Showing posts with label researcher. Show all posts
Showing posts with label researcher. Show all posts

Monday, November 18, 2013

ફિલ્મશતાબ્દિએ આપણને મળેલી અનોખી ભેટ


“આપની સંસ્થા તો સરકારે ખાસ ફિલ્મો માટે જ શરૂ કરી છે, સાહેબ. તો પછી ભારતમાં બનતી ફિલ્મોની અધિકૃત યાદી દર વરસે આપ કેમ બનાવડાવતા નથી?”

“એવું છે ને કે વિદેશોમાં પણ ફિલ્મોની આવી માહિતી વ્યક્તિગત ધોરણે જ તૈયાર કરવામાં આવે છે.” (મતલબ કે તમારે કરવું હોય તો કરો, પણ અમે તો એ ભૂલેચૂકેય નહીં કરીએ.) 

આ સંવાદમાં શબ્દોનો ફરક હશે, પણ ભાવનો જરાય નહીં. પ્રશ્ન પૂછનાર એક સંગીતપ્રેમી હતા, જ્યારે જવાબ આપનાર ફિલ્મસંબંધી એક મહત્વની સરકારી સંસ્થાના ઉચ્ચાધિકારી. તેમના જવાબમાં જરાય અફસોસ નહોતો, કે નહોતો કોઈ રંજ. ટૂંકમાં કહીએ તો, આ મામલે એ વિદેશના ‘ધોરણ’ને અનુસરતા હતા અને ગૌરવપૂર્વક તેનો સ્વીકાર કરતા હતા.

ફિલ્મોની ગીતગંગાના ભગીરથ:
હરમંદિરસીંઘ 'હમરાઝ' 
ભારતમાં સિનેમાઉદ્યોગનું આ શતાબ્દિવર્ષ ચાલી રહ્યું છે અને ઠેરઠેર વિવિધ રીતે ઉજવાઈ રહ્યું છે. પણ સૌથી વધુ ઉદાસીનતા જોવા મળતી હોય તો સિનેમાના ઈતિહાસના દસ્તાવેજીકરણમાં. માહિતીની સૌથી વધુ અવિશ્વસનીયતા અને અવ્યવસ્થા જોવા મળતી હોય તો સિનેમાના ઈતિહાસમાં. મોટા ભાગના લોકોને હજીય સિનેમાના અભિનેતા-અભિનેત્રીઓ અને તેમના ચટપટા અર્ધસત્ય કિસ્સાઓથી વધુ ફિલ્મસંબંધી અન્ય બાબતમાં જરાય રસ પડતો નથી. સામે પક્ષે અમુક સંશોધકો સંશોધનોના નામે એવું માથાપછાડ કામ કરતા જોવા મળે છે, જેનો મુખ્ય હેતુ શો એ જ ન સમજાય.

આવા માહોલમાં કાનપુરમાં રહેતા એક સંગીતપ્રેમી હરમન્‍દિરસીંઘ ‘હમરાઝ’ દ્વારા એક એવું જબરદસ્ત કામ થયું, જેને કારણે હિન્‍દી ફિલ્મોનું દસ્તાવેજીકરણ થઈ શક્યું. હજી ગયા વરસે જ ‘સ્ટેટ બેન્‍ક ઑફ ઈન્‍ડીયા’માંથી સેવાનિવૃત્ત થયેલા ‘હમરાઝ’નાં જીવનનાં ૪૦-૪૫ વરસ આ કામ પાછળ ખર્ચાયાં. પંડને ખર્ચે તેમણે અનેક લોકોને મળીને માહિતી એકઠી કરી અને જાતે જ તેનું પ્રકાશન ‘હિન્‍દી ફિલ્મ ગીતકોશ’ના નામે કર્યું. આ ગીતકોશના કુલ પાંચ ખંડમાં ૧૯૩૧ થી ૧૯૮૦ સુધીનો સમયગાળો દાયકા મુજબ આવરી લેવામાં આવ્યો છે. તેના ઉદ્‍ભવની રસપ્રદ કથા વાંચવા અહીં ક્લીક કરો.

સમરસિયાઓનું મિલન : (ડાબેથી) 'હમરાઝ', હરીશ રઘુવંશી, મુકેશચંદ્ર મહેતા
અને સલીલ દલાલ 

પોતાની રુચિ મુખ્યત્વે જૂનાં ફિલ્મીગીતો પૂરતી હોવાથી આગળનાં વરસોના ગીતકોશનું કામ ઉપાડવાની ‘હમરાઝ’ની ઈચ્છા ઓછી હતી. તેમના દ્વારા આવું જબરદસ્ત કામ થયા પછી ખરેખર બનવું જોઈતું હતું એવું કે ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ સરકારી કે બિનસરકારી સંસ્થા આ કામ ઉપાડી લે અને તેને આગળ ધપાવે. સરકારી સંસ્થા આગળ ધપાવે એવી ઈચ્છા રાખવાનું કારણ એ કે તેમની પાસે અનેક માહિતીસ્રોત સુલભ હોય, જ્યારે એકલદોકલ સંકલનકર્તાને નાનીમોટી ઘણી મુશ્કેલીઓ નડે. સૌથી મહત્વની વાત એ કે એકલદોકલ વ્યક્તિ આ કામ કરે જ શા માટે?

હરમંદિરસીંઘ ‘હમરાઝ’ પણ હવે શા માટે આ કામ આગળ વધારે? એક તો આમાં ઘરના રૂપિયાનું આંધણ હતું.  મદદ અને સહકાર પણ આસમાની સુલતાની જેવો- મળે તો મળે, નહીંતર ન પણ મળે. ફિલ્મ માટે સરકારી રાહે શરૂ કરાયેલી સંસ્થા પણ તેને પોતાની જવાબદારી ન ગણે, અને શરૂઆતમાં લખ્યો છે એવો જવાબ આપે. છતાં તેમને થયું કે આ રીતે પ્રાથમિક અને સૌથી મહત્વનું કામ થઈ ગયું છે. એક કેડી તૈયાર થઈ ગઈ છે. બાકી તેમણે ગીતકોશનું કામ હાથ પર લીધું ત્યારે તો એ કામ કરવાની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ પણ નજર સમક્ષ ન હતી. તે પણ તેમણે વિકસાવી. પાંચ પાંચ દાયકાનાં ગીતો અને ફિલ્મોનું સંકલન કર્યા પછી તેમને થયું કે હવે આગળ ઉપર ભલે ગીતકોશ નહીં, પણ ફિલ્મની યાદી તો વરસોવરસ તૈયાર કરવી જ.

વર્ષવાર સેન્‍સર થયેલી ફિલ્મોની યાદી (ગીત વિના) તૈયાર કરવાનું તેમણે ચાલુ રાખ્યું. જેના અંતર્ગત છેક ૨૦૧૨ સુધીની ફિલ્મોની યાદી તૈયાર થઈ ગઈ છે. અગાઉ તે વર્ષવાર આ યાદીની પુસ્તિકા પ્રકાશિત કરતા હતા, પણ આ વખતે તેમણે એક વિશેષ આયોજન કર્યું. ‘SILENT & HINDI TALKIE FILMS INDEX’ (1913-2012) ના શીર્ષકથી તેમણે સુરતના હરીશ રઘુવંશીના સહયોગથી જે પુસ્તક બહાર પાડ્યું તેમાં છેક ૧૯૧૩થી શરૂ થયેલી કુલ ૧૩૫૫ મૂંગી ફિલ્મોની યાદીનો પણ સમાવેશ કરી દીધો છે. આ પુસ્તકમાં ૧૯૩૧ થી ૨૦૧૨ સુધીની કુલ ૧૧૫૯૧ બોલતી હિન્‍દી ફિલ્મોની યાદી એ.બી.સી.ડી.ના ક્રમમાં આપવામાં આવી છે. વર્ષ માટે જે તે ફિલ્મના સેન્‍સર થયાના વર્ષનો આધાર લેવામાં આવ્યો છે. ફિલ્મો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા સહુ કોઈ પાસે આ પુસ્તક હોવું જ ઘટે. એક રીતે તેને ફિલ્મોનું ‘રેડી રેક્નર’ કહી શકાય.
ફિલ્મોની યાદી ઉપરાંત અનેક ઉપયોગી માહિતી પુસ્તકમાં પીરસવામાં આવી છે. જેમ કે- વર્ષવાર બનેલી ફિલ્મોની સંખ્યા, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ ફિલ્મફેર પુરસ્કાર વિજેતાઓની વર્ષવાર યાદી, ૫૦ થી વધુ હિન્‍દી ફિલ્મોમાં સંગીત આપનાર સંગીતકારોના નામની યાદી, વિદેશના ફિલ્મ ફેસ્ટીવલમાં પુરસ્કૃત ફિલ્મોની યાદી, ૧૮૦ મિનીટથી વધુ લંબાઈ ધરાવતી ફિલ્મો વગેરે...

તમે ફિલ્મપ્રેમી છો?
તો તમારી પાસે આ પુસ્તક હોવું જ જોઈએ. 
છે તો આ સંદર્ભપુસ્તક, પણ તેનાં પાનાં પર નજર ફેરવતાં અનેક વિગતો એવી જોવા મળે કે આશ્ચર્ય થાય. જેમ કે- ફક્ત ‘એ’થી શરૂ થતી ફિલ્મો પર નજર નાંખીએ તો જોવા મળે કે- ‘અંજામ’ નામની ફિલ્મ કુલ છ વખત બની છે. તો ‘અમર પ્રેમ’ નામે ફિલ્મ પાંચ વખત બની છે. ‘આદમી’, આંખે’, ‘આરઝૂ’, ‘આશા’ જેવી તેર જેટલી ફિલ્મો ચાર ચાર વખત બની છે.
પચાસથી વધુ ફિલ્મો કરનારા સંગીતકારોની યાદીમાં અવિનાશ વ્યાસની ૬૩ હિન્‍દી ફિલ્મો જોઈને આશ્ચર્ય થાય. અને વધુ આશ્ચર્ય ત્યારે થાય જ્યારે નૌશાદની ફિલ્મોનો આંકડો ૬૬નો હોય, રોશનનો ૫૭, ખય્યામનો ૫૬, હેમંતકુમારનો ૫૫ અને હુસ્નલાલ-ભગતરામનો ૫૨નો સ્કોર હોય. હીમેશ રેશમીયાની ફિલ્મોની સંખ્યા ૭૯ જોઈને પણ આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય. હકીકતમાં હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને સુરતના હરીશ રઘુવંશી દ્વારા સંયુક્તપણે હાથ ધરાયેલા પ્રોજેક્ટ MUSIC DIRECTORS OF HINDI FILMS (1913-2012) ના ઉપક્રમે હાથ ધરાયેલા ૨,૦૦૦ થી વધુ સંગીતકારોના પ્રદાનને સમાવતા પુસ્તકના સંશોધન નિમિત્તે આ માહિતી પ્રાપ્ત થઈ શકી છે.

આ ઉપરાંત ફિલ્મસંગીતને લગતી વિવિધ માહિતી અને ગતિવિધીઓથી માહિતગાર રહી શકાય એ માટે ‘હમરાઝ’ છેલ્લા ચાર દાયકાથી ‘લીસ્નર્સ બુલેટીન’ નામની ત્રિમાસિક પત્રિકા નિયમીત ધોરણે પ્રકાશિત કરી રહ્યા છે. ચાર (અને ક્યારેક છ) પાનાંની આ પત્રિકામાં જે અધિકૃત, ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ માહિતી પીરસાય છે, એ જોતાં દસ અંક દીઠ તેનું માત્ર રૂ. દોઢસોનું લવાજમ ન ભરીએ તો ફિલ્મપ્રેમી કે સંગીતપ્રેમી ગણાવતા પહેલાં ઘડીક વિચાર કરવા જેવો છે.


