Showing posts with label bonsai. Show all posts
Showing posts with label bonsai. Show all posts

Saturday, September 13, 2025

ફરી પાછી 'દાદા'ગીરી શરૂ

એક વડદાદાના વિસર્જનની કથા અહીં વાંચ્યા પછી તેની અપડેટ આપવી જરૂરી બની રહે છે. (અહીં આપણા પત્રકારત્વમાં ફોલો અપ સ્ટોરીઝનો કેટલો અભાવ છે એ લખવાનું ટાળ્યું છે)

રાતનો વરસાદ માણ્યા પછી
પ્રસન્ન મુદ્રામાં વડદાદા
વડના મૂળની આસપાસ લગાવેલી પ્લાસ્ટિકની કોથળીને દૂર કરીને માટી તપાસતાં એમાં શંખ, પથ્થર વગેરે જણાયાં. એ શંખની અંદર કીડી કે કીડાનાં ઈંડાં હતાં. આ ઈંડાંમાંથી કેક યા ઓમલેટ બની શકે એમ ન હોવાથી એ અમારે ખપનાં નહોતાં. (અહીં વકરેલી ઊપભોક્તાવાદી માનસિકતા અને 'યુઝ વિધાઉટ થ્રો'ના વલણ અને એના વિશે મારા વિચારો લખવાનું ટાળું છું) પહેલાં તો નળના પાણીમાં આ આખી માટી ધોઈને સાફ કરવામાં આવી. એને કારણે મૂળ ખુલ્લા થયાં. આ વડના કદને અનુરૂપ કુંડૂં પણ હોવું જોઈએ. અત્યારે એ હાથવગું નહોતું. આથી ફાઈકસ ઊગાડેલા એક કૂંડામાંથી ફાઈકસને બહાર કાઢ્યું. એને માનભેર અન્ય પાત્રમાં રોપ્યું. એ પછી નવી માટી, ખાતર અને થોડી જૂની

માટી વડે એ કૂંડાને ભર્યું. આમ, બેઠક તૈયાર થયા પછી એમાં એ વડનું સ્થાપન કર્યું. પાણી રેડીને માટી બેસાડવાની જરૂર વરતાતી હતી, પણ રસોડામાં તળી રાખેલી પાપડીઓની હવાઈ ગયેલી સ્થિતિ પરથી હવામાં ભેજ કેટલો હશે અને ક્યારે વરસાદ પડશે એનું અનુમાન અમે કર્યું. (અહીં 'ભારતીય જ્ઞાનપ્રણાલિ' એટલે કે 'આઈ.કે.એસ.'ની સચોટતા અને મહાનતા વિશે લખવાનું ટાળ્યું છે) વડને નવેસરથી ગોઠવીને અમે અમારા કામે લાગ્યા. (અમે કેવાં કેવાં કામમાં વ્યસ્ત રહીએ છીએ અને એમ કરીને અમે સમાજ પર કેવો ઊપકાર કરીએ છીએ એની લાંબી યાદી લખવાની ટાળી છે.) હવાઈ ગયેલી પાપડીના આધારે કરાયેલું અનુમાન સચોટ ઠર્યું અને રાતના ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત સુધી ચાલ્યો. (મોડી રાત સુધી જાગીને લખવા-વાંચવાના ફાયદા લખવાનું ટાળ્યું છે.) સવારે જાગીને અમે બહાર જોયું તો વડદાદા એકદમ મસ્ત રીતે કુંડામાં સ્થાપિત થઈ ગયા હતા. આ લખાય છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, અને વડદાદા એને માણી રહ્યા છે. (અહીં જે લખવાનું ટાળ્યું છે એ વાંચનારની કલ્પના પર છોડવામાં આવે છે)

કોથળી હટાવ્યા પછી

મૂળ આસપાસના ભાગની સફાઈ

સફાઈ પછી

હવે આ વડને પાંદદાં ફૂટશે, વડવાઈઓ નીકળશે, ભલું હશે તો એની ડાળે હીંચકો બાંધવામાં આવશે, અને વાંદરાં પણ કૂદાવવામાં આવશે. જેવો વડનો વિકાસ અને જેવો અમારો બોન્
સાઈપ્રેમ!

ચરોતરમાં બહુ તોફાની વ્યક્તિ માટે કહેવાય છે કે, 'એ તો વડનાં વાંદરા પાડે એવો છે.' વધુ પૈસા આવશે તો 'વડના વાંદરા પાડવાનો', 'વડ પરથી પાડેલાં વાંદરા પાછા ગોઠવવાનો', 'વાંદરા પાડવાનું મેનેજ' કરવાનો' વગેરે જેવા કોર્સ ધરાવતી યુનિવર્સિટી પણ ખોલવાનું વિચારણા હેઠળ છે. (અહીં ફરી એક વાર 'ભારતીય જ્ઞાન પ્રણાલિ' અને તેની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિશે લખવાનું ટાળું છું) આમ, કોઈકના દ્વારા વિસર્જિત કરાયેલા વડદાદા હવે માનભેર સ્થાપિત થયા છે. આ વડના રૂબરૂ દર્શનાર્થે આવનારા ભાવિક ભક્તો દ્વારા તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા મૂકાતી ભેટ સ્વીકારાય છે. ભેટ મૂક્યા પછી પહોંચ મેળવી લેવાનો ખાસ આગ્રહ રાખવો એવી વિનંતી.

Saturday, September 6, 2025

દાદાનું વિસર્જન અને પુન:સ્થાપન

અમારા ઘરના બગીચાની દેખરેખ કામિની કરે છે. પૂજામાં બેઠેલી પત્નીના હાથને કેવળ 'હાથ અડકાડવાથી' પત્નીના પુણ્યકાર્યમાં સહભાગી થઈ જવાય છે. એ ન્યાયે મારે પણ એનાં ઉછેરેલા છોડ ધરાવતાં કુંડાને ફક્ત 'હાથ અડકાડવાનો' એટલે કે જરૂર મુજબ ખસેડી આપવાનાં હોય છે. મારા આ પુણ્યકાર્યમાં એ પણ સહભાગી બને છે. ઘેર ઉછેરેલાં ઘણા ઝાડ (બોન્સાઈ) અને અન્ય વનસ્પતિની રસપ્રદ કહાણી હોય છે, પણ અમે કોઈને એ કહીને 'બોર' નથી કરતાં. એમ કરવા માટે મારી લેખનપ્રક્રિયા, કામિનીએ બનાવેલી દાળભાત, રોટલી કે શાક, કાચા શાકના સલાડ જેવી કોઈક વાનગીની રેસિપી જણાવવા જેવા અનેક સરળ ઊપાયો હાથવગા અને પૂરતા છે. પણ બાગાયતને કારણે હવે અમારી નજર બદલાઈ છે. કોઈ તૂટેલા પાત્રમાં કૂંડું નજરે પડે, તો ક્યાંક ઊગી નીકળેલા છોડમાં બોન્સાઈની શક્યતા!

