Showing posts with label Osian. Show all posts
Showing posts with label Osian. Show all posts

Monday, January 9, 2012

જોધપુર:પથ્થરની નગરી કેમેરાની આંખે


નવા વરસમાં નવા સંકલ્પો લેવાને બદલે જૂની ચીજવસ્તુઓ ઠેકાણે ગોઠવવાનું કામ કરવું વધુ ગમે છે. અત્યાર સુધી ચીજો ગોઠવવાનો મતલબ એવો હતો કે બસ, કામની સામગ્રી યોગ્ય ઠેકાણે મૂકાયેલી હોવી જોઈએ. આને કારણે થતું એવું કે ગોઠવણી દેખાય સરસ, પણ કામને ટાણે કશું જડે નહીં. લેખનના ક્ષેત્રમાં આવ્યા પછી, અને ખાસ કરીને બ્લોગ શરૂ કર્યા પછી ખ્યાલ આવ્યો કે માત્ર યોગ્ય ઠેકાણે ગોઠવવું જરૂરી નથી, સમયે તે હાથમાં આવે એ વધુ જરૂરી છે.
          આ બ્રહ્મજ્ઞાન લાધ્યું એ સાથે જ બે દિવસ આખું ઘર માથે લીધું અને કામની ઘણી બધી ચીજોને નવેસરથી ગોઠવી. એટલે કમ સે કમ અત્યારે તો લાગે છે કે કામને ટાણે બધું મળશે. પણ આવું લાગે એ પૂરતું નથી. એનો પ્રયોગ કરી જોવો જોઈએ. એટલે મનમાં નક્કી કર્યું કે ચાલો, જોધપુરના ફોટા શોધી જોઈએ. અને આશ્ચર્ય! તરત જ એ હાથમાં આવી ગયા. પણ જોધપુરના જ ફોટા કેમ? 
****   ****  ****
            રાજસ્થાનનું આકર્ષણ જબરું છે. એમાંય જોધપુર/Jodhpur, જેસલમેર/ Jaisalmer ની વાત જ શી કરવી? જેસલમેર બેએક વખત જવાનું બન્યું છે, તો જોધપુર ત્રણેક વખત. અહીં રખડવાની એવી મઝા આવે કે ન પૂછો વાત. જેસલમેર શહેરની બાંધણી અને પથ્થરનું સૌંદર્ય અતિ આકર્ષક છે, એમાં કોઈ બેમત નથી. પણ મને લાગે છે કે જોધપુર શહેરનો મહિમા ભારતીય પ્રવાસીઓમાં જોઈએ એવો થયો નથી. ત્યાં લોકો જાય છે ખરા, પણ જેસલમેરના રૂટમાં આવતા એક શહેર તરીકે. ટ્રેનમાં જનારા મોટે ભાગે સવારે જોધપુર ઉતરે અને દિવસ આખો જોધપુર પતાવીને રાત્રે ઉપડી જાય જેસલમેર તરફ.
         જોધપુરમાં બે-ત્રણ દિવસ આખા આરામથી ફરી શકાય. અહીંથી પાંસઠેક કિલોમીટર દૂર આવેલું નાનકડું ગામ ઓસિયાં ફરવા જેવું છે. જોધપુરથી એસ.ટી.બસમાં ઓસિયાં જઈ શકાય અને આખો દિવસ ત્યાં ગાળીને સાંજે પાછું જોધપુર આવી જવાય.
            જોધપુર-ઓસિયાં- જેસલમેરના એક પ્રવાસમાં હું (મારા પરિવાર સાથે) -બિનીત-ઉર્વીશ હતા. એ વખતે અનેક તસવીરો લીધી હતી. એમાંથી આ વખતે ફક્ત જોધપુર અને ઓસિયાં/Osian ના જ કેટલાક ફોટોગ્રાફ્સ અહીં મૂક્યા છે. એ વખતે અમે એવો ઉપક્રમ રાખેલો કે એક કેમેરામાં રંગીન રોલ રાખવો અને બીજામાં શ્વેતશ્યામ. (જાણકારોને ખ્યાલ હશે જ કે પહેલાંના જમાનામાં કેમેરામાં રોલ નાંખવા પડતા હતા.) એમાંથી કેટલીક શ્વેતશ્યામ તસવીરો. આમાં કયા ફોટા અમારા ચારમાંથી કોણે પાડ્યા એ સંશોધનનો વિષય છે. અને અમે બહુ ઉદાર ભાવે બીજાને એની ક્રેડીટ આપવા તત્પર રહીએ છીએ. એટલે બિનીત અને ઉર્વીશને પૂછવાથી (કે પૂછ્યા વિના સામે ચાલીને ઉદારતાથી) એ લોકો કહે કે આ ફોટા એમણે નહીં, મેં પાડ્યા છે, તો નમ્રતાપૂર્વક હું એમનો એ દાવો માન્ય રાખીશ. એમ તો હજી આ સ્થળોના બીજા કલર ફોટા તેમજ જેસલમેરના ફોટા બાકી જ છે પણ એ ફરી ક્યારેક. 
           આ શહેરના સારા ફોટા પાડવા માટે ખાસ કશી આવડતની જરૂર નથી- એમ કોઈને લાગે તો...! તો એ સાચું જ છે. અને કોઈને લાગે કે આના માટે વિશેષ આવડતની જરૂર છે, તો એ પણ સાચું છે. 

મેહરાનગઢ/ Mehrangarh શહેરમાં ગમે ત્યાંથી એનાં દર્શન થઈ શકે એટલી ઉંચાઈ પર છે. 









મંડોર: જોધપુરથી સાવ નજીકનું નગર. 



.


ઉમેદભવન પેલેસ 


 ઓસિયાંનાં મંદિરોની કારીગરી ઘણે અંશે અખન્ડીત છે.