'ગાગરમાં સાગર' જેવી આ ત્રિમાસિક પત્રિકા
તમે ન મંગાવતા હો તો....  
ફિલ્મોમાં તમને બહુ ઉંડો નહીં, અને સામાન્ય રસ પણ હોય, તો હરમંદીરસીંઘ ‘હમરાઝ’ અને હરીશ રઘુવંશી સંપાદિત ‘SILENT & HINDI TALKIE FILMS INDEX’ નામની આ ફિલ્મ અનુક્રમણિકા અવશ્ય વસાવવા જેવી છે, અને ફિલ્મ વિષેના કોઈ પણ પ્રકારના લેખન-સંશોધન સાથે સંકળાયા હો તો તો આ પુસ્તક હોવું અનિવાર્ય છે. તેને મંગાવવા અંગેની માહિતી આખરમાં આપવામાં આવી છે.
આ પુસ્તકની વાત આજે કરવાનું વિશેષ નિમિત્ત છે. ૧૮ નવેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલા હરમંદીરસીંઘ ‘હમરાઝ’ આજે ૬૨ વર્ષ પૂરાં કરીને ૬૩મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના જન્મદિને તેમને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુષની અનેકાનેક શુભકામનાઓ હિન્‍દી ફિલ્મસંગીતના રસિયાઓને તે પોતાના પ્રદાન થકી ન્યાલ કરતા રહે એ જ અપેક્ષા.

તેમનો ફોનસંપર્ક: + 91 94154 85281. અને + 91- 512- 2281211, ઈ-મેલ: hamraaz18@yahoo.com

**** **** *** 

પુસ્તક મંગાવવા અંગેની માહિતી:

‘SILENT & HINDI TALKIE FILMS INDEX’ (1913-2012)
Price: Rs.400/- + Postage Rs.40/- (Registered) = Rs. 440/-

આ ઉપરાંત હિન્‍દી ફિલ્મ ગીતકોશ: ખંડ ૧ થી ૫, જબ દિલ હી તૂટ ગયા (સાયગલ કોશ), ગુજરાતી ફિલ્મ ગીતકોશ (zerox edition, સંપાદક: હરીશ રઘુવંશી) , મુકેશ ગીતકોશ(zerox edition, સંપાદક: હરીશ રઘુવંશી), ૧૯૮૧ થી લઈને છેક ૨૦૧૧ સુધીની ફિલ્મોગ્રાફી (જેમાં ફિલ્મની ગીત સિવાયની વિગતો અપાયેલી હોય છે, અને દર વરસે તે બહાર પડતી રહે છે) પણ આ જ સંપર્ક દ્વારા મંગાવી શકાય.

ફિલ્મોના વારસાનું અધિકૃત દસ્તાવેજીકરણ
દર્શાવતા ગ્રંથો 
Har Mandir Singh ‘Hamraaz’,
Dreamland, H.I.G.-545,
Ratanlal Nagar,
Kanpur- 208 022. 

