Showing posts with label Mahemdavad. Show all posts
Showing posts with label Mahemdavad. Show all posts

Sunday, August 18, 2024

નિશાળેથી નીસરી કદી ન જતાં પાંસરાં ઘેર

હવે તો બાળકો શરૂઆતથી જ વાહનોમાં શાળાએ જવા લાગ્યા છે, પણ પગપાળા શાળાએ જવાનું આગવું મહત્ત્વ છે. હવે એ વધુ પડતા અંતર, ટ્રાફિક વગેરેને કારણે શક્ય નથી એ અલગ વાત થઈ. ભરૂચના શિક્ષણવિદ્ રણછોડભાઈ શાહે એક લેખ દ્વારા પગપાળા શાળાએ જવાના ફાયદા ગણાવેલા. રસ્તે કેટકેટલી વસ્તુઓ આવે? બાળક એ જોતાં જોતાં આગળ વધે. ક્યાંક એ અટકે, ક્યાંક ચાલતાં ચાલતાં પાછું વાળીને જોતું જાય! વચ્ચે બજાર આવે, લારીઓ આવે, વૃક્ષો આવે, પશુપંખીઓ પણ આવે, અને એ બધાંની વિવિધ ગતિવિધિઓ જોવા મળે.

અમે શાળાએ જતા ત્યારે બપોરની મોટી રિસેસમાં બહારગામના વિદ્યાર્થીઓ સિવાયના સૌ કોઈ ઘેર જ જતા અને પાછા આવતા. એની એક જુદી મજા હતી. રિસેસ પડે એટલે એક સાથે કેટલાય વિદ્યાર્થીઓ ઘર તરફ જવા નીકળે. સમય પૂરો થતાં સૌ એ જ રસ્તે પાછા આવતા દેખાય. લુહારવાડમાં આવેલા મારા ઘરથી મહુધા રોડ પર આવેલી શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ જવું હોય તો બે રસ્તા. એક નડિયાદી દરવાજે થઈને ભીમનાથ મહાદેવ વટાવીને જકાતનાકાવાળો રોડ, જે મુખ્ય માર્ગ હતો. બીજો નાગરકુઈ થઈને નવજીવન સોસાયટીના પાછલા ભાગે થઈને. અમે આ બીજો માર્ગ પસંદ કરતા. પણ નાગરકુઈથી જવાને બદલે મારા ઘરની સામે આવેલા ખાંટ વગામાંથી નીકળતા. આ ખાંટ વગામાં મુખ્યત્વે ઠાકરડા કોમની વસતિ. સાંકડો રસ્તો, માટીથી લીંપાયેલાં ઘર (સાવ ઝૂંપડાં નહીં), સ્વચ્છ આંગણાં, અને સાંકડા રસ્તાની એક કોરે ગાયભેંસ બંધાયેલાં હોય, જેમનો પૃષ્ઠભાગ રસ્તા તરફ હોય. તેમની પૂંછડીના મારથી બચીને ચાલવાનું. આ રસ્તો અવરજવર માટે ખાસ વપરાતો નહીં. મારા ઘરની બરાબર સામે વિજય (ડૉક્ટર) અને ત્રાંસમાં મુકેશ પટેલ (મૂકલો) રહેતા, એટલે અમે ત્રણે લગભગ સાથે જ જતાઆવતા.
અહીં એક ઘર હતું. એમાં એક બહેન રહેતાં. બહુ હસમુખાં. અમે ગાયભેંસની પૂંછડીના મારથી બચવા પ્રયત્ન કરીએ તો ક્યારેક એ અમને કહે, 'બેટા, સાચવીને જજો.' એમનું હાસ્ય એકદમ પ્રેમાળ. એક દિવસ મુકાએ બાતમી આપી, "આ બહેન છે ને....એ માતાજીને બહુ માને છે. ધરો આઠમને દા'ડે એ સૂઈ જાય અને જાગે તો એમની બન્ને હથેળીમાં ધરો (ઘાસ) ઊગેલું હોય છે, બોલ! બધા એમના દર્શન કરવા આવે." આ સાંભળીને બહુ નવાઈ લાગી. મનમાં અનેક પ્રશ્નો થયા. એમ પણ વિચાર્યું કે ધરો આઠમે જોવા આવવું પડશે, પણ ધરો આઠમ ક્યારે આવે અને જાય એ ખબર પડે નહીં, અને આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા પછી આવતી નવી સૃષ્ટિમાં બધું ભૂલાઈ જાય.
ખાંટ વગાવાળે રસ્તે બહાર નીકળીએ ત્યાં જ એક લીમડાનું ઝાડ હતું. એની બખોલમાં એક ચીબરી જોવા મળતી. એ ઘુવડ છે કે ચીબરી એ વિશે ચર્ચા ચાલી. આખરે એનું નાનું કદ જોઈને એ ચીબરી હોવાનું નક્કી થયું. અમે એ રસ્તે જઈએ અને આવીએ ત્યારે એ તરફ નજર કરતાં અને એ જાણે કે અમારી પર નજર રાખી રહી હોય એ રીતે બખોલ આગળ બેઠેલી દેખાતી. એક દિવસ એક જણે માહિતી આપી, ‘ચીબરી(કે ઘુવડ)ને ભૂલેચૂકેય પથ્થર નહીં મારવાનો.’ ‘કેમ?’ના જવાબમાં એણે કહ્યું, ‘ એ છે ને, એ પથ્થર ચાંચમાં ઉઠાવી લે અને તળાવમાં ફેંકી આવે. એ પછી એ પથ્થર પાણીમાં રહીને ઓગળતો જાય એમ આપણું શરીર પણ લેવાતું જાય.’ આ જાણીને થથરી જવાયું. ચીબરીનો દેખાવ પણ એવો કે એ આવું કરી શકે એમાં ના નહીં, એમ લાગતું. મોટા થયા પછી આ જાણકારી સંદર્ભબિંદુ બની રહી. કોઈ મિત્ર બહુ વખતે મળે અને એનું શરીર ઊતરેલું દેખાય તો અમે પૂછતા, ‘કેમ’લ્યા? ચીબરીને પથ્થરબથ્થર મારેલો કે શું?’ જો કે, મોટા ભાગના કિસ્સામાં આ સંદર્ભ પછી સમજાવવો પડતો.
લીમડાવાળા વિસ્તારમાંથી બહાર નીકળતાં એક તળાવ હતું, જે કૃત્રિમ, પણ બારેમાસ ભરેલું રહેતું. અમે એમાં આવેલા રસ્તા પરથી જતા. જે.જે. ત્રિવેદીસાહેબ આ જ તળાવને કાંઠે આવેલા નવજીવન સોસાયટીના બંગલામાં રહેતા. એ કાયમ કહેતા, 'આ તળાવ નાઈલની સંસ્કૃતિની યાદ અપાવે છે. એક તરફ સમૃદ્ધિ (નવજીવન સોસાયટી) અને બીજી તરફ ઉજ્જડ પ્રદેશ (ઝૂંપડાં). આ તળાવના પાણીમાં પથરા મારી એક જ પથરાની કેટલી 'છાછર' વાગે છે એની હરિફાઈ કરવાની.
તળાવમાંના રસ્તાથી બહાર નીકળતાં સોની પરિવારનો વિશાળ બંગલો હતો, જે હજી છે. મગનકાકા સોનીના ત્રણે દીકરાઓ રતિલાલ, ચુનીલાલ અને ચંદુલાલ તેમજ એમનો બહોળો પરિવાર અહીં રહેતો. કોઈ કારણથી મગનકાકાની ડાગળી ચસકી ગયેલી એટલે એ કાયમ 'ગોળીબાર...'ની બૂમો પાડતા રહેતા અને વચ્ચે કશુંક અસંબદ્ધ બોલતા રહેતા. સફેદ લુંગી, સફેદ સદરો અને બાગમાં કામ કરતા મગનકાકા રસ્તે જતા વિદ્યાર્થીઓનું પ્રિય પાત્ર. એકાદ જણ એમને જોઈને 'ગોળીબાર' કહે એટલે મગનકાકા એના પડઘા પાડ્યા કરે. મારા એકાદ મિત્રે એક વાર મારી તરફ આંગળી ચીંધીને ઓળખાણ આપેલી, 'આ કપિલાબહેનનો છોકરો.' (કપિલાબહેન એટલે મારાં દાદી) ત્યારથી મગનકાકાની નજર મારી પર પડે તો એ કપિલાબહેનની ખબર પૂછે અને પછી તરત 'ગોળીબાર' ચાલુ.
આ આખા પરિવાર સાથે અમારો બહુ જૂનો અને ગાઢ સંબંધ. બહુ પ્રેમાળ લોકો. હવે એ સહુ અમદાવાદ સ્થાયી થયા છે.
મગનકાકાનો બંગલો વટાવીને આગળ વધતાં મુખ્ય રોડ આવે, જેને ઓળંગતાં જ સામે અમારી શાળા દેખાય. આ રોડના જમણે ખૂણે લુહારીકામની એક દુકાન હતી, જે એક વૃદ્ધ કાકા સંભાળતા. બંડી અને ધોતિયું પહેરતા, દુબળા અને લાંબા એ કાકા. સાવ નાનકડી ચોરસ જગ્યામાં એ હતી. વિપુલના એ ઓળખીતા. એમના દીકરાઓ ગિરીશ અને બીજા બે. વિપુલને ક્યારેક પાણી પીવું હોય તો એ અહીં જતો.
આ જ રુટ પર પાછા આવતાં આ કશું ધ્યાને ન પડતું, કેમ કે, ઘેર પહોંચવાની જ એટલી ઊતાવળ રહેતી.
નડિયાદી દરવાજાવાળા રસ્તાની વાત જ કંઈક જુદી. એ વળી ફરી ક્યારેક, મન થશે ત્યારે.
આ બધું મનમાં સતત રમતું હોય, હજી મહેમદાવાદ જઈએ ત્યારે આંખો એ જ જૂના સ્થળોને શોધતી હોય. પણ મૂળ વાત એ કે આવું બધું જોવાનું, જોતા રહેવાનું હજીય બહુ ગમે.

