Showing posts with label પુસ્તકઘોષણા. Show all posts
Showing posts with label પુસ્તકઘોષણા. Show all posts

Wednesday, June 18, 2025

પહેલું પ્રકરણ

 ચિત્રકાર ભૂપેન ખખ્ખરની જીવનકથાનો આરંભ ક્યાંથી કરવો? એટલે કે એમાં વિષયપ્રવેશ શી રીતે કરાવવો? આ વિષે વિચારવામાં ખાસ મહેનત ન પડી. ભૂપેનની જીવનકથા લખું છું એટલે એમને બહુ મોટા ચિત્રકાર ગણાવવા એ બાબત વધુ પડતી જણાય. યોગ્ય ન લાગે. એમનાં ચિત્રોની કિંમત કરોડોમાં છે એ બાયોડેટા બહુ તુચ્છ જણાય. આથી કળાવિષયક ગ્રંથોમાં એમના ઉલ્લેખ તપાસવાના શરૂ કર્યા. 'સરદાર પટેલ યુનિવર્સિટી'ની 'જ્ઞાનવિજ્ઞાન શ્રેણી'નો ગ્રંથ 'દૃશ્યકળા' સૌથી પહેલો જોયો. તેમાં ચિત્રકળાનો ઈતિહાસ ક્રમબદ્ધ રીતે આલેખાયેલો હતો. વૈશ્વિક અને પછી ભારતીય ચિત્રકળાની તેમાં વાત હતી. આધુનિક ભારતીય ચિત્રકળા વિષે પણ તેમાં લખાયું હતું, જેમાં ભૂપેન ખખ્ખર વિશે બેએક ફકરા જેટલું લખાણ હતું. 'એનસાયક્લોપિડીયા' જેવા ગ્રંથમાં, જ્યાં સમગ્ર ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ સળંગસૂત્રે લખાયો હોય એમાં બે ફકરા ભૂપેન વિશે ફાળવવામાં આવ્યા હોય એ જ એમનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું કહી શકાય.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આથી પહેલા પ્રકરણમાં ભારતીય ચિત્રકળાના ઉદભવથી માંડીને છેક આધુનિક ચિત્રકળા સુધીની વાત, વિવિધ શૈલીઓ, એનાં ચિત્રો, કલાકારોનો ઉલ્લેખ કરીને છેલ્લે આધુનિક ચિત્રકળાની વાત અને એમાં ભૂપેન વિશે લખાયેલા પેલા બે ફકરા સાથે એ પ્રકરણનો અંત આવે એ નક્કી કર્યું. ભૂપેનની જીવનકથામાં પ્રવેશ કરવા માટે આ પૂર્વસફર બહુ જરૂરી લાગી.
પહેલું પ્રકરણ મનમાં તૈયાર થઈ ગયેલું. એક વાર સામગ્રી મળી એ પછી એને લખતાં પણ બહુ વાર ન લાગી. આમ, પહેલું પગલું ભરાયું, પણ એ પછી પુસ્તકના સમાપન સુધી પહોંચતાં ઘણો લાંબો સમય વીત્યો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Tuesday, June 17, 2025

આ ચિત્રો વાહિયાત છે

દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ત્રિવાર્ષિકીમાં વિવિધ ભારતીય ચિત્રકારોનાં ચિત્રો પ્રદર્શિત થયાં હતાં. એમાં ભૂપેનનાં ચિત્રો પણ હતાં. આ પ્રદર્શનની મુલાકાતે અંગ્રેજ ચિત્રકાર હોવર્ડ હોજ્કિન આવેલા. ગીતા કપૂરના તે પરિચિત હતા. હોવર્ડને અસલ આધુનિક ભારતીય શૈલીનાં ચિત્રો જોવા મળશે એવી ઉમેદ હતી. પ્રદર્શન દરમિયાન ગીતા કપૂરે તેમને ચિત્રો વિશેનો અભિપ્રાય પૂછ્યો. હોવર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આ ચિત્રો ભયંકર છે. આમ કહેવા બદલ દિલગીર છું, પણ આ ચિત્રો વાહિયાત છે.” આટલું કહીને ઉમેર્યું, “સિવાય કે આ ત્રણ.” આમ કહીને તેમણે ત્રણ ચિત્રો ચીંધ્યાં અને કહ્યું, “જુઓ, આને ચિત્ર કહેવાય’. આ સાંભળીને ગીતા કપૂરે કહ્યું, “બહુ રસપ્રદ કહેવાય. એ ચીતરનારો કલાકાર તમારી બાજુમાં જ ઊભેલો છે’. હોવર્ડનો એ ભૂપેનનાં ચિત્રો અને ભૂપેન સાથેનો પહેલો પરિચય. ચિત્રોના આટલા મોટા મેળાવડામાં કથનાત્મક શૈલીનાં આ ત્રણ ચિત્રો જ તેમને મૌલિક જણાયાં હતાં. તેમને લાગ્યું કે એ એક આગવી ઓળખ અને શૈલી ધરાવે છે. ભૂપેન સાથે અહીંથી શરૂ થયેલો પરિચય બહુ ઝડપથી આજીવન મૈત્રીમાં રૂપાંતરિત થયો.

હોવર્ડ હોજ્કિન અને ભૂપેન ખખ્ખર

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Monday, June 16, 2025

મૂંઝવણ અને ઊકેલ

ચિત્રકાર તરીકે ભૂપેન ખખ્ખરની જીવનકથા લખવાની થાય ત્યારે એ સવાલ આવીને ઊભો રહે કે તેમના સજાતીય વલણ અંગે લખવું કે કેમ? અને લખવું તો કેટલું લખવું? શી રીતે લખવું? પોતાના જે વલણ બાબતે ખુદ ભૂપેને શબ્દો ચોર્યા વિના લખ્યું હોય એને એક ચરિત્રકાર તરીકે હું ન લખું તો એ વિચિત્ર કહેવાય. એવું ચોખલિયાપણું ખુદ ભૂપેનને જ નુકસાન કરે. ભલે ને તે લાભ કે નુકસાનના પ્રદેશની પેલે પાર નીકળી ગયા હોય! આથી એ નક્કી હતું કે આ બાબત છુપાવવી નહીં, વીંટાળીને લખવી નહીંં, બલકે શક્ય એટલી ખુલ્લાશથી, અપરસમાં સરી પડ્યા વિના આલેખવી.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

ભૂપેનના મિત્ર અને મુંબઈના નાટ્યકાર નૌશિલ મહેતાએ એક મુદ્દે ભૂપેનને પૂછેલું, 'લોકો તમને શી રીતે યાદ રાખે તો ગમે? એવા ચિત્રકાર તરીકે કે જે સજાતીય સંબંધ ધરાવતો હતો? કે એવી સજાતીય વ્યક્તિ તરીકે કે જે ચિત્રકાર હતી?' આમ તો આ સંવાદ થયેલો નૌશિલભાઈ અને ભૂપેન વચ્ચે, પણ મને એમાં મારો માર્ગ દેખાયો.
મારે ભૂપેનની જીવનકથાનું આલેખન તો એક ચિત્રકાર તરીકે કરવાનું હતું. એમાં વ્યક્તિ તરીકેની વાત આવે, પણ પૃષ્ઠભૂમિમાં, અને એય એ વિષયે દોરેલાં તેમનાં ચિત્રોને સમજવા માટે. બીજી વાત એ કે ભૂપેનની બિનહયાતિમાં એ વિશે કોણ અધિકૃત રીતે કહી શકે? શું કામ કહે? કેટલું કહે? એટલે મેં મુખ્ય આધાર ભૂપેનનાં પોતાનાં લખાણોનો લીધો, અને કેટલોક આધાર (ગુલામમોહમ્મદ) શેખસાહેબનાં લખાણનો, જે એમની ખૂબ નજીક હતા. આ બાબતને આલેખતું અલાયદું પ્રકરણ 'ગુપ્ત વલણની ઘોષણા' લખ્યું. એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી હતું કે એમાં મારા કોઈ અંગત ગમા-અણગમાનો અંશ માત્ર ઝળકવો ન જોઈએ. એ શક્ય એટલું હેતુલક્ષિતાથી આલેખાયેલું હોવું જોઈએ.
એ પ્રકરણ કેવું લખાયું એ વાંચનારે નક્કી કરવાનું છે, પણ એ લખવા પાછળનો મારો અભિગમ આ હતો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Saturday, June 14, 2025

એ લેખ ત્યાર પછી લખી શકાયો

ભૂપેન ખખ્ખર વિશે પુસ્તક લખાવવાનો વિચાર આવ્યો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરને. એ શી રીતે આવ્યો એની વિગત પુસ્તકમાં હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કરતો. પણ તેમણે મને પોતાની પાસે હતી એ તમામ સામગ્રી મને સોંપી. એ ઢગલાબંધ વસ્તુઓ જોઈને હું રાજી થયો. ઘેર લાવીને પહેલું કામ એ ઢગલાના વિભાજનનું કર્યું. અખબારનાં કટિંગ, પ્રદર્શનનાં નિમંત્રણપત્રો, કેટલોગ, ભૂપેને દોરેલાં ચિત્રોનાં કાર્ડ, ભૂપેન વિશેના લેખો વગેરે...અખબારનાં કટિંગમાં પણ મેં પેટાવિભાજન કર્યું. ભૂપેનની મુલાકાતો, ભૂપેન વિશે લખાયેલા લેખો, એમની વાર્તાના અનુવાદ, ભૂપેન વિશેના કોઈ સમાચાર...એવું બધું.