Tuesday, December 6, 2011

ફિલ્મસંગીતના ‘શાહ’: નલિન શાહ


અગાઉ  હરીશભાઈ અંગેની પોસ્ટ લખી એ વાંચ્યા પછી અમુક મિત્રોએ બહુ ગંભીરતાથી પૂછ્યું હતું કે ફિલ્મોમાં ખરેખર સંશોધન શેનું કરવાનું હોય? બહુ બહુ તો નટ- નટીઓનાં સરનામાં શોધવાં પડે એ જ ને? એમાંના એક મિત્ર વડીલ હતા, ખાસ્સા સિનીયર હતા. હરીશભાઈ માટે આદર ધરાવતા હતા, છતાં આવો પ્રશ્ન તેમને થયો હતો. એ જવાબ સાંભળવા તત્પર અને જિજ્ઞાસુ હતા, એટલે એમને થોડુંઘણું સમજાવ્યું. એનાથી એમને સંતોષ થયો હશે, પણ મને ન થયો. ઘણાને એમ જ હોય છે કે ફિલ્મો વિષે આટલું બધું છપાય છે, એના અભિનેતા-અભિનેત્રીઓના ફોટા છપાય છે, ગીતોની પબ્લિસીટી થાય છે, એટલે બધી માહિતી તૈયાર જ મળે છે. ત્યાંથી લઈને કંઈ પણ લખવું, એ થયું ફિલ્મવિષયક સંશોધન. જેટલી અજાણી વાત લખો એટલા તમે કાબેલ ગણાવ. પણ પાયાનો સવાલ એ છે કે ‘ત્યાં’ એટલે ક્યાં? એવો કયો સ્રોત છે કે જ્યાં આપણને જોઈએ એ માહિતી તૈયાર મળે? લોકો આવું માને એમાં વાંક એમનો નથી. કેમ કે સમગ્રપણે આપણે ત્યાં ફિલ્મના માધ્યમને ગંભીરતાથી લેવાતું નથી. એ મનોરંજનનું ક્ષેત્ર છે, એ પણ કદાચ એક કારણ હોઈ શકે.
આવી પરિસ્થિતિમાં હિંદી ફિલ્મસંગીતનો ઈતિહાસ હોય અને કોઈ વ્યક્તિ હિંદી ફિલ્મસંગીતની ઈતિહાસકાર હોય એવો તો વિચાર જ શી રીતે આવે? પણ અમારા (મારા અને ઉર્વીશ) સહિત ઘણા એવા લોકો છે, જેમને હિંદી ફિલ્મસંગીતના ઈતિહાસકાર તરીકે એક જ વ્યક્તિનું નામ યાદ આવે. એ નામ યાદ આવે, એની સાથે જ માથે કારાકુલ કેપ, કેપમાંથી બહાર નીકળેલા સીધા અને કડક સફેદ વાળ, ગાલ પર ઉતરેલા જાડા થોભિયા અને ચશ્મા પહેરેલો ચહેરો દેખાય. એ ચહેરાની સાથે જ સફેદ શેરવાનીની ઉપર ઘેરા ભૂરા રંગનો ઝભ્ભો અને ઉપર જાકીટની વેશભૂષા આંખ સામે આવે. એમને સામેથી આવતા જોઈએ તો પહેલી નજરે એ શાયર જેવા, બલ્કે પાકિસ્તાની શાયર જેવા લાગે. અને એમને ઉર્દૂ જબાન બોલતા સાંભળીને આ વિચાર દૃઢ બને. એમનો પરિચય આપતાં કોઈ મિત્રને આપણે જણાવીએ કે આ છે નલિન શાહ. આવું ટીપીકલ ગુજરાતી નામ સાંભળવા છતાંય એમને પહેલી વાર મળનાર વ્યક્તિ એવી શંકા કરે કે ‘નલિન’ એમનું તખલ્લુસ હશે. અને કાશ્મીરમાં ઘણા મુસ્લિમોની અટક શાહ હોય છે, એવા શાહ એ હશે. યાદ છે ત્યાં સુધી એમને પહેલી વાર ટી.વી. પર જોઈને સલિલભાઈ(દલાલ)એ પોતાની કોલમમાં પણ આવું અનુમાન કર્યું હતું.
નલિનભાઈની આવી બાહ્ય આભામાંથી એમને પહેલી વાર મળનાર વ્યક્તિ ભાગ્યે જ મુક્ત થઈ શકે. સામેવાળાના મનમાં એમના વિષે જાતજાતના પ્રશ્નો પેદા થાય, પણ ક્યાંથી શરૂ કરવું એનો ખ્યાલ જ ન આવે. એમના વિષે આજે પહેલી વાર લખી રહ્યો છું, ત્યારે મારા મનમાં પણ કંઈક એવી જ મૂંઝવણ છે કે ક્યાંથી શરૂ કરવું?
એમની કલમનો પહેલો પરિચય થયો ‘પ્રિયા’ નામના ‘ટી સિરીઝ’ દ્વારા પ્રકાશિત હિંદી ફિલ્મ માસિકથી. ‘માધુરી’ના માળખા પર એંસીના દાયકાના છેલ્લા વરસોમાં શરૂ થયેલું આ મેગેઝીન એટલું અદભૂત હતું કે એમાંનો એકે એક લેખ અક્ષરશ: વાંચી જતા. આ મેગેઝીનમાં જૂના ફિલ્મસંગીત વિષે બે પાનાંનો એક વિભાગ આવતો,જેમાં કલાકારો વિષે એવી અદભૂત વાતો અને કિસ્સા આવતા અને સાથેસાથે પોતાનાં નિરીક્ષણો પણ શબ્દો ચોર્યા વિના લખવામાં આવતા. આ વિભાગના લેખકનું નામ હતું ‘નલિન શાહ.’ ધીમે ધીમે આ વિભાગની એવી આદત પડી ગઈ કે ‘પ્રિયા’ના અંકની રાહ ખાસ એને માટે જ જોવાતી અને દર મહિને એનો અંક બહાર પડે કે એ ખરીદીને પહેલો જ નલિન શાહનો વિભાગ વાંચી જવાનો ક્રમ બની ગયો. એ વખતની અમારી આદત મુજબ અમે નલિન શાહને પત્ર લખ્યો હિંદીમાં, કેમ કે એ હિંદી મેગેઝીનમાં લખતા હતા. પત્ર મેગેઝીનના સરનામે લખેલો, એટલે એમને મળશે કે કેમ એ શંકા હતી. એમનો કશો જવાબ આવ્યો નહીં, એટલે અમે માન્યું કે પત્ર એમના સુધી કદાચ નહીં પહોંચ્યો હોય. એ સમયગાળો એવો હતો કે જૂના હિંદી ફિલ્મસંગીતની સૃષ્ટિમાં અમારો પ્રવેશ થઈ રહ્યો હતો, અને એ આખું વિશ્વ અમારી સમક્ષ ખૂલી રહ્યું હતું. રજનીકુમાર પંડ્યા સાથે ભલે પહેલો પરિચય વાચક લેખે થયો, પણ એ આગળ જતાં ગાઢ બન્યો એમાં હિંદી ફિલ્મસંગીત એક મહત્વનું પરીબળ. એ વખતે તો હરીશ રઘુવંશી, હરમંદીરસિંઘ હમરાઝ, વિશ્વનાથ ચેટરજી જેવાં નામો અમારા માટે પરીકથાનાં પાત્રો જેવા હતા. આમાં વધુ એક નામ જોડાયું નલિન શાહનું.
તલત મહેમૂદને કાર્યક્રમમાં લાવતા નલિન શાહ 
૧૯૯૧માં ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ના વિમોચન સમારંભમાં પહેલી વાર હાજરી આપી, ત્યારે પરીકથાના આ પાત્રોને અમે પહેલી વાર સદેહે જોયા. બધાને અમે સામે ચાલીને મળ્યા, એમના ઓટોગ્રાફ લીધા. એ સૌ એવા વિનમ્ર કે એમના ઓટોગ્રાફ માંગીએ એટલે કહે ‘અમે ક્યાં કોઈ આર્ટીસ્ટ છીએ?’ જરા વિચારો કે જે ફંક્શનમાં હિંદી ફિલ્મસંગીતના ધુરંધરો આવવાના હોય એ ફંક્શનમાં અમારા જેવા કોઈ હરીશભાઈ કે હમરાઝ જેવાના ઓટોગ્રાફ માંગે તો એમને પોતાને કેવું લાગે? પણ અમારા માટે એ કોઈ સેલીબ્રીટીથી કમ નહોતા. અમારા મનમાં જેને મળવાની યાદી હતી એમાં મનોમન ટીક કરતા જતા હતા અને વિચારતા હતા કે હવે નલિન શાહ બાકી રહ્યા. કેવા દેખાતા હશે નલિન શાહ? ચપ્પટ વાળમાં એક બાજુએ પાડેલી પાંથી હશે, ઓપન શર્ટ હશે, પેન્ટ કદાચ સહેજ ઉંચું હશે, અને પગમાં તો ચપ્પલ જ હશે. પૂછવું તો કોને પૂછવું?
કારાકુલ કેપ, ઝભ્ભો અને શેરવાની પહેરેલી એક વ્યક્તિ આમતેમ ફરી રહી હતી, અને પોતાના ઘેરા અવાજે સૌને ‘અરે જનાબ, આઈયે, આઈયે’ કહેતાં હળીમળી રહી હતી. એ કોણ હશે, એવો સવાલ થયો. સાંભળેલું કે પાકિસ્તાનના શાયર કતિલ શિફાઈ પણ આવવાના હતા. આ શિફાઈસા’બ તો નહીં હોય ને! છેવટે કોઈકને પૂછી જ લીધું એ સજ્જન વિષે. જવાબ મળ્યો, ‘વો નલિન શાહ હૈ.’ ઘડીક અમારા માનવામાં ન આવ્યું, એટલે અમે બે-ત્રણ અલગ અલગ લોકોને પૂછીને ખાતરી કરી. છેવટે ખાતરી થઈ એટલે એમને અમે મળવા ગયા. અમારું નામ દઈને પરિચય આપ્યો એટલે એમણે ગુજરાતીમાં જ કહ્યું, “તમારો કાગળ મળ્યો હતો.” આ સાંભળીને અમને કેવી લાગણી થઈ હશે એ પત્રલેખન કરી ચૂકેલો કોઈ પણ વાચક સમજી શકશે. અમે એમને નિરાંતે મળવા આવવાની વાત કરી તો એમણે તરત કહ્યું, “ઘેર આવજો ને!” આટલી સરળતાથી આવી વ્યક્તિ પોતાને ઘેર આવવાનું કહી દે એ જરા નવાઈની વાત હતી. એમના પણ અમે પરાણે ઓટોગ્રાફ લીધા.  
એ ફંક્શનમાં નલિન શાહ વક્તવ્ય આપવા ઉભા થયા અને ‘ખવાતીમોહજરાત’ના સંબોધનથી શરૂઆત કરીને ઉર્દૂ મિશ્રીત હિંદીમાં જે પ્રવચન આપ્યું એની અસર હજી આજ સુધી ઉતરી નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાના અનુભવો, તારણો, પબ્લિક ડિમાન્ડના નામે પીરસાતો હલકો માલ અને એ પીરસતા સંગીતકારોને એમણે નામજોગ ચાબખા માર્યા, એ સાંભળીને તાળીઓના ગડગડાટ થતા રહ્યા. જીવનનું યાદગાર ફંક્શન એ બની રહ્યું. અમે તો ફક્ત એમાં હાજરી આપવા જ ખાસ મહેમદાવાદથી મુંબઈ ગયેલા એટલે ભવિષ્યમાં એમને ફરી મળવાનું વિચાર્યું.
પહેલી વાર એમને મળનારને એમનું વ્યક્તિત્વ ખાસ્સું ‘ફિલ્મી’ લાગે. અમસ્તાય નલિનભાઈ મહેફિલના માણસ. મહેફિલમાં લોકોને જકડી રાખવાની કળા એમને હસ્તગત. પ્રસંગોચિત શે’ર, જોક્સ, ક્વોટ્સ તેમને જીભવગાં. પણ એમના પરિચયનું આ બહારનું પડ ભેદીને આગળ વધનારને જ એમના અસલી ગુણોનો પરિચય થઈ શકે. મોટે ભાગે તો નલિનભાઈ જ આ પડ ભેદાવા ન દે.