ગઈ કાલે વરસાદી માહોલમાં સવારના અગિયારેક વાગ્યે અમે બન્ને નડીયાદ જવા નીકળ્યા. (હું નડીયાદ શા માટે જાઉં છું અને ગોવર્ધનરામ સ્મૃતિમંદિર કેટલું અદ્‍ભુત સ્થળ છે એ વર્ણન હું ટાળું છું. સ્વાભાવિક છે કે કઈ કાર હું વાપરું છું એ પણ નથી લખ્યું.)
એક રસ્તે અમે કાટખૂણે વળાંક લીધો અને આગળ વધ્યા કે કામિની કહે, 'અરે, ત્યાં એક વડ પડેલો હતો!' કાર ધીમી હતી, પણ અમે સહેજ આગળ નીકળી ગયેલા. (હું કેવું સુંદર ડ્રાઈવિંગ કરું છું એનું વર્ણન ટાળું છું.) મેં પૂછ્યું, 'ક્યાં હતો? કઈ સ્થિતિમાં હતો?' તેણે વિગત જણાવી અને કહ્યું, 'લાગે છે કે કોઈકે એને ફેંકી દીધો હશે.' અમારા બન્નેનું વનસ્પતિપ્રેમી હૃદય દ્રવી ઉઠ્યું. (અહીં મને કયો શેર યાદ આવ્યો એ લખવાનું ટાળું છું) મેં પૂછ્યું, 'આગળથી યુ-ટર્ન લઈ લઉં?' પહેલાં કોઈ પણ બાબતે યુ-ટર્ન લેવામાં અમને સ્વમાન, સ્વાભિમાન, દેશાભિમાન વગેરે નડતાં હતાં, પણ ગૂગલ મેપના ઊપયોગને કારણે હવે યુ-ટર્ન લેવો એવી જ સાહજિક ઘટના બની રહી છે જેમ મોસમ વિભાગની આગાહી ખોટી પડે. પણ કામિનીએ કહ્યું, 'આપણે રાત્રે પાછા આવીએ ત્યારે યાદ રાખીને અહીં ઊભા રહીશું.' આમ તો, રસ્તે ત્યજી દેવાયેલી કોઈ કિંમતી ચીજવસ્તુ આઠ દસ કલાક પડી રહે, કોઈ એને લઈ ન જાય એ અશક્ય છે, પણ અમને આપણા દેશમાં પુન: સ્થપાઈ રહેલી સાંસ્કૃતિક ગર્વની ભાવના તેમજ સ્વચ્છતા અભિયાનની સાર્થકતા પર વિશ્વાસ, બલ્કે અંધ વિશ્વાસ હતો કે એ વડ સાંજ સુધી એમનો એમ જ પડ્યો રહેશે.
વિસર્જિત થયેલા વડદાદા
નડિયાદ પહોંચીને અમે એક જ ઉદગમસ્થાનેથી નીકળેલી બે નદીઓ પોતપોતાની રાહે ફંટાય એમ પોતપોતાનાં સ્થાને અને કામે વળી ગયાં. સાંજ પડ્યે વળી પાછા, એ બે નદીઓનો સંગમ રચાય એમ અમે ભેગાં થયાં અને વડોદરા તરફની વળતી મુસાફરી આરંભી. (આપ સમજી શકશો કે અહીં મેં શું શું લખવું ટાળ્યું છે) ઝરમર વરસાદ આખે રસ્તે હતો. (પણ એકે વરસાદી ગીત યાદ નહોતું આવ્યું.) આખરે અમે વડોદરામાં પ્રવેશ્યાં. અમને યાદ હતું કે અમારે પેલા વડ પાસે જવાનું હતું. રાતના આઠેક વાગ્યા હોવાથી ઠીક ઠીક અંધારું હતું, પણ એ વડ મળી ગયો. સવારે અમે એ વડના ત્યાં જ રહેવા બાબતે આપણી સંસ્કૃતિમાં વ્યક્ત કરેલી શ્રદ્ધા અને વિશ્વાસ સાચાં પડ્યાં એ બાબતે ગર્વ અનુભવ્યો. વડોદરામાં સતત વરસાદ પડી ગયેલો, પણ એ સમયે અટકેલો. આથી કીચડ ખૂબ થઈ ગયેલો. રોડને કિનારે કાર ઊભી રાખીને કામિની સીધી એ વડ પાસે પહોંચી ગઈ. દરમિયાન મેં નીચે ઊતરીને ડીકી ખોલી દીધી. એ વડને ડીકીમાં મૂકીને અમે ઘેર લઈ આવ્યાં અને ઘેર આવ્યા પછી એને બહાર ખુલ્લામાં મૂક્યો. આખી રાતના ઝરમર વરસાદમાં તેણે સ્નાન કર્યું. સવારે એ વડનાં દર્શન કર્યાં અને દિલ ખુશ થઈ ગયું. કોઈકે એ વડ ઉછેરેલો હોવાનું સ્પષ્ટપણે જણાતું હતું. એની પર વીંટાળેલા ધાગા જોઈને એ પણ ખ્યાલ આવતો હતો કે વટસાવિત્રી નિમિત્તે પણ કોઈકે એની પૂજા કરી હશે. પણ એ પછી એને કેમ આમ ફેંકી દીધો હશે? કામ પતી ગયું હશે એટલે? કે પછી કોઈક વાસ્તુશાસ્ત્રી કે કર્મકાંડીએ કહ્યું હશે એટલે? અમને યાદ આવ્યું કે થોડા સમય અગાઉ અમારા એક પરિચીત અમારી પાસેથી માગીને પીપળાનું બોન્સાઈ લઈ ગયેલા. (આ વાંચીને પ્રેરાવું નહીં. કેમ? એ જાણવા આગળ વાંચો) થોડા સમયમાં જ તેઓ અમને એ રંગેચંગે પાછું આપી ગયા. કહે, 'અમને તો ખબર નહીં, પણ દાદાએ કહ્યું કે આના મૂળમાં એક્સ દેવતાનો વાસ છે, પાંદડામાં વાય દેવતાનો વાસ છે, ફળમાં ઝેડ દેવતાનો વાસ છે. એટલે એને ઘરમાં ન રખાય.' આટલે સુધી તો બરાબર હતું. અમને આ માહિતી જાણીને નહીં, પણ પીપળો પાછો આવ્યો જાણીને (પીપલીયા વસ્તાવૈયા) બહુ આનંદ થયો.
વટસાવિત્રી વખતે કરાયેલી પૂજા?
એ પછી તેમણે કહ્યું, 'દાદાએ કહેવડાવ્યું છે કે તમેય તમારા ઘરમાંથી બધા પીપળા કાઢી નાખજો.' મારા મોંએ દલીલ આવી ગઈ કે પીપળામાં આટલા બધા દેવતાનો વાસ હોય તો એને કાઢી નખાય કે રખાય? પણ ભક્ત આગળ, આઈ મીન શ્રદ્ધાળુઓ આગળ દલીલ કરવી નહીં, એટલે કે આપણે જે કરતા હોઈએ એ દલીલ વિના જ કર્યે જવું એવી જે શીખ છેલ્લા બે દાયકાથી મનમાં પાળી છે એનું અમે પાલન કર્યું.
આમ, કોઈકે જેનું વિસર્જન કરી દીધેલું એવા 'વડદાદા'ને અમે અમારા ઘેર લઈ આવ્યા છીએ, અને હવે યોગ્ય 'પાત્ર'માં એમનું પુન:સ્થાપન કરવામાં આવશે. એ વખતે ફરી એક વાર એ વિધિની જાણ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓએ પોતપોતાને ભાવતો પ્રસાદ કલ્પીને પોતાને ઘેર જ બેસીને ખાઈ લેવો.
ઈતિશ્રી પ્રથમ અધ્યાય ઓફ દાદાપુરાણ સમાપ્ત!

Sunday, February 23, 2025

ગાર્ડન ઑફ એડેનિયમ

આદમ અને ઈવનું સર્જન કરીને તેમને ગાર્ડન ઑફ ઈડનમાં મૂકેલા એવી વાયકા છે. જો કે, એ અગાઉ 'ઈડન ગાર્ડન'નો એક જ અર્થ મારે મન હતો, અને એ હતો કલકત્તાનું ક્રિકેટ સ્ટેડિયમ. રેડિયો કમેન્ટેટર સુશીલ દોશીના શબ્દો હજી કાનમાં ગૂંજે છે, 'અસ્સી હજાર દર્શકોં સે ખચાખચ ભરા હુઆ કલકત્તા કા ઈડન ગાર્ડન સ્ટેડિયમ.'

ખેર! પછી તો ક્રિકેટ છૂટી- રમવાની નહીંં, સાંભળવા-જોવાની. પછીના વરસોમાં બાગબાની પકડાઈ. એ સાવ છૂટી તો નથી, પણ સક્રિયતા ઘટી, અને એનો મુખ્ય હવાલો કામિનીએ જ સંભાળ્યો. પહેલાં ભોંયતળિયે છોડ રોપ્યા. પણ કોવિડના સમયગાળામાં રોજેરોજ ધાબે ચાલવા જતા. એટલે પછી ધીમે ધીમે ધાબે એને વિકસાવ્યો. એમાં મુખ્યત્વે એડેનિયમના રોપા. એડેનિયમને 'સીંગાપુરી ચંપો', 'ડેઝર્ટ રોઝ' વગેરે નામે ઓળખવામાં આવે છે. એના દેખાવની વિશેષતા એ કે એનું પ્રકાંડ ખૂબ જાડું વિકસી શકે, અને ડાળીઓ ઓછી. ફૂલ બેસે ત્યારે સરસ લાગે, અને એ વિના પણ. એને પાણી અને તાપ બન્ને જોઈએ, પણ વધુ પડતા પાણીથી એ 'વીરગતિ કો પ્રાપ્ત' યાનિ કિ 'ટેં' થઈ શકે. શરૂઆતમાં અધીરાઈથી પાણી પાતાં અમુક એડેનિયમ વીરગતિને પ્રાપ્ત થયેલા પણ ખરા. નર્સરીમાંથી ખરીદીએ તો એ અન્યોની સરખામણીએ મોંઘાં જણાય. પ્રકાંડની જાડાઈ અનુસાર એની કિંમત હોય એમ અમને લાગે છે.

