Showing posts with label ફિલ્મસંગીત. Show all posts
Showing posts with label ફિલ્મસંગીત. Show all posts

Sunday, June 28, 2026

વાદ્યવિશેષની એક નવી પહેલ

"તમે ગીત સાંભળો ત્યારે એમાં શું સાંભળો?"

"અરે! આ તે કંઈ સવાલ છે? ગીત સાંભળીએ ત્યારે ગીત જ સાંભળવાનું હોય ને!"
"એમ નહીં! તમને શું વધારે ગમે? એના શબ્દો? ધૂન? ગાયકનો અવાજ? સંગીત? ફિલ્માંકન? કોની પર..."
"બસ, બસ, બસ! આવું બધું અમે નથી વિચારતા. બસ, ગીત ગમ્યું એટલે ગમ્યું. સાંભળવાનું ને મજા લેવાની."
આ સંવાદ કાલ્પનિક છે, પણ સાવ કાલ્પનિક નહીં. ઘણા બધા સાથે એ થાય છે, અને એના જવાબ જુદા જુદા મળે છે. ઘણા બહુ સ્પેસિફિક જણાવે, જેમ કે, રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા)ને ગીતના શબ્દો અને ગાયકની ગાયકી બરાબર યાદ રહી જતી. અમારા એક મિત્ર પ્રભાકર વ્યાસ 'તાલીબાન' અમુક ગીતો સાંભળે તો પોતાનો હાથ અમને દેખાડીને કહેતા, 'જુઓ, લતાનો અવાજ સાંભળીને મારાં રુંવાડાં ખડા થઈ ગયા છે." પદ્મનાભ જોશીને ગીતની પૂર્વ- ઉત્તર કથામાં બહુ રસ પડતો. એમાંય શંકર- જયકિશનનું સંગીતબદ્ધ કરેલું ગીત હોય તો પૂછવું જ શું! મિત્ર ચંદ્રશેખર વૈદ્ય ગીત સાથે સંકળાયેલી ઝીણી ઝીણી વિગતો પીરસે છે. મુદ્દો એટલો કે ગીત એક જ હોય, પણ સૌની માણવાની રીત જુદી જુદી હોય.
આવી બધી સમજણ મને ખાસ નહોતી પડતી, પણ આગળ વધતા ગયા એમ સમજાયું કે મને કોઈ ગીતમાં વાગતાં વિવિધ વાદ્યોમાં વધુ રસ પડે છે. વાદ્યો વિશેની મારી જાણકારી જરાય નહીં, પણ સાંભળતાં સાંભળતાં એ કેળવાતી ગઈ. એના વિશે ઘણા પાસે જિજ્ઞાસા વ્યક્ત થતી, પણ મોટે ભાગે એનો સંતોષકારક જવાબ ન મળતો. ત્યારે મને થયું કે ગીતના એ ભાગમાં લોકોને કદાચ બહુ રસ ન પડતો હોય એમ બની શકે. પણ એ માટેનું પૂછવા ઠેકાણું મળ્યું અને એવું મજબૂત મળ્યું કે બસ! એ ઠેકાણું એટલે મિત્ર પિયૂષભાઈ પંડ્યા. પોતે હાર્મોનિકાના અચ્છા વાદક અને અનેક કાર્યક્રમો સહયોગમાં કરી ચૂકેલા. આથી અવારનવાર એમની સાથે આ બાબતે વાત થતી રહેતી. એમાંય ફેસબુક પર લખાયેલી ટાઈટલ મ્યુઝિકની શ્રેણી દરમિયાન ઘણાં વાદ્યો ન ઓળખાય, કે ઓળખવામાં ગૂંચવાડો થાય કે તરત પિયૂષભાઈ સાથે વાત કરતો. એવુંય બનતું કે ઘણા વાદ્યોમાં એમને પણ ન ખ્યાલ આવે. એ વખતે તેઓ મથામણ કરતા, અને એના નિષ્ણાતો પાસેથી એ મેળવતા. ફિલ્મસર્જક અને સંગીતકાર મિત્ર ગિરીશ મકવાણા પણ આમાં ઘણા મદદરૂપ બની રહેલા.
પિયૂષભાઈ સાથેના આ સત્સંગને પરિણામે અમુક કામ બહુ ઉત્તમ થઈ શક્યાં. એક તો એમણે 'વેબગુર્જરી' પર વિવિધ વાદકોનો પરિચય આપતી શ્રેણી શરૂ કરી. એમાં મિલન ગુપ્તા, એસ. હજારા સિંહ, મનોહરી સિંહ, ઈનોક ડેનિયલ્સ, કેરસી લોર્ડ સહિત બીજા અનેક અદ્‍ભુત વાદકો/અરેન્જરોનો તેમણે પરિચય કરાવ્યો. પણ હજી એટલાથી અમારી ભૂખ શમી નહોતી, બલ્કે વધુ પ્રદીપ્ત થઈ હતી. આથી એ શ્રેણીનું અનુસંધાન પણ 'વેબગુર્જરી' પર આરંભાયું, જેનું નામ 'વાદ્યવિશેષ'.
આ શ્રેણી બહુ વિશિષ્ટ બની રહી છે. બે દિવસ અગાઉ તેનો 43મો હપ્તો મૂકાયો. એટલે કે સાડા ત્રણ વર્ષથી એ ચાલી રહી છે. તેમાં જે તે વિશેષ વાદ્યનો ઊપયોગ થયો હોય એવાં ગીતો અમે મૂકી રહ્યાં છે. આમાં વાદ્યોના પ્રકાર અનુસાર વિભાગ અને પેટાવિભાગ પાડેલા છે. જેમ કે, કળવાદ્યોના (કી બોર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ) વિભાગમાં એકોર્ડિયન, પિયાનો, હાર્મોનિયમ વગેરે આવે. એ જ રીતે ફૂંકવાદ્યો (વીન્ડ ઈન્સ્ટ્રુમેન્‍ટ્સ) , બ્રાસવાદ્યો, તંતુવાદ્યો વગેરે મુખ્ય વિભાગ. અને એ દરેક વિભાગમાં એક એક વાદ્ય લઈને એનો જેમાં વધુ ઉપયોગ કરાયો હોય એવાં ગીતોની લીન્‍ક આપવાની. સાથોસાથ એ વાદ્યની રચનાનો મૂળભૂત પરિચય. આના અન્ય વિભાગો બરાબર ચાલ્યા, પણ અમને ખરેખરી મઝા આવી તાલવાદ્યો એટલે કે રીધમ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં. એમાં અમે શક્ય એટલા વાદ્યોને અલગ કર્યાં. જેમ કે, ઢોલક, ઢોલકી, મૃદંગ, તબલાં, ઢોલ, પખાવજ, ડફ, નાળ, માદલ વગેરે. હજી બીજાં અનેક છે, જેના વિશે લખાશે, જેમ કે, મટકા, ઘટમ, નગારું કે નોબત, ખોલ, બોંગો, કોંગો, ડ્રમસેટ વગેરે વગેરે.
હજી ઉપતાલવાદ્યોનો આખો વિભાગ બાકી છે.
અઠવાડિયા પહેલાં વધુ એક વિચાર આવ્યો. આમ તો આ શ્રેણીના મોટા ભાગના હપતા 'વેબગુર્જરી' પર ઉપલબ્ધ છે, પણ અગાઉની શ્રેણી નથી, કેમ કે, એના હેકિંગનો પ્રશ્ન હતો. આથી અમે નક્કી કર્યું કે આ ગીતોનું આપણે વાદ્ય અનુસાર યુ ટ્યૂબ પર પ્લેલીસ્ટ બનાવીએ. શૈલી આવી જ, એટલે કે કળવાદ્યો હોય તો એમાં પિયાનો, એકોર્ડિયન, હાર્મોનિયમનાં ગીતોની અલગ અલગ યાદી. પ્લેલીસ્ટ બનાવવાનું કામ કદી કર્યું નહોતું, પણ કરતાં સમજાયું કે એ બહુ જ સરળ છે. આ કામ હજી ચાલુ છે, પણ અત્યારે પિયૂષભાઈએ અને મેં મળીને પંદરેક વાદ્યોનું પ્લેલીસ્ટ તૈયાર કરીને મૂકી દીધું છે.
પિયૂષભાઈએ બનાવેલા પ્લેલીસ્ટમાં કીબોર્ડ વાદ્યોમાં પિયાનો, એકોર્ડિયન, હાર્મોનિયમ અને તંતુવાદ્યોમાં વાયોલિન, ગિટાર, હવાઈયન ગિટાર તેમજ મેન્‍ડોલીનનો સમાવેશ થાય છે.
મેં કરેલા પ્લેલીસ્ટમાં ફૂંકવાદ્યો (વીન્‍ડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ) છે, જેમાં વુડવીન્‍ડ અને બ્રાસ એવા બે પેટા પ્રકારો છે. તેમાં ફ્લુટ, બેગપાઈપ, ટ્રમ્પેટ, સેક્સોફોન, શરણાઈ, પુંગી, ક્લેરિનેટ અને હાર્મોનિકાનો સમાવેશ થાય છે. પહેલાં દરેક વાદ્યનો અવાજ (સૂર) કેવો હોય એનો નમૂનો છે, જેથી ગીતમાં એ વાગે તો તરત ઓળખી શકાય.
બન્નેનું કામ હજી ચાલુ છે, પણ અત્યારે આ વાદ્યોનો વિશેષ ઉપયોગ થયો હોય એવાં સરેરાશ વીસેક ગીતો મૂકાયેલાં છે.
આખી વાતનો સાર એટલો કે તમારે કોઈ ચોક્કસ વાદ્યના ઉપયોગવાળાં ગીતો સાંભળવાં હોય તો એ અહીં સાંભળી શકાશે. ખાસ યાદ રાખવું કે આ ગીતો એક બેઠકે સાંભળવાની મજા નહીં આવે, પણ કોઈ કામ કરતાં કરતાં સાંભળી શકાશે, અને એમાં રહેલા વાદ્યનું વાદન માણી શકાશે. અને હજી એમાં નવી શ્રેણીઓ, તેમજ એની એ જ શ્રેણીમાં નવાં ગીતો ઉમેરાતાં જશે.
આ લીન્ક પર પિયૂષભાઈએ બનાવેલી યાદી:

અને આ લીન્ક પર મેં બનાવેલી યાદી:

Monday, September 22, 2025

...ફિર ભી રહેગી નિશાનીયાં

આઠેક મહિનાથી જેની તૈયારી ચાલતી હતી, અને ખાસ તો 7 સપ્ટેમ્બર, 2025ના રોજ ઘોષિત કરાયા પછી વરસાદને કારણે મુલતવી રખાયેલો કાર્યક્રમ '...ફિર ભી રહેગી નિશાનીયાં' આખરે 21 સપ્ટેમ્બર, 2025ને રવિવારની સાંજે અમદાવાદના સ્ક્રેપયાર્ડ ખાતે યોજાઈ ગયો. આ વખતે આયોજન એવું ખીચોખીચ હતું કે શનિવાર, 20 મીએ સાંજે માંડવી (કચ્છ) ખાતે સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ નિમિત્તે કાર્યક્રમ હતો. (એનો અહેવાલ અહીં વાંચી શકાશે.) એ પતાવીને પ્રો. હસિત મહેતાએ મને અને કામિનીને ભૂજથી પોણા અગિયારે ઊપડતી ટ્રેનમાં વડોદરા આવી જવાની વ્યવસ્થા કરેલી. આથી રવિવારે સવારે અમે પાછા વડોદરા આવી ગયા. બે દિવસથી અહીં વરસાદ હતો, એટલે રવિવાર માટે અમે સહેજ ચિંતીત હતા. કબીરભાઈ સાથે સતત વાત થતી રહેતી હતી, એટલે છેવટે અમે એ તારણ પર આવેલા કે કોઈક કારણસર વરસાદ આવે તો પણ એટલો બધો આવે એમ જણાતું નથી કે બધું ખોરવાઈ જાય. એ સંજોગોમાં હૉલમાં પણ વ્યવસ્થા કરીશું. છેવટનો નિર્ણય કબીરભાઈ અને તેમની ટીમ સાંજના પાંચ આસપાસ લઈ લેશે. અમે નિર્ધારીત સમય મુજબ બપોરના સાડા ચાર આસપાસ અમદાવાદ જવા નીકળી ગયા. કબીરભાઈએ જણાવેલું કે રજિસ્ટ્રેશન ઘણાં થયાં છે, અને એ ઊપરાંત પણ અનેક મિત્રોએ આવવા જણાવ્યું છે. આ જાણીને આનંદ થયો.


સ્ક્રેપયાર્ડ પહોંચ્યા ત્યારે સ્ક્રેપયાર્ડની ટીમે રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો વગાડવાનાં શરૂ કરી દીધેલાં. અમે નાની મોટી વ્યવસ્થાઓ ગોઠવી. જોતજોતાંમાં બહાર લોકો આવવા લાગ્યા હતા. ઘણા બધા મિત્રોની પૃચ્છા હતી કે આમાં રાજકપૂરની ફિલ્મોનાં ગીતોબીતો ગાવાનાં? અમે 'ના' કહીએ એટલે પૂછાતું, 'તો પછી કાર્યક્રમમાં છે શું?' આ સમજાવવું મુશ્કેલ હતું, છતાં અમે શક્ય એટલી ધીરજથી એ કહેવા પ્રયત્ન કરતા.

આર.કે.ની ફિલ્મોના સંગીતપ્રેમીઓની ભરચક હાજરી

કાર્યક્રમ માણવામાં મગ્ન દર્શકો

અંદર પ્રવેશ શરૂ થયો એ સાથે જ અનેક જાણીતા, અજાણ્યા ચહેરાઓ જોવા મળ્યા. જોતજોતાંમાં બેઠકવ્યવસ્થા ભરાઈ ગઈ. ભોંય પર પણ શેતરંજી પાથરવામાં આવી હતી. ત્યાં પણ કેટલાક ગોઠવાયા. કબીરભાઈ દ્વારા સ્ક્રેપયાર્ડ અને તેની પ્રવૃત્તિઓના ટૂંકા પરિચય પછી આખરે '...ફિર ભી રહેગી નિશાનીયાં' કાર્યક્રમ શરૂ થયો. મારા શોખના આ વિષયમાં મારું ઘડતર કરનાર ત્રણ ગુરુઓ- હરીશ રઘુવંશી, રજનીકુમાર પંડ્યા અને નલિન શાહને આ કાર્યક્રમ સમર્પિત કરવો એ તો કાર્યક્રમની સામગ્રી વિશે વિચારતાં પહેલાં નક્કી હતું. ધીમે ધીમે એક પછી એક વિગતો રજૂ થતી ગઈ. રાજ કપૂરની ફિલ્મોના સંગીતનો કાર્યક્રમ હોય, એના ગીતોના પૂર્વસંગીત, સેતુસંગીત અને સમાપનસંગીતનો ખ્યાલ આપવા પૂરતું સંબંધિત ગીતની અડધી કે એક લીટી જ વગાડવી એ કેટલું અઘરું હતું એ મને ખબર હતી. પણ એય સ્પષ્ટ હતું કે કાર્યક્રમનું ફોકસ સંગીત પરથી હટવું ન જોઈએ. અડધી કે એકાદ લીટી વાગે અને દર્શકો એમાં જે તાલ પુરાવે ત્યાં તો એ વાગતી બંધ થઈ જાય એ ખરું જોતાં દર્શકોમાં અળખામણા બની રહેવા માટે પૂરતું હતું. આમ છતાં, રજૂ કરાતા સંગીતના અંશો, તેનો પરિચય, વાદ્યો વિશે વાત- આ બધામાં સૌને રસ પડતો જોઈ શકાતો હતો. દર્શકોમાંથી એકાદ વાર એવી મીઠી માંગ પણ ઉઠી કે 'એકાદ ગીતો તો આખું સંભળાવો!' એમ ન કરવા બદલ દિલગીરી વ્યક્ત કરીને જણાવ્યું કે એ લપસણી ભૂમિ પર જવું નથી. ખરી મઝા જે તે સંગીતના અંશ પછી મળતા દર્શકોના પ્રતિસાદની હતી. કાર્યક્રમ આગળ વધતો ચાલ્યો અને જોતજોતાંમાં ઈન્ટરવલ થયો. આ ટૂંકા બ્રેકમાં અનેક મિત્રો, પરિચીતો, અપરિચીતો મળ્યા. સૌના વર્તનમાં ખુશી જોઈ શકાતી હતી. ઈન્ટરવલ પછી કાર્યક્રમનો બીજો હિસ્સો હતો. એમાં પણ રાજ કપૂર નિર્મિત ફિલ્મોના સંગીતની કેટલીક લાક્ષણિકતાઓ દર્શાવવાનો પ્રયાસ હતો. એના ટાઈટલ મ્યુઝિક સાથે ચપટીઓ વાગતી સંભળાતી, સાથેસાથે એની ધૂન પણ ગણગણાતી કાને પડતી અને ખ્યાલ પણ આવતો કે કેટલા સજ્જ શ્રોતાઓ આવ્યા છે. કાર્યક્રમમાં સામગ્રી જ એટલી બધી હતી કે મારે બીજી આડીઅવળી વાતો માટે અવકાશ જ ન રહે. આપોઆપ જ મુખ્ય વિષય પર કેન્‍દ્રિત રહેવાય. વચ્ચે વચ્ચે લેપટોપ કનડતું હતું, છતાં મારે શ્રોતાઓની ધીરજના વખાણ કરવાનો વારો આવે એવી સ્થિતિ દર્શકોએ આવવા ન દીધી અને સ્વયંભૂ શિસ્તનો પરિચય કરાવ્યો. એ તેમની એકાગ્રતા અને સંગીતપ્રેમ સૂચવતાં હતાં.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની ગડમથલમાં
ઈશાન, કામિની અને સ્ક્રેપયાર્ડની ટીમનો સાવન