એ પછીની મુંબઈ મુલાકાતમાં નલિન શાહને મળવાનું નક્કી કરીને જ ગયેલા. એમને ફોન કરીને અનુકૂળતા પૂછી એટલે એમણે તરત જ આવવાનું જણાવી દીધું. અને અમે ઉપડી પણ ગયા. એમના ઘરમાં પ્રવેશ્યા એટલે ચારે બાજુ સંગીતનો જ માહોલ. એક રેકમાં લાઈનબંધ એલ.પી.રેકોર્ડ્સ, સામે રેકોર્ડ પ્લેયર, ડેક, કેસેટ પ્લેયર. સામેના કબાટમાં ફિલ્મવિષયક પુસ્તકો. સહેજ અંદર નજર કરીએ તો મુખ્ય રૂમથી રસોડામાં જવાના પેસેજમાં આવેલા શોકેસમાં લાઈનબંધ કેસેટો નજરે પડે. ભીંત પર જૂના સંગીતકારોની તસવીરો. સોફા પર પણ રેકોર્ડ પથરાયેલી. આવામાં બેસવું ક્યાં? એમણે આવકાર આપ્યો અને થોડી રેકોર્ડ ખસેડીને અમારા બેસવાની જગા કરી. ધીમે ધીમે કરતાં અનાયાસે જ કેટલીય વાતો નીકળી. અમારા જેવા લબરમૂછીયાઓને પહેલી જ વાર મળતા હોવા છતાં તેમણે શાંતિથી સાંભળ્યા, એટલું જ નહીં, વાત પણ કરી. દોઢેક કલાક બેઠા હોઈશું. જવાની અમે તૈયારી કરી અને એમને ફરી વાર મળવા આવી શકાય કે કેમ એ પૂછ્યું. એમણે તત્ક્ષણ હા પાડી. અમે બીજે દિવસે એમને ફરીથી મળવા ગયા. બપોરના બે-અઢી વાગે ગયા હોઈશું. એમણે પ્રેમથી આવકાર્યા. વાતોની શરૂઆત થઈ. થોડી વાર રહીને એમણે અમને ‘સુનહરે દિન’ ફિલ્મની વાત કરી. એના ગીત-સંગીત વિષે કહ્યું. અમને એ ફિલ્મ વિષે કશી જ ખબર નહોતી. તરત ઉભા થઈને એ એક વિડીયો કેસેટ લઈ આવ્યા અને વી.સી.આર.માં લગાવી. પછી કહે, “ટાઈમ છે ને?” ખરેખર તો અમારે એમને આવું પૂછવાનું હોય! એ દિવસે અમે રાજ કપૂર અને રેહાનાની, જ્ઞાન દત્તના સંગીતવાળી એ ફિલ્મ આખી જોઈ. ઘેર જવા ઉઠ્યા ત્યારે સાંજના સાડા છ જેવું થયું હતું. અમે હજી તો બીજી જ વાર મળતા હતા અને નલિન શાહે અમારા માટે આટલો સમય ફાળવ્યો હતો. કશી અપેક્ષા વગર! અમારી વચ્ચે આત્મીયતાનો એક સેતુ રચાઈ ચૂક્યો હતો.
નૌશાદજી સાથે અમારી પારિવારિક મુલાકાત
નલિન શાહ થકી શક્ય બની. 
એ પછી સમય વીતતો રહ્યો અને મુંબઈ મુલાકાત દરમ્યાન એમની સાથેની બેઠક અનિવાર્ય બની રહી. થોડા વખત પછી ઉર્વીશને ગુજરાત રિફાઈનરીની નોકરી માટે છ મહિના માટે મુંબઈ રહેવાનું બન્યું. આ ગાળો નલિન શાહ સાથેના સંબંધને મજબૂત કરવામાં અતિ મહત્વનો બની રહ્યો. ઉર્વીશ એમની લગભગ રોજ મુલાકાત લે, બેસે, વાતો કરે, પુસ્તકો, લેખો વગેરે ગોઠવવાનું કામ હોય તો પૂછે. આ બેઠકોથી અમારી સમક્ષ નલિનભાઈના કામનો ખરો વ્યાપ અને તેનું મૂલ્ય ઉઘડતું ગયું. નલિનભાઈને જૂની ફિલ્મોના ઘણા બધા કલાકારો સાથે આત્મીયતા. નલિનભાઈને ઘેર જ ઉર્વીશને ગાયિકા રાજકુમારી, સીતારવાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાં જેવાના લાંબા સત્સંગનો લાભ મળ્યો, સારંગીવાદક ઉસ્તાદ રામનારાયણ, નૌશાદ, પ્રદીપજી, સંગીતકાર રામ કદમ (પૂના), ગાયિકા જ્યોત્સના ભોળે (પૂના) જેવા મહાનુભાવોને તેમના નિવાસસ્થાને શાંતિથી મળવાનું, એમની વાતો સાંભળવાનું બન્યું, કતિલ શિફાઈ સાથે મુલાકાત થઈ, તેમ સ્વ.ગુલામ મહંમદના ઘરની મુલાકાત પણ લેવા મળી. (ત્યારે પત્રકારત્વ તો સપનામાં પણ નહોતું.)
કિર્તીદાબેન: મૂક આધારસ્તંભ 
આ ગાળામાં ઉર્વીશ તેમના કુટુંબી જેવો જ બની ગયેલો. ક્યારેક એ જાય અને નલિનભાઈ ઘરે ન હોય તો એમનાં પત્ની કિર્તીદાબેન સાથે બેસે અને ગપ્પાં મારે. કિર્તીદાબેન પણ જૂની ફિલ્મોનાં રસિયા, એટલે એ પણ કલાકારો સાથેના અનુભવોની વાત કરે, પણ એક ગૃહિણીના દૃષ્ટિકોણથી.
એક ઈતિહાસકાર તેમજ સંશોધક તરીકે નલિનભાઈની કાર્યશૈલી નજીકથી એ રીતે નીરખવા મળી કે જર્નાલિઝમની સ્કૂલમાંય આવું જ્ઞાન ન મળે. ‘સાયગલ જલંધરમાં મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંતિમયાત્રામાં ‘જબ દિલ હી તૂટ ગયા’ ગીત વગાડવામાં આવેલું’ એવી વાત ખુદ નૌશાદ અને મજરૂહ સુલતાનપુરી પણ કરતા. નલિનભાઈએ આ અંતિમયાત્રામાં હાજર રહેલી ત્રણ વ્યક્તિઓની મુલાકાત લીધી. નૌશાદ અને મજરૂહસા’બ પ્રત્યેના પૂરેપૂરા આદર સાથે તેમણે આ વાતની અધિકૃતતા ચકાસી. અંતે આ વાત કપોળકલ્પના હોવાનું પુરવાર કર્યું. એ પછી તો સાયગલ પર સંશોધન કરવા માટે કોલકાતાના સ્ટુડિયોની મુલાકાત લીધી,
કોલકાતાની સંશોધનયાત્રા વખતે:
આ હાર્મોનિયમ પર  ક્યારેક
સાયગલસા' બનાં
આંગળાં  ફર્યાં હશે. 
સાયગલસા’બના વતન જલંધર પણ ગયા અને સાયગલસા’બના કુટુંબીઓને પણ મળ્યા, અને કેટલીય અજાણી, અદભુત અને નક્કર વાતો પ્રકાશમાં લાવ્યા, જે સાયગલસા’બના મૃત્યુને પચાસ વરસ કરતાં વધુ  ગાળો વીતવા છતાં, તેમના વિષે આટલાં પુસ્તકો લખાયા છતાં અજાણી જ રહી ગયેલી. એ કહે, “કોઈ પણ વ્યક્તિ કશો દાવો કરે તો એને એમ ને એમ માની લેતાં પહેલાં આપણી કોમન સેન્સ વાપરવાની. ત્યાર પછી એની અધિકૃતતા ચકાસવાની.” અધિકૃતતા એક વાર ચકાસીને એ વાત પૂરી ન કરે. ઘણી વાર તો એ ચાર-છ મહિને અધિકૃતતા રીન્યુ કરતા રહે. નૌશાદજી,પ્રદીપ કે અન્ય કોઈએ પણ કોઈ કલાકાર વિષે અમુક વાત કરી હોય, તો એ જ વાત બીજી રીતે થોડા સમય પછી ફરી પૂછવાની. બને કે પહેલી વાર તેમણે અહોભાવમાં આવીને અમુક વાત કરી હોય!
એમના લેખોમાં કશી વાત અનુમાન આધારીત કે અદ્ધરતાલ ન હોય. માત્ર કોઈની કહેણી (hearsay) પર પણ આધાર ન રાખે. ફિલ્મસંગીતના અભ્યાસુ વાચકો જાણતા હશે કે ફિલ્મના ગીતકાર, સંગીતકાર કે ગાયકો બાબતે કેટકેટલા અવનવા કિસ્સાઓ પ્રચલિત છે (“એક વાર લતાએ નૌશાદને કહેલું” ટાઈપના), 
ઔર આપ હૈ જનાબ નલિન શાહ:
સુરૈયાને નલિન શાહનો પરિચય કરાવતા નૌશાદ  
જે દરેક જણ પોતે તેના સાક્ષી હોય એમ લખે છે યા કહે છે. પોતે સાચું જ લખે અને લખ્યા પછી પોતે લખ્યું એ સાચું જ, એવો અભિગમ એમના લખાણમાં કદી જોવા ન મળે. એક વાર વાત નીકળી કે સંગીતકાર શૌકત હૈદરી અને શૌકત દહેલવી બન્ને એક જ જુદા? નલિનભાઈને ખ્યાલ હતો કે બન્ને એક જ છે, પણ છતાંય એ ખ્યાલ નવ્વાણુ ટકા હતો, સો ટકા નહીં. આની ખાતરી શી રીતે કરવી? તેમણે સીધો જ મુબારક બેગમને ફોન જોડ્યો અને આ સવાલ પૂછ્યો. શૌકત દહેલવીના સંગીત નિર્દેશનમાં ગાઈ ચૂકેલાં મુબારક બેગમે ખરાઈ કરી કે બન્ને એક જ વ્યક્તિ છે.
તેમનાં તમામ લખાણો અંગ્રેજીમાં છે. ભાષાની અભિવ્યક્તિની સાથેસાથે યોગ્ય શબ્દોની પસંદગી અને તેની સાથે ઉભો કરવામાં આવતો મુદ્દો તેમજ માહિતીની સાથેસાથે પરિમાણ. આ શૈલી છે નલિન શાહની, જે તેમને ફિલ્મસંગીત વિષે લખતા અનેક લેખકોમાં નોખા તારવે છે. આ બધાને કારણે તેમની કલમની જબરદસ્ત વિશ્વસનીયતા ઉભી થઈ. અનેક કલાકારોની આત્મીયતા તેમને પ્રાપ્ત થઈ. 
કેદાર શર્મા સાથે 
નલિનભાઈના ફિલ્મસંગીત વિષયક લેખો અવારનવાર છપાતા. ‘ફિલ્મફેર’માં તેમણે લખેલી સંગીતકારો વિશેની સંશોધનાત્મક શ્રેણીને હજીય લોકો ભૂલ્યા નથી. વિનોદ, ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ, જમાલ સેન, ખેમચંદ પ્રકાશ, એસ.એન. ત્રિપાઠી જેવા સંગીતકારોની કેટલીય ઓછી જાણીતી વાતો, અધિકૃત સ્રોત સાથેની વાતચીત થકી તે પ્રકાશમાં લાવ્યા. ખરું કહીએ તો આ ધુરંધર સંગીતકારોના અસલી પ્રદાનની નક્કર વાતો આ રીતે પહેલી વાર જ લખાઈ. ‘પ્લેબેક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ’ નામના મેગેઝીનમાં પણ તેમની કોલમ આવતી. પણ વખત જતાં ‘ફિલ્મફેર’નાં રૂપરંગ બદલાયા, અને બાકીનાં મેગેઝીનનું પ્રકાશન બંધ પડ્યું, એટલે એમના લેખો પણ આવતા બંધ થયા, જે પછી શરૂ થયા ‘મીડ ડે’માં. એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના આ લેખ ખૂબ લોકપ્રિય થયા. 