ફૂલોથી શોભતાં એડેનિયમ

એડેનિયમ પર બેઠેલી શિંગ

ગાર્ડન ઑફ એડેનિયમનો એક નાનકડો હિસ્સો

ભોંયતળિયેથી તમામ એડેનિયમને ધાબે લાવ્યાં એટલે એમને ભરપૂર તાપ મળતો થયો. એ ફાલવા લાગ્યાં. એમને ફળ (શિંગ) અને ફૂલો બેસવા લાગ્યાં. શિંગમાંથી નીકળતાં બીજમાંથી કામિની રોપા (ધરુ) ઉછેરવા લાગી. સહેજ મોટા થયેલા ધરુને પછી અલગ કૂંડામાં રોપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વસ્તાર વધવા લાગ્યો.

બે-ત્રણ મહિના પહેલાં કુતૂહલવશ મેં ધાબે રહેલા એડેનિયમની ગણતરી કરી તો નેવું જેટલા ગણી શકેલો- ભૂલચૂક લેવીદેવી. સામાન્ય રીતે અમારે ત્યાં કોઈ આવે તો સ્વાભાવિકપણે જ એની નજર નીચે મૂકાયેલાં કુંડા પર જાય. ધાબે મૂકેલાં કુંડા સુધી જવાનું ન બને. પણ બાગાયતના ખરેખરા પ્રેમી હોય તો અમે ઘણી વાર ધાબે જવાની ઑફર મૂકીએ ખરા. આપણા ઘણા ગુજરાતીઓનો બાગાયત માટેનો લગાવ જોઈને આપણું દિલ ક્યારેક 'બાગ બાગ' થઈ જાય. એ શી રીતે? તેમના અમુક મુખ્ય સવાલ હોય, જેના જવાબની એમને અપેક્ષા ન હોય. તદ્દન નિષ્કામભાવે તેઓ કામિનીને પૂછે, 'આમાં તારો કેટલો બધો સમય જાય?' હું વ્યાવસાયિક અનુવાદક પણ ખરો, એટલે આ સવાલનો અનુવાદ મનમાં કરું, 'આ તો બધું નવરા લોકોનું કામ.' અમુક પૂછે, 'આટલા બધા કૂંડાને પાણી પાતાં કેટલી વાર લાગે?' અનુવાદ આગળ મુજબ. કોક વળી અર્ધજાણકાર હોય, થેન્ક્સ ટુ રીલ્સ, એટલે એ કહે, 'આ છોડ તો બહુ મોંઘા આવે છે. નર્સરીમાં એનો ભાવ ખબર છે? દોઢસો-બસોનો એક નાનો છોડ આવે.' અનુવાદ: 'તમે, મારા બેટાઓ ! લાખોનું 'રોકાણ' કરીને બેઠા છો ને અમને કહેતાય નથી?' અમુક આત્મીયજનો હકભાવે જણાવે, 'અમારા માટે એક છોડ તૈયાર કરજો.' એમના માટે કામિની તૈયાર કરે, પણ એના માટે મુદત માગીને.

વચ્ચે ઈશાને અને મેં વિચાર્યું કે આપણે આ એડેનિયમનું વેચાણ ચાલુ કરીએ. ઈશાને સ્થાનિક ડિલીવરી સેવા આપતી એજન્‍સીઓની પણ તપાસ કરી. મેં નિષ્ણાતની અદાથી 'કોસ્ટિંગ'ની ગણતરી માંડી. મને નજીકથી ઓળખનારા સમજી ગયા હશે કે આનું પરિણામ શું આવે! પણ એવું કશું ન થયું, કેમ કે, પોતે ઉછેરેલા એડેનિયમને વેચવાનો કામિનીનો જીવ ન ચાલ્યો. એણે, જો કે, 'મને ટાઈમ નથી', 'ડિલીવરી આપવા જતાં ડાળીઓ તૂટી જાય તો?' વગેરે જેવાં બહાનાં આગળ ધર્યાં. એટલે પછી અમારું એ બિઝનેસ મોડેલ ફન્ક્શનલ ન બની શક્યું. નહીંતર મેં તો ભવ્ય યોજનાઓ બનાવી રાખેલી કે એક વાર આ એડેનિયમનો બિઝનેસ બરાબર ચાલવા લાગે તો ધીમે ધીમે હું વ્યાવસાયિક ચરિત્રલેખનને સંપૂર્ણપણે 'માટીમાં મેળવી' દઉં અને એમાંથી રોટલા કાઢું.

પણ ધાર્યું 'ધણિયાણી'નું થાય!

Wednesday, February 19, 2025

જામનગરના જાંબુ લાયા ફાલ...સા

દર ઊનાળાની બપોરે અમારા મહેમદાવાદમાં આ બૂમ સંભળાય. એમાં પછી ઉમેરાય, 'મીઠા ને મેવા લાયા ફાલ...સા'. 'ફાલ..' પછીનો 'સા' સાઈલન્ટ રહેતો. ચશ્મા પહેરેલા એક કાકા માથે ટોપલો મૂકીને નીકળતા અને આવી બૂમ પાડતા. ટોપલામાં ફાલસા હોય અને નાનકડું ત્રાજવું. અમે એમની બૂમની રાહ જોતા હોઈએ. મમ્મી એમને ઊભા રહેવાનું કહે. તેઓ અમારે ઓટલે ટોપલો મૂકે અને બેસે. લોટામાં એમને પાણી પણ ધરીએ. તેઓ પાણી પીવે અને પછી એક કે બે રૂપિયાના ફાલસા તેઓ જોખે. એમ લાગતું કે ફાલસા ત્યારે પણ મોંઘા હતા. હજી ઊનાળામાં મહેમદાવાદ જવાનું થાય ત્યારે ત્યાં ફાલસા લેવાના જ. હવે જો કે, એ લારીમાં મળે છે. ગળ્યા અને ખાટા ફાલસા ખાતાં એમાંના બીયાને ચાવતાં જે અવાજ આવે એને મજા જ જુદી. હવે જો કે, ફાલસાનું શરબત પીવાનું વધુ બને છે, છતાં ફાલસા એ ફાલસા.

વચ્ચે કોઈક લારીવાળાને કહેતા સાંભળેલા કે 'હવે ફાલસાનાં ઝાડ જ ઓછા થઈ ગયા છે.' જો કે, કદી એવો વિચાર નહીં આવેલો કે ફાલસાનાં ઝાડ ક્યાં હોય? કોણ એ ઉછેરે? અને એ કેવું દેખાય?

ગયા વરસે દમણ જવાનું થયું ત્યારે ઉદવાડામાં આવેલી એક નર્સરીની મુલાકાત લીધી. વાહન કરીને ગયેલા હોવાથી સૌએ વિવિધ રોપા ખરીદ્યા. કામિનીએ એમાં ફાલસાનો રોપો પણ ખરીદેલો. ઘેર આવીને અમારા ધાબે તેણે એ રોપાને એક ડ્રમમાં રોપ્યો. બીજા પણ રોપ્યા.

આ સાત-આઠ મહિનામાં ફાલસાના એ રોપા પર પહેલી વાર ફૂલ બેઠાં છે. એની પર ફાલસા આવે ત્યારની વાત ત્યારે, અત્યારે તો રોજેરોજ આ ફૂલ જોઈને અમે હરખાઈએ છીએ.

સૌથી પહેલું ફાલસાનું ફળ બેસશે ત્યારે એની ઊજવણી બાબતે વિચારીશું.

ફાલસાને બેઠેલાં ફૂલ


મબલખ પાક ઊતરવાની એંધાણી

ફાલસાનો છોડ

Tuesday, May 31, 2022

વેસ્ટમાંથી બેસ્ટ નહીં, વધુ વેસ્ટ

અમુક મોસમમાં, ખાસ કરીને ચોમાસામાં બોન્સાઈનાં વડ, ફાયકસ જેવી અમુક પ્રજાતિનાં વૃક્ષોને અસંખ્ય વડવાઈઓ ફૂટતી હોય છે, પણ આમાંથી ભાગ્યે જ કોઈ વડવાઈ લાંબી થઈને કૂંડાની માટી સુધી પહોંચી શકે છે. ફૂટતી વડવાઈઓ જોઈને જે આનંદ થયો હોય એ બધો સૂકાયેલી વડવાઈઓ જોઈને ઓસરી જતો. આનો કોઈક રસ્તો અમે વિચારતા હતા.

