Showing posts with label સામાજિક મુદ્દો. Show all posts
Showing posts with label સામાજિક મુદ્દો. Show all posts

Saturday, March 31, 2018

ખુવાર થવાનો રાજમાર્ગઃ હીક્


(ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતા ગામીતે પોતાના લોકો અને પોતાના વિસ્તાર વિશે, તેમના સ્વચ્છતાના અભિગમ વિશે  અહીં લખ્યું હતું. આ વખતે તેણે પોતાના વિસ્તારના એક અતિ ગંભીર પ્રશ્નની વાત કરી છે.) 

- સુનિતા ગામીત

આદિવાસી સમાજનો દારૂ સાથે પહેલેથી જ નાતો જોવા મળે છે. ગામીત જાતિના કુળદેવી દેવમોગરા માતાને દારૂ ચઢાવવાની વર્ષો જૂની પ્રથા છે, જે આજે પણ ચાલુ જ છે. પરંતુ દારૂ ચઢાવવાની વ્યવસ્થા અલગ હોય છે. ચઢાવાનો દારૂ મૂર્તિ પાસે નહિ, પરંતુ નિશ્ચિત કરેલા સ્થળે જ ચઢાવવાનો રિવાજ છે. આદિવાસી સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની સાથે સાથે વિદેશી દારૂનો પ્રસાર પણ બહોળા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક એવી માન્યતા પણ પ્રવર્તે છે કે વ્યસન કરવાથી કોઇ નુકસાન થતું નથી. પેઢી દર પેઢીથી વ્યસન ચાલ્યું આવે છે. બાપદાદાઓ વ્યસન કરતા હતા અને અમે પણ કરીએ છીએ ને તોય હજુ જીવીએ છીએ.
દેશી દારૂ બનાવવાની પરંપરાગત પ્રક્રિયામાં મહુડાનાંં ફુલની સાથે દેશી ગોળ ઉમેરવામાં આવતો. આ પ્રકારનો મહુડાનો દારૂ પીવાથી પીનારને નુકસાન થવાની સંભાવના ઓછી રહેતી. મહુડાનાંં ફુલના ગુણ ઘણા છે. આ ફુલને કાચા ખવાય, શેકીને ખવાય, મહુડાના ફુલનો લાડુ પણ બને. પરંતુ  તેના ગુણોને બદલે મહુડાના 'પહેલી ધાર' ના દારૂનો આસ્વાદ લેવાનું ચલણ વધુ છે.  હાલમાં દેશી દારૂની ભઠ્ઠીઓમાં મહુડાનાંં  ફુલ તેમજ ગોળ ઉપરાંત પીનારને 'કીક' આવે તે માટે સલ્ફેટ ખાતર, ખેરની છાલ, સાદડાની છાલ, ખાખરાની છાલ, ચિલરની છાલ વગેરે ઉમેરવામાં આવે છે. જરૂર પડે તો નશીલા પાવડરનો પણ ઉપયોગ થાય છે. આ બધા કારણોસર પીનારમાં લીવરની બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. અમારા વિસ્તારના નશો કરતા પુરૂષોને આંતરડામાં સોજા ચઢવાની બીમારી પણ ઘણી જોવા મળે છે.
મહુડાનાં ફળો  (*)
આદિવાસી સમાજમાં વ્યસનનું પ્રમાણ પુરૂષોમાં વધુ અને સ્ત્રીઓમાં સૌથી ઓછું જોવા મળે છે. સ્ત્રીઓમાં બીડી કે તપકીરનું પ્રમાણ પહેલા કરતા ઓછું જોવા મળે છે. ગરીબી અને દારૂ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સામાન્યતઃ ગરીબ આદિવાસીઓ આખો દિવસ કઠોર પરિશ્રમ કરીને સાંજ પડતાંં ઘેર આવે ત્યારે ખૂબ થાક અનુભવતા હોય છે. તેમની માન્યતા એવી છે કે આખા દિવસનો થાક દૂર કરવા સાંજે દારૂ પીવો જ પડે. દારૂ પીધા પછી નશીલી અવસ્થામાં તેઓ થાક અનુભવતા નથી અને નિરાંતે ઉંઘી શકે છે. કેટલાક દારૂના વ્યસનીઓને પૂછતાં એમ જાણવા મળ્યું કે તેઓ રોજ દારૂ ન પીવે તો તેમને શરીરમાં ધ્રુજારી અનુભવાય છે, દારૂ પીધા વિના તેઓને કોઇ જ કામ કરવાની ઇચ્છા થતી નથી. એ લોકોને સતત દારૂ પીવાની તલપ લાગી હોય છે.
દારૂનું સેવન કરવાથી સોનગઢ વિસ્તારમાં ફક્ત ૪૦ વર્ષના ઘણા પુરૂષોની હાલત એવી ગંભીર બની ગઇ છે કે કોઇ પણ કાર્ય કરતાંં તેના હાથ ધ્રુજવા લાગે છે. તેઓ શરીરનું બેલેન્સ પણ જાળવી શકતા નથી. આદિવાસી વિસ્તારોમાં દારૂનું વ્યસન ગંભીર સમસ્યા બની ગઇ છે. ઘણા યુવાનો દારૂ પીને ડ્રાઇવિંગ કરતાં અકસ્માત કરીને મોતને ભેટ્યા છે, અપંગ બન્યા છે. ઘણાં કુટુંબોએ પિતા, પુત્ર, ભાઇ કે પતિ ગુમાવ્યો છે. ક્યારેક નશાની હાલતમાં સુરત, ઉધના જેવા શહેરમાં કામ પર જતી વખતે ચાલુ ટ્રેનમાં ચઢતાંં, ઉતરતાંં અથવા દરવાજા પર લટકીને જતી વખતે યોગ્ય બેલેન્સ ન જાળવી શકતાંં મોતને ભેટતા હોય છે. તો ક્યારેક ગંભીર શારીરિક ઇજા થતા સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાય છે.
ઘરમાં પિતા વ્યસન કરીને ઘરમાં, પાડોશી સાથે કે અજાણી વ્યક્તિઓ સાથે ઝગડો કરે છે ત્યારે સૌથી વધુ શરમ તેમના બાળકો અનુભવે છે. દારૂડિયાઓનાંં બાળકોને શાળામાં તેમજ ગામમાં તેમના પિતાના વ્યસન અંગે વારેવારે અહેસાસ કરાવવામાં આવે છે જેને કારણે તે બાળકો એકલતા અનુભવે છે અને અંદરોઅંદર મુંઝાય છે. આ પરિસ્થિતિને કારણે આવા બાળકો પર લાંબા ગાળા સુધી માનસિક અસર રહે છે.

પહેલી ધારનો.... (**)
દારૂની બદી ફેલાઇ છે તેનું એક કારણ ખોટું મિત્રવર્તુળ પણ છે. એવું જોવા મળ્યું છે કે કુટુંબમાં કોઇ વ્યસન ન કરતું હોય, પરંતુ મિત્રવર્તુળને કારણે દારૂ પીવાનો વારંવાર આગ્રહ કરવામાં આવે. આ રીતે ઘરની બહાર મિત્રો સાથે છુપી રીતે શોખ ખાતર દારૂ પીવાની ટેવ ધીમે ધીમે કાયમી વ્યસનમાં પરિવર્તિત થાય છે.
આદિવાસી વિસ્તારોના ગામોમાં ચારથી પાંચ દારૂની ભઠ્ઠીઓ જોવા મળે છે. તે ઉપરાંત ત્રણથી ચાર સ્થળોએ વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે. વિદેશી દારૂના ફેલાવાનું મોટું કારણ એ છે કે સોનગઢને અડીને જ મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી પરમીટવાળી દુકાનોમાંથી છાપેલા ભાવે આસાનીથી જોઇતી બ્રાન્ડ મળી રહે છે. કેટલાક કુટુંબોમાં તો સવારથી જ ચાને બદલે દારૂ પીવાનો શરૂ થઇ જાય છે. સવારથી જ નશો કરીને કેટલાક લોકો ખેતીકામ કરવાને બદલે ઘરની બહાર કે ખેતરે જઇને આરામ કરતા હોય કે રસ્તાની બાજુમાં ખુલ્લેઆમ પડી રહેતા હોય છે. આદિવાસી વિસ્તારોમાં દારૂની બદી એટલી બધી ફેલાઇ છે કે દારૂ ખરીદવા માટે જરૂર પડે તો ઘેરથી રુપિયા ચોરી કરે, રુપિયા માટે પત્ની સાથે ઝગડો કરીને તેને માનસિક-શારીરિક ત્રાસ આપે અથવા તો ઘરનાની જાણ બહાર પત્નીના ઘરેણાં પણ વેચી નાખે. ઉધારમાં સતત દારૂ પીવામાં દેવુ વધી જાય તો ઘરનાને જાણ કર્યા સિવાય પોતાની જમીન પણ વેચી નાખે. આ બધી વાતનો ફાયદો ગામમાં રહેલા શાહુકારો ઉઠાવે છે અને સાવ ઓછા ભાવે આદિવાસીની જમીનો પડાવી લે છે. મોટા ભાગના આદિવાસીઓ પાસે પોતાની જમીન હોવા છતાં તેમાં વૈજ્ઞાનિક ઢબે વધુ પાક લેવાના પ્રયત્નો કરવાને બદલે દારૂ પાછળ રુપિયા ખર્ચે છે.

એ જાણીને નવાઇ લાગશે કે ખેતરમાં કામ કરવા માટે મજૂરની જરૂરિયાત હોય તો દારૂની ભઠ્ઠીવાળાને કહેવડાવવું પડે છે કે ફલાણા ભાઇને ત્યાં ખેતમજૂરીનું કામ છે તે માટે આટલા-તેટલા મજૂરો જોઇએ છે. કહેવાનો મતલબ એ છે કે મજૂરભાઇઓને સવાર સવારમાં દારૂની ભઠ્ઠી પર શોધવા જાવ તો તેઓ ત્યાં જ  મળી જાય, ઘેર નહીં.

આખા દિવસની તનતોડ મજૂરી કર્યા પછી ફક્ત રૂ.100 થી 120 મળે. તેમાંથી સવાર-સાંજના રૂ.20-20 દારૂની પોટલી પાછળ વેડફવામાં આવે એટલે તેઓ ક્યારેય બચત કરી શકે નહિ અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ક્યારેય બદલાય નહિ.

ઘેર ઘેર ફેલાયેલી દારૂની બદીથી કંટાળીને ગામની મહિલાઓએ દારૂના વ્યસન વિરોધી ઝુંબેશ ઉઠાવી હતી પરંતુ ગામના પુરૂષો તેમ જ શિક્ષિત યુવાનોએ તેમાં કોઇ જ સાથ ન આપ્યો એટલે કશો ફેર ન પડ્યો. મારા જાણવા મુજબ સતત દારૂ પીવાને કારણે દર વર્ષે ગામમાં 4 થી 6 પુરૂષો મૃત્યુ પામે છે. અમારા આદિવાસી સમાજમાં છૂટાછેડા, ત્યક્તા અને વિધવાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે આદિવાસી સમાજમાં વિધવાવિવાહ પહેલેથી જ માન્ય છે. તેથી સ્ત્રી પતિની હયાતીમાં કે મૃત્યુ પછી બીજા લગ્ન પોતાની મરજી મુજબ કરી શકે છે.
આજે સોનગઢ વિસ્તારના મોટાભાગના યુવાનો આ વ્યસનને રવાડે ચઢી ગયા છે. શિક્ષણ લેવાની ઉંમરે વ્યસન કરતા થઇ ગયા છે. ધાર્મિક તહેવારો ઉપરાંત લગ્નપ્રસંગે પણ આજના યુવાનો દારૂને 'ફેશન' તરીકે અનિવાર્ય ગણે છે. લગ્ન પ્રસંગોમાં તો દારૂની રેલમછેલ હોય છે. વર્ષગાંઠ જેવી પાર્ટીઓમાં પણ દારૂ પીવાનું મહત્વ ખૂબ વધી ગયું છે. ઘરમાં કે કુટુંબમાં કોઇ કારણે બોલાચાલી થાય તો યુવાનો એ ઘટનાને ભૂલવા માટે દારૂનો સહારો લેતા થઈ જાય છે, જે બહુ ઝડપથી વ્યસનમાં પરિણમે છે. દારૂની સાથે સાથે જ સિગરેટ અને ગુટખાએ પણ યુવાનો પર કબજો કર્યો છે. ચૂંટણી વખતે તો દરેક ગામોમાં દારૂની રેલમછેલ જોવા મળે છે જેને કોઇ જ અટકાવી શકતું નથી.
આદિવાસી વિસ્તારોમાં જે લોકો શિક્ષિત બન્યા છે તેમનામાં સામાન્યપણે દારૂ પીવાની બદી જોવા મળતી નથી. પરંતુ હજુ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં નથી આવતા. તેઓ મુશ્કેલીથી પ્રાથમિક શિક્ષણ પુરૂં કરી શકે છે. ત્યારબાદ આ બાળકોને મા-બાપ સાથે મજૂરીકામમાં જોડવામાં આવે છે. ઘરમાં મા-બાપ દ્વારા જ દારૂ, સિગરેટ, બીડી, ગુટખા, તમાકુનું સેવન થતું જોઇને બાળકો પણ ચોરીછુપીથી એના રવાડે ચઢે છે અને ધીમે ધીમે તેની આદત પડી જાય છે.
આદિવાસી સમાજમાં વધતા જતા વ્યસનના પ્રમાણમાં ઘટાડો થવો જરૂરી છે. કારણ કે યુવાપેઢી જો આવા ખોટા રવાડે ચઢી જશે તો કુટુંબ, સમાજ કે ગામની પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકાય નહિ. તંદુરસ્ત આદિવાસી કુટુંબ કે સમાજનું સપનું સાકાર કરી શકાય નહિ. દારૂના વ્યસનને કારણે આદિવાસી સમાજમાં બે પ્રકારની અસરો જોવા મળે છે.