મિડ ડેમાં તેમની કોલમ આ રીતે આવતી. 
નલિનભાઈની લોકપ્રિયતા એક સેલીબ્રીટીની કક્ષાની થઈ ગઈ, જેમાં સંપૂર્ણપણે તેમની કલમનો જ ફાળો હતો. લેખની સાથે તેમની તસવીર છપાતી હોવાને કારણે ચહેરેથી પણ લોકો તેમને ઓળખી કાઢતા. એક કાર્યક્રમમાં શ્યામ બેનેગલ સાથે તેમનો ભેટો થઈ ગયો. નલિનભાઈ પોતાનો પરિચય આપવા જાય ત્યાં જ બેનેગલ સાહેબે હસીને કહ્યું, “અફ કોર્સ, તમને તો હું ઓળખું છું. તમારા લેખ નિયમીત વાંચું છું.” આપણા લોકપ્રિય હાસ્યલેખક તારક મહેતા પણ આ લેખોના જબરા પ્રશંસક. અને આવા તો કેટકેટલા વર્તુળમાં તેમની લોકપ્રિયતા ઉભી થઈ. (એ પણ યોગાનુયોગ નીવડ્યો કે નલિનભાઈ પણ તારકભાઈનાં લખાણોના પ્રેમી નીકળ્યા.)
વિવિધભારતીના શ્રોતાઓ જાણે છે કે વરસોથી મુંબઈ વિવિધભારતી પરથી રાત્રે દસથી સાડા દસ સુધી જૂનાં ગીતોનો કાર્યક્રમ ‘છાયાગીત’ પ્રસારીત થાય છે અને આકાશવાણીના ઉદઘોષકો તેની રજૂઆત કરે છે. વરસો જૂની આ પરંપરામાં અપવાદ કરીને આકાશવાણીના મુંબઈ કેન્દ્રે નલિનભાઈને ગાયક, સંગીતકાર પર એક શ્રેણી તૈયાર કરવાનું નિમંત્રણ આપ્યું, જેમાં લેખન ઉપરાંત રજૂઆત પણ તેમની જ હોય. ‘વિશેષ છાયાગીત’ શીર્ષકથી પ્રસારીત થયેલી આ શ્રેણીમાં કલાકારો પર કાર્યક્રમોની રજૂઆત તેમણે કરી, જે ખૂબ વખણાઈ.
એ જ રીતે તેમની લખેલી સ્ક્રીપ્ટ પરથી દૂરદર્શન પર ‘ગાતા જાયે બંજારા’ નામે ચાર હપ્તાની શ્રેણીનું નિર્માણ કરવામાં આવેલું, જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ કાકે કરેલું. જો કે, આ શ્રેણીમાં સિદ્ધાર્થ સ્ક્રીપ્ટને યોગ્ય ન્યાય ન આપી શક્યા હોવાનું અમારા સહિત ઘણાને લાગેલું.
નલિનભાઈ અમને મળ્યા ન હોત તો ચાલીસીના દાયકાના ખરા અર્થમાં હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનો આટલો ગાઢ પરિચય અમને આ રીતે કદાચ ન થાત અને અમે પણ સી.રામચન્દ્ર, શંકર જયકિશન, મદનમોહન, એસ.ડી.બર્મન કે ઓ.પી.નૈયર સુધી આવીને અટકી ગયા હોત.
ફિલ્મસંગીત સાથે સંકળાયેલા ઘણા લોકો સાથે તેમને ગાઢ અંગત સંબંધ હતો. મુંબઈના સંગીતપ્રેમી ડૉ. પ્રકાશ જોશીને ત્યાં થતા કલાકારોના મિલન ઉપરાંત દર વરસે એક વાર નલિનભાઈને ત્યાં કલાકારોનું અનૌપચારિક મિલન થતું, જે ઐતિહાસિક કહી શકાય એવું હતું. 
ડૉ. પ્રકાશ જોશીને ઘેર સ્નેહમિલનનું સંચાલન કરતા નલિન શાહ :
બેઠેલામાં વચ્ચે કલ્યાણજીભાઇ ડાબે હરીશ રઘુવંશી,
 જમણે મનોહર મહાજન 
આ મિલનમાં હાજરી આપનાર વ્યક્તિઓનાં નામ પરથી જ તેના મહત્વનો ખ્યાલ આવી શકશે. – અનિલ બિશ્વાસ, મીના કપૂર, પ્રદીપ, કમર જલાલાબાદી, ઈન્દીવર વગેરે.. આવી જ એક મહેફિલમાં રજનીભાઈને હાજર રહેવાનો મોકો મળ્યો હતો, જેના વિષે તેમણે પોતાના પુસ્તક ‘આપ કી પરછાઈયાં’ના ‘મહેફિલ કે બાદ ક્યા’ પ્રકરણમાં વિસ્તૃત રીતે લખ્યું છે. આ મહેફિલમાં બિનીત મોદી પણ હાજર રહેલો. દિલ્હી રહેતા અનિલ બિશ્વાસે પોતાની અમુક પ્રોપર્ટી માટેનો ‘પાવર ઓફ એટર્ની’ પણ નલિનભાઈને આપી રાખેલો. જો કે, કલાકારો સાથે અત્યંત અંગતપણે સંકળાયેલા નલિનભાઈ અવારનવાર કહેતા હોય છે, “કલાકારની કલાને માણવી. તેનો અંગત પરિચય કેળવશો તો દુ:ખી થશો, કેમ કે માણસ તરીકે એ કદાચ ઉતરતો પણ હોય.”
નલિનભાઈ અસલમાં એલ.આઈ.સી.ના કર્મચારી અને યુનિયનના નેતા, એટલે ભારત આખામાં તેમને ફરવાનું બનતું. એમના વ્યક્તિત્વને કારણે લોકો એમની સાથે સંપર્ક કરવા સામે ચાલીને આવે, જે એમને ગમે પણ ખરું. પણ સંપર્કો જાળવવામાં એ માને નહીં. અથવા તો એમને એવું ફાવે નહીં. એમનો અભિગમ પણ ‘આઈ ડોન્ટ કેર’ પ્રકારનો- અને એ દેખાડા પૂરતો નહીં, પણ સાચેસાચો. 
ગુરુ -ગુરુ દોનોં ખડે: નલિન શાહ અને રજનીકુમાર પંડ્યા 
એ અમદાવાદ આવતા, પણ અમદાવાદમાં એમના એલ.આઈ.સી. પૂરતા ગણ્યાગાંઠ્યા જ સંપર્કો હતા. અમને એ પત્રથી જણાવતા કે પોતે અમુક તારીખે અમદાવાદ આવવાના છે અને અમુક ગેસ્ટ હાઉસમાં ઉતરવાના છે. અમે એમને મળવા અમદાવાદ જઈએ, અને વાતો કરીએ. રજનીભાઈ સાથેય એમનો પરિચય હતો, બલ્કે મિત્રતા હતી. અને હવે તો આ બન્ને ગુરુઓ ભેગા થાય એ મિલનનો લહાવો લેવાની અમને આતુરતા હોય છે. 
મહેમદાવાદમાં મિલન: ડાબે પહેલા અરવિંદ દેસાઇ 'મહાબલિ' ,
ચંદ્રશેખર વૈદ્ય  જમણે પહેલા નલિન શાહ, બિનીત મોદી 
એ વખતે અરવિંદભાઈ દેસાઈના વડપણ હેઠળ શરૂ થયેલી ‘ગ્રામોફોન ક્લબ’ સાથે નલિનભાઈનો પરિચય થયો, અને નલિનભાઈ-અરવિંદભાઈની યુતિ બરાબર જામી. શરૂઆતમાં મહેશભાઈ શાહ અને ગીતાબેન શાહને ત્યાં અને પછી અરવિંદભાઈને ત્યાં જ નલિનભાઈનો ઉતારો હોય. અને અમારે પણ નલિનભાઈને મળવું હોય તો ત્યાં જ જવાનું. અરવિંદભાઈનું વ્યક્તિત્વ એટલું પ્રભાવક અને ગરવું કે રજનીભાઈએ એમનું નામ ‘મહાબલિ’ (‘મુઘલ-એ-આઝમ’માં  પૃથ્વીરાજ કપૂર માટે વપરાયેલું સંબોધન) પાડ્યું ત્યારે સૌએ એકમતે સ્વીકારી લીધેલું. નલિનભાઈએ ગ્રામોફોન ક્લબ માટે ઘણા કાર્યક્રમો તૈયાર કર્યા અને રજૂ કર્યા. આ કાર્યક્રમોની વિશેષતા એ હતી કે તેમાં કેવળ જૂનાં ગીતો સાંભળવાનું મનોરંજન મેળવીને છૂટા પડી જવાનું નહોતું, બલ્કે એમાં માહિતી, વિશ્લેષણ અને આસ્વાદનો સમન્વય રહેતો. શ્રોતાઓની ઉંચી રુચિ કેળવવામાં આવા કાર્યક્રમો ખાસ્સા મદદરૂપ બન્યા. એ રીતે અમદાવાદમાં પણ તેમની લોકપ્રિયતા સારી એવી થઈ. અમારા માટે આડલાભ એ થયો કે એમનું અમદાવાદ આવવાનું નિયમીત બનવા લાગ્યું, જેને કારણે મળવાનું નિયમીતપણે થતું રહ્યું. વચગાળામાં અમારો પત્રવ્યવહાર ચાલુ રહેતો. ગુજરાતીની જોડણી તેમને જરાય ન ફાવે, પણ ભાષાની અભિવ્યક્તિ તો એવી જ ધારદાર. એમની આગવી હ્યુમર પણ ઝળકે.
પત્રમાં ઝળકતી એમની શૈલી 
‘મહાબલિ’નો ઓચિંતો સ્વર્ગવાસ થયો ત્યારે નલિનભાઈને અમદાવાદનું પોતાનું સરનામું ખોવાઈ ગયું હોય એવું લાગેલું. જો કે, રંજનકાકી (શ્રીમતિ મહાબલિ)એ કદી એમ લાગવા દીધું નહીં અને એ જ ગરિમા સાથે સંબંધ જળવાયેલો રહ્યો. 
એમનાં પત્ની કિર્તીદાબેને ટૂંકી માંદગીમાં વિદાય લીધી ત્યારે અમને અમારું કોઈ સ્વજન ગુમાવ્યાની લાગણી થયેલી. અમદાવાદ આવવાનું થાય એટલે એક દિવસ મહેમદાવાદનો પણ કાર્યક્રમ નલિનભાઈનો હોય જ. મહેમદાવાદ આવે ત્યારે એમને કનુકાકા સાથે વધુ ફાવે, કેમ કે તંદુરસ્ત, સ્વસ્થ અને જીવંત હોય એવી કોઈ પણ વયસ્ક વ્યક્તિની તંદુરસ્તીનું રહસ્ય જાણવાનો એ પ્રયત્ન કરે. પણ છેલ્લા ચાર-પાંચ વરસથી એક નવો ધારો પડ્યો છે. એમને શિયાળો બહુ પસંદ છે. એટલે દર વરસે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન એ અવશ્ય મારે ત્યાં આવે અને એક અઠવાડિયું રોકાય. એ આવે એટલે અમારા ઘરનું વાતાવરણ જુદી રીતે જીવંત બની જાય. તેમને સવારે વહેલા ઉઠવાની ટેવ. એ જ સમય હોય ઈશાનને સ્કૂલે જવાનો. નલિનભાઈ એમની સાથે જાતજાતની સાધનસામગ્રી રાખે, જેમાં ચા બનાવવા માટેની ઈલેકટ્રીક કીટલી, ચાની પત્તી, મધ અને જાતજાતની ભેદી આઈટમો હોય. રોજ સવારે એ ગરમ પાણી સાથે મધ બનાવે- ત્રણ પ્યાલા ભરીને. એક પ્યાલો પોતાના માટે અને એક એક પ્યાલા શચિ તેમજ ઈશાન માટે. કદાચ છોકરાંને જાગવામાં પાંચ-દસ મિનીટ મોડું થાય તો એમની નજીકના ટેબલ પર જઈને ભરેલા પ્યાલા મૂકી દે. ક્યાં ‘આઈ ડોન્ટ કેર’નો પેલો દેખાતો અભિગમ અને ક્યાં આવી દરકાર!  
છોકરાંઓ સ્કૂલે જાય એટલે કામિની સાથે એમનો સત્સંગ શરૂ થાય. અવનવી વાનગીઓ, સલાડ, હેલ્થ ફૂડ વગેરે શી રીતે બનાવવાં, એ ખાવાથી શા લાભ થાય એવી બધી વાતોની સાથે સાથે એમની લાક્ષણિક હ્યુમર અને ઉર્દૂ શેરની પ્રસાદી પણ મળતી રહે. શેર બોલીને એ છૂટી ન જાય, પણ સમજાવેય ખરા. સૌથી છેલ્લો હું ઉઠું ત્યારે પાછો ચા-પાણી અને વાતોનો દૌર નવેસરથી ચાલુ થાય.
વડોદરામાં એમને લઈને ક્યાંક જઈ શકું એવાં ઠેકાણાં આમેય ઓછાં.
હોમાય વ્યારાવાલાની જીવનકથામાંથી પ્રશ્નો  પૂછતા. 
હા, એમને સૌથી વધુ આકર્ષણ હોમાયબેનની મુલાકાત લેવાનું હોય. એ બન્નેને વાત કરતા જોવા એ લ્હાવો છે. બન્નેને કાને ઓછું સંભળાય, અને અમારે એમની સાથે વાત કરવી હોય તો અમુક રીતે કાનની નજીક મોં લઈ જઈને બોલવું પડે. પણ એ બન્ને વાત કરે ત્યારે તદ્દન સહજતાથી વાત કરે, એક પણ ‘હેં?’ વગર. સામાન્ય સંજોગોમાં હોમાયબેનનાં ‘ડીસન્સી’નાં ધોરણો બહુ કડક, કોઈને ઝટ હળવામળવાનું એ પસંદ ન કરે. પણ એમને જોઈને હોમાયબેન રાજી થઈ જાય અને મૂડમાં આવી જાય. કહે પણ ખરાં, “એવા ઈન્ટેલીજન્ટ ‘માનસ’ સાથે વાત કરવાની મઝા આવે.” એમની વાતના વિષયો પણ અવનવા હોય. હોમાયબેનને ફિલ્મ સાથે ખાસ નિસ્બત નહીં, છતાં એમને નલિનભાઈ સાથે વાતો કરતાં જોવા લ્હાવો છે. આ ઉપરાંત મિત્ર પરેશ પ્રજાપતિના ઘરની મુલાકાત હોય જ. પણ એમાં હમણાં નવું, પણ મજબૂત ઠેકાણું ઉમેરાયું છે. એ છે અભિષેક અને તેજલનું ઘર. નલિનભાઈના મૂલ્યને પિછાણીને એમના બે એક વખત ઈન્ટરવ્યૂ પણ વડોદરા વિવિધભારતી પર લેવાયા છે, જેમાં અભિષેકનો સક્રિય ફાળો છે. અલબત્ત, તત્કાલીન સહાયક નિદેશક ડૉ. યજ્ઞેશ દવેનું કાયમી નિમંત્રણ તો ખરું જ. આકાશવાણીના ઈન્ટરવ્યૂ માટે રેડિયો સ્ટેશન જવાની સાથે સાથે અભિષેક અને તેજલની યજમાનગીરીનું પેકેજ હવે તો અનિવાર્ય બની ગયું છે. મુંબઈનો મિત્ર અજિંક્ય સંપટ નલિનભાઈની ટેકનિકલ જરૂરીયાત, ઉપરાંત નાનીમોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. એ રીતે જાણે અમે જ મુંબઈમાં એમની સાથે હોઈએ એવી અમને લાગણી થયા કરે છે. અમદાવાદમાં બિનીત મોદી તો તેમને ઘણે ઠેકાણે લઈને ફર્યો છે.  આવાં ઠેકાણાં થકી જ અમે ભેગા થઈને નલિનભાઈને પુસ્તક આપવા માટે દબાણ કરીએ છીએ.
મુંબઈમાં એમના દીકરા હેમલ સાથે એ રહે છે. નલિનભાઈનાં દીકરી અમૃતા શાહનું નામ અંગ્રેજી પત્રકારત્વમાં બહુ આદરથી લેવાય છે. તેમણે લખેલી ડૉ. વિક્રમ સારાભાઈની જીવનકથા ખૂબ પ્રશંસા પામી છે. તો હાલ એ અમદાવાદ વિષે એક પુસ્તક લખી રહ્યાં છે. નલિનભાઈ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવા માટે લાંબો સમય ઉદાસીન રહ્યા ત્યારે અમૃતાબેને છેવટે અમને ‘સોપારી’ આપતાં કહેલું, “તમારો એ વિષય છે, એટલે તમે એને સરખાં કરી આપો. એને પ્રકાશિત કરાવવાની જવાબદારી હું લઈશ. પપ્પાને હવે પૂછવાની જરૂર નથી.”
નલિનભાઈના ફિલ્મ સંગીતવિષયક ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમોનો એક આગવો ચાહકવર્ગ છે. મુંબઈ ઉપરાંત દિલ્હી, જયપુર જેવાં શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહે છે. વિદેશમાં પણ તે કાર્યક્રમ આપી આવ્યા છે. એમના લોકપ્રિય કાર્યક્રમોમાં 'સરગમ કા સફર' ઉપરાંત સાયગલસાબ વિશેના તથા વિવિધ સંગીતકારો પરના કાર્યક્રમોનો સમાવેશ થાય છે જે અગાઉ જણાવ્યું જેમ માત્ર મનોરંજનલક્ષી ન બની રહેતાં માહિતી વિશ્લેષણ અને આસ્વાદના સમન્વય જેવા હોય છે. 
એક વાચક-લેખક તરીકેના આરંભાયેલા સંબંધને આજે બબ્બે દાયકા વીત્યા પછી આવું પારિવારિક પરિમાણ સાંપડ્યું છે, એથી મોટી ઉપલબ્ધિ શી હોઈ શકે? એમના ઘણા ગુણોને અમે ગુરુપદે રાખ્યા છે.
અમારા જેવા ઘણાની ઈચ્છા, બલ્કે મહેચ્છા છે કે તેમનાં લખાણો ગ્રંથસ્થ થાય. પણ હવે આનંદના સમાચાર આવી રહ્યા છે. કાનપુરના હરમંદિરસિંઘ ‘હમરાઝે’ પોતે આ લખાણો પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાની તૈયારી બતાવી છે. નલિનભાઈએ પુસ્તક માટે તેનું પુનર્લેખન પૂરું કરી દીધું છે અને ‘હમરાઝ’ પોતે જ તે કમ્પ્યુટર પર લખી રહ્યા છે. આમ તો, કુલ બે પુસ્તક થઈ શકે એટલી અને એવી સામગ્રી છે. એક પુસ્તકમાં તેમણે લખેલા ગાયક, સંગીતકાર, અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા વગેરેને લગતી વાતો, કિસ્સા અને એ સંબંધી લેખ આવી શકે, જ્યારે બીજા પુસ્તકમાં ફક્ત સંગીતકારો વિષેના લેખ હોય.
નલિનભાઈ સાથેની વાતો, અનુભવો અને યાદગાર કિસ્સાઓ હજી ઘણા છે, એ ક્યારેક લખવાની ઈચ્છા છે જ. આજે છઠ્ઠી ડિસેમ્બરે નલિન શાહ ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે એમને સ્વસ્થ જીવનની શુભકામનાની સાથે સાથે આપણને એમનાં લખેલાં ફિલ્મસંગીતવિષયક પુસ્તકો ઝડપથી મળે એવી અપેક્ષા પણ રાખવી વધુ પડતી ન ગણાય. તેમને શુભેચ્છા પાઠવવા ઈચ્છનાર મિત્રો તેમનો સંપર્ક 98200 74811 કે 99206 77209 પર કરી શકે.