ઘરમાં શેમ્પૂની અને એવી ઘણી ચપટી બોટલો ખાલી થતી હોય છે. આ બોટલનું તળીયું અને ટોચ કાપીને એને સપાટ કરી દઈએ અને પડખે કાપો મૂકી દઈએ એ તો એ ભાગ ખુલ્લો થઈ જાય, છતાં એના આકાર મુજબ બીડાયેલો રહે. અમે આવી કાપેલી બોટલને ખોલીને એને થડની આસપાસ ગોઠવી દીધી, અને પછી તેની પર બહારથી તાર વીંટાળીને એને બરાબર બીડી દીધી. આથી થડની આસપાસ બોટલ ગોઠવાઈ ગઈ અને વચ્ચે ઘણી જગા ઉભી થઈ. આ જગામાં, એટલે કે બોટલની અંદરના ભાગમાં છેક ઉપર સુધી માટી ભરી.


આને કારણે નવી ફૂટેલી જે વડવાઈઓ સહેજ લાંબી થતી હતી, તેને માટીનો આધાર મળ્યો અને તે વિકસવા લાગી. તે છેક તળીયા સુધી પહોંચી શકી અને પછી જાડી પણ થવા લાગી.


એ જ રીતે થડની ચારે બાજુ વીંટાળી શકાય અને ભીનું ન થાય એવી અન્ય ચીજો પણ નજરે પડવા લાગી, જેનો ઉપયોગ અહીં જોઈ શકાય છે.


(આ પોસ્ટ વાંચવામાં કોઈ બાધ નથી અને બોન્સાઈપ્રેમી ન હોય એ લોકો પણ વાંચી શકે છે, તે જાણ સારું.)

Friday, May 6, 2022

દૂર તક નિગાહોં મૈં હૈ ફૂલ ગિરે હુએ......


'મહેમાનો આપણી સંસ્કૃતિમાં દેવસ્વરૂપ ગણાયા છે. તેમનું સ્વાગત આપણી પરંપરા છે. હવે આપણે મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરીશું.'
(તાળીઓ)
(દરમિયાન મંચ પાછળ)
"પણ પપ્પા, મને કેમની ખબર પડશે કે કયા ગેસ્ટ કોણ છે? ભૂલથી બુકે કોઈ બીજાને અપાઈ ગયો તો?"
"બેટા, ડોન્ટ વરી. જેવો કોમ્પીયર ગેસ્ટનું નામ બોલશે કે ગેસ્ટઅંકલ ખુરશીમાંથી અડધા ઊભા થઈ જશે. બસ, તારે જઈને એમના હાથમાં પધરાવી દેવાનો. અને માન કે, કોઈક બીજાને અપાઈ ગયો તો એ બીજા અંકલ જે તે ગેસ્ટને આપી દેજે. પણ બેટા, જલ્દી પતાવજે, હોં!"
(મંચ પર)
ચાંદની ચાંદ સે હોતી હૈ, સિતારોં સે નહીં,
વિમોચન ભી એક સે હોતા હૈ, હજારોં સે નહીં....
તો સૌથી પહેલાં શ્રી ભીંડાસાહેબનું સ્વાગત કરશે દૂધીકુમારી.
(તાળીઓ)
**** **** ****
આવા સંવાદો મંચ પરથી, મંચ પાછળથી અને મંચની સામેથી અનેક લોકોએ ભજવ્યા હશે કે તેમની સામે ભજવાયા હશે. બિચારા મહેમાનોને એક હદથી વધુ દોષ આપી શકાય એમ નથી, એ જ રીતે યજમાનને પણ નહીં. મહેમાને જે ઘડીએ કાર્યક્રમમાં હાજર રહેવાની મંજૂરી આપી દીધી, એ ઘડીથી જ તે આયોજકોને હવાલે થઈ ગયા ગણાય. તે એ બાબતે નચિંત બની જાય છે કે 'ન જાણ્યું જાનકીનાથે, મંચ પર શું થવાનું છે'. આયોજક અથવા તો યજમાનને 'કશુંક નવું' કરવાનો ઉત્સાહ હોય છે, આથી તે ગુલાબને બદલે રાતરાણીનાં ફૂલનો બુકે બનાવડાવે છે. કોક વધુ ઉત્સાહી 'બુકે નહીં, પણ બુક'નો પોપટમંત્ર રટીને ક્યાંય ન વંચાયાં કે વેચાયાં હોય એવાં પુસ્તકો પધરાવે છે.
અમુક મહેમાન ક્યારેક સામે ચાલીને વિનંતી કરે છે કે મારે કશું નથી જોઈતું, મને ખાદીનો હાથરૂમાલ આપો તો વધુ સારું. પણ યજમાનને તો એવી વસ્તુ આપવી છે કે જે એના બજેટમાં બેસે, અને ઉપસ્થિત મેદનીની નજરે પણ પડે. સરવાળે થાય છે એવું કે મોટા ભાગે બુકે યા બુકના બંડલ વડે મહેમાનોને નવાજવામાં આવે છે. બુકનું બંડલ હોય તો મહેમાન શરમેધરમેય પોતાના ઘર સુધી એને ઊંચકી લાવે છે. પણ બુકે?
મોટા ભાગે તો કાર્યક્રમ પત્યે તેને પોતાની બેઠક પર જ તે છોડી આવે છે, કેમ કે, કાર્યક્રમ પત્યે યજમાનને સત્તર વહીવટ હોય છે એટલે તે કંઈ સામે ઊભા રહેતા નથી. ક્યારેક કોઈક આગ્રહી યજમાન એવું પણ કરે છે કે મહેમાન ભોજન પતાવીને નીકળે એટલે ક્યાંકથી પેલા બુકે હાજર કરી દે છે અને મહેમાનને પરાણે હાથમાં થમાવે છે. મહેમાન મનમાં શું બોલતા હશે એ તો ખબર નથી, પણ મોં હસતું રાખીને તે ગાડીની પાછલી સીટ પર મૂકાવે છે. આ બુકે ડ્રાઈવર પોતાને ઘેર લઈ જઈને શું કરે? મહેમાનના ઘરમાં પણ એનો શો ખપ? આથી તે ચાલુ ગાડીએ બારીમાંથી જ બુકેને બહાર પધરાવી દે છે.
**** **** ****

ચારેક વરસ પહેલાં, એપ્રિલ, 2018ની એક સાંજે અમે ચાલવા નીકળ્યા હતા અને રસ્તાની કોરે ત્રણ-ચાર તાજા બુકે ફેંકાયેલા જોયા. પહેલાં તો એ જોઈને હાયકારો નીકળી ગયો અને મહેમાનો કેવા ક્રૂર હોય છે એ વિચાર આવ્યો. પછી વિચારતાં થયું કે ના, ક્રૂર તો યજમાનો હોય છે. પછી થયું કે ના, વાંક તો ફૂલોનો જ ગણાય. જે હોય તે, આનું કરવું શું? એ ચર્ચામાં અમે આગળ ચાલ્યા. 
                                              


આગળના અંતિમ બિંદુએથી અમારે પાછા ફરવાનું હતું. ત્યાં સુધીમાં અમે નક્કી કરી લીધું કે બુકે બાબતે કંઈ થઈ શકે એમ નથી. પણ તેની નીચેનું, જેમાં તે 'ખોસાયેલા' છે એ પાત્ર આપણે લઈ લેવું જોઈએ. બુકે ત્યાં જ પડેલા હશે એ બાબતે અમને ખાત્રી હતી. પાછા વળ્યા, અને એ બુકેમાંથી અમે ફૂલો અને પાત્રને અલગ કર્યાં. સફેદ માટીનાં રૂપકડાં પાત્રોમાં શું રોપવું એ મનમાં ગોઠવાતું હતું. એ ત્રણે પાત્રો હાથમાં લઈને ચાલવાનો કાર્યક્રમ પૂરો કર્યો. ઘેર આવીને તેમાં તળિયે કાણાં પાડ્યાં. આખરે વરસાદી મોસમમાં તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી.


