Showing posts with label Gandhi. Show all posts
Showing posts with label Gandhi. Show all posts

Wednesday, February 18, 2026

એવા ગાંધી નવજીવને ઊતર્યા રે

રવિવાર, 15 ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યે નવજીવન, અમદાવાદમાં 'નવજીવન ટૉક્સ' અંતર્ગત ગાંધીજીનાં વ્યંગ્યચિત્રોની રજૂઆતનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમનું શિર્ષક હતું 'Gandhi: Between the lines (વ્યંગ્યચિત્રોમાં ગાંધી)'. આ પ્રકારનો કાર્યક્રમ પહેલવહેલી વાર મેં 2016માં કરેલો. અગાઉ આવો કોઈ કાર્યક્રમ થયેલો ધ્યાનમાં ન હોવાથી તેનું માળખું પણ જાતે જ બનાવેલું અને એ વખતે એક ભાવકની દૃષ્ટિએ વિચારીને એ બનાવેલું. ત્યારથી લઈને આજ સુધીના અનેક કાર્યક્રમોમાં એ મૂળભૂત માળખું એમનું એમ રહ્યું છે. અંદરની સામગ્રીમાં સ્થળ અને શ્રોતાઓ મુજબ ફેરફાર થતા રહે એ વાત અલગ છે.

કાર્ટૂનનાં પુસ્તકોની પહેલવહેલી ખરીદી 1988-89 આસપાસ કરેલી, જેમાં બે મુખ્ય હતાં. એક અબુ અબ્રાહમ દ્વારા સંપાદિત 'પેંગ્વિન બુક ઓફ ઈન્ડિયન કાર્ટૂન્સ' અને બીજી દુર્ગાદાસ સંપાદિત 'ગાંધી ઈન કાર્ટૂન્સ'. યાદ છે ત્યાં સુધી આ બન્ને પુસ્તકો અમદાવાદ રેલ્વે સ્ટેશનના બુકસ્ટોલ પરથી ખરીદેલા. 'ગાંધી ઈન કાર્ટૂન્સ' એક અદભુત પુસ્તક છે, જેમાં ગાંધીજીના હયાતિના ગાળા દરમિયાન પ્રકાશિત વિવિધ કાર્ટૂનોનો સંચય છે. મારા કાર્યક્રમના એક હિસ્સામાં હું જે કાર્ટૂનનો ઉપયોગ કરું છું તેમાં આ પુસ્તકમાંથી કાર્ટૂનની પસંદગી કરું છું. પણ આ વખતે વિચાર્યું કે એ પુસ્તકમાંથી એકાદ બે કાર્ટૂન જ લેવાં અને એ વિભાગ માટે થોડાં નવાં કાર્ટૂન સામેલ કરવાં. સાથોસાથ પશ્ચિમી જગતના કાર્ટૂનિસ્ટો ગાંધીજીને એ સમયે શી રીતે જોતા એ પણ બતાવવું હતું.


કાર્યક્રમની જાહેરાત માટે મેં અમુક કાર્ટૂનો રામ મોરીને મોકલ્યાં, પણ તેમણે જે પોસ્ટર બનાવડાવીને મોકલ્યું એ એવું મજાનું હતું કે પછી બીજો વિચાર કરવાનો આવ્યો જ નહીં. ભાઈ ભૌમિક સુથારે એવું કેરિકેચર બનાવેલું કે જેમાં મારા ખભે હાથ મૂકીને ગાંધીજી ઊભેલા હોય. આમાં મારી આકૃતિ પ્રમાણમાં મોટી અને ગાંધીજી સહેજ નાના હતા. સ્વાભાવિકપણે જ ગાંધીપ્રેમી હોય એમને આ અજુગતું લાગે કે મારી આકૃતિ ગાંધીજી કરતાં મોટી કેમ! પણ આ કેરિકેચર બરાબર જોઈએ અને ઊપક્રમ વિશે જાણીએ તો આનો ખુલાસો મળી જાય. કાર્યક્રમની રજૂઆત હું કરવાનો છું એટલે કેરિકેચર મારું મૂકાય, કે જેમ અન્ય વક્તાઓના કાર્યક્રમમાં એમની તસવીર હોય છે. એટલે જાણે કે હું ફોટો પડાવવા બેઠો હોઉં એવું કેરિકેચર, અને ગાંધીજી જાણે કે મારી મસ્તી કરતા હોય એમ પાછળથી આવીને મારા ખભે હાથ મૂકીને ઊભા રહી ગયા હોય એવી એમની મુદ્રા. એટલે આનાથી કાર્યક્રમમાં રહેલી મસ્તીનો આંતરપ્રવાહ છતો થઈ જાય અને એ અંદાજ મળી રહે કે કાર્યક્રમ હળવાશયુક્ત હશે.