***** **** ****

કટ ટુ વડોદરા.
આજકાલ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ચાર પર બહુ મોટું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અનેક ટ્રેનો વડોદરાને બદલે બાજવાથી ઊપાડવામાં આવે છે. આ કામના સંદર્ભે આ પ્લેટફોર્મ નજીક આવેલા પાટા સાવ કાઢી નાખવામાં આવ્યા છે, અને નીચે આર.સી.સી.કામ થઈ રહ્યું છે. મને જે મજા આવે છે તે એ કે રેલવે પ્લેટફોર્મ પર જવલ્લે જ જોવા મળે એવાં દૃશ્યો અહીં જોઈ શકાય છે. પ્લેટફોર્મ પર ટ્રેક્ટરો આંટાફેરા મારે છે. નીચે પાટાની જગ્યાએ બુલડોઝર સહેલ મારે છે. સ્ટેશને જાઉં ત્યારે એમ થાય કે આ જોયા જ કરીએ, જોતા જ રહીએ. પણ 'નાના' હોવામાં જે 'અજ્ઞાનતા'નું સુખ હતું એ હવે ક્યાં? હવે એ વાહનોની પછવાડે કામ કરતા શ્રમિકો દેખાય. માથે તગારાં ઊંચકીને જતી બહેનો, એમનાં છોકરાં ત્યાં જ રમતાં હોય! સુરક્ષા, સ્વચ્છતા, કાળજી, વાત્સલ્ય, શ્રમ બધું આ દૃશ્યમાં ભેળસેળ થઈ જાય.

રેલવે ટ્રેક પર ફરતું બુલડોઝર


પ્લેટફોર્મ પર ફરતું ટ્રેક્ટર

કોઈ નવા સ્થળે જવાનું થાય ત્યારે પણ આ જ કુતૂહલભાવ રહે છે, પણ હવે એની સાથે વાસ્તવિકતા વિશે પણ વિચાર આવી જાય. એને જ કદાચ ‘મોટા થવું’ કહ્યું હશે!