લાંબા ગાળાની અસરોની વાત કરીએ તો વારંવાર દારૂનું સેવન કરવાથી લીવરની બીમારી શરૂ થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે એટલે અન્ય રોગના આક્રમણની શક્યતા વધતી જાય છે. ગુટખા, બીડી, સિગરેટના સેવનથી કેન્સર તથા હૃદયરોગની બીમારીઓ જોવા મળે છે. ઉપરાંત ક્ષયરોગ પણ જોવા મળે છે જેનો ચેપ ઘરના બીજા સભ્યોને લાગે છે. દારૂને કારણે પીનારના આરોગ્ય પર ગંભીર અસરો પડે છે જેને કારણે આયુષ્ય ટૂંકાય છે.
ટૂંકા ગાળાની અસરોની વાત કરીએ તો દારૂ પીનાર વ્યક્તિ સભાનતા ગુમાવે છે. ખાસ કરીને તેના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે. રોજના નિયત સમયે દારૂ ન મળે તો તેના શરીરમાં નબળાઇ આવી જાય છે. દારૂ ન મળે ત્યારે વ્યક્તિને કામમાં રૂચિ ન લાગે, તેનું શરીર દુઃખે, માથું દુઃખે તેવી ફરિયાદો કરે છે.
Related image
મહેનતની કમાણી, દારૂમાં સમાણી (***) 
સમાજમાં પરિવારો વિખરાવાનું કારણ પણ દારૂ જ છે. પુરૂષો દારૂ પીને વારંવાર ઘરમાં ઝગડા કરે છે, વગર કારણે ઘરના જ બાળકોને ગાળો આપે છે જેને કારણે કુટુંબના બીજા સભ્યો અને પાડોશીઓ હેરાન થાય છે. કેટલાક પરિવારમાં આવા વાતાવરણથી કંટાળીને બાળકો નાની વયે જ ઘરેથી ભાગીને શહેરમાં મજૂરી કરવા નીકળી જતા હોય છે અને ભણતર છોડી દેતા હોય છે. ક્યારેક તો એવું બને છે કે મજૂરી કરીને કમાયેલા રુપિયા વ્યસનોમાં જ ઉડાવી દેવામાં આવે છે એને કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ હંમેશા નબળી જ રહે છે. દારૂની કુટેવને કારણે બાળકોને ભણાવી શકતા નથી તેમ જ આખું જીવન દેવામાં જ ગુજરે છે. અમુક કિસ્સાઓમાં તો વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી દેવુંં ચૂકવી શકાતું નથી. પતિના મૃત્યુ પછી તેની વિધવા અને બાળકો દેવાનો ભોગ બને છે. આ બધાને કારણે કુટુંબો વિખરાતા જાય છે.
વિધિની વક્રતા એ છે કે દર વર્ષે ફેબ્રુઆરીથી શરૂ કરીને વરસાદ ન આવે ત્યાં સુધી પાણીની ભયંકર તંગી સર્જાય છે. પરંતુ દારૂની નદીઓ બારે માસ વહે છે!
મારા મતે દારૂની બદી દૂર કરવાની નૈતિક જવાબદારી ગામલોકોની જ છે. હાલમાં ફેલાયેલી દારૂની બદી દૂર કરવા માટે સહુએ સાથે મળીને લાંબા ગાળાની વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી પડે. આ માટે તમામ સંગઠનોએ એક બનીને ગામડાઓમાં આવીને વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી અનિવાર્ય છે.
શહેરી અને ગ્રામીણ વચ્ચેનો ભેદ દારૂ પીવાની બાબતે પણ જોવા મળે છે. શહેરી સમાજના સુધરેલા લોકો વિદેશી દારૂ પીવે તેને 'ડ્રિંક્સ લીધું' એમ કહીને ફેશનમાં ખપાવાય, જ્યારે ગામડાના લોકો કઠોર પરિશ્રમ પછી ગરીબીનો કાયમી થાક ભૂલવા દેશી દારૂ પીવે તો 'પોટલી પીધી' કે 'દારૂડિયા' કહીને તેઓને ઉતારી પાડવામાં આવે. દારૂ પીનાર દરેક વ્યક્તિ --  ભલે ને પછી તે શહેરી હોય કે ગ્રામીણ -- દારૂડિયો જ છે. નવો તંદુરસ્ત સમાજ રચવા દારૂની બદીમાંથી કોઇ પણ હિસાબે બહાર નીકળવું જ પડે. વ્યસનમુક્તિની ઝુંબેશ સામુહિક રીતે શરૂ કરવી પડે અને અટક્યા વિના લાંબા સમય સુધી ચલાવવી પડે.
આ લેખ લખતી વખતે એવો પણ પ્રશ્ન થાય છે કે આ બદી દૂર કરવાનો ઉકેલ શો? એક સમાજશાસ્ત્રી તરીકે મને લાગે છે કે દારુના દૂષણમાંથી સમાજને બહાર કાઢવો હોય તો ગામડાઓની મહિલાઓએ સાથે મળીને પહેલ કરવી પડે. સૌએ પહેલ પોતાના ઘેરથી જ કરવી પડે. તેમાં એકલદોકલ પહોંચી ન વળાય એવી શક્યતા ખરી. એ સંજોગોમાં સંગઠન મદદરૂપ થઈ શકે. હિંમતભેર પુરુષોની સામે પડીને ઝુંબેશ ચલાવવી પડે અને તેમને સમજાવવું પડે કે આ તેમના જ હિતમાં છે. આ માટે ગામેગામ ફેલાયેલાં સખીમંડળોની બહેનો પોતાના સંગઠનનો સુપેરે ઉપયોગ કરી શકે, ગામની અને આસપાસનાંં ગામોની બીજી મહિલાઓને સમજાવી શકે, જાગૃતિ ફેલાવી શકે. હું પોતે આદિવાસી હોવાના નાતે મહિલા સંગઠનોમાં દારુના વ્યસનને દૂર કરવા અંગે જાગરૂકતા ફેલાવવાની કોશિશ કરતી રહું છું અને આદિવાસી વિસ્તારોમાંથી આ દૂષણને દૂર કરવા સૌનો સાથ લેવા માટે કટિબધ્ધ છું.

(તસવીર: * સુનિતા ગામીત । **ઈશાન કોઠારી । *** નેટ પરથી)

Wednesday, February 7, 2018

આદિવાસી સમાજ અને સ્વચ્છતા: પુરાની પહચાન


(આ લેખ મુખ્યત્વે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારને અનુલક્ષીને લખાયેલો હોવાથી એ રીતે વિશિષ્ટ છે, પણ તેની બીજી વિશિષ્ટતાની વાત વધુ અગત્યની છે. ડાંગ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ રીતે કાર્યરત મિત્ર ઉત્પલ ભટ્ટ અહીં વખતોવખત અહેવાલ આપતા રહે છે. સુનિતાના પરિવાર વિશેનો ઉત્પલે લખેલો એક અહેવાલ અહીં  વાંંચી  શકાશે.  પણ આ વખતે ખુદ સુનિતાએ પોતાના વિસ્તારનો આ અહેવાલ લખી મોકલ્યો છે. માંડ ત્રેવીસની સુનિતા ગામીત મહિલા સશક્તિકરણનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતાની સંઘર્ષયાત્રાની રોમાંચક કહાણી પણ ક્યારેક અહીં આલેખીશું. તેણે લખેલો આ લેખ 'શહેરી' અને 'સુધરેલા' ગણાતા લોકોને વિચારવા પ્રેરે એવો છે.)

- સુનિતા ગામીત (એમ.ફિલ. - સમાજશાસ્ત્ર)


માનવજીવનમાં સ્વચ્છતા ખૂબ જ પાયાની જરૂરિયાત છે. ગાંધીજીએ પણ વખતોવખત સમગ્ર દેશને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોને શાળાજીવનથી જ સ્વચ્છતાનું મહત્વ સમજાય તે રીતે ભણાવવામાં આવે છે. વર્તમાન વડાપ્રધાને સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું 'સ્વચ્છ ભારત' અભિયાન શરૂ કર્યું છે, જેનું સૂત્ર છે -- "એક કદમ સ્વચ્છતા કી ઓર".

આ પરિપ્રેક્ષ્યમાં સ્વચ્છતાના સમાજશાસ્ત્ર વિષે થોડી છણાવટ કરવી છે. હું સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના સાવ નાના એવા ખાંજર ગામની વતની છું અને ગામીત સમાજમાંથી આવું છું. આથી મારા વતનની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ, સ્વચ્છતા અંગેની જાગૃતિ અને સ્વચ્છતા જાળવવા અંગેના કાર્યક્રમો વિશે વાત કરવા માંગું છું.

સોનગઢ તાલુકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે, જેમાં ગામીત, ચૌધરી, વસાવા આદિવાસીઓનું પ્રમાણ વધુ અને કોટવાળીયા, ભીલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ વિસ્તારના ગામડાઓમાં મોટા ભાગે ચોક્ખાઈ જોવા મળે છે. ગામડાઓનાં મોટા ભાગનાં ઘરોની બહારની પરસાળ અને આજુબાજુની જમીનમાં સ્વચ્છતાનું રીતસર સામ્રાજ્ય નજરે પડે. એટલે સુધી કે ગાય-ભેંસ બાંધવાની જગ્યાએ પણ દિવસમાં ઘણી વખત સફાઈ કરવામાં આવે છે. આજની તારીખે પણ આદિવાસી સમાજમાં ભણતરનું પ્રમાણ ઓછું છે, એમાંય કન્યા કેળવણી તો સાવ ઓછી છે. છતાં ઓછું ભણેલા આદિવાસીઓ પોતાનું ઘર-ફળિયું ચોક્ખા રાખે છે, તે ખૂબ આનંદની વાત છે. નરી આંખે દેખાતી આ સ્વચ્છતા એ વાતની સાબિતી છે કે ભણતર વિના કે ઓછા ભણતર સાથે પણ આદિવાસી સમાજમાં પેઢી દર પેઢીથી સ્વચ્છતાનું મહત્વ ચાલ્યું આવે છે. સ્વછતાના અભિગમને અક્ષરજ્ઞાન સાથે લેવાદેવા નથી.
ખાંજર ગામનું સ્વચ્છ પરિસર 
શહેરી લોકો સામાન્યપણે આદિવાસી સમાજને 'પછાત'નું લેબલ લગાવે છે. પરંતુ હકીકત એ છે કે આ કહેવાતો પછાત સમાજ કે ગામડાના ઓછું ભણેલા લોકો શહેરી સમાજની સરખામણીએ સ્વચ્છતાના વધુ આગ્રહી હોય છે. અમારા ખાંજર ગામની આસપાસના ગામોની સ્વચ્છતા જોઇએ અને તેની સરખામણીએ તાલુકા મથક સોનગઢ, એથી આગળ જતાં જિલ્લા મથક વ્યારા અને એથી પણ વધુ આગળ જતાં સુરત મહાનગર જુઓ! શહેર તરફ આગળ વધતા જઈએ  તેમ તેમ ગંદકીનું પ્રમાણ વધતું જતું લાગે. આ જોઈને સવાલ ઉઠે કે ખરેખર પછાત કોણ? શહેરીઓ કે ગ્રામીણ?
અમારી તરફના ગ્રામીણ સમાજમાં પાણીનો પ્રશ્ન મોટી સમસ્યારૂપ છે, કારણ કે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. કેટલાંક એવાં ગામો છે કે જ્યાં લોકો એક કિ.મી. દૂર ચાલીને પાણી લેવા જાય છે. સરકારના પ્રયાસો દ્વારા ઘેર ઘેર પાઈપલાઈન દ્વારા નળની સગવડ કરી આપવામાં આવી છે. પરંતુ એ નળ ઘરઆંગણે શોભા વધારવા સિવાય કોઈ કામનો નથી. તેમાં પાણી આવે તેવી જોગવાઈ  નથી એટલે લોકોને ઉપયોગી નથી. તેમ છતાં લોકો પાણીનો પોતાની સૂઝથી સદુપયોગ કરે છે. આદિવાસીઓના રોજિંદા જીવનમાં પાણીનું ઘણું જ મહત્વ છે.