કાર્યક્રમના આરંભ રામ મોરી દ્વારા


ખેર! નવજીવનના સુજ્ઞ શ્રોતાઓ સમક્ષ વાત કરવાની બહુ મજા આવી. આરંભ રામ મોરીએ કર્યા પછી બહુ ઝડપથી તેમણે મને સુકાન સોંપી દીધું. એક પછી એક વિભાગ અને એના મુજબ કાર્ટૂનોની રજૂઆત, સાથોસાથ એનો સંદર્ભ તેમજ દૃશ્યકળાનાં પરિમાણોની પણ વાત થતી રહી.
છેલ્લે સવાલજવાબનો ઉપક્રમ પણ મજાનો રહ્યો. સવાલજવાબ પછી હળવામળવાનું ચાલ્યું. એકંદરે ગાંધીજીના સાન્નિધ્યમાં એક મજાની સાંજ ગાળવાનો આનંદ આવ્યો.
આ કાર્યક્રમ માટે સંયોજન કરનાર રામ મોરી, કેરિકેચર બનાવનાર ભૌમિક સુથાર, સંકલન માટે મિલન ઠક્કર, તસવીરો અને વિડીયોગ્રાફી માટે કેયુર ભટ્ટ- મન્વિતા, વિજય પરમાર અને આ ઊપક્રમના યજમાન સદાના મિત્ર એવા વિવેક દેસાઈ- શિલ્પાબહેન સૌનો આભાર.

Monday, October 2, 2023

લક્ષ્મણના ગાંધી એવા કેમ?

કાર્ટૂનિસ્ટો પોતાના કાર્ટૂનમાં દોરાતાં કેરિકેચર માટે મોટા ભાગે પોતાની 'પિક્ચર ગેલરી'નો ઉપયોગ કરતા હોય છે. એટલે કે સામાન્યપણે તેઓ પોતાના સંગ્રહમાં રહેલી તસવીર પરથી કેરિકેચર બનાવતા હોય છે. ગાંધીજીનું કેરિકેચર ચીતરવું પ્રમાણમાં ઘણું સહેલું છે. તેમનો ચહેરો દોરવો એટલો સરળ છે કે આસાનીથી કોઈ પણ એ દોરી શકે. આમ છતાં વિવિધ કાર્ટૂનિસ્ટો એ ચહેરાને પોતાની શૈલીએ ચીતરતા આવ્યા છે. જેમ કે, મારીઓ ગાંધીજીનું કેરિકેચર બનાવે તો એ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ મારીઓના ગાંધીજી છે. શંકર ગાંધીજીને પોતાની રીતે ચીતરે છે, તો ડેવિડ લો પોતાની રીતે. પણ એ ગાંધીજી જોઈને ખ્યાલ આવી જાય કે એ કયા કાર્ટૂનિસ્ટે ચીતરેલા છે.

આ બધામાં આર.કે.લક્ષ્મણના ગાંધીજી સાવ અલગ પડે છે. આર.કે.લક્ષ્મણના ગાંધીજીના ગાલ ભરેલા અને હોઠ જાડા છે. તેમનું નાક પણ પહોળું હોય છે. આ બધું સમજ્યા કે કાર્ટૂનિસ્ટે પોતાની રીતે છૂટછાટ લીધેલી હોય. સૌથી અલગ પડી આવતી વાત એ છે કે આર.કે.લક્ષ્મણના ગાંધીજીના કપાળમાં મોટો, ગોળ ચાંલ્લો (તિલક) હોય છે. ગાંધીજીએ કદી કપાળે આવું કશું કર્યું હોય એવું જાણમાં નથી. તો પછી લક્ષ્મણ શાથી આમ બતાવતા હશે? આ સવાલ મને દર વખતે થાય છે.
મને સૂઝેલો જવાબ કંઈક આવો છે. એ કદાચ યોગ્ય ન પણ હોય એમ બને. લક્ષ્મણે ગાંધીજીના ચહેરાની લાક્ષણિકતાઓ એક દક્ષિણ ભારતીય પુરુષની (દ્રવિડ?) હોય એમ જણાય છે. ખાસ કરીને ભરાયેલા ગાલ અને જાડા હોઠ. ચાંલ્લો પણ કદાચ એનો હિસ્સો હોઈ શકે.
લક્ષ્મણ તો હવે હયાત નથી. તેમણે ક્યાંય આ બાબત નોંધી હોવાનો ખ્યાલ નથી. કદાચ તેમણે સહજપણે જ આમ કર્યું હોય એમ બને યા એમ ન પણ હોય.
આથી હવે આપણે માત્ર ધારણા પર જ આધાર રાખવાનો રહે છે.





Wednesday, November 16, 2016

લાકડીના બન્ને છેડે ગાંધી


ગાંધીજીના પ્રપૌત્ર કનુ ગાંધીનું ૭ નવેમ્બર, ૨૦૧૬ને સોમવારના રોજ અવસાન થયું. જુહુના સાગરતટે ગાંધીજીની લાકડીને છેડેથી પકડીને ચાલતા બાળક કનુ ગાંધીની આ તસવીર વિશ્વપ્રસિદ્ધ છે. એ રીતે જોઈએ તો આ તસવીર કેવળ તસવીર ન બની રહેતાં એક પ્રતીક સમી બની રહી છે.