Tuesday, August 8, 2023

વતન કી રાહ મેં......

શનિ-રવિ-સોમ એટલે કે 5, 6 અને 7 ઑગષ્ટના દિવસ મારી પરીક્ષાના હતા. સતત ત્રણ દિવસની સવારે ત્રણ અલગ અલગ કાર્યક્રમની રજૂઆત કરવાની હતી. એ પૈકી શનિ અને સોમવારે સવારે મહેમદાવાદ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ કાર્ટૂનને લગતા બે કાર્યક્રમ હતા. તો વચ્ચે રવિવારે નડિયાદમાં અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતા કાર્યક્રમ 'ગ્રંથનો પંથ' અંતર્ગત મારા જ પુસ્તક 'સાગર મુવીટોન' વિશેનો વાર્તાલાપ આપવાનો હતો. આ વિષય મારા માટે નવા નથી, કે નહોતો તેના વિશે હું પહેલી વાર બોલી રહ્યો. પણ દરેક વખતે શ્રોતાવર્ગ અલગ અલગ હોય એટલે નવેસરથી કસોટી થતી હોવાનું લાગે.

મહેમદાવાદમાં પહેલા દિવસે 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ રાખેલો, જેમાં કાર્ટૂનકળા સાથે સંકળાયેલાં વિવિધ પાસાં વિશે વાત કરીને કાર્ટૂનને શી રીતે માણી શકાય તેની વાત કરવાની હતી. આ કૉલેજના ઉત્સાહી પ્રાધ્યાપક પ્રો. જિતેન્દ્ર મેકવાને અગાઉ નોટીસબોર્ડ પર વિવિધ વ્યક્તિઓનાં કેરિકેચર મૂકીને ક્વિઝ રાખી હતી, જેમાં સાચા જવાબ આપનાર વિદ્યાર્થીને પ્રોત્સાહનરૂપે કંઈક ભેટ આપવાનું રાખેલું.




કાર્યક્રમ માટે કૉલેજમાં ઉભો કરાયેલો માહોલ 

કાર્ટૂનને લગતા કિસ્સા, કેવા કેવા વિષયો કાર્ટૂનમાં આવી શકે, કાર્ટૂનનાં વિવિધ અંગ વગેરે અનેક બાબતોને એક-સવા કલાકના આ વાર્તાલાપમાં સમાવેલી. આરંભે વર્ગ ભરાઈ ગયો, પણ વિદ્યાર્થીઓ પોતાની બસનો સમય થાય એટલે તબક્કાવાર નીકળતા જતા. આમ છતાં, ઘણા વિદ્યાર્થીઓ છેક સુધી રોકાયા.

"કેરિકેચર કોઈ પણ પ્રકારનું હોઈ શકે-
અતિ સરળ કે અત્યંત જટિલ."

શ્રોતાવર્ગ
એ પછી સોમવારની સવારે આ જ કૉલેજમાં બે કાર્યક્રમ હતા. જેમાંનો એક હતો 'વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી' અને બીજામાં વિદ્યાર્થીઓને કાર્ટૂન દોરતાં શીખવવું.
'વ્યંગ્યચિત્રોમાં ગાંધી'ની રજૂઆત
'વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી' કાર્યક્રમમાં પણ હું શ્રોતાવર્ગ અનુસાર અંદરનાં કાર્ટૂન બદલતો હોઉં છું. સવા કલાક જેવા એ કાર્યક્રમ પછી રસ પડે એવા વિદ્યાર્થીઓ રોકાયા. તેમને કાર્ટૂન ચીતરવા અંગેની પ્રાથમિક સમજ આપી. અલબત્ત, સૌને જવાનું મોડું થતું હોવાથી તેઓ દોરવા બેસે અને પછી એ કાર્ટૂન પ્રદર્શિત કરે એ શક્ય ન બન્યું. પણ આ બન્ને કાર્યક્રમ એકદમ 'ચાર્જ' કરી દેનારા હતા. વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાની જુદી જ મઝા છે, જે દરેક કાર્યક્રમ પછી આપણને એક જુદું જ દર્શન કરાવે છે.

કાર્ટૂન દોરવા અંગેની પ્રાથમિક સમજણ

કાર્ટૂનમાં સરળતાથી માનવાકૃતિ શી રીતે દોરવી?
પહેલા દિવસે ઉર્વીશ હાજર હતો, તો કામિનીએ કમ્પ્યુટર પર બેસીને સહાયકની ભૂમિકા ભજવી. બીજા દિવસે મિત્ર અજય ચોકસી પણ હાજર રહેલો. કૉલેજના પ્રાચાર્ય શ્રી સેમ મેથ્યુ તેમજ અન્ય પ્રાધ્યાપકમિત્રો સાથે ગોષ્ઠિનો લાભ પ્રાપ્ત થયો. પ્રા. જિતેન્દ્ર મેકવાન દ્વારા આખા કાર્યક્રમનું આયોજન અને સંકલન અસરકારક રીતે કરાયું. જ્યાં રહીને કાર્ટૂનકળા પ્રત્યેની સમજણનું ઘડતર થયું એ જ વતનમાં કાર્ટૂનકળા વિશે વાત કરવાનો રોમાંચ જુદો જ હતો. કાર્ટૂન અંગેના કાર્યક્રમમાં જે તે કાર્ટૂન દેખાડાય અને એ પછી સંભળાતું વિદ્યાર્થીઓનું અટ્ટહાસ્ય જ એનો સાચો પ્રતિભાવ હોય છે. એ બાબત વધુ એક વખત અનુભવાઈ.
નડિયાદના કાર્યક્રમ વિશેની વાત અલગથી.
(તસવીર સૌજન્ય: પ્રો. જિતેન્દ્ર મેકવાન)