કાર્યક્રમના આરંભે કબીરભાઈ દ્વારા
સ્ક્રેપયાર્ડનો ટૂંકમાં પરિચય

કાર્યક્રમની રજૂઆત દરમિયાન

બધું મળીને કાર્યક્રમ સવા ત્રણ કલાક જેટલો ચાલ્યો, જેમાં મધ્યાંતરનો સમય પણ આવી જાય. કાર્યક્રમની આટલી અવધિ છતાં કેટલા બધા પ્રેમીઓ છેક સુધી બેઠા! અનેક મિત્રો મધ્યાંતર પછી વચ્ચે ઉઠીને ગયા પણ ખરા, કેમ કે, મોટા ભાગના ભોજન વિના આવ્યા હોય.
કાર્યક્રમ પૂરો થયા પછી હાજર રહેલા સૌએ આનંદ વ્યક્ત કર્યો.એટલા બધા મિત્રો હતા કે સૌનાં નામ લખું તો પણ અમુક ચૂકી જવાય. આથી એ સૌના આભાર સાથે એ ઉપક્રમ ટાળું છું.

કાર્યક્રમની આટલી લાંબી અવધિ જોતાં એમ પણ વિચાર્યું કે હવે પછી કદાચ આ કાર્યક્રમ યોજીએ તો એને એક નિર્ધારીત સમયમર્યાદામાં સમેટીએ. જોઈએ એ તો.

ગયા વર્ષના ડિસેમ્બરમાં યોજાયેલા 'નમ્બરિયા 2' કાર્યક્રમમાં આ કાર્યક્રમની ઘોષણા કર્યા પછી તેની પર કામ શરૂ કરેલું. એ બધાના અંતિમ પરિમાણ રૂપે કાર્યક્રમ આખરે યોજાયો, અને બહુ સરસ રીતે પર પડ્યો, મિત્રોએ વધાવ્યો એ પછી જાણે કે એક મોટો પ્રસંગ પાર પડ્યો હોય એવું અનુભવાય છે. એ તો બરાબર, પણ આ પ્રકારના, કેવળ સંગીત આધારિત કાર્યક્રમ પણ તૈયાર કરીએ તો પણ લોકો સુધી એ પહોંચી શકે છે એ અનુભવાયું એનો વિશેષ આનંદ.
(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ, સંતોષકુમાર દુબે, ઈશાન કોઠારી)

Thursday, February 20, 2025

દેખને મેં ભોલા હૈ, દિલ કા સલોના

થોડા સમય પહેલાં વહીદા રહેમાનની પહેલી તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ' (1955)નું ગીત 'એરુવાકા સાગારૂ રન્નો ચિન્નન્ના' સાંભળ્યું, જેના પરથી 'બમ્બઈ કા બાબુ'નું 'દેખને મેં ભોલા હૈ' પ્રેરીત હોય એમ લાગ્યું. ગૂગલ પર વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે અસલમાં આ 'અય્યો કયોડા' શબ્દો ધરાવતી એક તેલુગુ લોકધૂન છે. તેનો પહેલવહેલો ફિલ્મમાં ઉપયોગ 'શ્રી લક્ષ્મમ્મા કથા' નામની તેલુગુ ફિલ્મના ગીત 'ઓરય્યો કયોડા'માં થયેલો.

ત્યાર પછી ૧૯૫૫માં તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ'માં આ ધૂનનો ઉપયોગ થયો. તેના પછી ૧૯૫૬માં આવેલી 'મદુરાઈ વીરન'ના ગીત 'સુમ્મા કીદન્‍તા'માં પણ આ ધૂન વપરાઈ. આ ગીતમાં આરંભિક બે લીટીઓ છે, પણ બર્મનદાદાએ ત્રીજી લીટીની ધૂનને મુખડું બનાવ્યું છે અને ગીતની શરૂઆત ત્યાંથી કરી છે. 'બમ્બઈ કા બાબુ' છેક ૧૯૬૦માં રજૂઆત પામ્યું હતું. બર્મનદાદાએ પણ આ ધૂનમાં હિન્દી શબ્દો 'દેખને મેં ભોલા હૈ, દિલ કા સલોના' મૂકાવ્યા, જે મજરૂહસાહેબે લખ્યા હતા. 'બમ્બઈ કા બાબુ'માં આ ગીત પંજાબી ગીત હોવાની છાપ ઉપસાવે છે અને તેને સાંભળવાની મઝા ઓર છે.

Monday, February 17, 2025

સબસે બડા રૂપૈયા

કોઈ સંવાદ યા પંક્તિ પિતાએ પડદે ઉચ્ચારી હોય અને એ અત્યંત સફળ થઈ હોય, એનાં વરસો પછી પુત્ર પણ એ જ પંક્તિ ઉચ્ચારે અને એ પણ એટલી જ સફળ થાય એવી શક્યતા ઓછી! કેમ કે, જમાનો બદલાઈ ગયો હોય, દર્શકોની પેઢી અને તેની સાથે રસરુચિ પણ બદલાઈ ગઈ હોય. આવા જૂજ કિસ્સામાં પિતા-પુત્ર મુમતાઝ અલી અને મહેમૂદને યાદ કરવા પડે. 1950માં રજૂઆત પામેલી 'સરગમ'માં ગીતકાર-દિગ્દર્શક પી.એલ. (પ્યારેલાલ) સંતોષીનાં ગીતોને સી. રામચંદ્રે સંગીતબદ્ધ કરેલાં. રાજ કપૂર અને રેહાનાને ચમકાવતી આ ફિલ્મમાં મુમતાઝ અલી, ઓમપ્રકાશ જેવા હાસ્યકલાકારોની પણ મહત્ત્વની ભૂમિકા હતી. ફિલ્મના એક ગીતના શબ્દો છે: 'બાપ ભલા ન ભૈયા, ભૈયા સબસે ભલા રૂપૈયા....' આ ગીત પડદા પર રાજ કપૂર અને મુમતાઝ અલી રજૂ કરે છે, જેને અનુક્રમે મ.રફી અને ચીતલકરે સ્વર આપ્યો છે. ફિલ્મનાં તમામ ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં. આ ગીત પણ એમાંનું એક.

સંતોષીસાહેબને કદાચ 'રૂપિયા'વાળી પંક્તિ પસંદ આવી ગઈ હશે કે ગમે એમ, પણ તેમણે 'સબસે બડા રૂપૈયા' નામની એક ફિલ્મનું દિગ્દર્શન કર્યું અને તેમાં ગીતો લખ્યાં. દત્તા ધર્માધિકારી નિર્મિત આ ફિલ્મ 1955માં રજૂઆત પામી, તેમાં સાથે મજરૂહ સુલતાનપુરીનાં લખેલાં ગીતો પણ હતાં. આ ફિલ્મમાંના આઠ ગીતોમાંનું એક ગીત હતું આશા અને રફીના સ્વરે ગવાયેલું 'સબસે બડા હૈ જી, સબસે બડા હૈ, સબસે બડા રૂપૈયા.' આ ફિલ્મના નિર્માણ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓનું રસપ્રદ બયાન કે.કે.એ પોતાનાં સંભારણાં 'ગુઝરા હુઆ ઝમાના'માં કર્યું છે.

એ પછી 1976માં મહેમૂદે 'સબસે બડા રૂપૈયા' નામે ફિલ્મનું નિર્માણ કર્યું. મજરૂહસાહેબે તેના માટે ગીત લખ્યું, 'બાપ બડા ન ભૈયા, ભૈયા સબસે બડા રૂપૈયા'. ગીતનો કેન્દ્રવર્તી સૂર એ જ હતો કે 'The whole thing is that....'
'સબસે બડા રૂપૈયા'નું દિગ્દર્શન એસ. રામનાથને કરેલું. આ ફિલ્મમાં 'ના બીવી ના બચ્ચા, ના બાપ બડા ના ભૈયા, ધ હોલ થિંગ ઈઝ ધેટ કિ ભૈયા સબસે બડા રૂપૈયા.' મહેમૂદ અને સાથીઓ દ્વારા ગવાયેલું.

ઉલ્લેખનીય છે કે 2005માં રજૂઆત પામેલી અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાને ચમકાવતી ફિલ્મ 'બ્લફ માસ્ટર'ના ટાઈટલ સોંગ તરીકે 'સબસે બડા રૂપૈયા'ને જ શબ્દશ: વાપરવામાં આવ્યું હતું.

બીજી એક નોંધવાલાયક વાત એ કે, 'સબસે બડા રૂપૈયા' ગીતની ધૂન 1933 માં રજૂઆત પામેલી અંગ્રેજી ફિલ્મ '42nd street'ના ટાઈટલ ગીત In the heart of little old New York You'll find a thoroughfare ની ધૂન સાથે ઘણું સામ્ય ધરાવે છે.

Wednesday, December 25, 2024

નમ્બરીયા- 2: મન કી 'બીન' મતવારી બાજે...

નાતાલની પૂર્વસંધ્યા, 24 ડિસેમ્બરની સાંજે સાડા સાતથી અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં 'નમ્બરીયા-2' કાર્યક્રમ યોજાઈ ગયો. આ અગાઉ 14 માર્ચે આ કાર્યક્રમની પહેલી કડી યોજાઈ હતી. હિન્દી ફિલ્મોના એક સમયના અનિવાર્ય અંગ જેવાં ટાઈટલ્સ, અને ટાઈટલ ટ્રેક્સ વિશે ખાસ વાત થઈ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ આ જ વિષય પાર, એટલે કે ટાઈટલ ટ્રેક અથવા તો ટાઈટલ મ્યુઝિક પાર કાર્યક્રમ વિચારાયેલો. પહેલાં એમ હતું કે આવો એકાદ કાર્યક્રમ થઈ શકશે. પહેલો કાર્યક્રમ કરતી વખતે સમજાયું કે એકથી નહીં પતે. બીજો પણ કરવો પડશે. હવે બીજો કરતાં સમજાયું કે બેથી પણ નહીં ચાલે.

'નમ્બરીયા' શબ્દ સાથે ફીલ્મરસિકોની અનેક પેઢીઓનું અનુસંધાન રહેલું છે. એમને સમજાવવાની જરૂર નથી કે એનો શો અર્થ થાય. આને કારણે આ કાર્યક્રમમાં દર વખતે અનેક નવા ચહેરા જોવા મળે છે, જે કાર્યક્રમ પતવા સુધીમાં પરિચીત બની રહે છે. ગઈ કાલના કાર્યક્રમમાં પણ આમ જ થયું. પરિચીતની સાથે અનેક અપરિચીત ચહેરા જોવા મળ્યા.

આમ તો બધું મળીને પચીસેક સાઉન્ડ ટ્રેક હતી, જે ઘણી કહેવાય, કેમ કે, આમાં ક્યાંય ગીતોનો સમાવેશ નહોતો. પણ સ્ક્રેપયાર્ડના સુસજ્જ શ્રોતાઓએ અનેક ઝીણી ઝીણી વાતો સચોટ રીતે ઝીલી. તેને લઈને કાર્યક્રમ મજાનો બની રહ્યો.
મોટે ભાગે ગીતોને લગતા કાર્યક્રમો યોજાતા રહે છે, લાઈવ સંગીતના પણ ખરા. પણ આ રીતે ટાઈટલ ટ્રેકને અનુલક્ષીને રેકોર્ડેડ મ્યુઝીકનો કાર્યક્રમ યોજવો એ સાહસનું કામ ખરું. કબીરભાઈ અને નેહાબહેન આવા અનેક વિશિષ્ટ કાર્યક્રમો માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે એનો આનંદ.
કાર્યક્રમ પૂરો થયા પછી થતું અનૌપચારિક મિલન બહુ આનંદદાયક બની રહે છે. બે કાર્યક્રમની સફળતા પછી હવે ત્રીજો કાર્યક્રમ વિચારણા હેઠળ છે. જોઈએ હવે એ ક્યારે થઈ શકે છે.

'નમ્બરીયા-2'ની રજૂઆત

કાર્યક્રમ પછીનું અનૌપચારિક મિલન

(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ)

Monday, September 23, 2024

કોને કહું દિલની વાત (2)

(પ્રથમ કડી અહીં વાંચી શકાશે.) 

ઊર્વીશનો ફોન આવ્યાની દસ મિનીટમાં જ અમે નેશનલ હાઈવે પર હતા. હસિતભાઈની કારમાં ડૉ. પારૂલબહેન પટેલ, ઉર્વીશ અને હું- એમ કુલ ચાર જણા નડિયાદથી વિદ્યાનગરને રસ્તે નીકળ્યા. ઉર્વીશે જણાવ્યું કે પ્રીતિ સાગર હસિતભાઈના એક મિત્ર દેવદત્તભાઈ સાથે મુંબઈથી આવેલાં છે, અને વિદ્યાનગરના એક રિસોર્ટમાં ઊતર્યાં છે. તેઓ ચેક આઉટ કરીને નીકળવાનાં છે, અને આપણે એ વખતે એમને મળવાનું છે. 

આખી વાત એવી બનેલી કે પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન દેવદત્તભાઈ દંપતિનાં મિત્રો હતા. તેઓ આગલા દિવસે મુંબઈથી આવેલાં અને ડાકોર દર્શનાર્થે ગયેલાં. હસિતભાઈ સાથે દેવદત્તભાઈ સંપર્કમાં હતા અને તેમણે હસિતભાઈને જણાવેલું કે તેમની સાથે એક 'ગેસ્ટ' પણ છે, અને એ લોકો બીજા દિવસે 'અમૂલ'માં કોઈકને મળવા જવાના છે. આમ તો, દેવદત્તભાઈના ગેસ્ટ હોય એમાં હસિતભાઈને શું રસ હોય, પણ તેઓ 'અમૂલ'માં કોઈકને મળવા જવાના છે, અને હસિતભાઈ 'અમૂલ'માં અનેક લોકોને જાણે. એટલે એમણે સ્વાભાવિકપણે જ પૂછ્યું, 'કોને મળવા જવાના છો?' દેવદત્તભાઈએ કહ્યું, 'મારી સાથે પ્રીતિ સાગર છે.' આ સાંભળીને હસિતભાઈને હળવો આંચકો લાગ્યો અને તેમનાથી સહસા પૂછાઈ ગયું, "એ હમણાં શું કરે છે?" દેવદત્તભાઈને લાગ્યું કે હસિતભાઈ પ્રીતિ સાગરને કદાચ ન પણ ઓળખતા હોય. એટલે એમણે સહજપણે કહ્યું, "એ સીંગર છે." એ પછીની વાતોમાં જે રહસ્યોદ્‍ઘાટન થયું હોય એ, પણ હસિતભાઈને લાગ્યું કે પ્રીતિ સાગર આમ છેક ઘરઆંગણે આવ્યાં હોય અને એમને મળીએ નહીં એ કેમ ચાલે? એ પછી એમને આવેલો તરતનો વિચાર એ કે બીરેન-ઉર્વીશને સાથે લઈને મળીએ તો ઓર મજા આવે. હસિતભાઈના મનમાં બીજાં પણ આયોજન હશે, પણ આખરે એ નક્કી થયું કે બપોરે અમારે રિસોર્ટ પર પહોંચી જવું. 