આ તસવીરમાંની વ્યક્તિઓ અને ચીજો એ હદે જાણીતાં બની રહ્યાં છે કે તેના આધારે અનેક કાર્ટૂનિસ્ટોએ વખતોવખત કાર્ટૂનો ચીતર્યાં છે, જેમાં ક્યારેક લાકડી બદલાય છે, ક્યારેક તેને પકડનાર, ક્યારેક તેને દોરનાર, તો ક્યારેક બધા જ. આમ છતાં, જે કહેવું છે તે કહેવાઈ જાય છે. 
અહીં કેટલાક એવાં કાર્ટૂનો એક સાથે મૂકેલાં છે, જે આ તસવીરના કથાવસ્તુ પર આધારીત છે, પણ દોરાયાં છે જુદા જુદા કાર્ટૂનિસ્ટો દ્વારા, જુદી જુદી ઘટનાઓ પર, જુદે જુદે સમયે.

અબુ અબ્રાહમે દોરેલા આ કાર્ટૂનમાં એ સમયગાળાની વાત હોય એમ લાગે છે, જ્યારે નેતાઓ હજી ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ આચરતાં ડરતા હતા. 


કેશવનું ધ હિન્‍દુમાં પ્રકાશિત થયેલું આ કાર્ટૂન ધીરેન્‍દ્ર શર્માના એક લેખ સાથે મૂકવામાં આવ્યું હતું. દિલ્હીસ્થિત જે.એન.યુ,ના સાયન્‍સ પોલિસી સેન્‍ટરના ભૂતપૂર્વ વડાએ આ લેખમાં પોતે ક્યારેક ગાંધીમાર્ગે આરંભેલું નિષ્ફળતાને શી રીતે વર્યું તેની વાત કરી હતી. એક સ્થાનિક નેતાએ આ આંદોલનને ટેકો આપવાની તૈયારી દર્શાવી. સ્થળ પર આવીને તેમણે આંદોલનકારીઓને સુરક્ષા કર્મચારીઓ પર કોઈ કારણ વિના હુમલો કરવા જણાવ્યું. આંદોલનકારીઓએ એમ કરવાનો ઈન્‍કાર કર્યો ત્યારે અકળાયેલા નેતાએ કહ્યું, તો પછી થઈ રહ્યું તમારું આંદોલન! આ કાર્ટૂનમાં ગાંધીજીને દોરવાને બદલે લાકડીથી ખેંચીને નેતા ઉગ્રતા તરફ ઢસડી રહ્યા છે. ગાંધીજીના બૅકગ્રાઉન્ડનો શાંત રંગ અને નેતાના બૅકગ્રાઉન્‍ડનો લાલ રંગ તેમજ નેતાના મુખભાવ આ હકીકત સ્પષ્ટ કરે છે. 

કોંગ્રેસમાં ગાંધીજી હતા ત્યારે સ્વદેશીની બોલબાલા હતી. કાળક્રમે કોંગ્રેસનું વિસર્જન થયું, અને મનમોહનસીંઘને દેશના વડાપ્રધાનપદે બેસવાનું બન્યું. આ કાળમાં વિદેશીની બોલબાલા વધી. એ બન્ને કાળનો વિરોધાભાસ કુરીલના આ કાર્ટૂનમાં બતાવવામાં આવ્યો છે. 


 ‘થોમ્મીના નામે કાર્ટૂન ચીતરતા મલયાલી કાર્ટૂનીસ્ટ ડૉ. થોમસના આ કાર્ટૂનનું શીર્ષક છે ગાંધીમાર્ગ’.  કાર્ટૂન સ્વયંસ્પષ્ટ છે. 











થોમ્મીના આ બીજા કાર્ટૂનમાં રાહુલ ગાંધી અને મનમોહનસીંઘને દર્શાવ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસમાં 
પોતાની ભૂમિકા વધારે એવા એંધાણ મળ્યાના સમાચાર પર આ કાર્ટૂન આધારીત છે. 


૨૦૧૩ની ગાંધી જયંતિ કંઈક વિશિષ્ટ બની રહી હતી. ભ્રષ્ટ સાંસદોની બરતરફી સૂચવતા વટહુકમનો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો. આ વટહુકમ પાછળ રાહુલના પોતાના પક્ષનો મુખ્ય હાથ હતો. મંજુલે રાહુલ ગાંધીનું આ તોફાન અને તેનાથી મૂઢ થઈ ગયેલા મનમોહનસીંઘ બતાવ્યા છે, અને પાછળ ભીંત પર ગાંધીજી તેમજ કનુ ગાંધીવાળી છબિ પણ બતાવી છે. છબિમાં લાકડી લઈને દોરનાર બાળક અને બહાર અચાનક તોફાની બનીને પકડનારના ગળામાં લાકડી ખોસતા બાળકનો દેખીતો વિરોધાભાસ જોઈ શકાય છે. 

કુરીલના આ કાર્ટૂનમાં ત્યારે અને અત્યારેની શૈલીએ રાજકીય સ્થિતિ દર્શાવી છે. એક જમાનો હતો કે કોંગ્રેસ ગાંધીજીને અનુસરતી. એમ કરવામાં ગૌરવનો ભાવ અનુભવાતો. ઉપલા કાર્ટૂનમાં કોંગ્રેસના માથે દૈવી તેજવર્તુળ બતાવાયું છે. બીજા કાર્ટૂનમાં અત્યારની પરિસ્થિતિ છે. હવે કૌભાંડો અને ભ્રષ્ટાચારથી ભરપૂર કોંગ્રેસ રાહુલ ગાંધીને અનુસરે છે. ગાંધીજીની કેડે લટકતી ઘડીયાળ અને રાહુલના ખિસ્સામાં ડોકાતો મોબાઈલ ફોન બદલાયેલો જમાનો સૂચવે છે. અહીં કોંગ્રેસના માથે શેતાની વર્તુળ દેખાડ્યું છે. બન્ને કાર્ટૂનમાં કોંગ્રેસ અને તેને દોરનારના કદની અદલાબદલી ઘણું બધું કહી જાય છે.


નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્યાને હજી માંડ અઢી વર્ષ થયા છે. કુરીલના આ કાર્ટૂનમાં ક્વીટ ઈન્‍ડીયા મુવમેન્‍ટ (હિંદ છોડો ચળવળ) દરમ્યાન ગાંધીજીની પછવાડે દોરતી કોંગ્રેસ બતાવાઈ છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્‍દ્ર મોદીએ ક્લીન ઈન્‍ડીયા મુવમેન્‍ટ (સ્વચ્છ ભારત અભિયાન)ની ઘોષણા કરી. વિરોધ પક્ષ આપના નેતા અરવિંદ કેજરીવાલે આ અભિયાનને ટેકો જાહેર કર્યો. આપનું પોતાનું નિશાન ઝાડુ છે. ગાંધીચીંધ્યા સ્વચ્છતાના માર્ગે વડાપ્રધાન મોદી ચાલી રહ્યા છે. કોણ કોને દોરી રહ્યું છે એ અસ્પષ્ટ છે, પણ ઝાડુનો સળીઓવાળો ભાગ મોદી પાસે છે, તેથી તેમની પાછળ કેજરીવાલ આવતા જણાય છે. પણ કેજરીવાલના ચહેરાના ભાવ જોતાં જણાય છે કે તેમણે ઝાડુના હાથાને ફક્ત આપવા ખાતર ટેકો આપેલો છે. 

આ કાર્ટૂન તાજેતરનું છે. પાંચસો અને હજારની નોટોને ચલણમાં રદ કરવાના પગલાંની પ્રશંસા કરતા આ કાર્ટૂનમાં પણ બન્ને કાળની પરિસ્થિતિઓ બતાવી છે. દાંડી માર્ચ (કૂચ) વખતે દેશ આખો ગાંધીની સાથે હતો. અત્યારે મોદી દંડા માર્ચ કરી રહ્યા છે. તેમના એક હાથમાં સ્વચ્છતા અભિયાનનું ઝાડુ છે, જે કાળા નાણાંનો કચરો સાફ કરવા માટે છે. બીજા હાથમાં કઠોર નિર્ણયરૂપી દંડો છે. પહેલા ચિત્રમાં અંગ્રેજ સૈનિકો ગાંધીના પગલાને વિસ્મયથી નિહાળી રહ્યા છે. બીજા ચિત્રમાં કેજરીવાલ, લાલુપ્રસાદ, મમતા બેનરજી જેવા નેતાઓ ગભરાયેલા કે ચકિત અવસ્થામાં જોઈ શકાય છે. પાછળ ચાલતા બાળકરૂપી દેશનો પહેરવેશ પણ બદલાયેલો સમયગાળો સૂચવે છે.આ કાર્ટૂન પણ કુરીલનું છે. 



એ કેવળ યોગાનુયોગ છે કે અહીં મૂકેલાં કુલ નવ કાર્ટૂનમાંથી ચાર કાર્ટૂનો કુરીલના છે. 
ગાંધીજી ગયા, અને હવે કનુ ગાંધીએ પણ વિદાય લીધી, પણ આ તસવીર યુગો સુધી કાર્ટૂનિસ્ટોને અવનવાં અર્થઘટનો માટે પ્રેરણા આપતી રહેશે.


(Disclaimer: All the cartoons above are either from personal collection or taken from net which are meant not for any commercial purpose. Breach of copyright, if any may please be brought to this blogger’s notice, and it will be removed at the earliest.

Sunday, October 7, 2012

ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (૨ )


