- અમિત જોશી
[ દિલ્હી રહેતા મિત્ર અમિત જોશીનાં લખાણો અને તેની
આગવી હાસ્યસૂઝથી હવે તો આ બ્લોગના વાચકો પરિચીત છે. તેના વાંચનપ્રેમને કારણે તેણે લખેલો
આ લેખ ભલે હળવી શૈલીમાં હોય,પણ એ હળવાશ પાછળ રહેલી તેની વેદના બહુ ધારદાર
રીતે આપણા સુધી પહોંચે છે. તે ચિંતા પ્રેરે છે, તેમ નિરાશા પણ
જન્માવે છે. ‘આનો ઉપાય શો?’ એ આપણે સૌએ વિચારવાનું
છે.]
ગુજરાતમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રે ઠીક ઠીક
લોકોને ઘેર બેઠે ગંગાસ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરાવ્યું છે. સહકારી બેન્કોના
નામે લોકો ભડકી ઉઠે છે, છતાં સહકારી
પ્રવૃત્તિનાં મૂળ એટલાં ઉંડાં પહોંચેલાં છે કે આપણને ઘણી વાર કલ્પનાય ન આવે! મારા
ગામ ઉમેદગઢમાં છેલ્લા થોડા વરસોથી સહકારી પ્રવૃત્તિનું ‘વિપુલ ઝરણું’ ફૂટી નીકળે છે
અને ઘણા લોકો ‘પાપી’ ન હોવા છતાં તેમાં ડૂબકી મારીને પુણ્યશાળી
બનવાનો લ્હાવો લે છે. આની શરૂઆત છેક નવરાત્રિના દિવસોથી થઈ જાય.
નવરાત્રિ ટાણે સૌએ દીવાળીના તહેવાર માટેનાં
પોતપોતાનાં ફરસાણ અને મિઠાઈનો ઓર્ડર નોંધાવી દેવાનો. એ પછી દિવાળીના ચાર દિવસ અગાઉ
ગામવાળા જાતે જ સીધુંસામાન ખરીદી લાવે, તેનો વહીવટ કરે, મહારાજને પણ તેડી લાવે અને ગામની વાડીમાં જ
ગામનાં સહિયારાં ફરસાણ-મિઠાઈ તૈયાર થાય. જે ખર્ચ થાય એને સૌએ સરખે ભાગે વહેંચી
લેવાનો. આપણી નજર સામે જ બનેલો ઉત્તમ ગુણવત્તાવાળો કેટલો સુંદર લાગે!
પણ ખરી મઝા આવે બેસતા વરસના દિવસે. તમે
ભાનુભાભાને ‘જેશીક્રષ્ણ’ કરવા જાવ, પશા અરખાને ‘રામરામ’ કરવા જાવ કે
કડવાજી રેવાજીને ત્યાં
બેસવા જાવ, બધાના
ઘેર એના એ જ ગાંઠીયા, એકસરખો મોહનથાળ,
એક જ રંગ અને સ્વાદની બરફી, અને હવે તો એક જ સ્વાદવાળી
કાજુકતરી. એના એ જ દેવ, અને એના એ જ પૂજારી. પણ આટલેથી વાત
અટકતી નથી. બહારગામથી કોઈક મહેમાન ગામમાં આવે અને હજી તો એ ગળ્યું મોં કરવા માટે
કાજુકતરીનો ટુકડો હાથમાં લે એ સાથે જ ઘરના વડીલ યજમાન પૂછે,
“તમાર તોં આ કાજુકતરી ચેટલામોં પડે?” મહેમાન બિચારા ગીતાના
પહેલા અધ્યાયના અર્જુનની જેમ મૂંઝાઈ જાય.પહેલાં કાજુકતરી મોંમાં મૂકું કે જવાબ
આપું એની અવઢવ તેને થઈ જાય. કાજુકતરી મોંમાં મૂકતાં મૂકતાં એ મનમાં આવે એ કિંમત
કહેતાં બોલે, “હસે પોન્સો-હાડા પોન્સોની.” આ સાંભળતાં જ
પેલા યજમાન વડીલ ‘ઈડરીયો ગઢ’ જીત્યો
હોય એવા હાસ્ય સાથે માહિતી પીરસે, “આ તમાર હાથમોં કાજુકતરી સ
એ અમન બસ્સોંમોં જ પડી, બોલો.” આવો ઝટકો મહેમાનને આપ્યા પછી
તે ગામમાં પ્રવર્તતી સહકારી ભાવનાની ભાવસભર ગાથા સંભળાવવાનું શરૂ કરે. અવાચક થઈ
ગયેલા મહેમાનના હાથમાં આટલી ‘સસ્તી’
કાજુકતરી ખાવાનો જે ઉત્સાહ પેદા થયો હોય એ બધો પેલી ગાથાના પ્રવાહના તણાઈ જાય. હાથમાં
પંદરેક મિનીટથી સ્થિર પકડી રાખેલી કાજુકતરીને તે પાછી થાળીના હવાલે કરીને રીતસર
નાસી છૂટે.