રસ્તામાં ઉર્વીશ સાથે વાત થઈ એટલે એણે ટૂંકમાં કહી દીધું કે 'બધો માલ લઈ લીધો છે.' તેને આગોતરી જાણ થઈ અને બધો 'માલ' એની પાસે સહજસુલભ રીતે ગોઠવાયેલો હતો. એ બધું એણે સાથે રાખેલું. 

પોણા બે - બે વાગ્યાની આસપાસ અમે વિદ્યાનગર પહોંચીને સીધા રિસોર્ટના રિસેપ્શન એરિયામાં પહોંચી ગયા. લગભગ તરત જ દેવદત્તભાઈ આવ્યા. હસિતભાઈએ પરસ્પર પરિચય કરાવ્યો અને અમે વાતો કરતાં બેઠાં. એમણે કહ્યું, 'પ્રીતિબહેન પણ આવે જ છે.' વાતવાતમાં જાણવા મળ્યું કે દેવદત્તભાઈ અને પ્રીતિ સાગરના પતિ મિત્રો હતા. 

અમારી વાતો ચાલી, અને થોડી વારમાં જ પ્રીતિ સાગર, તેમના પતિ શ્રી સરન અને દેવદત્તભાઈનાં પત્ની સામેથી આવતા દેખાયા. તેઓ આવ્યાં એટલે દેવદત્તભાઈએ હસિતભાઈનો પરિચય કરાવ્યો, અને હસિતભાઈએ અમારા સૌનો. બહુ વિવેકસભર રીતે પ્રીતિ સાગરે હાથ જોડીને સૌને મળવાની ખુશી વ્યક્ત કરી. તેઓ ગુજરાતીમાં જ વાત કરી રહ્યાં હતાં. હસિતભાઈએ કહ્યું, "આ બન્ને ભાઈઓ તમને વરસોથી ઓળખે છે. એ લોકો જ એના વિશે કહેશે." પ્રીતિ સાગરે સ્મિત આપ્યું. એ પછી ઉર્વીશ મહેમદાવાદથી લાવેલા 'માલ' સાથે ઊભો થયો અને પ્રીતિ સાગરની બાજુમાં ગોઠવાયો. અમને બરાબર અંદાજ હતો કે પ્રીતિ સાગર એ જોશે તો નવાઈ જ પામશે. એ ધારણા સાચી પડી. સૌથી પહેલાં ઉર્વીશે 1991માં લીધેલા તેમના અને તેમના પિતાજી મોતી સાગરના ઓટોગ્રાફ દેખાડ્યા. એ જોઈને તેમને સુખદ આશ્ચર્ય થયું. એ પછી 1991માં યોજાયેલા એ કાર્યક્રમ વિશે ઉર્વીશે વાત કરી. તેમને યાદ નહોતું કે પોતે આવા કાર્યક્રમમાં આવેલાં. પણ એના ફોટા જોઈને તેમણે બહુ આનંદ વ્યક્ત કર્યો. 

ત્રણ દાયકા પછી એ જ પાન પર...(પાછળ ઊભેલાં શ્રીમતી દેવદત્ત)  

સંઘરેલો 'માલ' દેખાડવાની મજા


'ભૂમિકા'ની રેકોર્ડના કવર પર ઓટોગ્રાફ
(સામે બેઠેલા હસિત મહેતા) 

પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન 

એક વાત એ લાગી કે પ્રીતિ સાગર પોતે એવા વહેમમાં હોય એમ ન લાગ્યું કે એમનું નામ પડતાં જ લોકો એમને ઓળખી જાય. એટલે એમના ઊપરાંત એમના પિતાજીના ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ જોઈને એમને બહુ સારું લાગ્યું હોય એમ જણાયું. 

એ પછી ઉર્વીશે એક પછી એક રેકોર્ડ કાઢી. એ જોઈને તેમના મોંમાથી આશ્ચર્યના ઉદ્‍ગાર સરતા ગયા. 'Spring is coming' રેકોર્ડ જોઈને એમણે કહ્યું, 'આ તો મારી પાસે પણ નથી.' 

"આ તો મારી પાસે પણ નથી." 

સહજપણે વાતો આગળ વધતી રહી. 'મંથન'ની રેકોર્ડના કવર પર અગાઉ વનરાજ ભાટિયાના ઓટોગ્રાફ લીધેલા હતા. એની બાજુમાં જ એમને ઓટોગ્રાફ આપવા અમે વિનંતી કરી. અમે વનરાજ ભાટિયા સાથેની મુલાકાત યાદ કરીને 'મંથન'ના ગીત વિશે કહ્યું. એટલે તેમણે કહ્યું, 'મને બધા કહેતા કે વનરાજ ભાટિયાનાં કમ્પોઝિશન એવાં હોય છે કે બીજું કોઈ એ ગાઈ ન શકે. તું કેમનાં ગાઉં છું?' એમ કહીને જણાવ્યું, 'એમના ગીતમાં એક ટ્રેક આમ (એક દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય, બીજી ટ્રેક આમ (બીજી દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય..!' આર્ટ ફિલ્મોના દિગ્દર્શકોની ગીત ફિલ્માંકનની અણઆવડત બાબતે વનરાજ ભાટિયાનો અભિપ્રાય અમે જણાવ્યો, જેનાથી એ જ્ઞાત ન હોય એમ બને જ નહીં. એમણે ઊમેર્યું, 'શ્યામ બેનેગલ પણ એ રીતે જ ફિલ્માંકન કરતા હતા.' વાતવાતમાં તેમણે કહ્યું, 'મંથન' માટે અસલમાં શ્યામ બેનેગલે અવિનાશ વ્યાસ પાસે એક ગીત લખાવેલું. પણ એ ગીત એમને બહુ 'ભારે' લાગ્યું અને કહ્યું કે ના, આવું નહીં, મારે એકદમ સરળ ગીત જોઈએ.' પ્રીતિ સાગરનાં બહેન નીતિ સાગર ત્યારે સેન્‍ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતાં. માતા ગુજરાતી હોવાથી ભાષાથી પરિચીત, પણ ગીતલેખનનો કોઈ અનુભવ નહીં. છતાં તેમણે કહ્યું, 'હું પ્રયત્ન કરું?' તેમણે થોડા શબ્દો લખ્યા અને શ્યામ બેનેગલને બતાવ્યા એટલે શ્યામબાબુ અહે, 'બસ, મારે આવું જ ગીત જોઈએ.' એમ એ ગીત લખાતું ગયું. વનરાજ ભાટિયા પણ એમાં સંકળાતા. ગીત રજૂઆત પામ્યું અને એવી લોકપ્રિયતાને વર્યું કે વખતોવખત એ જ મૂળ ધૂનમાં શબ્દો બદલાવીને 'અમૂલ'એ તેને અપનાવી લીધું. 'અમૂલ'માં ઈન્‍ટરકોમ પર કોલર ટ્યુન તરીકે આ ગીત, લીફ્ટમાં પણ આ જ ગીત, જાહેરાતમાં પણ આ જ ગીતનો ઊપયોગ! પોતે ગાયેલા ગીતનું આ હદનું ચિરંજીવપણું કયા ગાયકને ન ગમે! એનો માપસરનો રોમાંચ પણ એમની વાતમાં જણાયો. 

ગાયિકા અને સંગીતકારના ઓટોગ્રાફ હારોહાર 

'મંડી'ના ગીત 'શમશીર બરહના માંગ ગઝબ'માં 'બરહના' શબ્દનો સાચો ઉચ્ચાર જાણવા અમારે કેટલું મથવું પડેલું એની વાત સાંભળીને એમના ચહેરા પર હાસ્ય આવ્યું. 

મોતી સાગર અને નલિન શાહની મિત્રતા વિશે વાત નીકળી એટલે અમે નલિનભાઈ અમારા 'ગુરુ' હતા એ જણાવ્યું. એમણે તરત પૂછ્યું, 'એમની પાસે ઘણું જૂનું કલેક્શન હતું. એનું શું થયું?' 'સાગર મુવીટોન' પુસ્તક વખતે નલિનભાઈએ મને એક જૂનું બાંધકામ જોવા જવા જણાવેલું, જે એમને મોતી સાગરે બતાવેલું અને એ 'સાગર મુવીટોન'ની લેબ હતી એમ કહેલું. એ બધી વાતો થઈ. 

ઓટોગ્રાફ બુકમાં એમણે 33 વર્ષ અગાઉ ઓટોગ્રાફ આપેલા એની બાજુમાં જ એમને કંઈક લખવા જણાવ્યું અને એમણે પણ હોંશથી એ લખી આપ્યું. ઉર્વીશે જણાવ્યું કે તમને પહેલી વાર મળ્યો ત્યારે મારી ઉંમર વીસ-એકવીસની હતી, આજે મારી દીકરીની ઉંમર એકવીસની છે. આ જાણીને તેમને પણ મજા આવી. બીજી વાતો પણ થતી રહી. તેઓ પછી એડ ફિલ્મો અને એના નિર્માણ સાથે સંકળાયેલાં. ફિલ્મમાં પાર્શ્વગાયન ઘણા વરસોથી બંધ કર્યું છે. 

33 વર્ષના અંતરાલ પછી એ જ પાન પર 
(વાતચીત દરમિયાન 31 વર્ષનો ઉલ્લેખ 
થતો રહ્યો હોવાથી એમણે પણ એ 
જ આંકડો લખ્યો છે.) 

વીસ-પચીસ મિનીટની એ ટૂંકી, પણ આનંદદાયક મુલાકાત અમારા સૌ માટે સંભારણા જેવી બની રહી. અમારા માટે તો ખરી જ, પ્રીતિ સાગરે પણ કહ્યું, 'મને ખ્યાલ નહોતો કે આ મુલાકાતમાં તમને મળવાનું થશે અને આવું સરપ્રાઈઝ મળશે. બહુ આનંદ આવ્યો.' 

આ આખી મુલાકાતમાં એક બાબત ખાસ નોંધવી રહી. પ્રીતિ સાગરના પતિ સોમી સરનની ભૂમિકા સમગ્ર ઊપક્રમમાં બહુ સહયોગપૂર્ણ રહી. આરંભિક પરિચય પછી તેઓ એક તરફ ગોઠવાયા અને અમારી વાતોમાં ક્યાંય વચ્ચે ન આવ્યા કે ન કશી એવી ચેષ્ટા દાખવી કે અમારે વાત ટૂંકાવવી પડે. તેમણે પણ સમગ્ર મુલાકાતનો આનંદ વ્યક્ત કર્યો. આ લખવાનું ખાસ કારણ એ કે આવું સહજ નથી હોતું. હસિતભાઈ અને પારૂલબહેને પણ અમને વાતોની મોકળાશ કરી આપી, અને પારુલબહેને અમારી વાતચીત દરમિયાન તસવીરો ખેંચવાની જવાબદારી સ્વેચ્છાએ સંભાળી લઈને અમને વાતચીત કરવા માટે મુક્ત રાખ્યા. એ જ રીતે દેવદત્તભાઈ અને તેમનાં પત્નીએ પણ પૂરો સહયોગ આપ્યો. 

આમ, પરોક્ષ રીતે શરૂ થયેલું સંગીતસંબંધનું એક વર્તુળ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા બહુ આનંદદાયક રીતે પૂરું થયું. 

(સમાપ્ત) 

(તસવીર સૌજન્ય: ડૉ. પારુલ પટેલ) 

Sunday, September 22, 2024

કોને કહું દિલની વાત (1)

સાઠના દાયકામાં જન્મેલી એવી કઈ વ્યક્તિ હશે કે જે 'જુલી' (1975) ના અંગ્રેજી ગીત 'માય હાર્ટ ઈઝ બિટીંગ'ના જાદુથી મોહિત નહીં થઈ હોય? એ ખરું કે એ આખેઆખા અંગ્રેજી ગીતના શબ્દો સમજાતા નહોતા, પણ મુખડું 'My heart is beating, keeps on repeating, I am waiting for you' લગભગ મોઢે થઈ ગયેલું. એની ધૂન કે સંગીત સારાં હતાં, પણ અસાધારણ નહીં. એનો ખરો જાદુ હતો ગાયિકા પ્રીતિ સાગરના અવાજનો. 

લગભગ એ જ અરસામાં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મોમાંથી એકે થિયેટરમાં જોવાનો મેળ પડ્યો નહોતો, કે નહોતાં એ ફિલ્મનાં ખાસ ગીતો રેડિયો પર સંભળાતાં. એવામાં પ્રીતિ સાગરનું વધુ એક ગીત રેડિયો પર સંભળાતું થયું, જે એના વિશિષ્ટ સંગીતને લઈને બહુ જ ગમવા લાગ્યું. એના સંગીતકાર હતા વનરાજ ભાટિયા, અને ગીત હતું 'તુમ્હારે બિન જી ના લગે ઘર મેં', ફિલ્મ 'ભૂમિકા' (1977). સમય વીતતો ગયો અને ધીમે ધીમે ફિલ્મસંગીત સાંભળવામાં રુચિ વધતી ચાલી, પણ અમારો (હું અને મારો નાનો ભાઈ ઉર્વીશ) મુખ્ય ઝોક જૂના ફિલ્મસંગીત તરફ હતો, જેમાં પહેલાં રજનીકુમાર પંડ્યા અને પછી મળેલા નલિન શાહ જેવા ગુરુઓના સંગે એને બરાબર માંજો ચડ્યો. 1989-90ના અરસામાં અમે જૂના ફિલ્મસંગીત/ફિલ્મ સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને મળવા માટે મુંબઈ જવાનું શરૂ કર્યું, અને પહેલી જ વારમાં આશા ભોંસલે સાથે મુલાકાત થઈ, જેનાથી અમારી હિંમતમાં  વધારો થઈ ગયો. 

શૈલેષકાકાએ ભેટ આપેલો 'યાદોં કી મંઝીલ'નો સેટ
શરૂઆતમાં અમારો ઊતારો સગા કાકા સુરેન્દ્ર કોઠારીને ઘેર (સાંતાક્રુઝ) રહેતો, જે પછી પપ્પાના પિતરાઈ ભાઈ શૈલેષ પરીખ (પેડર રોડ)ને ઘેર થયો. શૈલેષકાકા પણ જૂનાં ગીતોનાં શોખીન, અને એમનું એ જોડાણ મુખ્યત્વે અતીત રાગને લઈને. અમારી એક મુલાકાત દરમિયાન તેમણે અમને બાર કેસેટનો એક સેટ ભેટ આપ્યો. 'એચ.એમ.વી.' દ્વારા 'યાદોં કી મંઝીલ' શિર્ષક અંતર્ગત હિન્‍દી ફિલ્મોના વિવિધ યુગની ઝાંખી આપતાં ગીતોનો સમાવેશ હતો. 

કાકાએ આમ તો પોતાના માટે એ સેટ ખરીદેલો, પણ અમારો લગાવ જોઈને તેમણે એ અમને આપવાનું નક્કી કર્યું, અને એમની દીકરી પૌલાએ અમારા કહેવાથી એના બૉક્સ પર લખાણ પણ લખી આપ્યું. 

કેસેટમાં બૉક્સ પૌલાએ લખેલું લખાણ 

એ કેસેટમાં અમને એક ગીત હાથ લાગ્યું, અને એ સાંભળતાંવેંત અમે એના પ્રેમમાં પડી ગયા. એ ગીત અમે રિવાઈન્‍ડ કરી કરીને વારંવાર સાંભળવા લાગ્યા. ગીત હતું શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'મંથન' (1976)નું. વનરાજ ભાટિયાએ સંગીતબદ્ધ કરેલું એ ગીત ગાયું હતું પ્રીતિ સાગરે અને લખ્યું હતું નીતિ સાગરે. શબ્દો હતા 'મેરો ગામ કાંઠા પારે...' ગીતનું ખરું આકર્ષણ એની ધૂન અને સંગીતમાં હતું, જે આજે પણ ઓસર્યું નથી. એમાં હાડોહાડ ગુજરાતીપણું હતું, છતાં ગરબાનો ઠેકો નહોતો. એમ લાગતું હતું કે વનરાજ ભાટિયાએ આ ગીત બનાવીને અને પ્રીતિ સાગરે એ ગાઈને કમાલ કરી દીધી છે. 

