Showing posts with label Kahat Cartoon. Show all posts
Showing posts with label Kahat Cartoon. Show all posts

Monday, September 14, 2026

કુકેરીમાં વાત કાર્ટૂનકળાની

રવિવાર સાંજથી સોમવાર બપોર (6 અને 7 સપ્ટેમ્બર) સુધી કુકેરીમાં રોકાણ હતું અને પરિમલભાઈ, પ્રતિભાબહેન તેમજ બીજા મિત્રો સાથે કામ અંગેની વાત કરવાની હતી. પણ મારી ઈચ્છા આ રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની હતી. પરિમલભાઈને એ જણાવતાં તેમણે બહુ ઊલટભેર એ વ્યવસ્થા ગોઠવી આપી. વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂન અંગેનો કાર્યક્રમ રજૂ કરવું એમ નક્કી થયું. આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એની તૈયારી કરી હતી. પહેલાં વિદ્યાર્થીનીઓ સમક્ષ અને પછી વિદ્યાર્થીઓ સમક્ષ એમ કુલ બે કાર્યક્રમ સવારના ભાગે રાખવાનું આયોજન થયું.

અમારા આવાસની જવાબદારી પ્રીતિ ઐયરે સંભાળેલી. જમતાં જમતાં તેમની સાથે પણ વાતો થઈ. એમ પછીના દિવસના કાર્યક્રમ અંગે સંબંધિત વિભાગના આચાર્યો સાથે કોન્ફરન્સ કોલ પર ચર્ચા થઈ.
બીજા દિવસે સવારના સાડા આઠ આસપાસ અમે પહોંચી ગયાં. કાર્ટૂનકળાનો આરંભિક પરિચય મળી રહે એ મુખ્ય હેતુ સાથે કાર્યક્રમ આરંભાયો અને લગભગ એક-સવા કલાક ચાલ્યો. જો કે, ખરી મઝા કાર્યક્રમ પછીના સવાલ-જવાબની રહી. કાર્ટૂનમાં તો સૌને મઝા આવેલી એ પૂછવાની જરૂર નહોતી, કેમ કે, કાર્યક્રમ દરમિયાન કાને પડતા હાસ્યના અવાજો જ એનું પ્રમાણ હતાં. આથી મને એમ હતું કે વિદ્યાર્થીનીઓ કાર્ટૂનકળા વિશે સવાલ પૂછશે. એને બદલે તેમણે મારા વિશે સવાલો પૂછ્યા.
કાગળની મસ્ત કલાકૃતિ દ્વારા સ્વાગત

વિદ્યાર્થીનીઓ સમક્ષ કાર્ટૂનની રજૂઆત

કાર્યક્રમના આરંભે અપાયેલા મારા ઔપચારિક પરિચયમાં જે કંઈ બાકી હતું એ બધું વિદ્યાર્થીનીઓએ પૂછી લીધું. જેમ કે, એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમને કાર્ટૂનમાં ક્યારથી રસ પડવા લાગ્યો?' મારી સાથે કામિની અને ઈશાન આવેલાંં. તો એક વિદ્યાર્થીની કહે, 'તમારી ટીમનો પરિચય કરાવો.' આવા તો અનેક સવાલો તેમણે કુતૂહલવશ પૂછ્યા, જેના જવાબ આપવાની મજા આવી અને વધુ એક વાર એ બાબત શીખવા મળી કે આ પ્રકારના કાર્યક્રમમાં આગોતરી ધારણા બાંધી લેવાથી દૂર રહેવું. અને પૂછાતા તમામ સવાલના જવાબ શક્ય એટલી પ્રામાણિકતાથી આપવા.
વિદ્યાર્થીનીઓ સમક્ષના કાર્યક્રમ પછી પંદરેક મિનીટનો બ્રેક હતો. અને હવે જવાનું હતું વિદ્યાર્થીઓ પાસે. જવાબો આપવામાં, પાત્રો ઓળખવામાં વિદ્યાર્થીઓ વધુ બોલકા લાગ્યા.

વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનની રજૂઆત
કાર્યક્રમ પછી રસ ધરાવતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત

કાર્યક્રમમાં તેમને મજા આવી, એટલે મનેય મજા આવી. અને એ પછીના સવાલજવાબના દોરમાં પણ વિવિધ સવાલો પૂછાયા. ખાસ તો, કાર્યક્રમ પૂરો થયા પછી અમે નીકળી રહ્યાં હતાં ત્યારે ત્રણેક વિદ્યાર્થીઓ મળવા આવ્યા. એમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ કંઈક પૂછવા માગતા હતા. ઊભા ઊભા જ એ સૌની સાથે નિરાંતે વાત કરીને એમની પૃચ્છા સંતોષી. એ પછી અમારે પ્રતાપનગર જવા માટે નીકળવાનું હતું.
વિવિધ વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારે યોજાતા સંવાદ ખરેખર તો આપણી ખુદની સમજણને ઘડતા રહે છે, માંજતા રહે છે એવી અનુભૂતિ વધુ એક વાર થઈ.
આ સમગ્ર ઉપક્રમનું આયોજન સહજતાથી ગોઠવી આપવા બદલ પરિમલભાઈ, પ્રતિભાબહેન તેમજ સંબંધિત વિભાગના આચાર્યો અને શિક્ષકોનો આભાર.

(તસવીરો: ઈશાન કોઠારી)

Tuesday, March 31, 2026

રોબર્ટ ક્લાઈવથી મહાત્મા ગાંધી સુધીની કાર્ટૂનસફર

વિષય સાવ નવો હતો. અગાઉ સ્ક્રેપયાર્ડમાં 'બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી' શિર્ષકથી કાર્ટૂનનો કાર્યક્રમ કરેલો, પણ આ વખતે કેન્દ્રમાં સ્વાતંત્ર્યસંગ્રામ હતો, કે હતા. પ્રો. ભરત મહેતા દ્વારા પહેલી વાતચીત દરમિયાન સૂચવાયેલું 'કાર્ટૂનકળાની સંગે સંગે સ્વાતંત્ર્યસંગ્રામ' પણ એમ જ રાખ્યું, કેમ કે, એમાં સ્વાતંત્ર્યસંગ્રામની વાત ઊપરાંત કાર્ટૂનકળાની ઉત્ક્રાંતિની પણ વાત હતી.


સામાન્ય રીતે પૂરતી સામગ્રી હોય તો મીઠી મૂંઝવણ થાય, અને અપૂરતી સામગ્રી હોય તો જેન્યુઈન મૂંઝવણ થાય. આ કિસ્સામાં બીજા પ્રકારની મૂંઝવણ હતી. કેમ કે, હજી તો કાર્ટૂનકળા પણ આરંભિક તબક્કામાં હતી ત્યાં શરૂઆતના સમયગાળાનાં કાર્ટૂન મેળવવાં શી રીતે? એ સમયનાં ચિત્રો અને રેખાંકનો પુષ્કળ જોવા મળે, પણ કાર્ટૂન? લગભગ અશક્ય.