**** **** ****

તમે યા તમારા કોઈ પરિચીત યજમાન હો યા બનવાના હો અને મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવાના હો તો વિચારજો. મહેમાનને ઊપયોગી થઈ પડે એવી કોઈ ચીજ આપવાનું વિચારજો. ઓછા ખર્ચે કદમાં મોટી જણાતી ચીજની અસલિયત સહુ જાણતા જ હોય છે. ગમે એવી ઘડીયાળ, નકામો ગિફ્ટ આર્ટિકલ યા શાલ પધરાવો એને બદલે હાથરૂમાલ આપશો તો એ કમ સે કમ પરસેવો લૂછવાના કામમાં તો આવશે જ. (મંચ પર આમેય પરસેવો થતો જ હોય છે.)
તમે મહેમાન હો તો તમારો જે સિધ્ધાંત હોય એ, પણ યજમાનની ભાવનાની વધુ નહીં તો થોડી કદર કરજો. બુકે કમ સે કમ તમારા ઘર સુધી પહોંચે એટલો વહેવાર જાળવજો. બુકે સાથે તમે કારમાંથી બહાર નીકળશો તો તમારા પાડોશીને પણ થશે કે એ ધારે છે એટલા નકામા માણસ તમે નથી.
તમે રસ્તે ચાલનારા હો તો યજમાનો અને મહેમાનોની દયા ખાવ કે ન ખાવ, રસ્તે ફેંકાયેલાં ફૂલોની, તેના કન્‍ટેનરની દયા ખાજો, અને બધી શરમ મૂકીને એ પાત્રને ઊપયોગમાં લઈ શકાય એ માટે ઘેર લેતા આવજો. બને કે તમને અમારો વિચાર આવે અને થાય કે અમારા માટે લઈ લઈએ અથવા અમને બોલાવી લઈએ. પણ એમ ન કરશો. તમારા હૈયામાં પ્રેમળ જ્યોતિ પ્રગટે એ જરૂરી છે.

Sunday, April 24, 2022

એડેનિયમને ઉછેરતાં

 'ફાંટાબાજ' એટલે 'ભગવદ્‍ગોમંડળ'ના અર્થ મુજબ મનમોજી, મનસ્વી, તરંગી. જો કે, છાપાના ઘરેડ વાચકોને 'ફાંટાબાજ' શબ્દની પછવાડે જ 'કુદરત' શબ્દ સંભળાઈ ગયો હશે. ઘણાને તો મોટા માથાવાળું બાળક, ઓમનો આકારવાળું રીંગણું કે ગણેશજી જેવું દેખાતું પપૈયું સુદ્ધાં દેખાઈ ગયું હશે. એ હદે આપણાં અખબારોએ આ શબ્દયુગ્મને પ્રચલિત કરી દીધું છે. અલબત્ત, કુદરત ફાંટાબાજ છે એમાં ના નહીં. તેની કેટલીય રચનાઓ વિશે જેટલું પણ જાણવા મળે ત્યારે આશ્ચર્ય થયા વિના રહે નહીં.

સર્જનનો જ દાખલો લઈએ. સર્જનને સુનિશ્ચિત કરવા માટે કુદરતે પ્રજનન જેવી વ્યવસ્થાનું આયોજન વિચાર્યું. મનુષ્ય કે પશુપક્ષીઓમાં તો ખરું, પણ 'સજીવ' ગણાતી વનસ્પતિમાંય તેની જોગવાઈ કરી. ફૂલછોડમાં બીજ સર્જન માટેનો મુખ્ય એકમ કહી શકાય. (ઘણા સેમિનારમાં 'બીજરૂપ' વક્તવ્ય ત્રાસ અને કંટાળાનું સર્જન કરે છે, જેને માટે કુદરત જવાબદાર નથી.) બીજમાં પણ નર અને માદાનો સંયોગ જરૂરી. બીજના કેવા અને કેટકેટલા પ્રકાર! કવચ ધરાવતા કઠણ ઠળિયા, (વડના) ટેટા પ્રકારના નરમ બીજ, શિંગના કવચમાં હારબંધ ઢંકાયેલાં નરમ બીજ. બલ્બ જેવી રચના અને બીજી અનેક! આમાંના મોટા ભાગના બીજ જ્યાં પડે ત્યાંં જ ઊગી નીકળે યા પંખીઓ તેને ખાય અને ચરક મારફતે તે જ્યાં ત્યાં પડે અને અનુકૂળતા મળતાં ઊગે.
એડેનિયમનાં બી 
તેની સરખામણીએ આ તસવીરમાંના બીજ કેવાં છે! એક તો તેનો રંગ એવો કે જમીન પર પડ્યાં હોય તો ભાગ્યે જ નજરે પડે. હલકાં એવાં કે સ્થિત રહી જ ન શકે અને સહેજ જ હવા મળતાં ક્યાંના ક્યાં ઉડવા માંડે. આ બીજ એડેનિયમનાં છે. 
અસલમાં રણપ્રદેશનો આ છોડ કે વૃક્ષ આપણા દેશમાં સીંગાપુરી ચંપા તરીકે ઓળખાય છે. કદાચ પ્રદેશ મુજબ તેનાં અન્ય નામ પણ હશે. શોખીનોને ખ્યાલ હશે કે નર્સરીમાં તેના રોપાની કિંમત કેટલી હોય છે. આ છોડનાં બે મુખ્ય આકર્ષણ કહી શકાય. એક તો તેની પર બેસતાં મોસમી ફૂલ, જે છોડના પ્રકાર મુજબ લાલ, ગુલાબી કે અન્ય રંગનાં હોઈ શકે. અને બીજું તેના પ્રકાંડની ગાંઠ. ઘણા ઉસ્તાદ કલાકારો આ છોડનો ઉછેર એ રીતે કરે કે તેની ગાંઠ એકદમ મોટી થાય. નર્સરીમાંથી ખરીદવા જતાં આ છોડની કિંમત તેની ગાંઠ મુજબ પણ હોય છે. ગાંઠ જેટલી તગડી એમ કિંમત વધુ. 
આ કારણે ઘરમાં આવા છોડ ઉછેર્યા હોય તો સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો પણ છોડના દેખાવ કે માવજતની પ્રશંસા કરવાને બદલે તેને કિંમતની રીતે જ જુએ. 'ઓહોહો! આ તો બહુ મોંઘા હોય છે હોં!' આવું સાંભળીને આપણાથી બીજું તો શું થઈ શકે! બીજો એક વર્ગ જરા સ્માર્ટ લોકોનો હોય છે. તેઓ સિફતથી વિગતો પૂછી લે અને છેલ્લે કહે, 'તમારો શોખ બહુ સારો છે. મનેય બહુ શોખ છે, પણ શું કરું? સમય જ નથી મળતો.' આવા 'વ્યસ્ત' લોકો માટે પણ આપણે કશું ન કરી શકીએ. યૂ ટ્યુબ પર ફૂલછોડને લગતી વિવિધ વિડીયો ક્લીપ્સ જોઈને, કે ફેસબુક પર ચાલતાં ફૂલછોડનાં વિવિધ ગૃપમાં જોડાઈને પોતાનો બાગકામનો શોખ સંતોષતો વર્ગ પણ ઓછો નથી.
એડેનિયમનાં બી નજીકથી 
હોય! આનંદ લેવાની સૌની આગવી રીતરસમ હોય છે.
પાછા સર્જનની વાત પર આવીએ તો, નીચેની તસવીરમાં આ બીજ પર માટી પાથરવામાં આવી છે. માનવદેહ પર માટી પાથરવામાં આવે ત્યારે તેને દફન કર્યો કહેવાય છે. એ જીવનનો અંત હોય છે. બીજ પર માટી પાથરવાને 'રોપવું' કે 'વાવવું' કહેવાય છે. એ જીવનનો આરંભ હોય છે. થોડા દિવસમાં આ બીજમાં ફૂટ થશે અને નાના રોપા નીકળી આવશે. 

બીજ પર પાથરેલી માટી 
****
વનસ્પતિ અને માનવજાતમાં ઘણું સામ્ય છે, એમ લાગ્યા વિના રહે નહીં.
માત્ર બીજને રોપી દેવાથી તે છોડ બની જાય એવું કદી બનતું નથી. નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, સાત-આઠ દિવસ પહેલાં રોપેલા બીજમાંથી ધીમે ધીમે ફૂટ થવા લાગી છે અને માટીમાંથી તે 'માથું કાઢી રહ્યા છે'.