આ પત્ર ભૂપેન વિદેશ ગયા ત્યારે
 ત્યાંથી વલ્લવભાઈને ભારતમાં લખેલો.

આમાં એક જથ્થો હતો પત્રોનો. મોટે ભાગે ભૂપેને વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા પત્રો, જેમાંના મોટા ભાગના એરમેલ લેટર હતા. વલ્લવભાઈ એક સમયગાળા દરમિયાન અમેરિકા ગયેલા ત્યારે ભૂપેને અહીંથી લખેલા. કેટલાક ભૂપેને પણ વિદેશથી વલ્લવભાઈને લખેલા. વલ્લવભાઈએ પણ ભૂપેનને પત્રો લખ્યા હશે, પણ એ ભૂપેન પાસે હોય. અમરીશભાઈએ સૂચન કરેલું કે આની પરથી તમે 'જલસો'માં લેખ લખી શકશો. મને પણ થયું કે વાત બરાબર છે. આવા દસ બાર પત્રો હતા. એ જોઈને હું રોમાંચિત થઈ ગયો. મેં એ વાંચવાના શરૂ કર્યા. એકે એક પત્રનો અક્ષરે અક્ષર વાંચ્યા પછી હું નિરાશ થઈ ગયો. બહુ સામાન્ય પત્રો. તદ્દન સામાજિક. 'હું અહીં કુશળ છું, ત્યાં સૌ કુશળ હશો; અને 'બધાને યાદ' પ્રકારના. આ બધું મને સોંપાયેલું 2016માં. એટલે મને એમ કે હું એ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રકાશિત થનારા 'જલસો'માં એના વિશે લેખ લખી શકીશ. લેખ લખી શકું એવી કોઈ ભૂમિકા જ નહોતી બનતી. જો કે, મને એ સમજાયું હતું કે એ લેખ ન લખી શકવાનું મૂળ કારણ એ હતું કે મારે હજી આ સંબંધમાં ઊંંડા ઊતરવાનું બાકી હતું.

ભૂપેન ખખ્ખરે વલ્લવભાઈ પર લખેલા
અનેક પૈકીનો એક પત્ર (આ પત્ર વલ્લવભાઈ
અમેરિકા ગયા ત્યારે ભૂપેને ભારતથી લખેલો)

ધીમે ધીમે અન્ય સામગ્રી મળતી ગઈ. અમરીશભાઈ વચ્ચે વચ્ચે હળવેકથી મને પત્રો આધારિત લેખ વિશે યાદ કરાવતા, પણ હું કહેતો, 'એ લેખ યોગ્ય સમયે લખીશ. હજી એ મનમાં પાકી રહ્યો છે.' દરમિયાન 2020માં જાણીતા સમાજશાસ્ત્રી અને ભૂપેનના મિત્ર સુધીરચન્દ્ર (ગીતાંજલિશ્રીના પતિ)નું હિન્દીમાં લખાયેલું પુસ્તક 'भूपेन खख्खर: एक अंतरंग संस्मरण' પ્રકાશિત થયું. એ અગાઉ તેમની સાથે એક વાર ફોનથી વાત થયેલી અને તેમણે જણાવેલું કે પોતે આ લખી રહ્યા છે. પુસ્તક મેં મંગાવી લીધું. એ પુસ્તકમાં ભૂપેનના વ્યક્તિત્વનું અદ્ભુત આલેખન હતું. નવાઈ ત્યારે લાગી કે પોતાના પુસ્તકમાં તેમણે વલ્લવભાઈ સાથેની ભૂપેનની દોસ્તીનો ઉલ્લેખ કરતાં એ સંબંધ કેવો ગાઢ હતો એ જણાવવા લખેલું કે વલ્લવભાઈનો દીકરો અમરીશ ગાંઠના ખર્ચે ભૂપેન પર ગુજરાતીમાં પુસ્તક લખાવી રહ્યો છે. (એ પાનની છબિ મૂકી છે)


સુધીર ચંદ્રના પુસ્તકમાં ઉલ્લેખ

આ પુસ્તક વાંચ્યા પછી મને વલ્લવભાઈ અને ભૂપેન વચ્ચેનું સમીકરણ બરાબર સમજાયું. હવે પેલા પત્રો મેં જુદા પ્રકાશમાં જોયા. અને એના પર લેખ લખવાનો ધક્કો અંદરથી જ ઊભો થયો. પરિણામસ્વરૂપ એ લેખ 'સાર્થક જલસો'ના પંદરમા અંક (ઓક્ટોબર, 2021)માં પ્રકાશિત થયો. આ વિષય પરનો, આવા સંબંધ પરનો આ મારો પહેલો જ લેખ હતો. મારી ઈચ્છા, બલકે આગ્રહ કે એ લેખ હું લખું અને પછી અમરીશભાઈ પણ એ વાંચે. કશી ક્ષતિ હોય તો સૂચવે. ઊંડે ઊંડે એમ પણ ખરું કે કશો વાંધો તેમને લેવો હોય તો વેળાસર લઈ લે. મેં અમરીશભાઈને એ લેખ મોકલ્યો. તેમણે આખો લેખ વાંચ્યો. એકાદ જગ્યાએ નાનકડો હકીકતદોષ સુધાર્યો અને લેખ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી.
'સાર્થક જલસો' ના પંદરમા અંકમાં પ્રકાશિત લેખ

આ જ લેખ પછી પુસ્તકની જરૂરિયાત મુજબ ફેરફાર કરીને એમાં પ્રકરણ તરીકે લેવાયો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Friday, June 13, 2025

'સ્ક્રેચ'થી શરૂ કર્યા પછી...

કોઈ પણ જીવનકથાનો આરંભ સાવ 'સ્ક્રેચ'થી કરવો પડે, ભલે ને વ્યક્તિ ગમે એટલી જાણીતી કેમ ન હોય! જાણીતી વ્યક્તિની જીવનકથા લખવામાં જોખમ એટલું કે મોટા ભાગના લોકો તેમની જાણીતી હોય એવી વાતો જ કરે. આપણને સોંપાયેલા કામ તરીકે જીવનકથા લખતા હોઈએ ત્યારે એમાં આવું ન ચાલે. એટલે આરંભ એકડે એકથી, અને અમુક કિસ્સામાં તો શૂન્ય કે એની આગળ ઋણ સંખ્યાથી પણ કરવાનો થાય. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું કામ મને અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સોંપાયા પછી જે 'સ્ક્રેચ'થી મારે આરંભ કરવાનો હતો એ કયો એ સમજાતું નહોતું. એટલે કે ભૂપેનના જન્મ, તેમના બાળપણ અને કિશોરાવસ્થા તેમજ યુવાવસ્થાની વાતો કોની પાસેથી મળે? એક તો ભૂપેનના અવસાનને જ ત્યારે તેર જેટલાં વર્ષ વીતી ગયેલાં. તેમનાં કુટુંબીજનોમાં એક તેમનાં મોટાં ભાભી લેખાબહેન હયાત હતાં. એ સિવાય ગુલામમોહમ્મદ શેખસાહેબ જેવા મિત્રો ભૂપેનના યુવાકાળના, અને બીજા તો એ પછીના. એક સુનિલ કોઠારી એવા હતા કે જેઓ ભૂપેનના શાળા તેમજ કોલેજકાળ વિશે જણાવી શકે. તેઓ દિલ્હી હતા અને વડોદરા આવવાનું તેમને બનતું હતું એટલે અમે ત્યાં સુધી એમની રાહ જોવાનું નક્કી કર્યું.