Friday, November 18, 2011

હરમંદિરસીંઘ ‘હમરાઝ’: ફિલ્મી ગીતગંગાનું ગીતકોશમાં અવતરણ કરનાર ભગીરથ


“ છોડ ગયે બાલમ, મુઝે હાયે અકેલા છોડ ગયે- ગીત કઇ ફિલ્મનું છે?”
“ લગભગ ‘આવારા’નું.”
“ના, મને ખ્યાલ છે ત્યાં સુધી એ ‘બરસાત’નું છે.”
આવા અતિ પ્રસિદ્ધ ગીતની ફિલ્મ જાણવા માટેય હજી એંસી-નેવુંના દાયકા સુધી આ પરિસ્થિતિ હતી. આનો જવાબ મેળવવા માટે કાં ફિલ્મ જોવી પડે કે પછી રેડિયો પર એ વગાડાય એની રાહ જોવી પડે. તો શું એવું કોઇ સંદર્ભપુસ્તક નથી કે જેમાંથી આપણે ઇચ્છીએ એ ગીતની વિગત કે કોઇ પણ માહિતી સાચી રીતે મળી શકે?
કળિયુગના ભગીરથ 
હિન્દી ફિલ્મસંગીતના અનેક ચાહકોની જેમ આવી મૂંઝવણ કાનપુર (ઉત્તર પ્રદેશ) માં રહેતા સોળ સત્તર વરસના એક જુવાનિયા હરમંદિરસીંઘ સચદેવને પણ થયેલી. રેડિયો સિલોન/Radio Ceylon ની જબરદસ્ત લોકપ્રિયતાના એ યુગમાં તેના પરથી પ્રસારિત થતા હિંદી ગીતોને લગતા વૈવિધ્યસભર ઉચ્ચ રુચિના કાર્યક્રમો લાખો શ્રોતાઓ એકકાને સાંભળતા. આવો જ એક વિશિષ્ટ કાર્યક્રમ હતો દર રવિવારે સાંજે પ્રસારિત થતો ‘વાક્ય ગીતાંજલિ’. તેમાં અપાતી કોઇ પંક્તિના દરેક શબ્દથી શરૂ થતું ગીત શ્રોતાઓએ પંદર દિવસની અવધિમાં મોકલવાનું રહેતું. રેડિયો સિલોનના અસંખ્ય શ્રોતાઓની જેમ હરમંદિરસીંઘ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેતો. કાર્યક્રમને અંતે સાચાં ગીતો મોકલનાર શ્રોતાઓનાં નામ બોલાય ત્યારેય હરમંદિરનું ધ્યાન પોતાનું નામ સાંભળવા કરતાં પોતે મોકલેલાં ગીતો સાચાં છે કે નહીં તેની પર જ રહેતું. ક્યારેક કોઇ અઘરા શબ્દ પરથી ગીત યાદ ન આવે ત્યારે મનમાં ચચરાટીયે થતી. છેવટે તેણે આના ઉકેલરૂપે એક સીધીસાદી, સરળ પદ્ધતિ અપનાવી. એક નોટબુક લઇને એમાં અકારાદિ ક્રમ મુજબ ગીતો નોંધવાનું શરૂ કર્યું, જેથી વાક્ય ગીતાંજલિમાં ભાગ લેવા માટે જરૂરી શબ્દ મુજબનું ગીત શોધવામાં સરળતા રહે.
હતી તો આ સાવ નાનકડી ચેષ્ટા, પણ હરમંદિરના સંગીતપ્રેમની, ફિલ્મી ગીતો તરફના અદમ્ય લગાવની એ પરિચાયક હતી. ક્યાંથી પ્રગટ્યો હતો તેનામાં આવો સંગીતપ્રેમ?
****        ****        ****
પિતા સરદાર સુમેરસીંઘ અને માતા સુરીન્દર કૌરનાં ચાર સંતાનો- મહિન્દર કૌર, જનકરાજસીંઘ, હરમંદિરસીંઘ અને સતનામ કૌર- માં ૧૮મી નવેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલો હરમંદિર ત્રીજા નંબરનો. માતા સુરીન્દર કૌર અને તેમનીય માતા રૂપ કૌર તો સંગીતનાં જાણકાર હતાં. માતાએ સંગીતમાં ડીગ્રી પણ મેળવેલી. સુરીન્દર કૌરનાં લગ્ન મૂળ પાકિસ્તાનના ખુશઆબના સરદાર સુમેરસીંઘ સાથે થયેલા, અને લગ્ન કરીને તેઓ શરૂઆતમાં મુંબઇ અને ત્યાર પછી કાનપુરમાં સ્થાયી થયેલા. ઘરગૃહસ્થીમાંથી સમય કાઢીનેય સુરીન્દર કૌર ક્યારેક હારમોનિયમ લઇને ભજન, શબદ કે હળવાં ગીતો ગાવા બેસી જતાં. નાનકડો હરમંદિર માતાની સન્મુખ આવીને બેસી જતો અને માના મધુર કંઠનું એકચિત્તે પાન કરતો. હરમંદિરની સંગીતપ્રિતીની જે ગણો એ આ પૃષ્ઠભૂમિ. આ ઉપરાંત લાઉડસ્પીકર પર મોટેથી વાગતાં ગીતો સાંભળવા તેને ગમતાં. મેટ્રીકમાં આવ્યો ત્યાં સુધીમાં તો હરમંદિરને રેડિયો પરથી ગીતો સાંભળવાનો નાદ બરાબરનો લાગી ગયો હતો. તેને વધુ આકર્ષણ હતું પચાસના દાયકા સુધીનાં ગીતોનું. જેના પરિણામસ્વરૂપ તેણે નોટબુકમાં ગીતો નોંધવાનું શરૂ કર્યું હતું. હરમંદિરસીંઘ સચદેવને અંદાજ સુદ્ધાં નહોતો કે સાવ સામાન્ય ગણાતી એ નોટબુક હિન્દી ફિલ્મી ગીતોના ઇતિહાસની વિરાટ ઇમારતના પાયાના પહેલા પથ્થર સમાન બની રહેવાની છે!
હમરાઝ 
નાનકડી નોટબુકથી શરૂ કરેલી યાદી લંબાતી ગઇ અને ધીમે ધીમે હરમંદિરને લાગ્યું કે અત્યાર સુધી બનેલાં તમામ ફિલ્મી તેમજ બિનફિલ્મી ગીતોનું સંકલન કરવું જોઇએ. પણ માહિતી મળે ક્યાંથી? મળે તો એને શી રીતે ગોઠવવી? કેમ કે, આવું કોઇ સંકલન અગાઉ થયાનું જાણમાં નહોતું. હરમંદિરસીંઘ જૂન,૧૯૭૨માં વિજ્ઞાનના સ્નાતક થયા એ પછીને મહિને જ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી મળી ગઇ. આર્થિક સ્વાવલંબનનો પ્રશ્ન રહ્યો નહીં. તેથી હરમંદિરે આ કાર્ય અંગે પૂરેપૂરી ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. જો કે, તેઓ કહે છે, “ એને અજ્ઞાનતાનો આશીર્વાદ કહી શકાય. મને આ કામમાં કેટલો સમય અને શક્તિ વપરાશે એ તો ઠીક, કામના જથ્થાનો સુદ્ધાં અંદાજ નહોતો, નહીંતર મેં આ કામ શરૂ કરવાની હિંમત કરી હોત કે કેમ એ સવાલ છે.”
તેમણે ૧૯૩૧માં બનેલી સૌ પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’થી લઇને છેક ૧૯૭૦ સુધીમાં બનેલી ફિલ્મોનાં તમામ ગીતોની સૂચિ આપતું પુસ્તક તૈયાર કરવાનો મનસૂબો ઘડ્યો. નવાઇની વાત એ હતી કે ફિલ્મ સાથે સંકળાયેલા સરકારના કોઇ એકમને કે ‘ફિલ્મ ઉદ્યોગ’ના કોઇ જણને આ વાત સૂઝી નહોતી. દસ્તાવેજીકરણ તો ઠીક, ફિલ્મઉદ્યોગ શરૂ થયાને ચાર દાયકા માંડ થયા હતા અને અનેક કલાકારો, ફિલ્મો કે તેને લગતી વિગતો દુર્લભ બનવા લાગી હતી. હરમંદિરના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે એકલપંડે આ કામ શક્ય નહોતું. બલ્કે આ કામ માટે દેશભરમાં પથરાયેલા અનેકાનેક સંગીતપ્રેમીઓ, સંગ્રાહકો ઉપરાંત સંબંધિત કલાકારો પાસેથી માહિતી મળી શકે તો જ પોતે ઇચ્છે છે એવું સંકલન તૈયાર થઇ શકે. અને એક વાર જો આવું સંકલન તૈયાર થાય તો...? ‘તો’ ના અનેક જવાબો હોઇ શકે. હિન્દી ફિલ્મઉદ્યોગના ગીતોના ઇતિહાસકાર તરીકે પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાઇ જાય. કોઇ ધંધાદારી પ્રકાશક આ આખીય યોજનાના પ્રકાશનની જવાબદારી ઉપાડી લે તો માલામાલ થઇ જવાય એટલી નકલો તેની ખપી જાય. કેમ કે, દેશ આખાના સંગીતપ્રેમીઓ ઉપરાંત તમામ રેડિયો સ્ટેશન, ફિલ્મ પત્રકારત્વ તેમજ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો માટે આવો સંદર્ભગ્રંથ અનિવાર્ય બની રહે. પણ હરમંદિરના મનમાં ‘તો’નો જવાબ એક જ હતો કે આવું પુસ્તક તૈયાર થાય તો તેના થકી કોઇ પણ સંગીતપ્રેમીને ગમતા ગીતની માહિતી હાથવગી થઇ જાય. કેમ કે, તેનો મૂળભૂત જીવ સંગીતપ્રેમીનો હતો.
આ કામના આરંભ માટે સૌ પ્રથમ જરૂર હતી દેશભરના સંગીતપ્રેમીઓ તેમજ વિવિધ નગરોમાં રચાયેલા રેડિયો શ્રોતાસંઘો સાથે સંપર્કસૂત્રથી જોડાવાની, જે માટેનું અસરકારક અને પ્રચલિત માધ્યમ હતું પત્રિકા શરૂ કરવાનું. ઓક્ટોબર, ૧૯૭૧માં આવી પહેલવહેલી માસિક પત્રિકા ‘રેડિયો ન્યુઝ’નો આરંભ કરવામાં આવ્યો. આ અગાઉ ૮મી જૂન, ૧૯૭૧ના રોજ રેડિયો સિલોન પરના ‘ભૂલેબીસરે ગીત’ કાર્યક્રમમાં ઉદઘોષક મનોહર મહાજન/ Manohar Mahajan દ્વારા અપીલ જારી કરવામાં આવી હતી કે એક શ્રોતા હરમંદિરસીંઘ સચદેવ ૧૯૩૧ થી ૧૯૭૧ સુધીનાં તમામ ફિલ્મી-બિનફિલ્મી ગીતોનો સંગ્રહ ધરાવતા ગ્રંથ તૈયાર કરવા ઇચ્છે છે, અને શ્રોતાઓ પાસેથી માહિતીના સહકારની અપેક્ષા છે.
‘રેડિયો ન્યુઝ/ Radio News’ પત્રિકાના મે-જૂન-જુલાઇ ’૭૨ ના અંકમાં આ અપીલ સૌ પ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવી. હરમંદિરસીંઘ સચદેવ એટલે કે હરમંદિરસીંઘ ‘હમરાઝ’ દ્વારા એક એવા ઐતિહાસીક મહાકાર્યનો આ આરંભ હતો કે જે ક્યારે અને કેવી રીતે સંપન્ન થશે એની તેમને ખુદને ખબર નહોતી.
ચાલીસ વરસથી એકધારું સંપર્કસૂત્ર બની રહેલું 'એલ.બી.' 
જૂન-જુલાઇ’૭૩ના અંકથી ‘રેડિયો ન્યુઝ’ પત્રિકાનું  ‘લિસ્નર્સ બુલેટીન/ Listeners' Bulletin’ તરીકે પોસ્ટ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. આશ્ચર્ય લાગે એવી બાબત એ છે કે ફિલ્મને લગતાં ભલભલાં સામયિકો ચાલુ થઇને બંધ થઇ ગયાં છે, જ્યારે ચચ્ચાર દાયકા છતાં આજેય આ ત્રિમાસિક પત્રિકાનું પ્રકાશન જારી છે. સાવ મામૂલી લવાજમમાં આ છ-આઠ પાનાંની પત્રિકા જે રીતે અધિકૃત, સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર માહિતી ઠસોઠસ પીરસે છે એ જોઇને ભલે ચવાઇ ગયેલી પણ ‘ગાગરમાં સાગર’ સિવાય બીજી કોઇ ઉપમા યાદ આવે નહીં. આ પત્રિકા ‘લીસ્નર્સ બુલેટીન’ વિષે અહીં વિસ્તૃત લખવાની ઈચ્છા છે જ.