એ જ અરસામાં દૂરદર્શન પરથી પ્રસારિત 'ભારત એક ખોજ' ધારાવાહિકના અમે આકંઠ પ્રેમમાં હતા. એને લઈને જ અમે એક મુંબઈ મુલાકાત દરમિયાન શ્યામ બેનેગલને મળ્યા હતા. વનરાજ ભાટિયાનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સફળતા મળી નહોતી. (એ પછીના વીસેક વરસે એનો મેળ પડ્યો) 

1991માં હરમંદીરસિંઘ 'હમરાઝ' સંપાદિત 'હિન્‍દી ફિલ્મગીતકોશ'ના ખંડ 1 નું વિમોચન ચર્ની રોડ સ્ટેશનની સામે આવેલા 'બીરલા ક્રીડા કેન્‍દ્ર'માં યોજાયેલું, જેમાં પણ અમે ઉત્સાહભેર પહોંચી ગયેલા. એ જ કાર્યક્રમમાં 'હમરાઝ' ઊપરાંત નલિન શાહ, હરીશ રઘુવંશી સાથે પહેલવહેલી વાર મુલાકાત થયેલી. આ કાર્યક્રમમાં વીતેલા જમાનાના અભિનેતા-ગાયક મોતી સાગર પણ ઉપસ્થિત રહેલા, જે ગાયક મુકેશના પિતરાઈ થતા હતા. વયસ્ક મોતી સાગર પોતાની દીકરી સાથે આવેલા, અને એ દીકરીનું નામ હતું પ્રીતિ સાગર. આ કાર્યક્રમ એટલો આત્મીય અને અનૌપચારિક હતો કે તેણે અમારા હૃદય પર ઊપસાવેલી છાપ હજી એટલી જ તાજી છે. એક સમયના ધુરંધરો આપણી સાવ સામે હતા, અને તેમને કશા સંકોચ વિના મળી શકાતું હતું. મોતી સાગર અને પ્રીતિ સાગર પહેલાં ખુરશી પર ગોઠવાયાં એટલે ઉર્વીશ સીધો ઓટોગ્રાફ બુક લઈને એમની પાસે પહોંચી ગયો. મોતી સાગરની સાથોસાથ તેણે પ્રીતિ સાગરના હસ્તાક્ષર પણ લીધા, અને કહ્યું, 'આપકા 'મેરો ગામ કાંઠા પારે..' ગાના હમકો બહોત પસંદ હૈ.' એ વખતે જૂના ફિલ્મસંગીત વિશેનું અમારું ઝનૂન એવું હતું કે નવા ગાયક-ગાયિકાઓને અમે ગાયક ગણવા તૈયાર જ નહોતા. અલબત્ત, પ્રીતિ સાગર એમાં અપવાદ હતાં. એ કાર્યક્રમમાં પિતાપુત્રી બન્ને કલાકારોના હસ્તાક્ષર એક જ પાન પર લીધા. કાર્યક્રમમાં તેમણે એ ગીતનું મુખડું લલકારેલું. 

મુંબઈના કાર્યક્રમમાં મોતી સાગર (ડાબે) સાથે પ્રીતિ સાગર 
અને સી.અર્જુન 

શૈલેષકાકાને ઘેર આવીને અમે પૌલાને કહ્યું કે કાર્યક્રમમાં પ્રીતિ સાગર પણ આવેલાં. (બીજા કલાકારોને તે ખાસ ન ઓળખે એટલે) આથી તે બહુ રાજી થઈ અને 'મેરો ગામ કાંઠા પારે...' ગણગણતી કહે, 'એમનું આ ગીત સુપર્બ છે.' એની પણ પ્રીતિ સાગર અતિ પ્રિય ગાયિકા. હજી હમણાં જ, ત્રણેક મહિના પહેલાં એ કોઈ રેસ્તોરાંમાં ગઈ હતી અને ત્યાં પ્રીતિ સાગર પણ આવ્યાં હતાં. તો પૌલાએ એમની સાથે ફોટો લઈને અમને મોકલાવેલો. 

દીકરી શચિનો જન્મ થયો એ પછીના અરસામાં પ્રીતિ સાગરે ગાયેલી 'નર્સરી ર્‍હાઈમ્સ'ની કેસેટ બહાર પડેલી. શચિ તો સાંભળતી, પણ પ્રીતિ સાગરના અવાજને કારણે અમે પણ એ નિયમીત સાંભળતાં. 

પ્રીતિ સાગરની 'નર્સરી ર્‍હાઈમ્સ'ની કેસેટ 

એ પછી છેક 17 વરસે, જૂન 2008માં વનરાજ ભાટિયાને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે એ દીર્ઘ મુલાકાતમાં અનેક વાતો થઈ. અમારા પ્રિય ગીત 'મેરો ગામ કાંઠા પારે..' વિશે વાત ન થાય એ કેમ બને? વનરાજ ભાટિયાએ જણાવ્યું કે એ ગીત નીતિ સાગરે લખેલું, અને એ 'સ્ટુડિયો લેન્‍ગ્વેજ' હતી, એટલે કે સ્ટુડિયોમાં જ તૈયાર કરાયેલી. એની પર કંઈ લાંબુંપહોળું સંશોધન નહોતું થયું. નીતિ સાગરનાં માતા ગુજરાતી હોવાથી સાગર બહેનોને ગુજરાતી આવડતું હતું. ગીતમાં એક લીટી એવી છે: 'મારે ગામડે લીલાલ્હેર, જહાં નાચે મોર ને ઢેલ'. આ લીટીમાં 'મોરની' શબ્દ હતો, પણ વનરાજ ભાટિયાએ આગ્રહ રાખ્યો કે 'મોરની'ને બદલે 'ઢેલ' શબ્દ રાખવો, કેમ કે, ગુજરાતમાં એ આ નામે જ ઓળખાય છે. 

વનરાજ ભાટિયાની આ મુલાકાત પછી ઉર્વીશે તેની પર આધારિત લેખ 'ગુજરાત સમાચાર'માં લખ્યો, અને મેં 'અહા!જિંદગી'માં ચાલતી મારી કોલમ 'ગુર્જરરત્ન'માં. લેખ માટે સુરતના હરીશ રઘુવંશીનો મશવરો લેવો જ પડે. હરીશભાઈએ કહ્યું, 'તમે બને તો લેખ એકાદ દિવસ મોડો મોકલો. હું તમને એક સી.ડી.મોકલી આપું.' મેં સંપાદક દીપક સોલિયા પાસેથી એક દિવસની મુદત માગી. એ વખતે લેખ કુરિયર દ્વારા મુંબઈ મોકલવાનો રહેતો. હરીશભાઈએ મને એક સી.ડી. મોકલી આપી, જે તેમણે એક રેકોર્ડિંગ સેન્‍ટરમાં તૈયાર કરાવી હતી અને એમાં વનરાજ ભાટિયાનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો હતાં. હરીશભાઈએ જણાવ્યું, 'લેખ લખતાં પહેલાં તમે આ ગીતો સાંભળો તો સારું. ફેર પડશે.' એ સી.ડી.દ્વારા પ્રીતિ સાગરના અવાજનું નવેસરથી ઘેલું લાગ્યું. 'પિયા બાજ પ્યાલા પીયા જાયે ના' (નિશાંત), 'શમશીર બરહના માંગ ગઝબ' (મંડી), 'વૉટ્સ યોર પ્રોબ્લેમ' (કલયુગ), 'સાવન કે દિન આયે' (ભૂમિકા, ચંદ્રુ આત્મા સાથે) જેવાં ગીતો વારંવાર વાગતાં રહેતાં. અંગ્રેજી ગીત હોય, ગઝલ હોય કે લોકગીતના ગાયકની હલક ધરાવતું 'લોકગીત' પ્રકારનું ગીત હોય, કે અન્ય કોઈ પણ પ્રકારનું ગીત હોય પ્રીતિ સાગરનો સ્વર ગીતના સંયોજન મુજબ એમાં ઢળી જતો. 

આ સી.ડી.ની વધુ એક નકલ કરીને લેખની સાથે દીપક સોલિયાને પણ મોકલી આપી. એ મળતાં જ દીપકનો ફોન આવ્યો. કહે, 'લેખ તો પછી વાંચું છું, પણ સી.ડી.જોઈને મજા પડી ગઈ.' 

પ્રીતિ સાગર અને વનરાજ ભાટિયાનાં નામ મનમાં એવાં એકરૂપ થઈ ગયાં છે કે એકની સાથે અનાયાસ બીજું યાદ આવી જાય. 

પણ આ જોડાણનું લાંબું પુરાણ અત્યારે આલેખવાની શી જરૂર પડી? શું થાય? સંજોગો જ એવા ઊભા થયા. 

**** 

19 સપ્ટેમ્બર, 2024ના બપોરે એક વાગ્યે ઉર્વીશનો ફોન આવ્યો. વાતચીત કંઈક આવી થઈ. તેણે પૂછ્યું: "નડિયાદ આવી ગયો છું?" 

"હા." 

"તને લેવા આવીએ છીએ." 

"ક્યાં જવાનું છે?" 

"પ્રીતિ સાગરને મળવા." 

"હેં???" 

"વિગત જણાવું છું હમણાં, પણ તું તૈયાર રહે. અમે (ઉર્વીશ અને હસિત મહેતા) દસેક મિનીટમાં જ નીકળીએ છીએ." 

આટલા ઓછા સમયમાં પણ ઊપર લખી એ તમામ સ્મૃતિઓની પટ્ટી મનમાં ફરવાની શરૂ થઈ ગઈ. 


(ક્રમશ:) 

(બીજી કડી અહીં વાંચી શકાશે.) 

Sunday, June 26, 2022

બડી માં, નૂરજહાં, કે. દત્તા અને એક અજાણી કિશોરી

 હિન્દી ફિલ્મોમાં ગાયિકા નૂરજહાંનો પ્રવેશ કરાવવાનું શ્રેય સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના ફાળે જાય છે. 1942માં રજૂઆત પામેલી 'ખાનદાન'નાં ગીતો અતિશય લોકપ્રિય થયા તેને પગલે અનેક સંગીતકારોએ આ પ્રતિભાશાળી ગાયિકા પાસે ગીતો ગવડાવવા માંડ્યા. શ્યામસુંદર, સજ્જાદ, ફિરોઝ નિઝામી, મીરસાહેબ, કે. દત્તા, નૌશાદ જેવા સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલાં ગીતોએ રસિકોને રીતસર ઘેલું લગાડ્યું.

અલબત્ત, એ હકીકત છે કે આજે નૂરજહાંની ઓળખ મુખ્યત્વે નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતો પૂરતી સીમિત થઈ રહી છે (અનમોલ ઘડી), પણ મારા અંગત મતે નૂરજહાંનો સ્વર આ ગીતોમાં સાવ સપાટ છે. તેમના સ્વરની વિશાળ રેન્જ અને તેમની ખૂબી જેવી મુરકીઓ ક્યાંય જણાતી નથી.

1945માં રજૂઆત પામેલી ફિલ્મ 'બડી માં'ની વાત નીકળે એટલે નૂરજહાના ચાહકોને 'ઓહોહો' થઈ જાય, કેમ કે, આ ફિલ્મમાં સંગીતકાર કે. દત્તા (દત્તા કોરેગાંવકર) દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં નૂરજહાંના ગીતો 'આ ઈન્તજાર હૈ તેરા', 'દિયા જલાકર આપ બુઝાયા', 'તુમ હમકો ભૂલા બૈઠે' અને 'કિસી તરહ સે મુહબ્બત મેં ચૈન પા ન સકે'નો જાદુ એવો છે કે એક વાર સાંભળનાર એને કદી વીસરી ન શકે.

1942થી 1948 સુધીનો ગાળો નૂરજહાંના ગાયનનો સુવર્ણકાળ હતો, એ પછી તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયાં. આ જ અરસામાં તેર- ચૌદ વરસની એક કિશોરી પિતાજીના અવસાન પછી પોતાના પરિવાર (ચાર ભાંડરડાં અને માતા)ને ટેકારૂપ થવા માટે ગાયન-અભિનયનું જે કામ મળે એ સ્વીકારતી હતી અને જે આવક થાય એનાથી દિવસો ટૂંકા કરી રહી હતી. નૂરજહાંની નજીકમાં પણ ક્યાંય એ ઊભી રહી શકે એમ નહોતી. પણ પરિવારના એક હિતેચ્છુ વિનાયક દામોદર કર્ણાટકી થકી તેને ગાયન-અભિનયનું છૂટુંછવાયું કામ મળતું રહ્યું હતું.

વિ.દા.કર્ણાટકી માસ્ટર વિનાયક તરીકે જાણીતા હતા, જેમણે દિગ્દર્શીત કરેલી 'બડી માં'માં સંગીતકાર કે.દત્તાના દસ ગીતો હતાં, અને એ પૈકીનાં ચાર આજેય નૂરજહાંની ઓળખ બની રહ્યા છે. (આગળ જતાં આ જ માસ્ટર વિનાયકની પુત્રી હિન્દી ફિલ્મજગતની જાણીતી અભિનેત્રી બની, જેનું નામ નંદા).

માસ્ટર વિનાયકને કારણે પેલી કિશોરીને પણ આ જ ફિલ્મમાં બે ગીત ગાવાની તક મળી. 'માતા તેરે ચરણોં મેં' અને 'જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ'. આ ગીત સમૂહગીત હતાં, જેમાં પેલી કિશોરીની સાથે અન્ય ગાયક/ગાયિકાનો સ્વર પણ હતો.

આ કિશોરીને ધીમે ધીમે કામ મળતું ગયું, અને 1948માં તેનો પરિચય માસ્ટર ગુલામ હૈદર સાથે થયો એ કેવળ તેના જીવનનો જ નહીં, હિન્દી ફિલ્મસંગીતના એક આગવા અને નવા અધ્યાયનો આરંભ હતો. એ કિશોરીનું નામ લતા મંગેશકર.

આ પોસ્ટ પૂરતી વાત એટલી જ કે- 'બડી માં'નાં ગીતો એટલે નૂરજહાંનાં ગીતો એવી જે વાત છે, ત્યારે એ જ ફિલ્મમાં લતાએ ગાયેલાં બે ગીતો પણ હતાં એ જાણીને આનંદ થાય.

(નોંધ:પીળા હાઈલાઈટવાળી ગીતની પંક્તિ પર ક્લીક કરવાથી એ સાંભળી શકાશે.)


Friday, June 24, 2022

રોશન પછીનાં, રોશન પહેલાંના એક સંગીતકાર રોશન

ગાયિકા- સંગીતકાર તરીકેની તેમની ઓળખ, પણ એ ક્ષેત્રે તેમનું પ્રદાન સાવ મર્યાદિત જણાય છે. 1948માં રજૂઆત પામેલી 'અમ્બિકા ફિલ્મ્સ' નિર્મિત, એમ.આઈ.ધરમશી દિગ્દર્શીત ફિલ્મ 'અનોખા પ્યાર'માં તેમનું એક યુગલ ગીત હતું એમ જાણવા મળ્યું. આ ફિલ્મ સંગીતપ્રેમીઓને યાદ છે એમાંના લતા મંગેશકરે ગાયેલાં ગીતો માટે. સંગીતકાર અનિલ બિશ્વાસે ફિલ્મનાં દસ ગીતો પૈકી નવ ગીતમાં લતાના સ્વરનો ઉપયોગ કર્યો હતો. દસમું ગીત મુકેશનું એકલગાન હતું. લતાએ ગાયેલાં નવ ગીતમાંથી બે યુગલગીત હતાં, અને સાત એકલગીત. આ બે યુગલગીતમાંથી એક ગીતના સહગાયક છે મુકેશ, જ્યારે બીજા ગીતમાં લતાનાં સહગાયિકા છે ઈરા નાગરથ.

ઈરા નાગરથ 

હિન્દી ફિલ્મોમાં આપણે એક જ 'નાગરથ'ને જાણીએ છીએ- રોશનલાલ નાગરથ. ઈરા નાગરથ તેમનાં પત્ની. મૂળ તો ઈરા મોઈત્રા, પણ રોશનલાલ સાથે લગ્ન કર્યા પછી 'નાગરથ' બન્યાં.