ધીમે ધીમે કાર્ટૂન જોવાનું શરૂ કર્યું, વિવિધ સ્રોત ચકાસ્યા અને કશુંક કશુંક મળતું ગયું. પહેલાં તો જે મળે એને એકઠું કરવાનું હતું. પસંદગી પછીના ક્રમે હતી. હજી વિષયવાર સ્પષ્ટ વિભાજન મનમાં ગોઠવાતાં ન હતાં. એમ ને એમ દિવસ વીતતા ચાલ્યા. આખરે બે દિવસ અગાઉ બધું ક્રમવાર ગોઠવાયું. વિષયવાર વિભાજન થયું ત્યારે લાગ્યું કે હવે બરાબર.
ફેકલ્ટી ઓફ આર્ટ્સના ગુજરાતી વિભાગના એક વર્ગખંડમાં કાર્યક્રમ હતો. પ્રોજેક્ટરની સુવિધા માટે ઠીક ઠીક માથાકૂટ થયા પછી આખરે એ પણ સરસ રીતે ગોઠવાઈ ગયું.
ભરતભાઈ દ્વારા વક્તાપરિચય અને એ પછી સ્વાગતાદિની ઔપચારિકતા પછી ઝડપભેર કાર્યક્રમ આરંભાયો. વાત તો સ્વાતંત્ર્યસંગ્રામની હતી, પણ એની પૃષ્ઠભૂમિ જરૂરી. એટલે રોબર્ટ ક્લાઈવનું કોઈ કાર્ટૂન મળે તો એ બતાવવું એમ હતું. બહુ માથાકૂટ પછી આખરે એ મળ્યું. એ પછી તો 1857નો સંગ્રામ, ભારતીય રાષ્ટ્રીય મહાસભા, સ્વદેશી ચળવળ, અસહકાર આંદોલન, દાંડી કૂચ, હિંદ છોડો ચળવળ વગેરેનાં થોડાં થોડાં કાર્ટૂનને કારણે એક સળંગસૂત્રી કથા બની રહી.

આ એક સિંહની કથા છે.

વર્ગખંડમાં ઉપસ્થિત શ્રોતાઓ

વિદ્યાર્થીઓ ઊપરાંત બીજા સ્નેહીઓ- શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યાં. સવા કલાકના આ કાર્યક્રમને અંતે મઝાના સવાલજવાબ પણ થયા, જેનો દોર એ પછીના ચા-ભજીયાંનાં સેશન સુધી લંબાયો.
જનજાગૃતિ અભિયાન, સાહિત્ય પરિષદ અને મ.સ.યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અનાયાસે અનૌપચારિકતા એવી બની આવી કે શ્રોતાઓ બેન્ચ પર ગોઠવાયેલા. રમણભાઈ સોની, ભરતભાઈ મહેતા, ભાનુબહેન દેસાઈ, પારૂલબહેન દાંડીકર, ઈલેશભાઈ વ્યાસ જેવા સુજ્ઞજનો બેન્ચ પર હોય અને હું બોર્ડ (પડદા‌) પર રજૂઆત કરતો હોઉં એ દૃશ્ય જાણે કે 'ટીચર્સ ડે'ની યાદ અપાવતું લાગ્યું, કે જ્યારે કોઈ વિદ્યાર્થી શિક્ષકની ભૂમિકા ભજવે છે.
આવી દરેક તક આપણી આવડતની ધાર કાઢવાનો મોકો પૂરો પાડે છે. સૌ આયોજકો અને ઉપસ્થિત સૌનો આભાર.
(તસવીર સૌજન્ય: ડૉ. જય મકવાણા)

Thursday, March 12, 2026

આજ ફિર જીને કી તમન્ના હૈ

'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર સાથે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં વાત થઈ. એ દરમિયાન તેમણે કહ્યું, 'મહિલા દિવસ નિમિત્તે અમે દર વરસે કંઈ ને કંઈ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એમાં કશું થઈ શકે?' એમનો ઈશારો આ અંગેનાં કાર્ટૂન તરફ હતો. મેં તત્ક્ષણ હા ભણી દીધી. ત્યારે એમાં શું હશે એ વિચાર્યું નહોતું. એવો વિચાર કરવા બેસીએ તો કામ જ ન થાય! એટલે એ પછીના એકાદ બે દિવસમાં અમે કાર્યક્રમની તારીખ નક્કી કરી દીધી 11 માર્ચ, બુધવાર. હવે મારે 'ધંધે' લાગવાનું હતું.

ઉર્વીશ અને બીજા અમુક મિત્રો સાથે આ કાર્યક્રમ અંગે વાત થઈ અને એમાં શું હોઈ શકે એની ચર્ચા થઈ. મારા મનમાં પણ ઘણી બધી વસ્તુઓ હતી. એટલે અનેક બાબતો વિચારાઈ. પણ એનાથી મારો ગૂંચવાડો વધતો ચાલ્યો. કેમ કે, બધું એક જ કાર્યક્રમમાં સમાવવા જઈએ તો કાર્યક્રમનું ફોકસ ખસી જાય. આ 'વિષાદયોગ' બહુ લાંબો ચાલ્યો. હું કાર્ટૂન એકઠાં કરતો જતો હતો, પણ હજી ફોકસ બનતું નહોતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હું મરણિયો બન્યો, કેમ કે, એ સિવાય છૂટકો ન હતો. જે થઈ રહ્યું હતું એની ચર્ચા છેલ્લે છેલ્લે દીકરા ઈશાન સાથે કરી. અને એને એ રજૂઆત દેખાડી પણ ખરી. છતાં એમાં વિવિધ ફેરફાર સૂઝતા ગયા. આખરે છેક આગલા દિવસે બધું ગોઠવાયું. એ મેં મારી જાતે જોયું અને મને થયું કે આ મેં ધાર્યું હતું એમ જ તૈયાર થયું છે. આ બધા વચ્ચે વિદ્યાનગરના કાર્યક્રમના નડિયાદમાં રિહર્સલ ચાલુ હતા. એની એક જુદી મજા હતી, અને આનીય જુદી મજા હતી. પણ બન્ને એકમેકમાં દખલ ન કરે એ જોવાનું હતું. આખરે તૈયાર થયેલી એ રજૂઆતમાંથી માનસિક રીતે હું બહાર નીકળ્યો. થોડા કલાક બ્રેક લીધો અને પછી આખી રજૂઆત જોઈ ત્યારે મને લાગ્યું કે આ બહુ અસરકારક બની રહેશે. મારાથી રહેવાયું નહીં એટલે કાર્યક્રમના દિવસે સવારે કબીરભાઈને ફોન કરીને જણાવ્યું કે કાર્યક્રમ મસ્ત બની આવ્યો છે.