‘લીસ્નર્સ બુલેટીન’નું માધ્યમ બહુ અસરકારક બની રહ્યું અને તેના થકી સંગીતપ્રેમીઓ ગીતકોશની ગતિવિધીઓની જાણકારી મેળવતા રહ્યા. ગીતકોશમાં સાલવાર, કક્કાવારી મુજબ દરેક ફિલ્મની વિગત જેમ કે- તેનો પ્રકાર (સામાજિક, સ્ટન્ટ, હાસ્ય, વેશભૂષાપ્રધાન વગેરે), નિર્માતા, નિર્દેશક, કલાકારો, સંગીતકાર, દરેક ગીતની પ્રથમ પંક્તિ, તેના ગાયકો અને ગીતકાર, રેકોર્ડ નંબર તેમજ અન્ય વિશેષ જાણકારી સમાવવાનો ઉપક્રમ હતો. ‘માધુરી/ Madhuri’, ‘સ્ક્રીન/Screen’ જેવાં ફિલ્મી સામયિકોમાં પણ મદદ માટેની અપીલ તેમણે પ્રકાશિત કરાવી. રેડિયો સિલોનના સત્તાવાળાઓએ તો વારંવાર આ અપીલ પ્રસારીત કરી. આ કાર્યમાં સહાયરૂપ થવા બદલ કશું આર્થિક વળતર કોઇને મળવાનું નહોતું. બલ્કે તેને મોકલવાનો ખરચોય જાતે જ વેંઢારવાનો હતો. કેમ કે, હરમંદિરસીંઘે તો આ કોશ પ્રકાશિત કરવા માટેય રીતસરની ટહેલ નાંખવી પડી હતી. હા, તેમણે એટલી ખાતરી આપી હતી કે પોતે જે તે સામગ્રીનો ઉપયોગ કરીને સાચવીને મૂળ માલિકને પરત કરશે. આ અપીલના પ્રતિસાદરૂપે સામગ્રીનો ધોધ વછૂટ્યો. હરમંદિરસીંઘને કદી મળ્યાય ન હોય એવા એવા સંગીતપ્રેમીઓએ ઉદારતાપૂર્વક પોતાનો ખજાનો આ પાવનકાર્ય માટે ખુલ્લો મૂકી દીધો.  
એક માહિતીયાત્રા દરમ્યાન: (વચ્ચે) હમરાઝ,  તેમની ડાબે
રજનીકુમાર પંડ્યા અને છેક જમણે ઇન્દુકુમાર પંડ્યા 
ઉજ્જૈન નજીકના નરવર ગામના વીરભદ્રસિંહ ઝાલા નામના એક સજ્જન પોતે સ્વતંત્ર રીતે ૧૯૬૨થી ૧૯૭૩ની ફિલ્મોનું સંકલનકાર્ય આ જ પ્રકારે કરી રહ્યા હતા. તેમણે શું કર્યું? પતરાંની ત્રણ મોટી ટ્રંકમાં પોતે કરેલું તમામ કામ અને સામગ્રી ભરીને ઉપડ્યા કાનપુર અને હાથોહાથ હરમંદિરસીંઘને સુપરત કરી. કશા વળતરની અપેક્ષા તો ઠીક, આભારના બે શબ્દો સાંભળવા પૂરતાય રોકાયા નહીં. જાણે કે એક મહાયજ્ઞમાં અર્ઘ્ય સમર્પીને પોતે ઉપકૃત ન થતા હોય!
કેકડી(રાજસ્થાન)ના રતનલાલ કટારિયાએ પોતાના પિતાજીએ એકઠી કરેલી ત્રીસીના દાયકાની ભારતીય ફિલ્મોને લગતી અસંખ્ય દુર્લભ માહિતી પત્રિકાઓ અને અન્ય સામગ્રી ‘હમરાઝ’ને હવાલે કરી દીધી. બદલામાં અપેક્ષા? એનો સદુપયોગ થાય એટલી જ. આગ્રાના વિજયસિંહ ચંદેલ, પતીયાલાના એન. ડી. પ્રકાશ ‘પટીયાલવી’, દિલ્હીના ભીમરાજ ગર્ગ જેવા અનેક ઉદારદિલ સજ્જનોએ ઢગલાબંધ માહિતી મોકલી આપી. ઘણા સંગીતપ્રેમીઓએ પણ કૃપણતા દાખવી, તો કલાકારો તરફથીય વિપરીત અનુભવો થયા. આવા અનુભવો તેમણે ‘લીસ્નર્સ બુલેટીન’માં સમયાંતરે આલેખ્યા છે, જેમાંથી પસાર થવું કોઈ પણ સંગીતપ્રેમી માટે અનેરો લ્હાવો છે.  
ખંડ-૧ના વિમોચન પ્રસંગે નૌશાદ સાથે 
ઘણા કલાકારોએ રૂબરૂ મળવાની જ ના પાડી દીધી. અમુક કલાકારો મળ્યા, પણ માહિતી આપવાની ના પાડી દીધી. છતાં જે સામગ્રી પ્રાપ્ત થઇ તેમજ સંગીતપ્રેમીઓના સૂચનો મળ્યા એના આધારે એક વાત નક્કી થઇ શકી કે બિનફિલ્મી ગીતોનો સમાવેશ પડતો મૂકવો. ગીતકોશને દાયકા મુજબ વિભાજીત કરી દેવા અને એમાં સૌ પ્રથમ પ્રકાશન ખંડ-૩ (૧૯૫૧ થી ૧૯૬૦)નું કરવું. ‘લીસ્નર્સ બુલેટિન’માં જે ફિલ્મોની માહિતી ખૂટતી હતી તેની યાદી વારંવાર આપવામાં આવી. ખૂટતી માહિતી એકઠી કરવા માટે મુંબઇ- પૂના-ઇન્દોર- બીકાનેર જેવાં સ્થળોએ રૂબરૂ જવું જરૂરી લાગ્યું, તો ત્યાં પણ હરમંદિરસીંઘ ગાંઠના ખર્ચે ગયા. સંગીતપ્રેમીઓએ તેમને આવકાર્યા, યથાયોગ્ય સહકાર પણ આપ્યો. મુંબઇ અને પૂનામાં અનેક સંગીતપ્રેમીઓ, કલાકારોને મળીને જરૂરી માહિતી એકઠી કરતાં અનેક ખાટામીઠા અનુભવો થયા. કોઇકે સહકાર આપવાની ખાતરી આપી, અને છેલ્લી ઘડીએ ફરી ગયા. એક સંગીતકારે તો પૂછ્યું, “આ ગ્રંથમાં મારું નામ વારંવાર આવશે. તો તમે મને કેટલી રોયલ્ટી આપશો?” મનમાં ધમધમાટી થઇ ગઇ છતાં ‘હમરાઝે’ ઠંડકથી કહ્યું, “ એમ હોય તો આપણે તાનસેનના વારસોનેય રોયલ્ટી ચૂકવવી પડે.”  
હીન્દી ફિલ્મ ગીતકોશ-૩ 
‘હમરાઝ’ની નજર સામે એક જ લક્ષ હતું કે કોઇ પણ રીતે ગીતકોશ તૈયાર કરીને સંગીતપ્રેમીઓ સમક્ષ મૂકવો. આખરે નવ-દસ વરસની જહેમતને અંતે ખંડ-૩ તૈયાર થયો. તેના પ્રકાશન માટે એક પ્રકાશકને હસ્તપ્રત દેખાડી, પણ આ ગ્રંથની સામગ્રી તેના સમજણપ્રદેશની સીમા બહારની હતી. છેવટે કાનપુરની એલ્ગીન મીલમાં એકાઉન્ટીંગ વિભાગમાં નોકરી કરતા હરમંદિરના પિતાજીએ આ પડકાર ઝીલ્યો. સંગીતપ્રેમીઓએ પણ નાણાંકીય સહાય કરી. જેમ તેમ ખર્ચનો જોગ થયો અને ૧૯૮૦ના મેમાં હીન્દી ફિલ્મ ગીતકોશ/ Hindi Film Geet Kosh ખંડ -૩ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના વરસોની તમામ (કુલ ૧૧૬૩) ફિલ્મોનાં ગીતોની વિગતો સામેલ હતી. આવું અભૂતપૂર્વ અને યશોદાયી કામ પોતાના નામે ચડતું હોવા છતાં એક સાચા જીજ્ઞાસુ તેમજ સંશોધકને છાજે એમ જ્યાં માહિતી મળી શકી ન હતી, ત્યાં ખાલી જગા છોડવામાં આવી હતી,જેથી કોઇ સંગીતપ્રેમીને ગમે ત્યારે એ માહિતી મળે તો ત્યાં લખી શકે, 
ખંડ-૫નું વિમોચન
સંગીતકાર સુધીર ફડકેના  હસ્તે 
એટલું જ નહીં, તેની જાણકારી પણ પોતાને મોકલવાની વિનંતી કરવામાં આવી હતી. અત્યાર સુધી હિંદી ફિલ્મોને લગતી વિગતોની જાણકારી આપવાનો વ્યવસ્થિત પ્રયત્ન ફિરોઝ રંગૂનવાલા/ Firoze Rangoonwala ના પુસ્તક ‘ઇન્ડીયન ફિલ્મોગ્રાફી/ Indian Filmography’ દ્વારા જ થયો હતો, પણ તેમાં ગીતસંગીતની વિગતો નહોતી. એ રીતે ફિલ્મોનાં ગીતો તેમજ તેના કલાકારો વિષે અધિકૃત માહિતી આપતો પહેલવહેલો ગ્રંથ ‘ગીતકોશ’ બની રહ્યો. જો કે, પ્રસિદ્ધીના અભાવને લઇને તેની નોંધ જોઇએ એવી લેવાઇ નહીં. આ ગીતકોશના એક પાનાની ઝલક જોવાથી તેના  કામ અંગે અંદાજ આવી શકશે. 
ગીતકોશમાં ગીતોની  માહિતી આ રીતે પીરસાઈ છે. 
 આ ગ્રંથ થકી એક એવો રાજમાર્ગ ખૂલ્યો હતો કે જેમાંથી ભવિષ્યમાં અનેક નાનીનાની સંગીતકેડીઓ નીકળી શકે એમ હતી. એટલે કે કોઇ એક ગાયક,ગીતકાર કે સંગીતકારના ગીતોના ચાહકો ઇચ્છે તો આમાંથી એવું અલાયદું સંકલન આસાનીથી કરી શકે એમ હતું. સુરતના સંશોધક હરીશ રઘુવંશીએ ૧૯૮૫માં કોઇ પણ એક ગાયકના ગીતોનો સર્વપ્રથમ સંગ્રહ ‘મુકેશ ગીતકોશ/Mukesh Geet Kosh’ કર્યો પણ ખરો. આજે તો એ દિશામાં ઘણું કામ થયું છે.
યાત્રાનો હજી તો આરંભ હતો. સંગીતપ્રેમીઓએ ગીતકોશને ઉમળકાભેર આવકાર આપ્યો અને બાકીના ખંડ માટે ઉત્સાહભેર સહયોગ આપવાની ખાતરી આપી. એકઠી થયેલી માહિતીને આધારે હવે ખંડ-૨ (૧૯૪૧થી ૧૯૫૦)નું આયોજન શરૂ થયું.
હીન્દી ફિલ્મ ગીતકોશ-૨ 
 ફરી એક વાર ખૂટતી માહિતી એકત્ર કરવા માટે શરૂ થયો પ્રવાસોનો દૌર અને ફરી વાર ખાટામીઠા અનુભવો. માધુલાલ માસ્ટર/ Madhulal Master જેવા ત્રીસીના દાયકાના સંગીતકાર સાવ ઉપેક્ષિત દશામાં જીવન ગુજારતા હતા. તેમને મળવા ‘હમરાઝ’ ગયા ત્યારે માધુલાલના માનવામાં ન આવ્યું કે કોઇ વ્યક્તિ તેમની ફિલ્મોની માહિતી લેવા આવી છે. તેમણે કહ્યું, “ મુંબઇના લોકોએ તો મને કચરાપેટીમાં ફેંકી દીધો હતો, પણ તમે મને સજાવીને પાછો ડ્રોઇંગ રૂમમાં બેસાડ્યો.”  અમુક માહિતી એવી હતી કે આ યુગના કલાકારો પોતે વીસરી ગયા હતા. બોલતી ફિલ્મોની સૌ પ્રથમ હીરોઇન ઝુબેદા/ Zubeida ના એક પગનો ઘૂંટણથી નીચેનો ભાગ ગેંગ્રીનને કારણે કાપી નાંખવો પડ્યો હતો. તેઓ પથારીવશ હોવાથી મળવાની ચોખ્ખી ના ભણી દીધી. પણ ‘હમરાઝે’ ગીતકોશની સાથે ‘આલમઆરા/Alam ara’ની બુકલેટ તેમને મોકલાવી એટલે તરત જ મુલાકાત આપી, જે દોઢ કલાક ચાલી. વિખ્યાત ગાયિકા ઝોહરાબાઇ અંબાલાવાલી/ Zohrabai Ambalawali ને એક ગીત ‘તુમ્હારી જાનેતમન્ના સલામ કરતી હૈ’ (ફિલ્મ: લૈલા મજનૂ) વિશે પૂછવામાં આવ્યું તો સ્મૃતિ પર જોર દઇને તેમણે કહ્યું કે એવું ગીત પોતે કદાચ ગાયું હતું ખરું. પણ તેમને ગાયિકા રાજકુમારીનો તેમજ સંગીતકાર નૌશાદનો હવાલો આપીને કહેવામાં આવ્યું કે એ ગીત ઝીનત બેગમે/ Zeenat Begum ગાયું હોવાનું તેઓ કહે છે. આ સાંભળીને ઝોહરાબાઇ તરત બોલી ઉઠ્યાં, “તો પછી એ લોકો કહે એ બરાબર હશે.” અંગ્રેજીમાં જેને ‘ફ્રોમ ધ હોર્સીસ માઉથ’ કહે છે, એવી રીતે મળેલી પ્રથમદર્શી માહિતીમાં પણ આ દશા હતી. મુંબઇમાં જ રહેતા ફિલ્મસંગીત ઇતિહાસકાર નલિન શાહે અનેક કલાકારોને વારંવાર મળીને કેટલીય માહિતી એકઠી કરી અને મોકલાવી. એ જ રીતે કેટલાય સંગ્રાહકોએ પોતાની પાસેની ફિલ્મોની બુકલેટ્સ માહિતી માટે મોકલી આપી. મુદ્રણકાર્ય ચાલુ થયા પછી પણ માહિતી સતત આવતી રહી. 
