Showing posts with label Josh Malihabadi. Show all posts
Showing posts with label Josh Malihabadi. Show all posts

Saturday, October 21, 2023

દોસ્તનવાઝી બધા કરે, દુશ્મનનવાઝી કરનારા કેટલા?

 

એક જમાનામાં જ્યારે સરદાર દીવાનસિંહ મફ્તૂન ('રિયાસત' સામયિકના સંપાદક-પ્રકાશક) રફી એહમદ કિડવાઈની વિરુદ્ધ બરાબર લખી રહ્યા હતા ત્યારે સરદારની આર્થિક સ્થિતિ બેહદ ખરાબ હતી. તેમની મુફલિસીનો અંદાજ લગાવીને હું સીધો કિડવાઈસાહેબ પાસે ગયો અને કહ્યું કે, કિડવાઈસાહેબ, તમે મિનિસ્ટર નથી, આ યુગના ઉદારદિલ નેતા છો. 'તમારી દોસ્તનવાઝી (દોસ્તની કદરનો ગુણ)ના ડંંકા વાગે છે; પણ દોસ્તનવાઝી કંઈ મોટો ગુણ ન કહેવાય. હલાકૂ, નીરો, ચંગેઝ અને યઝીદ પણ પોતાના દોસ્તોની કદર કરતા હતા. અલબત્ત, દુશ્મનનવાઝી એક એવો ગુણ છે કે જે માણસને પૈગમ્બરના સ્તરે પહોંચાડી દે છે. તમે હલાકૂના સ્તરે રહેવાનું પસંદ કરશો કે પૈગમ્બરીના સ્તરે પહોંચવાનું?' તેમણે મલકાઈને કહ્યું, 'ઉખાણાં ન કહો. તમારો મુદ્દો જણાવો.' મેં કહ્યું, 'દીવાનસિંહ આજકાલ બહુ પરેશાન છે.'
આટલું સાંભળતાં જ તેમણે ઘંટડી વગાડી. સેક્રેટરી આવ્યો. તેમણે એના કાનમાં કંઈક કહ્યું. એ અંદર ગયો અને પાંચ મિનીટમાં ચેક લઈને આવ્યો. ચેક પર સહી કરીને કિડવાઈસાહેબે કહ્યું, 'આ ચેક દીવાનસિંહને પહોંચાડી દેજો.' દસ હજારનો એ ચેક લઈને હું દીવાનસિંહ પાસે ગયો. ચેક વટાવાઈ ગયો એટલે તેઓ આગ્રહ કરવા લાગ્યા કે અડધી રકમ હું રાખી લઉં. મેં એનો ઈન્કાર કર્યો તો તેઓ ઝઘડવા લાગ્યા અને હું ત્યાંથી ભાગ્યો.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Friday, October 20, 2023

મુફલિસીમાં મિજબાની

સરદાર દીવાનસિંહ મફ્તૂને પોતાના સામયિક 'રિયાસત'ના જમાનામાં પુષ્કળ કમાણી કરી. પણ પોતાની પાસે કદી કંઈ ન રાખ્યું. ખાધું-પીધું અને ખવડાવ્યું-પીવડાવ્યું. આ કારણે તેમણે વારંવાર મુફલિસી અને કડકાપણાનો ભોગ બનવું પડતું. પણ એવી મુફલિસીમાંય કોઈ દોસ્ત કે મહેમાન આવી જાય તો તેઓ છાનેછપને પોતાના ઘરની ચીજવસ્તુઓ વેચીને મિજબાની કરાવતા. એ વખતે કોઈ એમની મુફલિસી જાણીને મિજબાની માટે ઈન્કાર કરે તો તેઓ એની સાથે ઝઘડી પડતા.