પૂર્વભૂમિકા 

આખરે બુધવારે સાંજની ઘડી આવી ગઈ. સ્ક્રેપયાર્ડના મંજાયેલા પ્રેક્ષકવર્ગ સમક્ષ એક પછી એક કાર્ટૂન અને તેને સંલગ્ન મારી ટીપ્પણી આવતી ગઈ, અને ધાર્યા મુજબ જ એની ઘેરી અસર પણ વરતાતી રહી. અમુક કાર્ટૂન એવાં હતાં કે એમાં શી પ્રતિક્રિયા આપવી એ ન સમજાય. કેમ કે, એમાં આધાર વ્યંગ્યનો હતો, પણ એના થકી જે વાસ્તવિકતા ઉજાગર થતી હતી એ સ્તબ્ધ કરી મૂકનારી હતી. જોતજોતાંમાં સવા કલાકે કાર્યક્રમ પૂરો થયો ત્યારે ઘડીભર સ્તબ્ધતા ફરી વળી હતી. એ પછી લાઈટો ચાલુ થઈ. સ્તબ્ધતામાંથી બહાર આવવા માટે ચર્ચા ચાલુ થઈ અને કેટલાક મિત્રોએ અમુક મુદ્દા, એને આધારિત પ્રસંગ વગેરે કહ્યાં. આ સહજ અને અણઆયોજિત ક્રમ અડધો કલાક જેટલો ચાલ્યો ત્યારે વાતાવરણનું ભારેપણું કંઈક ઘટ્યું.

કાર્યક્રમ પછી પ્રતિભાવ આપી રહેલા તુષાર પરમાર 


કાર્યક્રમ પછી અનૌપચારિક મિલન

કબીરભાઈ દ્વારા પૂર્તિ

કબીરભાઈ સહિત ઘણા મિત્રોએ સૂચવ્યું કે આ રજૂઆત શક્ય એટલી વધુ જગ્યાએ યોજાવી જોઈએ. ખાસ કરીને યુવાવર્ગ હોય એવી શાળાઓ કે કોલેજોમાં તેમજ અન્યત્ર પણ. એ જ રીતે એવું પણ સૂચન આવ્યું કે આ કાર્ટૂનોને સંકલિત કરીને પુસ્તક કરવું.
જોઈએ હવે. એ તો થાય ત્યારે ખરું. પણ કાર્યક્રમે જે અસર છોડી એની પરથી એક વાત મનેય અનુભવાઈ ખરી કે આ કાર્યક્રમ વધુ સ્થળોએ યોજાવો જોઈએ. કેમ કે, સામાન્ય રીતે આવી સમસ્યાઓને જાજમ તળે છુપાવવાની માનસિકતા પ્રવર્તે છે ત્યારે એના વિશે ખુલીને વાત થાય, ચર્ચા થાય અને એ પણ કાર્ટૂન જેવા હાસ્યવ્યંગ્યના માધ્યમથી, એ વધુ જરૂરી છે.
આ બાબતે સામાજિક જાગૃતિ લાવવામાં આવા કાર્યક્રમ ઉપયોગી થઈ પડશે એમ ધારું છું. આ કાર્યક્રમના આયોજન બાબતે સંપર્ક કરી શકાશે.
'દિવ્ય ભાસ્કર'માં પ્રકાશિત અહેવાલ 

Sunday, January 25, 2026

કહત કાર્ટૂન, સુનો ભાઈ કીડ્સ

એમની સાથે પરોક્ષ પરિચય ફેસબુક પરનાં એમનાં લખાણો અને બે પાત્રો દ્વારા. એ પાત્રોમાંનું એક તે પશાકાકા, અને બીજું એ પોતે, એટલે કે સાજિદીયો એટલે કે સાજિદ સૈયદ પોતે. એ પછી તેમને રૂબરૂ મળવાનું બન્યું નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કાર્યક્રમ 'ગ્રંથનો પંથ'માં. નડિયાદથી પચીસેક કિ.મી. દૂર આવેલા ગામ વિંઝોલથી સાજીદભાઈ થોડા વિદ્યાર્થીઓને લઈને સમયસર આવી જાય. એ વિદ્યાર્થીઓ દૂરથી હારબંધ આવતાં દેખાય એટલે અમારા સ્વયંસેવકોમાંથી કોઈક બોલે, 'સાજીદભાઈ આવી ગયા.' એ વિદ્યાર્થીઓને પુસ્તક પરના વાર્તાલાપમાં કેટલો રસ પડે એ મહત્ત્વનું નથી, પણ એ બહાને તેઓ નડિયાદ આવે, આવો કોઈક કાર્યક્રમ જુએ, હરેફરે એ વધુ મહત્ત્વનું. આના માટે એક શિક્ષકની દૃષ્ટિએ વિચારવું પડે. આ કાર્યક્રમમાં અમે મળ્યા. કાર્યક્રમ પછી સૌ જવાની ઉતાવળમાં હોય, પણ સાજિદભાઈ સાથે ઊભા ઊભાય થોડી વાત થાય. એમાં એમણે એક વાર કહ્યું, 'અમારે ત્યાં આવો.' મેં કહ્યું, 'ચોક્કસ. તમે કહો ત્યારે. પણ વક્તવ્ય નહીં. કાર્ટૂન વિશે વાત કરીશું.' એ પછી અમે ફોનથી સંપર્કમાં રહ્યા, પણ અનુકૂળતા ઠેલાતી જતી હતી. આખરે ગઈ કાલે, 24મી જાન્યુઆરીને શનિવારે એ શુભ મૂહુર્ત આવ્યું.

કહત કાર્ટૂન...