હીન્દી ફિલ્મ ગીતકોશ-૪ 
પરિણામસ્વરૂપ ખંડ-૨ નું પ્રકાશન ૧૯૮૪માં થયું. આના જ પગલે ૧૯૮૬માં ખંડ-૪ (૧૯૬૧થી ૧૯૭૦ સુધીની ફિલ્મોનાં ગીતો), ૧૯૮૮માં ૧૯૩૧થી ૧૯૪૦ સુધીની ફિલ્મોનાં ગીતો ધરાવતા ખંડ-૧નું પ્રકાશન હરમંદિરસીંઘે કર્યું. અનિલ બિશ્વાસ, નૌશાદ જેવા સંગીતકારો તેમજ અન્ય પ્રતિષ્ઠીત ફિલ્મી હસ્તીઓના મનમાં ‘હમરાઝ’ની એક શાખ બંધાઇ હતી, પણ પ્રકાશન તો ‘હમરાઝે’ ગાંઠના ખર્ચે જ કરવું પડ્યું. આમ, પહેલાં શ્રોતા, પછી સંપાદક, ત્યાર પછી પ્રકાશક, અને છેવટે વિક્રેતાની ભૂમિકા પણ હરમંદિરસીંઘે સફળતાપૂર્વક ભજવી. તેમની પોતાની રૂચિ ૧૯૭૦ સુધીના ગીત-સંગીત પૂરતી જ હતી, પણ આ પ્રકારના દસ્તાવેજીકરણનું કામ શરૂ થયું જ છે, તો તે ચાલુ રહેવું જોઇએ, એવી લાગણી મોટા ભાગના સંગીતરસિકોની હતી. નાગપુરના સંગીતપ્રેમી વિશ્વનાથ ચેટર્જીએ પોતે આ કામ આગળ વધારવાનું બીડું ઝડપ્યું, જે આગલા ચાર ગીતકોશની જ કડીરૂપે હતું. ૧૯૯૧માં ખંડ-૫નું પ્રકાશન થયું, જેમાં ૧૯૭૧થી ૧૯૮૦ના દાયકાનાં ગીતોનો સમાવેશ થતો હતો.
હીન્દી ફિલ્મ ગીતકોશ-૧ 
હીન્દી ફિલ્મ ગીતકોશ-૫ 
 આ તમામ ગીતકોશોના પ્રકાશનને લઇને પહેલવહેલી વખત હિંદી ફિલ્મો તેમજ તેનાં ગીતો વિશે નક્કર આંકડાકીય માહિતી લોકો સમક્ષ આવી. એ સાથે જ કેટલીય દંતકથાઓ આપમેળે કપોળકલ્પના સાબિત થઇ. લતા મંગેશકરે પચીસ હજાર ગીતો ગાયાં હોવાની વાયકા એ હદે પ્રચલિત બનેલી કે ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ/Guiness Book Of World Records’માંય તેની નોંધ લેવાઇ ચૂકી હતી. પણ ગીતકોશ થકી ખબર પડી કે ૧૯૩૧માં બોલતી ફિલ્મનો આરંભ થયો ત્યારથી ૧૯૮૦ સુધીનાં કુલ ગીતોની સંખ્યા જ ૪૫,૦૦૦ જેટલી હતી, જેમાં સૌથી વધુ ગીતો આશા ભોંસલેના નામે બોલે છે,જેની સંખ્યા દસેક હજારની આસપાસ છે. ત્યાર પછી છેક હમણાં ઓક્ટોબર, ૨૦૧૧માં આશા ભોંસલેના નામે આ અધિકૃત રેકોર્ડ ગિનેસ બુકમાં દાખલ કરવામાં આવ્યો.
અમૂલ્ય ખજાના જેવા આ પાંચ ગીતકોશ તો પ્રકાશિત થઇ ગયા અને પ્રમાણમાં કિફાયત કહેવાય એવી કિંમતે સંગીતપ્રેમીઓ માટે ઉપલબ્ધ થયા. હરમંદિરસીંઘ માટે તો આ પોતે જોયેલા સ્વપ્નની જ પરિપૂર્તિ હતી, જેને સાકાર કરવા માટે તેમણે કશાય સ્વાર્થ વિના પોતાના જીવનના ત્રણ ત્રણ દાયકા હોમી દીધા હતા. જો કે, આટલું કર્યા પછી જંપીને બેસી રહેવાને બદલે ૨૦૦૪માં ‘કુંદનલાલ સાયગલ જન્મશતાબ્દિ વર્ષ’ દરમ્યાન હરીશ રઘુવંશીના સૂચનથી ‘હમરાઝ’ અને હરીશભાઇએ સંયુક્તપણે સાયગલકોશ તૈયાર કરવાનું નક્કી કર્યું. દંતકથાસમા ગાયક કુંદનલાલ સાયગલ/ Kundanlal Saigal અંગેની તમામ જાણકારી તેમજ તેમણે ગાયેલાં તમામ ભાષાનાં ગીતોના પાઠને સમાવતો એ ગ્રંથ ‘જબ દિલ હી તૂટ ગયા’ ૨૦૦૪માં તેમણે પ્રકાશિત કર્યો. સાયગલ અંગે અઢળક દળદાર પુસ્તકો પ્રકાશિત થયાં છે, પણ ‘જબ દિલ હી તૂટ ગયા/ Jab Dil hi toot gaya’ જેવી અધિકૃતતા અને સભરતા બીજા એકેય ગ્રંથમાં જોવા મળતી નથી.
૧૯૮૧ પછીની ફિલ્મોની (ગીતો સિવાયની) તમામ માહિતી આપતી સૂચિ ' હીન્દી ફિલ્મોગ્રાફી/ Hindi Filmography'  દર વરસે ‘હમરાઝ’ નિયમીત પ્રકાશિત કરે જ છે, જેમાં ૨૦૧૦ સુધીની સૂચિ પ્રકાશિત થઇ ગઇ છે. છેલ્લા થોડા સમયથી એક મહત્વાકાંક્ષી પુસ્તક ‘હિંદી ફિલ્મોંકે સંગીતકાર’ નું આયોજન તે હરીશ રઘુવંશી સાથે કરી રહ્યા છે, જેમાં આજ દિન સુધી હિંદી ફિલ્મોમાં સંગીત આપનાર લગભગ અઢારસો-ઓગણીસસો સંગીતકારો અંગેની તમામ માહિતી ટૂંકમાં સમાવી લેવાનો ઉપક્રમ છે. આ ઉપરાંત ૧૯૮૧થી આગળનાં વરસોના ગીતકોશનું આયોજન તો ખરું જ. (તેમનાં પુસ્તકો અંગેની તેમજ અન્ય માહિતી તેમની વેબસાઈટ  www.hamraaz.org પર ઉપલબ્ધ છે, જેની લિન્ક આ બ્લોગની જમણી તરફ મૂકેલી છે.) આ ઉપરાંત સૌથી મોટો પ્રોજેક્ટ હાલ હાથ પર છે તે તમામ ગીતકોશની માહિતીના કમ્પ્યુટરાઇઝેશનનો, જે સંપન્ન થતાં કોઇ પણ પ્રકારની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની રહેશે. પત્નિ સતીન્દર કૌરનો સાથ સહકાર તો તમામ કાર્યોમાં રહે છે જ, ઉપરાંત સંતાનો કંવલજીતસીંઘ અને પુત્રી તરનજીતકૌર પણ પિતાજીને કમ્પ્યુટર બાબતે મદદરૂપ થતા રહે છે.
કેવળ શોખના આંતરિક ધક્કે આરંભાયા પછી ભારતીય સંસ્કૃતિના મહત્વના પણ અવગણાયેલા અંગ જેવી ફિલ્મો અને તેના સંગીતના ઇતિહાસની જાળવણીનું આ કામ ચોકસાઇપૂર્વક એટલા વ્યાપ અને પ્રમાણમાં થયું છે કે ભવિષ્યમાંય ફિલ્મને લગતા કોઇ પણ પ્રકારના સંશોધન માટે તે આધારરૂપ બની રહે. 
 એક માત્ર સન્માન 
૨૦૦૫માં બીમલ રોય મેમોરીયલ સોસાયટી/ Bimal Roy Memorial Society દ્વારા આશુતોષ ગોવારીકર, કિરણ ખેર, શૌકત આઝમી જેવી હસ્તીઓની ઉપસ્થિતિમાં ‘સ્વદેશ’ ફિલ્મની હીરોઇન ગાયત્રી જોશી દ્વારા હરમંદિરસીંઘને ‘બીમલ રોય મેમોરીયલ ટ્રોફી/ Bimal Roy Memorial Trophy’ અર્પણ કરવામાં આવી. આ તેમને મળેલું એકમાત્ર સન્માન. બાકી તો ફિલ્મસંગીતના ઇતિહાસને જીવંત રાખીને જેમનું સદાય ઋણ ફિલ્મઉદ્યોગ પર રહેવાનું છે એવા આ સંગીતપ્રેમી સરદારજીનું બહુમાન કરવાનું ફિલ્મઉદ્યોગને કે સરકારને સૂઝ્યું નથી. જો કે, હરમંદિરસીંઘને આ બાબતનો અફસોસ નથી. તેમને અફસોસ છે એક જ વાતનો. થોડા સમય અગાઉ કાનપુરમાં તેમને મળવાનું બન્યું ત્યારે તેમણે કહ્યું, “કાશ, હું દસ વરસ વહેલો જન્મ્યો હોત! તો એવા અનેક કલાકારોને હું મળી શક્યો હોત અને માહિતી મેળવી શક્યો હોત, જેઓ મેં કામ શરૂ કર્યું ત્યારે સદગત થઇ ગયા હતા.” આપણને અફસોસ જુદો થાય. ફિલ્મ કલાકારોને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ/ Dadasaheb Phalke Award’ જેવું સર્વોચ્ચ સન્માન અપાય છે એ બરાબર, પણ તેમના પ્રદાનનો ખરેખરો ખ્યાલ જ ગીતકોશ થકી આવે છે. તો ગીતકોશના રચયિતાને આ એવોર્ડ કેમ નહીં?
****        ****        ****
આજે હરમંદિરસીંઘ ‘હમરાઝ’ સાઠ વર્ષ પૂરા કરી રહ્યા છે, અને આ જ મહિને, ૩૦મી નવેમ્બરથી તેમની ‘સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડીયા’ની નોકરીમાંથી નિવૃત્ત પણ થઈ રહ્યા છે. તેમની આ નિવૃત્તિ બમણી પ્રવૃત્તિમય બની રહેશે, એ તેમના મિત્રો-ચાહકો જાણે છે. ‘હમરાઝ’ ખુદ કહે છે, “કામ તો ઘણું કરવું છે. અને હરીશભાઈ (રઘુવંશી) જેવા સાથે હશે તો ઘણું બધું કરવાની ઈચ્છા છે જ.” સંપાદકોની આ જોડી હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને ન્યાલ કરતી રહે, એવી અપેક્ષા તેમના ચાહકો રાખે એ અસ્થાને નથી.  
આજે એમના એકસઠમા જન્મદિને ‘હમરાઝ’ને સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ તેમજ અનેક અપેક્ષાઓ. ફોન પર તેમનો સંપર્ક +91 94509 36901 (આ નંબર ૩૦ નવેમ્બર, ૨૦૧૧ સુધી જ અમલમાં છે. ત્યાર પછી તેમનો સંપર્ક + 91 94154 85281 પર જ કરવો.) અથવા +91 512 228 1211 પર થઈ શકશે. ઈ-મેલ hamraaz18@yahoo.com દ્વારા તેમના સુધી પહોંચી શકાશે.
તેમનું સરનામું છે:
HAR MANDIR SINGH 'HAMRAAZ' 
‘DREAMLAND’, H.I.G.-545,
RATAN LAL NAGAR,
KANPUR- 208 022.