મજાઝ (લખનવી)એ એક દિવસ મને કહ્યું કે કાલે તો સરદારસાહેબે કમાલ કરી દીધી. હું સાંજે એમને ત્યાં પહોંચેલો. તેમણે નોકરને કહ્યું કે સોડાની બાર ડઝન બોટલ લઈ આવે. એમના મહોલ્લામાં એમનો દબદબો હતો. થોડી વારમાં બોટલો આવી ગઈ. એમાંથી એક ડઝન બોટલ એમણે રાખી લીધી અને નોકરને હુકમ કર્યો કે બાકીની બોટલોમાંથી સોડા કાઢી નાખીને ખાલી થયેલી બોટલો અમુકતમુક દુકાન પર વેચી આવે (એ દિવસોમાં લખોટી સોડાની ખાલી બોટલ બાર આનામાં વેચાતી હતી) અને એના જે રૂપિયા આવે એમાંથી એક વ્હીસ્કીની બોટલ અને ખાવાનો સામાન લેતો આવે. આ હતી એમની મહેમાનનવાઝીની શાન!
આ વાત લગભગ 1937ની છે, જ્યારે હું દિલ્હીથી 'કલીમ' પ્રકાશિત કરી રહ્યો હતો અને કામધંધો તેમજ ઈશ્ક બન્ને તરફથી પરેશાન હતો. આટલું ઓછું હતું તે મારી દીકરીનું લગ્ન માથે આવી પહોંચ્યું હતું. એવામાં એક સાંજે સરદારસિંહ મારે ઘેર આવી પહોંચ્યા. સાથે બ્રાન્ડીની બોટલ લેતા આવેલા. (તેઓ વ્હીસ્કી કરતાં બ્રાન્ડી વધુ પસંદ કરતા)
અમારી બેઠક પૂરી થઈ એટલે તેમણે મને કહ્યું, 'ભાભીને મારે એક વાત કહેવી છે.' મેં નોકરને કહ્યું કે સરદારસાહેબને ઉપર લઈ જા. મારી પત્ની ત્યાં સુધી પર્દાની પાબંદ હતી, પણ એમનાથી જરાતરા પર્દો રાખતી. તેઓ મારી પત્ની સાથે વાત કરીને નીચે આવ્યા અને બે જ મિનીટમાં વિદાય લીધી. હું ઉપર ગયો તો મારી પત્નીએ મને કહ્યું, 'સરદારસાહેબ નોટોનું આ બંડલ આપી ગયા છે. કહેતા હતા કે આ રકમ એમણે એમના દોસ્ત નવાબ બહાવલપુર પાસે પત્ર લખીને મંગાવી હતી. જોઈ ને દીવાનસિંહની શરાફત અને દોસ્તી!'

(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Saturday, October 7, 2023

...અને હાથી ઊભી પૂંછડીએ ભાગ્યો

 

