Showing posts with label હસિત મહેતા. Show all posts
Showing posts with label હસિત મહેતા. Show all posts

Tuesday, June 9, 2026

અથશ્રી લેપટોપકાંડ

"તમને ટ્રેન મળી ગઈ?"

"હા. ટ્રેનમાં જ છું."

"કઈ ટ્રેનમાં?"
"ગુજરાત ક્વીનમાં."
"કેટલામો ડબ્બો?"
"એ તો ગણ્યો નથી, પણ આગળથી સાતમો આઠમો હશે. પણ છે શું એ કહો ને?"
શુક્રવારની સાંજે નડિયાદથી ગુજરાત ક્વિનમાં હું વડોદરા આવવા માટે બેઠો. આણંદથી ટ્રેન ઊપડી કે હસિતભાઈનો ફોન આવ્યો. અમારી વચ્ચે આવા સવાલજવાબ થયા. હજી કલાકેક પહેલાં જ અમે એમની કોલેજમાં ફાઈનલ રીહર્સલ પતાવેલું. કેમ કે, પછીના દિવસે શનિવારે, 6 જૂને અમદાવાદમાં સળંગ બે કાર્યક્રમ હતા. રિહર્સલ પછી હસિતભાઈ નાઝનીનને, વૈદેહીને અને મને ગોવર્ધનસ્મૃતિમંદીર ઊતારતા ગયેલા. એ વખતે એવી વાત થયેલી કે હજી મારી પાસે કલાકેક છે એટલે હું સ્મૃતિમંદીર બેસીશ. અને પછી ક્વિન પકડીશ. એટલે તેમનો આવો ફોન આવ્યો ત્યારે મને એમ કે આ પૃચ્છા મને ટ્રેન મળી ગઈ કે કેમ એની છે. પણ હું કયા ડબ્બામાં બેઠો છું એની સાથે એમને શી લેવાદેવા? હતી, અને એ દિવસે બરાબરની લેવાદેવા હતી. એમના દીકરા પર્જન્યે મારી સાથે વાત કરી.
વાત કંઈક આવી હતી. પર્જન્ય અત્યારે ગાંધીનગર આવ-જા કરે છે. એ ક્રમમાં તે અમદાવાદથી સાંજે ગુજરાત ક્વિન પકડીને નડિયાદ ઊતર્યો હતો. પણ પોતાની સાથે તે લેપટોપ મૂકેલી બેગ લઈ ગયેલો એને એ ટ્રેનમાં જ ભૂલી ગયેલો. તેણે જણાવ્યું કે એ પોતે ત્રીજા કે ચોથા ડબ્બામાં હતો. એ ડબ્બાના વચલા બારણામાંથી પ્રવેશીને જમણી બાજુ જતાં જે છાજલી હતી એની પર તેણે બેગ મૂકેલી. બેગનો રંગ પીળો. એચ.પી.ની બેગ, જેના આગળના પોકેટમાં એનું ઓળખપત્ર હતું. મારે હવે એ ડબ્બાઓમાં એણે મૂકેલા સ્થાને જઈને એ બેગ છે કે કેમ એની તપાસ કરવાની હતી. દરમિયાન એવી જ બેગનો તેણે ફોટોય મોકલી આપ્યો.
તેની વાત સાંભળીને હું મારી બેઠક પરથી ઊભો થઈ ગયો અને બીજા ડબ્બામાં જવા આગળ વધ્યો. પણ જોયું તો આ બધા ડબ્બા અલગ અલગ હતા. એટલે કે એકમાંથી બીજામાં જઈ શકાય એમ નહોતું. હવે પછી આવનારા વાસદ સ્ટેશને જ હું એ તપાસી શકું. આથી હું બારણા પાસે ઊભો રહ્યો. ટ્રેન આગળ વધી રહી હતી, એવામાં વાસદની પહેલાંના અડાસ સ્ટેશને સિગ્નલ ન મળવાથી એ પ્લેટફોર્મ પર થોભી. એ સાથે જ હું ડબ્બામાંથી ઊતરીને આગળ દોડ્યો અને મારી આગળના ડબ્બાઓમાં પર્જન્યે બતાવેલી જગ્યાએ, બહારથી જોતો જોતો આગળ દોડતો ગયો. પ્લેટફોર્મ પર હાથમાં લીલી ટોર્ચ લઈને ઊભેલા રેલવેના માણસે મને કહ્યું, 'આમાં ચડી જાવ.' પણ તેને અવગણીને હું આગળ વધ્યો. સિગ્નલ મળતાં ટ્રેન ઊપડી એ પહેલાં હું પાંચમા કે છઠ્ઠા ડબા સુધી આવી ગયેલો. હસિતભાઈ સાથે વાત પણ વચ્ચે વચ્ચે ચાલુ હતી. તરત જ વાસદ સ્ટેશન આવ્યું. ફટાફટ નીચે ઊતરીને હું આગળના ડબ્બા જોતો ગયો. પણ મને ક્યાંય બેગ દેખાઈ નહીં. ટ્રેન ઊપડતાં હું ફરી એક વાર એમાં ચડી ગયો. હવે વીસેક મિનીટ પછી વડોદરા સ્ટેશન આવે અને ત્યાં ટ્રેન વધુ સમય થોભે એ વખતે તપાસ કરીશ એમ વિચાર્યું.
દરમિયાન હસિતભાઈએ તેમની રીતે ચક્રો ગતિમાન કરી દીધાં હતાં. વડોદરાના રેલવે ડી.એસ.પી. શ્યાનસાહેબ તેમના પરિચીત હતા. તેમણે સઘળી હકીકત જાણી લીધી. તેમને પણ હસિતભાઈએ બેગનો ફોટો મોકલી આપેલો. તેમણે ડી-સ્ટાફને તૈનાત કરી દીધેલો. એટલે કે ડબ્બા આગળ તો ખરા જ, પણ સ્ટેશનથી બહાર નીકળવાના રસ્તા પર પણ તેમના માણસો ગોઠવાઈ ગયેલા. હસિતભાઈએ અને આ હકીકત જણાવી તેમજ ત્યાંના એક પોલિસકર્મી અજયભાઈનો ફોન નંબર મને મોકલ્યો. જોતજોતાંમાં વડોદરા સ્ટેશન આવ્યું.
અહીં ટ્રેન સહેજ બધુ થોભે, પણ ચડવા માટે ધસારોય વધુ હોય.
મેં જોયું તો બહાર બે પોલિસમેન ઊભેલા હતા અને તેઓ ડબ્બામાં ચડીને છાજલીઓ જોઈ રહ્યા હતા. હું પણ ફટાફટ ઊતરીને બીજા ડબ્બા જોવા લાગ્યો. એવામાં એક ડબ્બામાં ચડેલા અજયભાઈએ બેગ જોઈ અને તેમના સાથીદારને કહ્યું, 'મળી ગઈ.' મેં આ સાંભળ્યું કે તરત હું તેમની પાસે પહોંંચી ગયો અને પૂછ્યું, 'નડિયાદવાળું ને?' તેમના હાથમાં એ જ બેગ હતી. તેમણે પૂછ્યું, 'તમે એમના મિત્ર છો?' હસિતભાઈએ મારા વિશે એમને જણાવેલું. અમે પ્લેટફોર્મ પર ઊભા રહ્યા. તેમણે હસિતભાઈને ફોન જોડ્યો અને પોતે વાત કરીને મારી સાથેય વાત કરાવી. એ પછી તેમણે મને એ બેગ આપી. તેમના સાથીદારે મને બેગ અપાતી હોય એવો ફોટો પાડીને હસિતભાઈને મોકલી આપ્યો. આમ, એક પ્રકરણ અહીં સુખરૂપ પૂરું થયું.

ગુજરાત ક્વિનની સાખે,
મને બેગ સાથે લેપટોપ સોંપતા
રેલ્વે પોલીસના અજયભાઈ ખુમાણ.

