મધુબાલા ઝવેરી
૧૯-૦૫ -૧૯૩૫થી ૧૧-૦૯-૨૦૧૩
પચાસ અને સાઠના દસકાના હિન્દી ફિલ્મસંગીતના જાણકાર
પ્રેમીઓ ઘણા છે. એમ રેડિયો સિલોનના અઠંગ શ્રોતાઓનો પણ બહોળો વર્ગ છે. આ બન્ને પ્રકારના
સંગીતપ્રેમીઓ વચ્ચે એવોય મોટો વર્ગ છે, જેમને પચાસ-સાઠના
દસકાના હિન્દી ફિલ્મસંગીતમાં રસ તો છે, પણ એ ગાળાના
સંગીતની ઓળખ કેવળ લતા મંગેશકર કે આશા ભોંસલે કે બહુ બહુ તો ગીતા દત્ત કે શમશાદ
બેગમના કંઠ સુધીની છે. આ દાયકાનાં અન્ય ઘણાં અદ્ભુત ગાયક-ગાયિકાઓથી
તે ખાસ પરિચીત નથી, અથવા તો કેવળ નામપૂરતા
જ પરિચીત છે. પોતાના મધુર અવાજ વડે સંગીતપ્રેમીઓનો આગવો ચાહકવર્ગ ઉભો કરનાર આ
ગાળાનાં એક ગાયિકા હતાં મધુબાલા ઝવેરી, જેમનું ગઈ કાલે ૧૧
સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ મુંબઈ
ખાતે ૭૮ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું.
સંગીતપ્રેમીઓના દિલમાં તેમનાં ગીતોનું આગવું સ્થાન
હતું. ગિરગાંવ (મુંબઈ)ના પિતા વનજીવન ઝવેરી ગુજરાતી હતા. મધુબાલાએ માતા હીરાબાઈ અને
માસી શ્યામલા મઝગાંવકર પાસેથી સંગીતની તાલિમ લીધી હતી. એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો. શ્યામલાએ ૧૯૨૯માં શ્રી
સ્વામી સમર્થ સંગીત વિદ્યાલયનો આરંભ કર્યો હતો. મહિલાઓને સંગીત શીખવતી
એ ત્યારે પહેલી સંસ્થા હતી. મધુબાલાએ મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિ.માંથી સંગીત વિશારદ
થયાં હતાં.
માત્ર પંદર- સોળ વર્ષની ઉંમરે સંગીતકાર મનોહરે તેમને
‘ભૂલે ભટકે’માં ગાવાની તક આપી. બન્યું એવું કે ‘ભૂલે ભટકે’ પછી ‘રાજપૂત’માં હંસરાજ બહલે તેમની
પાસે ચાર ગીતો ગવડાવ્યાં હતાં, જેમાં એક ગીત એકલગાન
અને બાકીનાં ગીતોમાં મન્નાડે, તલત મહેમૂદ અને મહંમદ
રફી જેવા ધુરંધર ગાયકો તેમના સહગાયક તરીકે હતા. પછી મળેલી ફિલ્મ ‘રાજપૂત’(૧૯૫૧) પહેલી રજૂ થઈ
ગઈ, અને પહેલી મળેલી ફિલ્મ ‘ભૂલેભટકે’(૧૯૫૨) પછી રજૂ થઈ.
‘રાજપૂત’(૧૯૫૧)નું આ ગીત મધુબાલા ઝવેરીની સાથે મન્નાડે અને તલત મહેમૂદે ગાયું છે, જેના સંગીતકાર છે
હંસરાજ બહલ.
આ ગાયિકાના અવાજે સંગીતકારોનું તેમજ સંગીતપ્રેમીઓનું
ધ્યાન આકર્ષિત કર્યું. હંસરાજ બહલનાં તો એ પ્રિય ગાયિકા બની રહ્યાં. ૧૯૫૨માં રજૂઆત
પામેલી ‘જગ્ગુ’ ફિલ્મમાં કુલ સાત ગીત હતાં, જેમાંના પાંચ ગીત હંસરાજ બહલે મધુબાલા પાસે ગવડાવ્યાં
હતાં.