**** **** ****
ઘણા બધા લોકો
પોતાની ચીજ ‘વિશ્વમાં
શ્રેષ્ઠ’ અથવા તો ‘વૈશ્વિક કક્ષા’ની હોવાનો દાવો કરે છે. (જાણવા મળ્યા મુજબ એક ગુજરાતી પુસ્તકના નિર્માણ અંગેય
આવો દાવો ફેંકવામાં આવ્યો હતો.) પણ એ ચીજ જોયા પછી જ આપણને ખ્યાલ આવતો હોય છે કે
ખરેખર આ દાવો તે કરનારના ‘પોતાના વિશ્વ’ પૂરતો હોય છે. એ જ રીતે પહેલાં અમને એમ કે અમારા ગામની આ સહકારી
ફરસાણ-મિઠાઈ પ્રથા વિશ્વભરમાં એકમેવ હશે. પણ ગામની બહાર નીકળ્યા પછી જોયું તો ખબર
પડી કે આ રિવાજ તો ઠેરઠેર વ્યાપેલો છે. એમાંય ખાસ કરીને ગુજરાતી સામયિકોના દિવાળી
અંકોમાં તો એ સૌથી વધુ પ્રચલિત છે. અત્યારે વિચારતાં લાગે છે કે જન્મ્યા ત્યારથી જ
આ તમામ અંકોમાં ‘એનાં એ જ ફરસાણ- મિઠાઈ’ પીરસાતાં આવ્યાં છે.
‘દિવાળી
અંકો’નો આ અધ્યાય અત્યારે ભરઉનાળે કાઢવાનું કારણ શું? એવો સવાલ કોઈને થાય એ પહેલાં ચોખવટ કરી લઉં કે પરસેવાની કમાણી અને
કરપાત્ર આવકમાંથી આ મોંઘા દિવાળી અંકો ખરીદું છું, એટલે તેને
પૂરેપૂરા વાંચવાનો, અને એ પછી સંઘરવાનો આગ્રહ રાખું છું.
ઓક્ટોબર- નવેમ્બરમાં ખરીદેલા આ અંકો વાંચતાં આટલો સમય તો લાગે જ ને!
આટલી પૂર્વભૂમિકા
પછી હવે દાસ્તાન-એ-દિવાળી અંક.
**** **** ****
દિવાળીની રજાઓમાં
દિલ્હીથી આવતાં આબુ રોડ ઉતરીને ત્યાંથી વાયા ઈડર અમારા ગામ જઈએ ત્યારે કે વાયા
કપડવંજથી વળતાં આણંદ કે અમદાવાદથી દિલ્હી પાછા ફરવાનું થાય ત્યારે જે પણ દિવાળી
અંક હાથે ચડે એ ખરીદવાનો ક્રમ છે. અમુક સામાયિકો કેટલીક વાનગીઓની જેમ જ જે તે
ભૌગોલિક વિસ્તાર મુજબ વેચાતા જોવા મળે. કપડવંજમાંથી ‘સિને ઐશ્વર્ય’ મળી જાય, તો ઈડરમાંથી મુખ્ય ધારાના બે સામાયિકોના દિવાળી અંકો ઉપરાંત ‘મગજમારી’ કે ‘ભેજાનું દહીં’ પ્રકારના સામયિકો મળે. લીસા કાગળવાળા પ૦ રૂ.થી ઉપરની કિંમતના સામયિકો
માટે અમદાવાદમાં દરોડો પાડવો પડે.