આદિવાસી સમાજ માટે અન્ય એક ખોટી છાપ પણ પ્રચલિત છે. હું એ કહેવા માગુ છું કે શહેરી સમાજ માટે આદિવાસી એટલે મેલોઘેલો પહેરવેશ અને અસ્વચ્છતા. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આદિવાસી લોકોનું રોજિંદું કાર્ય ખેતરમાં મજૂરી કરવાનું કે બાંધકામ ક્ષેત્રે મજૂરીકામનું હોય છે. તેઓ સવારથી સાંજ સુધી કઠોર પરિશ્રમ કરતા હોય છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોય છે. મહેનત કરીને જે વેતન મળે છે તેના થકી જ ઘરસંસાર ચલાવવાનો હોવાથી તેમની પાસે વધુ કપડાની સુવિધા હોતી નથી. (સામાન્ય રીતે રોજ પહેરવાના કપડાંની બે જોડી અને બહાર જવા એક જોડી કપડાંં, એમ ત્રણ જોડી બહુ થઈ ગઈ.). એટલે કામ સમયે એ લોકો જે કપડાં પહેરે છે તે કામ પૂરતા અને ૨-૩ દિવસ ચલાવતા હોય છે. આથી આદિવાસી અસ્વચ્છ અને ગંદા તેવી ધારણા તદ્દન ખોટી છે. દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ રાખે જ છે, કારણ કે આદિવાસી પ્રથમ તો માણસ છે, જેને સ્વચ્છતા અન્યો જેટલી જ પસંદ છે.
ખેતમજૂરીમાં મદદ કરી રહેલી સુનિતા 
નોંધવાલાયક મુદ્દો એ છે કે હજુ હમણાં સુધી સોનગઢ વિસ્તારના ગામોમાં શૌચાલયની સગવડ નહોતી. લોકોએ શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડતું હતું. એ વિસ્તારનાં ઘણા ગામોમાં, અનેક ઘરોમાં જુદાજુદા કારણોસર આજે પણ ઉપયોગ કરી શકાય તેવા શૌચાલય નથી. છતાં ગામોમાં ગંદકીનું પ્રમાણ સાવ ઓછું છે. તેના કારણે મચ્છરોનો ત્રાસ અને મચ્છરજન્ય રોગો પણ શહેરની તુલનાએ ઓછા જોવા મળે છે. તેની સામે તાલુકા મથકો, જિલ્લા મથકો, અને મોટા શહેરોમાં ઘેરઘેર શૌચાલયની સગવડ છતાં ઠેરઠેર દુર્ગંધ મારતી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

અમારા વિસ્તારમાં આશ્રમશાળાઓનું મોટું પ્રમાણ છે. હું પોતે પણ આશ્રમશાળામાં ભણેલી છું. બાળપણથી જ આશ્રમશાળામાં રોજના 'ટુકડી કાર્ય' દ્વારા સ્વાવલંબન અને તેના થકી સ્વચ્છતાનું શિક્ષણ આપવામાં આવે છે, જે હવે શહેરની કોઇ પણ શાળામાં અપાતું નથી તેવું મારું માનવું છે. 'સ્વાવલંબન થકી સ્વચ્છતા અંગેની જાગૃતિ' પણ સંશોધનનો એક વિષય બની શકે એમ છે.

સમાજશાસ્ત્રની સંશોધક હોવાના નાતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે 'સ્વચ્છતાના સમાજશાસ્ત્ર' અંગે નવું સંશોધન કરવાનો સમય પાકી ગયો છે. ખરું જોતાં તો વધુ ભણતર એટલે વધુ સમજશક્તિ અને એટલે વધુ સ્વચ્છતા -- એમ થવું જોઇએ. એટલે કે શહેરી સમાજ વધુ ભણેલો છે, તેમનામાં ગ્રામીણ લોકો કરતાં વધુ સમજશક્તિ છે એમ તેઓ માને છે  તેથી શહેરોમાં ગંદકીનું પ્રમાણ નહિવત હોવું જોઇએ. હકીકતમાં ઉલટું થયું છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણમાં ઓછું ભણતર હોવા છતાં સ્વચ્છતા અંગે લોકોની સમજણ કે વિચારો સ્પષ્ટ છે. તેથી સ્વચ્છતાનું પ્રમાણ શહેરની સરખામણીએ ઘણું જ વધુ છે. 'સમજશક્તિ અને જાગૃતિ કેવળ ભણતર પર આધારિત નથી.' આ મારું પ્રાથમિક તારણ છે. આ વિષય પર વધુ સંશોધન જરૂરી છે.

એક વ્યક્તિ સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરથી જ કરે તો સૌ પ્રથમ ઘર, આડોશપાડોશ, ગામ, આસપાસનાં ગામો, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ અને છેવટે વિશ્વસ્તરે સ્વચ્છતા ફેલાય.

(તસવીરો: ઉત્પલ ભટ્ટ)

Wednesday, November 22, 2017

‘સહયોગ’થી લોકસહયોગ સુધી

પ્રાણવાયુ પછી જીવન માટેની સૌથી અનિવાર્ય જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આવાસ ગણાતી હતી. હવે તેમાં ચોથું પરિબળ ઉમેરાયું છે. એ છે નેટવર્કનું. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના મોટા ભાગનાઓ, જાહેરમાં કે ખાનગીમાં કબૂલે છે કે તેમને નેટવર્ક વિના ચાલતું નથી.
પેલી દૂર દેખાતી ટેકરીની ટોચે પહોંચવાથી 'ટાવર' પકડાય. 
અલ્પેશ બારોટ બત્રીસેકનો જુવાનિયો છે. તેની સ્થિતિ પણ આવી જ હોવી જોઈએ. તે રોજ સાંજે સાડા ચારની આસપાસ એક ચોક્કસ સ્થળે પહોંચે છે. નાનકડી ટેકરી છે, કંઈ પાવાગઢ નથી. એટલે તેના નિવાસથી દસેક મિનીટ સીધા ચઢાણે ચાલતાં ટેકરી પર પહોંચી જવાય એવું છે. એમ તો એ ટેકરી પર તેણે ચાર ઉભા ને ચાર આડાં લાકડાં ગોઠવીને ઉપર પ્લાસ્ટિકની છત બનાવી હતી, જેથી આકરા તાપમાં છાંયો મળે. આખા ગામમાં આ એક જ સ્થળ એવું છે કે જ્યાં નેટવર્ક આસાનીથી પકડાય છે. બીજે ક્યાંય નેટવર્કનું નામોનિશાન નથી. હા, એ ટેકરી પર ચડ્યા પછી ચોફેર અદ્‍ભુત કુદરતી નજારો જોઈ શકાય છે, અને તેની વચ્ચે મોબાઈલ ફોન માટેનો એક ટાવર પણ દેખાય છે, જે બી.એસ.એન.એલ.નો છે અને બંધ હાલતમાં છે. દરરોજ અલ્પેશ એ ટેકરીએ ચડે, મિત્રો કે સ્નેહીઓને ફોન કરે, ફેસબુક અને વોટ્સેપ પરના સંદેશા ચકાસે અને પાછો નીચે ઉતરી આવે.
આ જાણીને આપણને થાય કે ખરો જમાનો આવ્યો છે! અલ્પેશ જેવા, સાવ આવા અંતરિયાળ ગામમાં રહેનારા યુવાનોને પણ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમની લત વળગી ગઈ છે. રોજ બપોરે ટેકરી પર ચડીને ફેસબુક-વોટ્સેપ જોવાને બદલે કશુંક રચનાત્મક કામ કરતો હોય તો?
ટેકરી પરથી દેખાતું દૃશ્ય 
અડધીપડધી કથા સાંભળીને કોઈના પણ માટે ચુકાદો ફાડી દેવામાં જે મઝા છે, એવો આનંદ ઊંડા ઉતરીને સાચી વિગત જાણવામાં નથી એ હકીકત છે. જો કે, આવું અલ્પેશ નથી માનતો. તેના માટે તો નેટવર્ક તેમજ ફેસબુક-વોટ્સેપ જીવાદોરી સમાન અને બહારના વિશ્વ સાથેના સંપર્કની એક માત્ર કડી છે. આમ જોઈએ તો તે ‘બહારના વિશ્વ’માંથી જ અહીં આવેલો છે. તેનું વતન અમદાવાદ છે, માતાપિતા પણ ત્યાં જ રહે છે. એ બધાને મૂકીને તે અહીં ચોક્કસ હેતુથી આવ્યો છે. શો છે એ હેતુ? અને એ સ્થળ કયું?
**** **** ****
ગુજરાતની પૂર્વે આવેલા છોટા ઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો. વડોદરાથી ડભોઈ વટાવીને વાયા બોડેલી નસવાડી આશરે 80 કિ.મી. થાય. અહીં સુધી રસ્તાઓ પાકા અને સરસ છે. નસવાડી વટાવીને આગળ વધીએ એટલે નર્મદાની મુખ્ય નહેર આવે છે. આ નહેર પર બાંધેલા પુલને વટાવીને સામેના કાંઠે પહોંચતાં જ કોઈક અગમ્ય પ્રદેશમાં પ્રવેશી ગયાં હોઈએ એમ લાગે. ઠેરઠેર તૂટેલા રસ્તા, રસ્તાની બન્ને બાજુએ અડોઅડ આવેલાં ખેતરો, વચ્ચે આવતાં છૂટાછવાયાં ગામડાં અને પરિવહનના નામે સામી મળતી છૂટીછવાઈ, ભરચક જીપો, જેના છાપરા પર પણ મુસાફરો બેઠેલા જણાય. હળ સાથે બળદને જોડીને ખેતરે જતા કે આવતા ખેડૂતોનું દૃશ્ય આ વિસ્તારમાં સાવ સામાન્ય. અહીં આવા રસ્તે મોટરસાયકલ સિવાય બીજું કોઈ વાહન ભાગ્યે જ અનુકૂળ આવે. તેથી જ ગ્રામજનો મોટરસાયકલ પર જોવા મળે. રસ્તાઓ ચડતા ઉતરતા ઢોળાવવાળા અને બન્ને બાજુથી બેસી ગયેલા હોવાથી તેમનો વચ્ચેનો ભાગ આપોઆપ ઉપસી આવેલો છે. તેને લઈને કાર જેવું વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડે. ઘસાટા અને ગોયાવાંટ જેવાં ગામો વટાવ્યા પછી રીતસરના ડુંગરાઓ શરૂ થાય અને કુદરતી સૌંદર્યની જે લીલા જોવા મળે એ જોઈને એમ થાય કે અહીં જ રહી જઈએ તો કેવું!
અમારી મંઝીલ કુકરદા ગામ હતી, અને ત્યાં અમારે ‘સહયોગ છાત્રાલય’માં પહોંચવાનું હતું, જેનાં દિશાસૂચક પાટિયાં રસ્તામાં ઠેરઠેર લગાવેલાં જોવા મળે છે. છેક કુકરદા પહોંચી ગયા પછી આ સંસ્થાનું પહેલવહેલું પાટિયું જોવા મળ્યું, તેથી અમને એમ કે આવડા નાના ગામમાં તરત પહોંચી જવાશે. પણ બેથી ત્રણ જગ્યાએ એમ લાગ્યું કે હવે આગળ રસ્તો બંધ થઈ ગયો છે. પૂછવું તો કોને પૂછવું? રસ્તે કોઈક દેખાય એની રાહ જોઈ અને થોડી વારે કોઈક દેખાયું તો એણે કહ્યું કે હજી આગળ જાવ. પછી અમારા મોં પરની મૂંઝવણ જોઈને કહ્યું, ‘ગાડી જાય એવું છે.’ એક તરફ મકાઈનાં ખેતરો અને બીજી તરફ ડુંગરાની વચ્ચેની કેડી પર કાર ચલાવતાં ફરી એ જ અનુભૂતિ કે વાહ! કેટલું અદ્‍ભુત દૃશ્ય છે! દૂર દેખાતા સહેજ ઊંચા પર્વતો પર પણ વરસાદી લીલોતરી છવાઈ ગયેલી હતી. ફરી એ જ વિચાર કે આવામાં રહેવાની કેવી મઝા આવે! એમ ને એમ અમે ‘સહયોગ છાત્રાલય’ સુધી પહોંચ્યા ખરા.
સહયોગ છાત્રાલયમાં પ્રવેશતાં.... 
‘સહયોગ છાત્રાલય’ની વાત કરતાં અગાઉ તેની અમને માહિતી શી રીતે મળી એ વાત. આ બ્લૉગ પર મિત્ર ઉત્પલ ભટ્ટની વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ અવારનવાર મૂકાતા રહે છે, જે બહોળા વર્ગ સુધી પહોંચે છે. ઓહાયો (અમેરિકા)સ્થિત વાચક પંકજ પટેલનો એ વાંચીને એક વખત મેઈલ આવ્યો, અને પછી ત્રણ-ચાર વખત ફોન. તેમની ભલામણ હતી કે મારે અલ્પેશને મળવું અને તેની પ્રવૃત્તિઓ જોવી. અલ્પેશને મારો ફોન નંબર આપવા મેં તેમને જણાવ્યું. એ પછી અલ્પેશનો એક વાર ફોન આવ્યો. તેમણે પોતાનાં કામ અંગેના કેટલાક અખબારી અહેવાલો મોકલ્યા. અને આખરે એક રવિવારે કુકરદા જવાનું નક્કી થયું. ઉત્પલ ભટ્ટ પણ આવે એવી ઈચ્છા હતી, પણ તેઓ જોડાઈ ન શક્યા, એટલે હું અને કામિની બે જ ઉપડ્યાં. અડધો દિવસ ત્યાં ગાળ્યો.
**** **** ****
નાનામોટા ઢોળાવો વટાવતી આખરે અમારી કાર જ્યાં ઉભી રાખી ત્યાં પાણીનો એક કુંડ હતો, જેની આસપાસ થોડા છોકરાંઓ હતાં. તેઓ અમને ‘સહયોગ છાત્રાલય’ સુધી દોરી ગયાં. પહેલાં એક નાનકડો ઢોળાવ, ત્યાર પછી એક નાની ગમાણમાંથી નીકળતો રસ્તો, ત્યાંથી ડાબે વળીએ એટલે એ ઝૂંપડીની સાંઠીઓની દિવાલે દિવાલે આગળ વધીએ એટલે એમ લાગે કે અહીં કશી વસતિ છે. એક પાકા મકાનની પરસાળમાં પ્રવેશ કરતાં અગાઉ નાનું અમથું પ્રાંગણ વટાવવું પડે. અમે ધીમે ધીમે બધું જોતાં જોતાં, ચડતાં ચડતાં પહોંચ્યાં અને જોયું તો ઓસરીમાં બાળકો હારબંધ ગોઠવાઈ ગયાં હતાં. સૌએ ઉભા થઈને અમારું અભિવાદન કર્યું. આ બાળકોમાં તમામ વયશ્રેણીનાં બાળકો દેખાયાં.
અલ્પેશ અને તેમનાં પત્ની રીન્‍કુબહેને આવકાર આપીને અમને બેસાડ્યા. પાણી આવ્યું. અમારા મોંમાંથી પહેલું જ વાક્ય સર્યું, ‘છેલ્લો થોડો રસ્તો બહુ ખરાબ છે.’ આ સાંભળીને અલ્પેશ હસી પડ્યા. તેમણે કહ્યું, ‘ખરેખર તો આ વખતે એ રસ્તો બહુ સારો રહ્યો છે.’ અમને થયું કે આ સારો હોય તો ખરાબ કેવો હશે?
ફિલ્મનું ગીત ખબર નથી, એટલે ભજન.... 
છોકરાંઓ બેઠેલા હતાં એટલે અલ્પેશભાઈએ વિનંતી કરી કે તેમની સાથે કશી વાત કરીએ. ખરું કહું તો આ સ્થળ અને અહીંના વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈને લાગ્યું કે બિચારા નિર્દોષ જીવો પર શું કામ જુલમ કરવો? હકીકત એ હતી કે તેમની સાથે શી વાત કરવી એ મને સૂઝતું જ નહોતું. તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાવવું? હકારાત્મકતા દાખવવાની સલાહ આપવી? કળા પ્રત્યેનો અભિગમ કેળવવા કહેવું? સ્વાસ્થ્યસંભાળ અને સફાઈનું અગત્ય સમજાવવું? સામું બોલી ન શકે એવા વિદ્યાર્થીઓ આગળ કશું પણ કહેવાનું આપણને લાયસન્‍સ મળી જાય એવું ન હોય! પૂછતાં જાણવા મળ્યું કે તેઓ ગીત ગાશે. પણ ફિલ્મનાં ગીતો વિશે એમને જાણકારી નથી. તેઓ મુખ્યત્વે ભજનો ગાય છે. હારમોનિયમ આવ્યું, ઢોલક પણ આવ્યું.
મેં કહ્યું કે હારમોનિયમ મને આપો. આવડે એવું વગાડીશ. એમ સમૂહગાન શરૂ થયું. બે-ત્રણ ભજનો તાલમાં સૌએ ગાયાં. હારમોનિયમ પર જેવીતેવી સંગત કરી એટલા પૂરતું એમની સાથે એકાત્મતા કેળવાઈ હોય એમ લાગ્યું. રજાના દિવસે વિદ્યાર્થીઓને આનાથી વધુ બેસાડી રાખવા જુલમ જેવું લાગે. એટલે ‘પછી મળીએ’ કહીને વિખરાયા.
અમે ‘સંસ્થા’ની મુલાકાત લેવાનું શરૂ કર્યું, અને સાથે વાતો પણ ચાલુ રહી. સવાલો અનેક થતા હતા. છાત્રાલય કેમ? આ વિસ્તાર જ શાથી પસંદ કર્યો? તમે ભણાવો છો? આ વિસ્તારમાં શું કામ લોકો પોતાનાં બાળકને તમારા છાત્રાલયમાં મૂકે? એમને શો ફાયદો? તમારો શો લાભ? ફી કેટલી છે? જમવાનું શું આપો? આગળનું આયોજન શું? ખર્ચ કેટલો થાય? શી રીતે કાઢો? શી મુશ્કેલીઓ પડે?
સવાલો ડુંગળીના પડ જેવા હોય છે. એક પછી બીજો નીકળતો જ રહે. ખાસ કરીને સામે જવાબો ગંભીરતાપૂર્વક અને મુદ્દાસર અપાતા હોય ત્યારે પૂછનારને પણ ‘જોસ્સો’ આવી જાય.
આ સવાલોના અલ્પેશે જવાબો આપ્યા અને એમાંથી જે ચિત્ર નજર સામે ખડું થયું એ ધ્રુજાવી દે એવું હતું