વડોદરામાં શેખસાહેબને સૌ પ્રથમ મળવું પડે. અમે એમને ત્યાં ગયા. તેમની વ્યસ્તતા સમજાય એવી હતી, આથી ખાસ કશી વાત કરવાને બદલે તેમણે ભૂપેન વિશે પોતે લખેલો લેખ 'ભેરુ'નો ઉપયોગ કરવાની પરવાનગી અમને આપી. એ જ દિવસે નીલિમાબહેન શેખ સાથે થોડી વાત થઈ અને તેમણે ભૂપેન સાથેનાં પોતાનાં કેટલાક સંભારણાં કહ્યાં.
દરમિયાન અમરીશભાઈ એવાં મકાનોની જાણકારી લઈ આવ્યા કે ભૂપેન પોતાના બંગલામાં રહેવા જતાં પહેલાં રહી ચૂક્યા હોય. નિઝામપુરામાં રહેતા ઠાકોરભાઈ અને અતુલભાઈ શાહને અમે એ રીતે મળ્યા. ભૂપેન રહેતા ત્યારે આ બન્ને ભાઈઓની વય બાર-પંદરની હશે. એટલે તેમને એ યાદ હતા ખરા, પણ બીજી વિશેષ જાણકારી મળી શકી નહીં.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આ જ રીતે અમે રાધાસ્વામીના સત્સંગમાં ઉપસ્થિત રહ્યા અને કેટલાક સત્સંગીઓને મળ્યા. લેખાબહેન સાથે આ ગાળામાં મુલાકાત થતી રહેતી, પણ તેમની પાસે અમુકથી વધુ વિગતો હોય એમ જણાતું નહોતું. આ દરમિયાન રાણા બંધુઓ- હીતેશ રાણા અને કમલ રાણાને મળવાનું બન્યું. ભૂપેનના અંતિમ દિવસોમાં બન્ને ભાઈઓ સાથે રહેલા. તેમણે ઘણી વાતો તો કરી, સાથોસાથ પુસ્તક માટે અન્ય કોઈ પણ (ગુજરાતી અનુવાદ: આર્થિક) મદદની જરૂર હોય તો અને ત્યારે એ કરવાની તૈયારી બતાવી.
વલ્લવભાઈનાં બહેન જયાલક્ષ્મીબહેનને અમે વડોદરામાં મળ્યા. તેમણે 'ચંગુમંગુની જોડી'ને ભાવપૂર્વક યાદ કરી અને જણાવ્યું કે ભૂપેન તેમને પોતાની બહેન ગણતા હતા.
એ પછી એક વાર અમે અમદાવાદના ચિત્રકાર અમીત અંબાલાલને મળવા તેમને ઘેર ઊપડ્યા. અમીતભાઈ તો ખરા જ, તેમનાં પત્ની રક્ષાબહેને પણ ભૂપેન વિશે અઢળક વાતો કરી. ત્રણ સાડા ત્રણ કલાક તેમની સાથે અમે બેઠાં. આ દંપતિની સરળતા અમને સ્પર્શી ગઈ.
આમ છતાંં, આ બધી વાતો પછીના સમયગાળાની હતી. જે 'સ્ક્રેચ'થી આરંભ કરવાનો હતો એ હજી પડતો નહોતો. ભૂપેનના મિત્રો, પરિચિતોને તેમના વિશે એટલું બધું કહેવાનું હતું કે એમ લાગે કે આ વ્યક્તિત્વને આપણે જીવનકથાની બાથમાં કેમનું લેવું?
ક્યારેક એમ થતું કે અમે ઊપરાછાપરી અનેક લોકોને મળતા, તો ક્યારેક એમાં લાંબો ઝોલ પડતો.
આમ છતાં, એક વાત નક્કી હતી કે ભલે વિલંબ થાય તો એમ, પણ પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Tuesday, April 15, 2025

દોસ્તીનું તર્પણ

ભૂપેનની જીવનકથાના આલેખન વેળા જે લોકોને મળવાનું અમે આરંભ્યું એ આમ જોઈએ તો છેક પરિઘ પરથી. વલ્લવભાઈ કોન્ટ્રાક્ટર સાથે તેમને ગાઢ મૈત્રી હતી. વલ્લવભાઈ 'રાધાસ્વામી'ના અનુયાયી હોવાથી તેના સત્સંગમાં એ નિયમીત હાજરી આપતા. આ સત્સંગ ત્યારે તો સૂરસાગર નજીક આવેલા એક સત્સંગીને ઘેર થતો. ભૂપેન પોતાનું સ્કૂટર લઈને સત્સંગ પૂરો થવાના સમયે આવી જતા અને નીચે ઊભા રહેતા. વલ્લવભાઈ આવે એ પછી તેઓ સ્કૂટર પર બેસીને નીકળતા. વલ્લવભાઈનું એમના સત્સંગી વર્તુળમાં આદરમાન બહુ. સત્સંંગીઓ રોજ જુએ કે 'વલ્લવકાકા'ના એક મિત્ર રોજ એમની રાહ જોઈને ઊભા રહે છે. આથી એ સત્સંગીઓ પણ 'વલ્લવકાકા'ના મિત્રને 'કેમ છો?' કરતા થયા. ધીમે ધીમે તેમને 'ભૂપેનકાકા'ના નામથી બોલાવતા થયા. એ પછી એક વાર ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન વડોદરામાં યોજાયું ત્યારે વલ્લવકાકા સાથે કેટલાક સત્સંગીઓ પણ 'ભૂપેનકાકા'નાં ચિત્રો જોવા ગયેલા. એમને ત્યારે ખબર પડી કે 'ભૂપેનકાકા' તો મોટા ચિત્રકાર છે. ધીમે ધીમે 'ભૂપેનકાકા' પણ સત્સંગમાં આવતા અને બેસતા થયા.

આથી મેં પહેલવહેલી ઈચ્છા વ્યક્ત કરી કે આપણે આ સત્સંગમાં જઈએ. બેસીએ અને જોઈએ કે એમાં શું શું થાય છે. વલ્લવભાઈના દીકરા અમરીશભાઈએ એ વ્યવસ્થા કરી આપી. લાલબાગ નજીક નિમિષ બહલ નામના એક સત્સંગીને ઘેર નિયત સમયે સત્સંગ યોજાતો હતો. અમે ત્યાં ગયા. છેક સુધી બેઠા. સત્સંગ પૂરો થયા પછી કેટલાક એવા સત્સંગીઓને મળ્યા કે જેમણે 'ભૂપેનકાકા'ને જોયા હતા.

રાધાસ્વામી સંપ્રદાયના બાબુજી મહારાજનું
ભૂપેને દોરેલું ચિત્ર

વલ્લવભાઈ અને ભૂપેન

પત્રના અંતે ભૂપેનનું લખાણ

રાધાસ્વામી સત્સંગ (છેક જમણે નિમિષ બહલ)

એ પછી અમરીશભાઈએ વિગત આપી કે વડોદરામાં આજવા રોડ પર 'સત્સંગ બિયાસ' છે, જ્યાં અઠવાડિયાના એક દિવસ સાંજે સત્સંગ યોજાય છે. ત્યાં પણ અમે ગયા. સત્સંગમાં હાજરી આપી અને એ પછી અનેક સત્સંગીઓ સાથે મુલાકાત કરી. ત્યાંથી વિગતો ઓછી મળી, પણ સત્સંગીઓમાં 'ભૂપેનકાકા અને વલ્લવકાકાની જોડી'નું સ્થાન શું હતું એનો બરાબર અંદાજ મળ્યો.
વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા તમામ પત્રોમાં છેલ્લે ભૂપેન લખતા: 'લિ. ભૂપેનના રાધાસ્વામી'. આ જ સંપ્રદાયના એક ધર્મગુરુ બાબુજી મહારાજનું ચિત્ર પણ ભૂપેને દોરેલું.
આવી અનેક વિગતો મારા મનમાં ઊતરતી ગઈ, સંઘરાતી ગઈ, જેના અર્કરૂપે લખાયું 'રંગમાં સત્સંગ' પ્રકરણ. વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તીને અપાયેલી એ અંજલિ છે, તો અમરીશભાઈના મતે આ પુસ્તક બન્નેની દોસ્તીનું તર્પણ છે.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(બાબુજી મહારાજના ચિત્રની તસવીર ઈન્‍ટરનેટ પરથી) 

Monday, April 14, 2025

મારો સગો? મને એમ કે એ તમારો ઓળખીતો છે


ભૂપેન ખખ્ખરની જીવનકથામાં ધીમે ધીમે આગળ વધાતું જતું હતું, પણ હજી ઘણું મળવાનું બાકી હતું. અમુક વિગતોની જાણ હતી કે એ ક્યાંથી મળી શકે એમ છે, છતાં ત્યાં સુધી પહોંંચવાનો રસ્તો શોધવાનો હતો. ભૂપેનના અવસાનને ત્યારે માંડ એક સવા દાયકો થયેલો, અને તેમનું અવસાન માત્ર 69ની વયે થયેલું. આથી એવા અનેક લોકો હતા કે જે તેમને જાણતા હતા, તેમને ઓળખતા હતા. મુખ્ય વાત એ હતી કે એમની પાસે કશી નક્કર વાત મળે એમ હતું કે કેમ.

