16/07/1936 થી 13/02/2012
હિન્દી ફિલ્મોમાં એવા કેટલાય ગીતકારો છે, જેમનું પ્રદાન અધધ કહી શકાય એવું છે. મજરૂહ સુલતાનપુરી, આનંદ બક્ષી જેવાઓએ જથ્થો અને ગુણવત્તા- એમ બન્ને રીતે ગીતો લખ્યાં છે. આ બન્ને ઉપરાંત પણ બીજા ઘણા આવા ગીતકારો છે, સામે પક્ષે એવા પણ કેટલાક ગીતકારો છે, જેમનું પ્રદાન સાવ મર્યાદિત હોય અને છતાં એ ચિરંજીવ હોય.
શહરયારનું મૂળ નામ હતું કુંવર અખલાક મોહમ્મદ ખાન/ Kunwar Akhalaq Mohammed Khan. ૧૬મી જુલાઈ, ૧૯૩૬ના દિવસે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક ગામ અંવલામાં થયો હતો. શહરયારનું શાળાકીય શિક્ષણ બુલંદશહરમાં થયું, જ્યાંથી ઉચ્ચ અભ્યાસ માટે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી/ Aligarh Muslim University માં જોડાયા. શહરયાર કંઈ સીધેસીધા શાયર બનીને કવિતાઓ લખવા નહોતા મચી પડ્યા. તેમના પિતાજીની ઈચ્છા તેમને પોલીસ બનાવવાની હતી. શહરયાર બનવા ઈચ્છતા હતા રમતવીર. પિતા-પુત્ર બન્નેના રસ્તા ભિન્ન હોવાથી શહરયારે ઘર છોડ્યું. ઊર્દૂના શાયર ખલીલ-ઉર-રહમાન સાથે તેમની મુલાકાત થઈ એ પછી તેમની નજર તળે શહરયારની ઉર્દૂ કવિતાને પાંગરવાની તક મળી અને યોગ્ય દિશા મળી.
| મુઝફ્ફર અલી |
મુઝફ્ફર અલીએ આગળ જતાં ફિલ્મનિર્માણમાં ઝંપલાવ્યું ત્યારે પોતાની ફિલ્મ ‘ગમન’/ Gaman માં આ ગઝલનો ઉપયોગ કર્યો. ભીડભાડભર્યા શહેરમાં, વતનથી દૂર, મૂળસોતા ઊખડી ગયેલા છોડ જેવી વેદના અનુભવતા માણસની વ્યથાને સુરેશ વાડકરે પોતાના કંઠમાં વ્યક્ત કરી હતી,જેને જયદેવે સંગીતબદ્ધ કરી હતી.
આ જ ફિલ્મની બીજી એક ગઝલ પણ બહુ લોકપ્રિય થઈ હતી, જે એ. હરિહરને/A. Hariharan ગાઈ હતી.
૧૯૮૩માં આવેલી મધુસુદન શ્રીવાસ્તવ નિર્મિત- દિગ્દર્શીત ‘ત્રિકોન કા ચૌથા કોન’/ Trikon ka chautha kon ના ત્રણ ગીતકારો પૈકી શહરયાર એક હતા. આ ફિલ્મમાં તેમની ગઝલને ભૂપીન્દર/ Bhupinder અને પીનાઝ મસાણી/ Peenaz Masani એ સ્વર આપ્યો હતો અને સંગીત હતું જયદેવ/ Jaidev નું.
ત્યાર પછી ૧૯૮૫માં આવેલી યશરાજ ફિલ્મ્સ/ Yashraj Films ની ‘ફાસલે’/ Faasle માં શહરયારનાં ગીતો સાંભળવા મળ્યાં. ‘ફાસલે’માં મહેન્દ્ર કપૂરના દીકરા રોહન કપૂરને હીરો તરીકે ચમકવાનો મોકો મળ્યો હતો.
યશરાજની ત્યારની પરંપરા મુજબ એ ફિલ્મમાં શિવહરિ/ Shiv-Hari નું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત.
કહેવાય છે કે ‘ફાસલે’ પછી યશરાજ ફિલ્મ્સ દ્વારા શહરયારને બીજી ત્રણ ફિલ્મોમાં ગીતો લખવાની ઓફર કરવામાં આવી હતી. જો કે, શહરયાર મુંબઈ સ્થાયી થઈને કેવળ ફિલ્મી ગીતકાર બની રહેવા નહોતા માંગતા.