અંક ખરીદીને તેનાં
પાનાં ઉથલાવતાં જ મોંમાંથી સ્વસ્તિવચનો આપમેળે સરવા માંડે એ સાથે જ આ શબ્દો કાને
પડે, “ દર વરસે આ અંકો
જોઈને એનો એ કકળાટ કરો છો, તો પૈસા ખરચીને થોથાં શું કામ
ઉપાડી લાવો છો?” આ કાયમી ઉદ્ગારની સામે એનો એ જ કાયમી જવાબ
હોય, “દિવાળી અંકોનું સ્તર કેટલું નીચું ઉતર્યું છે એ તપાસવા
જ દર વરસે આ કવાયત કરું છું. પણ હવે લાગે છે કે ઝરા સાવ વસૂકી ગયા છે. અને સરકારી
ધારાધોરણ અહીં લાગુ પાડવામાં આવે તો આ વિસ્તારને ‘ડાર્ક ઝોન’ જાહેર કરી દેવા જેવો છે.” ખેર, આ સંવાદો આગળ વધે એ
પહેલાં મુખ્ય ધારાનાં સામયિકોના દિવાળી અંકની વાત.
અગાઉ અનેક અદ્ભુત
અને ચીલો ચાતરનારું ‘આરપાર’ આ વખતે ‘પંચેન્દ્રીય’ તરફ
પહોંચ્યું છે. મોડર્ન આર્ટ બનાવવા જતાં લેઆઉટ ઉટપટાંગ બની ગયું છે. અંકના ઓપનિંગ
બેટ્સમેન જોઈને કપિલ દેવ કે સચીન તેન્ડુલકરની યાદ આવી જાય. ભલે તે સરખું રમે કે ન
રમે, ટીમમાં તો હોય જ. અહીં આધુનિક કલમો, જૂની વારતા અને નિષ્ણાતોને એક ચગડોળમાં બેસાડીને તેને ફેરવવાનો પ્રયત્ન
કરવામાં આવ્યો હોય એમ લાગે, પણ સંપાદનનું ઓઈલીંગ બરાબર ન
થયું હોવાથી વચ્ચે ‘કિચુડ કિચુડ’ થયા
કરે છે. હકારાત્મક વિચારસરણી મુજબ કોઈ પણ ચીજને તેનાથી ઉતરતી ચીજ સાથે સરખાવીએ એટલે
એ ચીજ આપોઆપ સારી લાગે છે. એ હિસાબે મુખ્ય ધારાનાં બન્ને સામયિકોની સરખામણીએ આ પ્રયાસ
સ્તુત્ય કહી શકાય.
‘સફારી’ દળદાર નથી, પણ દમદાર છે. અતિ ચુસ્ત એડીટીંગ, નયનરમ્ય તેમજ મનોરમ્ય લેઆઉટ, જોડણીની ચીવટ, તથ્યો સહિતનો ધારદાર સંપાદકીય લેખ. ‘અખિલમ્ મધુરમ્’ની લાગણી થઈ આવે. અનુવાદ/સંપાદન સાથે સંકળાયેલા અમ જેવા મુમુક્ષુઓ માટે
સાંગોપાંગ શિક્ષકની ગરજ સારે એવો આ અંક છે. સાર્વત્રિક ધોરણે રંગ ઉતરી રહ્યો છે
એવા સમયમાં ગુણવત્તાસભર ‘સફારી’નું
હોવું કોઈ ચમત્કારથી કમ નથી.