ધીમે ધીમે અમારું કામ ચાલતું, એમાં મારાં બીજાં અનેક કામ પણ સમાંતરે હોય. ભૂપેનના ડ્રાઈવર ઈશ્વર વિશે અમને ખ્યાલ હતો. એય જાણ હતી કે તેની હત્યા થઈ હતી. આથી અમે ઈશ્વરના ભાઈ ભગવાનને મળ્યા. ભગવાને બહુ પ્રેમથી ભૂપેન વિશે વાતો કરી. એમાં કોઈ ખાસ કિસ્સો નહોતો, પણ ખ્યાલ આવ્યો કે ભૂપેનનું વ્યક્તિત્વ એમના ડ્રાઈવરની દૃષ્ટિએ કેવું છે. નવાઈ ત્યારે લાગી કે ભગવાને જણાવ્યું કે પોતે પાંડુની દીકરીના સંપર્કમાં પણ છે. પાંડુ એટલે ભૂપેનની સાથે મુંબઈથી આવેલો તેમનો 'ઘાટી'. બન્નેને એકબીજા વિના ચાલે નહીં. મહેન્દ્ર દેસાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું છે એમ: ભૂપેન આપણને પૂછે કે 'ચા પીવી છે?' આપણે 'હા' પાડીએ તો ભૂપેન પોતે ઊભા થઈને ચા મૂકવા જાય. કહે, પાંડુ અત્યારે સૂઈ ગયો હશે.' બન્ને એકમેકની દરકાર રાખે એવા.
એક વાર ભૂપેન કહે, 'પાંડુ, તારો કોઈક સગો રોજ સવારે બાથરૂમમાં નહાવા આવે છે, અને કપડાં ધુએ છે. એ બહુ અવાજ કરે છે. એને કહે ને સહેજ મોડો આવે!' આ સાંભળીને પાંડુ નવાઈથી કહે, 'મારો સગો? હું તો એને ઓળખતોય નથી. મને તો એમ કે એ તમારો કોઈ ઓળખીતો હશે.'
બીજા દિવસે એ ભાઈ આવ્યા એટલે ભૂપેન અને પાંડુ બન્નેએ એની પૂછપરછ કરી. ખબર પડી કે એ તો બાજુના મકાનમાં બાંધકામ ચાલે છે ત્યાંનો સુપરવાઈઝર છે. બન્ને એને વઢ્યા અને કહ્યું કે હવેથી કપડાં ધોવા મોડો આવજે અને અવાજ ઓછો થાય એ રીતે કપડાં ધોજે.

ભૂપેન ખખ્ખર 

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Sunday, April 13, 2025

એક પણ છેડો છૂટવો ન જોઈએ

સર્જકની સર્જકતાના મૂળ સુધી પહોંચવાની કવાયત આપણને સૌને ગમતી હોય છે. જેમ કે, ધૂમકેતુની વાર્તામાં આવતી પોસ્ટ ઑફિસ હકીકતમાં ફલાણા ગામની હતી, યા રજનીકુમાર પંડ્યાની નવલકથા 'કુંતી' મૂળ ફલાણી સત્યઘટના પરથી પ્રેરિત હતી વગેરે...આવી કવાયતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્જક આવાં સ્થળો કે ઘટનાઓનો ઊપયોગ કેવળ 'બીજ' તરીકે કરતો હોય છે. અસલી ચીજ છે તેની સર્જકતા. એ જ ઘટના કે સ્થળ બીજા અનેકોને ખબર હશે, પણ આવું સર્જન સર્જક જ કરી શકે.

ભૂપેનની જીવનકથા પર કામ કરતાં કરતાં શરૂઆતમાં અમારા મનમાંય કંઈક આવો ખ્યાલ હતો. તેમણે કયા સ્થળનું ચિત્ર દોર્યું? કયા માણસનો ચહેરો ચીતર્યો? જો કે, બહુ ઝડપથી એ ખ્યાલ આવી ગયો કે આવી કવાયતનું એક હદથી વધુ મહત્ત્વ નથી. ચિત્રકારે આવાં સ્થળ, વ્યક્તિ કે પ્રસંગનો આધાર લઈને ખરેખર તો પોતાની અલાયદી સૃષ્ટિ રચી છે. ભૂપેને પોતે લખ્યું છે, 'મારા ચિત્રોમાં મારા જીવનને ન શોધશો.'
ભૂપેનની મંડળીમાં હીરાભાઈ પટેલ નામના એક વૃદ્ધ સજ્જન હતા, જે ધોતિયું, ઝભ્ભો અને ટોપીના પોતાના પોષાકથી સાવ આગવા તરી આવતા. ભૂપેનથી વયમાં તે ચૌદેક વર્ષ મોટા. તેમનું અવસાન 2010માં થઈ ગયું, પણ અમે તેમના દીકરા હર્ષદભાઈને મળ્યા. હીરાભાઈ મૂળ કુંવરપુરા ગામના હતા, જે કાયાવરોહણ નજીક આવેલું છે. ભૂપેને ચીતરેલા 'સત્સંગ' શિર્ષક ધરાવતા ચિત્રમાં કુંવરપુરાનું દૃશ્ય છે કે કેમ, એ માટેના સ્કેચ દોરવા ભૂપેન કુંવરપુરા ગયેલા કે કેમ વગેરે પ્રશ્નો અમે કર્યા. જો કે, હર્ષદભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભૂપેન કદી કુંવરપુરા આવ્યા નહોતા.
ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈનને હીરાકાકા પોતાના પોષાકને લઈને યાદ રહી ગયેલા. હીરાકાકાને ભૂપેને એકાદ ચિત્રમાં પણ સ્થાન આપ્યું છે. મૂળ વાત એટલી કે જીવનકથાના આલેખન દરમિયાન એક પણ છેડો છૂટવો ન જોઈએ. એનું આલેખન થાય કે ન થાય, પણ એને તપાસવાનો બાકી ન રખાય.

'ગુરુ જયંતિ'માં ડાબે વચ્ચે ઊભેલા સજ્જન કદાચ હીરાભાઈ છે.

'સત્સંગ' ચિત્ર

અતુલ ડોડિયાએ 'શ્રી ખખ્ખર પ્રસન્ન' પ્રદર્શનમાં 
'ભૂપેન મંડળી'ના સભ્યોને આપેલી અંજલિ

ભૂપેન મંડળી (ડાબેથી): વલ્લવભાઈ, ભૂપેન,
હીરાભાઈ અને બ્રાયન
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(પ્રથમ ત્રણ તસવીરો: ઈન્‍ટરનેટ પરથી) 

Monday, March 31, 2025

એક ચિત્રકારના જીવનના રંગોની ઝલક આપતા પુસ્તકનું લોકાર્પણ

કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી એ દિવસ આખરે આવ્યો 30 માર્ચ, 2025ના રોજ. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું સાંજના સાડા પાંચે વડોદરાની સર્જન આર્ટ ગેલરી ખાતે યોજાયેલું વિમોચન.

2016થી આરંભાયેલા આ પ્રકલ્પમાં અનેક પડાવો આવ્યા. આશા, નિરાશા, આશાભંગથી લઈને છેવટે આ આખરી પડાવ. પુસ્તક મુદ્રણ માટે ગયું, પણ એ પહેલાં એના વિમોચનની તારીખ નક્કી થઈ ગયેલી. એને કારણે સહેજ દબાણ પણ ઊભું થયું. છેવટે સૌ સમૂસૂતરું પાર ઊતર્યું.
સર્જન આર્ટ ગેલરી, વડોદરાના હીતેશ રાણાએ આખા કાર્યક્રમનું યજમાનપદ સામે ચાલીને માગી લીધેલું. તેમના શબ્દો: 'તમારે કરવાનું હતું એ તમે કરી દીધું. હવે મને કરવા દો.' ભૂપેન માટે રાણાબંધુઓ (બીજા ભાઈ કમલ રાણા)નો પ્રેમ આ રીતે જોવા મળ્યો.