**** **** ****

ગુજરાતના પૂર્વ વિસ્તારના છોટા ઉદેપુર જિલ્લાનો સૌથી પછાત તાલુકો એટલે નસવાડી. અહીં છથી સાત આદિવાસી જૂથો વસે છે, જેમની વસતિ દોઢેક લાખ જેટલી છે. આ તાલુકામાં સૌથી મોટો મુદ્દો મોસમી સ્થળાંતરનો છે. આ વિસ્તારમાં મોટે ભાગે ડુંગરાળ જમીન છે. તેને કારણે ખેતી સાવ ટૂંકી જ નહીં, અતિશય કઠિન પણ બની રહે છે. પિયતની સુવિધા બિલકુલ નથી. જે ખેતી થાય એ ઢોળાવો પર દેખાય એટલી જ. તેને કારણે આ વિસ્તારમાંથી લોકો મજૂરી માટે ગુજરાતના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. માવતર મજૂરી માટે સ્થળાંતર કરે તેની સીધી અસર તેમનાં બાળકોનાં શિક્ષણ પર પડે છે, કેમ કે, મોટા ભાગનાં વાલીઓ પોતાનાં બાળકોને સાથે લઈને જાય છે. આ બાબતનો શહેરમાં વસનારાઓને ખ્યાલ હશે જ. આવાં બાળકોની નિયતિ બાળમજૂરીની અને વયસ્ક થયા પછી મજૂરીની બની રહે છે. વાલી પોતે જ ઘર બંધ કરીને બહારગામ નીકળ્યા હોય ત્યાં સંતાનને તે શા માટે વતનમાં મૂકે?
ચોમાસા પછી અદ્‍ભુત સૌંદર્ય, પણ રહેવા માટે? 
આ સમસ્યા પેઢી દર પેઢી ચાલતી આવી છે, તેથી હવે તે સમસ્યાને બદલે પરંપરા બની ગઈ છે. બાળલગ્નનો રિવાજ અહીં હજી અમલમાં છે. બાળમરણ અને પ્રસૂતાનું મરણ સામાન્ય બાબતો છે. એથી વધુ વિકટ કુપોષણની સમસ્યા છે. સ્થળાંતર કરીને ગયેલા આદિવાસી મજૂરોનું શારિરીક, માનસિક અને આર્થિક શોષણ થાય એ તદ્દન કોઠે પડી ગયેલી વાત છે. બીજી રીતે જોઈએ તો આ વિસ્તારમાં સમસ્યાઓ જ છે. આ સમાજની સમસ્યાઓ થઈ. એ ઉપરાંત માળખાકીય સુવિધાઓનો અભાવ, તેને પૂરી પાડવાની બેદરકારી અને એ મેળવવા જેટલી જાગૃતિનો અભાવ આ સમસ્યાઓમાં ઉમેરો કરે છે.
ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એસ.ડબલ્યુ. થયા પછી યુનિસેફના એક પ્રોજેક્ટ દરમ્યાન અલ્પેશને સંખેડા વિસ્તારમાં લાંબા અરસા માટે રહેવાનું બન્યું, જેમાં બાળકોના અધિકાર અંગે કામ કરવાનો મોકો મળ્યો. આમાંની ઘણી બાબતો તેના ધ્યાનમાં આવી હતી અને આ સમુદાય માટે સતત કંઈક કરવું જોઈએ એમ સતત લાગતું હતું. પિતા રમેશભાઈ બારોટ આજીવન છાત્રાલય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા છે અને ગાંધીવિચારને વરેલા છે. અલ્પેશનો પોતાનો ઉછેર અને શિક્ષણ છાત્રાલયના વાતાવરણમાં જ થયેલો છે. તેથી છાત્રાલય દ્વારા સાચી કેળવણીનું કામ થઈ શકે એનો જાતઅનુભવ હતો. ગાંધીવિચારના સંસ્કાર પણ પહેલેથી મળેલા હોવાથી પોતાનું કાર્યક્ષેત્ર પણ વંચિતમાં વંચિત સમુદાય ધરાવતો વિસ્તાર રહેશે એ સમજ અલ્પેશના મનમાં પહેલેથી હતી. ગામડામાં રહેવું તેમજ સરકારી નોકરી ન કરવી એ તેમનો પાકો નિર્ધાર હતો. સંખેડા હતા ત્યારે દર રવિવારે બે-ચાર મિત્રો આ વિસ્તારમાં આવતા, ફરતા, લોકો સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતા. સાથે ભોજન પણ લેતા. શું કરવું અને ક્યાંથી શરૂ કરવું એ નક્કી નહોતું, પણ કશુંક કરવું છે અને નક્કર કરવું છે એ નક્કી હતું. યુનિસેફનો પ્રોજેક્ટ પૂરો થયા અગાઉ અલ્પેશને મુંબઈમાં નોકરી મળી હતી. ત્યારે પણ તેને સતત લાગતું કે પોતાનું અસલ કામ અહીં શહેરમાં નથી. આખરે એ નોકરીને અલવિદા કરી. ત્યાર પછી સંખેડા આવવાનું ગોઠવાયું. ઘરનાં સભ્યોનું પ્રોત્સાહન હતું. મનમાં રૂપરેખા બનતી જતી હતી. એક વાત પાકી થઈ ગઈ કે ખરેખર કામ કરવું હશે તો અહીંના લોકોને સાથે રાખીને, તેમનો વિશ્વાસ જીતીને,લોકભાગીદારીમાં જ કરવું પડશે. લીસા અને ચમકતા કાગળ પર તેના અહેવાલ નહીં છપાય તો ચાલશે, પણ કેવળ એક જણના જીવનમાં સુદ્ધાં કશું નક્કર પરિવર્તન લાવી શકાય તો ઘણું.
સમસ્યાઓનો વ્યાપ એટલો મોટો અને લાંબા પનાનો છે કે કશું નક્કર પરિણામ ઝટ જોવા ન મળે. આવા સંજોગોમાં ધીરજપૂર્વક અને મક્કમતાથી કામ કર્યે જવું એ ખરેખરી કસોટી છે. સૌથી મોટો સવાલ એ હતો કે કામનો આરંભ કયા ક્ષેત્રથી અને કયા સ્થળેથી કરવો?
બાળકોથી આરંભ થાય એ ઉત્તમ ગણાય, કેમ કે, તેમની સામે લાંબી જિંદગી પડેલી હોય છે. પણ સ્થળ કયું પસંદ કરવું? આનો જવાબ પણ લોકો પાસેથી જ મેળવવો જોઈએ એમ અલ્પેશ અને તેમના મિત્રો તખતસિંહ, રાજુ વગેરેને લાગ્યું. તેઓ ગામેગામ ફરતા, લોકો સાથે વાતો કરતા, પોતાનો હેતુ સમજાવતા. ત્રણ સવાલો તેઓ લોકોને પૂછતા. ‘બાળકોના શિક્ષણનું કાર્ય કરાય?’, ‘ક્યાં કરાય?’ અને ‘ક્યાંથી કરાય?’  આ સંપર્ક દરમ્યાન સૌ ગામવાસીઓએ તેમને કુકરદાનું નામ સૂચવ્યું. કુકરદામાં એકથી દસ ધોરણ સુધીની શાળા હતી. તેને કારણે આસપાસનાં ગામેથી પણ બાળકો ભણવા આવતાં. આ મુખ્ય કારણ.
કુકરદાની ભૂગોળ એવી છે કે ડુંગરાળ વિસ્તાર ત્યાંથી શરૂ થાય છે. એ વિસ્તારનું આ સૌ પ્રથમ ગામ છે. આગળ જતાં બીજાં અનેક છૂટાછવાયાં ગામો આવે છે, જે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. તેને છેડે નર્મદા નદી અને પછી મહારાષ્ટ્ર સરહદ આવી જાય. નર્મદા નદી અને પછી નર્મદાની મુખ્ય નહેર આ વિસ્તારની ફરતે હોવા છતાં ચોમાસું પતે કે પાણીની અતિશય તંગી શરૂ થઈ જાય. અલ્પેશે કહ્યું, ‘તમારા જેવા મહેમાન બહારથી આવે અને એક પ્યાલો વધારે પાણી પીવે તો પણ અમે મનમાં એ ગણતા હોઈએ એવી સ્થિતિ.’
અહીંથી મુખ્ય મથક નસવાડી ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલું છે. કુકરદામાં ફોન નેટવર્ક માત્ર એક જ સ્થળે પકડાય છે. બહારના જગત સાથેનો એ એક માત્ર સંપર્ક. ગાંધીજીની કલ્પનાનો ગ્રામવિકાસ કરવા માટે બધી રીતે ‘આદર્શ’ ગણાવી શકાય એવું ગામ. અને છતાં આ રૂટ પરનું એ પહેલું ગામ છે. આગળનાં ગામોની સ્થિતિ કલ્પી લેવાની.
નક્કી કર્યું કે સૌથી પહેલાં છાત્રાલય શરૂ કરી દેવું, જેથી બાળકો એક જગ્યાએ સ્થાયી રહી શકે અને સતત શિક્ષણ મેળવી શકે. આ વિસ્તારમાં મોટા ભાગની વસતિ ડુંગરા ભીલોની છે. લોકોને આટલા પરિચયે થોડો વિશ્વાસ પડવા લાગ્યો હતો. અલ્પેશ અને મિત્રો પાસે મૂડી હતી તો નિષ્ઠાની અને લગનની. બીજું બધું તેમણે લોકોના સહયોગથી ઉભું કરવાનું હતું. કુકરદા ગામના એક વડીલ નાનજીભાઈ ડુંગરાભીલે પોતાનું ચાર રૂમનું પાકું મકાન છાત્રાલય માટે વાપરવા આપ્યું. આ છાત્રાલયનું નામ બહુ યોગ્ય રીતે ‘સહયોગ છાત્રાલય’ રાખવામાં આવ્યું. 2016માં તે ખુલ્લું મૂકાયું. કહેવાય છાત્રાલય, પણ તેમાં નહોતું અનાજ, નહોતાં વાસણો, નહોતું કોઈ રાચરચીલું કે નહોતો કોઈ ઓઢવા-પાથરવાનો સામાન. ‘આ કામ લોકોનું છે અને લોકો જ એ પૂરાં પાડશે’ એવી એક શ્રદ્ધા હતી, જે ધીમે ધીમે સાચી પડતી જણાઈ.