આ ચમત્કાર પછી વાત ‘નમસ્કાર’ની. પહેલી
નજરે તે આકર્ષક દેહલાલિત્ય ધરાવે છે. પણ આ ચમકદાર બાહ્ય દેખાવનો અંદરની સામગ્રી
સાથે કોઈ મેળ બેસતો નથી. ચટાપટાવાળો લેંઘો અને સદરો પહેરીને વગર નોંતરે અંબાણી
પરિવારના લગ્નસમારંભમાં આવી ચડ્યા હોય એવો મૂંઝારો એ કરાવી દે છે. ગુજરાતીઓને
પ્રિય એવા ચિંતનના ચાળે ચડેલા આ મેગેઝીનમાં ઓપ્રા, બાલ્ઝાકની
સાથે સાંઈબાબા પણ બિરાજમાન છે. આ ‘કોપી-પેસ્ટ’ ત્રાસદાયક છે. પણ આ આખી લોઢાની થાળીમાં સોનાના મેખ જેવાં છે કબીર વિષેનાં
મહેન્દ્ર મિસ્ત્રીનાં ચિત્રો. કબીરના બળવાખોર અને પરંપરાભંજક મિજાજને તાદૃશ્ય
કરતા આ ચિત્રોના તાણાવાણા લેખમાંના દોહાની સાથે સરસ રીતે જોડાયેલા છે. એ પછી સાવ
છેલ્લે કૂતરાનું લોહી પીવાની ધમકી આપનાર કલાકાર ધર્મેન્દ્રના તત્ત્વચિંતન પાછળ
આટલા મોંઘા ભાવના, ચમકદાર ચાર પાનાં વેડફાયેલાં જોઈને હસવું કે
રડવું એ સમજાતું નથી. આપણને થાય કે ભાઈ, ચિંતનનો ત્રાસ ગુજારવો
હોય તો આપણા જાણીતા ગુજરાતી ચિંતકો શું ખોટા છે તે હવે તમે બિનગુજરાતી ફિલ્મી લોકો
સુધી લાંબા થાવ છો?
‘નવનીત
સમર્પણ’નો વિશેષાંક ‘સમય’ વિષે છે. આ એક માત્ર સામયિકની ગુણવત્તા વરસોથી અક્ષુણ્ણ રહી હોય એમ જણાય
છે. અમૃત ગંગર, ફારૂક શાહ અને સોલી કાપડીયાના ઉત્તમ લેખો. પણ
આમાં ‘મેન ઑફ ધ મેચ’ છે....... જવા દો.
એક વિચાર એવો આવ્યો કે નામ નથી લખવું. પછી થયું કે આપણે
લખેલા ઉપરના ફકરામાંથી કંઈક પ્રેરણા લેવી જોઈએ. બ્યુટી પાર્લરનું નામ લખવામાં
સંકોચ ન રાખનાર મેગેઝીનની એ ચેષ્ટાને આપણે બીરદાવતા હોઈએ તો આપણે શા માટે એ લેખના
લેખકનું નામ આપવાથી ડરવું જોઈએ? એ લખનાર કેવળ આપણો મિત્ર છે
એટલા જ કારણથી? અરે, એને હું ઓળખતો ન
હોત તો પણ પત્રકારત્વના એણે કરેલા પોસ્ટમોર્ટમ પછી તેને બીરદાવ્યા વિના ન રહેત. એ
વાંચ્યા પછી એક જ ઉદ્ગાર નીકળે, “વેલ ડન, મારા મહેમદાવાદી દોસ્ત! તારા જેવા ભડવીરો અત્યારે શોધ્યાય મળે એમ નથી.”
એક મેગેઝીનના કવર
પર મુઠ્ઠીભર બાવાઓના નામની યાદી ‘સંતવાણી’ હેઠળ જોઈ. એ જોયા પછી ઘડીભર તો એ વિચાર આવી
ગયો કે ગુજરાતમાં જમીનો પછી હવે બાવાઓ ‘દીવાળી અંક’ પણ હડપવા લાગ્યા કે શું? ભલે બાપ, ભલે. ‘માર્ગી’ નામનું બે
ભાગમાં વહેંચાયેલું એ મહિલા સામયિક ખરીદ્યું અને અંદર જોતાં જ નિરાશા થઈ આવી. આ
મહારાજો અહીં પણ પોતપોતાના વાડામાં મુશ્કેટાટ ખોડંગાયેલા પડ્યા છે. પોતપોતાની
હાટડીઓનો કાલોઘેલો પ્રચાર તેમણે કર્યો કર્યો છે, સિવાય કે
સ્વામી સચ્ચિદાનંદ. એટલો પા’ડ કે સંપાદિકા આસારામને તાણી ન
લાવ્યાં. આ જ સામયિકના પહેલા ભાગમાં અત્ર તત્ર સર્વથી મેળવેલી માહિતીઓનો
મહિલાજગતના લાભાર્થે ઉતારો કરાયો છે. પહેલેથી ખબર હોત કે ‘ઓઝા-વૈદ્યનું
સહિયારું’ છે, તો પૈસા વધુ સારી (અથવા
ઓછી ખરાબ) પસ્તી પાછળ ખર્ચત.