અમે લોકો અમદાવાદ-મુમ્બઈ કોઈક મુશાયરામાં હાજરી આપવા ગયેલા. એક મકાનના વિશાળ, ખુલ્લા અને શાનદાર હૉલમાં ભોંય પર બેસીને શરાબ પી રહ્યા હતા અને એક અજાણ્યા યુવાને આવીને કહ્યું કે પોતે ફિરાક ગોરખપુરીને મળવા આવ્યો છે. વસ્લ (બિલગ્રામી)એ કહ્યું, 'આ રહ્યા ફિરાકસાહેબ.' એ નવયુવાને તરત ફિરાકનો હાથ ચૂમી લીધો અને આદર સાથે ઘૂંટણિયે બેસી ગયો. ફિરાકે પૂછ્યું, 'આપનું નામ?' તેણે પોતાનું નામ જણાવીને હાથ જોડ્યા અને કહ્યુંં, 'આપને ગઈ કાલનો એક કિસ્સો સંભળાવવા આવ્યો છું. ઈજાજત હોય તો જણાવું.' ફિરાક બોલ્યા, 'જરૂર જણાવો.' એ નવયુવાને કહેવા માંડ્યું કે પરમ દિવસે પોતે બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. જોયું તો વિશાળ સંખ્યા ધરાવતો એક વરઘોડો ચકલા પર ઊભો રહી ગયો હતો. મેં પૂછ્યું, 'શો મામલો છે?' એક સજ્જને જણાવ્યું કે વરરાજા જે હાથી પર સવાર થયેલા છે એ હાથી ભોંય પર બેસી ગયો છે. એને કેટલાય અંકુશ લગાવ્યા પણ એ હાલતો જ નથી. વરઘોડો અધવચ્ચે રોકાઈ જાય તો અપશુકન ગણાય એટલે વરરાજાના પિતાજી હેરાનપરેશાન થઈ ગયા છે. એ સજ્જન મને આમ જણાવી રહ્યા હતા એટલામાં જ મેં જોયું કે પંદર-સોળ વરસનો એક છોકરો દોડતો આવ્યો અને વરરાજાના પિતાજીને કહે, 'હાથીને હું હમણાં ને હમણાં જ ઊભો કરી દઉં તો પચાસ રૂપિયા આપશો?' વરરાજાના પિતાએ કહ્યું, 'પચાસ નહીં, સો આપીશ.' આ સાંભળીને પેલા છોકરાએ હાથીના કાનમાં જઈને કશું કહ્યું એ સાથે જ હાથી ઊભો થઈ ગયો અને ઊભી પૂંછડીએ દોટ મૂકી.
ફિરાકે પૂછ્યું, 'એ છોકરાએ શું કહ્યું હતું?' પેલા નવયુવાને એકદમ ગંભીરતાથી કહ્યું, 'પેલા છોકરાએ હાથીના કાનમાં કહેલું કે અલ્યા મૂરખ, તારી પાછળ ફિરાક આવીને ઊભેલા છે...' આ સાંભળતાં જ આખો હૉલ અટ્ટહાસ્યથી ગૂંજી ઉઠ્યો. પેલો નવયુવાન તરત ઊભો થઈને ભાગ્યો અને ફિરાકની આંખની બન્ને કીકીઓ પૈડાંની જેમ ઘુમરાવા લાગી.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Friday, October 6, 2023