(ભાગ માં ગાંધીજી અને કેટલાક કલાકારોના અહિંસક એન્કાઉન્ટર્સ માણ્યા, જેને અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. http://birenkothari.blogspot.in/2012/10/blog-post.html આ વિશેષ પોસ્ટ ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા અને બીરેન કોઠારી દ્વારા સંયુક્તપણે લખાયેલી છે. હવે વાંચો આગળ... )
કલાપ્રેમી ગાંધી
વિખ્યાત બંગાળી ચિત્રકાર નંદલાલ બોઝ/ Nandlal Bose ને 1936માં ગાંધીજીનું કહેણ આવ્યું. લખનૌ કોંગ્રેસના સંમેલન/ Lucknow Congress Session માં તેમણે ચિત્રોનું પ્રદર્શન ગોઠવવાનું હતું. શિષ્ય વિનાયક મસોજીના ચિત્રો જોઈ ગાંધીજીએ છ વર્ષ પહેલાં રાજીપો વ્યક્ત કરી દીધો હતો. ( પહેલા ભાગમાં જાણ્યું.) એટલે ગાંધીજી ભારે ‘કળાપ્રેમી’ એવું નંદલાલ બોઝ માનતા થઈ ગયા હશે, એમ આપણે ધારી લઈએ તો ખોટા ઠરીએ. ગાંધીજીનો કલા અને કલાકારો પ્રત્યેનો અભિગમ કલાજગતમાં જાણીતો હોવો જોઈએ. ગાંધીજી માટે પોતાના  શિષ્ય સિવાયના કળાકારો પાસેથી જાણેલું-સાંભળેલું કદાચ નંદલાલ બોઝ પર વધારે ઘેરી અસર છોડી ગયું હશે, પણ અહીં તેમને થયેલો અનુભવ તેમના જ શબ્દોમાં જોઈએ:
પ્રદર્શનની મુલાકાતે આવેલા ગાંધીજીની સાથે નંદલાલ 
“મેં સાંભળ્યું હતું કે કળાના મામલે (ગાંધીજી) બહુ આગ્રહી હતા, પણ છાપ સંપૂર્ણપણે ખોટી પડી. લખનૌ પ્રદર્શનમાં મુકાયેલું એકેએક ચિત્ર તેમણે કળાત્મક દૃષ્ટિથી જોયું-તપાસ્યું. વખતે બનેલા નાનકડા પ્રસંગથી સૌંદર્ય અને પ્રમાણભાનની તેમની વૃત્તિનો મને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો. પ્રદર્શનખંડમાં સાદગીપૂર્ણ સામગ્રીથી સુશોભન કરેલું હતું.... અમારું કામ જોઇને તેમણે રાજીપો વ્યક્ત કર્યો. ખંડની સજાવટમાં ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ કોઇની ગફલતથી એક ટેબલ નીચે બાલદી રહી ગઇ હતી. અમારા ધ્યાન બહાર ગયું હતું, પણ ગાંધીજી ખંડમાં દાખલ થયા સાથે તેમણે કહ્યું, ‘પેલી બાલદી આખી જગ્યાની સુંદરતામાં ભંગ પાડતી નથી?’ રોજ પ્રદર્શનમાં આવતા હતા અને સારો એવો સમય વીતાવતા હતા.”

નંદલાલ બોઝની ગાંધીવિષયક કૃતિ 

પણ બધા કલાકારો નંદલાલ બોઝ જેવા નસીબદાર નથી હોતા. સમય વીતાવવાની વાત તો બાજુ પર રહી, કામમાં વ્યસ્ત ગાંધીજી કેટલાક  કલાકાર સાથે નજર પણ ન મિલાવે તો? એવા એક શિલ્પકાર એટલે જો ડેવિડસન/Jo Davidson.