ગામના લોકો શાકભાજી અને મકાઈ મૂકી જવા લાગ્યા. તેમની પદ્ધતિ એવી કે ગૂપચૂપ મૂકી જાય અને પછી મળે ત્યારે એનો ઉલ્લેખ સુદ્ધાં પણ ન કરે. ગામના ઘંટીવાળાએ દળામણના પૈસા લેવાની ના પાડી દીધી. આમ, રોટલાનો પ્રશ્ન ઉકલ્યો. ગામના મંડળે રસોઈનાં વાસણો આપેલાં, પણ સૌથી મોટો પ્રશ્ન પાણીનો. પાણી નહીં, એટલે તેને ભરવા માટેનાં મોટાં વાસણો જ નહીં. જો કે, બાળકો બધું સમજતાં હતાં. રસોઈ માટે ઈંધણા લાવવાં, વરસાદ હોય તો પણ માથે મૂકીને અનાજ કે અન્ય ચીજવસ્તુઓ લાવવી- આ બધું તેઓ કરવા લાગતા. મકાનને ભોંયતળીયે લીંપણ છે એટલે ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી પડે. સાપ કે અન્ય જીવ આવી ન જાય તેનું ધ્યાન રાખવું પડે.

અનેક અભાવ વચ્ચે કશું અખૂટ હોય તો એ હતી ધીરજ અને લગન. અલ્પેશના પરિચીત વર્તુળમાં અને એ રીતે કર્ણોપકર્ણ વાત પ્રસરવા લાગી. કેટલાક લોકો મુલાકાતે આવ્યા. તેમણે પોતાના વર્તુળોમાં વાત મૂકી. એ રીતે મદદ મળતી થઈ. એક દાતાએ બાળકો માટે પલંગની વ્યવસ્થા કરી. પરિણામે હવે બાળકો ખરબચડી ભોંયને બદલે પલંગ પર સૂવા પામે છે. ટી.વી. હજી અહીં કૌતુક ગણાય છે. અત્યારે તો અહીં રહેતાં કુલ 52 (બાવન) બાળકો કુકરદાની શાળાએ ભણવા માટે જાય છે, પણ એ સિવાયના સમયમાં તેઓ છાત્રાલયમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને સમૂહજીવન ગાળે છે. છાત્રાલયમાં બાળકોને સવારનો નાસ્તો તેમજ બે સમયનું ભોજન આપવામાં આવે છે.
અનેક અભાવો અહીં છે, પણ બાળકો એવી કૌટુંબિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે કે આ પણ તેમને વૈભવ સમાન લાગે. આ વર્ષે પહેલા ધોરણમાં 21 બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો. આ બાળકો પાસે જન્મતારીખના કોઈ પુરાવા નથી. આમ છતાં, શાળા, પંચાયત તેમજ સમુદાયનો સહયોગ વિવિધ બાબતોમાં મળી રહે છે, તેને લઈને કામ અમુક અંશે સરળ બને છે.

અલ્પેશભાઈ પોતે અહીં જ રહે છે. તેમનાં પત્ની રીન્‍કુબહેન અને નાનકડો દીકરો માર્ગ નસવાડીમાં રહે છે. અલ્પેશભાઈ પેલી ટેકરી પર ચડે ત્યારે પત્નીનો ફોનથી સંપર્ક કરી શકે. દરરોજ નિયત સમયે તેઓ એમ કરે છે, જેથી છાત્રાલયની નાનીમોટી જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવાની હોય તો તેમને જણાવી શકાય. એ ટેકરી પર ચડે ત્યારે તેઓ બહારના વિશ્વ સાથે, પોતાના દાતાઓ તેમજ શુભેચ્છકો સાથે સંપર્ક સાધી શકે છે. ફેસબુક, વોટ્સેપ કે ઈ-મેલનો તેઓ ઉપયોગ કરે છે, પણ ટેકરી ઉતર્યા કે સંપર્ક પૂરો!
આ છાત્રાલયને હજી એક જ વર્ષ થયું છે, અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં તેઓ સફળ રહ્યા છે.આમ, પહેલું પગથિયું તેઓ ચડ્યા છે. હજી લાંબો પથ તેમણે કાપવાનો છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, મહિલાસશક્તિકરણ, ખેતી સુધારણા સહિત અનેક પ્રકલ્પોનું આયોજન મનમાં છે. છાત્રાલય સિવાય અત્યારે ગામના લોકોમાં સ્વાસ્થ્યને લગતી પાયાની સમજણ કેળવવાના પ્રયાસનો આરંભ કરવામાં આવ્યો છે. ઘેરેઘેર જઈને અલ્પેશ સૌના નખ કાપી આપે કે જરૂરી મૂળભૂત દવાઓ આપે, જેને કારણે ગામ લોકો સાથે વાતચીતનો સેતુ ઉભો થઈ રહ્યો છે.
અલ્પેશ-રીન્‍કુ બારોટ
આ સંસ્થાની નોંધણી તાજેતરમાં જ ‘લોકસહયોગ ટ્રસ્ટ’ના નામે થઈ છે, જેનો નંબર છે F/ 3316/ vadodara . નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ડુંગરાભીલ આદિવાસી સમાજની સ્થાનિક તેમજ સામાજિક સમસ્યાઓને લોકભાગીદારી દ્વારા ઉકેલવાની આ સંસ્થાની નેમ છે. બીજી રીતે કહીએ તો આ વંચિત સમાજમાં પરિવર્તન લાવવા માટે મધ્યસ્થીની ભૂમિકા તે કરી રહી છે. આ કામ કોઈ બહારની વ્યક્તિ દ્વારા નહીં, પણ જનજાગૃતિ દ્વારા થાય તો જ પરિવર્તનની પ્રક્રિયા યોગ્ય રીતે આગળ વધી શકે. સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને આ વિસ્તારમાં કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
હાલ તુરત બે આયોજનો છે. એક છે ‘ભૂલકાં ભવન’, જેમાં ત્રણથી છ વર્ષનાં બાળકો થોડા કલાકો આવીને રહી શકે અને છૂટથી રમવાની સાથે સાથે અક્ષરજ્ઞાન મેળવે. અને બીજું છે ‘ફરતું પુસ્તકાલય’. સારું કે ખરાબ, અહીં વાંચન જેવી વસ્તુ જ વિકસાવવાની બાકી છે. લોકોને વાંચનની ટેવ પડે એ માટે આ જરૂરી છે. લાંબે ગાળે શિક્ષણ અને આરોગ્યની સવલતની સાથેસાથે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય એવી તકો ઉભી કરવાનું આયોજન છે, જેમાં ગાંધીવિચાર કેન્‍દ્રસ્થાને છે.
**** **** ****
અલ્પેશભાઈનું કાર્ય અને ખાસ તો કાર્યક્ષેત્ર જોયા પછી ઘણા બધા વિચારો સમાંતરે ચાલતા હતા. એક તો અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટ સાથે અલ્પેશનું સંકલન સાધી શકાય કે કેમ એ શક્યતા વિચારવાની હતી. ઉત્પલનો ‘પ્રોજેક્ટ યુનિફોર્મ’ તેમજ સેનીટરી નેપકીનનો પ્રોજેક્ટ અહીં અમલી બની શકે કે કેમ? સૌથી મોટી જરૂર રોજબરોજની જરૂરતની છે. છાત્રાલયને ભોજનખર્ચ તેમજ વિદ્યાર્થીદીઠ જે લઘુત્તમ જરૂરિયાત છે એ પૂરી કરવાના સંઘર્ષમાંથી મુક્તિ મળવી જોઈએ. હાલ અહીં છત્રીસ વિદ્યાર્થીઓ નિવાસ કરી રહ્યા છે.
આ ખર્ચનો બોજો વહેંચાઈ જાય અને તેની જવાબદારી કોઈક શુભેચ્છક મિત્રજૂથ ઉઠાવી લે તો છાત્રાલયની અન્ય સુવિધાઓ પર ધ્યાન કેન્‍દ્રિત કરી શકાય.
એવી તો અનેક ચીજો છે, જે આપણા ઘરમાં ખૂણે પડી ધૂળ ખાતી હશે, પણ અહીં આપવામાં આવે તો યોગ્ય ઉપયોગને પામે. ટી.વી. કે જૂનું કમ્પ્યુટર હોય તો તેનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે. સંગીતનાં સાધનો, વિવિધ રમતગમતનાં સાધનો, અભ્યાસની સામગ્રી જેવી કે નોટબુક, પાઠ્યપુસ્તક વગેરે પણ જરૂરી બની રહે. એક તરફ લખેલા હોય અને એક બાજુ કોરા હોય એવા કાગળોની નોટબુક બનાવડાવીને અહીં પહોંચાડાય તો વિદ્યાર્થીઓ ઘરકામમાં તેનો ઉપયોગ કરી શકે. દવાઓની પણ જરૂર રહે છે. અહીં કશું આપવા ઈચ્છનારને એક જ વિનંતી કે પોતે પોતાને કામની કે નકામી ચીજ આપતી વખતે દાતાભાવ ન સેવે, પણ મંદિરમાં દેવ સમક્ષ પ્રસાદી ધરાવતા ભક્તનો ભાવ સેવે.
આપણે આપેલી એક ચીજ જે તે સ્થળે પહોંચાડતાં જે મુશ્કેલી પડે છે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એ વળી જુદો પડકાર છે, જે આપનારે ઉપાડવાનો નથી.
એક બાળકદીઠ વર્ષ આખાનો કેટલો ખર્ચ આવે એ હજી ગણવાનું બાકી છે, કેમ કે, અત્યારે તો આવે એમ વપરાય એવો હિસાબ છે.
અત્યારે અનેક મિત્રો આ સંસ્થા સાથે સંકળાઈને એક યા બીજી રીતે સહાયરૂપ થઈ રહ્યાં છે, પણ અહીં ગમે તેટલી મદદ ઓછી પડે એવી છે.
કોઈ પણ રીતે અહીં સહાયરૂપ થવા ઈચ્છતા મિત્રો અલ્પેશ બારોટનો સંપર્ક ફોન નંબર 83478 31098 પર કરી શકે છે. એ અગાઉ તેના ઈ-મેલ  loksahyogtrust@gmail.com પર પોતાનો ફોન નંબર મોકલશો તો એ પેલી ટેકરી પર ચડીને સામેથી તમારો સંપર્ક કરશે.
હવે પછી તમારા કોઈ રૂમમાં ફોનનું નેટવર્ક તમને ન મળે તો ફોનના બટનો આમતેમ દબાવવાને બદલે મનોમન અલ્પેશને યાદ કરજો કે જે સ્વેચ્છાએ એવી જગ્યા શોધીને બેઠા છે અને ત્યાં રહીને આવું કામ કરે છે.