હરમંદીરસિંઘ 'હમરાઝ' સંપાદિત હિન્દી ફિલ્મ ગીતકોશ અનુસાર આ ગીત મૂળ તો અનિલ બિશ્વાસે મીના કપૂર પાસે ગવડાવીને તેનો ઉપયોગ ફિલ્માંકનમાં કર્યો હતો, પણ આ ગીતની રેકોર્ડ બહાર પાડતી વખતે મીના કપૂર બીમાર હોવાથી તેમણે એક યુગલ ગીતમાં મીના કપૂરને બદલે ઈરા નાગરથના સ્વરનો ઉપયોગ કર્યો.
યુ ટ્યૂબ પર આ યુગલ ગીત 'એ દિલ મેરી વફા મેં કોઈ કસર નહીં' ઉપલબ્ધ છે, અને તેમાં લતાનાં સહગાયિકા તરીકે ઈરા નાગરથનું નામ છે, પણ ગીતકોશની માહિતી અનુસાર ફિલ્માંકન મીના કપૂરના સ્વરમાં કરવામાં આવ્યું હોવાથી આ સ્વર હકીકતમાં મીના કપૂરનો હોવો જોઈએ. આ ગીતની 78 આર.પી.એમ.ની રેકોર્ડ નં. N 35594 પર ઉપલબ્ધ ગીતમાં ઈરા નાગરથનો સ્વર હશે.
રોશનના 1967માં થયેલા અવસાન વખતે અધૂરી રહેલી ફિલ્મ 'અનોખી રાત' (1968)માં પાર્શ્વસંગીત સલીલ ચૌધરીએ આપ્યું હતું. અન્ય ગીતો રોશને તૈયાર કરી દીધાં હશે, પણ 'મહલોં કા રાજા મિલા' ગીત ઈરા રોશને પૂર્ણ કર્યું હતું. એ ફિલ્મના ટાઈટલમાં 'એસોસિયેટ મ્યુઝીક ડિરેક્ટર' તરીકે ઈરા રોશનનું નામ જોઈ શકાય છે.

'અનોખી રાત'નાં ટાઈટલ

રોશનના પુત્ર રાજેશ રોશને સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી હજી અપનાવી નહોતી. એ છેક 1974માં 'કુંવારા બાપ'થી બન્યું.
1981માં રજૂઆત પામેલી ફિલ્મ 'શાકા'માં પણ સહાયક સંગીતકાર તરીકે ઈરા રોશનનું નામ છે. આ ફિલ્મમાં રાજેશ રોશનનું સંગીત હતું.

'શાકા'નાં ટાઈટલ
રાજેશ રોશનના સંગીતવાળી, 2002માં રજૂઆત પામેલી 'આપ મુઝે અચ્છે લગને લગે'ના આખરી ટાઈટલમાં પણ સહાયક સંગીત નિર્દેશક તરીકે તેમનું નામ છે.

'આપ મૂઝે અચ્છે લગને લગે'નાં ટાઈટલ

એમ લાગે છે કે ઈરા રોશનની પોતાની સાંગિતીક પ્રતિભા સિમીત હશે અથવા તેમણે પોતે એ સાવ સિમીત કરી દીધી હશે.
હકીકત જે હોય એ, આ વીસરાયેલાં રોશનને આ પોસ્ટ થકી યાદ કરીએ.
'અનોખા પ્યાર'આં અનિલ બિશ્વાસે સંગીતબદ્ધ કરેલું, લતા સાથેનું યુગલગીત અહીં સાંભળી શકાશે, પણ આ ફિલ્મની ક્લીપ હોવાથી તેમાં સ્વર મીના કપૂરનો છે. ઈરા નાગરથના સ્વરવાળી રેકોર્ડ કોઈક સંગ્રાહક પાસે હોઈ શકે. આમ છતાં, એ ગીત કેવું છે એનો કંઈક અંદાજ આ સાંભળવાથી આવી શકશે.

(image courtsey: wikepdia) 

Monday, March 7, 2022

રાહુલ દેવ બર્મન: પહેલો દાયકો અને કિશોરકુમાર

 કિશોરકુમારને બ્રેક આપનાર સંગીતકાર ખેમચંદ પ્રકાશ હતા, પણ તેમને સતત અજમાવતા રહેનાર સંગીતકાર સચીન દેવ બર્મન હતા. અમુક સંગીતકારો કિશોરકુમારને ગાયક સુદ્ધાં ગણવા તૈયાર નહોતા, એવે સમયે સચીનદાએ કિશોરકુમાર પાસે સતત ગીતો ગવડાવ્યાં. 'આઠ દિન' (1946)માં કિશોરકુમાર પાસે 'બાંકા સિપહીયા ઘર જઈ હો' જેવી થોડી લીટીઓ ગવડાવ્યા પછી 'બહાર' (1951)માં 'કસૂર આપકા હજૂર આપકા' જેવું આખું ગીત તેમણે ગવડાવ્યું. આમ છતાં, આ જોડીને સફળતા મળી છેક 'આરાધના' (1969)માં. અઢાર વરસ જેટલો સમયગાળો કોઈ વ્યક્તિની પ્રતિભામાં વિશ્વાસ ટકાવી રાખવા માટે ઘણો લાંબો ગણાય.

રાહુલ દેવ બર્મન નાની વયથી પિતાજીના સહાયક તરીકે સંકળાયેલા હતા, અને બર્મનદાદાના નામે ગણાતાં અમુક ગીતની ધૂન કિશોર વયના રાહુલ દેવે બનાવી હતી એવી વાત બહુ જાણીતી છે. આથી સ્વાભાવિકપણે જ આપણને એમ માનવાનું મન થાય કે રાહુલ દેવ અને કિશોર કુમાર વચ્ચે ખૂબ મેળ હશે. કેમ કે, આગળ જતાં એ હકીકત પુરવાર પણ થઈ.
અલબત્ત, કેટલીક વિગતો રસ પડે એવી છે. રાહુલ દેવ બર્મનના સ્વતંત્ર સંગીતવાળી ફિલ્મ 'છોટે નવાબ'ની રજૂઆત 1961માં થઈ. તેમની કારકિર્દીનો પ્રથમ દસકો એટલે કે 1961થી 1970 સુધીની ફિલ્મો અને એ ફિલ્મોમાં કિશોરકુમારે ગાયેલાં ગીતો કંઈક જુદું ચિત્ર ઉપસાવે છે. વર્ષવાર રજૂ થયેલી રાહુલ દેવની ફિલ્મ, તેનાં કુલ ગીતો અને એ ગીતોમાં કિશોરકુમારે ગાયેલાં ગીતોની સંખ્યા જોવાથી ખ્યાલ આવશે.
****

1961: છોટે નવાબ (કુલ ગીતો 8 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1965:
ભૂત બંગલા (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 2- 'જાગો સોને વાલોં' અને 'એક સવાલ હૈ')
તીસરા કૌન (કુલ ગીતો 5 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1966:
પતિ પત્ની (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
તીસરી મંઝીલ (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1967:
બહારોં કે સપને (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
ચંદન કા પલના (કુલ ગીતો 8 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1968:
અભિલાષા (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 1- 'પ્યાર હુઆ હૈ જબસે'- લતા સાથે)
પડોસન (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 3- મેરે સામનેવાલી ખિડકીમેં- કહના હૈ, કહના હૈ- એક ચતુર નાર- મન્નાડે સાથે)
1969:
પ્યાર કા મૌસમ (કુલ ગીતો 9 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 1- 'તુમ બિન જાઉં કહાં)
વારિસ (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
1970:
એહસાન (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 1- 'આજા તુઝે પ્યાર કર લૂં'- આશા સાથે)
કટી પતંગ (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 4 - 'યે જો મોહબ્બત હૈ'-'પ્યાર દિવાના હોતા હૈ'- 'યે શામ મસ્તાની'- 'આજ ના છોડેંગે - લતા સાથે)
પુરસ્કાર (કુલ ગીતો 5 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0‌)
રાતોં કા રાજા (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 0)
સાસ ભી કભી બહુ થી (કુલ ગીતો 7 । કિશોરકુમારે ગાયેલાં ગીતો 4- 'સુનો જી તુમ- સુમન કલ્યાણપુર સાથે, લે લો ચૂડિયાં- લતા સાથે, દુ:ખસુખ મેરે તેરે હવાલે- લતા સાથે, એક બોતલ હો બગલ મેં)
ધ ટ્રેન (કુલ ગીતો 6 । કિશોરકુમારે ગાયેલાં ગીત 0)
****

દસ વર્ષમાં રાહુલ દેવ બર્મનની કુલ ફિલ્મોની સંખ્યા 17 છે, જેમાં એક ફિલ્મમાં કિશોરકુમારે ગાયેલાં સૌથી વધુ ગીત 'સાસ ભી કભી બહુ થી' (4) અને 'કટી પતંગ'નાં (4) ફિલ્મનાં છે. 17 ફિલ્મોનાં કુલ 111 ગીત પૈકી કિશોરકુમારના ભાગે ફક્ત 16 ગીતો જ આવ્યાં છે. 'તીસરી મંઝીલ', 'બહારોં કે સપને', 'ધ ટ્રેન' જેવી મ્યુઝીકલ હીટમાં કિશોરકુમારનું એક પણ ગીત નથી, તો 'પ્યાર કા મૌસમ'માં માત્ર એક જ ગીત છે. એ ઉપરાંત 'કટી પતંગ' અને 'પડોસન'માં કિશોરકુમારે ગાયેલાં ગીતો અતિ લોકપ્રિય બન્યાં, પણ આ ત્રણે ફિલ્મોમાં કિશોરકુમારનાં ગાયેલાં ગીતોની સંખ્યા ફક્ત આઠ જ છે. 'સાસ ભી કભી બહુ થી'નાં કિશોરકુમારનાં ચાર ગીતો પૈકી એક જ એકલ ગીત છે, અને ત્રણ યુગલ ગીત. પણ એમાંથી ભાગ્યે જ કોઈ યાદ આવે એવું છે.
1970ના દાયકામાં આ પ્રમાણ વધતું ગયું, અને આ જોડીએ અનેક અમર ગીતો આપ્યાં. એને પણ આંકડાની રીતે ચકાસવું પડે.
કેમ કે, આંકડા બહુ ક્રૂર હોય છે. એ આપણી ઘણી માન્યતાઓનો ભાંગીને ભુક્કો કરી નાંખે છે.
'સાસ ભી કભી બહુ થી'નું કિશોરકુમારે ગાયેલું એકલગીત 'એક બોતલ હો બગલ મેં' અહીં સાંભળીએ.


(માહિતીસ્રોત: હિન્દી ફિલ્મ ગીતકોશ, ખંડ 4, સંપાદક: હરમંદીરસિંઘ 'હમરાઝ' અને હરીશ રઘુવંશી)

Thursday, March 3, 2022

વનરાજ ભાટિયા: યે તુમને કૈસા દિખાયા સપના

વનરાજ ભાટિયાએ સંગીતબદ્ધ કરેલાં ગીતોની સંખ્યા અતિ મર્યાદિત છે, પણ તેનો પ્રભાવ એવો છે કે એ મનમાં સતત ગૂંજતાં રહે. 7 મે, 2021ના રોજ વિદાય પામેલા આ જિનીયસ અને અતિ પ્રિય સંગીતકારનું સ્મરણ તેમનાં કેટલાંક ગીતો અને સંગીતથી તાજું કરવાનો આ ઉપક્રમ છે. કારણ? વનરાજ ભાટિયાનાં ગીતોને યાદ કરવા માટે કશા કારણની જરૂર નથી. એ એવાં હૈયે જડાઈ ગયાં છે કે અનાયાસે એ મનમાં ગૂંજતાં રહે. 
ગીતોની પસંદગી તેમની કર્ણપ્રિયતાના આધારે કરેલી છે, જેમાં હજી ઘણાં ગીતનો ઉલ્લેખ સમાવી શકાય એમ છે. અહીં કેટલાંક અતિ પ્રિય ગીતો અને સંગીતની વાત. 

સાવન કી આઈ બહાર રે... 
શશીકપૂર નિર્મિત અને શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'જૂનુન' (1978)નું આ ગીત છે. તેમાં વરસાદ આવ્યાનો રોમાંચ છે. આ ગીતમાં સૌથી મોટી કમાલ સંગીતકારની છે. વનરાજ ભાટિયાએ આશા ભોંસલેની સાથેસાથે તેમની દીકરી વર્ષા ભોંસલેના સ્વરનો ઉપયોગ કર્યો છે. વર્ષા ભોંસલે આશાજીની સાથે સ્ટેજ પર ગાતાં હતાં, અને વિકીપીડિયા પર તેમનો ઉલ્લેખ હિન્દી-ભોજપુરી ગાયિકા તરીકે છે. વનરાજ ભાટિયાને હું અને ઉર્વીશ તેમના નિવાસસ્થાને મળ્યા અને જે લાંબી મુલાકાત કરી એ દરમિયાન તેમણે જણાવેલું કે વર્ષાને જ્યારે ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે આનાકાની કરેલી, પણ વનરાજ ભાટિયાએ તેમના સ્વર માટેનો પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો, પરિણામે તેઓ ગાવા તૈયાર થયાં. કદાચ ગાયિકા તરીકે તેમની કારકિર્દીનું આ સાવ આરંભિક ગીત હશે. (જો કે, વર્ષાએ 2012માં આત્મહત્યા કરી.)
વનરાજ ભાટિયાની મુલાકાત આધારિત લેખ મેં 'અહા!જિંદગી'માં અને ઉર્વીશે 'ગુજરાત સમાચાર'માં લખેલા. તેમનું સ્વરબદ્ધ કરેલું આ ગીત સાંભળીએ. સિતારના સૂરોથી આરંભાયા પછી તેની પશ્ચાદભૂમાં તંતુવાદ્યસમૂહ અને પછી સારંગીનું સંગીત અદ્‍ભુત અનુભવ કરાવે છે. ત્યાર પછી સંગીત નહીં, માત્ર ગાયન છે, જે ગાયિકાના સ્વરની પરખ જેવો કહી શકાય.


**** 

ઈશ્ક ને તોડી સર પે કયામત...
'જૂનુન' (1978)ના આ ગીતમાં ગીતના આરંભથી લઈને છેક અંત સુધી જે રીતે તેમાં સ્ટ્રીંગ અને બ્રાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સાંભળતાં જ લાગે કે આ કમ્પોઝ કરનાર કોઈ 'દાદા' છે. એ દાદા એટલે વનરાજ ભાટિયા. પશ્ચિમી પ્રકારની સમાંતરે ભારતીય સંગીત પણ વાગતું જાય, વચ્ચે વચ્ચે રફીસાહેબ દ્વારા ગવાયેલા જિગર મુરાદાબાદીના શબ્દો સાંભળવા મળે અને આ ત્રણેય એકબીજાને કશી ખલેલ કર્યા વિના કાનમાં પ્રવેશે ત્યારે માત્ર ગીતના શબ્દો કે ગાયકી જ નહીં, આખું વાતાવરણ મનમાં રચાઈ જાય. આ ગીતના સૌંદર્યબિંદુઓ સમજાવવા કરતાં સાંભળવા જ વધુ યોગ્ય ગણાય.