ગાંધીનું માથું ગબડ્યું
ડેવિડસનના પરિચયમાં એક સમયે એવું કહેવાતું હતું કે તેમણે જેનું શિલ્પ ન બનાવ્યું હોયતે મોટો માણસ ન કહેવાયઅમેરિકાના ડેવિડસનની કારકિર્દીનો મોટો હિસ્સો ફ્રાન્સમાં વીત્યોપણ પોતાના સમયના મહાનુભાવોને શિલ્પમાં ઢાળવા માટે તે બહાર ફરતા રહેતા હતાગાંધીજી ગોળમેજી પરિષદ (1931)/ Round Table Conference માટે બ્રિટન ગયા ત્યારે એસોસિએટેડ પ્રેસ’/ Associated Press માં કામ કરતા તેમના મિત્ર જિમ મિલ્સે ડેવિડસન વતી ગાંધીજીની પરવાનગી મેળવીડેવિડસન લંડન આવ્યા અને મિલ્સ સાથે ગાંધીજીના ઉતારે નાઇટ્સબ્રિજ/Knightsbridge પહોંચ્યાત્યાર પછીની વાત ડેવિડસનના શબ્દોમાં :
શિલ્પકાર જો ડેવિડસન 
"અમે દાખલ થયા ત્યારે બ્લેન્કેટમાં વીંટળાયેલા ગાંધીજી ભોંય પર ભીંતને અઢેલીને બેઠા હતા. સામે ચરખો પડ્યો હતો. એ જોઇને મારા મનમાં પહેલી છાપ પડી : ‘આ માણસ કેટલો નિરાંતમાં છે.’ તેમના ચહેરામાં કાન અલગ તરી આવતા હતા અને આગળનો દાંત પડેલો હતો. એ હસતા હતા ત્યારે દાંતની જગ્યાએ ખાલી જગ્યા દેખાતી હતી. આ છબી ક્ષણભર જ ટકી. અચાનક ગાંધી મને સુંદર જણાવા લાગ્યા.
શિલ્પ માટે હું ગાંધીની થોડી તસવીરો લઇ ગયો હતો. એ જોઇને ગાંધીજીએ કહ્યું,’હું જોઉં છું કે તમે માટીમાંથી મહાનુભાવો સર્જો છો.’
મેં પણ વળતી રમૂજ કરી, ’હા, અને ક્યારેક એનાથી ઉલટું પણ.’
ગાંધી હસ્યા અને બીજા દિવસે મને સિટિગ આપવા તૈયાર થયા. મારી અસલ યોજના ફક્ત તેમના માથાનું શિલ્પ બનાવવાની હતી, પણ મેં સફેદ વસ્ત્રોમાં ગાંધીજીને ચરખો ચલાવતા જોયા ત્યારે મને થયું કે તેમનું પૂરા કદનું શિલ્પ બનાવવું જોઇએ. એ નીતાંત પવિત્ર પુરૂષ લાગતા હતા.
એ સાંજે હોટેલ પર જઇને મેં પૂરા કદનું શિલ્પ ઊભું કરી શકાય એવું આર્મેચર બનાવ્યું. બીજા દિવસે સવારે હું કામે પહોંચ્યો. શરૂઆતમાં મહાત્મા મારી હાજરીથી અસવસ્થ જણાતા હતા. જ્યારે પણ અમારી આંખો મળે ત્યારે તેમની આંખમાં વ્યથા દેખાતી હતી. પણ એમણે વચન આપ્યું હોવાથી તે કંઇ બોલ્યા નહીં.
લોકોની અવરજવર ચાલુ રહી અને હું કામ કરતો રહ્યો. ગાંધી એવી રીતે વર્તતા હતા, જાણે રૂમમાં – અરે, રૂમમાં તો શું, અમસ્તું પણ મારું અસ્તિત્ત્વ જ ન હોય. તેમણે મારી અવગણના ચાલુ રાખી. શિલ્પ બનાવવામાં બન્ને પક્ષોની સામેલગીરી જરૂરી છે, પણ આ કિસ્સામાં બધું મારે જ કરવાનું હતું, કારણ કે મારા વિષય તરફથી મને કોઇ જ સહકાર મળતો ન હતો.... સાંજ સુધીમાં હું આખું ફીગર ઊભું કરી શક્યો... એને મેં રૂમના ખૂણે ગોઠવ્યું. એ બહુ નાજુક હતું. માટી હજુ લીલી હતી અને આર્મેચર પણ મજબૂત ન હતું. મેં તેને ઉતાવળે અને ઉત્તેજનાપૂર્ણ મનોદશામાં તૈયાર કર્યું હતું.  મેં એને હળવેથી એવી રીતે ઢાંક્યું, જેથી હવા અંદર જઇ શકે અને તે સુકાય તો બીજા દિવસે તેની અવસ્થા સારી બને. તેની પર મેં ‘પ્લીઝ ડુ નોટ ટચ ઓર મૂવ’ ની નિશાની મૂકી અને ભારતીયોને (ગાંધીજીના સાથીદારોને) વિનંતી કરી કે મહેરબાની કરીને તેને અડતા નહીં...
બીજા દિવસે સવારે હું પહોંચ્યો ત્યારે બારણામાં જ ગાંધીજીના પુત્ર દેવદાસ/Devdas Gandhi મળ્યા. તેમણે કહ્યું, ‘તમારા માટે એક ખરાબ સમાચાર છે.’ એ સાંભળીને મારું હૈયું એક ધબકાર ચૂકી ગયું. મને થયું કે દેવદાસ કહેશે કે તેમના પિતાએ (સિટિંગ આપવા અંગેનો) વિચાર બદલી નાખ્યો છે. હું દાદર ચડીને દેવદાસની સાથે ગયો. જોયું તો મારું તૈયાર કરેલું માળખું રૂમની વચ્ચોવચ્ચ હતું અને તેની ઉપરથી માથું ગબડીને ભોંયતળીયે પડ્યું હતું. હું નિરાશ થઇને ઊભો હતો. એવામાં ગાંધી આવ્યા.
ગાંધી ત્યાં ઊભા હતા ત્યારે મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે એ કેટલા ટચૂકડા અને દુબળા હતા.
‘યુ સી. તમારે આ ન કરવું જોઇએ.’ એમણે કહ્યું.
મેં જવાબ  આપ્યો, ‘યુ આર ક્વાઇટ રાઇટ, સર.  હું હવે ફક્ત બસ્ટ કરીશ.’...
ફરી કામ શરૂ થયું... ગાંધીએ મને કહ્યું,’તમે રૂમમાં બહુ જગ્યા રોકો છો. હું કેવળ વામનજી છું ને તમે મને ભીંસી નાખશો. તેમ છતાં, મારું તમારે જે કરવું હોય તે કરો. (ડુ વીથ મી એઝ યુ લાઇક)’.
ગાંધીનો ચહેરો એકદમ ચંચળ હતો, દરેક રેખાતો ધ્રુજતી હતી અને વાત કરતી વખતે સતત તેમનો ચહેરો બદલાતો હતો. મેં કામ કર્યું ત્યાં લગી તેમણે મારી પર પેસિવ રેઝિસ્ટન્સનો પ્રયોગ કર્યો...મારી સામે એક વાર પણ જોયું નહીં. પણ હું કામ વચ્ચે શ્વાસ ખાવા માટે તેમની સાથે બેસતો ત્યારે તે એકદમ સરસ રીતે વાત કરતા. મુલાકાતીઓનો પ્રવાહ સતત ચાલુ હતો... કેટલાક તેમને વિચિત્ર સવાલ પણ પૂછતા. એકે ‘મહાત્મા’નો અર્થ પૂછ્યો, ત્યારે એમણે કહ્યું હતું, ‘નગણ્ય માણસ.’..
**** **** ****
પોતાના 'વિષય'ને ન્યાય આપતા ડેવિડસન 

