વિઠ્ઠલભાઈ પટેલ
હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓનું પ્રદાન આરંભથી
ઘણું રહ્યું છે, તેમ છતાંય અમુક
ક્ષેત્રોમાં તે તદ્દન જૂજ કહી શકાય એવું છે. આમાંનું એક ક્ષેત્ર એટલે ગીતલેખનનું.
જૂની પેઢીમાં રમેશ શાસ્ત્રી જેવા ગીતકારનું નામ આ શ્રેણીમાં લઈ શકાય, તો નવી પેઢીમાં સંજય છેલ, અબ્બાસ ટાયરવાલા જેવા ગીતકારોને ગણાવી શકાય.
આટલી નાની યાદીમાં પણ નોંધપાત્ર ગણવું પડે એવું એક નામ છે ગીતકાર વિઠ્ઠલભાઈ
પટેલનું.
વિઠ્ઠલભાઈના વડવાઓ મૂળ ગુજરાતના નડીયાદના હતા.
પણ વ્યવસાયાર્થે તે સાગર (મધ્યપ્રદેશ)માં જઈને વસેલા. વિઠ્ઠલભાઈનો જન્મ અને ઉછેર
પણ સાગરમાં જ થયેલો. પિતા લલ્લુભાઈ અને માતા કાંતાબેનના પુત્ર વિઠ્ઠલભાઈ કોલેજ
સુધી પહોંચ્યા અને તેમનામાં રહેલી નેતૃત્વની શક્તિઓ પ્રગટ થવા લાગી. સાથેસાથે
કાવ્યત્વ પણ!
![]() |
| વિઠ્ઠલભાઈ પટેલ |
સાગરથી આશરે પોણોસો કિલોમીટરના અંતરે આવેલા
બીનામાં ‘તીસરી કસમ’નું શૂટીંગ ચાલી રહ્યું હતું. ફિલ્મના નિર્માતા
શૈલેન્દ્ર અને હીરો રાજ કપૂર ત્યાં હાજર હતા. શૈલેન્દ્રે વિઠ્ઠલભાઈને બીનામાં
નિમંત્ર્યા. રાજ કપૂર સાથે આ રીતે તેમનો પહેલવહેલો પરિચય થયો, જે ઘણો ફળદાયી નીવડવાનો હતો.
‘મેરા નામ જોકર’ પહેલાંના ગાળાની વાત છે. રાજ કપૂર એક વખત
દિલ્હી ગયા હતા અને ત્યાં રોકાયા હતા. યોગાનુયોગે વિઠ્ઠલભાઈ પણ દિલ્હીમાં હતા.
બન્નેની મુલાકાત થયા પછી રાજસાહેબે તેમને હોટેલ પર નિમંત્ર્યા. રાત આખી કવિતાનો
દૌર ચાલતો રહ્યો. વિઠ્ઠલભાઈની કવિતાઓથી તૃપ્ત થયેલા રાજસાહેબે વહેલી સવારે કહ્યું, “ચલો,ગુરુદ્વારા ચલતે હૈ’. બન્ને સાથે ગુરુદ્વારા ગયા. ગ્રંથસાહિબ આગળ પોતે માથું ટેકવીને
રાજસાહેબે વિઠ્ઠલભાઈને પણ એમ કરવા જણાવ્યું. ત્યાર પછી વિઠ્ઠલભાઈના હાથમાં શુકનનો
રૂપિયો આપતાં કહ્યું, “તુમ મેરી અગલી
ફિલ્મ કે ગીતકાર હો. લિજીયે યે શગૂન.” જો કે, વિઠ્ઠલભાઈને ખબર
હતી કે પોતાનાં માતા તેમને મુંબઈ જવા દે એમ નહોતાં. આ વાત તેમણે રાજ કપૂરને જણાવી.
રાજ કપૂરે કહ્યું, “માતાજી કી
અનુમતિ મિલે તો કભી ભી ફોન કરકે બમ્બઈ આ જાના.”
![]() |
| રાજ કપૂરની 'બૉબી'થી ફિલ્મકારકિર્દીનો આરંભ |
રાજ અને વિઠ્ઠલભાઈ એક વખત ચર્ચા કરી રહ્યા હતા.