બીજમાં થઈ રહેલી ફૂટ 
પણ શું ફૂટ થાય એટલે વાત પૂરી? ના. ફૂટ થયા પછી તે સહેજ મોટા થવા લાગે ત્યારે તેની પ્રતિકારક શક્તિ અનુસાર તે ટકે છે કે નાશ પામે છે. (આવી ધારણા છે.) નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, બીજમાંથી ફૂટ થયા પછી સહેજ મોટા થયેલા છોડમાંના ઘણા (રાગ દરબારીની જબાનમાં કહીએ તો) 'વીરગતિ કો પ્રાપ્ત હુએ હૈ યાનિ કિ ટેં બોલ ગયે હૈ.'
'વીરગતિ'ને પ્રાપ્ત થયેલા રોપા 
આ છોડ એક યા બીજા કારણસર ટકી શક્યા નથી. આ તબક્કાને પાર પાડીને જે છોડ આગળ વધે એ નીચેની તસવીરમાં દેખાય છે એમ ફૂલવાફાલવા માંડે છે.


નીચેની બે તસવીરોમાં આવા પૂર્ણ કદના છોડનું સ્વરૂપ છે. આ છોડ તેના જાડા પ્રકાંડ માટે જાણીતો છે. આ પ્રકાંડને શી રીતે મોટું કરવું તેની કળા પણ ઘણા ઉસ્તાદો જાણતા હોય છે. કામિનીએ આવા એક પ્રકાંડને તેની વિકાસાવસ્થામાં જ ગાંઠ લગાવી છે, જે વિકસતાં ઓર મજબૂત બને છે. આવા મોટા, વિકસીત છોડ પણ કેટલું ટકે એ નક્કી નથી હોતું. માણસની જેમ જ, તેનું જીવન અનિશ્ચિત હોય છે. અને તેના અકાળે અંતનું કારણ ઝટ જાણી શકાતું નથી. એમ બની શકે કે, ઉછેરનારની અણઆવડત કે અજ્ઞાનને કારણે આવું બન્યું હોય, છતાં એ ખબર પડતી નથી. કેમ કે, મૃતકનાં સ્વજનો ઝઘડવા આવતા નથી.
વધુ પડતા લાડમાં બાળકો વંઠી જાય એમ, વધુ પડતું લાલનપાલન પણ આ છોડના મૃત્યુનું કારણ બની શકે છે.

પૂર્ણ વિકસીત પ્રકાંડવાળું એડેનિયમ
ગાંઠવાળું પ્રકાંડ 

(તસવીરમાં જણાતો તમામ ઉદ્યમ કામિનીનો છે. મારે ભાગે માત્ર તસવીરો લેવાની અને લખાણનું કામ છે. શાસ્ત્રોમાં તેને શ્રમવિભાજન કહે છે. )

Saturday, April 2, 2022

‘વેસ્ટ’માંથી ઈષ્ટ

અમેરિકન જીવનશૈલીની ભારતીયોએ અપનાવેલી એક મુખ્ય બાબત તે ‘યુઝ એન્ડ થ્રો’. ભારતીય સમાજમાં હજી હમણાં સુધી ‘રીસાયકલ, રીયુઝ’નું ચલણ કશી સભાનતા વિના હતું, પણ હવે એ કેવળ પ્લાસ્ટિક પૂરતું જ મર્યાદિત થઈ ગયું છે, કેમ કે, પ્લાસ્ટિકની નકામી કોથળીને ખુલ્લામાં નહીં, પણ કચરા પેટીમાં નાંખીએ એટલે પર્યાવરણ માટે કંઈક કર્યાનો સંતોષ સહેલાઈથી મળી જાય છે. એ કચરા પેટી ક્યાં ઠલવાય એ વિચારવાનું કામ આપણું નથી. પર્યાવરણ બાબતે પગલાં ન લેવાની ગાળો માટે ‘સત્તાવાળાઓ’ હાથવગા છે જ.

એક જમાનામાં આપણે ત્યાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો શબ્દપ્રયોગ ચલણી હતો. ટી.વી. ન હોવાથી ગૃહિણીઓનો સમય સિરીયલ જોવાને બદલે અન્ય કામમાં વ્યતિત થતો. સર્જનાત્મકતા અને નજાકતને સ્ત્રીઓના સહજ લક્ષણ સાથે સાંકળવામાં આવે છે, તેનો સાક્ષાત્કાર ઘણી ગૃહિણીઓને મળતાં, તેમનાં ઘરમાં જતાં થતો. વિવિધ પ્રકારની કળાકારીગરીના નમૂના- ભલે દેખાદેખીમાં બનાવ્યા હોય તો પણ-જોવા મળતા. એ ઉત્કૃષ્ટ કૃતિ ન પણ હોય, છતાં તેમાં જાતે કશું કર્યાનો આનંદ મહત્ત્વનો હતો. આવા ઉદ્યમને ઘણા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કહીને વખાણતા. મારા જોવામાં અમુક નમૂના આવે ત્યારે હું મનમાં ‘વેસ્ટમાંથી વેસ્ટ’ પણ બોલતો. બનતા સુધી કવિ અનિલ જોશીના કોઈ લેખમાં વાંચેલું કે એક ગૃહિણીને ત્યાં તેઓ ગયા ત્યારે ગૃહિણીએ ઉત્સાહથી જણાવ્યું, ‘અમે ઘસાયેલા ધોતિયાના ટુકડા કરીને તેનો ઉપયોગ પાણી માટેનાં ગળણાં બનાવવામાં કરીએ છીએ.’ કવિએ આ લખ્યા પછી ઉમેરેલું કે ત્યાર પછી તેમને ત્યાં પાણી પીતાં મને ગળામાં વાળના ગૂંચળા ભરાતા હોય એમ લાગતું. (સ્મૃતિને આધારે આ કિસ્સો લખ્યો છે.)
હવે કોઈ વસ્તુને ‘રીસાયકલ’ કે ‘રીયુઝ’ કરવામાં સભાનતા આવી ગઈ છે. એ સહજ નથી રહ્યું. કોઈ એ કરતું હોય તો પણ જાણે કે પર્યાવરણ કે સમાજ પર મોટો ઉપકાર કરતો હોય એવો ભાવ જોવા મળે છે. આશ્વાસન એ કે એટલું તો કરે છે! ‘રીસાયકલ’ કે ‘રીયુઝ’ કરવાથી ઘણાને પોતે ગરીબ દેખાશે એમ લાગે છે, એ જ રીતે એ ન કરનારને પોતે ધનવાન દેખાશે એમ લાગે છે!
બોન્સાઈની કળામાં છોડ જેટલું જ મહત્ત્વ તેમનાં કૂંડાનું છે, અને કયા પ્રકારના છોડ માટે કેવાં કૂંડાં હોવા જોઈએ તેનું આખું શાસ્ત્ર છે. અન્ય તમામ શાસ્ત્રોની જેમ આ શાસ્ત્રનો પણ અમે અભ્યાસ કર્યો નથી. ઘરમાંથી નીકળતી વિવિધ ચીજોનો કૂંડા માટે ઉપયોગ કરીએ છીએ. ઘરમાં સીરામીકનો કપ કે મગ તૂટી જાય, પ્લાસ્ટિકના કોઈ ડબલામાં ક્રેક પડે તો દુ:ખ થવાને બદલે આનંદ થાય છે કે ચાલો, એક કૂંડું વધ્યું! અમારે ઘેર અમુક લોકો આવે, ભૂલથી બોન્સાઈ જુએ અને તેમની નજર અવનવા રંગીન કૂંડા પર પડે એટલે તેઓ એ ચીજોને ઓળખવા પ્રયત્ન કરે. બિનસત્તાવાર અહેવાલો મુજબ, ઘણા લોકોએ અમારે ત્યાંથી ગયા પછી ચા-કૉફી પીવાના પોતાના નવા ને નવા કપમાં કાણું પાડવાનો પ્રયાસ કરીને તેને નવરા કરી દીધા છે. એ રીતે તેમણે ‘બેસ્ટ’માંથી વેસ્ટ સર્જવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કર્યો છે. વસ્તુ ‘વેસ્ટ’ હોય કે ‘બેસ્ટ’, તેનો ઉપયોગ ‘ઈષ્ટ’ (ઈચ્છિત) રીતે કરીએ એની એક અલગ મઝા હોય છે.
'ઘાયલ'સાહેબના પેલા બહુ જાણીતા શેરને અમે આ રીતે જોઈએ છીએ.
'તને જોતાં નથી આવડતું ઓ મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે, કે જે કૂંડું નથી.'
અહીં કેટલીક તસવીરો વિવિધ ચીજોમાંથી બનાવેલાં વિવિધરંગી કૂંડાઓ અને તેને અનુરૂપ છોડની.
(અહીં અમેનો અર્થ 'હું અને મારો પરીવાર' સમજવો.)







****
ઘણાં વાલીઓ અતિ ઉત્સાહી હોય છે. પોતાના સંતાનના શાળાના કોઈ સહાધ્યાયીને તેના ભાવિ જીવનસાથીના રૂપમાં જોતા અમુક ખંતીલા વાલીઓને હું જાણું છું.
અમે પણ આવા જ ખંતીલા છીએ, અને વાલી પણ ખરાં જ. પણ અમારા ઉત્સાહની દિશા જુદી હોય છે. કામિની કોઠારી જેના ઉછેરનો કાનૂની દાવો કરી શકે એવાં અનેક ફૂલછોડને તેણે પાળ્યાપોષ્યા છે. અને પૂજામાં બેઠેલા દંપતિની જેમ મેં પણ તેના હાથ પર મારો હાથ મૂકીને એ દાવામાં અડધો હિસ્સો નોંધાવ્યો છે. સૌ જાણે છે એમ બોન્સાઈ જેટલાં જ મહત્ત્વનાં તે જેમાં ઉછેરાય એ પાત્રો પણ હોય છે.
ઉત્સાહી વાલીઓની જેમ, ઘરમાં વપરાશમાં લેવાતી કે નકામી થયેલી અનેક ચીજો જોતાં અમને તેનામાં બોન્સાઈનું પાત્ર દેખાવા લાગે છે. એ દેખાય એટલે પછી વિચાર બદલાઈ જાય એ અગાઉ તેનો શીઘ્ર અમલ કરી દેવામાં આવે છે. કટર, કાતર, સ્ક્રૂ ડ્રાઈવર, છરી, પક્કડ પ્રકારનાં સાધનોની મદદથી તેને તળિયે એક વાર સરખું કાણું પડી જાય એટલે બસ. એ પછી તેમાં યોગ્ય છોડ તો મળે ત્યારે રોપાય, પણ એટલું નક્કી કે હવે એનો 'પાત્રાવતાર' નિશ્ચિત થઈ ગયો. એ નિર્જીવ હવે અન્ય કોઈ યોનિમાં જન્મ ન લઈ શકે.
અમારા મિત્રો અમને પૂરતો સહયોગ કરે છે. તેમને ઘેર પડેલી નકામી ચીજો અમને તે સદુપયોગના ભાવથી આપે છે. અમારે એટલું જ જોવાનું રહે છે કે તેઓ અતિશય પ્રેમથી દોરવાઈને કશીક કામની ચીજ ન આપી દે.
મિત્રદંપતિ બિનીત અને શિલ્પા મોદીએ તેમને ઘેરથી નીકળેલી સિરામીકની સોપ ડીશ અમને આપી. તેમને કદાચ એમ હશે કે અમે તેને બાથરૂમમાં કે સીન્ક પાસે લગાવડાવીને તેમાં સાબુ મૂકીશું. પણ તેમણે અમને આપી એ જ ઘડીએ પેલા ઉત્સાહી વાલીની જેમ અમે નક્કી કરી દીધેલું કે એને અમે ક્યાં લગાવીશું અને તેમાં કયો છોડ મૂકીશું.

સોપ ડીશ

કોઈકને ત્યાં શુભ પ્રસંગે કાચના ત્રણ બાઉલનો એના સ્ટેન્ડ સાથેનો સેટ આવેલો. બૉક્સ ખોલીને જોતાં જ અમારામાંના ઉત્સાહી વાલી જાગ્રત થઈ ગયા. એક અવાજે અમે નક્કી કરી લીધું કે આનું લાલ સ્ટેન્ડ ઘરમાં રખાય એમ નથી. એમાં રહેલા કાચના ત્રણ બાઉલ ભલે ઘરમાં રહે. એટલે એ લાલ સ્ટેન્ડને અમે ઘરની બહાર પ્રવેશમાં જ મૂક્યું.

બાઉલનું સ્ટેન્ડ

એમ તો દરેક પાત્રની એક આગવી કહાણી છે. પણ વાલી તરીકેના ઉત્સાહને કાબૂમાં રાખતાં અમે સભાન છીએ કે આખરે મહત્ત્વ એમાં ઊગેલા છોડનું છે. તેથી કહાણી કહેવાનો એટલે કે વાર્તા માંડવાના ઉત્સાહ પર કાબૂ રાખવો. આટલી વાર્તા માંડવાનો હેતુ મિત્રોને પ્રેરવાનો છે. 'કપ ફૂટલો જોયો ને તમે યાદ આવ્યા'ની જેમ પણ તેઓ પ્રેરાઈ શકે યા અન્ય કોઈ રીતે- એ તો તેમની પર નિર્ભર છે.
અહીં આપેલી તસવીરો ખાસ તો તેના પાત્રો માટે થઈને લીધેલી છે.







****
બગીચો એટલે ખેતરનો વિખૂટો પડેલો શહેરી ભાઈ. ગુજરાતમાં પ્રચલિત ચિંતનાત્મક શૈલીમાં આવું કહી શકાય. (કોને ખબર કોઈક ચિંતક અગાઉ લખી પણ ગયા હોય!) શહેરમાં રહીને બાગાયતનો શોખ કેળવનારની હાલત અંગે મોટે ભાગે બહાદુરશાહ 'ઝફર'નો શેર સહેજ ફેરફાર સાથે આમ કહી શકાય:
'કિતના હૈ બદનસીબ 'ઝફર' ચમન કે લિયે,
દો ગજ જમીન ભી ન મિલી કૂ-એ-યાર મેં.
જો કે, ઓછી જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કરવાની આદત ધીમે ધીમે કેળવાતી જાય છે.
કામિનીને પહેલાં વિવિધ સ્પર્ધાઓમાં અવનવી ગિફ્ટ મળતી. એમાંથી કામમાં આવે એવી તો ભાગ્યે જ હોય, પણ અમે એને કામમાં લઈ લેતા. એકાદ બે વાર સોપ ડીશ મળેલી, પણ બાથરૂમમાં સાબુ મૂકવા માટેની સોપ ડીશ એક વાર લગાવી દીધા પછી ભાગ્યે જ એને બદલવાનો વારો આવે છે. આથી અમે એ સોપ ડીશને કૂંડામાં ફેરવી દીધી.



ઘરના એક સભ્યે પ્રેમપૂર્વક કેસરોલ આપ્યો, જેનો તેમને ઉપયોગ નહોતો. એ કેસરોલનો પણ સદુપયોગ કરવામાં આવ્યો.


કોઈક સારી છત્રી જોઈએ તો અમને કોઈ કુશળ રેડિયોલોજિસ્ટની જેમ એની અંદરની સળિયાવાળી ફ્રેમ દેખાય. આવી એક ફ્રેમની અમે તલાશમાં હતા, પણ એ મળી શકી નહીં. અમારી ઉત્સુકતા જોઈને આખરે અમારા ઘરની છત્રીએ જ અમને મદદરૂપ થવાનું નક્કી કર્યું હશે. એટલે તેનું કાપડ ફાટવા લાગ્યું. આ જોઈને અમે ઉત્સાહમાં આવી ગયા અને છત્રીનું વસ્ત્રાહરણ કરીને તેની ફ્રેમ કાઢી લીધી. એની પર હાલ વેલ ચડી રહી છે.



સહૃદયી અને બાગાયતના શોખીન મિત્રોને આ વાંચીને પ્રેરણા મળે- જાતે પાત્રો બનાવવાની, કે પછી અમને મોકલવાની- એ હેતુસર અહીં કેટલીક તસવીરો મૂકી છે.

Friday, April 1, 2022

બોન્સાઈ એટલે શું નહીં?

એ હકીકતથી હવે દેવો અને દાનવો સૌ કોઈ જ્ઞાત છે કે અમે બોન્સાઈના પ્રેમી છીએ. અલબત્ત, મનુષ્યજગતમાં હજી કેટલાક લોકો આ હકીકતથી અજાણ છે, તેથી જ તેમના લાભાર્થે અને જ્ઞાનાર્થે અવારનવાર બોન્સાઈને લગતી પોસ્ટ મૂકવી જરૂરી બની રહે છે.
ઉમરડો એટલે કે ઉમરો એટલે કે ઓદુમ્બરનું વૃક્ષ બહુ પવિત્ર ગણાય છે. તેનું બોન્સાઈ કોઈ કરતું હોય તો ધ્યાનમાં નથી આવ્યું. અમે અમારા કૂંડામાં આવું એક વૃક્ષ ઉછેર્યું છે. હવે આ મોસમમાં તેને પહેલવહેલી વાર ફળો બેઠાં છે.

