંગબેરંગી પૂતળાની ઊંચાઈ આમ તો પાંત્રીસેક ફીટ જેટલી હતી, પણ જે સ્થળે પર્વતોની વચ્ચે એ મૂકાયેલું ત્યાં એ નાનું લાગતું હતું. અનેક પ્રવાસીઓ અહીં હતા. પૂતળું એ રીતે મૂકાયેલું હતું કે પ્રવેશ તરફ તેની પીઠ રહે, અને ખીણ તરફ મોં, જેથી આ સમગ્ર વિસ્તારને તેઓ નિહાળી રહ્યા હોય એમ લાગે. પ્રવાસીઓમાં મોટા ભાગે, ગુજરાતી, મરાઠી અને બંગાળીઓ જણાતા હતા. આ પૂતળું એવા સ્થાને હતું કે ચોફેર પથરાયેલા પર્વતો જોઈ શકાતા હતા. એક તરફ ગામનાં છૂટાછવાયાં ઘરો નજરે પડતાં હતાં અને આછેરું ઘાસ. સાડા ચૌદ હજાર ફીટે વસેલા આ ગામમાં રહેવાની સુવિધા પણ હતી. અહીં તડકો સખત લાગતો હતો, એમ તીવ્ર ઠંડો પવન પણ વાતો હતો. એકાદ જગ્યાએ અમે ચા-નાસ્તો કર્યો. લાંગ્ઝાના પરિચયમાં અમે વાંચેલું કે અહીં અશ્મિઓ મળી આવેલા. એવું કશું દેખાયું નહીં. અમે ચા-નાસ્તો પતાવ્યાં એટલામાં તો આ સ્થળ લગભગ ખાલી થઈ ગયું હતું.

લાંગ્ઝામાં આવેલું ભગવાન બુદ્ધનું પૂતળું
(પર્વતોના અને પ્રવાસીઓના સંદર્ભે
એની ઊંચાઈનો અંદાજ આવી શકશે)

પૂતળાનો અગ્ર ભાગ 

લાંગ્ઝા ગામ 

અમે પાછા વાહન તરફ ફરી રહ્યા હતા કે સુજાતે ધ્યાન દોર્યું કે નજીકની એક હોટેલ બહાર અશ્મિઓના મ્યુઝિયમ વિશે લખેલું. અમે અંદર જઈને પૂછપરછ કરતાં હોટેલવાળા ભાઈએ આઠ-દસ નાનાં અશ્મિઓ દેખાડ્યાં. એ જોઈને અમે પાછા આવવા નીકળ્યા. આખે રસ્તે હિમશીખરો સાથે રહ્યાં. એક સ્થળેથી અમે એ જ મૂળ રસ્તે ચડી ગયા જે રસ્તે અમે આવ્યા હતા. અમે સાંજ સુધીમાં ઊતારે આવી ગયા.
સવારથી મુસાફરીને કારણે થોડા થાક્યા, અને વધુ તો કંટાળ્યા હતા. વધુમાં પ્રવાસનું આ અંતિમ ચરણ હતું. બીજા દિવસથી અમારી વળતી મુસાફરી શરૂ થવાની હતી. આમ છતાં, નક્કી કર્યું કે કાઝાના સ્થાનિક બજારમાં જવું. પંદર-વીસ મિનીટનો બ્રેક લઈને અમે ચાલતા નીકળ્યા. થાક્યા હોવાથી બજાર હતું એના કરતાં વધુ દૂર લાગ્યું. બજારમાં ચહલપહલ હતી. પ્રવાસીઓ પણ છૂટાછવાયા જોવા મળતા હતા. અહીં શાકભાજી, ગરમ કપડાં, ચા-નાસ્તાની અને અન્ય સાધનસામગ્રીની દુકાનો હતી. બજારમાં ભીડને કારણે સાંકડા લાગતા રસ્તે પણ સ્થાનિકો પોતાનાં વાહન લઈને નીકળતા હતા અને જરાય શોરશરાબા વિના હંકારી જતા હતા.
થોડું ટહેલીને અમે પાછા ઊતારા તરફ વળ્યા. હવે ભોજન પછી પોઢી જવાનું હતું. ઠંડી એવી હતી કે બહાર બેસી શકાય જ નહીં. હવે પછીના દિવસે અમારે એકાદ સ્થળે જઈને પછી વળતી મુસાફરી શરૂ કરવાની હતી.