કાર્યક્રમની તમામ જવાબદારી માથે
લઈ લેનાર હીતેશ રાણા

કાર્યક્રમ અતિશય આત્મીય, અંતરંગ અને અનૌપચારિક બની રહ્યો. કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા પ્રમોદભાઈ શાહ, જે ભૂપેન સાથે 'જ્યોતિ લિ.'માં કામ કરી ચૂકેલા. બન્ને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પણ બન્નેનાં રસરુચિ સાવ અલગ. પ્રમોદભાઈએ ભૂપેન માટેના સ્નેહવશ કાર્યક્રમનું મુખ્ય અતિથિપદ સ્વીકારીને પોતે ગૌરવાન્વિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી.
આમ, કાર્યક્રમમાં મંચ પર કુલ ચાર વ્યક્તિઓ- હીતેશ રાણા, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, પ્રમોદભાઈ શાહ અને મારી- બીરેન કોઠારી-ની હાજરી હતી. જો કે, મંચ નહીં, પણ બેઠક હોવાથી કાર્યક્રમની અનૌપચારિકતા ત્યાંંથી સ્થાપિત થઈ જતી હતી.
કાર્યક્રમનું સંચાલન એશિતા પરીખ કરવાનાં હતાં. તેમણે ઘણી તૈયારી કરીને કાર્યક્રમની અનૌપચારિકતા જળવાઈ રહે એનું ધ્યાન રાખ્યું.
કાર્યક્રમ અગાઉ 'ગોળની ચા'ની વ્યવસ્થા હતી, જેનો સ્વાદ માણીને સૌએ પોતાની બેઠક લેવાની હતી.
કાર્યક્રમનો આરંભ વસંતભાઈ દવેના પ્રાર્થનાગાનથી થયો. એ પછી મોહનભાઈ બારોટે પોતાના તરફથી સૌનું સ્વાગત કર્યું. હીતેશ રાણાના પરિવારે એ પછી પુષ્પગુચ્છ અને ભૂપેનના બસ્ટની રેપ્લિકાથી પ્રમોદભાઈ, અમરીશભાઈ અને મારું સન્માન કર્યું. હીતેશ રાણાના સ્વાગતવચનથી આરંભાયેલા કાર્યક્રમમાં તેમણે ભૂપેન સાથેના થોડા કિસ્સા જણાવ્યા, જેમાં સલમાન રશ્દીવાળો કિસ્સો પણ હતો. સર્જન આર્ટ ગેલરીને આગળ લાવવામાં ભૂપેનનું કેવું પ્રદાન હતું એની તેમણે વાત કરી. એ પછી વક્તવ્ય હતું પ્રમોદભાઈનું. 89 વર્ષના પ્રમોદભાઈએ ભૂપેન સાથેના પોતાના કાર્યકાળને યાદ કર્યો. ભૂપેન કઈ હદે પોતાના ધ્યેય બાબતે સ્પષ્ટ હતા, તેમજ પોતાનાં ચિત્રો બાબતે તેઓ કેટલા હેતુલક્ષી હતા એની તેમણે વાત કરી.
મુખ્ય અતિથિ પ્રમોદભાઈ શાહ

ત્યાર પછી પુસ્તકનું વિમોચન યોજાયું. એ વખતે ઉપસ્થિત આમંત્રિતોમાંથી વરિષ્ઠ ચિત્રકાર વલ્લભભાઈ શાહ, કમલ રાણા, ભૂપેનના ભાઈ નરેશભાઈના પૌત્ર ધવલ ખખ્ખર તેમજ સાર્થક પ્રકાશનના ઉર્વીશ કોઠારી પણ જોડાયા.

વિમોચન દરમિયાન (ડાબેથી) એશિતા પરીખ, કમલ રાણા,
 ઉર્વીશ કોઠારી, હીતેશ રાણા, બીરેન કોઠારી, પ્રમોદભાઈ શાહ,
 ધવલ ખખ્ખર, અમરીશ કોન્
ટ્રાક્ટર અને વલ્લભભાઈ શાહ

પુસ્તકનું મુખપૃષ્ઠ 

વિમોચન પછી મારે પુસ્તકની સર્જનપ્રક્રિયા વિશે વાત કહેવાની હતી. આ પુસ્તકને પૂર્ણ થતાં નવ વર્ષ કેમ લાગ્યાં, એમાં કેવી કેવી મદદ મળી રહી અને આ પુસ્તકમાં શું છે તેમજ શું નથી એ બધાની વિગતે વાત થઈ.

બીરેન કોઠારી દ્વારા સર્જનપ્રક્રિયાની વાત

છેલ્લે વારો હતો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરનો. પોતાના પિતાજી અને ભૂપેનકાકાની દોસ્તીના તર્પણરૂપે આ પુસ્તક તૈયાર કરાવવાનો તેમને વિચાર આવ્યો અને તેનો અમલ શી રીતે કર્યો એની તેમણે સંવેદનાત્મક રીતે વાત કરી.

પ્રતિભાવ આપતા અમરીશ કોન્ટ્રાક્ટર

મુખ્ય વક્તવ્યો પછી શ્રોતાઓમાંથી કોઈને ભૂપેન સાથેનાં સંભારણાં હોય તો કહેવા માટે આમંત્રણ અપાયું. એમાં કમલ રાણાએ પોતાને ભૂપેન શી રીતે મદદરૂપ થયા એની બહુ લાગણીસભર વાત કરી. એ પછી બિપીનભાઈ ત્રિવેદીએ જમ્બુસરની કૉલેજના પોતાના કાર્યકાળ દરમિયાન ભૂપેન સાથેની પોતાની એક મુલાકાત યાદ કરી. હીરાભાઈ પટેલના દીકરા હર્ષદભાઈએ પણ ભૂપેન અને હીરાભાઈની દોસ્તીને યાદ કરી.
કાર્યક્રમ પછી હાઈ ટીની વ્યવસ્થા હતી, તેમજ પુસ્તક પણ વેચાણ માટે ખુલ્લું મૂકાયું હતું. આવા કાર્યક્રમ પછી ચાની ચુસકીઓ લેતાં લેતાં, સમોસાનાં બટકાં ભરતાં અને વેફરના ભચડ ભચડ અવાજ વચ્ચે સ્નેહીઓ-મિત્રો, જાણીતા- અજાણ્યા સૌને મળવાની મજા જ ઓર હોય છે.

પુસ્તકના વેચાણ વિશે:
ગુજરાતીમાં લખાયેલા આ પુસ્તકની મૂળ કિંમત 450/ રૂ. છે, પણ આરંભિક વળતર તરીકે પંદર દિવસ સુધી તે 350/માં ઉપલબ્ધ રહેશે. પાંચ નકલ અથવા એથી વધુ નકલ માટેની કિંમત 300/ છે.
પુસ્તક ઘરબેઠે મંગાવવા માટે વોટ્સેપ યા ફોન: કાર્તિકભાઈ શાહ 98252 90796

Sunday, June 11, 2023

કેળવણીનો કર્મયોગ: આલેખનની સફર

 ભરૂચની મિટી સ્કૂલના પરિવાર સાથે એકાદ દાયકા પહેલાં પરિચય થયેલો એ પછી અનિયમિતપણે તેના સંચાલક રણછોડભાઈ સાથે ફોનવ્યવહાર સ્થપાયેલો. આ શાળાના મુખપત્ર મૈત્રી-સેતુ થકી મિટીની ગતિવિધિઓની જાણકારી મળતી રહેતી હતી. આ ઉપરાંત તેમનું કોઈ નવું પુસ્તક પ્રકાશિત થાય એ તેઓ મોકલે એટલે એના વિશે પણ વાત થતી રહેતી. તેઓ વડોદરા આવે અને રોકાવાના હોય ત્યારે ખાસ જાણ કરે. શક્ય હોય તો અમે મળીએ અને વિવિધ વિષય પર વાતો કરીએ. આવા જ ક્રમમાં 2018ના ઑક્ટોબરમાં તેમનો ફોન આવ્યો. મિટી સ્કૂલ વિશે પુસ્તક તૈયાર કરવા અંગે તેઓ વિચારી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. એ સમયે દિવાળી નજીક હોવાથી અમે દિવાળી પછી રૂબરૂ મળવાનું ઠરાવ્યું. દરમિયાન મિટી અંગેના પુસ્તકની સૂચિત રૂપરેખા તૈયાર કરીને મેં તેમને મોકલી આપી હતી.