કામ પૂરું થયા પછી ડેવિડસને એક પત્રમાં લખ્યું હતું, "હું ઘણાને મળ્યો છું અને ઘણાને (શિલ્પમાં) ઢાળ્યા છે, પણ આવા માણસને હું પહેલી વાર મળ્યો. He merely allowed himself to be `done` And in the end it is I who was ‘done’. " [પોતાની જાતને (શિલ્પમાં) ઢાળવાની તેમણે મને ફક્ત પરવાનગી જ આપી હતી (બીજો કોઇ સહકાર નહીં), છતાં અંતે તો હું જ ઢાળિયો થઇ ગયો.] 
આ તસવીર એસોસિએટેડ પ્રેસના એક ફોટોગ્રાફરે, (ડેવિડસનના લખ્યા પ્રમાણે) કેમેરા કરતાં પણ મોટો લેન્સ વાપરીને મકાનની બારીમાંથી લીધી હતી. કારણ કે ગાંધી રૂમમાં ફોટોગ્રાફર કે ફ્લેશલાઇટ માટે પરવાનગી ન આપતા. કલાકારોના  મામલે  ગાંધીજીને બરાબરના ઓળખી ગયેલા ડેવિડસને જણાવ્યું છે, ‘મને ખાતરી છે કે આ ફોટો વિશે ગાંધીને ખબર ન હતી.’  (નહિ તો?)
ખેર, ડેવિડસને તો માત્ર ગાંધીજીનો અસહકાર જ વેઠવાનો આવ્યો. પણ કોઈએ તેમની આકરી અકળામણનોય ભોગ બનવું પડ્યું હોય, એવું કલ્પી શકાયહા, લાઠી કે બંદુકને સામી છાતીએ ઝીલતા ન ડગતા ગાંધીજી કેમેરાના ફ્લેશથી ક્યારેક ગુસ્સે થઈ જતા તો ક્યારેક ભારે અકળાઈ  જતા. 
યે લડકી....
હોમાય વ્યારાવાલા દિલ્હીમાં 
ભારતના પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla નેપોતે દિલ્હીમાં જ રહેતા હોવાના કારણે ગાંધીજીની તસવીર લેવાના પ્રસંગો બનતા રહેતા. ગાંધીજી સાથે તેમનું ખરું એન્‍કાઉન્‍ટર થયું દિલ્હીની ભંગી કોલોનીમાં. અહીં યોજાયેલી પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપસ્થિત રહેવાના હતા. તેમની તસવીરો લેવા માટે હોમાયબેન પહોંચી ગયાં. શિયાળાના દિવસો. સાંજે અંધારું વહેલું થઈ જતું હોવાથી કુદરતી પ્રકાશમાં તસવીરો લેવી શક્ય નહોતી. ફ્લેશગનનો ઉપયોગ ફરજિયાત કરવો પડે એમ હતો. એ સમયની ફ્લેશગન એટલે મીની પાવરહાઉસ જ જોઈ લો. તેના ઝબકારાથી આંખો રીતસરની અંજાઈ જાય. ગાંધીજી પ્રાર્થનાસભામાં પ્રવેશ્યા ને   સાથે   હોમાયબહેને  ઉપરાઉપરી બે ફોટોગ્રાફ લઈ લીધા. ફ્લેશગનના આંજી દેતા ઉપરાઉપરી બે ઝબકારા થયા. 

ફ્લેશનો ઝબકારો થયો અને... 

ગાંધીજી અકળાઈ ગયા અને બોલ્યા, “યે લડકી મુઝે અંધા નહીં બનાયેગી, તબ તક નહીં જાયેગી.” ગાંધીજીનો ગુસ્સો જોઈને તેમની ટેકણલાકડીઓમાંની એક દોડીને હોમાયબહેન પાસે આવી અને સમજાવટના સૂરે કહ્યું, “તમે હમણાં ફોટો ન લેતાં. નહીં તો એ ગુસ્સે થઈ જશે તો કેમેરા પણ તોડી નાંખશે.”
હોમાયબહેને આમ પણ કેમેરા મ્યાન કરી દીધો હતો. પોતાને જોઈતી તસવીરો તેમને મળી ગઈ હતી. એટલે તે નીકળી ગયાં.
ત્યાર પછી થર્ડ જૂન પ્લાન’/Third June Plan તરીકે ઓળખાતી દેશના વિભાજન માટેનો મત લેવા યોજાયેલી મીટિંગના આગલે દિવસે ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ કમિટી/ All India Congress Committee એ આ બાબતે ચર્ચા કરવા માટે મીટીંગ બોલાવેલી. આ એવી મીટીંગ હતી, જેનું પરિણામ ચર્ચા પહેલાં જ નક્કી હતું. આ મીટીંગમાં હોમાયબહેન ઉપરાંત બીજા એક જ ફોટોગ્રાફર પી.એન.શર્મા/ P.N. Sharma હાજર હતા. કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ આચાર્ય કૃપલાણી/ Acharya Kripalani મીટિંગમાં હાજર રહેલા ફોટોગ્રાફર બાબતે નારાજગી વ્યક્ત કરતા હતા. રામમનોહર લોહીયા/ Ram manohar Lohia, જયપ્રકાશ નારાયણ/ Jayaprakash Narayan થી લઈને મૌલાના આઝાદ/ Maulana Azad, ખાન અબ્દુલ ગફારખાન/Khan Abdul Ghaffar Khan અને ગાંધીજી પણ મીટિંગમાં ઉપસ્થિત હતા. ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ડૉ. સુશીલા નાયર/ Dr. Sushila Nayar ની સાથે મીટિંગમાં આવી રહ્યા હતા ત્યારે હોમાયબહેને તેમની તસવીર લીધી હતી.