Wednesday, April 13, 2022

પ્રેમગલી

 દો દિલોં કો યે દુનિયા મિલને હી નહીં દેતી,

આશાઓં કી કલીયો કો ખિલને હી નહીં દેતી.
રૂપમહલ, પ્રેમગલી, ખોલી નંબર 420. ચિ.એન્થની ગોન્સાલ્વીસનું આ સરનામું આમ તો આનંદ બક્ષીએ આપ્યું હતું, જે એન્થનીભાઈ પ્રેમના કે પીણાના નશા તળે ગાઈને સંભળાવતા હતા અને એ સૂચવતું હતું કે આ સરનામુ કાલ્પનિક છે.
રૂપમહલ કે ખોલી નં. 420 વિશે મને કશી જાણકારી નથી, પણ પ્રેમગલી વિશે અવશ્ય હું કશું કહી શકું એમ છું. મહેમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો પણ 'પ્રેમગલી' શબ્દ કાને પડતાં જ બોલી ઉઠે કદાચ, 'હા, ભઈ! ખબર છે હવે! લાલ નેરિયું!' મૂળ શબ્દ 'નેળ' પરથી 'નેળીયું' અને તેની પરથી 'નેરિયું' થયું હશે, પણ તેની આગળ 'લાલ' વિશેષણ શા કારણે લાગ્યું એ બાબતે કોઈ પુરાતત્ત્વવિદે કામ કરવું જોઈએ.
મહેમદાવાદમાં વ્યાસવાડાથી દાખલ થઈએ એ પછી ઢાંકણીવાડથી શરૂ થતો અને જીભાઈ પોળ આગળ પૂરો થતો નાનકડો રસ્તો 'લાલ નેરિયું' તરીકે ઓળખાય છે. આ વિસ્તાર ભેંકાર નહીં, સામાન્યપણે સૂનો રહેતો. તેની લંબાઈ એટલી બધી નહીં, એટલે એક છેડે ઉભા હોઈએ તો સામો છેડો જોઈ શકાય. પણ આ નેળની બન્ને તરફ આવેલાં મકાનોનો પાછલો ભાગ અહીં પડતો. ઢાંકણીવાડથી પ્રવેશીએ તો ડાબી તરફના મકાનોનું મુખ્ય બારણું મગદળીઆ પોળમાં અને જમણી બાજુનાં મકાનોનું મુખ્ય બારણું મોટે ભાગે મહાદેવ પોળમાં પડતું હશે.
અહીં દિવાલો એકદમ ઊંચી હતી અને છે...ક પહેલા માળે નાનકડી બારી કે કઠેરો પડતો હોય. દિવાલોની નીચેનો ભાગ વર્તુળના ચાપ આકારનો હોવાથી તેની પર ચડી શકાય નહીં. એમ આ દિવાલો પણ મોટા ભાગની પ્લાસ્ટર વિનાની હતી. ક્યાંક પાણી સતત વહેતું રહેવાને કારણે દીવાલો પર ઓઘરાળા પડેલા હોય, તો ક્યાંક નાનાં નાનાં વડ-પીપળા પણ ઉગી નીકળ્યા હોય. પાછલા રસ્તે પડતી આ બારીનો ઉપયોગ મુખ્યત્વે એંઠવાડનું પાણી ઉપરથી નાંખવા માટે જ થતો. કદાચ એમ પણ બને કે નાનપણમાં આ મકાનો છે એનાથી વધુ ઊંચા ભાસતાં હોય.
આ બધાં કારણોસર આ સ્થળ પ્રેમીઓના મિલન માટેનું આદર્શ સ્થળ ગણાતું. તેનો એ રીતે ઉપયોગ કરવાથી તો હું અને મારા મિત્રો વંચિત રહ્યા. અમને એમ લાગતું કે 'એવી બધી' બાબતો માટે અમે 'નાના' છીએ. એ પછી અચાનક ક્યારે 'મોટા' બની ગયા એ ખબર જ ન પડી. પણ તેનો ઉપયોગ કોણ કોણ કરતું હતું તેના અહેવાલો ઘણી વાર અમને અમારા મિત્ર મૂકા (મુકેશ પટેલ) દ્વારા મળતા. અને મને ખાત્રી છે કે અમારી જેમ ગામ આખાના લોકોને પણ તે અન્યો દ્વારા મળતા હશે.
પણ ચાર-પાંચ વરસ અગાઉ મહેમદાવાદ જવાનું બન્યું ત્યારે સતત બે દિવસ સુધી પ્રેમ સિવાયના ઈતર કામે આ પ્રેમગલીમાંથી પસાર થવાનું બન્યું. એવી કોઈ અંગત સ્મૃતિ મારી અહીં હતી નહીં, છતાં મને બે ઘડી આઘાત લાગી ગયો. મેં જોયું કે આ ગલીમાં હવે મોટા ભાગનાં મકાનોનાં મુખ્ય દરવાજા પાડવામાં આવ્યા છે. તેને કારણે હવે અહીં પેલો સૂનકાર રહ્યો નથી, બલ્કે અવરજવર સતત રહે છે. એ આખી ગલી હવે આર.સી.સી.ની બની ગઈ છે. મને કોણ જાણે એક ક્ષણે એવો પણ વિચાર આવ્યો કે મારા હાથમાં હોય તો હું જે તે સમયે આ ગલીને આરક્ષિત વિસ્તાર જાહેર કરી દેત. (આવું વિચારીએ છીએ એટલે જ આપણા હાથમાં કશું હોતું નથી.) આનો અર્થ એ થયો કે લાલ નેરિયું નામ ભલે રહ્યું, પણ પ્રેમગલી તરીકેનો તેનો દરજ્જો તો ગયો જ.
પાછા ફરતાં આ ગલીનું બદલાયેલું સ્વરૂપ મારા મનને બહુ કોસતું હતું. આના ઉપાયરૂપે મેં એક અખતરો કર્યો. મારી પાસે રહેલી સ્કેચબુક ખોલી અને જેવું આવડે એવું પણ મારા મનમાં પડેલું પ્રેમગલીનું અસલ સ્વરૂપ ચીતરવાનો પ્રયાસ કર્યો. તેનું પરિણામ તે આ ડ્રોઈંગ.
આ પેન ડ્રોઈંગ પૂરતી એટલી સ્પષ્ટતા કે તેને મેં કેવળ સ્મૃતિના આધારે બનાવ્યું છે. તે જ્યારે ખરેખર અસ્તિત્ત્વમાં હતું ત્યારે મને ચિત્ર દોરતાં આવડતું નહોતું કે નહોતો મારી પાસે કેમેરા. આથી મારા મનમાં તેની જે છાપ રહી ગઈ છે તેને આલેખવાનો આ પ્રયાસ છે.