2018ની દિવાળી પછી અમે વડોદરાની એમિકસ સ્કૂલમાં મળ્યા, ત્યારે પ્રવિણસિંહ રાજ સાથે પહેલવહેલી વાર મુલાકાત થઈ. પુસ્તક બાબતે આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે મારું પ્રાથમિક સૂચન એવું હતું કે પુસ્તકનું આલેખન રણછોડભાઈ પોતે જ કરે અને તેમાં હું સંપાદકીય કાર્ય પૂરતી સહાય કરું. આ સૂચન સકારણ હતું, કેમ કે, રણછોડભાઈએ શિક્ષણના વિવિધ આયામોને પોતાનાં પુસ્તકોમાં દર્શાવ્યા છે એ વિશે હું માહિતગાર હતો. જો કે, રણછોડભાઈએ સ્પષ્ટપણે કહ્યું કે પોતે ઍમિટી વિશે પુસ્તક કદાચ લખી શકે, પણ લખવા માંગતા નથી, બલ્કે કોઈ ત્રીજી વ્યક્તિ એનું આલેખન કરે એ વધુ વાજબી ગણાય, કેમ કે, એ રીતે નિષ્પક્ષ આલેખન થાય, અને પોતે એમ જ કરાવવા ઈચ્છે છે. તેમની આવી વૈચારિક સ્પષ્ટતાનો અનુભવ પછી તો મને અનેક વાર થતો રહેવાનો હતો, પણ એ તબક્કે એ કામ મને સોંપવામાં આવ્યું.

બહુ ઝડપથી અમે એ મુદ્દે સંમત થઈ ગયા કે આ પુસ્તકનો મૂળભૂત હેતુ શો હોવો જોઈએ. કેવળ વિદ્યાર્થીઓની સફળતાની ગાથાઓ, પરિણામની ટકાવારીના ચાર્ટ કે તેમણે અપનાવેલી ઉચ્ચ કારકિર્દીનો મહિમા કરવાનો ઉપક્રમ આ પુસ્તકમાં ન હોવો જોઈએ. તેને બદલે શિક્ષણને સમર્પિત હોય એવી કોઈ વ્યક્તિ ટાંચા સ્રોત કે સાધનો હોવા છતાં શાળા શરૂ કરવા કે પોતાની શાળામાં કશુંક નક્કર કરવા ઈચ્છે તો તેને કંઈક દિશાસૂચન મળી શકે એ બાબત આ પુસ્તકમાં આંતરપ્રવાહ તરીકે આવવી જોઈએ. આ ઉપરાંત સારા વાંચનમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિને એમાં વાંચનનો આનંદ મળવો જોઈએ. આટલી પ્રાથમિક બાબતો નક્કી થઈ એ પછી શરૂ થયું ખરેખરનું કામ.

રણછોડભાઈના પુત્ર અને ભરૂચ તેમજ વડોદરાની એમિકસ સ્કૂલના સંચાલક ઉત્પલ શાહ સપ્તાહમાં બે વખત વડોદરાથી ભરૂચ જતા. અગાઉથી નક્કી કરીને તેમની સાથે મારી ભરૂચની મુલાકાત ગોઠવાતી. હું ભરૂચ પહોંચું એ પછી ભરચક કાર્યક્રમ રહેતો. વિવિધ લોકો સાથે અગાઉથી નક્કી કર્યા મુજબ વાતચીતની બેઠક ગોઠવાતી. સવારના લગભગ સાડા દસથી બપોરના સાડા ત્રણ-ચાર સુધીના મારા ભરૂચના રોકાણની મિનિટે મિનિટનો સદુપયોગ થઈ જાય એ રીતે આયોજન કરવામાં આવતું, અને છતાં કામનું દબાણ કે તાણ પેદા થવાને બદલે એનો આનંદ આવતો. છએક મહિના સુધીનો સમયગાળો એવો રહ્યો કે લગભગ દર સપ્તાહે ઓછામાં ઓછો એક વખત હું ભરૂચ હોઉં જ. આ અરસામાં ઍમિટીના પરિવારજનો અને ત્યાંના માહોલથી ઠીક ઠીક પરિચિત થતો ગયો. મારી દરેક મુલાકાત વખતે મને એ જ રીતે આવકાર મળતો, જેવો પહેલી વારની મુલાકાત વખતે મળેલો. ઍમિટીની સંસ્કૃતિનો પરિચય મને ઘણોખરો આ રીતે થતો ગયો. (આ સંસ્કૃતિના એક અંશનો પરિચય કરાવતો લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.) 

શાળાના આરંભકાળથી નિયમિતપણે પ્રકાશિત થતા શાળાના મુખપત્ર મૈત્રી-સેતુના તમામ અંકો મારા માટે માહિતીનો મુખ્ય આધાર બની રહ્યા. એમાં લખાયેલી અનેક બાબતોની સચ્ચાઈ મને આ મુલાકાતો દરમિયાન અનુભવવા મળી. રણછોડભાઈ, પ્રમેશબહેન, સંગીતાબહેન ઉપરાંત કોર ગૃપનાં આચાર્ય/આચાર્યા પ્રકાશભાઈ મહેતા, સરોજબહેન રાણા, રીનાબહેન તિવારી, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય, દર્પણાબહેન પાટીલ અને તેમના ગયા પછી નિમાયેલાં તોરલબહેન પટેલ, હેતલબહેન મેનગર, તેમજ કેતકીબહેન ભાવસાર સાથે નિયમિતપણે થોડો સમય ગાળવાનો બનતો ત્યારે અહીંની કાર્યસંસ્કૃતિનો પરિચય થતો. સૌનો પૂરેપૂરો આગ્રહ એવો કે વિગતોને સીધેસીધી લેવાને બદલે મારે જાતઅનુભવના આધારે અમુક બાબતો આલેખવી. જેમ કે, કોઈ કાર્યક્રમ સફળતાપૂર્વક રજૂ થાય એમાં હાજરી આપું એ બરાબર, પણ એ કાર્યક્રમનું આયોજન ક્યારથી શરૂ થયું, શી રીતે એનું સ્વરૂપ ઘડાતું ગયું, સૂચનો મળતાં ગયાં- આ બધી પ્રક્રિયાના સાક્ષી મારે બનવું એવો તેમનો અનુરોધ અને મારું પણ એ ગમતું કામ.

યોગાનુયોગ એવો થયો કે 2021ના આરંભિક અરસામાં રણછોડભાઈના ભરૂચના મકાનનું કામ શરૂ થયું અને એ કારણે તેમણે કામચલાઉ ધોરણે વડોદરા રહેવા આવવાનું બન્યું. આ તકનો અમે ભરપૂર લાભ લીધો. દર સપ્તાહે ઓછામાં ઓછું એક વખત મળવાનું અમે નક્કી રાખતા. પુસ્તક વિશેની અને પુસ્તક સિવાયની પણ અનેક બાબતોની ચર્ચા થતી. આ બેઠકને કારણે પુસ્તકમાં સમાવી શકાય એવી બીજી અનેક બાબતો સૂઝતી ગઈ, અને અમે તેને પુસ્તકમાં સમાવતા ગયા.

વચગાળામાં 2020-21નાં કોવિડનાં આકરાં વરસ આવ્યાં અને તેમાં શાળાના સ્થાપક પૈકીના એક એવા પ્રવિણસિંહ રાજને ગુમાવવાના થયા. (પ્રવિણસિંહ રાજને શ્રદ્ધાંજલિ આપતો લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.) તેમની સાથે નિરાંતે બેઠક કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. બીજી અનેક બાબતો કદાચ આ પુસ્તકમાં સમાવી ન શકાઈ હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહી શકાય કે શક્ય એટલી મહત્ત્વની બાબતોને સમાવવાનો પ્રયાસ આ આલેખનમાં કર્યો છે-એવી બાબતો કે જે ઍમિટીના ચરિત્રની ઝલક આપે. સાડા ત્રણ દાયકાના સમયગાળાની એકેએક વિગતોને સમાવવી શક્ય પણ નથી, અને એવો ઉપક્રમ પણ નથી.

આ પુસ્તકના આલેખન દરમિયાન ભરૂચમાં અને વડોદરામાં વિવિધ વ્યક્તિઓને મળવાનું બન્યું. એમાંના ઘણા ઍમિટીની વિવિધ ગતિવિધિઓના સાક્ષી બની રહ્યા હતા, અમુક ઍમિટીમાં કાર્યરત રહી ચૂક્યા હતા, તો કેટલાક હજી પણ કાર્યરત હતા. આ વાતચીતમાં ઍમિટીનાં અનેક પરિમાણ મારી સમક્ષ ઊઘડતાં ગયાં. પુસ્તકના આલેખનમાં આ તમામ બાબતો મને ઉપયોગી થઈ પડી.