Friday, December 9, 2016

બાળકની પડખે હોવું એટલે....


માનો કે તમારે ઘેર તમારું ખાસ મિત્રદંપતી આવ્યું છે. મસ્ત મઝાની વાતોનો દોર ચાલી રહ્યો છે. મિત્રે પોતાનું વોટ્સેપ પણ બંધ રાખ્યું છે. આમ છતાં તમારો જીવ કોઈ પણ રીતે વાતચીતમાં ચોંટતો નથી. કારણ કે તમારી નજર સતત એ મિત્રના નાના સંતાન પર છે. એ એટલું ચંચળ અને અળવીતરું છે કે ગમે ત્યાં ચડી જાય છે, ગમે તેને અડકે છે, ખેંચે છે. તમને સતત ભય રહે છે કે એ ક્યાંક, તમારા ઘરની કોઈ વસ્તુનું નુકસાન ન કરી બેસે. મિત્ર કે મિત્રપત્ની પોતાના સંતાનની આવી વૃત્તિથી પરિચિત છે, તેઓ આ બધું જોઈ રહ્યાં છે, છતાં તેઓ ગુનાહિત નિર્લેપતા ધારણ કરે છે. કારણ કે, તેઓ માને છે કે બાળકને ટોકવું ન જોઈએ. ભલે એ ધમાલ કરે, મસ્તી કરે કે તોડફોડ કરે, તેને કશું ન કહેવાય. તોફાનમસ્તી તેનો મૂળભૂત અધિકાર છે અને એક આધુનિ, વિચારશીલ માબાપે આ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

આનો અર્થ એ નથી કે આપણે બાળલગ્ન, બાળમજૂરી કે બાળહત્યાના તરફદાર છીએ. પણ મિત્રદંપતીની આ હદની નિર્લેપતા જોઈને રહેવાય નહીં. મિત્રને ખરાબ લાગવાનું જોખમ લઈને પણ આપણે તેના સંતાનને સહેજ ઊંચા અવાજે ડારો દઈને બેસાડી દેવું પડે છે.

ક્યારેક આ સમસ્યા જુદા રૂપે સામે આવે છે. મોટેરાંઓ કશી અગત્યની વાત કરતાં હોય ત્યારે બાળક વચ્ચે આવી આવીને ઘોંઘાટ કરતું હોય છે. તે પિતા કે માતા સાથે મસ્તી કરવા ઇચ્છે, અને માતા કે પિતા વાતનું કે વ્યક્તિનું અગત્ય સમજતા હોવા છતાં સંતાનને સમજાવે નહીં અને તેને સાનુકૂળ પ્રતિભાવ આપે. આવા સમયે એ નાનકડું બાળક શેતાનનો અવતાર લાગે, અને તેનો પિતા આપણો મિત્ર હોવા છતાં શેતાનનો બાપ લાગે!

બાળકની વિવિધ ક્ષમતાનું અંકલ કે આન્‍ટી સમક્ષ નિદર્શન અલગ સમસ્યા છે, જેમાં બાળક નહીં, માબાપ ગુનેગાર હોય છે. મને લાગે છે કે આમ કરનારાં માબાપને એક મહિનાની કૈદ-એ-બામશક્કતની સજા ઓછામાં ઓછી થવી જોઈએ. એક જમાનામાં બાળકને કોઈ નવી ફિલ્મનું ગીત ગાવાની ફરજ પાડવામાં આવતી, ક્યારેક ટ્વિન્‍કલ ટ્વિન્‍કલ લિટલ સ્ટાર જેવી અંગ્રેજી પોએમ ગાવાની ફરજ પાડવામાં આવતી. આજકાલ ચાલી અઝારનો સ્માર્ટ ફોન છે. મને હજી વાપરતાં નથી આવડતો, પણ એ મારો બેટો બધું મચેડી કાઢે છે એમ કહીને બાળકને સ્માર્ટ ફોન પર વિવિધ ઍપ ડાઉનલોડ કરતો જોઈને સંતોષ અનુભવતા વાલીઓનો જમાનો છે. માબાપની માનસિકતાને બદલવી મુશ્કેલ છે.
આવી અનેક બાબતો પ્રત્યે ધિક્કાર છૂટતો હોય એ સમસ્યા મારા એકલાની નહીં હોય એની મને ખાતરી છે. મારા જેવા અનેક હશે. આનો ઉપાય શો? ઘડીભર આપણને થાય કે આપણે એ મિત્ર માટે બોધિવૃક્ષ બની જઈએ અને કહીએ, હે વત્સ, બાળસ્વતંત્રતામાં તું માનતો હો તો તારા બાળકને તારે પોતાને ઘેર જ સ્વતંત્રપણે રમવા દે. તેને લઈને આમ કોઈકને ઘેર જવાનું બંધ કર. કોઈ વાલ્મિકીને વાલિયો બનાવવાનું પાપ ન વહોર. પણ એ શક્ય નથી બનતું.
આપણે સમજીએ છીએ કે સ્વતંત્રતાનો મૂળભૂત વિચાર આવકારદાયક છે, પણ ખરી ખોટ તેની અસલ સમજણમાં રહેલી છે. છતાં દરેકને એમ લાગે છે કે પોતાની પાસે એ છે અથવા પોતાને એની જરૂર નથી. તેને સ્વચ્છંદતામાં પરિવર્તિત થઈ જતાં વાર નથી લાગતી. બાળઉછેરનાં ભલભલાં પુસ્તકમાં આના ઉપાયો હોતા નથી. અથવા હોય છે તો વહેવારુ નથી હોતા. તો પછી આનો ઉપાય શો?
**** **** ****

એક પુસ્તક વિશે વાત કરવી છે, જેમાં મનમાં ઊગતા આવા ઘણા સવાલોના જવાબ સમાયેલા છે. અને આ જવાબો કોઈ પુસ્તકિયા થિયરીરૂપે નથી. એ લખનારને જાતઅનુભવમાંથી તે જડેલા છે. એ પુસ્તકના મૂળ લેખક છે બિનપરંપરાગત શિક્ષણ આપતી બ્રિટનની વિશ્વવિખ્યાત શાળા સમરહિલના સ્થાપક એ. એસ. નીલ.

Image result for a s neill
'સમરહીલ'ના સ્થાપક એ.એસ.નીલ *

સમરહિલના પગલે અમેરિકામાં આરંભાયેલી સડબરી વૅલી સ્કૂલ વિશે ડેનિયલ ગ્રીનબર્ગનું પુસ્તક ફ્રી એટ લાસ્ટનો સુંદર અનુવાદ ક્ષમા કટારિયાએ કર્યો છે, જે ઓએસિસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાતમિત્રની મારી કોલમ ફિર દેખો યારોંમાં ત્રણ હપ્તામાં તેના વિષે લખવાનું બન્યું હતું. (આ લેખમાળામાં સડબરી વૅલીની વિશિષ્ટ શિક્ષણપદ્ધતિ વિશે અહીં, તેની કેળવણીની ફિલસૂફી વિશે અહીં અને ગુજરાતમાં થઈ રહેલા તેના સન્નિષ્ઠ અમલ વિશે અહીં વાંચી શકાશે.) બાલ્યાવસ્થાથી લઈને છેક તરુણાવસ્થા સુધી અનેક સમસ્યાઓ માબાપને તેમ જ બાળકોને સતાવતી રહે છે. જેમ કે- 

બાળકને કેટલી સ્વતંત્રતા આપવી? તે સામું બોલે તો તેને ઠપકો આપવો? કે ચલાવી લેવું? બાળક ગાળ બોલે તો? તોફાન કરે તો તેને ફટકારવું જોઈએ? તે ધૂમ્રપાન કરતું થાય તો? પોતાના મિત્રોને ઘરમાં બોલાવીને તે ધમાલ મચાવે તો? માબાપ વાત કરતાં હોય ત્યારે બાળક બૂમો પાડીને વચ્ચે વચ્ચે ખલેલ પહોંચાડે તો? બાળક આગળ માબાપે જૂઠું બોલવું જોઈએ? બાળકે પોતાને ગમતું જ કરવું જોઈએ? એકથી વધુ બાળકો હોય તો કોની વાત માનવી, જેથી બીજાને અન્યાય થયો હોવાનું ન લાગે? મહેમાનોની હાજરીમાં બાળક પોતાનાં જનનાંગો સાથે રમત કરે તો? બાળકે શું વાંચવું જોઈએ? તમારા બાળકને કોઈ ધમકાવી જાય તો? તમારું બાળક બીજાને ધમકાવે તો? બાળકને ચોરી કરવાની આદત પડે તો? તેણે ક્યારે સૂવા જવું જોઈએ?

આ સવાલો દેશકાળથી પર હોય છે. એ. એસ. નીલ પોતાની શાળા સમરહિલમાં આવા અનેક વિદ્યાર્થીઓ સાથે સફળતાપૂર્વક કામ પાર પાડી ચૂક્યા છે. તેને લઈને તેમની પર અસંખ્ય પત્રો આવતા રહેતા, જે લખનારાઓમાં માબાપ અને બાળકો બન્નેનો સમાવેશ થતો. આ પત્રોના જવાબ નીલ પોતાના અનુભવને આધારે, પણ તદ્દન વાસ્તવવાદી રીતે આપતા. પોતાના પર આવેલા આ પત્રોને તેમણે વિષય મુજબ વિભાજિત કર્યા અને સવાલજવાબ રૂપે જ તેને ફ્રીડમ- નૉટ લાઇસન્‍સ નામે પુસ્તક તરીકે આલેખ્યા.

Image result for freedom not license bookRelated image*


ઓક્ટોબર, ૨૦૧૬ના પ્રથમ સપ્તાહમાં ઓએસિસના સન્નિષ્ઠ સ્વપ્નદૃષ્ટા અને કર્તવ્યકુશળ સંજીવ શાહે મને આ પુસ્તક વાંચવા મોકલ્યું. મેં એ વાંચવાનું શરૂ કર્યું. પુસ્તક વાંચતી વખતે અમુક સંદર્ભ એવા આવ્યા કે સાલ લખવામાં ભૂલ થઈ હોય એમ લાગે. એ વખતે તેનું પ્રકાશન વર્ષ જોયું અને ખ્યાલ આવ્યો કે તે છેક ૧૯૬૬માં પ્રકાશિત થયેલું હતું. આનો અર્થ એ કે પુસ્તક વાંચતી વખતે ખ્યાલ જ ન આવ્યો કે આ સમસ્યાઓ એટલી જૂની છે. અલબત્ત, આ પુસ્તક સંજીવભાઈએ મને ફક્ત વાંચીને પાછું આપવા નહોતું મોકલ્યું. મારે તેનો અનુવાદ કરવો એમ તેમનું સૂચન હતું, અને એક મહિના જેટલા ટૂંકા સમયમાં એ કરી આપું એવો આગ્રહ હતો.