પણ એ પછી આ પ્રકરણ અમારે ત્યાં ચાલુ રહ્યું. ઘેર પહોંચ્યો કે મારા હાથમાં અજાણી બેગ જોતાં જ કામિનીએ પૂછ્યું, 'આ કોની બેગ છે?' જવાબમાં મેં એને આખી વાર્તા કરી અને પેલો ફોટો દેખાડ્યો. હવે બીજા દિવસે અમદાવાદ જતાં અમારે યાદ રાખીને એ બેગ (લેપટોપ સાથે) લઈ જવાની હતી.
ઘેર પહોંચીને હસિતભાઈનો ફરી ફોન આવ્યો ત્યારે અમે બન્નેએ કેટલીક કલ્પનાઓ કરી. એ મુજબ શ્યાનસાહેબે ડી-સ્ટાફ તૈનાત રાખેલો અને તેમને સૂચના આપેલી કે કોઈ પણ શખ્સ પીળા રંગની આવી બેગ સાથે બહાર નીકળતો દેખાય એટલે એને પકડવો. અમે પરસ્પર કહ્યું કે ડી-સ્ટાફના માણસો નામ પછી પૂછે, પહેલાં તો ડંડા ફટકારે. આ સંજોગોમાં મને બેગ મળી હોત અને હું એ લઈને બહાર નીકળતો હોત ત્યારે ડી-સ્ટાફના માણસોએ મને જોયો હોત તો... ! આમ વિચારીને અમે બહુ હસ્યા.
બીજી પણ મસ્તીઓ કરી.
કામિનીએ પૂછ્યું કે તમે આ જાણ્યું ત્યારે પર્જન્યને શું કહેલું? હસિતભાઈ કહે કે મેં તો સીધું પીન્કીને (પત્ની લિમિશાને) જ ઠપકો આપ્યો કે મેં તને એ વખતે કહેલું ને કે તું બરાબર બદામ ખાજે, જેથી (આવનારા) દીકરાની યાદશક્તિ સરખી રહે. પણ તેં ન ખાધી તો આજે આ દિવસ જોવાનો આવ્યો!
હસિતભાઈ મારી સાથે ફોન પર વાત કરીને મને ડબ્બા તપાસવાની સૂચના આપી રહ્યા હતા ત્યારે તેમની સાથે દિવ્યેશ, દેવાંગ, વિષ્ણુ વગેરે મિત્રો બેઠેલા. તેમણે હસિતભાઈને કહ્યું, 'તમે બીરેનભાઈને આવી સૂચનાઓ આપો છો, તો તમે એમની ઉંમર ભૂલી ગયા લાગો છો!'
ખેર! અપડાઉન કરતા ત્યારે મોટે ભાગે છેલ્લા ડબામાં બેસતા અને નંદેસરી ટ્રેન ઊભી રહે ત્યારે નીચે ઊતરીને અમે દોડીને આગળના ડબ્બે આવી જતા એ દિવસો યાદ આવ્યા.
બીજા દિવસે સ્ક્રેપયાર્ડમાં અમે લગભગ આગળપાછળ જ પહોંચ્યા. પર્જન્ય મને જોશભેર ભેટી પડ્યો એ જોઈને બાજુમાં ઊભેલી કામિનીએ કહ્યું, 'અલ્યા, તને લેપટોપ આપશે, હોં!' પણ પડછંદ કદકાઠી ધરાવતા પર્જન્ય અને મારા ભેટવાનું દૃશ્ય મને અફઝલખાન અને શિવાજીની મુલાકાતની યાદ અપાવતું હતું. મેં લેપટોપવાળી બેગ કાઢીને પર્જન્યને સોંપી. એ ઘડીની તસવીર નાઝનીને લીધી. હસિતભાઈએ એ જ તસવીર શ્યાનસાહેબને મોકલીને આખું વર્તુળ પૂરું કર્યું.
||ઈતિશ્રી લેપટોપકાંડ||

એ જ મિલકતની મૂળ માલિકને સોંપણી


Tuesday, August 12, 2025

સરસ્વતીચંદ્ર સંપન્ન થયાનું સવાસોમું વર્ષ

-બીરેન કોઠારી

આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવવું એક વાત છે, અને ગૌરવ લઈ શકાય એ રીતે વારસાને જાળવવો સાવ અલગ વાત છે. આ બાબતે સમગ્રતયા ઉદાસીન માહોલમાં એક એવી ઉજવણી વિશે જાણીને રાજીપો અને સંતોષ થાય કે આવું અપવાદરૂપ કામ આટલી આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે!