Tuesday, November 15, 2016

હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં....


આમ તો હું કોઈ વ્યવસાયી ડૉક્ટર નથી, પણ મને નાનપણથી તોડફોડ બહુ ગમે. એટલે હવે નિજાનંદ માટે આવાં ઓપરેશનો કરું છું. તમારું ઓપરેશન પતે પછી તમે મને નિખાલસ પ્રતિભાવ આપજો કે એ કેવું થયું!’ જરા વિચારો કે કોઈ ઓળખીતા ડૉક્ટર આપણને ઓપરેશન ટેબલ પર સૂવાડીને આમ કહે તો? 

કંઈક આવી જ લાગણી મને કોઈ પુસ્તકની પ્રસ્તાવનાના આરંભે ‘હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં.....’ વાંચીને થાય છે. કોણ જાણે કેમ, ઘણા બધા લોકોને પોતાના પુસ્તકનું લખાણ આ વાક્યથી કરવાની બહુ મઝા આવતી હોય છે. આવા સ્વકથનને અંતે તેઓ મોટે ભાગે લખતા હોય છે, કોઈ ક્ષતિ દેખાય તો આગોતરી ક્ષમા માગી લઉં છું, કેમ કે, હું કોઈ વ્યવસાયી લેખક નથી. આટલી નમ્રતા છતાં એમ લાગે કે તેઓ એમ કહેવા માંગે છે, જુઓ, હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં એને પણ ટક્કર મારે એવું લખ્યું છે ને! આ તો મારી પાસે સમય નથી, નહીંતર હું લખવાના વ્યવસાયમાં પડું તો ભલભલા વ્યવસાયી લેખકોને ભૂ પાઈ દઉં.

એક સજ્જને પોતે લખેલી પુસ્તિકા મોકલી અને સાથે મોકલેલા પત્રમાં આમ જણાવીને છેલ્લે લખ્યું, આપના નિખાલસ પ્રતિભાવ આપશો. મેં નિખાલસ પ્રતિભાવમાં લખ્યું, આપ વ્યવસાયી લેખક નથી, છતાં આ પુસ્તક લખ્યું, તેને બદલે કોઈ વ્યવસાયી લેખકની સેવા લેવા જેવી હતી, કેમ કે, પુસ્તકમાં ખૂબ ક્ષતિઓ રહી ગઈ છે. બસ! એ સજ્જને મને મોકલેલું એ પહેલું અને છેલ્લું પુસ્તક બની રહ્યું. અલબત્ત, તેમણે લખેલું એ છેલ્લું પુસ્તક નહીં હોય એની મને ખાતરી છે. ખબર નહીં કેમ, લોકોને પોતાની જાતને નિજાનંદી લેખક’, સેવાભાવી લેખક વગેરે ગણાવવામાં કોઈ વિકૃત આનંદ આવે છે.

આટલું પિંજણ કરવાનું કારણ એ કે આ પોસ્ટ પૂરતી હિંમત એકઠી કરીને હું કહેવા માંગું છું, હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં...’આ વાક્ય દ્વારા આ પોસ્ટનો આરંભ કરીને બહુ બધી નિખાલસતાથી લખ્યું હોત, મને આવડ્યું એવું ચીતર્યું છે, તમે મને ટપારજો, કે સુધારજો. તો ઘણાએ કહ્યું હોત, ભાઈ, તું લખવામાં ખોટો આવ્યો. તુંં ચિત્રકાર બન્યો હોત તો.... આમ સૂચવનારા મિત્રો કદાચ એમ કહેવા માંગતા હોય કે, '.....તો લેખને કશું ગુમાવ્યું ન હોત.' 

અગાઉ હું પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં હતો ત્યારે ઘણા કહેતા, તું અહીં ખોટો આવ્યો. તારે લખવામાં જવા જેવું હતું. મને પણ એમ લાગેલું એટલે દસેક વર્ષ અગાઉ લખવામાં આવી ગયેલો. એટલે હાલ પૂરતો બીજા કશામાં જવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. એટલું સમજાયું છે કે અમુક શોખ સમાંતરે પણ ચાલી શકે, જો આપણે તેને ફક્ત નિજાનંદ માટે રાખતા હોઈએ.

આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત. એક તબક્કે ચિત્રકળા તરફનું પ્રબળ આકર્ષણ ને અમુક મિત્રોના દબાણને લઈને કૉલેજ પૂરી કર્યાના દસ વર્ષ પછી વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશ મેળવેલો. અટપટી પ્રવેશપ્રક્રિયા પસાર કર્યા પછી કૉલેજનાં પગથિયાં ચડવાનાં થયાં, મઝા બહુ આવતી હતી, પણ સમયની અનુકૂળતા અને બીજા નાનામોટા પ્રશ્નો નડતા હતા. તેથી દોઢેક વર્ષ માંડ પૂરું કરી શક્યો. પણ એ ગાળામાં એક નવી સૃષ્ટિનો પરિચય થયો.

એ વખતે અભ્યાસ માટે દોરવાં પડેલાં ચિત્રોમાં ખાસ ભલીવાર નહોતી, પણ મઝા ખૂબ આવી. અધવચ્ચે છોડવી પડેલી એ કૉલેજ પછી છૂટુંછવાયું કામ મેં ચાલુ રાખેલું, જેમાં મુખ્યત્વે પેન ડ્રોઈંગ હતા, કેમ કે, ક્યાંય પણ ગયા હોઈએ તો એ ઝડપથી દોરાઈ શકે. અને પછી તેનું ડીટેલીંગ ઘેર આવીને શાંતિથી કરી શકાય. આ વલણ પણ ઓછું થતું ગયું, અને સંપૂર્ણપણે લેખનમાં પ્રવેશ્યા પછી સદંતર બંધ.