આ વૃક્ષનાં ફળોની વિશેષતા એ છે કે તે સીધાં થડ પર જ બેસે છે. કૂંડામાં રહેલા આ ઝાડની ઉંચાઈ ઠીક ઠીક ઉંચી હોવાથી કેવળ ફોટો લેવા માટે તેને નીચે ઉતારવું ઠીક ન લાગ્યું. છતાં આ તસવીરમાં તેનો ખ્યાલ આવી શકશે. 

ઓદુમ્બરના વૃક્ષ પર બેઠેલાં ફળ 

**** 

બોન્સાઈની વાત આવે કે તરત ઘણા લોકોનો જીવદયાપ્રેમ ફૂંફાડા મારતો જાગ્રત થઈ જાય છે. 'પણ એમાં તો છોડનાં મૂળ કાપવાં પડે ને? બિચારા છોડમાં પણ જીવ હોય છે. એ બોલે નહીં એટલે...!' આમ કહીને તેઓ હકીકતમાં એવું કહેવા માંગતા હોય છે કે જીવદયાનો મામલો ન હોત તો બોન્સાઈમાં અમે જાપાનીઝોનેય હંફાવી દઈએ, અને બોન્સાઈનો બાપ બનાવીને બતાવી દઈએ. એ વાત અલગ છે કે ઘર પાસેના રોડને કિનારે મહોરેલો બોન્સાઈનો બાપ એટલે કે વૃક્ષ તેઓ એ કારણે કપાવડાવી દે છે કે ભરબપોરે તેને છાંયે ફેરીયાઓ આરામ ન કરી શકે.

બોન્સાઈમાં રસ હોય કે ન હોય, પડવાનો હોય કે ન હોય એવા મિત્રોની જાણ સારું આ તસવીર મૂકું છું, જે થોડાં વરસ પહેલાંની છે. અમારા ઘરઆંગણે ખીલવેલા એક પામના ઝાડનું કૂંડું બદલવાની પ્રક્રિયા આમાં બતાવી છે.
પહેલી તસવીરમાં આખાં મૂળ સમેત વૃક્ષને બહાર કાઢવામાં આવ્યું છે.



બીજી તસવીરમાં એક પણ મૂળ કાપ્યા વિના તેને કૂંડામાં ગોઠવવામાં આવ્યું છે.



નીચેની તસવીરમાં તેમાં નવી માટી પૂરવામાં આવી છે. મતલબ કે મૂળ કાપ્યા વિના આખો છોડ એ જ કૂંડામાં ફરી ગોઠવવામાં આવ્યો છે.


આ કરતી વખતે મસ્ત ઝરમર પડતી હતી એટલે એ ચોંટી પણ ગયો.
આટલું વાંચ્યા પછી એક સ્પષ્ટતા. અમે ઝનૂની જીવદયાપ્રેમી નથી. આપણે સૌ શરીર પરના વધારાના વાળ પણ કેવળ સૌંદર્ય માટે ઉતારતા હોઈએ છીએ, રંગતા હોઈએ છીએ, સ્ટ્રેટ કે કર્લ કરતા હોઈએ છીએ. શરીરની એ જરૂર નથી, ફક્ત (આપણી કે અન્યની વ્યાખ્યા મુજબ) 'સારા' દેખાવા જ આપણે એ કરતા હોઈએ છીએ. જ્યારે બોન્સાઈમાં કદીક દેખાવ માટે નહીં, પણ તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મૂળ કાપવાં પડે તો એ કાપવામાં અમને વાંધો કે ખચકાટ જરાય નથી હોતો.
બોન્સાઈ ન આવડે કે એના પ્રત્યે લગાવ ન હોય એ કંઈ બંધારણીય ગુનો નથી. કે નથી એ કોઈ સ્ટેટસનો મુદ્દો. કશે જાવ, તમને જોવું ગમે અને ઠીક લાગે તો પ્રશંસા કરજો. ન કરો તોય વાંધો નથી. પણ જીવદયાનો મુદ્દો આગળ ધરીને 'અમે બોન્સાઈ નથી કરતા' એમ કહેશો તો હાસ્યાસ્પદ ઠરશો. મોં પર કોઈ નહીં કહે, પણ અક્કલ અને મિથ્યાભિમાનનું માપ સામેવાળો વગર પૂછ્યે કાઢી લેશે.
કવિ નયન હ. દેસાઈની મૂળ કાવ્યપંક્તિને જરા બદલીને કહીએ તો 'બોન્સાઈ એટલે વામન એટલે મૂળ કાપવું એટલે ગેરસમજણ એટલે અક્કલના પ્રદર્શનની ઘટના'. 
**** 

વરસાદ અને એ પછી નીકળતો ઉઘાડ છોડનાં કૂંડાની માટી બદલવા માટે એકદમ અનુકૂળ મોસમ છે. બોન્સાઈમાં મોટે ભાગે કૂંડાનું કદ નાનું હોય છે. જો કે, જાપાનીઝ બોન્સાઈની સરખામણીએ તે ઘણાં મોટાં લાગે. ઝાડનાં મૂળ ક્રમશ: તેની માટીમાં એવાં જડાઈ જાય અને માટીને પકડી લે છે કે એક તબક્કે તે કૂંડાને છોડી દે છે. એ પછી છોડને ખેંચીએ એટલે તે નીચેની માટી સહિત આસાનીથી આખો ખેંચી શકાય, જેમ અહીં તસવીરોમાં બતાવ્યું છે. નીચે બતાવેલું ઝાડ ચંપાનું છે.

ચંપો 


આ ઝાડ રાયણનું છે.

રાયણ 

અને આ એરેલીયા પ્રકારનું છે. (નામ ખબર ન હોય એવા છોડને 'શો પ્લાન્ટ' કહેવાય છે.)
એરીલીયા 

આ માટીને છૂટી કરીને નવી માટી વડે એના એ જ કૂંડામાં છોડને રોપી શકાય. એ પછી વરસની નિરાંત.
બોન્સાઈની અલગ અલગ વાતો અહીં એટલા માટે કરવાની કે તેના અંગે જાતજાતની ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને નાગરિકધર્મને (હા, નાગરિકધર્મને પણ) સાંકળવામાં આવે છે. સામાન્ય રીતે અમે કોઈને આપતા નથી, પણ એક સગા હક કરીને અમારે ત્યાંથી પીપળાનું બોન્સાઈ માંગીને લઈ ગયા. એક જ અઠવાડિયામાં તે લઈને પાછા આવ્યા, કેમ કે, ઘરના વડીલે જણાવ્યું કે પીપળાના મૂળમાં એક્સ દેવતાનો વાસ છે, ડાળીમાં વાય દેવતાનો, થડમાં ઝેડ દેવતાનો વાસ છે, उर्ध्वमूलम अध:शाखम વગેરે વગેરે. તેથી પીપળાને ઘરમાં ન રાખી શકાય. અમને પણ તેમણે કહેવડાવ્યું હતું કે પીપળાનાં બોન્સાઈને કાઢી નાંખીએ. ઘણા સ્નેહીઓના ઘેર જવાનું થાય ત્યારે અમારી નજર 'ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો' શોધતી હોય. અમે તે સવિનય માંગીએ એટલે યજમાન અવિનયી થઈને હોંશે હોંશે અમને એ લઈ જવાનું કહે, કેમ કે, એ ખેંચવાની તેમની જફામાંથી અમે છૂટકારો મેળવી આપીએ. એ પછી અમારા માટે બનતી ચામાં પણ તેમનો એ હાશકારો ઘોળાયેલો જોવા મળે. માળી એક વીઝીટના દોઢસો-બસો રૂપિયા લઈ જાય અને ઝાડ ઉખાડવાનું કહેતાં 'એ મારું કામ નહીં' એમ સંભળાવે એ સંજોગોમાં અમે એમને 'ગૉડ સેન્ટ' લાગીએ.
આપણે કોઈકને દેવદૂત લાગીએ અને એમાં ભીંત કે ભોંયમાં ઉગી નીકળેલું નાનકું ઝાડ નિમિત્ત બને ત્યારે લાગે કે આ ભાવમાં આ શોખ ખોટો નહીં!
(તા.ક: આપ પોતે દેવદૂત હો તો અમને નિમંત્રણ આપવાની તસ્દી લેવી નહીં.)

(બોન્સાઈ વિશેનો કામિની કોઠારીએ લખેલો એક લેખ અહીં વાંચી શકાશે.)