મુઝફ્ફર અલીએ ‘અંજુમન’/ Anjuman બનાવી ત્યારે ફરી એક વાર શહરયારનાં ગીતો લોકપ્રિય થાય એવી શક્યતા ઉભી થઈ હતી, પણ ફિલ્મ ખાસ સફળ ન રહી એટલે ગીતો પર પણ તેની અસર થઈ. આ ફિલ્મનાં ગીતોની વિશેષતા એ હતી કે તેને ખુદ શબાના આઝમી/ Shabana Azmi એ ગાયાં હતાં અને ખૈયામે સંગીતબદ્ધ કર્યાં હતાં. અગાઉ જો કે, શબાનાએ શ્યામ બેનેગલ/ Shyam Benegal ની ‘મંડી’/ Mandi માં ગાયું હતું. આ સાંભળતાં એમ લાગ્યા વિના રહે નહીં કે ગાવાની બાબતમાં પણ શબાના આઝમી કોઈ નિયમીત ગાયિકાની બરોબરી કરી શકે એમ છે.
આ અદભુત ગઝલ શબાના સાથે ભૂપીન્દરસિંગે ગાઈ છે.
![]() |
| 'ઝૂની'નું એક દુર્લભ પોસ્ટર |
આવી જ બીજી ફિલ્મ હતી ‘દામન’/ Daaman , જેમાં મનીષા કોઈરાલા/ Manisha Koirala ની મુખ્ય ભૂમિકા હતી. ખૈયામના સંગીતવાળી આ ફિલ્મમાં કુલ છ ગીતો હતાં અને બધાં શહરયારે લખેલાં હતાં. મીરાં નાયર/ Mira Nair ની ફિલ્મ ધ નેમસેક/ The Namesake માં પણ શહરયારે લેખન કર્યું હોવાની માહિતી મળી, પણ એ અંગે વધુ જાણવા મળી શક્યું નથી. કોઈ મિત્ર જણાવશે તો આનંદ થશે.
ઉર્દૂ કવિતામાં શહરયારનું નામ અગ્રણી કવિઓમાં લેવાતું હતું. વખતોવખત તેમનાં પુસ્તકો પણ પ્રકાશિત થતાં રહેતાં હતાં, જેમાં ઈસ્મ-એ-આઝમ, સાતવાં દર, હીજ્ર કે મૌસમ, ખ્વાબ કે દર બંદ હૈ, નીંદ કી કીર્ચેં, ધુંદ કી રોશની વગેરે મુખ્ય છે. તેમની શાયરીના અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયા છે.
| જ્ઞાનપીઠ સન્માનનો સ્વીકાર કરતા શહરયાર |
૧૯૮૭માં તેમના સંગ્રહ ‘ખ્વાબ કે દર બંદ હૈ’ ને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યાર પછી ૨૦૦૮માં તેમને સાહિત્યનું સર્વોચ્ચ ગણાતું જ્ઞાનપીઠ સન્માન/ Jnanpith Award મળ્યું ત્યારે આ સન્માન મેળવનારા એ ચોથા ઉર્દૂ સર્જક હતા. અગાઉ આ સન્માન શાયર ફિરાક ગોરખપુરી, લેખિકા કુર્તલૈન હૈદર, શાયર અલી સરદાર જાફરીને પ્રાપ્ત થયું હતું.
છેલ્લા ઘણા સમયથી શહરયાર ફેફસાંના કેન્સરથી પીડાતા હતા. આગવા મિજાજવાળા આ શાયર મુશાયરાઓમાં જવલ્લે જ જતા. તરત મળતી પ્રસિદ્ધિથી એ જાણીજોઈને સલામત અંતર રાખતા હતા. તેમનો દીર્ઘ ઈન્ટરવ્યૂ તેમજ તેમની થોડી બિનફિલ્મી રચનાઓ તેમના દીકરા ફરીદૂન શહરયારના બ્લોગ પર અહીં વાંચવા મળી શકશે.
આ ક્લીપમાં શહરયારને પોતાની કૃતિ રજૂ કરતા જોઈ શકાય છે.
ગણીગાંઠી ફિલ્મો માટે ગીતો લખવા છતાં ગીતકારોની યાદીમાં જેમનો ઉલ્લેખ કરવો જ પડે એવી સબળ કૃતિઓ ઉર્દૂ સાહિત્ય ઉપરાંત પણ આપનાર આ શાયરને હાર્દિક શ્રદ્ધાંજલિ.
(ઝૂનીનું પોસ્ટર અને પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