આ પ્રાથમિક શાળામાં કાર્ટૂનનો કાર્યક્રમ ચો. 6,7 અને 8નાં બાળકોને ધ્યાનમાં રાખીને કરવાનો હતો. અગાઉ મેં વિદ્યાર્થીઓની અને ગામની પૃષ્ઠભૂમિ વિશે પ્રાથમિક વિગતો પૂછી રાખેલી, જેથી કાર્ટૂનની પસંદગીમાં સરળતા રહે. એ મુજબ કામિની અને હું સવારના સાડા દસ આસપાસ પહોંચી ગયા.
ઉમરેઠથી ત્રણેક કિ.મી.ના અંતરે આવેલું વિંઝોલ ગામ અને એમાં એક માત્ર પ્રાથમિક શાળા. પણ શાળામાં એક જીવંત આચાર્ય હોય તો કેવળ શાળાને જ નહીં, ગામ આખાને સામાજિક રીતે સાંકળે એ જોવું હોય તો અહીં જવું પડે.
આગલી મોડી રાતે મેં એમને કાર્યક્રમનું પોસ્ટર બનાવીને મોકલેલું, જેનું શિર્ષક હતું 'કહત કાર્ટૂન...'. સાજિદભાઈએ એ ત્રણ ટપકાંની પાદપૂર્તિ જાતે કરીને પોસ્ટર બનાવ્યું, 'કહત કાર્ટૂન, સુનો ભઈ કીડ્સ.'
શાળાએ પહોંચતાં જ વિદ્યાર્થીઓએ બેન્ડ વગાડીને, ગાઈને અમારું સ્વાગત કર્યું. લાલ જાજમ પર પગ મૂકીને અમે શાળામાં પ્રવેશ્યા. આરંભિક ઔપચારિકતા પછી અમે એ ખંડમાં ગયા, જ્યાં કાર્યક્રમ કરવાનો હતો. બહુ જ અનૌપચારિક રીતે સાજિદભાઈએ મારો પ્રાથમિક પરિચય આપ્યો, પણ હકીકતમાં હું કોથળામાંથી કેવું બિલાડું કાઢવાનો હતો એનો અંદાજ એમનેય નહોતો. એટલે વિદ્યાર્થીઓની સાથે જ, ભોંય પર તેઓ પલાંઠી વાળીને ગોઠવાઈ ગયા. અમસ્તોય આચાર્યપદનો ભાર તેમણે રાખ્યો નથી, એ તો આટલી વારમાં સમજાઈ ગયું હતું, કેમ કે, અમે બે દાદર ચડીને ઊપર પહોંચ્યા એ વખતે રસ્તામાં અનેક વિદ્યાર્થીઓ એમને 'સાજીદસાહેબ' કહીને કશીક ને કશીક વાત કરતા અને સામે સાજિદભાઈ પણ એ દરેકને નામથી સંબોધીને એનો યોગ્ય જવાબ વાળતા.

સાજીદભાઈ દ્વારા પરિચય અને પૂર્વભૂમિકા

આચાર્યપણું મૂકીને વિદ્યાર્થીઓ સાથે જ ગોઠવાઈ ગયેલા સાજીદભાઈ
કાર્ટૂનના કાર્યક્રમમાં મજા એ હોય છે કે એ કેવો 'જઈ રહ્યો છે' એ બાબતે ખાસ ચિંતા ન થાય. વક્તવ્ય હોય તો એ બાબતે અવઢવ રહે કે વાત પહોંચી રહી છે કે કેમ. પણ આમાં તો પડદે કાર્ટૂન દેખાય અને બે-પાંચ સેકન્ડમાં ખડખડાટ હસવાના અવાજ સંભળાય એ જ સંકેત. છોકરાં પોતાની મેળે જે રીતે કાર્ટૂન ઊકેલે એ જોઈ-સાંભળીને મજા આવી જાય. એક- સવા કલાક આ રીતે ક્યાં વીતી ગયો એની ખબર જ ન પડી.

સુનો ભઈ કીડ્સ
કાર્યક્રમ પછી સાજિદભાઈ સાથે આ શાળા, ગામ અને એની સામાજિક પૃષ્ઠભૂમિ વિશે વાતો થઈ. જે સંવેદનશીલતાથી સાજિદભાઈએ અનેક વાતો ઉઘાડી આપી એ ગજબ હતી. નીકળતાં એક ફળિયામાં અમે એક પરિવારને મળવા ગયા. એ ફળિયામાં પ્રવેશતાં જે રીતે લોકો સાજિદભાઈ સાથે વાત કરતા હતા એ એમના દિલમાં સાજિદભાઈનું શું સ્થાન છે એ સૂચવતું હતું. બહુ હેતુલક્ષિતાથી સાજિદભાઈએ અમને વિગત જણાવી. એ અલગ આલેખનનો વિષય છે, અને એ આલેખન સાજિદભાઈ કરે એ જ બહેતર.
સાડા બાર આસપાસ અમે વિદાય લીધી અને એક મધુર સ્મૃતિ અમારા હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગઈ.

Saturday, May 3, 2025

છિપકલી કે નાના હૈ, છિપકલી કે હૈ સસુર

'કહત કાર્ટૂન' ની સીઝન 2 અંતર્ગત 30 એપ્રિલ, 2025ને બુધવારની સાંજના સાડા સાતથી અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' ખાતે આ શ્રેણીના બીજા હપતાની રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનું શિર્ષક હતું: 'We, the dinosaurs: छिपकली के नाना, छिपकली के ससुर'. 

કાર્યક્રમનું આ પેટાશિર્ષક મૂળ તો ગુલઝારસાહેબે લખેલા 'ધ લાસ્ટ ડાયનોસોર' નામની એનિમેટેડ કાર્ટૂન શ્રેણીના શિર્ષક ગીતના છે. ડાયનોસોર પરનાં કાર્ટૂન શા માટે? આનો જવાબ છે, આ શ્રેણીનો સૌ પ્રથમ હપતો હતો 'Creation of Universe' એટલે કે બ્રહ્માંડના સર્જન વિશેનાં કાર્ટૂનો વિશેનો. એ જ ક્રમમાં હવે ડાયનોસોરનો વારો.

'દિવ્ય ભાસ્કર' તા. 30-4-25 

ડાયનોસોર વિશેનાં ભાતભાતનાં કાર્ટૂન ઊપલબ્ધ છે અને હવે જેમ ફિલ્મોમાં ડાયનોસોરનો અતિરેક થઈ ગયો એમ કાર્ટૂનમાં પણ છે. આમ છતાં, કેવાં કેવાં પ્રકારનાં કાર્ટૂન આ વિષય પર હોઈ શકે એ જાણવાની મજા આવે એવું છે.