આવા હતા વસ્લ બિલગ્રામી

 

તેઓ લખનઉના તમામ શાયરોના દાદા- અમ્મા હતા. ક્યાંય કશો મોટો મુશાયરો ગોઠવાય એટલે મુશાયરાના આયોજકો એમને શાયરોની સૂચિ અને ભાડું વગેરે મોકલી આપતા અને તેઓ દરેકને ઘેર જઈને એમને નિમંત્રીત કરતા, એક સ્થળે સૌને એકઠા કરીને પોતાની સાથે એમને સ્ટેશને લઈ જતા અને ટિકીટ ખરીદીને પોતાના ખિસ્સામાં રાખતા.
એક બાર તેઓ એટલા મોડા સ્ટેશને પહોંચ્યા કે ગાડી ઊપડવાની તૈયારીમાં હતી. એમણે તમામ શાયરોને વિના ટિકિટે ટ્રેનમાં ચડાવી દીધા અને કહ્યું કે આગળ કોઈ મોટું સ્ટેશન આવે ત્યારે ગાર્ડને જાણ કરી દઈશું. બે-ચાર સ્ટેશન ગયા પછી એક નૌજવાન ટિકીટ ચેકર અમારા ડબ્બામાં દાખલ થયો અને અમારી ટિકિટ માંગી. અમે સૌએ એને દૂર બેઠેલા વસ્લસાહેબ તરફ ઈશારો કર્યો. વસ્લસાહેબ ટિકિટચેકરને જોતાં જ તસ્બી પઢવા લાગ્યા હતા. અમે વિચારવા લાગ્યા કે હવે શું ગુલ ખીલશે. ટિકિટ ચેકરને પોતાની તરફ આવતો ચૂંચીં આંખે જોઈને તેમણે આંખો બંધ કરી અને માથું ઝૂકાવી દીધું. એમનો ચહેરો કોઈ સંત જેવો હતો. ટિકિટ ચેકર તેમની સમક્ષ આવીને ઊભો તો રહી ગયો, પણ ટિકિટ માંગવાની હિંમત કરી ન શક્યો.
એવામાં પાટો બદલાવાથી ટ્રેનને ઝાટકો લાગ્યો અને તેમણે આંખો ખોલી દીધી. એકદમ શરારતી અંદાજમાં તેમણે ટિકિટ ચેકર તરફ નજર કરી અને પેલાએ કહ્યું, 'ટિકિટ લાવો.' એ સાથે જ એમણે પેલાને ગાલ પર થપ્પડ ઝીંકી દીધી અને પૂછ્યું, 'પહેલાં તારા બાપના કુશળમંગળ જણાવ અને પછી તારા ચાચા પાસે ટિકિટ માંગ. મારું નામ છે વસ્લ બિલગ્રામી.' ટિકિટચેકરે એકદમ ગમગીન અવાજે કહ્યું કે એકાદ મહિના પહેલાં જ તેમનો ઈંતકાલ થઈ ગયો. આ સાંભળીને વસ્લસાહેબ રડવા લાગ્યા અને તેને ભેટી પડ્યા. પેલો પણ રડવા લાગ્યો.
હવે ટિકિટ ચેકરની શી મજાલ કે એમની પાસે ટિકિટ માંગે. અલાહાબાદ સ્ટેશને તેણે અમને સૌને ચા પીવડાવી અને પોતાની સાથે અમને બહાર સુધી લઈ ગયો.
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)