આલેખન દરમિયાન અનેક સ્નેહીઓ મદદરૂપ બની રહ્યાં. મૈત્રી-સેતુના તમામ અંકોનાં પાનાં ફેરવીને તેમાંથી મહત્ત્વની નોંધ તૈયાર કરવામાં મિત્ર પરેશ પ્રજાપતિએ સન્નિષ્ઠ રીતે મહેનત કરી છે. વિવિધ માહિતીની વખતોવખત જરૂર પડી ત્યારે સરોજબહેન રાણાએ એ ત્વરિત પૂરી પાડી. સરોજબહેનને 'ઍમિટીનો એન્સાયક્લોપિડીયા' કહું તો જરાય અતિશયોક્તિ નથી. પ્રકાશભાઈ મહેતાએ અનેક અંતરંગ બાબતો જણાવી. 

પુસ્તકની હસ્તપ્રત નિયત સમયમર્યાદામાં ચોકસાઈથી શ્રી વિજયસિંહ ઘરીઆએ ચકાસી આપી, તો પુસ્તકની નયનરમ્ય સજાવટ તેમજ મુખપૃષ્ઠ તૈયાર કરવામાં અમદાવાદના કલાકાર ફરીદ શેખનું પ્રદાન મહત્ત્વનું બની રહ્યું. 

ભૂજના શિક્ષણવિદ્‍ હરેશભાઈ ધોળકિયાએ સમગ્ર પુસ્તકમાંથી પસાર થઈને પ્રોત્સાહક  પ્રસ્તાવના લખી મોકલી એનો વિશેષ આનંદ. 

એક સમર્પિત શિક્ષણસંસ્થાની સાડા ત્રણ દાયકાની સફરનું આલેખન કરતા આ પુસ્તકનું લોકાર્પણ આજે 11 જૂન, 2023ના રોજ, તેના 38મા સ્થાપના દિને, ઍમિટી સ્કૂલ, ભરૂચ ખાતે થઈ રહ્યું છે. તેનો આનંદ, અને સંકળાયેલા સહુ કોઈને અભિનંદન. 

આ પુસ્તક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત સારા વાંચનમાં રસ ધરાવતા સહુ કોઈ માટે છે. 

(પુસ્તકની વિગત: કિંમત 650/ રૂ. પૃષ્ઠસંખ્યા: 248 + 32 + 16, મંગાવવા માટે સંપર્ક: 99798 61633, ઈ-મેલ: amityschool1986@gmail.com) 




Friday, May 26, 2023

ભેટમાં મળેલા મિત્ર અને તેમની મૈત્રી

યોગેશભાઈ અને ગીતાબહેન સાથેનો મારો પરિચય માંડ દસકા જૂનો. ખરેખર તો તેમની મૈત્રી મને ભેટમાં મળેલી છે. અમેરિકાસ્થિત હાસ્યલેખક (હવે તો સ્વ.) હરનીશ જાની સાથે મારો ઈમેલ અને બ્લૉગ દ્વારા પરોક્ષ પરિચય. ચોક્કસ યાદ નથી, પણ 2012નો ઉત્તરાર્ધ હોય કે 2013નો પૂર્વાર્ધ, હરનીશભાઈ ભારતની મુલાકાતે હતા. એ દરમ્યાન સુરતથી એક વાર તેમની સાથે ફોન પર વાત થઈ અને તેમણે જણાવ્યું કે પોતે વડોદરા આવવાના છે. નક્કી કરેલા દિવસે તેઓ વડોદરા આવ્યા અને જેમને ત્યાં ઉતર્યા હતાં એ મિત્રને ઘરે મળવાનું નક્કી થયું. સરનામું સમજવા એ મિત્ર સાથે મેં વાત પણ કરી. સરનામું બરાબર સમજીને કામિની અને હું ઉપડ્યાં એ મિત્રનાં ઘેર. હરનીશભાઈ અને હંસાબહેન સાથે પહેલી વાર મુલાકાત થઈ. ખૂબ હસીમજાક કરી. તેમના યજમાનમિત્ર અમારી વાતમાં નડતરરૂપ ન થવાય એમ અમને સહયોગ આપી રહ્યા હતા એ જોઈને બહુ આનંદ થયો અને સારું પણ લાગ્યું. એ મિત્રદંપતી એટલે યોગેશભાઈ અને ગીતાબહેન પુરોહિત. હરનીશભાઈ સાથેની એ રૂબરૂ મુલાકાત પહેલી હતી અને છેલ્લી પણ!

છૂટા પડતાં યજમાન યોગેશભાઈને ઔપચારિકપણે ‘આવજો’ કહ્યું અને સંપર્કમાં રહીશું એમ અમે વાત કરી. જો કે, એટલા અલ્પ સંપર્કે અમારો પરિચય આગળ વધે એ સંભાવના ઓછી. સિવાય કે બેમાંથી કોઈ એક જણ એ માટેની પહેલ અને પ્રયત્ન કરે. એ કામ યોગેશભાઈએ કર્યું. થોડા દિવસમાં જ તેમનો ફોન આવ્યો અને બહુ પ્રેમપૂર્વક તેમણે મળવાનું ગોઠવ્યું. હરનીશભાઈ ગયા, પણ ભેટરૂપે તેઓ પુરોહિત દંપતી સાથેની આનંદદાયી મૈત્રી આપતા ગયા. એ પછી એમની સાથે અનિયમિતપણે, છતાં નિયમિત રીતે મુલાકાત થતી રહી છે. એ મુલાકાતોનાં પરિણામરૂપી સુફળ એટલે ‘મંઝિલ વિનાની સફર’ નામનું આ પુસ્તક. આ પુસ્તકની તેની મંઝિલ સુધી પહોંચવાની સફર પણ રસપ્રદ છે.

2013ના ઑક્ટોબરમાં અમે ‘સાર્થક જલસો’ નામનું છમાસિક આરંભ્યું. એમાં યોગેશભાઈએ અમને ઉમદા સહયોગ કર્યો. તેમની સાથે ઘણી વાર તેમનાં વતન રાજપીપલા અંગે વિવિધ વાતો નીકળતી. એ ધ્યાનમાં રાખીને મેં તેમને રાજપીપલાનાં તેમનાં સંસ્મરણો આલેખવા વિનંતી કરી. તેમણે એ કર્યું પણ ખરું. એ વાંચીને મને બહુ મઝા આવી, સાથે એમ પણ લાગ્યું કે એને હજી વિસ્તારી શકાય એમ છે. બસ, એ પછી એમાં ઝોલ પડ્યો. અલબત્ત, યોગેશભાઈએ એને આગળ વધારીને પોતે એસ.એસ.સી. પાસ થયા ત્યાં સુધી લખ્યું હતું. મારી પાસે એ લખાણ ઘણો સમય પડી રહ્યું.

વચગાળામાં એક વાર તેમણે મારા બ્લૉગ માટે સંગીતકાર જમાલ સેન સાથેનાં પોતાનાં જોડાણ વિશે એક લેખ લખી આપ્યો હતો, જે બહુ વિશિષ્ટ હતો.

યોગેશભાઈએ પોતાનાં સંસ્મરણાત્મક લખાણને પુસ્તિકારૂપે તૈયાર કરવા સૂચવ્યું. તેમનો હેતુ કેવળ પોતાના પરિવાર પૂરતાં દસ્તાવેજીકરણનો હતો. જો કે, સાવ આટલી ઓછી વિગતો મને અપૂરતી લાગતી હતી. આથી અમારી એક બેઠક દરમ્યાન એ બાબતે અમે સંમત થયા કે યોગેશભાઈ આ લખાણને પોતાનાં લગ્નજીવન અને એ પછી બન્ને સંતાનોના જન્મ સુધી આગળ વધારે, જેથી એક ચોક્કસ સમયગાળો તેમાં અધિકૃત રીતે આવરી શકાય. સૂચન સારું હતું, પણ સવાલ તેના અમલનો હતો. યોગાનુયોગે પુરોહિતદંપતીને 2022ના પૂર્વાર્ધ દરમ્યાન પોતાના દીકરા જીગરને ત્યાં દુબાઈ રહેવા જવાનું બન્યું. તેમનું દુબાઈનું રોકાણ ફળદાયી નીવડ્યું. ગીતાબહેને મને જૂન મહિનામાં ખુશીના સમાચાર આપતો સંદેશો મોકલ્યો કે યોગેશભાઈએ લખાણ સંપન્ન કરી દીધું હતું.