Friday, June 27, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (9): જો ખત્મ હો કિસી જગહ, યે ઐસા સિલસિલા નહીં

"તમારાં અસ્થિવિસર્જન બાબતે તમારી કોઈ પસંદગી?"

"ગંગાકિનારાના કોઈક સ્થળે થાય તો ગમે."

"ગંગાકિનારો તો બહુ મોટો છે. એમાં કોઈ ખાસ સ્થળની પસંદગી?"

"પ્રયાગરાજમાં થાય તો સારું. પણ જવા દો ને. એ બધું કોણ કરવાનું?"

આવું આમ તો કોઈને પૂછાય નહીં, પણ હોમાય વ્યારાવાલા અને પરેશ પ્રજાપતિ વચ્ચે આવા, નર્યા વાસ્તવિક ધરાતલ પરના સંવાદ 2010- 11ના કોઈક દિવસે થયા હશે. હોમાયબહેનની વય ત્યારે 95-96ની હશે, અને તેમની સાથેની આત્મીયતા એવી હતી કે કઠણ મને, વાસ્તવિકતા સ્વીકારીને પણ આવા ન ગમતા સવાલ પૂછવા પડે. એમણે જ આપેલી એ શીખ હતી. 2012માં હોમાયબહેનનું અવસાન થયું એ પછી મિત્ર પરેશને હરિદ્વાર જવાનો યોગ ઊભો થયો ત્યારે હોમાયબહેનની ઈચ્છા મુજબ તેણે એમનાં અસ્થિનો એક હિસ્સો ગંગાના પ્રવાહમાં વિસર્જિત કર્યો. તેનો વિગતવાર અહેવાલ મારી આ બ્લોગપોસ્ટમાં આલેખાયેલો છે.
હમણાં અમે સ્પિતી ખીણના પ્રવાસે હતા. દસેક દિવસના આ પ્રવાસ દરમિયાન આસપાસના સૌંદર્યને જોતાં જોતાં રસ્તામાં જાતભાતની વાતો નીકળે એ સ્વાભાવિક છે. અમે તાબોથી મુદ ગામ જઈ રહ્યા હતાં ત્યારે પરેશે જાણે કે કોઈક ખાનગી વાત કરતો હોય એમ કહ્યું: "તને એક વાત કહેવાની છે. હોમાયબહેનનાં અસ્થિનો હજી એક હિસ્સો મેં સાચવી રાખેલો છે."
'કેમ?'ના જવાબમાં તેણે કહ્યું, "હોમાયબહેનની મૂળ ઈચ્છા એને પ્રયાગરાજમાં વિસર્જિત કરવાની હતી. એટલે મને એમ કે ક્યારેક ત્યાં જવાનું થાય તો એ ઈચ્છા પૂરી કરાશે. કુંભમેળા વખતે એક વિચાર કરેલોય ખરો, પણ જે રીતે કુંભમાં ભીડભાડ હતી એ જાણ્યા પછી એ વિચાર માંડી વાળેલો."
"બરાબર. એનું શું?"
"મારા મનમાં એવું હતું કે આ અંશ કોઈક આપણી પસંદગીની જગ્યાએ વિસર્જિત કરીએ. અને એ જગ્યા એટલે હિમાલયમાંથી પસાર થતી કોઈક નદીમાં, જ્યાં શુદ્ધ વાતાવરણ હોય."
આ સાંભળીને મને સુખદ આશ્ચર્ય થયું. મેં કહ્યું, 'તું લીધી વાત મૂકે એમાંનો નથી. હવે શું કરવાનું છે એ કહે."
પરેશે કહ્યું, "એ અંશ હું સાથે લઈને આવ્યો છું. મેં એક સમયમર્યાદા બાંધેલી કે હોમાયબહેનનું અમુક કામ પતે એ પછી આ અંશનું વિસર્જન કરવું. એ કામ પતી ગયું છે. તો મારી ઈચ્છા એવી છે કે આપણે અહીં જ ક્યાંક આવી કોઈ નદીમાં એનું વિસર્જન કરીએ."
અમે જે રસ્તે મુસાફરી કરી રહ્યા હતા એ આખે રસ્તે વારાફરતી નદીઓ અમારી સમાંતરે વહી રહી હતી. પહેલાં સતલજ, એ પછી પીન નદી, અને પછી સ્પિતી નદી. નજર પડે ત્યાં પીળા રંગના રેતાળ પહાડો હતા, પાછળ ડોકાંતાં હીમશીખરો, અને છૂટીછવાઈ હરિયાળી, કેમ કે, સરેરાશ ઊંચાઈ બારેક હજાર ફીટની હતી. નીચે ખીણમાં જોશભેર નદીનું વહેણ દેખાતું, ક્યાંક સાવ સાંકડું અને ક્યાંક એકદમ પથરાયેલું.
સાવ છેવાડે આવેલું મુદ ગામ. પર્વતની ગોદમાં વટાણાની ખેતી