એક તરફ હાથ પરનાં અન્ય કામ, માથે તોળાતી દિવાળીની રજાઓ, બીજી તરફ આટલા અદ્‍ભુત પુસ્તકનો અનુવાદ કરવાની મળી રહેલી તક અને એ ઝડપી લેવાની લાલચ!
છેવટે લાલચની જીત થઈ. અને કામનો આરંભ થયો. અનુવાદ કરતી વખતે ડેડલાઈનનું દબાણ સખત હોય એ સ્વાભાવિક છે. તેથી એક વાર આખો અનુવાદ સમયમર્યાદા અગાઉ પૂરો કરી લેવો એમ નક્કી કર્યું. જેથી બીજી વખત વાંચવાનો અને તેની પર કામ કરવાનો પૂરતો સમય મળી રહે. 

આ શ્રેણીનાં અગાઉનાં બન્ને પુસ્તકોનો સુંદર અનુવાદ કરી ચૂકેલાં ક્ષમા કટારિયાએ મહેમાન ભૂમિકા ભજવવાની હતી. કામ શરૂ થયું અને જેમ પ્રકરણો થતાં ગયાં એમ એ ક્ષમાને મોકલતો ગયો. સમયમર્યાદા સાવ ઓછી હોવાને કારણે પુસ્તકના ટાઇટલની ડિઝાઇનનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ઓએસિસનાં મોટા ભાગનાં પુસ્તકોનાં ટાઇટલ તૈયાર કરનાર કલાકાર જૉલી માદ્રાએ પુસ્તકના કેન્દ્રીય વિચારને અનુરૂપ ટાઇટલ બનાવ્યું, જે પહેલીવારમાં જ સૌને પસંદ પડી ગયું. 
'ફ્રીડમ-નૉટ લાઈસન્‍સ'નો ગુજરાતી
અનુવાદ 
જોતજોતાંમાં નિર્ધારિત સમયમર્યાદામાં અનુવાદનું કામ પૂરું પણ થઈ ગયું. 

હવે તેનું પરામર્શન કરવું જરૂરી હતું, જે સૌથી અગત્યનો તબક્કો હતો. આ પુસ્તકના વિચારો માતાપિતાથી લઈને શિક્ષકો, કેળવણીકારો વગેરે સૌને સમજાય એ રીતે મૂકાય તો જ તેનો અર્થ સરે. તરજુમો કરીને મૂકી દેવાથી એક કામ ઉંચું મૂકાઈ જાય, પણ તેનો હેતુ સરે નહીં. આવી સ્પષ્ટ સમજણને કારણે કામની વહેંચણી પણ એ રીતે અમે કરી લીધી હતી. પરામર્શનનું કામ ક્ષમાના ભાગે હતું. તેમણે આખો અનુવાદ વાંચીને તેમાં માર્કિંગ કર્યાં હતાં. આ મુદ્દાઓ અંગે અમારે ચર્ચા કરીને, સમજીને તેને ભારતીય સંદર્ભમાં અથવા સમજાય એવા સંદર્ભમાં મૂકવાનાં હતાં. અગાઉ નીલના પુસ્તકનો અનુવાદ તેમણે કર્યો હોવાથી નીલની ફિલસૂફીથી તે તદ્દન પરિચીત હતાં. આને લઈને ઘણો ફાયદો થયો. અમે મૂળ અંગ્રેજી વાતાવરણના સંદર્ભને સ્થાનિક સંદર્ભોમાં મૂકી આપવાના બનતા પ્રયત્નો કર્યા, જેથી વાતનો અર્ક બરકરાર રહે. 

કાદ ઉદાહરણ આપીને આ વાત સ્પષ્ટ કરું. અપશબ્દો અંગેના સવાલના જવાબ બાબતે મૂળ પુસ્તકમાં એક વાક્ય આમ હતું. 

A Scottish ploughman will describe a chattering man as “heverin’ hoor,”. But the educated Scot will call the same fellow a “blethering bugger.”

અમે તેનો ભાવાર્થ સમજીને તેનો સંદર્ભ આ રીતે કર્યો. 

"અતિશય બકબક કરતા માણસને ગામડાનો માણસ ભડભડિયો કહેશે, અને શિક્ષિત માણસ બોલકણો કહેશે." 

આ એક નાનું ઉદાહરણ છે, પણ ખ્યાલ આપવા માટે પૂરતું છે. 
એ ચર્ચા કરતાં, સંદર્ભો ગોઠવતાં જે આનંદ આવ્યો છે એની શી વાત કરવી! એ કરતી વખતે સતત અહેસાસ થયા કરતો હતો કે આ પુસ્તકને કેવળ શિક્ષક કે આચાર્યો પૂરતું સીમિત કરવા જેવું નથી. બાળક સાથે કામ કરતા હોય એવા સહુ કોઈએ આ પુસ્તક વાંચવા જેવું છે. બાળકોની સ્વતંત્રતા અંગેની ગેરસમજણનાં ઘણાં જાળાં આ પુસ્તક સાફ કરી આપશે. ચાર-પાંચ દિવસની સતત બેઠકને અંતે એ કામ પણ સરસ રીતે પાર પડ્યું. 
નીલની સૌથી સ્પર્શી જતી કોઈ બાબત હોય તો એ છે તેમની પ્રામાણિકતા. આટઆટલા અનુભવી હોવા છતાં જે બાબત અંગે પોતાને ખબર ન હોય તો એ સ્વીકારતાં તેમને કશો ખચકાટ નથી. સાથે સાથે તેના સંભવિત ઉકેલ પણ તેઓ સૂચવે છે. અને જ્યાં તેમને ખબર છે ત્યાં કોઈનીય પરવા કર્યા વિના ધારદાર રીતે જવાબ આપ્યા છે. આખું પુસ્તક વાંચતાં થાય કે આપણે માની લઈએ છીએ કે વાલી/માબાપ/શિક્ષકો તરીકે આપણે હંમેશાં બાળકને પક્ષે જ હોઈએ છીએ- બાળકના ભલાને આગળ ધરીને આપણે ઘણું ઘણું વાજબી ઠેરવતાં હોઈએ છીએ. પણ હર સ્થિતિમાં બાળકના પક્ષે હોવું એટલે શું એ નીલના એકેએક જવાબમાંથી સ્પષ્ટ રીતે નીતરે છે. આ સમજાય તો પણ ઘણું. 

ગુજરાતી અનુવાદમાં અમે મૂલ્યવૃદ્ધિ એ રીતે કરી છે કે જે-તે વિષયના મુખ્ય શીર્ષકની સાથે સાથે અમે દરેક સવાલનાં પણ પેટાશીર્ષક આપ્યાં છે, જેથી એક વાર વાંચી લીધા પછી અનુક્રમણિકા દ્વારા તે ફરી શોધવામાં સરળતા રહે. અહીં કેટલાક સવાલોનાં શીર્ષકો મૂક્યાં છે, જેથી નીલના વ્યાપનો ખ્યાલ આવી શકે. આ સવાલો દરેક દેશમાં, દરેક બાળકને, માબાપને, શિક્ષકને સૌને સ્પર્શે છે: 

સ્વતંત્રતાની સીમા કઈ? / બાળક સતત ફોન પર ચીપકી રહે તો?/ બાળક ટી.વી. જુએ તો?/ દીકરી માતાનાં વસ્ત્રો પહેરે તો? / સ્વતંત્રતાના વિચાર અને આચાર અલગ હોય તો... / બાળક વિનમ્ર ન હોય તો? / બાળક ખર્ચના ખાડામાં ઉતારે ત્યારે../ બાળકે ભણવાને બદલે કામધંધો કરવો જોઈએ?/ માએ કામવાળી બનવું જોઈએ?/ બાળકનો ક્રોધ / અણગમતા વિષયો ભણવા પડે ત્યારે/ ફરજિયાત ભણવું લાભદાયી?/ ગૃહકાર્ય માટે બળજબરી થાય? / માસિકસ્રાવ/ ગર્ભનિરોધકો/ શીખવાની શરૂઆત વેળાસર કરી દેવી? / સેન્‍સરશિપ/ અનિચ્છનીય સાથીદારો / ધાર્મિક તાલીમનો સામનો કેમ કરવો?/ શાળામાં ધર્મનું શિક્ષણ કેમ નહીં? / મિશ્ર લગ્ન કેવું?/ લગ્નની ઉંમર કઈ? / બાળકને છાનું રાખવું કે નહીં? /બાળકની અતિશયોક્તિની આદત / બાળક જૂઠું બોલે એ કેમ ચાલે?/ ભાવતું - ન ભાવતું / બાળકે માગેલી વસ્તુ લાવી આપવી જોઈએ? / મોડે સુધી બહાર રહેવું / અપશબ્દો એટલે/ ચોરીછૂપીથી ધૂમ્રપાન / મદ્યપાન/ નશીલી દવાઓની લત/ મેક અપ/ માતાપિતા વચ્ચેના મતભેદ/ પતિપત્ની વચ્ચેના ઝઘડા અને બાળકો/ ભાંડરડાંઓનો સ્પર્ધાભાવ વગેરે....

પુસ્તકના લે-આઉટનું મુખ્ય કામ અલ્કેશભાઈ રાવલે સફાઈદાર રીતે અને ઝડપભેર પૂરું કર્યું. આ બધાની સમાંતરે સંજીવ શાહનાં પ્રતિભાવ અને સૂચનો ચાલુ જ હતાં. એ રીતે ટીમવર્કથી આ કામના તમામ તબક્કા ધારેલી સમયમર્યાદામાં પૂરા થઈ શક્યા.  

આ પુસ્તકનું લોકાર્પણ 2 ડિસેમ્બર, 2016ને શુક્રવારના રોજ થયું. બાળકોમાં રસ ધરાવતા, બાળકો સાથે કામ પાડતા, પોતાના કુટુંબમાં બાળકો હોય એવા સહુ કોઈને આ પુસ્તક એક નવી દૃષ્ટિ અને માર્ગદર્શન આપનારું બની રહેશે, એમાં કોઈ શંકા નથી. બાળકો સાથે આપ કામ પાર પાડી ચૂક્યા હો, બાળકો સાથે કામ પાર પાડી રહ્યા હો, બાળકો સાથે કામ પાર પાડવાના હો યા બાળકો સાથે આપ સંકળાવાના ન હો તો પણ આ પુસ્તક વાંચવું જરૂરી છે એમ મને લાગે છે. 
માબાપ કે વાલી તરીકેના અહમની, પોતાનાં સંતાનોને સ્વતંત્રતા આપી દીધી હોવાના ગુમાનના ગઢની એકાદી કાંકરી આ પુસ્તક ખેરવી શકે અને સાચી સમજણનો ઉજાસ પ્રગટાવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. 
**** **** **** 

પુસ્તક અંંગેની વિગત:

  • પૃષ્ઠસંખ્યા: 240 
  • કદ: 8 X 5 ઈંંચ (ડેમી)
  • કિંમત: 200/- રૂ. (વધુ નકલો પર વિશેષ વળતર) 
  • પુસ્તક મંગાવવા માટે સંપર્ક: 

Oasis, 
'મૈત્રીઘર', 201, શાલીન એપાર્ટમેન્‍ટ, 
52, હરિભક્તિ કૉલોની, 
રેસકોર્સ, વડોદરા- 390 007. 
ફોન: +91 265 2321 728 (સવારના 10.00 થી સાંજના 6.00 દરમ્યાન) /+91 99243 43083 (મો.)
ઈ-મેલ: theoasisshop@yahoo.co.in 

(* નિશાનીવાળી તસવીરો નેટ પરથી) 