થર્ડ જૂન પ્લાનની મીટીંગ વખતે આગમન
ગાંધીજીની ડાબે ડૉ. સુશીલા નાયર અને જમણે બાદશાહખાન 

ગાંધીજીની સામે જઈને તેમને નડે એ રીતે તસવીર લેતાં તે અકળાઈ જાય એમ ઘણી વાર બનતું. પણ ચૂપચાપ, પોતાની જગાએ ઉભા રહીને જોઈતી તસવીર લઈ લેતા ફોટોગ્રાફરને ખાસ વાંધો આવતો નહીં.
આમ લેવાઈ એ અમર તસવીર
આવું જ બન્યું હતું ગાંધીજીની અનેક યાદગાર તસવીરો ઝડપનાર સ્વાતંત્ર્યસેનાની ફોટોગ્રાફર જગન મહેતા/ Jagan Mehta સાથે. તેમના જ શબ્દોમાં એ બયાન વાંચીએ:
જગન મહેતા 
‘1947ના માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. ગાંધીજી ત્યારે બિહારના જહાનાબાદ/Jahanabad માં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે ફરતા હતા. તેમનો ઉતારો ડો. સૈયદ મહેમૂદના બંગલે હતો. ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્‍નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.’
        જગનદાદાની આ શ્રેણીની તસવીર એટલે જેના વિના કોઇ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય એવી ‘ટોવર્ડ્ઝ ધ લાઇટ’/Towards the light (પ્રકાશભણી). ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે/Kakasheb Kalelkar લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’
આ તસવીર વિના કોઈ પણ ગાંધી સંગ્રહાલય અધૂરું ગણાય. 
એક વાત છે કે, ગાંધીજીનાં પૂતળાં તેમના જીવતેજીવ બનવા લાગ્યાં હતાં. કદાચ જાહેર સ્થાનોએ મૂકાવાના શરૂ ન થયાં હોય એમ બને. આટલા કલાકારોમાંથી મોટા ભાગનાના અનુભવ પરથી લાગે કે શું ગાંધીજીએ બધા કલાકારોને પણ જાણે  અંગ્રેજો હોય એમ સમજીને 'અસહકાર' કર્યે રાખ્યો? એનો એક શબ્દનો જવાબ ત્વરિત ના હોય અને ઊંડાણપૂર્વકનો જવાબ હોય, જેમાં કલાકારો અને ગાંધીજી બંનેના દૃષ્ટિકોણનો સમાવેશ હોય
૧૯૪૭ની સાલએ સમયે મુંબઈમાં દસ લાખના ખર્ચે તેમનું પૂતળું તૈયાર કરાવીને મૂકવાની હિલચાલ થઈ રહી હતી. આ બાબતે શું માનતા હતા ગાંધીજી પોતે?

મારું પૂતળું?
" મુંબઈમાં મારું પૂતળું કોઈ જાહેર જગ્યામાં દસ લાખ રૂપિયાના ખર્ચે મુકવાની વાત ચાલી રહી છે. તે બાબત મારી ઉપર ઠીક તીખા કાગળ આવ્યા છે. કેટલાક વિનયવાળા છે; કેટલાક એવા રોષવાળા છે કે કેમ જાણે હું મારું પૂતળું બનાવરાવી ખડું કરવાનો ના હોઉં! કાગનો વાઘ તો થયા કરવાનો. મૂળમાં કેટલું તથ્ય છે વિચારવાનું કામ શાણાનું છે.... મારે કહેવું જોઈએ કે મને તો મારો ફોટો લેવાય પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે. બાવલાં પણ બન્યાં છે. છતાં મારા વિચાર ઉપર પ્રમાણે હોઈ મારું પૂતળું પૈસા ખર્ચીને ખડું કરવાની વાત મને ગમે તેવી નથી. અને કાળે જયારે લોકોને ખાવાના સાંસાં છે, પહેરવાનાં કપડાં ના મળે. આપણાં ઘરમાં, ગલીઓમાં ગંદકી હોય, ચાલોમાં માણસ જેમ તેમ ખડકાય, ત્યાં શહેરોના શણગાર શા? એટલે મારું ખરું બાવલું મને ગમતાં કામો કરવામાં હોય. દશ લાખ રૂપિયા ઉપરનાં કામોમાં ખર્ચવાથી લોકોની સેવા થાય ને ખર્ચાયેલા પૈસા ઊગી નીકળે. તેથી મને આશા છે કે મજકૂર પૈસા એથી વધારે લોકસેવાનાં કામોમાં વપરાય. એટલા રૂપિયા નવું અનાજ પેદા કરવામાં વપરાય તો કેટલા ભૂખ્યાનું પેટ ભરાય?”

(સંપૂર્ણ)