ભારત પાછા આવ્યા પછી એ લખાણ વાંચતાં મને જે લાગ્યું તે કંઈક આવું. તેમાં આલેખાયેલી સફર ભલે યોગેશભાઈની વ્યક્તિગત સફર હોય, પણ ખરેખર તો એ એક આખા કાળખંડની, ખાસ કરીને સ્વાતંત્ર્ય પૂર્વેનાં કેટલાંક વરસોની ઝાંખી છે. અભાવ અને ઓછપ નિરપવાદ પરિબળો હતાં, સંસાધનો મર્યાદિત હતાં એવે સમયે એકમેકની હૂંફથી શી રીતે લોકો આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવતાં, એ આજના હાડોહાડ ઉપભોક્તાવાદના યુગમાં માની ન શકાય એવી બાબત લાગે. તેમની આ સફર તેમના એકલા પૂરતી મર્યાદિત ન રહેતાં વાચક પણ તેમાં હમસફર બની રહે છે. તેમણે આલેખેલાં પાત્રો અને માહોલ આપણા માટે અજાણ્યાં હોવા છતાં જાણે કે આપણા પરિચિત બની રહે છે.

હવે આ લખાણને પુસ્તકરૂપ આપવા માટે તેની પર જરૂરી સંસ્કાર કરવાના હતા. એ ધીમે ધીમે કરતા ગયા. 13 મી મે યોગેશભાઈ અને ગીતાબહેનની લગ્નતિથિ હોવાથી એ દિવસે તેનું વિમોચન કરવાનું નક્કી કર્યું. આખરે એ પુસ્તક તૈયાર થઈ ગયું. આરંભ થયા પછી અમારી મૈત્રીનું એક નાનકડું વર્તુળ આમ પૂરું થયાનો આનંદ.

13મે, 2023ની સાંજે, એક અંતરંગ કાર્યક્રમમાં મર્યાદિત સ્નેહીઓ વચ્ચે આ પુસ્તકનું વિમોચન થયું. એ નિમિત્તે યોગેશભાઈ અને ગીતાબહેનને શુભેચ્છાઓ.


Wednesday, February 22, 2023

સાહિત્ય-બાહિત્ય (7)

 સેશન શરૂ થતાં પહેલાં

“સર, એક સેલ્ફી પ્લીઝ!”
“ઓહ શ્યોર. વ્હાય નૉટ? બટ જસ્ટ એ ક્વેશ્ચન. વ્હાય નાઉ?”
“સર, તમે આ સેશનમાં જાવ એ પછી તમારી સાથે સેલ્ફી માટે પડાપડી થઈ જશે. તો મને થયું કે ઍડવાન્સમાં....”
“સેશન? યૂ મીન અહીં ટી.એન.શેષન આવવાના છે?”
“ઓહ નો, સર! સેશન, સેશન...સેશન્સ કોર્ટ હોય છે ને એ...”
“ઓહ! ગૉટ ઈટ. મોબાઈલ સેશન્સ કોર્ટ, પેન્ડિંગ કેસિસ, પેલું શું કહે છે લોક...લૉક...અરે ભાઈ! તમે ક્યાં ચાલ્યા? સેલ્ફી લેવાનું કહેતા હતા તે?”
“જવા દો. તમે અગાઉના બિલ્ડિંગ મટીરિયલ એક્ઝિબિશનના સ્ટૉલ હજી ઉઠાવ્યા નથી, એમાં.......”
*****

સેલ્ફી વીથ સેલિબ્રેટેડ
“ઓ ભાઈ, ઓ અન્કલ! બે મિનિટ કાઢશો મારા માટે?”
“બોલોને સાહેબ! બે મિનિટ શું, બે કલાક પણ કાઢું તમે કહેતા હો તો. આજે હજી પહેલો દિવસ છે એટલે બધું ગોઠવવાનું ચાલશે. એ તો માણસો કર્યા કરશે. અને ઘરાક તો કોઈ ખાસ આવવાના નહીં આજે.”
“તમે સહેજ અહીં ઊભા રહો. પાછળ તમારા આ સ્ટૉલનું બૅનર વંચાય એ રીતે. તમારી સાથે સેલ્ફી લઈ લઈએ એક.”
“સેલ્ફી? મારી સાથે? સાહેબ, કશી ગેરસમજ થાય છે આપની. હું તો આ સ્ટૉલનો કૉન્ટ્રાક્ટર છું. કોઈ લેખકબેખક નથી. મારી સાથે આજદિન સુધી કોઈએ સેલ્ફી લીધી નથી- મારી ઘરવાળીએ પણ નહીં.”
“હવે યાર, તમે આમ ઊભા રહોને સરખા! સેલ્ફી લેખકો જોડે જ પડાવાય એવું કોણે કહ્યું? આમ ઉપર જુઓ તો...”
“સાહેબ, માફ કરજો. પણ તમારી હજી કશી ગેરસમજ થાય છે. હું તો આ સ્ટૉલનો કૉન્ટ્રાક્ટર છું.”
“અલ્યા ભઈ, તેં એક વાર કહ્યું એ સાંભળી લીધું. હવે શું એની એ રેકર્ડ વગાડ્યા કરે છે? એ તો મને ખબર છે કે તું લેખક નહીં, કૉન્ટ્રાક્ટર છું. સ્ટેટ્સમાં રહેતા મારા સાળાને ઓછી ખબર છે?”
“હજી ન સમજ્યો, સાહેબ!”
“એટલે જ તું કૉન્ટ્રાક્ટર છો. ઇંગ્લિસ વાંચતા આવડે છે?”
“સાહેબ, અમારે ટેન્ડર ભરવાનાં એટલે એ તો પહેલું શીખવું પડે.”
“સારું. જો આ વાંચ જોઈએ. મારા ફોનમાં મેં શું લખ્યું ?”
“હં....At Book fair. Feeling great with a celebrated Gujarati Writer.”
*****
આવા અનેક પ્રસંગ ધરાવતી, 'અનપ્લગ્ડ' નામની ફેસબુક શ્રેણીનો આરંભ જ અમદાવાદમાં યોજાયેલા પુસ્તકમેળા વખતે થયેલો. એ 'શ્રેણી' બનશે કે કેમ એ પણ ખબર નહોતી. છતાં પુસ્તકમેળો ચાલ્યો એટલા પાંચેપાંચ દિવસ અહીં વિવિધ સંવાદપ્રસંગો લખવામાં આવ્યા. આ કારણે 'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકમાં 'પુસ્તકમેળા'નો પણ અલાયદો વિભાગ રાખવો એ નક્કી હતું. આમ, લેખક-વાચક, પ્રકાશક, ઈનામ-સન્માન સમારંભ, લિટફેસ્ટ ઉપરાંંતનો ચોથો વિભાગ એટલે 'પુસ્તકમેળો'. સાવ શરૂઆતમાં એમ વિચાર્યું હતું કે જે તે વિભાગ શરૂ થાય એટલે આરંભે એ વિભાગનો પરિચય આપતું એકાદું અવળચંડું વાક્ય મૂકવું. જો કે, વિભાજક પર કાર્ટૂન મૂકવાનું નક્કી કર્યું એટલે અવળચંડું વાક્ય લખવાનો વિચાર બાજુએ રહ્યો. હવે સવાલ આવ્યો કે 'પુસ્તકમેળો' વિભાગના વિભાજક પર કયું ચિત્ર બનાવવું?
બહુ વિચારવું ન પડ્યું. 'મેળો' શબ્દ સાંભળતાં તીણો અવાજ ધરાવતાં પિપૂડાં સૌથી પહેલાં યાદ આવે. બસ, એ વિચારને વિકસાવીને તેમાં 'મેળા' સાથે સંલગ્ન અન્ય બાબતો ઉમેરી. કદાચ 'જોકર' જોઈને કોઈને સર્કસ યાદ આવે, પણ પિપૂડું વગાડતો, અને ફુગ્ગા વેચવા માટે હોય છે એવી ફ્રેમમાં પુસ્તકો વેચતો જોકર 'મેળા'નો આભાસ કરાવે એમ લાગ્યું.
અહીં 'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકના વિભાજક 'પુસ્તકમેળો' માટે બનાવેલું મૂળ કાર્ટૂન અને પુસ્તકમાં ઉપયોગમાં લેવાયેલું એ પૃષ્ઠ મૂકેલાં છે.
વિભાજક માટેનું મૂળ ચિત્ર 

પુસ્તકમાં ચિત્રનો ઉપયોગ 


('સાહિત્ય-બાહિત્ય' પુસ્તક મંગાવવા માટે વૉટ્સેપ નં. 98252 90796, કિંમત રૂ. 130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી, પૃષ્ઠસંખ્યા: 120)