‘મુંબઈ
સમાચાર’ના દિવાળી અંકથી ખાસ લેખોની અપેક્ષા હતી. પણ તેમાં જે
રીતે આડેધડ વેતરવાનું ‘ટેલરકામ’ થયું
છે એમાં છેડા ઓટવાના બાકી રહી ગયા હોય એવું અધૂરું લાગે છે. અને પછવાડે
ચોંટાડાયેલી વારતાઓ.. સમજો ને કે અંક બહાર પાડવાની રસમ પૂરી થઈ છે.
‘શબ્દસૃષ્ટિ’ના દિવાળી અંકમાં આ વખતનો વિષય છે ‘નાટક અને હું’. સંપાદકે ચોક્કસ મુદ્દાઓના દાયરામાં અનેક નાટ્યકારો અને નાટ્યલેખકો પાસે
ઉપરોક્ત વિષય પર લખાવવાનો સાહસિક પ્રયત્ન કર્યો છે. આમાંની ઘણી કેફિયતો અત્યંત
નિખાલસ છે, તો અમુક સાવ ચેટકીયા. ઉપેન્દ્ર ત્રિવેદી, નિમેશ દેસાઈ, દલપત ચૌહાણ, મધુ
રાય, મહેશ ચંપકલાલ જેવા મહાનુભાવોનો અહીં ભાતીગળ મેળો છે.
અંક પાછળ લેવાયેલી જહેમત દેખાઈ આવે છે. જો કે, પાછળ સરકારી
રાહે અપાયેલી અપ્રાપ્ય દિવાળી અંકોની યાદી ભાવકનો જીવ બાળવા માટે પૂરતી છે.
મુખપૃષ્ઠ પર ‘સુંદરી’ના ફોટાનો કશો
ઉલ્લેખ નથી.
‘અસ્મિતાગુર્જરી’ નામના એક સામયિકનો ચકચકીત અંક દિવાળી અંક સમજીને ખરીદ્યો. હકીકતમાં એ
શુભારંભ અંક હતો. આંજી નાંખનારા કાગળ અને લે આઉટના પ્રમાણમાં સામગ્રી સાવ નબળી.
બિનનિવાસી ગુજરાતીઓને લક્ષમાં રાખીને પરસ્પર વલૂર શાંત કરવાના દેખીતા ઈરાદાવાળા આ
અંકમાં વિવિધ અંજલિઓ, સન્માનો, કોઈક
સાધુબાવાને પેસમેકર મૂકાવડાવ્યું એનો હૃદયદ્રાવક અને ચમત્કારસભર અહેવાલ, સાહિત્યના નભોમંડળમાં થઈ રહેલી ‘શાલઓઢાડ’ પ્રવૃત્તિની જાણકારી. આશ્વાસન એટલું કે આનો દિવાળી અંક હાથમાં ન આવ્યો, નહીંતર બીજા ૭૫-૧૦૦ રૂ.ની ‘શબ્દાંજલિ’ થઈ ગઈ હોત. ગુજરાતના એક મિત્રે, જો કે, મને નસીબદાર ગણાવ્યો છે. તેના જણાવ્યા મુજબ, આ
મેગેઝીનનો દરેક અંક આગલા અંકને સારો કહેવડાવે એવો હોય છે. એ દૃષ્ટિએ આ શુભારંભ અંક તેના અંકોમાં સર્વશ્રેષ્ઠ હશે એમ માનું છું.