કાર્યક્રમની રજૂઆત દરમિયાન (કમ્પ્યુટર પર કામિની)
ડાયનોસોરને લગતાં કાર્ટૂનોનું વિવિધ વિભાગોમાં વર્ગીકરણ કરીને દેખાડવાથી તેના વૈવિધ્યનો બરાબર ખ્યાલ આવે છે. અલબત્ત, માત્ર સવા દોઢ કલાકના કાર્યક્રમ માટે કાર્ટૂનોની પસંદગી કરવી અઘરી છે. એ એક જુદો પડકાર છે, અને એને પહોંચી વળવાની પણ અલગ મજા છે.
સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ સમક્ષ ડાયનોસોરને લગતાં વિવિધ કાર્ટૂન રજૂઆત પામતાં ગયાં એમ તત્ક્ષણ એનો પ્રતિસાદ પણ મળતો જતો હતો. અમુક કાર્ટૂન દર્શાવતો હોય પ્રાગૈતિહાસિક કાળ, પણ સંદર્ભ વર્તમાનનો હોય એટલે વધુ ચોટદાર અને રમૂજપ્રેરક બની રહે.
આ વખતે વિષયને લઈને કેટલાંક બાળકોએ પણ હાજરી આપી હતી. જો કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બાળકોના વાલીઓ તરફથી આવતી પૃચ્છામાં જણાવવામાં આવે છે કે બાળકોને કદાચ બહુ મજા ન આવે, કેમ કે, આ એનિમેટેડ કાર્ટૂન નથી. બાળકોના વયજૂથ મુજબ અલાયદો કાર્યક્રમ કરવો પડે.
આ કાર્યક્રમમાં વડોદરાથી મિત્ર પરેશ ઊપરાંત અમારી સાથે જ ભાનુબહેન દેસાઈ પણ જોડાયેલાં. ઘણા વખતથી આ કાર્યક્રમમાં હાજરી આપવાની તેમની ઈચ્છા અને સંજોગોની પ્રતિકૂળતા પછી આખરે તેમણે મન મક્કમ કરીને આવવાનું ગોઠવ્યું. વડોદરાથી અમદાવાદ જતાં અને પાછા આવતાં રસ્તામાં જે સત્સંગ થયો એ વધારાની ઉપલબ્ધિ.
સરવાળે સવા- દોઢ કલાકના આ કાર્યક્રમ પછી ડાયનોસોર સમાજનું ઠીકઠીક અંતરદર્શન થયું એમ કહી શકાય. આ શ્રેણીનો ત્રીજો કાર્યક્રમ મેના મધ્યમાં યોજાશે, જેની ઘોષણા અહીં કરીશું.
(તસવીર સૌજન્ય: બિનીત મોદી)

ડાયનોસોરની સમસ્યાઓ (Cartoonist: Andres’)

ડાયનોસોર મ્યુઝીયમમાં (Cartoonist: Trevor

ડાયનોસોર લુપ્ત શી રીતે થયાં એ અંગેની
અનેક થિયરીઓમાંની એક (Cartoonist: Gary Larson)

ડાયનોસોર અને માનવ (Cartoonist: Jerry King)

Friday, April 4, 2025

લેકિન પહલે દે દો મેરા પાંચ રૂપૈયા બારહ આના

રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો દ્વારા ગઈ કાલે, 3 એપ્રિલની સાંંજે વસ્ત્રાપુરની પેજ વન હોટેલ ખાતે 'કહત કાર્ટૂન' કાર્યક્રમ યોજાયો. મિત્ર ધૈવત ત્રિવેદીના સંયોજન- સંકલનથી આ શક્ય બનેલું. રોટરી ક્લબના સભ્યોના વયજૂથ અને વ્યવસાયને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનો વિષય નક્કી કરેલો : The professionals: लेकिन पहले दे दो मेरा पाँच रूपैया बारह आना. સાંંજના સાડા છએ પહોંચ્યા પછી હળવામળવાનું અને પરિચય ચાલ્યાં. પ્રમુખ અંકુરભાઈ સતાણી આવનારા સૌ સભ્યોની સાથે મારો પરિચય કરાવતા હતા.


આ સભ્યોમાં ડૉક્ટર વકીલ, આર્કિટેક્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ જેવા વિવિધ વ્યાવસાયિકો હતા. આ જાણીને મને મજા આવતી હતી, કેમ કે, આ કાર્યક્રમમાં મેં આ અને આવા બીજા વ્યાવસાયિકો પરનાં કાર્ટૂન એકઠાં કર્યાં હતાં.
સાડા સાતે કાર્યક્રમ શરૂ થયો. આરંભે કાર્ટૂન વિશેની પૂર્વભૂમિકા, કાર્ટૂનનાં વિવિધ અંગો વિશેનો પરિચય અને એ પછી વિષયની પૂર્વભૂમિકા પછી કાર્ટૂન દેખાડવાનાં શરૂ થયાં. લેખક, ડૉક્ટર, વકીલ, ટેક્સ કન્સલ્ટન્ટ, આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ તેમજ અન્ય વિશિષ્ટ વ્યવસાયના વ્યાવસાયિકો પર કાર્ટૂન બતાવાતાં ગયાં.
કાર્ટૂનના કાર્યક્રમની એક નિરાંત હોય છે કે એમાં પ્રતિભાવ મળે તો તત્ક્ષણ મળે. કાર્યક્રમ પતે ત્યાં સુધી રાહ ન જોવી પડે. ખાસ કરીને પોતાના વ્યવસાય પરનાં કાર્ટૂન આવે ત્યારે ખુલ્લાશથી હસવાના અવાજ આવતા એ જોઈને મજા પડી.

કાર્યક્રમ દરમિયાન 

કાર્યક્રમ પછી સવાલજવાબ ચાલ્યા. પાંચેક મિનીટ માટેનું આ સેશન વીસેક મિનીટ સુધી લંબાયું. જાતભાતના સવાલો પૂછાયા અને એનો સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. કેટલાક સવાલોના નમૂના: ટેક્નોલોજીની કાર્ટૂનિંગ પર શી અસર થઈ છે?, કાર્ટૂનિસ્ટોને (શાસકો દ્વારા) ખરીદી શકાય?, શ્રેષ્ઠ કાર્ટૂન કયા દેશના ગણાય?, મીમ્સ કાર્ટૂનથી શી રીતે જુદાં પડે? આ કાર્યક્રમમાં ભારતીય કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન કેમ ઓછાં દેખાય છે? વગેરે અને બીજા અનેક.
કાર્યક્રમને અંતે ભોજન હતું. ભોજન દરમિયાન ઘણા સભ્યો નવેસરથી મળવા આવ્યા અને કાર્યક્રમ બાબતે ખુશી વ્યક્ત કરી. એ દરમિયાન પણ કાર્ટૂન વિશે વાત થતી રહી.
આ પ્રકારના કાર્યક્રમ પણ આયોજિત કરી શકાય એમ માનતા અને આયોજિત કરતા રોટરી ક્લબ અમદાવાદ મેટ્રોના હોદ્દેદારોનો આભાર અને અભિનંદન.
કાર્યક્રમ દરમિયાન બતાવાયેલાં કેટલાક કાર્ટૂનોની ઝલક: 

લેખક પરનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Baloo)

આર્કિટેક્ટ વિશેનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Hagen)

વકીલ પરનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Kamraan Hafeez)

વિશિષ્ટ વ્યાવસાયિકો વિશેનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Nate Fakes)

Sunday, March 30, 2025

કાહે કો દુનિયા બનાઈ...

અમદાવાદના સ્ક્રેપયાર્ડ થિયેટર ખાતે ગઈ કાલે, 29 માર્ચ, 2025ને શનિવારે સાંજે 'કહત કાર્ટૂન' શ્રેણીની બીજી સીઝનનો આરંભ થયો. આ અગાઉ 2023-24 દરમિયાન યોજાયેલી આ શ્રેણીની પ્રથમ સિઝનમાં કુલ દસ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં દસ અલગ અલગ વિષય પરનાં આશરે સાતસો જેટલાં કાર્ટૂનનો આસ્વાદ કરાવાયો હતો.