આમાંનું એક અદ્ભુત ગીત મધુબાલા ઝવેરીના અવાજમાં.
૧૯૫૮માં તેમનાં લગ્ન
મદનમોહન ચાવલા સાથે થયાં. ત્યાર પછી તે મધુબાલા ચાવલા બન્યાં, પણ સંગીતપ્રેમીઓ માટે તે સદાય ‘મધુબાલા ઝવેરી’ જ રહ્યાં. તેમનાં સંતાનોમાં દીકરો રાજીવ
અને દીકરીઓ માધવી તેમજ તેજશ્રી છે.
પોતાની કારકિર્દીના
ટોચના ગાળામાં તેમને એક ગીત ગાવા બદલ અઢીસો રૂપિયા મળતા હતા.
ઑલ ઈન્ડીયા રેડીયો, મુંબઈ ખાતે તેમણે ગુજરાતી, મરાઠી, હિન્દી અને કોંકણી
ગીતો પ્રસ્તુત કર્યાં હતાં. ૧૯૬૦માં તેમણે મહંમદ રફી, સંગીતકાર બેલડી હુસ્નલાલ ભગતરામ, શાર્દૂલ ક્વાત્રા સાથે આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. એ પછી ૧૯૮૧માં તેમણે અમેરિકાનો
સંગીતપ્રવાસ કર્યો હતો અને વિવિધ સ્થળે કાર્યક્રમ આપ્યા હતા.
મધુબાલા ઝવેરી દ્વારા ગવાયેલાં ગીતોની સંખ્યા ૧૦૦
થી ૧૧૦ની આસપાસ હશે. છતાં તેમનાં ગીતોને સંગીતપ્રેમીઓ આજેય ભૂલ્યા નથી.
તેમણે હિન્દી અને મરાઠી ઉપરાંત ‘મૂળુ માણેક’(૧૯૫૫), ‘નાગદેવતા’(૧૯૫૫), ‘સતી આણલદે’(૧૯૫૬) જેવી ગુજરાતી
ફિલ્મોમાં પણ ગીતો ગાયાં હતાં.
પહેલાં મધુબાલા ઝવેરીએ ગાયેલાં કેટલાંક ગીતોની ઝલક:
પ્યાર કી રુત દોરંગી સાજન (અપની ઈઝ્ઝત, ૧૯૫૨) તલત મહેમૂદસાથે
***
જાયેગા જબ યહાં સે (મોતીમહલ, ૧૯૫૨) રફી સાથે
***
ઠહર જરા ઓ જાનેવાલે (બૂટ પોલિશ, ૧૯૫૩) મન્નાડે, આશા સાથે
***
દેખો ચંદા સે ખેલે સિતારે (દોસ્ત, ૧૯૫૪)
***
એ જજ્બા-એ-દિલ, બેજાર ન હો (શિશે કી દીવાર, ૧૯૫૪)
***
આયે જી આયે, દિન પ્યારે પ્યારે (ગીતાદત્ત સાથે, રિયાસત, ૧૯૫૫)
***
સબ શિકવે મિટે દિલ કે, આપસ મેં ગલે મિલ કે (મુકેશ સાથે, ખૈબર, ૧૯૫૫)
***
'ખૈબર'ના મુકેશ સાથેના આ ગીત વિના મધુબાલા ઝવેરીની વાત અધૂરી ગણાય.
***
એ મેરી મહેબુબ માંગ લે જો તુઝકો હો મંજૂર (મ. રફી સાથે, અંધકાર ૧૯૫૫)
ભાષા કોઈ પણ હોય, મધુબાલા ઝવેરીના સ્વરનો જાદુ એવો ને એવો રહ્યો છે. એ હકીકતનો અહેસાસ
કરાવતાં આ બે મરાઠી ગીતો.
एका तळ्यात होती (फिल्म:सुखाचे सोबती,1958)
***
गडे पाहुनका
'મૂળુ માણેક'(૧૯૫૫) માટે મધુબાલા ઝવેરીએ ગાયેલી કવિ કરસનદાસ માણેકની અમર ગુજરાતી રચના 'મને એ જ સમજાતું નથી' ને ઈન્દુકુમાર પારેખે સંગીતબદ્ધ કરી છે.