Wednesday, May 4, 2016

સોબત કરતાં એમની, બધી બાજુનું દુ:ખ


શેરીનાં કૂતરાંઓ અને તેના પ્રત્યે આપણા અભિગમ વિષે અગાઉ અહીં જોયા પછી હવે વાત કરવાની છે પાલતૂ કૂતરાઓની. આપણી સમાજવ્યવસ્થામાં આવી રહેલા પરિવર્તનને કારણે નાનકડા કુટુંબના એક સભ્ય તરીકે કૂતરાંઓનું પ્રમાણ અને સ્વીકૃતિ વધી રહ્યાં જણાય છે. માણસો કૂતરાં પાળે તેની પાછળ મુખ્યત્વે ચાર કારણ જોવા મળે છે. કેટલાક લોકો દેખાડા માટે પાળે છે, ઘણા લોકો ઘરની ચોકીદારી માટે કૂતરાં પાળતા જોવા મળે છે. અમુક લોકો શોખથી કૂતરાં પાળે છે. અલબત્ત, કોઈ જીવને કેવળ શોખ માટે પાળવાની વાત આવે ત્યારે શોખ શબ્દ વર્ચસ્વ જમાવવાની મનુષ્યની આદિમ મનોવૃત્તિના પ્રતીક જેવો છીછરો જણાય છે. ચોથા પ્રકારના લોકો એવા હોય છે કે જેમને કૂતરાં પ્રત્યે ખરેખર પ્રેમ હોય છે અને એ કારણથી તેને પાળે છે.
આ ચાર કારણોમાંથી પ્રથમ ત્રણના પ્રતાપે આપણે ત્યાં જાતજાતના વિદેશી ઓલાદના કૂતરા જોવા મળે છે. આમાંના મોટા ભાગના આપણા દેશના વાતાવરણ માટે બિલકુલ બન્યાં હોતાં નથી. તેથી જીવનપર્યંત આપણા પર્યાવરણ સાથે તેઓ અનુકૂલન સાધી શકતા નથી. પરિણામે તેઓ આખી જિંદગી અમુક પ્રકારની અગવડમાં અને કેટલાક અતિશય પીડામાં વીતાવે છે.
આભાસી વાસ્તવિકતા કે વાસ્તવિક આભાસ? 
થોડા દિવસ અગાઉ કોરીયન માસ્તીફ ઓલાદના બે વિદેશી શ્વાન બેંગ્લોરના જાણીતા શ્વાનપાલક સતીશ એસ. એક એક કરોડની ઉંચી કિંમતે લાવ્યા હોવાના સમાચાર ચમક્યા હતા. આપણા દેશમાં પહેલવહેલી વખત આવનાર આ વિદેશી કૂતરાંની ચામડી એટલી બધી જાડી અને કરચલીઓવાળી છે કે ચોવીસે કલાક તેમને વાતાનૂકુલિત વાતાવરણમાં રાખવામાં આવે તો પણ તેઓ અહીંના વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકવાનાં નથી. આથી કૂતરા પાળવાની ઈચ્છા ધરાવનારે પહેલાં એ વિચારવું જોઈએ કે પાળવાં હોય તો દેશી કૂતરા કેમ નહીં? વિદેશી કૂતરાંમાં હોય તેવા તમામ લક્ષણો તેમનામાં પણ હોય છે. તે ઓછો કે વધુ પ્રેમ કરતાં નથી. વગર જાણ્યે-વિચાર્યે વિદેશી કૂતરાં પાછળ ઘેલા થવાનું, તેમની પર આફરીન થવાનું અને એ રીતે તેમને દેખાડાની ચીજ માનવાનું આપણને વધુ ફાવે છે. ઈમ્પોર્ટેડની આપણી ઘેલછા કૂતરા જેવા સજીવ પ્રાણીને પણ લાગુ પડે છે.
કૂતરાઓને લઈ આવ્યા પછી બીજો સવાલ આવે છે તેમને યોગ્ય રીતે રાખવાનો. મોટા ભાગના લોકોને મન કૂતરાનું મહત્ત્વ દિલ બહેલાવવાના રમકડાથી વિશેષ નથી. પોતાના બાળકને રીઝવવા તેમ જ પશ્ચિમના દેશોની જેમ ગલુડિયાં ભેટમાં આપવાનું ચલણ પણ શરૂ થયું છે. જો કે, તેનું મહત્ત્વ ભેટમાં આવેલી ચીજની જેમ થોડા દિવસ પૂરતું જ રહે છે. પોતાને સહેજ અમસ્તી અગવડ પડે કે કૂતરાને કશી નાનકડી તકલીફ થાય તો તેને ભરરસ્તે, અને એ પણ અજાણ્યા વિસ્તારમાં રઝળતું મૂકી દેતાં લોકો અચકાતાં નથી. અત્યાર સુધી હૂંફ અને સલામતીમાં રહેલું આ પ્રાણી હવે ખોરાક મેળવવાની અને સલામત રહેવાની લડતમાં ઝાઝું ટકી શકતું નથી.
આનો અર્થ એવો હરગીઝ નથી કે જે લોકો પોતાનાં પાળેલાં કૂતરાંને છોડી નથી આવતાં તેઓ એમનું સારી રીતે જતન કરે છે. કેટલાક લોકો કૂતરાં લાવે છે, શરૂઆતમાં થોડા દિવસ તેની ગેલગમ્મત માણે છે અને પછી તેમને ભૂલી જાય છે. કૂતરાંની સાવ પાયાની જરૂરિયાતો પ્રત્યે માલિકો તદ્દન બેધ્યાન રહે છે. શરૂઆતમાં એકદમ ક્યૂટ લાગતા આ પ્રાણીની રોજિંદી દેખભાળ કરવાની થતી હોવાથી હવે એ ભારરૂપ લાગવા માંડે છે. આના પરિણામરૂપે ઘરમાં પાલતૂ પ્રાણીઓને પૂરીને ઘરના સભ્યો દિવસો સુધી જતા રહ્યાના, તેમને ઘરમાં ગોંધી રાખવાના કિસ્સાઓ વાંચવામાં આવે છે.
કેટલાક લોકો આ પ્રાણીની મૂળભૂત પ્રકૃતિને સાવ ડામી દેવા મથે છે.  તેમની ભસવા, ફરવા, સૂંઘવા જેવી પાયાની તેમજ ઋતુમાં સમાગમ કરવાની જરૂરિયાતો તરફ ધરાર દુર્લક્ષ રખાય છે. આ સંજોગોમાં બહારથી ભલે પ્રાણીઓ હૃષ્ટપુષ્ટ દેખાય, પણ તે સાવ હતાશ અને કેદખાનાના કેદી સિવાય બીજું કશું હોતાં નથી.
ક્યારેક ઘેલા પ્રાણીપ્રેમમાંથી કરૂણાંતિકાઓ પણ સર્જાય છે. પાળેલું કૂતરું પ્રાણી છે અને પ્રાણીસહજ જરૂરિયાતો ધરાવે છે તેવું ભૂલીને તેને લાડ લડાવનારા માલિકો ઘણી વખત એવી ભૂલો કરી બેસે છે જેની ભરપાઈ પેલા પાલતૂ પ્રાણીએ વગર વાંકે કરવી પડે છે. કૂતરું પાળવા ઈચ્છનારે આ ચોક્કસ પ્રાણીને સમજવું પડે છે. તેની સાથે બાળકની જેમ કે તેથી પણ અદકેરો  વ્યવહાર કરવાથી તેનું કશું ભલું થતું નથી. તેને બદલે શ્વાનપ્રેમીઓએ પોતાના પ્રેમને સાચી દિશામાં વાળવો જોઈએ, તેની પ્રાણી તરીકેની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. નહીં તો તેને એવી આદતો પડે છે જે ક્યારેક આપણને ભારે પડી શકે છે. જેમ કે, ક્યારેક તેની ગોરંભાઈ રહેલી હતાશા બહાર આવે અને તે કોઈને કરડી બેસે તો માલિકો જવાબદારી લેવામાંથી પાછા ખસે છે ને પછી અતિ ભારે હૃદયે, ચોધાર આંસુઓ સાથે એ કૂતરાને ક્યાંય દૂર છોડી આવે છે. આમ દંડાય છે તો પ્રાણી જ!
બીજી તરફ, પોતાનાં પાલતૂ પ્રાણીને સારી રીતે રાખનારા લોકો પણ પ્રાણી માંદું પડે ત્યારે તેને ત્યજી દેતાં જોવા મળે છે. આપણી સારી કે ખરાબ પરિસ્થિતિમાં આપણા સુખ કે દુ:ખને સહન કરનાર આ પ્રાણીઓ તેમની પોતાની અત્યંત પીડાદાયક અને અંતિમ પળોમાં એકલાં હોય એવું બને છે, કારણ કે તેમના વહાલસોયા માલિકો તેમને સ્થિતિમાં જોઈ શકે એમ હોતા નથી. પરિણામે તેમને કોઈ સંસ્થામાં મૂકી આવે છે કે ગમે ત્યાં છોડી મૂકે છે. 
માનવપ્રેમીઓ પાલતૂ પ્રાણીઓની સામે બાંયો ચડાવતા હોવાના કિસ્સા પણ ક્યારેક ઝળકે છે. પ્રાણીઓ પ્રત્યેનો તિરસ્કાર હોવો ઘટે એ સાચું, પણ અમુક પ્રકારની સજ્જતા હોય તો પાલતૂ જાનવર રાખવું જોઈએ. જેમ કે, તમારું પાલતૂ કૂતરું રસ્તે ચાલતા ગમે તે માણસ પર કૂદે કે ગમે ત્યાં કુદરતી હાજત કરે તેની જવાબદારી સંપૂર્ણપણે તેના માલિકની છે. પશ્ચિમના દેશોની જેમ બાબતો અંગેના કડક કાયદા આપણે ત્યાં નથી. પણ તે ખરેખર નૈતિક જવાબદારીનો ભાગ ગણીને તેને નિભાવવી જોઈએ.
પાલતૂ પ્રાણીઓ બાબતે પણ આપણે નાગરિકધર્મની રીતે આટલું વિચારવું જોઈએ. પાલતૂ પ્રાણી રાખવા ઈચ્છનારને જાણ હોય છે, છતાં તેણે પોતાના મનમાં એ ઠસાવવું જોઈએ કે એ શોખ કે દેખાડાની વસ્તુ નથી, પણ પોતાના જેવો જ એક જીવ છે. ઉપરાંત તેને પાળવાની ઓછામાં ઓછા ચૌદથી પંદર વર્ષની જવાબદારી છે એ સમજણ અને સ્પષ્ટતા પણ મનમાં હોવી જોઈએ. પાલતૂ પ્રાણી ચાવી દીધેલું રમકડું નથી એ યાદ રાખીને તેની શારીરિક અને પ્રકૃતિગત જરૂરિયાતો જાણવી-સમજવી અને પૂરી કરવી જોઈએ. આપણો પ્રેમ ઢોળવા માટે બને ત્યાં સુધી આપણા પ્રદેશના પર્યાવરણ સાથે સરળતાથી સંવાદિતા સાધી શકે તેવાં પ્રાણીઓને પસંદ કરવા જોઈએ. આપણા દેશી સાથીઓને પસંદ કરીએ તો ઉત્તમ. સૌથી વધુ યાદ એ રાખવાનું છે કે પ્રાણીને પ્રેમ આપણે કર્યો છે, આપણે ઘેર આવનારા મહેમાનો કે આપણા પાડોશીઓએ નહીં. તેથી અન્યોને આપણા પ્રાણી થકી કોઈ વાજબી તકલીફ પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. પાલતૂ પ્રાણીઓ બાબતે આપણે ત્યાં હજુ સુધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા હોવાનું જાણમાં નથી, પણ કોઈ વ્યક્તિ કે પરિવાર પોતાના પાલતૂ પ્રાણીઓ પર અત્યાચાર કરતાં જણાય તો પ્રાણીસંસ્થાને તેની જાણ કરવી જોઈએ, પછી ભલે તે આપણા પાડોશી કેમ હોય! સાથે એ પણ યાદ રાખવું રહ્યું કે પાડોશી સાથે હિસાબ વસૂલવા માટે આ પદ્ધતિ ખોટી છે. સૌથી છેલ્લી એ વાત પણ વારંવાર યાદ કરવી રહી કે પાલતૂ પ્રાણીઓ પોતાની ઉપયોગિતા ક્યારના પુરવાર કરી ચૂક્યા છે.  રોજિંદા ધોરણે આપણને નિરપેક્ષભાવે પ્રેમ આપવાથી લઈને અપંગનું અંગ બનીને કે સૈન્યમાં સૈનિક બનીને, બૉમ્બ અને અન્ય જોખમી પદાર્થો શોધી આપવાની કામગીરી બજાવીને તેઓ માણસજાત માટે મૂલ્યવાન સાબિત થયાં છે અને થતાં રહેશે. પણ શું આપણે આવા મૂલ્યવાન પ્રાણીના માલિક બનવાની લાયકાત પુરવાર કરી શક્યા છીએ ખરા?

(વિશેષ આભાર: ક્ષમા કટારીયા) 
(ચિત્રાંકન: રાજેશ રાણા, બીજ: બીરેન કોઠારી) 
('ગુજરાતમિત્ર'ની મારી કોલમ 'ફિર દેખો યારોં'માં ૭/૪/૨૦૧૬ના રોજ પ્રકાશિત)