પણ જૂન, ૨૦૧૬માં મિત્રો સાથે માધવપુરનો ટૂંકો પ્રવાસ કરવાનો થયો ત્યારે પંદરેક વર્ષના અંતરાલ પછી પેન અને સ્કેચબુક ફરી હાથમાં પકડ્યાં. કામ ફાવશે કે નહીં, એની ચિંતા કર્યા વગર શરૂ કર્યું. પહેલાં બ્લૉગનું માધ્યમ ન હતું, હવે એ ઉપલબ્ધ છે, તેથી અહીં મૂકવાની પણ હિંમત એકઠી કરી.
હવે આમાં ઊંડા ઉતરવાની, ગમતું કામ કરતા જવાની ઈચ્છા થાય છે, પણ હવે એ માટેનો સમય નથી. એ થાય ત્યારે ખરું.

મારી પાસે અગાઉનાં બનાવેલાં થોડાં ડ્રોઈંગ છે, અને નવાં શરૂ કરેલાં પણ ખરાં. પણ આ પોસ્ટમાં માત્ર ને માત્ર મહેમદાવાદનાં ડ્રોઈંગ મૂક્યાં છે. થોડી એની વાત. 
મહેમદાવાદમાં જીવનના આરંભકાળના ત્રણેક દાયકા વીતાવ્યા હોવાથી તેનો લગાવ હોય એ સ્વાભાવિક છે, પણ તેમાં દોરવા કે ફોટા પાડવા જેવું શું ખ્યાલ પછી આવતો ગયો. હવે અમદાવાદના આક્રમણને કારણે મહેમદાવાદની સ્કાયલાઈન બદલાઈ રહી છે. અમારા ત્રણ માળના ઘરના છાપરે ચડ્યા પછી ગામ પૂરું થતાં જે લીલોતરી દેખાતી હતી, ત્યાં હવે લાઈનબંધ એપાર્ટમેન્‍ટ ઉભા થયેલા જોઈ શકાય છે. મહેમદાવાદના નદીકિનારે ઉભા થયેલા નખશીખ વ્યવસાયી સંકુલ એવા સિદ્ધિ વિનાયક ધર્મસ્થાનને લઈને બહારના લોકોનો ધસારો વધ્યો છે. આમ છતાં, મહેમદાવાદ નગરની મૂળભૂત ઓળખ ઘણે અંશે જળવાઈ રહી છે એમ લાગે.

ઢળતા છાપરાંવાળાં મકાનો, પ્લાસ્ટર વિનાની દિવાલો, ધાબું ધરાવતા સાંકડાં અને ઉભાં મકાનો, ધાબુ અને છાપરાંની જુગલબંદી વગેરે થકી હજી તેની આગવી ઓળખ જળવાઈ રહી હોવાનું મને લાગે છે. તે કેટલી ટકશે એ ખબર નથી. અહીં એવાં કેટલાક ચિત્રો મૂકેલાં છે, જે મેં ફક્ત ઘરમાં રહ્યે રહ્યે,  બાલ્કનીમાંથી કે ધાબા પર જઈને બનાવેલા છે. .

**** **** ****

શેરીનું આ દૃશ્ય અમારા ઘરમાંથી દેખાતું હતું. આ દૃશ્ય હજી આવું છે, પણ તેમાં છેલ્લે જે ઝરુખા અને છાપરાવાળું બાંધકામ છે, એ હવે તૂટી ગયું છે, અને ત્યાં હારબંધ દુકાનોવાળું કઢંગું શોપિંગ સેન્‍ટર બની ગયું છે. લુહારવાડથી નડીયાદી દરવાજા તરફનો આ રસ્તો છે. વૉટરપ્રૂફ ઈન્‍ક વડે બનાવેલું આ ચિત્ર કદાચ ૧૯૯૩-૯૪ના ગાળાનું હશે, એમ લાગે છે. 

લુહારવાડથી નડીયાદી દરવાજા તરફ જતો રસ્તો 

આ દૃશ્યો મારા ઘરના ધાબામાંથી દેખાતાં દૃશ્યો છે.

સામે દેખાતું જેઠાકાકા પંચાલનું ચારમાળી મકાન વરસોથી તેની પ્લાસ્ટર વિનાની ઈંટો, અને ત્રાંસા આકારને કારણે ધ્યાન ખેંચે એવું છે. આ મકાનની અંદરની રચના હિન્‍દુ વર્ણવ્યવસ્થાની યાદ અપાવે. ઉપર ચડવા માટે દરેક માળને વટાવવો પડે. તેમના ધાબે પહેલાં હારબંધ ગીધો બેસતાં હતાં. હવે આવી વીઝીટીંગ ફેકલ્ટીઓ ક્યારેક આવી ચડે છે. 

લુહારવાડથી ખાંટવગા જવાના રસ્તાને નાકે

અમારા મકાનનું સ્થાન એ રીતનું છે કે તેની સામેની બાજુએ ખાંટવગો છે, પાછળની બાજુ દેસાઈપોળ છે, અને આજુઆજુ લુહારવાડ છે. ઈતિહાસની ભાષામાં કહીએ તો તે અનેક સંસ્કૃતિઓના ત્રિભેટે ઉભેલું છે. આ ચિત્રમાં સાવ ડાબે લુહારવાડનાં અમુક મકાનો છે, પાછળ કદાચ વ્યાસવાડાના મકાનો છે, અને જમણે આગળ વધતાં દેખાતાં મકાનો દેસાઈપોળનાં છે.

લુહારવાડ, તેની પાછળ વ્યાસવાડો, જમણે દેસાઈપોળનાં મકાનો 

આ ચિત્રમાં મારા ઘરની બીજી તરફનો ભાગ છે, જે બજાર તરીકે ઓળખાય છે. આ મકાનોની નીચે બજાર તરફ જતો મુખ્ય માર્ગ છે. આ મકાનો કાછિયાવાડનાં છે.