[ (મને સમજણ ન પડે એવા કોઈ) ટેકનીકલ કારણોસર આ લીન્કની યૂ ટ્યુબ વિડીયોમાં અવાજ સંભળાતો નથી, પણ આ લીન્ક પર ક્લીક કરીને સીધા યૂ ટ્યુબ પર જવાથી ગીત સાંભળી શકાશે.]
[ (મને સમજણ ન પડે એવા કોઈ) ટેકનીકલ કારણોસર આ લીન્કની યૂ ટ્યુબ વિડીયોમાં અવાજ સંભળાતો નથી, પણ આ લીન્ક પર ક્લીક કરીને સીધા યૂ ટ્યુબ પર જવાથી ગીત સાંભળી શકાશે.]
આ ગીતો ઉપરાંત બે વર્ઝન ગીતો પણ મધુબાલા ઝવેરીએ ગાયાં હતાં. એક હતું 'ચાચા ચૌધરી'(૧૯૫૩)નું 'હંસના ગાના મૌજ મનાના', જે અસલમાં આશા અને મ.રફીએ ગાયું હતું. બીજું ગીત હતું 'પતિતા'(૧૯૫૩)નું 'કિસીને અપના બના કે મુઝકો મુસ્કુરાના સીખા દિયા', જે મૂળ લતાએ ગાયું હતું.
૧૯૫૧:
રાજપૂત (હંસરાજ બહલ)
૧૯૫૨:
ભૂલે ભટકે (મનોહર), અપની ઈઝ્ઝત(હંસરાજ બહલ), જગ્ગુ(હંસરાજ બહલ), મોતીમહલ(હંસરાજ બહલ), રાજરાની દમયંતી(અવિનાશ વ્યાસ), રેશમ(હંસરાજ બહલ), લંકાદહન(હંસરાજ બહલ), હમારી દુનિયા (શ્યામબાબુ પાઠક)
૧૯૫૩:
ચાર ચાંદ(મનોહર), ઝાંઝર(સી.રામચંદ્ર), દાનાપાની(મોહન જુનિયર), ધર્મપત્ની(જમાલ સેન), નૌલખા હાર(ભોલા શ્રેષ્ઠ), ભાગ્યવાન(અવિનાશ વ્યાસ), મલિકા સલોમી(કૃષ્ણ દયાલ), બૂટ પોલિશ(શંકર જયકિશન)
૧૯૫૪:
કસ્તૂરી(જમાલ સેન), ખૈબર(હંસરાજ બહલ), ગોલકુંન્ડા કા કેદી(દત્તા ડાવજેકર/જગન્નાથ), દોસ્ત(હંસરાજ બહલ), પેન્શનર(હંસરાજ બહલ), રમ્મન(વિનોદ), શીશે કી દીવાર(શંકર
દાસગુપ્તા), સંગમ(રામ ગાંગુલી), હનુમાનજન્મ (ઉર્ફે સતી અંજની, હંસરાજ બહલ)
૧૯૫૫:
ખાનદાન(એ.આર.કુરેશી), જય મહાદેવ(મન્નાડે), જાસૂસ(ઈકબાલ), દરબાર(હંસરાજ બહલ), બિન્દીયા(સ્નેહલ ભાટકર), માનો ન માનો (યાનિ અંધકાર, હંસરાજ બહલ)), રિયાસત(અવિનાશ વ્યાસ), શાહ બહરામ(હંસરાજ બહલ), પોસ્ટ માસ્ટર(રામ ગાંગુલી), સલામ-એ-મહોબ્બત (બિપીન-બાબુલ)
૧૯૫૬:
અનુરાગ(મુકેશ), અનોખા જંગલ(ઈકબાલ), આસ્તિક(નારાયણ), દીવાલી કી રાત(સ્નેહલ
ભાટકર), નકાબપોશ(ઘૂમીખાન), બાદલ ઔર બીજલી(બિપીન-બાબુલ), સુલતાના ડાકૂ(બિપીન-બાબુલ)
૧૯૫૭:
આદમી(રામનાથ), કૃષ્ણસુદામા(હુસ્નલાલ-ભગતરામ), જીવનસાથી(બુલો સી.રાની), નાગપદમિની(સન્મુખબાબુ ઉપાધ્યાય), જિપ્સી(ઈકબાલ)
૧૯૫૮:
ગૌરીશંકર(શિવરામ), કલ ક્યા હોગા (નિસાર)
૧૯૫૯:
હીરો નં.૧ (ઈકબાલ)
૧૯૬૧:
અપ્સરા(હુસ્નલાલ-ભગતરામ), ભગવાન બાલાજી(પી.નાગેશ્વરરાવ), મુરાદ (હનુમાનપ્રસાદ ત્રિલોકી)
૧૯૬૮:
લંદન એક્સપ્રેસ (રોબીન બેનર્જી)
****
તેમની મરાઠી ફિલ્મોની યાદી પણ આ મુજબ છે, જે હિન્દી ફિલ્મોની યાદીની જેમ જ હરીશ રઘુવંશીએ તૈયાર કરી છે.