Thursday, October 5, 2023

મલીહાબાદના છદ્દૂખાં

 

છદ્દૂ ખાં મલીહાબાદના મોટા જમીનદારો પૈકીના એક હતા. જીવનભર ટ્રેનમાં બેઠા નહીં. મુકદ્દમાઓની પેરવી માટે લખનઉ કે પોતાના વિસ્તારની મહેસૂલવસૂલી માટે શાહજહાંપુર જતા તો ડમણિયા (નાનું બળદગાડું)માં મુસાફરી કરતા. આગળ એમનું ડમણિયું અને એની પાછળ બીજાં ત્રણ ડમણિયા, જેમાં ખાવાની સામગ્રી, બકરા અને સિપાહીઓ લદાયેલા રહેતા. લોકોએ એમને લાખ વાર સમજાવ્યા હશે કે રેલમાં મુસાફરી કરો, પણ એમણે કદી કોઈની વાત માની નહીં અને હંમેશા એમ જ કહેતા કે ખાંસાહેબ, જે સવારી આપણા ઈશારે ના ચાલી શકે એમાં બેસવું જ બેકાર છે.
એમની બીજી વિશેષતા એ હતી કે જે માણસ એમના ગુસ્સાનો, ધમકાવવાનો કે ગાળનો તરત ઉત્તર ન આપે એને તેઓ પઠાણની ટુકડીમાંથી બાકાત કરીને એની સાથેનો સંબંધ વિચ્છેદ કરી લેતા.
અને ત્રીજી વિશેષતા એ હતી કે જે સેવક એમના બોલાવ્યાની સેકન્ડોમાં હાજર ન થાય એને તેઓ કાઢી મૂકતા. આ કારણે 'નાદિરશાહી હુકમ'ની જેમ જ 'છદ્દૂખાની હુકમ' દૂર દૂર સુધી મશહૂર હતો.
એમનો એક કાયમી નિયમ હતો કે કોઈ પઠાણ એમની પાસે નોકરી માટે આવે એટલે તેઓ હસીને પૂછતા, 'તમે સેવકોના દળમાં જોડાઈ શકશો?' પેલો જવાબ આપે કે- અમે પઠાણ છીએ અને સેવા એટલે શું એની તો અમારા બાપદાદાઓનેય ખબર નથી- ત્યારે છદ્દૂખાં રાજી થઈ જતા. એનાં સગાંસંબંધીઓ વિશે તપાસ કરતા કે એ બધા કઈ સ્થિતિમાં છે. એમને બધી જાણ થઈ જાય એટલે તેના બાળબચ્ચાંની સંખ્યા જોઈને એ મુજબ તેનું વેતન નક્કી કરતા. કેવળ વેતનમાં તેમને રસ નહીં, એટલે પૂછતા કે 'ખાંસાહેબ, આપ કેટલી રોટી, કેટલી દાળ અને કેટલું ગોશ્ત ખાશો અને કેટલું દૂધ પીશો?' પેલો જવાબ આપતો કે 'હું આઠ રોટી અને પાશેર ગોશ્ત ખાઈશ અને અચ્છેર દૂધમાં મારું ગાડું ગબડી જશે'. એટલે તેઓ પોતાના મુનીમ કમરુદ્દીનખાંને હુકમ કરતા, 'કમરી દારદ.' એટલે કે એ કમરૂદીનખાં, આનું નામ સેવકોની સૂચિમાં નોંધી લો.
એક વાર એમની પત્નીએ કહ્યું કે જે સિપાઈની આઠ રોટીઓ નક્કી કરેલી એના રસોડેથી આજે એક રોટી પાછી આવી છે. આ સાંભળીને છદ્દૂખાં બહાર આવ્યા અને પેલા સિપાઈને બોલાવીને કહ્યું, 'ખાંસાહેબ, આજે આપે એક રોટી ઓછી ખાધી છે. આ બાબત આપણા કરારથી વિરુદ્ધ છે.' સિપાઈએ કહ્યું, 'હુજૂર, આજે મારી તબિયત સારી નહોતી.' એમણે કહ્યું, 'ન ખાઈ શક્યા તો વધેલી રોટી ઘેર લઈ જવી હતી.' આટલું કહીને એમણે પોતાના મુનીમ કમરૂદ્દીનખાંને બોલાવ્યો અને કહ્યું, 'કમરી, આ ખાંસાહેબ નદારદ.' (એટલે કે એમને બરખાસ્ત કરવામાં આવે છે) સિપાઈએ શરમિંદા બનીને કહ્યું, 'હુજૂર, મને કાઢી ન મૂકો.' એમણે કહ્યું, 'ખાંસાહેબ, આપે વાયદો તોડ્યો. પૂરા એક મહિના સુધી તમે બરખાસ્ત રહેશો. એક મહિના પછી ફરી જોડાશો.'
એક વાર એમણે એક સેવકને બોલાવ્યો. સેવક બે-ત્રણ મિનીટ પછી આવ્યો. એમણે પૂછ્યું કે મોડું કેમ થયું? પેલો બોલ્યો, 'પાણી ભરતો હતો.' એ કહે, 'હું બોલાવું એટલે સમજી લે કે હાથમાંથી દોરડું છોડીને પણ દોડતા આવી જવાનું.' આટલું કહીને એમણે હુકમ છોડ્યો, 'કમરી, આ સેવક નદારદ.'
વરસમાં ત્રણ વાર તેઓ ગરીબોને ભોજન કરાવતા. એક વાર મજાકમાં એમણે એક ગરીબને પૂછ્યું, 'આવું ભોજન તારા બાપે કદી ખાધેલું ખરું?' પેલો કહે, 'મારા બાપે જે ખાધેલું એ તો કદી તમારા બાપે પણ નહીં ખાધું હોય!' એમણે પૂછ્યું, 'તારો બાપ શું ખાતો હતો?' પેલાએ કહ્યું, 'જુવારની લુખી રોટી અને ચટણી.' એ હસી પડ્યા અને કહે, 'તું સાચું કહે છે. તેં મને જવાબ ન આપ્યો હોત તો મેં તને હમણાં જ તગેડી મૂક્યો હોત.'
(યાદોં કી બરાત, ઉર્દૂના મશહૂર શાયર જોશ મલિહાબાદીની આત્મકથા, હિન્દી અનુવાદ: હંસરાજ રહબર, રાજપાલ એન્ડ સન્સ, 2019)