બજાર તરફ જવાના રસ્તે કાછિયાવાડનો ભાગ 
ધાબેથી સાવ સામે દેખાતું આ મસમોટું કોમ્પ્લેક્સ નવું બાંધકામ છે. જૂની આશા ટોકીઝ હતી, તેની આગળ બની ગયેલું આ સંકુલ હોય એમ લાગે છે. પશ્ચિમે આવેલા આ સંકુલનું ચિત્ર બનાવ્યું ત્યારે સૂર્ય પશ્ચિમે હોવાથી પ્રકાશ પાછળથી આવતો હતો. તેને લઈને આખું બાંધકામ સળંગ હોય એમ લાગે છે. પણ સવારના, આ મકાનની ઉપર પડતા પ્રકાશમાં વાત અલગ હતી. આ મકાનનો સામે દેખાતો ભાગ ઓછો છે, અને વધુ લાંબો ભાગ પડખામાં છે.

વારાહી માતાથી સ્ટેશનના રસ્તે આશા ટૉકીઝની
આગળના ભાગે બનેલું કોમ્પ્લેક્સ

મારા ઘરના શયનખંડમાંથી બરાબર સામે દેખાતી આ બારીને ચાર ભાગમાં વિભાજીત કરતાં દરેકમાં અલગ અલગ દૃશ્યો જોવા મળે છે. 


મહેમદાવાદદર્શન પછી હવે ઘરનું દર્શન.
મહેમદાવાદના અમારા ઘરના અનેક સ્થાનો પિક્ચરપરફેક્ટ છે. આવાં બે સ્થાનો.
નીચેથી પહેલા માળે આવવાના દાદરનો ભાગ, જેમાં જૂના મકાનનો લાકડાનો કઠેરો મૂક્યો છે. 
ઘરના દાદરની પાછળ આવેલી પહેલા માળની બેઠકનો ભાગ 

પુસ્તકોનો ખજાનો આ ભાગમાં સચવાયેલો છે.

પુસ્તકોની સમાંતર સૃષ્ટિ
હું કોઈ મોટો ચિત્રકાર નથી, પણ.... આમ કહેવાની કેવી મઝા આવે? ચિત્રકળાના અભ્યાસીઓ આમાં રહેલી ત્રુટિઓ તરત પામી જશે. અન્ય રસિકોને આ ચિત્રો વાન ગોગ કે પિકાસોની સમકક્ષ લાગી શકે. આવા બે અંતિમોની વચ્ચે જ આપણે આપણો આનંદ મેળવી લેવાનો હોય છે. ખાસ કરીને આપણે વ્યવસાયી એક્સ વાય ઝેડ ન હોઈએ અને એ બનવાની શક્યતા પણ ન હોય ત્યારે. 


Saturday, November 5, 2016

ચાંદા-સૂરજના મહેલ: ખંડહર બચે હુએ હૈં, ઈમારત નહીં રહી


મહેમદાવાદના વતની હોવા છતાં, મહેમદાવાદમાં વરસો સુધી રહેવા છતાં અને મહેમદાવાદ છોડ્યા પછી પણ ત્યાંનો જીવંત સંપર્ક હોવા છતાં ચાંદા-સૂરજના મહેલ વિશે સાંભળેલું બહુ, કદી તેની મુલાકાત લેવાનું બન્યું નહોતું. શાળામાં ક્યારેક મારું ગામ વિશે લખતાં તેનો ઉલ્લેખ જોવાલાયક સ્થળ તરીકે કર્યો હોય એટલું જ. કદી તેને જોવા જવાનો વિચાર નહીં આવેલો. ટ્રેનમાં અમદાવાદથી આવતાં વાત્રક નદીના પુલ પર જમણી તરફ દેખાતાં ખંડેર ચાંદા-સૂરજના મહેલ હોવાની ખબર હતી. ક્યારેક કોઈ મિત્ર આગળ ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હશે, પણ ત્યાં કશું નથી જેવો જવાબ મળતાં વિચાર માંડવાળ કરી દેવાયો હશે.

**** **** ****

મહેમદાવાદની વાત કરવી હોય તો અમદાવાદના ઉલ્લેખ વિના કરી ન શકાય. મહેમદાવાદના ઈતિહાસ વિશે મહેમદાવાદ: એક અધ્યયન નામના નાનકડા પુસ્તકમાં ભાઈ મહંમદ મુસ્તાકે ટૂંકમાં માહિતી જણાવી છે. એ મુજબ ગુજરાતમાં મહંમદશાહ નામના કુલ ત્રણ રાજાઓ થઈ ગયા. તેમાં સૌથી પરાક્રમી અને જાણીતો સુલતાન એટલે મહેમૂદશાહ. તેનું મૂળ નામ ફતેહખાન હતું. ચૌદ વર્ષની વયે તે નાસીરૂદ્દીન દુનિયા વઉદ્દીન અબુલ ફતાહ મહેમૂદશાહ નામ ધારણ કરીને ઈ.સ. ૧૪૫૮માં તખ્ત પર બિરાજમાન થયો. જૂનાગઢ અને પાવાગઢ નામના બે મહત્ત્વના ગઢ જીત્યા હોવાથી તે મહેમૂદ બેગડો તરીકે ઓળખાયો.