એ દરમ્યાન અભિનેત્રી સિમ્મીનો ફોન આવ્યો. સિમ્મીની કોઈક વાત સાંભળીને રાજ કપૂરે
કહ્યું, “દેખો, તુમ કહતી હો તો મૈં માન લેતા હૂં, મગર જૂઠ મત બોલના. જૂઠ બોલોગી તો કૌઆ કાટેગા.”
આ સંવાદ સાંભળીને વિઠ્ઠલભાઈના મનમાં ઝબકારો
થયો. તેમણે તરત મુખડું લખી નાંખ્યું. અને પછી તો સડસડાટ ગીત લખાઈ ગયું. ફિલ્મ રજૂ થતાં જ એ મુખડા પરથી લખાયેલું ગીત
ઠેરઠેર ગવાતું થઈ ગયું.
‘બૉબી’(૧૯૭૩)નું એ અતિ લોકપ્રિય ગીત.
આ ગીતની પહેલાં જ આવતું બીજું એક ગીત કોરસ હતું, જેની ધૂન ગોવાના લોકસંગીત પર આધારિત હતી. એ ગીત પણ સાંભળવા જેવું છે.
‘બૉબી’નાં આ બન્ને ગીતો ખૂબ લોકપ્રિય થઈ ગયા અને પહેલી જ ફિલ્મથી વિઠ્ઠલભાઈ પટેલનો સિક્કો જામી ગયો.
‘બૉબી’નાં આ બન્ને ગીતો ખૂબ લોકપ્રિય થઈ ગયા અને પહેલી જ ફિલ્મથી વિઠ્ઠલભાઈ પટેલનો સિક્કો જામી ગયો.
ત્યાર પછી મનોજકુમારની ‘સંન્યાસી’(૧૯૭૫) ફિલ્મમાં
વિઠ્ઠલભાઈએ એક ગીત લખ્યું, જેને મુકેશ અને
લતાનો કંઠ મળ્યો. ફિલ્મની સાથેસાથે એ ગીત પણ સફળ થયું. આ રહ્યું એ ગીત.
રાજ કપૂરની ‘સત્યમ
શિવમ સુંદરમ’(૧૯૭૮)માં પણ તેમણે એક ગીત લખ્યું.
વિઠ્ઠલભાઈ દ્વારા લખાયેલાં ગીતોમાં એક પ્રકારની
સરળતા હતી, જેને લઈને તે
સરળતાથી લોકજીભે ચડી જતાં હતાં.
આમ છતાં, અન્ય ગીતકારોની
જેમ પૂર્ણ સમયના ગીતકાર ન બની શક્યા. કારણ સ્પષ્ટ હતું. વિઠ્ઠલભાઈની આજીવિકા
ગીતલેખન નહોતી. તેમના માથે પારિવારીક વ્યવસાયને સંભળાવવાની જવાબદારી હતી. તેને લઈને
તે મુંબઈમાં કાયમ માટે સ્થાયી થઈ શક્યા નહીં.
૧૯૭૩થી ૧૯૮૭ સુધી તે હિન્દી ફિલ્મોમાં સક્રિય
રહ્યા. બધું મળીને તેમણે કુલ ૨૭ ફિલ્મોમાં ગીતો લખ્યાં. કોઈ ફિલ્મમાં બધેબધાં ગીતો
તેમનાં લખાયેલાં હોય એવું ભાગ્યે જ બની શક્યું. શંકર જયકિશન, લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, રાહુલ દેવ બર્મન, કલ્યાણજી આણંદજી, ઉષા ખન્ના જેવા સંગીતકારોએ મુખ્યત્વે તેમનાં
ગીતો સ્વરબદ્ધ કર્યાં.