मधुबाला झवेरी की मराठी फिल्में:
1954:
संसार करायचाय मला
1956:
देवघर, कांही खरं नाही, पसंत आहे मुलगी, वाकडं पाउल
1957:
प्रिती संगम, नवरा म्हणू नये आपला, झाकली मूठ, देवाघरचे लेणं, आई माला क्षमा कर
1958:
सुखाचे सोबती, धाकटी जाउ
1959:
सांगते ऐका
1960:
वनकेसरी, संगत जडली तुझी आन् माझी, सख्या सावरा मला, पैशाचा पाउस, पंचारती, अवधाची संसार
1961:
वैजयंता, शाहीर परशुराम
1962:
प्रिती विवाह, भाग्यलक्ष्मी
1964:
काय हो चमत्कार
1966:
तुंच माझी वहीणी
1970:
झाला महार पंढरीनाथ
1974:
सौभाग्यकांक्षिणी
૫ એપ્રિલ, ૧૯૯૭ના દિવસે મુંબઈના
બીરલા માતુશ્રી સભાગૃહમાં યોજાયેલા હિન્દી ફિલ્મ ગીતકોશના તૃતીય ખંડના દ્વિતીય સંસ્કરણના
વિમોચન પ્રસંગે હાજરી આપવાનું બન્યું હતું. આ પ્રસંગે મધુબાલા ઝવેરી સહિત એ ગાળાની
અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. એ પ્રસંગે લીધેલી મધુબાલા ઝવેરીની તસવીર.
![]() |
| મધુબાલા ઝવેરી |
![]() |
| (ડાબેથી): મધુબાલા ઝવેરી (ચાવલા), મનોહર મહાજન, સુલોચના કદમ (ચવ્હાણ) |
પચાસ-સાઠના દાયકાના સંગીતનો જાદુ બરકરાર રહેશે ત્યાં
સુધી મધુબાલા ઝવેરીનાં ગીતો પણ સંગીતરસિયાઓના હૈયે ગૂંજતાં રહેશે.
(માહિતી અને ફિલ્મોગ્રાફી: હરીશ રઘુવંશી, સુરત)
(વિશેષ આભાર: અમદાવાદના સંગીતપ્રેમી-લેખક ડૉ. પદ્મનાભ જોશીનો, જેમણે 'મૂળુ માણેક'ના ગુજરાતી ગીતના ઓડિયો ફોર્મેટને જહેમતપૂર્વક વિડીયો ફોર્મેટમાં ફેરવીને મોકલી આપ્યું.)
(વિશેષ આભાર: અમદાવાદના સંગીતપ્રેમી-લેખક ડૉ. પદ્મનાભ જોશીનો, જેમણે 'મૂળુ માણેક'ના ગુજરાતી ગીતના ઓડિયો ફોર્મેટને જહેમતપૂર્વક વિડીયો ફોર્મેટમાં ફેરવીને મોકલી આપ્યું.)
(તસવીરો બીરેન કોઠારી)