કાર્યક્રમ દરમિયાન
બીજી સીઝનના પહેલા કાર્યક્રમનું શિર્ષક હતું Creation of Universe: क्या तेरे मन में समायी. આ કાર્યક્રમમાં સૃષ્ટિના ઉદભવ વિશેની વિવિધ થિયરીઓ પરનાં કાર્ટૂનનો સમાવેશ કરાયો હતો. વિજ્ઞાનલક્ષી અને ધર્મલક્ષી એમ બન્ને પ્રકારના સિદ્ધાંતો પરનાં કાર્ટૂન એમાં હતાં. ગઈ કાલે અતિ મર્યાદિત શ્રોતાગણની હાજરી છતાં કાર્યક્રમ અતિ રસપ્રદ બની રહ્યો. કાર્યક્રમ પછીના સવાલજવાબ અહીંની વિશેષતા છે. એ પણ એટલા સઘન અને રસપ્રદ બની રહે છે કે અનેક નવા આયામો એના થકી ઊઘડે.
આ શ્રેણીની બીજી કડી આગામી મહિને યોજાશે.


બીગ બેન્ગ વિશેનું કાર્ટૂન
(Cartoonist: Mike Seddon)


ઉત્ક્રાંતિનો આરંભ શી રીતે થયો?
 (Cartoonist: Predrag Raicevic)

સૃષ્ટિવાદ પરનું કાર્ટૂન
(Cartoonist: Baloo)
આદમ અને ઈવ પરનું કાર્ટૂન
(Cartoonist: Jeff Hobbs)


નોઆહના જહાજ પરનું કાર્ટૂન
(Cartoonist: Dan Piraro)

Wednesday, March 12, 2025

અનાયાસે આરંભાયેલી સફરનો આગલો પડાવ

મનમાં રોપાયેલા બીજને યોગ્ય વાતાવરણ મળે તો એ ગમે ત્યારે અંકુરણ પામીને વિકસી શકે. મારા અને ઉર્વીશના કાર્ટૂનપ્રેમ બાબતે કંઈક આમ થયું. કાર્ટૂન જોવામાં રસ પડતો એ પછી અમુક હદે તેને એકઠાં કરવાનું શરૂ કર્યું. 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી' થકી કાર્ટૂનિસ્ટની શૈલી ઓળખવાનો અભિગમ કેળવાતો ગયો. વચગાળામાં કાર્ટૂનો જોવાનું, અમુક પુસ્તકો ખરીદવાનું બનતું રહ્યું, પણ એ સાવ અંગત શોખ પૂરતું મર્યાદિત હતું.

આમાં આગળ શું કરવું એ વિચાર્યું નહોતું, કેમ કે, એમાં વર્તમાનમાં જ મજા આવતી હતી. એ પછી ઉર્વીશને એક વાર CEPTના વેકેશન કોર્સમાં આમંત્રણ મળ્યું અને તેણે ભારતના રાજકીય ઈતિહાસનું કાર્ટૂનો દ્વારા દર્શન કરાવતો કોર્સ તૈયાર કરીને ભણાવ્યો. એ કદાચ આ શોખને ગંભીરતા તરફ લઈ જતું પહેલું પગથિયું.
દરમિયાન ઈન્ટરનેટને કારણે અનેક કાર્ટૂન સુલભ બનતાં ગયાં. એમાં ગાંધીજી વિશેનાં કાર્ટૂનોમાં રસ જાગ્યો. એવાં ઘણાં કાર્ટૂન મળી રહ્યાં. એક વાર મિત્ર અમરીશ કોન્ટ્રાક્ટર સાથે આ અંગે વાત નીકળી તો તેમણે એનો કાર્યક્રમ કરવા સૂચવ્યું. જો કે, કાર્યક્રમમાં ખરેખર શું કરવું એનો એમને અંદાજ નહોતો, પણ મૂળ આશય એ કે ગાંધીજીના જીવનના આ પાસાંને મૂકવું જોઈએ. મેં વિષયાનુસાર કાર્ટૂનનું વિભાજન કરીને ગાંધીજીના જીવનની ઘટનાઓ અને કાર્ટૂનકળાના આયામોને સાંકળતો કાર્યક્રમ પહેલવહેલી વાર રજૂ કર્યો અને જાણે કે એક દિશા ખૂલી. વાત પ્રસરતી ગઈ અને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળતાં ગયાં. મોટે ભાગે જોવા મળતું કે આ પ્રકારનો કાર્યક્રમ લોકો માટે સાવ નવો હતો.
આવું જ એક આમંંત્રણ ગુતાલની સરકારી શાળાના શિક્ષક પારસ દવે દ્વારા મળ્યું. પારસની નિષ્ઠાથી પરિચીત હોવાને કારણે તેમની આગળ મેં એવી વાત કરી કે આપણે બાળકોને સીધેસીધાં ગાંધીજી વિશેનાં કાર્ટૂન બતાવવાને બદલે પહેલાં એમને કાર્ટૂનકળાથી પરિચીત કરાવીએ. એ પછી બીજો કાર્યક્રમ ગાંધીજી વિશેનો રાખીએ. એમણે સંમતિ આપતાં કાર્ટૂનકળાના આયામોથી પરિચીત કરાવતા કાર્યક્રમ 'આવો, કાર્ટૂન માણીએ'નો આરંભ થયો, જે વધુ એક નવો ફાંટો હતો.
પારસની શાળામાં બે કાર્યક્રમ કર્યા પછી તેમણે વધુ એક વિચાર મૂક્યો કે બાળકોને કાર્ટૂન દોરતાં શીખવીએ. મારા માટે આ સાવ નવું હતું, પણ કરવાની મજા આવે એવું હતું. એટલે કાર્ટૂનની વર્કશોપ યોજવામાં આવી અને ત્રીજો ફાંટો પડ્યો.
વાર્તાલેખન કૌશલ્યને વરેલા સામયિક 'વારેવા'ના પ્રકાશન અગાઉ મિત્ર રાજુ પટેલે આગ્રહપૂર્વક મારી પાસે સાહિત્યને લગતાં કાર્ટૂન દોરાવ્યાં. કાર્ટૂન દોરવાનું પણ મારા માટે નવું હતું. પણ પહેલા અંકથી છેક સુધી નિયમીતપણે એ કાર્ટૂન બનતાં રહ્યાં અને મને વધુ એક કેડીએ ચાલવાનો મોકો મળ્યો.
એ પછી મુંબઈની એક મુલાકાત દરમિયાન ભવન્સ પર જવાનું બન્યું. બીજા મિત્રોની સાથોસાથ 'નવનીત સમર્પણ'ના સંપાદક દીપક દોશીને મળ્યા. અલકમલકની વાતો કરી. ઊભો થયો એ વખતે દીપકભાઈએ 'નવનીત' માટે કંઈક લખવા સૂચવ્યું. મેં હા પાડી, પણ શું લખવું એ વિચાર્યું નહોતું. એવામાં દીપકભાઈએ પોતાના ટેબલના ખાનામાંથી કાર્ટૂનનું એક પુસ્તક કાઢીને મને આપ્યું અને કહ્યું, 'આ તમારા માટે.' એ પછી તરત જ એ બોલ્યા, 'તમે કાર્ટૂન વિશે જ લખો.' મને પણ સૂચન ગમ્યું, છતાં શું લખવું એ વિચાર્યું નહોતું. ઘેર આવીને એ વિચાર કર્યો અને એ પછી 'નવનીત સમર્પણ'માં 'કાર્ટૂનકથા' નામે લેખમાળા આરંભાઈ, જેના માર્ચ, 2025 સુધીમાં વીસ હપ્તા પ્રકાશિત થઈ ચૂક્યા છે અને હજી એ ચાલે છે.
આ લેખમાળા શરૂ થયાના થોડા મહિનામાં અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર અને નેહા શાહસાથે વાત થઈ. તેમણે મને ગાંધીજીનાં કાર્ટૂનો વિશેનો કાર્યક્રમ કરવા આમંત્રણ આપ્યું. એ વખતે મેં કહ્યું, 'મારી પાસે એ ઊપરાંત પણ ઘણું છે.' ક્ષણનાય વિલંબ વિના કબીરભાઈ કહે, 'તો આપણે સિરીઝ કરીએ.' એ રીતે આરંભ થયો 'કહત કાર્ટૂન' શ્રેણીનો. કુલ દસ હપતાની એ શ્રેણીમાં બધું મળીને સાતસો જેટલાં કાર્ટૂનનો આસ્વાદ કરાવાયો. અહીંના કેળવાયેલા શ્રોતાઓ સમક્ષ કરાતી રજૂઆત દર વખતે મારી સજ્જતાને નવેસરથી કેળવવા પ્રેરીત કરતી.
સ્ક્રેપયાર્ડને કારણે મને અવનવા વિષય પર કાર્ટૂનના કાર્યક્રમ કરવાના વિચાર આવતા ગયા, અને આયોજક દ્વારા યોગ્ય પ્રતિસાદ મળતાં એનો અમલ પણ થતો ગયો. એ રીતે એલ.ડી.એન્જિ.ના પ્રાધ્યાપક મિત્ર મિતુલ મકવાણાએ માત્ર એન્જિનિયરીંગનાં કાર્ટૂનો રજૂ કરવાના મારા સૂચનને સ્વીકાર્યું અને એ કાર્યક્રમ યોજ્યો.
સ્કેપયાર્ડમાં આવતા અનેક શ્રોતાઓમાં એક હતા પાર્થ ત્રિવેદી, જે 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન' સાથે સંકળાયેલા હતા. તેમણે પોતાને ત્યાં આ કાર્યક્રમ યોજવા આમંત્રણ આપ્યું. મેનેજમેન્ટને લગતા કાર્યક્રમો વચ્ચે કાર્ટૂનના યોજાયેલા કાર્યક્રમનો અનુભવ મારા માટે નવો હતો. અહીં જ કાર્ટૂન દોરતાં શીખવવાની એક વર્કશોપનું આયોજન કરાયું, જેનો પ્રતિભાવ ઘણો પ્રોત્સાહક રહ્યો.
આમ, છેલ્લા બે વર્ષમાં કાર્ટૂનની રજૂઆત, લેખન, ચિત્રણ, અધ્યાપન જેવાં મોટા ભાગનાં પાસાં સાથે મજબૂત રીતે સંકળાવાનું બન્યું.
હવે 'સ્ક્રેપયાર્ડ'માં 29 માર્ચ, 2025થી 'કહત કાર્ટૂન'ની બીજી સીઝન આરંભાઈ રહી છે. આ નવી સીઝનમાં પણ અનેકવિધ વિષયો પરનાં કાર્ટૂનોનો આસ્વાદ કરાવવાની નેમ છે.
પહેલી કડી છે: Creation of Universe: क्या तेरे मन में समायी!
આ સફર એટલી રોમાંચપ્રેરક અને આનંદદાયી બની રહી છે કે એ એક યા બીજા સ્વરૂપે ચાલતી રહેશે.