અમદાવાદથી દક્ષિણે વાત્રક નદીને કાંઠે તેણે એક નગર વસાવવાનું નક્કી કર્યું અને પોતાના એક ઉમરાવ મલેક મહેમૂદ નિઝામને આ કામ સોંપ્યું. આમ, ઈ.સ. ૧૪૬૫માં મહેમદાવાદ નગર વસાવવામાં આવ્યું. અલબત્ત, આગળ જતાં મહેમદાવાદ પર સુલતાન શાહુદ્દીન મહેમૂદે (ત્રીજા) પણ રાજ્ય કર્યું.
મહેમદાવાદ એક જમાનામાં ગુજરાતનું પાટનગર રહી ચૂક્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. એ બધી વાતોમાં ઊંડા ન ઉતરીએ તો પણ મહેમદાવાદમાં આજે ઘણી જર્જરીત ઈમારતો તેના એક જમાનાના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે, જેમાંની મોટા ભાગની જીર્ણશીર્ણ અવસ્થામાં છે.
**** **** ****
થોડા વખત અગાઉ મહેમદાવાદ રહેતા મિત્ર નિલેશ પટેલે ફેસબુક પર ચાંદા-સૂરજના મહેલની પોતે લીધેલી મુલાકાતની તસવીરો મૂકી. એ જોયા પછી તેની સાથે ફોન પર વાત થઈ એટલે તેણે જણાવ્યું કે હવે ચાંદા-સૂરજના મહેલ સુધી જવા માટેનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

ફરી પેલું કુતૂહલ સળવળી ઉઠ્યું અને તેની મુલાકાત લેવાના મનસૂબા ઘડાતા રહ્યા. આખરે આ દિવાળીની રજાઓમાં ત્યાં જવું એમ નક્કી કર્યું. આજે જઈશું, કાલે જઈશુંમાં એ ઠેલાતું રહ્યું. મારી ઈચ્છા ઈશાનને લઈને ત્યાં જવાની હતી. પણ એ શક્ય ન બન્યું. દરમિયાન બિનીત મોદીને મહેમદાવાદ આવવાનું બન્યું અને અમે બન્નેએ એકલા ત્યાં જવાનું નક્કી કર્યું.

રેલ્વેના ક્રોસિંગને ઓળંગ્યા પછીનો આખો વિસ્તાર મારા માટે અજાણ્યો હતો. એક બે વસાહતો પાર કરીને આખરે અમે ત્યાં પહોંચ્યા ખરા. એ સ્થળનું તસવીરી વર્ણન. 

મહંમદ મુસ્તાકના પુસ્તક અનુસાર ચાંદા-સૂરજનો મહેલ ઈ.સ.૧૫૪૬માં બનાવવામાં આવ્યો હતો. આ સિવાય બીજી માહિતી ભાગ્યે જ ઉપલબ્ધ બની શકી છે. 

વચ્ચોવચ દેખાતી આ કેડીની બન્ને બાજુએ બે મહેલોના ખંડેર છે, જેની બહારની દિવાલો જોઈ શકાય છે. ઢાળ ચડતો આ રસ્તો આગળ જતાં ઢાળ ઉતરે છે અને નદીના પટ તરફ જાય છે. 



કેડીની જમણી તરફ નજીકની દિવાલ ઓછી ખંડીત છે.


કેડીની જમણી તરફ છેક સામા છેડે તૂટેલી આ દિવાલ જોઈ શકાય છે. ક્યારેક અન્ય દિવાલો તેમજ અંદરનાં ખંડો હોવાની સાબિતી પથ્થર જેવી સામગ્રીના બનેલા ભોંયતળીયા જોવાથી મળે છે.


સામે દેખાતી આ દિવાલમાં ગોખલા, તૂટેલી કમાનો વગેરે જોઈ શકાય છે. 


ફક્ત ઈંટોની બનેલી દિવાલમાં દેખાતા ગોખલા મહેમદાવાદનાં અન્ય મુસ્લિમ સ્થાપત્યની શૈલી 
મુજબના છે. 


આ દિવાલ પૂરી થાય ત્યાંથી નીચે સીધી વાત્રક નદી નજરે પડે છે. 


થોડે દૂર રેલ્વેબ્રીજ પણ જોઈ શકાય છે, જ્યાંથી અમદાવાદ તરફ જતી-આવતી ટ્રેનોની અવરજવર રહે છે.


હવે કેડીની ડાબી તરફની દિવાલનો ભાગ.
આ દિવાલ શરૂ થાય એ અગાઉ તેની પડખે કાટખૂણે એક કેડી છે. એ કેડીના છેડે બીજી દિવાલ છે, જે મહેલના ડાબી બાજુના વિસ્તારનો અંદાજ આપે છે.


આ છે ડાબી તરફના હિસ્સાની છેવાડાની દિવાલ.


અહીં અમુક ભોંયરા પણ છે એમ જાણવા મળ્યું, પણ ઝાડીઝાંખરાને કારણે તે પૂરાઈ ગયા હોય એમ લાગે છે. મહેલની દિવાલો પૂરી થાય ત્યાં લીલા રંગની એક ધજા દેખાઈ. 


ઢાળ ઉતરતાં જણાયું કે ત્યાં એક દરગાહ છે. અહીં સેવા આપી રહેલા મહેમદાવાદના સજ્જન શ્રી રહેમતુલ્લા પઠાણે અમને દરગાહ જોવા માટે બોલાવ્યા. આ દરગાહ હઝરત ચાંદ સૈયદ બાવાની છે. તેઓ મહેમૂદ બેગડાના સલાહકાર હતા એમ કહેવાય છે.તેમની સાથે વાતોમાં જાણવા મળ્યું કે અહીં મહોરમ પછીના અઠવાડિયે મોટો ઉર્સ ભરાય છે અને દસ-પંદર હજાર મુલાકાતીઓ અહીં આવે છે. એ સમયે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, અને મહેમદાવાદનું એક સેવાભાવી જૂથ આ તમામ વ્યવસ્થા સંભાળે છે.




વાત્રક નદીને બિલકુલ કાંઠે ઉંચાણમાં બનાવેલા આ કિલ્લાનું સ્થળ આજે પણ અદ્‍ભુત લાગે છે. તે બનાવાયો એ વખતે કેવું રમણીય હશે એનો અંદાજ આજે પણ આવી શકે છે. 



વર્તમાન પ્રણાલિ મુજબ અમે જાતે આ સ્થળની મુલાકાત લીધી હોવાના પુરાવારૂપે સ્વછબિ લઈને વિદાય લીધી. 
(ડાબેથી) બીરેન કોઠારી અને બિનીત મોદી 

(શિર્ષક પંક્તિ: દુષ્યંતકુમાર)