****
મારું ગામ અબ તો ભૂલી જઈયો ના.....

આ ગીત સૌથી પહેલું ક્યારે સાંભળ્યું એ યાદ નથી, પણ એટલું ખરું કે સાંભળતાંવેંત જ તેની ગાયિકાના અવાજના અને સંગીતકારના પ્રેમમાં પડી જવાયું હતું. ખબર પડી કે આ ગીત શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'મંથન'નું છે. અમારી મુંબઈસ્થિત પિતરાઈ બહેન પૌલા અને શૈલેષકાકાએ અમને ભેટ આપેલી બાર કેસેટ્સના સેટ 'યાદોં કી મંઝીલ'ની એક કેસેટમાં આ ગીત હતું. એ ભેટ મળ્યા પછીના કેટલાય મહિનાઓ એવા હતા કે મારી અને ઉર્વીશની સવાર આ ગીતથી જ પડતી અને એ પછી દિવસમાં કેટલીય વાર તેને રિવાઈન્ડ કરીને સાંભળતાં. આમ છતાં, ધરવ થતો નહીં.
'મંથન'ની વાત આવે એટલે ડૉ. કુરિયન, અમૂલ મોડેલ, એક રૂપિયાનું પ્રતીક મહેનતાણું લઈને કામ કરતા દિગ્ગજ કલાકારો, દૂધ ઉત્પાદક મંડળીના આશરે 55,000 શેરધારક ખેડૂતોએ બબ્બે રૂપિયા કાઢીને કરાવાયેલું ફિલ્મનું નિર્માણ, 'સિસોટી'....જેવા અનેક સંદર્ભો મારી જેમ સૌને યાદ આવી જાય. તેની વાત કરવાને બદલે આ ગીતની વાત કરવી છે.
વનરાજ ભાટિયાને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે આ ગીતની વાત ન નીકળે તો જ નવાઈ.
પહેલાં તેના શબ્દોની વાત. આ ગીત પ્રીતિ સાગરની બહેન નીતિ સાગરે લખેલું છે. મુકેશના પિતરાઈ ભાઈ (અને અભિનેતા-ગાયક) મોતી સાગરની દીકરીઓને ગુજરાતી ભાષા સાથે શી લેવાદેવા? એનો જવાબ પણ મળી ગયો કે તેમની 'માતૃ'ભાષા ગુજરાતી છે. એટલે કે મોતી સાગરનાં પત્ની ગુજરાતી હતાં તેને કારણે બન્ને બહેનોને અને પરિવારમાં ગુજરાતી અજાણી નહોતી. આમ છતાં આવા લોકગીત અથવા તો ગ્રામ્યગીત જેવા લાગતા શબ્દોની પસંદગી શી રીતે કરી? કોની સહાય લીધી? 'કોઈની નહીં. એ તો સ્ટુડિયો લે‍ન્‍ગ્વેજ છે- સ્ટુડિયોમાં જ બનવાયેલી. ત્યાં જ ઈમ્પ્રોવાઈઝ કરતા રહેતા. ઉદાહરણ? એમાં એક લીટી છે, 'મારે ગામડે લીલાલહેર, જ્યાં નાચે મોર ને ઢેલ'. તો એ લોકો કહે કે 'મોરની' શબ્દ મૂકીએ. વનરાજ કહે, 'ગુજરાતીમાં એને 'ઢેલ' જ કહેવાય. 'મોરની' કહો તો કોઈને ખબર ન પડે.' સાગર બહેનોએ જ કદાચ 'ઢેલ' શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે! તેમને એમ લાગ્યું કે 'ઢેલ' એટલે શું? એ કોને સમજાય? પણ વનરાજ કહે, 'બધા ગુજરાતીને સમજાઈ જાય.' આ રીતે આ ગીત લખાતું ગયું.
હવે તેની ધૂન સાંભળો. કોઈ પણ ગુજરાતી ગીત હોય, અને તે લોકગીત જેવું હોય તો તેમાં ગરબાના તાલ અનિવાર્ય ગણાય. એ સિવાય તે ગુજરાતી ગીત ગણાય જ નહીં. (સી. રામચન્દ્રે આ જ તાલને પોતાના સંગીતની ઓળખ બનાવીને અનેક અદ્‍ભુત ગીતોમાં તેનો ઉપયોગ કર્યો.) આ ગીતમાં તમને ક્યાંય એ તાલ શોધ્યો નહીં જડે. પણ છતાં તેનો આરંભ થતાં જ ખબર પડી જાય કે એ હાડોહાડ ગુજરાતી ગીત છે. એ કમાલ સંગીતકાર વનરાજ ભાટિયાની છે.
હવે ત્રીજી વાત આ ગીતના ફિલ્માંકનની. વનરાજ ભાટિયાએ એ દિવસે વાતચીતમાં અનેક વાર એ બાબતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી કે આર્ટ ફિલ્મોના દિગ્દર્શકોને ગીતનું ફિલ્માંકન કરતાં આવડતું જ નથી. તેઓ ગીતને સળંગ મૂકવાને બદલે ટુકડે ટુકડે જ ફિલ્મમાં બતાવે, તેથી તેની ધારી અસર ઊભી જ ન થઈ શકે. 'મંથન' ફિલ્મ જોઈ હોય એને ખ્યાલ હશે કે આ ગીત ફિલ્મમાં ત્રણેક ટુકડે વાગે છે.
આ ફિલ્મ 1976માં રજૂઆત પામી. તેમાં એક માત્ર આ ગીત જ હોવાથી તેની ઈ.પી. રેકર્ડ બહાર પડેલી. ત્યારે આ ગીતની કેટલી નોંધ લેવાઈ હશે એ ખ્યાલ નથી, પણ વરસો વીતતાં ગયાં એમ તે અમૂલની ઓળખ સમું બની રહ્યું. પછી તો અમૂલે પોતાની ટી.વી. એડમાં પણ આ ગીતમાં નવા શબ્દો ઊમેરીને તેનો ઉપયોગ કર્યો, ગાયિકા અને વાદ્યો નવાં ઊમેર્યાં, પણ મૂળ ધૂન એની એ જ રાખી. યૂ ટ્યૂબ પર એ નવું વર્ઝન સાંભળવા મળે છે, જેમાં ગુજરાતીપણાના નામે તાલની ધમાલ ભભરાવી છે. ('મંથન' ફિલ્મ તો આખેઆખી 'અમૂલ'ની વેબસાઈટ પર મૂકાયેલી છે.)
હજી પણ આ ગીત સાંભળવાનું મન થઈ આવે છે અને જ્યારે સાંભળીએ ત્યારે આખું જ સંભળાઈ જાય છે, કેમ કે, તેનો છેલ્લો ભાગ ન સાંભળીએ ત્યાં સુધી ગીત અધૂરું લાગે છે.

                                  
 

**** 

શમશીર-એ-બરહના માંગ ગજબ 
Shared with Public
મહમ્મદ કુલી કુતુબશાહ, અમીર ખુસરો, બહાદુરશાહ ઝફર, જિગર મુરાદાબાદી, મીર તકી મીર, મખદૂમ મોહિયુદ્દીન, ઈબ્ન-એ-ઈન્શા, ધર્મવીર ભારતી, ગુલઝાર, વસંત દેવ, મજરૂહ સુલતાનપુરી, જાવેદ અખ્તર.......... કવિઓની આ યાદી વાંચતાં જ 'ઓહોહો!' થઈ જાય. છેલ્લા ચાર નામો સિવાયનાં કવિઓની કેટલીક રચનાઓ એ હદે લોકજીભે ચડી ગયેલી છે કે તેને લોકગીત જેવો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો હોય. તેમની મોટા ભાગની રચનાઓની ધૂન પણ લગભગ નિશ્ચિત બની ગઈ હોય, છતાં અનેક સંગીતકારોનું એ સ્વપ્ન હોય કે તેમને આવા કવિઓની રચનાને સંગીતબદ્ધ કરવાની તક મળે.
સ્વાભાવિક છે કે ફિલ્મના માધ્યમમાં આવી તક ઓછી પ્રાપ્ત થાય. આથી પોતાની સર્જનાત્મકતા સંતોષવા માટે અમુક સંગીતકારો આવી રચનાઓને સ્વરબદ્ધ કરીને તેનું 'નોન-ફિલ્મી' (પ્રાઈવેટ) આલ્બમ બહાર પાડે એવા દાખલા પણ હશે. પણ આ રચનાઓ કોઈ સંગીતકારને ફિલ્મ માટે સ્વરબદ્ધ કરવા મળે તો?
આના જવાબની કલ્પના કરવાની નથી. બસ, સમય કાઢીને  વનરાજ ભાટિયાએ અમુક ફિલ્મોમાં સંગીત આપ્યું તેનાં ગીતો જ સાંભળવાના છે. પ્રાચીનથી અર્વાચીન યુગના આ તમામ ધુરંધર કવિઓની રચનાને સ્વરબદ્ધ કરવાનું સદ્‍ભાગ્ય તેમને પ્રાપ્ત થયું. તેમાંના એક ગીતની વાત. (આ રચનાઓ ગઝલ/નઝમ/ગીત હોઈ શકે છે, પણ ફિલ્મમાં લેવાયેલી હોવાથી અહીં તેનો ઉલ્લેખ 'ગીત' તરીકે કર્યો છે.)
શ્યામ બેનેગલ દિગ્દર્શીત 'મંડી' (1983) માં પ્રીતિ સાગરે ગાયેલું 'શમશીર-એ-બરહના માંગ ગજબ..' આમ તો અનેક વાર સાંભળેલું હતું, પણ તેના વિશે ખરેખરી મૂંઝવણ એક વાર ઊભી થઈ.
'અહા!જિંદગી' (સંપાદક: દીપક સોલિયા)માં 'ગુર્જરરત્ન' શિર્ષક અંતર્ગત વનરાજ ભાટિયા સાથેની મુલાકાત પછી તેમના વિશે લખવાનું મેં નક્કી કર્યું. ફિલ્મને લગતી વાત હોય એટલે અમારા સદાના હિતેચ્છુ એવા સુરતના હરીશ રઘુવંશીનો ઊંબરો ઓળંગ્યા વિના ચાલે જ નહીં. એ વખતે હજી લેખો કુરિયરથી મોકલવાનો રિવાજ હતો, તેથી બે દિવસ તેના પણ ડેડલાઈનમાં ગણી લેવાના રહેતા. આવા લેખો બાબતે મારાથી વિશેષ ફિકર ધરાવતા હરીશભાઈએ કહ્યું, 'તમે લેખ બે દિવસ મોડો મોકલવાની પરવાનગી માગી લો. હું તમને એક સી.ડી. મોકલું છું.' દીપક પાસેથી મેં પરવાનગી મેળવી રાખી. હરીશભાઈએ સુરતના તેમના પરિચીત પ્રકાશ પટેલ પાસે વનરાજ ભાટિયાની ફિલ્મોનાં ગીતોની સી.ડી. તાત્કાલિક બનાવડાવી અને મને મોકલી આપી. તેમનો હેતુ એટલો કે લેખ મોકલતાં અગાઉ હું એક વાર એ ગીતો સાંભળી લઉં તો કશું ઉમેરવા જેવું લાગે તો ઉમેરી શકાય.
એ સી.ડી. એક વાર સાંભળવાથી ધરવ કેમનો થાય? આવતાંની સાથે જ તેને ચડાવી દીધી અને વારંવાર સાંભળી. તેથી મને થયું કે આ લેખની સાથે એક બોક્સ મૂકીએ, જેમાં વનરાજ ભાટિયાએ સ્વરબદ્ધ કરેલાં અમુક ગીતોની પહેલી લીટી યાદી તરીકે મૂકીએ. મેં એ રીતે બોક્સ માટે યાદી બનાવવા માંડી, પણ 'મંડી'ના આ ગીત આગળ ગાડી અટકી ગઈ. કેમે કરીને તેનો પહેલો શબ્દ પકડાય જ નહીં. ત્યારે હજી ગૂગલની સહાય નહોતી. અનેક વાર એ લીટી સાંભળી, પણ 'શમશીર બઢી ના' અથવા 'શમશીર બઢે ના' જ સંભળાય અને એનો અર્થ મનમાં બેસે નહીં. એક તરફ લેખ કુરિયરથી મોકલવાની ડેડલાઈન, અને લેખ લખાઈ પણ ગયેલો, પણ સોયના નાકામાં હાથીના પૂંછડાનો આ વાળ ફસાઈ ગયેલો. ઘડીક એમ થયું કે એ ગીતને બદલે બીજું ગીત મૂકીએ. શો ફેર પડે છે? આપણને કોઈએ ક્યાં કહ્યું છે કે આ જ ગીત મૂકો. પણ એ ગીત એટલું બધું ગમતું કે ન મૂકીએ તો આપણને જ એમ થાય કે આ બરાબર ન કર્યું.
વાત ઉર્દૂની હતી, એટલે સંકટ સમયની સાંકળ જેવી એક વ્યક્તિનું નામ યાદ આવ્યું. એ હતા જીવવિજ્ઞાનના શિક્ષક (અને જાણીતા કવિ) હનીફ 'સાહિલ' એટલે કે અમારા 'પઠાણસાહેબ', જેઓ મહેમદાવાદ રહેતા. તેઓ ગુજરાતી ઉપરાંત ઉર્દૂમાં પણ ગઝલો લખતા, એટલું જ નહીં, ઉર્દૂ લિપિ પણ જાણતા. ઊર્વીશને ફોન લગાવ્યો. તેની પાસેથી પઠાણસાહેબનો નંબર મેળવ્યો. પછી તેમને ફોન લગાવ્યો અને આ અર્થ પૂછ્યો. ધાર્યા મુજબ જ તેમણે એ શબ્દો ઊકેલી આપ્યા, 'શમશીર-એ-બરહના' એટલે ખુલ્લી તલવાર. એટલે 'શમશીર-એ-બરહના માંગ ગજબ' નો અર્થ થાય 'ખુલ્લી તલવાર જેવી પાંથી.' એ સાથે જ મનમાં અજવાળું થઈ ગયું. ઝફરે ગજબ સરખામણી કરી છે. (આ ગીત અતિ જાણીતું છે. અનેક ગાયકોએ તે ગાયું છે. પણ હબીબ વલી મહમ્મદના અવાજમાં પાકિસ્તાની ફિલ્મ 'બાઝી' માટે ગાયેલું અદ્‍ભુત છે.)
શૃંગારરસથી છલોછલ આ ગીતને વનરાજ ભાટિયાએ પરંપરાગત વાદ્યોથી સજાવ્યું છે, અને પ્રીતિ સાગરે તેને પૂરતો ન્યાય આપ્યો છે.
'મંડી' ફિલ્મ પોતે જ એવો અદ્‍ભુત વિષય છે કે તેની ચર્ચા શરૂ કરીએ તો દિવસો સુધી ચાલે. એટલે એ તરફ ન જતાં માત્ર આ ગીત પૂરતી જ વાત કરી છે. 



***** d Shared with Public

ચાહે માર ડાલો રાજા 

સંગીતકાર કોઈ તૈયાર ધૂન લઈને આવે અને ગીતકાર એ ધૂન પર શબ્દો લખી આપે એ હકીકતની હવે નવાઈ રહી નથી. બલ્કે હવે તો એ રિવાજ બની ગયો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આમાં સર્જકતાનો અનાદર નથી, પણ એક જાતની સુવિધા છે. તેને કારણે ગીતકારની માનસિકતા પણ એવી બની ગઈ હોય કે તૈયાર ધૂન મળે તો જ તે શબ્દો લખી શકે.
જાવેદ અખ્તર જેવા ખાનદાની શાયર કથા-પટકથા લેખક બન્યા પછી ગીતકાર બન્યા. સ્વતંત્રપણે કવિતા લખવી અને ફિલ્મ માટે ગીત લખવાં એ બન્ને સાવ અલગ બાબતો છે. જાવેદસા'બે ગીતલેખનમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું. નવી-જૂની પેઢીના અનેક સંગીતકારો સાથે તેમણે કામ કર્યું. પણ 'સરદારી બેગમ' (1996) નાં ગીતો વખતે જરા જુદો અનુભવ થયો.
શ્યામ બેનેગલ દિગ્દર્શીત આ ફિલ્મમાં સરદારી બેગમ નામની ગાયિકાના જીવનની વાત હતી. રાબેતા મુજબ તેમાં સંગીત વનરાજ ભાટિયાનું હતું. એક ગાયિકાના જીવનને દર્શાવતી આ ફિલ્મ હોવાથી તેમાં ગીતોનું આગવું મહત્વ હતું. તેથી ગીતકાર તરીકે જાવેદ અખ્તરનો પ્રવેશ થયો. ગીત-સંગીત બાબતે પહેલી જ મુલાકાતમાં ગીતકાર અને સંગીતકાર ઊખડી પડ્યા. જાવેદસા'બે વનરાજ ભાટિયાને પૂછ્યું, "ધૂન લાયે હો?" આ સાંભળીને વનરાજે તેમની આખાબોલી શૈલીમાં કહ્યું, "તુમ શબ્દ લાયે હો? તુમ ગીતકાર હો." એ પછી જે થયું એ, પણ જાવેદસા'બે ગીતો લખીને આપ્યાં. વનરાજ ભાટિયાએ તેને સ્વરબદ્ધ કર્યાં.
આ ફિલ્મ રજૂઆત પામી ત્યારે કૃત્રિમ વાદ્યોનો યુગ બેસી ગયો હતો, પણ વનરાજ ભાટિયાએ સારંગી, તબલાં સહિત પરંપરાગત વાદ્યોનો ઊપયોગ કરીને વીતેલા યુગનો માહોલ સર્જ્યો.
આ ફિલ્મનાં અનેક અદ્‍ભુત ગીતોમાંનું એક અહીં મૂક્યું છે, જે આશા ભોંસલે દ્વારા ગવાયું છે.