Saturday, September 21, 2024

ડાયનોસોરયુગથી ડ્રોનયુગ સુધીની કાર્ટૂનસફર

'મેનેજમેન્ટ' વિષે ઘણું લખાયું છે, બોલાયું છે, ચર્ચાયું છે. મારા જેવા અનેક માટે 'મેનેજમેન્ટ' શબ્દ લગભગ કોર્સ બહારનો કહી શકાય એવો હશે. આપણા પોતાના માટે આપણે અમુક કાર્યપદ્ધતિથી કામ કરતા હોઈએ, પણ એને માટે 'મેનેજમેન્ટ' શબ્દ વાપરવો ભારે લાગે. આથી જ, 'મેનેજમેન્ટ' શબ્દ સાથે મોટે ભાગે ગાંભીર્ય અને શુષ્કતાનો ભાવ જોડાયેલો હોય એવું મને લાગ્યા કરે છે. પણ અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ'માં કરેલા કાર્ટૂન કાર્યક્રમોની શ્રેણી 'કહત કાર્ટૂન' દરમિયાન ત્યાંના નિયમિત ભાવક તરીકે આવતા પાર્થ ત્રિવેદીએ પ્રસ્તાવ મૂક્યો કે આ કાર્યક્રમ 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'માં કરીએ. આ સંસ્થા સાથે સંકળાયેલા પાર્થે જણાવ્યું કે કાર્યક્રમ માટે જરૂરી મંજૂરી પણ તેમણે લઈ લીધી છે. આ જાણીને સુખદ આશ્ચર્ય થયું અને અમે એ કવાયત આદરી કે આ કાર્યક્રમમાં કયા વિષયનાં કાર્ટૂન બતાવવાં? કેમ કે, અહીં કયા વર્ગના શ્રોતાઓ આવતા હશે એનો મને જરા પણ અંદાજ નહોતો. ચર્ચાને અંતે નક્કી થયું કે રાજકારણ અને સામાજિક વિષયનાં કાર્ટૂનોથી મોટા ભાગના લોકો પરિચીત હોય છે. એટલે આપણે એ બાબત બતાવીએ કે એમાં કોઈ વિષયબાધ નથી. તો? તો એ કે સૃષ્ટિના સર્જનથી લઈને છેક એ.આઈ., અને ડ્રોન યુગ સુધીના વિષય પર બનેલાં કાર્ટૂન બતાવવાં. બસ, પછી કવાયત ચાલુ થઈ અને બીગ બૅન્ગ, આદમ અને ઈવથી લઈને ડાયનોસોર, પ્રાગૈતિહાસિક યુગ, વિવિધ સંસ્કૃતિઓ, વિજ્ઞાનના આવિષ્કાર, અને પછી આધુનિક યુગમાં પરગ્રહના જીવો, એ.આઈ., ડ્રોન સુધી વાત લંબાઈ. દરેક યુગનાં પ્રતિનિધિરૂપ બે-ત્રણ કાર્ટૂન, કેમ કે, આખો વાર્તાલાપ એક કલાકમાં પૂરો કરવાનો, અને પછી સવાલજવાબ.