માંડ બસો જણની વસતિ ધરાવતા પીન ખીણમાં આવેલા મુદ ગામમાં રહ્યા પછી અમે આવેલા એ જ રસ્તે અમારે પાછા વળવાનું હતું અને કઝા જવાનું હતું. આ વિસ્તારમાં વસતિ સાવ પાંખી, પર્યાવરણ શુદ્ધતમ. આખે રસ્તે પીન નદી સંગાથ આપે. પાછા વળતાં એક સરસ જગ્યાએ નાનકડો કિનારો બન્યો હતો ત્યાં અમે વાહન ઊભું રખાવ્યું. સૌ નીચે ઊતર્યાં.
અસ્થિવિસર્જન વેળા: (ડાબેથી) ઈશાન, સુજાત, શૈલી અને મલક
પરેશે તેર તેર વરસથી જતનપૂર્વક સાચવી રાખેલાં અસ્થિફૂલ બહાર કાઢ્યાં. શૈલી, સુજાત, મલક અને ઈશાનના હાથમાં એ પકડાવીને એમને એ નદીમાં વહાવવા જણાવ્યું. એક બાજુ સખત પવન વાતો હતો, અતિશય ઠંડું વાતાવરણ હતું, પણ અંદરથી સંબંધની એક અનોખી ઉષ્મા અનુભવાતી હતી. હોમાયબહેનના સ્થૂળ દેહની એ આખરી નિશાનીને પીન નદીનાં શુદ્ધ જળના પ્રવાહમાં વહાવી ત્યારે સંબંધોની શુદ્ધતા અને પવિત્રતાથી સૌનાં હૈયાં ભીંજાયાં. કશું બોલી શકવાની હામ નહોતી. એની જરૂર પણ નહોતી. યાદગીરીરૂપે અમારા ડ્રાઈવર દિનેશ કુમાર પાસે અમારા આઠેયની તસવીર ખેંચાવી. ઘડીક થોભ્યાં અને પ્રવાસને આગળ ધપાવ્યો.

અસ્થિવિસર્જન પછી એ સ્થળે (ડાબેથી) ઈશાન, કામિની- બીરેન,
પરેશ- પ્રતિક્ષા, શૈલી- સુજાત અને મલક

પીન નદીના શુદ્ધ વહેણમાં આખરી સ્થૂળ સ્મૃતિનું વિસર્જન

હોમાયબહેન અમારાં જીવનમાં આવ્યાં, અને જેટલો સમય તેમનો સાથ અમને મળ્યો એ એટલો સઘન છે કે એમ લાગ્યા કરે છે, 'જો ખત્મ હો કિસી જગહ, યે ઐસા સિલસિલા નહીં.'