****

મેરી જિંદગી કી કશ્તી 
Shared with Public
સ્મિતા પાટીલે પોતાની ફિલ્મ કારકિર્દીમાં કેટલીક સીમાચિહ્નરૂપ ભૂમિકાઓ ભજવી, એમાંની એક શ્યામ બેનેગલ નિર્દેશીત 'ભૂમિકા' (1977)ની હતી. તેણે આ ફિલ્મમાં તખ્તાની અને ફિલ્મની અભિનેત્રી ઊષાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ હકીકતમાં મરાઠી અભિનેત્રી હંસા વાડકરની જીવનકથા 'સાંગત્યે આઈકા' પર આધારિત હતું, જેને આજની પરિભાષામાં 'બાયોપિક' કહે છે. ચાલીસ અને પચાસના દશકમાં હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરનારી આ અભિનેત્રીની છાપ એક બિન્ધાસ્ત અભિનેત્રી તરીકેની હતી. 'સાંગત્યે આઈકા' ખરેખર તો હંસાની એક હીટ મરાઠી ફિલ્મનું નામ હતું, જે તેમની જીવનકથાના પુસ્તક માટે લેવામાં આવ્યું હતું. (આ ફિલ્મમાં જેટલી વાર કુલભૂષણ ખરબંદા ફિલ્મના પાત્ર કેશવ દળવીને 'દલવી' કહીને સંબોધે છે, એટલી વાર તેને સુધારીને 'દળવી' કરતા અમોલ પાલેકરની યાદગાર ભૂમિકા હતી.)
હિન્દી ફિલ્મોના આરંભિક દશકોમાં તેની સાથે સંકળાયેલા રહેલા, અને પછી એ ક્ષેત્ર છોડીને સાહિત્યકાર-નવલકથાકાર તરીકે ઓળખાયેલા વિઠ્ઠલ પંડ્યાએ પોતાની સ્મૃતિકથા 'અસલી ચહેરા, નકલી ચહેરા'માં હંસા વાડકર સાથેના પોતાના એક પ્રસંગનું રસપ્રચૂર વર્ણન કર્યું છે.
શ્યામ બેનેગલની ફિલ્મ હોય એટલે સંગીતકાર તરીકે વનરાજ ભાટિયા જ હોય, એ ત્યારે નક્કી રહેતું. આ ફિલ્મનો કથાકાળ મુખ્યત્વે 1950નો દશક હતો. અભિનેત્રીની કથા હોય એટલે તેમાં ગીતો પણ હોય જ. સંગીતકાર વનરાજ ભાટિયાએ સીત્તેરના દશકમાં બનેલી આ ફિલ્મ માટે જે ગીતો સર્જ્યાં એ પચાસના દશકનો માહોલ ઊભો કરે એવા હતાં.
ફિલ્મના એક દૃશ્યમાં ઉષા (સ્મિતા પાટીલ) રેકર્ડ પ્લેયર પર રેકર્ડ ચડાવે છે. ભારે અવાજ ધરાવતા પુરુષગાયકોના સ્વરમાંથી હજી કુંદનલાલ સાયગલની અસર સાવ નાબૂદ થઈ નહોતી. તે કાળે ગૈરફિલ્મી ગીતોના અમુક ગાયકોની શૈલી પણ એવી રહેતી. શ્યામ બેનેગલે (કે વનરાજ ભાટિયાએ) ધાર્યું હોત તો એ ગાળાના કોઈ પણ ગાયકની સાચી રેકર્ડ ચઢાવીને એ યુગની અસર ઊભી કરી શક્યા હોત. ('બ્લેક' ફિલ્મમાં ચેપ્લિનની એક ફિલ્મનું પોસ્ટર દેખાડીને એ સમયગાળો સૂચવાયો હતો એમ) પણ સર્જનાત્મકતામાં પડકાર ન હોય તો મઝા ન આવે.
વનરાજ ભાટિયાએ એવું ગીત સર્જ્યું કે જે એ યુગની, ગાયકીની એ શૈલીની અસર હૂબહૂ પેદા કરે. સીત્તેરના દશકમાં ભારે અવાજવાળા, સાયગલની અસરવાળા ગાયક લાવવા ક્યાંથી?
એક સમયે ગાયક સી.એચ.આત્મા (ચૈનાની હશ્મતરામ આત્મારામ, અવસાન: 1975) સાયગલના જબ્બર પ્રભાવમાં ગાતા હતા. તેમણે કેટલીક ફિલ્મમાં ગીતો ગાયેલાં. તેમના ભાઈ ચન્દ્રૂ આત્મા દર વર્ષે સાયગલ જયંતિએ સાયગલનાં ગીતોનો કાર્યક્રમ કરતા. આ ગીત માટે વનરાજ ભાટિયાએ ચન્‍દ્ર્ર આત્મા પર પસંદગી ઊતારી. ગીતકાર વસંત દેવે શબ્દો પણ એ યુગના ગીતની યાદ તાજી કરાવે એવા લખ્યા.
એ રીતે સીત્તેરના દશકમાં પચાસના દશકનો માહોલ ઊભું કરતું જે ગીત સર્જાયું તે 'મેરી જિંદગી કી કશ્તી, તેરે પ્યાર કા સહારા'.


**** 
ના આયા, ના આયા.... 

'ભૂમિકા' એક અભિનેત્રીના જીવન પર આધારિત ફિલ્મ હોય એટલે તેમાં સંગીતનો પક્ષ પણ મહત્ત્વનો બની રહે. આ ફિલ્મમાં જેને ખરેખર ગીત કહી શકાય એવાં ચાર ગીતો હતાં. એ સિવાયનાં પાંચ ગીતો પારંપરિક પ્રકારનાં, અથવા શુદ્ધ શાસ્ત્રીય કહી શકાય એવાં હતાં. 'ઘટ ઘટ મેં રામરમૈયા' ફિરોઝ દસ્તૂરે ગાયેલું, તો 'મોંદર બાજુ રે' ચાર અલગ અલગ રીતે ફિલ્મમાં સાંભળી શકાય છે. બાકીનાં ત્રણ ગીતોમાં પ્રીતિ સાગરનો સ્વર હતો, જેમાં 'તુમ્હારે બિન જી ના લગે ઘર મેં' અને 'ના આયા, ના આયા, ના આયા' બન્ને એકલ ગીતો હતાં અને 'સાવન કે દિન આયે સજનવા આન મિલો' ભૂપીન્દર સીંઘ સાથેનું યુગલગાન હતું.
'મંથન'માં પ્રીતિ સાગર પાસે ગુજરાતી લોકગીતની શૈલીનું 'મેરો ગામ કાંઠા પારે' ગવડાવનાર વનરાજ ભાટિયાએ 'ભૂમિકા'માં પ્રીતિ સાગર પાસે લાવણી જેવા મરાઠી લોકસંગીતની શૈલીએ ગીત ગવડાવ્યું હતું.વસંત દેવે લખેલા આ ગીતમાં પ્રીતિ સાગરનો સ્વર સાંભળતાં ભૂલી જવાય કે 'માય હાર્ટ ઈઝ બીટીંગ' જેવું અંગ્રેજી ગીત ગાનાર આ જ ગાયિકા હશે. સાથે વનરાજ ભાટિયાના સંગીતની પૂરેપૂરી કમાલ તો ખરી જ. લાવણીમાં મુખ્યત્વે હારમોનિયમ અને ઢોલકનો ઊપયોગ થતો હોય છે, પણ આ ગીતના ઈન્‍ટરલ્યુડમાં તેમજ 
પશ્ચાદ્‍ભૂમાં વનરાજ ભાટિયાએ તંતુવાદ્યસમૂહનો પ્રભાવક ઊપયોગ કર્યો છે, જેને લીધે ગીત સાંભળ્યા પછી તે લાંબો સમય સુધી કાનમાં ગૂંજતું રહે છે.
 

****

d Shared with Public
પિયા બાજ પ્યાલા પિયા જાયે ના 
બન્ને ફિલ્મો એક જ વર્ષે રજૂ થયેલી, છતાં સાવ અલગ. લક્ષ્મીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ 'જુલી' સંગીતકાર રાજેશ રોશનની બીજી જ ફિલ્મ હતી. (પહેલી ફિલ્મ 'કુંવારા બાપ') તો 'નિશાંત' સંગીતકાર વનરાજ ભાટિયાની બીજી ફિલ્મ હતી. તેમની પહેલી જ ફિલ્મ 'અંકુર'માં એક પણ ગીત નહોતું. શ્યામ બેનેગલ નિર્દેશીત આ ફિલ્મની નોંધ વ્યાપકપણે લેવાઈ હતી, પણ ગીત વિનાની ફિલ્મ હોય એટલે સંગીતકારનું કામ લોકો સુધી ઝટ પહોંચે નહીં. 'જુલી' અને 'નિશાંત'માં કશું સામાન્ય હોય તો પ્રીતિ સાગરનું એક ગીત.
હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું 'માય હાર્ટ ઈઝ બીટીંગ, કીપ્સ ઓણ રીપિટીંગ' પ્રીતિ સાગરે સુંદર રીતે ગાયું હતું. એ સમયે તો આ ગીત રેડિયો પર જ સાંભળવા મળતું હોવાથી તેના ઉચ્ચારો પણ બરાબર સમજી શકાતા નહોતા. એ તો ગૂગલકૃપા થકી સરળ બન્યું. આમ છતાં, એ ગીત ગમતું તેના સંગીત અને ગાયિકાને કારણે. કારકિર્દીનું પહેલું જ ગીત આખેઆખું અંગ્રેજી હોય અને તે બહુ લોકપ્રિય થાય ત્યારે ઘણી વાર સમસ્યા સર્જાઈ શકે. આ ગાયિકા પાસે પછી એકસરખાં જ ગીતો ગવડાવવા લાગે એમ બને. શાસ્ત્રીય ગીતો માટે કોઈ એ તરફ ફરકે પણ નહીંં. પણ પારખુ સંગીતકાર ગાયિકાના સ્વર અને તાલિમને ધ્યાનમાં રાખતા હશે. 'નિશાંત'માં અને ત્યાર પછીની 'ભૂમિકા', 'મંડી', 'મંથન' જેવી ફિલ્મો માટે તેમણે પ્રીતિ સાગરના જ કંઠનો ઊપયોગ કર્યો. અને તેમાં જે ગીતો ગવડાવ્યાં એ ઉર્દૂની અતિ વિખ્યાત, પરંપરાગત ગણાય એવી ગઝલો કે નઝમો.
એક તરફ 'માય હાર્ટ ઈઝ બીટિંગ' ગાનારાં પ્રીતિ સાગર, અને બીજી તરફ 'શમશીર-એ-બરહના માંગ ગજબ' જેવી ગઝલ કે 'મારો ગામ કાંઠા પારે' જેવું લોકગીત પ્રકારનું ગીત ગાનારા પ્રીતિ સાગર- બન્ને અલગ વ્યક્તિત્ત્વો હોય એમ લાગે. (પ્રીતિ સાગરની રાજ્યસભા ટીવી પર લેવાયેલી મુલાકાત અહીં સાંભળી શકાશે. )
'જુલી'ની સમાંતરે જ રજૂ થયેલી ફિલ્મ 'નિશાંત'માં સોળમી સદીમાં થઈ ગયેલા અને ઊર્દૂ ગઝલોનો પહેલવહેલો દિવાન તૈયાર કરનાર મોહમ્મદ કુલી કુતુબશાહની અતિ જાણીતી ગઝલ 'પિયા બાજ પ્યાલા પિયા જાયે ના' લેવામાં આવી છે. ફિલ્મમાં આ ગઝલ ટુકડે ટુકડે લેવામાં આવી છે. અહીં તે આખી સાંભળી શકાશે. (આ ગઝલના શબ્દોનો અર્થ 'રેખ્તા' સાઈટ પર જોઈ શકાશે. જે શબ્દનો અર્થ જાણવો હોય તેની પર કર્સર મૂકવાથી અર્થ દેખાશે. આ જ લીન્ક પર એક યૂ ટ્યૂબ વિડીયો છે, જેમાં તેના એક શેરનો અર્થ સમજાવવામાં આવ્યો છે.) ગઝલના પરંપરાગત સંગીતની સાથે સાંભળવા મળતું પાશ્ચાત્ય સંગીત ફિલ્મની અલગ અલગ સિચ્યુએશન મુજબનું છે. 

                             
**** 


ક્યા હૈ તેરા ગમ બતા 
Shared with Public
નિર્માતા તરીકે શશી કપૂરે જે કેટલીક નોંધપાત્ર ફિલ્મો બનાવી તેમાં શ્યામ બેનેગલ નિર્દેશીત 'કલયુગ' (1981) નો ઉલ્લેખ કરવો જ પડે. કોર્પોરેટ જગત અને કૌટુંબિક કાવાદાવાઓની પૃષ્ઠભૂમિ ધરાવતી આ ફિલ્મની કથાને મહાભારતની આધુનિક આવૃત્તિ સાથે સરખાવવામાં આવી હતી.
વનરાજ ભાટિયા અસલમાં શાસ્ત્રીય સંગીતનો જીવ, પણ તેઓ તાલિમબદ્ધ થયા પાશ્ચાત્ય સંગીતમાં. આથી તેમણે બન્ને પદ્ધતિની શ્રેષ્ઠતાઓ હસ્તગત કરી. રાજ્યસભા ટી.વી. પરના તેમના ઈન્ટરવ્યૂમાં તેમણે 'મેલડી' અને 'હાર્મની' વચ્ચેનો તફાવત એક ઉત્તમ શિક્ષકની જેમ સમજાવ્યો છે. એ પણ નવાઈની વાત કહેવાય કે આવા સંગીતકારના ભાગે ગીતો સ્વરબદ્ધ કરવાનાં સાવ ઓછાં આવ્યાં. મુખ્યત્વે કળાફિલ્મોના સંગીત નિર્દેશક તરીકે તેમની ઓળખ સીમિત થઈ ગઈ. તેમણે કરેલી ફિલ્મોની સંખ્યા કરતાં તેમણે સ્વરબદ્ધ કરેલાં ગીતોની સંખ્યા ઓછી છે. આવો દાખલો કદાચ એકમેવ તેમનો જ હશે.
શાસ્ત્રીય અને લોકસંગીત પરની હથોટીનો પરચો તેમનાં ઘણાં ગીતોમાં સાંભળવા મળ્યો. ત્યારથી મને થતું હતું કે તેમણે પાશ્ચાત્ય સંગીતવાળું કોઈ ગીત બનાવ્યું હશે કે કેમ. એ વખતે 'કલયુગ'નું આ ગીત યાદ આવ્યું. બલદેવ ટંડનના શબ્દોને પ્રીતિ સાગર પાસે તેમણે ગવડાવ્યા છે. તદ્દન પશ્ચિમી ધૂનવાળા આ ગીતમાં વનરાજ ભાટિયાએ પોતાની આગવી છાપ ઉપસાવી છે. આ ગીતનાં પ્રીતિ સાગર જાણે કે 'મંથન' કે 'ભૂમિકા'નાં પ્રીતિ સાગર કરતાં સાવ અલગ જ હોય એમ લાગે. તેમના સ્વરની તાજગી કર્ણાકર્ષક છે.