20 સપ્ટેમ્બર, 2024ના ગુરુવારે સાંજના સાડા છ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમ અગાઉ 'એ.એમ.એ.'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેશ દીક્ષિત સાથે ટૂંકી મુલાકાત થઈ અને તેમણે આ સંસ્થામાં કાર્ટૂનના વિષયનો પ્રવેશ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો.


કાર્યક્રમના વિષય અંગેની પૂર્વભૂમિકા

શ્રોતાવર્ગ

આરંભે ટૂંકમાં રજૂઆતકર્તાનો ઔપચારિક પરિચય પાર્થ દ્વારા અપાયો અને સ્વાગતાદિ વિધિ ઝડપભેર પતાવીને કાર્યક્રમ શરૂ થયો. સમયમર્યાદા અનુસાર પૂરો પણ થયો અને પછી સવાલજવાબનો વારો આવ્યો. આ પ્રકારના કાર્યક્રમમાં મને સૌથી ગમતો હિસ્સો સવાલજવાબનો હોય છે. કેમ કે, કાર્યક્રમ જોયા પછી વધુ સવાલો થતા હોય છે.

અનેક પરિચીતો ઊપરાંત ઘણા નવા ચહેરા હતા, જે આ કાર્યક્રમનો વિષય જાણીને આવ્યા હતા. સવા કલાકના આ કાર્યક્રમમાં મજા આવી. હવે પછી ગાંધી જયંતિ નિમિત્તે 10 ઑક્ટોબરે આ જ સ્થળે 'ગાંધીજી હજી જીવે છે' કાર્યક્રમમાં ગાંધીજી વિશેનાં કાર્ટૂનોની રજૂઆતનો ઉપક્રમ છે.
(તસવીર સૌજન્ય: બિનીત મોદી અને પાર્થ ત્રિવેદી)

સૃષ્ટિનું સર્જન (Cartoonist: Aldan Kelly)

ઈજિપ્શિયન સંસ્કૃતિ: "એ લોકો ઈકોનોમી ક્લાસવાળા લાગે છે."
(Cartoonist: Ajit Ninan)


ડ્રોનબાણ (Cartoonist: Robert Ariail

Sunday, July 28, 2024

માર દિયા જાય કિ છોડ દિયા જાય?

 વરસાદી માહોલ વચ્ચે 26 જુલાઈ, 2024ને શુક્રવારના રોજ અમદાવાદના સ્ક્રેપયાર્ડ થિયેટર ખાતે સાંજના સાડા સાતે 'કહત કાર્ટૂન' કાર્યક્રમની દસમી કડી યોજાઈ.

ચોમાસાને કારણે સ્ક્રેપયાર્ડની અંદરના ખંડમાં બેઠકવ્યવસ્થાનું આયોજન હતું. ઑક્ટોબર, 2023થી આરંભાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં દર વખતે એક ચોક્કસ દૃશ્યાત્મક વિષયને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્ટૂન બતાવવામાં આવે છે. આ વખતનો વિષય હતો 'The death penalty' એટલે કે દેહાંતદંડ.

'ધ ડેથ પેનલ્ટી'ની રજૂઆત

પ્રથમ તબક્કાની આ અંતિમ કડી હોવાથી અગાઉનાં નવેનવ કાર્યક્રમનાં પોસ્ટર તેમજ તેમાં દર્શાવાયેલાં કાર્ટૂનોની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દસ કાર્યક્રમમાં મળીને કુલ 670 કાર્ટૂનો દર્શાવાયા હતા. મારા માટે અંગત ઉપલબ્ધિ એ હતી કે એ બહાને મારી નજર તળેથી આનાથી ત્રણ-ચાર ગણાં કાર્ટૂન પસાર થયાં.
દેહાંતદંડ આમ તો માનવસભ્યતાની સાથે જ ચલણમાં આવેલી સજા છે, જે સુસંસ્કૃત બનેલા માનવમાં રહેલી આદિમ વૃત્તિની સૂચક છે. કેવી કેવી ક્રૂર રીતે વિવિધ ગુનાઓ બદલ દેહાંતદંડ અપાતો હતો એની થોડી વાત કર્યા પછી મુખ્ય કાર્યક્રમ આરંભાયો.
કુલ આઠ પ્રકારની સજાઓ પર કાર્ટૂન બતાવવાનાં હતાં. આ સજાઓ કંઈ કિંવદંતી નથી, પણ વાસ્તવિક રીતે અપાતી હતી એ બાબતની ઘેરી લીટી દોરવા માટે પ્રત્યેક વિભાગના આરંભે એ સજા પામેલી કોઈ એક ખરેખરી વ્યક્તિની તસવીર કે ચિત્ર અને એ સજાનું વર્ષ મૂકવામાં આવ્યું. જેમ કે, કુહાડી વડે કરાતા શિરચ્છેદ પરનાં કાર્ટૂનોના આરંભે ઈ.સ.1746માં એ સજાનો ભોગ બનેલા સિમોન ફ્રેઝરનું ચિત્ર હતું, તો ઈલેક્ટ્રોક્યુશનની સજા વિશેનાં કાર્ટૂનના વિભાગ પહેલાં એ સજા પામેલા ટેડ બન્ટી (ઈ.સ.1989)ની તસવીર હતી.

Cartoonist: Kieran Meehan


Cartoonist: Boyco Boyanov

Cartoonist: Christopher Patrick Toler

Cartoonist: Amy Hwang

દેહાંતદંડ જેવા અમાનવીય અને ક્રૂર તેમજ કરુણ વિષયમાં પણ કાર્ટૂનિસ્ટો શી રીતે રમૂજ અને વ્યંગ્ય શોધી કાઢે છે એ જાણવું રસપ્રદ બની રહ્યું. કાર્ટૂનમાં દર્શાવેલી પરિસ્થિતિ જોઈને પહેલી વાર ધ્રુજી જવાય અને પછી તેમાંનો વ્યંગ્ય જોઈને હસવું આવે એવું અનેક વખત બનતું રહ્યું.
કાર્યક્રમ પૂરો થયા પછી સવાલજવાબ પણ મઝાના રહ્યા. આખરે આ શ્રેણી કામચલાઉ ધોરણે વિરામ લઈ રહી હોવાની ઘોષણા કરીને કાર્યક્રમનું સમાપન થયું.
હવે થોડા સમય પછી કાર્ટૂનના કોઈ નવા આયામ સાથે તે આરંભાશે.