Sunday, October 8, 2023

વિજયા દેશમુખનું રૂપેરી પડદે નામકરણ થયું સંધ્યા

 

- વી. શાંતારામ
હોનાજીની ભૂમિકા માટે કોઈએ મને રંગમંચના ગાયક-અભિનેતા પંડિતરાવ નગરકરનું નામ સૂચવ્યું. મેં પંડિતરાવનું ગાયન સાંભળ્યું. એમને બરાબર જોયા- પારખ્યા. તેમનો સ્વર બહુ મધુર હતો. હોનાજીની ભૂમિકામાં તેઓ બરાબર બંધબેસતા હતા.
હવે નાયિકા માટે એક સરસ યુવતીની જરૂર હતી. તલાશ આરંભાઈ. અમારા સ્ટુડિયોના વ્યવસ્થાપક વાસુ દેસાઈના કોઈ મિત્રે એક નાનકડી તસવીર દેખાડી. તસવીર બહુ સ્પષ્ટ નહોતી, છતાં મને એ છોકરીનો નાકનક્શો સારો લાગ્યો. તેની આંખો એકદમ બોલકી જણાતી હતી. મેં તરત એને કહેણ મોકલ્યું.
બીજા દિવસે હું મારી ઑફિસમાં બેસીને 'હોનાજી'ની પટકથા વાંચી રહ્યો હતો કે વાસુ દેસાઈ અંદર આવ્યો. તેની પાછળ સત્તર-અઢાર વરસની, ઠીક ઠીક ઊંચી, સુડોળ દેહલતાવાળી ગોરી યુવતી અંદર આવી. તેણે કપાળે મોટી બિંદી લગાવેલી અને પાલવ માથે મૂકેલો, જે સૂચવતું હતું કે એ કોલ્હાપુરના કોઈ ઉચ્ચ મરાઠા ખાનદાનની યુવતી છે. ચહેરા પર સ્નો-પાઉડર વગેરે કશું નહોતુ, આથી તેનો કુદરતી ગૌર વર્ણ અને ગુલાબી હોઠ બહુ સુંદર જણાતા હતા. આંખો ખાસ્સી મોટી હતી અને નજર એકદમ તીક્ષ્ણ. તેની સાથે તેના પિતાજી પણ આવેલા. મેં તેમને બેસવા જણાવ્યું. છોકરી તો માથું નમાવીને જ બેઠેલી. તેના પિતાજીએ પોતાનું નામ શ્રીધર દેશમુખ હોવાનું જણાવ્યું. એક સમયે તેઓ મરાઠી રંગમંચના શ્રેષ્ઠ ગાયક-અભિનેતા કેશવરાવ ભોસલેની 'લલિત કલાદર્શ' કંપનીમાં અભિનેતા રહી ચૂક્યા હતા.
યુવતીને મેં નામ પૂછતાં તેણે 'વિજયા' કહ્યું. તેની સાથે વાત કરતાં કરતાં મેં તેને સારી રીતે પિછાણી. પછી તેને પોતાનો ચહેરો અલગ અલગ ખૂણે ઘુમાવવાનું જણાવીને એનું નિરીક્ષણ પણ કર્યું. તેનું નાક મોગલકાલીન મહિલાઓના નાક જેવું હતું. તેનો અવાજ પારખવા માટે મેં તેની સાથે વાત કરી. મહારાષ્ટ્રીય હોવા છતાં તે ગુજરાતી સંગીત નાટકોની સુપ્રસિદ્ધ કંપની 'દેશી નાટક સમાજ'માં નાયિકાને ભૂમિકાઓ કરતી હતી. એ નાટકોમાં તે પોતે ગાતી હતી. મેં તેને એકાદ ગુજરાતી ગીત ગાવા માટે કહ્યું. એ શરમાઈ ગઈ અને બોલી, 'મને સંગીતનો ઘણો શોખ છે. પણ મેં શાસ્ત્રી સંગીતનો અભ્યાસ બિલકુલ કર્યો નથી. નાટકમાં કામ કરતી વખતે ઓર્ગન વગેરેની સંગતમાં થોડુંઘણું ગાઈ લઉં એટલું જ, એથી વિશેષ નહીં.' એ પછી મેં તેને ગાવાનો આગ્રહ ન કર્યો.
આ બધી વાતો પછી મેં એમને વિદાય કર્યા. એ જઈ રહી હતી ત્યારે મેં તેના પૃષ્ઠભાગનું પણ નિરીક્ષણ કર્યું. તેની દેહયષ્ટિ કોઈ મંદિરની ઉત્તમ શિલ્પકૃતિમાં કોતરાયેલી નર્તકીની જેમ માપસરની અને સુડોળ જણાઈ. મને આશ્ચર્ય થયું કે આટલી સુંદર અને સુડોળ યુવતીને સિનેમામાં કામ કરવાનો અવસર હજી સુધી કેમ નથી મળ્યો. મેં વાસુને જણાવ્યું કે વિજયાને ત્રણ વર્ષ માટે કરારબદ્ધ કરી લે.
**** **** ****

એ દિવસોમાં વિજયા નામની એક અભિનેત્રી હતી જ. આથી અમારી નવ-અભિનેત્રીનું નામ બદલવું જરૂરી બન્યું. તેને 'સંધ્યા' નામ આપવાનું મેં નક્કી કર્યું. ક્યારેક તો સતત ત્રણ-ત્રણ રાત સુધી તેનાં નાટક રહેતાં. રાત્રે ગમે એટલું જાગી હોવા છતાં તે રોજ સવારે નવ વાગ્યે સ્ટુડિય પર હાજર થઈ જતી. સાંજના છ વાગ્યે પોતાનું કામ સંપન્ન કરીને સીધી ત્યાંથી જ નાટકમાં પોતાની ભૂમિકા માટે થિયેટર પહોંચી જતી. પોતાના કામ પ્રત્યે આવી લગન અને આસ્થા જોઈને મને બહુ નવાઈ લાગતી.



(શાંતારામા, અનુવાદ: મોરેશ્વર તપસ્વી, પ્રથમ આવૃત્તિ 1987, પ્રકાશક: રાજપાલ એન્ડ સન્સ, દિલ્હી)
(નોંધ: સંધ્યાની પહેલવહેલી ફિલ્મ 'અમર ભૂપાલી' હતી, જે મરાઠી હતી.)

No comments:

Post a Comment