ખેડા જિલ્લાનું નડિયાદ નગર એક સમયે ‘સાક્ષરભૂમિ’ તરીકે જાણીતું હતું, અને અનેક વિદ્વાનો અહીં વિદ્યમાન હતા. આ તમામ પંડિતોમાં ઝળહળતા સૂરજ જેવું નામ એટલે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે કે ગો.મા.ત્રિ. ચાર ભાગમાં તેમણે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂર્વગાંધીયુગમાં ગુજરાતનું સંસ્કારપ્રતીક બની ચૂકી હતી. સંગમયુગના દૃષ્ટા તરીકે ઓળખાવાયેલા ગો.મા.ત્રિ.એ શાળાકીય શિક્ષણ નડિયાદ અને મુંબઈમાં મેળવ્યું અને વ્યાવસાયિક કારકિર્દી મુંબઈમાં જમાવી. ઊત્તરાવસ્થામાં તેઓ નડિયાદના પોતાના મકાનમાં પાછા આવ્યા, અને ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનું લેખન અહીં જ સંપન્ન કર્યું. ઈ.સ.1900નું એ વર્ષ, જેની નોંધ ગોવર્ધનરામે પોતાની નોંધપોથીમાં કરેલી છે. એ પછીના વર્ષે, ઈ.સ.1901માં તેનો ચોથો ભાગ પ્રકાશિત થયો.
આમ, 2025નું વર્તમાન વર્ષ એટલે ‘સરસ્વતીચંદ્ર’ સંપન્ન થયાનું સવાસોમું વર્ષ. દુનિયાના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી જેને માટે ગૌરવ લઈ શકે એવી આ ઘટનાની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી બની રહે એ કંઈ ચાલે? પ્રો.હસિત મહેતાએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ.આનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ.પણ આમ વિચારનાર હસિતભાઈને એવી તે શી લેવાદેવા કે એમના મનમાં આ વિચાર આવે?
પ્રો.હસિત મહેતાના અવિરત, દૃષ્ટિવાન પ્રયાસોથી નડિયાદના નાગરવાડા વિસ્તારમાંની ઝઘડીયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ એટલે કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન આજે દેશવિદેશના અનેક સાહિત્યરસિકો માટેનું તીર્થધામ બની રહ્યું છે. અહીં આવનાર મુલાકાતી આ સ્થળે ગો.મા.ત્રિ.ની ચેતનાને અનુભવી શકે છે. અસલ મકાનના મૂળ માળખા ઊપરાંત ગો.મા.ત્રિ. દ્વારા ઊપયોગમાં લેવાયેલી વિવિધ ચીજવસ્તુઓ તેમજ ગો.મા.ત્રિ.નાં તમામ પ્રકાશિત લખાણની મૂળ હસ્તપ્રત તો ખરાં જ, તેમનાં અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો સુદ્ધાં અહીં જતનભેર સચવાયેલાં છે. અહીં કાર્યરત વિદ્યાર્થી સ્વયંસેવકો મુલાકાતીઓને આ બધી માહિતી આપે ત્યારે મુલાકાતીઓ બે બાબતે અભિભૂત થાય છે. એક તો અહીંની જાળવણી જોઈને, અને બીજું આ બધું તેમને વિદ્યાર્થી સ્વયંસેવકો જણાવે છે એ કારણે. હા, આ સ્થળ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંકળાયા છે.
આથી, ‘સરસ્વતીચંદ્ર’ના સમાપનની શતાબ્દિની ઉજવણી માટે હસિતભાઈને પહેલો વિચાર આ સમગ્ર ઉપક્રમમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.

અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમની મંચ ઉપર અને પાછળની ટીમ 

લીઓ ટોલ્સ્ટોયની 'અના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આ બન્ને કૃતિઓની નાયિકા પોતપોતાની રીતે વિશિષ્ટ છે. આથી અના અને કુમુદસુંદરી વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા બન્નેએ પોતાના સર્જક પર ઘડેલું આરોપનામું ‘તમે કલમ મ્યાન કરી’ની એકાંકીરૂપે હસિતભાઈએ લખ્યું. આનું દિગ્દર્શન પ્રો.કમલ જોશીએ કર્યું.
બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન)કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. યાજ્ઞિકસાહેબ દર ગુરુવારે સાંજના છ વાગ્યે ‘ગોવર્ધન સ્મૃતિમંદીર’માં આવતા અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા. આગળ જતાં પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારી પણ આમાં સંકળાયા.અહીં વિવિધ વિષય પર ગોષ્ઠિ થતી. એટલે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીને એની ચર્ચા થકી રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ભારતીય રેનેસાં(નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવાનું નક્કી થયું. હસિતભાઈએ લખેલી આ સ્ક્રીપ્ટના સંવાદ ઉર્વીશ અને બીરેન કોઠારીએ લખ્યા.
ત્રીજી વાત એટલે 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ગીતો. ગોવર્ધનરામે પોતે લખેલાં, નવલકથાના કથાનકને અનુરૂપ અનેક ગીત પુસ્તકમાં છે. એ પૈકીનાં અમુક પસંદ કરીને, એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક તૈયાર કરાવાઈ. અતિ મધુર સ્વર ધરાવતી બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી થયું.સુરેશ જોશીએ સંગીતબદ્ધ કરેલાં ગીતોનું સ્વરાંકન સૌરભ પરીખ દ્વારા થયું.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં ચાલતાં રીહર્સલની જુદી મજા હતી. ખાસ તો વિદ્યાર્થીઓ જે તલ્લીનતાથી આમાં ભાગ લેતા હતા એ દૃશ્ય આંખને ઠારે એવું હતું. મંચની ઉપર અને પાછળ સંકળાયેલા અનેક વિદ્યાર્થીઓ માટે આ કેવું જીવનપાથેય બની રહે!
2 મે, 2025ના રોજ મુંબઈમાં યોજાયેલા ‘વ્યાપન પર્વ’માં અને એ પછી 2 ઓગષ્ટ, 2025ના રોજ અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહમાં દોઢેક કલાકનો આ કાર્યક્રમ અતિ સફળતાપૂર્વક યોજાયો. દરેક ચીજની રજૂઆત અગાઉ તેની પૂર્વભૂમિકા ટૂંકમાં અપાતી, જેથી દર્શકો તેનો સંદર્ભ તરત જ સમજી શકે. અલબત્ત, આ શરૂઆત છે. હજી ગુજરાત આખામાં અનેકવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓમાં આને પહોંચાડવાની નેમ છે અને એ માટે આમંત્રણો મળી પણ રહ્યાં છે.
લોકરુચિને સંતોષવા સસ્તી રંજકતાના સ્તરે ઊતરી આવવાને બદલે આવા કાર્યક્રમ થકી લોકરુચિનું ઘડતર કરવું અઘરું છે. આથી જ આવો વિચાર કરનાર, એનો અમલ કરનાર અને અમલમાં સંકળાયેલા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. આ ઉજવણી ગુજરાતભરમાં પ્રસરીને ખરા અર્થમાં ગુજરાતગૌરવ બની રહે એમાં જ એનું સાર્થક્ય છે.

(સૌજન્ય: કર્ટન કોલ, ગુજરાતમિત્ર, રવિવારીય પૂર્તિ, 10-08-25)