**** 
પૃથ્વી કા કૌન હૈ કર્તા.... 


Shared with Publicદૂરદર્શન પરથી પ્રસારિત થયેલી શ્રેણી 'ભારત એક ખોજ' કદાચ અભૂતપૂર્વ ગણાવી શકાય એવી હતી. જવાહરલાલ નહેરુની જન્મશતાબ્દિ નિમિત્તે દૂરદર્શને પોતે આ શ્રેણીનું નિર્માણ કર્યું, જેના દિગ્દર્શનની જવાબદારી શ્યામ બેનેગલને સોંપવામાં આવી. જવાહરલાલ નહેરુ લિખિત અદ્‍ભુત પુસ્તક 'ડીસ્કવરી ઑફ ઈન્ડિયા'ને એ રીતે નાનકડા પડદે ચિત્રિત કરવાનું નક્કી થયું, જે કુલ બાવન હપ્તામાં પથરાયેલું હતું.
ભારતમાં આર્યોના આગમનથી લઈને દેશની સ્વતંત્રતા ચળવળ સુધીના ઈતિહાસને આટલા હપ્તામાં આવરી લેવાનો હતો. દરેક હપ્તો એકબીજાથી સાવ અલગ સમયગાળો, પાત્રો અને કથાવસ્તુ દર્શાવતો હોય એવો હતો. રામાયણ, મહાભારત, બુદ્ધ, મૃચ્છકટિકમ, ચાણક્ય, કાલિદાસ, ટીપુ સુલતાન, સમ્રાટ અશોક, હર્ષ, પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જેવા અનેકાનેક વિવિધ વિષયોને કુશળતાપૂર્વક દર્શાવવામાં શ્યામ બેનેગલે કમાલ કરી હતી.
તેની કથનશૈલી એ રીતે હતી કે નહેરુની ભૂમિકા ભજવતા રોશન શેઠ પોતાનું દર્શન રજૂ કરે અને હપ્તો શરૂ થાય. નહેરુ વચ્ચે વચ્ચે પણ દેખા દે. થોડો ભાગ નહેરુ બોલે, અને કથન લાંબું હોય તો તે ઓમ પુરીના અવાજમાં આગળ વધારવામાં આવે.
1989માં પહેલી વાર પ્રસારિત થયા પછી અનેક વાર આ શ્રેણી દૂરદર્શન કે મેટ્રો ચેનલ પરથી પ્રસારિત થઈ.
નહેરુને પડદા પર દેખાડાતા હોવાને કારણે ઘણા બધા લોકો એવા હતા કે જેમણે આ સિરીયલ જોવાનું માંડી વાળેલું. હવે તો આ શ્રેણી સી.ડી. સ્વરૂપે ઉપલબ્ધ છે, અને તેના મોટા ભાગના હપ્તા યૂ ટ્યૂબ પર સુલભ છે.
1989માં આ શ્રેણી આવતી ત્યારે અમે શક્ય હોય ત્યાં સુધી તેને જોતા. ત્યાર પછી એક વિચાર આવ્યો કે આનું રેકોર્ડિંગ કરીએ. રેકોર્ડિંગ માટે વી.સી.આર. અને વિડીયો કેસેટની જરૂર પડે. વી.સી.આર. લાવવાનો જોગ હતો નહીં, તેથી અમે કોરી વિડીયો કેસેટ ખરીદતા અને વડોદરા હું જેમને ત્યાં રહેતો એ હેમંતભાઈ ઊપાધ્યાયના પાડોશી નીતિનભાઈ છાયાને આપી રાખતો. નીતિનભાઈ યાદ રાખીને આ શ્રેણીનું રેકોર્ડિંગ કરતા. 120 મિનીટની એક કેસેટમાં આશરે અઢીથી ત્રણ હપ્તા સમાઈ શકતા. (પછી કદાચ બિનીત મોદીને એ કામ સોંપેલું એવું આછું યાદ છે.)
જો કે, એ વિડીયો કેસેટ જોવાનું કદી બન્યું નહીં. હવે તો એની ડી.વી.ડી. પણ છે, અને યૂ ટ્યૂબ પર આસાનીથી જોઈ શકાય છે. એટલે મન પડે ત્યારે કોઈ પણ હપ્તો જોઈ લેવાનું મન હજી થયા કરે છે.
આ શ્રેણી પ્રસારિત થતી હતી ત્યારે શ્યામ બેનેગલથી અતિ પ્રભાવિત થયેલા હું અને ઉર્વીશ અમારી મુંબઈ મુલાકાત દરમિયાન તેમને મળવા ગયા હતા. એ રસપ્રદ મુલાકાતની થોડી તસવીરો ઉર્વીશે તેના બ્લોગ પર http://urvishkothari-gujarati.blogspot.in/2010/05/400.html મૂકેલી છે. તેની વાતો ફરી ક્યારેક.
આ શ્રેણીમાં અમને સૌથી વધુ આકર્ષી ગયું હોય તો તેનું સંગીતનું પાસું. સ્વાભાવિકપણે જ તે વનરાજ ભાટિયાએ સંભાળેલું. તેનાં શરૂઆતનાં અને અંતિમ ટાઈટલ એક એવો માહોલ ઊભો કરી દેતા કે તમે અધવચ્ચે ઊભા થઈ જ ન શકો.
નહેરુના પ્રતિક જેવા એક ગુલાબની છબિ પર ટાઈટલ આરંભાતા અને સમાપન પણ થતું. કોરસમાં વેદની ઋચાઓનું ગાન સંસ્કૃતમાં શરૂ થતું, અને પછી વસંત દેવે કરેલો તેનો હિન્દી અનુવાદ આરંભાતો. આરંભ અને સમાપનમાં શૈલી એક હોવા છતાં તે અલગ હતાં. સમાપનનાં ટાઈટલ પૂરાં ન થાય ત્યાં સુધી તે જોવા ફરજિયાત બની રહેલા. આરંભના ટાઈટલ તો એવા મોઢે થઈ ગયેલા કે ખબર જ હોય કે વસંત દેવનું નામ આવે એ પછી સંગીત ગતિ પકડશે. તેનો હિન્દી અનુવાદ પણ મોઢે થઈ ગયેલો અને ક્યારેક 'સૃષ્ટિ કા કૌન હૈ કર્તા' જેવી પંક્તિ લલકારી પણ દેવાતી.
વનરાજ ભાટિયાએ સંગીતકાર તરીકે દાખવેલી કમાલ માત્ર આ સીધાસાદા જણાતા ટાઈટલ સાંભળતાં ખ્યાલ આવી જશે. આગળ જતાં શરૂ થયેલી શ્રેણી 'ચાણક્ય'માં પણ આ જ શૈલી અપનાવાયેલી.
અહીં આ શ્રેણીના ટાઈટલ અને અંતમાં આવતા, તેમજ એ ઉપરાંતના ઋચાગાનની લીન્ક આપી છે, જે આ શ્રેણીના પહેલા હપતામાં હતું. 



**** 
ઓ રબ્બા...
દૂરદર્શનના સુવર્ણયુગમાં પ્રસારિત થયેલી સિરીયલ 'તમસ' સૌને યાદ હશે. એક એક કલાકના કુલ પાંચ હપ્તા દર શનિવારે રાત્રે પ્રસારિત થતા ત્યારે ટી.વી.ની સામે રીતસર ચોંટી જવાતું. ભીષ્મ સાહનીની નવલકથા 'તમસ' પરથી ગોવિંદ નિહલાણીએ દિગ્દર્શીત કરેલી આ શ્રેણી પ્રસારિત થયા અગાઉ વિવાદાસ્પદ બની હતી અને જસ્ટિસ સુજાતા મનોહર તથા બખ્તાવરની બેન્ચે તેને જોઈને તેને પ્રસારિત કરવાનો ચુકાદો આપ્યો હતો. ત્યાર પછી થિયેટરમાં તે ત્રણ કલાકની ફિલ્મ તરીકે પ્રદર્શિત થઈ હતી, પણ તેમાં આડેધડ કાપકૂપ હોવાથી મઝા નહોતી.
આ શ્રેણીનાં અનેક દૃશ્યો મન પર અમીટ બની રહ્યાં છે, પણ તેનું નામ લેતાં સૌથી પહેલું યાદ આવે તેનું ટાઈટલ મ્યુઝીક. 1947ના વિભાજનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ શ્રેણીમાં વિભાજનને કારણે પેદા થયેલી ત્રાસદી, વેદના, પીડા, માનવમાં પ્રગટી ઊઠેલી દાનવતા વગેરે કેન્‍દ્રસ્થાને હતાં. બિલકુલ આ જ ભાવોને શિર્ષક સંગીતમાં આબેહૂબ તાદૃશ્ય કરાયા હતા. 'ઓ રબ્બા'નો આર્તનાદ સાંભળતાં જ રુંવાડાં ઊભા થઈ જાય એવી વેદના, વિષાદ અને વ્યગ્રતા તેનાથી પેદા થતાં હતાં.
આવું અનોખું શિર્ષક સંગીત ભાગ્યે જ કોઈ ટી.વી.શ્રેણીનું બન્યું હશે.
આજે પણ તેને સાંભળતાં એ જ લાગણી અનુભવાય છે.
અહીં પ્રસ્તુત છે તેનું શિર્ષકસંગીત.


****

બરસે ઘન સારી રાત 
પ્રચંડ પ્રતિભાશાળી, પણ વીસરાયેલા, ઉપેક્ષિત અને બે એક વરસ અગાઉ એ જ કારણે પ્રસાર માધ્યમોમાં ચમકેલા પ્રિય સંગીતકાર વનરાજ ભાટિયાએ 93 વર્ષે વિદાય લીધી.
આટલી પાકટ વયે, અને આ અવસ્થાએ વિદાય લેનાર સંગીતકારને સાચી શ્રદ્ધાંજલિ તેમનાં ગીતો કે સંગીત દ્વારા જ હોય. કુમાર સાહની દિગ્દર્શીત ફિલ્મ 'તરંગ'નું લતા મંગેશકર દ્વારા ગવાયેલું આ ગીત સાંભળતા તેમની કાબેલિયતનો અંદાજ આવશે! આ દિવ્ય ગીત કદી ડબ્બામાંથી બહાર જ નીકળી ન શક્યું. લતા મંગેશકરે પોતાનો સુવર્ણ યુગ વીતી ગયા પછી ગાયેલાં અત્યંત અદ્‍ભુત ગણતરીનાં ગીતોમાં આ બેશક સ્થાન પામે એવું છે. 



**** 
સંતાન પર વધુ અધિકાર કોનો? માતાનો કે પિતાનો? નાનકડી ઈન્દુને તેની મા નિરૂપમા ચિત્રકાર બનાવવા ઈચ્છતી હોય છે. પિતા કૅપ્ટન હરિનાથ ઈચ્છે છે કે ઘરના બંધિયાર વાતાવરણમાંથી બહાર નીકળીને દીકરી કોલકાતા જેવા મોટા શહેરમાં જાય અને ભણેગણે. મા પોતાની દીકરી પરના અધિકારને, માલિકીભાવને કોઈ પણ ભોગે છોડવા નથી માગતી. પતિ અને પત્ની વચ્ચે દેખીતો વિસંવાદ છે. કૅપ્ટન હરિનાથ વૈજ્ઞાનિક સંશોધન પણ કરતા હોય છે. સ્ટ્રોબોસ્કોપ વડે અવકાશી પદાર્થોના ટુકડા અંગેની વિગતો મેળવે છે. નિરૂપમા ડૉ.સેનને કહે છે કે પતિ માઈક્રોસ્કોપની મદદથી દૂરના અવકાશી પદાર્થો નિહાળી રહ્યા હોવાનો દાવો કરે છે. આખરે નિરૂપમા પોતાનું ધાર્યું કરાવવા માટે પોતાના પતિના મનમાં શંકાનું બીજ રોપી દે છે કે પુત્રી ઈન્દુના પિતા અન્ય કોઈ વ્યક્તિ છે. આ બીજ ફાલીને વૃક્ષ બનવા લાગે છે ત્યારે નિરૂપમા સોગંદ ખાઈને કહે છે કે કૅપ્ટન જ ઈન્દુના પિતા છે. પણ કૅપ્ટનની મનોદશા ત્યારે શંકાશીલ બની ચૂકી હોય છે. માઈક્રોસ્કોપવાળાં તેમજ અન્ય ઉદાહરણો દ્વારા ડૉ. સેનના મનમાં પોતાના પતિ પાગલ હોવાનું ઠસાવવામાં નિરૂપમા સફળ થાય છે, નિર્બળ, નાજુક, નમણી દેખાતી નિરૂપમા વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે આખરે અન્ય સૌની નજરમાં જ પતિને પાગલ ઠરાવી દે છે. કડક, કઠોર દેખાતા કૅપ્ટન પડી ભાંગે છે.
માત્ર એક જ સેટ પર ફિલ્માવાયેલી આ ડાર્ક કથા હકીકતમાં સ્વિડીશ નાટ્યકાર ઑગષ્ટ સ્ટ્રીન્ડબર્ગના વિખ્યાત નાટક 'ધ ફાધર'નું ફિલ્મી પડદે રૂપાંતર છે. વિજય ભગત, શિખા રાય અને ઈરફાન જેવા પ્રમાણમાં ઓછા જાણીતા કલાકારોએ વિવિધ ભૂમિકા ભજવી છે. સત્યદેવ દુબે અને દીના પાઠક પણ એક ભૂમિકામાં છે. ગોવિંદ નિહલાણી દિગ્દર્શીત 'પિતા' ફિલ્મની આ વાત છે, જે 1991માં રજૂઆત પામી હતી. ફિલ્મની પૃષ્ઠભૂમિ બંગાળી બતાવી છે.
સામાન્ય રીતે ટાઈટલ મ્યુઝીકની આ શ્રેણીમાં ફિલ્મની કથા અંગે હું ખાસ જણાવતો નથી. પણ મને લાગે છે કે આ ફિલ્મમાં એક અગત્યનું પાત્ર છે તેનું સંગીત. વનરાજ ભાટિયાનું સંગીત સમગ્ર ફિલ્મમાં એ રીતે પૂરક બની રહે છે કે જાણે દર્શકના મન પર આવનારા ભાવિનો ઓથાર છવાયેલો રહે. મેં તો કમ્પ્યુટરના પડદે જોઈ છતાં મને એમ અનુભવાયું. કદાચ મોટા પડદે એ વધુ ઘેરી અસર ઉપજાવતું હશે. આ પ્રકારના સંગીતમાં વનરાજ ભાટિયા બહુ જ કુશળ છે. એનો અનુભવ 'ખામોશ', 'જુનૂન' અને 'તમસ' જેવી ફિલ્મોમાં થઈ ચૂક્યો છે.
'પિતા'ના ટાઈટલ મ્યુઝીકનું વર્ણન કરવું મુશ્કેલ છે. ક્રમબદ્ધ રીતે ઘેરા અને ઉદાસ સૂરો જાણે કે આગળ વધતા હોય એમ લાગે છે. (આ મારું અર્થઘટન છે. જાણકાર મિત્રો વધુ પ્રકાશ પાડશે તો આનંદ) વાતાવરણ બોઝિલ બનતું જતું હોય એમ અનુભવાતું જાય છે, જે કદાચ ટાઈટલમાં જ ફિલ્મની કથાના વાતાવરણનો આભાસ ઊભો કરે છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્ક ત્રણ ભાગમાં છે. પહેલા ભાગમાં ફિલ્મના આરંભે 0.00 થી 1.42 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


ત્રીજા ભાગના અંતે 12.39થી 14.20 સુધી ટાઈટલ મ્યુઝીક છે, જે ફિલ્મના કરુણાંતને વધુ ઘેરો બનાવે છે.


****
તેમનો ઈન્ટરવ્યૂ લેવો બહુ અઘરો છે. એમ કેમ એ તો રાજ્યસભા ટી.વી.પરનો આ પચીસેક મિનીટનો ઈરફાને લીધેલો ઈન્ટરવ્યૂ જોશો તો સમજાઈ જશે.
સંગીતનું પદ્ધતિસર શિક્ષણ પામેલો માણસ કશી સ્ટાઈલબાજી કે ફાંકા ફોજદારી વિના, માત્ર પોતાની પ્રતિભાના જોરે, કાણાને કાણો કહી દેવાની- આ લાઈનમા જરાય ન ચાલે એવી ખાસિયત છતાં સંગીતકાર બને અને વિષયની રીતે પડકારજનક કહેવાય એવા સમાંતર સિનેમાની ફિલ્મોમાં સંગીત આપે, ગીતો બનાવે, એવી ફિલ્મો જેમાં ગીતોની સિચ્યુએશન જ ન હોય, માત્ર પાર્શ્વસંગીત જ હોય, ફિલ્મમાં એકલદોકલ ગીત હોય તો પણ તેને ત્રણ કટકે પડદે દેખાડવામાં આવ્યું હોય...છતાં તેનાં ગીતો એક વાર સાંભળ્યા પછી સતત મનમાં ગૂંજતાં રહે, સંગીતની અસર એવી થાય કે બેઠક સાથે ચોંટી જવાય....
વનરાજ ભાટિયાનો આ ઈન્ટરવ્યૂ અડધો કલાક કાઢીને જોવા જેવો છે. બમ્બૈયા ગુજરાતી હિન્દીમાં તેમનો મિજાજ બરાબર દેખાય છે. એ સાંભળ્યા પછી તેમનાં ગીતો સાંભળવાની ઈચ્છા થાય તો યૂ ટ્યૂબ હાજરાહજૂર છે.



તેમનો વિષાદયોગ અને ઉપેક્ષિત અવસ્થા જોતાં તેમનો છૂટકારો થયો એમ કહી શકાય, પણ તે જે આપીને-મૂકીને-સર્જીને ગયા છે એ આખો એક યુગ હતો!

(નોંધ: ફેસબુક પર વનરાજ ભાટિયાનાં ગીતો વિશે વખતોવખત કશુંક મૂકતો રહ્યો હતો. એ તમામ પોસ્ટનું અહીં સંકલન કરીને એક સાથે તેનો આસ્વાદ માણી શકાય એ રીતે મૂકી છે.)