રાજ કપૂરની આદત હતી
એક ફિલ્મ માટે ઘણા ગીતો,
ધૂન તૈયાર કરવી. તેમાંથી અમુક પસંદ કરવી અને બાકીની સંઘરી રાખવી. તેનો ઉપયોગ યોગ્ય
સમયે કરવો. ‘બૉબી’ માટે આવું એક ગીત ‘વો કહતે હૈ હમસે, અભી ઉમર નહીં હૈ પ્યાર કી’ તેમણે લખેલું. ફિલ્મમાં એ ગીત લેવાયું નહીં. રાજેશ રોશન ત્યારે ‘બૉબી’ના સંગીતકાર લક્ષ્મી-પ્યારેના સહાયક હતા. તેમના
મનમાં આ ગીતના શબ્દો વસી ગયેલા. તેર-ચૌદ વરસ પછી ‘દરિયાદિલ’(૧૯૮૭)માં રાજેશ રોશને વિઠ્ઠલભાઈની પરવાનગી વિના આ ગીત વાપર્યું, એટલું જ નહીં, તેને ગીતકાર ઈન્દીવરના નામે ચડાવી
દીધું. વિઠ્ઠલભાઈને આની જાણ થતાં જ તેમણે અદાલતમાં દાવો દાખલ કર્યો. નિર્માતા અને
સંગીતકારે સમાધાન કર્યું અને વિઠ્ઠલભાઈને અમુક રકમ આપવાની ચેષ્ટા કરી. વિઠ્ઠલભાઈએ
તેને સ્વીકારવાનો ઈન્કાર કરતાં કહ્યું, “રૂપિયા માટે મેં આ
નથી કર્યું. ટાઈટલમાં અને રેકોર્ડ પર ગીતકાર તરીકે મારું નામ મૂકાવું જોઈએ.”
તેમની શરત માન્ય
રાખવામાં આવી.
‘દરિયાદિલ’નું આ વિવાદાસ્પદ ગીત:
![]() |
| 'જૂઠ બોલે કૌઆ કાટે' કાવ્યસંગ્રહ |
'જૂઠ બોલે કૌઆ કાટે', 'દીવારોં કે ખિલાફ', 'પ્યાસે ઘટ', 'નાદાં હૈ હમ', 'અંત નહીં, આરંભ' જેવા તેમના કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા.
બધું મળીને તેમનાં ફિલ્મો માટે લખાયેલાં ગીતોની સંખ્યા પૂરી પચાસે પણ પહોંચતી નથી. તેમનાં કુલ ફિલ્મી ગીતો ૪૭ છે. અને તેમાંના ઘણા એવી ફિલ્મો માટે છે કે જે ફિલ્મો ખાસ સફળ ન થઈ હોય. આમ છતાં, હિન્દી ફિલ્મોમાં સાવ ઓછું, પણ નોંધપાત્ર પ્રદાન કરનાર ગીતકારોમાં વિઠ્ઠલભાઈ પટેલનું નામ અવશ્ય મૂકવું પડે.
મધ્ય પ્રદેશમાં જન્મ્યા
અને ઉછર્યા હોવા છતાં, હિન્દીમાં
ગીતો લખતા હોવા છતાં વિઠ્ઠલભાઈ માતૃભાષા ગુજરાતીને ભૂલ્યા ન હતા. ગુજરાતીમાં તે આસાનીથી
વાત કરી શકતા.
તેમનાં કુલ ચાર સંતાનોમાં
બે દીકરાઓ સંજય અને ધર્મેન હતા, જેમાં ધર્મેનનું ૪૫ વર્ષની વયે અવસાન થયું હતું. સંજય હાલ વ્યવસાય સંભાળી
રહ્યા છે. બે દીકરીઓ કિર્તી અને આરતી પણ પરણીને પોતપોતાની ગૃહસ્થી સંભાળે છે.
આજે, ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ
સવારે સાડા દસ વાગ્યે આ અનોખા ગીતકારે સાગર ખાતે ૭૭ વર્ષની વયે શ્વાસ મૂક્યા.
દેશવ્યાપી પ્રચંડ લોકપ્રિયતા
પામ્યા પછી પણ ફિલ્મક્ષેત્રની ચમકદમકથી અંજાયા વિના પોતાના વતનમાં રહીને લોકસેવા કરનાર
આ અનોખા ગીતકારને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
**** **** ****
વિઠ્ઠલભાઈ પટેલ લિખીત કેટલાંક જાણીતાં ગીતો:
રાજ કપૂરની ફિલ્મ 'બીવી ઓ બીવી'(૧૯૮૧)માં રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં:
મનમોહન દેસાઈ નિર્દેશીત 'ધરમવીર'(૧૯૭૭)માં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં:
ફિલ્મ 'દો જૂઠ'(૧૯૭૫)માં શંકર- જયકિશનના સંગીત નિર્દેશનમાં આ ગીત:
**** **** ****
વિઠ્ઠલભાઈ પટેલની આ ચોકસાઈભરી ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશીના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે.
(માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
.jpg)
.jpg)



+copy.jpg)