‘અખંડ
આનંદ’ અને ‘ચંદન’- આ બન્ને સામયિકોને ધરમની ગાય ગણું છું. એટલે તેના દાંત ખેંચતો નથી, ફક્ત ગણીને સંતોષ માનું છું. ‘ચંદન’ આંકડા સહિત કહે છે કે ૯૨ લેખકો, ૧૩ કાર્ટૂનિસ્ટ, ૬ આર્ટિસ્ટ અને ૭ સહાયક સંપાદક છે. અહીં મુનિ તરુણસાગર, કેટરીના કૈફ, પ્રમુખસ્વામી,
વિદ્યા બાલન, ઓશો રજનીશથી લઈને ઉર્વીશ કોઠારી સુધીની રેન્જના
લોકોના પાટલા એક જ પંગતમાં પડેલા જોવા મળે છે. ‘ચંદન’ની વરસોથી રૂઢ બનેલી શૈલી છતાં તેના વફાદાર વાચક અને આગવા ગણિતને લીધે
તેનામાંથી વ્યાવસાયિકતાની બૂ આવતી નથી.
‘અખંડ
આનંદ’ ક્યારેક ‘સમર્પણ’ જેવું, તો ક્યારેક ‘જનકલ્યાણ’ની આવૃત્તિ જેવું ખંડિત થયેલું લાગે છે. રીઢા પત્રલેખકો રાતોરાત કોલમ લખતા
થઈ જાય અને મેગેઝીનની જે હાલત થાય એવી જ સ્થિતિ ‘અખંડ આનંદ’ની થઈ છે.
આ બધા દિવાળી
અંકોની ભરમારમાં એકવિધ આઈટમોવાળી ફીક્સ થાળી ખાધા પછી છેલ્લે અનલિમિટેડ ડેઝર્ટ આવે એવી જ લાગણી થઈ ‘કચ્છમિત્ર’નો દિવાળી
અંક જોઈને. અગાઉ નટીઓના ફોટા અને હવે ભાણી-ભત્રીજીઓની તસવીરોવાળા કવરપેજથી સાવ અલગ
એવું ‘કચ્છમિત્ર’નું ક વર જોઈને લાગે કે
અંક જમીનસોતો હશે. તંત્રીલેખ વાંચતાં જ આ વિશ્વાસ બળવત્તર બને છે. આટલો સરસ
તંત્રીલેખ ગુજરાતનાં બાકીનાં સામયિકોમાં આ જન્મારામાં વાંચવા મળશે એ શંકા થાય!
અંકના તમામ લેખ લગભગ કચ્છને લાગતા-વળગતા. પાણી, ઘાસચારા અને
ગોચર (જેને કચ્છમાં રખાલ કહે છે) જેવા રોજબરોજના જીવનને સ્પર્શતા લેખો. કચ્છી
બોલીમાં લખાયેલી ઘણી કવિતાઓ વાંચીને આનંદ અને આશ્ચર્ય બન્ને થયાં. બોલીઓ (અને હવે
તો ભાષાઓ પણ) સંકોચાતી જાય છે ત્યારે આવા પ્રયત્નો માટે આ પ્રકારના દિવાળી અંક
ઉત્તમ મંચ પૂરો પાડે છે. ગુણવત્તાથી ફાટફાટ થતા આ દળદાર અંકની જાહેરખબરોમાં ગામનાં
નામ અને વ્યક્તિઓની અટકો વાંચવાની મઝા પણ ઓર છે. ગુજરાતનાં ગામોનાં નામ વિષે રમેશ
તન્નાએ લખેલો લેખ મજેદાર છે, પણ પુનર્મુદ્રીત છે. ખેર! ઋષિના
કુળ અને ગુરૂના લેખના મૂળ સુધી જવું નહીં.
આ વખતે ચૂંટણીની
આચારસંહીતાને કારણે માહિતીખાતા દ્વારા પ્રકાશિત કરાતા વજનદાર એવા ‘ગુજરાત’ના દિવાળી
અંકની ખોટ સાલી.
આચારસંહિતા તો
બરાબર, પણ કમ સે કમ દિવાળી
અંકો પર વિચારસંહિતા લાગુ પાડવામાં આવે એવા ‘વાઈબ્રન્ટ’ દિવસો આવશે ખરા?

